બસ એ જ લિ.,
ડૉ. દર્શન શુક્લ
મળવાની આશા ન્હોતી જેને,
તેની સાથે આજે મેળાપ થયો,
દિલના તુટેલા તારોમાં,
ફરી એ જ રણકાર થયો.
પલકો ઝુકાવી મને નિહાળતાં એ નૈન જોઇ,
મનનાં તિમીરમાં દ્રષ્ટિ સંચાર થયો.
ગુલાબી હોઠનાં એ છુપા સ્મીત વડે,
તેના અંતરની વાતોનો અંદાજ થયો.
થઇ ગરક તે પણ જુ ની યાદોમાં,
તેથી એક શાંત અવાજ થયો,
કાંઇક કહેવાને ઉઘડ્યા હોઠ,
કિન્તુ, ભરી મહેફીલથી હું નારાજ થયો.
મળી-મળીને પણ ન મળી શકાયું,
માટે “મેઘ” ઘણો હતાશ થયો,
ભલે એક રાત માટે ઉગ્યો સુરજ,
તેનાથી જીવનમાં અજવાસ થયો.
શા માટે
લોકો બારીઓ બંધ કરી દયે છે
વરસાદમાં ?
ઓથાર છે ભીંજાઇ જવાનો
કે પલળ્યા પછી સુકાઇ જવાની બીક છે,
માટીની ભીની સુગંધને અવગણે છે
કે
ઇર્ષ્યા આવે છે આ ધરતીની એમને,
કે પછી
બારી બંધ કરીને તેઓ
ખુલ્લા મનથી
પ્રતિક્ષા કરી રહ્યા છે
એકવીસમી સદીના કૃત્રિમ વરસાદની !
•
મારા ટેરવાંને તારા સ્પર્શનો ભ્રમ છે,
યાદોના બગીચાને સીંચવાનો અભિગમ છે.
ચંદ્ર પરથી પસાર થતા વાદળોને જોયા
ત્યારે
ઉન્માદક પવનની મુક્તતામાં
વિહરતા
તારા વિખરાયેલા કેશ વડે છુપાયેલાં,
મારી હાજરી થી નીચી ઝુકેલી પાપણો,
અને
ગુલાબી ગાલમાં
ખંજનયુક્ત તારો ચહેરો હશે
એવો ભાસ થયો પ્રિય !
ચંદ્રની સોળે કળાઓ પછી
કાલી અમાસ આવે છે, તેમાં
નિશા રાશીના વિયોગની જેમ
હું તારો વિયોગ સહન નહી કરી શકુ.
•
ઘૂઘવતા સમુદ્રમાંનું
એક મોજું
પોતાની ફરજ ભૂલીને
કિનારાની રેત પર
તારું નામ લખવાની કોશિશ કરે છે
ત્યારે બાકીના મોજા બતાવે છે કે
અમે
કર્તવ્યનિષ્ઠ છીએ.
•
સરી પડતી યાદો રણની રેતીની માફક મુઠ્ઠીમાંથી,
ઝાંઝવા આંસુઓના ઉમેરતા શીખી ગયો છું.
તારી
મારા માટેની
લાગણીઓની અભિવ્યક્તિ
એટલે
પ્રકાશિત ઓરડાના
બંધ બારણાની તીરાડોમાંથી
બહાર આવવા મથતા
કિરણપુંજ.
•
વિચારીને હાથ લંબાવજે એ દોસ્ત,
લોકો પૂછશે નામ આપણા સંબંધનું,
વણદેખી અનુભૂતિ માત્ર પૂરતી છે,
શું જરૂર છે શોધવાની સરનામું સુગંધનું ?
આજે કેમ લાગે છે કોરા આપણાં સંબંધો ?
ક્યાં ગઇ તેમની લાગણીની ભીનાશ ?
ઉનાળાાની ગરમીથી ઓગળી ગઇ,
કે
ખરી ગઇ પાનખરના પાન સાથે ?
શું ખાલી તઇ ગયું અક્ષયપાત્ર ?
કે
મારી આશાઓ થોડીક વધી ગઇ ?
આછ્છો થયો દ્રવ રવિનો
કે
આડે કોઇ વાદળી આવી ગઇ ?
તું જ કહે હવે, નિહાળું તારી વાટ
કે
મારી પ્રતિક્ષાને દઉં લગામ ?
•
એકલવ્યની જેમ
મારી શબ્દસાધનાની
ચરમસીમા
બસ, તારા થકી જ છે.
ફક્ત
એટલીજ બીક લાગે છે કે
તું
દ્રોણાચાર્યની જેમ
કોઇ અર્જુન માટે
મારો ભોગ ન લઇ લે.
•
ખુલ્લી હથેળીમાં તમે કંઇ મુકતા જાઓ,
બરાબર છે.,
પણ હું મુઠ્ઠી વાળું એ પહેલા વિચારી લેજો !!
•
ક્યાં ગયા એ દિવસો ?
રોજ બદલાતા
કેલેન્ડરના પાના સાથે ઘસાઇને
ચાલ્યા ગયા
પોતાનો ઘસરકો છોડીને.ા
થાકી ગયો છું હું
શોધીને
મારી જાતને પેલા ‘મની પ્લાન્ટ’ના કુંડામાં
કદાચ.,
જુના પાના સાથે જ ખરી ગયો હઇશ.
‘ેં’ હેન્ડલ વાળી ‘ષ્ઠટ્ઠઙ્ઘટ્ઠંટ્ઠ’ સાયકલની
ટોકરી પણ મારો હાથ નથી ઓળખતી
છેલ્લી આશાએ
હું
‘ખ્તટ્ઠઙ્ઘિીદ્ઘ’ ના ‘ખ્તટ્ઠિઅ’ કબાટના
તુટેલા કાચ પાસે ગયો,
તેણે પણ ‘ૈં-ઝ્રટ્ઠઙ્ઘિ’ માંગ્યુ મારા ચહેરાનું
શું ખરેખર
હું પણ
કેલેન્ડરના પાના સાથે
રોજ બદલાતો હતો ?
•
આજે એક ફૂલને મેં મુસ્કરાતા જોયું
ઉંમર હશે આઠ-દસ વર્ષ
અનુભવ હશે બાર-પંદર વર્ષનો,
ચહેરાના પત્થરો પર આંખનું ઝરણું જોયું.
આજે એક ફુલને મેં.....
સાડા ત્રણ ફુટના શરીર પર
કપડું હતું તેનાથી પણ અર્ધું
અને હાથમાં તેનાં મેં ભવિષ્ય જોયું
આજે એક ફુલને મેં.....
ગઇકાલે ઉપવાસ ને આજે
એકટાણું - કાલે ? રામ જાણે !
આસમાની ચાદર નીચે આસ્ફાલ્ટનું બીછાનું જોયું
આજે એક ફુલને મેં.....
•
મિત્રતાની હદ દોસ્તોએ ભુલાવી નાખી છે,
મારે કરવાની બાકી ફક્ત એક ઝાંખી છે,
મૃત્યુને વગર માંગ્યે ક્યારનો પામી ગયો છું,
સ્મશાને જઇને થોડું જીવવાનું જ બાકી છે.
ન્હોતું માંગ્યું કદી અમે દોસ્તીનું વ્યાજ,
છતાં તેમણે પહેરાવ્યો અમને કાંટાળો તાજ,
અમે તો કંટકો સાથે પણ દોસ્તી કરી લઇશું,
પણ તમને કદીક આવશે આયનામાં જોઇને લાજ.
છો, તમે કરી ન શક્યા ક્ષણિક દિલ્લગી,
“મેઘ” તમને નહી ભુલી શકે આખી જીંદગી,
તમને ક્યારેક ઠોકર વાગે ને યાદ અમારી આવે,
બસ, એજ છે પ્રભુને મારી બંદગી.
•
સુકી ધરાની પ્રતિક્ષાનો વળતો જવાબ છે,
હજીતો મોસમનો આ પહેલો વરસાદ છે.
ક્ષિતિજ પરનાં અનંત મીલનનો મૌન સંવાદ છે,
હજીતો મોસમનો આ પહેલો વરસાદ છે.
માની ગયો આજે, માટીની સુગંધને પણ સ્વાદ છે,
હજીતો મોસમનો આ પહેલો વરસાદ છે.
સુરજના કિરણોને વાદળોનો પડકાર છે,
હજીતો મોસમનો આ પહેલો વરસાદ છે.
“મેઘ” ના સંગીત તાલે નાચતા મોરનો શું રૂઆબ છે,
હજીતો મોસમનો આ પહેલો વરસાદ છે.
•
સંગાથે વિતાવ્યો હતો જે સમય એની સુવાસ બાકી છે,
બે આંખોએ એક થઇ જોયેલા શમણાના પ્રવાસ બાકી છે.
નદીએ સાગર સાથે ને વૃક્ષોએ ડાળીઓ સાથે
જાળવી રાખ્યો છે,
આપણી વચ્ચે પણ સમજણના સબંધોનો એ
વિશ્વાસ બાકી છે.
ભીની રેત પર પગલા પાડીને તમે ફીણની
જેમ ઓસરી ગયા,
બંધ મકાનમાં રાખેલો તમારા નામનો
શ્વાસ બાકી છે.
વસંત તમે જીવનની, આવા-ગમન આવશ્યક છે,
તમારી પ્રેરણાની સ્ફુરેલા શબ્દોનો સહવાસ બાકી છે.
બની શકે તો પાછો આપી જજે સમયસર,
તારી પાસે મારો છલ્લો શ્વાસ બાકી છે.
સાંચવીને રાખી મુક્યો છે અરમાનોમાં,
વસંતનો એ ગુલમહોરી આભાસ બાકી છે.
ભીંજાઇને સંતાડ્યો હતો વાદળો પછવાડે,
પહેલાં વરસાદનો એ રેશમી ખયાલ બાકી છે.
જ્વાબ શોધવામાં જેનો સાંજ પડી જતી હતી,
સમયે આપણને પુછેલો અઘરો સવાલ બાકી છે.
•
શું તમારા શહેરનાં કંઇ નવીન સમાચાર છે ?
હમણા તો આંસુઓનો વ્યાપાર દરિયાપાર છે.
જે સંધ્યાએ સૂરજ વાંકડીયો થઇ વિખેરાયો,
તે ઘડીથી શુંં સાંજ ને શું સવાર છે.
અભરાઇએ ચડાવી દીધા છે મગજ ને બુદ્ધિ,
આજકાલ હ્યદય જે કહે એ જ વિચાર છે.
સાંચવી લે જે નાજુક સમયને, બહુ વાર નથી,
લોકોએ ઉભી કરેલી અડચણો ક્ષણભાર છે.
ખોટી ઝંઝાળ અને માયાજાળથી જોજે “દોસ્ત”,
હવે તો હું અને તું બસ એટલો જ સંસાર છે.
•
દરરોજ
થોડીક વધારે આશા સાથે
‘ર્ઁજંદ્બટ્ઠહ’ ને પુછવું
‘ન્ીંીંિ’ આવ્યો છે ?
તેના નિર્જીવ મુખ પર
પાતળું હાસ્ય જોઇ
વગર જવાબે સમજી જવાની
મને આદત પડી ગઇ છે.
નથી માનતો
તું
મને કદી ભુલી શકે
પણ કદાચ
તને
મારા જેવું નહીં થતું હોય !!
•
તમે ગમે તે કરો અમે નથી રોકાવાનાં,
અમે તો છીએ અશ્રુબિંદુ બસ વહી જવાનાં...
સુકાઇ જાય તમારા શબ્દોનો પ્રવાહ જ્યારે,
પાપણ ભીની કરી ઘણું કહી જવાના...
અમે તો છીએ...
સમય હોય ખુશીનો કે થાય દુઃખની વાત
અમે રહ્યા મધ્યસ્થી બધે ખપી જવાના...
અમે તો છીએ...
ચીંતા ન કરો “મેઘ” એકલા થવાની,
બધા ચાલતા થશે પણ અમે રહી જવાના...
અમે તો છીએ...
બહુ આગ્રહવશ થઇને થોડું રહી જવાના,
ભાડાનું મકાન અંતે ખાલી કરી જવાના...
અમે તો છીએ...
•
ગોકુળ લાગે છે કેમ ખાલી ખાલી,
આજે ખોવાઇ છે કાનાની વાંસળી.
વ્યાકુળ થયાં સૌ નર - નારી,
આજે ખોવાઇ છે કાનાની વાંસળી.
ગોરી ગાવડી દોડે થઇ હાંફળી,
આજે ખોવાઇ છે કાનાની વાંસળી.
સુની થઇ ગઇ છે રાત રઢિયાળી,
આજે ખોવાઇ છે કાનાની વાંસળી.
જમુનાને કિનારે અટક્યા છે રાસ તાલી,
આજે ખોવાઇ છે કાનાની વાંસળી.
ગોપીઓને લાગે આ સજા બહુ આકરી,
આજે ખોવાઇ છે કાનાની વાંસળી.
•
એ જ સ્ટેશન છે
પ્લેટફોર્મ છે, પાટાઓ છે
જે કદી ભેગા હોવાનું નામ નથી લેતા.,
અંધકારને સંતાડતા
સોડીયમ લેમ્પ પણ બદલાયા નથી
ફરજ બજાવે છે !
સાત પગથીયા ‘ઓવરબ્રીજ’ ના
યાદોના પગલાં સાચવીને બેઠા છે
ત્યાં ને ત્યાં.
વેઇટીંગ રૂમની ખુરશીઓ થોડી
ઝાંખી થઇ ગઇ છે,
“બે કડક કોફી -
થોડી વધારે ખાંડ વાળી”
એમ કહેવાની હવે જરૂર પડતી નથી,
યંત્રવત્ આલતી ઘડિયાળ,
બધું જ યથાવત્ છે
નથી તો
માત્ર એ સમય, જે
ચાલ્યો ગયો છે પેલી ટ્રે નમાં...!
•
ઉષાની અટારીએ ને
સંધ્યાના સંગાથે
ઉદય થતા કે અસ્ત પામતા
સુર્યનુ પ્રતિબિંબ,
સાગરના ખોળે
તળાવના ઓળે
કે
ખાબોચીયાના મેલા પાણીમાં પણ
સરખું જ હોય છે
હ્ય્દયની વિશાળતા - સંકુચીતતા,
અને
શુધ્ધતા - મલીનતાની
એને જરાય પરવા નથી
ખરેખર
આટલા માટે જ
પ્રખર, સર્વોપરી, બધાના કેન્દ્રમાં છે.
•
ક્ષિતિજને પેલે પાર
મળવાનું વચન આપી ને
ભલે
આકાશને બાંધ્યુ દિવાલો માંહે
બની શકે તો
ખુલ્લી બારી વાટે
એક ટીપું આકાશ મોકલાવજે મને
ટપાલ દ્ધારા.
•
પાણીની વાત તો તમે કરો છો,
અમે મૃગજળ માટે પણ તરસી ગયા,
આંખ ભીની કરી તમે રડી તો શકો છો,
અમે “મેઘ” કોરી આંખે વરસી ગયા.
•
અમાસની પરોઢે સ્વપ્નદિપની અટારીનાં
એક ખૂણેથી, જીવનના વિરામચિહ્નને
વિચારતો, અને આકાશની શૂન્યતાને
હ્ય્દય સાથે સરખાવતા
દૂરથી ૐૈખ્તરુટ્ઠઅ પરથી લાઇટોના
ઝાંખા પ્રકાશ પર ધ્યાન પરોવતો હતો,
પરોઢ થવાની ઘડીઓ ગણાઇ રહી હતી
અને આકાશ ઘરકામમાંથી પરવારેલી
ગૃહિણીની માફક શાંત થઇ
રંગ બદલતું હતું. પક્ષીઓ સૂરજનું
સ્વાગત કરવાની તૈયારી કરતા હોય
એમ પાંખ ફેલાવીને, સૂતેલાને જગાડવાન
પ્રયાસ કરતા હતાં એટલામાં આખી રાત
થીજીને માંડ માંડ મુક્ત થયેલું ઝાકળનું
એક બુંદ મારા ગાલ પર થઇને ખભાનાં
પહેરણની કોરાશને ભીંજવતુ ગયું અને હું -
ફરીથી એ દિવસે મારા ખભા પર પડેલા
તારા અશ્રુબિંદુની ભારભીનાશને
વાગોળવામાં ડુબી ગયો., જેને ભૂલવા માટે
હું આવ્યો હતો સ્વપ્નદિપની અટારીએ.
•
બહારના આવરણ પર
જ્યારે
લાગણીનો હથોડો પડે છે
ત્યારે
અંદરના પોલાણમાં
ઉત્પન્ન થતા તરંગો
પત્થર જેવા
કવચ સાથે અફળાઇને
શમી જાય છે.
આ
લીલા નાળિયેર
બહારથી આટલા કઠોર કેમ હોય છે ?
•
મારા સપનાઓને
કાચના સમજીને ભલે
તોડો છો
પણ ફરી કદી
આ તરફ
આવવાનું થાય તો
ધ્યાન રાખજો
ખુલ્લા પગે ના આવતા
•
આટલું અંતર ઓછું હતું, કે
તમે કરી વચ્ચે વાડ સંબંધોની,
જ્યાં અમે કરવા ગયા ગુણાકાર,
ત્યાં તમે કરી બાદબાકી સંબંધોની.
•
પરસ્પર હાજરીનો આભાસ
એટલે જીવનનું પ્રેરકબળ,
શ્વાસ લેવાનું એક કારણ.,
અને
લાગણીની પરિભાષા સમો સ્પર્શ
એક અવર્ણનીય ચેતના.
આપણા મન વચ્ચેના ભૌતિક અંતરથી
પર છે,
અને
આ દિવ્ય સબંધનો પાયો
એટલે
સપ્તપદીનો આઠમો ફેરો...
•
પહેલી પા પા પગલી માંડી,
આ જ સ્વપ્નદિપમાં,
ઘરનાં સૌની આંગળી છાંડી,
આ જ સ્વપ્નદિપમાં,
સુખ દુઃખના દરિયાઓ દીઠા,
આ જ સ્વપ્નદિપમાં,
સૌની સાથે અરમાનોના અમૃત પીધાં,
આ જ સ્વપ્નદિપમાં,
દિલની સાથે બાથ ભીડી’તી,
આ જ સ્વપ્નદિપમાં,
મનમાં એક મુરત ઘડી’તી,
આ જ સ્વપ્નદિપમાં,
ગંજીપાના મહેલ કીધાં’તા,
આ જ સ્વપ્નદિપમાં,
સ્વપ્નાઓને દંડ દીધાં’તા,
આ જ સ્વપ્નદિપમાં,
•
આજે
ચંદ્રએ નિહાળી
પહાડની પ્રસવ પીડા
પાષાણનો મૌન ચિત્કાર સાંભળી
તરૂવૃંદો
રૂંવાડા માફક ખડા થઇ ગયા,
આકાશના
ગુલાબી લલાટ પર ઝાકળનું પ્રસ્વેદન
ને
વધામણી આપતો પંખીઓનો કલરવ
સાંભળીને
જગત પામી ગયું કે
પહાડના ગર્ભમાંથી
સુર્ય જન્મી ચુક્યો છે !
•
પુછી લેજે
માટીની ભીની સુગંધને,
નદીઓના અસ્ખલીત જલતરંગને
પુષ્પોના રજ-પરાગને,
આંબાડાળે રેલાતા મલ્હારને,
રોકીને જોઇ લેજે
પ્રત્યેક ધબકાર સાથે સ્ફુરીત થતા નામને
ભરમેદની એ કોઇને શોધવા મથતી આંખને
ઉર માંથી ઉભરાતા અજ્ઞાત ઉમળકાને,
સરખાવી જોજે
આંગણામાં પડેલી પગલાની છાપને,
બારણે મારેલી આંગળીઓની થાપને,
તું
પામી જઇશ
કે
હું તારા શહેરમાં આવી ગયો છું.
•
હર્ષના આવેગમાં પહેલીવાર ચડ્યો,
છેલ્લી ઘડીએ ઠેસ વાગી, નીચે પડ્યો,
આ એજ કોલેજના પગથીયા,
મિત્રોને પીછાણવાનું આ છે ઉત્તમ સાધન,
જ્યાં કરે છે લલનાઓ કદી, અંગ પ્રદર્શન,
આ એજ કોલેજના પગથીયા,
અજ્ઞાતને મોટી નામના અપાવે છે,
પ્રેમી જ્યાં રીસાયેલી સંગીનીને મનાવે છે,
આ એજ કોલેજના પગથીયા,
રાત્રે ઉજવાય જ્યાં અંધકાર ભરી દિવાળી,
સવારે ત્યાં પ્રગટે અરમાનોની હોળી,
આ એજ કોલેજના પગથીયા,
મેળવેલી ખુશીનું નથી માંગતું કોઇ બીલ,
આવનારા વગર સંકોચે ખોલે પોતાનું દિલ,
આ એજ કોલેજના પગથીયા,
જ્યાં બેસીને જાણવા મળે દિવસના સમાચાર,
લોકો ત્યાં બદલે છે પોતાના આચાર-વિચાર,
આ એજ કોલેજના પગથીયા,
નવી ટોળીઓ બને, ને જુ ની વિખેરાય,
છુટી જશે કોલેજ પણ કદી નહી વિસરાય,
આ એજ કોલેજના પગથીયા,
•
તારા શહેરમાં પડેલો વરસાદ
મને ભિંજવી જાય છે,
તારા મનની વાત હોઠ સુધી પહોંચે
એ પહેલા મારી આંખ સાંભળી લે છે,
તારી લાગણીઓના પડવા મારા સુધીકેવી
રીતે પહોંચે છે એ
હું સમજી શક્તો નથી,
તારો પ્રત્યેક શ્વાસ મારા ઉચ્છશ્વાસરૂપે
નીકળે છે,
મને લાગે છે
તારી અંદર ક્યાંક હું વિકસી રહ્યો છું,
આકાર લઇ રહ્યો છું,
અને
આપણા વચ્ચેનું માધ્યમ એટલે
આપણા ચોથું પરિમાણ !
•
બની શકે તો પાછો આપી જજે સમયસર
તારી પાસે મારો છેલ્લો શ્વાસ બાકી છે
સાચવીને રાખી મુક્યો છે અરમાનોમાં
વસંતનો એ ગુલમહોરી આભાસ બાકી છે
ભીંજાઇને સંતાડ્યો હતો વાદળ પછવાડે
પહેલા વરસાદનો એ રેશમી ખયાલ બાકી છે
જવાબ શોધવામાં જેનો, સાંજ પડી જતી હતી
સમયે
આપણને પુછેલો અઘરો સવાલ બાકી છે.
•
ગામથી નગર, નગરમાંથી મહાનગર થતું ગયું છે,
માનવી-માનવી વચ્ચેનું અંતર એમ જ વધતું ગયું છે.,
રસ્તે સામા મળે ત્યારે જે કદિક હસી લેતા હતા,
એ નજીકના ચહેરાઓ પર પણ વજન વધી ગયું છે.
બાળપણની પ્રિત ને તારી અલબેલી વાતો,
ક્યાં ગયા એ સોનેરી દિવસો ને સપનાની સોગાતો.
ચાલુ તાસે ઉગાડી ચોપડીઓના એ બંધ પાનાં,
વગર પુછ્યે દર્શાવતા આપણાં મનનો નાતો.
સદા સમાંતર ચાલતાં એ રેલ્વેના પાટા,
જેની હાજરીમાં થતી ઘણી મૌન મુલાકાતો.
જે વાસંતી પ્રકૃતિના ખોળામાં મળતા આપણે,
છબી સંતાડે છે તારી એ જર્જરીત વિરાસતો.
સમયનાં પવન વડે ભલે થયાં અળગાં “મેઘ”થી,
આ પવન જ લાવે છે પાનખર પછીની વસંતો.
•
તારા આગમન પછીની મારી
મનોસ્થિતિ,
જાણે પહેલા વરસાદ પછીની
ધરતીની પરિસ્થિતિ.
•
શું કરૂં ?
કઇ દિશામાં જાઉં ?
સમુદ્ર પાસે ગયો, પણ
ડુબવાનો ભય થયો.,
અફાટ રણમાં સમાવાના પ્રયત્નો દરમિયાન
આંખ બળવા લાગી.,
અને....
નદી તરફતો મેં જવાનું જ છોડી દીધું છે ને !!
બહુ તરસ લાગી છે,
દરિયો ખારાશ છોડવા તૈયાર નથી
ને
ઝાંઝવા પાછળ હું દોડવા તૈયાર નથી.,
અને....
મીઠા પાણીની દિશા,
મેં ક્યારનીયે બદલાવી નાખી છે.
•
આજે માણસોની ભીડ વચ્ચે
એવા તે ખોવાયા,
અમારા બધા સપના સમુદ્રની
રેત થઇ વેરાયા.
ભીની રેતમાંફરી તેને કોતરવાનો કર્યો પ્રયાસ,
ત્યારે સમુદ્રના પ્રહારથી આછી
છાપ મુકી ધોવાયા.
કોઇે તેનાથી મનની મુરાદોના મહેલ સજાવ્યા,
અરમાનોની માટીના મકાનો એ જ માણસોની
ભીડથી ભંગાયા.
ક્ષણવાર માટે પવન આવ્યો ને થયો સમુદ્ર રેતીનો,
વિખરાયેલો બધા સપના કણા બની
આંખમાં ખટકાયા.
વિશાળ ભરતી ખેંચી ગઇ આ બધું તળીયે,
રત્નાકરના ગર્ભમાંથી નીકળી મારા સોણલા
મોતી બની વેચાયા.
•
વિચારો નિર્ભેદ છે,
પણ મન જુદા જુદા.
સ્વપ્નાઓ સમાન છે,
પણ નૈન જુદા જુદા,
અભિમાન તો એક જ છે,
પણ અંગ જુદા જુદા.
કરવો છે વિવેક ઘણો,
પણ ઢંગ જુદા જુદા,
હ્ય્દય છે વિશાળ,
પણ રંગ જુદા જુદા.
•
અનાચાસે મળી નજર સીફતથી
વાળી લીધી,
મારી પણ મર્યાદા છે, આંખ પાછળ
જોઇ નથી શકતો.
•
આ ધરતી,
ગ્રીષ્મની બળબળતી બપોરને
પોતાની કાંખમાં ભરેલી નદિઓના નિરમાં
ટાઢીબોળ કરી નાખે છે
અને પહેલા વરસાદના આગમનના
એંધાણ મળતાજ
ધૂળની ડમરીઓ ઉડાડી
ખુશી વ્યક્ત કરે છે,
પછી એના સદીઓ પુરાણા પ્રેમી
આકાશે, સપ્રેમ મોકલાવેલો “મેઘ” રૂપી
સંદેશો પામતા એનું રોમ રોમ મહેકી
ઉઠે છે અને ગર્ભમાં રોપાયેલા બીજને
સ્તનપાન કરાવીને, પોષીને વૃક્ષ
બનાવવા તરફની પ્રેરણા આપે છે,
કે કદાચ એ ઉંચે જઇને આકાશને
આંબે અને, કહી દે કે હજી હું કું વારી છું
તારા વચનથી બંધાયેલી છું એ વચનને
લોકો ક્ષિતિજથી ઓળખે છે એ ક્ષિતિજનો
અર્થ માત્ર હું અને તું જ જાણીએ છીએ !!
•
વિચારોને કાગળ પર
ટપકાવતા તારૂ જ શબ્દચિત્ર
બને છે.
બે ઘડી પાપણ બંધ કરતા
તારી છબી પ્રત્યક્ષ થાય છે.
ઉઠતાની સાથે જ
પહેલા શ્વાસમાં તારી
સુવાસ અનુભવુ છું
દિવસ દરમિયાનની
મારી તાજગી તારા સ્પર્શને
આભારી છે તેવું લાગે છે.
મને બરાબર સમજાઇ ગયું કે,
વ્યસન એટલે શું ?
•
મારી જેમ
ફુલોને પણ
ધુળની ‘છઙ્મઙ્મીખ્તિઅ’ લાગે છે
માટે જ તો
રોજ સવારે ઝાકળ તેને સાફ કરે છે.
આ
ઓસબિંદુ ને
સવારની ઠંડી પણ
દિવસ પર્ચંત થીજવી શકતી નથી
ફુલો ઉપર,
સુર્યની ગરમી સામે
હારી જાય છે
મારી જેમ !!
•
વિચારોના આકાશને પાળ બાંધવા
હું, ખુલ્લી હવા છોડીને બંધ ઓરડાની
ચાર દીવાલોમાં જુના, ધૂળ જામી ગયેલા
ટે બલફેનના વણથંભ્યા સૂર સાથે
તાલ મિલાવીને વાંચવાનો પ્રયાસ
કરતો હતો ને..
ભૂલથી ખુલ્લી રહેલી બારીમાં જોતા
નજર પડી રક્તરંગી ટપાલપેટી પર
અને
ફરી એ જ તારા પત્રો, વિચારો, મુલાકાતો
વડે સજાવેલો ભવ્ય ભૂતકાળ...,
ઓરડાની સીમીતતાને ઓળંગીને
જૂના પંખાની તાજી હવા પછી
ખુલ્લી બારીની બહાર નીકળીને
ટપાલપેટી સુધી પહોંચવાનો
વ્યર્થ પ્રયાસ કરવા મથતો હતો.
•
સચવાઇ રહ્યો છે જે
ડાળીમાંથી કોળતા પર્ણો સાથે.,
અતુટ છે ચંદ્ર અને ચાંદની વચ્ચે
અને નામ પુછ્યું નથી કદી ફુલે
સુગંધને જે સંબંધનું
એ જ સંબંધને નામ આપવા કેમ
આટલાં તત્પર થયા છો
તમે ?
•
તું કહે છે તે હું કરી નથી શકતો,
સામા પ્રવાહે કદી તરી નથી શકતો,
કલમ સાથ છોડે તો જીવન પુરૂ સમજો,
મનની વાત મુખેથી કહી નથી શકતો.
•
બગીચામાં ખીલેલા પુષ્પોને
અવગણીને
આકાશના તારલાઓની ખેવના
કરતો માનવી
આવુ કેમ કરે છે ?
કારણ કે
સરળતાથી મળી જતુ હોય
એની કિંમત એને નથી
અને
અશક્ય ને મેળવવાની આશામાં
જીવન ગુજારી દેવાની ટેવ પડી ગઇ છે
જીવનની સંધ્યાએ જ્યારે
ખબર પડે
ત્યારે
બગીચામાં પાનખર આવી ગઇ હોય છે ને
આવતી વસંત સુધી પોતાના અસ્તિત્વની
કોઇ શક્યતા નથી હોતી !
•
સુર્યોદયથી સુર્યાસ્ત સુધી
અને રાત્રે ચાંદનીના સથવારે.
સમુદ્રની રેતમાં અને
કિનારે અફળાતા મોજા પર
રેલ્વે પ્લેટફોર્મ પર
અને
માનવ મેદનીમાં
સળગતી સીગરેટમાં
અને
તેના ધુમાડામાં - રાખમાં,
હું જીવન શોધતો જ રહ્યો
કેમ કે તરસ્યો હતો ને ?
આખરે એ મળ્યું મૃગજળ સ્વરૂપે
અને પ્રતિબિંબિંત થયું લાગણીના રૂપમાં
મેં તેને સ્વીકારી લીધું
અને ૨૪ મહિના અને ૧૮ દિવસમાં માલુમ
પડી ગયું કે ઝાંઝવાના સરોવર ને પણ
કિનારા હોય છે.
•
પાનખરે જગાવી છે આશા વસંતની,
ફુટી રહી છે નવી કુંપળો જીવનમાં ઉમંગની.
ચશ્મા પહેરીને વાદળોનાં ઉગ્યો છે સુરજ,
થઇ રહી છે વર્ષા કુદરત પર સપ્તરંગની.
સુગંધ બની ઠલવાય છે પવન વાયરાઓ,
મહેકે છે વાદળની ઉપવનમાં તુજ સંગની.
થંભી ગયો છે આજે સમય જે કિનારા પર,
એ સરોવરના બંધ પાણને આશા છે તરંગની.
કાઢીને વાદળાંની લાજ ઉગે છે સુરજ,
થઇ રહી છે સપ્તરંગી વર્ષા ઇચ્છાઓની.
નવોઢાના સ્મિત જેવો હસી રહ્યો છે પવન,
મહેકે છે યાદ આજે ઉપવનમાં તુજ સંગની.
•
પહેલા બનતું હું વાટ જોતો ને તું આવતી,
હવે હું નથી હોતો છતાં તું ત્યાં આવે છે,
હું નથી માનતો કે પ્રેમ દિવાનો હોય છે,
પણ તે પ્રેમીને દિવાનો બનાવે છે.
જાતે હું સમજી જાઉં છું તને ક્યારેક,
કદિક તું મને પરાણે સમજાવે છે,
બધું જાણીને અજાણ બનવાથી,
પ્રેમ કરવાની કંઇક ઓર મજા આવે છે.
તારી ગેરહાજરીમાં તારી યાદ મીઠી લાગે છે.
તું આવીને ખુદ તારી યાદને ભુલાવે છે,
ઘણી વખતે “મેઘ” પણ વિચારે છે કે,
આ બે માંથી વધારે કોની સાથે ફાવે છે ?
•
થોડી ક્ષણ માટે
નિર્જીવ
ટેલિફોનમા પણ
ચેતના આવી જાય છે
તમારા અવાજ માત્રથી
અને
એ રણકી ઉઠે છે પોતાની ખુશી વ્યક્ત કરવા,
ત્યારે
મારો ડોરબેલ
ઇર્ષ્યાથી બળી જાય છે.
•
પાનખરે જેને સુકવ્યો ને -
વસંતે જેને ખીલવ્યો એ સબંધ,
ગ્રીષ્મમાં તપ્યો ને -
પહેલા વરસાદે પલળ્યો એ સબંધ,
સાત ફેરામાં બંધાયો ને -
એક શબ્દથી તુટ્યો એ સબંધ,
તમને યાદ ન રહ્યો ને -
અમારાથી ભુલી ન શકાયો એ સબંધ.
•
વાદળ ભીની સાંજે સ્નેહનું સ્મરણ બનીને
આવ ક્યારેક,
મારા શ્વાસ લેવાનું કારણ બનીને
આવ ક્યારેક.
સંગાથે વિતાવેલા સમયના સહારે હજી ટકી રહ્યો છું,
તેં આપેલા વિરહના ઝેરનું મારણ બનીને
આવ ક્યારેક.
ફળીયું, બગીચો, ફૂલો બધું શ્વેત-શ્યામ
બની સંકેલાયું છે,
ઉન્માદક સપ્તરંગી વાસંતી વાતાવરણ બનીને
આવ ક્યારેક.
અલ્પવિરામે અટકતા ને પ્રશ્નાર્થમાં
ગુચવતા જીવનમાં,
આશ્ચર્ય સહ સપ્તપદીનું “અવતરણ” બનીને
આવ ક્યારેક.
કેટલાય ફુટપ્રશ્નો વણઉકેલ્યા
પડી રહ્યા છે જીવનના,
જેનો તાળો મળે એવું સમીકરણ બની ને
આવ ક્યારેક.
દુનિયા ભલે ન સ્વીકારે પણ મને
જેમાં શ્રધ્ધા છે,
એવા મારા સપનાઓનું તારણ બનીને
આવ ક્યારેક.
•
તારા ખોળામાં માથું મુક્યા પછી
મને લાગ્યું
કે
આવી સલામતી (જીીષ્ઠેિૈંઅ)
માત્ર બે જ વખત મળી છે.
એક,
માના ગર્ભમાં હતો ત્યારે
અને બીજી તારા ખોળામાં....
•
મધ્ય ગ્રીષ્મે તપતો રવિ,
ઝરણ જેવા તમે.,
ઉડે વાછંટ પ્રસવે જલધિ
પાષાણ જેવા અમે.
રંગ પુષ્પના રજ-પરાગને,
સુગંધ જેવા તમે.,
રહીને સમીપે શોભે એવા
કંટક જેવા અમે.
•
વિશ્વાસ હતા જેના પર એ બંધો તુટી ગયા,
તમે રહી ગયા કિનારે ને અમે ડુબી ગયાં.
ડુબતાં ને તો કહે છે તરણું પણ મળી જાય છે,
અમને જોઇને તો રણમાંથી મૃગજળે વહી ગયા.
સમયનાં તોફાને ઉડાડી જુની યાદો પરથી ધૂળ,
જેણે બધાને યાદ રાખ્યા તેને લોકો ભુલી ગયાં.
રાતને જગાડવામાં ચંદ્રને સાથ આપતા તારલા,
નિશાના અંધારે શશીને છોડી સુઇ ગયાં.
કદીક શરાબ પણ ખુટી જતી મને પીતાં પીતાં,
આજે બાકી રહી સુરા ને પ્યાલા તુટી ગયાં.
હંમેશા સમયસર ચાલતી ઘડિયાળનાં કાંટા ફરી ગયાં,
સમુદ્રની પિપાસા છીપાવીને “મેઘ” તરસ્યાં રહી ગયાં.
લાગણીઓની આપે લે કરતા જેના થકી આપણે,
પત્રોના એ સેતુ આજે તુટી ગયા.
•
સંદેશો લઇ આવતા હતા તારો જે સમયસર,
તારા શહેરના વાયરા પશ્ચિમી થંભી ગયા.
ઉપસી આવતું જેના અક્ષરોમાં તારૂં પ્રતિબિંબ,
આયનાઓ કાગળના મુજ હાથથી સરી ગયા.
ભીની કરતા આંખો ને સાથે વ્હેંચતા ખુશી,
સાથી મારા મૌન વગર વાંકે છુ ટી ગયા.
અધુરાં કાવ્યો “મેઘ” ના થતાં પુરા જેના વડે,
શબ્દો તારા પત્રોનાં કેવી રીતે ખુટી પડ્યાં ?
•
ધરતીનો છેડો એટલે
“ઘર”
ને
શરીરનો છેડો એટલે
“મન”
પોતાની રીતે ભિન્ન છે
પરન્તુ
અભિન્નતાની પરાકાષ્ટાથી પર પણ છે
મન વગર જીવન શક્ય નથી
ને
ઘર વગર જીવવું શક્ય નથી
ફરક માત્ર એટલો જ છે કે
મન નિરાકાર, નીજ તત્વ અને નિર્વિઘ્ન છે
જ્યારે
ઘરના અસ્તિત્વ માટે હોવાપણું
ફરજીયાત છે.
•
તું ઘડિયાળના કાંટાને
જીવન ગણે છે
ને
હું
પળોને પકડી રાખવામાં માનનારો
તને નદી ગમે છે
મને ઝરણું
આ વિરોધાભાસમાં
જે સામ્યતા છે
એ જ આપણને જીવંત રાખે છે
કારણ કે
અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે
એમ વિજ્ઞાન કહે છે, હું નહી
મારા મતે આપણી વચ્ચે કંઇક
અવ્યાખ્યાતીત બંધન છે
જે આ બધા નિયામોથી પર છે.
•
મારા શ્વાસમાં હવાથીયે
વિશેષ કંઇ હોય તો એ
માત્ર તારી યાદ છે.
પવનમાં છુટી મુકી તેને
ઉચ્છશ્વાસ દ્ધારા કે
તારા સુધી પહોંચશે મારો શ્વાસ
ત્યાં દિશા બદલી ગયો પવન
વાદળો પર સવાર થઇને
પહોંચી રહી હતી (યાદો)
વરસી ગયા એ ‘મેઘ’ સુકી ઘરાની તરસે
અને ત્યાં એ (યાદો) મહેકી ઉઠી ફુલોની
સુગંધ બની.
એક જ રસ્તો બાકી રહ્યો છે
મારી અભિવ્યક્તિનો
હું મળું તને રૂબરૂ
પણ એક જ ભીતિ છે ક્યાંક
શ્વાસ અટકી ન જાય પહોંચવામાં
તારા સુધી !
બની શકે તો થોડી વધારે યાદ આપીને
ટકાવી રાખજે મારા શ્વાસ.
•
હાર નથી થઇ મારી,
મેં
સ્વીકારી છે શરણાગતિ તારી -
એ સમય
પાછું વાળીને ક્યારેક નજર કરજે
મારો પણ સમય આવશે.
•
પ્રતીક્ષા મારી ફળશે એની ચંદ્રને ખબર નથી,
બસ, એક તારો ખરે એટલી જ વાર છે.
•
તારી યાદને
નસ-નસમાં ઓગાળીને
હ્ય્દય સુધી પહોંચાડીને
પ્રત્યેક ધબકારે
શરીરના પ્રત્યેક હિસ્સામાં
ધકે લી દઉં છું,
જ્યારે
તું
અચાનક સામે આવીશ
ત્યારે
હ્ય્દય એક ધબકાર ચુકી જશે.
•
મારા જીવનમાં
તારા
આગમન પછી
આવેલું પરિવર્તન
એટલે
મેઘધનુષ્યમાં
ઉમેરાયેલો
આઠમો રંગ...
•
મુક્ત વહેતી નદી પર આજે મેં બંધ બાંધ્યો,
તેનાથી મારા જીવનનો તુટેલો કિનારો સાંધ્યો,
આખરે તો મળવું હતું તેને સાગર ને જ ને ?
શું વાંક મારો કે મે સાગરને નજીક આણ્યો?
•
મારા મસ્તકને
તારા ખોળાની હુંફને
હવાલે કરી
મૌન સાંભળતો હતો
ત્યારે
સમય તારી આંખોમાં ઓગળી ગયો હતો
ને
મારા વાળ
તારી આંગળીઓની ભાષા
સમજવાના પ્રયત્નોમાં
ગુંચવાયેલા હતા,
ઉન્માદક પવનના તરંગે
તારી ઓઢણી
મારૂ આકાશ
થવાનો પ્રયત્ન કરતી હતી
ત્યારે
હવાના લચમાંથી ઉત્પન્ન થતુ સંગીત
એટલે
સરગમનો આઠમો સુર.
•
સંધ્યાની સોનેરી ઝુલ્ફોમાં
કેસુડો બની સજી રહ્યો છે સુરજ,
સુર્યમુખીના બીડાતા ફુલમાં,
સુગંધ બની મહેકી રહ્યો છે સુરજ.
પરદેશથી પાછા ફરતાં પારેવાના,
કલરવમાં મહેકી રહ્યો છે સુરજ,
પાદરે વહેતી નદીનાં શાંત નિરમાં,
અમૃત બની વહી રહ્યો છે સુરજ.
સાંજના આભુષણ પહેરીને,
સરકી રહ્યો છે સુરજ.
રાતના કોરા પાલવમાં,
તારલા બની ચમકી રહ્યો છે સુરજ.
•
વિસરાયેલા સ્મૃતિ કેમ કરી જાગતી નથી.
પહેલી મુલાકાત છે છતાં લાગતી નથી.
•
વચન નહી આપું
કે
તરો પડછાયો થઇને રહીશ.,
કારણ કે
તેનું અસ્તિત્વ પ્રકાશ હોય તે પુરતું જ છે.
તારા અવાજનો પડઘો નહી પાડી શકું
પણ
તારો અવાજ બની જઇશ.
અનંત યાત્રાના યાત્રી
એવા આપણે
ક્યાં અભિન્ન છીએ...!?!
•
કોણ કહે છે સદાય એ અફર હોય છે ?
દિલના સબંધોમાં પણ કદિક પાનખર હોય છે.,
ચંદ્ર પણ ચાંદનીનો પાલવ છોડી જાય છે જ્યારે,
અમાસને મળવાનો “મેઘ” એ અવસર હોય છે.
•
જિંદગીના ખીસ્સા ફંફોસ્યા
હાથ લાગી કેટલીક
વણ સ્પર્શેલી ક્ષણ
જેની શોધમાં કેટલી વખત
લાગણીના થકી વેચાઇ ગયો,
ઢોળાઇ ગયો કંઇક પત્થરો પર,
વરસ્યો અનરાધાર છતાં
રણની તૃષા અપાર,
આખરે
અનાયાસે
એ ક્ષણો મળી ગઇ
ક્યાંક...
મારી જ આસપાસ.
•
ફરી આજે ઝઝુમવાને મન થાય છે,
મારા સરનામે થોડું નસીબ આવ્યું છે.
•
અનીચ્છાએ મારે ખરખરે જવું પડ્યું,
ક્યાંકથી કાને ચડી કાકાની કોમેન્ટ્રી,
વગર પેડ અને બેટે તેઓ ઝઝુમ્યા,
પુરી બાંસઠ ઓવરની “ડે એન્ડ નાઇટ”
ન્હોતો સામે કોઇ નોન સ્ટાઇકર, છતાં
પોતાની ટીમ માટે કર્યા ઘણા “રન”,
છેવટે, રનઆઉટ થયા. તે પણ,
ત્રીજા અમ્પાયર ને કારણે.
કોઇએ બેંક બેલેન્સનો, કોઇએ શેરનો,
તો કોઇએ સ્થાવર મિલ્કતનો,
ખરખરો ! કર્યો.
જ્યારે અન્ય આત્મશ્લાઘામાં રત હતા.
હા. તો હું ખરખરે ગયો હતો,
એક અદના માનવીના નહીં,
માનવતાના !
•
તારા વગરનું ઘર
એટલે
ચાર દિવાલ ??
ના !
આ ચાર દિવાલ વચાળે
આપણો રચેલો સંસાર
અને
પ્રત્યેક પળે થતી તારી હાજરીની
અનુભૂતિ.
મારાથી અલગ તને ક્યારેય વિચારીજ
નથી શક્યો
સમયના આ ચોથા પરિમાણમાં
કંઇક ખુટતું હોય
તો
એ છે...
તારો સ્પર્શ, તારા સંવેદન.,
મારા માટે જે “પારસમણિ” છે.
•