Ajod Murti Shree Nirgundashji MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Ajod Murti Shree Nirgundashji

અજોડમૂર્તિ

શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રી

પ્રેરક

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય

પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી

સૌજન્યના સદ્‌ભાગી

શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત

પ.ભ. શ્રી કેતનભાઈ ગોપાલ રાબડિયા

શ્રીમતી સીમાબેન કેતન રાબડિયા

ભક્તિ કેતન રાબડિયા

રોશની કેતન રાબડિયા

ગામ. કેરા, તા. ભુજ, જિ. કચ્છ

અક્ષરધામના અધિપતિ સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ

ગાદીના આદ્ય આચાર્યપ્રવર ધર્મધુરંધર ૧૦૦૮ જીવનપ્રાણ

શ્રી મુક્તજીવન સ્વામીબાપા તેમજ સદ્ધર્મરત્નાકર, સિદ્ધાંતવાગીશ

પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની

પરમ પ્રસન્નતા સૌજન્યના સમસ્ત પરિવાર પર સદાય વરસતી રહો.

પ્રસિદ્ધકર્તા

પ્રસ્તાવના

અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન

અને સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીની અગણિત દિવ્ય લીલાઓ આપણને સૌને માનવતા, સેવા, સમાજ સુધારણા, પ્રેમ અને ભક્તિથી શીખવનારી તેમજ નાસ્તિક્તાના ગાઢ અંધકારને ભેદી સહજાનંદનો

પ્રકાશ રેલાવે તેવી સમર્થ છે. તેનું સતત મનન અને ચિંતન આપણા જીવન વ્યવહારમાં આપણને સંસ્કારી, સદાચારી અને સત્સંગી બનાવે છે આ હેતુને લક્ષમાં રાખી બાળકોમાં બાલ્યાવસ્થાથી જ સદ્ધર્મના સંસ્કારોનું સિંચન થાય અને તેઓમાં સહેજે સહેજે વિનય અને વિવેક, સુનીતિ અને સદ્‌વિચાર, સત્પુરુષની સેવા અને સમાગમ, પ્રેમ અને ભક્તિ ખીલે તે માટે આ બાલપ્રકાશનનું સંપાદન કરવામાં આવ્યું છે.

આ પ્રકાશનમાં આલેખાયેલા પ્રસંગો સત્ય ઘટના છે. સદ્‌ગુરુ

શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ તેઓશ્રીના વિચરણ કાળ દરમ્યાન પોતાના આશ્રિત તેમજ બિનઆશ્રિત સર્વેને આપેલા અનેકાનેક પરચા-ચમત્કારોનાં આ દૃષ્ટાંત છે.

સનાતન ધર્મસમ્રાટ શ્રીજીસંકલ્પમૂર્તિ શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સનાતન હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને સત્સંગ પ્રચારાર્થે ટાઢ, તડકો, થાક તેમજ પરિશ્રમ વેઠીને કેવળ સર્વજીવહિતાવહ દિવ્ય કલ્યાણકારી શૈક્ષણિક, સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ યોજી છે. તેઓશ્રીએ સંસ્કારોનું સિંચન નાની વયમાં જેટલું ફળદાયી થાય તેટલું પાકટ વયે ન થાય અને જીવન વિશાળ

અને વિવિધ ક્ષેત્રોમાં પ્રવેશે તે પહેલાં જીવમાત્ર પાસે શ્રદ્ધાનું પાથેય

હોય તો તે કદી પાછો ન પડે એવી પરમ કલ્યાણકારી ભાવના સાથે વિવિધલક્ષી પ્રવૃત્તિઓનું એક નવું દ્વાર ઉઘાડીને બાલસાહિત્યમાં નૂતન

પ્રકાશ પાથર્યો છે. તેઓશ્રીની દિવ્ય પ્રેરણા અને કૃપાથી શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વિશતાબ્દી મહોત્સવના માંગલિક પ્રસંગે

આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રીની દોરવણી નીચે મણિનગર

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રીજીસંકલ્પમૂર્તિ આદ્ય આચાર્યપ્રવર ધર્મધુરંધર ૧૦૦૮ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સુવર્ણ જયંતી મહોત્સવ સ્મારક ટ્રસ્ટને આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરવાનું સૌભાગ્ય

પ્રાપ્ત થયું હતું. આ ગ્રંથની પ્રતો પૂરી થઈ જતા તેની નૂતન આવૃત્તિ

પ્રકાશિત કરવા આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે અનુમતિ આપી છે તો અમો સૌ તેઓશ્રીના ખૂબ ઋણી છીએ.

પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ સ્વામીબાપાને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક સાષ્ટાંગ દંડવત પ્રણામ.

પ્રસિદ્ધકર્તા

-ઃઃ અનુક્રમણિકા :ઃ-

૧.અગમ્ય કળા ........................................ ૭

૨.અધમ ઉદ્ધારણ ..................................... ૧૨

૩.ગુરુમહિમા ......................................... ૨૨

૪.ગુરુએ ગર્વ ગાળ્યો ................................. ૨૬

૫.વચન સિદ્ધિ ....................................... ૩૧

અજોડમૂર્તિ

શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રી

૧. અગમ્ય કળા

અમદાવાદ શહેર ઉપર ઉરના ઊમળકાથી ઓવારણાં લઈને સંધ્યા આથમણા આભને આંગણે રતુંબડા રંગની પગલીઓ પાડી રહી હતી.

અષાઢી આભમાં વાદળીઓ સખી સહિયરની જેમ એકબીજાની સાથે આંકડા ભીડી ઝૂમી રહી હતી. પ્રકાશનું પોટલું બાંધી સૂરજદાદા ધીમી પગલીએ ગમન કરી રહ્યા હતા. દેવદ્વારની ઝાલર રણઝણવાની ઘડિયું ગણાઈ રહી હતી. આરતીની જ્યોતિ ઝળહળવાનું ટાણું થઈ રહ્યું હતું. થોડીજ ક્ષણોમાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સર્વોપરી

શ્રી સ્વામિનારાયણ ભગવાનની અવર્ણનીય આરતી આનંદ અને ઉમંગથી ઊતરી રહી હતી. નાનાં નાનાં છોકરાં પણ દર્શને આવે.

તેમનાં કમળ જેવાં કોમળ નયનોમાંથી પ્રેમનો સ્રોત વહ્યા કરે. પ્રભુના પ્યારમાં, ઝાલરના ઝણકારમાં, નગારાના નાદમાં અને ઘંટના ઘંટારવમાં એકતાન બની પ્રેમી ભક્તો ભક્તિપૂર્ણ દોરથી પ્રેમપુષ્પો

ગૂંથી પ્રાર્થના સહ શ્રી ઘનશ્યામ મહાપ્રભુને ચરણે ધરીને અભિવાદન

કરવા લાગ્યા. ત્યારપછી કથા કીર્તન થયાં. તેનો લ્હાવો સહુએ લીધો.

રાત્રે સહુ સહુના સ્થાને સર્વ કોઈ પહોંચી ગયા અને પ્રભુ સ્મરણ કરતા સૂઈ ગયા. તે સમયે એક પ્રસંગ બન્યો.

એક હતા સંત. તેમનું નામ હતું પરમાનંદ સ્વામી. તેમનું આસન

આપણા વ્હાલા સદ્‌ગુરુવર્ય શ્રીજીસંકલ્પમૂર્તિ શ્રી નિર્ગુણદાસજી

સ્વામીની બાજુમાં હતું. સ્વામીશ્રી છેલ્લી અવસ્થાએ મનુષ્યલીલા કરતા ઉધરસ વધારે જણાવે. અગમ્ય કળા છે ભગવાન અને સત્પુરુષોની. મનુષ્યભાવ વર્તતો હોય તેથી તેનો સહેજ પણ ખ્યાલ

માનવીઓને ન આવે. પ્યારા ગુરુની આવી લીલા નિહાળીને

પ્રેમીભક્તોને દુઃખ થાય એ સ્વાભાવિક છે. પ્રેમીભક્તો સેવાના ભાવથી મોસંબી, ચીકુ, સંતરાં વગેરે ફળો લાવે અને ભેટ ધરે. આખો દિવસ પૂજ્ય સ્વામીશ્રીનાં દર્શને નવા નવા ભક્તો આવ્યા જ કરે.

સ્વામીશ્રીનાં દર્શન કરી પ્રેમીભક્તો દર્શનની લાલસા તૃપ્ત કરે.

લાખોના લાડીલા સદ્‌ગુરુ સ્વામીશ્રી સર્વને મીઠો ઉપદેશ કરે. પેલા

પરમાનંદ સ્વામી આ બધું જોઈને કંટાળ્યા. એક દિવસે પોતાના

લાગતા વળગતા સાધુને વાત કરી. આમની પાસે મારું આસન છે

તેથી રાત્રે કે દહાડે સુખે ઊંઘવાજ નથી મળતું. દિવસે એના ભક્તોનું કીડીયારું ઊભરાયા કરે અને રાત્રે એ ખોં ખોં કર્યા કરે. મારા તો ભોગ લાગ્યા છે. આવી રીતે એ સંતને વાત વાતમાં ભગવાનના સંકલ્પમૂર્તિ મહાન સ્વામીશ્રીનો અવગુણ આવી ગયો. પરમાનંદ

સ્વામીનું હૃદય પવિત્ર હતું. તેથી તેમને એજ રાત્રિએ શ્રી સ્વામિનારાયણ ભગવાને દર્શન આપ્યાં. ભગવાનનાં પ્રેમપૂર્ણ હૈયે દંડવત ્‌ પ્રણામ

સહિત દર્શન કરીને પ્રભુને તે વંદના કરવા લાગ્યા. તે વખતે ભગવાનની મૂર્તિમાંથી તેજ છૂટ્યું. પરમાનંદ સ્વામી તો આશ્ચર્યથી

ગરકાવ થઈ ગયા.

“તેજના સમૂહમાં શ્રીજી દર્શન નવલાં દે છે રે; ફરરર તેજના છૂટે ફુવારા મૂર્તિની ચારે કોરા...”

ભગવાનની લગાર કરડી નજર જોઈને બોલ્યા, હે દયાળુ, હે કૃપાનાથ ! આજે કેમ આવાં દર્શનદાન આપો છો ? શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું : તમે અમારા સંકલ્પસ્વરૂપનો અપરાધ કર્યો છે. તમને

તેમનો મહિમા નથી. તેમની પાસે આસન મળ્યું છે તે તો તમારાં

મોટાં અહોભાગ્ય માનવાં જોઈએ તેને બદલે તમે તો ભોગ લાગ્યા કહો છો. આટલું કહી પોતાની દિવ્ય મૂર્તિમાંથી સદ્‌ગુરુશ્રી નિર્ગુણદાસજી

સ્વામીશ્રીનાં દર્શન કરાવ્યાં અને કહ્યું : ‘આમની બાજુમાં આસન

તમને નથી ગમતું, તો પછી અમારી મૂર્તિમાં કેવી રીતે રહેશો ?’

અનંત જીવોનાં કલ્યાણ કરવા માટે આ સ્વામીશ્રીરૂપે અમે વર્તમાન

સમયે વિચરણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આ

શ્રીમુખવાણી સાંભળીને સંત તો બે હાથ જોડી નિખાલસભાવે પ્રાર્થના કરવા મંડી પડ્યા અને વંદના કરી ક્ષમા યાચી ઊભા રહ્યા. ભગવાને કહ્યું : ‘અત્યારે અહીં નહિ પણ સવારે સ્વામીશ્રીના આસને જઈને

માફી માગજો. આ તો અમારું સ્વરૂપ છે. માટે હવેથી માન, અહંકાર છોડી અમારો મહિમા સમજીને આ સ્વામીશ્રીનો સમાગમ કરજો.’

આટલું કહીને શ્રી સ્વામિનારાયણ ભગવાને નિર્ગુણદાસજી સ્વામીશ્રીને

પોતાની મૂર્તિમાં લીન કર્યા, (સમાવી દીધા) અને ભગવાન અદૃશ્ય

થઈ ગયા.

આ પ્રસંગ સંતના હૃદયમાં આરપાર ઊતરી ગયો. જ્યારે સાચી હકીકત સમજાય છે ત્યારે સત્યને જાહેર કરવાની ઉતાવળ ઘણી વધી જાય છે. પછી સ્વામીને તો જાણે ક્યારે સવાર પડે અને શ્રીજીસ્વરૂપ

આ મહાન સંતપુરુષની માફી માગું, આ જ વિચાર માત્ર તેમના

મગજમાં ઘોળાયા કરે. તેથી તેઓને રાત્રે ઊંઘ પણ ન આવી. વહેલી સવારે નાહી, પૂજાપાઠ કરી લીધા અને આતુરમને સદ્‌ગુરુદેવની

પ્રતીક્ષા કરી રહ્યા.

જ્યારે શ્રી નિર્ગુણદાસજી સ્વામી પાસે હકડેઠઠ સભા ભરાણી ત્યારે

તે સંત આવીને દંડવત્‌ પ્રણામ કરવા લાગ્યા. કોઈ એક સાધુએ સ્વામીશ્રીને કહ્યું કે, પેલા પરમાનંદ સ્વામી આપશ્રીને દંડવત ્‌ કરે છે. સદ્‌ગુરુવર્યશ્રી આ વાત સાંભળીને બોલ્યા, ‘અરે ! પરમાનંદ

સ્વામી, તમે તો નંદ પંક્તિના સંત છો અને આ દાસ પંક્તિના સાધુ

આગળ શું કરો છો ? અમે તો ‘દાસ’ કહેવાઈએ. વળતા ઉત્તરમાં

પરમાનંદ સ્વામીએ કહ્યું : ‘હે સ્વામિન ્‌ ! આપ તો નંદના પણ નંદ

છો. મને સાક્ષાત ્‌ શ્રી સ્વામિનારાયણ ભગવાને કૃપા કરીને તમારી ઓળખાણ કરાવી છે. હવે મને મોહ પમાડવાનો પ્રયત્ન ન કરશો.

આપ તો ખરેખર શ્રીજીસ્વરૂપ છો માટે મારા ઉપર કૃપા વરસાવો.

મારો અપરાધ ક્ષમા કરો. હે સ્વામિન ્‌ ! મને ક્ષમા કરો. અભિમાનના અંધાપાથી હું અંજાઈ ગયો હતો. ભગવાને મારું અજ્ઞાન આજે દૂર કર્યું છે. આજે હું દ્રોહના પાપથી રહિત થઈ પુણ્યશાળી બન્યો છું.’

આ રીતે પરમાનંદ સ્વામીની ગદ્‌ગદ કંઠે પ્રાર્થના સાંભળીને સ્વામીશ્રીએ

તેમને માફી આપી અને ખૂબ પ્યારથી ભેટ્યા. પરમાનંદ સ્વામીના અંતરમાં અપાર શાંતિ થઈ ગઈ.

મિત્રો, આપણે આ વાત તો સાંભળી, પણ તે વાતને વર્તનમાં

પણ લાવવી તો પડશેજ ને. ક્યારેય પણ ભગવાન અને તેમના

મુક્તોનો અપરાધ ન થાય તેની આપણે ખાસ કાળજી રાખવી

જોઈએ. આજકાલના કેટલાક છોકરાઓ સંત પુરુષોની મશ્કરી ઉડાવે છે, પરંતુ ‘જેવું કરે તેવું પામે...’ એ કહેવત અનુસાર દ્રોહ કરીએ

તો દ્રોહનું ફળ ભોગવવું પડે અને ગુણ લઈએ તો રાજીપાનું સુખ

મળે. તો ચાલો, આપણા જીવનમાં કોઈ દિવસ આવી ભૂલ ન થાય

તે માટે ભગવાન પાસે વરદાન માગીએ કે,

“તમારો ને તમારા મોટા મુક્તનો, ભૂલે ચૂકે દ્રોહ નવ થાય; એ વર મુને આપજો, શ્રીજી મૂર્તિમાં અમને રાખજો...”

૨. અધમ ઉદ્ધારણ

ગુજરાતના ચરોતર પ્રદેશમાં-ખેડા જિલ્લામાં લવાડ નામનું એક

ગામ છે. તેની નજીક મેશ્વો નામની નદી વહે છે. નદીની આસપાસ

કોતરો પણ આવેલાં છે. ગામમાં ઠાકરડા કોમની વસ્તી વધારે પ્રમાણમાં રહે છે.

એક વખત એ નદીમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનું એક

મંડળ સ્નાન કરી રહ્યું હતું. મંડળના મુખ્ય સંતનું નામ હતું

શ્રીજીસંકલ્પમૂર્તિ શ્રી નિર્ગુણદાસજી સ્વામી.

લવાડ ઠાકરડાઓનું ગામ હતું અને તે ગામનો ઠાકોર ઘણો જ

પાશવી અને દુરાચારી હતો. આજુબાજુના મેવાસ તથા ભીલોનો સરદાર હતો. આજુબાજુના પ્રદેશમાં તેની હાક વાગે. તેનું નામ હતું દોલતસંગ. દોલતસંગના નામની હાક વાગે. તેનું નામ પડે ત્યાં લોકોે ધ્રૂજી ઊઠતા, હૃદયમાં ધ્રુજારી ઉત્પન્ન થતી. ડાકુ દોલતસંગના હાકોટાથી મોટા મોટા શાહુકારો ઘરની તિજોરીઓની ચાવીઓ તેના

ચરણમાં મૂકી દઈ નમી પડતા. સ્ત્રીઓ પોતાનાં હઠીલાં અને કજીયારાં બાળકોને છાનાં રાખવા માટે દોલતસંગનું નામ દેતી અને બાળકો ચૂપ

થઈ જતાં.

જે ગામ ઉપર ડાઘીઓ દોલતસંગ દરોડો પાડે તે ગામ ઉજ્જડ બની જાય. તેની સાથે ધીંગાણું ખેલવાની હિંમત, બનતાં સુધી કોઈ

કરે નહિ અને જો કરે તો તેની રેવડી દાણાદાર થઈ જાય. ધન અને ધાન્યની લૂંટ ચલાવતો. નાનાં નાનાં ભૂલકાં પ્રત્યે પણ દોલતસંગની

ક્રોધ જ્વાળા ઘણી વખત ભભૂકી ઊઠતી. અરે મિત્રો, તેના નામ

માત્રના શ્રવણથી તો પશુ પક્ષીઓ પણ શાંત થઈ જતાં.

મેશ્વો નદીમાં સદ્‌ગુરુવર્ય શ્રી નિર્ગુણદાસજી સ્વામી તેમના સંતો સાથે સ્નાન કરી રહ્યા છે. તેવામાં એકાએક મોટો ગોકીરો કાને પડ્યો.

‘અલ્યા એઈ બાવાઓ ! શું તમારા બાપની આ નદી છે ?’

‘અહીં શું ડાટ્યું છે ?’

‘મારું ગામ બગાડવા ભેંસની જેમ નદીમાં પડ્યા છે ?’

એની વાણી તીખી તલવાર જેવી હતી. કડવાશ અને તોછડાઈની વાત જ શી કહેવી ! આવો હતો દોલતસંગ. દુષ્ટ દોલતસંગના દરબારમાં તેના નામની બોલબાલા હતી. તે કારણે ઘમંડથી આંધળા બનેલા દોલતસંગને આવા મહાન સંતના પગે લાગી પાપ ધોવાની બુદ્ધિ તો ક્યાંથી સૂઝે ! ‘એલા સાધુડાઓ, ઝટ નદીમાંથી બહાર નીકળો છો કેે નહિ ? આ સાધુ સીધી રીતે માને તેવા નથી. એલા વજેસંગ, એય ટપુભા, એ હઠીસંગ, વરસાવો પથરાનો વરસાદ આ બાવાઓ

પર એટલે આપોઆપ ભાગી જાશે.’ દોલતસંગે તેના સાથીદારોને હાકોટો માર્યો.

દોલતસંગનો હુકમ છૂટતાં પથ્થરોનો વરસાદ શરૂ થયો.

‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ’ નામનું ઉચ્ચારણ કરતા સ્વામીશ્રી સંતો સાથે નદીમાંથી બહાર નીકળી ગયા. શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના ૨૦૧ શ્લોકમાં લખ્યું છે, ‘કોઈ દુષ્ટ જન ગાળ

દે, તાડન કરે તો પણ તેને સહન કરવું પણ તેને સામી ગાળ ન

દેવી, પરંતુ તેનું હિત થાય તેવો સંકલ્પ કરવો.’ આ આદેશ અનુસાર

શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ દોલતસંગના આ ઘાતકી કૃત્યના બદલામાં

તેના જીવાત્માનો મોક્ષ કરવાનો સંકલ્પ કર્યો, અને નદી પાર ઊતરીને બીજે ગામ ચાલ્યા.

સ્વામીશ્રીને ભગાડવાનો આનંદ માણતો દોલતસંગ મૂછે વળ દેવા

માંડ્યો. પોતાની બહાદુરી માટે ગજગજ ફુલાવા લાગ્યો. કારણકે દોલતનો શબ્દ એ જ તેનો કાયદો, તેનો હોકારો એ જ તેનો નિર્ણય,

પોતે જે ધારે તે પામીને જ જંપે. મનની મુરાદ પ્રમાણે વર્તનારા આ

ઠાકોર ભાયડાની વાત જ શી કહેવી ! પોતાના નિર્ણયની આડે જે આવે

તેનો સંહાર કરવામાં સહેજ પણ અચકાતો નહિ. દોલત એટલે મનનો જ માણીગર !

વખતના વહન સાથે શ્રીજીસંકલ્પમૂર્તિ શ્રી નિર્ગુણદાસજી સ્વામીનો સંકલ્પ સત્ય થવાનો સમય આવ્યો. કારણ કે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના ધર્મનિયમવાળા મહાન સંતો સત્યસંકલ્પ છે.

તેઓશ્રીનો સંકલ્પ કદી સત્ય થયા વગર રહે જ નહિ. દોલતનો એકનો એક દીકરો હતો. તેનું નામ હતું તખુભા. તખુભા મોટો થયો. યુવાન

થયો એટલે તેનું લગ્ન લેવાયું. દરબારના દીકરાનું લગ્ન એટલે ગામ

આખું રંગે ચંગે ચઢ્યું. શરણાઈના મીઠા સૂર રેલાવા લાગ્યા, અવનવાં વાજીંત્રો વાગવા મંડ્યાં અને મેવાસના ઠાકોર યુવાનો નવાં નવાં કપડાં અને અલંકારો સજી નૃત્યની મહેફીલ માણી રહ્યા છે. અફીણ અને કેસરિયા રંગ ઘૂંટાણા છે. તખુભાનો આજે વરઘોડો નીકળવાનો છે.

તેની તૈયારીઓ થઈ રહી છે. તખુભાને પીઠી ચોળી છે. મોડી રાત

સુધી વરરાજાનું ફૂલેકુ ગામમાં ફર્યું છે. બીજા દિવસે જાન જવાની છે. બધા રાત્રિએ થાક્યા પાક્યા ભર નીંદરમાં પડ્યા છે. પ્રભાત

થવાની હજુ વાર છે. તખુભા વહેલી પરોઢે લઘુ કરવા પથારીમાંથી ઊઠ્યો. ઘર પછવાડે વાડામાં લઘુ કરીને જ્યાં પાછો વળ્યો ત્યાં તો કોઈ એક સુંવાળી વસ્તુ પર તેનો પગ પડતાંની સાથે જ તેણે કારમી

ચીસ પાડી.

‘ઓ મારા બાપ રે મરી ગયો.. મરી ગયો..’ ભયંકર કારમી

ચીસથી નસકોરાં ગગડાવતા મેવાસના ઠાકોરો જાગી ગયા. દોડતા

પાછળ ગયા. ત્યાં જોયું તે કાળોતરો નાગ તખુભાને ડંસીને સરરર....

કરતો સરકી આંબલીના પોલાણમાં પેસી ગયો. તખુભાનું શરીર

લીલુંછમ જેવું થઈ ગયું. ઘડીના છઠ્ઠા ભાગમાં તે ધરણી પર ઢળી પડ્યો.

શરણાઈના સૂર જ્યાં ગવાઈ રહ્યા હતા ત્યાં મરશિયાં ગવાવા માંડ્યાં.

દોલતસંગ તો આક્રંદ કરતો પોકાર પાડવા માંડ્યો.

‘મારા દીકરાને કોઈ બચાવો... બચાવો. જે માગો તે આપીશ,

પણ કોઈ બચાવો.’ ભુવા અને જંતરમંતરવાળા આવ્યા પણ સહુના

પ્રયત્ન વ્યર્થ ગયા. કોઈ ફાવ્યું નહિ કારણ કે, આ તો પૂર્ણ પુરુષોત્તમ

ભગવાન શ્રી સ્વામિનારાયણના સંકલ્પસ્વરૂપનો સંકલ્પ. આવા સ્વામીશ્રીના દ્રોહનું ફળ ભોગવવું તો પડે જ. ગામના સમજુ માણસો કહેવા લાગ્યા,

‘પેલા સ્વામિનારાયણના સાધુઓનો દ્રોહ કર્યો હતો તે પાપે જ

તખુભાને આ દુઃખ આવી પડ્યું. નહિ તો દોલતના રંગમાં ભંગ કોઈ

દિવસ પડે જ નહિ.’ દરબાર તો બૂમ બરાડા પાડી પાડીને, થાકીને

લોથપોથ થઈ જઈને દીકરાના પાસે માથું કૂટી રડ્યા કરે છે.

એટલામાં નિરાશાના અંધકારમાં પ્રકાશ ફેલાયો. ‘લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે.’ આ સૂત્ર મુજબ નદીના કિનારા બાજુએથી ‘સ્વામિનારાયણ’ ધૂન્યનો સ્વર કાને પડ્યો. વાત એમ હતી કે સત્સંગ પ્રચારાર્થે ફરતા ફરતા સ્વામીશ્રી પુનઃ એ જ જગ્યાએ પધાર્યા હતા અને સંતો સાથે સ્નાન કરતા હતા.

શ્રીજીસંકલ્પમૂર્તિ શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રીના પ્રૌઢ પ્રતાપને ઘુવડ જેવો દોલતસંગ ન ઓળખી શકે, પરંતુ ગામના કેટલાક માણસો જાણતા હતા. એક બહાદુરે કહ્યું : ‘ઠાકોર, નદી કિનારે આ ધૂન્ય

સંભળાય છે... તે સંતમંડળના અગ્રણી સંત બહુ જ પ્રતાપી છે. તમે

પથ્થરમારો કરાવી થોડા સમય પહેલાં તેમને કાઢી મૂક્યા હતા. તેમનો

તમે ખૂબ અપરાધ કર્યો છે. એ પાપે કરી આજે આ દુઃખ તમને આવ્યું છે પણ સંતો તો કૃપાળુ હોય છે, તમે તેમના શરણે જશો તો તેઓશ્રીની અપાર દયાથી તમારું આ દુઃખ જરૂર દૂર થઈ જશે.’

નિર્જર જંગલમાં ખોવાએલા આંધળા માણસનેે કોઈકનો સહારો

મળે તો અદમ્ય ઉત્સાહમાં આવી જાય. તેમ દોલત તે માણસની વાત

સાંભળીને અચળ વિશ્વાસથી દોડ્યો સીધો નદીના કિનારે. દોડતા આવતા દોલતસંગને જોઈને સંતોના તો હોશકોશ ઊડી ગયા. પણ ધાર્યા કરતાં કંઈક ઊલટું જ બન્યું. ભરત જ્યારે રામને અયોધ્યાનું રાજ્ય

સંભાળવા માટે પ્રાર્થના કરવા લશ્કર સાથે દૂરથી રામ પાસે આવતા હતા ત્યારે તેને જોઈને રામની નિકટ બેઠેલા લક્ષ્મણજીએ તેમને લડવા આવતા કલ્પી લીધા હતા, પરંતુ પાસે આવ્યો પછી વાત જુદી જ બની.

તેમ અહીં પણ દોલત તો આવીને ધબ કરતો શ્રી નિર્ગુણદાસજી

સ્વામીશ્રીના ચરણ કમળમાં પડ્યો. તેમની ચરણરજ માથે ચઢાવી અને

ચોધાર આંસુએ આક્રંદ કરતો તે રડી પડ્યો. એટલેથી જ ન અટકતાં

તે પોતાના ગાલ પર પોતાના હાથે જ ઉપરા ઉપરી તમાચા મારીને

પસ્તાવો કરવા લાગ્યો.

આ મેં શું કર્યું, આ મેં શું કર્યું !

ઓ મારા દીનના દયાળુ નાથ, સ્વામિન ્‌ આ મેં શું કર્યું !...ટેક

પ્રભુના પ્યારા તમે છો મારા વ્હાલા, અભિમાનથી મેં અપમાન કર્યું.... ઓ સ્વામિન ્‌...૧

આપ જેવા સંતનો દ્રોહ થવાથી,

માંડવે દીકરાનું મૃત્યુ રે થયું... ઓ સ્વામિન ્‌...૨

શરણાઈના સૂર જ્યાં વાગી રહ્યા’તા,

મોતના મરશિયાએ મારું સુખડું હર્યું... ઓ સ્વામિન ્‌...૩

રૂડો દરબાર મારો, સૂનો સૂનો લાગે,

પ્રભુ ! તમારા દ્રોહે મારું ફૂટી રે ગયું... ઓ સ્વામિન ્‌...૪

ચરણે પડી સ્વામીન ્‌ તમને હું વિનવું, આ રાંકનું રતન જીવાડો પ્રભુ... ઓ સ્વામિન ્‌...૫

પાપનું કાજળ પશ્ચાત્તાપના આંસુથી ધોવાવા માંડ્યું. પાપનો પર્વત,

પણ સાચો પસ્તાવો કરી શરણે આવે તો ભગવાન તેનો ગુનો માફ

કરે છે. સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન જેમના દ્વારે વિચરે છે તેવા

શ્રીજીસ્વરૂપ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ પાપના પર્વત દોલતને ક્ષમા આપી, ગુના માફ કરી પોતાને શરણે લીધો. તેના પર કૃપા વરસાવી

તેનું દુઃખ દૂર કરવા સંત મંડળે સહિત દોલતના ઘરના આંગણે આવી

પહોંચ્યા. તખુભા લાંબો લચ થઈ નિષ્પ્રાણ પડ્યો છે. સ્વામીશ્રીએ સંતોને આજ્ઞા કરી, ‘ચાલો, શ્રી સ્વામિનારાયણ નામની ધૂન્ય કરી

શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રસન્ન કરીએ.’

‘સ્વામિનારાયણ’ મહામંત્રની ધૂન્ય શરૂ થઈ. ધૂન્યનો મધુર સૂર

ચૌદિશમાં રણકી ઊઠ્યો. ગિરિ ડોલવા લાગ્યો. સમુદ્ર પણ એ સૂર સાથે સૂર મિલાવી હેલે ચઢ્યો.

સદ્‌ગુરુવર્ય ધ્યાનસ્થ હતા. શ્રીજીમહારાજની મૂર્તિમાં રસમગ્ન

થઈ તલ્લીન બની ગયા હતા. શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન્ય

ચાલતી હતી. ગજબ સામર્થ્ય હતું આ મહામંત્રના નાદમાં. જનસમુદાય

પણ રસની લ્હાણ લૂંટી રહ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની

મૂર્તિમાં મગ્ન થઈ સંતો તાલથી ધૂન્ય બોલતા હતા. સૌમ્ય મુખમુદ્રાએ સદ્‌ગુરુ મરક મરક હાસ્ય કરી રહ્યા હતા. ત્યાં તો આશ્ચર્યકારી ઘટના બની.

આંબલીના પોલાણમાંથી એક ફણીધર સુસવાટા મારતો બહાર આવ્યો. લોકો ભયથી આઘાપાછા થવા લાગ્યા. ફણીધર ફેણ ચઢાવી સ્વામીશ્રી સામે નીરખી રહ્યો. સ્વામીશ્રી તો ધૂન્યના તાલમાં ધીરે ધીરે ડોલી રહ્યા હતા. ફણીધર પણ ડોલવા માંડ્યો. સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી

સ્વામીશ્રીએ નેત્ર ઉઘાડ્યાં અને ફણીધર સામે નજર માંડી. જેવી નજર એક થઈ કે તરત જ ફણીધરે ઊછળી ગુલાંટ મારી તખુભાના પગે જ્યાં ડંસ દીધો હતો ત્યાં ફેણ મારી સમગ્ર ઝેર ચૂસી લીધું. લીલુંછમ

પડી ગયેલું શરીર ગૌર વર્ણનું થઈ ગયું. પોતાનું કામ પતાવી સ્વામીશ્રીને પ્રદક્ષિણા ફરી, વંદન કરી, ફણીધર આંબલીના પોલાણમાં

પેસી ગયો.

તખુભા તરત જ આળસ મરડી બેઠો થયો. લોકોના ટોળાંઓએ જયનાદ પોકાર્યો. દોલતસંગ હર્ષભેર પોતાના દીકરાને ભેટી પડ્યો અનેે બાપ દીકરો બંને યોગીરાજના ચરણમાં ઝૂકી પડ્યા. દોલતસંગે

પુનઃ પ્રાર્થના કરી.

“ઓ મારા અધમ ઉદ્ધારણ સ્વામીબાપા, આજ તમે અઢળક ઢળ્યા...

ગાંડો ઘેલો હું દાસ તમારો,

વગર વિચાર્યું વર્તન મારું...

આપે પ્રેમથી દોષો દૂર કર્યા, વાંક ગુન્હા તમે જોયા નહિ, વ્હાલાજી...

મુજ રાંકને આંગણે આવીયા,

બાપજી! હું તો બન્યો બડભાગી...”

મારા ગુનાઓને માફ કરો, માફ કરો, બાપજી માફ કરો.

ચરણમાં પડેલા દોલતને સ્વામીશ્રીએ પ્રેમથી ઊભો કર્યો. કવિ કલાપીએ કહ્યું છે,

“હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે...”

યોગીરાજે કહ્યું : ‘દોલત, પ્રતિજ્ઞા કર. કોઈ સાધુ અતીતને રંજાડીશ નહિ. કોઈની બહેન, દીકરીનું ભૂંડું કરીશ નહિ.’ દોલતસંગ

ગદ્‌ગદ થઈ બોલ્યો : ‘બાપજી, તમે તો મારો મનખો સુધાર્યો છે.

આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે, ક્યારેય કોઈનું ભૂંડું નહિ કરું, કોઈને રંજાડીશ નહિ.’

તેની સાચા દિલની પ્રતિજ્ઞાથી ગુરુવર્ય પ્રસન્ન થયા અને અભય

વચન આપ્યું. સ્વામીશ્રીએ પ્રયાણ કરવા માંડ્યું. આ વાત જાણતાં દોલતસંગ તરત આડો ફર્યો અને વિનવવા લાગ્યો, ‘બાપજી ! આજ

નહિ જવા દઉં. નવું જીવન પામેલા મારા દીકરાનું લગ્ન છે, ને તમે રસોઈ જમ્યા સિવાય મારા ઘેરથી જાવ તો મારું જીવતર લાજે.

મારા મનખા અવતારમાં ધૂળ પડે.’

સ્વામીશ્રીએ કહ્યું : ‘દોલત, અમારાથી તારું અન્ન ન જમાય.’

કરગરતો કરગરતો દોલતસંગ બોલ્યો, ‘બાપજી ! કેમ ન જમાય ?

એવું તે શું કારણ છે જે આ સેવકની ગુરુભક્તિમાં વિઘ્ન કરી રહ્યું છે ?’

સ્વામીશ્રી બોલ્યા, ‘દોલતસંગ માઠું ન લગાડીશ. તું જન્મારાનો દારૂ પીનારો ને અફીણને ઘોળનારો છે. માટે અમારાથી તારું અન્ન

ન જમાય.’

જ્યારે ભક્ત અને ભગવાન વચ્ચે, શિષ્ય અને ગુરુ વચ્ચે સાચો

પ્રેમસંબંધ જોડાય છે ત્યારે તેની અંદર અડચણ કરનાર કોઈ વસ્તુનું અસ્તિત્વ રહી શકતું નથી. દોલતસંગે રસોઈ ન સ્વીકારવાનું કારણ જાણતાંની સાથેજ તેનાથી ન રહેવાયું. સહેજ પણ અચકાયા વગર, ક્ષણમાત્ર પણ થોભ્યા વગર, પડેલી જૂની ટેવો અંગે પરવા ન કરતાં

તરત જ તેણે હાથમાં લાકડી લઈને દારૂનાં માટલાં ધડાધડ ફોડી નાખ્યાં.

અફીણ ઘૂંટેલાં તાંસળાંઓને તેણે ફેંકી દીધાં. ચોમેર ઊભેલા અન્ય

દરબારો તથા અન્ય લોકો આશ્ચર્યમાં પડી ગયા. દોલતસંગે માણસોને હુકમ કર્યો, ‘જાઓ, મેશ્વો નદીનાં નીર લાવી મારા ઘરને ધોઈને સાફ

કરો. ગાયનું છાણ લાવી પવિત્ર લીંપણ કરો... મારે તો મારા જીવનદાતા ગુરુદેવને આજે ઘરમાં પધરાવવા છે.. સ્નેહે જમાડવા છે.

જલ્દી કરો...’

સદ્‌ગુરુવર્ય સ્વામીશ્રી પણ તેનો સાચો ભાવ નિરખી ખૂબ પ્રસન્ન

થયા. દોલતસંગ, તખુભા અને અન્ય સ્નેહી જનોને કંઠી બાંધી સત્સંગી કર્યા. પીઠ થાબડી આશીર્વાદ આપ્યા. પૂર્ણ પુરુષોત્તમ

શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરવાનો આદેશ આપ્યો.

તેના દરબારમાં સ્વામીશ્રી પધાર્યા અને દરબાર પાવન કર્યો. હવે

તો દોલતનો દરબાર જાણે કે દાદાના દરબારમાં ફેરવાઈ રહ્યો હોય

તેવું દૃશ્ય સર્જાયું. દોલતસંગ આજે સાચેજ દોલતવાળો બની ગયો.

ઠાકોરોની રજવાડા શાહી પોષાકમાં જે ગર્વ હતો તે આજે ગળી

ગયો હતો. ખાલી રહેલા કપાળમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની યાદ આપતો તિલક ચાંદલો શોભવા લાગ્યો. ખભા ઉપર રહેતી બંદૂકને બદલે જનોઈ ધારણ કરી. આંખમાંથી વરસતા ક્રોધાગ્નિને બદલે પ્રેમધારાઓ વરસવા લાગી. જે મુખમાંથી ગાળો અને અપશબ્દોની ધુંસ રહેતી તે મુખમાં સર્વોત્કૃષ્ટ ‘સ્વામિનારાયણ’

નામનો મહામંત્ર ગૂંજતો થયો.

હિંસાનું સ્થાન અહિંસાએ લીધું. ભયગ્રસ્ત વાતાવરણ પ્રેમ તરબોળ

થઈ રહ્યું. વેરવૃત્તિને બદલે ભક્તિનો ભાવ પ્રગટ્યો. ગામ-ગપાટાનું સ્થાન હરિકથાએ લીધું.

ભક્તવત્સલ સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ દોલતસંગની રસોઈ સ્વીકારી અને સત્સંગ પ્રચારાર્થે આગળ વધ્યા. ત્યારપછી દોલતસંગના પુત્રનું લગ્ન ખૂબ જ શાંતિથી કોઈપણ જાતના વિઘ્ન

વગર પાર પડ્યું. સહુ કોઈ સ્વામીશ્રીના મહિમાનું ગાન ગાતા વિખરાયા.

૩. ગુરુમહિમા

કચ્છ જિલ્લામાં માંડવી નામે બંદર આવેલું છે. તે માંડવી શહેરમાં

શ્રી સ્વામિનારાયણ ભગવાનના વખતથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય

સારી રીતે આજ સુધી ચાલતો આવ્યો છે. લક્ષ્મીરામ નામે એક બ્રાહ્મણ

માંડવીમાં રહે. તેમને શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં ખૂબ હેત, અતૂટ

શ્રદ્ધા હતી. અનન્ય ભક્તિ જોઈ ભક્તાધીન ભગવાન ભક્તને દર્શન

આપે. તેમના મનોરથ પૂર્ણ કરે. લક્ષ્મીરામભાઈ જે જે કામ કરે તેમાં

પણ સ્વામિનારાયણ નામનું રટણ ચાલુ જ હોય. કોઈ પણ કામથી નિવૃત્ત થાય તો હાથમાં માળા રાખી સ્વામિનારાયણનું ભજન કરે અથવા યોગીની માફક સ્થિર બેસી ધ્યાન ધરે. ક્યારેક મંદિરે બેસીને કથા સાંભળે. ગામના ચોરે ચૌટે બેસીને ગામ ગપાટા મારવાની ટેવ

તો તેમને હતી જ નહિ. કોઈની પણ નિંદા ન કરે. કોઈનું ક્યારેય

પણ બૂરું ન કરે. નાનાં નાનાં ભૂલકાંઓને ભગવાનનું ભજન શીખવે.

શ્રી ઘનશ્યામ મહારાજનાં બાળ ચરિત્ર સંભળાવે. સહુ બાળકોને મજા

પડે. ભક્ત સૌને ગમ્મત સાથે જ્ઞાન પીરસે. સાંજે સૂર્યાસ્તનો સમય

થાય ત્યારે પણ બાળકો ટોળે વળીને સંધ્યા આરતી સમયે મંદિરમાં

પહોંચી જાય. એક વખત સ્વામીશ્રી નિર્ગુણદાસજી કચ્છ-ભૂજમાં

પધાર્યા. તે સમાચાર આજુબાજુના ગામડે પહોંચી ગયા. જાડાં જાડાં કેડિયાં અને માથે પાઘડીવાળા કચ્છી લોકો બળદગાડી, ઊંટગાડી, ઘોડાગાડી તો કેટલાક પગે ચાલીને ખભે ખડિયો ભરાવી ચાલતા ચાલતા

શ્રીજીસ્વરૂપ શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રીનાં દર્શન માટે આનંદ અને ઉમંગભેર ઊમટી પડ્યા. ભર ચોમાસામાં પૂરપાટ વહેતી નદીઓના જેવો માનવ મહેરામણનો વેગ હતો. દિવાળીના દિવસો જેવો તેમનો આનંદ માતો ન હતો. કોઈ તેમની પ્રસન્નતાનું રહસ્ય પૂછતું તો કહેતા કે, ‘અમે અમારા પ્રાણપ્યારા ગુરુજીનાં દર્શને જઈએ છીએ. સાચા સમર્થ ગુરુજીનું પ્રેમથી પૂજન કરીશું. ભાવથી ભેટીશું... ચાલો... તમે

પણ ચાલો. અરે ભાઈ ! તમે પણ સહુ એક વખત દર્શને તો આવો.

ખૂબ મઝા પડશે... સાચી શાંતિ પામશો. હાલો.... હાલો... વાર

ન કરો.’

ભૂજમાં તો ત્યારે ભરતી ભરાઈ. વૃષપુર નિવાસી શ્રીજીસંકલ્પમૂર્તિ

શ્રી અબજીબાપાશ્રી પણ દર્શને આવ્યા. હોંશે હોંશે ભક્તોએ પ્યારા

ગુરુજીના પાવ પખાળ્યા. પૂજન અને અર્ચનના લ્હાવા લીધા.

પ્રેમી ભક્તોને પૂજ્ય સ્વામીશ્રી તેમની મૂર્તિમાં પ્રેમાળ દૃષ્ટિથી હેરી લેતા હતા. આખું વાતાવરણ દિવ્ય પ્રેમથી આનંદસભર બની

ગયું. આબાલવૃદ્ધો સૌ મૂર્તિના આનંદમાં મસ્ત છે. શરીરનું ભાન

ભૂલી દિવ્યાનંદ માણી રહ્યા છે. સહુ મૂર્તિના સુખમાં ગરકાવ બની

ગયા છે.

બાપાશ્રીએ સ્વામીશ્રીને વૃષપુર-બળદિયા પધારવા પ્રાર્થના કરી.

પ્રેમભરી બાપાશ્રીની વાણી સાંભળીને સંતો સાથે નિર્ગુણદાસજી

સ્વામીશ્રી વૃષપુર પધાર્યા. ત્યાં અનેકાનેક ભાવિક ભક્તો દર્શન

સમાગમ કરવા આવે. નમતા બપોરે વાડીએ સ્નાન કરવા પધારે. કોઈક દિવસ નદીએ પણ સ્નાનાર્થે જાય. સ્નાન કર્યા પછી નદી તટે વૃક્ષની શીતલ છાયા નીચે મોટી સભા કરે. કચ્છની વાડીઓમાં સામાન્ય રીતે

તો કેળા, પયૈયાં, ચીકુ વગેરે ફળના બગીચા હોય છે. પોતપોતાના બગીચાઓમાંથી ભક્તો સંતોનાં દર્શન અને સમાગમ કરવા આવે.

લીલો મેવો પૂજ્ય સ્વામીશ્રીના ચરણકમળમાં ભેટ ધરે. ખૂબ મેવાની ભેટ આવે અને સભા પૂરી થયા પછી તે મેવાની પ્રસાદી સ્વામીશ્રી સૌને વહેંચે. પ્રસાદ ખાતાં ખાતાં સૌ સ્વામીશ્રી અને બાપાશ્રી સાથે

જ્ઞાનગોષ્ટી કરતા કરતા ગામ તરફ પાછા ફરે.

એક દિવસ બાપાશ્રીની લખાઈવાડીએ સ્વામીશ્રી સ્નાન કરી રહ્યા હતા. તે પ્રસાદીનું પાણી થાળામાં જતું હતું. તે પ્રસાદીના જળને

માંડવીવાળા લક્ષ્મીરામભાઈ મહિમા સમજીને ખોબે ખોબે લઈ બે હાથ

વડે માથે ચઢાવતા હતા. તે જોઈને સ્વામીશ્રી બોલ્યા : ‘અરે !

લક્ષ્મીરામભાઈ આ શું કરો છો ?’ ત્યારે લક્ષ્મીરામભાઈએ બે હાથ જોડીને કહ્યું : ‘હે બાપજી ! હું ગરીબ બ્રાહ્મણ તે કાશી, દ્વારિકા,

ગયાજી, જગન્નાથ, ગંગા, ગોદાવરી, સરસ્વતી, યમુના આદિ તીર્થ કરવા શી રીતે જાઉં ? મારે તો અહીં આજે સર્વે તીર્થ થઈ રહ્યાં.

શાસ્ત્રોમાં કહ્યું છે કે, અડસઠ તીર્થ ભગવાના સાચા સત્પુરુષોના

ચરણકમળમાં રહ્યાં છે.’ જુઓ લક્ષ્મીરામભાઈને કેવો સ્વામીશ્રીનો

મહિમા અને દિવ્યભાવ ! કેવી ભાવનામય ભક્તિ !

લક્ષ્મીરામભાઈ પવિત્ર બ્રાહ્મણ હતા. વિદ્વદ્‌વર્ય હતા. એક સારા

જ્ઞાની અને ધ્યાની પણ હતા. તેમણે સ્વામીશ્રીના ચરણકમળમાં પોતાનું જીવન સમર્પણ કરી દીધું હતું. સ્વામીશ્રીની જીભ વળે તેમ તેમનું શરીર વળે. તેઓ સ્વામીશ્રીનો બોલ ક્યારેય પણ ઉથાપે નહિ. મિત્રો, આપણે ભવસાગરને જો તરવો હોય અનેે શાશ્વતી શાંતિ મેળવવી હોય તો આવા શ્રીજીની મૂર્તિમાં સંતાઈ રહેલા મહામુક્તોને ગુરુ કરવા જોઈએ.

આ બાબતમાં એક વાત જાણવા જેવી છે.

એક પ્રદેશ પર પાડોશી રાજાએ પોતાના સૈન્ય સાથે આક્રમણ કર્યું.

રાજાએ મંત્રીઓને કહ્યું : “તેના સૈન્યમાં વધુ સંખ્યા તો હાથીઓની છે અને યુદ્ધમાં પણ લોકો હાથીઓને મોખરે રાખીને લડવાના છે, એવી ગુપ્ત માહિતી મને આપણા દૂતોએ આપી છે. પણ આપણે

ગભરાવાની જરૂર નથી. મેં એક સરસ યુક્તિ વિચારી રાખી છે એમ

કહી રાજાએ મોટો કૂતરો મંગાવીને સિંહનું સંપૂર્ણ ચામડું તેને પહેરાવી દીધું. આબેહૂબ સિંહ જ જોઈ લો. રાજાને ખ્યાલ હતો કે સિંહને જોઈને હાથી ભાગી જાય છે. પછી આ બનાવટી સિંહને યુદ્ધમાં આગળ કર્યો.

સામેથી લાંબી લાંબી સૂંઢો ઝુલાવતા હાથીઓ ધસમસતા આવી રહ્યા છે. રાજાએ સૈનિકોને કહ્યું : ‘આપણા આ સિંહને જોઈને હાથીઓ

ચીસો પાડતા નાસ ભાગ કરવાના. પણ વાત ધાર્યા કરતાં વિપરીત

બની. હાથીઓને જોઈને કૂતરો ડર્યો અને તેની આદત મુજબ ભસવા

લાગ્યો. રાજાની મૂર્ખાઈ ઉઘાડી પડી ગઈ. શત્રુઓએ તેના સૈન્યને પકડી

લીધું અને તેનું રાજ્ય કબજે કર્યું. દુનિયામાં નકલની ખોટ નથી. ચારે બાજુએ જોવા મળશે. નકલી તો ઘણા હોય પણ સાચા તો બહુ જ ઓછા કોઈક જગ્યાએ જ મળી આવે. માટે તેમને ઓળખીને ગુરુ

કરવા. સાચા સંતોના આશ્રયથી અને સમાગમથી આપણું જીવન ધન્ય

બની જાય છે; આ લોક ને પરલોક બંને સુધરી જાય છે.’

૪. ગુરુએ ગર્વ ગાળ્યો

સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને સર્વ જીવાત્માઓના પરમ સુખને માટે શ્રી સ્વામિનારાયણ ધર્મરૂપી વસંતવાટિકાની સ્થાપના કરી. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સત્ય, અહિંસા વગેરેનાં બીજ રોપ્યાં. ટુંક સમયમાંજ સ્વામિનારાયણ ધર્મની કીર્તિ સર્વત્ર પ્રસરી ગઈ. ઇર્ષ્યાખોર લોકોની આંખોમાં અગ્નિ ભભૂકી ઊઠ્યો. માયાવી લોકોની માયાજાળ છિન્ન ભિન્ન થઈ ગઈ. આસુરી

લોકોની આંખોમાં ઇર્ષ્યા ઉત્પન્ન થઈ. બડાઈ હાંકનારાઓ ચૂપ થઈને બેસી ગયા.

અંધકારના ઓથાર મિટાવવા અઘરા છે, જેમ સૂર્યનારાયણની કિરણાવલિનાંં તો દર્શન માત્રથી જ અંધકાર ઊભી પૂંછડીએ ભાગી જાય છે. તેમ જે કોઈ સ્વામિનારાયણ નામ બોલે તો તેને સમાધિ થઈ

જ જાય. પછી ભલે તે રાજા હોય કે રંક, હિંદુ હોય કે મુસલમાન, કાળો હોય કે ગોરો. આવી રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાને

નાતજાતના ભેદભાવ વિના સદ્ધર્મનું સ્થાપન કર્યું. ચોમેર ખ્યાતિ

પામતો આ સંપ્રદાય યાવત્ચંદ્રદિવાકરૌૈ સદાય પ્રફુલ્લિત રહે તે માટે

શ્રી સ્વામિનારાયણ ભગવાનેે પોતાના જેવા જ સમર્થ અને ઐશ્વર્યશાળી

શ્રીજીસંકલ્પમૂર્તિ સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને પોતાની ધર્મધુરાની સોંપણી કરી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સદ્‌ગુરુ

શ્રી ગોપાળાનંદ સ્વામીએ ખૂબ કાળજી અને ચીવટપૂર્વક સત્સંગરૂપી બાગનું સિંચન કર્યું. સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે વિશાળ

સંતમંડળ હતું. તે સંતમંડળમાં સંતશિરોમણિ શ્રી નિર્ગુણદાસજી

સ્વામીનું ઐશ્વર્ય અદ્‌ભુત હતું. સર્વેથી શ્રેષ્ઠ હતા. વ્હાલા વાંચકો, હવે આપણે પરમ શ્રદ્ધાથી શ્રીજીસંકલ્પમૂર્તિ સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી

સ્વામીની શાશ્વત અને અમર કીર્તિકથા સાંભળીએ.

આજે વિજ્ઞાનીઓ વિશ્વને અજાયબીના આંજણથી આંજે છે.

અવનવી શોધખોળ છતાંય ક્લેશ, ગ્લાનિ અને ઉદ્‌વેગથી હતાશ

પામેલા આત્માઓને પરમ શાંતિ આપનાર છે માત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંતપુરુષોનો સમાગમ. સદ્‌ગુરુ

શ્રી નિર્ગુણદાસજી સ્વામીનાં સંસ્મરણો કેમ ભૂલી શકાય ? મહાસમર્થ યોગીવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીએ સમર્પિત કરેલી ધર્મની ધુરાને વહન કરતા સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીના સામર્થ્ય વિશે શું કહેવું ? પ્રાતઃસ્મરણીય બાપાશ્રીએ પણ સ્વમુખે કહ્યું છે કે,

“જેવા શ્રી ગોપાળાનંદ સ્વામી તેવા જ શ્રી નિર્ગુણદાસજી

સ્વામી.”

એક વખત સ્વામીશ્રી વડોદરા શહેરમાં શ્રી સ્વામિનારાયણ

મંદિરમાં સભા ભરીને સહુને મૂર્તિના સુખની લ્હાણી કરી રહ્યા હતા.

ત્યારે પૂજ્ય સ્વામીશ્રી એક સુંદર સિંહાસન ઉપર વિરાજમાન હતા.

તેઓશ્રીની સૂરત સુંદર, આહ્લાદક, આનંદમયી અને કલ્યાણમયી હોવાથી દેદિપ્યમાન દિવ્ય દર્શન થઈ રહ્યાં હતાં. ગૌર મૂર્તિ ઉપર શોભી રહેલાં કાષાય વસ્ત્રો સહુના ચિત્તને આકર્ષી રહ્યાં હતાં. પરમ

પૂજ્ય સ્વામીશ્રીએ ધારણ કરેલા સુગંધીદાર પુષ્પોના હારની સુવાસથી વાતાવરણની પવિત્રતા વૃદ્ધિ પામી રહી હતી. મંદ હાસ્યયુક્ત તેજસ્વી

મુખકમળને પ્રેમીભક્તો ચંદ્રને જેમ ચકોર નીરખે તેમ આર્દ્રભાવે

નીરખી રહ્યા હતા.

તે સમયે સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીના પ્રતાપને સહન

ન કરનાર કોઈ એક દ્વેષી પંડિત ત્યાં આવી પહોંચ્યો. તેની આંખોમાં ઇર્ષ્યાની આગ ભભૂકી રહી હતી. ક્રોધના આવેશથી તેનું શરીર થરથર કંપતું હતું. ઊંટની જેમ તેના હોઠ ફફડી રહ્યા હતા. તેની બુદ્ધિ વિદ્યાના ઘમંડથી બહેર મારી ગઈ હતી. તેને જોતાં સભાજનો

ચોંકી ઊઠ્યા. પેલો પંડિત તો અભિમાનથી બબડવા લાગ્યો,

‘ઢેબરિયા (ઢેબરાં ખાનાર ખેડૂતો) તમને ભગવાન માને તેથી શું ?

અમારા જેવા પંડિતોને તમારા આશ્રિત કરો તો તમારો સ્વામિનારાયણ ધર્મ સાચો.’ આમ તેનો બકવાટ તો ચાલુ જ રહ્યો. થોડીવાર પછી સભામાં બેઠેલા એક માણસનો મિજાજ ગયો. તેણે કહ્યું : ‘અલ્યા,

તું કૂતરાની માફક કેમ ભસ ભસ કરે છે ? બંધ કર આ બબડાટ,

નહિ તો તારી રેવડી દાણાદાર થઈ જશે ? માથે પહેરેલી ગોળ પાઘડી હવામાં ઊડી જશે, જો આગળ જીભ ચલાવી છે તો.’ તારો પાવર

પાણીના પરપોટાની જેમ અદૃશ્ય થઈ જશે. આવી હાક સાંભળી

ગપગોળા છોડતો બ્રાહ્મણ બીકણ બિલ્લીબાઈની માફક શાંત બની

ચૂપ થઈ ગયો. સ્વામીશ્રી તો આ દૃશ્ય પ્રસન્ન મને જોઈ રહ્યા હતા. થોડીવાર પછી મંદ સ્મિત કરીને વાત કરી કે, ‘એક મોટો વેપારી ઉત્તર પ્રદેશમાંથી ઊંટ ઉપર કોથળા લઈને આવતો હતો.

તે કોથળાઓમાંથી થોડી થોડી ખાંડ વેરાતી હતી. નાની નાની કીડીઓએે તે ખાંડ પેટ ભરીને ખાધી અને મજા માણી. પરંતુ તે

ખાંડનો સ્વાદ મોટાં મોટાં પશુઓ માણી શક્યાં નહિ. તેવી રીતે

મોટાં પશુઓ જેવા તમારા જેવા અટંટ માણસો પ્રભુનો પ્રેમ કે આશીર્વાદ પામી શકે નહિ. વળી બીજી વાત કરતાં કહ્યું કે, બે મિત્રો હતા. તેમાં એક જણને કુદરતી સૌંદર્ય જોવાનો શોખ હતો. દરરોજ

તે નવી નવી જગ્યાએ ફરવા જાય. રંગબેરંગી સુંદર મઝાનાં ખીલેલાં

પુષ્પો જ્યાં હોય તેવા બાગ બગીચામાં જઈને કુદરતને ખોળે પ્રાકૃતિક સૌંદર્યની મધુરતા માણ્યા કરે. એક દિવસ તેના મનમાં એકાએક વિચાર આવ્યો કે, સૌંદર્યથી ભરપૂર એવા ભારત દેશનું દર્શન મારા મિત્રને કરાવવું જોઈએ. બસ એ તો થઈ ગયો ઊતાવળિયો અને ઊપડ્યો મિત્રની પાસે. દૂરથી તેણે પોતાના જિગરજાન મિત્રને જોયો.

તેણે બૂમ પાડીને કહ્યું કે, દોસ્ત હું આવી ગયો છું. આજે તો મારે

તને આપણા ભારત દેશનું દર્શન કરાવવું છે. તેનો મિત્ર આશ્ચર્યથી બોલ્યો, હેં ભારતનું દર્શન ! મિત્રે કહ્યું, હા ભાઈ, તું ભારતના કુદરતી સૌંદર્યનું અવલોકન તો કર. અહા શું ઈશ્વરે સૃષ્ટિ સર્જી છે ! એકવાર તું જોઈશ પછી મારી વાત સાચી માનીશ. ભલેને વિજ્ઞાન ગમે એટલું દોડે પણ એ પરમેશ્વરને તો ન જ પહોંચી શકે.

અસલ એ અસલ અને નકલ એ નકલ. પ્રાકૃતિક કાર્યની નકલ

માનુષિક કૃતિ કેવી રીતે કરી શકે ? બોલ, હવે નજરે નિહાળીને જવાબ આપ. મિત્રે કહ્યું, હવે હું શો જવાબ આપું ? હું દેખતો

નથી. પેલા મિત્રે કહ્યું, શું તું આંધળો છે ? હાય ! હાય !

બહુ દુઃખની વાત.

તેમ તમારા જેવા અભિમાનથી આંધળા બનેલા પંડિતને ભગવાનનાં દર્શન ક્યાંથી હોય. જો તમારે અભિલાષા હોય તો મિથ્યાભિમાન ત્યજી દો, હજી તક છે. સમય વીતી ગયો નથી.

જાગ્યા ત્યાંથી સવાર. તમે રસ્તો ભૂલ્યા છો. હે પંડિતજી, તમારે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરવાં હોય તો

અહીં આવી જાઓ. સહેજ પણ મુંઝાશો નહિ.

પંડિત તો પૂજ્ય સ્વામીશ્રીની અમૃતવાણી સાંભળીને દંગ થઈ

ગયો. ઘડીભર તો વિચારમાં જ પડી ગયો. તેનો અહંકાર ઓગળવા

માંડ્યો. વિચારોનાં વાદળો વિખરાવા લાગ્યાં. તર્કના તાર તૂટવા

માંડ્યા. સદ્‌ગુરુ સ્વામીશ્રીના પ્રતાપથી આત્માનાં અંધારાં અલોપ

થયાં અને પ્રકાશનાં પૂર પથરાયાં. તેણે સદ્‌ગુરુશ્રીને પ્રાર્થના કરી : હે સ્વામિન ્‌, આજથી હું તમારો છું. મારું બોલ્યું માફ કરી મને વર્તમાન

ધરાવો. તમારે શરણે લ્યો. આજથી હું તમારો દાસ બની, તમે

ચીંધેલા માર્ગે અનુસરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરીશ.

હે ગુરુદેવ ! મુજ રાંક પર દયા કરો.

અપાર કરુણાના સાગર, કૃપાળુ સ્વામીશ્રીએ તેના ઉપર દયા કરી.

તેને શરણે લીધો અને તેને મોક્ષભાગી બનાવ્યો.

આમ, પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંકલ્પ સ્વરૂપોનું એક જ કામ છે અને તે છે માયાના મોહમાં ફસાયેલા જીવોને એના પાશથી છોડાવી મોેક્ષભાગી બનાવી મૂર્તિના સુખે સુખિયા કરવા.

૫. વચન સિદ્ધિ

ઉત્તર ગુજરાતમાં કડી નામે એક વિખ્યાત નગર છે. હાલમાં તે

તાલુકાનું મુખ્ય મથક છે. રાજાશાહીમાં તે રજવાડી રાજ્ય હતું.

શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પ સ્વરૂપ શ્રી નિર્ગુણદાસજી

સ્વામી તે દેશમાં વિચરણ કરે. સહુ ભક્તોનાં સંકટો દૂર કરે ને ઇચ્છિત

મનોરથ પૂર્ણ કરી સુખીયા કરે. કડીમાં મંદિર હતું નહિ એટલે સ્વામીશ્રી હરિભક્તોને ઘેર ઊતરતા.

એક દિવસ શરદ પૂર્ણિમાની રાત્રે સ્વામીશ્રી ચોકમાં પાટ ઉપર બિરાજમાન હતા. મંદ મંદ પવન વાતો હતો. ગગનમાં ચંદ્ર તારામંડળ

મધ્યે સોહી રહ્યો હતો. ખાખરિયા, દંઢાવ્ય આદિના હરિભક્તો સ્વામીશ્રી પધાર્યાના સમાચાર મળતાં દર્શન માટે દોડી આવ્યા. સંતો-

ભક્તોની વિશાળ સભા બેઠી હતી. હરિભક્તો અંદરો અંદર વાત કરતા હતા. આપણે કડીમાં સુથારનો સત્સંગ બહુ છે પણ બધા વ્યવહારે દુબળા છે એટલે મંદિર બનાવી શકતા નથી. જો સ્વામીશ્રી દયા કરે

તો મંદિર થાય, અનેે ભજન ભક્તિ સુખે થાય. સંસારના ઉપદ્રવથી કોર્ટ કચેરીનાં કામ માટે વારંવાર ગામડામાંથી હરિભક્તોને આવવું પડે છે. અહીંનો સૂબો પણ સત્સંગીનોે દ્વેષી છે, એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ભક્તોને નહીં જેવા કામ માટે આખો દિવસ રોકી રાખે છે અને હેરાન પરેશાન કરે છે. માટે જો મંદિર થાય તો હરિભક્તોને ખાવાપીવાની ને ગાડાં છોડવા વગેરેની સગવડ કરી શકાય. અંતર્યામી સ્વામીશ્રીથી શું આ અજાણ્યું હોય ? નેત્ર ખોલી મંદ હાસ્ય કરતા સ્વામીશ્રી બોલ્યા : ‘પ્યારા ભક્તો ! નચિંત રહો. શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા રક્ષક છે. શા માટે ગભરાઓ છો ? દીનદયાળુ શ્રીજી

કૃપાળુ તમારા પર દયા કરશે. તમારું સંકટ દૂર કરશે. તમારી ઇચ્છા

પૂરી કરશે.’ બીજે દિવસે સ્વામીશ્રી અમદાવાદ પધાર્યા. તેઓશ્રીનાં

દર્શન માટે ગોપાળલાલભાઈ આવ્યા હતા. સ્વામીશ્રીનાં દર્શન કરીનેે

ગોપાળલાલભાઈ બેઠા. સ્વામીશ્રીએ પૂછ્યું, ‘કોણ આવ્યું ?’

‘આપનો દાસ.’

‘દાસનો શું ધર્મ ?’

‘સ્વામી કહે તેમ કરવું.’

‘તમને એક કામ સોંપવું છે, તમે કરી શકશો ?’

‘હા સ્વામિન ્‌, ફરમાવો શું સેવા છે ? આપના માટે એવું શું છે કે ન બની શકે ? અસંભવ હોય તો પણ આપની કૃપાથી સંભવ થઈ

શકે છે.’

‘એમ હોય તો જો તમનેે સૂબાગીરી મળે તો મંદિર બનાવવું.’

‘હે સ્વામિન ્‌, હેે ગુરુદેવ ! આપની આજ્ઞા અને મારું મસ્તક.

સૂબાગીરી મળે યા ના મળે, પણ હે ગુરુદેવ ! સૂબાગીરી માટે મેં અરજી

તો કરી છે પણ ક્રમાનુસાર મારો નવમો નંબર છે.’

‘નવમો નંબર....’

‘જી હા સ્વામિન ્‌’

‘ગોપાળલાલ નવમો નંબર તોે સારો.’

‘હે ગુરુદેવ ! મારી પહેલાં આઠ જણા છે તે જોરદાર છે અને સેવક તો નવમો છે. આપશ્રી નવમો નંબર સારો કહો છો તેે મને સમજાતું નથી. તો કૃપા કરીને સમજાવો.’

‘જેમ નવડો પોતાનું સ્થાન છોડતો નથી. જુઓ, ૧ ૯ = ૯, ૨ ૯ = ૧૮ ૧ + ૮ = ૯, ૩ ૯ = ૨૭, ૨ + ૭ = ૯’

તેમ તમને પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય અચળ છે

તેમાંથી ક્યારેય પણ ડગતા નથી. તેવી રીતે તમારો નવમો નંબર છે,

પણ સૂબાગીરીમાં તમારું સ્થાન નવડા જેવું અડગ થશે.’

‘વાહ સ્વામિન ્‌ શું કહો છો!!! ધન્ય બન્યો, કૃતાર્થ થયો.’

શ્રી નિર્ગુણદાસજી સ્વામીનાં આશીર્વચન સાંભળી ગોપાળલાલભાઈ

રાજી રાજી થઈ ગયા. તેમની આંખોમાંથી પ્રેમાશ્રુ ટપકવા લાગ્યાં.

તેઓ તો સ્વામીશ્રીનાં ચરણોમાં લેટી પડ્યા ને પ્રાર્થના કરવા લાગ્યા,

‘હે સ્વામીનાથ ! મારા પર દયા કરજો. ક્યારેય પણ મારામાં અહં

ન આવે ને આપને વિશે ક્યારેય પણ મનુષ્યભાવ ન આવે ને સદા આપનો દાસ થઈને જ રહેવાય.’

‘ગોપાળલાલભાઈ, શ્રી સ્વામિનારાયણ ભગવાનની દયાથી તમને

ચોક્કસ સૂબાગીરી મળશે અને તમારે મંદિર બનાવવાનું રહેશે.’

સ્વામીશ્રીએ ગોપાળલાલભાઈના મસ્તકે કોમળ કર મૂકીને આશીર્વાદ આપ્યા. મલકાતા મલકાતા તે પોતાને ઘેર ગયા.

બીજા દિવસે સૂર્ય ઉગ્યાથી પ્રથમ જાગી સ્નાન પૂજા કરી, મંદિરે દર્શન કરવા જતા હતા ને રસ્તામાં તેમને રાજાના માણસોએ એક કાગળ

આપ્યો. “ભગવાનનાં દર્શન કર્યા પહેલાં વ્યવહારિક કામ કરવું નહિ.”

આ શિક્ષાપત્રીના આદેશ પ્રમાણે તેમણે તે કાગળ ખીસ્સામાં મૂકી દીધો.

મંદિરે આવી ઠાકોરજીનાં દર્શન કરી સ્વામી પાસે આવી પાય લાગી સભામાં બેસી ગયા. શ્રીપતિમ ્‌ થયા પછી તેમણેે કાગળ ખોલીને વાંચ્યો અનેે તરત દોડ્યા સ્વામી પાસે અને ચરણોમાં લેટી પડ્યા.

‘સ્વામી... સ્વામી...’

‘શું છેે ભક્તરાજ ?’

‘આપના આશીર્વાદ મૂર્ત સ્વરૂપ પામ્યા. કડીથી રાજાનો કાગળ

આવ્યો છે. તેમાં આ સેવકને સૂબાગીરી મળી છે એ સમાચાર છે અને

મને ત્યાં બોલાવે છે. હે ગુરુદેવ ! હે દયાસાગર ! દયા કરજો.

આપે દયા કરી પદ દીધું છે પણ મને ક્યારેય પણ મદ ન આવે એવી કૃપા કરજો.’

‘સારું, ભગવાનને સંભારી કામ કરજો. શ્રી સ્વામિનારાયણ ભગવાન સર્વદા તમારી સહાય કરશે.’

ગોપાળલાલભાઈ સ્વામીશ્રીની પૂજા કરી ધોતિયાં ઓઢાડી કડી જવા માટે નીકળ્યા. કડી આવી રાજદરબારમાં તેમને સૂબાનું પદ દેવામાં આવ્યું. રાજી ખુશીથી તેમણે તે પદ સ્વીકાર્યું.

બચપણથી શુભ સંસ્કાર તેમજ સ્વામીશ્રીના જોગથી સત્સંગના રંગે રંગાયેલા ગોપાળલાલભાઈ હંમેશાં સત્ય અને સચોટ ન્યાય આપતા.

કોઈ દિવસ કોઈની લાંચ લેતા જ નહિ. તે કારણે આખા રાજ્યમાં વખણાવા લાગ્યા. કડી તાબાનાં ગામડાઓમાં વસતા સત્સંગીઓને સુખ થઈ ગયું. કડીનું શ્રી સ્વામિનારાયણ મંદિર બંધાવાનું કામ ચાલુ થયું.

જ્યારે કેસ લડાય તેમાં જે હારે તેને એમ દંડતા કે અમુક સ્થળેથી

લીંબડાનાં વૃક્ષ હોય તે કાપીને મંદિરમાં નાખી જવાનાં. આવી રીતે

ગુનેગારનો દંડ ચૂકવાય અનેે મંદિરની સેવા પણ થાય એટલે તેમની બુદ્ધિ પવિત્ર થાય ને સદાચારી બને. આવી રીતે સેવા કરી કરાવીને ભવ્ય મંદિર પણ તૈયાર થયું.

એક દિવસ એક ભયંકર ખૂનનો કેસ તેમની પાસે આવેલો.

કોઈ દુરાચારી માણસે ખૂન કરીને કોઈ નિર્દોષ માણસ પર આરોપ

નાખ્યો. ખૂની માણસનો વકીલ બહુ ચાલાક હતો. એટલે જેમ

તેમ દલીલોે કરીનેે સામા વકીલને ગૂંચમાં નાખી નિર્દોષ માણસને દોષિત ઠરાવે. આમ બે દિવસ સુધી કેસ ચાલ્યો. આમાં

ગોપાળલાલભાઈ પણ ગૂંચવાઈ ગયા. એટલે તેઓ તો ઊતરી ગયા ધ્યાનમાં. શ્રી સ્વામિનારાયણ ભગવાને દર્શન આપી તેમને સાચો

માર્ગ બતાવ્યો. ધ્યાનથી જાગૃત થઈ તેમણે તેે ભગવાનના આદેશ

પ્રમાણે ન્યાય કચેરીમાં જાહેર કર્યો. સાચો અનેે સચોટ ન્યાય

સાંભળી બંને પક્ષના વકીલો તેમજ અન્ય રાજ્યનાં માણસો અચંબો

પામી ગયા. આવી રીતે જ્યારે જ્યારે ગોપાળલાલભાઈ ગૂંચવાય

ત્યારે ત્યારે ભગવાન તેમને સાચો માર્ગ બતાવતા. રાત્રે ચોવટીઆઓ

ગામને ચોરે ભેગા થાય ત્યારે આજ વાત ચાલે.

ત્રિકમ : અલ્યા ત્રભા, આજે તો ભારે થઈ. હું ગયો તો કચેરીમાં

મારા કામ માટે. પેલા છગનલાલનો કેસ આજે પણ ચાલતો હતો એટલે હું બેઠો સાંભળવા. એક વકીલ આમ કહે ને બીજો વકીલ આમ કહે.

બધા પડ્યા ગૂંચવણમાં. અરે ! સૂબા સાહેબ પણ ગૂંચવાઈને આંખો

મીંચી બેસી રહ્યા. પણ... થોડીવાર થઈને આંખો ખોલી ને એવો હજળ

ન્યાય દીધો કે બધા આભા બની ગયા. અરેે ! બધા મોમાં આંગળા

નાખી ગયા.

ત્રભો : ત્રિકમદા તારી વાત હાવ હાચી છે. જ્યારથી આ નવા સૂબા સાહેબ આવ્યા છે ત્યારથી આપણા ગામની કચેરીનો ન્યાય

હાચો જ હોય છે.

કાનદા : હાચું છે હોં, હું એમની પાડોશમાં જ રહું છું. એ આટલા

મોટા છે તો પણ નાનાં છોકરાંની જેમ સરળ છે, અભિમાન નથી રાખતા. સવારે વહેલા ઊઠીને પૂજાપાઠ કરે છે. તેને સત્તાનો મદ તો સહેજ પણ નથી. ન્યાય નીતિથી ક્યારેય પણ ચળાયમાન થતા નથી.

જનસેવા એ તેમણે પ્રભુસેવા માની છે. કોઈને ક્યારેય નિરાશ કરતા

નથી. નાના માણસનું પણ કામ ઉઘાડા પગે કરવા જાય છે.

કેશરમીંયા : તમારી વાત સો ટકા સાચી છે. નવા સાહેબ ઘણીવાર રાજમહેલમાં આવે ત્યારે રાજા પણ તેમનું માન સાચવે છે. રાજાજીને

પણ તેમના ઉપર ઘણું હેત છે. અરે ! વધારે શું કહું, તે કહે તેમજ રાજા કરે છે.

આવી રીતે ગોપાળલાલભાઈની બોલબાલા તે પ્રાંતમાં બધે થવા

લાગી. ગોપાળલાલભાઈ દરરોજ શ્રી સ્વામિનારાયણ મંદિરે સાંજ સવારે જાય. મંદિરમાં કથાવાર્તા કરે, ભક્તોની સાથે બેસી મૂર્તિની વાતો કરે. તેમનું જીવન શિક્ષાપત્રીના આદેશ અનુસારે હતું. ‘મિત્રો,’

પાણી પહેલાં પાળ બાંધવી...’ એ કહેવત પ્રમાણેે જો આપણે બાળપણથી જ આપણે સારા સંસ્કારો પ્રાપ્ત કરીએ તો આપણા જીવનમાં કોઈ વિઘ્ન આવે નહિ.

।। જય શ્રી સ્વામિનારાયણ ।।