હાઇકુ કુસુમો
શૈયા છે કોની
એ જ ખબર નથી
આ જનાજાને
જાણું એટલું
ભીતિ નથી પર્ણોને
પાનખરની
છેહ દીધો છે
કફને પણ મને
અંતિમ ક્ષણે
શહીદ થયો
હું, હસતા હસતા
તારી યાદમાં
લાવી ચાંદની
જલતા દિલ કાજે
શીતલ દવા
રૂઝાસે નહિ
મોત કેરી દવાથી
દિલનો ઘાવ
ડરી ને ભાગે
મુજ છાયાથી દુર
મંઝીલ મારી
તુટ્યો મહેલ,
કૂકડાની કૂક થી
શમણા તણો
હસે વગડો
ખીલેલી વસંતને
કઢંગી કહી
હોળી ખેલી મેં
નૈન પિચકારીમાં
આંસુડા ભરી
૨૭.૦૩.૨૦૧૨
માણસ ને શોધવા નીકળ્યા છો?
માણસ ને ઓળખવા નીકળ્યા છો?
શું વાત કરો છો !
ખરા હિંમતવાળા છો.
તમને ખબર છે?
માણસ માણસ છે? કે પછી,
માણસ પ્રાણી છે?
માણસ જેવું પ્રાણી છે? કે પછી
પ્રાણી જેવો માણસ છે?
માણસને શોધાવોજ હોય, ઓળખાવોજ હોય
તો એને ઉઘાડો કરો.
કરી જોયો છે કદી?
મદમસ્ત અલમસ્ત કાંદો પણ
૫-૧૦-૧૫-૨૫ પડ ખુલે પછી પૂરો ઉઘડી જાય.
માણસનો અંદાજ છે તમને?
માણસને કેટલા પડ છે?
તમે તો યાર દુ:શાશન જેવા છો
કૃષ્ણે દ્રૌપદીના ચીર પૂરે રાખ્યા,
દુ:શાશને એક પછી એક ચીર ખેંચે રાખ્યા
છેવટે બિચારો થાક્યો, હાર્યો
અને તમે પણ પાછા માણસને ઉઘાડો કરવા નીકળ્યા છો?
લોકોની વાત છોડોને.
આપણને ખબર છે કે આપણા કેટલા પડ છે.
એટલી સમજણ પડે તો પણ ગંગા નાહ્યા.
મને ખબર નથી કે હું ક્યાં પૂરો થાઉં છું.
તમને ખબર છે?
- રાજેન્દ્ર જૉશી
૦૩.૦૩.૧૯૮૭
જેમને
સમજતો હતો "દોસ્ત" હું,
એ સૌ
હકીકતે
દોસ્ત ના સ્વાંગ માં
હતા
નરપિશાચો ......
મારી
"દોસ્તી" રૂપી દ્રૌપદીને
ભર બજારે નિર્વસ્ત્ર કરતા ....
અવિરત બળાત્કાર ગુજારતા ...
અને હું,
નિ: સહાય
યુધિષ્ઠિર જેવો
લાચાર ....
મારી દોસ્તીનું
લિલામ થતું જોઈ રહ્યો ...
હે પ્રભુ,
યા તો આપ મને દોસ્ત કોઈ એવો
જે કૃષ્ણ બની મારી દોસ્તી ના ચીર પૂરે
અથવા
બનાવી દે તું મને
દુઃશાસન ......
- રાજેન્દ્ર જૉશી
૨૮.૦૭.૨૦૧૧
"હું" ..... Capital "I"
આ વાત "હું" ની છે, મારી છે, તમારી છે
"હું" એટલે "હું" એટલે "હું"
"હું" બેજોડ, "હું" લાજવાબ, "હું" લાઈલાજ
"હું" એટલે "હું" એટલે "હું"
સોનું ઓગળે આગમાં,
લોઢું ઓગળે તેજાબમાં,
પણ "હું" ઓગળે?
પ્રયત્ન કરી જોયો છે?
"હું" ની આગળ "હું"
"હું" ની પાછળ "હું"
"હું" ની ઉપર "હું"
"હું" ની નીચે "હું"
"હું" જાણે એક અલગ બ્રહ્માંડ ....
"હું" અને લવચીકતા?
"હું" અને નજાકત?
જવાદો ને આ વાત,
"હું" તો ખુબ બરડ, ખુબ અક્કડ,
જરા સરખો ધક્કો, નાની અમસ્તી ટપલી અને
"હું" થાય વેરણ છેરણ
પણ "હું" ને ઓછો ના આંકતા
પારા ની જેમ પાછો
ધીમે ધીમે એકઠો થાય
નાના નાના વેરણ છેરણ થયેલા "હું" ના ટપકા,
નજીક આવે, ભેગા થાય અને
વળી પાછો એનો એજ "હું"
મુંબઈ માટે કહેવાય છે કે એ નગરી ક્યારેય ઊંઘતી નથી,
"હું" નું પણ કૈક એવુજ છે
દિવસે તો "હું" જાગેજ
પણ નીંદરમાં પણ જાગે
શમણામાં પણ જાગે
"હું" ના ચાર ભાગ પાડી શકાય
ભાગ એક "હું"
ભાગ બે "હું"
ભાગ ત્રણ "હું"
ભાગ ચાર "હું"
તમે આમ ૮,૧૦,૨૦, ૨૫ ભાગ પણ પાડી શકો
પણ "હું" તો "હું" જ રહેશે
"હું" , "હું" જ છે,
"હું" "એ" નથી, "હું" "તું" નથી,
"પેલો" નથી, "પેલી" નથી
ચાલો ભાગલા ની વાત છોડો
શૃંગાર ની વાત કરીએ
"હું" તો મોટો બહુરૂપી,
અવનવા વેશ ધારણ કરે,
વેશ બદલે ત્યારે
"હું" માંથી "તું"
"હું" માંથી "એ"
"હું" માંથી "પેલો", "પેલી" થાય
પરંતુ
આંચળો ઉતાર્યો ત્યાં વળી પાછો
"હું"
કારણ?
"હું" એટલે "હું" એટલે "હું"
.... અસ્તુ
- રાજેન્દ્ર જોશી
૨૭.૦૫.૨૦૦૮
મારી છબિ પર સુખડનો હાર જોયો
પણ ઍમાં સુગંધનો અભાવ ધરાર જોયો
આંખો મિચવાની અંતિમ ક્ષણોમાં,
સૌ કોઈની આંખોમાં ખૂબ ખૂબ આભાર જોયો
દસમુ, અગીયારમુ, બારમૂ અને તેરમુ,
ચૌદમા દિવસેતો મૂળ રૂપેજ સંસાર જોયો
ધુમ્રશેરની જેમ વિખેરાઈ ગયી મારી યાદો,
ઍક ઘીનો દીવો બળતો લગાતાર જોયો
"દુ:ખનુ ઑસડ દહાડા", સમજતો હતો ‘રાજ’
અહીતો ઍ પણ ક્ષણભરનો કારભાર જોયો
- રાજેન્દ્ર જૉશી
૧૨.૧૧.૧૯૯૧
આ જીંદગી હળાહળ ઝેર છે
મોત સાથે પણ મને વેર છે
સદાય એકલતા ઝંખી મેં, ને,
અહીં સંબંધો નો કાળો કેર છે
લીલા પાનની કોરે શબનમ છે
આંખોમાં અને એમાં શું ફેર છે?
જિંદગીનું કર્યું વિહંગાવલોકન,
તો, લાગે છે કે સહુ ઠેર ના ઠેર છે
શ્વાસ બારણે ટકોરા મારે, ‘રાજ’
અને શૂન્યાવકાશ અહીં ચોમેર છે
- રાજેન્દ્ર જૉશી
૧૭.૦૭.૨૦૦૧
સૂક્ષ્મ બનીને કેવો વિસ્તરે તું,
સહુ કોઈ ને કેવો છેતરે તું
સમજુ તને મારો તારણહાર, ને,
ધીમો ધીમો કેવો વેતરે તું
લગાવી મરહમ ઉપરછલ્લો,
જુના ઝખ્મો કેવા ખોતરે તું
પાણો નહિ પરમાત્મા કહું તને,
જો ભવના ફેરામાં ના જોતરે તું
તોજ સમજાશે ‘રાજ’ ની વ્યથા,
દિલના ઊંડાણમાં જો ઉતરે તું
- રાજેન્દ્ર જૉશી
૨૭.૦૫.૨૦૦૪
થીજી ગયેલા શબ્દમાં છે હજી ગઝલનો ગરમાવો,
શબ્દના મોતની વાત કરી મને ખાલી ના ભરમાવો
નથી ભાલ ની લકીર કે હાથની રેખાઓ સીધી,
તમે આડા-અવળા, વાંકાચુકા રસ્તે કેમ આવો?
ચારેકોર માર-ધાડ, લુંટ-ફાટ, કાપા-કાપ,
રક્ત રંજીત માટીમાં ગઝલનું ફૂલ ઉગાડો
નથી કોઈ તુલસીપત્ર કે નથી ગંગાજળ,
આ જીવતી લાશ પર ચાર ગઝલ ચડાવો
ચંદનનું કાષ્ઠ ક્યાં આ મુફલિસના નસીબમાં?
ચાલો ‘રાજ’ ને ગઝલની પસ્તી થી સળગાવો
- રાજેન્દ્ર જૉશી
૧૭.૦૨.૨૦૦૪
તરડાયેલા શમણાના સાથિયા પુરીયે,
પછી હર મોસમમાં થોડું થોડું ઝુરીયે
લાવ જિંદગીની ખાંડણી અને ચપટી સુખ,
દુ:ખની પરાઈ થી ઝીણું ઝીણું દળીયે
જિંદગીનું અંગરખું ચીથરેહાલ, તાર-તાર,
મોત સામે ઝીંક ક્યાં સુધી ઝીલીયે?
આશા ઉમ્મીદો લોકો ઉપર શા માટે?
ચાલ આપણે એક બીજામાં જ ભળીયે
‘રાજ’ કરો કૈક એવું હવે કે બાજી સુલટે,
મુનસીફ થઈને ખુદાનો ન્યાય કરીયે
- રાજેન્દ્ર જૉશી
૩૧.૦૮.૨૦૦૨
પ્રભુ, તારા તો મૂળ ને પણ કાંટા,
કાંટા તે કેવા ! એનેય વળી ફાંટા
દોઝખ કરી દીધી જિંદગીને મારી,
એવા ઉડાડ્યા તે બે ચાર છાંટા
જીગર હોઈ તો નીચે આવી જો,
અમને શું મરાવે છે અહીના આંટા
કિલ્લોલથી ભરી હતી આ જીંદગી,
રહી ગયા છે બસ હવે સન્નાટા
વિસરી ગયો ‘રાજ’ કે તું છે બહેરો,
નાહક પાડતો રહ્યો તને એ ઘાંટા.
- રાજેન્દ્ર જૉશી
૧૫.૦૬.૧૯૯૫
દુન્યવી સંબંધો મને એવા છળી ગયા,
નર્કના પુરાવા પૃથ્વીલોકેજ મળી ગયા
પ્રભુ તારા સિતમ કેવા લાજવાબ છે,
મહેલો બચી ગયા, ઝુપડા બળી ગયા
સ્મશાનનો પથ તો ઘણો લાંબો હતો,
અધવચ્ચે મૂકી ડાઘુઓ પાછા વળી ગયા
નાઝ કેટલો મને પોતાની હસ્તી પર,
આખરે રાખમાં હાડ-માંસ ભળી ગયા
અલખનો ઓટલો બનાવ્યો ચિતાને,
સઘળા જોખમો ‘રાજ’ કેવા ટળી ગયા
- રાજેન્દ્ર જૉશી
૨૫.૦૬.૨૦૧૩
આ દર્દ નું કોઈ જ મારણ નથી,
જીવતા રહેવુ એવું કોઈ ભારણ નથી
પ્રશસ્તિ કરું હું ફક્ત મારા પ્રભુ ની,
તારા દરબાર નો હું ચારણ નથી
સુખ પછી દુ:ખ, દુ:ખ પછી સુખ છે,
કિન્તુ આજની સ્થિતિ સાધારણ નથી
તૂટેલું ફૂટેલું સઘળું કદાચ સંધાશે,
દિલને જોડવાનું કોઈ ઝારણ નથી
ઉઠી ગયો ‘રાજ’ તારી મહેફિલ થી,
પાછાવળી આવવાનું કોઈ કારણ નથી
- રાજેન્દ્ર જૉશી
૦૪.૦૮.૨૦૧૪
પ્રભુ,
દુ:ખોની પ્રયોગશાળા માં હવે રહેવાતું નથી,
બંધ કર તારા આ જુલ્મો, હવે સહેવાતું નથી
મન તો થાય કે તને પેટ ભરી ને શ્રાપ આપું,
બે આંખની શરમ રહી છે એટલે કહેવાતું નથી
હોળી કરી નાખવી છે સમગ્ર પૂજા સામગ્રીની,
ભક્તિનું આ જીર્ણ શીર્ણ વસ્ત્ર હવે પહેરાતું નથી
હવે તો યુદ્ધ એજ કલ્યાણ, ચાલ નીચે આવીજા,
સંતાકુકડી જેવું આ સગપણ, હવે જીરવાતું નથી
ભલે તું રહ્યો અખંડ બ્રહ્માંડનો સ્વામી પ્રભુ,
લક્ષણો જોઈ, ‘રાજ’થી મસ્તક નમાવાતું નથી
- રાજેન્દ્ર જૉશી
૦૫.૦૮.૨૦૧૪
ભર પાંખોમાં હોંસલો અને ફરી એક વાર ઉડી જો,
વક્ત એટલો સખ્ત નથી, એક વાર મરોડી જો
બદલ તારો દ્રષ્ટિકોણ અને ખોલી નાખ બારીઓ,
મિથ્યા તો મિથ્યા, એક વાર તો દુનિયા રૂડી જો
સતત બદલાવ એ જ એક માત્ર અચલ છે,
મુઠ્ઠીમાં ન બાંધ સમયને, આ વળગણ છોડી જો
પ્રથમ ગ્રાસે મક્ષિકા પણ દ્વિતિય ગ્રાસે શું ?
છોડ પંચાત, થા ઉભો અને વર્તમાન સાથે દોડી જો
હા માં હા મેળવીશ તો જીવન સરળ જ છે ‘રાજ’,
કર હિંમત એકઠી અને એક વાર તો વખોડી જો
- રાજેન્દ્ર જોશી
૦૩.૦૫.૨૦૦૮
દિલના ઊંડાણમાં જવાથી ડરતો હશે
એથી જ આંખોની સતહ પર તરતો હશે
અમસ્તોજ બરફનો શિવ પીગળતો નથી,
ગત જન્મ નાજ કોઈ ફળ એ ભરતો હશે
અશ્રુ વહાવે તું અને ભીનો થાય તડકો,
ચાંદ તો શું, રવિ પણ ધીમે ઝરતો હશે
આભમાં આંખ ઠારીને આમ બેસ નહિ,
હરપળ કઈ કોઈ સિતારો ખરતો હશે?
અવ્વલ મંઝીલે લઇ જવાની વાર છે હજુ,
‘રાજ’ દરેક પળે ધીમો ધીમો મરતો હશે
- રાજેન્દ્ર જોશી
૦૧.૦૯.૨૦૦૪
ગાંડા બાવળની જેમ દિલોમાં પ્રેમ ઉગી નીકળે તો કેવું?
સંબંધોના નફા-તોટાનું ગણિત કદી ખોટું નીકળે તો કેવું?
મારું દિલતો છે લીલીછમ્મ લાગણીઓનું અડાબીડ જંગલ,
તારા શુષ્ક હૃદયના કોઈ ખૂણે એક કુંપળ ફૂટી નીકળેતો કેવું?
પથ્થરોથી, કાંટાઓથી ઘાવ લાગવા તો વ્યાજબી હતા,
હવે ઘાયલ કરનાર કોઈ સુવાળું પીછું નીકળે તો કેવું?
અશક્યાતાનો આ ઉંબરો ઓળંગીને તું એકવાર આવ,
એની આંખોના ઝાંઝવાથી પણ ઝરણું નીકળે તો કેવું?
જીવન પર્યંત સમજતો રહ્યો ‘રાજ’ જેને બોદો વાંસ,
અંત કાળે એ મારા કૃષ્ણની વાંસળી નીકળે તો કેવું?
- રાજેન્દ્ર જોશી
ઉગતો સિતારો ક્યાં ખરી ગયો, ખબર ના પડી,
ખુદા શું રમત રમી ગયો, ખબર ના પડી
શૂન્ય ના મીંડા જેવો અનંત હું,
શરુઆતેજ અંતમાં ભળી ગયો, ખબર ના પડી,
નિત ઉષાની લાલીમા ઝંખનારો,
સંધ્યાની લાલાશમાં ઢળી ગયો, ખબર ના પડી,
લાગ્યા'તા ઘાવ ઘણા આ દિલ પર,
આજે તું નસ્તર ક્યાં મૂકી ગયો, ખબર ના પડી,
અનાયાસેજ મને હું મળી ગયો આજે,
કેમ છો? કહી ને પાછો ફરી ગયો, ખબર ના પડી,
ખોબો બનીને પીવાયો, આંશુ બનીને લુછાયો,
આમ હસ્તી ક્યાં મટી ગઈ ‘રાજ’, ખબર ના પડી,
- રાજેન્દ્ર જોશી
૨૮/૮/૨૦૧૪
ઊંઘતી આંખોમાં પણ જાગે સપના,
મૃગજળ પાછળ આમ ભાગે સપના
પરોવાય ગયા જો એ પાંપણો એ,
હકીકતો પણ પછી લાગે સપના
ટેરવેથી નીકળે તો હૃદય સુધી જાય,
નહીતો આમતેમ અથડાય સપના
મારા, તારા તો ક્યાંક થાય સહિયારા,
તો ક્યારેક સાવ અનાથ લાગે સપના
પૂળો મૂકી દઉં જયારે હાથે ચઢી જાય,
પણ એમ ક્યાં બળે આ ભીના સપના
વિહંગી જુઓ જો જિંદગીની વાડી,
ગોફણ બનીને પછી વાગે સપના
મહત્વ એ નથી કે નાના છે કે મોટા,
ચાલે ત્યાં સુધી શ્વાસ-ઉચ્છવાસ સપના
વાસ્તવિકતા તો નકરી વીરાની છે,
અને ‘રાજ’ ભાળે બાગે બાગે સપના
-રાજેન્દ્ર જોશી
૦૨.૦૯.૨૦૧૪
ક્યારેક સડસડાટ ભાગતા વિચારો,
ક્યારેક ઉબડ-ખાબડ હાંફતા વિચારો
ક્યારેક મોટી વાતને અવગણતા, તો,
ક્યારેક અતિશય ઝીણું કાંતતા વિચારો
કયારેક મંદિરે દીવો-બત્તી થઇ બળે, તો
ક્યારેક રંકના ફાનસે પ્રકાશતા વિચારો
ક્યારેક ઝરણા સમા ખળ ખળ વહેતા, તો
ક્યારેક કાળમીંઢ પથ્થર લાગતા વિચારો
ક્યારેક સુદામાની તાંદુલની થેલી માં કેદ, તો
ક્યારેક રાધાના રાસ માં મહાલતા વિચારો
એકમેક ને ભૂલ્યા વગર હવે ક્યાં છે ચારો,
મેં તો ખુબ વિચાર્યું, તમે પણ થોડું વિચારો
આ લાચારી, પરવશતા નહિ તો બીજું શું છે ‘રાજ’
થવું હોય શૂન્યમનસ્ક ત્યારે ધાડામાં આવતા વિચારો
- રાજેન્દ્ર જોશી
03.૦૪.૨૦૧૪
મરકું છું કદીક સાવ એમજ, અમસ્તું અમસ્તું,
લખું છું કદીક સાવ એમજ, અમસ્તું અમસ્તું
હવે આંખો પણ ડુસકા ભરે છે સાવ કોરા કોરા,
મોઢું ધોવાઇ ગયું સાવ એમજ, અમસ્તું અમસ્તું
દહીં જમાવતા ભાઈ સમયતો લાગશેજ ને?
દૂધ ફાડી નાખ્યું સાવ એમજ, અમસ્તું અમસ્તું
બારીનું બીજું નામ ઇન્તજાર પણ હોય શકે,
બારણું વસાઈ ગયું સાવ એમજ, અમસ્તું અમસ્તું
ડોકિયા કર્યા હથેળીના ચાસમાંથી કુંપળો એ, કે,
આંખેથી પીછું ખર્યું, સાવ એમજ, અમસ્તું અમસ્તું
અને કહે છે ને કે નામ એનો નાશ અવશ્ય છે,
વિચારે ‘રાજ’, સાવ એમજ, અમસ્તું અમસ્તું
-રાજેન્દ્ર જોશી
૧૦.૦૯.૨૦૧૪
આપવી જ છે તો દોસ્તીની ઢાલ આપ,
શક્ય ના હોય તો ગેંડા જેવી ખાલ આપ
હાર-જીતના કોઈ માયના નથી રહ્યા હવે,
હાર માં જીત થાય એવી કોઈ ચાલ આપ
સરી ગયા શમણા નીતર્યા પાણીની જેમ,
ઉઘાડી આંખોમાં એક તો દીવાલ આપ
મહેંદી નું શું છે? રંગ આવે - નાય આવે,
સુકાભઠ હાથમાં એક મુઠ્ઠી ગુલાલ આપ
સ્મરણના નામે બાકી રહ્યા થોડા ડુસકા,
આંખ ખુલે એ સામે હોય, એવી કાલ આપ
નથી ઝંખતો કે સાજીન્દાની એક ટોળી મળે,
મેળવી શકે તાલમાં એવો કોઈ તાલ આપ
હથેળીની રેખાઓમાં અટવાય ગયો છું,
લકીરો વગરનું કોરુંકટ્ટ એક ભાલ આપ
સહી લેવામાંજ જો મઝા હોય તો ‘રાજ’,
મારે થાપટ એક પર, તો બીજો ગાલ આપ
- રાજેન્દ્ર જોશી
૦૨.૦૪.૨૦૧૪
પ્રિયે,
મારી જિંદગીનો એક માત્ર સહારો તું છે,
અંધારી રાતનો એક માત્ર સિતારો તું છે
ઓગળી નાખી હસ્તી પુરે પુરી તુજ માં,
મુજ અસ્તિત્વનો રહ્યોસહ્યો પુરાવો તું છે
ભયાનક ભાસતા અફાટ ભવસાગરમાં,
એક અને બસ એક માત્ર કિનારો તું છે
ઉપરછલ્લા, નકાબપોશ સંબંધો મધ્યે,
ભવ-ભવ ના સંબંધનો મહાવરો તું છે
શ્યામ-ધવલ પૃષ્ઠોવાળી આ જીંદગીમાં,
થોડા ઘણા રંગીન પૃષ્ઠોનો ચિતારો તું છે
શૂન્યમનસ્ક થઇ જવા કારણો ક્યાં ઓછા છે?
નતમસ્તકે બેસે ‘રાજ’ તો એના વિચારો તું છે
- રાજેન્દ્ર જોશી
૨૦.૧૦.૨૦૦૯
"પ્રશ્નાર્થ"
હું વરસું મુશળધાર અને લીલો દુકાળ પડે,
પણ તારું માવઠું પણ દુર દુર નજરે ના પડે
મારું અસ્તિત્વ એટલે જાણે પ્રશ્નાર્થો નો વૈભવ,
આપું ઉત્તર એક ત્યાં બીજા હજાર આવી પડે
સંબંધોને નામ આપવુજ ક્યાં જરૂરી છે?
કૃષ્ણ-મીરાં ના સંબંધનું નામ ક્યાંથી પડે?
દરેક શ્વાસ-ઉચ્છવાસ જાણે યમ ના પગરવ,
જીજીવિષા અને હું? તમને શું ખબર પડે?
તું મને સમજી ના શકી એમાં નવું શું છે?
આમતો મને પણ ક્યાં મારી સમજણ પડે?
દિલમાં અહી વ્હાલનો ઘૂઘવતો સાગર ગરજે,
‘રાજ’ માંગે ફક્ત હાથ તારો, ને તું છળી પડે
- રાજેન્દ્ર જોશી
૦૮.૦૫.૨૦૧૨
હવે તારા વિચારોનો પણ ભાર લાગે છે,
પછી હળવા થતા ખુબ ખુબ વાર લાગે છે
ભૂસી નાખી મને માનસપટ પરથી સંપૂર્ણ,
હવે તું સ્મિત આપે તો એ વ્યાપાર લાગે છે
કુવારું મોત થયું, જીંદગી તારી પ્રીત નું,
શ્વાસ-ઉચ્છવાસ હવે અત્યાચાર લાગે છે
કલ્પનાના વંટોળે કદી ચઢી જાય મન, અને
જો આવે તારા વિચાર તો વ્યભિચાર લાગે છે
ખોબા જેવડી જીંદગી, દુ:ખો દરિયા સમાન,
કાણા પાત્રને ખાલી થતા ક્યાં વાર લાગે છે?
ઠાંસી ઠાંસી ને યાદો દિલમાં, બેઠો છે ‘રાજ’,
દિલ હવે ધબકતું દિલ નહિ, ખુવાર લાગે છે
- રાજેન્દ્ર જોશી
૧૬.૦૪.૨૦૧૪
નથી કોઈ મંદિર એવું જેનો ઓટલો ઘસ્યો નથી,
છતાય આ ઉજ્જડ રણ પર કેમ તું વરસ્યો નથી?
વાંક હોય મારો અને નારાજ થાય તો સમજાય,
હું તો નાસમજ છું, પણ તું ય મને સમજ્યો નથી
યાદ નથી કોઈ પળ એવી કે યાદ ના કર્યો હોય તને,
રોમ રોમ તું ડોકાય, હું તારા હૃદયે કેમ વસ્યો નથી?
વળી વળી ને દોડી દોડી આવું તારી પાસે હરદમ,
દોડ્યા કરું હું, પણ તું એક તસુંય કેમ ખસ્યો નથી?
બુંદ બુંદ ખુશી માટે ટળવળ્યો જીવનભર હું,
હવે ‘રાજ’ તારા દયાભાવ નો તરસ્યો નથી
-રાજેન્દ્ર જોશી
૨૪.૦૭.૨૦૧૪
તું આવે અચાનક અને કેટકેટલા ભરમ થાય,
અફવાઓનું બજાર પછી તો ખુબ ગરમ થાય
નથી નમતું મસ્તક હવે મંદિર કે મસ્જીદ માં,
હવે તારીજ બંદગી અને તારોજ ધરમ થાય
તારી ભક્તિ, તારી ઈનાયત, તારી ઈબાદત,
બીજું શું જોઈએ જો ફક્ત આ ત્રણ કરમ થાય
નથી દવા, નથી દુઆ , ના વૈદ, ના હકીમ,
તારી એક નજર અને ઘાવ મારા મરહમ થાય
વાચાળતા નો મતલબ બોલતા રહેવું ક્યાં છે?
મૌન રાખે ‘રાજ’ અને સંવાદની સીમા ચરમ થાય
- રાજેન્દ્ર જોશી
૧૯.૦૪.૨૦૧૪
હવે તારી પાસે માંગવાનું છોડી દીધું છે,
મૃગજળ પાછળ ભાગવાનું છોડી દીધું છે
ગુનેગાર હોઉં તો પૃથ્વી સમાવી લે મને,
સચ્ચાઈના પુરાવા આપવાનું છોડી દીધું છે
અગણ્ય સંબંધો છે પણ સાચા કેટલા?
નગણ્ય સંબંધો ગણવાનું છોડી દીધું છે
શમણા ને કોઈ બખ્તર નથી હોતા,
તૂટે જો એ તો ડરવાનું છોડી દીધું છે
જે સંજોગ આપીશ એમાં ખુશ છે ‘રાજ’,
દુ:ખી રાગ આલાપવાનું છોડી દીધું છે
- રાજેન્દ્ર જોશી
૩૧.૦૭.૨૦૧૪
ઘડી બે ઘડી ની આ ગમ્મત છે,
પછી જીવનભરની મરમ્મત છે
ભેખ લીધો છે જેના નામ પર,
એ તો કહે છે કે આ તો રમત છે
એક એ છે જે બસ માનતો નથી,
દુનિયા આખી નહિ તો સંમત છે
આસાનીથી કરી દીધો કિનારો એણે,
મઝધારે ડૂબવાની મારી મમત છે
કેમેય કરીને ગોઠવી ના શક્યો ‘રાજ’,
લખવું હતું એટલું કે ખુદાની રહેમત છે
- રાજેન્દ્ર જોશી
૧૦.૧૦.૨૦૧૪
કેમ મંડાયું આજ અંતરમાં તુમુલ યુદ્ધ?
કાલે તો કહેતો હતો કે તું તો છે બુદ્ધ!
ભલાઈ નો બદલો ભલાઈ? ભુલી જા,
હવે નથી રહ્યો જમાનો એટલો સંમૃદ્ધ
પાનખરે નવા પર્ણ, વસંતે વિરાની,
ઝાકળ પણ ક્યાં મળે આજ-કાલ શુદ્ધ?
ખારો ખારો દરિયો આંખોએ ઉલાળા ભરે,
સપના ભરેલી નાવ થઇ ગઈ છે ક્ષુબ્ધ
હાથવગું રાખજે થોડું યૌવન હમેશા,
લેખે લાગશે જયારે પળ આવશે વૃદ્ધ
નાથે નક્કી કર્યું હશે તો નહિ છૂટે તીર,
ભલે કરે ‘રાજ’ ભેગા, જીવનભર આયુધ
-રાજેન્દ્ર જોશી
૧૪.૦૭.૨૦૦૩
મન આજે કેમ પાછુ ભરી આવ્યું?
જીવનમાં એવું તે શું ઓછું આવ્યું?
હથેળીમાં પડી ગયા છે ઘણા ચાસ,
શુષ્ક આ ખેતર, કોણ ખેડી આવ્યું?
રૂંવે રૂંવે તારું નામ ડોકાય છે પ્રભુ,
છતાય એ હોઠે કેમ કદી ના આવ્યું?
શ્રવણમંદ કહું કે પૂર્ણ બધીર તને?
આહ, આર્તનાદ સઘળું પાછું આવ્યું?
અળગા થવું હતું તારાથી નખની જેમ,
ને ‘રાજ’ ફરમાન જેવું તારું તેડું આવ્યું.
-રાજેન્દ્ર જોશી
૧૫.૧૧.૨૦૧૪
ફૂલ ખીલે અને ખરે, સમજણ ની બહાર છે
અને કાગ મોતી ચણે, સમજણ ની બહાર છે
કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ કઈ બલા છે?
કૃષ્ણ ભલે વાતો કરે, સમજણ ની બહાર છે
"યદા યદા હી ધર્મસ્ય" કહેવું કેટલું સરળ છે!
અહી આવતા એજ ડરે, સમજણ ની બહાર છે
વૃદ્ધાશ્રમની અટારીએથી ક્ષિતિજે જઈ અટકે,
આંખડી મા ની ઝરે, સમજણ ની બહાર છે
મુગ્ધાવસ્થાના સપના જેવી લાગણીઓ,
અંતે હકીકતોને વરે, સમજણ ની બહાર છે
જે પોષતું એજ મારતું, કુદરતનો ક્રમ છે,
નસીબ આમજ ફરે, સમજણ ની બહાર છે
અંકુરથી લઈને વટવૃક્ષ જેના ઈશારે થયો,
એના ઈશારેજ તું મરે, સમજણ ની બહાર છે
મૃત્યુ અને જીવન વચ્ચેનો આ અવકાશ એટલે,
ઘીના ઠામમાં ઘી ઠરે, સમજણ ની બહાર છે
ચાર દીવાલો વચ્ચેની બંધિયાર મથામણ,
‘રાજ’ છે દરેક ઘરે, સમજણ ની બહાર છે
-રાજેન્દ્ર જોશી
૨૧.૧૧.૨૦૧૪
કીડી ને કણ અને હાથી ને મણ,
એણે જેટલું આપ્યું એટલું તું ચણ
મેલ પૂળો અમોલ લાગણીઓમાં,
અહી તો થાય પૈસો જ ખણ ખણ
જુર્રત કરી જો બાગ માંગવાની,
લઇ આવશે લોકો સહરાના રણ
લાખેણી સેના મુબારક કૌરવોને,
પાર્થ તારે તો પુરતો છે એક જણ
છંછેડીશ નહિ આ શાંત મધપુડો,
યાદોની માખીઓ કરશે બણબણ
બસ એકલો તારો જ કક્કો સાચો,
બીજા બધા તો જાણે સાવ અભણ
મંઝીલ નજર સામેજ ઉભી છે,
પાછા કેમ પડે છે તારા ચરણ?
સળ પડી ગયેલી માન્યતાઓ મુક,
પછી હટી જશે બધા જ આવરણ
તારી હસ્તી, ખરાબાની જમીન ‘રાજ’ ,
બાવળ પણ ના ઉગે અહી વિના કારણ
- રાજેન્દ્ર જોશી
૦૨.૧૨.૨૦૧૪
સ્વપ્નના ગર્ભનો ભાર આંખોમાં,
હણહણતો એક તોખાર આંખોમાં
નથી જગ્યા આંશુઓ તમારા માટે,
બેઠો છે ગમતીલો યાર આંખોમાં
પૂછ મને, જવાબ સાચોજ આપીશ,
આમ જો નહિ આર-પાર આંખોમાં
અસ્ખલિત વહેતીતી સરિતા ક્યારેક,
ત્યાં બાંધ્યા છે બંધ બે-ચાર, આંખોમાં
સૂર્ય પણ ઉધાર લેતો લાલાશ જેની,
રહ્યો હિમાલયનો ઠંડો ગાર આંખોમાં
કિલ્લોલ કરતુ નગર ઈતિહાસ થયું,
છે ‘રાજ’ સદીઓનો માર આંખોમાં
- રાજેન્દ્ર જોશી
૦૫.૧૦.૨૦૧૧
ખરા હૃદયની પ્રાર્થનામાં કસર ના હોય એવું પણ બને,
પાષણ હૃદય પર એની અસર ના હોય એવું પણ બને
જાન લુટાવી દઉં હું ફક્ત તારી એક જ નજર માટે,
હું સામેજ હોઉં અને તને નજરે ના આવું એવું પણ બને
કલમ નથી, શ્યાહી નથી, ટેરવામાં લોહી ભરી લખું છું,
ભાતીગળ આ પત્ર મારો તને કોરો દેખાય એવું પણ બને
નારાજગી એટલી તો ના રાખ કે બારણે આવી ટકોરા પાછા પડે,
પછી દરવાજા-દિલ ઉઘાડા રાખે અને હું ના આવું એવું પણ બને
ફેફસામાં ભરી તારી સઘળી યાદો ગૂંગળાઈ મરે છે ‘રાજ’,
હવે જીવનલીલા સંકેલવાની ઘડી આવી જાય એવું પણ બને
- રાજેન્દ્ર જોશી
૦૯.૦૯.૨૦૧૧
ક્યારેક નગદ તો ક્યારેક સાવ ઉધાર જીવ્યો છું,
પણ શ્વાસે શ્વાસે જીંદગી તને ભારોભાર જીવ્યો છું
કાળઝાળ એકલતા, સ્મશાનવત શાંતિના ડાકલા,
મિત્રોથી ખદબદતા જગમાં, મારી હારોહાર જીવ્યો છું
સુખ દુ:ખ ને છોડી આવ્યો છું ભુતકાળની ગર્તામાં,
પતંગિયાની જેમ સાવ હલકો, બીનાધાર જીવ્યો છું
તુટ્યો છું, ફૂટ્યો છું, સતત ધીરુ ધીરુ મર્યો પણ છું,
વિષમતાઓ મધ્યે પણ છતાય શાનદાર જીવ્યો છું
લગાવીશ ગળે મોત તને પણ ખુબ ઉષ્મા સભર,
એથી તો તેજાબી જિંદગીને લ્હાય-લ્હાય જીવ્યો છું
માંગ્યું એક ફક્ત તારું શરણું અને તું પાછો પડ્યો,
તરવૈયો હું, મરજીવો હું, જો તરણે તરણે જીવ્યો છું
મંજુર ક્યારે હતું ‘રાજ’, ઘુંટાઈ ઘુંટાઈ ને મરવું?
જેટલું જીવ્યો, ઘડી-બે ઘડી, દમદાર જીવ્યો છું
-રાજેન્દ્ર જોશી
૧૬.૧૨.૨૦૧૪
જગ આમજ ચાલતુ તુ ને ચાલશે, તું ચિંતા છોડ,
જેણે ડુબાડ્યો છે એજ તને તારશે, તું ચિંતા છોડ
અંતિમ મંઝીલ સૌની એક, એને પામવાનો છે,
સમય આવ્યે તને બધું સમજાશે, તું ચિંતા છોડ
સમય, સમય છે, અનુકુળ શું કે શું પ્રતિકુળ?
ઘડીમાં વ્યાખ્યા એની બદલાશે, તું ચિંતા છોડ
રંજ ના કર જો એ ના મળે કાશી કે કાબા માં,
કોઈ રંકના સ્મિતમાં એને ભાળશે, તું ચિંતા છોડ
માળામાંથી ખરેલા પાંચ તણખલા પૂરતા છે,
ચાર ભીત અને એક છત બનશે, તું ચિંતા છોડ
શબ્દના પ્રસવની પીડા આ કલમને ના પૂછ,
વિરાનીમાં તેથી તો ફૂલ ખીલશે, તું ચિંતા છોડ
સીમિત નથી તું હથેળીની બંધિયાર રેખાઓમાં,
બ્રહ્માંડનો સ્વામી રથ તારો હાંકશે, તું ચિંતા છોડ
નડી શકે એવો એક જ ગ્રહ છે ‘રાજ’, પૂર્વગ્રહ,
શનિ-રાહુ-કેતુ નથી નડ્યા કે નડશે, તું ચિંતા છોડ
- રાજેન્દ્ર જોશી
૧૬.૧૨.૨૦૧૪
જવુજ હોય તો આવ ના,
આવ્યા છો તો જાવ ના
સુણે એ ન બોલેલું પણ,
મોટા અવાજે ગાવ ના
તાગ નહિ મળે ઊંડાઈનો,
તળ નથી આંખની વાવના
સમયનો વ્યય થશે એ,
પ્રદર્શન ના કરો ઘાવના
કેમ પાર કરું ભવસાગર?
નથી નાખુદા આ નાવના
બાબા-મુલ્લા-પાદરી લુંટે,
સાલા માણસો છે એજ દાવના
ગરજ પતે એટલે વૈદ વેરી,
સંબંધો છે કોડીના ભાવના
એક એક કરી આપ ‘રાજ’ ને,
વેદનાઓને ટોળામાં લાવ ના
-રાજેન્દ્ર જોશી
૨૦.૧૨.૨૦૧૪
હવે સુખ નું કોઈ સુખ નથી,
અને દુખ નું પણ દુખ નથી
બુઝાઈ જવું છે દીવા ને, પણ,
એની બાજુ હવાનો રુખ નથી
ટાઢ, તડકા, વર્ષા થી રક્ષે,
એવી મા ની હવે કુખ નથી
આ જન્મારો કૈક એવો ગયો,
બીજા જન્મની કોઈ ભૂખ નથી
અટક્યો છું એ અંતિમ પાન છે,
એ કંઈ વાર્તાનો આમુખ નથી,
ચારે કોર તું હોય કદાચ પ્રભુ,
કિન્તુ ‘રાજ’ની સન્મુખ નથી
- રાજેન્દ્ર જોશી
૦૫.૦૨.૨૦૧૫
વિચારો પરપોટે ઉડે, તો કૈક લખું,
ઈશનો અમલ ચઢે, તો કૈક લખું
શ્વાસનું ગુથેલું દોરડું તો બાળ્યું,
વળ ને કોઈ છોડે, તો કૈક લખું
પીળા પડી ગયેલા ધબકારા વાળી,
કથાના પર્ણ કોઈ તોડે, તો કૈક લખું
આવે માડી રોજ રોજ સપનામાં,
એ શમણા જો ફળે, તો કૈક લખું
તથાગત નથી ‘રાજ’, ના સહી,
જ્ઞાનના કો છાંટા ઉડે, તો કૈક લખું
- રાજેન્દ્ર જોશી
૧૯.૦૨.૨૦૧૫
છેક બારણે આવીને અટકી પણ જાય કદાચ,
આ તો શ્વાસ છે ભાઈ, છટકી પણ જાય કદાચ
અટકળોનું બજાર કહે છે, મંઝીલ દુર નથી,
સજ્જડ પકડ, કદમ ભટકી પણ જાય કદાચ
નીંદરની આ બાદશાહી સલામત રાખજે તું,
પરોઢે વાસ્તવિકતા પટકી પણ જાય કદાચ
કર્મોનું ભારે પોટલું છોડીને જોઈલે એકવાર,
ધરબાયેલું કર્મ કોઈ ખટકી પણ જાય કદાચ
સમજાયું? જે છે એ નથી અને જે નથી એ છે
આભાસી જગની કીડી ચટકી પણ જાય કદાચ
ગઝલ પૂરી થશેજ એવો અહં પોષ નહિ ‘રાજ’,
અણીના સમયે, અણી બટકી પણ જાય કદાચ
- રાજેન્દ્ર જોશી
૦૯.૦૩.૨૦૧૫
સન્નાટાના કોઈ શહેર જેવા હું અને તું,
રેત-સાગરની લહેર જેવા હું અને તું
સગા-વ્હાલા-દોસ્ત સૌ ભૂતકાળ થયા,
વર્તમાનના કાળા કહેર જેવા હું અને તું,
શિવની જટામાંની ગંગા ના બની શક્યા,
નીલકંઠના ગળે ઝહેર જેવા હું અને તું
દશેરાએ ઘોડો ના જ દોડ્યો આખરે,
કસમયની કોઈ મહેર જેવા હું અને તું
બંનેના ભેગા નસીબ તોય હાથ રહે ખાલી,
ગઝલમાં કોઈ છોટી બહેર જેવા હું અને તું
પગોમાં છાલા પડે ચાંદની રાતોમાં 'રાજ',
કોઈ બળબળતી દોપહેર જેવા હું અને તું
- રાજેન્દ્ર જોશી
૨૬.૦૩.૨૦૧૫
મળી ગયું છે બધું જ, બસ એ મળે હવે,
આતમની આ કળતર કાશ એ કળે હવે
ઈચ્છા થાય એક પૂરી, ત્યાં આવે બીજી સો,
ખેવનાનો આ ભસ્માસુર બસ ઝટ બળે હવે
જતનથી સાચવ્યું જે પાત્રને જીવનભર,
વિષાદ શેનો, અંતે એ પણ જો ગળે હવે?
જેનો આરંભ એનો અંત પણ નિશ્ચિત છે,
અંત નજીક છે, કદમ કેમ પાછા વળે હવે?
લાગે છે કે મુલાકાત છે સાવ જ ઢુકડી હવે,
પ્રશાંત ભીતરે કોઈ અગમ્ય ખળભળે હવે
પલકવારમાં શ્વાસની સિલક ખર્ચાઈ ગઈ,
ઉધારના ધબકારની ઘંટી ઝીણું દળે હવે
લગાવી લગાવી ને કેટલા લગાવું થીંગડા,
ચોળો માંહી તો ક્યારેક બહારથી છળે હવે
પીંડ વહોરાય તો કૈક ઉપાય થાય ‘રાજ’,
જેમાંથી થયો તો ઉભો, તેમાં જ ભળે હવે
- રાજેન્દ્ર જોશી
૦૩.૦૪.૨૦૧૫
શ્યામ ધવલ બે જ રંગ છે મારી ઝોળીમાં,
મેઘધનુષનો ચહેરો તંગ છે મારી ઝોળીમાં
મૌન પડઘાય આમ થી તેમ અથડાઈને,
બે બાકોરા વાળું મૃદંગ છે મારી ઝોળીમાં
સકળ આસમાને જેને આશરો ના આપ્યો,
પાંખ વગરનું એ વિહંગ છે મારી ઝોળીમાં
કળી ના શકે કોઈ એ દુખી છે કે સુખી,
એવો અદાકાર અઠંગ છે મારી ઝોળીમાં
નથી દોરા-ધાગા કે નથી બાધા-આખડી,
બસ એક મસ્ત મલંગ છે મારી ઝોળીમાં
નહિ જ વેચું કોઈ પણ કિંમતે આ જણસ,
જમાનાએ આપેલ વ્યંગ છે મારી ઝોળીમાં
ઠેબા ખાઈને પણ કઈ શીખ્યો નહિ ‘રાજ’,
સાવ નઘરોળ, અડબંગ છે મારી ઝોળીમાં
- રાજેન્દ્ર જોશી
૦૭.૦૪.૨૦૧૫
હકીકતોને ટુંપો આપ, અફવાઓનો જમાનો છે,
સત્યની પાંખી વસ્તી થી, ખસવાનો જમાનો છે
કોયલના ટહુકાઓ કેદ કર્યા છે કાળ કોઠડીમાં,
કાગ જેમ કા કા, શ્વાન જેમ ભસવાનો જમાનો છે
સત્યના થાય કાળાબજાર, જૂઠ મળે સરેઆમ,
મોંઘેરા સત્યનો ભાવ કસવાનો જમાનો છે
સૌ જુઠ્ઠાણાં ટોળે મળી કૂટે છે સત્યના છાજીયા,
નનામી લઇ મસાણ બાજુ ધસવાનો જમાનો છે
સ્વર્ગસ્થ શ્રી સત્ય કુમારના ઉઠમણાની સભામાં,
જૂઠની ઉપાસના ‘ને ભજન ભજવાનો જમાનો છે
જૂઠનો દરિયો પણ પ્યાસ બુઝાવી નહિ જ શકે,
સત્યનું મૃગજળ જોઈ, તરસવાનો જમાનો છે
આંખોને પણ આદત પડી ગઈ છે આંશુ પીવાની,
ચહેરો રાખ મલકતો ‘રાજ’, હસવાનો જમાનો છે
- રાજેન્દ્ર જોશી
૧૫.૦૪.૨૦૧૫
દાઝવા પર પાછા ડામ મળે છે,
અંત નથી એવા ઇન્તેકામ મળે છે
દેવો સંતાયા છે દેવાલયો મહી,
અહી તો શેતાનો સરેઆમ મળે છે
નીતિ ગણાતી હતી મત્તા કદી,
ઠેર ઠેર અનીતિના ધામ મળે છે
પન્ને પન્ને પાનખર છે પતંગિયા,
તડપવાના આવા ઇનામ મળે છે
વેચવો છે આત્મા? તો વેચ જલ્દી,
ન સાંભળ્યા હોય એવા દામ મળે છે
મિત્રતાના નામે રહ્યા છે બસ અહેસાસ,
દુશ્મનો થી ભરેલા આખા ગામ મળે છે
ભાગો ભલે જીવનભર આમ થી તેમ,
અંતે સ્મશાને જ બધા ઠરીઠામ મળે છે
શ્વસવુ જ જો જીવન છે તો જીવે છે 'રાજ',
જીવંત લાશોને કેવા કેવા મુકામ મળે છે!
- રાજેન્દ્ર જોશી
૨૧.૦૪.૨૦૧૫
જેના જવાબ નથી, એવા સવાલ શોધું છું,
શાંતિ કેમ છે? એક નવી ધમાલ શોધું છું
રગોમાં દોડતો લાવા થીજે ટેરવે આવી,
દિલને હચમચાવે એવો ભૂચાલ શોધું છું
છળી જાય શ્વાસ કો’ નાજુક પળે એ પહેલા,
નિજ સાથ આપનારો તારો જમાલ શોધું છું
નહિ જેવી વાત પર ઢોળાઈ જાય કાગળ પર,
ખાળી શકે આ વિચારોને એવી દીવાલ શોધું છું
ડૂબકી મારી છે મરજીવો થઇ ભવસાગરમાં,
હાથ લાગ્યા છે મોતી, તોય પાતાલ શોધું છું
એ પણ આખરે મન છે, વિચાર તો કરશે જ,
જેમાં ‘રાજ’ ના હોય, એવો ખયાલ શોધું છું
- રાજેન્દ્ર જોશી
૨૨.૦૪.૨૦૧૫
જવું હોય ભીતરે અને ના જવાય,
ઉધઈ મૂળ સોતું આખુ વૃક્ષ ખાય,
ચઢ્યો જ છે વિધાતાના ચાકડે તો,
કોઈ આકાર વગર કેમ રહેવાય?,
ભય-અભય કે માન-અપમાન,
જલકમલવત ક્યાં કઈ સહેવાય?
હિસાબવહી એની નોખી છે દોસ્ત,
જમા જેટલું જ ના પણ ઉધારાય
ત્રણ પગલે આકાશ, ધરા, પાતાળ,
ઈશ સુધીનું અંતર કોના થી મપાય?
સમય હોય દુકાન બંધ કરવાનો, ને,
ગ્રાહકોની કતાર ગાવ સુધી લંબાય
ના જવાય, ના અવાય, ના અટકાય,
‘રાજ’થી આ અસમંજસ કોને કહેવાય?
- રાજેન્દ્ર જોશી
૧૪.૦૫.૨૦૧૫
ભિક્ષુકની માફક યાચવાનું ક્યાં સુધી?
કોરીકટ્ટ હથેળીમાં વાંચવાનું ક્યાં સુધી?
એને પામીશું જરૂર, આજે નહિ તો કાલે,
એ દિવાસ્વપ્નમાં રાચવાનું ક્યાં સુધી?
રઝળપાટ કરીને હવે થાક્યા છે એ પણ,
શ્વાસ પૂછે, અમારે ભાગવાનું ક્યાં સુધી?
હું કઠપૂતળી ભલે રહ્યો તારા હાથોમાં,
ખેલ પૂરો થયો તોય નાચવાનું ક્યાં સુધી?
જીવન ગુજર્યું બાઈ બાઈ ચારણી જેમ,
ઠર્યો છું મઝારમાં, ખસવાનું ક્યાં સુધી?
વધારે તાણસો તો ફાટી જશે એ હવે,
જર્જરિત આ પોતને કસવાનું ક્યાં સુધી?
ખંડિત મૂર્તિ જેમ અપૂજ્ય રહ્યો છે ‘રાજ’,
પોરો ખાવ, આમ તરાશવાનું ક્યાં સુધી?
- રાજેન્દ્ર જોશી
૦૮.૦૬.૨૦૧૫
આ શહેરમાં ડગલે ને પગલે દાવ અલગ છે,
અમીર-ગરીબની લાગણીના ભાવ અલગ છે
ગરીબને છાપરું મળે તો એય લાગે મહેલ,
ધનીને લાગે મહેલ નાનો, અભાવ અલગ છે
નર્તકી પર લુટાવી દે અહં પોષવા હજારો,
અહી રંક અને ઐયાશીના પ્રભાવ અલગ છે
કરચલીઓને ઢાંકવા છે સૌન્દર્ય પ્રસાધનો,
રાંકના શબને કફન? એના ઘાવ અલગ છે
મહેલાતો અને ઝુંપડા ઉભા ભલે લગોલગ,
પણ, ‘રાજ’ બંનેની દુનિયા સાવ અલગ છે
- રાજેન્દ્ર જોશી
૧૧.૦૬.૨૦૧૫
અહી મોકલ્યો છે તો એનો હેતુ હશે,
જીવન થી મોક્ષ તરફ નો સેતુ હશે
જે નિશ્ચિંત છે મૌતની આગોશમાં,
નિજધામ એનું સાવ હાથવેતુ હશે
જેનું હૃદય છે કાળમીંઢ પથ્થરનું,
એ દિલમાં આતમ જેવું રહેતું હશે?
જન્મે ભલે માનવ પણ કર્મે દાનવ,
રગોમાં એની રક્ત?, વખ વહેતું હશે
પાણો મારો તોય ફળ આપે તરુવર,
જખ્મો લઈને આમ કોઈ ફળ દેતું હશે?
કર્મોનો પડછાયો ભાગે છે દૂર જેનાથી,
એના એક હાથે રાહુ, બીજામાં કેતુ હશે
વાર પર વાર છતાં ‘રાજ’ લાચાર,
ભલા આટલા જુલ્મો કોઈ સહેતુ હશે?
- રાજેન્દ્ર જોશી
૧૮.૦૮.૨૦૧૫
મારા હૈયાનો હાર, એ તો અમૃતની ધાર,
એની નાનકડી કાયામાં દીસે વૈકુંઠ ચાર
હૈયે ઝૂલાવું એને, હાલરડાં ગાઉ,
ટહુકામાં એના મોરલીયા પાઉ,
એના નયનોમાં વ્હાલ અનરાધાર ....... મારા હૈયાનો હાર, એ તો અમૃતની ધાર
વિસ્મય ભરેલ એની બે આંખો,
બક્ષે મારા મન-પંખીને પાંખો,
ઉડીને પહોચું આભને પેલે પાર ....... મારા હૈયાનો હાર, એ તો અમૃતની ધાર
સૂર્યની સંગાથે એ ઉગે સવારે,
ચાંદોય સંતાયો એની પછવાડે,
તારલીયા કરતા રે વિચાર ....... મારા હૈયાનો હાર, એ તો અમૃતની ધાર
સમય જ્યાં હતો કાળો કે ધોળો,
ત્યાં એ લઇ આવી રંગોની છોળો,
હવે રોજ દિવાળી છે મારે દ્વાર ........ મારા હૈયાનો હાર, એ તો અમૃતની ધાર
જવું નથી રે મારે કાબા કે કાશી,
ચારધામનો નથી હું અભિલાષી,
છે અહી જ્યોતિર્લીંગ બારેબાર ...... મારા હૈયાનો હાર, એ તો અમૃતની ધાર
- રાજેન્દ્ર જોશી
૨૯.૦૯.૨૦૧૫
પ્રેમનો બદલો પ્યાર ના પણ હોય,
બધાજ ઘરો ને દ્વાર ના પણ હોય
બખ્તર-ઢાલ–તલવાર ભલે રહ્યા,
સામી છાતીએ વાર ના પણ હોય
છેતરામણા છે કો’ મલકતા નયન,
વેરાન આંખોમાં ચોધાર ના પણ હોય
મુસ્તાક રહેવાની ભૂલ ના કર દોસ્ત,
કાંધ દેવા ખભા ચાર ના પણ હોય
વેડફી ના નાંખ બધી લાગણીઓ આમ,
રોકડીયા જમાનામાં ઉધાર ના પણ હોય
ભૂલી જવું બહેતર છે ભલાઈ કરી ને,
બધી આંખોમાં આભાર ના પણ હોય
સમરાંગણ થી ક્યાં ઓછી છે આ જીંદગી?
‘રાજ’, જંગ બધા આર-પાર ના પણ હોય
- રાજેન્દ્ર જોશી