બુકે Jignasha Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બુકે

ગુલદસ્તો

સવારના ૧૧ વાગ્યે રેવતીના ઘરે ડોરબેલ વાગ્યો .કોણ હશે આ સમયે! આશ્ચર્ય સાથે તેણે દરવાજો ખોલ્યો. સામે કુરિયરમેન હાથમાં સરસ સુગંધીદાર બૂકે લઈને ઊભો હતો, મેડમ.... સહી ...કહેતા કાગળ અને પેન રેવતી આગળ ધર્યા.રેવતીએ સહી કર્યા બાદ કુરિયરમેને બૂકે સાથે એક પુસ્તક પણ તેને આપ્યું. તેની અધીરાઈ વધી રહી હતી.”કોણ હશે? મને કોણ મોકલી શકે આવી ભેટ? શું હશે આ પુસ્તકમાં?” કેટલાય સવાલો તેને ઘેરી વળ્યા .દરવાજો બંધ કરી તે સોફા પર બેઠી.

જોયું તો એક કવિતાસંગ્રહ હતો. એક ક્ષણ માટે તેના મોં પર સ્મિત આવી ગયું, કેમકે કવિતા તેને ઘણી પ્રિય.પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી તો એનાથી એ ક્યારે જુદી થઇ, છૂટી થઇ એનું ભાન પણ એને ક્યાં હતું? સમીર સાથે લગ્ન થયા,આશુ નો જન્મ થયો ત્યારે રેવતી નો પણ બીજો જન્મ જ થયો હતો ને! કારણ કે ત્યારબાદ તો એ સાવ બદલાય જ ગઈ.પતિ અને પુત્રપ્રેમમાં એ તો ઘેલી થઇ ગયેલી.પોતાનું અસ્તિત્વ,પોતાની ઈચ્છા,પોતાના શોખ હવે તેણે પોતાના નહોતા રાખ્યા અને એનો તેને લેશમાત્ર પણ રંજ નહોતો.

રેવતીએ પુસ્તક ખોલ્યું, એક નાની કાપલી પાનાની વચ્ચે હતી.”અરે! આ કાગળમાં શું લખ્યું હશે?” ધ્રૂજતા હાથે તેણે પત્ર ખોલ્યો...

“ રેવતી આઈ લવ યુ.......મારી ગિફ્ટ તને ચોક્કસ ગમશે, કેમકે એમાં તારી બધી જ ફેવરેટ કવિતાઓ છે.”

પત્રમાં ફક્ત આ બે જ લીટી લખી હતી.વાંચી રેવતીના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું.”કોણ હશે આ વ્યક્તિ જેણે પોતાનું નામ પણ નથી જણાવ્યું! સમીર ને તો મારી પસંદ નાપસંદની ક્યાં કઈ પરવા છે”. ભૂતકાળમાં એક ડોકિયું કરી જોયું પરંતુ કોઈ એવી વ્યક્તિ એના જીવનમાં આવી નહોતી.કોલેજકાળમાં પણ એટલી નિકટતા એ કોઈ સાથે કેળવી શકી નહોતી.વિચારે ચઢેલું તેનું મન ફરી પાછું તેને “આજ” માં લઇ આવ્યું. આંખમાં તેજ અને ચેહરા પર હાસ્ય લઇ આવ્યું. મીઠી મૂંઝવણ સાથે એ ઊભી થઈ,પછી રૂમમાં જઈ અરીસા સામે ઊભી રહી,જાણે વર્ષો બાદ આજે જ પોતાને ધ્યાનથી જોઈ રહી હતી.

કાળા, લાંબા પરંતુ વિખરાયેલા વાળ. સુડોળ કાયા ,ગોરો વાન પરંતુ લાંબા ઝભ્ભા જેવા ગાઉનમાં ઢંકાયેલી.ચાલીસીમાં પ્રવેશેલી રેવતી જો પોતાની કાળજી રાખે તો હજુ પણ વીસ વર્ષની યુવતીને શરમાવે.પરંતુ એને ક્યાં એવું આવડતું જ હતું.સમીરની કામ માટેની અતિવ્યસ્તતા,આશુનું વધુ અભ્યાસાર્થે વિદેશ જવું, એય ઓછું હોય તેમ હવે આ ઉંમરે મેનોપોઝ ના પ્રશ્નો.કારણ વગરની નિરાશાનો ભાર તેના માટે અસહ્ય થઇ ગયો હતો.

રેવતી જાણે પોતાને જ કહી રહી,”ના હવે બસ”....કંઇક વિચાર કરી, વોર્ડરોબ ખોલી, પ્લેન મરૂન રંગની સાડી કાઢી પહેરી.વાળને સેટ કર્યા.હલકો મેકઅપ કર્યો.કાજળ આંખમાં લગાવતી વખતે અનાયાસે તેનાથી ગવાઈ ગયું .....

“કાજળભર્યા નયનના કામણ મને ગમે છે,

કારણ નહિ જ આપું કારણ મને ગમે છે.”

ઓહ! આ તો અમૃત ઘાયલની ગઝલ છે.આજે કેટલા વર્ષો બાદ હું ગાઈ રહી છું.અને ..અને...હું ખરેખર એક અનોખી ખુશીનો અનુભવ કરી રહી છું.એ મનોમન બોલી રહી.

સાંજે જયારે સમીર ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે રેવતી કિચનમાં કામ કરી રહી હતી,સાફ અને સુઘડ ઘર જોઈ એક ક્ષણ એણે વિચાર્યું, ક્યાંક બીજાના ઘરમાં નથી આવી ગયો ને! ખાતરી કરવા જાણે તેણે રેવતીને બૂમ પાડી,રેવતી......સોફા પર બેસતા સહસા તેની નજર સેન્ટર ટેબલ પર વાઝમાં ગોઠવેલા સુંદર ફૂલો પર પડી.રેવતી આ ફૂલો કોણ લાવ્યું? કિચનમાંથી જ રેવતીએ જવાબ આપ્યો,”મારા માટે કોઈકે મોકલ્યા છે.”સાંભળી સમીર હસી પડ્યો, કહ્યું “ખોટા એડ્રેસ પર આવી ગયા હશે,આવા સુંદર ફૂલો તને વળી કોણ મોકલવાનું!” ત્યાં તો રેવતીએ સમીરના હાથમાં પુસ્તક મૂક્યું ,સામે ઊભેલી રેવતીને સમીર ફાટી આંખે જોઈ જ રહ્યો.આપોઆપ જ તેનાથી ઊભા થઇ જવાયું ,એની આંખો પર એ વિશ્વાસ ન કરી શક્યો કે સામે રેવતી જ ઊભી છે! પ્લેન મરૂન રંગની શિફોનની સાડીમાંથી તેના અંગોના વળાંક સ્પષ્ટ જોઈ શકાતા હતા,સાડીના ઘેરા રંગમાંથી તેનો ગોરો વાન વધુ નિખરતો હતો,કાળા લાંબા અને રેશમી વાળ તેની પાતળી મુલાયમ કમરને હળવેથી સ્પર્શતા હતા.

“ હવે ખોલીને તો જો” ,રેવતીના અવાજથી તે ભાનમાં આવ્યો...હં ...હા ....હા...શું છે એમાં ? કાવ્યસંગ્રહ જોયો, .....પત્ર ખોલી વાંચ્યો અને ....”શું છે આ રેવતી?” “જે તેં હમણાં વાંચ્યું”. રેવતી એ આંખો ઉલાળી જવાબ આપ્યો”મને આવો મજાક બીલકુલ પસંદ નથી રેવતી”..સમીર મોટેથી બોલી ઉઠ્યો.”પરંતુ હું ક્યાં મજાક કરું છું”.રેવતીની બેફિકરાઈથી તે અકળાઈ ગયો.પુસ્તક સોફા પર પુસ્તક પછાડી ત્યાંથી તેના રૂમમાં ચાલ્યો ગયો.થોડીવાર પછી સ્વસ્થતા કેળવી ફ્રેશ થઇ ડીનર માટે ડાયનીંગ ટેબલ પાસે બેઠો, રેવતી એકપછી એક તેની પ્રિય વાનગીઓ સર્વ કરતી હતી.”આજે તો બધી જ તારી ફેવરેટ ડીશીસ બનાવી છે સમીર” ,રેવતીએ કહ્યું.”દરરોજ ફક્ત શાક –રોટલી અને આજે આટલા બધા પકવાન મારા માટે! શું વાત છે!” સમીર સ્વગત બોલી રહ્યો.આખા દિવસના અંતે ઘરે આવ્યા બાદ એ શાક અને રોટલી પણ એને કેવા ભાવતા. પરંતુ આજે આટલું સ્વાદિષ્ટ ભોજન પણ એના ગળે ઉતરતું નહોતું.એ આખી રાત સમીર સૂઈ શક્યો નહિ.

રેવતીમાં આવેલું આ પરિવર્તન સમીરને સમજાતું નહોતું. હવે એના ગુસ્સાથી કે એની નારાજગીથી રેવતી ને કશોય ફરક પડતો ન હતો.જોકે હવે ઘરનો અને પોતાનો સાજ-શણગાર બખૂબી કરી લેતી. સમીર, આ વધતી જતી બેચેનીને લીધે ઓફિસમાં પણ એકાગ્રતાથી કોઈ કામ કરી શકતો નહતો.આ વાત ને આજે દસ દિવસ થવા આવ્યા હતા,અકળાયેલા સમીરે આજે જ રેવતી જોડે બધી વાત કરી આ મુંઝવણનો અંત લાવવાનો નિર્ણય કર્યો”.ઈનફ ઇઝ ઈનફ ,આઈ નીડ આન્સર.” તે સ્વગત બોલી ગયો.ઘરે પહોંચીને જોયું તો દરવાજા પર તાળું લટકતું હતું.તેણે રેવતીને ફોન કર્યો,” હલો... રેવતી તું ક્યાં છે?” તદ્દન ધીમા અવાજે રેવતી બોલી,”હું એક કવિ સંમેલનમાં આવી છું,મારા ફ્રેન્ડસ જોડે.મને આવતા મોડું થશે,ઓકે”.પણ...કોની જોડે.....સમીર આગળ બોલવા જાય ત્યાં તો રેવતીનો ફોન કટ.બંને હાથની મુઠ્ઠી ભીંસી દઈ દાંત કચકચાવી સમીરે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવાનો નિરર્થક પ્રયાસ કર્યો.

“ઘરની બીજી ચાવી તો મારી પાસે પણ છે,મારું મગજ પણ બહેર મારી ગયું છે”,એમ બબડતા એણે દરવાજો ખોલ્યો.થોડીવારમાં દરવાજા પર ટકોરા સંભળાયા, આંખો બંધ કરી સોફા પર સૂતો હતો ત્યાંથી જ બોલ્યો,”ખુલ્લો છે”

“કેમ સમીરભાઈ લાઈટ પણ ચાલુ નથી કરી? દીદી નથી?” “ઓહ! સુરભી તું!” કહેતા સમીર બેઠો થયો.”તારી દીદી કવિ સંમેલનમાં ગઈ છે એના ફ્રેન્ડસ જોડે”.”ગ્રેટ! તો મેં આપેલી ગીફ્ટે કમાલ કરી ખરી”.સુરભી ખુશીથી બોલી ઊઠી.”તો પેલું બૂકે અને કાવ્ય- સંગ્રહ તેં આપેલા?” સમીર એકી શ્વાસે બોલી ગયો. “હા તો તમને શું લાગ્યું દીદીના કોઈ બોયફ્રેન્ડે મોકલ્યા હશે?”સુરભી જોરથી હસી પડી.છોભીલા પડેલા સમીરે વળતો જવાબ આપ્યો,”એમાં જે પત્ર હતો એમાં નામ પણ નહોતું તો”.....”તો શું? હું મારી દીદીને ટીઝ પણ ન કરી શકું? એમાં તમે કશું બોલી શકો નહિ”.સુરભી બોલી.”પણ હું ક્યાં કંઈ બોલું છું”...ઊંડો રાહતનો શ્વાસ લેતા સમીર બોલ્યો.એની બધી બેચેનીનું જાણે પળવારમાં બાષ્પીભવન થઇ ગયું.

“સમીરભાઈ, જયારે હું પહેલી વાર મારું ઘર છોડી આ શહેરમાં જોબ માટે એકલી રહેવા આવી, ત્યારે મને ઘરની અને મમ્મીની બહુ યાદ આવતી.બિલ્ડીંગમાં હું કોઈ જોડે વધુ બોલતી નહોતી,પરતું દીદી સાથે એક એટેચમેન્ટ થઇ ગયું.રોજ સાંજે હું જોબ પરથી આવું એટલે તેઓ ચા પીવા માટે મારી રાહ જોઈને બેઠા જ હોય,અમે બંને વાતો કરતા કરતા ચા નાસ્તો કરીએ,વાત વાતમાં મને એ ફિલ થયું કે તેઓ ખૂબ એકલા છે,મેં જાણ્યું કે કવિતાનો એમને ખૂબ શોખ છે,જરૂર હતી માત્ર એમને એ દિશા તરફ વાળવાની. હું કંપનીના કામમાટે ૧૫ દિવસ માટે આઉટ સીટી હતી.એક સ્ટોરમાં આ કાવ્યસંગ્રહ જોયો તો એમાં દીદીની બધી ફેવરેટ કવિતાઓ હતી.આથી એમને કુરિયર થ્રૂ મોકલ્યો,પણ જરા જુદી રીતે, એન્ડ ઈટ વર્કડ”.

“સુરભી,હું વીસ વર્ષથી રેવતી પાસે રહ્યો,પરંતુ સાથે ન રહી શક્યો.હું જે કદી જોઈ ના શક્યો તે તેં ૬ મહિનામાં જોઈ લીધું.મેં ક્યારેય એની પરવા કરી નહિ.પરંતુ હવે હું એને એ તમામ ખુશી આપવા માગું છું.રેવતી સાથે કરેલું રુષ્ક વર્તન અને સતત કરેલી ઉપેક્ષાના દ્રશ્યો તેની નજર સામે તાદૃશ થઇ ગયા.પોતે કરેલ વ્યવહાર નો રેવતીએ ક્યારેય કોઈ વિરોધ કર્યો નહિ અને ચૂપચાપ......પોતાની જ નજર માં સમીર ઉતરી ગયો.આંખો બંધ કરી ક્યાં સુધી એ સોફા પર માથું ઢાળી દઈ બેસી રહ્યો.પરિસ્થિતિ ની ગંભીરતા પામી ચૂકેલી સુરભી પણ મૌન થઇ ગઈ.ત્યાં જ સમીર કૈક નક્કી કરીને ઊભો થયો. “સુરભી મને એક પ્રોમીસ આપીશ?” “હા... શ્યોર” ,સુરભીએ કહ્યું. “આ બૂકે અને કાવ્યસંગ્રહ તેં રેવતી ને આપ્યા છે,એ વાત તું એને ક્યારેય પણ કહેતી નહિ”.....!

--જીજ્ઞાશા સોલંકી

Jigsolanki2013@gmail.com