રક્સ-એ-બિસ્મિલ્લ Nikhil Shukl દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રક્સ-એ-બિસ્મિલ્લ

=*=*=*=* રક્સ-એ-બિસ્મિલ્લ =*=*=*=*

..પણ સુફિઓ/ઓલિયાઓ/મસ્તમૌલા ફકિરોએ "ભક્તિરસ" જેવા કવિઓ/લેખકોએ સાવ શુષ્ક કરી મુકેલા ભાવમાં પણ નશો/મસ્તી/નૃત્ય/ચહેરા અને શરિરની ભંગીમાઓને એક અલગ જ અર્થ આપેલો છે. ઝેરનો પ્યાલો પીવામાં ભક્તિને જોતી મિરાં હોય કે આખો હાથ બાળીને "શ્યામળા શેઠ" માં ખોવાયેલો "ભક્ત નરસૈંયો" હોય, "બુલ્લે શા" હતાં અને "સાંઇબાબા" હતાં કે "અહલ્યા" અને "શબરી" હતી કે ધગધગતા અગ્નિની સાક્ષીએ ઉપ્ભેલો "ભક્ત પ્રહલાદ" હતો. કોઇ અગમ/પરમ તત્વના લગાવ/આકર્ષણ/ભક્તિ કે પ્રેમમાં સર્વસ્વ ભુલેલા બધાંએ એક પ્રકારની રસિકતા/આનંદ/શાંતી/શૃંગારરસ ની વાત કરી છે,અને એમાં નૃત્ય અને સંગીતને એક સહાયક રૂપક તરીકે અપનાવ્યું પણ છે. ગોકુળના બાલ કનૈયાએ "કાળિયા નાગ" ની ફેણ ઉપર જે કર્યું એ અને "મહાદેવ" નું તાંડવ પણ અને "નટરાજ" ની એ પ્રખ્યાત ભંગીમાઓ પણ નૃત્ય જ તો હતું અને "અગ્નાતવાસમાં" દ્રોણ શિષ્ય/મહારથી અર્જુને "બ્રિહન્લલ્લા" બનીને જે કર્યું હતું એ અને "કાળી ચૌદશ"ની કાળરાત્રીઓએ ઉપાસકોના એક અલગ જ પંથમાં વેરાન વગડાઓમાં/અવાવરું સ્મશાનમાં "અડદના લોટ અને ચોખ્ખા ઘીની જ્વાળાઓ" સાથે જે નૃત્ય થશે એ પણ ! કુદરતને રૂપકો કદાચ બહુ ગમે છે, એણે આ જ આદત માનવોને પણ વારસામાં આપી છે, નૃત્ય પણ ઉપાસકો માટે એક રૂપક સાબિત થાય છે, કદાચ "કોઇ ખાસ માધ્યમ" પણ ખરું. પણ, મનોરંજન માટે નહી! ધુન/ગાંડપણ/જીદ/અફરાતફરી/બેહોશ/તંદ્રાવસ્થામાં થતું નૃત્ય , કે કદાચ કોઇ નૃત્ય કરતાં ઉપાસના વધારે થઈ જતું હોય છે !"રક્સ-એ-બિસ્મિલ્લ" ના "રક્સ" નો અર્થ કંઈક આવો જ થાય છે - ઘેલું/ગાંડુ/અસ્ખલિત નૃત્ય !

અને પણ એમ ઉપાસનાઓ સફળ નથી થતી. એમ ખાના-એ-સનમ માં પ્રવેશવાની મંજુરી નથી મળતી, એમ જ કોઇ પરમેશ્વર અને એમ જ કોઇ ધ્યેયો પુરા નથી થતાં. ઉપાસના જેવા સૌમ્ય શબ્દની વાસ્તવિકતાઓ જ ક્યારેક ધ્રુજાવી નાંખનારી હોય છે. "નરસિંહ મહેતા" ના સળગતા હાથથી લઈને "એલકવ્ય" ના કપાયેલા અગુંઠા સુધી, ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ ભિક્ષુક ગણીને "કવચ કુંડળ" નું દાન આપતાં સુર્યપુત્ર,અંગરાજ "કર્ણ" ની મહતા થી લઈને સ્વયં "કૈલાશ" ને પોતાના જ આરાધ્ય દેવના નિવાસ "કૈલાશ" ને બાથ ભીડી દેવાના "લંકાધિપતી રાવણ" ના બદગુમાન સુધી, "નરસિંયા" એ જેના નામની આડેધડ ચિઠ્ઠી લખી અને "શ્યામળા શેઠે" અવતરવું પડ્યું એ બેફિકરાઈના વિશ્વાસ સુધી ભક્તોએ/ઉપાસકોએ પણ કંઈક કારસ્તાન કર્યા છે, સ્વયં આરાધ્યને ઝુકાવી દેવાથી લઈને "કમળ પુજા" કરવા સુધી ! ઉપાસનાઓ અતંત: બલિદાન માંગે છે. એ નોકરીમાંથી રજાઓ નથી લેવા દેતી અને સુખ-ચેનને હરામ કરી નાંખે છે. એક દેશભક્ત અને વટના કટકા જેવા "ચંદ્રશેખર આઝાદે" છેલ્લી બુલેટ પોતાના જ લમણે ઠોકી દિધી હતી અને એક "મોહનદાસ ગાંધી" એ સ્વમાનના મુદ્દે જિંદગી આખી અખંડધુણી ધખાવી લીધી હતી. એક "સુભાષચંદ બોઝ" હતાં જેણે દુનિયાં ફેંદીને માતૃભુમી માટે ખાનાબદૌશ થઈને રખડ્યા કર્યું અને એક "નથ્થુરામ વિનાયક ગોડસે" હતો જેણે માતૃભુમીને માટે હિંસક થઈને પણ ઉપાસના સાચવી હતી. એમના કૃત્યો દુન્યવી રીતે કેટલા ડહાપણભર્યાં કે સિમાચિહ્નરૂપ હતાં એ બિજી વાત છે પણ એ સામાન્ય ઉપાસકો કરતાં અલગ હતાં કેમકે એ બધાં ક્યાંકને ક્યાંક ઘવાયેલા હતાં. ક્યાંક સ્વમાન અને ખુદ્દારી હતી, ક્યાંક વટ અને ટેક હતો, ક્યાંક ભક્તિરસ હતો તો ક્યાંક કોઇ જીદ હતી. પણ કોઇ છુપા ઘાવ/તકલિફ/તિખારો લઈને જીવી રહેલા લોકો હતાં, જેમણે ઉપાસના અને ધ્યેયની સાપેક્ષે તમામ દુનિયા અને એની દુનિયાદારી થી છેડા ફાડેલા હતાં અને હવે છેલ્લી અને પહેલી એક ઉપાસના કરવાના - કરી લેવાના મુડમાં હતાં. "રક્સ-એ-બિસ્મિલ્લ" ના "બિસ્મિલ્લ" નો અર્થ કંઈક આવો થાય છે - ઘાયલ/થાકેલા/મરણિયા/જિદ્દી ઉપાસકો !

એક ઉપાસક અને એની ઉપાસનાને કયા અને કેટલા રૂપકો વડે સમજાવી કે વ્યાખ્યાયિત કરી શકાય ? એ એની અને એના આરાધ્યની વચ્ચેની વાતને શબ્દોના કેટલા સમુહોમાં આપણે સમજાવી શકીશું ? આ આખી વાત જ શબ્દો/ભાષા/વ્યાકરણ/છંદથી કેટલીય ઉંચેની ભ્રમણકક્ષાની છે.

રસ્તે બેઠેલા એક કુતરાના પગ ઉપરથી બે-ત્રણ નબિરાઓની એક સ્પોર્ટ બાઇક પસાર થઈ ગઈ હતી, અને કંઈક તડાક !- જેવો અવાજ થયો હતો. બહુ ક્રુર ચહેરા વાળા પુરૂષો અને ટપોરી જેવા રિક્ષાવાળાઓ અને છેલબટાઊ ગાડીઓવાળા અને રસ્તો પોતે કદાચ સુન્ન થઈ ગયો હતો. અને એક કાચી સેકંડમાં સોપો પડી ગયો હતો. સુનકારનો નહી, કુતરાની આર્તનાદ ચિસોનો ! બહુ ક્રુર (દયનિય નહી !) રીતે કુતરાએ ચિસો પાડી હતી, એ ધ્રુજ્યું હતું, સહજ રીતે જ ઉભા થઈ જવાના એના પ્રયત્નો તુટેલા હાડકાને લિધે વધારે કરપિણ પિડા આપતા હશે, એની ચિસો ઓછી પડવા લાગી, એના જડબા દુખવા લાગ્યા , એના શરીરે અસહ્ય એવી તકલિફ આગળ જ્યારે નમતું જોખી દિધું હશે ત્યારે, અમુક સેકંડ પહેલા સુધી શાંતીથી બેઠેલું એ હવે અસહ્ય દુખને સમાવવાના જ કોઇ ચેતાતંત્રિય સંકેતોને વશ અડધું પડધું ઉછળી રહ્યું હતું ! અને હવે કેટલાય સમય સુધી એ તુટેલા હાડકાને અચાનક કોઇ ઠોકર વાગશે અને ફરી આવીજ ચિસો અને પછડાવું થશે અથવા કદાચ એની પિડામાં જ ૨-૩ દિવસ રિબાઈને કોઇ એક ઠંડી રાત્રે એ મરી ગયુ હશે તરસ્યું/ભુખ્યું/ઉછળતું/પછડાતું !

કેમ્પફાયરની એક મોડી રાત્રે, "આરામસે.." ના દૌરમાં એક કર્નલે એના ગળાના સ્કાર્ફ ને જરા ઠીકઠાક કરીને એક વાત માંડી હતી, એના એક જુનિયરની. કાશ્મિરની નજીકનો કોઇ જંગલી વિસ્તાર હતો, પેલો જુનિયર ઉંમરની વિસી હમણાં જ પુરી કરીને જવાન થયો હતો, ખાનદાની હતી મિલિટ્રીમાં જોડાવાની, પણ .. "..વો બચ્ચા ડરતા બહુત થા..ઘર સે બહાર નિકલા નહી થા..દુનિયા દેખની બાકી થી ઉસકો..." - કર્નલ કહેતાં ગયાં, અમે "નવા બિસ્મિલ્લો" હતાં ,શુરવીરોની ગાથાઓને બહુ લગાવથી સાંભળતા હતાં. પછી એક દિવસે - "મિલિટંટ્સ ઔર...ક્રોસ ફાયરિંગ...અપને તૈયાર તો હોતે હે મગર કહાં ક્યા હો યે કૈસે કહે સકતેં હે..." - કર્નલ સ્થિતીઓ શક્ય એટલો હુબહુ ચિતાર આપી રહ્યા હતાં. વાત આગળ ચાલે છે, પેલો જુવાનિયો ડરી જાય છે, ત્રાસવાદીઓ કોઇ જુના અને સુના રેલ્વે પ્લેટફોર્મના યાર્ડમાં પડેલી ટ્રેનોના ડબ્બાઓની પાછળ હતાં અને..-"..વો બચ્ચા નહી ટિક પાયેગા મુઝે ઉસકી ફિકર થી...ટ્રેનિંગ કે અલાવા કભી વેપન ફાયર નહી કિયા થા ઉસને...સાલે ..હરામી કા કભી છોટામોટા એક્સિડંટ ભી તો નહી હુઆ થા કી ઉસકો પતા રહેતા ઇન્જર્ડ હોના કૈસા હોતા હે.." - કર્નલ કંઈક આવેશમાં આવી ગયા હતાં. પણ..એ છોકરા પાસે અથડામણથી બચવાનો એક જ રસ્તો હતો..એણે ધીમેથી મહા મહેનતે પોતાની જ જમણી હથેળી ઉપર પિસ્તોલનો એક રાઉન્ડ ફાયર કરી દીધો , અને મેડિકલ હેલ્પ માટે એમ્બ્યુલન્સ તરફ જવાનો સંકેત આપ્યો ! -"મૈને થોડે દુર સે દેખ લિયા થા..ઇક સેકંડમેં મુઝે ઉસસે નફરત હો ગઈ...સાલા અપના કુત્તા ભી બોર્ડર કે ઉસ પાર ભોંકને કે બાદ ગોલી ખાકે આતા હે..યે તો અપની ટેરીટરી થી...કૈસે કૈસે હરામઝાદે પ્લાટુન મેં... ભેજ દો હરામિ કો મેડીકલ મેં.." - જોકે કર્નલ બહુ ગંભીર હતાં. ખૈર, કામચલાઉ એમ્બ્યુલન્સમાં એ રડી રહ્યો હતો,પ્રાથમિક ઉપચાર જેવાં આડા-ત્રાંસા ટાંકા લેવાઈ ગયા હતા ઝટપટ, એ ધ્રુજતો હતો, આસપાસ બધાં અનુભવી સૈનિકો/ડોક્ટરોએ એની "હરકત" કળી લીધી હતી..પણ, અચાનક રડતાં રડતાં એ દોડ્યો હતો, આસપાસના લોકો અને કામચલાઊ ટેબલો ને વટાવતો, પોતાની જ પ્લાટુનના અમુક સૈનિકો જે આડશોમાં રહીને ફાયર કરતાં હતાં એમના માથા ઉપરથી કુદીને..આડેધડ બુમબરાડા પાડતો કંઈક એલફેલ બુમો પાડતો, રાયફલ લઈને એ સિધો જ પડી રહેલા ડબ્બાઓમાં ચઢવા ગયો..લપસ્યો..ફરી રાયફલને ડબ્બાની અંદર મુકી, પોતે ચઢ્યો , રાયફલ ઉઠાવી , પાછો ફર્યો..ભારતમાતા કી જય એવો કંઈક અસ્પષ્ટ બરાડો પાડ્યો, અને ડબ્બાની બિજી બાજુ કુદી ગયો ! - "..તીન...સાઢ્ઢે ત્તીઈઈઈન...મિનિટમેં સબ ખેલ ખતમ કર દિયા ઉસને...ફોંજિયોંકા પોસ્ટમોર્ટમ નહી હોતા..ઉનકે ચિથડે નિકલતે હે...ફુલ સા બચ્ચા થા..બડા ગઝબ કા થા.." - ખાનદાન અને માભોમ બંનેની આન-બાન-શાન જળવાઈ ગઈ !

પણ, એ કુતરાએ ૨-૩ દિવસ સુધી જે યાતનાઓ સહી હશે મૃત્યુ પહેલાની એ અને ૮-૧૦ હઝારના પગારમાં પરિવારની દિવાળિને રોશન કરવા મથતા એ મધ્યમવર્ગીય પુરૂષની વિટંબણાં અને "નરસિંહ મહેતા" ના સળગતા હાથની બળતરા અને "સુધા ચંદ્રન" ના સદાય હસતાં રહેતાં ચહેરાની લાલીમા અને પેલા "મુક-બધીર" હંમેશા ત્રાંસો ચહેરો રાખીને, અથડાયા કરીને , જરાક ઉંચે તરફ જ જોઇ રહેતા બાળકના પ્રયત્નો ,આદીજાતીના એ વડીલના હાથમાં સંઘરેલા "ચુલાના અંગારાઓ" અને "કરબલા" ના ધમાસાણ વચ્ચે નમાઝના સમયનું ધર્મસંકટ , છેલ્લી ચુંટણીઓમાં પ્રચાર અભિયાન માટે ગાંડાની જેમ ભારતમાં રખડતાં "નરેન્દ્ર મોદી" કે વેરવિખેર રજવાડાંઓમાંથી "એક ભારત" બનાવવા મથતા "સરદાર પટેલ" ની હડિયાપટ્ટી અને પેલો "રાજપુતાના રાયફલ્સ" નો યોધ્ધો જેણે લોહીભીના શરીરે માભોમની આન-બાન-શાન જાળવી હતી એના મરણીયા ઝુનુનને .. એને "રક્સ-એ-બિસ્મિલ્લ" કહી શકાય ! જખ્મોનું નૃત્ય..ઘવાયેલાઓનો રંગમંચ..અંતિમ કક્ષાની તકલિફોની સાથે જીવનની ખારાશોની જે રિધમ/લય જળવાય છે, એની ગુલાબિયતને "રક્સ-એ-બિસ્મિલ્લ" કહેવાય છે !

------ reference just in case needed ! ------

[ "આ "રક્સ-એ-બિસ્મિલ્લ" એટલે શું ?" - એક વાંચક અને મિત્રએ પ્રશ્ન પુછ્યો હતો, અગાઉ પણ અમુકવાર પુછાયો હતો. અને ટુંકો જવાબ એમને કંઈક અધુરો/અસ્પષ્ટ લાગ્યો, ફોન નંબર માંગ્યો અને શિયાળાની શરૂઆતવાળી મોડી રાત્રીએ અમે વાત કરી - સંસ્કૃત/અરેબિક/પર્શિયન/ગુજરાતી - ની દિલખુશ વાતો નિકળી અને મેં આ શબ્દના અર્થ ને શોધવા માટેની કરેલી મગજમારીઓની વાત કરી અને..એમાંથી કંઈક ટુંકાવીને(!) અહિં મુક્યું ! ;) :) ]