પિયુ જસ્ટ ચીલ Dharini Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિયુ જસ્ટ ચીલ

‘પિયુ, જસ્ટ ચિલ!’

1

અરે પિયુ કેમ આટલી અધીરી થાય છે. થોડીક તો ધીરજ રાખ. સવાર સવારમાં છાપું ખોલતા તરુણે પ્રિયાને કહ્યું, કોઈપણ વ્યક્તિનો ગુસ્સો આટલી જલદી શાંત થઈ જાય? આટલું જલદી બધું ભૂલી જાય એ કેવી રીતે શક્ય છે. થોડોક તો સમય લાગે ને.

પણ તરુણ આજે ત્રણ ત્રણ દિવસ થયા એ વાતને. પ્રિયાએ કહ્યું, હજુ કેટલો સમય. ત્રણ ત્રણ દિવસ થઈ ગયા તો પણ પપ્પા હજુ એ વાત ભૂલ્યા નથી. પિન્કી સિવાય કોઈની સાથે વ્યવસ્થિત વાત પણ નથી કરતા. ગીલ્ટ થયા કરે છે એ વાતની. કેમ મેં ધ્યાન ના રાખ્યું ખબર હતી મને કે પપ્પાને એ કપ એ મગ કેટલો પ્રિય છે ઉતાવળી થઈને હું વાસણ ધોતી હતી પછી તૂટી જ જાયને. પપ્પા એક શબ્દ પણ બોલ્યા નથી પણ એમની નારાજગી સીધી જોઈ શકાય છે.

પિયુ જસ્ટ ચિલ. તેં જાણી જોઈને થોડી તોડ્યો છે આટલું ના વિચાર. ચાલ પિન્કીને રેડી કર એક તો કેમ આ શનિવારે પિન્કીને મોર્નિંગ સ્કૂલ હોય છે. રોજની જેમ નુન કેમ નથી હોતી.

2

અચાનક ડ્રોઈંગ રૂમનો દરવાજો ખોલી પિન્કી દાદુ... દાદુ... કરતી સુબોધભાઈને વળગી પડી અને સુબોધભાઈના હાથમાંથી રીમોટ લેતાં બોલી દાદુ મારે છોટા ભીમ જોવું છે.

લો શરૂ આવતાંની સાથે! પહેલાં જમી તો લે દીકરા, દાદાને પણ ન્યુઝ જોવાં હોય ને.

પ્રિયાએ એક્ટિવાની ચાવી અને સ્કૂલબેગ ટેબલ પર મૂકતાં કહ્યું છોટા ભીમ જોઈને ભીમ જેવી જ થઈ જવાની છે.

હા ભલે. છ વર્ષની પિન્કીએ દાદાના ખોળામાં ગોઠવાતાં પ્રિયાને જવાબ આપ્યો.

અરે દાદુ તમારા માટે એક સરપ્રાઈઝ છે વેઈટ મમ્મીની બેગમાં છે લાવું.

જુઓ આ રહ્યું તમારું સરપ્રાઈઝ પિન્કી એ સુબોધભાઇના હાથમાં કપ આપતાં કહ્યું.

સુબોધભાઇએ ચારે બાજુએથી કપ જોઇ ટેબલ પર મૂક્યો. પ્રિયા જરા વિમાસણમાં પડી ગઇ તેણે તરત પૂછ્યું ‘પપ્પા શું થયું ના ગમ્યો કપ?’

સુબોધભાઇ કંઈપણ બોલે તે પહેલાં જ પિન્કી બોલી, ‘અરે દાદુ આ ના ગમે તો મારો ડોરેમોન વાળો કપ લઈ લેજો.’

સુબોધભાઇ હળવું સ્મિત કરતાં પિન્કીને જોઇ રહ્યાં. પણ પ્રિયા ને હજુ પણ તેનો જવાબ મળ્યો નહોતો. તે ત્યાંથી ચાલી ગઈ.

આજે પણ સુબોધભાઇએ ખાધું ના ખાધું ને બેડરૂમમાં જઇને સૂઊ ગયા.

3

સાંજના છ વાગ્યા હતા. સુબોધ મહેતા લાકડીના ટેકે ધીમે ધીમે ડાઈનીંગ ટેબલ સુધી આવ્યા.

પ્રિયાએ થોડી અસમંજસમાં કોફી આપી. સુબોધભાઈ એક પળ કપ જોઈ રહ્યા પણ બીજી પળે ચૂપચાપ કોફી પી લીધી.

વળી વળીને, તેનું મન કપમાં જઈ અટવાતું હતું. ત્યાં જ સુબોધભાઈ બોલ્યા ‘વહુ બેટા યાદ છે તમને, રીટાયરમેન્ટ પછીનો મારો ઘરમાં પ્રથમ દિવસ હતો અને બહાર લોનમાં હીંચકા પર બેસી હું છાપું વાંચતો હતો અને વનિતા અચાનક એ કપમાં કોફી લઈને આવી હતી. ત્યારથી તો જાણે એ કપમાં જ કોફી પીવાની આદત પડી ગઈ હતી. રોજની એ એક કપ કૉફી જાણે આખા દીવસનું રીફ્રેશમેન્ટ હતું.

તમારા મમ્મીની ભેટ આપવાની અનોખી રીત મને બહું ગમતી. એને સરપ્રાઈઝ આપવું બહુ ગમતું અને બદલામાં હું શું કરતો સરપ્રાઈઝ આપવાને બદલે એને જ ભેટ ખરીદવા લઈ જતો.’ એકવાર તો એણે કહ્યું હતું, “મને લઈ જવી જરૂરી છે? ક્યારેક તો તમારી પસંદની સાડી લઈ દો.” પણ હું ના માનતો અને એને સાથે લઈ જતો.

સાચું કહું બેટા મને ડર લાગતો હતો. શોપીંગની એટલી સમજ નથી અને લઈ આવીશ અને તેને નહી ગમે તો!

આ સાંભળતા સાંભળતા પ્રિયાના ધબકારા વધી ગયા. એક વાતની અંદરોઅંદર હાશ થઈ હતી કે સુબોધભાઈએ ત્રણ દિવસે આ બાબતે મૌન તોડ્યું, છાપુ લઈ હીંચકા તરફ જતાં સુબોધભાઈને પ્રિયા મૌન રહી નિહાળી રહી.

છાપામાં એક સમાચારે સુબોધભાઈનું ધ્યાન ખેંચ્યું, ‘દીકરાએ મિલકત પચાવી પાડતા મા થઈ નિરાધાર ન્યાય મેળવવા પહોંચી કોર્ટને શરણે.’ એક પળ સુબોધભાઈને થઈ ગયું મારો તરુણ આવો નથી સારું છે.

સાંજની રસોઈમાં પરાણે પરોવાતું પ્રિયાનું મન વારંવાર સુબોધભાઈના એ કપમાં જઈ અટવાતું હતું. ક્યાં સુધી આમ રહેવાનું તરુણ તો ઓફીસ જતો રહે છે અને પિન્કી સ્કૂલે. રહ્યા ઘરમાં અમે બંને તો આમ કેમનું રહેવાય ગમે તે થાય આજે તો પપ્પાને કહી દઉં નથી મારાથી આ અબોલા સહન થતા મને માફ કરી દો.

ગેસ બંધ કરી પ્રિયા બહાર લોનમાં ગઈ. ખાલી હીંચકો પવનનાં વેગે ધીમો ધીમો ઝૂલતો હતો. પ્રિયા સુબોધભાઈના બેડરૂમ તરફ ગઈ દરવાજો અડધો ખૂલ્લો હતો. પપ્પા.. પપ્પા.. પ્રિયા અંદર પ્રવેશી પણ વિખરાયેલી પથારી સિવાય કંઈ નહોતું. પ્રિયા આમતેમ ઘરમાં જોવા લાગી. સુબોધભાઈ ક્યાંય ન મળ્યા.

પિન્કી દાદુને જોયા ક્યાંય?

ના મમ્મી હું તો ડ્રોઈંગ કરુ છું મને શું ખબર.

ડોરબેલનો અવાજ સાંભળી પ્રિયાએ દરવાજો ખોલ્યો.

તરુણ, સારું થયુ તું આવી ગયો. જોને પપ્પા ક્યાંય નથી.

કેમ અચાનક શું થયું? જો ઘરમાં બરોબર; એ જાય ક્યાં? અહીંયા જ હશે.

ક્યાંય નથી મે બધે જોઈ લીધું.

તરુણ, હું કહેતી હતી ને મારા હાથે એ કપ તૂટ્યો છે ત્યારનું એમનું મન વ્યાકુળ હતુ. મંદિરે જોઈ આવું છું. શી ખબર ત્યાં ગયા હોય તો.

પ્રિયા વધુ કંઈ બોલે તે પહેલાં જ દરવાજે લાકડી અથડાવાનો અવાજ આવ્યો અને સુબોધભાઈ પ્લાસ્ટિકની નાની થેલી લઈ ઘરમાં પ્રવેશ્યા.

એ જોઈ તરુણ ગુસ્સામાં બોલવા જતો હતો પણ પ્રિયાએ તરુણનો હાથ દાબ્યો.

તરુણે ગુસ્સા પર કાબુ કરતાં સુબોધભાઈને પૂછ્યું, ‘પપ્પા ક્યાં ગયા હતા. ખબર નથી પડતી. પ્રિયા કેટલી ચિંતા કરતી હતી. ઘરમાં જણાવીને તો જાવ. અમે બધાં ક્યારનાં શોધીએ છે તમને.’

સુબોધભાઈએ પ્લાસ્ટિકની થેલીમાંથી નાનું બોક્સ કાઢી પ્રિયાનાં હાથમાં મુકી કહ્યું, ‘બેટા આ તમારા અને તરુણ માટે કપ છે. હવેથી રોજ તમે બંને આમાં જ ચા પીજો. અત્યારે તો મને એક કપ કૉફી આપજો પેલા નવા કપમાં.’

પ્રિયા સુબોધભાઈને વળગી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.