સૌમિત્ર - કડી ૧૨ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૌમિત્ર - કડી ૧૨

સૌમિત્ર

સિદ્ધાર્થ છાયા દ્વારા

-: પ્રકરણ ૧૨ : -


“ખુબ સરસ ભૂમિ, તેં તારા ડ્રેસ પર કરેલી મહેનત દેખાઈ આવે છે.” અચાનક પ્રોફેસર મીનળે સૌમિત્ર અને ભૂમિનું ધ્યાનભંગ કર્યું.

“હમમ.. મેં કુમારી ભૂમિને વધારે સમય આપ્યો એનો તેમણે સદુપયોગ કર્યો હોવાનું દેખાઈ આવે છે.” કર્ણિક સરે પણ ભૂમિના ડ્રેસના વખાણ કર્યા.

“થેન્કયુ સર, થેન્કયુ મેડમ.” ભૂમિએ હસીને બંને પ્રોફેસર્સને ધન્યવાદ આપ્યા.

આ તરફ સૌમિત્ર હવે આઘાતમાંથી બહાર આવી રહ્યો હતો અને તે હવે ભૂમિએ જાતે બનાવેલા ગુજરાતી ચણીયા ચોળી માં અતિશય સુંદર લાગી રહેલી પોતાની પ્રેમિકાને ધ્યાનથી નીરખવા લાગ્યો હતો. અત્યારે એ ભૂલી ગયો હતો કે તે અને ભૂમિ અત્યારે એકબીજા સાથે બોલી નથી રહ્યા.

“ભૂમિ તારું પૂરું નામ જણાવીશ? કર્ણિક સરે તને છેલ્લી એન્ટ્રી તો આપી પણ તારી કોઈજ ડીટેઇલ એમણે લખી નથી.” પ્રોફેસર મીનળે કર્ણિક સર સામે જોઇને એક સ્મિત સાથે ભૂમિને તેનું નામ જણાવવા કહ્યું.

“ભૂમિ પ્રભુદાસ અમીન” હજી ભૂમિ બોલે તે પહેલાં જ સૌમિત્ર બોલી પડ્યો. સૌમિત્ર ભૂમિ સામે જ જોઈ રહ્યો હતો અને એના રૂપથી પૂરેપૂરો અચંબિત થઇ ગયો હતો આથી કર્ણિક સર જવાબ આપે એ પહેલાં એ જ બોલી પડ્યો.

“તું ઓળખતો લાગે છે ભૂમિ ને હેં?” પ્રોફેસર મીનળ તરત જ સૌમિત્ર તરફ જોઇને બોલ્યાં

“ના એટલે હા, ખાસ નહીં પણ.. હાઈ હેલ્લો કરીએ...” સૌમિત્રએ બાજી સંભાળવાની કોશિશ કરી.

સૌમિત્રની આ હરકતથી ભૂમિને હસવું આવી રહ્યું હતું પણ એણે ગમેતેમ તેના પર કાબુ મેળવીને પ્રોફેસર મીનળને તેની તમામ વિગતો લખાવી.

“ઠીક છે, કુમારી ભૂમિ તમે જઈ શકો છો.” કર્ણિક સરે ભૂમિને જવાનું કહ્યું.

ભૂમિ રૂમના દરવાજા તરફ ચાલવા લાગી અને દરવાજો બંધ કરતા પહેલા તેણે સૌમિત્ર તરફ જોયું. સૌમિત્ર એ પણ ભૂમિ સામે નર્વસનેસ સાથે જોયું. ભૂમિએ સૌમિત્રને એક સ્મિત આપીને દરવાજો બંધ કરી દીધો અને સૌમિત્રનું ભારે હ્રદય કુણું પડવા લાગ્યું.

== : : ==

ભૂમિ છેલ્લી સ્પર્ધક હતી એટલે ત્રણેય નિર્ણાયકોએ ફરીથી પોતે દરેક સ્પર્ધકને આપેલા માર્કસ જોઈ લીધા. ત્યારબાદ કર્ણિક સરે પોતે આપેલા માર્કસ અને પ્રોફેસર મીનળ અને સૌમિત્રએ આપેલા માર્કસનું ટોટલ કર્યું. ટોટલ કર્યા બાદ કર્ણિક સરે સૌમિત્ર તરફ એક માર્મિક સ્મિત આપ્યું. સૌમિત્રને ખ્યાલ ન આવ્યો કે કર્ણિક સર તેની સામે આમ કેમ હસ્યા. ત્યારબાદ ત્રણેય નિર્ણાયકો કોલેજના હોલમાં આવ્યા જ્યાં સ્પર્ધકો નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા અને હવે હોલ પણ ભરાઈ ચૂક્યો હતો.

“વિદ્યાર્થી મિત્રો અને સખીઓ. આજની આ પરંપરાગત પોષાકની સ્પર્ધા અનોખી હતી. અનોખી એટલા માટે નહીં કારણકે દર વર્ષ કરતાં આ વર્ષે વધારે સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર તેમાં ભાગ લીધો, પરંતુ એટલા માટે કારણકે વિદ્યાર્થીનીઓની સ્પર્ધા ખુબજ કઠીન રહી હતી અને આ સ્પર્ધાની વિજેતા બહુ પાતળા અંતરથી વિજેતા બની છે. તો હું પહેલા વિદ્યાર્થી સ્પર્ધકોમાંથી વિજેતાનું નામ ઘોષિત કરું છું.” કર્ણિક સરે વિજેતાઓના નામની ઘોષણા કરતા અગાઉ થોડી પૂર્વભૂમિકા બાંધી.

હોલમાં પરિણામ સાંભળવા માટે એકદમ સન્નાટો છવાઈ ગયો. ત્યાં બેસેલા તમામની નજર જાણેકે કર્ણિક સર પર સ્થિર થઇ ગઈ હતી. સ્પર્ધકોના ચહેરા પર ટેન્શન સ્પષ્ટ દેખાઈ આવતું હતું પણ ભૂમિના ચહેરા પર કોઈજ ટેન્શન ન હતું.

“તો... વિદ્યાર્થીઓમાંથી પરંપરાગત પોષાક સ્પર્ધાના વિજેતા છે...........મેહુલ સુથાર!!” કર્ણિક સરે નામ જાહેર કરતાંજ હોલ આખો તાળીઓ અને ચિચિયારીઓથી ભરાઈ ગયો.

મેહુલ સુથાર એની જગ્યાએથી દોડતો દોડતો સ્ટેજ તરફ આવ્યો અને કર્ણિક સર તેમજ પ્રોફેસર મીનળને પગે લાગ્યો અને સૌમિત્ર સાથે હાથ મેળવ્યા. આખા વર્ષમાં થતી તમામ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ તો કોલેજના વાર્ષિકોત્સવમાં જ અપાતા એટલે મેહુલ તરતજ તેની જગ્યા તરફ પરત જવા લાગ્યો.

“તો હવે આવીએ આ સ્પર્ધાની વિદ્યાર્થીની વિજેતા તરફ. મેં આગળ કહ્યું તેમ આ સ્પર્ધા અત્યંત કઠીન રહી હતી. અમને ત્રણેયને ગુણ આપવામાં ખુબ મહેનત પડી છે. જે વિદ્યાર્થીની આ સ્પર્ધામાં વિજેતા બન્યા છે તેણે અમારા નિર્ણાયક મંડળમાં વિદ્યાર્થીઓના જ પ્રતિનિધિ એવા શ્રીમાન સૌમિત્ર પંડ્યાનો આભાર માનવો ઘટશે કારણકે તેમના એક વધારાના ગુણને લીધે જ તે વિજેતાપદ પામી શક્યા છે. જો એવું ન થયું હોત તો આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન માટે ગાંઠ બંધાઈ ગઈ હોત.” કર્ણિક સર એમની આગવી અદામાં બોલી રહ્યા હતા.

કર્ણિક સરે જે રીતે વાતાવરણ બાંધ્યું તેને લીધે હોલમાં હાજર રહેલા વિદ્યાર્થીઓ તેમજ તમામ સ્પર્ધકો હવે અત્યંત એકાગ્રતાથી તેમની તરફ જોઈ રહ્યા હતા.

“પરંપરાગત પોષાકના વિદ્યાર્થીની વિભાગના વિજેતા છે.......... કુમારી ભૂમિ અમીન.” કર્ણિક સરે ભૂમિના નામની ઘોષણા કરી અને ફરીથી આખા હોલમાં તાળીઓનો ગડગડાટ થઇ ગયો.

ભૂમિના ચહેરા પર આશ્ચર્ય હતું તો સૌમિત્રનું આશ્ચર્ય પણ તેના ચહેરા પર દેખાઈ રહ્યું હતું. સૌમિત્રને પોતે દરેક સ્પર્ધકને કેટલા માર્કસ તેણે આપ્યા હતા એની જાણ તો હતી પરંતુ ગ્રાન્ડ ટોટલ માત્ર કર્ણિક સરને ખબર હતી. આથી સૌમિત્રને હવે ખ્યાલ આવ્યો કે ટોટલ કર્યા બાદ કર્ણિક સર તેની સામે કેમ અલગરીતે હસ્યા હતા. ભૂમિ પણ ધીમી ચાલે સ્ટેજ પર આવી અને પહેલાં પ્રોફેસર મીનળને પગે લાગી અને પછી કર્ણિક સરને પણ પગે લાગી. હોલમાં હજીપણ વિદ્યાર્થીઓનો શોરબકોર જારી હતો.

“તમારે ભાઈ સૌમિત્રનો ખાસ આભાર માનવો જોઈએ ભૂમિ, એમણે તમને દસમાંથી દસ ગુણ આપ્યા ન હોત તો તમારે આ વિજેતાનું સ્થાન કોઈ અન્ય વિદ્યાર્થીની સાથે વહેંચી લેવું પડત.” કર્ણિક સરે ભૂમિને કાનમાં કહ્યું કારણકે વિદ્યાર્થીઓ ખૂબ શોર મચાવી રહ્યા હતા.

કર્ણિક સરની સલાહ સાંભળીને ભૂમિના ચહેરા પર સ્મિત આવ્યું અને તે સૌથી છેલ્લે ઉભેલા સૌમિત્ર તરફ વળી અને એની પાસે ગઈ.

“કોલેજ પત્યા પછી રોઝ ગાર્ડનમાં મળીએ.” સૌમિત્ર સાથે હાથ મેળવતા મેળવતા ભૂમિએ તેને થેન્ક્સ ન કહ્યું પણ આટલું બોલીને અને એને એક સ્મિત આપીને બીજી તરફથી સ્ટેજ પરથી નીચે ઉતરી ગઈ.

સૌમિત્રને આટલા બધા દિવસના ટેન્શનમાંથી રાહત તો થઇ જ પણ ભૂમિએ તેને બીજે ક્યાંય નહીં પણ કોલેજ નજીક આવેલા રોઝ ગાર્ડન રેસ્ટોરન્ટમાં કેમ બોલાવ્યો એ સવાલે હવે ઘેરી લીધો.

નિર્ણયની જાહેરાત થઇ જતા, સૌમિત્ર કર્ણિક સર અને પ્રોફેસર મીનળનો આભાર માનીને હોલમાં વ્રજેશ અને હિતુદાનને શોધવા લાગ્યો, પરંતુ બંને ત્યાં દેખાયા નહીં. કદાચ મેઈન હોલમાં કે પછી કોલેજના ગાર્ડનમાં હશે એમ વિચારીને સૌમિત્ર એમને શોધવા નીકળી પડ્યો. એને ભૂમિ સાથેના અબોલા લગભગ તૂટી ગયા છે અને ભૂમિએ કોલેજ પત્યા પછી રોઝ ગાર્ડનમાં મળવા બોલાવ્યો છે એ વાત પણ પોતાના બે ખાસ મિત્રોને કહેવી હતી.

પણ સૌમિત્રના એ બંને ખાસ મિત્રો ન તો કોલેજના મેઈન હોલમાં દેખાયા કે ન તો કોલેજના ગાર્ડનમાં મળ્યા. સૌમિત્રએ કોલેજનો લાંબો રાઉન્ડ લઈને પાછલા દરવાજે છે પાર્કિંગ સુધી બધું ચેક કરી લીધું. રસ્તામાં મળેલા કેટલાક વિદ્યાર્થીઓને પણ તેણે આ બંને વિષે પૂછ્યું પણ કોઈને પણ ખબર નહોતી કે વ્રજેશ અને હિતુદાન ક્યાં છે. આટલામાં કોલેજનો ફાઈનલ બેલ પણ વાગી ગયો.

સૌમિત્રએ વિચાર્યું કે આ સમયે તો તે બંને કદાચ ગાંધીનગર જવા પણ ઉપડી ગયા હશે એટલે હવે તે આવતીકાલે જ તેમની સાથે બધી વાત શેર કરશે. અને જો ભૂમિ અત્યારે એની સાથે ફરીથી બોલવાનું શરુ કરી જ દેશે તો એ સારા સમાચાર પણ તે પોતાના બંને મિત્રો સાથે શેર કરશે.

== : : ==

સૌમિત્ર રોઝ ગાર્ડન રેસ્ટોરન્ટ પહોંચ્યો. એનું દિલ આમતો જોરથી ધબકતું હતું કારણકે તેને ખ્યાલતો આવી ગયો હતો કે ભૂમિનો ગુસ્સો ઉતરી ગયો છે, પણ ભૂમિ તેને શું કહેશે એ સસ્પેન્સ એનાથી હજી છૂપું જ હતું. રેસ્ટોરન્ટમાં બહાર પડેલા ચારેક ટેબલ પર કોઈજ નહોતું એટલે સૌમિત્રને લાગ્યું કે ભૂમિ કદાચ આવી નહીં હોય એટલે એણે રાહ જોવાનું નક્કી કર્યું. પછી એને યાદ આવ્યું કે રોઝ ગાર્ડનમાં તો ફેમીલી રૂમ પણ છે એટલે એ તરતજ એ તરફ ધસ્યો અને કાળી પટ્ટી લગાવેલો દરવાજો ખોલ્યો તો જોયું કે ભૂમિ છેક છેલ્લા ટેબલે બેઠી હતી. સૌમિત્રના રૂમમાં પ્રવેશતાં જ ભૂમિએ તેને સ્મિત આપ્યું. સૌમિત્રનું બાકીનું ટેન્શન પણ લગભગ પૂરું થઇ ગયું. એને લાગ્યું કે ભૂમિ છે તો સારા મૂડમાં.

“કોન્ગ્રેચ્યુલેશન્સ” સૌમિત્ર ભૂમિની સામે બેસતાં બોલ્યો.

“થેન્ક્સ, તારા એક્સ્ટ્રા એક માર્કને લીધે જ હું જીતી છું.” ભૂમિએ તરતજ જવાબ આપ્યો.

“તું નહીં માને મને ખબર જ નથી કે મેં તને કેટલા માર્કસ આપ્યા હતા. હું તો તને જોવામાં જ...” સૌમિત્રએ રહસ્ય ખોલ્યું.

“મને ખબર છે તારું ધ્યાન મારા ડ્રેસને જોવામાં નહીં પણ મને જોવામાં હતું. તું ડઘાઈ ગયો હતો ને મને જોઇને?” ભૂમિના મોઢા પર એનું અસલી અને રમતિયાળ સ્મિત આવી ગયું હતું.

“હા કારણકે...” સૌમિત્ર આટલું જ બોલી શક્યો.

“કારણકે?” ભૂમિએ વળતો સવાલ કર્યો.

“મને એમ હતું કે આપણે હવે ક્યારેય....” આટલું બોલતાં જ સૌમિત્રને ડૂમો બાજી ગયો.

“ચલ હટ્ટ, એમ હું મારા મિત્રને આટલી ઇઝીલી છોડી દઉં? મારો ગુસ્સો તો એજ દિવસે ઘરે પહોંચ્યા પહેલાંજ ઉતરી ગયો હતો.” ભૂમિએ હસતાંહસતાં સૌમિત્રના બંને હાથ પકડી લીધા.

“તો.. આ બધું? આટલા બધા દિવસ મારી સાથે કેમ ન બોલી?” સૌમિત્રના અવાજમાં હવે ફેર આવ્યો, એણે પણ ભૂમિની આંગળીઓમાં પોતાની આંગળીઓ ભેરવી દીધી.

“સાચું કહું? તો મને એ વખતે ખુબ જેલસી થઇ હતી પણ ખાલી એક-બે કલાક જ મારો ગુસ્સો ટક્યો. ખરેખર તો મને ખુબ ઈચ્છા હતી કે તું મારી આસપાસ ફરે, મને મનાવવાની કોશિશ કરે, કોઈ જોડે મેસેજ મોકલે કે ભૂમિ મારે તને મળવું છે. પણ મારા સદનસીબે મને એવો બુદ્ધુરામ મળ્યો છે કે જેને અક્કલ જ નથી કે પ્રેમ કેમ કરાય? અને ગુસ્સે થયેલી પ્રેમિકાને કેમ મનાવાય?” આટલું બોલતાં જ ભૂમિ હસી પડી અને સૌમિત્રના ગાલે એક હળવી ટપલી મારી લીધી.

“હે ભગવાન અને હું? આ દસ દિવસમાં રોજ દસ વખત મર્યો હોઈશ ભૂમિ.” સૌમિત્રએ હવે રાહતનો શ્વાસ લીધો.

“મને ખબર છે બુદ્ધુરામ, આઈ એમ સોરી!” ભૂમિના ચહેરા પર સ્મિત બરકરાર હતું.

“તને એ પણ ખબર છે ને કે આ બધું મારે માટે પહેલીવાર છે. મને આ બધામાં ખબર નથી પડતી.” સૌમિત્રએ પોતાનું ભૂમિની ઈચ્છા ન પૂરી કરી શકવાનું કારણ કહ્યું.

“હા, પણ મને થયું કે થોડુંક ફિલ્મી ટાઈપ થાય તો મજા આવે, પણ તમે ભાઈસાહેબ બસ આખો દિવસ કોલેજમાં દેવદાસ બનીને ફરતા હતા. અઠવાડિયાથી દાઢી નથી કરીને? કેટલો ગંદો દેખાય છે તું મિત્ર! હું સામે આવતી અને રસ્તો બદલી નાખતી તો એક વાર પણ તે મને બોલાવી નહીં. એટલે પછી તો હું પણ કન્ફયુઝ થઇ ગઈ કે મારે શું કરવું?મને થયું કે મિત્રને બોલાવવો કેવી રીતે?” ભૂમિ એની ટેવ મુજબ અસ્ખલિત બોલવા લાગી.

“તો તારે મને સામેથી કહેવું હતું ને? તો વાત ત્યાંની ત્યાં જ પતી જાત.” સૌમિત્ર એ રસ્તો બતાવ્યો.

‘તો એમાં મજા કેમ આવે?” ભૂમિએ આંખ મારી.

“તારે મજા લેવી હતી અને અહીંયા... છોડ પછી?” સૌમિત્ર ને હવે ઉત્કંઠા થઇ.

“ત્રીજા દિવસે તો મનેય બેચેની થવા લાગી. તું નહીં માને એ દિવસ હું ઘરે સરખું જમી પણ નહીં. પેટમાં દુઃખે છે એમ કહીને આખો દિવસ મારા રૂમમાં ભરાઈને સુતી રહી. તને ખુબ યાદ કરીને રડતી રહી. મને થયું કે મારી આ મૂર્ખાઈને લીધે ક્યાંક તું...” હવે ભૂમિના ગળે ડૂમો બાજી ગયો અને એની આંખના ખૂણા ભીના થઇ ગયા.

“તો મને ફોન કરવો હતો ને?” સૌમિત્રએ ભૂમિની બંને હાથની આંગળીઓ જોરથી દબાવી.

“મેં તને કીધુંને કે તો મજા ક્યાંથી આવે?” ભૂમિના ચહેરાનું સ્મિત પરત થયું.

“કમાલ છે હોં તું? એક તરફ મને યાદ કરીને ભૂખે પેટે આખો દિવસ રડે છે અને બીજી તરફ મજા પણ લેવી છે? પછી?” સૌમિત્ર બોલ્યો.

“પછી બીજે દિવસે ભૂમિ અમારી પાસે આવી અને એ પણ રડતાં રડતાં...” અચાનક પાછળથી વ્રજેશે સૌમિત્રનો ખભો દબાવ્યો, એની સાથે હિતુદાન પણ ઉભો હતો.

“અરે તમે? મને એમ કે તમે લોકો ગાંધીનગર જતા રહ્યા હશો.” સૌમિત્રએ ઉભા થઈને વારાફરતી તેના બંને મિત્રોને ભેટી લીધું.

વ્રજેશ સૌમિત્રની બાજુમાં બેઠો તો હિતુદાને ભૂમિની બાજુમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું.

“મારા જેવો સિદ્ધહસ્ત ડિરેક્ટર એમ અધૂરી ફિલ્મ મુકીને ભાગી ન જાય.” વ્રજેશ હસતાંહસતાં બોલ્યો.

“એટલે?” સૌમિત્ર હવે વધુ કન્ફયુઝ થયો.

“ભૂમિ ત્રીજે જ દિવસે અમારી પાસે ગાર્ડનમાં આવી. તારે લેક્ચર હતું. એણે અમને બધુંજ કહી દીધું અને પાછું એમ પણ કીધું કે એમ એને રેગ્યુલર જેમ થતું હોય છે એમ સોરી નથી કહેવું.” વ્રજેશે પોતાની વાત શરુ કરી.

“અમે વિચારતા જ ‘તા કે કેમ કરીને તમને બેયને ભેગા કરવા ન્યા તું અઠવાડિયા પસી આ ટેડીશનલ કપડાંની વાત્ય લઈને આયવો.” હવે હિતુદાને પણ ઝુકાવ્યું.

“મેં ભૂમિને આઈડિયા આપ્યો કે એણે આ કોમ્પિટિશનમાં ભાગ લેવો જોઈએ. સૌમિત્ર જજ છે એટલે તારે એની સામે આવવાનું થશે જ એટલે તને જોઇને જ આપોઆપ અમારા સાહેબ પીગળી જશે.” વ્રજેશે સૌમિત્ર સામે આંખ મારી.

“ઓકે એટલે તું મને કાયમ રાહ જોવાનું કહેતો હતો, રાઈટ?” હવે સૌમિત્રને તાળો મળવા લાગ્યો.

“એકદમ રાઈટ દોસ્ત!” વ્રજેશે પોતાની બાજુમાં બેસેલા સૌમિત્ર ના ખભે હાથ મૂકી દીધો.

“પણ નામ લખાવવાની તારીખ ઓલરેડી જતી રહી હતી એ એક મોટો પ્રશ્ન હતો. પછી વ્રજેશભાઈએ કર્ણિક સર સાથે મારી મૂલાકાત કરાવી દીધી અને એમને સમજાવ્યા કે હું એક ખાસ ડ્રેસ ડીઝાઈન કરી રહી છું અને હવે મને લાગે છે કે કોમ્પિટિશન પહેલા મારો ડ્રેસ પૂરો થઇ જશે અને એટલેજ મેં મોડી એન્ટ્રી લેવાનો વિચાર કર્યો છે.” ભૂમિએ વાત આગળ વધારી.

“ઓક્કે...પછી?” સૌમિત્ર બોલ્યો.

“કર્ણિક સર એમપણ કોપરેટિવ છે એટલે એમણે તરત જ હા પાડી દીધી.” વ્રજેશે કહ્યું.

“પણ એમ તરતજ કેવી રીતે હા પાડી? જ્યારે તે કીધું કે તું ખાસ ડ્રેસ ડીઝાઈન કરી રહી છે તો એમણે એને જોવા ન માંગ્યો?” સૌમિત્રએ વ્યાજબી સવાલ ઉભો કર્યો.

“હું આ ચણીયા ચોળી પર ઓલરેડી ભરતકામ કરી જ રહી હતી મિત્ર, અને લગભગ નેવું ટકા કામ પતી પણ ગયું હતું. આ કાગને બેસવું ને ઝાડને પડવા જેવી વાત હતી. કર્ણિક સરને મળતી વખતે મેં એ ડ્રેસ સાથે જ રાખ્યો હતો. કર્ણિક સરે ડ્રેસ પર અછડતી નજર જ નાખી અને હા પાડી દીધી” ભૂમિએ રહસ્ય ખોલ્યું.

“ઓહ માય ગોડ, તમે બધા કેટલું ખતરનાક પ્લાનિંગ કરી શકો છો? મારે તમારા બધાથી બચવું પડશે.” સૌમિત્ર હસતાંહસતાં બોલ્યો અને બાકીના ત્રણેય પણ તેની સાથે જ હસી પડ્યા.

“જીત-હાર મારે માટે કોઈજ મહત્ત્વના નહોતા મિત્ર, મારે ખાલી આપણા બંને વચ્ચેનો જામી ગયેલો બરફ જ તોડવો હતો, પણ તોયે એક ટેન્શન તો હતું જ.” વાક્ય બોલવાની શરૂઆતમાં ઈમોશનલ દેખાતી ભૂમિના અવાજમાં અચાનક તોફાન આવ્યું અને એ હિતુદાન તરફ જોઇને હસવા લાગી.

“આમ મારી હામું કા ઝોવસ બેના?” હિતુદાનને ભૂમિ એની સામે જોઇને જે રીતે હસી રહી હતી તેનાથી નવાઈ લાગી.

“મેં ટેન્શનવાળી વાત કીધી એ ખોટી કીધી વ્રજેશભાઈ?” ભૂમિએ વ્રજેશ તરફ પોતાની હથેળી લંબાવી.

“ના બિલકુલ નહીં.” વ્રજેશે ભૂમિને તાળી આપી.

“એ મોટા? આ તમે બેય હું ક્યોસ? મને કાંય હમઝાય એવું બોલો.” હિતુદાનના મોઢા પર ટેન્શન સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

“એમજ કે આપણે આટલી મહેનતથી પ્લાન બનાવ્યો છે અને ક્યાંક તમે સૌમિત્ર પાસે બધું ખુલ્લું ન પાડી દો. પણ થેન્ક ગોડ, કે તમે તમારા આ ફ્રેન્ડ કરતા આ વખતે તમારી બેનને તમે સાથ આપ્યો.” ભૂમિ ખડખડાટ હસી પડી.

“આમ આ ભોળાનાથની મજાક ન ઉડાવો તમે બંને ઓકે?” સૌમિત્રએ હિતુદાનનો પક્ષ ખેંચ્યો.

“તું નો હોત તો મારું હું થાત સોમિતર?” હિતુદાને પણ સૌમિત્રની વાતનો હસીને જવાબ આપ્યો.

“પછી આજે જે થયું એની તો તને ખબર જ છે.” વ્રજેશે પોતાનો સમગ્ર પ્લાન સૌમિત્રને સમજાવીને પૂર્ણવિરામ મુક્યું.

“ખરેખર, તમારા જેવા મિત્રો કોઈ નસીબદારને જ મળે. ભૂમિનો ગુસ્સો ભલે ખોટો હતો પણ જો એ ખરેખર ગુસ્સે થઇ હોય તો પણ તમે બંનેએ એને સમજાવવામાં કોઈજ કમી ન છોડી હોત એનો મને આજે પૂરેપૂરો વિશ્વાસ છે.” સૌમિત્ર ગળગળો થઇ ગયો.

“હાલ તય ચણાપૂરી મંગાવ, બવ ભુઈખ લાયગી સ.” હિતુદાને સૌમિત્રને રીતસર ઓર્ડર જ કર્યો.

“કેમ નહીં ચોક્કસ.” સૌમિત્રએ આટલું કહીને ચારેય માટે રોઝ ગાર્ડનની સ્પેશિયલ ડીશ, ચણાપૂરીનો ઓર્ડર આપ્યો.

“હું પણ લકી છું, મને મિત્ર તો મળ્યો જ પણ તેની સાથે હિતુભાઈ જેવો ભાઈ અને વ્રજેશભાઈ જેવા જેઠજી પણ મળી ગયા.” ભૂમિએ હસીને કહ્યું.

“એ બધું છોડ ભૂમિ.. વ્રજેશ મને અત્યારેજ એક વિચાર આવ્યો છે અને મારે તારી પાસેથી એનો જવાબ જોઈએ છીએ અને એ પણ અત્યારે જ.” સૌમિત્રના ચહેરા પર હવે તોફાન હતું.

ભૂમિ અને હિતુદાનને સૌમિત્ર હવે વ્રજેશને શું પૂછશે તેમાં રસ પડ્યો.

“પૂછને જે પૂછવું હોય તે?” વ્રજેશ સૌમિત્ર તરફ જોઇને બોલ્યો.

“તેં કીધું કે તું આ બધું જે થયું તેનો ડિરેક્ટર છે, રાઈટ?” સૌમિત્રએ પહેલો સવાલ કર્યો.

“રાઈટ.” વ્રજેશે જવાબ આપ્યો.

“તો તને આવી બધી બાબતોમાં કેમ આટલીબધી ખબર પડે છે?” સૌમિત્રનો આ બીજો સવાલ હતો.

“એટલે?” વ્રજેશ ગૂંચવાયો.

“પ્રેમની આંટીઘૂટી મહાશય, ઝઘડી પડેલા પ્રેમી કે પ્રેમિકા વચ્ચે સંધી કેમ કરાવવી એનું સોલ્યુશન તારી પાસે કેવી રીતે આવ્યું? આ અત્યારની વાત નથી. જ્યારથી મને ભૂમિ ગમી ગઈ હતી ત્યારથી તું મને બરોબર સલાહ આપતો રહ્યો છે એક એક્સપર્ટની જેમ. ગઢવી, હું ખોટું બોલું છું?” સૌમિત્રએ ગઢવી તરફ જોયું.

“ભૂરો હાવ હાચું બોલે હે વીજેભાય. તમે પ્રેમના ઓલો હું કે’વાય? હા.. પંડિત, પંડિતની ઝેમ સોમિતરને કાયમ સલાહું આપતા હોવ સો. આ સોમિતર અટાણે બોયલો તંઈએ મને લાઈટ થય. હાલો હવે ઝવાબ આપો.” હિતુદાનને સૌમિત્રના સૂરમાં સૂર પૂરાવ્યો.

“અરે એ તો એમ જ યાર. મને જે સમયે લોજીકલી જે યોગ્ય લાગ્યું એ મેં તને કીધું અને આપણા નસીબ સારા કે તને ભૂમિ મળી અને પછી આ કોમ્પિટિશનમાં પણ મારા લોજીકથી મેળ પડી ગયો.” વ્રજેશ જાણેકે તેના ત્રણેય મિત્રોથી આંખ ચોરીને બોલતો હોય એમ બોલવા લાગ્યો. એના ચહેરા અને અવાજમાં જરાય આત્મવિશ્વાસ નહોતો દેખાતો.

“વ્રજેશભાઈ, કોઈ ટેન્શન છે? અમને નહીં ક્યો તો કોને કહેશો?” ભૂમિએ આંખો ચોરી રહેલા વ્રજેશની આંખમાં આંખ મેળવીને કહ્યું.

“વ્રજેશ, કોઈ છે ને તારી લાઈફ માં, જેને તું અમારા બધાંથી, એટલેકે તારા જીગરજાન મિત્રોથી છૂપાવી રહ્યો છે?” સૌમિત્રએ હવે વ્રજેશને સીધો જ સવાલ કરી દીધો અને ત્યાંજ વેઈટર ચાર ડીશમાં ચણાપૂરી ટેબલ પર સર્વ કરી ગયો, પણ બધાને હવે ચણાપૂરી ખાવામાં જરાય રસ નહોતો.

સૌમિત્ર, ભૂમિ અને હિતુદાન હવે વ્રજેશ સામે એકીટશે જોવા લાગ્યા અને વ્રજેશ સૌમિત્રના સીધા સવાલનો શો જવાબ આપે છે તેની રાહ જોવા લાગ્યા.

-: પ્રકરણ બાર સમાપ્ત :-