સુપર સ્ટાર : ભાગ-૧ Prashant Seta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુપર સ્ટાર : ભાગ-૧

સુપર સ્ટાર

ભાગ - ૧

પ્રશાંત સેતા

3 જુલાઇ, ૨૦૦૫. રવિવાર

એ દિવસે હું મારી ઓફિસનાં કર્મચારી મિત્રો સાથે મુંબઇનાં બાંદ્રા એરીયામાં આવેલા એક પબમાં ગયો હતો. મારા બધા મિત્રો ખુશ હતા કારણ કે એ દિવસે બધાને નોકરીમાં પ્રમોશન્સ મળ્યા હતા, સાથે-સાથે પગારમાં વધારો થયો હતો. ઉપરાંત ખાસ્સુ વાર્ષિક બોનસ પણ મળ્યું હતું. મારી પબમાં જવાની ખાસ ઇચ્છા ન હતી – બે કારણો જવાબદાર હતા. એક, મારો પગાર એક રુપિયાથી પણ વધ્યો ન હતો, પ્રમોશન તો દુરની વાત રહી..!!. અને બીજું, મારા સહકર્મચારી મિત્રો પોતપોતાનાં પ્રેમીઓ સાથે આવવાનાં હતા અને હું એકલો હતો. મારી કોઇ ગર્લફ્રેંડ ન હતી. મારા બાળપણનાં મિત્ર ઇમરાનનાં જ ખુબ આગ્રહથી ખાસ એ લોકો સાથે ગયો હતો. બાકી છેલ્લે બે વર્ષ પહેલા પબમાં ગયો હતો.

ત્રીજું કારણ મને નથી લાગતું કે કહેવું જોઇએ છતાંય કહી દઉં છું - મને પબમાં જવું પરવળતું ન હતું. ૧૮00 રુપિયા એંટ્રી ફી હતી અને અંદર ખર્ચ થાય એ અલગ..!! હજી એક વાત તો કહેવી જ ન જોઇએ છતાંય કહી દઉં છું – મારો ખર્ચો ઇમરાન ઉપાડવાનો હતો. ઇમરાનને ખાસ્સુ એવું બોનસ મળ્યુ હતું કે જેને એ લાયક હતો. બીજા લોકોને પણ વાર્ષિક બોનસ મળ્યું એની ખુશી જ માણતા હતા. પણ ઇમરાનની ઇચ્છા હતી કે હું એ લોકો સાથે એ લોકોની ખુશીનો ભાગીદાર બનું.

“ખર્ચની ચિંતા ના કર..હું આપી દઇશ” ઇમરાને કહ્યું હતું જ્યારે ઓફિસમાં પબમાં જવાનો પ્લાન બનતો હતો ત્યારે.

“યાર..મારી ખાસ ઇચ્છા નથી..” મેં દલિલ કરી હતી

“તો હું પણ કેન્સલ કરૂ છું....” ઇમરાને મને લઇ જવાનું મનોમન નક્કી કરી જ લિધું હતું “યાર તુ મારો ખાસ મિત્ર છે...આપણે આખું બાળપણ સાથે કાઢ્યું છે...તારા વિના મજા ના આવે...”

મેં એક શરત પર હાં પાડી હતી કે પબનો ખર્ચ અત્યારે ભલે એ આપી દે પણ હું મારી પાસે વ્યવસ્થા થતા આપી દઇશ.

ઇમરાનની સરખામણીમાં મારી કારકિર્દી એકદમ તળીયા પર હતી. મને તો બોનસ પણ મળ્યું ન હતું. મારા બોસનાં મત પ્રમાણે મારું પર્ફોરમન્સ સારું ન હતું. વાત તો એની થોડી સાચી હતી કે મારું પર્ફોર્મન્સ સારું ન હતું, પણ એટલુ ખરાબ પણ ન હતું કે મારા પગારમાં સહેજ પણ વધારો ન થાય કે પછી એક રુપિયો બોનસ પણ ન મળે..!! અને આમ પણ કંપનીનાં કેશિયર તરીકે હું શું વધારે પરફોર્મન્સ આપી શકું? કેશિયર માટે બીજી શું કળા કે આવડતની જરૂર હોય? હાં, લોકોને કેશ આપવા અને લેવા સિવાય નાના – મોટા કામ કરતો જેવા કે - બહારથી કંપનીનાં કામે આવતા લોકોનું હોટેલ બુકિંગ કરાવવાનું, કંપનીમાંથી લોકો બહાર જાય એમની આવવા જવાની પ્લેનની કે ટ્રેનની ટીકીટો બુક કરાવવાની તેમજ જ્યાં જતા હોય ત્યાં હોટેલ બુકિંગની વ્યવસ્થા કરવાની...અને એમા પણ કોઇ ખાસ આવડતની જરુર હોતી નથી..!! હું બધું જ કામ સમયસર પતાવી દેતો પણ કામ દિલથી થતું નહી, અને કદાચ મારા કામને દિલથી નહી સ્વિકારવાનાં વલણ ને કારણે જ બે વર્ષથી કેશિયર પદ પર જ હતો.

ખેર, પબની બહાર આવ્યા ત્યારે રાતના ંઅગિયાર વાગ્યા હતા અને મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. અને મુંબઇનો વરસાદ એટલે ચાલુ થયા પછી ૨૪-૪૮ કલાક સુધી બંધ થતો જ નથી..!! પબ બંધ થવાની તૈયારી હતી એટલે અમે લોકો થોડા વહેલા પબની બહાર નીકળી ગયા હતા. પબ બંધ થાય એટલે ટ્રાફિક વધી જાય અને રીક્ષા કે ટેક્ષી મળવામાં તકલીફ પડે એટલે વહેલા-વહેલા પબની બહાર નીકળી જવું અને સમયસર ઘરે પહોંચી જવું એવો પ્લાન હતો..!!

પબની બહાર વરસાદમાં ઊભા પરંતુ એક પણ ટેક્ષી દેખાતી ન હતી. સામાન્ય દિવસે પબની બહાર નીકળો એટલે ટેક્ષીઓ મળી જ જાય પણ એ દિવસે મુશળધાર વરસાદ ચાલુ હતો એટલે કદાચ રોડ પર ટેક્ષીઓની સંખ્યા ઘટી ગઇ હતી. ઇમરાન તેની ગર્લફ્રેન્ડ સાથે એક છત્રી નીચે ગોઠવાયેલો હતો. સાજીદ – શમીના, રોચક - આશા વચ્ચે પણ બે છત્રીઓ હતી. હું એ લોકોની સાથે જ આવ્યો હતો પણ એ પ્રેમી પંખીડાઓથી થોડો દુર ઊભો હતો. એ લોકોની ખુશી સમાતી ન હતી. ઇમરાન, સાજીદ અને રોચકને પ્રોમોશન્સ મળ્યા હતા, નોકરી અને છોકરી બધું સેટ હતું. આશા અને શમીનાને પણ સારો પગાર વધારો મળ્યો હતો. બધાનું સપનું સારી નોકરી કરીને આગળ વધવાનું હતું એટલે એ લોકોની ખુશી સાતમાં આસમાને હોય એ વ્યાજબી હતું. અમે બધા સરખી ઉંમરના જ હતાં છતાંય એ લોકો મારા કરતા ત્રણ ગણા પૈસા કમાતા હતા. એ લોકો માટે હું ‘લુઝર’ હતો. મેં મારી જિંદગીનાં અગત્યનાં ત્રણ વર્ષ મારૂં અશક્ય સપનું પુરુ કરવામાં વેડફી નાખ્યા હતા.

હું છું અનવર અલી ઉર્ફે ‘ લુઝર અનવર ’. ઉંમર ૨૬ વર્ષ, મજબુત બાંધો અને દેખાવમાં રૂપાળો. છ ફુટ ઊંચાઇ અને મજબુત જડબું. હેંડસમ અને ગુડ લુકિંગની કેટેગરીમાં આરામથી મુકી શકાય. અલ્લાએ મારા પર છુટ્ટા હાથે દેખાવ વરસાવ્યો હતો પણ એ દેખાવનો ફાયદો ઊઠાવી શકું એવો નસીબદાર બનાવ્યો ન હતો.

મારો જન્મ મુંબઇમાં થયો અને અહીંયા જ મોટો થયો. મને નાનપણથી હિંદી ફિલ્મો પ્રત્યે ખુબ જ લગાવ હતો. ફિલ્મોમાં કામ કરવાનું જ એક માત્ર લક્ષ્ય હતું. મારું એક જ સપનું હતું કે એક દિવસ હું એક્ટર બનું, ટીવી પર આવું, પછી ધીરે-ધીરે મોટા પરદા પર આવું, અને આખરે એક દિવસ સુપર સ્ટાર બનું. એક પ્રતિષ્ઠિત માણસ જેવી જિંદગી જીવું...!! હું સામન્ય જિંદગી જીવવા માંગતો ન હતો. મારી નાની-નાની આંખોમાં બહું મોટા-મોટા સપનાં હતા – ચોખવટથી કહું તો સુપર સ્ટાર બનવાનાં સપનાં હતા. જાહેરાતોનાં મોટા-મોટા બેનરોમાં ફિલ્મ હીરોનાં ચહેરાઓ જોતો ત્યારે એક જ વાત વિચારતો કે એક દિવસ મારો ચહેરો પણ આવી જ રીતે વપરાય...ઉપરાંત, ફિલ્મનાં પોસ્ટરમાં દેખાતા તમામ હીરોની જગ્યા પર મારો ચહેરો દેખાતો. ફિલ્મોમાં કામ કરવાનું ભુત સવાર હતું એવું બધાનું માનવું હતું. અર્જુનને જેમ માત્ર માછલીની આંખ જ દેખાતી હતી તેમ મને ફિલ્મ જગતનો ભભકો જ દેખાતો હતો.. !!

સુડોળ શરીરની સાથે મારામાં અભિનયની કળા પણ હતી. સ્કુલ અને કોલેજ દરમિયાન એક જ ક્ષેત્રમાં નિપુણતા મેળવી હતી – ડ્રામા. આખરે, મારા સપનાંને હકીકત તરફ દોરવા માટે ગ્રેજ્યુએશન પતાવ્યા પછી મેં ફિલ્મ એક્ટીંગનો કોર્સ કર્યો હતો. એ કોર્સમાં મેં અંદાજે દોઢ લાખ રુપિયા ખર્ચી નાખ્યા હતા. ફિલ્મ ઉધ્યોગમાં જો કોઇ ઓળખાણ ન હોય તો એક્ટીગનો કોર્સ કર્યા પછી પણ કામ મેળવવા માટે ખુબ જ મેહનત અને ભાગદોડ કરવી પડે જે મેં હસતા મોઢે કરી હતી. કોર્સ કર્યા પછી હજારો રુપિયા ખર્ચી પોર્ટફોલીયો (મોડલીંગ ફોટાઓ) બનાવ્યા હતા. એજંટોનાં સંપર્ક કરી તેમની ઓફિસોએ અગણિત ધક્કાઓ ખાધા હતા અને કેટલાઓનાં તો હજારોનાં દારૂનાં બિલો પણ ચુકવ્યા હતા, ફિલ્મ પ્રોડ્યુસરોની ઓફિસોએ ધક્કા ખાઇ-ખાઇને તો નાકે દમ આવી ગયો હતો. ઓડીશન્સ આપવામાં તો મેં પાછળ વળીને જોયું જ ન હતું. નાના–મોટા શહેરમાં નાના-મોટા કોઇ પણ રોલ માટે ઓડીશન આપવા હું પહોંચી જતો. નાનામાં નાની જાહેરાત હોય કે નાટક માટે જરૂરીયાત હોય, ઓડીશન્સમાં મારી હાજરી હમેંશા રહેતી. સારો દેખાવ જાળવી રાખવા માટે સવાર સાંજ જીમમાં જઇ ખુબ શરીર કસ્યુ હતું અને સ્વાસ્થ્ય જાળવવાની નાની-નાની બાબતોનું ધ્યાન રાખ્યું હતું. આટલું કરવા છતાંય મને ક્યાંય નાનું કામ પણ મળ્યુ નહી. મારા સપનાંની વિરુધ્ધ મારા અલ્લાએ મારા માટે કાંઇક અલગ જ લખ્યું હતું. લોકો બહારથી મુંબઇમાં સપનાં સાકાર કરવા આવે છે અને હું તો મુંબઇનો જ હોવા છતાંય મારૂ સપનું સાકાર કરી શકતો ન હતો. જ્યારે મારા મિત્રો ઘરે પગાર આપવા શક્ષમ થઇ ગયા હતા ત્યારે હું હીરો બનવાનાં ચક્કરમાં પૈસા વેડફતો હતો.

આવી રીતે ત્રણ વર્ષ કાઢયા હતા પણ અલ્લાએ સામે જોયું જ ન હતું ..!! એક નાનો રોલ પણ મળ્યો નહી. મારી સમજમાં એક વાત આવતી ન હતી કે એક્ટીંગ કોર્સ દરમિયાન મારા કામનાં ખુબ જ વખાણ થતા અને મને ખુબ જ શાબાશીઓ મળતી છતાંય વાસ્તવમાં એક નાના રોલ માટે પણ નિષ્ફળતા મળતી હતી.

દરરોજ મસ્જીદ ગયો, મંદિર ગયો, ચર્ચ ગયો અને ગુરુદ્વારા પણ ગયો, બધાને મારી ઇચ્છા કિધી પણ વધતી જતી હરીફાઇ અને આ ઉધ્યોગમાં મારા જેવા યુવકોની લાંબી હરોળ હોવાથી કોઇ ભગવાન મને કામ મળવાની પ્રાર્થના સ્વીકારતા ન હતા...!!

ઇમરાન સાથે જે છોકરી હતી તે પહેલા મારી પ્રેમીકા હતી, સુપ્રિયા પાટકર. સુપ્રિયાને પણ મેં ગુમાવી દિધી હતી. હું અને સુપ્રિયા કોલેજમાં ત્રણ વર્ષથી સાથે હતા. અમે બન્ને ગળાડુબ પ્રેમમાં હતા. કોલેજ પુરી થઇ ગયા પછી મેં એક્ટીંગનો કોર્સ કર્યો એ તેને પસંદ ન હતું. મારા એક્ટર બનવાનાં નિર્ણયમાં એ પોતે પણ હોમાઇ જશે એવું તેને લાગતું હતું. મારી કારકિર્દી પસંદગીનો નિર્ણય સુપ્રિયાને બરાબર ન લાગતા તેણે મને છોડવાનો નિર્ણય લિધો હતો. આજે પણ એ દિવસ યાદ છે કે તેણે પાંચ વર્ષ પહેલા મને મોઢા પર “લૂઝર અનવર” કહ્યું હતું અને મને છોડીને જતી રહી હતી. મારા સંઘર્ષનાં સમયે મારો સાથ આપવાને બદલે મને તરછોડી દિધો હતો. હાં, એના શબ્દો સાચા પડ્યા એ વાત સો ટકા સાચી હતી - લૂઝર અનવર.

ખેર, એક્ટીંગનો કોર્સ પતાવ્યા પછીનાં ત્રણ – ત્રણ વર્ષનાં સંઘર્ષ છતાંય હું થાક્યો ન હતો. હું હજી સંઘર્ષ કરવા તૈયાર હતો. સુપ્રિયા છોડીને જતી રહી હતી એ આઘાતમાંથી પણ હું બહાર આવી ગયો હતો અને મને અફસોસ પણ ન હતો. મારી અને એક્ટીંગની વચ્ચે હું કોઇને આવતા દેતો પણ ન હતો. પણ, હું થાક્યો હતો મારા અબ્બુનાં સતત મેણા-ટોણા સાંભળીને..!! ત્રાસની ચરમસિમા આવી ગઇ હતી.!! સુપ્રિયા સિવાય મારા અબ્બુ પણ મારા કારર્કિર્દી પ્રત્યેનાં નિર્ણયથી ખુશ ન હતા. ખરેખર એ તો વધારે ખુશ ન હતા. સુપ્રિયાએ મને એક વર્ષ તો આપ્યું હતુ મારી જાતને સાબિત કરવા માટે..!! મારા અબ્બુએ તો મને ગાળો જ આપી હતી. એ ત્રણ વર્ષ દરમિયાન એક દિવસ પણ એવો ગયો ન હતો કે મારા અબ્બુએ મારી કારકિર્દીને લગતા મારા નિર્ણયમાં મોઢું બગાડી દિવસમાં મને બે – ત્રણ કડવા વાક્યો કિધા ન હોય...!!! મને એક્ટીંગ કોર્સ કરવા માટે મારા અબ્બુએ પૈસા પણ આપ્યા ન હતા. એ તો મેં કોલેજનાં વર્ષો દરમિયાન કોલ સેંટરમાં કામ કરીને પૈસા ભેગા કર્યા હતા એ વાપરી નાખ્યા હતા. અને બાકીની મદદ ઇમરાને કરી હતી કે જેના પૈસા ચુકવવાનાં હજી બાકી હતા. મારી પાસેથી મારા અબ્બુ શું ઇચ્છતા હતા એ જ મને સમજાતુ ન હતું...!! હું મારા અબ્બુનો એક નો એક દીકરો હતો, પોતે સરકારી બેંકમાં કેશિયરની નોકરી કરતા હતા, મુંબઇમાં ઘરનું ઘર હતું, અને અમે આરામથી જીવી રહ્યા હતા, તો પછી મને જે ગમે તે કેમ કરવા દેતા ન હતા? પોતાની જેમ હું પણ સરકારી બેંકમાં નોકરી કરી આવું સામાન્ય જીવન જીવું એવુ શું કામ ઇચ્છતા હતા? મને મારું સપનુ પુરુ કરવામાં કેમ સહકાર આપતા ન હતા? ભલે મને કોઇ નાણાકીય સહાય ન કરે પણ માત્ર માનસિક સહયોગ આપ્યો હોત તો પણ ચાલેત, પણ એવા મારા નસિબ ન હતા

મારા અબ્બુની કંજુસાઇ અને સંકુચિત વિચારસરણીથી કંટાળીને મેં ઘર છોડીને જતાં રહેવાનો નિર્ણય કર્યો હતો, પણ અમ્મી ને લિધે જઇ શકતો ન હતો. એ બિચારી અગાઉથી મારા અબ્બુથી થાકી અને કંટાળી ગયેલી હતી, હું જ એના જીવવાનું એક કારણ હતો. બાપ – દીકરાનાં રોજે-રોજનાં ઝઘડાથી મારી અમ્મી ખરેખરની થાકેલી હતી. આમ છતાંય મન મક્કમ કરીને બે દિવસ ઘર છોડીને જતો પણ રહ્યો હતો, પણ અમ્મીની તબિયત ખરાબ થઇ જતા હું પાછો ઘરે આવી ગયો હતો. અમ્મી એ મને ગળે લગાડીને આજીજી કરી હતી કે હવે હું એને છોડીને ક્યારેય નહી જાવ..!! એણે ઉમેર્યુ હતું કે મારો બાપ ક્યારેય સુધરે એમ ન હતો, હું સારી નોકરી શોધીને સેટ થઇ જાવ એમા જ ભલાઇ હતી. હું પણ સહમત થયો હતો, પણ પછી અમ્મીની તબિયતમાં સુધારો થતા હું પાછો ઘર છોડીને જતો રહ્યો હતો. મારામાં મારા અબ્બુ સાથે રહી શકાય એવી સહનશક્તિ ન હતી. હું એવી કુંવાનાં દેડકા જેવી જિંદગી જીવવા માંગતો ન હતો. હું દરિયાનો દેડકો બનીને જીવવા માંગતો હતો. મારે તરવા માટે પુરતી જગ્યા જોઇતી હતી

ઘર છોડતા પહેલા મેં મારી અમ્મી ને એક જ વાક્ય કહ્યુ હતુ કે મારી અને એક્ટીંગની વચ્ચે કોઇ આવી શકે એમ ન હતું. અમ્મીનાં પગે લાગીને મેં વચન આપ્યું હતું કે આ ઘરમાં એક્ટર બનીને જ પગ મુકીશ અને તને લઇ જઇશ..!!

જોશમાં ને જોશમાં ઘર તો છોડી દિધું હતુ પણ ઘર છોડતાંનાં છ મહિનામાં આખરે હું થાકી ગયો હતો. પૈસા ખતમ થયા એટલે ઘરે પાછો ન ગયો પણ કંટાળીને મેં કનેક્ટ ટુ પિપલ નામની મિડીયા કંપનીમાં કેશિયર તરીકે નોકરી લઇ લીધી હતી અને મારા એક્ટીગનાં સંઘર્ષને પુર્ણવિરામ આપી દિધો હતો. ઇમરાન ત્યાં મિડીયા કંસલ્ટન્ટ તરીકે કામ કરતો હતો અને મને નોકરી અપાવી હતી. મારા અબ્બુને એક ઝગડા દરમિયાન કિધેલા શબ્દો પર ટકી શક્યો ન હતો. “હું ભિખ માંગવાનું પસંદ કરીશ પણ તમારી જેમ કેશિયરની નોકરી કરવામાં મારી જિંદગી બરબાદ નહી કરું” મેં એકદમ ગુસ્સામાં કહ્યું હતું. અને આખરે મારે કેશિયરની નોકરી જ લેવી પડી હતી.

ખેર, કનેક્ટ ટુ પિપલ ફિલ્મ પ્રમોશન માટે થતાં કેમ્પેઇન અરેન્જ કરતી. ફિલ્મની જાહેરાત વધુ ને વધુ માત્રામાં લોકો સુધી પહોંચે અને સારુ પ્રોમોશન થાય એના કોન્ટ્રાક્ટ લેતી. આ જોબમાં ટકી રહેવાનાં મુળભુત બે કારણો હતા. એક, ફિલ્મનાં ડાયરેક્ટર કે પ્રોડ્યુસર સાથે જોગાનુંજોગ મારી કોઇ મુલાકાત થઇ જાય અને કદાચ મને તક મળી જાય કારણે કે મેં હજુ હીરો બનવાની આશા છોડી ન હતી, હીરો બનવાનો કિડો તો સરવળતો જ હતો. અને બીજુ, આ કંપનીનાં માલિક સોનાલી સિંઘ પણ જો એકવાર ભલામણ કરી દે તો પણ કામ મળી જાય એમ હતું..!!! બસ સોનલી સિંઘને કોઇ પણ રીતે પ્રભાવિત કરવાની હતી. બસ એ જ આશાથી આખો દિવસ કેશ લેવા આવતા કર્મચારીઓને કેશ આપતો રહેતો અને વધેલા કેશ પાછા લેતો રહેતો. મારા અબ્બુએ આખી જિંદગી બેંકમાં કેશિયર તરીકે કામ કર્યુ હતું અને હું આ કંપનીમાં કરતો હતો..!!! ફર્ક માત્ર એટલો હતો કે મારા અબ્બુ કેશિયર તરીકે ખુશ હતા અને હું ન હતો.

આમને આમ કનેક્ટ ટુ પિપલ માં બે વર્ષ વિતી ગયા હતા પણ રોજ સાંજે નિરાશા સિવાય કશું જ મળતું નહી.

ખેર એ તો મારો ભુતકાળ હતો. અહીંયા વરસાદને કારણે વાહન-વ્યવહવાર ઠપ થઇ ગયો હતો. ક્યારેક- ક્યારેક એકાદ-એકાદ ટેક્ષી આવતી હતી, પણ એ સવારી લેતા ન હતા. અમે બાંદ્રા વેસ્ટમાં હતા કે જ્યાંથી બાંદ્રા રેલ્વે સ્ટેશન આવવા માટે ટેક્ષી જરૂરી હતી. થોડીવારમાં તો હું આખો પલળી ગયો હતો. ઇમરાને મને બે-ત્રણ વાર એ લોકોની સાથે છત્રીમાં આવી જવા માટે દુરથી હાથ ઊંચો કર્યો હતો પણે મેં ના પાડી હતી. ઇમરાન મારો ખાસ મિત્ર હતો અને હું ઇચ્છતો હતો કે મારૂ અને સુપ્રિયાનું રહસ્ય એક રહસ્ય જ રહે..!! મારા અને સુપ્રિયા વચ્ચે કશુંક હતું એનો અંદાજો આવતા ઇમરાનને જરા પણ સમય લાગે એમ ન હતું. અમારા હાવ-ભાવ પરથી અંદાજો આવી જ જાય એમ હતું. એ સુપ્રિયાને સાચો પ્રેમ કરતો હતો અને જો એને જરા પણ ગંધ આવે તો એનુ દિલ તુટી જાય એવો મને ડર હતો. અને આમેય બન્ને એક-બીજા માટે યોગ્ય હતા. ઉપરાંત, એક વર્ષ પહેલા સુપ્રિયાએ જ્યારે કનેક્ટ ટુ પિપલ માં નોકરી ચાલુ કરી હતી ત્યારે જ કોઇને ક્યારેય કાંઇ પણ ખબર નહી પડે એવું વચન મેં સુપ્રિયાને આપેલું હતું! અને આ બાજું ઇમરાનનો મારા પર ખુબ જ ઉપકાર રહ્યો હતો અને ભરોસો પણ..!! મને આ કંપનીમાં જોબ અપાવ્યા સિવાય અંધેરીમાં આવેલા તેના કાકાનાં ખાલી ફ્લેટમાં રહેવાની વ્યવસ્થા પણ કરી આપી હતી..!! એ દિવસ સુધી હું ત્યાં જ રહેતો હતો. મારા સંઘર્ષનાં સમયે એણે જ મને સાથ આપ્યો હતો. મારા જેવા નકામી વસ્તુ જેવા માણસને ઇમરાને નિશ્વાર્થ ભાવે બહુ મદદ કરી હતી.

મને ભિંજાતો જોઇ સાજીદ અને રોચકે પણ શરમે ધરમે એ લોકોની સાથે આવી જવા કહ્યું હતું પણ મેં એકલા રહેવાનું જ વ્યાજબી માન્યું હતું કે જે એ લોકોને ગમ્યું હતુ.

ખેર,૪૫ મીનીટ થઇ ગઇ હતી પરંતુ જોઇએ એટલી ટેક્ષીઓ આવતી ન હતી. હવે તો લોકો પણ વધવા લાગ્યા હતા. જે લોકો પોતાની કાર કે બાઇક લઇને આવ્યા હતા એ લોકો તો ફટાફટ જતા રહ્યા પણ મારા જેવા બીજા ઘણા લોકો વરસાદમાં પલળતા હતા. એકાદ વાહન આવતું હતું કે લોકો રીતસરના દોટ મુકતા હતા અને જો કોઇ ખાલી ટેક્ષી આવે એવા બેસી જતા હતા.

આવી પરિસ્થિતિમાં મેં નક્કી કર્યુ કે હું એકદમ આગળ જતો રહું કે જેથી ટેક્ષી આવે કે હું જલ્દી બેસી જાવ અને આગળથી કોઇને આવવું હોય તો બેસાડી લઉં. મારે અંધેરી જવાનું હતુ અને એ લોકોને ગોરેગાંવ, બોરીવલી અને ભાયન્દર જવાનું હતું.

મેં આગળ જવા માટે ચાલતી પકડી. વરસાદને કારણે ખુબ જ પાણી ભરાઇ ગયા હતા. વરસાદની માત્રા એટલી હતી કે વાહનોની લાઇટો પણ ધુંધળી દેખાતી હતી.

થોડીવારમાં મને એક ટેક્ષી આવતી દેખાઇ એટલે મેં એની સામે દોટ મુકી હતી. હું ટેક્ષીની સામે ગાંડાની જેમ દોડ્યો અને પાણી ખુબ જ હતું એ વાતનું ધ્યાન જ ન રહ્યું. જેવો ટેક્ષીની નજીક પહોંચ્યો કે મારો પગ લપસ્યો અને સમતુલન રાખવામાં નિષ્ફળ જતા ટેક્ષીનાં બોનટ સાથે અથડાયો. સામેથી આવતી ટેક્ષી સાથે ટકરાતાં હું રોડ સાઇડ પર ફેંકાઇ ગયો હતો. ટેક્ષી તો જતી રહી પણ મારું માથું રોડ વચ્ચે પાણીની અંદર એક પત્થર સાથે અથડાયું. માથામાં તમ્મર ચડી ગઇ હતી. થોડીવાર તો ઊભું જ ન થવાયું. માથામાં જ્યાં લાગ્યુ હતુ ત્યાં હાથ જતા ખબર પડી હતી કે લોહીની ધાર વહી રહી હતી. લોહી પાણી સાથે ભળી રહ્યું હતું અને માત્રામાં પાણી વધારે હોવાથી લોહી પોતાનું સ્વાભવિક રીતે ફટાફટ અસ્તિત્વ ગુમાવી રહ્યું હતું. મારી આંખે અંધારા આવવા માંડ્યા હતા અને છેલ્લે મારી ફરતે લોકોનું ટોળું ઊભુ હોય એવુ મને દેખાતું હતું. થોડી જ વારમાં મેં ભાન ગુમાવ્યું હતું.

મેં આંખો ખોલી ત્યારે માથું હજી ભારે ભારે લાગતુ હતું. ઉપર છત કાંઇક અજાણી લાગતી હતી. મેં એક સફેદ કલરનો ઓછાડ ઓઢેલો હતો. અને મારા આશ્ચર્યની બહાર હું જે પલંગ પર સુતો હતો એ ગાદલા પર ઓછાડ પણ સફેદ હતો અને તકિયો પણ સફેદ હતો..!! મને તરત જ અંદાજો આવી ગયો હતો કે હું હોસ્પિટલનાં બેડ પર હતો. મારા ડાબા હાથમાં એક સોઇ પણ ખુંચાડેલી હતી.

અરે પણ આ શું? હુ કોઇ ફાઇવ સ્ટાર હોટેલનાં રૂમમાં હોય એવો મારો હોસ્પિટલ રૂમ હતો. મારા રૂમમાં કોફી ટેબલ અને સોફા-સેટ હતા. આધુનિક જમાનાનાં હાઇ-ટેક હોસ્પિટલ સાધન સામગ્રીથી સજ્જ રૂમ હતો. ફ્રીઝ પણ હતું અને મારા બેડની સામેની દીવાલ પર ૪૨” નું LED પણ હતું..!! હે ભગવાન...એ કઇ હોસ્પિટલ હતી અને મને એમા દાખલ કોણે કર્યો હતો? આ હોસ્પિટલનુ બિલ કેવુ આવશે અને હું કેમ ભરીશ એ વિચારમાં તબિયત વધારે બગડી રહી હતી. હું મુંજાઇ રહ્યો હતો. પછી બેડ નીચે ઉતર્યો અને પલંગની જમણી સાઇડની દીવાલ પરની બારી પર ગયો અને પરદો ખોલ્યો. પરદો હટાવતાંની સાથે જ મને અંદાજો આવી ગયો કે હું હોસ્પિટલનાં લગભગ દસમાં માળ પર હતો. મને આટલી નાની ઘટનાં માટે આવડી મોટી હોસ્પિટલમાં કોણ લાવ્યું હશે એ સમજાતું ન હતું.

મને આશ્ચર્ય એ બાબતનુ પણ થયું હતું કે ગઇ કાલે રાત્રે આટલો મુશળધાર વરસાદ પડ્યો હતો છતાંય રસ્તાઓ એકદમ સાફ હતા, આકાશ એકદમ કોરુ હતું અને ઉકળતો તાપ ઠાલવતું હોય એવુ લાગતું હતુ. મેં દિવાલ ઘડિયાળ શોધી અને જોયું તો બપોરના બે વાગ્યા હતા. સોમવારનો દિવસ હતો અને મારે ઓફીસ જવાનું હતું. હવે ક્યારેય પબમાં નહી જાવ એવો મનોમન નિશ્ચય કર્યો. કોઇ રૂમમાં આવે એટલે મને પુરી પરિસ્થિતિ વાકેક કરે એવા વિચારમાં આમ-થી-આમ આંટા મારવા લાગ્યો. ફ્રીઝ ખોલ્યું અને ઠંડું પાણી પીધું. ફ્રીઝનો દરવાજો બંધ કરી જેવો હું ફરવા ગયો કે મારુ ધ્યાન ફ્રીઝ પર રહેલા કેલેન્ડર પર ગયું. કેલેંડરમાં અપ્રિલ ૨૦૧૨ નો મહિનો હતો. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. હજુ ગઇ કાલે તો ૨૦૦૫ ની સાલ ચાલી રહી હતી અને કેલેંડર ૨૦૧૨ નું કેવી રીતે? હુંહ, હુકારો મારી હુ હસ્યો અને બેડ પર પાછો ગોઠવાયો. કાંઇ સમજાયું નહી. આવડી મોટી હોસ્પિટલમાં આવું કેલેન્ડર હોય નહી. કાંઇક ગડબડ હતી..!! ફરી પલંગ પરથી ઉતર્યો અને કોફી ટેબલ પર પડેલું પેપર ઉઠાવ્યું અને હું સ્તબ્ધ થઇ ગયો. પેપરમાં તારીખ હતી અપ્રિલ ૨, ૨૦૧૨, સોમવાર. પછી બાજુમાંથી મેગેઝીન ઉપાડ્યું. એ આવૃત્તિ હતી અપ્રિલ ૨૦૧૨ ની. ત્યાં પડેલા બધા મેગેઝીન અને પેપરમાં તારીખ ચેક કરી અને મારું માથું ચક્કર ખાઇ ગયું હતું. મને આખા શરીરે પરસેવો વળી રહ્યો હતો. આજુબાજુમાં બધુ ફરતું હોય એવું લાગવા લાગ્યું હતું. હું બધું ફેકીં પાછો મારા બેડ લંબાઇ ગયો. બહુ મોટી ગડબડ હતી.