Em Jindagi Jivwa Jevi Lage!! Neha Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Em Jindagi Jivwa Jevi Lage!!

એક એરણ, કે પછી ઘણ, હોય એ આપો મને,

તોડ​વાં સઘળા જ સગપણ હોય એ આપો મને.

છાતીમાં અંગાર ચાંપુ ? હોઠ સળગાવું કે શું?

આ તૃષાનું જે નિવારણ હોય , એ આપો મને.

રાતનું લઇ ચેન આખો દિ જે આંસુ દ​ઈ જતી,

એવી પ્રીતિનું વળામણ હોય એ આપો મને.

ભૂખનો મતલબ રહ્યો ના, ને તરસ કોઠે પડી,

શુષ્ક દરિયો કે સભર રણ , હોય એ આપો મને.

આજીવન આપ્યાં કર્યું છે , આ જીવન આપ્યા કરીશ​,

એકદા આંસુ, કે કૈં પણ હોય એ આપો મને.

કૃષ્ણ માફક કોઇને તરછોડી દે એ હું નથી,

ગાયધણ​, વ્રજકણ કે માખણ​...હોય એ આપો મને.

નેહા પુરોહિત​

હેત ભરેલું હૈયું રોજ વલોવું એક જ આશે,

એક દિવસ આ ચૂડીનો રણકાર ઋચાઓ ગાશે !

શું ગુમાવ્યું નારીનું જો રૂપ ધરી હું આવી,

શું ગુમાવું , ભીતરની યાત્રા જો દઉં અટકાવી?

તાપ મળે તો ય હસતાં હસતાં ખિલતા રહેવું કેમ ?

ઉત્તરમાં આછેરું મલક્યું ઝૂમખા કેરું હેમ !

ગરમાળાને ગુરુ બનાવું તો પ્રશ્નો ઉકલાશે,

એ પછી આ ચૂડીનો રણકાર ઋચાઓ ગાશે.

જીર્ણશીર્ણ જે-જે જીવતરમાં , નડતર થાતું એ જ,

તાપ તપે તો ખાક થાય એ ઉતરે સઘળો બોજ !

હળ​વાફુલ થ​ઈ આભે ઉડ​વાનો લેવો છે લ્હાવ ,

રોજ સમયને વિન​વું, તું વૈશાખી તાપ તપાવ !

અસલ ઘરેણુ હોવું મારું એમ જ તો પરખાશે,

એ દિવસે ચૂડીના રણકારે ઋચા સંભળાશે !!!

રોજ સૂર્યોદય તો અદ્ભૂત થાય છે,

તું અગાસી પર સ​વારે જાય છે?

ઈન્દ્રિયાતિત થ​ઈ જ​વું સહેલું છે શું?

શાને નાહક જાત પર ખિજ​વાય છે?

જ્યાં વળોટી જાઇએ સીમા કે ત્યાં,

ખુદનો વિસ્તાર અંદાજાય છે.

મોકળા મનની આ એક જ છે ખૂબી,

સૂર્ય સહુનાં કાળજે દેખાય છે.

જાતમાં રહી જાત પર શાસન કરું ,

કામ સઘળાં એમ આટોપાય છે!

નેહા પુરોહિત

અમે તો પરપોટાની જાત ,

હેત કરીને આપી તેં પણ સોય તણી સોગાત ,

અમે તો પરપોટાની જાત !

ભેટ મજાની લાગે તો પણ કેમ રાખવી માયા ,

પોત અમારું કાચું સાજન, પવન તણી છે કાયા,

જળની મૂરત ફુંક સરીખો ક્યાં સહેશે આઘાત !

અમે તો પરપોટાની જાત !

સૂરજ થઈને પસવારી દે તેજકિરણના બાહુ ,

મારા ગ્રાહકુન્ડળમાં સઘળાં સ્થાને તુજને સ્થાપું,

એક ટશરના બદલે તુજને આપું રંગો સાત !

અમે તો પરપોટાની જાત !

ભીતર પ્રવેશી ને ભીતર સમાણી, હતી મારાથી હું જ અણજાણી,

સખી વાત મુંને આજ સમજાણી !

કાળ તણી ડમરીમાં સાવ રજોટાયેલી જાત , મેં જ આડેહાથ મેલી ,

ફળીયે , ઉંબરિયેથી દરવાજે માળિયામાં , મેં જ મુંને દીધી હડસેલી ,

ચાંદ મુંને ચૂમવાને ઉગ્યો , રે હાય ! એ જ ટાણે અગાશી રીસાણી !

સખી વાત મુંને આજ સમજાણી !

ફોટામાં ફૂલ કોઈ મોકલે ને મ્હેક મુંને વાયરો બનીને વીંટળાય ,

શ્વાસ બે’ક છાતીમાં ભરવા જતાં જ ઢોલ ધબકારે ધબક્યો સંભળાય !

ખીલેલાં રોમરોમ , અધખુલ્લા હોઠ, હું તો દીલના રજવાડાની રાણી ,

સખી વાત મુંને આ જ સમજાણી !

કોઈ પૂછો ના હવે તને કેમ છે ,

મોર ટહુકી રહ્યાનો મને વહેમ છે!

મોરલોય એવો જરા ટહુકારો મેલીને કુંવારી લ્હેરખીને ચૂમે ,

ચુંબનનો કેફ ચડે નસનસ, ને લ્હેરખી દસદસ દિશાઓમાં ઘૂમે !

મોરલાને કાને કરી લ્હેરખીની વાત, તો બોલ્યો કે બધું હેમખેમ છે!

મોર ટહુકી રહ્યાનો તને વ્હેમ છે !

ટહુકો વણઝારાની જાત, અને વાદલડી જાણે કોઈ નખરાળી નાર !

નીલા આકાશમાં, સુરજની સાક્ષીએ, આજે કંઈ આંખો થઇ ચાર !

વર્ષા ને મોરલાના સગપણનો આ કિસ્સો સદીઓથી એમનો એમ છે,

મોર ટહુક્યો , કે થયો મને વ્હેમ છે?

વાદળી રિસાય ત્યારે મોરલાને કહી દો કે ટહુકાને મોકલે આકાશમાં ,

પ્રિયતમનો નાદ સુણી , નખરાળી નારનું હૈયું ક્યાં રહેવાનું હાથમાં !

વીજળીના ચમકારે , પડઘમ વગડાવીને, વરસીને કહેશે :” મને પ્રેમ છે “ !

મોર ટહુક્યો જ છે, ક્યાં મને વ્હેમ છે !!!

આયખાની કાળઝાળ બપ્પોરે છાયેલો સન્નાટો શીદને હું વેઠું ,

હું ને તું રહી જઈએ જોતા સજનવા , આ જીવતરને એ રીતે જોખું

પ્રીયતમથી દુર મારે રહેવું શું કામ , હું કંઈ રાધાની આંખ નથી બ્હાવરી ,

ઝાંઝરના લયમાં પણ ગુંજે તુજ નામ એમ જાણીજોઈ ચાલુ ઉતાવળી !

નોખો તું , રસિયા તારો નોખો મુકામ, મારે ચાહવાનું અંજળ અનોખું !

હું ને તું રહી જઈએ જોતા સજનવા , આ જીવતરને એ રીતે જોખું !

સળેસળ સ્પર્શ તારો સાચવીને સતરંગી ચૂંદડી મેં સંકેલી મૂકી ,

એકેએક ક્ષણ હવે રોમેરોમ ભંડારી , કંઈ જ નથી ભૂલી કે ચૂકી !

અદકેરી સાંજ અને અલબેલી રાત , હવે ગમતો સંવાદ લાવ ગોખું !

હું ને તું રહી જઈએ જોતા સજનવા આ જીવતરને એ રીતે જોખું !

ચાલ, હવે તો બહેકી જઈએ, પલળી જઈએ , વરસી જઈએ ,

ક્યાં સુધી ટળવળીએ !

ગીત, ગુલાલ ગુલાબી સંગત લઇ આવ્યો મધુમાસ !

લથબથ વેલે મધુકર ગુંજે દિલમાં લઈને પ્યાસ !

પલાશની વર્ષામાં તનમન સાવ ડુબાડી દઈએ,

ક્યાં સુધી ટળવળીએ ?

રંગો આવા નહિ જ ચાલે, કૈક નવું રંગાવો,

જે કંકુ સેંથામાં શોભે , કાળજડેય પૂરાવો,

લખચોરાશી છોડો વ્હાલમ ભવના ભેરુ થઈએ !

ક્યાં સુધી ટળવળીએ ?

બોલ તને હું કેટલી વ્હાલી ?

તાલથી તાલ છે મેળવવાનો , આપ હવે ના દૂરથી તાલી ,

બોલ તને હું કેટલી વ્હાલી ?

નાજુક નાજુક સપના મારી આંખને પ્યારા ,

આજ સમયની આગને આવી ઠારશે પ્યારા ?

ભીતર ઝંઝાવાત છે જાગ્યો , પૂછ્યું નથી કંઈ ખાલીખાલી ;

બોલ તને હું કેટલી વ્હાલી ?

જેવો છે તું એવો મને ગમતો સાજન,

તારી આંખે નજરાવાને થનગનતું મન !

કોઈ દિ’ તને એમ ના થાતું, ગરબે ઘૂમી લઉં હાથ આ ઝાલી ??

બોલ તને હું કેટલી વ્હાલી ?

ઝરમર ઝરમર આભ ઝરે ને રસિયો અનરાધાર , સખી હું શરમાણી !

નીચી નજર હું ઢાળું તો કરતો પ્રશ્નોના વાર , તું શાને કરમાણી ?

આભ ઝરુખે મેઘ બળુકો થઈને ગાજે ,

ઓરડીએ રંગરસિયો પાગલ વરસે આજે,

લુચ્ચાએ આંખ્યુંમાં આંખ્યું નાખી કીધી ચાર , અને હું ભરમાણી !

આછેરા અજવાસે મુખડું એનું ભાળી ,

આંખોના કુવામાં પેઠી જીવ ઓગાળી ,

સ્વાગતનું તોરણ મેં બાંધ્યું ‘નહીં-નહીં ’ને દ્વાર , હું ભોળી હરખાણી !

ટપકતા ટપકતા કરી જાય ખાલી ,

શું અશ્રુ જ મારી છે જાહોજલાલી ?

પ્રતીક્ષાની સરહદ વળોટાય ક્યાંથી ,

મને મારાં પગલાં જ દે હાથતાળી !

વિરહની વ્યથા એ જ શણગાર મારો ,

ન હાથોમાં મહેંદી , નયન માંહે લાલી .

આ મનનું તો એવું કે ભાગ્યા કરે પણ ,

દિવસરાત વાતો તો તારી જ ચાલી !

ન સમજાઈ માયા કદી ઈશ તારી ,

ન આપ્યું ભરીને , ન રાખીય ખાલી !

વાંક તારો નથી ન મારો છે,

એ જ સધિયારો છે ને સારો છે .

સ્વપ્નમાં, શ્વાસમાં, વિચારોમાં ,

પ્રિયનો કેટલો પથારો છે !

જે દીવાલો મેં તોડવા ચાહી,

આજ એનો જ બસ સહારો છે.

કેમ આજે બહુ સતાવે મને ?

મેં હજી ક્યાં કહ્યું- તું મારો છે !!

ભીતરે વ્યસ્તતા વધી જાણે ,

અર્થ છોડો , મરમનો વારો છે !

આંખનું ગળતર તો તું અટકાવશે ,

આંસુઓનું કોણ વળતર આપશે ?

આંગણે ટહુકાનાં તોરણ બાંધવા ,

ઠીબ સુક્કી ડાળ પર લટકાવશે ?

કહી દે મારા મનની લીલી ભાત પર ,

હીર લઇ ગુલાબી બુટ્ટો ટાંકશે ?

કોઈ તારા નામની માળા જપે,

તૂટે તો મણકા ફરીથી સાંધશે ?

મ્હેકની આશા કરું કે આજ પણ ,

વાદળી દરિયા ઉપર વરસાવશે ?

આંખ ફૂલોની અગર ઝૂકી ગઈ ,

આભને ઝુકી જવું શું ફાવશે ?

મન મુકીને માણવાની હોય છે,

વેદના કેવી મજાની હોય છે !

વેદના સત્વો જે રગરગમાં ભરે ,

વેદના એણે વખાણી હોય છે .

શબ્દ શણગારે , પ્રભાવે મૌનને ,

વેદનાની જાત શાણી હોય છે .

નીતરે જયારે ગઝલ થઇ વેદના ,

એ ક્ષણે તો રાજરાણી હોય છે !

વેદના બ્રહ્માંડમાં પણ વિસ્તરે ,

ગાલાગામાં પણ સમાણી હોય છે.

લાગણી વિશેષ વરસી જાય છે ,

એ ક્ષણે મારે દિવાળી થાય છે .

દૂર ટમટમ કોડિયું થાતું અને ,

ચાકડો કેવો અહીં હરખાય છે !

દીકરીનો પગ ચૂમે છે આંગણું ,

ઉંબરો ગજગજ અહિ ફુલાય છે .

સોળના શમણાં ફરી તાજા થયા ,

ચાકળાથી ભીંત શણગારાય છે .

ઘરનું કો’ ખોવાયું આ દિવાળીએ .

કહે, ટપાલી ક્યાંય પણ દેખાય છે ?

જીદ જ્યારથી રાંકી થઇ ગઈ ,

સંબંધોમાં આંટી થઇ ગઈ .

ગાલ ઉપરથી દદડ્યાં આંસુ,

અફવાઓને ચાંદી થઇ ગઈ !

મેઘ ગરજતો આવ્યો ત્યાંતો

આભઅટારી ઘાંઘી થઇ ગઈ .

માના હાથે રંધાઈ તો ,

શીરા જેવી કાંજી થઇ ગઈ !

વિસ્મૃતિની સ્મૃતિ આવી,

રાત અચાનક લાંબી થઇ ગઈ .

દરવાજે દસ્તકની રાહે ,

સાંકળ વર્ણે તામ્બી થઇ ગઈ.!!

તમે દ્વાર ખોલ્યું હશે તો જ આવે,

મુસીબત કૈ દરવાજો ના ખટખટાવે !

પ્રસાદી પીડાની જ આપ્યા કરે જે ,

એ મનને બધા શાને મંદિર ગણાવે ?

બહુ મસ્ત રહેશે મિલન બે ઘડીનું ,

જીતે બેઉ , સામે સમયને હરાવે !

સુકું ફૂલ જોઈ કવિતા જ્યાં સ્ફુરે ,

જૂની ડાયરી પણ બહુ યાદ આવે !

જઈ જીવ પર હું બચાવીશ એને ,

સમય મારા સપનાઓ શાને લુંટાવે ?

સુખના ખુલ્યા બારણાં

માડી લે ઓવારણાં.

આરસી મલકી જરા ,

ને થયા સંશય ઘણાં .

કેમ મીચું તું જ કહે,

આંખમાં છે તાપણાં !

સહેજ પરખી જાત ત્યાં ,

દોષ જોયાં બે ગણા .

તર્ક બીજું કંઈ નથી,

પામકા છે મન તણા.

દ્રષ્ય અદ્ભુત થઇ ગયું ,

બાગ, ફૂલો, બે જણા !

મારા ખિસ્સામાં

ધખધખતી વેદનાના

મબલખ સિક્કાઓ ભરીને હું આવી છું .

તારી સાથે વિતાવેલી

બે-પાંચ પળોનું મુલ્ય

કદાચ હવે આંકી શકાય !

મેં એમને સમજાવવા

ઘણી કોશિશ કરી.

પંપાળ્યા

બુચકાર્યા

છાતીએ ચાંપ્યા પણ ખરા !

પણ

આજે જાણે એનામાં પતંગિયાનો ઓતાર આવેલો .

પગ વાળીને બેસે જ નહીંને !

ઘરમાં ભાખોડિયાભેર ચાલતા..દોડતા બાળકની મા જેવી હાલત કરી નાખી મારી !

અંતે

થાકી , હારી મેં કોરા કાગળનું આસન પાથર્યું .

કશું જ કર્યા વગર એમને નિહાળતી રહી !

ને તેઓ...

શિસ્તબધ્ધ , એકમેકને અનુરૂપ, કતારબંધ ગોઠવાઈ બેસી ગયા –

પલાંઠી વાળીને !

તેં

નાનીઅમથી વાતમાં

મને ઘરની બહાર હડસેલી મૂકી ,

બારણું તો ઠીક, બારી પણ ચસોચસ વાસી દીધી !

મેં

મારી

અપમાનિત

લજ્જિત આંખો

ધીમેધીમે ઉપર ઉઠાવી.

જોયું

તો

મારા હિસ્સામાં આવેલું ખુલ્લું આકાશ

ને

તારા ભાગે

બંધિયાર શૂન્યતા !!!!

સવારે એક ચકલી આવીને

શાંત ઘરમાં શોર ભરી ગઈ.

ગાય આંગણે ઊભીને ભાંભરી – રાતની વધેલી રોટલીની આશાએ જ તો !

કાછીયાએ શાકભાજી વાજબી ભાવે જ આપ્યાં.

ધોબી કપડાને ઈસ્ત્રી કરીને સમયસર આપી ગયેલો.

સાંજ પણ સમયસર પડેલી .

રાત પણ !!

એકાદવાર મારી નજરેય અધખુલ્લા દરવાજે અથડાયેલી,

પણ,

એટલું કહે

આજે તારા પગલાં આ ઘરની દિશામાં સહેજે વળેલાં ?

એ રોજ સવારે મારું અભિવાદન કરવા તત્પર હોય છે .

આકાશમાં રંગો છાંટી રંગોળી કરે,

શીતલ સુગંધી વાયરો ઢોળે,

પંખીઓનો કલશોર દસેય દિશામાં સહસ્ત્ર બાહુ ફેલાવીને આવકારે મને !

ને હું -

મંદિરની ડેલીએ હાથ દઈને

ઘર તરફ પાછી વળી જાઉં છું

યંત્રવત !!!

હું વાંસળી હતી .

હા, કદાચ વાંસળી જ.

મને મારા સુરો રેલાવવાની હોંશ હતી.

કદાચ યુગો પૂર્વે છૂટી ગયેલો

મારા કૃષ્ણનો સાથ ફરી પામવાની શક્યતા દેખાયેલી મને .

મેં સાંભળ્યું હતું કે તું અચ્છો બજવૈયો છે ,

સાજ સાથે ખુદના સ્વરની સુંદર સંગત કરી જાણે છે.

એક દિવસ મને તારા હોઠની શોભા બનવાનો અવસર મળ્યો,

ને હું હરખાઇ ગઈ !

હવે તો મારે કેળવાયેલા કંઠ સાથે સૂરોની રમઝટ બોલાવવાની !

મને થયેલું,

બધા મંત્રમુગ્ધ થઇ જાય એવો સમો બંધાશે !

તે પ્રથમ વાર મારામાં ફૂંક મૂકી ,

મેં પણ જીવ પર આવીને સૂરો રેલાવ્યા હતાં...

કદાચ

એ વખતે તને મારો સૂર તારા સ્વરને અનુકુળ નહિ લાગ્યો હોય.

તેં મને તારી રીતે મઠારવાનું શરુ કરી દીધું !

આજે

તારા લાખ પ્રયત્નો હોવા છતાંય

એક પણ સૂરને જન્મ આપવાની તાકાત મારામાં નથી રહી.

હું વાંસળી નથી રહી ,

ચાળણી બની ગઈ છું !!

આખી જિંદગી

લોઢાનાં ચણા ચાવીચાવીને

થાકી ગયેલી હું

આખરે ફેમિલી ફીઝીશ્યન પાસે પહોંચી જ ગઈ,

માથાનો દુઃખાવો

અજંપો

બેચેની

થાક

કળતરની

ફરીયાદો લઈને .

ને એણે મને આયર્નની ગોળીઓ પ્રિસ્ક્રાઈબ કરી દીધી !!

પરિચય

નામ : નેહા હરેશ પુરોહિત

વ્યવસાય : ગૃહિણી છું .

વતન : જૂનાગઢ

હાલ : ભાવનગર

અભ્યાસ : બીએસસી ( રસાયણશાસ્ત્ર )

પ્રકાશિત કાવ્યસંગ્રહ : પરપોટાની જાત

મોબાઈલ નંબર ૯૯૭૮૮૮૦૭૬૧