Seva Ane Vrajlila MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Seva Ane Vrajlila


સેવા અને વ્રજલીલા

વ્યાખ્યાતાઃ ગોસ્વામી શ્રીશ્યામમનોહરજી


વ્યાખ્યાતાઃ

ગોસ્વામી શ્રીશ્યામમનોહરજી

વિષયાનુક્રમણિકા

૧.અમૃતવચનાવલી

૨.ઉપક્રમ

૩.સેવા-લીલાનું સન્તુલન

૪.સેવા-લીલાની પરસ્પર નિર્ભરતા-પૂરકતા

૫.સેવા-કથાની પરસ્પર ઉપકારકતા

૬.લીલા-સેવાનો સમન્વય

૭.ચતુર્વિધ ભગવલ્લીલા

૮.લીલાને અનુરૂપ ભાવના

૯.પરસ્પર અનુરૂપતાનું તાત્પર્ય

૧૦.અનુરૂપતા ન થવાથી અનિષ્ટ

૧૧.ભગવલ્લીલાના અનુરૂપ બનો

૧૨.રોદણાં ન રડો, ભગવાનની લીલા ગાઆ

૧૩.ભગવાનના પ્રાકટ્યના અનેકવિધ પ્રયોજન

૧૪.વરદાનના પરિપાલન માટે પ્રાકટ્ય

૧૫.અભિશાપના ભોગમાટે પ્રાકટ્ય

૧૬.ભક્તિયોગના વિસ્તાર (ફેલાવા) અર્થે પ્રાકટ્ય

૧૭.અવતારકાળમાં ભગવાન્‌ ડ્રાઈવર છે?

૧૮.અનવતારકાળમાં ડ્રાઈવર આપણે છીએ ૧૪

૧૯.સાવધાન!અનવતાર કાલ છે ૧૪

૨૦.અવતાર-અનવતારકાલનો ભેદ સમજી લા

૨૧.સેવા-લીલામાં અનુરૂપતાનું પ્રમાણ

૨૨.પૂજામાર્ગમાં મૂર્તિમાં દેવત્વ ક્યાં સુધી?

૨૩.પ્રભુ સાથે ભક્તિથી કઈ રીતે જોડાવું?

૨૪.ભક્તિનો સમ્બન્ધ કેવી રીતે નભે?

૨૫.સેવા-કથાથી ભક્તિ નભશે

૨૬.જો જો પુષ્ટિધન લુંટાઈ ન જાય

૨૭.સમ્બન્ધ નભાવવા માટે ભક્તિસાધના

૨૮.ભક્તિનો સમ્બન્ધ સ્વસેવ્યની સાથે જોડો

૨૯.કથાભક્તિને પણ સ્વસેવ્યની સાથે જોડા

૩૦.સાધનસાપેક્ષતા

૩૧.નિર્ગુણતા

૩૨.સેવાસાધનાથી પ્રભુનું આપણા ઘરમાં પ્રાકટ્ય

૩૩.ઘર=કારાગૃહ

૩૪.સમર્પિત માટે ભગવત્પ્રાકટ્ય

૩૫.ઉદાસીન પરિજનોથી સેવા ન કરાવો

૩૬.કૃષ્ણ પધાર્યા, માયા વિદાય થઈ

૩૭.અહન્તા-મમતા

૩૮.અહન્તાનો વિસ્તાર

૩૯.લોકસિદ્ધ-શાસ્ત્રસિદ્ધ અહન્તા

૪૦.અલૌકિક અહન્તા

૪૧.અલૌકિક અહન્તા-મમતા ભક્તિમાં ઉપકારક છે

૪૨.કૃષ્ણસેવારત છો તો સંસારસાગરમાં પણ નિર્ભય છો

૪૩.ભગવાને જેને પકડ્યો તે તરી ગયા

૪૪.અહન્તા-મમતાને તોડો નહીં, ભગવાન્‌ સાથે જોડા

૪૫.ભટકો નહીં, તમારા કૃષ્ણને સંભાળો

૪૬.પોતાના ઠાકોરજીની સંભાળ રાખો,

૪૭.ઠાકોરજી અવિદ્યાને સંભાળશે

૪૮.તમારા અંદર રહેલી પૂતનાને ઓળખો

૪૯.લીલા અને ગૃહસેવા માં પૂતના વધ

૫૦.ભગવત્સેવાના વ્યવસ્થાપકો દિવાન્ધ છે

૫૧.અહન્તા-મમતા

૫૨.અહન્તા-મમતાને તોડો નહીં, ભગવાનમાં જોડો

૫૩.બ્રહ્મસમ્બન્ધ લીધા પછી પ્રભુ સાથે છેતરપીંડી ન કરા

૫૪.આપણા સેવ્યને જો નહીં સંભાળીએ તો પૂતના નહીં મર

૫૫.સેવામાં આવતા પ્રતિબંધોનું જ્ઞાન

૫૬.શિષ્યને કરાવવું તે ગુરુનું કર્તવ્યછે

૫૭.પ્રભુની સેવામાં સાવધાન રહો

૫૮.પ્રભુસાથે બંધાયેલા રહો, પ્રતિબન્ધોને પ્રભુ જાતે દૂર કરશે

૫૯.શકટાસુરનો નાશ

૬૦.ઉત્સવ પ્રભુ કરતાં વધારે નથી

૬૧.પ્રભુસેવામાં અનુપયોગી દ્રવ્યનો સંચય અનિષ્ટરૂપ છે

૬૨.ભગવત્સુખાર્થે કાંઈ પણ ત્યાજ્ય છ

૬૩.તૃણાવર્તનો નાશ

૬૪.સાવધાની હટી, દુર્ઘટના ઘટી

૬૫.વિશ્વરૂપદર્શન

૬૬.ગર્ગાચાર્યનું આગમન અને ભવિષ્યકથન

૬૭.રિંગણલીલા

૬૮.તમે તમારા ઠાકોરજી સાથે જોડાઆ

૬૯.ભક્ત ભગવાનનો દોષજ્ઞ બની શકતો નથી

૭૦.કૃષ્ણ ભક્તના મનનો ચોર છ

૭૧.મૃત્સ્નાભક્ષણ; વિશ્વંભર ભગવાન્‌ ભાવના ભૂખ્યા છે

૭૨.ભક્ત્યુપહૃતં અશ્નામિ

૭૩.છોલા આગળ છપ્પનભોગની શી વિસાત!

૭૪.અહઙ્‌કારથી કરાયેલી સેવાનિષ્ફળ

૭૫.સ્નેહની સિદ્ધ અવસ્થામાં માહાત્મ્યજ્ઞાન બાધક

૭૬.પુષ્ટિમાર્ગીય સેવા સર્વભાવથી

૭૭.ભક્તના ભાવને આધીન ભગવાન્‌

૭૮.નિર્ગુણ ભાવમાં અનેક ભાવોનું સંચરણ

૭૯.સ્નેહ અને માહાત્મ્ય નું સન્તુલન

૮૦.રૂઢ-ભાવમાં બીજા ભાવો વિક્ષેપજનક

૮૧.ભાવની સિદ્ધિ મોટાઓની કૃપાથી થાય છ

૮૨.દધિમન્થનની લીલાની સેવા સાથે અનુરૂપતા

૮૩.દામોદરલીલા

૮૪.યમલાજુર્નનો ઉદ્ધાર

૮૫.પ્રભુની ભક્તવશ્યતા

૮૬.પૌગણ્ડલીલા

૮૭.વત્સાસુરનો વધ

૮૮.બકાસુરનો વધ

૮૯.ભગવલ્લીલાનું અનુસન્ધાન

૯૦.ભગવાનની કથાને જીવનશૈલી બનાવા

૯૧.પુષ્ટિભક્તિ-સેવાકથાપર નિર્ભરતા

૯૨.સેવા-કથા ક્ષણિક ઉત્તેજનાજન્ય ન હોવી જોઈએ

૯૩.સેવ્ય-સેવકની પરસ્પર નિર્ભરતા=પુષ્ટિભક્તિ

૯૪.દેહાધ્યાસરૂપી ધેનુકાસુરનો વધ

૯૫.વિષયાસક્તિરૂપ નાગનાદમનની લીલા

૯૬.ભગવાન્‌ સાથે મજા માણવાનો ભાવ ભક્તિ

૯૭.દાવાનલનું પાન અને ઇન્દ્રિયાધ્યાસ નિવૃત્તિ

૯૮.અન્તઃકરણનાદોષરૂપ પ્રલમ્બાસુરનો વધ

૯૯.સ્વરૂપવિસ્મૃતિ

૧૦૦.વેણુવાદન

૧૦૧.પરિશિષ્ટ

અમૃતવચનાવલી

(૧)જો કટોરી (ગિરવિ) ધરિકે સામગ્રી આઈ સો તો ભોગ શ્રીઠાકુરજી આપ હી કે દ્રવ્યકો આરોગે સો આપ હી કો ભયો. જો શ્રીઠાકુરજીકો દ્રવ્ય ખાયગો સો મેરો નાહીં અરુ મેરો સેવક ભગવદીય હોયગો સો દેવદ્રવ્ય કબહૂં ન ખાયગો. જો ખાયગો સો મહાપતિત હોયગો. તાતે વા પ્રસાદમેંતે ભોજન કરિવેકો અપનો અધિકાર ન હતો; યાકેલિએ ગોઅનકોં ખવાયો અરુ શ્રીયમુનાજીમેં પધરાયો(યહ સુનિકે સબ વૈષ્ણવ ચુપ હોય રહે).

(મહાપ્રભુ શ્રીવલ્લભાચાર્યઃઘરુવાર્તા-૩).

(૨)ધન વિ.ની કામનાઓને પૂર્ણ કરવામાટે જે શાસ્ત્રવિહિત શ્રવણ-કીર્તન- અર્ચન વિ. કરવામાં આવતાં હોય તો તેવા અનુષ્ઠાનને કર્મમાર્ગીય જાણવું. પોતાની આજીવિકા ચલાવવામાટે જો શ્રવણ-કીર્તન-અર્ચન વિગેરે કરવામાં આવતાં હોય તો તેમને તો કૃષિની માફક ‘લૌકિક કર્મ’જ કહેવા. જાજરૂ જઈને મલપ્રક્ષાલનાર્થ ગંગાજલ વાપરવા જેવું તે નિષિદ્‌ધ આચરણ છે; અને આવા દુષ્કૃત્યને કારણે પાપજ લાગતું હોય છે.

(શ્રીર્વિેલનાથપ્રભુચરણઃભક્તિહંસ).

(૩)અપને સેવ્ય સ્વરૂપકી સેવા આપુહી કરની. ઓર ઉત્સવાદિ સમય અનુસાર, અપને વિત્ત અનુસાર, વસ્ત્ર-આભૂષણ ભાંતિ-ભાંતિકે મનોરથ કરિ સામગ્રી કરની.

(શ્રીગોકુલનાથજી-ચતુર્થેશઃ૨૪ વચનામૃત).

(૪)જબ સંતદાસકો સગરો દ્રવ્ય ગયો તબ શ્રીઠાકુરજીકી સેવામેં મંડાન શ્રીઠાકુરજીકે દ્રવ્યસોં રાખે ઓર શ્રીઠાકુરજીકે દ્રવ્યમેંતે ચોબીસ ટકા પૂંજી કરિ કોડી બેચતે. સો શ્રીઠાકુરજીકી પૂંજીમેંતે તો કાસિદકો દિયો ન જાઈ સો કમાઈકો ટકા દિયે. તબ ઈનકી મજૂરીકો રાજભોગ ન ભયો સો મહાપ્રસાદ હૂ ન લિયો. ટકાકે ચૂનકો ન્યારો ભોગ ઘરતે સો રાજભોગ જાનતે=મહાપ્રસાદલેતે; ઓર નિત્યકો નેગ બહોત શ્રીઠાકુરજીકે દ્રવ્યસોં હોતો. તાતે આપુની રાજભોગકી સેવા સિદ્‌ધ ન ભઈ (જાને).

કાસિદકો દિયે સો નારાયણદાસકોં લિખે જો તુમ્હારી પ્રભુતાતેં એક દિન રાજભોગકો નાગા પર્યો જો મેરી સત્તાકો ભોગ ન ધર્યો! યા પ્રકાર સન્તદાસ વિવેકધૈર્યાશ્રયકો રૂપ દિખાયે. વિવેક યહ જો=શ્રીગુસાંઈજીકો હૂંડી પઠાઈ-આપુની સેવા ન ભઈ, રાજભોગકો નાગા, માને. ધૈર્ય યહ જો=શ્રીઠાકુરજીકે દ્રવ્યકો ખાનપાન ન કિયે. આશ્રય યહ જો=મનમેં આનંદ પાયે-દુઃખક્લેશ ન પાયે.

(શ્રીહરિરાયજી-દિ્‌વતીયેશઃભાવપ્રકાશ.૮૪ વૈષ્ણવવાર્તા-૭૬).

(૫)પારિશ્રમિક (ન્યોછાવર-ભેટ-પગાર-મજૂરી) તરીકે વિત્ત આપીને બીજા કોઈ પાસેથી સેવા કરાવવામાં આવતી હોય તો તેથી ચિત્તમાં અહંકાર વધે પણ ચિત્ત કદિ ભગવાન્‌માં ચોંટે નહીં. જો ભગવત્સેવા કરવામાટે બીજા પાસેથી પારિશ્રમિક ધન લેવામાં આવે તો ગોર-મહારાજને જેમ યજ્ઞયાગનું ફળ ન મળે પણ યજમાનનેજ મળે તેવી રીતે સેવાકર્તાની પણ ભગવત્સેવા નિષ્ફલ જાય. દક્ષિણા આપીને યજમાન, ગોર-મહારાજદ્‌વારા, જેમ યજ્ઞયાગ કરાવે તેમ ભગવત્સેવા (હાલમાં જેમ વૈષ્ણવો ભેટ-સામગ્રી-મનોરથો નોંધાવીનેં ગોસ્વામિ-મહારાજોદ્‌વારા કરાવે છે તેમઃ અનુવાદક) કરાવી લેવામાં શો વાંધો? કર્મમાર્ગમાં તેવું કરવાનું શાસ્ત્રમાં કહ્યું હોવાથી તેમ કરી શકાય છે. ભક્તિમાર્ગમાં, પરંતુ, તેવી વિધિ ઉપદેશાયેલી ન હોવાથી, આવી રીતે ધન આપીને ભગવત્સેવા કરાવવી નહીં. ભક્તિમાર્ગમાં તો ભગવદુક્ત પ્રકારે(પોતાના તન-મન-ધનથી પોતાના ઘરે પોતાના પરિવારજનોના સહયોગથી)જ ભગવત્સેવા કરવી જોઈએ.

(સુરતસ્થ૩/૨ગૃહાધિપતિશ્રીપુરુષોત્તમજીઃસિદ્ધાં.મુક્તા.વિવૃ.પ્રકા.૨)

(૬)‘‘અત્ર ગૃહસ્થાન-વિધાનેન, સ્વગૃહાધિષ્ઠિત-સ્વરૂપ-ભજન-પરિત્યાગેન અન્યત્ર તત્કરણે ભક્તિઃ ન ભવતિ, ઈતિ સૂચિતં ભવતિઃઅહીંયાં સેવોપયોગી સ્થાન તરીકે ઘરનું વિધાન કરવામાં આવ્યું છે તેથી, જો પોતાના ઘરમાં બિરાજતા પ્રભુનું ભજન છોડીને બીજે કશેભજન (ભેટ-સામગ્રી-મનોરથ-ઝાંખીરૂપે)કરવામાં આવે તો ભક્તિ થઈન કહેવાય’’.

(શ્રીવલ્લભાત્મજ-શ્રીબાલકૃષ્ણજીઃભક્તિવર્ધિ.વ્યા.૨).

(૭)જે શ્રીવલ્લભકુળ છે તે પોતના સેવ્યસ્વરૂપ ઉપર કેવો સ્નેહ રાખે છે કે એક બાજુ દ્રવ્યનો ઢગલો કરો અને એક બાજુ શ્રીઠાકોરજીને પધરાવો તો શ્રીવલ્લભકુળ એ દ્રવ્ય સામું જોશે પણ નહિ; અને શ્રીઠાકોરજીને અતિસ્નેહ કરી પધરાવી લેશે. પણ જે આ કળિનો જીવ છે તેને તો દ્રવ્ય ઘણું પ્રિય છે. માટે તે તો શ્રીઠાકોરજી સામું જોશે નહિ. અને કેવળ વૈભવ સામું જોશે અને તરત મોહ પામશે...

(શ્રીમટ્ટુજી મહારાજનાં ૩૨ વચનામૃતોઃ૫).

(૮)લૌકિક કામનાઓને પૂર્ણ કરવાની ઇચ્છાથી જે ભગવદ્‌ભજનમેં પ્રવૃત્ત થાય છે તે દરેક પ્રકારે ક્લેશ પામે છે. તેથી, કંઈક ભેટ-સામગ્રી મળી રહે તેવી કામનાથી જે સેવા વગેરે કરે તે પાખંડી અને દેવલક કહેવાય છે.

(શ્રીનૃસિંહલાલજી મહારાજઃસિદ્‌ધા.મુક્તા.ટી.શ્લો.૧૬-૧૭).

(૯)શ્રીઉદયપુર દરબારને આશીર્વાદ. આથી જણાવવામાં આવે છે કે મેં સ્થાવર-જંગમ સંપત્તિના આર્થિક તથા માલિકીય વહિવટ અંગે, મને સલાહ આપવામાટે, યોગ્ય વ્યક્તિઓની એક સમિતિની નીમણૂક કરી છે. સેવા વિગેરે બાબતમાં પુરાતન તેમજ પ્રવર્તમાન પ્રણાલીના અનુસાર કાર્ય કરવામાં આવશે. તથા જો પુરાતન પરંપરાનો બાધ ન થતો હોય અને સમિતિ જો કોઈ સુધારાની ઈચ્છા રાખતી હોય તો તે સુધારાઓ સ્વીકારવામાં આવશે. તથા શ્રીઠાકુરજીનું દ્રવ્ય અમારા વ્યક્તિગત વપરાશમાં નહીં આવે, જેવી કે પરંપરા આજે પણ છે; અને તેને જાળવવામાં આવશે. તે છતાં પણ મારા વડવાઓના સમયથી ચાલ્યા આવતાં મારા માલિકીના હક્‌કો તેજ પ્રમાણે કાયમ રહેશે. આ મુજબજ જમા-ઉધારની નોંધો પણ તે-તે ખાતામાં ચાલુ રહેશે, જે મુજબ ચાલુ ખાતામાં હાલ નોંધાઈ રહ્યું છે.

(નિ.લી.ગોસ્વામિતિલકાયિત શ્રીગોવર્ધનલાલજી મહારાજઃડેક્લેરેશન મિતિ -ભાદ્ર-શુક્લા પંચમી સં.૧૯૮૯=તા.પ-૯-૧૯૩૨).

(૧૦)મહારાજને જે આવક વૈષ્ણવો વિગેરેમાંથી આવે તેમાથી ઘર-ખરચ તરીકે ઠાકોરજીનો ખરચ મહારાજ ચલાવે છે. ઠાકોરજીનેમાટે સ્થાવર કે જંગમ અમુક મિલ્કત જુદી કાઢી તેમાંથી ખરચ ચલાવતા નથી. ઠાકોરજીના વૈભવનો, ભોગનો, આભૂષણ-વસ્ત્ર વિગેરેનો ખરચો મહારાજ કરે છે. પોતાની આવકઉપર એ સરવે ખરચ કરે છે... ઠાકોરજીની સન્મુખ ભેટ ધરી શકાતી નથી...ઠાકોરજીની ભેટ દેવમંદિરમાંજ મોકલવી પડે. મહારાજથી તે ભેટનો ઉપયોગ થઈ શકેનહિ.

(નિ.લી. અમરેલીવાળા શ્રીવાગીશલાલજીના આમ-મુખત્યારઃ ગાયકવાડી વડોદરા રાજ્યની કોર્ટમા જુબાની).

(૧૧)જેવી રીતે અમારા પૂર્વપુરુષો પોતે આપણા ધર્મનું સત્ય સ્વરૂપ તથા શુદ્‌ધાદ્‌વૈતસિદ્‌ધાંત સંપૂર્ણરીતે સમજીને વૈષ્ણવધર્મનો યથાર્થ ઉપદેશ લોકોને કરતાં હતા; અને વચલા કાળમા, જે સંપત્તિ વિગેરે કારણોથી અમે ઘણે દરજજે છોડી દીધો છે, તેથી ઘણા ખરાં લોકોને સાધારણ સેવા અને કોરી વિત્તજા ભક્તિનુંજ રૂઢિ અનુસાર જ્ઞાન રહ્યું છે. (નિ.લી.શ્રીદેવકીનન્દનાચાર્યજી-પંચમેશઃ‘આશ્રય’એપ્રિલ૮૭).

(૧૨)વકીલઃજો પુષ્ટિમાર્ગીય, કોઈપણ, મંદિરમાં વૈષ્ણવો શ્રીઠાકુરજીની સેવા તેમજ નેગ-ભોગમાટે અને શ્રીઠાકુરજીની સેવાના નભાવમાટે ભેટ વિગેરે આપી વિત્તજાસેવા કરતા હોય તો અને તે મંદિરમાં તનુજાસેવા કરતા હોય તો તે મંદિર પુષ્ટિમાર્ગીય નથી એમ આપનું કહેવું છે?

પૂ.પા.મહારાજશ્રીઃપુષ્ટિમાર્ગીય વૈષ્ણવોની તનુજા કે વિત્તજા સેવા સ્વતંત્ર કરવાની પ્રક્રિયા નથી અને તેવી સેવા કરે તોતે સાંપ્રદાયિક મંદિર નકહેવાય.

( નિ.લી.ગોસ્વામી શ્રીવ્રજરત્નલાલજી મહારાજ સુરતસ્થ૩/૨ગૃહાધીશઃ જુબાની, નડિયાદના કેસમાં).

(૧૩)...તેવીજ રીતે આપણે ત્યાં સન્મુખભેટ થાય છે તે પણ દેવદ્રવ્ય છે; અને તે સામગ્રીના કામમાં નથી આવતી. શ્રીગોકુલનાથજી અને શ્રીચન્દ્રમાજી ના ઘરમાં હજી આ નિયમનું પાલન થાય છે. ત્યાં જે સન્મુખભેટ થાય તે કીર્તનિયો લઈ જાય છે. એ કીર્તનિયો મહાવનિયો હોય છે. તે વલ્લભકુલનો, યમુનાજીનો ગોર હોય છે. બીજો તેનું અનુકરણ કરે તે ખોટું...અમે શ્રીનાથજી અગાડી જે સન્મુખભેટ ધરીએ છીએ તે શ્રીમહાપ્રભુજીની પાદુકાજીને ધરીએ છીએ છતાં તે અલંકારાદિકમાં વપરાય છે, સામગ્રીમાં નહિ. સન્મુખભેટ ધરવામાં ઘણો અનાચાર થાય છે...શ્રીઠાકોરજી-નિમિત્તે કાંઈ મંગાય નહીં કે કાંઈ અપાય નહીં. એ રીતે આવેલ દ્રવ્ય દેવદ્રવ્ય બને...તે લેનારની બુદિ્‌ધ બગડ્‌્યા વગર ન રહે.

(નિ.લી.શ્રીરણછોડલાલજી, રાજનગરના વચનામૃત=૪૮૪-૮૭). (૧૪/ક)વૈષ્ણવોની પાસે જે કાંઈ પરમ પદાર્થ છે, તેનું અસ્તિત્વ આજનાજ શુભ દિનને આભારી છે. કાળની ભીષણતા અને પરિસ્થિતિની વિષમતાના અત્યંત વિકટ યુગમાં શ્રીમત્પ્રભુચરણના દિવ્ય સિદ્‌ધાંતોઉપર અટલ રહેવામાંજ જીવમાત્રનું ઐહિક અને પારલૌકિક કલ્યાણ રહેલું છે. અન્યાશ્રયનો ત્યાગ એ ભાવનાઉપર જગતના જીવો દૃઢ રહે તો, જે વૈષ્ણવ હવેલીઓના વૈભવોને કારણે વૈષ્ણવો ઘરસેવા ભૂલી ગયા હતા, સંજોગવશાત્‌ તે હવેલીઓમાં શ્રીના દર્શન આજે બંધ થતાં વૈષ્ણવોના ઘર શ્રીઠાકુરજીની સેવાથી કિલ્લોલતા થશે. એ લાભ સંપ્રદાય અને સંપ્રદાયીઓ માટે નાનોસૂનો નથી. ઈશ્વરેચ્છા અકળ છે. મને શ્રદ્‌ધા છે કે આ આકરી કસોટીમાંથી આપણું સર્વનું શ્રેયજ સધનારૂં છે.

(૧૪/ખ)મેરે અનુયાયીઓંકો દો પ્રકારસે દીક્ષા દેતા હૂં. પ્રથમ કંઠી બાંધના તથા દૂસરી બ્રહ્મસમ્બન્ધદીક્ષા દેના. કંઠી બાંધના સાધારણ વૈષ્ણવોંકો હી દી જાતી હૈ. તથા બ્રહ્મસમ્બન્ધ વિશેષરૂપસે ઉન અનુયાયીઓંકો જો સેવામેં વિશેષરૂપસે બઢના ચાહતે હૈં. પહેલી દીક્ષાકો ‘શરણ-દીક્ષા’ કહતે હૈં તથા દૂસરી દીક્ષાકો ‘આત્મનિવેદન’ કહતે હૈં. શરણ દીક્ષામેં વૈષ્ણવ સિર્ફ નામસ્મરણ કરનેકા હી અધિકારી હૈ. તો સેવાવાલે વૈષ્ણવકો બ્રહ્મસમ્બન્ધદીક્ષા લેનેકે બાદ હી અધિકાર હોતા હૈ. બ્રહ્મસમ્બન્ધવાલા વૈષ્ણવ અપને ઘરમેં હી સેવાકા અધિકારી હોતા હૈ...હમ સ્વરૂપકી સેવા નન્દાલયકી ભાવનાસે કરતે હૈ. ઈસલિયે હમ સાતોંકે સાત પુત્રોંકે ઘર ‘ઘર’ હી કહલાતેં હૈં ઔર હમારા ઘર ‘તીસરા-ઘર’ કહલાતા હૈ ઔર હમારે ઘરકી સૃષ્ટિ ‘તીસરે-ઘરકી-સૃષ્ટિ’ કહલાતી હૈ.

(નિ.લી.ગો.શ્રીવ્રજભૂષણલાલજી મહારાજ તૃતીયેશઃ૧૪/કઃતા.૨૪-૧૨૪૮ન ા દિને મુંબઈના વૈષ્ણવોની જાહેરસભામાં શ્રીમત્પ્રભુચરણના પ્રાકટ્યોત્સવપ્રસંગે અધ્યક્ષસ્થાનેથી કરેલ વચનામૃત ‘વૈશ્વાનર’ અંક-૩૧ સન્‌-૪૮ઃઃ૧૪/ખઃબયાન મૂર્તિબા કાર્યા. સહા. કમિ. દેવસ્થાનવિભાગ ખંડ ઉદયપુર એવં કોટા બજરિયે કમિશન મુ.કાંકરોલી. ફાઈલ સંખ્યા.૧-૪-૬૪. શ્રીદ્‌વારકાધીશમંદિર દિનાંક ૭/ ૧૧/૬૫).

(૧૫)આજ મુઝે અપને હૃદયકે ઉદ્ગાર કહને દો, મેરા હૃદય જલ રહા હૈ, મંદિરોમેં દ્રવ્યસંગ્રહકી પ્રવૃત્તિ માત્ર રહ ગઈ હે ઓર વહી અનર્થોકી જડ હૈ. ઐસે મંદિરોકે અસ્તિત્વસે કોઈ લાભ નહીં. હમારા સંપ્રદાય સામુહિક નહીં વૈયક્તિક હૈ. સાર્વકાલિક તથા સાર્વદેશિક અવશ્ય હૈ પરંતુ સાર્વજનિક નહીં. ‘‘કરત કૃપા નિજ દૈવી જીવનપર’’ ઈસ ઉક્તિમેં ‘નિજ’ શબ્દકા પ્રયોગ કિયા ગયા હૈ. દૈવી જીવ કહીં ભી હો સકતે હૈં પરંતુ સાર્વજનિક રૂપસે નહીં. આજ હમ ‘પુષ્ટિ’કા નામ લેનેકે ભી અધિકારી નહીં હૈં! હમારે મંદિર કહાં હૈં! આજકા હમારા જીવન ચાર્વાક-જીવન હો રહા હૈ. ક્યા હમ, આજ જિસ પ્રકારકા સંપ્રદાય હૈ, ઉસે જિવાના ચાહતે હૈં? યદિ સચ્ચે સંપ્રદાયકો ચાહતે હો તો સ્વરૂપસેવા ઘર-ઘરમેં પધરાઓ એવં નામસેવાપર ભાર રખ્ખો...ભક્તિકી પ્રાપ્તિ સ્વગૃહોમેં સેવા કરનેસે હી હોગી. આજકે ઈન મંદિરોસે કોઈ લાભ નહીં હૈ, ક્યોંકિ ઈનમેં દ્રવ્યસંગ્રહકી પ્રધાનતા આગયી હૈ ઔર જહાં દ્રવ્ય ઈકઠ્ઠા હોતા હૈ વહીં અનર્થ હોતે હૈં. આજ સંપ્રદાયકા વિકૃત સ્વરૂપ ઈસીસે હૈ.

( નિ.લી.ગો.શ્રીકૃષ્ણજીવનજી-મહારાજ, મુંબઈ-મદ્રાસઃ વલ્લભવિજ્ઞાન સં.૫-૬ વર્ષ ૧૯૬૫).

(૧૬/ક)હમ શ્રીવલ્લભાચાર્યજીકી આજ્ઞાકા પાલન કહાં કર રહે હૈં? હમારે યહાં ગૃહસેવા કહાં રહી હૈ? કેવલ મંદિરોંકે દર્શનોંસે ક્યા લાભ હૈ? શ્રીમહાપ્રભુજીકી આજ્ઞા હૈ ‘‘કૃષ્ણસેવા સદા કાર્યા’’. યદિ શ્રીમહાપ્રભુજી મંદિરકો મુખ્ય માનતે તો અપની તીન પરિક્રમાઓંમેં અનેક મંદિર સ્થાપિત કર દેતે. શ્રીગુસાંઈજીને શ્રીગિરધરજીકો સાતસ્વરૂપકા મનોરથ કરતે સમય ઈસી પ્રકારકી ચેતાવની દી થી. મન્દિરસ્થાપન કરતે સમય ઉનકો ડર થા કિ ઘરમેંસે ઠાકુરજી મન્દિરમેં પધાર જાએંગે. મેરે પિતાજીને કલ (ઉપર ટાંકેલ ૧૫મા વચનમાં) જો કહા વહ અક્ષરશઃ સત્ય હૈ. તુમ અપને ઘરોંમે ઠાકુરજીકો પધરાઓ ઓર સેવા કરો.

(૧૬/ખ)પુષ્ટિમાર્ગીય પ્રણાલિકામાં ટ્રસ્ટ ખરૂં ઉતરતું નથી. શ્રીઆચાર્યચરણે દરેક બ્રહ્મસંબંધી જીવને આજ્ઞા કરીછે કે ‘‘ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ’’ (ભક્તિવર્ધિની) અર્થાત્‌...ગૃહમાં રહીને સ્વધર્માચરણ કરવું. ગોસ્વામિબાલકો પણ આચાર્ય હોવાથી વૈષ્ણવ પણ છે. એટલે આચાર્યશ્રીની ઉપરોક્ત આજ્ઞા પાલન કરવાની તેમની પણ ફરજ છે...માટે મારું માનવું તો આજ છે કે આચાર્યચરણનાં સિદ્‌ધાંતપ્રમાણે વૈષ્ણવો પોતાના ઘરે શ્રીઠાકોરજીની સેવા કરે અને ધર્મગ્રન્થોનું વાંચન કરે, નહિ કે મન્દિરોમાં જઈને...ટ્રસ્ટ એ પુષ્ટિમાર્ગીય પ્રણાલિકામાં બંધ-બેસતું નથી બલ્કે આપણી પ્રણાલીનો ભંગ કરે છે.

(દહીસરમાં શ્રીગોવર્ધનનાથ-હવેલીટ્રસ્ટના સંસ્થાપક નિ.લી.ગો.શ્રીવ્રજાધીશજી મહારાજઃ૧૫/ખઃ‘વલ્લભવિજ્ઞાન’ અંક૫-૬ વર્ષ૧૯૬૫-૧૫/ગઃ‘નવપ્રકાશ’ અંક૮ વર્ષ૮).

(૧૭/ક)ઔર જબ જનરલ પબ્લિક-ટ્રસ્ટ હૈ, તબ ઠાકુરજીકો ગોસ્વામીસં બંધસે પૃથક્‌ કર, ઠાકુરજીકો સબ સંપત્તિ અર્પણ કર, અર્થાત્‌ ભેટ કરકે, રિલીજિયસ એંડામેંટ કે રૂપમેં હુએ વહ ટ્રસ્ટ હૈં. એસી અવસ્થામેં ઈન ટ્રસ્ટોંસે જો નેગ-ભોગ ચલાયા જાતા હૈ વહ દેવદ્રવ્યસે ચલાયા જાતા હૈ. દેવદ્રવ્યકા ઉપભોગ કરનેવાલે અંતમેં દેવલક (નરકમાં પડનાર પાપી)હી હૈં. શ્રીમદાચાર્યચરણને પ્રભુકી સોનેકી કટોરી ગિરવી રખ કર જબ ભોગ અરોગાયા તબ આપને ઉક્ત દ્રવ્યસે સમર્પિત સબકા સબ પ્રસાદ ગાયોંકો દિયા. યહ હૈ સામ્પ્રદાયિક સિદ્‌ધાંત. ઈસ પ્રકારકે આદર્શરૂપ સિદ્‌ધાંતોંકા જિસ પ્રથાસે વિનાશ હો કર આચાર્યોકો દેવલક બનાયા જાય, ઉસ પ્રથાકો જિતની શીઘ્ર સમ્પ્રદાયસે હટા દી જાય ઉતના હી શ્રેય ઈસમેં ગોસ્વામિ-સમાજ તથા વૈષ્ણવ-સમાજ કા નિહિત હૈ.

(૧૭/ખ)ભગવત્સેવા સંપ્રદાયકી આત્મરૂપ પ્રવૃત્તિ હૈ. આચાર સેવાકા અંગ હૈ સેવાકી અનુકૂલતાકે અનુરૂપ હી આચારકા પાલન કિયા જાના ચાહિયે. આચારપ ાલનકો પ્રમુખતા દે કર ભગવત્સેવાકા ત્યાગ ઉચિત નહીં હે. ભગવત્સેવા જૈસે ભી બને કરો...ગુરુઘરોંમેં મત ભેજો...યદિ હમ ભગવદ્‌દ્રવ્યકો પેટમેં ડાલેંગે તો વહ અપરાધ હૈ. ગ્રન્થોંકે અધ્યયનકે પ્રતિ હમેં સમાજકો આકર્ષિત કરના ચાહિયે.

(નિ.લી.ગો. શ્રીદીક્ષિતજી મહારાજ મુંબઈ-કિશનગઢઃ ૧૭/કઃ‘આચાર્યોચ્છેદક ટ્રસ્ટ-પ્રથાસે પુજારીપનકી સ્થાપના ઘોર સિદ્ધાન્તહાનિ એવંઘોર સ્વરૂપચ્યુતિ’લેખ પૃષ્ઠ૭.; ૧૭/ખઃ‘શ્રીવલ્લભવિજ્ઞાન’અંક૫-૬ વર્ષ૧૯૬૫).

(૧૮/ક)જેમ સ્વરૂપસેવા સ્વાર્થબુદિ્‌ધથી અને લૌકિક કાર્ય સમજીને ન કરવાની શ્રીમહાપ્રભુજીની આજ્ઞા છે, તે પ્રમાણે નામસેવા પણ વૃત્તિઅર્થે ન કરવી એવી આજ્ઞા શ્રીમહાપ્રભુજી નિબન્ધમાં કરે છે...વૃત્તિઅર્થે સેવા કરવાથી પ્રત્યવાય (દોષ)લાગે. જેમ ગંગા-જમુનાજળનો ઉપયોગ ગુદાપ્રક્ષાલનાર્થ ન થાય, તેમ સેવાનો ઉપયોગ પણ વૃત્ત્યર્થ ન કરાય.

(૧૮/ખ)તન અને વિત્ત જો પ્રભુમાં વપરાય તો મન પ્રભુમાં જરૂર લાગે છે. માટેજ શ્રીવલ્લભે ઉપદેશ કર્યો છે કે ‘‘તત્સિદ્‌ધ્યૈ તનુવિત્તજા’’. માનસી જે પરા છે તેને સિદ્‌ધ કરવા તનુ-વિત્તજા સેવા જરૂરી છે. તન અને વિત્ત બન્ને ક્યાંય એક સ્થળે લગાડો તો ચિત્ત તેમાં રાત-દિવસ રહે છે. દલાલનો વ્યવસાય કરનાર વ્યવસાયમાં કેવલ તનથી શ્રમ કરે છે પણ તેમાં વિત્ત પોતાનું જરાય લાગતું નથી. આથી જો બજારભાવ વધે કે ઘટે તો તેનાથી તેને મનથી ચિંતા થતી નથી...અને છોકરાનો પિતા એકલી વિત્તજા તરીકે ટ્‌્યુશન ફી આપીને સમજે છે કે છોકરો પાસ થવાનોજ છે. આ ત્રણેને ફલ પ્રાપ્તિ નહીં થાય કારણકે તનુજા-વિત્તજા બન્ને લાગતા નથી. હવે તનુવિત્તજા બન્ને લગાડે તો ચિત્ત પરોવવાના દાખલા જોઈએઃ એક દુકાનદાર દુકાન અને માલ ની ખરીદીમાં મૂડી લગાડી વેપાર શરૂ કરી અને સવારથી રાત સુધી હાજરી આપી તન પણ વેપારમાં લગાડે છે તો તેથી રાતદિ વસ દુકાન અને વેપાર ના જ વિચારો આવે છેઃકેમ વેપાર સારો થાય, કેમ વધે...માટે પુષ્ટિમાર્ગમાં પ્રભુમાં આસક્તિ સિદ્‌ધ થવામાટે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા બતાવી છે કે તેણે તનુ-વિત્તની સેવા ભાવપૂર્વક કરવી.

(નિ.લી.ગો.શ્રીગોવિંદરાયજી મહારાજપોરબન્દરઃ૧૮/કઃસુધાધારા ૧૧૪ -૧૮/ખઃસુધાબિન્દુ ૭૩).

(૧૯)વલ્લભમતમેં યહ સિદ્‌ધાંતતઃ ગલત હૈ ઓર ઐસે દેવસ્થાનોંકે ચઢાવેકા પ્રસાદ ભી ખાયા નહીં જા સકતા હૈ, ક્યોંકિ વહાં દેવલકત્વ હી પ્રધાન હૈ. આજકે યુગકો દેખતે હુએ જહાં ન્યાસ કરના આવશ્યક હૈ વહાં ઉપર્યુક્ત સિદ્‌ધાન્તોંકો ધ્યાનમેં રખ કર હી ન્યાસ કરના આવશ્યક હૈ, જિસસે દેવલકવૃત્તિસે બચા જા સકે. યદિ ઐસી વ્યવસ્થા નહીં કી જાતી તો દેવદ્રવ્ય હોતા હૈ, જિસકા સેવન કરનેસે આચાર્ય સ્પષ્ટ કહતે હૈં કિ નર્કપાત હોગા.

(નિ.લી.ગો.શ્રીરણછોડાચાર્યજી પ્રથમેશઃ‘‘હમારી ઘાર્મિક સ્થિતિકા વર્તમાન સ્વરૂપ એવં ભવિષ્યકી વ્યવસ્થાકે હેતુ પ્રતિવેદન’’).

(૨૦)ક્યોંકિ શ્રીનાથજી સ્વયં ઉસકે ભોકતા હૈં કિન્તુ વૈષ્ણવવૃંદ તથા સેવકગણ ભી ઉસકે મહાપ્રસાદ લેને તકકે અધિકારી નહીં હૈ. યહ આચાર્યચરણકે ઈતિહાસસે પ્રત્યક્ષ પ્રમાણભૂત હૈ. ઉસકે મહાપ્રસાદ લેનેકા કેવલ ગાયકો હી અધિકાર હૈ. અન્યથા ઉસ દેવદ્રવ્યકે ઉપભોગ કરનેસે નિશ્ચય હી અધઃપતન હૈ...સબ પ્રકારકે દાન ચઢાવોં વ વસૂલ વસૂલી કરનેકા ઉલ્લેખ કિયા ગયા હૈ, વહ ભી સંપ્રદાયકે સિદ્‌ધાંતસે નિતાંત વિરુદ્‌ધ હૈ. હમારે સંપ્રદાયકી પ્રણાલીકે અનુસાર જો હમારે સંપ્રદાયકે સેવક હૈં, ઉનકા હી દ્રવ્ય ગુરુ-શિષ્યકે સંબંધસે લેકર સેવામેં ઉપયોગ કરાયા જા સકતા હૈ. સંપ્રદાયમેં સબ પ્રકારકે દાન-ચઢાવેકા ઉપયોગ સેવામેં નહીં કિયા જાતા હૈ. ઔર કદાચિત્‌ કહીં કિયા જાતા હો તો વહ સંપ્રદાયકે નિયમોંસે વિરુદ્‌ધ હોનેકે કારણ બંદ કર દેના ચાહિયે.

(પૂ.પા.ગો.શ્રીઘનશ્યામલાલજી-સપ્તમેશઃશ્રીનાથદ્‌વારા ઠિકાનેકે પ્રબંધકી દિલ્લીયોજનાકી આલોચના તા.૧-૨-૫૬).

(૨૧/ક)પ્રશ્નઃદેવદ્રવ્ય કોને કહેવાય? દેવદ્રવ્ય એટલે દેવનું દ્રવ્ય દેવને ઉદ્દેશીને અર્પણ કરાતું દ્રવ્ય કે કોઈ પદાર્થ ‘દેવદ્રવ્ય’ કહેવાય. તે જ પ્રકારે ગુરુને ઉદ્દેશીને અર્પણ કરાતું દ્રવ્ય ‘ગુરુદ્રવ્ય’ કહેવાય. પ્રભુની પ્રસાદી વસ્તુને ‘મહાપ્રસાદ’ કહેવાય...આ પ્રકારનાં મંદિરોમાં તો સન્મુખમાં ભેટ ધરાતું દ્રવ્ય તેમજ ટ્રસ્ટની ઓફિસમાં આવતું દ્રવ્ય તેને સ્પષ્ટ ‘દેવદ્રવ્ય’ કહી શકાય અને તે દ્રવ્યથી સિદ્‌ધ થતી સામગ્રીમાં ભગવત્પ્રસાદી થયા પછી મહાપ્રસાદપણું તો આવે છે પરંતુ તેની સાથે તેમાં દેવદ્રવ્યપણું તો રહેજ છે. તેથી વૈષ્ણવોએ એ મહાપ્રસાદને દેવદ્રવ્ય સમજીનેજ વ્યવહાર કરવો જોઈએ. તે મહાપ્રસાદ લેવામાં દેવદ્રવ્યનો બાધ તો રહેલોજ છે.

(૨૧/ખ)મંદિરના સ્થળ ફેરફાર અંગે શ્રી ગો.પૂ.૧૦૮ શ્રીબાલકૃષ્ણલાલજીએ કહ્યું કે પુષ્ટિમાર્ગમાં સાર્વજનિક મંદિરની પરંપરાજ નથી. એમા વ્યક્તિગત સ્વરૂપ, નિજી સ્વરૂપ, ની જ વાત છે. અને તેથી તેનો સેવાપ્રકાર દેવાલયપ્રકારનો નથી. મંદિરની બાંધણી પણ ઘર જેવીજ થાય છે. ક્યાંય ધ્વજ-ઘુમ્મટ હોતા નથી. વૈષ્ણવો પણ ઘરમાં સેવા કરે છે, તેને ‘મંદિર’જ કહે છે...

(‘સેવા-દેવદ્રવ્ય-વિમર્શ’ ગ્રંથના સહલેખક નિ.લી.ગો.શ્રીબાલકૃષ્ણલાલજી મહોદય, સૂરતઃ૨૧/કઃવૈ.વા.અંક.૩.વર્ષ.માર્ચ ૧૯૮૩- ૨૧/ખઃ‘ગુજરાત સમાચાર’ અંક ૨૫-૫-૯૩માંથી સાભાર).

(૨૨)...બ્રહ્મસંબન્ધ લે કર સેવા કરનેસે પ્રત્યેક ઈન્દ્રિયોંકા ભગવાન્‌મેં વિનિયોગ હોતા હૈ...મન્દિર-ગુરુઘર કેવલ ઉપદેશ ગ્રહણ કરનેકેલિયે હૈં. સેવા હમેં અપને ઘરોંમે કરની હૈ.

( પૂ.પા.ગો.શ્રીમથુરેશ્વરજી, સંસ્થાપક-શ્રીગોવર્ધનનાથજીમંદિર, હ્યુસ્ટન ટેક્‌સાસ યુ.એસ.એ.ઃવલ્લ.વિજ્ઞા. અંક૫-૬ વર્ષ૧૯૬૫).

(૨૩)પ્રશ્નઃઆપણા સંપ્રદાયમાં મંદિરને ‘મંદિર’ ન કહેતાં ‘હવેલી’ શામાટે કહેવામા આવે છે? ઉત્તરઃસામાન્યરીતે ઇતર હિંદુ સંપ્રદાયમાં ‘મંદિર’ શબ્દ દેવાલયના અર્થમાં વપરાય છે પરંતુ આ રીતે દેવાલયના રૂપમાં મંદિર જેવી સંસ્થાનું પુષ્ટિમાર્ગમાં અસ્તિત્વ નથી. કારણ કે પુષ્ટિમાર્ગમાં જે પ્રભુ આપણા માથે પધરાવવામાં આવે છે તે પ્રભુ-સ્વરૂપ અને તેમની સેવા દરેકના વ્યક્તિગતરૂપે તેમની ભાવના અનુસાર પધરાવી આપવામાં આવે છે. પોતાના શ્રીઠાકોરજીની સેવા પુષ્ટિમાર્ગીય જીવનું એકમાત્ર પોતાની ફરજ બની જતું પોતાનુંજ ધર્માચરણ છે. પુષ્ટિમાર્ગમાં સેવા સામુહિક જીવનનો વિષય નહિ પણ વ્યક્તિગત જીવનનો વિષય છે. જેમ લોકમાં પત્ની અથવા માતા નો પતિ અથવા પુત્ર ની સેવાનો કે વાત્સલ્યઆપવાનો તેનો વ્યક્તિગત ધર્મ ફરજ અને અધિકાર હોય છે, તે જ પ્રમાણે જે સેવકનું જે સેવ્ય સ્વરૂપ હોય તે સેવ્યની સેવાનો તેનો વ્યક્તિગત ધર્મ અને અધિકાર છે. સેવા એ જાહેર કાર્ય કે જાહેર પ્રવૃત્તિ નથી પરંતુ સેવા એ પોતાના આંતરિક જીવન સાથે સંબંધ ધરાવતી હોવાથી તે આપણા જીવનની આપણા નિજઘરમાં થતી સ્વધર્મરૂપ પ્રવૃત્તિ છે...માટે ઈતર હવેલીઓની જેમ ‘શ્રીનાથજીનું મંદિર’ શબ્દ રૂઢ થઈ ગયેલો હોવાથી તે વપરાય છે. હકીકતમાં સામુહિક દર્શન કે સેવા જ્યાં થતી હોય તેવા અન્યમાર્ગીય જાહેર દેવસ્થાન જેવું એ મંદિર નથી.

(‘સેવા-દેવદ્રવ્ય-વિમર્શ’ગ્રંથલેખક અ.સો.વા.ગો.પૂ.પા.શ્રીવલ્લભરાયજી, સુરતઃપુષ્ટિ.શીત.છાંય. પાનાં નં.૧૫૭-૧૫૮).

(૨૪)શ્રીમહાપ્રભુએ જુદા-જુદા મંદિરોની પ્રણાલી ઊભી કરી નથી; પણ એમાં જગદ્‌ગુરુ શ્રીવલ્લભાચાર્યનો એક લાંબો દૃષ્ટિકોણ હતોઃપ્રત્યેક વૈષ્ણવનું ઘર નન્દાલય બનવું જોઈએ ...એક મંદિરની બાજુમાં એક બહેન રહે. એમને ત્યાં ઠાકોરજી બિરાજે. મંદિરની આરતીના ઘંટા એમને સંભળાય. સેવા કરતા બેઠેલી એ બહેન ઠાકોરજીના વસ્ત્રો કાઢી સ્નાન કરાવતી હતી ત્યાં આરતીના ઘંટા પડ્યા. પેલી ઠાકોરજીને પડતા મુકીને મંદિરે દોડી.થોડી વારે ઘેર આવી. હવે વિચાર કરો, આવી રીતે કોઈ સેવા કરે તો એમાં સેવાનો આનંદ આવે ખરો? અહીં તો પ્રત્યેક વૈષ્ણવનું ઘર નન્દાલયછે.

(શ્રીમદ્‌ભાગવતતત્ત્વમર્મજ્ઞા પૂ.પા.સુશ્રીઇન્દિરાબેટીજીઃ વૈ.પ. અંકજૂન૧૯૯૦).

(૨૫)‘‘અતિ ધન્યવાદાર્હ હૈ કિ આપને ઇતની મેહનત કરકે સમ્પ્રદાયકે સિદ્‌ધાન્તનકૂં કોર્ટમેં સમઝાયે’’-‘‘હમારા ઇસમેં પૂરા સહયોગ હોગા, તનમનધનસે...હમારે સભી ચિ.બાલક ઇસ કાર્યમેં સહયોગ કરનેકો તૈયાર હૈં’’.

(જામનગરસ્થ ચિ.હરિરાયજીના સિદ્‌ધાંતનિષ્ઠ પિતૃચરણ નિ.લી.ગો.શ્રીવ્રજભૂષણલાલજી મહારાજઃગો.શ્યા.મ.ને મોકલાવેલ તા.૨૬-૧૦૮૬ અને ૭-૧૧-૮૬ ના પત્રોમાં).

(૨૬) ગો.શ્રીહરિરાયજીઃજરા ધ્યાનથી સાંભળજો ... ‘‘તત્ર અયમ્‌ અર્થઃ. લાભપૂજાર્થયત્નસ્ય ઉપધર્મત્વ-દેવલકત્વાદિ’’ સ્પષ્ટ સાંભળજો, ‘‘સમ્પાદકત્વાત્‌’’. ...લાભ-પૂજાર્થ યત્ન કરે છે જે સેવા કરીને, જ્યારે તે લાભ-પૂજાર્થ પ્રયત્ન કરે છે તો તે ઉપધર્મ થયું; દેવલકત્વ વગેરે જે દોષો છે તે તેની અંદર પ્રવેશે છે. ... ગો.શ્રીશ્યામમનોહરજીઃએટલે ખાસ ધ્યાનમાં રાખજો હોં, કે ભાવપ્રતિષ્ઠા જે સ્વરૂપની થઈ હોય તે સ્વરૂપની પણ લાભ અથવા પૂજા માટે જો સેવા કરવામાં આવે તો સેવાકર્તા દેવલક (પાપી) થઈ રહ્યો છે .. ગો.શ્રીહરિરાયજીઃઅને ઉપધર્મત્વ આવી રહ્યું છે ...અને આ નિષિદ્ધછે .

... ગો.શ્રીશ્યામમનોહરજીઃઆ સ્થિતિમાં ગુરુ પોતાની લાભ કે પૂજાનેમાટે શિષ્યથી કાંઈ પણ ઠાકોરજીમાટે માંગતો હોય તે ... શાસ્ત્રનિષિદ્ધ હોવાથી ... દાન હોવાથી દેવદ્રવ્ય હોવાથી ઉપયોગ કરવાયોગ્ય હોતું નથી. ગો.શ્રીહરિરાયજીઃહા, બિલકુલ. ... આ તો બિલકુલ સ્પષ્ટ છે. ... ‘સ્વવૃત્તિવાદ’થી

પણ સ્પષ્ટ થાય છે. (પૂ.પા.ગો.શ્રીહરિરાયજી મહારાજ, જામનગર પુષ્ટિસિદ્ધાન્તચર્ચાસભા, વિસ્તૃત વિવરણ પૃષ્ઠ૧૬૪,૧૯૩

(૨૭)આ કાર્યક્રમ દ્‌વારા બને એટલો પ્રયાસ આપશ્રીએ મુંઝવણ દૂર કરવાનો કર્યો છે; બીજો કોઇ આમાં આશય મને દેખાતો નથી. અંતમા હું તો એક જ વસ્તુ કહીશ કે સમાજની અંદર; અને આપણા સંપ્રદાયમાં એટલું બધું સિદ્‌ધાન્તવૈપરીત્ય થઇ ગયું છે કે ગુજરાતના એક ગામમાં હું ગયેલો-હું તો પ્રવાસ ખુબ કરૂં છું-એ ગામમાં પુષ્ટિમાર્ગના જ આપણા સંપ્રદાયના બે મંદિરો છે અને મંદિરોની દિવાલ પણ એક જ છે. પરંતુ લોકાર્થિત્વ, જેમ આપે આજ્ઞા કરી ગઇ કાલે ‘‘લોકાર્થી ચેદ્‌ ભજેત્‌ કૃષ્ણં ક્લિષ્ટો ભવતિ સર્વથા’’, એટલું બધું લોકાર્થિત્વ સમાજમાં ઉત્પન્ન થયું છે. પરિણામ એ આવ્યું કે બન્ને મંદિરોની દિવાલો એક જ. મંગલાના દર્શનમાં વૈષ્ણવો; એક મંદિર તો બાલકૃષ્ણલાલનું છે અને બીજું મંદિર ચન્દ્રમાજીનું છે. સવાર પડે એટલે ચન્દ્રમાજીવાળા વૈષ્ણવો બાલકૃષ્ણલાલનો જે મેવો હોય તે ચન્દ્રમાજીમાં લઇ જાય અને બાલકૃષ્ણલાલજીવાળા જે વૈષ્ણવો હોય એ ચન્દ્રમાજીનો જે મેવો અને પ્રસાદ હોય તે બાલકૃષ્ણલાલજીમાં લઇ આવે! આવી જબરદસ્ત હોંસાતોસી વૈષ્ણવસમાજમાં ઉત્પન્ન થઇ; જાણે એકબીજાની સ્પર્ધા કરતા હોય એમ. ઇર્ષા-દ્‌વેષનું વાતાવરણ જ્યારે સેવાના ક્ષેત્રમાં ઉત્પન્ન થાય એનાથી મોટું લોકાર્થિત્વ કયું હોઇ શકે! આ બધા કેટલાક વિચારો અને જે શો-બીઝનેસ સંપ્રદાયમાં થયો એ બધાનું નિવારણ થાય એ માટે આ આખું એક સુંદર ચર્ચાસભાનું આયોજન થયું. અને મારી તો ખાસ વિનંતી છે કે આવા બધા સિદ્‌ધાન્તવૈપરીત્યનો ભવાડો જો વધારે થતો હોય તો ગુજરાતમાં થાય છે. ભાગવતજીમાં પણ લખ્યું છે ‘‘ગુજર્રે જીર્ણતાં ગતાઃ’’ ભક્તિ જો જીર્ણ થઈ હોય તો ગુજરાતમાં. ગાડરિયો પ્રવાહ વધ્યો હોય તો ગુજરાતમાં. એટલે સિદ્‌ધાન્તની સત્યનિષ્ઠાને ... અને મહાપ્રભુજીના પુષ્ટિસિદ્‌ધાન્તોનું સદ્‌જાગરણ ... એમાં મારાથી બનતો સહકાર હું આપવા તૈયાર છું. (પૂ.પા.ગો.ચિ.શ્રીદ્રુમિલકુમારજી મહોદયઃ‘‘પુષ્ટિસિદ્‌ધાન્ત-ચર્ચાસભા તા.૧૦-૧૩ જાન્યુવારી ૯૨ પાર્લા, મુંબઇ, વિસ્તૃત વિવરણ પૃ.૩૧૭-૩૧૮).

(૨૮)પુષ્ટિમાર્ગ ગુપ્ત છે, દેખાડો કરવા માટે તો છે જ નહીં, ભક્ત અને ભગવાન્‌ વચ્ચે આન્તરિક સમ્બન્ધ દૃઢ કરવાનો માર્ગ છે...બન્નેના સમ્બન્ધો એવા હોવા જોઇએ કે કોઇ ત્રીજા વ્યક્તિને એની જાણકારી ન થાય. આપણો આપણા ભગવાન્‌ સાથે કેવો સમ્બન્ધ છે, તે બીજી કોઇ વ્યક્તિને જણાવવાની જરૂરત શું? નામના મેળવવા માટે? પોતાનું મહાત્મ્ય વધારવામાટે? આ તો બધુ બાધક છે.

(પૂ.પા.ગો.ચિ.શ્રીદ્‌વારકેશલાલજી મહોદય શ્રીવલ્લભાચાર્યપ્રાકટ્યપીઠ અમરેલી-કાંદીવલી-ચમ્પારણ્ય-સૂરતઃ‘પુષ્ટિનવનીત’ પૃ.૧૨).

(૨૯/ક)પ્રશ્નઃઆજ ચલ રહે જો ડિસ્પ્યુટ્‌ હૈં વામેં કિતનેક સિદ્ધાન્ત ચર્ચિત હો રહે હૈં જૈસે કિ નયે મન્દિર નહીં ખોલને, ટ્રસ્ટ મન્દિર નહીં બનાને, ઠાકુરજીકે નામપે દ્રવ્ય નહીં લેનો, ઠાકુરજીકે દર્શન નહીં કરાને, તથા બિના સમજે-સોચે કોઈકુ બ્રહ્મસમ્બન્ધ નહીં દેનો. ઇન સબ વિષયમેં આપકો અભિમત ક્યા હૈ?

ઉત્તરઃદેખો મન્દિરકી જહાં તક સ્થિતિ હૈ તો યે બાત સત્ય હૈ કે પુષ્ટિમાર્ગીય પ્રકારસું મન્દિર તો માત્ર એક હી હૈ; ઓર સબ ઘરકી સ્થિતિ હતી. ... આજ મન્દિર જિતને હૈં અથવા જિન સ્થાનન્‌કું અપન મન્દિર સમઝે હૈં વો સ્થાન ... વાકુ અપન મર્યાદાપુષ્ટિ મન્દિર કહ સકે હૈં, પુષ્ટિમન્દિર નહીં. પુષ્ટિકો પ્રકારતો માત્ર ગૃહસેવામેં હી હૈ.

(૨૯/ખ)આજથી દોઢસો વર્ષ પૂર્વે, શ્રીમહાપ્રભુજીના સમયથી ત્યાં સુધી, પુષ્ટિમાર્ગમાં કોઈ ભગવદ્‌ મન્દિર ખોલવાનો ક્રમ ન હતો. પ્રત્યેક વૈષ્ણવને ઘરે-ઘરે સેવા થાય તેનો આગ્રહ રખાતો. વૈષ્ણવો પોતાને ઘરે શ્રીઠાકોરજીના સ્વરૂપને સેવ્ય કરી પધરાવી ગુરુઘરની પ્રણાલિકા મુજબ સેવા કરતા.

(પૂ.પા.ગો.શ્રીવ્રજેશકુમારજી તૃતીયેશ ૨૯/કઃ‘આચાર્યશ્રીવલ્લભ’ આગસ્ટ ૧૯૯૪, અંક૫, પુષ્ટિમાર્ગવર્તમાન, પ્રશ્ન-ઉત્તર ૪, પૃ.૭. ૨૯/ખઃબ્રજ મોહે બિસરત નાહીં, પૃ.૧૪૦-૪૧)

(૩૦)શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે કે દુનિયામાં ભટકતું રહેતું આપણું મનચિત્ત શ્રીઠાકોરજી સાથે જોડીને તેમની તનુવિત્તજા સેવા કરવી. ... તનુવિત્તની સેવા એટલે આપણે કમાયેલા પોતાના ધનથી, પોતાના ઘરમાં શ્રીઠાકોરજીની પોતાના શરીરથી સેવા કરવી તે.

(પૂ.પા.ગો.ચિ.શ્રીવાગીશકુમારજી ‘વલ્લભીય ચેતના’, ઓક્ટોબર ૧૫, ૨૦૦૩, પૃ.૪)

(૩૧)ચિત્ત ભગત્પ્રેમમાં પરિપૂર્ણ થઈ જાય છે, પૂર્ણતઃ ભગવાન્‌માં જોડાઈ જાય છે, તન્મય અને તલ્લીન થઈ જાય છે ત્યારે પરાસેવા થાય છે. આને માનસી સેવા કહેવાય છે. આની સાથે મનુષ્યે શરીરથી પણ સેવા કરવી જોઈએ. ... તનુજા સેવાથી શરીરની શુદ્ધિ થાય છે. અહંતા-હુપણા નો નાશ થાય છે. ધનથી કરાતી સેવા ‘વિત્તજા’ સેવા છે. તેનાથી મમતા-મારાપણાનો નાશ થાય છે. અહંતા અને મમતા એકબીજા સાથે જોડાયેલા રહે છે આથી તનુજા અને વિત્તજા સેવા સાથે થવી જોઈએ. આમાં પ્રધાનતા તનુજા સેવાની છે. કેવળ ધન આપી દેવાથી સેવા થતી નથી. એનાથી રાજસી વૃત્તિ આવે છે.

(પૂ.પા.ગો.ચિ.શ્રીદ્‌વારકેશલાલજી મહોદય, ષષ્ઠેશ, વડોદરાઃ‘શ્રીમદ્ભગવદ્ગીતા પુષ્ટિદર્શન’ પૃ.૧૨૫)

(૩૨)આજે ફરીથી એ સમય આવ્યો છે. તેનાથી પણ મુશ્કેલ સમય આવ્યો છે. તે સમયે તો અન્યમાર્ગીય લોકો મતોને પ્રસ્તુત કરીને ભ્રમ ઉત્પન્ન કરતા હતા. પણ આજે તો આપણા સમ્પ્રદાયના જ ‘સુજ્ઞજનો’ શ્રીમહાપ્રભુજીની વાણીનો વિપરીત અર્થ કરી રહ્યા છે. લોકોને પથભ્રષ્ટ કરી રહ્યા છે, દૈવીજીવોની સાથે ઘોર અન્યાય કરી રહ્યા છે. તેથી જ હાલમાં મહાપ્રભુ શ્રીવલ્લધીશના વંશજ પુષ્ટિમાર્ગીય યુવા આચાર્યોએ એક ‘સંવાદસ્થાપકમણ્ડળ’ની સ્થાપના કરીને મુમ્બઈમાં ... ચાર દિવસ સુધી એક પુષ્ટિસિદ્ધાન્ત ચર્ચાસભાનું આયોજન કર્યું હતું. ... સભામાં ૩૫ મહાનુભાવ આચાર્યો ઉપસ્થિત હતા. ૨૮ ગોસ્વામી આચાર્ય મહાનુભાવોએ ગો. શ્રીશ્યામમનોહરજી મહારાજશ્રી(કિશનગઢ-પાર્લા)ના ‘સિદ્ધાન્તવચનાવલી’ના ભાવાનુવાદને સહમતિ આપી હતી. કેટલાક આચાર્ય મહાનુભાવોએ અસહમતિ આપી હતી અને કેટલાક મૌન રહ્યા હતા. અસહમતિ પ્રકટ કરવાવાળા પૂ.પા.ગો.શ્રીહરિરાયજી વ્રજભૂષણલાલજી મહારાજશ્રી, જામનગરવાળાએ પૂજ્ય ગોસ્વામી શ્રીશ્યામમનોહરજી મહારાજશ્રીની સાથે તેમણે કરેલ ભાવાનુવાદના મુદ્‌દાઓ ઉપર ચર્ચા પ્રારમ્ભ કરી હતી. ... સમયના અભાવે ચર્ચા નિર્ણયપર પહોંચી ન શકી. પરન્તુ વર્તમાનમાં કેટલાક ચર્ચાસ્પદ, સંશયાસ્પદ મુદ્‌દાઓની સ્પષ્ટતા આ ચર્ચામાં પ્રાપ્ત થઈ તે ખરેખર એક મોટી સિદ્ધિ છે. એટલું જ નહીં પરન્તુ નીચે બતાવેલ મુદ્‌દાઓના વિશ્લેષણમાં પૂજ્ય શ્રીશ્યામમનોહરજીની સાથે સહમત થઈને પૂજ્ય શ્રીહરિરાયજીએ આપણા સમ્પ્રદાયની ઉત્તમ સેવા કરી છેઃ ૧૪

૧. પુષ્ટિમાર્ગીય સેવ્યસ્વરૂપ પૂર્ણપુરુષોત્તમ સ્વરૂપથી જ બિરાજે છે, તે સ્વરૂપ પછી ગુરુના સેવ્ય હોય કે શિષ્ય(વૈષ્ણવ)ના સેવ્ય હોય. બન્ને(સ્વરૂપો)માંથી કોઈમાં પણ પુરુષોત્તમપણું ન્યૂનાધિક હોતું નથી. ૨. પુષ્ટિમાર્ગીય સિદ્ધાન્ત અનુસાર કૃષ્ણસેવા કરવાનું સ્થાન ઘર જ હોઈ શકે છે, સાર્વજનિક(સ્થળ) નહીં. ૩. પુષ્ટિમાર્ગીય ભગવત્સેવાને ધનની પ્રાપ્તિનું સાધન બનાવવું ન જોઈએ. ૪. દેવલક વ્યક્તિ (=ભગવત્સેવ્યસ્વરૂપને ધનની પ્રાપ્તિનું સાધન અથવા આજીવિકાનું સાધન બનાવનાર) ની સેવા નિષિદ્ધ કક્ષાની હોવાથી (તે) સેવાનો અધિકારી નથી. ૫. શ્રીઠાકોરજીને માટે કોઈ પણ પ્રકારની દાન-ભેટ માંગવી અથવા સ્વીકારવી એ શાસ્ત્રદ્વારા નિષિદ્ધ છે. એટલું જ નહીં પરન્તુ લાભ-પૂજાના હેતુથી પોતાનામાટે દ્રવ્ય અથવા કોઈ વસ્તુને સ્વીકારવી તે શાસ્ત્રની દૃષ્ટિમાં ઋણાનુબન્ધી દોષને ઉત્પન્ન કરનાર હોવાથી બન્ધનકારક છે. ૫. પુષ્ટિમાર્ગના સિદ્ધાન્ત અનુસાર શ્રીઠાકોરજીને નિવેદન કરેલા પદાર્થનું જ સમર્પણ થઈ શકે છે અને સમર્પિત પદાર્થોનો જ ભગવદ્‌ ઉચ્છિષ્ટરૂપમાં પ્રસાદ લઈ શકાય છે. શ્રીઠાકોરજી માટે દાન અથવા ભેટ ના રૂપમાં આવેલ સામગ્રીને પ્રસાદના રૂપમાં લઈ શકાતી નથી કેમકે શ્રીઠાકોરજી માટે દાન અથવા ભેટ ના રૂપમાં પ્રાપ્ત થયેલ પદાર્થ(દ્રવ્ય)થી આવેલ સામગ્રીને પ્રસાદના રૂપમાં પાછી લેવાથી ‘દત્તાપહાર’નું પાપ લાગે છે. ૬. સેવા તો શાસ્ત્રનો વિષય છે. તેથી સેવાના સમ્બન્ધમાં શાસ્ત્રથી-શ્રીમહાપ્રભુજીના ગ્રન્થોથી જ બધો નિર્ણય થઈ શકે છે, અન્ય કોઈ પ્રકારે નહીં. સંયુક્ત ઘોષણાપત્રઃઅમદાવાદ, મિતિ ફાલ્ગુન સુદી૭, શ્રીવલ્લભાબ્દ૫૧૪, દિનાપઃ૧૧માર્ચ૧૯૯૨.

હસ્તાક્ષરઃ

નિ.લી.ગો.શ્રીવ્રજરાયજી મહારાજ

પૂ.પા.ગો.શ્રીવ્રજેન્દ્રકુમારજી મહારાજ (અમદાવાદ)

પૂ.પા.ગો.શ્રીદેવકીનન્દનાચાર્યજી, ચતુર્થેશ(ગોકુલ-અમદાવાદ) ,

પૂ.પા.ગો.શ્રીવ્રજેશકુમારજી મહારાજ

પૂ.પા.ગો.શ્રીરાજેશકુમારજી મહારાજ

પૂ.પા.ગો.શ્રીવલ્લભલાલજી મહારાજ (કડી-અમદાવાદ);

પૂ.પા.ગો.શ્રીજયદેવલાલજી મહારાજ,

પૂ.પા.ગો.શ્રીમથુરેશજી મહારાજ,

પૂ.પા.ગો.શ્રીકન્હૈયાલાલજી મહારાજ,

પૂ.પા.ગો.શ્રીહરિરાયજી(કામા-વીરમગામ-અમદાવાદ).

।।શ્રીગોપીજનવલ્લભાય નમઃ।।

સેવા અને વ્રજલીલા

વ્યાખ્યાતાઃગોસ્વામી શ્રીશ્યામમનોહરજી

પ્રસ્તુત ‘સેવા અને વ્રજલીલા’ ગ્રન્હ શ્રીશ્યામમનોહરજી (કિશનગઢ-પાર્લા) એ વિક્રમ સંવત ૨૦૬૦ માં (ઇ.સ. ૨૦૦૧ માં) કિશનગઢમાં કરેલાં પ્રવચનોને આધારે તૈયાર કરવામાં આવેલ છે.

ઉપક્રમઃ

‘પ્રમેયરત્નાર્ણવ’ ગ્રન્હમાં શ્રીલાલૂભટ્‌ટજીએ ઘણા વિવેક (વિવેકો) વિશે લખ્યું છે; જેવા કે પ્રપંચવિવેક, જીવવિવેક, મૂલસ્વરૂપવિવેક, પુષ્ટિભક્તિ-અધિકારવિવેક, સર્વાત્મભાવવિવેક, ફલવિવેક, ખ્યાતિવિવેક વગેરે. તેમાંહી ‘ફલવિવેક’નામનું જે પ્રકરણ છે તેમાંનો એક વિષય શ્રીલાલૂભટ્‌ટજીએ ખૂબ સરસ રીતે આલેખ્યો છે. ત્યાં શ્રીલાલૂભટ્‌ટજીએ એ બતાવ્યું છે કે આજે આપણે જે ભગવત્સેવા કરીએ છીએ તે અને પ્રભુ જે વખતે વ્રજમાં પ્રકટ હયા હતા તે વખતની શ્રીકૃષ્ણલીલા દ્ગઆ બન્ને વચ્ચે એવો પરસ્પર સમ્બન્ધ છે જેવો સમ્બન્ધ હાહ અને હાહપર પહેરવાનાં મોજામાં હોય. બીજા શબ્દોમાં કહીએ તો જેમ પાઘડી માહાપર બંધબેસતી રહે છે તેવી રીતે લીલા અને સેવા એક-બીજામાં બંધબેસતી બાબતો છે. એ જ પ્રકારે જે પુષ્ટિમાર્ગીયો આજે સેવા નહી કરી શકતા તેમણે શ્રીકૃષ્ણાવતારની લીલાના કયા પાસાઓનું ચિન્તન કરવું તે વાતનું વિવેચન પણ તેમણે કર્યું છે. એટલે જેઓ ભગવત્સેવા નહી કરી શકતા તેઓ લીલા વિશે શ્રવણ કરી શકે છે તેમજ કીર્તન, મનન, ગાન વગેરે કરી શકે છે. આ પ્રકારે બન્નેને લીલાનો પક્ષ સમજાવ્યો છે. તમે આને એમ કહી શકો કે સેવા આપણી તલવાર છે તો તે લીલાની કઈ મ્યાનમાં રાખી છે તે વાત આપણે સમજવી પડશે. એવી જ રીતે તમે વિચારો કે કૃષ્ણલીલાનું શ્રવણ, કર્ીતન, સ્મરણ આપણી તલવાર છે તો તે સેવાની કઈ મ્યાનમાં રાખી છે એ બધી બાબતોનો વિચાર કરવાનો છે.

હું તલવારની વાત અહીં કેમ કરી રહ્યો છું તેનું કારણ સમજી લો. તલવાર જેમ કોઈ વસ્તુને કાપે છે તેમ ભગવલ્લીલા (ભગવાનની લીલા)નું શ્રવણ-કીર્તનસ્મરણ અને પ્રભુની તનુવિત્તજા ભાવાત્મિકા સેવા પણ ઘણી વસ્તુઓને કાપે છે. હવે કઈ વસ્તુઓ કપાય છે તેનો વિચાર આપણે આગળ કરીશું.

સેવા-લીલાનું સન્તુલન

તમે કહેશો કે કાપવાનું શા માટે? જોડવાનું કેમ નહીં? તો સમજી લો કે દરેક વસ્તુને જોડવામાં જ ફાયદો હતો નહી. ઘણી વસ્તુના કપાવાહી પણ ફાયદા હાય છે. જેમ કે શરીરમાં ગુમડું હયું હોય તો કાપવું પડે, નખ પણ વધી જાય તો નખ કાપવા પડે. એટલે કંઈકને જોડવામાં ફાયદો હાય, કંઈકને કાપવામાં ફાયદો હાય. તમે ઝાડ ઉગાડતા હો તો તમારા ધ્યાનમાં હશે કે ઝાડની ડાળીઓને સમયાન્તરે હોડી-હોડી કાપવામાં ન આવે તો ઝાડ કરમાયેલું લાગતું હોય છે અને જો ઝાડની હોડી-હોડી કલમ કરતા રહીએ તો તેમાં નવી-નવી કૂંપળો ફૂટવા લાગે છે. નવીન વી ડાળીઓ આવે છે. ઝાડને નવો ઉત્સાહ આવે છે. ફળ-ફૂલ ઉગતા ન હોય તો ઉગવા લાગે છે. તો દરેક વસ્તુનું સંતુલન હોવું જોઈએ. આવું સંતુલન લીલાનું સેવામાં અને સેવાનું લીલાના ભાવમાં કેવી રીતે હાય છે તે વાત શ્રીલાલૂભટ્‌ટજીએ ખૂબ સુન્દરતાહી સમજાવી છે.

સેવા-લીલાની પરસ્પર નિર્ભરતા-પૂરકતાઃ

આપણે શું કરી શકીએ છીએ અને શું કરી નહી શકતા તેમાં આપણી સીમા છે. પણ આપણે જે પણ કરી શકતા હોઈએ તે આપણે કરવું. આપણે લીલાનું શ્રવણ-કીર્તન-સ્મરણ કરી શકતા હોઈએ તો એ બાબત સમજી લેવી જોઈએ કે લીલા તેમાં કેવી રીતે સહાયક બનશે. આપણે સેવા કરી શકતા હોઈએ તો પણ એ વાત ધ્યાનમાં રાખવી કે ભગવલ્લીલાનું શ્રવણ, કીર્તન અને ભાવન કેવી રીતે આપણી સેવાને ઉચ્ચ ગરિમાનું દાન કરી શકે છે. આમ સેવા-લીલાની પરસ્પર પૂરકતા નિર્ભરતા જોવી જોઈએ.

જેવી રીતે બાળકો પત્તાનો મહેલ બનાવતાં હોય છે તેમાં બે પત્તાં એક- બીજાના ટેકાહી જેમ ટકે છે, તે જ પ્રમાણે ઘુમ્મટની ઢળતી છતો જેમ એક બીજાના આધારે ટકી રહે છે તેમ ભગવલ્લીલા અને આપણા વડે કરાતી સેવારૂપી કૃતિ-કર્મ કેવી રીતે એક-બીજા પર આધાર રાખે છે તે વિચારવું જોઈએ. પરસ્પર નિર્ભરતાને તમે ફૂદડીના દૃષ્ટાન્તહી પણ સમજી શકો છો. જન્માષ્ટમીના દિવસે એક-બીજાનો હાહ પકડીને જ્યારે આપણે ગોળ-ગોળ ફરીએ છીએ ત્યારે વિચારો કે કોણ કોના આધાર પર ટકેલું છે? બન્ને એક-બીજા પર ટકેલા છે. જો બેમાંહી કોઈ પણ હાહ છોડી દે તો બન્નેય પડશે, કારણ કે બન્ને એક-બીજા પર નિર્ભર છે. બસ તે જ રીતે સેવા એ લીલા પર નિર્ભર છે અને લીલા સેવા પર નિર્ભર છે.

સેવા-કહાની પરસ્પર ઉપકારકતાઃ

જો આપણે ભગવલ્લીલાનું શ્રવણ-કીર્તન-સ્મરણ કરી શકીએ છીએ, ભાવન કરી શકીએ છીએ અને સાહે-સાહે ભગવત્સેવા પણ કરી શકીએ છીએ તો ભગવાનની આપણા ઉપર મોટી કૃપા છે એમ સમજવું જોઈએ. પણ જો કોઈ વ્યક્તિ ભગવલ્લીલાનું સ્મરણ તો કરે છે પરન્તુ જો તે પ્રભુની સેવા નહી કરતો તો તેમાં કંઈક ગરબડ છે. જેવી રીતે કોઈ વ્યક્તિ પોતાના બાળક, પતિ-પત્ની બધાંને યાદ તો કરે છે પણ એની સાહે રહેતો નહી. સાહે રહેવામાં એને કંટાળો આવે છે. આપણે સમજી શકીએ છીએ કે તો પછી કંઈક ગરબડ છે. અરે ભાઈ, જ્યારે તું યાદ કરે છે, પત્ર લખે છે, ફોટો પણ ટીંગાડ્યો છે, તો પછી સાહે રહેવામાં શી તકલીફ છે? એક તરફ આ સ્હિતિ અને બીજી એવી કે જેમાં કોઈ માણસ પ્રભુની સેવા તો કરે છે પણ પ્રભુની લીલાનું શ્રવણ-કીર્તન-સ્મરણ કરતો નહી. જેમ કે કોઈ બે વ્યક્તિ સાહે તો રહે છે, પણ એક સવારે જાગીને પોતાના કામ પર ચાલ્યો જાય છે, બીજો પોતાના કામમાં લાગ્યો રહે છે. ભોજનના સમયે ભોજન કરી લે છે. આમ યંત્રની માફક બધું ચાલ્યા કરે છે. જીવનમાં ન હંસી-મજાક, ન બોલ-ચાલ, ન હરવા-ફરવા જવું. ‘‘ન ઉદ્ધવકો લેન ન માધવકો દેન, જૈસે બાલમ ઘર ભલે તૈસે ભલે વિદેશ!’’ આવી યન્ત્રવત્‌ સેવા કરનારા પણ હોઈ શકે છે. ન તો એને અમારી સાહે લેવા-દેવા, ન તો અમને એની સાહે લેવા-દેવા. બસ, એક બળદગાડામાં જોડેલા બે બળદોની માફક સાહે-સાહે ચાલી રહ્યા છે. જ્યાં સુધી હાંકવાવાળો હાંકે ત્યાં સુધી ચાલવાનું છે. બળદગાડામાં જોડાયેલા બળદોની માફક ઘર-ગૃહસ્હી સંભાળવી એ એક જુદી વાત છે અને એક-બીજાના સાહની મજા માણવી એ જુદી વાત છે જેમ બે મિત્રો સાહે ફરવા જાય, એકબીજાનો હાહ પકડીને, એકબીજાના ખભાપર હાહ મૂકીને વાતો કરતા ચાલે તો ફરવાનો આનન્દ જ કંઈક જુદો હોય છે. તેજ પ્રમાણે ભક્તિમાર્ગમાં સેવા અને ભગવલ્લીલા નું છે.

લીલા-સેવાનો સમન્વયઃ

સેવા આપણું કર્મ છે, ધ્યાનહી સમજી લો કે સેવા આપણે કરવાની છે અને લીલા ભગવાને કરવાની છે. ભગવાન્‌ જે કરે છે તેને ‘લીલા’ કહેવાય છે; આપણે જે કરી રહ્યા છીએ તેને ‘સેવા’ કહેવાય છે. આ લીલા-સેવા બન્નેમાં મૈત્રીનો સમ્બન્ધ છે. જ્યારે ભગવાન્‌ આપણા ખભાપર લીલાનો હાહ મૂકી દે છે અને જ્યારે આપણે ભગવાનના ખભાપર સેવાનો હાહ મૂકી દઈએ છીએ. આમ જ્યારે આપણે ભક્તિમાર્ગમાં આગળ વધીએ છીએ ત્યારે ભક્તિમાર્ગની જે મજા આવે છે તે કંઈક નોખી જ હોય છે. એ મજા ભગવાનને પણ આવે છે અને ભક્તને પણ આવે છે. નહીં તો શ્રીમહાપ્રભુજીએ બળદગાડું ચલાવ્યું છે ભક્તિમાર્ગનું, ભગવાન્‌ પણ બિચારા તેમાં જોડાયેલા છે! ભગવાન્‌ ક્યાં જાય? આપણે પણ ક્યાં જઈએ! કંઠી પહેરી લીધી છે, કર્તવ્યબોધના ડંડા પડે છે તેહી દોડી રહ્યા છીએ. ધ્યાન રાખો, દોડવામાં પુરુષાર્હ અવશ્ય છે પણ ભગવાનની સાહે ચાલવાનો આનન્દ નહી. જો આ ભક્તિમાર્ગપર ભગવાનની સાહે ચાલવાનો આનન્દ લેવો હોય તો ભગવાનના ખભા પર આપણો સેવાનો હાહ મૂકવો પડશે. હાહ ખભા પર મૂકવો, કમરમાં નાખવો કે હાહમાં રાખવો તે મુદ્‌દાની વાત નહી. ધ્યાનહી સમજી લો કે મુદ્‌દો એટલો જ છે કે બન્નેનો એક બીજા સાહે કાંઈક સમ્બન્ધ હોવો જોઈએ. ભક્તિમાર્ગ પર ભગવાન્‌ અને જીવ બન્ને ચાલી રહ્યા છે પણ જે પ્રકારની તન્મયતા બે મિત્રોની સાહે ચાલવામાં હોય છે, સાહે ચાલવાનો જેવો આનન્દ બે મિત્રો ઉઠાવે છે તેવી તન્મયતા જો ભક્તિમાર્ગપર ચાલવામાં આપણને કેળવવી હોય, તેવો આનન્દ જો આપણે ભક્તિમાર્ગ પર ચાલવામાં માણવો હોય તો અને તેવો આનન્દ ભગવાનને પણ આપવો હોય તો લીલા અને સેવાનો સમન્વય કરવો ખૂબ જરૂરી છે. ભગવલ્લીલાનો ભગવત્સેવામાં સમન્વય આપણે ત્યાં કેટલી સરળતા, સહજતાહી આપણા વડીલોએ ગૂંથ્યો છે તે વાતને જો સમજીએ તો સેવાનું શું સ્વરૂપ છે અને લીલાનું શું પ્રયોજન છે તે સમજાઈ જશે. આ વાત શ્રીલાલૂભટ્‌ટજીએ ખૂબ સુન્દર રીતે સમજાવી છે.

ચતુર્વિધ ભગવલ્લીલાઃ

શ્રીલાલૂભટ્‌ટજી ‘ફલવિવેક’ ગ્રન્હના પ્રારમ્ભમાં સમજાવે છે કે પ્રભુની લીલા ચાર પ્રકારની છેઃ

૧.તામસભાવવાળી લીલા

૨.રાજસભાવવાળી લીલા

૩.સાત્વિકભાવવાળી લીલા

૪.નિર્ગુણભાવવાળી લીલા

આવી ચાર પ્રકારની લીલાઓ પ્રભુ શા માટે કરે છે? તો સમજી લો કે જીવમાં પણ આવા ચાર પ્રકારના ભાવો હોય છે. કેટલાક જીવોમાં પ્રભુ પ્રત્યે તામસભાવ હોય છે, કેટલાકમાં રાજસભાવ હોય છે, કેટલાકમાં સાત્વિક ભાવ હોય છે તો કેટલાક જીવોમાં પ્રભુ પ્રત્યે નિર્ગુણ ભાવ હોય છે.

લીલાને અનુરૂપ ભાવનાઃ

આપણે બધા જાણીએ છીએઃ‘‘જાકી રહી ભાવના જૈસી, પ્રભુમૂરત તિન દેખી તૈસી’’ જેની જેવી ભાવના હોય તેવી તેને પ્રભુનું સ્વરૂપ દેખાય છે. આ કાંઈ નાની સરખી વાત નહી કહેવામાં આવી. બે ડગલાં આગળ ચાલીને ત્યાં જ કહેવામાં આવ્યું છે કે ‘‘જાકી રહી ભાવના જૈસી, પ્રભુમૂરત તિન કરદી તૈસી’’. પ્રભુની મૂર્તિ તેણે પોતાની ભાવના પ્રમાણે બનાવી દીધી.

પ્રભુની મૂર્તિ ચાર પ્રકારની છે તો પ્રભુની લીલા પણ ચાર પ્રકારની છે. પ્રભુની વાતો પણ ચાર પ્રકારની છે. પ્રભુની લીલાનો પ્રભાવ પણ ચાર પ્રકારનો છે.

પ્રભુએ ભક્તના ભાવને અનુરૂપ પોતાનું સ્વરૂપ પ્રકટ કર્યું છે અને જેવું સ્વરૂપ પ્રકટ કર્યું છે તેવા સ્વરૂપને અનુરૂપ લીલાઓ પણ પ્રભુએ કરી છે. આ લીલાઓ ભક્તને ભગવાન્‌ તરફ શા માટે આકર્ષે છે? ભગવાન્‌ પણ ભક્ત તરફ શા માટે આકર્ષાય છે? આનું કારણ એ છે કે બન્ને પરસ્પર અનુરૂપ છે. પાણીમાં તેલ એટલી સહેલાઈહી નહીં ભળે કે જેટલી સરળતાહી પાણીમાં પાણી ભળી જતું હોય છે. આમ જો એક-બીજામાં ભળવાનું છે તો એક-બીજાને અનુરૂપ પણ હવું પડશે. જો અનુરૂપ હઈશું તો સારી રીતે ભળી શકીશું, નહીં તો નહીં. આ વાત ફક્ત પાણી અને તેલની નહી, આ વાત મનની પણ છે. આ વાત ફક્ત મનની નહી, આ વાત આપણા પરિવારની પણ છે. આજ વાત ગુરુ-શિષ્ય, રાજા-પ્રજા, ડોક્ટર-રોગી, ભાઈ-ભાઈ, પતિ-પત્ની, માતા-પિતા અને સન્તાનો વચ્ચે પણ છે. જ્યારે એકબીજાને અનુરૂપ હઈએ, જ્યારે એકબીજાને પ્રતિરૂપ હઈએ ત્યારે જેવું સુખ, જેવી પ્રસન્નતા જેવો પ્રભાવ દૃષ્ટિગોચર હાય તેવો પ્રભાવ અનુરૂપતા વગર હવો કઠિન છે. આમ લીલા અને ભગવત્સેવા, ભગવત્સેવા અને ભગવલ્લીલા એક-બીજાને અનુરૂપ કેવી રીતે છે તે વાત શ્રીલાલૂભટ્‌ટજી સમજાવી રહ્યા છે.

પરસ્પર અનુરૂપતાનું તાત્પર્યઃ

ભગવલ્લીલા અને ભગવત્સેવાનું એક-બીજા સાહે અનુરૂપ હવાનો સીધોસાદ ો અર્હ છે ભક્ત અને ભગવાનની પરસ્પર અનુરૂપતા. ભગવાન્‌ આપણા અનુરૂપ હવા માંગે છે તો આપણે ભગવાનના અનુરૂપ હવું પડશે. જો બન્ને પરસ્પર અનુરૂપ નહીં હાય તો કોઈને કોઈ અવરોધ આવ્યા જ કરશે. એક સામાન્ય વાત તમને બતાવું તો જ્યારે આપણે બાલભાવહી પ્રભુની સેવા કરતા હોઈએ ત્યારે જો આપણાને બાલલીલાનું સ્ફુરણ ન હાય તો સમજવું કે આપણી પ્રભુસેવામાં કંઈક ખામી છે. આપણે કિશોરભાવહી સેવા કરતા હોઈએ, પણ ત્યારે જો કિશોરલીલા ન સ્ફુરે તો સેવામાં કાંઈ ને કાંઈ ખામી આવશે જ. આપણે શ્રીમહાપ્રભુજીના માર્ગમાં સેવા કરતા હોઈએ પણ શ્રીમહાપ્રભુજીનો સિદ્ધાન્ત જાણતા ન હોઈએ તો સેવામાં કોઈ ને કોઈ અવરોધ આવશે જ. તાત્પર્ય એ છે કે પરસ્પર અનુરૂપતા હોવી ખૂબ જરૂરી છે.

અનુરૂપતા ન હવાહી અનિષ્ટઃ

પરસ્પર અનુરૂપતા નહીં હોય તો શું હાય? આપણે દાળમાં ચોખા મેળવીએ તો ખીચડી બની જાય. પણ ખીચડી જમતી વખતે જો મોઢામાં કાંકરી આવે તો આપણે શું કરીએ? હૂંકી નાખીએ છીએ. કોઈ કહી શકે કે કાંકરી પણ તો ચોખા જેટલી નાની હોઈ શકે છે! તો સમજો કે કાંકરી ચોખા જેટલી નાની હોઈ શકે પણ તે દાળ-ચોખાને અનુરૂપ હઈ શકતી નહી, તેહી આપણે તેને હૂંકી નાખતા હોઈએ છીએ. ખીરમાં પણ કોઈ વાર કાંકરી આવી જાય તો આપણે હૂંકી કાઢીએ છીએ. શા માટે? કારણ કે તે દૂધને અનુરૂપ હઈ શકતી નહી. આની સામે ચોખા જ્યારે દૂધમાં બફાય છે ત્યારે દૂધને અનુરૂપ હઈ જાય છે. દૂધ જ્યારે ચોખામાં જાય ત્યારે તે ચોખાને અનુરૂપ હઈ જાય છે. દૂધનો સ્વાદ જુદો હોય છે, ચોખાનો સ્વાદ જુદો હોય છે અને ખીરનો સ્વાદ આ બન્નેહી જુદો હોય છે. ખીરમાંના ચોખાએ દૂધનો કંઈક સ્વાદ લીધો છે. ખીરમાંના દૂધે ચોખાનો કંઈક સ્વાદ લીધો છે. આમ બન્ને એક-બીજાને અનુરૂપ હયા છે તેહી કરીને ખીરનો કોઈ સ્વાદ બને છે. બન્ને એકબીજાને અનુરૂપ હવાહી ખીચડીનો કોઈ સ્વાદ છે પરન્તુ કાંકરી ન તો ખીચડીના દાળ-ચોખાને અનુરૂપ હઈ શકે છે કે ન ખીરને અનુરૂપ હઈ શકે છે તેહી આપણે તેને હૂંકી કાઢીએ છીએ. એવી જ રીતે એકબીજાને અનુરૂપ નહીં હવાહી આપણા પુષ્ટિમાર્ગમાં પણ કેટલીક હૂ-હૂ હઈ રહી છે. કોઈ મને હૂ-હૂ કરતા હશે, તો હું પણ કોઈને હૂ-હૂ કરતો હોઈશ. આ બધી ગરબડ એક-બીજાને અનુરૂપ ન હવાહી હઈ રહી છે. જો આપણે એક-બીજાને અનુરૂપ હઈ જઈએ તો પછી સ્વાદ જ સ્વાદ છે. તો આ અનુરૂપતાની વાત ખૂબ ધ્યાનહી સમજવાની છે. આને આપ ગંભીરતાહી લેશો તો મારા કહેવાનો અર્હ તમને સમજાશે. શ્રીલાલૂભટ્‌ટજી કહે છેઃ

આધુનિકાનાં ત્રિવિધપુષ્ટિભક્તાનાં સાધનસાપેક્ષત્વાદ્‌ આદિતઃ આરભ્ય સેવાશ્રવણાદિપ્રકારઃ તામસાદિગુણ-નિવૃત્તિપ્રકારશ્ચ આધ્યાત્મિકરીત્યા.

સાત્વિક-રાજસ-તામસ આમ ત્રણે પ્રકારના આધુનિક પુષ્ટિભક્તોનો ઉદ્ધાર ભગવાન્‌ સાધન દ્વારા કરવા માંગે છે. તેહી આવા આધુનિક પુષ્ટિભક્તોને પોતાના અધિકાર, સાધન વગેરે વિષયનો સરખો બોધ હાય તે માટે સેવા, સ્મરણ, શ્રવણ, કીર્તન વગેરે પુષ્ટિભક્તિમાર્ગીય સાધનોનો અને તામસ, રાજસ વગેરે ગુણ દૂર કરીને તેઓ નિર્ગુણ અવસ્હાને પ્રાપ્ત કરે તેવા ઉપાયો આધ્યાત્મિક રીતે આરંભહી નિરૂપણ કર્યા છે.

ભગવલ્લીલાના અનુરૂપ બનોઃ

શ્રીમહાપ્રભુજીએ સૂરદાસજીને એક દિવસ કહ્યું હતુંઃ‘‘શૂર હ્વૈકે કાહે ઘિઘિયાત હૈ!’’ (શૂર-વીર; સૂર-વિદ્વાન) શૂર હઈને શા માટે કરગરે છે! આ જે ભાવ શ્રીમહાપ્રભુજીએ પ્રકટ કર્યો તેનો અર્હ શો હાય? આપશ્રીના કહેવાનો મતલબ એ હતો કે ભગવાન્‌ જ્યારે આપણા ઉપર અનુગ્રહ કરવા ચાહે છે અને તે સમયે જો આપણે કરગરતા રહીશું તો ખૂબ ગરબડ હઈ જશે. ભગવાન્‌ કહેશે કે આ તો મારે અનુરૂપ નહી. ભગવાન્‌ પૂરા ઉમંગહી આપણને મળવા આવી રહ્યા છે, તો પણ આપણે ઘિઘિયાઈ રહ્યા છીએ. ‘‘હોં પતિતનકો ટીકો, મો સમ કૌન કુટિલ ખલ કામી’’ સૂરદાસજીની ભગવાન્‌ સાહે અનુરૂપતા હઈ નહોતી. અનુરૂપ હવા શ્રીમહાપ્રભુજીએ તેમને ટોક્યા ‘‘શૂર હ્વૈકે કાહે ઘિઘિયાત હૈ! કછુ ભગવલ્લીલા ગા!’’. લીલાગાન શા માટે કરાવ્યું? એટલા માટે કે લીલાગાનની પ્રક્રિયાદ્વારા સૂર ભગવાનના એ સ્વરૂપને અનુરૂપ હઈ જાય જે સ્વરૂપની સેવા કરવાની દીક્ષા શ્રીમહાપ્રભુજી સૂરદાસજીને આપવા માંગે છે, સૂરદાસજી જ્યારે ભગવાનની લીલાનું ગાન કરશે ત્યારે તેઓમાં ભગવાનને અનુરૂપ હવાનો ભાવ જાગશે.

રોદણાં ન રડો, ભગવાનની લીલા ગાઓઃ

તમને લાગશે કે આ શ્રીમહાપ્રભુજીના ચમત્કારની કોઈ વાત હશે, ચમત્કારની વાત હતી કે નહીં તે વાત એક વાર બાજુપર રાખો. સીધી-સાદી આ વાત સમજો. આપણે ત્યાં ૨૬મી જાન્યુઆરીના દિવસે પરેડ હાય છે. તેમાં તમે જોયું હશે કે પરેડ કરવાવાળા કોઈ ગીત ગાતા-ગાતા પરેડ કરે છે. આવું તેઓ કેમ કરતા હશે? કારણ કે ગીત ગાવાની પ્રક્રિયાદ્વારા તેમના દિલમાં કોઈ ઊર્મિઓ હિલોળા લેવા લાગે છે. તેહી જ જ્યારે કોઈ ડરપોકની સામે જો વીરતાનાં ગીત ગાવામાં આવે તો તેનામાં પણ વીરતાનો સંચાર હવા લાગે છે. જૂના જમાનામાં ભાટ-ચારણો યુદ્ધ વખતે રજપૂત રાજાઓ સામે વીરતાનાં ગીતો ગાતા. તેહી શું હતું? ગીત સાંભળીને તેમનામાં કોઈ શક્તિ વધી જતી નહોતી, પરન્તુ ઉમંગ વધી જતો હતો. કોઈ બહાદુર સૈનિક લડવા જઈ રહ્યો હોય તે વખતે જો કોઈ રડવાનાં ગીત ગાવા લાગે કે ‘‘હવે તો તું મરી જવાનો, તારા પરિવારનું શું હશે? તારી સ્ત્રી વિધવા હઈ જશે, તારા બાળકો ભૂખે મરી જશે ...’’. આવી બધી વાતો સાંભળીને બિચારા બહાદુરની પણ હિંમત પડી ભાંગે. આનું નામ છે ઘિઘિયાવું. ઘિઘિયાઓ મત, ભગવલ્લીલા ગાન કરો.

એક પ્રયોગ કરી જુઓ. રસોઈ કરતી કોઈ સ્ત્રીને એવી વાતો સંભળાવો કે ‘‘જો જે મીઠું વધારે પડી જશે’’ ‘‘તીખું હઈ જશે’’ ‘‘રસોઈ બળી ન જાય’’ બે ચાર વાર આવું આવું એને કહો. પછી જો તે ભલેને રાંધણકળામાં કુશળ હશે તો પણ તેની રસોઈ બગડવા માંડશે. તે નર્વસ હઈ જશે. આનાહી ઉલટું જો તમે તેને હિંમત આપશો, તેની પ્રશંસા કરશો તો બગડી જતી રસોઈ પણ સારી હવા માંડશે. તો જે વાત ભગવાન્‌ અને ભક્ત વચ્ચે હવાની છે તેને શ્રીમહાપ્રભુજી બનાવવા ઇચ્છે છે, બગાડવા માંગતા નહી. તેહી શ્રીમહાપ્રભુજીએ સૂરદાસજીને કહ્યું કે ‘‘શૂર હ્વૈકે કાહે ઘિઘિયાત હૈ! કછુ ભગવલ્લીલા ગા!’’ ભગવલ્લીલા ગા, જેહી તું ભગવાનને અનુરૂપ હઈ શકે. ગાતાં-ગાતાં તારામાં એ જોશ આવે, ઉમંગ આવે. આની સામે આપણે આજે કેવા ઉપદ્રવી હઈ ગયા છીએ કે આવું ગાતાં-ગાતાં પણ પાછા એવું વિચારીએ છીએ કે આપણો એવો અંગીકાર ક્યાં? એ તો દ્વાપરયુગની વાત હતી, હવે તો કલિયુગ છે. કલિયુગમાં તો બધા જ પાપી છે. કલિયુગમાં તો બધા જ પાખંડી છે. બધા જ ધર્મદ્વેષી છે. ધીમે-ધીમે આવું વિચારવાનું શરૂ કરશો તો ખરેખર તમે પાખંડી જ હઈ જશો, કારણ કે જ્યારે આપણે વિચાર જ એવો કરી રહ્યા છીએ કે ચારે તરફ આવું જ હઈ રહ્યું છે તો આપણે જાતે પણ એવા જ વિચારને અનુરૂપ હઈ જઈશું. તો શ્રીમહાપ્રભુજીનો સિદ્ધાન્ત આવી રીતે રોદણાં રડવાનો નહી. શ્રીમહાપ્રભુજીનો સિદ્ધાન્ત ભગવલ્લીલા ગાવાનો છે ‘‘શૂર હ્વૈકે કાહે ઘિઘિયાત હૈ! કછુ ભગવલ્લીલા ગા!’’ રોદણાં ન રડો, ભગવાનની લીલાનું ગાન કરો.

શ્રીમહાપ્રભુજીએ પણ ‘‘કૃષ્ણએવ ગતિર્મમ’’ કહ્યું તે પહેલાં ઘણી એવી વિષમ પરિસ્હિતિઓનો ચિતાર શ્રીકૃષ્ણાશ્રય ગ્રન્હમાં આપ્યો છે. ‘‘સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણિ, પાષણ્ડ પ્રચુરે લોકે...’’ પરન્તુ વિષયને ત્યાં છોડ્યો નહી, ક્યાં છોડ્યો છે? આ (માર્ગ, તીર્હ, ગુરુ વગેરે) બધું ભલે ખતમ હઈ જાય, છતાં પણ ‘‘મારી ગતિ (આશ્રય) તો કૃષ્ણ જ છે.’’ મારી એ ગતિ (આશ્રય) તો ક્યારે પણ ખતમ નહીં હાય. કૃષ્ણને તો હું મેળવીશ જ, મેળવીશ જ. કૃષ્ણ મને મળશે, મળશે અને મળશે જ. આમ એક નહીં અગિયાર વાર શ્રીમહાપ્રભુજી પુનઃ-પુનઃ કહે છે. તો કકળાટ કરવા શ્રીમહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય રચ્યો નહી, પણ કૃષ્ણનાં લીલાગાનમાં મારો દૃઢ આશ્રય (આધાર) કૃષ્ણ જ છે, બધાનો ભલે અંત આવે તો પણ કૃષ્ણ આપણને મળી શકે છે, બધું ભલે ખતમ હઈ ગયું હોય તો પણ આપણે કૃષ્ણને પામી શકીએ છીએદ્ગઆવી દૃઢતા જગાડવા માટે શ્રીમહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય રચ્યું છે. ભલે ને દરેક શ્લોકના ત્રણ ચરણોમાં વિષમતા દર્શાવી હોય તો પણ એક વાત ધ્યાનહી સમજીએ કે તે બધી વિષમતાઓ સામે કૃષ્ણ એક એવું મોટું ઘટક છે કે ‘‘સૌ (ચોટ) સુનારકી, એક (ચોટ) લુહારકી’’. ‘‘કૃષ્ણએવ ગતિર્મમ’’ એ લુહારના જેવો એક પ્રબળ પ્રહાર છે કે જે બીજા સો પ્રહારોને સરખા કરી દે છે. આવો જ લુહારનો એક(બીજો) પ્રહાર પાછો ‘શિક્ષાશ્લોકી’ માં પણ શ્રીમહાપ્રભુજીએ બતાવ્યો છે.

યદા બહિર્મુખા યૂયં ભવિષ્યહ કહઞ્ચન।

તદા કાલપ્રવાહસ્હા દેહચિત્તાદયોઽપ્યુત।।

સર્વહા ભક્ષયિષ્યન્તિ યુષ્માન્‌ ઇતિ મતિર્મમ।

ન લૌકિકઃ પ્રભુઃ કૃષ્ણો મનુ તે નૈવ લૌકિકમ્‌।।

ભાવસ્તત્રાપ્યસ્મદીયઃ સર્વસ્વશ્‌ ચૈહિકશ્ચ સઃ।

પરલોકશ્ચ તેનાઽયં સર્વભાવેન સર્વહા।।

સેવ્ય સએવ ગોપીશો વિધાસ્યત્યખિલં હિ નઃ।

‘‘સએવ અખિલં વિધાસ્યતિ’’ એ જ સર્વકાંઈ કરશે એમ કહીને શ્રીમહાપ્રભુજીએ શું સમજાવ્યું છે? એમ નહી સમજાવ્યું કે આખી દુનિયા જ બહિર્મુખ છે અને આપણે પણ બહિર્મુખ હઈશું ‘‘અબ હમ ભી જાનેવાલે હૈં, સામાન તો ગયા!’’. આવા બહિર્મુખ હવા માટે શિક્ષાશ્લોકી નહી લખી. કૃષ્ણાભિમુખ હવા શ્રીમહાપ્રભુજીએ શિક્ષાશ્લોકો લખ્યા છે કે ‘‘સેવ્ય સએવ ગોપીશો વિધાસ્યત્યખિલં હિ નઃ’’. તે કૃષ્ણને પકડો, તે કૃષ્ણને જ આપણી ગતિ માનો, બધું જ સુધરી જશે. શ્રીહરિવંશરાય બચ્ચનની કવિતા મને ઘણી જ પ્રિય છે તે તમને સંભળાવવા માંગુ છું.

ઇન ચિકને તાજે નયે હરે પત્તોંકે સાયેમેં સુમને!

ફિર પ્યાર નયા હો સકતા હૈ .

હર દંત સમયકા જો લગતા માનવ વિષદંત નહીં હોતા,

દુઃખ માનવકે મનકે ઉપર સબ દિન બલવંત નહીં હોતા,

આહેં ઉઠતીં, આંસુ ઝરતે, સપને પીલે પડતે લેકિન ,

જીવનમેં પતઝડ આનેસે જીવનકા અંત નહીં હોતા

ઇન ચિકને નયે તાજે હરે પત્તોંકે સાયેમેં સુમને!

ફિર પ્યાર નયા હો સકતા હૈ.

શ્રીમહાપ્રભુજી આપણને એ રીતે કૃષ્ણના સ્નેહનો ઉપદેશ આપવા માંગે છે કે જે ઉપદેશહી આપણે વિષમતાના બધાં વિઘ્નોને એવી જ રીતે પાર કરી શકીએ કે જેમ બિલ્વમઙ્‌ગલ સૂરદાસજીએ પોતાનાં વિઘ્નોને પાર કર્યા હતાં. પોતાની પ્રિયતમાને મળવા જતી વેળા વચમાં નદી આવી તો તરીને સામે પાર ચાલ્યા ગયા. પ્રિયતમાના મકાનની બારીમાં સાપ લટકતો હતો તેને દોરડું સમજીને ઉપર ચઢી ગયા. એવા પ્રકારના ઉમંગ અને ઉત્સાહની આ કહા છે. તેમની પ્રિયતમા લૌકિક હતી જ્યારે આપણો પ્રીતમ કૃષ્ણ તો કતુર્ં અકર્તું અન્યહાકર્તું સમર્હ-સર્વસમર્હ છે. પછી ગભરાવાની શી જરૂર? તેહી શ્રીમહાપ્રભુજી કહે છેઃ‘‘સેવ્યઃ સએવ ગોપીશો વિધાસ્યત્યખિલં હિ નઃ’’ તમે તેમની સેવામાં તમારી જાતને જોડી દો, ગભરાવાની કોઈ જરૂર નહી.

‘‘કાલોઽયં કઠિનોઽપિ શ્રીકૃષ્ણભક્તાન્‌ ન બાધતે’’ આ આપણો સિદ્ધાન્ત છે. તમે ધ્યાનપૂર્વક સમજી લો કે કાળ કઠણ હઈ શકે છે પણ કૃષ્ણ કઠણ હઈ શકતા નહી. કૃષ્ણ તો ઘણા કોમળ છે. પરન્તુ પ્રશ્ન એ છે કે એ કોમળ કૃષ્ણમાટે તમારે તમારું હૃદય કોમળ બનાવવું પડશે. એ કોમળ કૃષ્ણમાટે તમારે તમારા વિચારો કોમળ બનાવવા પડશે, તમારી વાણી કોમળ બનાવવી પડશે, તમારા વ્યવહાર કોમળ બનાવવા પડશે, તમારો આખો પરિવેશ કોમળ બનાવવો પડશે. અને જો તમે કઠોર બનવાના ચક્કરમાં ગુંચવાયા તો ધીરે-ધીરે બધી વસ્તુ કાળની જેમ કઠોર બનતી જશે. એટલી કઠોર હઈ જશે કે જેવી રીતે અજગર પોતાના સકંજામાં આપણને જકડીને ગળી જતો હોય છે તેમ કાળરૂપી અજગર આપણને ગળી જશે. કાળની આવી કઠોર ચૂડમાંહી આપણને બચાવવા માટે શ્રીમહાપ્રભુજી કહે છે કે ‘‘શૂર હ્વૈ કે કાહે ઘિઘિયાત હૈ! કછુ ભગવલ્લીલા ગા!’’ તે ભગવલ્લીલાને આપણે ભગવત્સેવામાં કેવી રીતે જીવી શકીએ તે વાત શ્રીલાલૂભટ્‌ટજીએ અહીં ખૂબ સુન્દરતાહી સમજાવી છે.

ભગવાનના પ્રાકટ્યના અનેકવિધ પ્રયોજનઃ

પ્રભુ પોતાના પ્રાકટ્યના અનેક હેતુઓ ગણાવતાં ગીતામાં કહે છેઃ

યદા-યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્‌ ભવતિ ભારત!।

અભ્યુત્હાનમ્‌ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્‌।।

પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્‌।

ધર્મ સંસ્હાપનાર્હાય સંભવામિ યુગે-યુગે।।

સાધુઓના રક્ષણાર્હે, દુષ્કૃત્યો કરનારાઓના વિનાશાર્હે અને ધર્મના સ્હાપનમાટે ભગવાન્‌ અવતાર ધારણ કરે છે. આ તો ભગવાને ગણાવેલા હેતુઓ છે, પરન્તુ ભગવાને ગણાવ્યા નહી તેવા પણ પ્રાકટ્યના હેતુઓ ભાગવત્‌ વગેરે પુરણોમાં વર્ણવેલા છે.

વરદાનના પરિપાલન માટે પ્રાકટ્યઃ

રામાવતારમાં તપસ્વી ઋષિઓને પ્રભુએ વરદાન આપ્યું હતું. રામાવતારમાં પરન્તુ તે વરદાનનું કાર્ય સિદ્ધ હાય તેમ નહોતું. તેહી તપસ્વીઓના મનોરહો ભગવાને શ્રીકૃષ્ણાવતારમાં પૂર્ણ કર્યા હતા. આ પ્રકારે વરદાનના પરિપાલન માટે પણ પ્રભુ પ્રકટ હયા છે. શ્રીરામનો અવતાર પણ કોઈ વરદાનની સાર્હકતા માટે હયો હતો. તેવી જ રીતે નૃસિંહ અવતાર, વામન અવતાર વગેરે ભનવાનના અનેક અવતારો પણ વરદાનની સાર્હકતા માટે હયા હતા.

અભિશાપના ભોગમાટે પ્રાકટ્યઃ

આ સિવાય એવું પણ હયું છે કે પ્રભુએ કોઈક અભિશાપને સ્વેચ્છાએ સ્વીકાર્યા છે. એ અભિશાપને આધીન પણ પ્રભુ પ્રકટ હયા છે. જેમ રામાવતારની વાત લઈએ તો શ્રીરામે વાલીને માર્યો. તેણે રામને પૂછ્‌યું કે તમે આમ શા માટે કર્યું? શ્રીરામે ખૂબ સહજ ભાવે કહી દીધું કે હવે પછી (બીજી વાર) તું મને તીર મારી લેજે! તો પ્રભુ આવી રીતે પણ પ્રકટ હયા છે. પ્રભુમાં અભિશાપને અન્યહા કરવાનું સામર્થ્ય નહોતું એવી વાત નહી. સામર્થ્ય તો છે જ, પરન્તુ આપે અભિશાપને સ્વેચ્છાહી સ્વીકાર્યો તે પ્રભુની વિલક્ષણતા છે.

ભક્તિયોગના વિસ્તાર (ફેલાવા) અર્હે પ્રાકટ્યઃ

આ બધાહી અલગ પ્રભુના પ્રાકટ્યનું એક અનોખું પ્રયોજન કુન્તાજી આપણને બતાવે છે કે ‘ભક્તિયોગવિતાન’ માટે એટલે ભક્તિયોગના વિસ્તાર-પ્રસાર માટે પણ પ્રભુ પ્રકટ હાય છે. એટલે પ્રભુની ભક્તિ કરવાની ઇચ્છાવાળો કોઈ જીવ ભૂતલ ઉપર પ્રકટ હયો હોય તો તેને માટે પણ પ્રભુ પ્રકટ હાય છે. કારણ કે જો પ્રભુ પ્રકટ ન હાય તો જીવ ભક્તિ કેવી રીતે કરી શકે? જીવની અંદર મૂળમાં તો ભક્તિનો બીજભાવ રહેલો હોય છે પણ તે બીજભાવ ત્યારે જ અંકુરિત, પલ્લવિત, પુષ્પિત અને ફલિત હાય છે કે જ્યારે પ્રભુ પ્રકટ હાય.

પ્રભુના એક અવતારમાં કોઈ એક જ પ્રયોજન હોય એવું નહી. આપણે કોઈ સ્હળ તરફ જઈએ તો ત્યાં જવાના પણ દશ પ્રયોજન-હેતુ હોઈ શકે છે. તેવી જ રીતે પ્રભુના પ્રાકટ્યનું એક જ પ્રયોજન હોવું જરૂરી નહી. અનેક હેતુઓ માટે એક પ્રાકટ્ય હોઈ શકે છે અને કોઈ એક હેતુ માટે પ્રભુનાં અનેક પ્રાકટ્ય પણ હઈ શકે છે.

ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે પ્રભુનું પ્રાકટ્ય જેમ ધર્મ-અર્હ-કામમો ક્ષની વ્યવસ્હાને સુધારવા માટે હતું હોય છે તેવીજ રીતે ભક્તિયોગના પ્રસાર માટે પણ હાય છે.

અવતારકાળમાં ભગવાન્‌ ડ્રાઈવર છે?ઃ

પ્રભુના પ્રાકટ્યનું પ્રયોજન સમજવું આપણા સૌ માટે ખૂબ આવશ્યક છે, ખાસ કરીને ત્યારે કે જ્યારે પ્રભુ પ્રકટ બિરાજતા નહી. પ્રભુ જ્યારે પ્રકટપણે બિરાજે છે તે વખતે તો પ્રભુની સમ્મુખ હવા માત્રની જ જરૂર હોય છે. કારણ કે મોટે ભાગે તે વખતે સમજવા માટેનો ભાગ તો પ્રભુ સંભાળી લેતા હોય છે. આ વાતને તમે ગાડીના ડ્રાઈવર અને (ગાડીમાંના) યાત્રિઓના ઉદાહરણહી સમજી શકશો. જેમ કે તમારે દિલ્હીહી કિશનગઢ જવું છે. (તો) તમે બસ પકડી લીધી. બસનો ડ્રાઈવર, દિલ્હીહી કિશનગઢના રસ્તામાં આવતા બધા ડાબા-જમણા વળાંકોને જાણતો હોય છે, તે આરામહી તમને કિશનગઢ લઈ જશે. અજાણ્યો માણસ પણ ગાડીને યોગ્ય દિશામાં સલામતીપૂર્વક ચલાવી શકે તે માટે રસ્તા પર ડાબા-જમણા વળાંકો તેમજ કિલોમીટર સૂચવતા પથ્હર-પાટિયાં લગાવેલાં હોય છે. તેહી યાત્રી એ પણ જાણી શકે કે તેણે કેટલા માઈલ અંતર કાપ્યું છે. પરન્તુ જે વ્યક્તિ આ બધી વાત જાણે જ છે. (જેમકે ટેક્સી યા બસ ડ્રાઈવર) તેને ગાડી ચલાવતી વખતે માઈલસ્ટોન જોવાની જરૂર નહીં પડે કે એને કોઈ સૂચના-પાટિયાં વાંચવા નહીં પડે. વગર વાંચ્યે જ વાહન ચલાવી શકશે. એ માઈલસ્ટોન જોયા વગર પણ બતાવી શકશે કે કિશનગઢ પહોંચતાં કેટલી વાર લાગશે. હવે ધારો કે તમને કિશનગઢનો રસ્તો ખબર નહી અને તમારે જાતે જ ગાડી ચલાવીને કિશનગઢ પહોંચવું છે તો તમારે સાવચેતીહી ગાડી ચલાવવી પડશે. નહીં તો શક્ય છે કે કિશનગઢને બદલે તમે બીજે ક્યાંક પહોંચી જાઓ. તેહી આપણા માટે એ બધી સૂચના વાંચવી જરૂરી હઈ પડશે. ડ્રાઈવર સૂચના ન વાંચે એનો અર્હ એ નહી કે તમારે પણ સૂચના નહીં વાંચવી અને તમારે વાંચવી પડે છે તેનો અર્હ એ નહી કે ડ્રાઈવરે એ વાંચવું. આ બન્ને બાબતો ધ્યાનમાં રાખીએ તો હવે આગળની વાત સમજવામાં આવશે.

અનવતારકાળમાં ડ્રાઈવર આપણે છીએઃ

પ્રભુ જે વખતે પ્રકટ બિરાજતા હોય છે ત્યારે તો પ્રભુની સન્મુખ હવા માત્રહી આપણી અંદર ભક્તિ પ્રકટ હઈ શકે છે. પરન્તુ જે વખતે પ્રભુ પ્રકટ સ્વરૂપે બિરાજતા નહી તે વખતે પણ ભગવત્સન્મુખ હવા માત્રહી જ ભક્તિ પ્રકટ હઈ જશે એવી વધુપડતી આશા રાખવી ન જોઈએ. આ ખોટી આશા છે. અવતાર કાળમાં તો પ્રભુ પોતાના પુરુષાર્હહી, પોતાના પ્રયાસહી જ જીવને પોતાની સન્મુખ કરી લેતા હોય છે, પરન્તુ જ્યારે પ્રભુ પ્રકટ બિરાજતા નહી હોતા ત્યારે તો આપણે આપણા પ્રયાસોહી પ્રભુની સન્મુખ હવું પડશે. આવા વખતે આપણે અત્યન્ત સાવધાની રાખવી પડશે. કારણ કે શું કરવાહી આપણી પ્રભુ સન્મુખતા સાચી સન્મુખતા હશે અને કેવા પ્રયાસહી આપણી પ્રભુસન્મુખતા સાચી સન્મુખતા નહીં કહેવાય તેની સાવધાની પણ આપણે પોતે જ રાખવી પડશે.

સાવધાન!ઃઅનવતાર કાલ છેઃ

મેં તમને છપ્પનભોગનું એક ઉદાહરણ આપેલું. લોકો છપ્પનભોગનાં દર્શન કરવા જતા હોય છે. તેમને પૂછીએ તો તેઓ કહેશે ‘‘પ્રભુસન્મુખ હવા જઈએ છીએ’’. પણ ભલા માણસ, તમે છપ્પનભોગની સામગ્રીની સન્મુખ હવા જઈ રહ્યા છો કે પ્રભુની સન્મુખ તેની શી ગરેન્ટી? આને તમે કેવી રીતે જાણી શકો? તમે તમારા મનને પૂછી જુઓ. છપ્પનભોગના આયોજકને પૂછી જુઓ કે તેણે ક્યા હેતુહી છપ્પન ભોગનું આયોજન કર્યું છે. જે તે તમને પ્રભુસન્મુખ કરવા માટે મનોરહ કરતો હોય તો સહુહી પહેલા તે પોતે પોતાના પૈસાહી પોતાના સેવ્યપ્રભુના મનોરહો કરીને જાતે જ કેમ પ્રભુસન્મુખ નહી હતો? ગામમાંહી છપ્પનભોગનો ફાળો શા માટે ઉઘરાવે છે? એક ખાનગી વાત કહું છું, ધ્યાનહી સાંભળજો. છપ્પનભોગના આયોજકોને ક્યારેક ધ્યાનહી જોજો, તોઓ ઠાકોરજીની સન્મુખ હવાને ઠેકાણે લોકોની ભીડને જોતાં ઉભા હોય છે. તેઓ એજ જોયા કરતા હોય છે કે કેટલા લોકો આવ્યા અને કેટલા લોકો બાકી રહી ગયા! શ્રીઠાકોરજીને પંખો કરતી વખતે પણ તેઓની નજર તો દર્શનાર્હીઓ તરફ જ હોય છે. શ્રીઠાકોરજી અહીં બિરાજતા હોય ને જુએ ત્યાં. આનું શું કારણ? સીધી વાત છે કે છપ્પનભોગનો હેતુ પ્રભુસન્મુખતાનો નહી. તેવી જ રીતે દર્શન કરવા જવાવાળાનો હેતુ પણ પ્રભુસન્મુખતાનો નહી હોતો. સામગ્રી સિદ્ધ કરવાવાળાનો હેતુ પણ પ્રભુ સન્મુખતાનો નહી હોતો. તો સમજવાનો પ્રયત્ન કરો કે જ્યારે ભક્તિમાર્ગની ગાડીને આપણે જાતે ચલાવવાની છે ત્યારે આ બધી બાબતો વિચારવી પડશે, બધી સાવધાની પણ રાખવી પડશે.

અવતાર-અનવતારકાલનો ભેદ સમજી લોઃ

સાવધાન હવા માટે આપણામાં સિદ્ધાન્તનું જ્ઞાન હોવું જરૂરી છે. અવતારકાળમાં તો મેં પહેલા કહ્યું તેમ પ્રભુએ પોતે સાવધાનીનો હિસ્સો બસ ડ્રાઈવરની જેમ પોતાના હાહમાં લઈ લીધો હોય છે. તેહી યાત્રી જો બસમાં સૂઈ પણ જાય તો પણ સ્ટેશન આવે ત્યારે કંડક્ટર તેને જગાડી દે છે. તે જ રીતે ભક્તિની ગાડી જ્યારે પ્રભુ ચલાવી રહ્યા હોય છે ત્યારે જો આપણે સૂતા(નિઃસાધન) પણ હોઈશું તો પણ પ્રભુ આપણને જ્યાં પહોંચાડવા માગતા હશે ત્યાં સ્વયં પહોંચાડી દેશે. પરન્તુ જ્યારે ગાડીને આપણે જાતે ચલાવી રહ્યા છીએ ત્યારે જો ઉંઘી જઈએ તો? ત્યારે તો આપણે બીજે ક્યાંક પહોંચી જઈએ. તો આ બધી બાબતો વિશે વિચારીને આપણે સાવધાની રાખવી પડશે. પ્રભુના પ્રાકટ્યકાળ અને અપ્રાકટ્યકાળની વચ્ચે આટલો ભેદ છે.

બન્ને કાળમાં ભક્તિ તો તેની તે જ છે. યાત્રા પણ તેની તે જ છે. એટલે કે અહન્તા-મમતાને કારણે સાંસારિક વસ્તુઓમાં હતી આપણી લૌકિક આસક્તિહી ભગવદ્‌ આસક્તિની તરફ વધવાની યાત્રા પણ તે જ છે. એ યાત્રાના માઈલ્‌સ્ટોન, સૂચનાનાં પાટિયાંઓ, જમણી-ડાબી તરફના વળાંક એમના (એટલે અવતારકાલીન ભક્તના) અને આપણા (એટલે અનવતારકાલીન ભક્તના) જુદા-જુદા નહી હોતા. છતાં પણ તેઓ સૂતા-સૂતા પણ મુકામે પહોંચી જશે અને જો આપણે સૂઈ ગયા તો સર્વનાશ હઈ જશે. એટલે આપણે જાગૃત રહેવું પડશે કારણ કે ગાડી આપણે ચલાવી રહ્યા છીએ. એટલે પ્રભુના પ્રાકટ્યકાળ અને અપ્રાકટ્યકાળનો ભેદ આપણે સમજવો પડશે, નહીંતો પ્રભુની સન્મુખ હવામાં પણ કંઈક ગોટાળો કરીબેસીશું.

સેવા-લીલામાં અનુરૂપતાનું પ્રમાણઃ

અવતારલીલામાં જીવની ભક્તિયાત્રામાં જે પણ ક્રમ નિશ્ચિત હયો છે તેમાં લીલાસ્હ જીવને એવો બતાવ્યો છે કે જાણે કે તે સૂઈ રહ્યો છે, કોઈ સાવધાની નહી અને પોતાના કામમાં સંલગ્ન છે અને અચાનક પ્રભુએ તેને પોતાની પાસે ખેંચી લીધો. પણ, અત્યારના સમયમાં તો તે લીલા પ્રકટ નહી, સાધન આપણે જાતે કરવાના છે. આ સમયમાં આપણાહી કરવામાં આવતી પ્રભુસેવાને લીલાનુરૂપ બનાવવા માટે લીલાવર્ણનમાંહી કયો અર્હ લેવો અને કયો છોડવો? અધિકારી બન્ને સમયમાં ભિન્ન-ભિન્ન છે. તો બન્નેની પરસ્પર અનુરૂપતા કેવી હોવી જોઈએ? હવે આ વાત હું સમજાવીશ.

કોઈ છોકરાના લગ્ન માટે પરિવારજનો એક છોકરી જોવા ગયા. ઘરે આવીને છોકરાને કહ્યું ‘‘છોકરી તો ખૂબ સુન્દર છે. ચાંદના જેવું તેનું મુખ છે’’. આ સાંભળીને તે છોકરો રડવા લાગ્યો. એણે વિચાર્યું કે ચાંદને તો વાળ હોતા નહી. આનો અર્હ એ કે તેના માહા પર ટાલ છે! અર્હ ન સમજવાહી આવો ગોટાળો હઈ શકે છે. એ જ પ્રમાણે છોકરીને કોઈ કહે કે તારા માટે તો અમે સિંહ જેવો છોકરો પસંદ કરી આવ્યા છીએ. છોકરી તો આ સાંભળીને રડવા લાગી કે હાય! હાય! મારા માટે તો પૂંછડીવાળો, ચાર પગવાળો વર શોધી લાવ્યા છો!’’ તેને સમજાવવી પડશે કે ‘સિંહ જેવો’ કહેવાનો અર્હ એમ નહીં કે તેને સિંહની માફક ચાર પગ અને પૂંછડી છે. અમે તો બીજા અર્હમાં તેને સિંહ જેવો કહેતા હતા. તો લીલાનુરૂપ સેવા અને સેવા અનુરૂપ લીલા જ્યારે આપણે કહીએ છીએ ત્યારે તેમાં પણ અનુરૂપતાનું પ્રમાણ આપણે નિશ્ચિત કરવું પડશે.

સેવામાં લીલા અને લીલામાં સેવાની અનુરૂપતાનું પ્રમાણ નિશ્ચિત કરતી વખતે સૌહી પહેલા સ્પષ્ટ સમજવું જોઈએ કે લીલામાં પ્રભુ સ્વતઃ (પોતાની મેળે) પ્રકટ છે. લીલામાં પ્રભુ સ્વતઃ પ્રકટ હવાને કારણે જીવને પોતાની સન્મુખ કરવાના બધા પ્રયત્નોની જવાબદારી અને સાવધાની પણ પ્રભુ જાતે જ નભાવતા હોય છે. આની સામે અનવતારકાળમાં સેવામાં પ્રભુને આપણે પ્રકટ કરવાના છે. પ્રભુને માત્ર પ્રકટ કરવાના નહી, પ્રભુ પ્રકટ જ રહે તેની સાવધાની પણ આપણે રાખવાની છે. (આ અંગે પુષ્ટિભક્તિમાર્ગની સ્વરૂપમાં ભાવપ્રતિષ્ઠા અને મર્યાદામાર્ગમાં મૂર્તિમાં દેવ પ્રતિષ્ઠાનો ભેદ પણ સમજવો ઉપકારક હઈ પડશે)

પૂજામાર્ગમાં મૂર્તિમાં દેવત્વ ક્યાં સુધી?ઃ

આપણે ત્યાં તો કોઈ બીજો જ સિદ્ધાન્ત અને ભાવ વર્ણવેલો હોવાહી આ વાત જો કે આપણે ત્યાં લાગુ પડતી નહી પણ મર્યાદામાર્ગમાં જ્યાં દેવમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે છે ત્યાં મૂર્તિમાં દેવત્વ ક્યાં સુધી રહે છે અને ક્યારે મૂર્તિમાંહી દેવતા વિસર્જિત હઈ જાય છે તેનો ખૂબ સુન્દર ખુલાસો કરવામાં આવ્યો છે. માની લો કે કોઈ મૂર્તિમાં તમે દેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને દેવના રૂપમાં એના પૂજનનો પ્રારમ્ભ કર્યો. હવે ત્રણ દિવસ સુધી જો તે દેવમૂર્તિ અપૂજિત રહી જાય તો તે પથ્હર હઈ જાય છે. દેવ રહેતી નહી. જે મૂર્તિમાંહી દેવત્વ તિરોહિત હઈ જાય છે તેના પૂજનની શાસ્ત્રમાં નિંદા છે. તે જ કારણસર દેવમૂર્તિ જોઈને તેની પૂજા કરવા માંડીએ એવો આપણા શાસ્ત્રનો સિદ્ધાન્ત નહોતો. આપણે પથ્હરની પૂજા નહી કરતા, દેવની પૂજા કરીએ છીએ. અને દેવને પણ આપણે ત્યારે પૂજીએ કે જ્યાં દેવમૂર્તિમાં દેવનું આવાહન કરીને પ્રતિષ્ઠાપન કર્યું હોય. કેટલાક મૂર્ખ લોકો એમ સમજે છે કે હિન્દુ લોકો પથ્હરને પૂજે છે, ધાતુને પૂજે છે. અરે આ વાત તમને કોણે કહી? અમે તો દેવને જ પૂજીએ છીએ, પથ્હર કે ધાતુને પૂજતા નહી. પથ્હર તો દુનિયામાં કેટલા બધા છે! ધાતુ તો દુનિયામાં કેટલી બધી છે! જયપુરના મૂર્તિમહોલ્લામાં જાઓ, મૂર્તિની દુકાનમાં જાઓ ત્યાં કેટલી બધી મૂર્તિઓ રાખેલી હોય છે! તે બધાને કોઈ પૂજે છે? નહી પૂજતા. એક વાત ધ્યાનહી સમજો કે આ આધુનિક લોકો રસ્તા પર નહેરુજી, ગાંધીજી, આંબેડકરજી, ઢીકણાજી, પૂંછડાજીનાં પૂતળાંઓ ઉભા કરીને તેના પર હાર ચઢાવતા ફરે છે. આપણે ત્યાં આવા પ્રકારે પૂતળાંઓને હાર ચઢાવવામાં આવતા નહી. આપણે તો દેવની પૂજા કરીએ છીએ. દેવની પૂજાનો અર્હ શો? જ્યાં દેવનું આવાહન કરીને તેની પ્રાણપ્રતિષ્ઠા કરેલી હોય તેની સાહે પૂજાનાં માધ્યમહી પૂજ્ય-પૂજકતાનો સમ્બન્ધ નભાવ્યો હોય તે. તમે પૂજા કરવાવાળા છો, મૂર્તિ પૂજ્ય છે. હવે જો તમારા અને મૂર્તિ વચ્ચેનો સમ્બન્ધ કાયમ છે તો તે દેવ છે, પૂજાનો સમ્બન્ધ કાયમ રહે તો તમે પૂજક છો. અને જો પૂજાનો સમ્બન્ધ તૂટ્યો તો શાસ્ત્ર પ્રમાણે મૂર્તિ(એ) દેવ રહેતી નહી અને તમે ફૂલ ચઢાવો તો પણ તમે પૂજક બની જતા નહી. શાસ્ત્ર એ આપણને આ સૂક્ષ્મતા સમજાવી છે. શા માટે સમજાવી? કારણ કે આપણે એમ સમજીએ છીએ કે ફૂલ-પાન-પાણીને મૂર્તિ પર ચઢાવી દેવાહી પૂજા હઈ ગઈ, પરન્તુ સમજી લો કે ફૂલ-પાન-પાણી ચઢાવવા તે ફૂલ-પાન-પાણીનો દુરુપયોગ પણ હઈ શકે છે. શાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે પૂજા ક્યારે કહેવાશે. જ્યારે પૂજાનું સાતત્ય ત્યાં જળવાયેલું રહે અને પૂજાનું સાતત્ય ક્યાં સચવાય છે? જ્યાં દેવનું આવાહન હોય, પ્રતિષ્ઠા હોય, દેવોચિત મર્યાદાહી તેની પૂજા સતત ચાલુ રહે તો પૂજાનો તે સમ્બન્ધ તેને પૂજ્ય દેવ બનાવશે અને તમને તેના પૂજક બનાવશે. જેવી રીતે એક છોકરો અને એક છોકરી સાહે રહે તો તેટલા માત્રહી તેઓને શાસ્ત્રના મતે પતિ-પત્ની કહેવાતા કે મનાતા નહી. પતિ-પત્ની તો ત્યારે કહેવાય કે જ્યારે તેમનો હસ્તમેળાપ હયો હોય, તેમણે (સપ્તપદીના) ફેરા ફર્યા હોય. બાકી તો તેઓ સ્ત્રી-પુરુષ છે, છોકરો-છોકરી છે. કોઈ વ્યક્તિનું સ્ત્રી હોવું કે પુરુષ હોવું એ સમ્બન્ધની સ્હાપનાનો વિષય નહી. તે તો વ્યક્તિનું સ્વરૂપ છે. જે પ્રાણી ઙ્ઘી રૂપે છે તે સ્ત્રી કહેવાય છે અને જે પુરુષ રૂપે છે તે પુરુષ કહેવાય છે. પતિ-પત્ની હવું એ કોઈ સમ્બન્ધની પેક્ષા રાખે છે. જો એવો કોઈ સમ્બન્ધ કોઈ છોકરા-છોકરી વચ્ચે સ્હાપિત હયો હોય તો તેઓ પતિ-પત્ની કહેવાઈ શકે છે. આને બહુ અઘરી વાત ન ગણો. બહુ સ્પષ્ટ વાત છે. શાસ્ત્રીય લગ્નની વાતને બાજુ પર રાખીને કાયદાની રીતે પણ આ જ વાત છે. જો તમે લગ્નના નોંધણીપત્રકમાં સહી કરો કે આ મારો પતિ આ મારી પત્ની છે. અમે બન્ને એકબીજાને પતિ-પત્ની માનીએ છીએ. તો કાયદાહી તમે બન્ને પતિ-પત્ની છો. નહીં તો સ્ત્રી-પુરુષ કહેવાશો. તેવી જ રીતે જો આવાહન પ્રતિષ્ઠા પૂર્વક પૂજનના સાતત્યહી જો કોઈ દેવમૂર્તિની સાહે તમારો સમ્બન્ધ છે તો તે દેવ કહેવાશે અને તમે પૂજક કહેવાશો. તેહી વાત સમજો કે પૂજાનો સમ્બન્ધ એકને દેવ અને બીજાને પૂજક બનાવે છે.

પ્રભુ સાહે ભક્તિહી કઈ રીતે જોડાવું?

આવી જ રીતે શ્રીમહાપ્રભુજી કહે છે કે કૃષ્ણના આકારવાળી હોવા માત્રહી કોઈ મૂર્તિ કૃષ્ણસ્વરૂપ બની જતી નહી. જો તમારો ભક્તિભાવ અને ભક્તિમય સમ્બન્ધ તેની સાહે સ્હાપિત છે તો તે કૃષ્ણ છે અને તો તમે કૃષ્ણના ભક્ત છો. જો તે મૂર્તિ સાહે તમારો ભક્તિભાવ ભર્યો સમ્બન્ધ નહી તો ન તો તે કૃષ્ણ રહી જાય કે ન તમે કૃષ્ણભક્ત રહ્યા. વાત આપણે ત્યાં પણ તેની તે જ છે. પરન્તુ ત્યાં (મર્યાદા ભક્તિમાં) પૂજાનું વિધાન શાસ્ત્રવિધિ પ્રમાણે બધી ક્રિયા અને આંતરિક શ્રદ્ધા આ બે પર અવલંબિત છે. તેનાહી હોડા અલગ રહીને શ્રીમહાપ્રભુજીએ ભક્તિનો પ્રકાર બતાવ્યો છે. ભક્તિનો પ્રકાર ભગવાનના માહાત્મ્યજ્ઞાન અને માહાત્મ્યજ્ઞાન પછી ભગવાન્‌ પ્રત્યે ભક્તના સુદૃઢ અને સર્વહી અધિક સ્નેહ પર અવલંબે છે.

માહાત્મ્યજ્ઞાનનો અર્હ ભગવાનના વિશે આપણી સમજ અને સુદૃઢ સર્વહી અધિક સ્નેહનો અર્હ હાય છે આપણા હૃદયનો પ્રભુ પ્રત્યેનો ભાવ. ભક્તિનો પ્રકાર આ બે ઉપર અવલંબે છે. એનાહી ભક્તિના સમ્બન્ધનો પ્રારંભ હાય છે.

ભક્તિનો સમ્બન્ધ કેવી રીતે નભે?

ભક્તિનો સમ્બન્ધ નભે નવધા ભક્તિહી. આ સમ્બન્ધ શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વન્દન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન હી નભે છે. તનુવિત્તજા સેવાહી આ સમ્બન્ધ નભે છે.

આ સમ્બન્ધ શું છે? ધ્યાનહી સમજો. આ સમ્બન્ધ પ્રભુની સાચી સમજ અને પ્રભુ પ્રત્યે સાચો ભાવ છે. ‘‘માહાત્મ્યજ્ઞાનપૂર્વસ્તુ સુદૃઢઃ સર્વતોધિકઃ સ્નેહો ભક્તિઃ’’ આ વચન આપણને એ કહે છે કે પ્રભુનું સ્વરૂપ સારી રીતે સમજો અને એને સમજીને પ્રભુ પ્રત્યે સાચા ભાવહી અભિમુખ હાઓ ત્યારે તે ભક્તિ કહેવાશે.

ભક્તિનો આ સમ્બન્ધ ભગવાનની સાહે નભશે કેવી રીતે? તે માટે શ્રીમહાપ્રભુજીએ સેવા અને કીર્તન ની પ્રણાલિકા બતાવી છે. ‘‘સેવાયાં વા કહાયાં વા યસ્યાસક્તિર્‌ દૃઢા ભવેત્‌, યાવજ્‌ જીવં તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્‌ મમ’’ સેવા અને કહા નો પ્રકાર ભક્તિના સમ્બન્ધને નભાવવાની વાત છે. જેમકે કોઈના લગ્ન હઈ ગયા, પરન્તુ પત્ની પીયરે રહે અને પતિ પરદેશમાં રહે. લગ્ન તો હઈ ગયા પણ બન્નેનું દાંપત્યનું શું? આવા લગ્ન તો હયા તો શું અને ન હયા તોય શું? તેવી જ રીતે પ્રભુ પ્રત્યે સાચો ભાવ અને સાચી સમજ હોવી એ ભક્તિના સમ્બન્ધની સ્હાપના છે. જ્યારે આપણે પ્રભુની સાહે ભક્તિનો સમ્બન્ધ સ્હાપિત કર્યો છે તો તે સમ્બન્ધને નભાવવાની ચતુરાઈનો ગુણ શ્રીમહાપ્રભુજી કહે છે તેમ આપણામાં હોવો જોઈએ.

સેવા-કહાહી ભક્તિ નભશેઃ

ભક્તિના સમ્બન્ધને નભાવવાની સિફત આપણે ત્યાં ગુણગાન સહિત સેવા કે સેવા અહવા કહા(શ્રવણ-કીર્તન-સ્મરણ) છે. આ આપણે ત્યાંનો એક સેટ્‌અપ છે, એક પ્રકારનું માળખું છે. આ માળખાને આપણે ખાસ સમજવું જોઈએ. ધ્યાનહી જોઈશું તો તમને આ વાત સમજાઈ જશે કે જો પ્રભુ પ્રકટ છે તો આ માળખાને નભાવવાની જવાબદારી પ્રભુની છે અને જ્યારે પ્રભુ પ્રકટ નહી તો આને નભાવવાની જવાબદારી જીવની હઈ જાય છે. જીવ જો સેવા-કહાને નભાવશે તો એ નભશે અને જો નહીં નભાવે તો આ માળખું કકડભૂસ હઈ જશે.

જો જો પુષ્ટિધન લુંટાઈ ન જાયઃ

જયપુરમાં એક વૈષ્ણવ હતા. તેઓ પન્નાની ખાણના માલિક હતા. ખાણમાંહી તેમને ખૂબ કમાણી હતી. કમાણી બધું ધન તેમણે તેમના ઘરમાં ક્યાંક છુપાવી રાખ્યું હતું. એક દિવસ તેઓનો પોતાના દીકરા સાહે ઝઘડો હયો. દીકરાએ વિચાર્યા વિના ઇન્કમટેક્સ ખાતામાં જાણ કરી દીધી કે મારા પિતાએ અમુક જગાએ બે નંબરના નાણાં સંતાડ્યાં છે. ઇન્કમટેક્સ ખાતાવાળાએ દરોડો નાખ્યો. દીકરાએ જ રીપોટર્ લખાવી હતી એટલે નાણા તો મળવાના જ હતા. સારી એવી રકમ નીકળી. સરકારે બધું જપ્ત કરી લીધું હતું. પેલા વૈષ્ણવ ખુબ ધનવાન હતા, તેઓનું નામ પણ ખુબ મોટું હતું તેહી ઘણા વકીલો આવીને તેમને કહેવા લાગ્યા કે અમે બધો હિસાબ-કિતાબ સરકારને સમજાવી દઈશું. તમારો પ્રશ્ન ઉકલી જશે. તમને પૈસા પાછા મળી જશે. તેણે કહ્યું ‘‘ભાઈ! પૈસા પાછા મેળવવાની જરૂર શી છે? હું હોળો કાંઈ પૈસા મારી સાહે ઉપર લઈ જવાનો હતો! દીકરા માટે જ છોડી જવાનો હતો. હવે જ્યારે દીકરાએ જ રીપોટર્ કરી દીધો તો પછી મારે પૈસાની ચિન્તા શાની? જવાદો પૈસાને. દીકરાએ ન લીધા તો સરકાર લઈ ગઈ, હું શા માટે પૈસા છોડાવવાની માહાકૂટ કરું? આમ કહીને એ તો શિમલા ફરવા જતા રહ્યા. શેઠની વાત પણ ઠીક હતી. જેના માટે ધન ભેગું કર્યું તેણે જ ફરિયાદ કરી! હવે એમણે શા માટે ચિન્તા કરવી?

આપરહી સમજવાની વાત એ છે કે પેલા વૈષ્ણવ શેઠની માફક ભગવાન્‌ પણ ક્યાંક આપણાહી મોં ફેરવી ન લે. કારણ કે ભગવાને પણ આપણા જેવા જીવો માટે જ સુગોપ્ય (ગુપ્ત રાખવા યોગ્ય) ગહન ભક્તિની વ્યવસ્હા પ્રકટ કરી છે. એટલું જ નહીં પોતે પણ તે વ્યવસ્હાના માધ્યમહી આપણી સાહે જોડાવા તૈયાર પણ હયા છે. અને આપણે લોકો શું કરી રહ્યા છીએ? પેલા શેઠના દીકરાની માફક આપણે તે ગુપ્ત રાખવા યોગ્ય પુષ્ટિભક્તિની જાહેરાત આખી દુનિયામાં કરી રહ્યા છીએ કે આજે અહીં છપ્પનભોગ હવાનો છે, આજે હીંડોળાનો મનોરહ છે, આજે ફલાણો મનોરહ છે, આજે ઢીકણો મનોરહ છે ... આના પરિણામે બધા સંસારીઓ આપણે ત્યાં દરોડો પાડે છે. ભગવાન્‌ પણ ત્યારે ચોક્કસ કહેતા જ હશે કે ‘‘જવા દો હવે આને સંસારમાં, મારું શું જવાનું છે? જેના માટે મેં આવી અમૂલ્ય ભક્તિની વ્યવસ્હા પ્રકટ કરી હતી તેને પાતાને જ જો તેમાં કંઈ રસ નહી તો મારે શી લેવાદેવા!!!

તો વાત ધ્યાનહી સમજો કે જ્યારે પ્રભુ પ્રકટ નહી ત્યારે તો જે કાંઈ પણ પુષ્ટિ (ભક્તિ)નું ધન જમા કરી રાખ્યું છે તેને સાચવવાની જરૂર, તેને વધારવાની જવાબદારી જીવના ઉપર હોય છે, પ્રભુ પર નહી હોતી. ભગવાને તો તમારા માટે જ પુષ્ટિધન જમા કર્યું હતું. હવે જ્યારે તમે જ બાતમી આપી રહ્યા છો કે અમારું પુષ્ટિધન અહીં છુપાવ્યું છે, આવો તેનું દર્શન કરો. જ્યારે ગામ આખું તમારું પુષ્ટિધન જોઈ ગયું ત્યારે તમારું પુષ્ટિધન ગયું સમજો. આવો અનર્હ ન હાય તેની સાવધાની આપણે રાખવી પડશે. સાવધાની રાખી શકાય તે માટે તેની સમજ પણ કેળવવી પડશે. તેહી જ શ્રીલાલૂભટ્‌ટજી હવે પછીનો ક્રમ બતાવે છે-

અતઃ આધુનિકાનાં ત્રિવિધપુષ્ટિભક્તાનાં સાધનસાપેક્ષત્વાદ્‌ આદિતઃ આરભ્ય સેવા-શ્રવણાદિપ્રકારઃ તામસાદિ ગુણનિવૃત્તિપ્રકારશ્ચ આધ્યાત્મિકરીત્યા નિરૂપ્યતે.

આધુનિક ભક્તોને અહીં વાત સમજાવે છે કે આધુનિકનો અર્હ શો છે. આધુનિક તેને કહેવાય જેમણે પોતે ભગવાન સાહે ભક્તિનો સમ્બન્ધ સ્હાપિત કર્યો છે અને તેહી એ સમ્બન્ધને નભાવવાની જવાબદારી પણ એના ઉપર જ છે. લીલાસ્હ જીવો ઉપર ભગવાનની સાહે ભક્તિનો સમ્બન્ધ બાંધીને તે સમ્બન્ધ નભાવવાની જવાબદારી ન હતી. તે જવાબદારી ભગવાનની હતી. ભગવાને સાવધાની રાખી હતી તે કારણે ભક્તિનો સમ્બન્ધ બંધાયો પણ અને જળવાયો પણ. પરન્તુ જ્યારે હવે પ્રભુ પ્રકટ નહી ત્યારે તો ભક્તિના સમ્બન્ધને સ્હાપિત કરવાની અને નભાવવાની જવાબદારી આપણા-જીવો પર આવી જાય છે. અને જ્યારે આપણા ઉપર એ જવાબદારી છે ત્યારે લીલા અને સેવા ની પરસ્પર અનુરૂપતા કેવી છે એ વાત શ્રીલાલૂભટ્‌ટજી આપણને સમજાવી રહ્યા છે.

લીલામાં જેમ કેટલાક ભક્તો તામસ હતા, કેટલાક રાજસ હતા અને કેટલાક સાત્વિક હતા તેવી જ રીતે આધુનિક સેવા કરનારાઓમાં પણ કેટલાક ભક્તો સાત્વિક હશે, કેટલાક તામસ હશે તો કોઈક રાજસ પણ હશે. જીવ તો દુનિયામાં આવી પડ્યો છે, દુનિયામાં જે પ્રકારના સારા-નરસા ગુણો છે તેવા ગુણો જીવમાં પણ આવી શકે છે. આ ગુણને ‘પ્રાકૃત’ કહે છે. આ ગુણો ત્રણ પ્રકારના હોય છે ૧.સાત્વિક, ૨.રાજસ ૩.તામસ

હવે ધ્યાનહી સમજીએ કે જો કોઈ એમ કહે છે કે જ્યાં સુધી આપણા પ્રાકૃત સ્વભાવ ઉપર પૂર્ણ કાબૂ મેળવી ન લેવાય ત્યાં સુધી આપણાહી ભક્તિ હઈ ન શકે તો સમજી લો કે ભક્તિને ચઢાવી દીધી એવરેસ્ટના શિખર ઉપર. ‘‘નવ મણ તેલ આવે નહીં ને રાધા નાચે નહીં’’. હવે તો ભક્તિનો પ્રારંભ જ સંભવ નહી. તે જ પ્રમાણે જો કોઈ એમ કહે છે કે અમે ભક્તિ તો અવશ્ય કરીશું પણ અમારા સ્વભાવને નહીં છોડીએ. ત્યારે તો તેને ‘ભક્તિ’ જ નહીં કહેવાય. કોઈ ને કોઈ ઠેકાણે ભક્તિનો સ્હાપિત સમ્બન્ધ તૂટી જશે. શાહી? કારણ કે આપણે ભક્તિને અનુરૂપ હવું નહી. આને તમે એક ઉદાહરણહી સમજી શકશો.

મુંબઈમાં એક લગ્ન હયાં. છોકરીવાળાઓએ એક-બે કરોડ રૂપિયા લગ્નમાં ખર્ચ્યા. કરોડ રૂપિયા દહેજમાં આપ્યાં. લગ્ન પછી એક દિવસ પતિએ પત્ની પાસે એક ગ્લાસ પાણી માંગ્યું. પત્નીએ કહ્યું કે હું કાંઈ તમારી નોકરાણી નહી કે તમને પાણીનો ગ્લાસ આપું! ત્રણ-ચાર દિવસ પછી એ પિયર પાછી આવી ગઈ. આવીને બધાને કહેવા લાગી કે સાસરે તો બધા મને નોકરાણી સમજી રહ્યા છે. છોકરીવાળાઓ પણ તેના સુરમાં સુર મિલાવીને કહેવા લાગ્યાં કે અમે છોકરીને મફતમાં હોડી આપી છે?

એક વાત સમજો કે પતિ-પત્ની જો એકબીજાને પાણીનો ગ્લાસ પણ આપવા તૈયાર નહી તો તેવું દામ્પત્ય-લગ્નજીવન ક્યાં સુધી, કેટલા દિવસ ટકશે? એક કરોડ રૂપિયા લગ્નમાં ખર્ચ્યા. એક કરોડ રૂપિયા દહેજમાં આપ્યા, છતાં દામ્પત્યજીવન ટક્યું નહીં. આનું શું કારણ? લેવડ-દેવડમાં તો કંઈ ગરબડ નહી હઈને? જે કાંઈ આપી શકાતું હતું, જે કાંઈ લઈ શકાતું તે આપ્યું અને લીધું. પણ ખામી ક્યાં રહી ગઈ? એક-બીજાની અપેક્ષા શી છે તે પૂછ્‌યા વગર જ લેવડ-દેવડ હઈ ગઈ. એકબીજાને અનુરૂપ હઈ ન શક્યા. તો આ વાત ધ્યાનહી સમજો કે પરસ્પર એકબીજાની અપેક્ષાને સમજવી અને અનુરૂપ હવું એ તમામ સમ્બન્ધોમાં ખૂબ જ જરૂરી હોય છે. લગ્ન કરવા એ એક વાત છે અને એને નભાવવા એ જુદી વાત છે. તેવી જ રીતે કોઈ મૂર્તિ, ચિત્રજી, ગિરિરાજજી, યા શાલીગ્રામજીને ભગવાન્‌ માની લેવા એ એક વાત છે અને તેની સાહે ભક્તજેવો વ્યવહાર કરવો એ બીજી વાત છે.

સમ્બન્ધ નભાવવા માટે ભક્તિસાધનાઃ

શ્રીલાલૂભટ્‌ટજી કહે છે કે પ્રભુની સાહે ભક્તિનો સમ્બન્ધ નભાવવા માટે સાધના પણ કરવી પડશે. સમ્બન્ધ તો જ ટકશે. જો તમે સાધના છોડી દીધી કે તોડી દીધી તો તમારો ભક્તિનો સમ્બન્ધ ટકશે નહીં.

એવા જ એક ભાઈની વાત તમને સંભળાવું છું. એક ભાઈ બ્રહ્મસમ્બન્ધ લેવા મારી પાસે આવ્યા. મેં તેમને ખૂબ સમજાવ્યું કે બ્રહ્મસમ્બન્ધ ન લો, તમને નુકસાન હશે. પણ એમણે જરાય મચક ન આપી. અડગ રહ્યા! તે તો કહે કે મારે તો લેવું જ છે. ખૂબ ગંભીર સમસ્યા ઉભી હઈ, મેં તેને ‘પ્રવેશિકા’ અને ‘પ્રવેશ’ બે પરીક્ષાનાં પુસ્તકો આપ્યાં. એ ભણેલા-ગણેલા હતા. મેં કહ્યું કે પહેલા આ પુસ્તકો વાંચી-શીખીને સમજીલો કે બ્રહ્મસમ્બન્ધ શું છે? શા માટે લેવું જોઈએ? બ્રહ્મસમ્બન્ધ લીલા પછી તમારી જવાબદારી શી છે? હોડા દિવસ પછી પેલા ભાઈ બન્ને પુસ્તકો વાંચીને પાછા આવી ગયા. મેં પૂછ્‌યું ‘‘પુસ્તકો વાંચ્યા?’’ તો તે કહે ‘‘હા આખા વાંચી ગયો’’. તે સાચું બોલતા હતા કે કેમ તે ચકાસવા મેં તેમાંહી કેટલાક સવાલો પૂછ્‌યા. મેં એમને જે પ્રશ્નો પૂછ્‌યા તે બધાનો એમણે સાચો જવાબ પણ આપ્યો. અન્તે મેં પૂછ્‌યું ‘‘તમને બધી વાત સમજાઈ ગઈ?’’ તો તેમણે કહ્યું ‘‘હા બધી વાત સમજાઈ ગઈ.’’ મારા મનમાં પણ સંતોષ હયો. આખરે મારે તેમને કહેવું પડ્યું કે ‘‘ભલે, તમે આનન્દહી બ્રહ્મસમ્બન્ધ લો’’. બ્રહ્મસમ્બન્ધ લીધા પછી હોડા દિવસ બાદ તેઓ પાછા મારે ત્યાં આવ્યા. તેમણે કહ્યું કે ‘‘મારા ઠાકોરજીની સેવા તો હું કરું છું, પરન્તુ અમારું એક બીજું મંદિર પણ છે. મારે તે ઠાકોરજીની પણ સેવા કરવા જવું પડે છે’’. મેં તેમને પૂછ્‌યું કે ‘‘જ્યારે તું (બીજા) મંદિરના ઠાકોરજીની સેવા કરવા જાય છે ત્યારે તારા ઠાકોરજીનું શુંં કરે છે?’’ તો એ બોલ્યા કે ‘‘જેટલા દિવસ ત્યાં સેવા કરવા જાઉં તેટલા દિવસ (મારા તે) ઠાકોરજીને કબાટમાં મૂકીને જાઉં છું. પાછો આવું ત્યારે ફરીહી સેવા શરુ કરું છું’’. હું તો વિચારતો જ રહી ગયો કે આ કેવું ચક્કર ચાલ્યું? તેણે પુસ્તકો વાંચ્યા હતા, સમજી પણ ગયો હતો ‘પ્રવેશિકા’ અને ‘પુષ્ટિપ્રવેશ’ પુસ્તકો પણ સરળ છે. કાંઈ અઘરાં પુસ્તકો નહી. આપના તો બાળકો પણ ૭૦-૮૦ ટકા માર્ક્‌સ લાવે છે. અને હવે આ ભણેલો-ગણેલો માણસ જ્યારે આવું કહે તો (અમારે) ક્યાં જવું? મેં પૂછ્‌યું ‘‘બબ્બે ઠાકોરજી શા માટે પધરાવ્યા? એક જ ઠાકોરજી પધરાવવાના હતા’’. તો કહે ‘‘શું કરું? ત્યાં તો જવું જ પડે છે. નહીં જાઉં તો મારાં કુટુંબીજનો નારાજ હઈ જાય છે’’. મેં કહ્યું ‘‘કુટુંબીજનોના નારાજ હવાની તને ચિન્તા છે, પણ તારા માહે બિરાજતા ઠાકોરજીના શ્રમની તને જરા પણ ચિન્તા નહી. આ તો કેવી (વિચિત્ર) વાત હઈ?’’ પછી મને પણ ગુસ્સો આવી ગયો. મેં કહ્યું ‘‘સાંભળી લે. મને પૂછ્‌યું છે તો કહુંં છું કે તારા ઘરમાં તારે માહે બિરાજતા જ ઠાકોરજી સાચા છે. બીજો ઠાકોર ખોટો છે. તને જો બે દીકરા હોત અને એક દીકરો બીજો ગામ રહેતો હોત તેને મળવા તું જાય તો પહેલાને તું કબાટમાં પૂરીને જાત?’’ તે ચૂપચાપ જતો રહ્યો.

તો એક વાત જાણી લ્યો કે સમ્બન્ધ તો આપણે બાંધી લઈએ છીએ પણ સમ્બન્ધ ટકાવવો અઘરો છે. સમ્બન્ધ ટકાવવામાં સાવધાનીની ખૂબ જરૂર પડે છે. આ પ્રકારનો સમ્બન્ધ શું ભક્તિનો સમ્બન્ધ હઈ શકે? આ કોઈ સ્નેહ છે? આ ભક્તિ છે? ભક્તિને સ્હાપવી સહેલી છે પણ આવી ભક્તિને નભાવવી અઘરી છે.

એક વાત જાણી લો કે મૂર્તિને કબાટમાં બંધ કરવી એ પાપ નહી. મૂર્તિ કીમતી હોય તો તેને કબાટમાં જ રાખીશું. પરન્તુ તમે જેની ભક્તિ કરો છો તે મૂર્તિ છે કે ભગવાન્‌ તે નક્કી કરો. જો તમે ભગવાન્‌ માનો છો તો કબાટમાં શા માટે બંધ કરીને ગયા? અને જો તમે તેને પથ્હર કે પિત્તળની મૂર્તિ માનો છો તો પછી તેની ભક્તિ શા માટે કરો છો? પથ્હર-પિત્તળની મૂર્તિમાં ભક્તિ કરવા જેવું શું છે? એ તો સજાવટની વસ્તુ છે! આપણા ઘરમાં કાચના સરસ કબાટમાં તે મૂર્તિને સજાવીને રાખો. લોકો પણ આવીને જોશે તો કહેશે કે વાહ! કેવી સુન્દર મૂર્તિ સજાવીને રાખી છે. તમારા ઘરની શોભા પણ વધશે. પણ તે માટે મૂર્તિની ભક્તિ કરવી જરૂરી નહી. સજાવટ કરવી છે તો સજાવટની સમજ જરૂરી છે. અને જો ભક્તિ કરવી છે તો તે માટે બીજા પ્રકારની સમજ હોવી જોઈએ. અને એ સમજ છે સાધનની. આ વાત શ્રીલાલૂભટ્‌ટજી સમજાવી રહ્યા છે કે તમે સાધનસાપેક્ષ છો. તમે સાધનહી નિરપેક્ષ હઈ નહીં શકો.

ભક્તિનો સમ્બન્ધ સ્વસેવ્યની સાહે જોડોઃ

આધુનિક ત્રિવિધ ભક્તો સાધનસાપેક્ષ છે. તેમણે સાધનની સાવધાની રાખવી પડશે કારણ કે ભક્તિનો સમ્બન્ધ ઘણો નાજુક છે. જેમ આપણે મૂર્તિને સજાવીને ડ્રોઈંગરૂમમાં મૂકી દઈએ છીએ તેમ મૂર્તિને સજાવવી એવો ભગવાનની સાહે ભક્તિનો સમ્બન્ધ નહી. મૂર્તિને ન પણ સજાવીએ તો પણ ભક્તિનો સમ્બન્ધ ટકી શકે છે. એક વાત સાંભળો. ઘણા ભગવદીય એવા હતા જેમની પાસે ભગવાનને ધરાવવા કોઈ આભરણ નહોતાં. કોઈક પાસે તો ફક્ત ગુંજામાળા હતી તો તેમણે ફક્ત ગુંજામાળા શ્રીઠાકોરજીને ધરાવી. કોઈ પાસે ગુંજામાળા ન હોય તો પણ કોઈ વાંધો નહી. ભક્તિનો સમ્બન્ધ શૃઙ્‌ગારને કે ભોગને પરવશ નહી. ભક્તિનો સમ્બન્ધ તો મૂળમાં તમારા ભજનીય ભગવત્સ્વરૂપ પ્રત્યે ભક્તિના ભાવનેદ્ગસેવા તહા કહા ના ભાવને નિરંતર નભાવવાની એક પ્રક્રિયા છે. સેવા અને કહાના ભાવને જો તમે નભાવી શકો છો તો તમારો તે સ્વરૂપ સાહે ભક્તિરૂપી સમ્બન્ધ નભ્યો. અને જ્યારે તમે સેવા-કહાના ભાવને તોડી નાખ્યો ત્યારે તમે મૂર્તિને ભલે સુન્દર રીતે સજાવતા હશો, ભોગ પણ ધરતા હશો, ભાગવતની કહા પણ સાંભળતા હશો પરન્તુ તે ભગવત્સ્વરૂપની સાહે તો તમે ભક્તિનો સમ્બન્ધ તોડી જ નાખ્યો. આ વાતને ધ્યાનહી સમજો.

કહાભક્તિને પણ સ્વસેવ્યની સાહે જોડોઃ

એટલે કે ભગવાનની લીલાની જે કહાઓ છે તે કહાને તમે જ્યારે સાંભળો ત્યારે તમારા હૃદયમાં જો એવો ભાવ જાગી શકે કે હું આ જે કંઈ પણ કહા સાંભળી રહ્યો છું તે બધી મારી માહે બિરાજતા મારા જ સેવ્ય સ્વરૂપની કહાઓ છે ત્યારે તો તમારો તે ભગવાનની સાહે કહા-ભક્તિનો સમ્બન્ધ નભ્યો. અને જ્યારે તમારા મનમાં એ વિચાર આવ્યો કે મેં જે કહાઓ સાંભળી તે તો કૃષ્ણની હતી. મતલબકે તમે તમારા સેવ્યસ્વરૂપની સાહે કહાનો સમ્બન્ધ તોડી નાખ્યો. કારણ કે જ્યારે તમે એવું વિચારો છો કે કૃષ્ણ કોઈ બીજો છે અને તમારી મૂર્તિ (સેવ્યસ્વરૂપ) કાંઈ જુદું જ છે તો હવે તે ભગવાન્‌ નહી. હવે તે પિત્તળ કે પથ્હરની કેવળ મૂર્તિ છે. એક વાત ધ્યાનમાં રાખો કે તમારા ભક્તિનો ભગવાન્‌ તે ત્યારે હતો કે જ્યારે કહાભક્તિનો સમ્બન્ધ તમે તેની સાહે નભાવ્યો હતો, જ્યારે તમારામાં એવો ભાવ હતો કે આ બધી કહા મારા ઠાકોરજીની કહા છે. આવા ભાવહી જો તમે કહા સાંભળી હોત તો તમે તમારા ઠાકોરજીની સાહે કહાભક્તિનો જે સમ્બન્ધ સ્હાપ્યો હતો તેને નભાવ્યો. અને જ્યારે તમે એમ વિચાર્યું કે તે તો કૃષ્ણની કહા છે મતલબ કે તમે તમારા ઠાકોરજી સાહેનો કહાભક્તિનો સમ્બન્ધ તોડી નાખ્યો.

તેવી જ રીતે જ્યારે તમે સેવા કરો છો ત્યારે તમારી સમજ સ્પષ્ટ હોવી જોઈએ કે જેની કહા મેં સાંભળી તેની જ હું સેવા કરી રહ્યો છું. હું કોઈ પિત્તળ કે પથ્હર ની મૂર્તિની સેવા નહી કરી રહ્યો. જ્યારે તમે આવું વિચારો છો ત્યારે તમે સેવાનો સમ્બન્ધ એ સેવ્યસ્વરૂપ સાહે નભાવ્યો એમ કહેવાશે. પરન્તુ તમે જે ભગવત્કહા સાંભળો છો તેને જો તમે તમારા સેવ્યસ્વરૂપની કહા નહી માનતા તો તમે તમારા પોતાના સેવ્ય સ્વરૂપની સાહે સેવાભક્તિનો સમ્બન્ધ તોડી નાખ્યો. તમે સેવા ભલે કરતા હશો પણ તે સેવાની માત્ર ક્રિયા જ બની રહેશે, તે સેવા ‘ભક્તિ’ નહીં કહેવાય. સેવાની ક્રીયા કરવી અને સેવાભક્તિ કરવી એ બે અલગ વાત છે. સેવાભક્તિનો અર્હ એ છે કે જે સ્વરૂપની તમે સેવા કરી રહ્યા છો તેના સમ્બન્ધમાં તમારો ભાવ જો એવો છે કે આ તે જ સ્વરૂપ છે કે જેની કહા મેં સાંભળી છે, આ એજ સ્વરૂપ છે કે જે વસુદેવને ત્યાં જન્મ્યો હતો, નન્દરાયજીને ત્યાં જેને લઈ જવામાં આવ્યો હતો, નન્દયશોદાએ જેનો નન્દમહોત્સવ કર્યો હતો, પાલનપ ોષણ કરીને તેને મોટો કર્યો હતો, પૂતના તેને મારવા આવી હતી પણ તેણે જ પૂતનાને મારી નાખી ... દ્ગઆ બધી બાબતોને તમે જ્યારે તમારા ઠાકોરજીના સમ્બન્ધમાં વિચારશો ત્યારે તમે જે સેવાની ક્રિયા કરી રહ્યા છો તે ‘ભક્તિ’ કહેવાશે.

સાધનસાપેક્ષતાઃ

હવે ધ્યાનહી સમજો કે તમે જેની કહા સાંભળી તે તમારું સેવ્ય સ્વરૂપ છે તે જ કૃષ્ણ છે આ પ્રકારનો ભાવ જો તમારી અંદર સ્ફુરશે તો ભગવાનની સાહે તમારો ભક્તિનો સમ્બન્ધ નભશે. આવી સમજ કોની હોય? સેવા કરનારમાં કે ભગવાનમાં? ભગવાનને આવી સમજની શી આવશ્યકતા છે? ભગવાન્‌ તો નિરપેક્ષ છે. આ સમજ આપણને હોવી જોઈએ. તો સમજી લો કે આપણામાં સાધન સાપેક્ષતા સિદ્ધ હઈ ગઈ. જો આપણે એ સાધનને નભાવીએ છીએ તો ત્યાં તેની ભગવત્તા નભી રહી છે. અને જે વખતે તમે એ સાધનને નભાવવામાં કચાશ રાખી તે જ સમયે જેવી રીતે ફ્યૂઝ ઉડી જાય અને બલ્બ પ્રકાશ આપતો બંધ હઈ જાય તેવી રીતે ઠાકોરજીનો પણ ફ્યૂઝ ઉડી જાય છે. ત્યારે ત્યાં ઠાકોરજીનો આકાર તો રહે છે પણ ઠાકોરજી રહેતા નહી. કારણ કે તમે ભક્તિનો એ સમ્બન્ધ ટકાવ્યો નહી. હવે તો ત્યાં તે રૂપ છે જેની સાહે તમે સમ્બન્ધ બાંધ્યો છે. તમે હવે તેની સાહે એવો વ્યવહાર રાખ્યો છે કે આ તો કૃષ્ણની પથ્હરની મૂર્તિ છે જે મારા ઘરમાં બિરાજી રહી છે, જેના માટે કાંઈ-કાંઈ ક્રિયાઓ કરવી પડે છે. જે કાંઈ કરવું હોય તે કરતા રહો. તે હોડી ના પાડે છે. તમે એને ઠંડા જળહી ન્હવડાવો તો પણ તે ના નહીં પાડે, એના ઉપર ઉકળતું પાણી નાખો તો પણ તે તમને ના નહીં પાડે. શા માટે? કારણ કે તમે ભક્તિનો સમ્બન્ધ તો નભાવતા નહી. તમે ભક્ત નહી, તે ભગવાન્‌ નહી. તમે ચેતન છો, તે જડ છે. તમને જે કરવું હોય તે કરો. ભગવાન્‌ પણ વિચારતા હશે કે હું તો ત્યાં હાજર નહી. હવે તો તમે છ-છ કલાક શું ચોવીસચો વીસ કલાક પણ મૂર્તિના દર્શન ખોલો, ઘંટા વગાડ્યા કરો એમાં મૂર્તિનું શું ગયું? મૂર્તિનું માહું ઘંટાનાદહી નહીં દૂખે. ઘંટા વગાડવાહી માહું કોનું દૂખે? જેને કાન હોય. અહીં તો પથ્હરની મૂર્તિ છે, તેનું માહું શા માટે દૂખે.

વાત છેડી છે તો સમજો કે આપણે ત્યાં આરતી હોડીવાર જ શા માટે હાય છે? ધ્યાન આપો તો આરતી કરવામાં રહેલો ભાવ તો ઘણો સારો છે પણ એટલી બધી વાર સુધી ઘંટા ન વગાડવા કે જેહી પ્રભુને પરિશ્રમ હાય. આ કારણે આપણે ત્યાં નાની-નાની આરતીઓ હાય છે. કોઈ છ શ્લોકની તો કોઈ ચાર શ્લોકની હોય છે. શા માટે? કારણ કે આરતી કરવી એ આપણો ભાવ છે પણ સાહે-સાહે તેમાં પ્રભુને પરિશ્રમ ન હાય તેની સાવધાની પણ આપણે રાખીએ છીએ. પ્રભુના પરિશ્રમનો વિચાર આપણે ત્યાં એટલે સુધી કરવામાં આવ્યો છે કે પ્રભુને જ્યારે આપણે જગાડીએ છીએ ત્યારે ઝાંઝ-મૃદંગ વગાડતા નહી. ફક્ત કીર્તન ગાઈએ છીએ. અને તે પણ ખૂબ ધીમા સૂરહી. તે જ પ્રમાણે જ્યારે આપણે પ્રભુને પોઢાડીએ છીએ ત્યારે પણ ‘‘જય જગદીશ હરે’’ એમ જોર-જોરહી ઘાંટા પાડીને ગાતાં નહી. ખૂબ જ ધીમા સુરે આલાપ કરીને આપણે પ્રભુને પોઢાવીએ છીએ. આમ આપણે પ્રભુના પરિશ્રમનો વિચાર કરીએ છીએ.

મૂળ વાત પર ફરીહી આવીએ. સેવ્યસ્વરૂપને ભગવાન્‌ માનવાનો ભાવ જુદો છે અને તેને મૂર્તિ માની તેને પૂજવાનો ભાવ જુદો છે. મૂર્તિ માનીને તેની પૂજા કરવી એ શાસ્ત્રમાં ઉપદેશેલ પ્રકાર છે. આમ તો પૂજા કરવી એ કોઈ ગુનો નહી પરન્તુ એ ભાવ આપણે ત્યાં (પુષ્ટિમાર્ગમાં) સ્વીકારવામાં આવ્યો નહી. આપણે ત્યાં સેવ્યના પરિશ્રમનો ભાવ વિચારવામાં આવ્યો છે કે જેહી આપણી ક્રિયાહી તેને કોઈ પરિશ્રમ ન પડે. ઉદાહરણ તરીકે વિચારીએ તો ઠાકોરજીના સ્નાન કરાવવાની વિધિમાં આપણે ત્યાં એ વાત સ્પષ્ટ કહેલી છે કે સ્નાન કરાવતા પહેલાં જળ સોહાતું છે કે નહીં તેની ખાતરી કરી લેવી. સોહાતું એટલે જળ વધારે પડતું ગરમ કે ઠંડું ન હોય તેવું જળ. માણસને જેમ સમશીતોષ્ણ જળહી સ્નાન કરવું ગમતું હોય છે તેમ સમશીતોષ્ણ જળહી પ્રભુને સ્નાન કરાવવું જોઈએ. એમાં પણ વડીલોએ કેટલી સૂક્ષ્મ બાબત વિચારી છે તે જોવાનું કે જળ સોહાતું હયું કે નહીં તેની ખાતરી કરવામાટે તેમાં આંગળી બોળીને જોવાનું નહી. કારણ કે તેમ કરવાહી આંગળીના નખનો મેલ જળમાં જઈ શકે છે. તેહી આંગળીને વાળીને તેના ઉપરનો ભાગ સહેજ જળમાં બોળીને ખાતરી કરવી તેવી આપણી પરમ્પરા છે. આ કેટલી સૂક્ષ્મ વાત છે. આવી સૂક્ષ્મ કાળજી આપણે ત્યાં કોના માટે લેવાની છે? પથ્હરની મૂર્તિ માટે? પિત્તળની મૂર્તિ માટે? ના. જેને આપણે આપણો ભગવાન્‌ માન્યો છે, જેની સાહે આપણે ભક્ત બનીને જોડાયા છીએ તેના માટે.

એક વ્યક્તિ એના ઠાકોરજીને પધરાવીને ક્યાંક પ્લેનમાં જઈ રહ્યા હતા. પ્લેનમાં મુસાફરી કરનારાઓ કીમતી સામાન (વસ્તુઓ) હેન્ડબેગમાં પોતાની સાહે રાખતા હોય છે, બાકીનો સામાન વિમાનના ભાંડકીયામાં અલગ રખાતો હોય છે. આ મહાશય પાસે કોઈ બહુ કીમતી સામાન હશે તેહી તેમણે ઠાકોરજીની ઝાંપીને વિમાનના ભાંડકીયામાં મુકાવી. બન્યું એવું કે વિમાની મહકવાળાની ભૂલહી તેમના ઠાકોરજીની ઝાંપી કોઈ બીજા વિમાનના લગેજમાં ચાલી ગઈ. જ્યારે વિમાન ઉતર્યું ત્યારે તેના ઝાંપીજી મળ્યા નહીં. પેલા મહાશયનો નિયમ એવો હતો કે જ્યાં સુધી ઠાકોરજીની પૂજા ન કરીલે ત્યાં સુધી ભોજન ન કરવું. તેમણે એરપોટર્ના અધિકારિઓને કહી દીધું કે પૂજા કર્યા વગર હૂં ભોજન નહીં કરું, ભૂખ્યો રહીશ. બહુ દોડધામ હઈ ગઈ. એરપોટર્ના અધિકારીઓએ કહ્યું કે બીજું પ્લેન જ્યારે આવશે ત્યારે તેની સાહી તમારો સામાન આવશે. આ પ્રસઙ્‌ગ જેણે મને કહ્યો તેણે મને કહ્યું કે જુઓ કેવા મોટા ભગવદીય હતા કે પૂજા કર્યા વગર તેમણે ભોજન ન કર્યું. મેં તેમને કહ્યું કે તે ભગવદીય હતા કે નહીં એ તો મને ખબર નહી પણ તેમને સારા પૂજારી માનવા હૂં તૈયાર છું. કારણ કે જો તેઓ સારા ભક્ત હોત તો ઠાકોરજીને વિમાનના ભાંડકીયામાં ક્યારેય મુકાવત નહીં. પ્લેનમાં યાત્રા કરનારાઓ કીમતી સામાન પોતાની પાસે રાખતા હોય છે. રૂપિયાના પાકિટને કોઈ પણ મુસાફર લગેજમાં મોકલતા નહી. તમે રૂપિયા જેટલી કિંમત પણ તમારા ઠાકોરજીની કરી નહીં! ભાંડકીયામાં મૂકાવી દીધાં!! ઠાકોરજીની પૂજા કર્યા વગર ભોજન કરો કે ન કરો તેનો ભક્તિ સાહે કોઈ સમ્બન્ધ નહી. તેમનો પૂજાનો આગ્રહ સિદ્ધ હયો, તે આગ્રહની હું નિન્દા નહી કરતો. તેમાં કદાચ સારી ધાર્મિકતા પણ સિદ્ધ હતી હશે, પણ ભક્તિ સિદ્ધ હતી નહી. ભક્ત ક્યારે પણ આવું કરી શકતો નહી.

આવી ઘણી બધી સાવધાની છે કે જેને ભક્તિમાં નભાવવી પડશે. ભગવાનને તમે ભાંડકીયામાં મુકાવો કે સાહે પધરાવો, તે તમને કશું નહીં કહે. ભગવાન્‌ તો બિચારો ચૂપચાપ બેસીને તમે જે કરી રહ્યા છો તે જોતો રહેશે અને તમે જેવો સમ્બન્ધ એની સાહે રાખશો તેવો સમ્બન્ધ તે તમારી સાહે જાળવતો રહેશે. એ બાબતમાં તે કોઈ દખલ નહીં કરે. જે દિવસે ભગવાન્‌ દખલ કરે કે હટ, નાલાયક! મને ભાંડકીયામાં કેમ મુકાવી રહ્યો છે? તો સમજી જાઓ કે ભગવાન્‌ પ્રકટ હઈ ગયા. હવે એમણે તમારી જવાબદારી સંભાળી લીધી. હવે તમને સાધનની અપેક્ષા રહી નહી. હવે તો ‘‘સૈંયા ભયે કોતવાલ અબ ડર કાહેકા’’. પરન્તુ જ્યાં સુધી તે આ બાબતની સાવધાની નહી રાખતો, જ્યારે તે તમને ગાલ પર બે હપ્પડ મારતો નહી ત્યાં સુધી તેની સાવધાની તમારે રાખવી પડશે. જો તમે એ સાવધાની રાખી તો ભક્તિ છે, ન રાખી તો તમે સારા ધાર્મિક હઈ શકો છો, સારા પૂજક પણ હઈ શકો છો, પણ સારા ભક્ત તો નહી જ હઈ શકતા. તમારો ભાવ શિહિલ હઈ ગયો છે. આ વાતને સમજાવતા શ્રીલાલૂ ભટ્‌ટજી કહે છે કે ‘‘પુષ્ટિભક્તાનાં સાધન સાપેક્ષત્વાત્‌ ...’’.

પુષ્ટિભક્ત જ્યારે સાધનની અપેક્ષા રાખે છે ત્યારે તે સાધનને અનુરૂપ સેવા- શ્રવણનો પ્રકાર શો છે તે જાણીને જ્યારે તમે સેવા-શ્રવણ કરો તો તમારો લૌકિક ભાવ ધીરે-ધીરે ભક્તિમાં ખીલી ઉઠશે. પ્રભુની ભક્તિ કરવા માટે તમારે તમારા ઘર-પરિવાર અહવા શરીરને કેંસલ્‌ કરવાની જરૂર નહી. તમે આ જ દેહ, આ જ પરિવાર, આ જ ઘર, આ જ તમારી અહન્તા-મમતાહી ભગવાની ભક્તિ આનન્દહી કરી શકશો. પરન્તુ આ પ્રકારની સાવધાની તમારે રાખવી પડશે, જો આ સાવધાની તમે નહીં રાખો તો તમારો ભક્તિનો સમ્બન્ધ ખંડિત હઈ જશે. આ વાત શ્રીલાલૂભટ્‌ટજી બતાવે છેઃ

‘‘આધુનિક ત્રિવિધ પુષ્ટિભક્તો સાધનસાપેક્ષ હોવાહી તેને માટે આરંભહી સેવા શ્રવણાદિનો પ્રકાર અને તામસાદિ ગુણોની નિવૃત્તિનો પ્રકાર કહી રહ્યોછું’’.

નિર્ગુણતાઃ

ઉપર શ્રીલાલૂભટ્‌ટજી કહી રહ્યા છે કે ‘‘તામસાદિ ગુણોની નિવૃત્તિનો પ્રકાર કહી રહ્યો છું’’ તો તામસાદિ ગુણોની નિવૃત્તિનો અર્હ એ છે કે આપણા તામસ ભાવમાંહી રાજસ ભાવ ખીલવો જોઈએ, રાજસ ભાવમાંહી સાત્વિક ભાવ ખીલવો જોઈએ અને સાત્વિક ભાવમાંહી અન્તમાં નિર્ગુણભાવ ખીલવો જોઈએ.

આપણે ત્યાં નિર્ગુણભાવ શ્રીયમુનાજીનો માનવામાં આવે છે. ‘શ્રીયમુનાષ્ટક’માં શ્રીમહાપ્રભુજીએ એનું વર્ણન કર્યું છે, તે આખી પ્રક્રિયા આપણે ત્યાં સેવા પ્રકારમાં માળાની જેમ ગુંહાયેલી છે. તેહી શ્રીલાલૂભટ્‌ટજીએ એક સુન્દર વાત બતાવી છે કે ભગવત્સેવા અને ભગવાનની લીલાના શ્રવણાદિ એવી રીતે કરવા કે જેહી તે એકબીજાના પૂરક બની જાય. બન્નેને એકબીજાના પૂરક અને અનુરૂપ બનાવવાહી આપણામાં રહેલા તામસ ભાવમાંહી એક નિર્ગુણભાવ પ્રકટ હઈ જશે.

એક વાત ધ્યાનહી સમજો કે તામસભાવમાં એ સામર્થ્ય નહી કે તે નિર્ગુણભાવનો સ્વીકાર કરી શકે, પરન્તુ નિર્ગુણભાવમાં એ સામર્થ્ય છે કે તે તામસભાવનો સ્વીકાર કરી શકે. તમે કહેશો કે જો નિર્ગુણભાવમાં તામસભાવને સ્વીકારવાનું સામર્થ્ય હોય તો તામસભાવમાં પણ એ સામર્થ્ય હોવું જોઈએ કે તે પણ નિર્ગુણ ભાવનો સ્વીકાર કરી શકે. પણ જરા ધ્યાનહી વિચારશો તો આપણને એ વાત સમજમાં આવી જશે કે ‘નયા શહેર’ (કિશનગઢનો એક નાનો કસબો) માં એ સામર્થ્ય નહી કે તે આખા કિશનગઢને તેની અંદર સમાવી શકે. પરન્તુ જૂના-નવા બન્ને શહેરને કિશનગઢ તરીકે ગણો તો તેમાં નવા-જૂના બન્ને શહેર આવી જશે. બીજી રીતે જોઈએ તો જે જમાનામાં કિશનગઢ રાજ્ય હતું ત્યારે કિશનગઢના રૂપનગઢ, સરવાઢ, કેકડી, સરકેડી વગેરે ઘણા ગામો હતાં. તેહી તે જમાનામાં ‘કિશનગઢ’ કહેવાહી તે બધા ગામો આવી જતાં હતાં. જ્યારે આજે તમે નવું શહેર, જૂનું શહેર, કરકેડી કે રૂપનગઢ કહો તો કિશનગઢ આખાને તે વાત લાગુ નહીં પડે. બરાબર તેવું જ અહીં પણ છે. નિર્ગુણભાવ કહેવાહી તેમાં સાત્વિક રાજસ તામસ બધા ભાવો આવી જાય છે પણ જ્યારે તમે તામસભાવ કહો છો ત્યારે ‘નયા શહર’ આવશે, જૂનું નહીં આવે. કરકેડી આવે તો ડીંડવાણા નહીં આવે. કારણ કે તમે કિશનગઢનો એક યા બીજા વિભાગને પકડી રહ્યા છો. કિશનગઢને તેની સમગ્રતામાં નહી પકડી રહ્યા. નિર્ગુણ ભાવનો અર્હ છે કે કિશનગઢને તેની સમગ્રતામાં ઓળખો. કિશનગઢની સમગ્રતામાં ફક્ત ચાર તળાવ જ નહી, અનેક તળાવ હોઈ શકે છે. કિશનગઢની સમગ્રતામાં એક જ વસ્તીસમૂહ નહી, કેટલાય વસ્તીસમૂહ હોઈ શકે છે. કિશનગઢની સમગ્રતામાં વન પણ છે અને રણ પણ છે. રૂપનગઢ તરફ જશો તો ત્યાં એક બાજુ રણ પણ છે તો બીજી બાજુ વન પણ છે. કિશનગઢની સમગ્રતામાં બધું આવી જાય છે, પણ વનમાં રણ નહીં મળે અને રણમાં વન નહીં મળે. રણ અને વન જેવી રીતે પરસ્પર વિરોધાભાસી વસ્તુઓ છે તેવી જ રીતે સાત્વિક ભાવમાં તામસભાવ નહીં મળે અને તામસભાવમાં સાત્વિક ભાવ નહીં મળે. પણ જો નિર્ગુણભાવ તમે પકડશો, નિર્ગુણભાવ જો તમે સમજ્યા, નિર્ગુણ ભાવને જો તમે માણ્યો, નિર્ગુણભાવને જો તમે જાણ્યો, તમારા હૃદયમાં સંચિત કર્યો તો તમે બધા ભાવો સમજી શકશો. કારણ કે નિર્ગુણભાવનો અર્હ છે :

ભગવાનને તેમની સમગ્રતામાં સ્વીકારવા, ભગવાનને તેમની સમગ્રતામાં આપણા હૃદયમાં સંયોજવા. ‘‘પઞ્ચધા હૃદયે મમ’’ (પરિશિષ્ટમાં જુઓ). આમ હૃદયમાં સંયોજવા એ નિર્ગુણ ભાવ છે. આ નિર્ગુણભાવને પ્રધાનતા આપવા માટે શ્રીમહાપ્રભુજી ‘‘પંચધા હૃદયે મમ’’ કહી રહ્યા છે. તે માટે શ્રીલાલૂ ભટ્‌ટજી અહીં સમજાવે છે કે ‘‘તામસાદિ ગુણનિવૃત્તિ પ્રકારઃ આધ્યાત્મિકરીત્યા નિરૂપ્યતે’’.

સેવાસાધનાહી પ્રભુનું આપણા ઘરમાં પ્રાકટ્યઃ

શ્રીમદ્‌ભાગવતના દશમ સ્કન્ધના પહેલા ચાર અધ્યાય પ્રભુના જન્મપ્રકરણના છે. ભગવાન્‌ પોતાના ચાર વ્યૂહો સાહે મહુરામાં પ્રકટ હયા તે પ્રભુની એક લીલા છે. શ્રીલાલૂ ભટ્‌ટજી કહી રહ્યા છે કે પ્રભુના પ્રાકટ્યને તમે એવી રીતે ન વિચારો કે તે ફક્ત દ્વાપરયુગની જ કહા છે. દ્વાપરમાં પ્રભુનો પ્રાકટ્ય એ અવતારલીલા સમ્બન્ધી વાત હતી અને આજની તારીખમાં તે સેવાહી સમ્બન્ધિત વાત છે. અવતારલીલામાં પ્રભુ જેમ કારાગૃહમાં પ્રકટ હયા હતા તેવી રીતે આજે પણ પ્રભુ તમારા ઘરમાં પ્રકટ હઈ શકે છે. બસ એક ઠાકોરજી તમારા ઘરમાં પધરાવો. તમારું ઘર પણ કારાગૃહ છે, કારણ કે તમે તમારા ઘરમાં તમારી અહન્તા અને મમતા ની બેડીઓમાં બંધાયેલા છો.

ઘર=કારાગૃહઃ

તમારા ઘર પર કોઈએ રંગ લગાવી દીધો, પથ્હર ફેંક્યો તો તમને ગુસ્સો આવશે. ઘરમાં કોઈ પૂછ્‌યા વિના ઘૂસી જાય તો ગુસ્સો આવી જાય છે. જુઓ આપણી અહન્તા-મમતાની બેડીહી આપણે ઘરમાં બંધાયેલા છીએ કે નહીં? જેમ વસુદેવ-દેવકી જેલમાં બંધાયા હતા તેમ આપણે આપણા ઘરમાં અહન્તા-મમતાની બેડીઓમાં બંધાયા છીએ કે નહીં? તેમની બેડીઓ દેખાતી તો હતી, આપણી બેડીઓ તો એવી સૂક્ષ્મ છે કે તે દેખાતી પણ નહી. તેને તોડવી કેવી રીતે? એવી સૂક્ષ્મ બેડી છે કે આપણને ખબર પણ ન પડે કે આપણે તેનાહી બંધાયેલા છીએ. તેહી આપણું ઘર પણ એક અર્હમાં કારાગૃહ છે કે નહીં? આપણે પણ આપણી અહન્તા-મમતાની બેડીમાં હાહ-પગ બન્ને બંધાવીને ઘરમાં કેદ છીએ. બિલકુલ તે જ પ્રકારે કે જે રીતે વસુદેવ-દેવકી કંસના કારાગૃહમાં કેદ હતા. એ કંસના કારાગૃહમાં કૃષ્ણ પ્રકટ્યા કે નહીં? એ જ રીતે તમારા ઘરના કારાગૃહમાં શ્રીકૃષ્ણ પ્રકટ હઈ શકે છે. અને જેવી રીતે તેમની બેડીઓ તૂટી તેવી રીતે તમારી બેડીઓ પણ તૂટી શકે છે. આ કહા લીલાની નહી, આ કહા સેવાની છે. આ સેવાને અનુરૂપ ત્યાં લીલા હતી અને તે લીલાને અનુરૂપ અહીં સેવા છે. શ્રીલાલૂ ભટ્‌ટજી સમજાવી રહ્યા છે કે આ બન્ને તે રીતે એકબીજાને અનુરૂપ છે. હવે આમાં પેલી ચાંદવાળી વાત વિચારતા નહીં.

એક વ્યક્તિએ કોઈની પ્રશંસા કરી કે જે છોકરી સાહે તારા સગપણની વાત (સગપણની વાત) ચાલી રહી છે તે છોકરીનું મોઢું ચાંદ (ચંદ્રમા) જેવું છે. આ સાંભળીને છોકરો તો રડવા લાગ્યો. એ એવું સમજ્યો કે છોકરી તો વાળ વગરની(ટકલી-બોડી) છે કારણ કે ચન્દ્રમાને તો વાળ હોતા નહી. આ રીતે ખોટો અર્હ સમજીને છોકરો રડવા લાગે તો મુશ્કેલી હઈ જાયને! સમજવાની વાત એ છે કે ચન્દ્રમા જેવા સુન્દર મુખવાળી છોકરી છે, બોડી છે એવો અર્હ નહી.

પરસ્પર અનુરૂપતાની પણ કોઈ મર્યાદા હોય છે. તેહી જ્યારે આપણે એમ કહીએ કે લીલા સેવા જેવી છે અને સેવા લીલા જેવી છે તો આ સાંભળીને કોઈ રડવા લાગે કે એ તો દ્વાપર (યુગ)ની કહા હતી, નન્દ-યશોદા તો ઘણા ભાગ્યશાળી હતાં, આવાં ભાગ્ય અમારાં ક્યાં? અરે ભાઈ! અર્હ સમજ્યા વગર તમે પેલા છોકરાની જેમ રડી રહ્યા છો કે છોકરી બોડી છે. શ્રીમહાપ્રભુજી કહે છે કે ભાઈ! ચાંદના જેવી સુન્દર છોકરી તારા માટે જોઈને લાવ્યો. તું તારા ઘરમાં શ્રીઠાકોરજીને પધરાવા અને પછી જો કે તારા ઘરમાં પ્રાકટ્ય મહોત્સવ હાય છે કે નહીં. તારું ઘર પણ કારાગૃહ છે. તેમાં તું અહન્તા-મમતાની બેડીમાં એ જ રીતે બંધાયેલો છો કે જેવી રીતે વસુદેવ-દેવકી બંધાયેલા હતા. પરન્તુ તારા કારાગૃહમાં પણ કૃષ્ણના પ્રાકટ્યહી પરમાનન્દ પ્રકટ હઈ શકે છે. બેડી તે જ રીતે તુટી શકે છે. કંસ તારું કશું બગાડી શકશે નહીં. કંસ એટલે કલિકાલ. કલિકાલ તારું કશુંય બગાડી શકશે નહીં. કલિકાલ ભલે આખી દુનિયામાં ફેલાયેલો હોય, તારા ઘરમાં ઘૂસી નહીં શકે. કલિકાલના પહેરેદારોને પણ કૃષ્ણના પ્રાકટ્યની સાહે જ ઉંઘ આવી જશે. તેમને એની જાણ પણ નહીં હાય કે કૃષ્ણ કેવી રીતે ચૂપચાપ પ્રકટ હઈ ગયો. એટલું જ નહીં કૃષ્ણને સંભાળવાના બધા ઉપાય પણ એકઠા હઈ ગયા. કૃષ્ણને માહે પધરાવીને પાછા આવી ગયા ત્યાં સુધી પણ એમને ખબર ન પડી. આટલું સામર્થ્ય હોઈ શકે છે સેવાની લીલાનુરૂપતામાં અને લીલાની સેવાનુરૂપતામાં. કાલે આપણે લીલામાં ભગવત્પ્રાદુર્ભાવ અને સેવામાં ભગવત્પ્રાદુર્ભાવની પરસ્પર કેવી અનુરૂપતા છે તે જોયું. આ બાબતમાં બે-એક ખુલાસા કરવા જરૂરી છે પછી આપણે આગળ ચાલીશું.

શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે કે લીલામાં જે પ્રાદુર્ભાવ હાય છે તે કોઈ વ્યક્તિવિશેષ માટે નહી હતો પણ સમુદાય માટે હાય છે. તેમાં પ્રમાણ કયું? જેમ કે શ્રીરામ, શ્રીકૃષ્ણ, બુદ્ધ, કપિલ વગેરે અવતારો પ્રકટ હયા ત્યારે ભક્તોને પણ તેમનાં દર્શન હતા હતા અને જે ભક્ત ન હતા તેમને પણ હતા હતા. તે જ રીતે જે દુશ્મનો હતા તેમને પણ ભગવાનના દર્શન હતા હતા. પણ આપણે એ હકીકત જાણીએ છીએ કે જ્યારે ધ્રુવ માટે ઠાકોરજી પ્રકટ્યા ત્યારે ધ્રુવને જ દર્શન આપ્યા, બધાને નહીં. આપણે એ વાત પણ જાણીએ છીએ કે ગીતામાં ભગવાને અજુર્નને વિશ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે આજુ-બાજુ ઘણા લોકો ઉભા હતા પણ વિશ્વરૂપનું દર્શન અજુર્નને જ હયું. તેહી આપણે સમજી શકીએ છીએ કે તે વખતે જ્યારે ભગવાન્‌ પ્રકટ્યા હતા ત્યારે ફક્ત તે-તે ભક્તો માટે જ પ્રકટ્યા હતા. પરન્તુ ભગવાન્‌ જ્યારે લીલામાં પ્રકટ હાય છે ત્યારે તે સર્વ સાધારણને દર્શન આપવા પ્રકટ હતા હોય છે. આ સ્હિતિમાં આપણે ત્યાં (પુષ્ટિ ભક્તિમાર્ગમાં) સેવામાં જે સ્વરૂપ પ્રકટ હાય છે તેનો શો રોલ હોય છે? ભક્તવિશેષ પર કૃપા કરવાને પ્રકટ હાય છે કે સર્વસાધારણ લોકો પર કૃપા કરવા માટે?

સમર્પિત માટે ભગવત્પ્રાકટ્યઃ

શ્રીમહાપ્રભુજીએ આનો ખૂબ સુન્દર ખુલાસો આપ્યો છે. આપણે ત્યાં પુષ્ટિપ્રભુનું પ્રાકટ્ય સર્વસાધારણ માટે નહી. શા માટે? કારણ કે ભગવત્સેવા આપણે ત્યાં સમર્પણના કારણે શરૂ હાય છે. આપણી જાતને ભગવાનને સમર્પણ કરીએ છીએ, તે સમર્પણ આપણે સર્વસાધારણનું તો નહી કરતાને! જેમ જ્યારે હું હાહમાં તુલસી લઈને આત્મસમર્પણ કરતો હોઉં ત્યારે તો હું એમ ન કહી શકું કે ‘‘હું આખા કિશનગઢને સમર્પિત કરી રહ્યો છું’’. હું તો એટલું જ કહી શકું કે હું મારું સમર્પણ કરી રહ્યો છું. મારો પરિવાર કે જેને મારી અહન્તાને કારણે મારો માન્યો છે તેનું હું સમર્પણ કરી રહ્યો છું. પણ જેને હું મારા ન માનતો હોઉં, જેને હું જાણતો ન હોઉં તેનું સમર્પણ હું કેવી રીતે કરી શકું? એક વાત બતાવું કે દિલ્હીનું રાષ્ટ્રપતિ ભવન બહુ સુન્દર છે. હું કહું કે હે ભગવાન્‌! રાષ્ટ્રપતિભવન આપના ચરણોમાં સમર્પિત કરું છું. આ તો મજાક હઈ ગઈને! રાષ્ટ્રપતિ ભવનનું સમર્પણ હું કેવી રીતે કરી શકું? હું રાષ્ટ્રપતિ નહી. રાષ્ટ્રપતિ ભવન મારું નહી. એ મારી મમતા સાહે જોડાયેલું નહી તો એવી વસ્તુનું સમર્પણ કેવી રીતે હઈ શકે? જેણે આત્મસમર્પણની દીક્ષા લીધી છે. તે આ વાત સારી રીતે સમજે છે. સમર્પણ કરતી વેળા તે પોતાના પરિવાર વગેરેનો ઉલ્લેખ કરે છે કે મારી પત્ની, પુત્ર, સગાં-વહાલાં, ઘર, ધન આ સહુનું હું પ્રભુને સમર્પણ કરું છું, હું પ્રભુનો દાસ છું. તો આ વાત ધ્યાનહી સમજો કે સમર્પણના કારણે સેવાનો અધિકાર મળ્યો છે. તેહી સમર્પિત ભક્તના માટે પ્રભુનું પ્રાકટ્ય છે, જેમકે ધ્રુવની સામે જે (પ્રભુ) પ્રકટ હયા તે ધ્રુવ માટે જ પ્રકટ્યા, બધા માટે નહીં. કૃષ્ણે અજુર્નને વિશ્વરૂપનું દર્શન કરાવ્યું ત્યારે ફક્ત અજુર્નને જ કહ્યું હતું કે ‘‘દિવ્યં દદામિ તે ચક્ષુઃ પશ્યમે યોગમૈશ્વરમ્‌’’ ત્યાં ઘણા બધા લોકો ઉભા હતા પણ કોઈને તે હકીકત દેખાઈ નહીં. ફક્ત અજુર્નને જ દેખાઈ. પરન્તુ કૃષ્ણના રૂપમાં જ્યારે પ્રભુ પ્રકટ્યા ત્યારે સર્વસાધારણ માટે પ્રકટ્યા હતા તે ફક્ત ભક્તને જ દેખાયા એમ નહોતું. સો-સો ગાળો જેણે દીધી હતી એવા શિશુપાલને પણ દેખાયા હતા. કંસ જે શ્રીકૃષ્ણને મારવા માગતો હતો તેને પણ દેખાયા હતા. પૂતના જે ઝેર પીવડાવવા માગતી હતી તેને પણ દેખાયા હતા. કારણ કે પ્રભુ જ્યારે લીલા અર્હે પ્રકટ હાય છે ત્યારે વ્યક્તિવિશેષ માટે નહીં પણ સર્વસાધારણ માટે પ્રકટ હાય છે. અને સેવા માટે જ્યારે પ્રભુ પ્રકટ હાય છે ત્યારે જે સમર્પિત હયા છે તેમના માટે પ્રકટ હાય છે. જે અસમર્પિત છે તેમના માટે તે પ્રાકટ્ય નહી.

આ વાતને આપણે એક દૃષ્ટાન્તહી સારી રીતે સમજી શકીશું. જેમકે કોઈ એક સમાજ છે. સમાજે ભવન બંધાવ્યું કે જેમાં સમાજના લોકોના લગ્ન-વિવાહ વગેરે કાર્યક્રમો હઈ શકે. તે ભવન કોના માટે તૈયાર કરાયું? તે સમાજ માટે. જેમકે હિન્દુ એક મંદિર બનાવે તો મંદિર કોના માટે બન્યું? હિન્દુઓ માટે. મુસલમાન એક મસ્જિદ બનાવે તો તે મસ્જિદ કોના માટે બની? મુસલમાનો માટે. હવે આપણે ત્યાં જઈને ઝઘડો કરીએ કે અલ્લાહનું ઘર છે તો અમને એમાં હક્ક આપો. અરે ભાઈ, જ્યાં સુધી તમે મુસલમાન નહી, મુસ્લિમ ધર્મની દીક્ષા તમે લીધી નહી ત્યાં સુધી તમારો હક ત્યાં કેવી રીતે હશે? તેવી જ રીતે માની લો કે મુસલમાન આપણે ત્યાં (મંદિરમાં) આવીને ઝઘડો કરે કે મંદિર અમારું છે. આપણે શું કહીશું? આપણે કહીશું કે ભાઈ, આ મંદિર હિન્દુ માટે બન્યું છે. તમે તમારી મસ્જિદમાં જાઓ. ચર્ચ બનશે તો ખ્રિસ્તીઓ માટે બનશે. ત્યાં ખ્રિસ્તીઓનો અધિકાર રહેશે. એવી જ રીતે જે સમર્પણ કરે છે તેને સેવાનો અધિકાર પ્રાપ્ત થઈ રહ્યો છે. જ્યારે સેવાનો અધિકાર આવે છે ત્યારે તે માટે પ્રભુ પ્રકટ થાય છે. તેથી શ્રીમહાપ્રભુજી એક સુન્દર વાત કહે છેઃ

‘‘એનં ઉદ્ધરિષ્યામિ ઇતિ તદા મૃદાદેઃ પ્રાદુર્ભૂતઃ’’

(તત્વાર્થદીપ નિબંધ સર્વનિર્ણય પ્ર. પ્રકાશ ૨૨૮)

‘‘યથા પ્રહ્લાદાદ્યર્થં સ્તમ્ભાદિભ્યઃ પ્રાદુર્ભાવઃ તથા અત્રાપિ એતસ્યૈવ ઉદ્ધારાય પ્રાદુર્ભાવો, ન તુ સાધારણતયેતિ સૂર્યાદિભ્યઃ શાલગ્રામાચ્ચ અત્ર અયં વિશેષઃ ઇતિ અર્થઃ’’ (તત્રૈવ આવરણ ભંગ)

ભાવાર્થઃ‘‘આનો મારે ઉદ્ધાર કરવો છે’’ એવી ઇચ્છા સાથે ભક્તે જે-જે સમર્પિત કર્યું છે તે સ્વીકારવા માટે પ્રભુનું પ્રાકટ્ય છે. આવરણભઙ્‌ગઃ જેમ પ્રહ્લાદજી વગેરે ભક્તોના ઉદ્ધારાર્થે પ્રભુનું નૃસિંહ વગેરે સ્વરૂપે થાંભલા વગેરેમાંથી પ્રાદુર્ભાવ થયો હતો તે જ પ્રમાણે અહીં પણ એમ સમજવું કે ખાસ આ એક ભક્તના ઉદ્ધારમાટે પ્રભુનો પ્રાદુર્ભાવ છે, સર્વસામાન્ય જનોના ઉદ્ધારમાટે જેમ પ્રભુનો અવતાર થતો હોય છે તેવો આ અવતાર નથી. તેથી પુષ્ટિમાર્ગમાં શ્રીમહાપ્રભુજીની કાનીથી પ્રભુ કોઈ પુષ્ટિમાર્ગીના ઘરમાં સેવ્યસ્વરૂપ તરીકે જ્યારે પધારે છે ત્યારે પ્રભુનો તે પ્રાદુર્ભાવ કંઈક વિશિષ્ટ હોય છે. સૂર્ય, શાલગ્રામ આદિમાં પ્રભુની સાધારણતયા જેવી સ્થિતિ હોય છે તેના કરતાં ભક્તના ઘરમાં પ્રભુની સ્થિતિ વિશિષ્ટ હોય છે તેવો અર્થ સમજવો.

ઉદાસીન પરિજનોથી સેવા ન કરાવોઃ

પ્રભુનું પ્રાકટ્ય જો સમર્પિત માટે છે તો આપણા ઘરમાં પ્રકટેલા પ્રભુમાં આપણું જે કાંઈ છે તેનો વિનિયોગ પણ થવો જોઈએ. તેથી શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે કે

ભાર્યાદિરનુકૂલશ્ચેત્‌ કારયેત્‌ ભગવત્ક્રિયામ્‌।।

ઉદાસીને સ્વયં કુર્યાત્‌ પ્રતિકૂલે ગૃહં ત્યજેત્‌।।

એટલ કે આપણા પરિવારનો જે પણ સભ્ય આપણા સમર્પણના ભાવમાં સાનુકૂળ છે એટલે કે તેને પણ એવું લાગે કે ‘‘મારા પિતાએ સમર્પણ કર્યું છે તેથી તે સમર્પણને કારણે હું પણ સમર્પિત થયો છું’’ તો તેવી ભાવનાવાળા પરિવારના લોકોને પ્રભુસેવામાં સંમિલિત કરી શકાય છે. પણ ઘરનો જો કોઈ સભ્ય કહે કે ‘‘ભાઈ, સમર્પણ તો તમે કર્યું છે. તમે મારા પિતા છો તેથી સેવા કરવા માટે જબરદસ્તી કરી ન શકો’’ તો તે ઉદાસીન છે. એવા પાસે સેવા ન કરાવવી જોઈએ. કારણ કે જે સમર્પણ થયું છે તેમાં તેની ઉદાસીનતા છે. આપણે આપણી રીતે તેનું સમર્પણ કર્યું, પણ તેની ઉદાસીનતાને કારણે તે પોતે સમર્પિત નથી. જો તે ઉદાસીન છે તો શ્રીઠાકોરજીનું પ્રાકટ્ય તેના માટે નથી. આ વાત સમજાઈ ગઈ ને? આપણે એને કહીશું ‘‘હું તારો બાપ છું, સેવા કરે છે કે નહીં? એક ડંડો મારીશ’’. આમ ડંડા મારીને પત્ની પાસે કે દીકરા પાસે કરાવેલી સેવાનો શ્રીઠાકોરજી સ્વીકાર કરતા નથી. કારણ કે તેમના માટે શ્રીઠાકોરજી પ્રકટ જ નથી થયા. એમના માટે ઠાકોરજી ક્યારે પ્રકટ થયા હોત? સમર્પણના ભાવમાં જો એમની ઉદાસીનતા ન હોત તો. હવે જ્યારે એ સ્વયં ઉદાસીન છે તો ઠાકોરજી તેમના માટે પ્રકટ નથી. આપણે એમની પાસેથી જબરદસ્તીથી સેવા કરાવીએ તો ઠાકોરજી જ ત્યાં તેમના માટે પ્રકટ નથી તો સેવા કેવી રીતે સ્વીકારશે? તેથી જ ‘‘ઉદાસીને સ્વયં કુર્યાત્‌’’ આ સિદ્ધાન્ત શ્રીમહાપ્રભુજીએ સમજાવ્યો છે.

શ્રીલાલૂભટ્‌ટજી લખે છેઃ

‘‘એનં ઉદ્ધરિષ્યામિ ઇતિ તદા મૃદાદેઃ પ્રાદુર્ભૂતઃ ઇતિ ઉક્ત્વા મૂર્તિરૂપેણ પ્રભોઃ આવિર્ભાવ એવ અંગીકૃતઃ’’.

સેવા સ્વીકારવા માટે ભગવત્પ્રાકટ્યઃ

ધ્યાનથી સમજો કે જ્યારે ઠાકોરજીને આપણે ઘરમાં પધરાવ્યા છે ત્યારે આપણે એવું ન વિચારવું જોઈએ કે આપણે ભગવાનની મૂર્તિને પધરાવી રહ્યા છીએ; આપણે એમ વિચારવું કે ગોકુલમાં જેમ કૃષ્ણના રૂપમાં પરમાત્મા પ્રકટ થયા તેવી રીતે મારા ઘરમાં આ મૂર્તિના રૂપમાં પરમાત્મા સ્વયં પ્રકટ થયા છે. આપણામાં એ સામર્થ્ય નથી કે આપણે મૂર્તિના રૂપમાં ક્યાંક પ્રકટ થઈ શકીએ. વિચારો કે મારે મૂર્તિ તૈયાર કરાવવી હોય તો હું જાતે મૂર્તિના રૂપમાં પ્રકટ નહીં થઈ શકું. મારે જયપુરમાં મૂર્તિકારોના મહોલ્લામાં જવું પડશે અને મૂર્તિકારને કહેવું પડશે કે લે ભાઈ, મારો ફોટો પાડ અને તેના પરથી મૂર્તિ બનાવી આપ. મૂર્તિકારમાં એ સામર્થ્ય છે કે તે મારી મૂર્તિ બનાવી શકે. પણ મારામાં એ સામર્થ્ય નથી કે હું મૂર્તિના રૂપમાં પ્રકટ થઈ શકું. જીવનું એ અસામર્થ્ય (અશક્તિ) પ્રભુપર લાગુ નથી પડતી, કારણ કે પ્રભુ તો આખા જગતના રૂપમાં પ્રકટ થયા છે. તેને મૂર્તિના રૂપે પ્રકટ થવામાં કોઈ પ્રતિબન્ધ નથી. પ્રભુના સામર્થ્યમાં કોઈ ઉણપ નથી. આપણે એમ સમજીએ કે મૂર્તિ પથ્થરની છે કે ધાતુની છે. પથ્થર-ધાતુની છે પણ એ પથ્થરધ ાતુની મૂર્તિના રૂપમાં પ્રભુ પ્રકટ ન થઈ શકે એવા અસમર્થ પ્રભુ નથી. તેથી જેઓ સમર્પિત છે તેમની સેવા લેવામાટે પ્રભુ પ્રકટ થાય છે. તેથી જ ‘‘અસમર્પિતવસ્તૂનાં તસ્માદ્‌વજર્નમાચરેત્‌’’ પ્રભુને જે અસમર્પિત છે તેવી વસ્તુ-વ્યક્તિઓનું વજર્ન (ત્યાગ) કરો, તેનો ઉપયોગ કરવાનું ટાળો.

પ્રભુના પ્રાકટ્યના બે પ્રકાર છેઃ લીલાર્થે અને સેવાર્થે. પણ બન્નેમાં એટલી ખાસિયત છે કે લીલામાટે પ્રભુ સર્વસાધારણને માટે પ્રકટ થાય છે જ્યારે કે સેવાર્થે પ્રભુ પોતાના જે-તે સેવકમાટે પ્રકટ થાય છે, અથવા સેવકના સમર્પિત પરિવારમાટે પ્રકટ થાય છે. સેવાર્થે પ્રભુ સર્વસાધારણમાટે પ્રકટ થતા નથી.

કૃષ્ણ પધાર્યા, માયા વિદાય થઈઃ

આના પછી શ્રીલાલૂભટ્‌ટજી એક ખૂબ જ સુન્દર વાત સમજાવે છે કે ઠાકોરજી પ્રકટ્યા વસુદેવજીના કારાગૃહમાં અને વસુદેવજી એમને પધરાવીને લઈ ગયા નન્દરાયજીના ઘેર-આ પ્રભુની લીલા છે. પ્રભુના પ્રકટ થયા બાદ વસુદેવજીની બેડીઓ તૂટી ગઈ. જે ચોકીદારો કૃષ્ણને મારવા ઇચ્છતા હતા તેઓ મારવાને બદલે જાતે જ સૂઈ ગયા. વસુદેવજી કૃષ્ણને નન્દરાયજીને ત્યાં લઈ ગયા અને ત્યાં પધરાવી દીધા. આ પ્રાકટ્ય લીલામાં એક ખૂબ મજાની ઘટના બની ગઈ. ઠાકોરજીના પ્રાકટ્યની સાથે-સાથે નન્દરાયજીને ત્યાં માયા પણ પ્રકટી હતી. તે માયાને વસુદેવજી ઠાકોરજીના બદલામાં લઈ આવ્યા. શ્રીલાલૂભટ્‌ટજી કહી રહ્યા છે કે સેવામાં પણ એવી જ કોઈ ઘટના બની રહી છે. ધ્યાનથી વિચારીએ તો તમારા ગુરુ જે શ્રીઠાકોરજીને પુષ્ટ કરાવીને તમારા ઘરમાં પધરાવી રહ્યા છે તે વસુદેવજીના જેવા છે અને તમે નન્દરાયજીના જેવા છો. ગુરુએ જ્યારે ઠાકોરજીને ઘરમાં પધરાવ્યા ત્યારે તમારું ઘર ગોકુળ થઈ ગયું. તમારો પરિવાર નન્દરાયજીના પરિવાર જેવા થઈ ગયો. જ્યારે કે અહન્તા-મમતા વાળી તમારી માયાને ગુરુએ જ્યારે બ્રહ્મસમ્બન્ધની દીક્ષા આપી ત્યારે તે પધરાવી ગયા. હવે પ્રભુસાથે તમારો સમ્બન્ધ સાંસારિક અહન્તામમતાવાળો ન રહેતાં ભક્તિવાળો થઈ ગયો. જો અહન્તા છે તો પણ તે કૃષ્ણના સમ્બન્ધવાળી અહન્તા છે કે ‘‘હું કૃષ્ણનો છું’’ જો મમતા પણ છે તો તે પણ ‘‘કૃષ્ણ મારો છે’’ ‘‘આ અમારા કૃષ્ણ છે’’ તે પ્રકારની મમતા છે.

અહન્તા-મમતાઃ

આપણી અહન્તા ઘણા પ્રકારની હોઈ શકે છે. જેમ કે હું એમ માનું કે હું દેહમાત્ર છું. જો એમ માનું તો એવી શારીરિક અહન્તા તો જાનવરને પણ હોઈ શકે છે. એવી અહન્તા ગધેડા કે કૂતરાને પણ હોય છે, બિલાડી અને ઉંદર ને પણ હોય છે. આપણા શરીરને આપણા પોતાનો માનવા ઉપરાંત, એક વાત ધ્યાનથી જુઓ કે, જાનવરો પોતાના શરીર ઉપરાંત પોતાની અહન્તા માનતા હોય છે. જેમકે કૂતરાની અહન્તા એટલી જ નથી હોતી કે તે ફક્ત એક શરીર છે. તેને એવી પણ અહન્તા હોય છે કે તે કૂતરો જાતિનું પ્રાણી છે. જો તેને એવી અહન્તા ન હોય તો કૂતરો કૂતરાની જ સાથે શા માટે ફરે છે? ઘોડાની સાથે કેમ નથી ફરતો? એ જ પ્રમાણે ઘોડો ઘોડાની સાથે જ શા માટે ફરે છે? ગધેડાની સાથે કેમ નથી કરતો? ગાય ગાયની સાથે જ કેમ ફરે છે? વાત સમજાય છે ને? તો જેને આપણે જાનવર કહીએ છીએ તેને પણ એટલી સમજ તો છે જ કે તે કઈ જાતિનો છે. એટલે કે શરીરથી તો વાત આગળ ગઈ ને! શરીર સુધી તો સીમિત ન રહી.

અહન્તાનો વિસ્તારઃ

ગાય ઘોડો ગધેડો ઉંદર ની વાત જવાદો, કીડીનું તો મગજ કેટલું નાનું હોય છે, આટલા નાના મગજમાં પણ તેની અહન્તા બરાબર કામ કરે છે. કીડીને કે મંકોડાને જો ખાંડનો કણ મળી જાય તો તેઓ તેને એકલા નથી ખાતાં, પોતાની આખી જમાતને ભેગી કરી લાવશે કે મળી ગયો! દલ્લો મળી ગયો! મળી ગયો! ખરું કે નહીં, હું ખોટું તો નથી કહેતો ને! તો જુઓ કે આટલા નાના પ્રાણીની અહન્તા પણ તેના પોતાના શરીર સુધી સીમિત રહેતી નથી. એટલે આપણે ત્યાં એમ માનવામાં આવે છે કે જે વ્યક્તિની અહન્તા એટલી તુચ્છ હોય કે તેના પોતાના શરીર પૂરતી જ સીમિત હોય તો તો તે જાનવરથી પણ ઉતરતી કક્ષાનો માણસ છે.

આપણને ભગવાને બુદ્ધિ આપી છે. આ બુદ્ધિને લીધે આપણી અહન્તા અનેક રંગો ધારણ કરે છે. જેમકે હું માણસ છું, પિતા છું, પતિ છું, ભાઈ છું, બ્રાહ્મણક્ષત્રિય- વૈશ્ય છું, ભારતીય છું, એશિયન છું...વગેરે વગેરે.

લોકસિદ્ધ-શાસ્ત્રસિદ્ધ અહન્તાઃ

આ તમામ પ્રાપ્ત કરેલી અહન્તાને શ્રીમહાપ્રભુજી બે પ્રકારમાં તારવે છે. આપણી કેટલીક અહન્તા શાસ્ત્રીય સંસ્કારોને લીધે વિકસે છે અને કેટલીક અહન્તા લોકસિદ્ધ હોય છે. જેમકે હું પોતાને એમ માનું કે હું પિતા છું, પુત્ર છું, ભાઈ છું વગેરે તો આવી અહન્તા માટે મને શાસ્ત્રની જરૂર નથી પડતી. આ બધી લોકસિદ્ધ અહન્તા છે. પણ જેમ શાસ્ત્ર કહે છે કે તમે બ્રાહ્મણ છો તો તમારે બ્રાહ્મણનું કામ કરવું જોઈએ. ક્ષત્રિયે આ કામ કરવું જોઈએ, વૈશ્યે તે કામ કરવું જોઈએ. આ પ્રકારની અહન્તા લોકસિદ્ધ અહન્તા નથી, એ તો શાસ્ત્ર બતાવે છે તેથી તે પ્રકારની અહન્તા થાય છે.

અલૌકિક અહન્તાઃ

લૌકિક અહન્તા અને શાસ્ત્ર સિદ્ધ અહન્તાથી ઉપર (ઉત્તમ) એક અહન્તા બીજી પણ હોય છે કે જે બ્રહ્મસમ્બન્ધનું દાન આપીને શ્રીમહાપ્રભુજી આપણને આપવા માંગે છે. અને તે આપણી અહન્તા છે : ‘‘દાસોઽહં’’ વાળી. ‘‘હું ભગવાનનો દાસ છું, ભગવાન્‌ મારા નાથ (સ્વામી) છે’’ આ અહન્તા એ તુચ્છ અહન્તા નથી, અહન્તા હોવા છતાંય આ (પ્રકારની) અહન્તા ઘણી સારી ગણાય છે. અહન્તાનું એક પ્રકારે શુદ્ધીકરણ થયું. જેવી રીતે તેલનું શુદ્ધીકરણ કરવામાં આવે તો તેલ શુદ્ધ થઈ જાય છે, કોઈ પ્રવાહી ચીજને ગાળી લઈએ તો તે વસ્તુ શુદ્ધ થઈ જાય તા તેવી રીતે સમર્પણની પ્રક્રિયામાં ચાળણીમાં ચળાઈને આપણી જે લૌકિક અહન્તા હતી કે ‘‘હું શ્યામમનોહર છું, પિતા છું, પુત્ર છું, ભાઈ છું’’ તે અહન્તા જ્યારે પ્રભુ પ્રત્યે આપણે સમર્પિત થયા ત્યારે ચળાઈને શુદ્ધ થઈ ગઈ. અહન્તા-મમતાનું તે રૂપ શ્રીમહાપ્રભુજીના મત અનુસાર ‘‘હું પ્રભુનો દાસ છું, પ્રભુ મારા સ્વામી છે’’ ‘‘પ્રભુ મારા સ્વામી છે, હું પ્રભુનો દાસ છું’’ એવો છે. આ જ રીતે ‘‘મારો પરિવાર પણ મારા પ્રભુનો દાસ છે, પ્રભુની સેવા માટે છે’’ આ આપણા પરિવારમાં રહેલી આપણી મમતાનું એક રીફાઈન્ડ (શુદ્ધ થયેલી) સ્વરૂપ છે. આ મમતા ભક્તિમાં કામ આવતી મમતા છે. પણ જે વખતે હું આવી મમતા રાખતો, ધરાવતો નથી ત્યારે મારી ભક્તિનો રંગ બરાબર જામતો નથી. શા માટે? એક વાત ધ્યાનથી સમજીએ કે ભક્તિ મૂળમાં તો ભગવાનને ચાહવાની પ્રક્રિયા છે તે આપણા સ્નેહને વધારતા-વધારતા ભગવાન્‌ સુધી પહોંચવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા વૈરાગ્યની પ્રક્રિયા નથી, વૈરાગ્યની પ્રક્રિયા એક અલગ પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાં અનુરાગને ઘટાડતા-ઘટાડતા એટલો ઘટાડવામાં આવે છે કે બધી જગ્યાએથી આપણો અનુરાગ સમાપ્ત થઈ જાય છે. પરન્તુ ભક્તિની પ્રક્રિયા કેવી છે? આપણા અનુરાગને કેવળ આપણા શરીરમાં ન રાખો, આપણા પરિવારમાં જ ન રાખો, એને આપણા ધર્મમાં પણ રાખો, આપણા આત્મામાં પણ રાખો. અને ફક્ત આપણા આત્મામાં જ નહીં, પરમાત્મા સુધી એ અનુરાગને વિસ્તારો. જેવી રીતે આપણે ચાદર ફેલાવીએ તેવી રીતે આપણી અહન્તાને પણ એવી ફેલાવો કે તે પ્રભુ સુધી પહોંચી જાય, ‘‘દાસોઽહં’’ ના રૂપમાં. જ્યારે પ્રભુ સુધી આપણી અહન્તા-મમતા પહોંચી જાય કે ‘‘હું પ્રભુનો (દાસ) છું, પ્રભુ મારા (સ્વામી) છે, મારો પરિવાર પ્રભુની સેવા માટે છે’’ તે રૂપમાં તો આપણી અહન્તા-મમતામાં વિસ્તારને કારણે એક પ્રકારનો ભક્તિનો રંગ આવી ગયો. અહન્તા-મમતા બીજા દશ રંગો પ્રાપ્ત કરી શકતી હશે, બીજા રંગોથી રંગાઈ શકતી હશે, પણ ભક્તિ વિના, સમર્પણ વિના અહન્તામમતા આ રંગ પ્રાપ્ત કરી શકતા નથી.

અલૌકિક અહન્તા-મમતા ભક્તિમાં ઉપકારક છેઃ

જે અહન્તા-મમતા આ રંગોમાં રંગાઈ જાય છે તે ઉપયોગી છે અને જે આ રંગમાં રંગાતી નથી તે અહન્તા-મમતા ભક્તિમાં બાધક છે. જેમ હું મને પોતાને પ્રભુનો દાસ ન માનું તો મારી બાકીની જે અહન્તા-મમતા છે તે ભક્તિમાં બાધક છે. હું મારા પરિવારને ભગવત્સેવાર્થે સ્વીકારી શકતો ન હોઉં તો તેવા પરિવારમાં મારી મમતા ભક્તિ કરવામાં બાધક થશે. પણ જો હું મારા પરિવારને ભગવત્સેવા માટે સ્વીકારી લઉં, જેમ એક ડોકરીની વાર્તામાં સુન્દર પ્રસંગ આવે છે કે તે ડોકરીનાં બે બાળક મરી ગયાં. ડોકરી રડવા લાગી ત્યારે કોઈએ તેને પૂછ્‌યું કે તું કેમ રડે છે? તો તેણે કહ્યું કે ‘‘મારા ઠાકોરજીના બે રમકડાં (ખિલૌના) જતા રહ્યા’’. હતા તો તેના બે છોકરા જ પણ તેઓમાં તેનો ભાવ એ હતો કે આ છોકરાઓને કારણે મારા ઠાકોરજીનું મન પ્રસન્ન રહેતું હતું. એ પણ બાળક અને ઠાકોરજી પણ. તો બાલભાવથી એની સાથે રમતાં હતાં. તો જુઓ, ડોકરીનું રડવું મોહને કારણે નહોતું, તે ભક્તિના કારણે રડતી હતી. વાત તો તેની તે જ છે. છોકરાઓના મરવાને કારણે જ રડવું આવી રહ્યું છે, પણ એક રડવું સાંસારિક છે જ્યારે બીજું ભક્તિમાટે રડવાનું છે. આમાં ઘણો ફરક પડી જાય છે.

કૃષ્ણસેવારત છો તો સંસારસાગરમાં પણ નિર્ભય છોઃ

ભક્તની અહન્તા-મમતા જે વખતે ફેલાઈને ભગવાનને પણ પોતાના રંગમાં રંગી લે છે ત્યારે ભગવાન્‌ પણ ભક્તના સંસારમાં કૂદી પડે છે. શ્રીમહાપ્રભુજીએ આ વાત એક ખૂબ સુન્દર ઉદાહરણથી સમજાવી છે કે ડૂબતા માણસને બચાવવા જેને તરતા આવડે છે તે શું કરશે? શું તે દોરડું ફેંકશે? હા, ફેંકી શકે છે, જો તેની મમતા ડૂબવાવાળામાં ઓછી હોય. પણ માની લો કે તેનો દીકરો જ ડૂબી રહ્યો છે તો દોરડું ફેંકીને તેને બચાવવાની ધીરજ બાપની રહેશે? બાપ જાતે જ કૂદી પડશે. તે જ પ્રમાણે ભક્ત જ્યારે પોતાની અહન્તા-મમતાના મોહના સાગરમાં ડૂબી રહ્યો હોય છે ત્યારે ભગવાન્‌ જાતે જ કૂદી પડે છે કે ભાઈ તુ ડૂબી રહ્યો છે? ચાલ, હું પણ આવી ગયો. આજથી હું તને મારો સેવક માનીશ. આજથી તારા પરિવારને હું મારો સેવક માનીશ. આમ સંસારસાગરમાં ડૂબતા ભક્તને બચાવવા માટે ભગવાન્‌ તેના ઘરમાં સેવ્ય બનીને પધારે છે. પ્રભુ જ્યારે આપણા અહન્તા-મમતાસ્પદ ઘર, પરિવાર, ધન વગેરે બધાનો ઉપભોગ કરવા લાગી જાય છે તો તેનો અર્થ એ કે આપણને બચાવવા માટે પ્રભુ આપણી અહન્તા-મમતાના મોહના સાગરમાં કૂદી પડ્યા છે. હવે ડરવાની કોઈ બાબત નથી. હવે તો ભવસાગરને પાર કરવાની પણ જરૂર નથી. કારણ કે પ્રભુની સાથે જ્યારે આપણે આ સાગરની લહેરની મજા માણી રહ્યા છીએ ત્યારે એમાં ડૂબવાનો કોઈ ભય નથી.

ભગવાને જેને પકડ્યો તે તરી ગયોઃ

શ્રીમહાપ્રભુજી કહે છેઃ

હરિણા યે વિનિર્મુક્તાસ્તે મગ્ના ભવસાગરે।।

યે નિરુદ્ધાસ્ત એવાત્ર મોદમાયાન્ત્યહર્નિશમ્‌।।

આ અહન્તા-મમતાના મોહના સાગરમાં જો હરિ પોતે કૂદી પડે છે અને આપણને પકડી રાખે છે ત્યારે તો આપણે તરી જઈએ છીએ પણ જો તે આપણને છોડી દે છે તો આપણે ડૂબી જઈએ છીએ. હરિએ જેમને છોડી દીધા તે તો ડૂબી ગયા અને હરિએ આ મોહમાયાના સાગરમાં જેમને પોતાનાથી બાંધી દીધા, ખુદ પણ ડૂબીને, તે તરી ગયા. કેમ? કારણ કે અહન્તા-મમતાના મોહની જો કોઈ ખરાબી હોય તો તે એટલી જ છે કે તેના કારણે આપણે પ્રભુને અભિમુખ થતા નથી. બીજી દસ વસ્તુના અભિમુખ થઈએ છીએ પણ પ્રભુને અભિમુખ થતા નથી. પણ જ્યારે પ્રભુ પોતે આપણી અભિમુખ થઈને આપણી અહન્તા-મમતામાં આવી જાય છે તે પછી ડરવાનું કોઈ કારણ રહેતું નથી. જે નાવમાં નાવિક બેઠો હોય તેની અંદર બેસવામાં કોઈ ડર નથી હોતો. જે ગાડીમાં કુશળ ડ્રાઈવર બેઠો હોય, તેની અંદર બેસવામાં ડર નથી.

મારા એક પરિચિત ન્યૂઝીલેન્ડ ગયા હતા. એ કહેતા કે ત્યાં સમુદ્રના જે ભાગમાં શાર્ક માછલી હોય તે ભાગમાં સમુદ્રની અંદર યાત્રીઓને ડૂબકી મરાવવાનો અનુભવ કરાવે છે. શાર્ક માછલી એટલી ખતરનાક હોય છે કે જો તે આપણને કરડે અને આપણને ખબર પડી કે હાથમાં કાંઈક કરડ્યું અને જો હાથ તરફ જોઈએ તો હાથ જ ગાયબ! એટલી તીક્ષ્ણ (શાર્પ) તે કરડતી હોય છે. આવી ખરતનાક શાર્ક માછલીની કોલોનીમાં યાત્રીઓને ત્યાં ફેરવે, પણ યાત્રીને ત્યાં લઈ જનારા ગાઈડની શાર્ક માછલી સાથે એવી દોસ્તી હોય છે કે તેની સાથે જે કોઈ હોય તેને શાર્ક કાંઈ ન કરે. આપણી આસપાસ પણ અહન્તા-મમતાની શાર્ક માછલીઓ ફરી રહી છે, પણ અહન્તા-મમતાની એ શાર્ક આપણા ગાઈડ ભગવાન્‌ સાથે હળીભળી ગયેલી હોય છે તેથી તે આપણી આજુબાજુ હોય તો પણ આપણને નુકસાન કરી શકતી નથી. આપણે ભગવાનની સાથે છીએ એ વાત ખાસ સમજવી જોઈએ.

અહન્તા-મમતાને તોડો નહીં, ભગવાન્‌ સાથે જોડોઃ

શ્રીમહાપ્રભુજી સમજાવે છે કે સેવાનો પ્રકાર આપણી અહન્તા-મમતાને પ્રભુ સાથે જોડવાનો છે, એને તોડવાનો પ્રકાર નથી. અહન્તા-મમતાથી કોણ ગભરાય? તે કે જે તેને પાળતુ ન બનાવી શકે. સિંહથી કોણ ગભરાય? તે કે જે સિંહને પાળતુ ન બનાવી શકે. મને નાનપણમાં એક કૂતરો કરડ્યો, તેની મને આજે પણ બીક છે. મુંબઈમાં મારા ઓળખીતાને ત્યાં હું ગયો. તેના ઘરમાં બહુ મોટો કૂતરો હતો. તેને જોતાં જ મને બીક લાગવા માંડી. મેં તેમને કહ્યું કે તમે આને જરા બાંધી દો. તેમને ત્યાં એક નાનું બાળક હતું. તેણે મને કહ્યું કે કૂતરાને તો દાંત જ નથી. તેણે કૂતરાનું મોં ખોલી બતાવ્યું. મેં તેને કહ્યું, દાંત હોય કે ન હોય પણ મને તો કૂતરાને જોઈને જ ડર લાગે છે. તો જુઓ, આપણે જો પાળતુ ન બનાવી શકીએ તો દાંત વગરના કૂતરાથી પણ બીક લાગે અને પાળતુ બનાવી શકો તો સિંહથી પણ ડર નહીં લાગે. સરકસવાળાઓ સિંહથી ક્યાં બીએ છે. આપણો પ્રભુ જો અહન્તા-મમતાના સરકસમાં આપણો રિંગમાસ્ટર થઈ જાય પછી ગભરાવાની કોઈ બાબત રહેતી નથી. બધું આપણને અનુકૂળ થઈ જશે. આપણે મજાથી બધાનો આનન્દ માણી શકીશું. આ પદ્ધતિ શ્રીમહાપ્રભુજી આપણને શીખવી રહ્યા છે. અહન્તા-મમતાને તોડવાની નહીં, જોડવાની બતાવી રહ્યા છે. જેથી આપણી અહન્તા-મમતા ભક્તિનું રૂપ પ્રાપ્ત કરે, ભક્તિમાં તે બાધક ન થાય.

ભટકો નહીં, તમારા કૃષ્ણને સંભાળોઃ

આ જ વાતને સમજાવવા શ્રીલાલૂભટ્‌ટજી કહે છે કે એક દિવસ નન્દરાયજીના મનમાં વસુદેવજીને મળવાની ઇચ્છા થઈ. વસુદેવજી સગપણમાં તેમના દૂરના ભાઈ હતા. બન્નેની માતા જુદાં હતાં. કંસને કર પણ ચૂકવવાનો હતો. કંસને કર ચૂકવીને નન્દરાયજી જ્યારે વસુદેવજીને મળવા ગયા ત્યારે વસુદેવજીએ એમને એક સરસ વાત કહી. તમે મારે ત્યાં વારંવાર ન આવો. તમે ગોકુલમાં જ રહો. કારણ કે જો તમે ગોકુલમાં તમારા કૃષ્ણને સંભાળશો નહીં તો મોટી-મોટી તકલીફો થવાની શક્યતા છે. તમે મને મળી લીધા, આપણે રામ-રામ કરી લીધા, હવે તમે જલ્દીથી ગોકુલ જાઓ. ‘‘નેહ સ્થેયં બહુતિથં સન્ત્યુત્પાતાશ્ચ ગોકુલે’’ એવું વસુદેવજીએ કહ્યું.

પુષ્ટિમાર્ગીય ગુરુઓનું પણ તેથી એ કર્તવ્ય છે કે તેઓ વૈષ્ણવોને એમ સમજાવે કે તમે અમારી આગળ-પાછળ બહુ આંટા ન મારો, અમે તમને ઠાકોરજી પધરાવી આપ્યા છે તેમની સેવામાં તત્પર થાઓ. તેમની સેવામાં તમે તત્પર નહીં થાઓ તો ત્યાં કોઈક ઉત્પાત (આફત) થવાનો સમ્ભવ છે.

તમે કહેશો કે ગુરુએ આપણને ઠાકોરજી પધરાવી આપ્યા છે તેથી અમે તો ગુરુની આસપાસ જ આંટા-ફેરા લગાવીશું. પણ ભાઈ! એક બાબત વિચારો, સસરાએ આપણને દીકરી તો આપી દીધી. આપણે કહીશું કે તમે મોટો ઉપકાર કર્યો કે આટલી સરસ સ્ત્રી મને પધરાવી આપી. પણ તે પત્નીને છોડીને તમે સસરાના આંટા ફેરા નહીં જ લગાવોને! એ જ પ્રમાણે જ્યારે ગુરુએ તમને ઠાકોરજી પધરાવી આપ્યા છે ત્યારે ઠાકોરજીને છોડીને તમારે ગુરુના આંટાફેરા લગાવવાની જરૂર નથી. આ વાત શ્રીલાલૂભટ્‌ટજી કરી રહ્યા છે.

‘‘નેહ સ્થેયં બહુતિથં સન્ત્યુત્પાતાશ્ચ ગોકુલે’’ આવું કહીને જ્યારે વસુદેવે નન્દરાયજીને એ વાત સમજાવી કે આપણે ઘણા દિવસથી મળ્યા નહોતા, મળી લીધું, સારું થયું, હવે પાછા ગોકુલ જાઓ, જઈને તમારા બાળકની સંભાળ રાખો. આ પ્રમાણે દરેક પુષ્ટિમાર્ગીય ગુરુનું પણ એ કર્તવ્ય છે કે તેઓ જેમને બ્રહ્મસમ્બન્ધ આપે તેને ઠાકોરજી પધરાવી આપે. બિલકુલ તેવી જ રીતે કે જેવી રીતે વસુદેવજીએ નન્દરાયજીને ત્યાં ઠાકોરજી પધરાવ્યા. અને જેવા નન્દરાયજી વસુદેવજીના આંટાફેરા મારવા લાગ્યા ત્યારે વસુદેવજીએ નન્દરાયજીને જેમ સમજાવ્યા તેમ ગુરુ પણ પોતાના શિષ્યને પોતાની આસપાસ આંટા ન મારવા સમજાવે. શિષ્યને ગુરુ એ વાત સમજાવે કે તેણે ગુરુજીને નહીં, ઠાકોરજીને સંભાળવાના છે. આ વાત આજે ન તો વૈષ્ણવ સમજે છે અને આજના ગુરુઓ પણ સમજાવવા માંગતા નથી. શિષ્યની એ દશા છે કે પત્નીની સંભાળ રાખવાને બદલે સસરાના આંટાફેરા મારવાવાળા જમાઈની જેમ પોતાના ઠાકોરજીની સેવા છોડીને ગુરુને ત્યાં આંટાફેરા મારવામાંથી ઉંચા નથી આવતા અને આજના ગુરુ પણ એ જ ઇચ્છે છે કે શિષ્ય પોતાના ઘરના ઠાકોરજીની સેવા કરે કે ન કરે, પણ અમારે ત્યાં તો નિયમિત પહેલાં આવે. આ વાત જો હું કહેતો હોઉં તો હું ગુનેગાર છું. શ્રીલાલૂભટ્‌ટજી ‘પ્રમેયરત્નાર્ણવ’ ગ્રન્થમાં સ્પષ્ટ રીતે કહે છે કે

યથા ‘‘નેહ સ્થેયં બહુતિથં સન્ત્યુત્પાતાશ્ચ ગોકુલે’’ ઇત્યનેન પ્રાદુર્ભૂત-ભગવત્સુખાનુભવ-પ્રતિબન્ધક-જ્ઞાને વસુદેવસ્ય કારણતા એવં અત્રાપિ ગુરોઃ સકાશાદ્‌ ભક્તિમાર્ગપ્રતિબન્ધકજ્ઞાનમ્‌’’.

કેવી મીઠાશભરી પંક્તિ શ્રીલાલૂભટ્‌ટજીએ કહી છે! પણ ગુરુને આજે આ વાત કહેવામાં ગભરાટ થાય છે કે જો (આ પ્રમાણે) કહીશું અને બધા ચેલાઓ પોતાના ઘરમાં પ્રભુસેવા કરવા ચાલ્યા જશે તો અમારું શું થશે.

એક વૈષ્ણવ કોઈ હવેલીમાં ગયો. હવેલીમાં ત્યાંના મહારાજશ્રીનું ચિત્ર વેચાતું હતું. ત્યાં શ્રીઠાકોરજીનું ચિત્ર પણ હતું. તેણે મહારાજશ્રીના ચિત્ર સાથે ઠાકોરજીનું ચિત્ર પણ હવેલીના અધિકારી પાસે માંગ્યું. તેણે ગુરુનું ચિત્ર આપ્યું પણ ઠાકોરજીનું ચિત્ર આપવા સ્પષ્ટ ના પાડી. વૈષ્ણવે કારણ પૂછ્‌યું તો તેણે કહ્યું કે શ્રીઠાકોરજીનું ચિત્ર તમને આપીએ પછી તમે ઘરમાં જ (તેમનાં-શ્રીઠાકોરજીનાં) દર્શન કરી લો અને હવેલીમાં નહીં આવો તો!!! અધિકારી જાણે છે કે જો ઠાકોરજીનું ચિત્ર આપી દઈશું તો ધંધો ખોટમાં જશે. તો વિચારો કે કેવા ષડ્‌યંત્રની જાળ બિછાવેલી છે! આ જાળમાં આપણે ફસાઈ રહ્યા છીએ અને પેલી શાર્ક (માછલીઓ) આપણને કાચાને કાચા ખાઈ રહી છે. શ્રીમહાપ્રભુજી કહે છેઃ

યદા બહિર્મુખા યૂયં ભવિષ્યથ કથઞ્ચન।

તદા કાલપ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્યુત।।

સર્વથા ભક્ષયિષ્યન્તિ યુષ્માનિતિ મતિર્મમ।

કાળ આપણને ખાઈ જાય એવો સરંજામ આપણે ભેગો કર્યો છે અને એ સરંજામ વૈષ્ણવો પણ ભેગો કરી રહ્યા છે. પરન્તુ જે વાત શ્રીલાલૂભટ્‌ટજી આપણને અહીં સમજાવી રહ્યા છે તે એ છે કે જેમ વસુદેવજીએ નન્દરાયજીને કડક સૂચના આપી કે આપણે મળી લીધું, હવે તમે ગોકુલ જઈને તમારા કૃષ્ણને સંભાળો. તેમ દરેક ગુરુનું એ પવિત્ર કર્તવ્ય છે કે તે પોતાના શિષ્યને સમજાવે કે જે ઠાકોરજી મેં તમને પધરાવી આપ્યા છે તેની સેવામાં તમે વધારે સાવધાન થાઓ. પણ આજે ઉલટું થઈ રહ્યું છે. ગુરુ એમ ઇચ્છે છે કે શિષ્ય તેનાજ આંટા મારતો રહે. તેથી સમજો કે આધુનિક ગુરુના વિચારમાં કંઈક ગરબડ છે. જો કોઈ સસરો એમે ઇચ્છે કે તેનો જમાઈ તેની દીકરીની સુખ-સુવિધાનો વિચાર છોડીને સસરાના આંટા મારતો રહે તો સમજી લો કે સસરાને પોતાની દીકરીના વાત્સલ્યમાં કંઈક ગરબડ છે. જેને પોતાની પુત્રી પર શુદ્ધ વાત્સલ્ય હશે તે ક્યારે પણ આવું નહીં વિચારે. તેવી જ રીતે જેણે શ્રીઠાકોરજી પુષ્ટ કર્યા છે તે ગુરુએ પણ એમ વિચારવું જોઈએ કે મેં જે ઠાકોરજીને પુષ્ટ કરીને શિષ્યના ઘરે પધરાવ્યા છે, એટલે કે મેં જે ઠાકોરજીને પ્રકટ કર્યા છે તે ઠાકોરજીને સુખ પહોંચે તના જ વિચાર અને પ્રયાસ માં શિષ્ય તત્પર બને, નહિ કે તેના આગળ-પાછળ આંટા-ફેરા માર્યા કરે. આ વાતને સસરા જમાઈનાં દૃષ્ટાન્ત સાથે ગંભીરતાથી સરખાવીને વિચારો કે જે લાડકી દીકરીને મેં પાળી-પોષીને મોટી કરી, જેને મેં મારા જિગરનો ટુકડો સમજ્યો, જેનો યોગ્ય પતિ સાથે મેં વિવાહ કર્યો. હવે જો આ દુષ્ટ જમાઈ મારી પુત્રીનું ધ્યાન ધરતો નથી અને મારું ધ્યાન ધરે છે તો એણે જે લગ્ન કર્યાં તે તો નાટક જ થયું ને? તેમ ગુરુને પણ અહેસાસ થવો જોઈએ કે જ્યારે મેં ઠાકોરજી પધરાવી આપ્યા ત્યારે વૈષ્ણવનું એ કર્તવ્ય છે કે તે તેના માથે બિરાજતા ઠાકોરજીનું ધ્યાન ધરે.

શ્રીમહાપ્રભુજી આ વાતનું કેટલું ધ્યાન રાખતા હતા કે જો એમના શિષ્યના કોઈ ઠાકોરજીને થોડો પણ પરિશ્રમ પડતો તો આપ ‘‘તું કેવી સેવા કરે છે?’’ તેમ પૂછીને ખબર કાઢતા. સાસરે મોકલ્યા પછી મા-બાપ ક્યારેક-ક્યારેક છોકરીને બોલાવીને પણ તેની પૂછપરછ કરતા હોય છે કે તને કોઈ તકલીફ તો નથીને! સાસુનું વર્તન તો ઠીક છે ને! જેઠાણી બરાબર તો રાખે છે ને! નણંદ ઝઘડો તો કરતી નથી ને! આમ પોતાની દીકરીના સુખ-દુઃખ જાણવાની જેવી જિજ્ઞાસા માબાપન ી હોય છે તેવી રીતે ગુરુને પણ જિજ્ઞાસા થવી જોઈએ કે જે ઠાકોરજી તેણે શિષ્યને ઘેર પધરાવી આપ્યા છે તેની તમે સારી રીતે સેવા કરો છો કે નહીં, તમારાં પત્ની, ભાઈ, દીકરા, બરાબર સેવા કરે છે કે નહીં તેની ખબર રાખે. જો ન કરતા હોય તો તેમને તે સમજાવે. એટલે કે જે પરિવારના માથે તેમણે ઠાકોરજી પધરાવી આપ્યા હોય તે પરિવાર હળીમળીને સેવા કરે છે કે નહીં તે જોવું અને જો ન કરી શકતા હોય તો તેનું કારણ સમજીને તેનું સમાધાન કરવું એ ગુરુનું કર્તવ્ય છે. ગુરુનું કર્તવ્ય એ નથી કે બધા શિષ્યો તેની પાસે આવતા રહે, તેના ઠાકોરજીની સેવા કરતા રહે, તેની સમૃદ્ધિ વધારતા રહે. આવું કર્તવ્ય પુષ્ટિમાર્ગીય ગુરુનું હોઈ શકેનહીં.

શ્રીલાલૂભટ્‌ટજી સમજાવી રહ્યા છે કે શ્રીકૃષ્ણના લાલન-પાલનમાં આવતા પ્રતિબન્ધોનું જ્ઞાન જેવી રીતે વસુદેવજી પાસેથી નન્દરાયજીને થયું તેમ પોતાના માથે બિરાજતા સેવ્ય પ્રભુની સેવામાં આવતા પ્રતિબન્ધોનું જ્ઞાન મેળવવામાટે શિષ્યને જો પોતાના ગુરુને ત્યાં જવું પડે તો તે ભલે જાય, નહીં તો તેને ગુરુની પાસે જવાની કોઈ જરૂર નથી એ વાત શ્રીલાલૂભટ્‌ટજી અહીં સમજાવી રહ્યા છે. આ વાત કોઈ શ્યામમનોહર નથી કરી રહ્યો. હું તો જે લખાયેલું છે તેનો ફક્ત અનુવાદ કરું છું. પણ આ વાત કંઈક એવી છે કે જે સાંભળીને બધાને મરચાં લાગે છે. જેને કહી દો તેને તે સાંભળીને ગુસ્સો આવી જાય છે!!

એકે તો મને એમ કહ્યું કે તમે કેટલા મૂર્ખ છો કે જે ડાળ ઉપર બેઠા છો તેને જ કાપી રહ્યા છો. મેં કહ્યું કે મને તો એમ લાગે છે કે જે ડાળ ઉપર હું બેઠો છું તેના બધે બીજ વાવી રહ્યો છું. હું શ્રીમહાપ્રભુજીના ઉગાડેલા પુષ્ટિભક્તિના વૃક્ષની ડાળ ઉપર બેઠો છું. તે ડાળ બધા પુષ્ટિમાર્ગીઓને મળે તેવી ભાવનાથી બીજ વાવી રહ્યો છું. આ સાંભળીને તેઓ કહેવા લાગ્યા કે ‘‘તમારે ત્યાં વૈષ્ણવો આવશે જ નહીં. તમે ભૂખે મરી જશો’’. મારી સમજમાં એ વાત નથી આવતી કે વૈષ્ણવ એના ઘરમાં બિરાજતા શ્રીઠાકોરજીની સેવા કરે તેમાં ગુરુ શા માટે ભૂખે મરી જવાનો?

ભૂખે મરવાનું એક કારણ હોઈ શકે છે. ભૂખ એક એવી વસ્તુ છે કે તેને જેટલી વધારો તેટલી વધી શકે છે અને જેટલી ઘટાડો તેટલી ઘટી શકે છે. જેમકે તમે આજે ચાર રોટલી ખાતા હો તો એક પ્રયોગ કરો, થોડા દિવસ તમે બે જ રોટલી ખાઓ. શરૂઆતના થોડા દિવસ સુધી તમને સંતોષ નહીં થાય, પણ મહિના સુધી તમે બે રોટલી ખાતા રહેશો તો ધીરે-ધીરે બે રોટલીથી તમારું પેટ ભરાઈ જશે. પછી કોઈ દિવસ તમે ચાર રોટલી સ્વાદમાટે ખાશો તો પેટ ભારે થઈ જશે. તો સમજી લો કે આપણે લોકોએ આપણી ભૂખ વધારી દીધી છે. તેથી આજે આપણને એવું લાગી રહ્યું છે કે આપણે ભૂખે મરી જઈશું. પણ જો ભૂખને વધારીએ જ નહીં તો શા માટે ભૂખે મરી જવાના. મેં એક પુસ્તકમાં શિષ્ય પાસે ભેટ લેવાના ૩૬ પ્રકાર મહારાજોએ બનાવી રાખ્યા છે તેનું વિસ્તારથી નિરૂપણ કયુર્ંં છે. તેમાં પોતાની ચરણભેટ, ઠાકોરજીની ભેટ, પોતાના નોકરોની ભેટ, ગાય પાળે તેની ભેટ, જન્મદિનની ભેટ, મરવાની ભેટ, લગ્નની ભેટ, ફૂલઘરની ભેટ, પાનઘરની ભેટ, દૂધઘરની ભેટ આવી અનેક ભેટનું વિવરણ કર્યું છે. અંતમાં મેં લખ્યું છે કે અમે પિશાબ જવાની અને સંડાસ કરવા જવાની ભેટ નથી લેતા એમાં અમારો કેટલો મોટો વૈરાગ્ય છે! વિચારો કે આટલી બધી ભેટ જ્યારે અમે લઈ રહ્યા છીએ તો ભૂખે શા માટે મરી જઈશું? અને આટલી બધી ભેટ લઈ રહ્યા છીએ તો કમ સે કમ ઠાકોરજીની ભેટ તો ન લો! કમસેકમ તમારા ઠાકોરજીની સેવા તો તમારી ગુરુ ભેટમાંથી કરો. વૈષ્ણવ પોતાના ઠાકોરજીની સેવા જાતે કરશે, તેની પાસે તમે તમારા ઠાકોરજીની સેવાની ભેટ શા માટે લો છો? એટલે કે તમે તમારી પોતાની ભૂખ વધારી દીધી છે. ભૂખ વધારી છે તેથી તકલીફ થઈ રહી છે. બાકી આટલી બધી ભૂખ ક્યારેય સ્વાભાવિક રીતે લાગતી નથી. આ વાત શાંતિથી સમજશો તો બધાને સમજાશે.

કેટલાક લોકો કહેશે કે સમ્પત્તિના કારણે હું આવી વાત કરી રહ્યો છું. પણ ભાઈ! સમ્પત્તિ કે વિપત્તિ નો પ્રશ્ન નથી. અહીં વાત શ્રીમહાપ્રભુજીના સિદ્ધાન્તની છે. દરેક વ્યક્તિ કે જેણે પ્રભુને આત્મસમર્પણ કર્યું છે તેને પોતાના માથે બિરાજતા ઠાકોરજીની સેવા જેવી રીતે નન્દ-યશોદાએ પોતાના કૃષ્ણ-કનૈયાનું લાલન-પાલન કર્યું હતું તેમ પોતાના ઘરમાં પોતાના તન-મન-ધનથી કરવાની છે. પણ જેવી રીતે ગુરુઓ આજે શિષ્યને શ્રીઠાકોરજી વાત્સલ્ય ભાવથી પધરાવી રહ્યા નથી તેવી જ રીતે સેવા કરનાર વૈષ્ણવ પણ પોતાના સેવ્ય પ્રભુમાં દૃઢ આસક્તિવાળો રહ્યો નથી. સાક્ષાત્‌ શ્રીકૃષ્ણ તમારા ઘરમાં બિરાજી ર્‌હ્યા હોવા છતાં તેમાં તમારી દૃઢતર શ્રદ્ધા કેમ નથી? કારણ બતાવો. શું તેમાં વોલ્ટેજ એટલે પાવર ઓછો છે? તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજી શું ૫૦ વોલ્ટનો બલ્બ છે અને મંદિરમાં બિરાજતા ઠાકોરજી શું ૨૫૦ વોલ્ટના બલ્બ છે? એક વાત ધ્યાનથી સમજો કે જો તમને તમારા ઠાકોરજી ૫૦ વોલ્ટના લાગે છે તો એટલા માટે કે તમારો ભાવ ત્યાં ૫૦ વોલ્ટનો છે. જે દિવસે તમારો ભાવ તમારા પોતાના ઠાકોરજીમાં ૨૫૦ વોલ્ટનો થઈ જાય તે દિવસે તે ઠાકોરજી પણ ૨૫૦ વોલ્ટના થઈ જશે. તમે તમારા ઠાકોરજીને ૫૦ વોલ્ટના માનો છો કારણ કે તમારી ભાવનાના વોલ્ટેજ ઓછા છે, ઠાકોરજીનો વોલ્ટેજ ઓછો નથી તે વાતને દૃઢપણે સમજી લો. જે રીતે શ્રીમહાપ્રભુજી કહેતા હતા કે ‘‘હું તને મારું સર્વસ્વ પધરાવી રહ્યો છું તેને તું તારું સર્વસ્વ કરી જાણજે’’ જો આવો ભાવ તમને તમારા સેવ્યસ્વરૂપમાં છે તો તમારી અહન્તા, તમારી મમતા, તમારું સંસારનું બન્ધન, તમારા સંસારના આ ભવસાગરમાં તમારા ઠાકુરજી તમારી સાથે તરતા જણાશે, કોઈ ભયની વાત નથી, બીવાની વાત નથી. આ સંસારમાં કોઈ વૈરાગ્યની વાત નથી. બધી વાત પ્રેમની થઈ જશે. એવા અનુરાગની કે જેવો અનુરાગ શ્રીગુસાંઈજી અને શ્રીનવનીતપ્રિયજીની વાર્તામાં પ્રકટ થયો છે. એક દિવસ સેવામાં કાંઈ ગરબડ થઈ ગઈ. શ્રીગુસાંઈજીએ શ્રીગિરધરજીને આજ્ઞા કરી કે સેવામાં આવી ગરબડ થઈ ગઈ! હવે હું ઘર છોડીને જઈ રહ્યો છું. આ સાંભળીને શ્રીનવનીતપ્રિયજીએ પણ શ્રીગિરધરજીને આજ્ઞા કરી કે ‘‘લો, મારો તનિયો પણ ભગવા રંગમાં રંગી દેજો. હું પણ શ્રીગુસાંઈજી સાથે જવાનો છું’’. શ્રીઠાકોરજીનો લંગોટ પણ પોતાના વસ્ત્રની સાથે ભગવા રંગમાં સુકાયેલો જોઈને શ્રીગુસાંઈજીએ શ્રીગિરિધરજીને પૂછ્‌યું કે ભાઈ! આ શું છે? શ્રીગિરિધરજીએ કહ્યું કે ‘‘ઘરમાં ઠાકોરજી બિરાજી રહ્યા છે અને તમે વૈરાગ્ય લઈ રહ્યા છો તો ઠાકોરજીને પણ વૈરાગ્ય આવી રહ્યો છે!’’ શ્રીગુસાંઈજીએ કહ્યું કે હવે વૈરાગ્ય નહીં આવે. જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તે ઘરમાં વૈરાગ્ય કેવી રીતે આવી શકે? એવા ઘરમાં તો પરમ અનુરાગ હોવો જોઈએ. પરન્તુ આપણી શરત ફક્ત એટલી છે કે ઘરમાં પરમ અનુરાગ હોય તો તે પ્રભુકેન્દ્રિત હોવો જોઈએ. પ્રભુ એ અનુરાગની ધરી હોવા જોઈએ. જેવી રીતે ધરી પર પૈડું ગોળ ફરતું હોય છે તેવી રીતે ભગવદનુરાગની ધરી ઉપર આપણા પરિવારનો અનુરાગ ફરતો હોવો જોઈએ. ભક્તિ તો સિદ્ધ થાય. અને જ્યારે ભગવત્સ્નેહની ધરી પર આપણો પારિવારિક અનુરાગ ઘૂમતો નથી તો પછી તે સંસાર છે. ભક્તિ અને સંસાર માં ફક્ત આટલો જ ફેર છે કે સાંસારિકતા બન્નેમાં સરખી જ છે, પણ એક જગ્યાએ ફક્ત પોતાની અહન્તા-મમતાની ધરી પર પોતાના પારિવારિક અનુરાગનાં પૈડાં ફરી રહ્યાં છે અને બીજી જગ્યાએ ભગવદ્‌ અનુરાગની ધરી ઉપર, ભગવાન્‌ પ્રત્યે પોતાના સમર્પણની ધરી ઉપર પોતાના પારિવારિક અનુરાગનાં પૈડાં ફરી રહ્યાં છે. આટલી જ વાત આપણા પુષ્ટિમાર્ગની છે. વાત બહુ નાની છે, બહુ સીધીસાદી છે, પરન્તુ નાની પણ સીધી રેખા ખેંચવી ઘણી મુશ્કેલ છે. વાંકી-ચૂકી લાંબી રેખા પણ ખૂબ જલદીથી ખેંચી શકાય, પણ સીધી રેખા ખેંચવી ઘણી મુશ્કેલ છે. પણ આ વાત સમજીએ તો એનાથી વધારે સરળ વાત શી હોઈ શકે?

પોતાના ઠાકોરજીની સંભાળ રાખો, ઠાકોરજી અવિદ્યાને સંભાળશેઃ

આગળ શ્રીલાલૂભટ્‌ટજી એક ખૂબ સુન્દર વાત બતાવે છે કે જ્યારે નન્દરાયજીને એ વાતની ખબર પડી કે ગોકુલમાં ઉત્પાત થઈ રહ્યા છે તો નન્દરાયજી ગભરાઈ ગયા. નન્દરાયજી જલદી-જલદી મથુરા છોડી ગોકુલ જવા નીકળ્યા. તેઓ જ્યારે ગોકુલ પહોંચ્યા ત્યારે પૂતના ત્યાં પ્રભુને ઝેર પાવા પહોંચી ગઈ હતી અને પ્રભુએ તેને મારી નાખી હતી. નન્દરાયજી જે વખતે (ગોકુલ) પહોંચ્યા ત્યારે પૂતનાને તેમણે મરેલી જોઈ. તેવી જ રીતે શ્રીલાલૂભટ્‌ટજી કહી રહ્યા છે કે જ્યારે તમે એવી ઉતાવળથી, એવા ઉદ્વેગથી તમારા ઠાકોરજીની સંભાળ લેવા જશો તો તમારા ઘરની અવિદ્યારૂપી પૂતના એટલેકે અજ્ઞાનને પ્રભુ જાતે દૂર કરી દેશે. જુઓ બહુ મોટી વાત શ્રીલાલૂભટ્‌ટજી કહી રહ્યા છે.

તમારા અંદર રહેલી પૂતનાને ઓળખોઃ

હું મંદિરમાં જન્મ્યો છું. મંદિરમાં મારું લાલન-પાલન થયું છે અને જીવનના અડધાથી વધુ વર્ષો મેં મંદિરમાં ગાળ્યાં છે તેથી હું મારા અનુભવની વાત તમને કહી રહ્યો છું. મંદિરમાં થતી ખૂબ ઉચ્ચ પ્રકારની સજાવટ, ઉચ્ચ પ્રકારની સેવા, મોટા ભભકા અને દેખાવ-પ્રદર્શનનો આખો પ્રકાર કઈ રીતે નભી રહ્યો છે તે વાત પર તમે લોકોએ ક્યારે પણ ધ્યાન આપ્યું નથી. (એ બધી તથાકથિત સેવા અને પરિચર્યા) મહારાજ જાતે નથી કરી રહ્યા. ફૂલમંડળી મહારાજ જાતે નથી ભરતા, વૈષ્ણવો ભરે છે. મોટા-મોટા અન્નકૂટ, મોટા-મોટા છપ્પન ભોગ માટે મહારાજ પોતાના પાકિટમાંથી દ્રવ્ય-પૈસા કાઢતા નથી, વૈષ્ણવો પાસે પૈસાની ઉઘરાણીફં ડ-ફાળા કરીને ધરી રહ્યા છે. તમે વિચાર કરો કે વૈષ્ણવ જો મહારાજને ત્યાં ફૂલમંડળી, હિંડોળાની સજાવટ કરે છે તો પોતાના ઘરમાં કેમ નથી કરી શકતો? જો તે ઇચ્છે તો પોતાના ઘરમાં પણ તેવી સજાવટ કરી શકે છે. વૈષ્ણવ જે પૈસા મહારાજના ઠાકોરજીની સેવા માટે ખર્ચી રહ્યો છે તે જ પૈસાથી તે પોતાના ઠાકોરજીની સેવાનો વૈભવ કેમ વધારતો નથી? ચોક્કસ વધારી શકે છે પણ દુઃખની બાબત એ છે કે બધે એક ભ્રમ પેદા થઈ ગયો છે કે મારા માથે બિરાજતા ઠાકોરજી ઉતરતી કક્ષાના (નાના) છે અને મંદિર-હવેલીઓમાં બિરાજતા ઠાકોરજી ખૂબ મોટા વોલ્ટેજના છે ‘‘ઘરનો જોગી જોગટો, પરગામનો સિદ્ધ’’ ઉક્તિ પ્રમાણે વૈષ્ણવની પુષ્ટિભક્તિ જોઈએ તેવો રંગ ધારણ કરી શકતી નથી. તેથી શ્રીલાલૂભટ્‌ટજીની પઙિ્‌ક્ત આધારે હું તમને એ વાત કહી રહ્યો છું કે જેમને ત્યાં ઠાકોરજી બિરાજી રહ્યા છે તે દરેક વૈષ્ણવના ઘરમાં ઠાકોરજીને ઝેર પાવા માટે એવી અજ્ઞાનની પૂતના ઘૂસી ગઈ છે કે અમારા ઠાકોરજી નાના છે અને મંદિરમાં બિરાજતા ઠાકોરજી મોટા છે, કારણ કે ત્યાં સજાવટ સારી થાય છે, ત્યાં વૈભવ વધારે છે, અપરસ વધારે છે, ત્યાં સામગ્રીની સજાવટનો પ્રકાર પણ વધારે છે, ત્યાં છપ્પનભોગ થઈ રહ્યો છે. આપણે એટલું બધું ક્યાંથી કરી શકીએ? આવા વિચારો કે ભાવો સેવા કરનારના મનમાં આવે તે જ પૂતના છે. આ પૂતનાને તમારા ઠાકોરજી મારી શકે છે. ક્યારે? કે જ્યારે તમે એક વખત તમારા ઠાકોરજી તરફ દોડો. જેમ નન્દરાયજીને વસુદેવજીએ કહ્યું કે ‘‘સન્ત્યુત્પાતાશ્ચ ગોકુલે’’ જુઓ ગોકુલમાં મોટા ઉત્પાત થવાની સંભાવના છે, તમે દોડીને જાઓ, અહીં મારી પાસે બેસી ન રહો. આમ તમે એક વખત (માત્ર) એક વખત આ રીતે તમારા ઠાકોરજી તરફ દોડ લગાવો. બસ, એ અવિદ્યાની પૂતનાને તમારા ઠાકોરજી જ મારીને બતાવી દેશે. પછી એ અવિદ્યા તમને ક્યારે પણ નહીં સતાવે. એક વખત તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજીની એ ઉમંગથી સેવા કરો કે જે ઉમંગથી તમે મંદિરમાં બિરાજતા ઠાકોરજીની સેવા કરવા જાઓ છો. એક વખત તમે તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજી માટે એ ઉમંગથી પૈસા ખર્ચો કે જે ઉમંગથી તમે મંદિરમાં સજાવટ-મનોરથ માટે પૈસા ખર્ચ કરો છો. જે સજાવટો તમે મંદિરોમાં જઈને કરો છો તે સજાવટ તમે તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજીની કરો. જો તમે આવું કરશો તો તમારી અવિદ્યાની પૂતનાને તમારા ઠાકોરજી એવી જ રીતે મારશે જેમ લીલામાં કૃષ્ણે પૂતનાને મારી હતી. આજ વાત શ્રીલાલૂભટ્‌ટજી અહીં આગળ કહી રહ્યા છેઃ ‘‘તતઃ પૂતનામારણમ્‌ સા ચ અવિદ્યારૂપા’’.

લીલા અને ગૃહસેવા માં પૂતના વધઃ

જ્યારે વસુદેવજીના કહેવાથી નન્દરાયજી ગોકુલ તરફ દોડ્યા ત્યારે પૂતના ભગવાનને મારવા આવી ગઈ હતી. પણ પૂતના ભગવાનને મારી શકી નહીં, ભગવાને જ એ પૂતનાને મારી કાઢી. તેવી જ રીતે તમે જ્યારે તમારા ઘરના ઠાકોરજી તરફ દોડશો તો તમારા ઠાકોરજીને ઉતરતા માનવાની, નાના માનવાની તમારી જે અવિદ્યા છે, જે તમારું અજ્ઞાન છે તેને તમારા ઘરના સેવ્ય ઠાકોરજી જાતે જ દૂર કરી દેશે. એક વખત એ ઉમંગથી તમારા ઠાકોરજીને જુઓ તો એ અજ્ઞાન દૂર થશે. એવા ઉંમગથી જો નહીં જુઓ તો અજ્ઞાન દૂર નહીં થાય. એ રીતે દરેક વૈષ્ણવના ઘરમાં, દરેક પુષ્ટિમાર્ગીના ઘરમાં એ પૂતના મરી શકે છે, પણ એના મરવાની શરત એ છે કે એ ઘરના નન્દરાયને તે ઉમંગથી, તે ઉદ્વેગથી પોતાના ઠાકોરજી તરફ દોડવાની જરૂર છે. જો તે દોડશે તો એ પૂતના મરશે, નહીં તો એ પૂતના ઠાકોરજીને મારી નાખશે હોં! એ પૂતના તમારા હૃદયના ભક્તિભાવરૂપમાં બિરાજતા ઠાકોરજીને મારી શકે છે. મતલબ કે તમારા હૃદયનો ભક્તિ ભાવ નાશ પામી શકે છે. જો તમે તમારા ઠાકોરજીને છોડીને અહીં-તહીં ભટકતા રહેશો; જ્યારે તમારે લોકોએ તમારા ઘરના ઠાકોરજીની એકનિષ્ઠાથી સેવા ન કરીને અહીં-તહીં ભટકવું છે તો પછી પુષ્ટિભક્તિની જરૂર શી છે? તો પછી પૂજામાર્ગ શું પૂરતો નહતો? ભક્તિમાર્ગ શ્રીમહાપ્રભુજીએ શા માટે પ્રકટ કર્યો છે? ભક્તિમાર્ગ શ્રીમહાપ્રભુજીએ એટલા માટે પ્રકટ કર્યો છે કે જેથી આપણે આપણા ઘરમાં આપણા ભગવાનની સાથે-સાથે જીવન જીવીએ, આપણે જગતમાં જગદીશને ભૂલ્યા વગર એવી રીતે જીવીએ કે ન તો આપણે જગતના કાદવમાં ખુંપી જઈએ અને ન તો જગતને છોડીને વૈંકુઠ જવાની કોઈ ધાંધલમાં ફસાઈએ. આપણે આ જગતમાં જગદીશની સાથે જો જીવી શકતા હોઈએ તો પછી જગતમાં કોઈ ખરાબી નથી. ‘‘તાવદ્‌ રાગાદયઃ સ્તેનાસ્‌ તાવત્‌ કારાગૃહં ગૃહમ્‌, તાવન્‌ મોહોઽઙિ્‌ઘ્રનિગડો યાવત્‌ કૃષ્ણ ન તે જનાઃ’’. જ્યાં સુધી ભગવાનના ચરણ પકડ્યાં નથી ત્યાં સુધી સંસારનું બન્ધન છે. ભગવાનનાં ચરણ પકડી લીધાં પછી તો સંસારનું બન્ધન જ ક્યાં છે? સ્વયં આ સંસાર ભગવાનની સેવા કરવાનો એક વ્યાપક અવસર આપણા માટે ઉપસ્થિત કરી દેશે.

શ્રીલાલૂભટ્‌ટજી આગળ એક ખૂબ સુન્દર શઙ્‌કા કરી રહ્યા છે કે પૂતના, બકાસુર વગેરેને આપ અવિદ્યા, દમ્ભ, પાખંડ વગેરે રૂપે કેમ માની રહ્યા છો?

એક વાત સમજી લો. આપણે સેવા કરીએ તે વખતે કોઈને કોઈ ભાવના કરતા હોઈએ છીએ. તમને દાખલો આપું તો ઠાકોરજીને જ્યારે ભોગ ધરીએ ત્યારે આપણે ભાવના કરીએ છીએ કે યશોદાજી ઠાકોરજીને મઙ્‌ગલભોગ ધરી રહ્યા છે. આપણે ઠાકોરજીને રાજભોગ ધરીએ ત્યારે ભાવના કરીએ કે ઠાકોરજી ગાયો ચરાવવા પધારે છે ત્યારે વ્રજના ગોપ-ગોપિકાઓ છાક લઈને જઈ રહ્યા છે. આપણે જ્યારે ઠાકોરજીને ગુલાલથી ખેલાવીએ છીએ ત્યારે વ્રજના ગોપ-ગોપી શ્રીઠાકોરજી સાથે હોળી ખેલી રહ્યા છે એવી ભાવના કરતા હોઈએ છીએ. આ રીતે જેમ ભગવત્સેવામાં આપણે આ બધી ભાવનાઓ કરતા હોઈએ છીએ. તેમ લીલામાં પ્રભુએ જ્યારે પૂતના મારી ત્યારે ઠાકોરજીએ એવી ભાવના કરી કે ‘‘મારા ભક્તોના અજ્ઞાનને હું મારી રહ્યો છું.’’ જ્યારે ઠાકોરજીએ બકાસુરને માર્યો ત્યારે આપે એવી ભાવના કરી કે ‘‘મારા ભક્તમાં રહેલા દમ્ભની બે ચાંચને હું ફાડી રહ્યો છું.’’ ઠાકોરજીએ કાલીય નાગને નાથ્યો ત્યારે ઠાકોરજીએ ‘‘હું કાલીયને એટલે મારી રહ્યો છું કે મારા ભક્તોમાં રહી ગયેલી વિષયાસક્તિને હું મારા ભક્તિના ચરણથી નાચી-નાચીને, કચડી-કચડીને ઝેર વિનાની બનાવી રહ્યો છું.’’ એવી ભાવના કરી. તો જેમ આપણી ભાવના ઠાકોરજીના પ્રત્યે છે તેમ ઠાકોરજીની પણ આપણા પ્રત્યે કોઈ ભાવના હોઈ શકે કે નહીં?

ભગવત્સેવાના વ્યવસ્થાપકો દિવાન્ધ છેઃ

એક સાચી વાત કહું છું. મારા ઘરમાં એક સરસ્વતીની મૂર્તિ છે. એક દિવસ છોકરાઓ પ્લાસ્ટિકનો એક ઘૂવડ લઈ આવ્યા. તેને જોઈને મારી પત્નીએ બૂમરાણ મચાવી દીધી કે અરે ઘૂવડ, આ શું લઈ આવ્યા? મેં કહ્યું કે લાવ આને સરસ્વતીના ચરણોમાં મૂકી દઈએ. ઘૂવડને બીજે ક્યાં બેસાડવો? મેં તેને સરસ્વતીના ચરણોમાં બેસાડી દીધો. મેં તેને ત્યાં બેસાડ્યા પછી જે કોઈ મારા ઘરે આવે તે ઘૂવડને સરસ્વતીના ચરણોમાં બેઠેલો જોઈને મને પૂછે કે ભાઈ, ઉલ્લુને તમે સરસ્વતીના ચરણોમાં કેમ બેસાડ્યો છે? તો હું એમના પ્રશ્નનો આ રીતે ઉત્તર આપતો હોઉં છું કે આ ઘૂવડમાં મારી ભાવના પુષ્ટિમાર્ગીય મંદિર-હવેલીના ટ્રસ્ટીઓની છે. ક્યારેક સુધરી જાય તે ભાવનાથી મેં એને સરસ્વતીનાં ચરણોમાં બેસાડ્યો છે. મારી ભાવના છે કે ક્યારેક એવી ભગવદ્‌ ઇચ્છા થશે તે દિવસે તેઓ સુધરી જશે. કોઈક દિવસ તો એવો આવશે! ‘‘વો સુબહ કભી તો આયેગી’’ કે જે દિવસે આ બધા ઘૂવડોની અક્કલ સુધરી જાય. આજે પણ એ ઉલ્લુ ત્યાં બેઠો છે, તમે મુંબઈ જાઓ ત્યારે જોજો.

આ કેવું ચક્કર છે? જે સિદ્ધાન્ત ઘરમાં સેવાનો હતો તેનો આપણે આવો ઉપદ્રવ કેમ કર્યો? મંદિરમાં સેવાનો પ્રકાર આપણને ગમી ગયો અને આપણે એને શ્રીમહાપ્રભુજીને કન્સલ્ટ (પૂછપરછ) કર્યા વિના શરૂ કરી દીધો કે આપનો સિદ્ધાન્ત એવો છે કે નહીં? હવે આવા લોકોનું સ્થાન ક્યાં હોઈ શકે? મને એક જ સ્થાન નજરમાં આવે છે કે તેને સરસ્વતીના ચરણોમાં બેસાડો, કદાચ સુધરી જાય! શુભ ભાવના રાખવી તે તો ખરાબ વાત નથી ને? આવી જ રીતે પ્રભુએ જ્યારે અસુરોનો સંહાર કર્યો ત્યારે પ્રભુએ એવી ભાવના કરી કે ભક્તમાં રહી ગયેલા તે-તે દુર્ગુણોને હું કાપી રહ્યો છું. અસુરોને મારી રહ્યો નથી. અસુરોને શા માટે મારું? ભક્તમાં રહેલા દુર્ગુણોને મારવાની મારી જવાબદારી છે કારણ કે ભક્તોની અહન્તામમતાન ા મોહસાગરમાં હું કૂદ્યો છું. ભક્તની અહન્તા-મમતાના મોહસાગરમાં તરી રહેલા જે આ દુર્ગુણો છે તે બધા અસુર છે, તેને ખતમ કરવાની જવાબદારી હવે મારી છે. પ્રભુ કૂદ્યા તેથી તેમની જવાબદારી થઈ તેથી તેમણે તે અસુરોને માર્યા.

જો આપણે આપણા માથે બિરાજતા ઠાકોરજી પ્રત્યે તત્પર હોઈએ તો આપણા અજ્ઞાનને ઠાકોરજી જાતે જ દૂર કરશે. આ સંદર્ભમાં ‘અજ્ઞાન’નો અર્થ અહન્તામમતા સમજવો જોઈએ. મેં તમને સમજાવેલું કે આપણે ત્યાં અહન્તા-મમતાને તોડવામાં આવતી નથી.

અહન્તા-મમતાઃ

અહીં એક બાબત તમે લોકો ખાસ સમજી લો કે આ દેહમાં અહન્તામમતાન ો વિષય બની શકે એવી સાચે-સાચ કોઈ પણ વસ્તુ નથી. તેનું કારણ સમજો. એક સામાન્ય ઉદાહરણ આપું છું. આપણે અહન્તાનો આધાર શું માનીએછીએ તેનો વિચાર કરો. શું આપણે આપણી ઇન્દ્રિયોમાં આપણી અહન્તા માનીએ છીએ? પણ ધ્યાનથી વિચારીશું તો આપણે આપણી ઇન્દ્રિયોને ‘મમ’ (મારી) પણ કહીએ છીએ. જેમકે ‘‘મારો હાથ, મારી આંખ, મારો પગ, મારું નાક’’. તો આપણી અહન્તા ઇન્દ્રિયોથી જોડાયેલી નથી. તેવી જ રીતે આપણે ક્યારે પણ એમ પણ નથી કહેતા કે ‘‘હું આંખ છું’’ ‘‘હું નાક છું’’ એટલે કે આંખ, કાન, નાક, હાથ, પગથી ‘હું’ કોઈ અલગ વસ્તુ છે. અહન્તા આપણી ઇન્દ્રિયોથી જોડાયેલી નથી.

આપણે એમ કહીએ કે અહન્તા આપણા દેહથી જોડાયેલી વસ્તુ છે. તો ‘‘હું દેહ છું’’ એવું આપણે વિચારીએ કે જે સામાન્ય રીતે બધા અનાત્મવાદીઓનો વિચાર છે કે દેહ સિવાય મારું કશું છે જ નહીં. પણ ધ્યાનથી જોશો તો સમજાશે કે જેવી રીતે આપણે દેહને ‘હું’ કહીએ છીએ તેવી રીતે દેહને ‘મારો’ પણ કહી રહ્યા છીએ. ‘‘મારો દેહ’’ ‘‘મારું શરીર’’ ‘‘મારો પુત્ર’’ ‘‘મારી પત્ની’’ ‘‘મારો ભાઈ’’ ‘‘મારા પિતા’’ તેમ ‘‘મારું શરીર’’ જ્યારે હું કહી રહ્યો છું તેનો અર્થ એ છે કે ‘હું’ કોઈ બીજી વસ્તુ છું. હવે જ્યારે આ વાતને વિચારીએ ત્યારે આપણને લાગે છે કે ‘આત્મા’ ને આપણે ‘હું’ કહેતા હોઈશું. પણ પછી આપણે ‘‘મારો આત્મા’’ એમ પણ કહીએ છીએ. ‘‘હું આત્મા’’ જેમ કહી શકીએ તેમ ‘‘મારી આત્મા’’ એમ પણ આપણે કહી શકીએ છીએ. આખરે આ એક બહુ મોટો પ્રશ્ન ઉભો થાય છે કે ‘હું’ એટલે કોણ? બધું નદારદ છે; ‘હું’ની સામે ઉભો રહી શકે એવો કોઈ પણ વિષય(અર્થ) સામે દેખાતો નથી. આ લગભગ એવી સ્થિતિ છે કે જેમ ઘરમાટે આપણે પ્રશ્ન કરીએ કે ઘર એટલે શું દરવાજો? દરવાજો તો ઘરમાં જ છે, ઘર એટલે શું આંગણું? ખાલી આંગણું તો નોહરામાં હોય છે, પણ નોહરાને આપણે ઘર નથી કહેતા. હવે ઘર એટલે શું બારી? તો સમજી લો કે ખંડેરની કોઈ દિવાલમાં ફક્ત બારી જ હોય છે તેને શું આપણે ઘર કહીશું? તો પછી ઘર એટલે શું? કોઈ એક વસ્તુને જ પકડી રાખીએ તો તેને ઘર કહી ન શકાય. મતલબ કે આ બધાના બખડજંતરને ‘ઘર’ કહેવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અન્તઃકરણ, આત્મા આ બધાનું જે બખડજંતર ઉભું થયું છે તેનું નામ ‘અહં’ છે. ખરેખર તો આ ‘અહં’ નો કોઈ ચોક્કસ વિષય જ નથી. જેમકે આપણી સામે ઘડો હોય ત્યારે આપણે તેને નિશ્ચિત રૂપથી ઓળખી શકીએ છીએ કે આ ઘડો છે. કોઈ ‘પંખો’ શબ્દ બોલે તો પંખાનું આપણને જ્ઞાન થાય છે કે આને પંખો કહેવાય. તેવી રીતે ‘અહં’ નો અનુભવ તો આપણને થાય છે, પણ અહં છે શું? કોઈ એક વસ્તુ જોવાથી એમ તો ન કહી શકાય કે આ અહં છે. બધાનું મિશ્રણ થયેલું એક ખીચડો છે જેને આપણે ‘અહં’ કહીએ છીએ. આમ અહં કોઈ એક પ્રકારનું અજ્ઞાન છે, આ અર્થમાં અજ્ઞાન કેમ છે? કારણ કે અહંથી કોઈ વસ્તુ જાણી શકાતી તો નથી કે આ અહં છે છતાં પણ ‘અહં’ નો અનુભવ તો થઈ જ રહ્યો છે. આ વાતને તમે કેલીડોસ્કોપથી સમજી શકશો. તેમાં સ્ત્રીઓને પહેરવાની બંગડી ના ટુકડાઓ નાખેલા હોય છે. તેને ગોળ-ગોળ ફેરવીએ તો તેમાં ડીઝાઈન બદલાતી જાય છે. તેની હકીકત ખૂબ નાજૂક હોય છે, દરેક ક્ષણે તેમાં ડીઝાઈને બદલાઈ જાય છે પણ એમાં ડીઝાઈન ખરેખર હોતી નથી. તેને જરા ત્રાંસી આંખે જોશો તો તેમાં ત્રિકોણ બને એવી રીતે ત્રણ કાચ જડેલા હોય છે. વચમાં બંગડીના ટુકડા નાખવામાં આવે છે. બંગડીના ટુકડા આસપાસના કાચમાં પ્રતિબિમ્બિત થાય છે. તે પ્રતિબિમ્બ ત્રિગુણિત થઈ-થઈને એક ડિઝાઈન પ્રસ્તુત કરે છે. જો તમે કાચ તરફ ન જોતાં માત્ર બંગડીના ટુકડાઓ તરફ નજર કેન્દ્રિત કરશો તો જણાશે કે તેમાં ડીઝાઈન જેવું કંઈ છે જ નહીં, બધું વેરવિખેર છે. બધા વેરવિખેર થયેલા કાચનું ત્રણ વખત પ્રતિબિમ્બ પડવાથી એક ડિઝાઈન જેવું બની જાય છે. તેમ અહં પણ આપણને જણાતી એક ડિઝાઈન માત્ર છે, બાકી ‘અહં’ના નામ પર બધું વેરણ-છેરણ પડ્યું હોય છે. ખરેખર તો ‘અહં’ની સામે કંઈ પણ ડિઝાઈન નથી, પણ એ આમ-તેમ વિખરાયેલી વસ્તુઓને એવી રીતે જોરથી પકડી રાખીએ છીએ કે જેથી આ શરીરમાં ઇન્દ્રિયો, અન્તઃકરણ, આત્મા, પ્રાણ બધું આવી ગયા છે તેથી બધી વેરવિખેરમાં એક ડીઝાઈન જેવી બની ગઈ છે. એ ડીઝાઈનને આપણે ‘અહં’ના નામથી વિચારીએ છીએ. પેલા કેલીડોસ્કોપમાં લાખો ડીઝાઈન બની શકે છે તે જ રીતે આપણા ‘અહં’ની પણ લાખો ડીઝાઈન થઈ શકે છે. હું બાપ છું, હું દીકરો છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, હિન્દુસ્તાની છું, પાકિસ્તાની છું, શેઠ છું, ગરીબ છું ... આવી નિત્ય નવી ડીઝાઈનો બનતી જાય છે. બરાબર પેલા કેલીડોસ્કોપ જેવું જ થાય છે, તેની સામે છે કંઈજ નહીં, ફક્ત કેટલાક ટુકડાઓ ક્યાંક ભેગા થઈ જાય છે, પણ એક પછી બીજી ડીઝાઈન બનતી જાય છે. એટલે કે અજ્ઞાન છે, સમજાયું ને?

અહંને આપણે અજ્ઞાન કેમ કહીએ છીએ? એટલા માટે નહીં કે અહંનો આપણને અનુભવ થતો નથી, અનુભવ તો થઈ રહ્યો છે પણ એ અહં છે કોનું નામ? એ ડીઝાઈન છે કે શું? તે ડીઝાઈન નથી, તે ખાલી દેખાઈ રહી છે. તેવી રીતે અહં આપણને માત્ર દેખાઈ રહ્યો છે. પેલી ડીઝાઈન જેટલી રૂપાળી છે તેટલો જ અહં પણ રૂપાળો છે. કોઈના પણ અહંને ઠેસ પહોંચાડો, મહાભારત થઈ જશે. અને મજાની વાત એ છે કે અહં નામની પાછી ચીજ કોઈ છે જ નહીં! પગને ઠેસ લાગે તો માણસને એટલો ગુસ્સો નહીં આવે, હાથને ઠેસ લાગે તો માણસને એટલો ગુસ્સો નહીં આવે, પણ અહંને ઠેસ લાગે તો દસ-દસ, વીસ-વીસ વર્ષ સુધી માણસ યાદ રાખતો હોય છે. આટલો ઉંડો ઘા તેને થાય જ્યારે તેના અહંને ઠેસ લાગે. તો આ ડીઝાઈન કેવી રૂપાળી છે તે જોવા જેવી બાબત છે. તેને જરાક છેડો તો સૌથી વધારે દદર્ થાય છે જ્યારે બીજી બાબતમાં એટલું દુઃખ આપણને નહીં થાય જેટલું અહં ઘવાવામાં થાય છે.

અહન્તા-મમતાને તોડો નહીં, ભગવાનમાં જોડોઃ

તો આ રૂપાળી ડીઝાઈન છે. તેને તોડવી શા માટે? આપણો સિદ્ધાન્ત એ બતાવી રહ્યો છે કે ડીઝાઈન સરસ દેખાઈ રહી છે તો તેને ભગવાન્‌ સાથે જોડી દો. ખોટું શું છે એમાં? સાચી હોય યા ખોટી, જેવી છે તેવી તેને ભગવાનની સાથે જોડો. શ્રીગુસાંઈજીએ તેથી જ એક સુન્દર શ્લોક વિજ્ઞપ્તિમાં કહ્યો છે

યાદૃશોઽસિ હરે! કૃષ્ણ! તાદૃશાય નમોસ્તુ તે।

યાદૃશોઽસ્મિ હરે! કૃષ્ણ! તાદૃશં માં હિ પાલય।।

ખૂબ સુન્દર શ્લોક છે. સેવા પછી પ્રાચીન વડીલો ઠાકોરજીની સામે આ શ્લોક બોલીને પછી વિદાય લેતા. ‘‘હે કૃષ્ણ! તમે જેવા છો તેવા તમને મારા નમસ્કાર હો. હે કૃષ્ણ! હું જેવો છું તેવો મારો આપ સ્વીકાર કરો. બીજું તો હું શું કહી શકું? પરન્તુ ‘‘યાદૃશોઽસ્મિ’’ની મારી ડીઝાઈન જે કંઈપણ હોય, પણ તે તમારી સાથે જોડાયેલી રહેવી જોઈએ. આ ડીઝાઈન સાચી છે યા ખોટી છે, જેવી છે ‘યાદૃશોઽસ્મિ’ જોવો હું છું તેવો તમારી સાથે જોડાયેલો રહું. આ જોડવાની વાત આપણે ત્યાં કહેવામાં આવેલી છે.

બ્રહ્મસમ્બન્ધ લીધા પછી પ્રભુ સાથે છેતરપીંડી ન કરોઃ

ગુરુ તમને બ્રહ્મસમ્બન્ધ આપે છે, બ્રહ્મસમ્બન્ધ આપીને ઠાકોરજી પધરાવી આપે છે. ઠાકોરજી પધરાવીને સેવાની રીત બતાવી દેશે. પરન્તુ તમારી અહન્તાની ડિઝાઈન પ્રભુની સાથે ત્યારે જોડાશે કે જ્યારે તમે પોતે તેમારા પ્રભુની સેવા કરશો. અને જો તમે સેવા નહીં કરો તો પછી બધી વાતોની વાત જ રહેશે. પ્રભુ સાથે તમારી કાયા અને મન નો સમ્પર્ક નહીં થાય, ફક્ત વાણીનો સમ્પર્ક થયો. જેમકે દુકાનમાં લખ્યું હોય છે ‘‘આજે રોકડા, કાલે ઉધાર’’ આપણે કાલે એ ભરોસે જઈએ કે ભાઈ ‘‘કાલે ઉધાર’’ લખ્યું છે તો કાલે જઈશું, આજે નથી જવું. તો કાલે પણ પાછું એ જ લખેલું મળશે કે ‘‘આજે રોકડા, કાલે ઉધાર’’. એ કાલ ક્યારે પણ આવશે નહીં કારણ કે દુકાનમાં તો પાટિયું જ લગાવેલું છે! ‘‘આજે રોકડા, કાલે ઉધાર’’. એ પાટિયું કાલે પાછું બદલાતું નથી. આજના માટે જે કાલ હોય છે તે કાલ આવે ત્યારે પાછી આજ બની જતી હોય છે. આપણી સ્થિતિ પણ એવી જ છે. આપણે પણ પ્રભુને એમ જ કહી દઈએ છીએ. ‘‘આજે રોકડા કાલે ઉધાર’’.

બ્રહ્મસમ્બન્ધ વખતે તો આપણે પ્રભુ સાથે કેવલ વાણીથી જ જોડાય હોઈએ છીએ, મન તો જોડાયું નથી. તન પણ પ્રભુ સાથે જોડ્યું નથી. તેથી ગુરુ વધમાં વધુ આપણા અહંને પ્રભુ સાથે ફક્ત વાણીથી જ જોડી શકે છે. આપણું તન અને મન તો પ્રભુની સાથે આપણી સેવાની પ્રણાલીથીજ જોડાશે. નહીં તો ‘‘આજે રોકડા કાલે ઉધાર’’વાળું ચક્કર જ ચાલ્યા કરશે. ઠાકોરજી પણ રોજ વાટ જોતા હશે કે ક્યારે તારું મન મારું થાય! ક્યારે તારું તન મારું થાય! આપણે કહેશુંઃ ‘‘આજે રોકડા, કાલે ઉધાર’’. આ પરિસ્થિતિને સમજો.

આપણા સેવ્યને જો નહીં સંભાળીએ તો પૂતના નહીં મરેઃ

આગળ શ્રીલાલૂભટ્‌ટજી સમજાવે છે કે પૂતનાને વસુદેવજીએ નહોતી મારી. તે પૂતનાને સ્વયં ભગવાને મારી હતી. કઈ પૂતના? અજ્ઞાનની પૂતના. જે પૂતનાને કારણે આપણે પોતાની જાતને ‘અહં’ માની રહ્યા છીએ. જે અજ્ઞાનની પૂતનાને કારણે આપણે કોઈ ચીજને ‘મારી’ માની રહ્યા છીએ. તે પૂતનાને મારશે કોણ? વસુદેવ નહીં મારે, વસુદેવ શું કરી શકે? નન્દને એટલી સૂચના આપી શકે કે ભાઈ તું તારા ગોકુલમાં નહીં જાય તો કોઈ તારા લાલાને ઝેર પાવા આવી શકે છે. એ ઝેર કોણ પાશે? આ અજ્ઞાન, આપણી અહન્તા-મમતાનું અજ્ઞાન જ આપણા લાલાને ઝેર પાશે અને તેને ઝેર પાવામાંથી બચાવશે કોણ? વસુદેવજી નહીં બચાવી શકે. વસુદેવજી કાંઈ પણ કરી શકશે નહીં. અને નન્દરાયજી પણ કેવી રીતે બચાવી શકશે? પૂતના તો ત્યારે મરે કે જ્યારે નન્દરાયજી ગોકુલ તરફ દોડે અને ઠાકોરજીને ખબર પડે કે મારા માટે તે દોડીને આવી રહ્યા છે ત્યારે ઠાકોરજી તેને મારે. ઠાકોરજી તરફ દોડવાને બદલે આપણે ઠાકોરજીને છોડીને ભાગતા ફરીશું અને પછી ઠાકોરજીને કહીશું કે ભાઈ, તું સંભાળ તારું કામ! હું તો જોતો બેઠો છું. ત્યારે ઠાકોરજી મનમાં કહેશે કે હું શા માટે પૂતનાને મારું, રહેવા દો જીવતી. એને મારીને શો ફાયદો? પૂતનાને તો પ્રભુ ત્યારે જ મારશે જ્યારે નન્દરાયજી વસુદેવજીના કહેવાથી ગોકુલ તરફ દોડશે. તેથી પહેલાં આપણે એ જોયું કે વસુદેવજીના સ્થાન પર આપણે ત્યાં ગુરુ હશે. નન્દના સ્થાન પર આપણે ત્યાં ઠાકોરજીની સેવા કરવાવાળો વ્યક્તિ છે અને ગોકુલના સ્થાને દરેક વૈષ્ણવનું ઘર છે. તેથી જ શ્રીલાલૂભટ્‌ટજી મજાની વાત કહી રહ્યા છે કે વસુદેવજીના મુખથી નન્દબાવાએ આ વાત સાંભળી કે ગોકુલમાં બહુ ઉત્પાત થવાની શક્યતા છે તો તેમણે તરત પ્રભુની શરણાગતિ લીધી કે ભગવાન્‌ હું તારા શરણે છું. તું બચાવ. તે શરણાગતિના કારણે પ્રભુએ પૂતનાને સ્વયં મારી.

સેવામાં આવતા પ્રતિબંધોનું જ્ઞાન શિષ્યને કરાવવું તે ગુરુનું કર્તવ્યછેઃ

આ માર્ગમાં સેવા કરનારને ગુરુએ એ જણાવવું જોઈએ કે ભગવત્સેવામાં તેને કેવા-કેવા પ્રતિબન્ધો આવી શકે છે. જે પણ પ્રતિબન્ધ આવશે તે પૂતનાની જેમ જ આવશે. સેવા કરનાર તેને સારી રીતે ઓળખે કે આ બધા મારી સેવામાં આવવાવાળા પ્રતિબન્ધો છે અને તે પ્રભુની શરણભાવના કરે કે જો હું મારા પ્રભુને ક્ષણવાર પણ મારાથી અળગા નહીં મુકું તો ઠાકોરજી મારી અવિદ્યા વગેરે જે પ્રતિબન્ધો છે તેને દૂર કરશે.

પ્રભુની સેવામાં સાવધાન રહોઃ

કિશનગઢ રાજ્યના જમાનાની એક બહુ મજા પડે એવી વાત મેં જૂના મુખિયાજી પાસેથી સાંભળેલી. કિશનગઢ દરબારના માથે નિવિધસ્વરૂપ બિરાજે છે, મહાપ્રભુજીનું પ્રાચીન ચિત્રજી પણ સેવામાં બિરાજે છે. તેમજ નૃત્યગોપાલલાલ બિરાજે છે. ગામમાં કોઈ ગોસ્વામી બાલક પધારતા તો દરબારના ઠાકોરજીનાં દર્શન કરવા પણ પધારતા. તે વખતે નિયમ એવો હતો કે જ્યાં સુધી દરબાર સ્વયં દર્શન કરવા ન આવે ત્યાં સુધી દર્શન ખૂલતાં નહીં. દરબારની હાજરીમાં જ દર્શન ખૂલતાં. બાલક દર્શન કરવા આવે તો તેને ના પણ કહી ન શકાય. આવી સ્થિતિમાં જો કોઈ કારણસર દરબારને દર્શન કરવા આવવામાં વાર લાગી જાય તો મુખિયાજી ઠાકોરજીને અદકીની (અધિકી) સામગ્રી ધરાવીને બાલકને એમ વિનન્તિ કરતા રહેતા કે ‘‘બસ, હવે ભોગ સરાવવાની તૈયારી જ છે’’. ઘણો સમય નિકળી જતો હોવા છતાંય ઠાકોરજીના દર્શન તો જ્યારે દરબાર પોતે આવી જાય ત્યારે તેમની હાજરીમાં જ ખૂલતાં. કિશનગઢના દરબાર પોતાના ઠાકોરજીની સુરક્ષાની તકેદારી ગોસ્વામી બાલકથી પણ રાખતા, બીજા લોકોની તો વાત જ જવા દો. એમને ત્યાં બિરાજતા શ્રીમહાપ્રભુજીના ચિત્રજીની ફ્રેમમાં એક નાનું સોનાનું તાળું રહેતું, જેની સોનાની ચાવી તાળું મારીને દરબાર પોતાના ગળામાં પહેરતાં. એટલી સાવધાની તેઓ પાતાના સેવ્યની રાખતા.

સેવા કરનાર દરેકે પોતાના ઠાકોરજીની સેવામાં આ રીતે સાવધાન રહેવું જોઈએ. આ નન્દરાયજીનો ભાવ છે. આવી સાવધાની જો આપણે રાખીએ તો આપણે ઠાકોરજીને આપણા માન્યા એમ કહેવાય. અને જો આપણે સેવામાં સાવધાન ન રહ્યા તો પછી કોઈ ને કોઈ પૂતના આવશે, પછી તો તૃણાવર્ત પણ આવશે, બકાસુર પણ આવશે. પછી તો બધા જ અસુરો આવશે. એકને કાઢતાં બીજો આવશે. આ તો મંકોડા અને ચામાચીડિયા ના જેવો ખેલ છે. એક કાઢો તો બીજો આવે. પરન્તુ જો તમે તમારા ઠાકોરજીની સેવામાં સાવધાન રહેશો તો કોઈ પ્રતિબન્ધ નહીં આવે. કેમકે એ બધી બધાઓને ઠાકોરજી સ્વયં દૂર કરી દેશે. આ વાત સમજાવવા શ્રીલાલૂભટ્‌ટજી શ્રીમહાપ્રભુજીનો એક શ્લોક ટાંકે છેઃ

આદ્યેન ભગવન્માર્ગે બાધકાનિ બહૂનિ હિ।।

દ્વિતીયે તદભાવો હિ કૃષ્ણેનૈવ ભવેદ્‌ ઇતિ।।

પ્રભુ સાથે બંધાયેલા રહો, પ્રતિબન્ધોને પ્રભુ જાતે દૂર કરશેઃ

કેવલ ભક્તિમાર્ગની જ આ વાત નથી, કોઈપણ માર્ગને અનુસરવાની જ્યારે આપણે શરૂઆત કરીએ ત્યારે તકલીફો આવતી જ હોય છે. અંગ્રજીમાં આના માટે રૂઢિપ્રયોગ છે; ટીધિંગ પ્રોબ્લેમ, જ્યારે બાળકને દાંત આવે ત્યારે તેને ઝાડા થઈ જાય, તાવ આવે, કાંઈને કાંઈ ચાલતું જ રહે છે. તે વખતે જો સાવધાની રાખીએ તો પછી એની જાતે જ બાલક મોટું થવા માંડે છે. તે જ રીતે ભક્તિમાર્ગમાં પણ શરૂઆતમાં તો પ્રતિબન્ધો આવવાના જ, પણ જો આપણે પ્રભુને નહીં છોડીએ તો બાધકો-પ્રતિબન્ધોને પ્રભુ જાતે જ દૂર કરી દેશે એમ શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે. તેથી પૂતના વગેરે રૂપી બધા પ્રતિબન્ધોને પણ પ્રભુ દૂર કરશે જ જો આપણે પ્રભુ પ્રત્યે સન્નદ્ધ રહીશું.

શકટાસુરનો નાશઃ

ત્યારબાદ શ્રીલાલૂભટ્‌ટજી લીલા અને ભગવત્સેવા વચ્ચે પરસ્પર અનુરૂપતા બતાવતાં બહુ સુન્દર વાત કહે છે કે ભગવાન્‌ જ્યારે પ્રકટ્યા ત્યારે નન્દરાયજીના ઘરમાં મોટો ઉત્સવ થયો. ઠાકોરજીના ઉત્સવમાં નન્દ-યશોદાજીએ બધાં સગાસમ્બન્ધ ીઓને બોલાવ્યા. જ્યારે સગા-સમ્બન્ધીઓ ઘરમાં આવવા લાગ્યા ત્યારે યશોદાજીએ ઠાકોરજીને ગાડાની નીચે ઘોડિયું બાંધીને સુવડાવી રાખ્યા હતા. નન્દ-યશોદાજી તો બધા સગાં-સમ્બન્ધિઓની આગતા-સ્વાગતામાં પડી ગયા. સ્થિતિ એવી થઈ ગઈ કે જેના પ્રાકટ્યનો ઉત્સવ મનાવામાં આવી રહ્યો હતો તેના પરથી જ ધ્યાન હટી ગયું. આમ થયું ત્યારે ઠાકોરજીએ ગાડાને એવી લાત મારી કે નન્દ-યશોદાએ ઉત્સવ મનાવવામાટે જે સામાન એકઠો કર્યો હતો તે બધો ઢોળાઈ ગયો, તૂટી ગયો, ભાંગીને ભુક્કો થઈ ગયો.

આ વાત સમજાવવા માટે મેં ‘પુષ્ટિઅસ્મિતા’ કેસેટમાં થોડી જુદી રીતે એક ઉપમા આપી છે. એક વરઘોડો નીકળ્યો. વરરાજા ઘોડા પર બેઠો છે અને બધા જાનૈયાઓ નાચી રહ્યા છે. અચાનક ઘોડો ભડક્યો અને તેણે વરરાજાને પટકી દીધો. કોઈએ આવીને જાનૈયાઓને કહ્યું કે ભાઈ, વરરાજા ઘોડા પરથી પડી ગયો છે. નાચવામાં મસ્ત થયેલા જાનૈયાઓ કહેવા લાગ્યા કે યાર, હમણા તો નાચવા દો! નાચવાની મજા આવે છે! અરે ભાઈ! જેની જાનમાં તમે નાચી રહ્યા છો તે જાતે ઘોડા પરથી પડી ગયો છે અને તમને નાચવાની મજા કેવી રીતે આવે છે?

ઉત્સવ પ્રભુ કરતાં વધારે નથીઃ

આજ-કાલ હવેલીઓમાં ગામમાંથી ભેટ-સામગ્રી માંગી-માંગીને જે ઉત્સવમન ોરથો ઉજવાય છે તેમાં બિચારા ઠાકોરજીની આવી જ હાલત થતી હોય છે. ઉત્સવ ઠાકોરજીનો મનાવાતો હોય છે અને ઠાકોરજી પર તો ધ્યાન જ હોતું નથી! ‘‘કયા ભાઈ આવ્યા? ફલાણા ભાઈ આવ્યા કે નહીં? મનોરથી આવ્યા કે નહીં? આનું શું થયું, પેલાનું શું થયું? અરે, આવો, આવો તમે પણ પ્રસાદ લઈ જાવ, આમને માળા પહેરાવો, આમને બીડાં આપો, આને ઉપરણો ઓઢાડો’’ બસ આવું જ ચાલતું રહે છે. જેનો ઉત્સવ મનાવો છો તેનાપર તો ધ્યાન જ નથી, બાકી બધી જગ્યાએ તમારું ધ્યાન છે! કોઈક વાર કોઈ હવેલીમાં મનોરથનું આવું

નાટક જોવા જજો. મનોરથીઓ ઠાકોરજીનાં દર્શન કરવાને ઠેકાણે દર્શન કરવા કોણ- કોણ આવ્યું અને કોણ ન આવ્યું તેના જ દર્શન કરતા દેખાશે. અંદરના લોકો પંખો ઠાકોરજીને કરતા હશે પણ દર્શન દર્શનાથીઓના કરતા હશે. ભલા માણસ, ઠાકોરજીને પવન લાગ્યો કે નહીં તે તો જો જરા! ઠાકોરજીને કોઈ નહીં જુએ! પણ દર્શન કરવા કોણ-કોણ આવ્યું તે જોશે! જેનો ઉત્સવ મનાવામાં આવી રહ્યો છે તેના પર ધ્યાન નથી, બધું ધ્યાન ઉત્સવપર કેન્દ્રિત થઈ ગયું! તેથી ઠાકોરજીએ વિચાર્યું કે ફેંકો આ ગાડાને! લાત મારી હોં! પ્રભુએ ગાડાને લાત મારી અને નન્દ-યશોદાજીએ ઉત્સવ મનાવવા જે સામાન એકઠો કરી રાખેલો તે બધો ઢોળી નાખ્યો, તોડી નાખ્યો, ભાંગીને ભુક્કા કરી નાખ્યો.

પ્રભુસેવામાં અનુપયોગી દ્રવ્યનો સંચય અનિષ્ટરૂપ છેઃ

આ લીલાનો અર્થ શ્રીલાલૂભટ્‌ટજી સમજાવી રહ્યા છેઃ

પૂર્વસંચિત સ્વાસક્તિવિષયીભૂત ભગવદનુપયુક્ત ગૃહરૂપ શકટસ્ય ...’’

આપણે જ્યારે પરિવારમાં રહીને, આજીવિકાના ઉપાયો કરીને ભગવત્સેવા કરતા હોઈએ છીએ ત્યારે ઘણી-બધી ચીજ-વસ્તુનો સંગ્રહ થતો હોય છે. ચીજવસ્તુન ી સાથો-સાથ સમ્બન્ધો અને પરિચયો નો પણ સંગ્રહ થવાનો જ. હવે એ બધો સંગ્રહ તો થઈ ગયો પણ તે બધું જો ભગવત્સેવામાટે ઉપયોગી હોય તો તો તેનું રક્ષણ કરવું જરૂરી છે. અને જો પ્રભુસેવામાં તે બધો સંગ્રહ બાધક છે તો પ્રભુ કહેશે કે તે બધો સંગ્રહ નાશ કરવા યોગ્ય છે. ખતમ કરો તેને! તેથી જ પ્રભુએ ગાડાંને લાત મારી હતી.

પરન્તુ જ્યારે આપણું અજ્ઞાન દૂર થશે ત્યારે આપણા જીવનમાં એક એવો મુકામ (અવસર) પણ આવશે કે

યસ્ય વા ભગવત્કાર્યં યદા સ્પષ્ટં ન દૃશ્યતે।।

તદા વિનિગ્રહસ્તસ્ય કર્તવ્ય ઇતિ નિશ્ચયઃ।।

આ મુકામ પરન્તુ ત્યારે આવશે કે જ્યારે આપણી અહન્તા-મમતા આપણા માથે બિરાજતા ઠાકોરજીની સાથે જોડાયેલી હશે. ત્યારે આપણને એ વાત સમજાશે કે ભગવત્સેવામાં વિઘ્નરૂપ થનારી ઘરની સંચિત (સંગૃહીત) વસ્તુને હટાવો. શી લેવા-દેવા છે આપણને એનાથી! જ્યારે આ વાત આપણને સમજમાં આવશે ત્યારે પ્રભુ ગાડાને ભાંગશે.

પ્રસઙ્‌ગવશ બીજી એક વાત પણ સમજો કે ભગવાનના ચરણોને ભક્તિરૂપ માનવામાં આવ્યા છે. ભગવાનનું વામ ચરણ પુષ્ટિભક્તિનું છે અને જમણું ચરણ મર્યાદાભક્તિરૂપ છે. ભક્તિરૂપી ચરણોથી ભગવત્સેવામાં પ્રતિબન્ધક સંચયને ઉંધું વાળી શકાશે, તોડી-ફોડી શકાશે. આ તોડ-ફોડ બહુ નાજુક હશે. જ્યારે આપણી અહન્તા-મમતા આપણા પ્રભુથી જોડાશે ત્યારે આપણી ભક્તિ આપણને એ સમજાવશે કે સેવામાં બાધક થાય તેવા નકામા પદાર્થો (બખડજંતર) ભેગા કરવામાં શો ફાયદો?

ભગવત્સુખાર્થે કાંઈ પણ ત્યાજ્ય છેઃ

શ્રીગુસાંઈજી જ્યારે કિશોર અવસ્થામાં હતા ત્યારે વીણા ખૂબ સુન્દર વગાડતા. વીણા વગાડવાથી આંગળીઓ તારની સાથે ઘસાતાં તેની ઉપર તારનાં કાયમી નિશાન પડી જતાં હોય છે. શ્રીમહાપ્રભુજીએ એક દિવસ જોયું કે શ્રીગુસાંઈજીની આંગળીઓ પર નિશાન પડી ગયાં છે. આપે શ્રીગુસાંઈજીને કહ્યું કે ‘‘તમે વીણા તમારા શોખ માટે વગાડો છો, પણ આવા ચીરાવાળી આંગળીઓથી જ્યારે તમે ઠાકોરજીનાં શૃઙ્‌ગાર કરો છો ત્યારે ઠાકોરજીને તમારી આંગળીઓ કેટલી ખૂંચતી હશે? બંધ કરો વીણા વગાડવાનું!’’

જુઓ, આનું નામ છે ભગવાનને અનુપયોગી વસ્તુનો ભક્તિવશ થતો ત્યાગ. પણ આ ભાવ આપણામાં ત્યારે જ જાગી શકે અને ત્યારે જ તે પ્રામાણિક કહેવાય કે જ્યારે ભક્તિને વશ થઈને તેવો ત્યાગ કરવામાં આવે, નહીં તો તે પાખંડ કહેવાશે. આપણે બધું છોડવાનો નિયમ લઈએ, પણ આપણી અહન્તા-મમતા જો ભગવાન્‌ સાથે જોડાયેલી ન હોય તો તે ત્યાગ પણ પાખંડ થઈ ગયો.

નિમ્બાર્ક સમ્પ્રદાયના કેશવભટ્‌ટ કાશ્મીરી બધી જગ્યાએ શાસ્ત્રાર્થ કરીક રીને પોતાની જીતનાં પ્રમાણપત્ર ભેગા કરતા હતા. આમ કરતાં-કરતાં એક દિવસ તે એકવાર ચૈતન્ય સમ્પ્રદાયના વિદ્વાન પાસે શાસ્ત્રાર્થ કરવા ગયા. શાસ્ત્રાર્થ કર્યા પછી કેશવભટ્‌ટ કાશ્મીરી હારી ગયા. જે જીત્યા તેણે તેમનાં બધાં પ્રમાણપત્રો પોતાની પાસે રાખી લીધાં અને કહ્યું કે મને લખી આપો કે તમે હારી ગયા છો. તેમણે લખીને આપી દીધું. જ્યારે આ વાત ચૈતન્ય મહાપ્રભુને ખબર પડી ત્યારે તેમણે જીતનારને પૂછ્‌યું કે ‘‘આનાથી તને કૃષ્ણભક્તિમાં શો લાભ થશે?’’ તો તેણે કહ્યું કે કૃષ્ણભક્તિમાં તો આનાથી કોઈ લાભ નહીં થાય. પછી તેમણે કહ્યું કે ‘‘જા, આ પત્રો તેને પાછા આપી આવો અને સાથે એ પણ લખીને આપી આવો કે તમે જીતી ગયા અને હું હારી ગયો’’. જીતી ગયા હતા પોતે, પણ જઈને એમને પ્રમાણપત્ર આપી આવ્યા કે ‘‘ભાઈ, તમે જીત્યા ને હું હાર્યો અને આ તમારા પ્રમાણપત્રો પાછા રાખો.’’ આ વાત ક્યારે સમજાશે? જ્યારે આપણી ભક્તિ દૃઢ હશે ત્યારે, નહીં તો નહીં સમજાય. નહીં તો પાખંડ થઈ જશે. પણ જો આપણી ભક્તિ દૃઢ હશે તો આ મુકામ પર પણ આપણે પહોંચી શકીએ છીએ.

ચૈતન્ય મહાપ્રભુનો એવો જ એક સુન્દર પ્રસઙ્‌ગ છે. ચૈતન્ય તથા એમના સહપાઠી બન્ને ન્યાયશાઙ્ઘના ખૂબ સારા વિદ્વાન હતા. બન્નેએ તર્કશાસ્ત્ર પર ખૂબ સરસ ટીકા લખી હતી. એક વખત બન્ને મળ્યા. બન્ને એ એક-બીજાને ન્યાયશાસ્ત્ર પર વિવેચન લખવાની વાત કરી. બન્ને નૌકા વિહાર કરતા-કરતા એક-બીજાનું વિવેચન સાંભળવાનું નક્કી કર્યું. પહેલાં ચૈતન્ય મહાપ્રભુએ પોતાની ટીકા સંભળાવવી શરૂ કરી. થોડી વારે જ્યારે એમણે ઉચું જોયું તો એમનો સહપાઠી રડી રહ્યો હતો. તેમણે તેને રડવાનું કારણ પૂછ્‌યું તો તેણે કહ્યું કે તમે એટલું સરસ વિવેચન લખ્યું છે કે એને વાંચ્યા પછી મારા વિવેચનને કોણ પૂછશે! જેવું તેણે આ કહ્યું કે તરતજ ચૈતન્ય મહાપ્રભુએ પોતે લખેલી ટીકા નદીમાં પધરાવી દીધી. મિત્રને દુઃખ દે એવી ટીકા લખીને શો ફાયદો? જુઓ, આ સ્નેહની વાત છે. અહંની નથી.

તો વાત ધ્યાનથી સમજો કે ભક્તિમાં આપણો પણ તે મુકામ ત્યારે આવશે કે જ્યારે આપણી પૂતનાને પ્રભુએ મારી હશે. પૂતના જીવતી હશે તો આ મુકામ આવવાનો નથી.

તૃણાવર્તનો નાશઃ

શકટભંજનની લીલા પછી લીલામાં નન્દાલયમાં તૃણાવર્ત આવ્યો. તૃણાવર્ત એટલે શું? ચક્કર-ચક્કર ફરતું વાવાઝોડું જે ધૂળને ઉપર ચઢાવી દે. એવી ડમરી જ્યારે ખૂબ જોરથી આવે ત્યારે તે પોતાની સાથે ઘણી વસ્તુઓને પણ ઉપર ઉડાળી મૂકતી હોય છે. ગોકુલમાં જ્યારે આંધી આવી ત્યારે તેના વર્ણનમાં આવે છે કે યશોદાજીને એમ લાગ્યું કે ઠાકોરજી બહુ ભારે થઈ ગયા છે. ભાઈ, માખણ ખાધાં છે, માનાં દૂધ પીધાં છે તો ભારે તો લાગે જ ને! યશોદાજીથી ઠાકોરજીનો ભાર સહન ન થયો, તેથી યશોદાજીએ ઠાકોરજીને જમીન પર બિરાજાવી દીધા. નીચે બેસાડતાંની સાથે જ તૃણાવર્ત આવ્યો અને ઠાકોરજીને ઉઠાવીને લઈ ગયો. તૃણાવર્ત રૂપી ડમરીમાં કૃષ્ણ ઉડી ગયા. આવું બન્યું ત્યારે યશોદાજીને લાગ્યું કે તેમણે કાંઈક ગરબડ કરી દીધી છે. લીલામાં તો તૃણાવર્તનું રૂપ એક અસુરે (દાનવે) ધારણ કરેલું, પણ સેવામાં આ તૃણાવર્ત શું છે તેની વ્યાખ્યા કરતાં શ્રીલાલૂભટ્‌ટજી કહે છેઃ ‘‘તૃણાવર્તો ભગવત્સાક્ષાત્કારપ્રતિબન્ધરૂપો રજોગુણાત્મા’’.

ભગવાનને આપણે ઓળખી ન શકીએ તે પ્રકારની આપણા મનની ચંચળતારાજ સપણું એ જ તૃણાવર્ત છે. મનની આ ચંચળતા એવી છે કે જો પ્રભુ આપણી સામે પ્રકટ થઈ જાય તો પણ આપણું ધ્યાન ચંચળતાને કારણે પ્રભુમાં ન જતાં આમ-તેમ ભટકતું રહે. આ તૃણાવર્ત છે. આ તૃણાવર્તમાં આપણો પ્રભુ ઉડી જઈ શકે છે. આ તૃણાવર્તમાં પ્રભુ ત્યારે નહીં ઉડે કે જ્યારે આપણી અહન્તા-મમતા પ્રભુથી જોડાયેલી હશે. ત્યારે પ્રભુ આપણને ભારે પણ નહીં લાગે કે જેવા ભારે પ્રભુ યશોદાજીને લાગ્યા હતા.

આપણે ત્યાં આ વાતને સમજાવતો એક ખૂબ સુન્દર પ્રસઙ્‌ગ છે. શ્રીગુસાંઈજીનાં સાત બાળકોએ ભેગા થઈને અન્નકૂટનો ઉત્સવ કરવાનો વિચાર કર્યો. ઉત્સવ મનાવવા માટે શ્રીગિરિધરજીએ શ્રીગુસાંઈજી પાસે બેવાર આજ્ઞા માંગી. શ્રીગુસાંઈજીએ બન્ને વાર આજ્ઞા ન આપી. ત્રીજી વાર જ્યારે શ્રીગિરિધરજીએ પૂછ્‌યું ત્યારે શ્રીગુસાંઈજીએ કહ્યું કે ‘‘આનાથી લૌકિકતા વધશે, તૃણાવર્ત ઉઠશે, (વંટોળિયો વાશે) તેમ છતાં કરવું જ હોય તો કરો’’. શ્રીગુસાંઈજીની અનિચ્છા હોવા છતાં શ્રીગિરિધરજીએ અન્નકૂટનો ઉત્સવ કર્યો. જતિપુરામાં શ્રીનાથજીની સાથે ઘરના બધા ઠાકોરજીનો અન્નકૂટ અરોગવાનો ઉત્સવ પહેલી વાર થયો. શ્રીગુસાંઈજી બિરાજતા હતા છતાં પણ તૃણાવર્ત-વંટોળિયો એવો વાયો કે છઠ્‌ઠા લાલજી શ્રીયદુનાથજી નારાજ થઈ ગયા. તેમણે કહ્યું કે હું આ ઉત્સવમાં ભાગ નહીં લઉં. કારણ કે મને ભાગમાં ઠાકોરજી મળ્યા નથી. બીજી બાજુ શ્રીગુસાંઈજીનાં એક બેટીજી પોતાના ઘરમાં બિરાજતા ઠાકોરજીની સેવા છોડીને ઉત્સવમાં ભાગ લેવા આવી પહોંચ્યા. જ્યારે તેઓ ભોગ ધરવામાટે પધારી રહ્યા હતા ત્યારે શ્રીગુસાંઈજીએ તેમને પૂછ્‌યું કે શું તું તારા ઠાકોરજીની સેવા કરીને આવી છે? ત્યારે બેટીજીએ કહ્યું કે એ તો ઘરના ઠાકોરજી છે, ગમે ત્યારે પહોંચી લઈશ. આ ઉત્સવના દર્શન ક્યારે થશે? ત્યાં વાર્તામાં સ્પષ્ટ લખ્યું છે કે ‘‘ત્યારે શ્રીગુસાંઈજીએ ગાળ દઈ, ખીજાઈને કહ્યું કે તારા ઘરમાં શું કોઈ બીજા (ઠાકોરજી) બિરાજે છે? તારે ઘેર જા.’’ પરણેલી દીકરીને ગાળ દેવી ઘણું અનુચિત ગણાય છે. કુંવારી દીકરીને તો ગાળ દેવી એટલી ખરાબ વાત નથી, પણ પરણેલી દીકરીને ગાળ દેવી એ ખુબ ખરાબ વાત કહેવાય. તો જુઓ, જ્યારે આ તૃણાવર્ત-આંધી ઉઠે છે ત્યારે તેમાં આપણા ઘરના ઠાકોરજી આપણા મનમાંથી આ રીતે ફેંકાઈ જાય છે. મનની ચંચળતાને કારણે જ્યાં મેળો ભરાયેલો હોય ત્યાં આપણને દોડવાની ઇચ્છા થઈ જાય છે અને આ દોડવાની ઇચ્છામાં કોણ કષ્ટ સહન કરે છે. આપણા ઘરના ઠાકોરજી.

શ્રીલાલૂભટ્‌ટજી કહે છે કે આ તૃણાવર્ત ક્યારે શાંત થશે? વાત ધ્યાનથી સમજો કે જ્યારે તમારી અહન્તા-મમતા ભગવાન્‌ સાથે જોડાઈ જશે તો એ તૃણાવર્તને તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજી મારી નાખશે. નહીં તો હવે એને કોણ મારી શકે? નન્દરાયજીને ત્યાં તૃણાવર્તને મારવામાટે વસુદેવજી તો આવવાથી રહ્યા. તૃણાવર્તને તો હવે કેવલ તમારા ઘરના ઠાકોરજી મારી શકે છે. પણ તે માટે શરત આ છે.

સાવધાની હટી, દુર્ઘટના ઘટીઃ

હવે જુઓ, કેટલી આશ્ચર્યની વાત છે કે યશોદાજીને પોતાના ઠાકોરજી ભારે લાગી રહ્યા છે પણ જે તૃણાવર્ત ઘાસનાં તણખલાઓને ઉડાવે છે તેને શ્રીકૃષ્ણ હલકા લાગ્યા. આ વાતને ધ્યાનથી સમજો કે જ્યારે તમારા મનમાં તેનાથી દૂર જવાની ઇચ્છા જાગશે ત્યારે તે તમને ભારે લાગશે પણ તૃણાવર્તવાટે ઉડાડીને લઈ જવા માટે તે બહુ હલકો પણ થઈ જશે. આ જેમ લીલાની કથા છે, તે જ પ્રમાણે સેવામાં બની શકે છે. તેથી આપણે સાવધાન રહેવાની આવશ્યકતા છે. આમ શ્રીલાલૂભટ્‌ટજી ખૂબ સુન્દર સમજાવી રહ્યા છે કે ‘‘એવમ્‌ અત્રાપિ ભજનપ્રતિબન્ધરૂપો રજોગુણો નશ્યતિ’’.

જો તમે તમારી અહન્તા-મમતા તમારે માથે બિરાજતા ઠાકોરજી સાથે જોડીને ચાલશો તો જે રજોગુણને કારણે તમારું મન પ્રભુથી વિમુખ થઈ રહ્યું છે તે રજોગુણરૂપી તૃણાવર્તનો તમારા ઘરના ઠાકોરજી નાશ કરશે, કરશે અને કરશે જ. બસ શરત એટલી છે કે તમારા ઘરના ઠાકોરજી સાથે તમારું જોડાયેલા હોવું આવશ્યક છે.

શાસ્ત્રમાં કહ્યું છે ‘‘ધર્મ એવ હતો હન્તિ ધર્મો રક્ષતિ રક્ષિતઃ’’ ધર્મને તમે ખતમ કરશો તો ધર્મ તમને ખતમ કરશે. ધર્મની તમે રક્ષા કરો, ધર્મ તમારી રક્ષા કરશે.

વિશ્વરૂપદર્શનઃ

તેના પછી એક પડાવ લીલામાં ખૂબ જ સુન્દર આવ્યો છે કે જે પડાવને શ્રીલાલૂભટ્‌ટજી કહી રહ્યા છે.

‘‘તત્ર યથા યશોદાયા વિશ્વરૂપદર્શનેન મહિમજ્ઞાપનં, તથા ઇહાપિ સાધકસ્ય સેવ્યસ્વરૂપે એવ સ્વપ્નાદિદ્વારા કશ્ચિત્‌ અનુભવોઽપિ જાયતે’’.

લીલામાં શ્રીયશોદાજી જ્યારે શ્રીકૃષ્ણને દૂધ પાઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમને ભગવાનના મુખારવિંદમાં વિશ્વનું દર્શન થયું. તેવી જ રીતે તમારો રજોગુણ જ્યારે નાશ પામશે, તમારી અહન્તા-મમતા જ્યારે તમારા સેવ્યસ્વરૂપ સાથે જોડાઈ જશે ત્યારે તમારા ઠકોરજી તમને તેમનામાં વિશ્વ બતાવવું શરૂ કરશે. ત્યારે તમને એ સમજાશે કે જે કાંઈ છે તે બધું મારા ઠાકોરજીમાં જ છે.

શ્રીગુસાંઈજીની બેટીજીની વાત કહી તેમાં પણ શ્રીગુસાંઈજીએ આ જ વાત કહી હતી. શ્રીગુસાંઈજીની વાત સાંભળીને જે વખતે બેટીજી તેમને ઘેર પધાર્યા ત્યારે જેમ યશોદાજીને તેમના કૃષ્ણના મુખમાં આખું વિશ્વ દેખાયું તેમ આઠેય નિધિસ્વરૂપોના દર્શન બેટીજીને તેમના ઘરના ઠાકોરજીમાં થયા કે શ્રીનાથજી પણ આ જ છે, શ્રીમથુરાધીશજી પણ આ જ છે, શ્રીનવનીતપ્રિયજી પણ આ જ છે, શ્રીદ્વારકાધીશજી પણ આ જ છે, શ્રીવિટ્‌ઠલનાથજી પણ આ જ છે.

પ્રભુના વિશ્વરૂપના દર્શન સેવા કરનારને ક્યારે થાય કે જ્યારે તેનો રજોગુણ શાંત થઈ ગયા હોય, જ્યારે તેના પ્રભુમાં તેણે પોતાની ચિત્તવૃત્તિની સ્થિરતા પ્રાપ્ત કરી હોય અને તેની અહન્તા-મમતાને પ્રભુ સાથે જોડી હોય ત્યારે આ પ્રકારે વિશ્વરૂપ દર્શન થશે. અને ત્યારે આપણે આપણા ઠાકોરજીની સેવામાં જ બધું માની લઈશું, આપણે આપણા ઠાકોરજીમાં બધું જ જાણી લઈશું, આપણા ઠાકોરજીમાં બધી મજા લઈ શકીશું કે જે કાંઈ છે તે મારે માથે બિરાજતા ઠાકોરજી જ છે.

ગર્ગાચાર્યનું આગમન અને ભવિષ્યકથનઃ

તે પછી શ્રીલાલૂભટ્‌ટજી ખૂબ સરસ વાત કહે છે કે લીલામાં એક દિવસ નન્દરાયજીને ત્યાં ગર્ગાચાર્ય આવ્યા અને એમ કહ્યું કે

બહૂનિ સન્તિ નામાનિ રૂપાણિ ચ સુતસ્ય તે। ।

ગુણકર્માનુરૂપાણિ તાન્યહં વેદ નો જનાઃ। ।

વ્રજના બધા લોકો ખૂબ ચિન્તા કરતા રહેતા હતા કે આ બાલક કેવો છે કે જેને દર વખતે કોઈ-ને-કોઈ તકલીફ આવતીજ રહે છે. ક્યારેક પૂતના આવી જાય, ક્યારેક તૃણાવર્ત આવી જાય, કોકવાર માંને તેમાં વિશ્વરૂપનાં દર્શન થાય! ગર્ગાચાર્ય જ્યારે નામકરણ-સંસ્કાર કરવા આવ્યા ત્યારે તેમણે નન્દરાયજીને એક બીજી વાત કરી કે તમારા પુત્રનું કાંઈ એક જ નામ નથી, તેના તો અનેક નામો છે. તેનું કોઈ એક જ રૂપ નથી, તેના તો અનેક રૂપો છે. અને પાછી આ હકીકત બધાને ખબર પડે તેવી પણ નથી, તે તો મારા જેવાને જ ખબર પડી શકે છે. આમ જ્યારે આપણે પણ આપણા ઠાકોરજીની સેવા નન્દરાય-યશોદાજીની જેમ તન્મયતાથી કરીશું તો કોઈ સાચો ભગવદીય આવીને આપણને આ હકીકત કહેશે કે તું કેમ ગભરાય છે? શ્રીનાથજી, શ્રીનવનીતપ્રિયજી, શ્રીમથુરાધીશજી, શ્રીદ્વારકાધીશજી ... જેટલા પણ નામો છે તે બધાં તમારા માથે બિરાજતા (તમારા) ઠાકોરજીના જ નામો છે. ‘પુરુષોત્તમસહસ્રનામ’ તમે વાંચો તો તમને ખબર પડશે કે ‘શિવ’ નામ પણ આપણા ઠાકોરજીનુ છે, ‘બ્રહ્મા’ નામ પણ આપણા ઠાકોરજીનું છે, ‘કાલાન્તક’ નામ પણ આપણા ઠાકોરજીનું છે અને ‘આનન્દનું દાન કરવાવાળો’ નામ પણ આપણા ઠાકોરજીનું છે. તો જેમ ગર્ગાચાર્યજીએ નન્દરાયજીના ઘેર આવીને કહ્યું કે ‘‘બહૂનિ સન્તિ નામાનિ રૂપાણિ ચ સુતસ્યતે, તાન્યહં વેદસર્વાણિ’’ તારા લાલાનાં તે બધાં નામો હું જાણું છું, તેમ તમારે ઘેર પણ કોઈ ભગવદીય આવીને તમારા ભગવાનને ભજવાના મૂળ તત્વોને સમજાવશે કે તમે તમારા ઠાકોરજીમાં ક્યારે પણ ન્યૂનતા (ઓછાપણું) ન વિચારો. જગતમાં પ્રસિદ્ધ બધા નામ-રૂપો એ તમારે માથે બિરાજતા ઠાકોરજીના જ નામ-રૂપો છે. તમે આશ્વસ્ત થઈને (વિશ્વાસ રાખીને) તમારા ઠાકોરજીની સેવા કરો, સાવધાનીથી સેવા કરો. આવું કહેનાર ભગવદીયનો સંગ તમને મળશે, પણ એવા ભગવદીયનો સંગ તમને ક્યારે મળશે કે જ્યારે તમે તમારા ઠાકોરજી સાથે જોડાયેલા હશો. નહીં તો તો એવા-એવા પાખંડીઓનો જ સંગ તમને થશે કે જે તમને હંમેશાં કહેતા રહેશે કે તમારા ઘરના ઠાકોરજીમાં શું સામર્થ્ય છે? આ કાંઈ નિધિસ્વરૂપ થોડું છે? સાચાં સ્વરૂપ તો નિધિસ્વરૂપ જ હોય, શ્રીમહાપ્રભુજીની નિધિ તો ત્યાં છે, શ્રીગુસાંઈજીની નિધિ તો ત્યાંજ છે, સાચું સ્વરૂપ તો ત્યાં બિરાજી રહ્યું છે, ત્યાં અપરસ છે, નેગ-ભોગ છે, ત્યાં સજાવટ છે, ત્યાં છપ્પનભોગ છે, ત્યાં કુનવારો છે, ત્યાં કેસરના હિંડોળા છે. આ બધું સાંભળીસાં ભળીને તૃણાવર્ત ઉઠવો શરૂ થશે. આ તૃણાવર્તના વંટોળિયામાં ફેંકાશે કોણ? તમે નહીં ફેંકાઓ, તમારા ઠાકોરજી ફેંકાશે એ વાત ધ્યાનથી સમજો. તે વંટોળિયોત ૃણાવર્ત ઉઠશે અને તમારા ઠાકોરજી તમારા ઘરમાંથી બહાર ફેંકાઈ જશે. પછી તમારા ઠાકોરજીની સેવામાં તમારું મન નહીં લાગે. અહીં-તહીં દોડવામાં મન લાગ્યું રહેશે. જેમ તૃણાવર્ત દોડે તેમ તમે પણ દોડતા જ જશો. આ વાત શ્રીલાલૂભટ્‌ટજી સમજાવી રહ્યા છે.

આપણે ‘પુરુષોત્તમસહસ્રનામ’સ્તોત્રનો પાઠ કરીએ ત્યારે આપણી અંદર આ ભાવના દૃઢ થવી જોઈએ કે આ હજારે હજાર નામો મારે માથે બિરાજતા ઠાકોરજીનાં છે. આપણે કીર્તન ગાતા હોઈએ તો તે કીર્તન ગાનમાં આપણને એ ભાવ દૃઢ થવો જોઈએ કે આ આખું કીર્તન મારે માથે બિરાજતા ઠાકોરજીની લીલાનું કીર્તન છે ‘‘બહૂનિ સન્તિ નામાનિ રૂપાણિ ચ સુતસ્ય મે’’ મારે માથે બિરાજતા ઠાકોરજીના કેટલા બધા નામો છે! કેટલાં બધાં રૂપો છે! કેટલી બધી લીલાઓ છે! આ ભાવ આપણામાં ત્યારે દૃઢ થશે કે જ્યારે આપણે આપણા ઠાકોરજીમાં વિશ્વરૂપ જોવાની યોગ્યતા જગાડીશું. ત્યારે આપણને લાગશે કે આખા વિશ્વમાં જેટલાં પણ નામરૂપ અને લીલાઓ છે તે સર્વ મારા માથે બિરાજતા ઠાકોરજીનાં છે.

રિંગણલીલા (ઘૂંટણિયાં ભરવાં)ઃ

ભાગવતજીમાં ભગવલ્લીલાના વર્ણનમાં આવે છે કે ત્યાર બાદ ઠાકોરજી નન્દાલયમાં ઘૂંટણથી ચાલવા લાગ્યા. પ્રભુનાં આ ચરિત્રનો સુન્દર ભાવ શ્રીલાલૂભટ્‌ટજી જણાવી રહ્યા છે કે વિરાટપુરુષના સ્વરૂપમાં જે પણ આસુર ભાવ છે તે ઘૂંટણમાં રહેલો છે.

બ્રાહ્મણોઽસ્ય મુખમાસીત્‌ બાહુ રાજન્યકૃતઃ।।

ઉરુ તદસ્ય યદ્‌ વૈશ્યઃ પદ્‌ભ્યાં શુદ્રો અજાયત।।

ચન્દ્રમા મનસો જાતઃ, ચક્ષોઃ સૂર્યો અજાયત।।

મુખાદ્‌ ઇન્દ્રશ્ચાગ્નિશ્ચ પ્રાણાદ્‌ વાયુરજાયત।।

વિરાટ સ્વરૂપના વર્ણનમાં વિશ્વની બધી શક્તિઓ પ્રભુના કોઈ ને કોઈ અંગમાં બિરાજેલી છે એવું વર્ણન આવે છે. તેમાં એ બતાવ્યું છે કે જે આસુરી શક્તિ છે તે પ્રભુનાં ઘૂંટણમાં બિરાજેલી છે. પ્રભુ જ્યારે નન્દબાવાના આંગણામાં ઘૂંટણથી ચાલ્યા ત્યારે પ્રભુએ એ બધી આસુરી શક્તિઓને ધસી નાખી છે.

તે જ રીતે તમારું સેવ્યસ્વરૂપ પણ જ્યારે તમારા આંગણામાં ઘૂંટણિયાં ભરવા શરૂ કરશે ત્યારે તમારા ઘર-પરિવારમાં રહેલા આસુરી ભાવોની શક્તિને પ્રભુ ઘૂંટણિયે ચાલીને ધસી નાખશે.

તમે તમારા ઠાકોરજી સાથે જોડાઓઃ

બાળક જ્યારે જન્મે છે ત્યારે તો તે માને જ ઓળખતું હોય છે, પિતાને પણ બહુ સમય પછી ઓળખતું થાય છે. ધીરે-ધીરે જેમ તે મોટું થતું જાય તેમ-તેમ બીજા બધા લોકોને ઓળખવાનું તેનું વર્તુળ વધતું જતું હોય છે. જેમ-જેમ તેના પરિચયનું વર્તુળ મોટું થતું જાય છે તેમ-તેમ તેને ઘરના બધા ખૂણાઓમાં જવાજો વાની ઇચ્છા થાય છે. બાળક ઘૂંટણિયે કેમ ચાલે છે? કારણ કે બાળક જ્યાં બેઠું હોય ત્યાં તેનું મન લાગતું નથી. તેથી તે ઘરના બધા ખૂણામાં ફરે છે, ઘરના દરેક માણસને જુએ છે, બધી વસ્તુઓ જુએ છે, બધી વસ્તુઓ હાથમાં ઉપાડે છે, મોંમા મૂકે છે, વસ્તુને ફેંકે છે, તોડે છે, જુએ છે. બાળકની આ સહજ વૃત્તિ છે. તેમ આપણા ઘરમાં પણ જે આપણા વ્યક્તિ છે, પરિવારજનો છે તે બધાનાં દિલ આપણા ઠાકોરજી સાથે આપણી જેમ જ્યારે જોડાશે ત્યારે ઠાકોરજી ઘૂંટણિયે ચાલીને તેમના સુધી પહોંચવાનું શરૂ કરશે. પરન્તુ જો આપણે જાતે જ જ્યારે આપણા ઠાકોરજી સાથે જોડાયેલા નહીં હોઈએ તો પછી આપણા ઠાકોરજી ઘૂંટણિયે ચાલીને બધાંની પાસે કેવી રીતે જશે?

ઘૂંટણિયે ચાલવાનું બાળકનું મનોવિજ્ઞાન એ જ છે કે પરિવારના બધા સભ્યોને તે જાણવા-પરખવા માંગે છે કે મને પરિવારનો કયો સભ્ય મજા કરાવે છે, કોણ મને રમાડી રહ્યું છે, કોણ મને રમકડાં આપે છે, મીઠાઈ આપે છે. ઘૂંટણિયે ચાલતું બાલક ફક્ત માના દૂધ પર આધાર રાખતું નથી. જ્યાં તેને મજા આવે ત્યાં તે ચાલ્યું જાય છે. પછી ભલે પાછું ફરીને માં પાસે આવી જાય. તો આમ જ્યારે આપણે આપણા ઠાકોરજીનું લાલન-પાલન તન્મયતાથી કરીશું ત્યારે આપણા ઘરના ઠાકોરજી પણ ઘૂંટણિયે ચાલીને આપણા પરિવારના બધા સભ્યો પાસે ધીમે-ધીમે પહોંચવાનું શરૂ કરશે. મતલબ આપણા ઘરના બધા સભ્ય ત્યારે ઠાકોરજી પ્રત્યે ભાવથી આકર્ષિત થશે તે વિના આવું થવું સમ્ભવ નથી.

બીજી એક વાત સમજીએ કે જો આપણે જડતાથી ઠાકોરજીની સેવા-પૂજા કરીએ, દરવાજો બંધ કરીને કે દુર્વાસા (ક્રોધાવિષ્ટ)નો અવતાર થઈને સેવા કરીએ, સેવામાં આખો દિવસ છોવાઈ ગયું, અડકાઈ ગયું એમ કરતા રહીએ તો વિચાર કરો કે આપણા ઠાકોરજી બિચારા ઘૂંટણિયાં ભરીને જશે કોની પાસે? ઠાકોરજી બિચારા વિચારશે કે આ ઘરમાં તો બહુ જોખમ છે! આવું જોઈને ઠાકોરજી ઘરમાં બધા પાસે જવાનું બંધ કરી દેશે. પણ જ્યારે આપણે જાતે બાલકને ખવડાવીએ છીએ, તેને રમાડીએ છીએ, એની સાથે ઓતપ્રોત થઈ જઈએ છીએ તો ઘરમાં ફરવાનો બાલકનો વિશ્વાસ વધે છે. આ પ્રક્રિયામાં તે સહજ સમ્ભવ છે કે બાલક કોઈ વસ્તુને ફેંકી પણ દે. બાળકે ઘૂંટણથી ચાલવાનું શીખ્યું છે તો મોંમાં નહીં નાખવાની વસ્તુ પણ મોંમાં નાખશે. આવા બધા તોફાન તો બાળકો સાથે થવાના જ. પરન્તુ વિચારો કે આવાજ તોફાનને કારણે બાળકો ઘરના બધા સભ્યોના લાડકા બનતા હોય છે! ઘરના સભ્યો તેને કેડમાં લઈને ફરે છે! માં સિવાય પરિવારના બીજા સભ્યોનું વહાલું-લાડકું બાળક આ પ્રક્રિયાથી જ થાય છે ને! આપણે ઘરમાં બેઠા હોઈએ અને બાળક ઘૂંટણથી ચાલીને આપણી પાસે આવી જાય તો તેના પર કેટલો પ્રેમ ઉભરાશે. તેવી જ રીતે ઘરમાં તમે સેવા ઠાકોરજીની કરો છો અને જેવા ઠાકોરજી પરિવારના સભ્યોને વહાલા લાગવા માંડે તો સમજીલો કે ઠાકોરજી ઘૂંટણિયાં ભરીને તેની પાસે પહોંચી ગયા. એમ વિચારો કે અત્યાર સુધી તમે જ ઠાકોરજીની સેવા કરતા હતા, હવે ઘરના બીજા સભ્યોને પણ સેવા કરવાની ઇચ્છા થઈ. આ એ વાતનું સૂચક છે કે ઠાકોરજી હવે ઘૂંટણિયે ચાલીને તેમની પાસે પહોંચવાનું શરુ કર્યું છે. હમણાં સુધી તો ઠાકોરજી કેવળ માંનું દૂધ જ પીતા હતા, માના ખોળામાંજ સૂઈ રહ્યા હતા, પારણામાં સૂઈ રહ્યા હતા; ઘૂંટણે ચાલવાની તેનામાં તાકાત ન હતી. પણ જ્યારે તમારી સેવાનો આનન્દ, તમારી સેવાનો ઉમંગ, તમારી સેવાનો ઉલ્લાસ જ્યારે બીજામાં પણ સંચાર થાય તો સમજી લો કે હવે ઠાકોરજીએ તેમની પાસે જવાનું શરૂ કર્યું છે. એક માણસ હસે તો બીજાને પણ હસવું આવે, એક માણસ રડે તો બીજાને પણ રડવું આવે, એક માણસ માંદો હોય તો બીજાને પણ માંદગી આવે, એકને બગાસું આવે તો બે-ચારને બગાસાં આવી જાય. આ શું છે ? એક બીજાના ભાવનું એકબીજામાં આરોપણ છે. તેમ ઠાકોરજી પ્રત્યેની આપણી ભક્તિના ઉમંગનો ભાવ જ્યારે બીજામાં સંચરિત થાય તો તેને એ વાતનું સૂચન સમજવું કે હવે આપણા ઠાકોરજીએ પારણું અને માંનો ખોળો છોડીને ઘૂંટણે ચાલવાનું શરૂ કરી દીધું.

કબ મેરો મોહન ચલેગો ઘુટરુવન તમ હોં કરુંગી બધાઈ।

સર્વસ્વ વાર દેહોંગી તબ ફિર ‘મૈયા’ કહી મોંસું બોલે।।

કબ મેરો મોહન ચલેગો ઘુટરુવન તબ હોં કરુંગી બધાઈ।।

જ્યારે આપણી સેવા જોઈને, આપણી સેવાના આનન્દને જોઈને પરિવારનો બીજો સભ્ય પણ તેમાં જોડાવામાટે તત્પર બની જાય કે ભાઈ, કંઈક સેવા મને પણ આપો, અમે પણ સેવા કરીશું. બસ, તો પછી તમારા ઠાકોરજી ઘૂંટણે ચાલવા લાગ્યા. આ રહસ્યને સમજો. કેટલું મીઠું રહસ્ય લીલાને અનુરૂપ સેવામાં આ છે કે હવે તેમણે ચાલવું શરૂ કર્યું. હવે કંઈ તોફાન પણ થશે. બાળક છે, ઉંધુંચત્તું ન કરે તો તે બાળક કેમ કહેવાય! લીલાના વર્ણનમાં આવે છે કે જ્યારે ઠાકોરજીએ ચાલવું શરૂ કર્યું ત્યારે નન્દરાયજીના જોડા પહેરીને રસોડામાં ઘૂસી જતા. એક દિવસ તો નન્દરાયજીના પૂજાના શાલીગ્રામજીને જ ઠાકોરજીએ પોતાના મુખારવિન્દમાં પધરાવી દીધા! આવા તો કેટલાય તોફાનો થશે. એ તોફાનો જ તો બાળલીલા છે ને! તેની તો મજા જ લેવી જોઈએ ત્યારે જ બાલભાવનો આનન્દ છે, નહીં તો પછી બાલભાવનો આનન્દ જ કયો?

ભક્ત ભગવાનનો દોષજ્ઞ બની શકતો નથીઃ

આ પછી બહુ સુન્દર લીલાનું વર્ણન શ્રીલાલૂભટ્‌ટજી કરી રહ્યા છે.

ચૌર્યાદિપ્રસને વ્રજસુન્દરીભિઃ ભગવતો દોષેષુ નિવેદિતેષુ મહિમજ્ઞાનાભાવેઽપિ કેવલ સ્નેહાત્‌ ન માતૃચરણૈઃ દોષાઃ પરિગ્રહીતાઃ ‘‘ન હ્યુપાલબ્ધુમ્‌ ઐચ્છત્‌’’ (ભાગ.પુરા.૧૦।૮।૩૧) ઇતિ વાક્યાદ્‌, એવમેવ ભગવદીયો જ્ઞાનરહિતોઽપિ ભજનસ્વભાવાત્‌ ન ભગવતિ દોષં ગૃહ્ણાતિ.

ઠાકોરજીએ ઘૂંટણિયે ચાલ્યા પછી હવે ઉભા થઈને ચાલવાનું શરૂ કર્યું, જ્યારે ઉભા થઈને ચાલવાનું શરૂ કર્યું તો ગોપીઓનાં ઘરમાં અને જ્યાં-ત્યાં માખણ ચોરવાનું પણ શરૂ કર્યું. હવે તો યશોદાજીની પાસે તેની (સામે) ફરિયાદો આવવાની શરૂ થઈ કે તમારો બાલક આમ હેરાન કરે છે, તેમ હેરાન કરે છે. શ્રીલાલૂભટ્‌ટજી અહીં લીલાના પક્ષે આપણું ધ્યાન આકર્ષિત કરે છે કે જ્યારે ફરિયાદ થઈ ત્યારે યશોદાજીનું તે તરફ કેવું વલણ હતું? યશોદાજીએ તે બધી ફરિયાદો સાંભળી, પણ પોતાના બાલકનો દોષ ન જોયો.

ફરિયાદ તો સેવા કરવાવાળા બાબત પણ આવશે કે મોટા ભગવદીય થયા છે, દિવસ આખો સેવા કરે છે, અહીં આવતા નથી, કોઈ સાથે હળતા-મળતા નથી, કુટુમ્બમાં કોઈને મળતા નથી, લગ્નપ્રસનમાં પણ આવતા નથી. આવી-આવી આડોશી-પાડોશીની બધી ફરિયાદો આવશે, પણ સેવા કરનારને તે સાંભળીને તેમાં પોતાના ઠાકોરજીનો દોષ નહીં દેખાય. તેના મનમાં યશોદાજીનો ભાવ જ દૃઢ રહેશે કે

જાકો જો બિગાર કિયો મોંસોં સો માંગ લેહો।।

ગારી મત દીજો મો ગરીબનીકો જાયો હૈ।। મારા

ઠાકોરજીની તમે નિંદા ન કરો. બીજું તમારે જે કહેવું હોય તે કહો. પણ આ ભાવ આપણામાં ક્યારે જાગશે કે જ્યારે આપણે આપણા ઠાકોરજીને આપણું સર્વસ્વ માન્યા હશે. જે વખત ઠાકોરજી પ્રત્યે યશોદાજીના જેવી ભાવની દૃઢતા થઈ જશે તે પછી સૌને આ વાત સમજાશે કે આ ભાવમાં મધુરતા કેટલી છે. આપણા કિશનગઢના નાગરીદાસજીએ કહી દીધું કે

કૃષ્ણકથા ગુણ ગાત ન જાયો,

ગૃહ વ્યવહાર ભુરટકો ભારો સિરપરતેં ઉતરાયો,

નાગરિયાકો શ્રીવૃન્દાવન ભક્તિ તત્ત્વ બૈઠાયો.

કૃષ્ણ ભક્તના મનનો ચોર છેઃ

આ ભાવ ત્યારે પ્રકટ થઈ શકે કે જ્યારે આપણા કૃષ્ણ ચાલતા થાય અને માખણ ચોરવા લાગે. એટલે કે જેનો જે ભાગ છે તે પણ ચોરીને પોતે જાતે ખાવા માંડે. આ ભાગ શું છે? આ ભાગ સૌ પ્રતિ રહેલું આપણું કોઈ ને કોઈ કર્તવ્ય છે. બધા સાથે હળવા-મળવાનો સમ્બન્ધ છે. પણ જ્યારે ઠાકોરજીમાં આપણી એકાગ્રતા વધી તો આપણા મનનું બધું માખણ ઠાકોરજી નામનો ચોર ખાઈ જાય છે. હવે જ્યારે ઠાકોરજી એ માખણ ચોરી જાય છે ત્યારે ફરિયાદ તો આવશે જ. ફરિયાદ તો નાગરીદાસજી માટે પણ આવતી હશે કે ભાઈ ભક્તિ તો આખો દિવસ કરે છે, પણ એ મુકામ પર પહોંચ્યા પછી લોકોની વાતો ખુંચતી બંધ થઈ જશે. ભક્ત પછી એ વિચારવા લાગશે કે ઠાકોરજીનો આમાં કોઈ દોષ નથી. ‘‘ન હ્યુપાલબ્ધુમ્‌ ઐચ્છત્‌’’. સેવામાં એવો આ મુકામ પ્રકટ થશે અને જ્યારે એ મુકામ પ્રકટ થશે ત્યારે તેમાં ‘‘ભગવદીયો જ્ઞાનરહિતોઽપિ ભજનસ્વભાવાત્‌ ન ભગવતિ દોષં ગૃહ્ણાતિ’’. બહુ ભણેલા-ગણેલાની આ તબક્કામાં જરૂર નથી. આ તબક્કે તો આપણા ભજનીય ઠાકોરજી પ્રત્યેની આપણી મમતા જ આપણને એ સમજાવી દેશે. હવે આપણા ઠાકોરજીનો કોઈ દોષ આપણને નહીં દેખાય, ગામ આખાને ભલે દેખાય, પણ આપણને નહીં દેખાય.

મૃત્સ્નાભક્ષણ; વિશ્વંભર ભગવાન્‌ ભાવના ભૂખ્યા છેઃ

હવે પછી લીલામાં શ્રીઠાકોરજીનો માટી ખાવાનો પ્રસન આવે છે. ઠાકોરજીએ માટી ખાધી ત્યારે બધાએ યશોદાજીને ફરિયાદ કરી કે તમારો બાળક માટી ખાય છે. યશોદાજીએ જ્યારે ઠાકોરજીને પૂછ્‌યું ત્યારે ઠાકોરજીએ કહ્યું કે આ બધા જૂઠું બોલે છે. મેં માટી ખાધી નથી. ત્યારે યશોદાજીએ ઠાકોરજીને કહ્યું કે બતાવ, મોં ખોલ. ઠાકોરજીએ જેવું મુખારવિન્દ ખોલ્યું તેવું જ યશોદાજીને ફરીથી તેમાં આખું વિશ્વ દેખાવા લાગ્યું. ત્યાં પાછું વિશ્વરૂપનું દર્શન યશોદાજીને થયું છે.

આ લીલાની સેવા સાથે અનુરૂપતા શી છે તે વાત શ્રીમહાપ્રભુજીએ શ્રીસુબોધિનીજીમાં સમજાવી છે. ત્યાં આપ લખે છે કે માણસ ખાય છે શા માટે? કારણ કે તેને ભૂખ લાગે છે. પણ એક વાત જાણી લો કે માટીની ભૂખ લાગતી નથી. માટી ખાવાથી ભૂખ મટે પણ નહીં. પ્રભુએ પોતાની આ વાત પ્રકટ કરવા માટે કે હું કાંઈ ભૂખને લીધે ખાતો નથી. અજુર્નને ગીતામાં કહ્યું છે કે ‘‘પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, તદહં ભક્ત્યુપહૃતં અશ્નામિ પ્રયતાત્મનઃ’’. ફળ હોય, ફૂલ હોય, પત્ર હોય જે કાંઈ પણ હોય ભક્તિથી મને આપો. પ્રેમભક્તિથી ધરશો તો પ્રભુ કંઈ પણ આરોગવા તૈયાર છે. બાકી તો છપ્પનભોગ અને કુનવારા પણ જો ભક્તિપૂર્વક ન ધરીને ધંધા કે સ્પર્ધા થી પ્રભુને ધરશો કે પેલાએ કર્યો તો અમે પણ કરીશું, તો ભગવાન્‌ કાંઈ સામગ્રીના ભૂખ્યા નથી. આ વાત આપણે સેવામાં પણ સ્પષ્ટ સમજવી જોઈએ કે આપણે જે કાંઈ ભોગ ધરીએ તે પ્રભુ આરોગશે, પણ આરોગવાની એક શરત છે કે તમે જે કંઈ પણ પ્રભુને આરોગાવો તેનું ગામમાં પ્રદર્શન ન કરો. કોઈની સાથે સ્પર્ધા ન કરો કે પેલાએ આવું કર્યું તો અમારે પણ આમ કરવું છે. આપણી ભક્તિ આપણને બતાવે કે આ વસ્તુ સારી છે, બસ, ભક્તિથી તમારા પ્રભુને તમે ધરો. પ્રભુ જરૂર આરોગશે, આરોગશે, આરોગશે. ‘‘પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, તદહં ભકત્યુપહૃતં અશ્નામિ’’. પ્રભુ ગીતામાં આજ્ઞા કરે છે કે હું એટલા માટે આરોગું છું કારણ કે મને ભક્તિથી ભોગ ધર્યો છે. ભૂખને કારણે હું આરોગતો નથી. પ્રભુને ભૂખ લાગતી નથી.

ભક્ત્યુપહૃતં અશ્નામિઃ

અમારા ઠાકોરજી પહેલાં જોધપુરમાં બિરાજતા હતા. ત્યાંથી કિશનગઢ પધાર્યા. કિશનગઢથી સને ૧૯૪૦ની આસપાસ શ્રીગોકુલનાથજી તાતજી મહારાજે અમારા ઠાકોરજી મોટા મંદિર, મુંબઈ માં પધરાવ્યા. ત્યાર પછી એક એવો કાયદો આવ્યો કે મોટા મંદિર ટ્રસ્ટના પરિસરમાં જે પણ ઠાકોરજી બિરાજતા હશે તે ટ્રસ્ટના ઠાકોરજી કહેવાશે. દાદાજી (નિ.લી.ગો.શ્રીદીક્ષિતજી) પાસે એ પત્ર સહી કરાવવા માટે આવ્યો. દાદાજીએ કહ્યું, ભાઈ શું લખ્યું છે પત્રમાં વાંચ તો! મેં કહ્યું કે આમાં લખ્યું છે કે મોટા મંદિરમાં બિરાજતા બધા ઠાકોરજી પબ્લીક (સાર્વજનિક) ટ્રસ્ટના સરકારી થઈ જશે. તો દાદાજીએ કહ્યું કે ઠાકોરજીને આપણે પધરાવી જઈએ, પછી સહી કરી દઈએ. આપણું શું જવાનું? આપણે તો મોટા મંદિરમાં રહેવું નથી. અમે અમારા ઠાકોરજી પધરાવી ગયા પછી સહી કરી આપી. બધા સાથે ઝઘડો શા માટે કરવો? જેને જે કરવું હોય તે કરે. અમારા ઠાકોરજી જ્યારથી મુંબઈમાં પધાર્યા ત્યારથી તાતજી મહારાજે તેમને સવાર-સાંજ બે થી અઢી શેરનો દૂધનો ડબરાભોગ ધરવાનો નિયમ કર્યો હતો. બીજી પણ સામગ્રીઓ ભોગમાં આવતી હતી. જ્યારે અમે અમારા ઠાકોરજી ત્યાંથી પધરાવી લીધા ત્યારે કેટલાક ટ્રસ્ટીઓએ કહ્યું કે ઠાકોરજીને પધરાવી તો ગયા, પણ શ્યામબાવા શું નિયમિત બે-અઢી શેર દૂધના ડબરા ધરી શકશે? મેં એમને બોલાવીને કહ્યું કે જુઓ, ઠાકોરજીની નવ લાખ ગાયો છે, તેમાં અઢી શેર દૂધના ડબરાની શી કિંમત તમે સમજી રહ્યા છો! અને મોટા મંદિરમાં અઢી શેર દૂધનો ડબરો ભોગ ધરાતો હતો તેમાં શી મોટી ધાડ મારી લીધી! અને જો હું પાશેર દૂધની કટોરી ભોગ ધરીશ તો તે પણ ઠાકોરજીની નવ લાખ ગાયોના દૂધની સામે અઢીશેરના ડબરા જેટલી જ થઈ જશે. અને મૂળ વાત એ કે અમે અમારા ઠાકોરજીને ડબરા ધરીએ કે કટોરી ધરીએ કે દૂધનું એક ટીપું ધરીએ, તમારે તેની સાથે શી લેવાદેવા? અમારે અમારા ઠાકોરજી બીજાઓને સોંપવા નથી, બસ, વાત પૂરી થઈ ગઈ. ટ્રસ્ટીઓ તો કહેતા રહ્યા કે આ લોકો ઠાકોરજીને ભૂખે મારશે, દૂધનો એક ડબરો પણ નહીં ધરાવી શકે!

તો જુઓ, આવી બધી વિચિત્ર વાતો આપણા મનમાં જાગતી રહે છે. કેમ જાગે છે? કારણ કે આપણે એવું સમજીએ છીએ કે ઠાકોરજી ભૂખને લીધે આરોગે છે. તો એક વાત સમજીએ કે આપણા ઠાકોરજી ભીમ નથી, આપણા ઠાકોરજી વૃકોદર (ખૂબ ખાવાની વૃત્તિવાળા) નથી, આપણા ઠાકોરજી તો ભક્ત્યુદર (ભક્તિ +ઉદર = જેમનું ઉદર ભક્તિથી ભરાય તેવા) છે. વૃકોદર એટલે એવો માણસ કે જેના પેટમાં એવો જઠરાગ્નિ હોય કે તેમાં જેટલું નાખો તે બધું ભસ્મ થઈ જાય. આપણા ઠાકોરજી વૃકોદર નથી, આપણા ઠાકોરજી તો ભક્ત્યુદર છે. ભક્તિપૂર્વક જે આરોગાવો તે ઠાકોરજી આરોગશે. બાકી ઠાકોરજીને આરોગવાની કોઈ દરકાર નથી. ઠાકોરજી શા માટે આરોગે? જે વિશ્વના પાલનહાર છે તેમને તમારી ધરેલી સામગ્રી આરોગવાની શી જરૂર છે? પણ તે કાંઈ પણ આરોગવા તૈયાર છે, તે શબરીના એઠાં બોર પણ ખાવા તૈયાર છે. શરત માત્ર એટલી કે તે ભક્તિથી ધર્યા હોવા જોઈએ ‘‘તદહં ભક્ત્યુપહૃતં અશ્નામિ પ્રયતાત્મનઃ’’. તમે એમ માની લીધું કે ઠાકોરજીને મીઠાઈની, મઠડીની, માખણની, મિસરીની ભૂખ છે. ઠાકોરજીને કોઈ ચીજની ભૂખ નથી. ઠાકોરજીને માત્ર ભક્તિભર્યા ભાવની ભૂખ છે. ભક્તિભાવથી ધરેલી જળની લોટી પણ ઠાકોરજી આરોગશે. અને ભક્તિભાવથી ન ધરીએ તો ઠાકોરજી માખણ, મિસરી, મીઠાઈ ની સામે નજર પણ નહીં કરે. ઠાકોરજી એવા ભૂખ્યા નથી. આ વાત આપણે સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ.

છોલા આગળ છપ્પનભોગની શી વિસાત!

ઠાકોરજીને ભોગ ધરતી વખતે આપણને આ ભાવ ક્યારે જાગશે? જ્યારે આપણો ભક્તિભાવ દૃઢ થયો હશે. જ્યારે ઠાકોરજી પ્રત્યે આપણો ભક્તિભાવ દૃઢ થશે ત્યારે આપણી ભોગસામગ્રી આરોગવાની ઠાકોરજીને પણ ઇચ્છા થશે. તેવી જ રીતે કે જેમ પદ્મનાભદાસના છોલા આરોગવાની ઠાકોરજીને ઇચ્છા થઈ. અને જ્યારે શ્રીગિરિધરજીએ છપ્પનભોગ ધર્યો તે વેળા મથુરાધીશજીના મુખારવિન્દ ઉપર પ્રસન્નતાના ભાવનાં દર્શન ન થયાં. જ્યારે શ્રીગિરિધરજીએ વિનંતી કરી કે ‘‘આપના મુખારવિન્દ પર પ્રસન્નતા દેખાતી નથી એનું શું કારણ?’’ ત્યારે શ્રીમથુરાધીશજીએ આજ્ઞા કરી કે ‘‘પદ્મનાભદાસજીના છોલા યાદ આવે છે’’. તે દિવસથી મથુરાધીશજીને પ્રતિદિન પદ્મનાભદાસજીના ભાવથી છોલા ધરાવવામાં આવે છે. તો આ વાત ધ્યાનથી સમજીએ કે ઠાકોરજી ભક્તિના ભૂખ્યા છે, સામગ્રીના ભૂખ્યા નથી. આપણે ભૂલથી સમજી લીધુ કે ઠાકોરજી સામગ્રીના ભૂખ્યા છે. આપણી એવી અવળી સમજને કારણે આપણે ભિખારીપણું કરી ગામમાં ઠાકોરજીની ભેટ-સામગ્રીની ભીખ માગતા ફરીએ છીએ કે લાવો અમારે ઠાકોરજીને આ સામગ્રી ધરવી છે, લાવો પેલી સામગ્રી ધરવી છે. તમે તમારા હૃદયને પૂછો કે ભક્તિના ભાવથી તમે તમારા ઠાકોરજીને શું ધરો છો. તમે ઠાકોરજીને ભક્તિભાવથી જે કાંઈ પણ ધરો છો તે જ તમારા ઠાકોરજીને ભાવે છે. ગામમાંથી ભીખ માંગીને જો તમે ઠાકોરજીને છપ્પનભોગ પણ ધરશો તો તે પણ ઠાકોરજીને નહીં ભાવે, નહીં ભાવે, નહીં જ ભાવે. વાત માત્ર આટલી જ નથી, ઠાકોરજી તે આરોગતા જ નથી. જરાપણ નહીં આરોગે. ઠાકોરજી સામે ધર્યું હોય તો પણ તે બધી રસોઈ અનપ્રસાદી જ છે, અસમર્પિત જ છે આ વાત દૃઢતાથી સમજો. પણ આ વાત ક્યારે સમજાશે, જ્યારે તમારો ભાવ ઠાકોરજી પ્રત્યે ભક્તિથી ભરેલો હશે. જ્યારે તમે ઠાકોરજીની સેવા હરીફાઈથી નહીં કરતા હો, જ્યારે તમે ઠાકોરજીની સેવાનું ગામ સમક્ષ પ્રદર્શન નહી કરતા હો, ત્યારે આ ભાવ તમારામાં પ્રગટશે કે મારો ઠાકોરજી ભક્તિથી ધરેલી મારી ચીજો (સામગ્રી)નો શોખીન છે. અને તે જ્યારે તમે તમારા ઠાકોરજીને ધરાવશો ત્યારે તેમને પણ મજા આવશે. આ વાત સમજવા તમારા હૃદયમાં ભક્તિ હોવી આવશ્યક છે. એને માટે તમારા પાકિટમાં પૈસાની જરૂર નથી. હૃદય ભક્તિથી ભરપૂર કરો, ભલે પાકિટ ખાલી હોય તો પણ ચાલશે. આ વાત શ્રીલાલૂભટ્‌ટજી સમજાવે છે ‘‘તદહં ભક્ત્યુપહૃતં અશ્નામિ પ્રયતાત્મનઃ’’.

(ગઈ)કાલના પ્રકરણમાં પ્રભુએ વ્રજલીલામાં માટી ખાધી અને તેમાંથી જે સિદ્ધાન્ત ફલિત થાય છે તેનો આપણે વિચાર કર્યો કે પ્રભુ ભૂખને લીધે કે આવશ્યકતાને લીધે કોઈ પણ વસ્તુ સ્વીકારતા યા આરોગતા નથી પરન્તુ વસ્તુ ભક્તિભાવથી સમર્પિત થયેલી હોવાને લીધે પ્રભુ તેને સ્વીકારે છે ‘‘પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, તદહં ભક્ત્યુપહૃતં અશ્નામિ પ્રયતાત્મનઃ’’. સેવામાં જ્યાં સુધી આપણો એવો ભાવ દૃઢ નહીં થાય કે પ્રભુને આપણા સેવા-સમર્પણની આવશ્યકતા નથી, પણ સેવા-સમર્પણ કરવાની આવશ્યકતા આપણી છે ત્યાં સુધી આપણે ભગવાનની સેવા કરવામાં આપણા અહંને ભક્તિભાવના અનુરૂપ કોમળ નહીં બનાવી શકીએ. કારણ કે એ અત્યન્ત સ્વાભાવિક વાત છે કે કોઈની કંઈક આવશ્યકતા છે અને તે આવશ્યકતાને આપણે જો પૂર્ણ કરી રહ્યા છીએ તો એવો વ્યવહાર તો આપણામાં કેવલ અહપારને જ વધારશે. અને બીજા આવશ્યકતાના વિચાર વિના જો કોઈ કામ આપણે કરતા હોઈશું તો પછી તે કામ કરવાના પાછળના બે જ હેતુ હોઈ શકે છેઃ ૧.આપણું કર્તવ્ય સમજીને અથવા તો ૨.આપણો સ્નેહ છે તેથી. તેની આવશ્યકતા હોય કે ન હોય પણ આપણો સ્નેહ છે તેથી આપણે કરીએ છીએ.

આ માટે જૂના જમાનામાં એક નિયમ હતો. આ બધી બહુ આદર્શ વાતો છે. એવી વાતો કે જો આજની આપણી જીવન શૈલી તથા માનસિકતા ની સાથે તેની સરખામણી કરીએ તો આપણને સાવ એમ જ લાગશે કે ‘‘કોઈ જમાનામાં બુદ્ધ થઈ ગયા અને કોઈ જમાનામાં સમ્રાટ અશોક થઈ ગયા અને કોઈ જમાનામાં ચન્દ્રગુપ્ત થઈ ગયા’’ આવી ઇતિહાસની જ કથા લાગે. એવી જ એક કથા આપને બતાવી રહ્યો છું. પ્રાચીનકાળમાં બ્રાહ્મણ દાન લેતાં સંકોચનો અનુભવ કરતા. તેથી જે બ્રાહ્મણ દાન લેવાની ઉદારતા દેખાળતો તેને દાન લેવાની દક્ષિણા દાનની વસ્તુથી અલગ અપાતી હતી. એવા ભાવથી કે ભાઈ આપે દાન સ્વીકાર્યું તે અમારા ઉપર મોટો ઉપકાર કર્યો. એટલે કે આપનારો તો પોતાની આવશ્યકતાથી દેતો હતો, પણ લેવાવાળો પોતાની આવશ્યકતા માટે લેતો નહોતો.

હમણા હું મિથિલાના જે ગામથી કિશનગઢ આવ્યો છું તે ગામમાં એક ‘શપર મિશ્ર’ નામના વિદ્વાન્‌ થઈ ગયા. શ્રીમહાપ્રભુજીના સમયમાં જ તે જન્મેલા. તે શ્રીમહાદેવજીના અવતાર છે એમ ત્યાંના લોકોની ભાવના છે, તેવો ઇતિહાસ પણ છે. તેમના પિતાનું નામ ભવનાથ મિશ્ર હતું. શપર મિશ્ર જ્યારે પાંચ વર્ષના હતા ત્યારથી જ તે બહુ મોટા વિદ્વાન્‌ થઈ ગયા, જેમ આપણા શ્રીમહાપ્રભુજી થયા હતા તે જ રીતે. એક દિવસ મિથિલાના રાજાએ તેને સંસ્કૃતમાં વાત કરતા જોયા તો તેમને ખૂબ આશ્ચર્ય થયું કે આટલો નાનો બાલક સંસ્કૃતમાં વાતો કેવી રીતે કરે છે. મિથિલાના રાજાઓ છેલ્લા સાતસો-આઠસો વર્ષથી હજુ સુધી બ્રાહ્મણ જ થતા આવ્યા છે. તેમણે તે બાલકને બોલાવીને કાંઈ પૂછ્‌યું, બાલકે કાંઈક જવાબ આપ્યો. રાજાએ ખુશ થઈને તેને કહ્યું કે ‘‘અરે! આ બાલક તો ખૂબ વિદ્વાન્‌ છે. તેને ખજાનામાંથી જેટલી જોઈએ તેટલી સોનાની અશરફી (સિક્કા)ઓ આપો’’. શપર મિશ્ર તો તે વેળા પાંચ વર્ષના બાલક હતા. એમના કપડાની ઝોલીમાં માંડ ૫૦ અશરફીઓ આવી. જ્યારે ૫૦ અશરફીઓ લઈને પિતા પાસે ગયા ત્યારે તેમણે તેને કહ્યું કે ‘‘તેં કેવું પાપ કર્યું? મારા ઘરમાં આવી રીતે તું અશરફીઓ લઈ આવ્યો ?’’ બ્રાહ્મણ કેવા હોય તે વાત હું બતાવી રહ્યો છું. ત્યારે પિતાએ કહ્યું કે હવે મારે આ ઘરમાં રહેવું નથી કે જ્યાં આવો બાલક પેદા થયો હોય. એમ કહીને તે તો તે જ દિવસે ઘર છોડીને ગનાજીના કિનારે ચાલ્યા ગયા. બિચારા શપર મિશ્ર તો બાલક હતા. એણે રાજા પાસે માંગ્યુ તો નહોતું, રાજાએ ખુશ થઈને આપેલું. પણ આ બધી વાતોનો ખુલાસો શપર મિશ્ર પિતાના ડરને લીધે કરી ન શક્યા. હવે તેમની પત્નીનો વારો આવ્યો. પત્નીએ વિચાર્યું કે જે અશરફીઓના કારણે (તેના) પતિ ઘર છોડી ચાલ્યા ગયા તે અશરફીઓને હું શું કરું? વિચાર કરતા તેમના ધ્યાનમાં આવ્યું કે જ્યારે શપર મિશ્ર જન્મેલા ત્યારે દાયણને આપવાના પૈસા તેમની પાસે હતા નહીં. તેથી દાયણને તેમણે કહેલું કે જે દિવસે આ કંઈક કમાઈને લાવશે તે દિવસે હું તને પૈસા આપીશ. તેથી પેલી ૫૦ અશરફીઓ તેમણે દાયણને બોલાવીને આપી દીધી. હવે જોજો, દાયણ તો કાંઈ બ્રાહ્મણ જેવી કક્ષાની નહોતી, ઘણી ઉતરતી કક્ષાની હતી. પણ જ્યારે તે દાયણને ખબર પડી કે આ ૫૦ અશરફીઓના કારણે જ શપર મિશ્રના પિતા પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયા છે તો તેના મનમાં પણ એમ થયું કે એવી અશરફીઓ લઈને મારે શું કરવું? તેણે તે અશરફીઓ પોતાના ઉપયોગમાં ન લીધી અને તેનાથી ત્યાં એક તળાવ ખોદાવ્યું. તે તળાવ આજે પણ ત્યાં આવેલું છે. હું તે તળાવ જોઈને આવ્યો છું. તો વિચાર કરો, કેવા પ્રકારનું બ્રાહ્મણત્વ એક જમાનામાં હતું. એ ઇતિહાસની કથા છે. આજની કથા નથી. આજે તો માંગે નહીં તો બ્રાહ્મણ ન કહેવાય એવી સ્થિતિ થઈ ગઈ છે. અસ્તુ.

અહપારથી કરાયેલી સેવાનિષ્ફળઃ

સમજવા જેવી વાત એ છે કે જે દિવસે આપણા મનમાં એવો ભાવ જાગ્યો કે ઠાકોરજી આપણાથી થતી સેવાને તેમની આવશ્યકતાને કારણે સ્વીકારે છે, આપણા દ્વારા કરાતા સમર્પણને પ્રભુ સ્નેહવશ સ્વીકારી રહ્યા નથી તો ચોક્કસ સમજજો કે આપણું મન, આપણો અહપાર હવે ભક્તિને લાયક રહ્યો નથી. તો હવે આપણું સમર્પણ દાનવીર શેઠના જેવું થઈ ગયું છે, અનાથાલય ચલાવનારા વહીવટદાર જેવું થઈ ગયું છે. એવા અહપારથી આપણે પ્રભુની સેવા કરી તો શું, અને સેવા ન કરી તોય શું? કોઈ ફરક નહીં પડે.

તેથી જ શ્રીલાલૂભટ્‌ટજી સમજાવી રહ્યા છે કે માટી ખાવાની લીલાદ્વારા સેવા કરનારે એ વાત સમજવી જોઈએ કે હું જે કાંઈ પણ કરી રહ્યો છું તે પ્રભુની આવશ્યકતાને કારણે નહીં પરન્તુ હું જો પ્રભુને સમર્પણ નહીં કરું તો મારો સ્નેહ ક્યાં ટકશે એ ભાવવશ હું સમર્પણ કરી રહ્યો છું. આ સિદ્ધાન્ત આ લીલા અને સેવામાં પ્રતિફલિત થઈ રહ્યો છે.

સ્નેહની સિદ્ધ અવસ્થામાં માહાત્મ્યજ્ઞાન બાધકઃ

હવે શ્રીલાલૂભટ્‌ટજી કહી રહ્યા છે કે પ્રભુએ જ્યારે માટી ખાધી ત્યાર પછી શ્રીયશોદાજીએ પ્રભુને તેમનું મુખારવિન્દ ખોલવા કહ્યું કે માટી ખાધી તે બતાવો. પ્રભુએ જ્યારે પોતાનું મુખારવિન્દ ખોલીને બતાવ્યું ત્યારે મુખમાં માટીને બદલે સમસ્ત બ્રહ્માણ્ડનાં શ્રીયશોદાજીને દર્શન થયાં. પ્રભુની આ લીલાનું સેવામાં કયું સ્વરૂપ છે તે શ્રીલાલૂભટ્‌ટજી સમજાવે છે.

જ્યારે પ્રભુએ પોતાનું મુખારવિન્દ ખોલીને બતાવ્યું ત્યારે પ્રભુના મુખમાં સમસ્ત બ્રહ્માણ્ડનાં દર્શન કરીને શ્રીયશોદાજી ડરી ગયાં. કારણ કે એક વાત સાચી છે કે જ્યારે આપણે કોઈનું માહાત્મ્ય જ્ઞાન માનીએ ત્યારે તે આપણને (આપણાથી ) ઉંચો લાગશે અને આપણે પોતાને નીચા સમજીશું. આ ઉંચા અને નીચા પણાનો ભાવ સ્નેહમાં બાધક બની જાય છે. તે જ પ્રમાણે સ્નેહ ઉત્પન્ન થઈ ગયા પછી પ્રભુના માહાત્મ્યજ્ઞાનને લીધે આપણને પ્રભુથી દૂર હોવાનો અનુભવ થશે.

પરન્તુ જો તમને યાદ હોય તો મેં મારા પ્રવચનના આરંભમાં આ વાત સમજાવી હતી કે નિર્ગુણ ભાવ કેવળ સ્નેહનો ભાવ નથી; નિર્ગુણભાવ કેવળ પ્રભુના માહાત્મ્યનો ભાવ નથી, પરન્તુ પ્રભુના માહાત્મ્યની સાથે-સાથે પ્રભુમાં સ્નેહ કરવાનો ભાવ નિર્ગુણભાવ છે. અને આ નિર્ગુણભાવમાં જ તામસભાવ, રાજસભાવ, સાત્ત્વિકભાવ બધું જ આવી શકે છે. ‘‘ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા, ષડ્‌ભિર્‌ વિરાજતે યોઽસૌ પઞ્ચધા હૃદયે મમ’’ માં આ જ વાત સમજાવી હતી. (જુઓ પરિશિષ્ટ)

પુષ્ટિમાર્ગીય સેવા સર્વભાવથીઃ

ઘણા લોકો એમ સમજે છે કે પુષ્ટિમાર્ગમાં કેવળ બાલભાવની સેવા છે. આ મૂર્ખાઈભરી વાત છે. તેમને પુષ્ટિમાર્ગની સમજ નથી તેથી આવો બકવાદ કરે છે. આપણે ત્યાં ઘણું કરીને ઘણા બધા ઠાકોરજીઓના સ્વામિનીજી (પણ) બિરાજે છે. અહીં કિશનગઢના કિલ્લામાં પણ શ્રીકલ્યાણરાયજી બિરાજે છે તો તેમનાં સ્વામિનીજી પણ બિરાજે છે, સ્વામિનીજી દર્શન આપતાં નથી, પડદામાં બિરાજે છે. એ વાત અલગ છે કે કોઈ સ્વામિનીજી પડદામાં બિરાજતા હોય તો કોઈ સામે બિરાજતા હોય. કામવનમાં શ્રીમદનમોહનજીના બન્ને સ્વામિનીજીઓ પડદામાં બિરાજતા નથી. કાંકરોલીમાં શ્રીદ્વારકાધીશજીના સ્વામિનીજી પડદામાં બિરાજે છે. શ્રીગોકુલનાથજીનાં બે સ્વામિનીજીઓ પડદામાં બિરાજતા નથી, બહાર જ બિરાજે છે. તો સમજવા જેવી આ વાત છે કે આપણે ત્યાંના સેવા પ્રકારમાં શ્રીઠાકોરજીની સંગમાં શ્રીસ્વામિનીજી પણ હોય છે, શ્રીયશોદાજી પણ હોય છે, શ્રીનન્દરાયજી, સખા, દાસ-દાસી પણ આપણે ત્યાં હોય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે ત્યાં સખ્યભાવ, દાસ્યભાવ, માધુર્યભાવ, વાત્સલ્યભાવ, પરમાત્મ- આત્મભાવ આમ બધા ભાવોની સેવા છેઃ

સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ।

સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપિ કદાચન।।

આપણે સર્વભાવોથી પ્રભુસેવા કરીએ છીએ, માત્ર બાલભાવની જ સેવા આપણે ત્યાં હોય છે એવું કાંઈ નથી. એક વાત ધ્યાનથી સમજો કે શ્રીઠાકોરજીને આપણે હિંડોળામાં ઝુલાવીએ તેમાં બાલભાવ ક્યાં છે? જો આપણે ત્યાં કેવળ બાલભાવ જ હોત તો શ્રીઠાકોરજીને પલનામાં જ ઝુલાવવા જોઈતા હતા, હિંડોળામાં શા માટે ઝુલાવીએ? શરત્પૂર્ણિમાના દિવસે આપણે ત્યાં સેવાનો કેટલો મોટો પ્રકાર છે! એમાં બાલભાવ ક્યાં છે? તે દિવસે રાત્રિની સેવાનો જે પ્રકાર છે તે માધુર્યભાવની સેવાનો પ્રકાર છે. અને જન્માષ્ટમીના દિવસે આપણે શ્રીઠાકોરજીને પલનામાં ઝુલાવીએ, શ્રીયશોદાજીના ભાવથી. તો વિચારો, કયો પ્રકાર આપણે ત્યાં નથી? ઠાકોરજી સામે આપણે ગેંદ-છડી-ચૌગાન પણ ધરીએ છીએ, તે સખ્ય ભાવથી. તો કયા ભાવની સેવા આપણે ત્યાં નથી? શ્રીઠાકોરજીને આપણે દણ્ડવત્‌ પ્રણામ પણ કરીએ છીએ તે દાસ્યભાવથી. તો આપણો દાસ્યભાવ પણ છે. અને હોળીના દિવસે ઠાકોરજીની ગારી (ગાળો) પણ આપણે ગાઈએ છીએઃ

હરિ કારોરી હરિ કારોરી,

હરિ દો બાપન બિચવારો રી,

તુમ આવોરી તુમ આવોરી

હરિજુકો ગારી સુનાવો રી.

તો સખ્યભાવ પણ આપણો છે. પણ તે બધાય ભાવ આપણે ઠાકોરજી સાથે કયા ભાવથી નિભાવવાના છે? નિર્ગુણભાવની અંદર.

નિર્ગુણભાવ એટલે કે તે પરમાત્મા છે અને હું તેનો આત્મા છું. હું આત્મા છું, તે મારો પરમાત્મા છે. જેમ એક મકાનમાં કેટલાય ઓરડા હોય, ખાવામાટેનો હોય, સુવામાટે હોય, બેસવામાટેનો રૂમ હોય, રમવામાટે હોય, રસોઈ બનાવવા, નહાવા... અનેક પ્રકારના રૂમ હોઈ શકે છે. એમ આપણો નિર્ગુણભાવ કે હું આત્મા છું, પ્રભુ મારો પરમ આત્મા છે. આ આત્મ-પરમાત્મભાવના અન્તર્ગત પુષ્ટિમાર્ગમાં દાસ્યભાવ પણ છે, સખ્યભાવ પણ છે; એટલે આપણે તેના દાસ પણ છીએ, આપણે તેના સખા પણ છીએ. નન્દ-યશોદાનો વાત્સલ્યભાવ પણ છે અને આપણો તેની સાથે માધુર્યભાવ પણ છે. એવી જ રીતે આપણો તેની સાથે ગુરુભાવ પણ છે. બધાય ભાવ તેની સાથે આપણા છે.

અહીં કોઈના મનમાં શપા થઈ શકે છે કે આટલા બધી ભાવોથી પ્રભુની સેવા કેવી રીતે (સમ્ભવ) થઈ શકે? એક ભાવથી બીજો ભાવ વિરુદ્ધ પણ હોય! એટલે કે જો આપણે દાસ છીએ તો સખા ન થઈ શકીએ. સખા હોઈએ તો દાસ ન થઈ શકીએ. દાસ હોઈએ તો પિતા ન થઈ શકીએ, પિતા બનીએ તો દાસ ન બની શકીએ. તો સમજો કે લોકમાં આ બધા ભાવ વિરોધી હોવા છતાં પણ આત્મ- પરમાત્મભાવમાં આ બધા ભાવો સમ્ભવી શકે છે.

એક સાધુની થાળી ચોરાઈ ગઈ. સાધુએ ફરિયાદ નોંધાવી. ચોરાયેલ વસ્તુઓની ફરિયાદમાં તેણે ડફલી, ખાવાનાં વાસણ અને ઘણી બધી વસ્તુઓ ચોરી થઈ ગયાનું લખાવ્યું. રાજાએ કહ્યું કે શોધો ચોરને. થોડા સમય બાદ ચોર પકડાઈ ગયો. તેને બરાબરનો માર્યો. જમાદારે કહ્યું કે સાધુ બાવાની બધી વસ્તુ કાઢ. ચોરે કહ્યું કે સમ ખાઈને કહું છું કે મેં એક જ વસ્તુ ચોરી છે. જમાદારે કહ્યું કે એક નહીં, સાધુએ ફરિયાદમાં આટલી બધી વસ્તુઓ લખાવી છે એમ કહીને ખુબ માર માર્યો. આમ છતાં ચોરે એક જ વસ્તુ ચોરવાની વાત સ્વીકારી. જ્યારે સાધુને ચોર પાસેથી મેળવેલી થાળી બતાવી તો સાધુએ કહ્યું કે મને તો મારી બધી વસ્તુઓ મળી ગઈ. બધાંને ખૂબ આશ્ચર્ય થયું. સાધુએ કહ્યું કે હું જ્યારે ખાઉં ત્યારે એ થાળી હતી, સૂઈ જાઉં ત્યારે ઓશીકાના કામમાં આવતી, ગાઉં ત્યારે ડફલીનું કામ કરતી. વસ્તુ તો એક જ હતી પણ કામ બધાં કરતી. તેથી મેં ચોરાયેલી વસ્તુમાં આટલી બધી વસ્તુ લખાવી હતી. હવે થાળી મળી ગઈ તો બધી વસ્તુઓ પણ મને મળી ગઈ. આમ આપણા એક પ્રભુ આપણને મળી જાય તો આપણો સ્વામી, મિત્ર, પુત્ર, પિતા, ભાઈ, ગુરુ, બધું મળી જાય અને જો એક પ્રભુ ખોવાઈ જાય તો બધું ખોવાઈ જાય છે. તો જાણી લો કે આ આત્મ-પરમાત્મભાવ એવી વસ્તુ છે કે તેમાં આ બધું સમ્ભવ છે અને જો કેવળ દાસભાવ માનીને ચાલીશું તો તે સખા નહીં બની શકે અને કેવળ સખાભાવ માનીને ચાલીશું તો આપણે દાસ નહીં બની શકીએ. તેવી જ રીતે જો માધુર્યભાવ માનીશું તો બાલક નહીં રહે અને બાલભાવથી ભજીશું તો માધુર્યભાવ કેવી રીતે કરીશું? આ આપણા પુષ્ટિમાર્ગનું મુખ્ય રહસ્ય છે. આ વાત સમજવી જોઈએ કે આપણે પ્રભુને સર્વભાવથી ભજીએ છીએ.

સર્વભાવથી સેવા હોવાને કારણે સર્વભાવમાં વાત્સલ્યભાવ પણ સમાયેલો હોવાથી આપણે ત્યાં પ્રભુ પ્રત્યે જે એ વાત કહી કે પ્રભુને ભૂખ લાગે છે, પ્રભુ આપણા આરોગાવ્યા વગર આરોગતા નથી, પ્રભુ અત્યન્ત પરવશ છે, વગેરે તે બધી ઉચિત જ છે. પણ આ સાથે આપણે નિર્ગુણભાવને ભૂલવો ન જોઈએ કે દાસ હોવાને કારણે આપણામાં સમર્પણનો પણ ભાવ હોવો જોઈએ. સમર્પણના ભાવથી પ્રભુ આરોગે છે. પ્રભુ પોતાની આવશ્યકતા પણ એટલા માટે પ્રકટ કરે છે કે આપણે પ્રભુ પ્રત્યે સમર્પિત છીએ. જો પ્રભુ પ્રત્યે આપણો સમર્પણનો ભાવ નહીં હોય તો આપણી પાસેથી ભગવાનને કંઈ આવશ્યકતા પણ નથી. આપણે પ્રભુને પોઢાડવા ઇચ્છીએ છીએ તેથી પ્રભુને પોઢવાની જરૂર છે. આપણે પ્રભુને શૃનાર ધરાવવા માંગીએ છીએ તેથી પ્રભુને શણગાર કરાવવાની જરૂર છે. તો આ વાત સમજી લો કે આપણા સમર્પણના ભાવથી ભગવાનની આવશ્યકતા ઉભી થશે. પ્રભુને જરૂર છે તેથી આપણે સમર્પણ કરીએ છીએ એવો ભાવ જો આપણામાં આવે તો આવો અહપાર ભક્તિને લાયક રહેશે નહીં. આપણા અહપારને ભક્તિને લાયક બનાવવો હોય તો તેનું કોમળ હોવું જરૂરી છે, તેમાં ક્યારે પણ એવો ભાવ જાગવો ન જોઈએ કે પ્રભુને જરૂર છે તેથી મારે કંઈ સેવા કરવી જોઈએ.

ઃભક્તના ભાવને આધીન ભગવાન્‌

અહીં જરા ધ્યાનથી સમજો કે કોઈ સખાને એવો અહપાર થઈ શકે છે કે મારો સખા મુસીબતમાં છે, હું તેને સહાય ન કરું તો કોણ કરશે? માંને એવો અહપાર થઈ શકે છે કે મારો બાલક ભૂખ્યો છે, જો હું તેને દૂધ નહીં પીવડાવું તો કોણ પીવડાવશે? સખા અને માંના અહપારના કારણે તેમનો તેવો ભાવ ઠીક પણ હોઈ શકે છે, તેમાં કાંઈ ખરાબી નથી. પણ આપણે ત્યાં કેવળ બાલભાવની સેવા નથી, આપણે ત્યાં બાલભાવની પણ સેવા છે. બસ, આ વાતાનો ફરક સમજો. આપણે ત્યાં કેવળ કિશોરભાવની સેવા નથી. નિમ્બાર્ક અથવા ચૈતન્ય સમ્પ્રદાયમાં તેવું છે. આપણે ત્યાં કિશોરભાવની પણ સેવા છે. આપણે ત્યાં ફક્ત સ્વામિભાવની સેવા નથી, કારણ કે ફક્ત સ્વામી માનીએ તો તેને હોરીના દિવસોમાં ગારી કેવી રીતે દેવાય? પણ આપણે ગારી ગાઈ શકીએ છીએ અને આપણી ગાયેલી ગારી પ્રભુ સહન પણ કરી લે છે. સેવક-સ્વામિ ભાવથી તે ગારી પ્રભુ સહન કરતા નથી, સખ્યભાવથી સહન કરે છે. પ્રભુ પણ વિચારતા હશે કે ભાઈ, હોરીમાં ગારી નહીં દે તો ક્યારે દેશે!

અમે એક વખત બનારસ ગયા, ત્યાં અમે આ પ્રકટ લીલા જોઈ હતી. સાંકડી ગલીમાં એક માણસ અહીંથી આવતો હોય, બીજો ત્યાંથી આવતો હોય. બન્ને ગંદી-ગંદી ગાળો બોલતા આવતા હોય. આપણને લાગે કે જ્યારે એકબીજાની પાસે આવશે ત્યારે છૂરી-ચાકુથી મારા-મારીપર આવી જશે, મહાભારત શરૂ થઈ જશે : ‘‘પાંચજન્યં હૃષિકેશો દેવદત્તં ધનઞ્જય!’’ પણ પાસે આવતાં જ બન્ને એકબીજાને ગળે વળગી પડે(ભેટે). ત્યાંની ગાળનું કલ્ચર જ એવું છે. તો સમજો કે આ વાત ક્યારે સમ્ભવિત બને? અતિ સખ્યભાવમાં. આજના લોકો આને સમજતા નથી તેથી લગ્નપ્રસને પણ પિક્ચરના ગીતો વગાડતા હોય છે. બાકી લગ્નપ્રસને આપણે ત્યાં ફટાણા-ગાળનાં ગીતો જ ગવાતા હતા. તેની પાછળ એકબીજાને નીચા બતાવવાનો ભાવ ન હતો. મૂળ ભાવ એ હતો કે બન્ને વેવાઈ-વેવાણ એકબીજાને સખ્યભાવથી જોતા હતા. આજે તો બીજા કરતા પોતાને ઉંચા સાબિત કરવા, હરિફાઈના ભાવથી, દહેજ મેળવવા, લૂંટી લેવાના ભાવથી એકબીજાને જોઈને ફટાણા ગાતાં હાય છે તેથી ખોટું પણ લાગી જતું હોય છે. બાકી પહેલાના જમાનામાં ગાળો ગાવી એ આપણા સખ્યભાવની અભિવ્યક્તિ હતી.

નિર્ગુણ ભાવમાં અનેક ભાવોનું સંચરણઃ

સેવક-સ્વામિ ભાવથી ગાળા-ગાળી ન થઈ શકે, પણ આપણે પ્રભુ સાથે ગાળા-ગાળી કરી શકીએ છીએ. આ આપણા નિર્ગુણભાવમાં આવતું એક ઋતુપરિવર્તન જેવું છે. જેમ એક વરસમાં ઠંડી, ગરમી, વરસાદ, વસંત, શિશિર વગેરે બધી ઋતુઓનો અનુભવ થતો હોય છે તેમ આપણા પ્રભુ સાથે આપણા બધા ભાવો ઋતુચક્રની માફક નિરંતર ચાલતા રહે છે. આ આપણી ભક્તિનો પ્રકાર છે. બસ એક ગરમી જ પડ્યા કરે, અથવા કેવળ ઠંડી (ટાઢ) જ પડ્યા કરે કે વરસાદ યા વસંત જ ચાલ્યા કરે એવો પ્રભુ સાથે આપણો સમ્બન્ધ નથી. એક પ્રસિદ્ધ શ્લોકમાં કહ્યું છે ‘‘ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવદેવ’’ આ પ્રકારનો ભાવ આપણે ત્યાં છે. આ શ્લોકમાં તો થોડા જ ભાવ ગણાવ્યા છે, આપણે ત્યાં તેનાથી પણ વધુ ભાવો સ્વીકારવામાં આવ્યા છે. તો આ બધી વાતોનો જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે આપણને એ વાત સમજાશે કે સમર્પણના ભાવને લીધે પ્રભુ આપણા સમર્પણનો સ્વીકાર કરી રહ્યા છે. પ્રભુને આવશ્યકતા છે તેથી આપણે પ્રભુને સમર્પણ કરીએ છીએ એવો ભાવ મનમાં આવવો ન જોઈએ. એમ થાય તો આપણો અહપાર ભક્તિને લાયક નહીં રહી જાય.

સ્નેહ અને માહાત્મ્ય નું સન્તુલનઃ

આ બધી વાતો જ્યારે આપણે સમજીશું ત્યારે પ્રભુનું માહાત્મ્યજ્ઞાન આપણી અંદર વધશે. માહાત્મ્ય વધે તો પાછું તેનું બેલેન્સ (સન્તુલન) પણ રાખવું પડશે. આ વાત બિલકુલ એટલીજ નાજુક છે જેમ રોટલી યા પાપડ સેકવાની બાબત. રોટલી યા પાપડ ને ચૂલ ઉપર મૂકી દઈએ તો બળી જાય, ન મૂકીએ તો કાચાં રહી જાય. તેને ખાવા લાયક સેકવા હોય તો વારંવાર ઉંધા-સમા પલટાવવા પડે. તે જ પ્રમાણે આપણે આપણા સર્વભાવોને પ્રભુ સાથે ઉલટા-પલટી કરીને વારંવાર જોડવા પડશે. આમ કરવાથી જ આપણો નિર્ગુણ ભાવ પ્રભુમાં દૃઢ થઈ શકશે. આ વાત દૃઢતાથી સમજાશે તો આપણને એ વાત પણ સમજાશે કે શ્રીયશોદાજીને પ્રભુએ પોતાનાં મુખારવિન્દમાં બ્રહ્માણ્ડ દેખાડ્યું ત્યારે શ્રીયશોદાજી ગભરાઈ ગયાં કે અરે ! આ છોકરામાં તો કાંઈક ગરબડ છે! શ્રીયશોદાજી ગભરાઈ કેમ ગયાં? કારણ કે તેમને પ્રભુ પ્રત્યે વાત્સલ્યભાવ હતો. આપણે પ્રભુના માહાત્મ્યથી ગભરાવું નહીં? કારણ કે આપણો પ્રભુમાં કેવલ માત્ર વાત્સલ્ય ભાવ નથી; વાત્સલ્ય ભાવ પણ છે. તેથી આપણે પ્રભુના માહાત્મ્યનો પણ સ્વીકાર કરી લઈશું અને પ્રભુને બે ગાળો પણ સંભળાવશું. અને સાથે પ્રભુને સાષ્ટાંગ દણ્ડવત્‌ પ્રણામ પણ કરીશું. એટલા માટે જ હોરીમાં આપણે ત્યાં બહુ સુન્દર ક્રમ છે. જ્યારે પ્રભુને ‘ગારી’ સંભળાવીએ છીએ ત્યારે ઠાકોરજીનાં ચરણો ઢાંકી દેવામાં આવે છે. ગાળો મુખારવિન્દ જોઈને ગાઓ. ખેલાવો મુખારવિન્દનું દર્શન કરતાં કરતાં. અને જ્યારે ખેલ ખેલાવી રહીએ (ખેલાવ્યા પછી) પછી પાછા ઠાકોરજીનાં ચરણો ખોલી નાંખો, ચરણ દેખાય ત્યાર પછી દણ્ડવત્‌ પ્રણામ કરો. આ પેલા સાધુબાવાની થાળી જેવી વાત છે તે ધ્યાનથી સમજો. આપણે પુષ્ટિજીવ જો ખોવાઈ જઈએ તો ઠાકોરજી પણ સાધુબાવાની માફક ફરિયાદ કરશે કે મારો દાસ ખોવાઈ ગયો, મારા પિતા, મારા સખા, મારા પ્રિય, મારા પુત્ર ખોવાઈ ગયા. આમ જ જો આપણાથી ઠાકોરજી ખોવાઈ ગયા તો આપણે પણ આ ફરિયાદ કરવાની કે અમારું સર્વસ્વ ખોવાઈ ગયું. અને જો તે એક મળી જાય તો આપણે એમ માનવું કે આપણું સર્વસ્વ મળી ગયું. પુષ્ટિજીવ જો પ્રભુને મળી જાય તો પ્રભુ પણ એમ જ માને છે કે તેમને સર્વસ્વ મળી ગયું. કેમકે શ્રીમહાપ્રભુજીએ આપણને આ પ્રકારે ભક્તિ કરવાનું બતાવ્યું છે. એકલા આપણે પ્રભુને મળીએ તો પ્રભુને પણ સન્તોષ થઈ જાય કે ભાઈ, હા, મને સર્વ કાંઈ મળી ગયું. બાકી લીલામાં તો જે મળ્યા હતા તે જ મળ્યા હતા; એકના મળવાથી સર્વ કાંઈ કોઈને ન મળે. યશોદાજી મળ્યા તો પ્રભુને મા જ મળ્યાં, સખા નહીં. સખા મળ્યા તો સખા જ મળ્યા, મા થોડી મળી! સખામાટે ભાગવતજીમાં કહ્યું કે ‘‘ઉવાહ ભગવાન્‌ કૃષ્ણઃ શ્રીદામાનં પરાજિતઃ’’ ભગવાન્‌ અને શ્રીદામા રમતા હતા તેમાં ભગવાન્‌ હારી ગયા. શરત એવી હતી કે જે હારે તેના ઉપર જીતનારો સવારી કરે. ભગવાન્‌ હારી ગયા તો ભગવાને કહ્યું ‘‘ચાલ ભાઈ! હવે મારા ઉપર સવારી કર’’. શ્રીદામા ભગવાન્‌ પર સવાર થઈ ગયા. આ વાત એટલા માટે શક્ય બની કે શ્રીદામા કેવળ સખા જ હતા. આપણા માટે આ વાત શક્ય નથી. આપણે ઠાકોરજીના સખા પણ છીએ અને સેવક પણ છીએ. પ્રભુ સાથે આપણે અનેક રીતે સમ્બન્ધ છે ‘‘તેરે મેરે નાતે અનેક’’.

રૂઢ-ભાવમાં બીજા ભાવો વિક્ષેપજનકઃ

આ વાત આપણે જીણવટથી સમજવાની છે કે લીલામાં માહાત્મ્યજ્ઞાન રૂઢ વાત્સલ્યભાવને કારણે યશોદાજીને ગભરાવી રહ્યો છે. લીલામાં માહાત્મ્યજ્ઞાન રૂઢ સખ્યભાવને કારણે અજુર્નને ગભરાવે છે. ગીતામાં વર્ણન આવે છે કે વિરાટસ્વરૂપનાં દર્શન થતાંજ અજુર્ન વિનવવા લાગ્યો, ગળગળો થઈ ગયો, માફી માંગી કે ભાઈ, મને શી ખબર હતી કે તું આટલો વિરાટ હોઈશ! હું તો અત્યાર સુધી તને મારો દોસ્ત સમજી રહ્યો હતો. મારો સગો-સમ્બન્ધી સમજી રહ્યો હતો. ભાઈ! જેટલી પણ ભૂલ થઈ હોય, જેટલીવાર દોસ્તીમાં તને હાથ-પગ વાગી ગયા હોય તે બધાની આજે તારી પાસે ક્ષમા યાચું છું. એક વાત સમજો, આપણે ઠાકોરજીને હોરીમાં ગારી દઈએ છીએ, પણ તે માટે ક્ષમા યાચતા નથી. દણ્ડવત્‌ પ્રણામ અવશ્ય કરીએ છીએ, પણ તે દણ્ડવત્‌ પ્રણામ માફી માટે નથી કરતા, દાસભાવથી દણ્ડવત્‌ પ્રણામ કરીએ છીએ. પણ જેમ અજુર્ને કહ્યું કે તમારી સામે સખ્યભાવથી મેં કાંઈ ખોટા શબ્દનો પ્રયોગ કર્યો હોય તો પ્રભુ મને માફ કરી દેજો. આ પ્રમાણે માફી આપણે પ્રભુ પાસે માંગતા નથી. દાસભાવથી દણ્ડવત્‌ પ્રણામ કરીએ છીએ અને સખ્યભાવથી ગારી પણ દઈએ છીએ. વાર્તામાં લખ્યું છે કે ‘‘ચલેગો કે મૂંડ કટવાવેગો!’’ ‘‘ભાવત તોહે ટોંડકો ઘનો, યહ રાંડ કૌન ઢેઢનીકો જન્યો’’ તો આપણે તો પ્રભુ સાથે સખ્યભાવે આવી ભૂંડી વાતો પણ કરી શકીએ છીએ અને પછી તેમની માફી પણ માંગતા નથી. જેમ ગોવિન્દસ્વામીએ પ્રભુને કાંકરી મારી તો શ્રીગુસાંઈજી નારાજ થઈ ગયા. કહ્યું કે ‘‘આ શું ઉધામા કરો છો?’’ ગોવિન્દસ્વામીએ શ્રીગુસાંઈજીને ચોખું સંભળાવી દીધું કે ‘‘તમારા દીકરાને કશું કહેતા નથી અને મને લડી રહ્યા છો!’’. તો એક વાત ધ્યાનથી સમજો કે શ્રીગુસાંઈજીએ એમને કાંકરી મારતાં ટોક્યા ખરા, પણ માફી માંગવા ન કહ્યું. ગોવિન્દસ્વામીનું પદ વાંચો તો સમજાઈ જશે કે તેઓ પ્રભુને દણ્ડવત્‌ પ્રણામ પણ કરી રહ્યા છે અને કાંકરી પણ મારી રહ્યા છે. તો આ બધા ભાવો એક પ્રભુ સાથે અનેક સમ્બન્ધોને નભાવવાના છે. આ શ્રીમહાપ્રભુજીએ પુષ્ટિભક્તિમાં સમજાવ્યું છે. ભાવનાનો આવો પ્રકાર અન્ય સમ્પ્રદાયોમાં કોઈ પણ રીતે વર્ણવાયો નથી જે રીતે આપણે ત્યાં પદ્ધતિપૂર્વકની સેવામાં બધો જ પ્રકાર ગૂંથવામાં આવ્યો છે. બીજે તો ભક્તિનો એક-એક ભાવ છે. જેઓ કિશોરભાવે ભજે છે તેઓ બાલભાવથી નથી ભજતા. પણ આપણે ત્યાં આવું નથી. આપણે ત્યાં તો સર્વભાવ જ મુખ્ય છે. હવે કોઈ બળજબરીથી આપણા પણ એવો આરોપ લગાવે કે તમારે ત્યાં બાલભાવની સેવા છે તો આપણે શું કરી શકીએ!

જે વખતે પ્રભુએ પોતાનું માહાત્મ્ય બતાવ્યું ત્યારે શ્રીયશોદાજી ગભરાઈ ગયા. માહાત્મ્ય જોતાં શ્રીયશોદાજી ડરવા લાગ્યા ત્યારે ભગવાનને પોતાની માયા વિસ્તારવી પડી. ભાગવતમાં આવે છેઃ

ઈત્થં વિદિતતત્ત્વાયાં ગોપિકાયાં સ ઈશ્વરઃ।

વૈષ્ણવીં વ્યતનોન્‌ માયાં પુત્રસ્નેહમયીં વિભુઃ।।

સદ્યો નષ્ટસ્મૃતિર્‌ ગોપી સાઽઽરોપ્યારોહમાત્મજમ્‌।

(ભાગ.પુરા.૧૦।૮।૪૩,૪૪) આ રીતે ભગવાને પોતાની વૈષ્ણવી માયા ફેલાવીને ફરીથી શ્રીયશોદાજીમાં માતૃભાવ ઉભરાવવો પડ્યો.

શ્રીયશોદાજીના જેવો અનુભવ જો આપણને ક્યારેક થઈ જાય તો આપણે ડરીશું નહીં, કારણ કે પુષ્ટિભક્તિસમ્પ્રદાયમાં સર્વભાવથી સેવા કરવાનું કહીને આપણે ત્યાં શ્રીમહાપ્રભુજીએ એવા ભયનો અવકાશ જ રહેવા દીધો નથી. તેથી આપણે પ્રભુનું માહાત્મ્ય સ્વીકારી લઈશું. માહાત્મ્ય સ્વીકારીને આપણે આપણા પ્રભુ પ્રત્યે સખ્ય, સ્નેહ, વગેરે ભાવોને પણ ખણ્ડિત નહીં થવા દઈએ. આમ સેવામાં તે પ્રકારની લીલાની અનુરૂપતા છે.

ભાવની સિદ્ધિ મોટાઓની કૃપાથી થાય છેઃ

ત્યાર પછી નન્દ-યશોદાજીને શ્રીકૃષ્ણમાં આટલો દૃઢ ભાવ કેવી રીતે સિદ્ધ થયો તેનું કારણ ગ્રન્થકાર બતાવે છે કે શ્રીનન્દરાયજીને પૂર્વ જન્મમાં વરદાન પ્રાપ્ત થયું હતું કે તેમને ત્યાં શ્રીઠાકોરજી પ્રકટ થશે. તેને કારણે તેઓને પ્રભુમાં આટલો દૃઢ ભાવ થયો હતો. ગ્રન્થકાર લખે છેઃ‘‘મહાપુરુષ કૃપૈવ કારણં ઇતિ સિદ્ધાન્તિતમ્‌’’. આપણે પણ તેથી એ વાત ભૂલવી ન જોઈએ કે પ્રભુની સાથે આપણો આ પ્રકારનો વિલક્ષણ સમ્બન્ધ શ્રીમહાપ્રભુજી અને શ્રીગુસાંઈજીની કૃપાથી સિદ્ધ થયો છે. આ તેમની કૃપાને કારણે જ થઈ શક્યું છે. અન્યથા એક સાથે આટલા બધા ભાવ એક ઠાકોરજીમાં કેવી રીતે સિદ્ધ થઈ શકે?

દધિમન્થનની લીલાની સેવા સાથે અનુરૂપતાઃ

આગળ લીલાના ક્રમમાં વર્ણન આવે છે કે શ્રીયશોદાજી દધિ વલોવતી વખતે ભગવાનના ગુણો નિરન્તર ગાતાં રહે છે. આના અનુરૂપ આપણે ત્યાં સેવામાં શું છે તે શ્રીલાલૂભટ્‌ટજી બતાવી રહ્યા છે કે જ્યારે આપણે ત્યાં સેવાનો અનવસર છે, જ્યારે આપણે સેવા નથી કરી રહ્યા, ધંધો, નોકરી કે ઘરનું કામ કરી રહ્યા છીએ ત્યારે આપણે પણ આપણા પ્રભુને ભૂલવા ન જોઈએ. જે રીતે આપણે પ્રભુને યાદ કરી શકીએ તે રીતનું પ્રભુનું સ્મરણ ચાલુ રાખવું જોઈએ. અષ્ટાક્ષર બોલીને યાદ કરી શકીએ તો અષ્ટાક્ષર બોલીને; કીર્તન ગાઈને યાદ કરી શકીએ તો કીર્તન ગાઈને, લીલાસ્મરણ કરીને યાદ કરી શકીએ તો લીલાસ્મરણ કરીને પરન્તુ પ્રભુને ક્યારે પણ ભૂલવા ન જોઈએ. આ વાત આપણે શ્રીયશોદાજી પાસેથી સમજવી જોઈએ કે તેઓ જ્યારે સેવા કરી રહ્યા ન હતા, દહીં વલોવતા હતા, ત્યારે પણ ભગવાનને યાદ કરીને ભગવાનના ગુણો ગાતા રહેતા હતા.

ત્યાર પછી ભાગવતજીમાં વર્ણન આવે છે કે એક દિવસ ભગવાને પોતાના ઘરના દહીં-છાશનાં વાસણો તોડીને દહીં-માખણ વગેરે બધું વાંદરાઓને ખવડાવી દીધું. આ લીલાની અનુરૂપતા આપણી સેવામાં કેવી રીતે સમજવી? શ્રીલાલૂભટ્‌ટજી બહુ સુન્દર વાત લખી રહ્યા છે કે ઘરમાં આપણે જે ધનસમ્પત્તિને ભગવાનની ભક્તિના આવેશમાં એકઠી કરી છે તેને તો પ્રભુ તોડી-ફોડીને વાંદરાઓને નહીં ખવડાવે, પરન્તુ જે ધનસમ્પત્તિનો સંગ્રહ આપણે ભક્તિના આવેશમાં નથી કર્યો તેને પ્રભુ જો તમારા પર પ્રસન્ન હશે તો વાંદરાઓને ખવડાવી દેશે. આ ખૂબ મધુર વાત છે, ધ્યાનથી સમજો કે જો આપણી કોઈ વસ્તુ વાંદરો ખાઈ જાય, બગાડી જાય, તોડી નાખે એટલે કે આપણું કાંઈ નુકશાન થાય તો સેવા કરવાવાળાએ પ્રભુની ઉપરોક્ત લીલાનું સ્મરણ કરીને એવો ભાવ વિચારવો જોઈએ કે તે વસ્તુ ઠાકોરજીની સેવામાં ઉપયોગી નહીં હોય તેથી વાંદરો ખાઈ ગયો. જો પ્રભુને રુચિકર હોત તો પ્રભુ જ આરોગત, વાંદરો કેમ ખાત? તમને પ્રશ્ન થશે કે અહીં ‘વાનર’નો અર્થ શું સમજવો? તો સમજી લો કે અહીં પૂંછડીવાળો વાનર જ સમજવું જરૂરી નથી, વાનર પૂંછડી વગરનો પણ હોઈ શકે છે ‘‘વાનરો વા નરો વા’’ વાનર હોય કે નર હોય વાત તો એક જ છે. વિકલ્પથી નર હોય તે વા નર છે. તો વાનરો જ્યારે આપણને કંઈ નુકશાન પહોંચાડે ત્યારે આપણું મન આ વાતને લીધે સ્વસ્થ રહેવું જોઈએ કે ચોક્કસ એ વસ્તુ પ્રભુની સેવામાં ઉપયોગી નહીં હોય તેથી તેને વાંદરો ખાઈ ગયો. આવા ભાવને વિચારીને આપણે ચિત્તને ઉદ્વેગવાળું થવા ન દેવું જોઈએ એ સિદ્ધાન્ત તેમાંથી સ્થાપિત થયો. એક વાત તમે ધ્યાનથી સમજો કે વાંદરાને ખવડાવવાની લીલા પ્રભુ ત્યારે કરશે કે જ્યારે પ્રભુ તમને પોતાના માનતા હશે. પોતીકાપણા બાબત એક વાત યાદ આવે છે. મને એક માણસે મુમ્બઈમાં પ્રવચન વખતે એક પ્રશ્ન કર્યો કે પહેલાં તો જરા સરખો પણ અન્યાશ્રય કરવાથી પ્રભુ નારાજ થઈ જતા હતા, ક્યારેક અપ્રસન્ન થઈને ભોગની થાળીને લાત મારી દેતા એવું વાર્તામાં આવે છે અને આજકાલ તો ગોસ્વામી બાળકો પણ અન્યાશ્રય કરવા લાગ્યા છે તોય ઠાકોરજી નારાજ કેમ નથી થતા?

મેં એને કહ્યું કે ભાઈ! અન્યાશ્રય કરવાના કારણે પ્રભુ નારાજ કોના પર થાય તે જરા ધ્યાનથી વિચાર. એક સ્ત્રી એક પુરુષને પોતાનો પતિ માનતી હોય અને તેનો પતિ જો બીજી કોઈ સ્ત્રી પાસે જતો હોય તો પત્નીને નારાજગી થાય અથવા એક પુરુષ એક સ્ત્રીને પોતાની પત્ની માનતો હોય અને તેની પત્ની કોઈ બીજા પુરુષ પ્રત્યે આકર્ષિત થતી હોય તો પતિને નારાજગી થાય. પણ માનો કે ગમે તે કોઈ એક સ્ત્રી ગમે તે કોઈ એક પુરુષ પ્રત્યે આકર્ષિત થતી હોય તો તેમાં પતિનું શું ગયું? તો વાત એ સમજવાની છે કે નારાજગી ત્યારે થાય કે જ્યારે આપણે કોઈને આપણા માનતા હોઈએ. તેમ વાંદરાને પણ પ્રભુ ક્યારે ખવડાવે કે જ્યારે પ્રભુ તેમને પોતાના માનતા હોય. તો પ્રભુ જ્યારે વાંદરાને ખવડાવી રહ્યા છે ત્યારે માનવું જોઈએ કે પ્રભુએ આપણને પોતાના માન્યા છે, વાંદરાને ખવડાવતા નથી એટલે સ્પષ્ટ વાત છેઃપ્રભુ તમને કહી રહ્યા છે કે તારે જે મજા લેવી હોય તે લે, તેમાં મારું શું જાય? ગુજરાતમાં છોકરાઓ આંધડો-પાડો રમત રમે છે. તેમાં પણ્ડિતો મન્ત્ર બોલે તેમ છોકરાઓ પણ બોલતા હોય છે કે ‘‘ડાહીનો ઘોડો રમતો-જમતો છુટ્‌ટો’’. તો વાત સમજી લો કે પ્રભુ પણ જેને પોતાનો નથી માનતા તેને રમતો જમતો છુટ્‌ટો કરી દે છે.

વાંદરાની વાત નીકળી છે તો હું મારી પોતાની વાત તમને સંભળાવું છું. મને એક વાંદરાની યાદ બહુ આવતી હતી, ઘણી વખત તો સેવામાં પણ (તેની) યાદ આવી જતી. હું બહુ દુઃખી થઈ ગયો. મેં એક દિવસ રમકડાનાં બે વાંદરા લાવીને ઠાકોરજીના ખંડમાં સજાવી દીધા. હજી પણ રાખું છું ઠાકોરજીની સામે. હવે જ્યારે યાદ આવી જ રહી છે તો શું કરવું? ઠાકોરજીની સામે મુકી દેવાના કારણે હવે ચિત્તમાં તેને કારણે વિક્ષેપ થતો નથી. તેની સાથે ઠાકોરજીનાં દર્શન કરવાથી આનન્દ જ આવે છે.

એક દિવસે કોઈ વૈષ્ણવે મને બહુ મજાની વાત કહી. તે રોજ ભગવાનને પ્રાર્થના કરતો કે ‘‘ભગવાન્‌! મને કષ્ટ આપતો રહેજે કે જેથી હું તને ભૂલું નહીં’’ આ બાબતમાં કુન્તાનો પ્રસિદ્ધ શ્લોક છેઃ ‘‘વિપદઃ સન્તુ નઃ શશ્વત્‌ તત્ર તત્ર જગદ્‌ગુરો, ભવતો દર્શનં યત્સ્યાદ્‌ અપુનર્ભવ દર્શનમ્‌’’ (ભાગ.પુરા.૧।૮।૨૫). પ્રભુએ તેની પ્રાર્થના લાંબા સમય સુધી સાંભળી નહીં. સાંભળી નહીં તેથી તે તો રોજ- રોજ પ્રભુને પ્રાર્થના કરતો રહ્યો. એક દિવસ જેવો તે પ્રાર્થના કરીને બહાર નીકળ્યો ત્યાં જ તેને સમાચાર મળ્યા કે તેનો ૨૦ વર્ષનો દીકરો અકસ્માતમાં મરી ગયો. તેણે આવીને મને એમ કહ્યું કે ‘‘તે દિવસથી પ્રભુમાંથી મારી શ્રદ્ધા જતી રહી’’. મેં તેને કહ્યું કે ‘‘તું જ તો આટલા વરસોથી ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મને કષ્ટ આપો. અને જ્યારે પ્રભુએ તારી પ્રાર્થના સાંભળી ત્યારે તું કહે છે કે શ્રદ્ધા ઉઠી ગઈ !’’ તો તે કહેવા લાગ્યો કે ‘‘મને શી ખબર કે આવું કષ્ટ આપશે!’’. મેં તેને કહ્યું કે તેં એવી પ્રાર્થના કેમ ન કરી કે ‘‘પ્રભુ તમારા ચરણમાં મારું ચિત્ત રાખો’’. જે પ્રાર્થનાના ફળને તમે સ્વીકારવા તૈયાર ન હો એવી પ્રાર્થના તમારે શા માટે કરવી જોઈએ!

તો વાત ધ્યાનથી સમજો કે પુષ્ટિભક્તિમાર્ગીઓએ પ્રભુ આપણી વસ્તુ વાંદરાને ખવડાવીદે તો પણ પ્રભુમાં આસ્થા ગુમાવવી ન જોઈએ. વાર્તામાં એક સુન્દર પ્રસન આવે છે કે કોઈ વૈષ્ણવ પર શ્રીગુસાંઈજી ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું કે કંઈક માંગ. વૈષ્ણવે શ્રીગુસાંઈજી પાસે માંગ્યું કે ‘‘મને આપ એવું વરદાન આપો કે હું ક્યારે પણ આપનાથી નારાજ ન થાઉં’’. આ સાંભળીને બધા હસવા લાગ્યા. લોકો ચર્ચા કરવા લાગ્યા કે વરદાન એવું માંગવું જોઈતું હતું કે શ્રીગુસાંઈજી મારા પર નારાજ ન થાય. ત્યારે શ્રીગુસાંઈજીએ કહ્યું કે તમે બધા તેની વાત સમજ્યા નથી. કારણ કે કોઈવાર હું તેના પર નારાજ થાઉં અને ધારો કે તેને ખોટું લાગી જાય તો અનર્થ થઈ જાય. તેથી તેણે ખૂબ સાવધાનીથી વરદાન માંગ્યું કે તે ક્યારે પણ મારા પર નારાજ ન થાય. અર્થાત્‌ તમે મારા પર નારાજ થાઓ કે પ્રસન્ન રહો, પણ હું આપથી ક્યારે પણ નારાજ ન થાઉં. મારી ભક્તિ ક્યારેય ખણ્ડિત ન થાય.

રામાનુજમતના યામુનેયાચાર્યએ એક ખૂબ સરસ વાત કહી છે ‘‘નિરાશઃ કસ્યાપિ ન તાવદ્‌ ઉત્સહે મહેશ આતું તવ પાદપંકજમ્‌, તૃષાનિરસ્તોઽપિ શિશુસ્તનન્ધયો ન જાતુ માતુશ્ચરણૌ જિહાસતિ’’. તેઓ કહે છે કે તું મને એવું કહે છે કે ‘‘ચાલ્યો જા, મારી સામેથી’’ છતાં પણ હે મહેશ! તમારા ચરણ છોડવા મારું મન તૈયાર નથી. આવું કેમ? તો કહે છે કે બાલક માને તંગ કરતું હોય અને મા બાલકને મારે, તેને દૂર જવા કહે તો પણ દૂધ પીતું બાલક માને કદી છોડતું નથી. તે જ પ્રમાણે તું ભલે મારા પર નારાજ થઈ જાય, થપ્પડ મારે તો પણ હું તારો પીછો છોડીશ નહીં. આવો પ્રભુ પ્રત્યે આપણો જે ભાવ છે તે આપણા અહપારને, આપણી મમતાને પ્રભુ પ્રત્યે ભક્તિભાવોચિત કોમલ બનાવી રાખવાનો ભાવ છે. આવો ભાવ આપણામાં સદાય રહેવો જોઈએ.

દામોદરલીલાઃ

શ્રીલાલૂભટ્‌ટજી કહે છે કે આવો ભાવ જ્યારે જળવાશે ત્યારે દામોદરલીલાનો પ્રસન આવશે. જ્યારે શ્રીયશોદાજીએ જોયું કે પ્રભુ તેમની કોઈ વાત માનતા જ નથી, ધમાલ જ કર્યા કરે છે ત્યારે તેમણે પ્રભુને દોરડાથી બાંધવા વિચાર્યું. દોરડું શોધીને લાવ્યાં અને પ્રભુને બાંધવા લાગ્યાં. પણ પ્રભુ બંધાયા નહીં. દોરડું બે આંગળ જેટલું નાનું પડ્યું. બીજું મોટું દોરડું લાવ્યા. ફરીથી બાંધવાનો પ્રયત્ન કર્યો. તે દોરડું પણ બે આંગળ જેટલું ટૂંકું પડ્યું. એમ કરતાં-કરતાં ઘરમાં જેટલાં દોરડાં હતાં તે બધાને ગાંઠીને તેનાથી પ્રભુને બાંધવા ગયા તો પણ દોરડું બે આંગળ જેટલું નાનું જ પડ્યું. હવે તો યશોદાજી થાકી ગયા, દુઃખી થઈ ગયા. પ્રભુએ જ્યારે જોયું કે માતા શ્રમિત થઈ ગયાં છે ત્યારે કૃપા કરીને દોરડાથી બંધાઈ ગયા.

આ લીલાની સેવામાં અનુરૂપતા કેવી રીતે છે? શ્રીલાલૂભટ્‌ટજી સમજાવી રહ્યા છે કે જેમ યશોદાજીએ અનેક ઉપાયો કરવા છતાં પણ પ્રભુ તેમને વશ થયા નહીં અને કૃપાથી વશ થયા તેમ સેવા કરનાર પણ એવું વિચારે કે હું જેટલા વૈભવથી પ્રભુની સેવા કરીશ તેટલા જલદી અને વધારે પ્રભુ મારા પર પ્રસન્ન થશે, તો એવું થવું સમ્ભવ નથી. પ્રભુ તો ફક્ત ભક્તિથી જ વશ થાય છે, સાધનના અભિમાનથી નહીં.

યમલાજુર્નનો ઉદ્ધારઃ

પ્રભુ જ્યારે શ્રીયશોદાજીદ્વારા ખાંડણિયે બંધાઈ ગયા ત્યારે નિશ્ચિન્ત બનીને શ્રીયશોદાજી ઘરનાં કામોમાં પરોવાઈ ગયાં. પ્રભુએ આસ-પાસ જોયું કે હવે અહીં કોઈ નથી તેવા જ પોતે આંગણામાં અજુર્નનાં બે ઝાડ હતાં તેની વચ્ચે ખાંડણિયો ઘસડતાં-ઘસડતાં પધાર્યા. આ બે વૃક્ષ પૂર્વજન્મમાં યક્ષરાજ કુબેરના બે પુત્રો નલકૂબર અને મણિગ્રીવ હતા. એમને પોતાનાં સૌન્દર્ય અને ધનસમ્પત્તિ નો બહુજ અહપાર હતો. અહપારને લીધે તેમનાથી ભગવાનના ભક્ત નારદજીનો અપરાધ થઈ ગયો. નારદજીએ તેમના અહપારને દૂર કરવાના આશયથી વૃક્ષ થઈ જવાનો શાપ આપેલો હતો. સાથે-સાથે એમ પણ કહ્યું હતું કે સો દિવ્યવર્ષો પછી તેમને પ્રભુનાં દર્શન થશે ત્યારે તેમને વૃક્ષના દેહમાંથી મુક્તિ મળશે અને પોતાના લોકમાં જઈને તેઓ પ્રભુભક્તિ કરશે. પ્રભુને ભક્તો પ્રિય છે. પોતાના ભક્ત નારદજીનાં વચનોને સત્ય કરવામાટે પ્રભુ તે બે વૃક્ષોની વચમાં પધાર્યા. વૃક્ષોની વચ્ચે પધારતાંની સાથે જ આપની સાથે બાંધેલો ખાંડણિયો વૃક્ષોની વચ્ચે ફસાઈ ગયો. પ્રભુએ જેવો તેને ખેંચ્યો કે તરત જ બન્ને વિશાલ વૃક્ષો મૂળ સહિત ઉખડીને પડી ગયાં અને તેમાંથી નલકૂબર અને મણિગ્રીવ નીકળ્યા. બન્નેએ પ્રભુની સ્તુતિ કરી અને મુક્ત થઈને પોતાના લોકમાં ગયા.

પ્રભુની આ લીલા પરથી સેવા કરનારે ભક્તિસાધનામાં ભગવદીયના સંગની મહત્તા સમજવી જોઈએ. જીવમાં અનેક દોષ હોય પણ આપણા દોષ આપણને દેખાતા નથી. ભગવદીયજનો આપણા દોષ બતાવી તેના નિવારણનો ઉપાય બતાવે છે.

પ્રભુની ભક્તવશ્યતાઃ

સેવા કરનાર જ્યારે અહપાર વગેરે દોષોથી મુક્ત થઈ જાય છે ત્યારે તે પ્રભુના ભક્તપરવશ સ્વરૂપનું ધ્યાન કરવા યોગ્ય બને છે. પ્રભુની ભક્તવશ્યતાનું વર્ણન કરતું એક સુન્દર પદ છે.

શેષ મહેશ દિનેશ ગણેશ સુરેશ હુ જાહિ નિરન્તર ગાવેં

જાહિ અનાદિ અનન્ત અખણ્ડ અભેદ અછેદ સુવેદ બતાવેં

નારદસે મુનિ વ્યાસ રટેં પચિહારે તોઉ પુનિ પાર ન પાવેં

તાહે અહીરકી છોહરિયા છછિયાભર છાછપે નાચ નચાવેં.

જરા સરખી છાશ પ્રભુ માંગી રહ્યા છે અને તેમને ગોપી કહે છે કે આમ જ મફતમાં છાશ નહીં મળે, જરા નાચી બતાવો તો મળશે. પ્રભુ કહે છે સારું તું છાશ આપે તો હું નાચવા પણ તૈયાર છું. શું નન્દરાયજીના ઘરમાં છાશ ન હતી? શું યશોદાજી છાશ પીવડાવતા નહોતા. વાત એ નથી. પ્રભુ નાચી રહ્યા છે તેનું કારણ પ્રભુને છાશ પીવાની જરૂર છે તેમ નથી. વાત એમ છે કે ‘‘પ્રભુ મારી છાશ લે’’ એવા ભક્તની આવશ્યકતાને આધીન થઈને પ્રભુએ ખોબાભર છાશમાટે નાચ કર્યો છે. આ વાત પરથી આપણી સેવામાં પણ આપણે એ વાત સમજવી જોઈએ કે પ્રભુને જરૂર છે તેથી પ્રભુ આપણું સમર્પણ સ્વીકારે છે એવું નથી પણ આપણા સ્નેહને કારણે પ્રભુ આપણું સમર્પણ સ્વીકારી રહ્યા છે. પ્રભુના આવા સ્નેહાધીનપણાનું વર્ણન ભાગવત કરે છેઃ ‘‘ગોપીભિઃ સ્તોભિતોઽનૃત્યત્‌’’( ભાગ.પુરા.૧૦।૧૧।૧૭).

પૌગણ્ડલીલાઃ

પ્રભુની બાલલીલાનો ક્રમ પૂરો થયો અને હવે પ્રભુની પૌગણ્ડલીલાનો ક્રમ શરૂ થાય છે. જ્યારે પ્રભુએ પૌગણ્ડાવસ્થા અંગીકાર કરી ત્યારથી પ્રભુએ વૃન્દાવનમાં ગાયો ચરાવવા જવાનું શરૂ કર્યું. શિશુ, બાલ, પૌગણ્ડ, કિશોર, યુવા, પ્રૌઢ અને વૃદ્ધ આટલી અવસ્થાઓ માનવામાં આવે છે. પૌગણ્ડ અવસ્થા તે અવસ્થા કહેવાય છે કે જેમાં બાલકને ઘરમાંથી બહાર નીકળવાની છૂટ આપવાની મા-બાપ શરૂઆત કરે છે. બાલકને ઘરમાંથી બહાર નીકળવાની છૂટ હોતી નથી. શિશુ અવસ્થાનો અર્થ એ થાય કે બાલક માની પાસે જ રહે, પોતાના ઘરમાં પણ બધી જગાએ ન જાય. અર્થાત્‌ મા પારણામાં સુવડાવે કે પોતાની ગોદમાં લઈને ફરતી રહે તે અવસ્થા શિશુ છે. ત્યાર બાદ જ્યારે બાલક ઘૂંટણિયે ચાલવાનું શરૂ કરે, ઘરમાં આંટા-ફેરા કરવાનું શરૂ કરે તેને બાલ્યાવસ્થા કહેવાય અને ઘરની બહાર નીકળવાનું જ્યારે શરૂ કરે ત્યારે તે બાલકની પૌગણ્ડ અવસ્થા કહેવાય.

જ્યાંથી પ્રભુની પૌગણ્ડલીલા શરૂ થઈ રહી છે ત્યાં શ્રીલાલૂભટ્‌ટજી કહે છે કે હવે સખ્ય(ભાવ)નો પ્રસન આવશે. તમે સૌ જાણો છો કે આપણે ઠાકોરજી સામે ગેંદ, છડી, ચૌપડ (સોગઠાં) વગેરે સજાવીએ છીએ. હવે અહીં કોઈના મનમાં એવો વિચાર આવે કે આખા બ્રહ્માણ્ડને રમાડનારાને આપણે કેવી રીતે રમાડી શકીએ? તો એનો અર્થ એ થયો કે આપણે એકજ ભાવને પકડ્યો છે, સર્વભાવને આપણે જાણતા નથી. આપણે અહીં એમ વિચારવાનું છે કે આખા બ્રહ્માણ્ડને જે રમાડનારો છે તેને પણ આપણી સાથે રમવાની ઈચ્છા થાય છે. આ ભાવથી જો તેની સામે આપણે રમકડાંઓ સાજીશું તો તે આપણી સાથે જરૂરથી રમશે.

આપણે ત્યાં ઠાકોરજીની સન્મુખ ખંડપાટ પર જે રમકડાં સાજવામાં આવે છે તેનો ખૂબ સુન્દર ભાવ પ્રાચીન ભાવનાકારોએ સમજાવ્યો છે. રમકડાં વગેરે ખંડપર ત્રણ સ્તરે સજાવવામાં આવે છે. ઠાકોરજી જે સિંહાસન પર બિરાજે છે તેની નીચે ખંડ સાજવામાં આવે છે. ખંડપર ગાય, મોર, હંસ વગેરે ખિલૌના સાજવામાં આવે છે. કોઈ પણ ખિલૌના ગમેત્યાં સાજવામાં આવતાં નથી. શા માટે? કેમકે ગાય, મોર, પોપટ, હંસ વગેરેના આપણે ત્યાં ભાવાત્મક સ્વરૂપ વિચારવામાં આવેલાં છે. જેમકે ગાય એ ભક્તિનું સ્વરૂપ છે. આપણે પ્રભુને કહીએ છીએ કે તારે રમવું હોય તો તુ મારી ભક્તિની સાથે રમ. મોર આપણી મુક્તિનું સ્વરૂપ છે. આપણે કહીએ છીએ કે અમારી મુક્તિ સાથે અમે શું રમીએ? અમારી મુક્તિ સાથે તું રમ, જેમ રમવું હોય તેમ રમ. પોપટ આપણી વિદ્યાનું રમકડું છે, હંસ આપણા જ્ઞાનનું રમકડું છે. એ રમકડાંઓ સાથે અમે શા માટે રમીએ? તું રમ. તો જુઓ, આપણું જે કાંઈ પણ સામર્થ્ય છે તે શ્રીઠાકોરજીના ખંડના પહેલા પગથિયા પર સાજવામાં આવે છે.

ખંડના બીજા પગથિયા પર હાથી, ઘોડો, સિંહ, હરણ, વાંદરો વગેરે રમકડાં સજાવવામાં આવે છે. આનું મૂળ કારણ એ છે કે આ બધી આપણી રાજસવૃત્તિઓ છે. આ રાજસવૃત્તિઓથી આપણે શું રમવાના! પ્રભુએ આપણી રાજસવૃત્તિની સાથે જેમ રમવું હોય તેમ રમે. એક શાયરે ખૂબ સરસ વાત કહી છે ‘‘તોડો ફેંકો રખો કરો કુછ ભી, દિલ હમારા એક ખિલૌના હૈ, કુછ ન કુછ તો જરૂર હોના હૈ, સામના આજ ઉનસે હોના હૈ’’તેવી જ રીતે આપણી ભક્તિની વૃત્તિથી, ભક્તિના દિલથી, જ્ઞાનાના દિલથી, મુક્તિના મનથી, વિદ્યાના મનથી, રાજસ વૃત્તિના મનથી પ્રભુને જેમ રમવું હોય તેમ રમે. આવા ભાવથી આપણે પ્રભુની આગળ રમકડાંઓ મૂકીએ છીએ. ‘‘તોડો ફેંકો રખો કરો કુછ ભી દિલ હમારા ભી એક ખિલૌના હૈ, કુછ ન કુછ તો જરૂર હોના હૈ, સામના આજ ઉનસે હોના હૈ’’. પ્રભુ સાથે આપણો દોસ્તીનો સામનો છે. તેથી આપણે આપણા બધા રમકડાં ઠાકોરજીની સામે સખ્યભાવથી સજાવીએ છીએ અને ઠાકોરજી પર છોડી દઈએ છીએ કે આમાંથી જે રમકડું તમને સારું લાગે તેનાથી રમો. જે રમકડું સારું ન લાગે તેને પડ્યું રહેવા દો. આ રીતની આપણી સખ્યની મનોવૃત્તિ છે. અહીં એ વાત ભૂલશો નહીં કે આપણે ત્યાં આ મનોવૃત્તિ ફક્ત સખ્યની જ નથી, સખ્યની પણ મનોવૃત્તિ છે.

વત્સાસુરનો વધઃ

આ રીતે આપણે બાલભાવની સાથે આપણો સખ્યભાવ પણ પ્રેરિત કર્યો ત્યારે શ્રીલાલૂભટ્‌ટજી એક બહુ સુન્દર વાત કહે છે કે એક દિવસ વૃન્દાવનમાં સખાઓની સાથે પ્રભુ જ્યારે ખેલી રહ્યા હતા ત્યારે વત્સાસુર આવ્યો. ઠાકોરજીએ વત્સાસુરનો વધ કર્યો. આ લીલાની સેવા ભાવાનાની સાથે અનુરૂપતાનું નિરૂપણ કરતાં શ્રીલાલૂભટ્‌ટજી કહે છે કે લીલામાં વત્સાસુરના આગમનની જેમ સેવા કરનારમાં પણ સખ્યભાવના અન્તર્ગત કોઈ વાર આસુરીભાવ જન્મી શકે છે. તે આસુરી ભાવ વત્સાસુર છે. તેના વધનું કામ તમે તમારા ઠાકોરજી પર છોડી દો. આપણો ભાવ ક્યારેક સાત્ત્વિક હોય છે, ક્યારેક આપણો ભાવ રાજસ હોય છે તો ક્યારેક આપણી અંદર તામસભાવ પણ આવી જતો હોય છે. આનું કારણ એ કે આપણે દુનિયામાં રહીએ છીએ. દુનિયા પ્રાકૃત છે તેથી બધા ભાવો આપણી ભીતર રહેવાના. આપણા આ બધા ભાવોને ઠાકોરજી સામે એમના રમવામાટે એવા ભાવથી સજાવવા કે તમને જે મારો ભાવ સારો લાગે તેનાથી તમે ખેલો, જે સારો ન લાગે તેને તોડવો હોય તો તોડી નાખો. આ અત્યન્ત સમર્પણનો ભાવ છે : ‘‘તોડો ફેંકો રખો કરો કુછ ભી, દિલ હમારા ભી એક ખિલૌના હૈ’’ ના જેવો. તો જ્યારે આપણે એવું કરીશું ત્યારે સેવોપયોગી આપણા બધા રાજસ વગેરે ભાવો નિર્મળ થઈ જશે.

પ્રશ્નઃવત્સાસુરનો ભાવ ન સમજાયો.

ઉત્તરઃઠાકોરજી જ્યારે વાછરડા ચરાવી રહ્યા હતા ત્યારે એક અસુર વાછરડો ( વત્સ) બનીને બધા ગાય-વાછરડાની વચ્ચે આવી ગયો. આપણે ત્યાં કેટલાક ‘પરમ ભગવદીય’ તરીકે ઓડખાતા હોય છે. તેમાં કેટલાક તો એવા હોય છે કે સામાન્ય વૈષ્ણવ જે તિલક કરતા હોય તેનાથી દોઢું મોટું તિલક કરતા હોય. પોતાની વૈષ્ણવતાનો દેખાડો કરનારા પ.ભ. બહુ ખતરનાક હોય છે. આવા દમ્ભી પ.ભ.ને વત્સાસુર જેવા સમજવા. આવું પ.ભ.પણું આપણામાં પણ હોઈ શકે છે. આપણે એને ઠાકોરજીની સામે રાખવું જોઈએ કે રમો આનાથી. પણ આ બધી વાતો ઠાકોરજીની સાથે આપણી દોસ્તીની છે કે જેના કારણે આપણે આવી બધી મનોવૃત્તિઓને ઠાકોરજીને રમવા આપી રહ્યા છીએ. અને વગર શરતે આપી રહ્યા છીએ કે આપને રમવું હોય તો રમો, તોડવું હોય તો તોડો, રાખવું હોય તો રાખો, ફેંકવું હોય તો ફેંકો.

બકાસુરનો વધઃ

ત્યારપછી લીલામાં ભગવાને બકાસુરને માર્યો. બકાસુરની સરખામણી શ્રીમહાપ્રભુજીએ આપણામાં રહેલી દમ્ભની વૃત્તિ સાથે કરી છે. દમ્ભ એટલે પાખણ્ડ. શ્રીમહાપ્રભુજી સમજાવે છે કે દમ્ભ બગલાભગત જેવો છે. આપણે જાણીએ છીએ કે ‘‘બગલા ભગત રામ-રામ કરેં, મચ્છી મિલે તો હડપ કરેં’’બગલાની ચાંચના બે ભાગ હોય છે. શ્રીમહાપ્રભુજી સમજાવે છે કે ચાંચનો એક ભાગ અસત્ય છે અને બીજો ભાગ લોભનો છે. મતલબ કે લોભ અને જૂઠ જે માણસમાં ન હોય તે માણસ દમ્ભ કરી શકતો નથી. અર્થાત્‌ લોભ છે પણ જૂઠું બોલવાની શક્તિ નથી તો માણસ દમ્ભ નહીં કરી શકે; અને જૂઠું બોલવાની શક્તિ છે પણ લોભ નથી તો પછી માણસ દમ્ભ શા માટે કરશે? તેથી માણસ જેટલો દમ્ભ કરે છે તેના મૂળમાં બગલાની ચાંચોની પેલી બે ફાડો છેઃ એક જૂઠું બોલવાનું સામર્થ્ય અને બીજો લોભ. લોભની વૃત્તિ છાણ જેવી છે. પોદળો જમીન પર પડે તો કંઈ ન મળે તો ધૂળ તો લઈને જ ઉઠે. તેમ કોઈ કામ કરીએ તેમાં કાંઈ ને કાંઈ આપણો લાભ જોવો એ મનોવૃત્તિ લોભની છે. આપ લોકોએ જોયું હશે કે મંદિરોમાં લોકો શિલાલેખ લખાવતા હોય છે કે ફલાણાભાઈએ આટલા રૂપિયાનું દાન આપીને આ કામ કરાવ્યું. મને ક્યારે પણ એ વાત સમજાતી નથી કે આજે તો આપણને બધા લોકો જાણી જ રહ્યા છે તો ઠીક છે કે શિલાલેખ વાંચવાવાળા સામે આપણી મૂછ તો ઉંચી થઈ જાય કે હં જુઓ, મેં આ કરાવ્યું, પરન્તુ આપણી બે પેઢી પછી જ્યારે કોઈ તે શિલાલેખ વાંચશે ત્યારે કોને ખબર પડશે કે આ કોનો શિલાલેખ છે! તો શો ફાયદો થયો? પરન્તુ આ બધું જાણતો હોવા છતાં માણસ પોતાની વૃત્તિ પર કાબૂ રાખી શકતો નથી. મંદિરના મેનેજરો પણ ચતુરસુજાણ હોય છે. પહેલેથી જ સૂચના છાપી દેતા હોય છે કે આટલા હજાર રૂપિયા આપશો તો તમારા નામનો શિલાલેખ (તકતી) લગાડીશું. લોકો શિલાલેખ લગાડવા માટે આપતા હોય છે નહિતો ન આપે. અર્થ સ્પષ્ટ છે ને કે તે જૂઠું બોલી રહ્યા છે. તો સમજો કે આ લોભ અને અનૃત (અસત્ય)ની વૃત્તિ છે જેને લીધે દુનિયામાં મોહ અને જૂઠનું રાજ ચાલતું રહે છે.

આ વિવેચન પરથી સેવા કરનારે એવું વિચારવાનું છે કે તેની અંદર પણ કોઈને કોઈ લોભ તો છે જ. આપણે એવું તો ન કહી શકીએ કે આપણામાં લોભ બિલકુલ જ નથી. તે જ રીતે આપણામાં અસત્યની વૃત્તિ પણ હોય જ છે. બગલાની ચાંચની બે ફાડ જેવી આ મનોવૃત્તિઓ મળીને જેમ સામાન્ય જીવનમાં દમ્ભ ઉત્પન્ન કરતી હોય છે તેવી જ રીતે પ્રભુસેવા કરવાના સમયે પણ દમ્ભ ઉત્પન્ન કરી શકે છે. પણ આપણી અંદર રહેલા આ બગલાની સાથે રમવા ઠાકોરજીને એક મોકો આપવો જોઈએ. અવતારકાલીન લીલાની જેમ હાલ અનવતારકાલમાં પણ આ બગલાની ચાંચને ઠાકોરજી એવી ફાડે કે લોભ અને જૂઠ, દુનિયામાં ભલે જેમ ચાલતા હોય તેમ ચાલતા રહે, પણ ઠાકોરજીની સેવામાં તો ન જ ચાલે. તો આ ભાવથી એક બગલો પણ ઠાકોરજી સામે ખિલૌનાના રૂપમાં રાખી દેવો જોઈએ કે પ્રભુ અમારી અંદર આ લોભ અને જૂઠ ની જે વૃત્તિ છે તે આપને સારી લાગતી હોય તો રમો, સારી ન લાગે તો તેની ચાંચ ફાડી નાખો, ચીરી નાખો કે જેથી કાંઈ નહીં તો તારી સેવામાં તો લોભ અને જૂઠ ન આવે, બાકી દુનિયાની વાત દુનિયામાં જોઈ લઈશું. એ તો જેવા આપણા કર્મ હશે તેવી આપણી ગતિ થશે. તેથી જેમ ગુજરાતીમાં કહેવાય છે કે ‘‘એક ઘર તો ડાકણ પણ છોડે’’ તેમ એક ભક્તિમાં તો આપણે લોભ અને જૂઠ ને છોડીએ! એટલું છોડી શકીએ તે માટે એક બગલો (બગલાનું રમકડું) ઠાકોરજી સામે ગોઠવી દો. પણ ધ્યાન રાખજો કે તેને ગોઠવવાનો છે ખંડના નીચેવાળા પગથિયા પર, ઉપરના પગથીયા પર નહીં. આ પ્રભુસાથે આપણા સખ્યનો ઇજહાર છે. આ બે દોસ્ત વચ્ચેની એવી વાત છે કે જે ગામને ક્યારેય ખબર નહીં પડે કે બગલો કેમ મૂક્યો છે. અને એ પણ આપણા અને આપણા ઠાકોરજીની વચ્ચેની અતિ ગુપ્ત વાત રહેશે કે બગલાની ચાંચ ફડાઈ રહી છે કે નહીં. ફાડવામાં આવે તો પણ તમારી અને તમારા ઠાકોરજી વચ્ચેની વાત છે અને ફાડવામાં ન આવે તો પણ તમારી અને તમારા ઠાકોરજી વચ્ચેની વાત રહેશે. પણ બગલાનું એક રમકડું આપણા ઠાકોરજી સામે અવશ્ય મૂકો. જૂઓ, આ બહુ મનગમતી વાત છે, સેવાનો ખૂબ મધુર ક્રમ છે આ કે આપણે ઠાકોરજીની સામે બગલો પણ સજાવ્યો છે, એક વાંદરો પણ સજાવ્યો છે. એક સિંહ પણ સજાવ્યો છે.

ભગવલ્લીલાનું અનુસન્ધાનઃ

જ્યારે આ બધી લીલાઓ થઈ ગઈ ત્યારે ભાગવતમાં પૌગણ્ડલીલાના ઉપસંહારમાં એક વાત આવે છે કે એક સમય વ્રજમાં એવો આવ્યો કે ત્યારે બધા વ્રજભક્તોને પ્રભુમાં પ્રેમ એટલો બધો થઈ ગયો કે વ્રજના બધા લોકો, પછી ભલે તે ઠાકોરજીના સખા હોય, ઠાકોરજીના માતા-પિતા હોય (કે) ઠાકોરજીના સેવક હોય, બધા જ હરહંમેશ નિરન્તર ઠાકોરજીની જ ચર્ચા-ચિન્તનમાં તલ્લીન બની ગયાં ‘‘ઇતિ નન્દાદયો ગોપાઃ કૃષ્ણરામકથાં મુદા’’ નન્દ વગેરે ગોપો રાત-દિવસ ઠાકોરજીની ચર્ચા કર્યા કરતા. તો આના અનુરૂપ આપણે શું કરીશું? શ્રીલાલૂભટ્‌ટજી કહે છે કે તેને અનુરૂપ આપણે ભગવાનની લીલાનું, ભાગવતનું નિત્ય પારાયણ કરવું જોઈએ. જો સંસ્કૃત આવડતું હોય તો ભાગવતનું અને ન આવડતું હોય તો પ્રાચીન ભગવદીયોએ રચેલાં ભગવાનની લીલાનાં પદ-કીર્તનનું ગાન કરવું. પ્રાચીન અષ્ટછાપથી લઈને અર્વાચીન નાગરીદાસજી, વલ્લભદાસજી, ભારતેન્દુબાબુ હરીશચન્દ્ર સુધીના ભગવદીયોએ બહુ સરસ ભગવલ્લીલાઓ લખી છે. તે ભગવલ્લીલાનું સહજ ભાવે અવગાહન એવી તન્મયતાથી અને જીવનપ્રણાલિના રૂપમાં કરવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જેમ વ્રજભક્તો કર્યા કરતા હતા.

એક વાત સમજો કે સામાન્ય રીતે આપણે જ્યારે ભાગવત સાંભળીએ છીએ કે કોઈ પાઠ વગેરે કરીએ છીએ ત્યારે એક પ્રકારના ધાર્મિક અનુષ્ઠાનનો ભાવ આપણી અંદર જોર પકડી લે છે. અને આજકાલ ચાલી રહેલી ભાગવતની સપ્તાહ પારાયણની પ્રણાલી જ્યારે હું જોઉં છું ત્યારે ખરેખર મને સમ્પ્રદાયના લોકોના દુર્ભાગ્યને વિચારતાં ખૂબ દુઃખ થાય છે. કારણ કે આપણે ત્યાં ક્યારેય સપ્તાહ વિધિથી ભાગવત થતીજ નહોતી. આપણે ત્યાં ભાગવતનું નિત્ય પ્રતિ અનુસન્ધાન કાયમ થતું હતું. પુષ્ટિમાર્ગીય વ્યક્તિ હંમેશા થોડું-થોડું ભાગવત્‌(નું અનુસન્ધાન ) કરતો જ હતો. આજે ભાગવતનું નિત્ય-પ્રતિ અનુસન્ધાન આપણું છૂટી ગયું અને વરસમાં બે-ચાર વાર ‘સપ્તાહ’ સાંભળવાનો આપણને શૌખ થઈ ગયો. એટલે કે ભાગવત્‌ અને ભગવલ્લીલા નું અવગાહન આપણી જીવનશૈલી ન રહેતાં પિકનિકશૈલી બની ગયું. જીવનશૈલી કેવી હોય? નિત્ય હોય. અને પિકનિકશૈલી કેવી હોય? શાળામાં જ્યારે રજાઓ હોય ત્યારે લોકો પિકનિક માટે ચાલ્યા જતા હોય છે. અસલમાં આપણે ત્યાં ભાગવતનું નિત્ય અનુસન્ધાન હતું, તે આપણી એક પ્રકારની જીવનશૈલી હતી, રોજનો ક્રમ હતો. હવે આપણે વરસમાં બે-ચાર વાર સપ્તાહ કરાવી લઈએ છીએ કે ક્યાંક સાંભળવા ચાલ્યા જઈએ છીએ. આ સપ્તાહનો પ્રકાર આપણે ત્યાં પ્રણાલીરૂપે ન હતો, આ તો મર્યાદામાર્ગની પ્રણાલી છે. પુષ્ટિમાર્ગમાં ભાગવતસપ્તાહનો પ્રકાર જ નથી. પુષ્ટિમાર્ગમાં તો ભાગવતનું નિત્ય સેવન છે. તેની પાછળ રહેલી ભાવના ધ્યાનથી સમજો.

જે વાત તમને બહુ પ્રિય હોય તેને તમે દરરોજ કરશો. એક સામાન્ય દૃષ્ટાંત દ્વારા સમજી લો કે આપણને દેશ-દુનિયાના સમાચાર જાણવું સારું લાગે છે તેથી આપણે રોજે-રોજ છાપાં વાંચીએ છીએ. તે જ પ્રમાણે જો આપણને પ્રભુ વહાલા લાગતા હોય તો પ્રભુ સમ્બન્ધી વાતો પણ આપણને પ્રિય લાગવી જ જોઈએ. જો તે પ્રિય હોય તો આપણે ભાગવતનું અનુસન્ધાન પણ પ્રતિદિન કરવું જોઈએ, સાપ્તાહિક ક્રમથી નહીં. અને જો આપણને ભાગવત્‌ દરરોજ વાંચવું સારું ન લાગે, કંટાળો આવે, જેટલી મજા છાપું વાંચવામાં આવે તેટલી મજા ભાગવત્‌ વાંચવામાં ન આવે તો સમજી લો કે આપણને પ્રભુમાં પણ મજા નથી આવતી. તેથી આપણે વર્ષમાં એકાદવાર સાપ્તાહિક વિધિથી ભાગવત સાંભળી લેવાનું કર્મકાંડ કરી નાખતા હોયઈએ છીએ. આવી ભાગવત સપ્તાહ મૂળમાં પુષ્ટિમાર્ગીય પ્રણાલી નથી. આપણે ત્યાં તો એ પ્રણાલી હતી કે ભલે એક પ્રસનનું વાંચન કરો, એક પ્રસનથી વધારવાની જરૂર નથી, પણ મૂળ ભાગવતમાંથી કરો, અથવા તો ભાગવતના અનુવાદની પુસ્તકથી કરો, અથવા તો ભગવદીયોએ ભાગવતના આધારે જે પદ- કીર્તન ગાયાં છે તેનું ગાન, અનુસન્ધાન કરો, પણ એક પ્રસન તો રોજ કરો જ જેનાથી આપણા મનમાં અભ્યાસ થાય કે ભાગવતની

કથા આપણો જીવનક્રમ બની જાય, પિકનિક માત્ર બનીને ન રહી જાય. ભાગવત્‌ આપણી જીવનશૈલી છે. ભાગવત્‌ પિકનિક નથી. તમે કહેશો કે ભાઈ પિકનિકમાં તો બહુ મજા આવે છે, દૈનિક જીવનમાં એટલી મજા નથી આવતી. ઘરમાં રહેવામાં એટલી મજા ન આવે જેટલી કાશ્મીર, કોડાઈકેનાલ કે આબુમાં ફરવામાં આવે છે. તો એક વાત ધ્યાનથી સમજી લો કે પિકનિકની મજા ક્યારે પણ સ્થાયી હોતી નથી.

હું એકવાર કાશ્મીર ગયો હતો. કાશ્મીરના કોઈ શહેરમાં નહીં પરન્તુ કાશ્મીરમાં ઘણે ઉંચે પહાડોમાં ગુજરાતમાંથી ત્યાં વસી ગયેલા ગુજરાતી પશુપાલકોની વસ્તીમાં ગયો હતો. તેઓ માથાપર એટલી સુન્દર પાઘડી બાંધતા હોય છે કે મને તેમની પાઘ જોઈને મારા ઠાકોરજીને પણ એવી પાઘ ધરાવવામાં ખૂબ મજા આવે છે. આ બહાને તેમની સાથે બેસીને થોડીવાર એક ગુજર્ર સાથે ગપ્પાં મારી રહ્યો હતો. વાતવાતમાં પેલા ગુજર્રે મને પૂછ્‌યું કે તમે ક્યાંથી આવો છો? મેં કહ્યું કે હું મુમ્બઈથી આવ્યો છું. તેણે મને કહ્યું કે એકવાર મને પણ મુમ્બઈ લઈ જાઓને. મેં કહ્યું ભાઈ, મુમ્બઈમાં શું દાટ્યું છે? અહીં તો સ્વર્ગ છે. તેણે મને સામે કહ્યું કે અહીં પણ શું દાટ્યું છે? મેં કહ્યું કે જો અહીં કંઈ ન હોત તો અમે કંઈ મૂર્ખ છીએ કે આટલે છેટેથી આવીને અહીંના આંટા મારીએ? તો તેણે કહ્યું કે હું પણ એજ વિચારી રહ્યો છું કે તમે લોકો અહીં શા માટે આવતા હશો? તો વાત ધ્યાનથી સમજો કે જે કાશ્મીરમાં રહે છે તે ત્યાંથી એટલો જ પરેશાન છે જેટલા આપણે મુમ્બઈથી પરેશાન છીએ. ત્યાંના લોકો મુમ્બઈ માટે તલસે છે અને આપણે કાશ્મીર જોવા માટે તલસીએ છીએ. ત્યારે મને આ વાત સમજાઈ ગઈ કે જે માણસ જ્યાં છે

ત્યાંથી ક્યારે પણ સન્તોષ પામતો નથી. માણસને જો સ્વર્ગ આપી દઈએને તો પણ વરસ-છ માસ સ્વર્ગમાં રહ્યા પછી એ ચોક્કસ એમ વિચારશે કે એકાદ દિવસ નરકની યાત્રા કરી આવીએ તો જરા ચેંજ મળી જાય. તે સ્વર્ગમાં પણ અરજી કરશે કે રવિવારની રજા હોય તો એક દિવસ નરકમાં ફરી આવીએ. ભગવાન્‌ પણ કહેશે કે જા, યાર ફરી આવ. માણસનું મન વાંદરા જેવું છે. એક ડાળ ઉપર બેસવાનું તેને ફાવે જ નહીં.

આજ કારણ છે કે આપણને પિકનિક સારી લાગે છે. બાકી એક વાત સારી પેઠે સમજી લો કે આપણને આપણી ચંચળતાને લીધે ભલે ઘરમાં મજા ન આવતી હોય, પણ ઘરનું જે સુખ છે તે સ્થાયી સુખ હોય છે. એક શાયરે બહુ સરસ વાત કહી છેઃ ‘‘વતની કશિશ ઔર વતનકી મુહબ્બત જરા કોઈ દેખે વતનસે નિકલકે’’. આપણા વતનમાં શું આકર્ષણ છે, વતનની મહોબ્બત શું છે તેની પ્રતીતિ જ્યારે વતનની બહાર જઈએ ત્યારે જ માણસને થઈ શકે છે. તે જ રીતે ઘરની બહાર ગયા પછી જ ઘર કેટલું સારું છે તેની ખબર પડી શકે છે. ઘરમાં રહેશો તો ગુજર્રની જેમ તમને વિચાર આવશે કે અહીં શું દાટ્યું છે? દાટ્યું તો કાંઈ નથી, પણ ઘરમાં માણસ ટેવાઈ જાય છે. પિકનિકમાં ટેવાઈ જવાતું નથી. તમે આગ્રા જઈને તાજમહાલ જોઈ શકો છો પણ તાજમહાલમાં રહી શકતા નથી. રહેવા માટે તો તાજમહાલને બદલે ઘરનું ઝૂંપડું જ વધુ સુખદ લાગશે. તમે ઉદયપુરનો મહેલ જોઈ આવો, જયપુર જઈને ચાંદમહેલ જોઈ આવો. જોવા માટે બધા જ સારા છે, પણ રહેવા માટે આપણું ઘર એનાથી વધારે સારું છે, વધારે સાચું છે એ વાત ભૂલવી ન જોઈએ. એ જ પ્રમાણે અઠવાડિયાની રજાના કાર્યક્રમો મનગમતા વધારે લાગે, પણ એમાં સ્થાયિપણું નથી. તેનું સ્વરૂપ સાવ તેવું જ છે કે એક દિવસ આપણે મજાથી દાળ-બાટી બનાવી, તો કોઈ દિવસ રસગુલ્લા બનાવ્યા, ગુલાબજાંબુ બનાવ્યા. પણ ભાઈ, આ બધી વસ્તુઓ રોજ ખાવાની હોતી નથી. રોજરોજ ખાવામાં તો રોટલી, શાક, દાળ-ભાત જ સારી અને સાચી ચીજ હોય છે. આપણું સ્વાસ્થ્ય પણ તો જ સારું રહેશે, પાચન ઠીક થશે અને નિરોગી રહેવાશે. અને જો રોજ-રોજ આપણે આવી ભારે ચીજો ખાઈશું તો કોઈને કોઈ મુશ્કેલી થશે, થશે ને થશે જ. તે જ પ્રમાણે એ વાત પણ સમજી લો કે રોજની પિકનિકોમાં કોઈ સાર હોતો નથી. માણસને સ્વસ્થતાથી જીવવા માટે તો ઘર જ સારું હોય છે. તે જ રીતે ભાગવતનો સપ્તાહવિધિ પણ મનને બહેલાવવા માટે કદાચ સારો ઉપાય હોઈ શકે, પણ સ્વાસ્થ્યકારક અને સ્થાયી લાભ દેવાવાળો ઉપાય તો રોજ ભાગવતનું અનુસન્ધાન કરવું તે જ છે.

ભગવાનની કથાને જીવનશૈલી બનાવોઃ

શ્રીમહાપ્રભુજી ‘નિબન્ધ’માં આજ્ઞા કરે છેઃ

અથવા સર્વદા શાસ્ત્રં શ્રીભાગવતમાદરાત્‌।।

પઠનીયં પ્રયત્નેન સર્વહેતુવિવજિર્તમ્‌।।

શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાગવતનું થોડું પણ અવલોકન જે ભાષામાં તમે કરી શકતા હો તે ભાષામાં કરો, પર કરો પ્રતિદિન. તેનાથી તમારું મન તે રંગમાં નિત્ય રંગાયેલું રહેશે. એક વાત વિચારો કે આપણે શાક તો દરરોજ જુદું-જુદું ખાતા હોઈએ છીએ, પણ કોઈને તમે રોટલી બદલી-બદલીને ખાતા જોયા છે? પાણી કોઈ બદલીને પીએ છે? એ તો રોજ તેનું તેજ હોય છે. રોજ તેજ પાણી પીવા છતાં પણ આપણે તેનાથી કંટાળ જઈએ છીએ? ના, શા માટે કંટાળતા નથી ? કારણ કે પાણી આપણા જીવનની આવશ્યકતા છે. ભગવત્કથા અને ભગવત્સેવા ને જ્યારે તમે આ રીતે સ્વીકારશો ત્યારે તે તમારી જીવનશૈલી બની જશે, નહીં તો તે પિકનિક માત્ર રહી જશે. પિકનિક ખરાબ બાબત નથી, ઠીક બાબત છે, પરન્તુ તેનાથી પણ એક સરસ વાત શ્રીમહાપ્રભુજી આપણને પુષ્ટિમાર્ગમાં સમજાવે છે કે ભગવત્કથા અને ભગવત્સેવા આપણે માટે પિકનિક ન રહેતાં આપણી જીવનશૈલી બનવાં જોઈએ.

એક વધુ દૃષ્ટાન્ત લઈએ તો જેમ આપણે રોજ જ છાપું વાંચતા હોઈએ છીએ છતાં પણ તેનાથી આપણે કદી કંટાળી જઈએ છીએ? છાપામાં તો રોજ હત્યા, પક્ષપલટા, લૂંટફાટ, ભ્રષ્ટાચાર ની વાતો આવતી રહે છે! પણ તમે કદી તેનાથી કંટાળી જાઓ છો? ના, કારણ કે આપણને આ બધી વાતોમાં મજા આવતી હોય છે. તેવી જ રીતે રોજ ભગવત્કથા કરવાના વિચારથી કેમ કંટાળો આવે છે? કારણ કે આપણું મન તેમાં લાગતું નથી. તેથી જ આપણે તેનો પિકનિકના રૂપમાં આનન્દ માણવા માંગીએ છીએ. પરન્તુ એકવાર તમે તેને જીવનની પદ્ધતિ તરીકે સ્વીકારી જુઓ, તમારું મન જેમ છાપું વાંચતાં કંટાળતું નથી તેમ ભગવત્કથા કરવામાં પણ તમારું મન નહીં કંટાળે. તેમાં તમને આનન્દ આવશે.

આપણે ત્યાંની ફિલ્મોમાં પણ એક જ પ્રકારની વાર્તા હોય છે. પેલાએ પેલીને પ્રેમ કર્યો અને પછી તેમાં વિલન (ખલનાયક) આવી ગયો, તેણે તેમના પ્રેમમાં કોઈ વિઘ્ન ઉભું કર્યું, પછી હીરોએ (નાયકે) તે વિલનને ખતમ કરી દીધો અને અન્તે હીરો-હીરોઈન મળી ગયા અને જોનારાઓને આનન્દ-આનન્દ થઈ ગયો. રોજ ને રોજ એક જ જાતની વાર્તા-કથા જોવાની તમને મજા આવે છે કે નહીં? આજકાલ ટી.વી.ની સીરીયલો જોતા લોકો એવા લાગે છે કે જાણે યોગીઓ ધ્યાન કરવા બેઠા હોય! ‘‘ધ્યાનાવસ્થિતતદ્‌ગતેન મનસા પશ્યન્તિં યં યોગિનઃ, યસ્યાન્તં ન વિદુઃ સુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ’’. વિચારો કે આવું કેમ થઈ જાય છે? કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક મનમાં એ વાત સ્વીકારી લીધી છે કે આ આપણા જીવનની હકીકત છે. હશે એ આપણા જીવનની હકીકત પણ એક વાત સમજો કે તમે એટલી તક ભગવાનની સેવા અને ભગવાનની કથાને પણ આપી તો જુઓ! તે પણ તમારા જીવનની એક હકીકત છે. એક વખત તેને પણ તમારા જીવનની હકીકતના રૂપમાં સ્વીકારી લેશો તો તેને પણ તમે દૈનિક ક્રમના રૂપે કરવા લાગશો અને જો તમે તેને જીવનની હકીકતના રૂપમાં નહીં સ્વીકારો અને પિકનિકના રૂપમાં સ્વીકારશો તો પછી તે (સેવા-કથા) રોજ નહીં કરી શકો. તેને તમારા જીવનની હકીકતના રૂપમાં સ્વીકારો.

પુષ્ટિભક્તિ-સેવાકથાપર નિર્ભરતાઃ

આમાં એક વાત સમજો કે જીવનની હકીકતમાં આપણો ઉત્સાહ ઓછો હોય છે, પણ અવલમ્બન વધારે હોય છે. જેમ તમને આગ્રાના તાજમહાલમાં નિર્ભરતા નથી, પણ એને જોવામાં ઉત્સાહ વધારે હશે. કાશ્મીર અને નૈનિતાલ ફરવા જાઓ, ઉત્સાહ વધારે હશે પણ નિર્ભરતા નહીં હોય. તે જ પ્રમાણે આપણા ઘરમાં આપણને ઉત્સાહ ભલે હોય કે ન હોય પણ નિર્ભરતા તો હોય જ છે. તેવી જ રીતે આપણને કૃષ્ણકથા અને કૃષ્ણસેવા પર નિર્ભર થવાની જરૂર છે. નિર્ભર થવું એટલે બાળક જેમ મા ઉપર આધાર રાખે છે તેવી જ રીતે આપણને કૃષ્ણકથા અને કૃષ્ણસેવા પર નિર્ભર થવાની આવશ્યકતા છે. આપણી આવશ્યકતા કૃષ્ણકથા અને કૃષ્ણસેવા ની ઉત્તેજનાની નથી. ઉત્તેજના પિકનિકમાં હોય છે, નિર્ભરતા ઘરમાં હોય છે. રોટલી-દાળ ખાવામાં આપણી નિર્ભરતા છે, પણ કોઈ દિવસ રસગુલ્લા ખાઈએ, કોઈ દિવસ ગુલાબજાંબુ ખાઈએ તેમાં નિર્ભરતા હોતી નથી, ઉત્તેજના હોય છે. તો અવલમ્બન અને ઉત્તેજના વચ્ચેનો ફરક આપણે સમજવો જોઈએ.

સેવા-કથા ક્ષણિક ઉત્તેજનાજન્ય ન હોવી જોઈએઃ

શ્રીમહાપ્રભુજીના સિદ્ધાન્ત અનુસાર ભગવત્કથા અને ભગવત્સેવા આપણા જીવનમાં ઉત્પન્ન થતી ઉત્તેજના જેવી હોવી ન જોઈએ, આપણા જીવનમાં પ્રકટ થતી નિર્ભરતા હોવી જોઈએ. બરાબર તેવી જ રીતે કે જેમ આપણે પાણી પીવા બાબત નિર્ભર હોઈએ છીએ. પાણી પીવામાં કોઈ ઉત્તેજના નહીં હોય. ઘણા લોકો કહેતા હોય છે કે અમે દશ વરસથી સેવા કરીએ છીએ પણ તેમાં હંમેશાં ઉત્સાહ નથી રહેતો. હું તો એ વાત કહીશ કે આટલાં વરસથી તમે નિષ્ઠાથી સેવા કરી રહ્યા છો તેને કારણે તમારી જે નિર્ભરતા પ્રકટ થઈ છે તે ઉત્સાહના તમારા અનુભવથી અનેકગણી વધારે છે. એક વાત ધ્યાનથી સમજો કે આપણે આપણા ઘરના સભ્યો સાથે હળીમળીને જ્યારે જીવી રહ્યા છીએ ત્યારે આપણને તે બાબતમાં ઉત્તેજના થતી નથી. પણ નિરન્તર સાથે રહેવાથી એકબીજામાં માનસિક નિર્ભરતા આવે છે. તે નિર્ભરતાની આપણને ત્યાં સુધી ખબર નહીં પડે કે જ્યાં સુધી આપણે એકબીજાથી વિખૂટા ન પડીએ. જ્યારે કોઈવાર વિખૂટા પડીએ ત્યારે બન્નેના દિલમાં ક્યાંક ને ક્યાંક ઊણપ લાગવા માંડે છે, ક્યાંક ને ક્યાંક ખાલીપણું લાગશે, મન કચવાશે કે અરે, ક્યાં ગયા તે? અને જે સમ્બન્ધમાં આપણને ઉત્તેજના તો થાય છે, પણ નિર્ભરતા નથી આવતી તેમાં આપણને ખાલીપણું નહીં લાગે. મળે તો ઠીક, ન મળે તો ઠીક આવું થઈ જાય છે. તેવી જ રીતે કૃષ્ણકથા અને કૃષ્ણસેવા ને ઉત્તેજનાનો વિષય ન બનાવો. આપણી માનસિક નિર્ભરતાનો વિષય બનાવો. એવી નિર્ભરતા કે તે ન મળે તો આપણા જીવનમાં ખાલીપો લાગવા માંડે. આવો ખાલીપો લાગે તે જીવનની હકીકત કહેવાશે, પણ ઉત્તેજના જીવનની હકીકત નહીં કહેવાય. તે પિકનિક જેવી વાત છે. આટલું અંતર આપણે ખાસ સમજવું જોઈએ.

સેવ્ય-સેવકની પરસ્પર નિર્ભરતા=પુષ્ટિભક્તિઃ

આ વાત જ્યારે આપણે સમજીશું ત્યારે શ્રીમહાપ્રભુજીનો કૃષ્ણભક્તિમાં કેવો મૂડ છે તે આપણને સમજાશે. અને જો તે સમજાઈ ગયો તો શ્રીલાલૂભટ્‌ટજી કહી રહ્યા છે કે ત્યારે સમજો કે આપણો પ્રેમ ભગવાનમાં સ્થિર થયો. પ્રેમ એકબીજા ઉપર પ્રકટ થતી નિર્ભરતા છે, એકબીજાથી મળતી ઉત્તેજના નથી. દામ્પત્ય એકબીજાથી ઉત્તેજના માટે નથી, એકબીજા પર નિર્ભર થવું તેને દામ્પત્ય કહેવાય. જ્યાં સુધી નિર્ભરતાનો ભાવ નહીં જાગે ત્યાં સુધી શુદ્ધ દામ્પત્ય નહીં કહેવાય. ઉત્તેજના તો વેશ્યાને ત્યાં જતા પુરુષમાં પણ આવી શકે છે પણ તેમાં પરસ્પર નિર્ભરતાનો ભાવ નથી હોતો. તેમ આપણા ઠાકોરજી સેવામાટે આપણાપર નિર્ભર થાય અને આપણે સેવા કરવામાટે ઠાકોરજીપર નિર્ભર થઈ જઈએ. આપણે આપણા ઠાકોરજીની કથાથી ઉત્તેજના પ્રાપ્ત કરવા નહીં ઈચ્છિએ, આપણે આપણા ઠાકોરજીની કથા પર નિર્ભરતા ઈચ્છીશું. જ્યારે આપણો આવો ભાવ પ્રકટ થશે ત્યારે એક વાત ધ્યાનથી સમજો કે આપણા ઠાકોરજી પણ આપણી કથાપર નિર્ભર થશે. એક શાયરે કહ્યું છે ‘‘સવાલ એ મયકશી કુછ હૈ, કમાલ એ મયકશી યે હૈ કિ સાકી ખુદ પિલાનેકો જહાં મજબૂર હો જાય’’. કમાલ એ મયકશી ત્યારે કહેવાશે કે જ્યારે ઠાકોરજી પોતાના સેવકની કથા કરશે કે જુઓ, મારો આ સેવક મારી સેવા કરે છે. આશકરણદાસજી પર પ્રભુ નિર્ભર થયા હતા, પદ્મનાભદાસજી પર પ્રભુ નિર્ભર થયા હતા, રજો ક્ષત્રાણી અને ગજ્જન ધાવન પર ઠાકોરજી નિર્ભર થયા હતા. તેથી જ જ્યારે ગજ્જન ધાવનને અક્કાજીએ પાન લેવા મોકલ્યા ત્યારે શ્રીનવનીતપ્રિયજી કહ્યું કે ‘‘ગજ્જન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હું આરોગીશ નહીં’’. આ પરસ્પર નિર્ભરતાની વાત છે, આ પરસ્પર ઉત્તેજનાની વાત નથી. આ પેલા પ.ભ.ની વાત નથી કે જે આજે તો મનોરથ કરાવી ગયો અને કાલે ભૂલી ગયો ઠાકોરજીને. આજે એક લખાનો મનોરથ કરાવી દીધો અને કાલે તે ઠાકોરજીનાં દર્શન કરવા પણ નહીં આવે! કેમકે ત્યાં નિર્ભરતા તો છે જ નહીં. તો વાત ધ્યાનથી સમજો કે આ બધી ઉત્તેજનાની વાતો છે. આવી ભગવત્સેવા અને ભાગવતસપ્તાહ નો પ્રકાર શ્રીમહાપ્રભુજીને અભિપ્રેત સેવાકથાનો પ્રકાર નથી. શ્રીમહાપ્રભુજીને અભિપ્રેત સેવા-કથાના પ્રકારમાં ભગવાન્‌ ભક્તપર નિર્ભર થઈ જાય, ભક્ત ભગવાન્‌પર નિર્ભર થઈ જાય, એવો નિર્ભર કે તેને આના વગર ચાલે નહીં અને આને તેના વગર ચાલે નહીં, આનું નામ, શ્રીમહાપ્રભુજી કહે છે કે પુષ્ટિભક્તિ છે. તેથી કોઈને ઉત્તેજના થાય કે ન થાય, ઉમંગ થાય કે ન થાય, કોઈ ચિન્તાની વાત નથી. પતિ -પત્નીના વચ્ચે ઉમંગ-ઉત્તેજના કેટલી હોઈ શકે? કોઈના પણ ઘરમાં જઈને જોઈ લો, વધારે નહીં હોય, પણ નિર્ભરતા અનેક ગણી હશે. આવી ચિન્તા વેશ્યાને હોતી નથી કારણ કે ત્યાં નિર્ભરતા હોતી નથી.

તો આ વાત ધ્યાનથી સમજો કે આપણને પ્રભુ પર નિર્ભરતા હોવી જોઈએ, ઉમંગ હોય કે ન હોય. ઉમંગની વધુ પડતી અપેક્ષા બંધીને મોહિત ન થાઓ. સ્નેહસમ્બન્ધની જે પરસ્પર નિર્ભરતા છે તેને જુઓ. ત્યારે શ્રીમહાપ્રભુજીની ભક્તિનો કેવો મૂડ છે તે આપણને સાચા અર્થમાં સમજાશે. આ પરસ્પરની નિર્ભરતાનું નામ જ શ્રીમહાપ્રભુજી પ્રેમ કહે છે.

પ્રેમ સિદ્ધ થઈ ગયો, પરસ્પર નિર્ભરતા થઈ ગઈ. ત્યાર પછી શ્રીમહાપ્રભુજીના મતે પ્રેમ પ્રકરણ પછી લીલામાં આગળની યાત્રા આસક્તિની છે. ‘ભક્તિવર્ધિની’માં શ્રીમહાપ્રભુજીએ ભક્તિની ત્રણ અવસ્થાઓ-પ્રેમ, આસક્તિ અને વ્યસન-દર્શાવી છે. પ્રભુમાં પ્રેમ સિદ્ધ થયા પછી ધીરે-ધીરે આપણું મન પ્રભુમાં આસક્ત થવા માંડશે.

દેહાધ્યાસરૂપી ધેનુકાસુરનો વધઃ

ભાગવતના આસક્તિ પ્રકરણમાં પ્રભુદ્વારા ધેનુકાસુરનો વધ થવાનું વર્ણન આવે છે. આ ધેનુકાસુર કઈ બલા છે તે શ્રીમહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે ધેનુકાસુર એ આપણો દેહાધ્યાસ છે. દેહાધ્યાસનો અર્થ એ કે આપણે આપણા દેહને જ ભ્રમવશ આપણો માની રહ્યા છીએ, આપણા આત્માને આપણો જાણતા નથી, આનું નામ દેહાધ્યાસ. આ દેહાધ્યાસ આપણામાં રહેલું ગધેડાપણું છે, ગધેડાપણું કેમ? કેમકે એટલી તો ગધેડાને પણ ખબર હોય. તમે પૂછશો કેવી રીતે ? શ્રીશપરાચાર્યજીએ આને માટે એક સરસ વાત કહી છે. તેઓ કહે છે કે ‘‘સમાન પશ્વાદિભિઃ પુરુષાણાં પ્રમાણપ્રમેય વ્યવહારઃ’’ પુરુષ અને પશુનો વ્યવહાર દેહાધ્યાસને લીધે એક જેવો જ હોય છે. કેવી રીતે? તેઓ કહે છે કે કોઈ ભલે ગમે તેવો મોટો પણ્ડિત હોય, પણ ડંડો લઈને કોઈ પણ્ડિતની પાછળ દોડે તો પણ્ડિત પણ જેમ ગધેડો ભાગે તેમ ભાગે છે. અને પણ્ડિતને જો તમે ભેટ ધરવા જશો તો તે તમને કહેશે કે ‘‘આવો ભાઈ આવો, બેસો, કેમ છો?’’ ગધેડો પણ જો તેની પાસે તમે ઘાસ લઈને જશો તો તે પણ કંઈ આવું જ કહેવા માંગશે. તેથી જ શ્રીશપરાચાર્યજી કહે છે કે પણ્ડિત હોય કે ગધેડો હોય, દેહાધ્યાસ તો બન્નેમાં એકસરખો જ હોય છે. તે જ કારણે શ્રીમહાપ્રભુજી કહે છે કે શરીર તો આપણું મનુષ્યનું છે પણ તેમાં આપણો દેહાધ્યાસ કંઈક ગધેડા જેવું વિદ્યમાન છે. તે જ ધેનુકાસુર છે જેનો પ્રભુએ લીલામાં વધ કર્યો છે.

પ્રભુમાં જ્યારે આપણી આસક્તિ થશે ત્યારે આપણો દેહાધ્યાસ શિથિલ થઈ જશે. દેહાધ્યાસ શિથિલ થવાનો અર્થ એ છે કે આપણે આપણા દેહને સર્વ કાંઈ નહીં માનીએ પણ આપણા પ્રભુને આપણું સર્વસ્વ માનવાનું શરૂ કરીશું. દેહ તો છે તે છે, પણ તે આપણા માટે સર્વકાંઈ નથી. આપણા માટે જો કાંઈ સર્વસ્વ હશે તો તે પ્રભુ હશે. આ ભાવના આપણી અંદર આસક્તિ સિદ્ધ થાય ત્યારે પ્રકટશે. તેથી શ્રીલાલૂભટ્‌ટજી કહે છે કે ‘‘અત્ર સેવાકર્તુઃ દેહસ્ય સ્વકીયત્વાધ્યાસો ગચ્છતિ’’. વ્રજભક્તો જેમ એવું કહે છે કે ‘‘આ દેહ અમને પ્રિય છે તેથી અમે તેને ધારણ કર્યો હોય તેવું નથી, પણ આ દેહથી તારી સેવા શક્ય બની છે તેથી અમે આ દેહને ધારણ કરી રાખ્યો છે’’. અહીં દેહમાંથી દેહાધ્યાસ શિથિલ થવાનું એક સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. પુષ્ટિભક્તો જ્યારે દેહ ધારણ કરે છે ત્યારે તે તેમને પ્રિય છે તેથી ધારણ કરે છે એવું નથી હોતું, પણ દેહની પણ ભગવત્સેવામાં ઉપયોગિતા છે તેથી ધારણ કરે છે.

વિષયાસક્તિરૂપ નાગનાદમનની લીલાઃ

જ્યારે દેહાધ્યાસ શિથિલ થશે, જ્યારે ધેનુકાસુર મરશે, એટલે કે આપણી અંદર રહેલો ગધેડો (દેહાધ્યાસ) ખતમ થશે; ગધેડો કહો કે ગધેડાપણું કહો એક જ વાત છે, તે ખતમ થશે ત્યાર પછી લીલામાં કાલીયનાગને પ્રભુએ નાથ્યો છે. આ કાલીયનાગ શું છે તે શ્રીમહાપ્રભુજીએ ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. કાલીનાગ જેમ યમુનામાં રહેતો એક ઝેરી નાગ હતો તેવી રીતે આપણી ભક્તિની યમુનામાં વિષયો પ્રત્યે આપણી જે આસક્તિ છે તે કાલીનાગની ઝેરી ફેણો છે. આંખોને રૂપ સારું લાગે છે, કાનને શબ્દ સારા લાગે છે, જીભને મઠડીનો સ્વાદ સારો લાગે છે, નાકને સુગંધ સારી લાગે છે. આ બધી વિષયાસક્તિ છે. આપણી આ વિષયાસક્તિ ભક્તિમાં બાધક પણ થઈ શકે છે અને સાધક પણ થઈ શકે છે.

તમે પૂછશો કે સાધક કેવી રીતે થઈ શકે અને બાધક કેવીરીતે થઈ શકે? આપણે ત્યાં વાર્તામાં આનું ખૂબ સુન્દર વર્ણન આવે છે. બે ભગવદીયો એક સાથે શ્રીગુસાંઈજી પાસે ગયા. બન્નેને પોતાના ઘેર ઠાકોરજી પધરાવવા હતા. શ્રીગુસાંઈજીએ એકને પૂછ્‌યું કે બોલ ભાઈ, તને ક્યા-ક્યા શોખ છે? તેણે કહ્યું કે મને તો કોઈ શોખ નથી. ત્યારે શ્રીગુસાંઈજીએ તેને કહ્યું કે તને ઠાકોરજી વિચાર્યા પછી પધરાવી આપીશ. બીજાને પૂછ્‌યું, તો તેણે કહ્યું કે મને થોડોક ખાવાનો શોખ ખરો!

શ્રીગુસાંઈજી એ તેને તરત જ ઠાકોરજી પધરાવી આપ્યા. પહેલો માણસ બિચારો ચકિત થઈ ગયો કે ખાવાના શોખવાળાને તમે શ્રીઠાકોરજી પધરાવી આપી રહ્યા છો અને હું વિરક્ત છું છતાં પણ મને પધરાવી આપતા નથી! ત્યારે શ્રીગુસાંઈજીએ ત્યાં ખુલાસો કર્યો કે આને ખાવાનો શોખ છે તો ઠાકોરજીને કાંઈ ભોગ તો ધરશે અને તું તો વિરક્ત છે. તું શું ઠાકોરજીની સેવા કરવાનો! તેથી મેં તેને ઠાકોરજી પધરાવી આપ્યા અને તને પધરાવી આપતો નથી. તો જુઓ વિષયાસક્ત માણસ જો ભક્ત બને તો પોતાની આસક્તિનો જે વિષય હોય તેનો પ્રભુસેવામાં વિનિયોગ કરીને સમર્પિત મહાપ્રસાદનો ભોગ કરીને પોતાનું જીવન સાર્થક કરી શકે છે અને સાથે-સાથે અલૌકિક ભોગના કારણે વિષય દ્વારા થતા અનિષ્ટથી બચી પણ શકે છે. આ પ્રસનમાં આપણે જોઈ શકીએ છીએ કે વૈષ્ણવની વિષયાસક્તિ ભક્તિમાં કેવી રીતે સાધક બની. આવી જ રીતે બીજા વૈષ્ણવની વિરક્તિ તેની ભક્તિમાં કેવી રીતે બાધક બની તે પણ આજ પ્રસનમાંથી આપણે સમજી શકીએ છીએ.

શ્રીલાલૂભટ્‌ટજી કહે છે કે

‘‘યથા કાલીયશિરાંસિ વિષયસંસૃષ્ટેન્દ્રિયરૂપાણિ ... ચરણારવિન્દેન ભક્તિરૂપેણ વિમર્દ્ય શોધિતાનિ. ... તથા ઇહાપિ વિષયોન્મુખાનિ ઇન્દ્રિયાણિ ભજનેન સંશોદ્ય ભગવત્પરાણિ ક્રિયન્તે’’.

શ્રીમહાપ્રભુજી નિબન્ધમાં બહુ સુન્દર વાત બતાવે છેઃ ‘‘યદ્‌યદ્‌ ઇષ્ટતમં લોકે યચ્ચાતિ પ્રિયમાત્મનઃ, યેન સ્થાન્‌ નિર્વૃતિશ્ચિતે તત્‌ કૃષ્ણે સાધયેદ્‌ ધ્રુવમ્‌’’. જે વસ્તુ તમને ગમે છે, જે વસ્તુ તમને સારી લાગે છે તેનાથી તમે શ્રીઠાકોરજીની સેવા કરો. જ્યારે એ તમારી જીવનશૈલી બની જશે કે જે જે વસ્તુ તમને સારી લાગે છે તેને તમે તમારા ઠાકોરજી સાથે સમ્બન્ધ કરાવ્યા પછી લઈ રહ્યા છો તો ધીમેધ ીમે તમારો સારો અથવા ખરાબ લાગવાનો વિવેક પણ ઠાકોરજી સાથે જોડાઈ જશે. ત્યારે તે ઝટ દઈને ભક્તિ બની જશે. અને જ્યારે સારા-બૂરાનો ઉપભોગ તમે તમારા માટે છે એમ વિચારશો તો તે તમારું સંસારપણું કહેવાશે, ભગવત્પરાયણતા નહીં કહેવાય. જેમ કોઈ સરસ કાપડ જોઈને તમારા મનમાં એવો વિચાર આવે કે આવા કાપડનું વસ્ત્ર મારા ઠાકોરજી માટે હોય તો કેટલું સરસ! બસ, તમારું મન ભક્તિમય થઈ ગયું. અને જે વખતે તમને એમ લાગે કે ‘‘આ કાપડ બહુ સરસ છે, મને પહેરવા લાયક છે’’ તો સમજી લો કે તમારું મન ભક્તિમય થવાને બદલે સાંસારિક થઈ ગયું. આ વાત ફરી ધ્યાનથી સમજો કે કોઈ વાર તમને કોઈ ગીત સારું લાગે, સારું ગીત તો કાનને ગમે જ, ત્યારે તમને એવી ઇચ્છા થાય કે એક વાર આ ગીત ઠાકોરજીની સામે ગાઉં તો કેવું? તો તે ગીતનું સારું લાગવું પણ તમારી ભક્તિ બની જશે અને તે ગીત તમે ઠાકોરજીને સંભળાવવાને બદલે મજાક- મસ્તીમાં જો ગાવા લાગો તો તે તમારી વિષયાસક્તિ થઈ જશે. સમજી લો કે તમને દાલ-બાટી-ચૂરમું ખૂબ ભાવે છે, પણ એક વાર તમને એવો ભાવ જાગે કે વરસાદ પડી રહ્યો છે, ઠંડક પણ છે, તો આજે ઠાકોરજીને દાલ-બાટી-ચૂરમાનો ભોગ ધરીએ તો કેવું? તો સમજો કે આ ભક્તિ થઈ ગઈ. પણ જ્યારે તમને એવી લાગણી થાય કે હમણાં શ્રાવણમાસ ચાલે છે, વરસાદ પડે છે, ઠંડક પણ સારી એવી છે તો ચાલો મજા કરીએ, દાલ-બાટી-ચૂરમું ખાઈશું. તો આ વિચાર સંસાર થઈ ગયો. ફરક આટલો જ છે. એક લાઈનના હેરફેરમાં ભક્તિ અને સંસાર છે.

ભગવાન્‌ સાથે મજા માણવાનો ભાવ ભક્તિઃ

ભક્તિ ન તો ત્યાગ પર નિર્ભર છે, ન ભોગ પર નિર્ભર છે. ભક્તિ તો જે કાંઈ આપણે કરી રહ્યા છીએ તેની ભગવાન્‌ સાથે મજા માણવાની વાત છે. આપણે આપણી મજા ભગવાન્‌ સાથે લઈ રહ્યા છીએ તેનું નામ ભક્તિ છે. એક શાયર કહે છેઃ ‘‘જિસે તૈશમેં ખોફ એ ખુદા ન રહા, જિસે ઐશમેં યાદ એ ખુદા ન રહી’’.તમે ઐશ (મોજમજા) કરો છો ત્યારે જો તમને ભગવાન્‌ યાદ આવે છે તો એનો અર્થ એ કે તમે ભક્ત છો. તૈશ (ગુસ્સો) આવી રહ્યો હોય ત્યારે તમને જો ભગવાનનો ગુસ્સો યાદ આવી રહ્યો છે તો બસ, તમે ભક્ત જ છો. અને જો તમે તમારો ગુસ્સો પોતાનો કરી લીધો, તમારો ઐશ (મોજમજા) જાતે કરી લો તો તમે કદાચ જ્ઞાની થઈ શકો છો, વિદ્વાન્‌ થઈ શકો છો, કાંઈ પણ થઈ શકો છો, પણ ભક્ત તો નથી જ થતા એ વાત સ્પષ્ટ રીતે સમજવી જોઈએ. તેથી આપણા ઐશમાં આપણને ભગવાન્‌ યાદ આવે એ પહેલી શરત છે. જેમ કોઈ સારી ફરવાલાયક જગ્યાએ આપણે ગયા હોઈએ ત્યાં આપણા મનમાં એવો વિચાર આવે કે મારો મિત્ર જો મારી સાથે હોત તો! કોઈ સારી જગ્યા જોઈને તમને એ ભાવ જાગે કે એક દિવસ ઠાકોરજીને પધરાવીને જઈએ તો! તો સમજો કે ફરવાની ઇચ્છા તમારી ભક્તિ બની ગઈ. પણ જ્યારે તમે સારી-સારી જગ્યાએ ફરીને આવ્યા અને ઠાકોરજીને દણ્ડવત્‌ પ્રણામ કરીને કહેવા માંડો કે ભાઈ, તમે આ દુનિયા બહુ સરસ બનાવી છે, કેવી કેવી જગ્યાએ ફરી આવ્યા, તો સમજો કે તમે ઠાકોરજીના કૃતજ્ઞ તો કદાચ છો પણ ઠાકોરજીના ભક્ત તો નથી. કારણ કે ભક્તિમાં તો તમારે ભગવાનની સાથે મજા લેવી જોઈતી હતી. આ મુખ્ય વાત છે. આ વાત ક્યારે સ્થિર થશે? ત્યારે કે જ્યારે તમારી ભગવદાસક્તિ સ્થિર થશે. જ્યારે તમારી ભગવદાસક્તિ સ્થિર થશે ત્યારે તમારું ઇન્દ્રિયાભિમાન દૂર થશે. આ ક્રમ છે.

દાવાનલનું પાન અને ઇન્દ્રિયાધ્યાસ નિવૃત્તિઃ

લીલામાં ઇન્દ્રિયાભિમાન કેવી રીતે દૂર થાયો? શ્રીલાલૂભટ્‌ટજી કહે છે કે કાલીનાગને નાથ્યા પછી લીલામાં જે દાવાગ્નિ પ્રકટ થયો તે ભક્તોની ઇન્દ્રિયોનું અભિમાન હતું. આપણી દરેક ઇન્દ્રિયમાં દાવાગ્નિ બળી રહ્યો છે. દાવાગ્નિ એટલે કે જંગલમાં (આપોઆપ) લાગતી આગ કે જે હોલવવાથી હોલવાતી નથી. આવું ઇન્દ્રિયાભિમાન, ઇન્દ્રિયાધ્યાસનો દાવાનલ આપણી બધી ઇન્દ્રિયોમાં બળી રહ્યો છે. ઇન્દ્રિયાભિમાનનો આ દાવાનલ ક્યારે એની મેળે હોલવાઈને શાંત થઈ જશે અથવા તમારી વિષયાસક્તિ જ્યારે ભગવન્મુખ થઈ જશે ત્યારે તમને જાતે જ આ વાત સમજાશે કે જે પણ કંઈ સારું હોય તે ઠાકોરજી સાથે ભોગવવા લાયક છે અને જે ચીજ ઠાકોરજી સાથે ભોગવવા લાયક નથી તે સારી નથી. આ વાત તમને કહ્યા વગર પણ સમજાઈ જશે.

અન્તઃકરણના દોષરૂપ પ્રલમ્બાસુરનો વધઃ

જ્યારે ઇન્દ્રિયાભિમાનરૂપી દાવાગ્નિનું પ્રભુએ પાન કર્યું ત્યાર પછી ત્યાં પ્રભુએ પ્રલમ્બાસુરનો વધ કર્યો છે. પ્રલમ્બાસુરનું સ્વરૂપ શ્રીમહાપ્રભુજીએ બહુ સુન્દરરીતે સમજાવ્યું છે કે તે આપણા મન, બુદ્ધિ, અહપાર અને ચિત્ત માં રહેલા ભક્તિ વિરોધી દોષોનું સ્વરૂપ છે. તેને પ્રભુ કેવી રીતે દૂર કરશે? તો બતાવે છે કે જ્યારે ઇન્દ્રિયાભિમાન નહીં રહે, જ્યારે દેહાધ્યાસ શિથિલ થઈ જશે, જ્યારે વિષયોનો આનન્દ માણવાનો ક્રમ પ્રભુ સાથે જોડાઈ જશે ત્યાર પછી ધીરે-ધીરે અન્તઃકરણ સ્વયં તે તરફ ઢળી જશે.

એક વાત સમજો આ એક રહસ્ય છે. આંખને જોવું સારું લાગે છે, કાનને સાંભળવું સારું લાગે છે, જીભને સ્વાદ સારો લાગે છે, ચામડીને સ્પર્શ સારો લાગે છે. એવી રીતે મનને શું સારું લાગે છે? મન સુધી આમાંની કઈ ચીજ પહોંચે છે?

એક પણ નહીં. શું મન રોટલી ખાય છે? શું મન ગીત સાંભળે છે? શું મન રૂપ જુએ છે? મન કાંઈ કરતું નથી. મન શું કરે છે? આંખ જે રૂપ જુએ છે તે આંખને મન જુએ છે. કાન જે ગીત સાંભળે છે તે કાનપર મન ધ્યાન રાખે છે; જીભ જે સ્વાદ લે છે તે જીભપર મન ધ્યાન રાખે છે. ચામડી જે સ્પર્શની મજા લે છે તે ચામડીપર મન ધ્યાન રાખે છે. તો મન તો એવું છે કે બહારની ઇન્દ્રિયોદ્વારા તેને જે વસ્તુની ટેવ પાડવામાં આવે છે તેમાં તે મજા માણવા લાગે છે. તમે જો તેને ભગવાનની ટેવ પાડી દેશો તો તમારું મન ભગવાનમાં મજા લેવા માંડશે. તમે માનું દૂધ પીતા કોઈ નાના બાલકને જોજો. તેને જો તમે ખાંડવાળું દૂધ પીવડાવશો તો તે મોઢું બગાડશે. તેને ખાંડવાળું દૂધ જલદી ભાવતું નથી હોતું. પણ જો તે વારંવાર ખાંડવાળું દૂધ પીવા માંડશે પછી બાલકને મોળું દૂધ ભાવવું બંધ થઈ જશે. શા માટે ? કારણ એ જ છે કે જીભ જો ખાંડવાળું દૂધ પીતી હોય તો મન પણ ખાંડવાળા દૂધની મજા માણશે. જીભ જો મોળું દૂધ પીતી હશે તો મન મોળા દૂધની મજા માણશે. બાલકને મરચું ખવડાવીએ તો તે રડવા માંડશે, આંખોમાં આંસુ આવશે. પણ રોજ થોડુંક-થોડુંક મરચું ખવડાવતા જાઓ. એક મુકામ એવો આવશે કે જ્યારે તેને મરચાં વગરનું ભાવતું જ બંધ થઈ જશે. તો જુઓ, મન કોની મજા માણે છે? મન મરચાની મજા માણતું નથી, મન તો જીભની મજા લઈ રહ્યું છે. જીભને જે ટેવ પાડીએ તેની મજા મન માણશે. કાનને જે ટેવ પાડીશું તેની મજા મન માણસે. ચામડીને જે ટેવ પાડો તેની મન મજા માણશે.

આર્યસમાજના સ્થાપક શ્રીદયાનન્દ સરસ્વતીનો ખૂબ સુન્દર પ્રસન આવે છે. હૃષીકેશ યા હરિદ્વાર માં ડિસેમ્બરની ઠંડીમાં તે ખુલ્લા શરીરે બેઠા હતા. એક અંગ્રેજે જઈને તેમને પૂછ્‌યું કે મહારાજ! તમને ઠંડી લાગતી નથી? દયાનન્દજીએ ખૂબ મજાની વાત કહી. તેમણે પેલાને પૂછ્‌યું કે તને ઠંડી લાગે છે? તો તેણે કહ્યું કે બહુ ટાઢ વાય છે. ત્યારે તેમણે કહ્યું કે તમે તમારા મોં પર તો કપડું પહેર્યું નથી! તો અંગ્રેજ બોલ્યો કે મોંને તો ઉઘાડા રહેવાની ટેવ છે. તો જુઓ વાત ટેવ/આદતની છે.

આપણું મન વિષયનો આનન્દ માણતું નથી. મન ઇન્દ્રિયોદ્વારા થતી અનુભૂતિઓનો આનન્દ માણે છે. મનને કાયમ જે અનુભૂતિની ટેવ તમે પાડશો તેનો તે મન આનન્દ માણવા લાગશે. આપણે આપણી ઇન્દ્રિયોને ભગવદાનન્દની અનુભૂતિની ટેવ પાડી દીધી તો મન ત્યાં આનન્દ માણવા લાગશે. મન જ્યારે તે આનન્દ લેવા માંડશે એનો અર્થ એ કે પ્રલમ્બાસુરનો વધ થઈ ગયો. મન પ્રલમ્બ છે. ‘પ્રલમ્બ’ એટલે જેનું ખાતું લાંબુ ચાલે તે. એ બધા કરતાં છેલ્લું કાબૂમાં આવે.

આપણે એવું વિચારીએ કે પહેલાં મનને વશ કરી લઈએ, પણ મન વશ થતું નથી, (કાબૂમાં આવતું નથી). કેમ નથી આવતું? વાત સમજો કે જે માણસ સિગારેટ ફૂંકતો હોય તેને જ્યારે સિગારેટ ફૂંકવા ન મળે તો તેને સુસ્તી લાગશે, તકલીફ થશે. પણ તમે વિચારો કે જ્યારે તેને સિગારેટ ફૂંકવાની ટેવ પડી નહોતી ત્યારે શું તેને તકલીફ થતી હતી? સુસ્તી આવતી હતી? ના. કેમ? ત્યારે મન ત્યાં લાંબુ થયું નહોતું. પણ જ્યારથી તેણે ફૂંકવાનું શરૂ કર્યું ત્યારથી ધીરે-ધીરે સિગારેટ ફૂંકી-ફૂંકીને તેનું મન ત્યાં લાંબુ થઈ ગયું. એમ કરીને હવે તે સિગારેટ ન ફૂંકે તો તેને તકલીફ થાય છે. તો જુઓ મન પ્રલમ્બ છે. એનું કામ જ એવું છે કે તમે ઇન્દ્રિયોની જે અનુભૂતિમાં તેને ફસાવી દો તેમાં તે લાંબુ થઈને ફસાઈ જાય.

પ્રલમ્બાસુરનો વધ ત્યારે જ થઈ શકે કે જ્યારે ઇન્દ્રિયાભિમાન શિથિલ થઈ જાય, દેહાધ્યાસ શિથિલ થઈ જાય. અને જ્યારે પ્રલમ્બાસુરનો વધ થઈ ગયો તેના પછી પંચપર્વા અવિદ્યામાંથી અન્તિમ (છેલ્લું) પર્વ ‘સ્વરૂપવિસ્મૃતિ’રૂપી અજ્ઞાનનો વારો આવશે. આ કયું અજ્ઞાન છે? આપણે પરમાત્માને માનવાને બદલે પોતાની જાતને કંઈ માની બેઠા છીએ. આ આપણું અજ્ઞાન છે. આ વાત તો ઘણી નાની છે. પહેલાં પણ મેં આપને આ વાત સમજાવી હતી. જેમ હમણા અહીં કોઈ તમને પૂછે કે તમે ક્યાં રહો છો તો તમે શો જવાબ આપશો? તમે તમારા ઘરનું નામ આપશો. શું તમે એમ કહેશો કે કિશનગઢમાં રહું છું? ના. શું તમે એમ કહેશો કે રાજસ્થાનમાં રહું છું? ના. પણ જ્યારે તમે રાજસ્થાનની બહાર જાઓ અને ત્યાં તમને કોઈ પૂછે કે ક્યાં રહો છો? તો તમે કહેશો કે રાજસ્થાનમાં રહું છું. એવી જ રીતે કિશનગઢમાં કોઈ પૂછે કે ક્યાં રહો છો? તો આપણે એમ નહીં કહીએ કે કિશનગઢમાં રહું છું. આપણે કહીશું નવા શહેરમાં કે જૂના શહેરમાં રહો છો. કિશનગઢના જ નવા શહેરમાં કોઈ તમને પૂછે કે તમે ક્યાં રહો છો? તો કોઈ એમ નહીં કહે કે નવા શહેરમાં રહું છું. કહેશે કે ફલાણા મહોલ્લામાં રહું છું. તો જુઓ, દર વખતે આપણે આપણી ટેવ પ્રમાણે કંઈક નાનું જ પકડીએ છીએ. મોટું પકડવા માંગતા નથી એવી જ રીતે આપણે આપણા આત્માને જ પકડવા ઇચ્છીએ છીએ, પરમાત્માને પકડવા ઇચ્છતા નથી. આપણને ટૂંકું વિચારવાની આદત પડી ગઈ છે. આપણી દૃષ્ટિની ક્ષિતિજ ટૂંકી થઈ ગઈ છે. તેથી આપણને ટૂંકુ જ દેખાય છે. જ્યારે પણ વિચારીએ ત્યારે નાનુંજદ્ગદ્ગટૂંકુંજ સમજાય છે. મોટી વાત આપણી સમજમાં આવતી નથી. અને મોટી વાત જો ક્યારેક આપણે કરીએ છીએ તો લોકો આપણને પાગલ સમજતા હોય છે. કારણ કે જ્યારે આખું ગામ પાગલ છે તો એક માણસે સમજદાર થવું એ ગાંડપણ છે. આપણે પાગલખાનામાં જઈએ તો બધા પાગલો આપણને પાગલ જ સમજશે કારણ કે ત્યાં પાગલપન (ગાંડપણ) જ વિવેક છે અને જે વિવેક છે તે પાગલપણું છે. તેવી જ રીતે આ દુનિયામાં દરેક પ્રકારની ટૂંકી બુદ્ધિ, લઘુતા, સ્વાર્થ જ વિવેક છે અને વિશાળ અનુભૂતિ પાગલપણું છે. તો સમજવા જેવી વાત એ છે કે જ્યારે આપણી અંદર રહેલો પ્રલમ્બાસુર મરે ત્યારે આપણને વિશાળ (વ્યાપક) અનુભૂતિ થવાની શરૂઆત થઈ શકશે કે આપણી હકીકત આત્મા નથી, પણ આપણી હકીકત પરમાત્મા છે.

વેણુવાદનઃ

આપણું અજ્ઞાન જ્યારે દૂર થાય ત્યારે લીલાનું વર્ણન કરતાં ભાગવતમાં પ્રસન આવે છે કે ભગવાને વેણુવાદન કરીને ગોપિકાઓનાં મન સમ્પૂર્ણ રીતે પોતાનામાં આત્મસાત એકરૂપ કરી દીધા. ત્યારે ભગવાનની બંસરી વાગવી શરૂ થઈ, ભગવાનની બંસરી ત્યારથી સંભળાવા માંડી.

એક વાત ધ્યાનથી સમજો કે ભગવાને વેણુ તો વૃન્દાવનમાં વગાડતા હતા અને ગોપિકાઓ ભગવાનની વેણુ વ્રજમાં સાંભળતી હતી. તો શું ભગવાન્‌ ટેલિફોનમાં વાંસળી વગાડતા હતા કે ટી.વી.માં વગાડતા હતા? ત્યાં ન તો લાઉડસ્પીકર હતું, ન ટેલિવિઝન હતું, ન ટેલિફોન હતો. ત્યાં તો જે હતું તે ભગવાન્‌ જે કાંઈ વૃન્દાવનમાં કરી રહ્યા હતા તેનું દર્શન કરવાનો ભાવ હૃદયમાં જાગી રહ્યો હતો. દિલ એ વાત કહી રહ્યું હતું. અંગ્રેજીમાં તેને ઇંટ્યુશન (અન્તઃસ્ફુરણા) કહે છે. ઘણી વાર આપણી સાથે એવું થાય છે કે આપણો કોઈ મિત્ર આવવાનો હોય તેની આપણને ખબર ન હોય છતાં આપણું દિલ પહેલેથી જ કહી દે કે આજે ફલાણો આપણે ત્યાં આવવાનો છે. કોઈ જવાનું હોય તો પહેલેથી જ આપણું દિલ ગભરાઈ જાય, અન્તઃસ્ફુરણા થઈ જાય છે કે કોઈક જવાનું છે. તેવી જ રીતે ભગવદ્‌ભક્તોનું અન્તઃકરણ તે સમયે એટલું ભગવદાત્મક થઈ ગયું હતું કે વૃન્દાવનમાં વાગતી વેણુ તેમને વ્રજમાં સંભળાવા લાગી. આજ રીતે જ્યારે પ્રભુ આપણને બોલાવવા વેણુ વગાડશે તો એ વેણુ પણ આપણને આપણા અન્તઃકરણમાં સંભળાવા લાગશે. રવીન્દ્રનાથ ટાગોરે એક બહુ સુન્દર કવિતા લખી છે. તેઓ કહેછેઃ

‘‘મને અચાનક રાત્રિમાં વેણુના સૂર સંભળાવા લાગ્યા અને તે વેણુના સૂરોની દિશામાં આગળ વધતાં-વધતાં હું તારા દ્વાર સુધી પહોંચી ગયો. મેં જોયું નહીં કે હું રસ્તા પરથી પસાર થયો કે પગદંડીથી. મેં જોયું નહીં કે હું રસ્તા પરથી કે ઉંચા-નીચા ખાડા-ટેકરાવાળી જમીન પરથી પસાર થયો. હું તારા બારણાં સુધી પહોંચ્યો અને જ્યારે તારા દરવાજે પહોંચ્યો ત્યારે મોટા- મોટા સિદ્ધ મુનિ ત્યાં બેઠેલા હતા. એમણે મને પૂછ્‌યું કે તું ક્યાંથી આવ્યો છે? ત્યારે મેં કહ્યું કે મને ખબર નથી કે હું ક્યાંથી આવ્યો છું. હું તો વેણુની ધૂન સાંભળતાં-સાંભળતાં આવી ગયો. તેમણે કહ્યું કે અમે આ માર્ગથી આવ્યા છીએ, પણ હજુ સુધી અમારા માટે દરવાજો ખુલ્યો નથી. તને તો ખબર પણ નથી કે તું ક્યાંથી, કયા રસ્તેથી આવ્યો છે, તો તારા માટે તો દરવાજો ક્યાંથી ખુલશે ? તે સમયે પ્રભુ! આપે આપનો દરવાજો ખોલ્યો અને ખેંચીને મને અંદર લઈ લીધો. પેલા બધા બૂમો પાડતા રહ્યા કે પ્રભુ! આ કોઈ માર્ગ દ્વારા નથી આવ્યો’’.

વ્રજની કોઈ(પણ)ગોપી કોઈ શાસ્ત્રીય માર્ગે થઈને ગઈ નહોતી. પોતાની જાતે જ પહોંચી ગઈ હતી. કોઈ ટોર્ચ-બેટરી લઈને ગઈ

નહોતી. તેમને ફક્ત વેણું સંભળાઈ રહી હતી. ‘‘સર્વપ્રવાહઃ સર્વત્ર સ્વાનુકૂલ્યેન દર્શતિ, વેણુગીતપ્રવાહસ્તુ પ્રાતિકૂલ્યેન કર્ષતિ’’. બધા પ્રવાહો જ્યાંથી વહે છે અને જે દિશામાં વહે છે તે તરફ વહેવડાવે છે. પરન્તુ વેણુગીતનો પ્રવાહ એવો છે કે જે તેમાં પડે છે તેને જ્યાંથી તે વહે છે ત્યાં તેને ખેંચીને લઈ જાય છે. તો ભગવાનનો જીવને પોતાની તરફ બોલાવવામાટે વેણુગીતનો જે પ્રવાહ છે તે અન્તઃકરણમાં ત્યારે સ્ફુરશે અને ત્યારે આપણે પ્રભુ તરફ ખેંચાઈને પહોંચી જઈશું. તેમાં માર્ગ, સાધના, પ્રકાશ, અપ્રકાશ ના બધા જ ક્રાઈટેરીયા સમાપ્ત થઈ જાય છે.

અન્તમાં ઠાકોરજી વેણુગીતના પ્રવાહથી આપણને પોતાના તરફ ખેંચતા રહે તેવી આપ સૌને માટે શુભકામના. સાથે શ્રીમહાપ્રભુજીની આપણા પર એવી કૃપા વરસે કે સેવાનો જે ભાવ શ્રીમહાપ્રભુજી આપણને સમજાવવા માંગે છે તે ભાવ પ્રત્યે પ્રભુની એવી વેણુ વાગે કે આપણે તે ભાવમાં ખેંચાઈને, શ્રીમહાપ્રભુજીને જે રીતની ભગવત્સેવા પસંદ આવે છે તેવી રીતે તે સેવા કરતા થઈ જઈએ. ગામને પસંદ પડે તેવી સેવા નભે તો પણ શું અને ન નભે તો પણ શું? ગામ સાથે આપણે શી લેવા-દેવા? આપણને તો શ્રીમહાપ્રભુજી સાથે કામ છે. શ્રીમહાપ્રભુજીને જેવી સેવા પસંદ આવે તેવી સેવા આપણે કરીએ. જો આપણે આવી સેવા કરી શકીએ તો આપણે વ્રજને જીવી રહ્યા હોઈશું. વ્રજલીલાને જીવી રહ્યા હોઈશું.

।।પરિશિષ્ટ।।

ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા।।

ષડ્‌ભિર્‌ વિરાજતે યોઽસૌ પઞ્ચધા હૃદયે મમ।।

ચતુર્ભિઃ વિરાજતે (જન્મપ્રકરણ)

દશમસ્કન્ધના પ્રથમ ચાર અધ્યાય જન્મપ્રકરણ કહેવાય છે. આ અધ્યાયોમાં ભગવાન્‌ ભૂતલ પર શા માટે પ્રકટ થયા, ભૂતલ પર પ્રકટ થવા ભગવાને શું-શું કર્યું વગેરે વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

જન્મપ્રકરણના ચાર અધ્યાયો પછી બીજું તામસપ્રકરણ શરૂ થાય છે.

ચતુર્ભિઃ વિરાજતે (તામસપ્રકરણ)ઃ

પહેલા સાત અધ્યાયોમાં ભગવાનને જાણવાનાં જે બધા પ્રમાણો છે તે ભગવાને પ્રકટ પણ બતાવી દીધા છે કે ભાઈ આ બધા પ્રમાણોમાં રહેલો હું ભગવાન્‌ છું. બીજી બાજુ વ્રજભક્તો કહી રહ્યા છે કે તે પ્રમાણ નથી. અમારા દિલમાં જે વસી ગયું છે કે તું અમારો બાલક છે, તું અમારો દોસ્ત છે, તું અમારો પ્રિયતમ છે તે વાત પ્રમાણ છે. આ તામસ પ્રમાણ છે. કારણ કે ભગવાન્‌ બતાવી રહ્યા છે કે જોઈ લો મારા મુખમાં સમસ્ત બ્રહ્માણ્ડ સમાયેલું છે, પ્રત્યક્ષ બતાવી દીધું. વ્રજભક્તો કહે છે કે પ્રત્યક્ષ એ પ્રમાણ નથી. યશોદાજી શું કહે છે કે આના મુખમાં જે બ્રહ્માણ્ડ દેખાય છે તે પ્રમાણ નથી. તે તો કાંઈ ભૂતબાધા લાગે છે. તો પ્રમાણ શું છે? મારું દિલ કહે છે કે આ મારું બાલક છે આ પ્રમાણ છે. આ પ્રમાણને શ્રીમહાપ્રભુજી કહે છે કે આ તામસ પ્રમાણ છે. કારણ કે ભગવાનની હકીકતનો સ્વીકાર કર્યા વગર આપણા ભાવને પ્રધાનતા આપવી તે ભગવાનને જાણવામાં તામસ પ્રમાણ છે. એ પ્રમાણથી ભગવાનનું જે સ્વરૂપ પ્રકટ થશે તેને ‘પ્રમેય’ કહીએ છીએ. ત્યાર તો પછી તે પ્રમેય પણ તામસ પ્રમેય જ હશે. ત્યાં પાછું પેલું પ્રમેય તો પ્રકટ નહીં થાય કે જે ભગવાનનું પોતાનું સ્વતન્ત્ર નિરપેક્ષ સ્વરૂપ છે. ત્યાં તો તે જ પ્રમેય પ્રકટ થશે જે રીતે ભક્ત પોતાના પ્રમાણના હિસાબે ભગવાનને જાણવા માંગે છે.

એક વાત સમજો, ધારો કે તમે લીલા રંગના ગોગલ્સ પહેર્યાં છે. હવે તમને લીલી વસ્તુ પણ લીલી દેખાશે અને સફેદ પણ લીલી જ દેખાશે. હવે લોકો- દુનિયા તમને કહેશે કે ભાઈ, આ લીલી નથી, સફેદ છે. તમે કહેશો કે મને આંખથી લીલું દેખાઈ રહ્યું છે તો હું શું કરું? હવે તમને કોણ કહે કે તમે લીલા ચશ્મા ઉતારી નાંખોઃઆવું જ્યારે ભગવાને ભક્તોને કહ્યું નથી કે તમે તમારી ભક્તિનાં ચશ્મા ઉતારી નાંખો તો બીજા કોની તાકાત છે કે આપણને એમ કહે કે તમે તમારા ભક્તિનાં ચશ્મા ઉતારીને ભગવાનને જુઓ. જે ભક્તિના ચશ્મા આપણે પહેર્યાં છે તે ચશ્માથી આપણને ભગવાન્‌ જેવા દેખાય છે તેવું જ તેમનું આપણે વર્ણન કરીશુંને. તમને દેખાતું હશે કે ભગવાન્‌ વિશ્વવ્યાપી છે, તમને દેખાતું હશે કે એના મુખમાં બ્રહ્માણ્ડ છે. અમને દેખાય છે કે આની અંદર કાંઈ ભૂતબાધા છે. અમને અમારી ભક્તિનાં ચશ્માથી આવું જ દેખાય છે, અમે એ જ વાત માનીશું. આનું નામ તામસપ્રમેય છે.

આમ જ્યારે તામસપ્રમાણ અને તામસપ્રમેય સ્થિર થઈ ગયા ત્યારે એ પ્રમેયને પામવાનાં જે સાધનો હશે તે પણ તામસ જ હોવાનાં, ભક્ત એમ કહેશે કે જે રીતે અમે તને મેળવવા ઇચ્છીએ છીએ તેવી જ રીતે તને મેળવીશું. તું જે રીતે અમને મળવા માંગતો હોય તે રીતે અમે તને નહીં મળીએ, જાઓ.

ઔરંગઝેબના જમાનામાં સરમદ થઈ ગયો. તેણે એક વાત બહુ સરસ રીતે કહી છે. તે કહે છેઃ સરમદ અગર ઉ વફાસ્ત ખુમિઆયદ્‌ વર અશ મદનશ રવાસ્ત ખુદ મિઆયદ્‌ બેહૂદાચરા દરપએ ઉમી ગરદી અગર ઉ ખુદાસ્ત ખુદ મિઆયદ્‌ ખુદાનો અર્થ થાય છે ‘ખુદ આ’ જાતે જે આવે છે તેનું નામ ‘ખુદા’. તો એ કહે છે કે કોણ આવે તે સારું છે? તનું કે મારું? ભાઈ, આવવું તો તેનું જ સારું છે, કારણ કે હું ત્યાં જઈશ તો અહીં બધા લોકો રડશે કે મરી ગયો, મરી ગયો, મરી ગયો. તે અહીં આવે તો કોઈ રડશે? તેણે ખુદ જાતે જ આવવું જોઈએ. તેથી તે એવા નિષ્કર્ષ પર પહોંચે છે કે ‘‘બેહૂદા ચરા દરપએ ઉમિગર્દિ’’ તો જ્યારે તે જાતે- ખુદ આવવાનો છે તો હું શા માટે ઘેર-ઘેર ભટકું? જો તે ખુદા છે તો તેણે મારી પાસે આવવું જોઈએ, હું એને શોધવા કેમ જાઉં? જુઓ, આ તામસભાવ છે. આ સાત્ત્વિકભાવ નથી. તમે એમ નહીં કહી શકો કે સરમદના હૃદયમાં ભગવાન્‌ પ્રત્યે સ્નેહ નથી. સ્નેહ તો પૂરેપૂરો ભરેલો છે, પણ તે સ્નેહનો જે રંગ છે તે તામસ છે. તેથી તે ભગવાનને માટે પણ એમ જ કહે છે કે જો તે ખુદા છે તો ખુદ આવશે. હું કેમ ભટકું? બેહૂદી રીતે અહીં-તહીં મંદિરમાં, મસ્જિદમાં શા માટે જાઉં? આપણે ત્યાં કહેવામાં આવેલું છે કે ‘‘જોપેં અપને કરમ કર ઉતરોં હોં પાર તો હોં હી કર્તાર, કર્તાર તુમ કાહેકે!’’આ તામસભાવ છે. બધા વ્રજભક્તો સાધન પણ આ રીતે જ કરવા માંગે છે ભગવાનને મેળવવા માટે. તેઓ કહે છે કે ‘‘આવીજા તું અમારી પાસે જ્યારે અમે બોલાવીએ છીએ. અમે તારી પાસે શા માટે આવીએ? તું અમારી પાસે કેમ આવતો નથી? શું ચક્કર છે, શી તકલીફ છે તને એ બતાવો? આપણે ત્યાં ‘ખુદા’ શબ્દ નથી, પણ આપણો ભાવ તો એ જ છે કે જો તું ‘ખુદા’ છે તો ખુદ આવી જા. અમે તારી પાસે નહીં આવીએ. આ ભાવ તામસસાધનનો ભાવ છે. આ તામસભાવના સાધનને આધીન થઈને જ્યારે પરમાત્મા પ્રકટ થઈ જાય છે તો તેને તામસફલ કહેવામાં આવે છે તેથી કહેવામાં આવે છે કે તેનું ફલ તામસ જ તેને મળ્યું. તે ભગવાન્‌ પાસે ન ગયા, ભગવાન્‌ તેમની પાસે આવી ગયા. અંગ્રેજીમાં ખૂબ સુન્દર કહેવત છે ‘‘ઇફ મહમ્મદ કેન નોટ ગો ટુ માઉન્ટેઈન, માઉન્ટેઈન વિલ્‌ કમ ટુ મહમ્મદ’’. મહમ્મદ જો પર્વત પાસે ન જઈ શકે તો પર્વતે મહમ્મદ પાસે આવવું જોઈએ. આ તામસ ફલવાળી વાત છે કે અમે ત્યાં જઈ શકતા નથી. ભાઈ, અમે ક્યાં થઈને જઈએ? શા માટે જઈએ? વૈકુણ્ઠના નાથે મારે ત્યાં આવવું જોઈએ. આને તામસફલ કહેવાય છે.

તો આ પ્રકારે ભાગવતના દશમસ્કન્ધના જન્મપ્રકરણમાં પહેલા ૧ થી ૪ અધ્યાયો પછી ૫ થી ૧૧ આ સાત અધ્યાય તામસ પ્રમાણ પ્રકરણના છે. ત્યાર પછીના ત્રણ પ્રક્ષિપ્ત અધ્યાયો (૧૨, ૧૩, ૧૪)ને છોડીને ૧૫ થી ૨૧ અધ્યાય આ સાત અધ્યાય તામસ પ્રમેય પ્રકરણના છે તેના પછી ૨૨ થી ૨૮ અધ્યાયો આ સાત અધ્યાયો તામસ સાધન પ્રકરણના છે. તેના પછી ૨૯ થી ૩૫ આ સાત અધ્યાય તામસફલ પ્રકરણના છે.

ચતુર્ભિઃ વિરાજતેઃ(રાજસપ્રકરણ)ઃ

ત્યાર પછી બીજું રાજસપ્રકરણ શરૂ થાય છે. એમાં પણ પહેલાની જેમ જ સાત-સાત અધ્યાયના પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ એ પ્રકારે ચાર પ્રકરણ છે. અહીં વ્રજલીલા સમાપ્ત થઈને મથુરાલીલા શરૂ થાય છે. મથુરાલીલા સાથે સમ્બન્ધ ધરાવતા ભક્તોના રાજસભાવ હોવાથી એનું પ્રમાણ પણ રાજસ છે, એનું પ્રમેય પણ રાજસ છે, સાધન પણ રાજસ છે અને તેમને જે ફલ મળ્યું તે પણ રાજસ પ્રકૃતિનું મળ્યું. તાત્પર્ય એ છે કે રાજસભાવમાં, તામસભાવમાં જેવી આગ્રહશીલતા છે, તેવી આગ્રહશીલતા નથી કે અમે જે માની લીધું તે જ બરાબર છે. તેથી આ રાજસપ્રકરણ છે.

ત્રિભિઃ વિરાજતે (સાત્વિક પ્રકરણ)ઃ

ત્યાર પછી ‘ત્રિભિઃ’-ત્રણ રીતે આવે છે. અહીંથી દ્વારકાલીલા સમ્બન્ધી પ્રકરણ શરૂ થાય છે. આને શ્રીમહાપ્રભુજી સાત્ત્વિક પ્રકરણ કહે છે. કારણ કે તે સમય સુધી બધા લોકોએ શ્રીકૃષ્ણને કાન પકડીને ભગવાન્‌ માની લીધા હતા. અને સ્વયં ભગવાને પણ, જ્યાં સુધી આપ મથુરામાં હતા ત્યાં સુધી પોતાના જે બે જ શ્રીહસ્ત (હાથ) પ્રકટ રાખ્યા હતા તેને સ્થાને, કાલયવનને આપનો પીછો પકડ્યો અને ભગવાને મથુરા છોડ્યું ત્યારે, ચાર શ્રીહસ્ત પ્રકટ કરી લીધા હતા.

ભગવાન્‌ જ્યારે પ્રકટ થયા ત્યારે ચાર શ્રીહસ્ત સાથે પ્રકટ થયા હતા પરન્તુ ગોકુલ જવાનું હતું તેથી આપે બે જ શ્રીહસ્ત પ્રકટ રાખ્યા હતા. અને જ્યારે મથુરા છોડી દ્વારકા તરફ ભાગ્યા ત્યારે ફરીથી ચાર શ્રીહસ્ત પ્રકટ કરી લીધા. ભગવાનને ચાર શ્રીહસ્ત પ્રકટ થઈ ગયા તેથી અપવાદરૂપે શિશુપાલ એમ કહેતો રહ્યો કે પહેલા તો તારા બે જ હાથ હતા હવે આ બીજા બે હાથ ક્યાંથી આવી ગયા! એટલે એ કહેતો હતો કે તેં ખોટા (બનાવટી) હાથ લગાવ્યા હશે. તેવી જ રીતે પૌણ્ડ્રક વાસુદેવ પણ કહેતો હતો. પૌણ્ડ્રકના તો બે જ હાથ હતા પણ એણે લાકડાના બે હાથ લગાવી દીધા અને કહેવા લાગ્યો કે હું પણ વાસુદેવ છું.

આવી અપવાદની વાતો બાદ કરતાં ઘણું કરીને બધા લોકોએ કૃષ્ણને ભગવાનના રૂપમાં સ્વીકારી લીધા હતા. તો જ્યારે શ્રીકૃષ્ણને ભગવાનના રૂપમાં સ્વીકારી લીધા પછી તો પ્રમાણની કોઈ આવશ્યકતા જ ન રહીને. તેથી સાત્ત્વિક પ્રકરણમાંથી સાત્ત્વિકપ્રમાણનું એક પ્રકરણ ઓછું થઈ ગયું. તેથી શ્રીમહાપ્રભુજી કહે છે કે ત્યાં સાત અધ્યાય ઓછા લખેલા છે. તેથી એકવીસ અધ્યાયોનું સાત્ત્વિકપ્રકરણ છે.

ષડ્‌ભિઃ વિરાજતે (ગુણપ્રકરણ)ઃ

સાત્ત્વિક પ્રકરણ જ્યાં પૂરું થાય છે ત્યાર પછીના છ અધ્યાયોમાં ભગવાનના ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આમ છ ગુણોનું વર્ણન છે. તે બધા અધ્યાય નિર્ગુણ અધ્યાય છે. નિર્ગુણ અધ્યાય એટલે એ અધ્યાયોમાં જે ભક્તોના ભાવનું વર્ણન છે તે સાત્ત્વિક કરતાં પણ ઉચ્ચ કોટિના નિર્ગુણ ભાવોનું વર્ણન છે, એ નિર્ગુણ ભાવ શું છે એની આપણે આગળ ચર્ચા કરીશું.

મનલાચરણના શ્લોકનો ભાવાર્થ આ પ્રમાણે છે. ચાર પ્રકારે, ચાર પ્રકારે, ચાર પ્રકારે, ત્રણ પ્રકારથી, છ પ્રકારથી-આમ પાંચ પ્રકારે જે મારા હૃદયમાં બિરાજે છે તે કૃષ્ણને મારા નમસ્કાર!

એક વાત ધ્યાનથી જુઓ. કેટલાક લોકો કેટલી બેવકૂફીની વાત આપણા માટે કહે છે કે આપણે ત્યાં ફક્ત વ્રજના જ ઠાકોરજીને માનવામાં આવે છે. શ્રીમહાપ્રભુજી સ્પષ્ટ કહે છે કે ‘‘પઞ્ચધા હૃદયે મમ’’. કૃષ્ણ પોતાની સમગ્રતાથી મારા હૃદયમાં પાંચ પ્રકારે બિરાજે છે. તો દ્વારકા અને ગીતાની વાત જવા દો, તેથી આગળના કૃષ્ણ પણ આપણા હૃદયમાં બિરાજે છે. આપણે કૃષ્ણને સમગ્રતાથી સ્વીકાર્યા છે, આપણે કૃષ્ણને વહેંચીને નથી લીધા. કોઈ સમજે નહીં તો આપણે શું કરીએ? આપણે કૃષ્ણને આખે આખા હૃદયમાં પધરાવ્યા છે. આખો પુષ્ટિમાર્ગ આ મનલાચરણનો પાઠ કરે છે કે નહીં! આખો પુષ્ટિમાર્ગ આ મનલાચરણનો પાઠ કરે છે પણ કોઈ સમજે નહીં તો તેનો શો ઉપાય? ઉપનિષદે બહુ સરસ વાત કહી છે

કે ખેતરમાં નીચે સોનુ દાટેલું છે. મણ ભાર સોનું દાટેલું છે. ખેડૂત બિચારો હળ જોડીને પસીનો વહેવડાવી રહ્યો છે કારણ કે તેને ખબર નથી કે ખેતર નીચે સોનું ધરબાયેલું પડ્યું છે. આપણે પણ પરસેવો પાડી-પાડીને દુઃખી થઈ રહ્યા છીએ કે આ વર્ષે હિમ પડ્યું (હિમ પડવાથી પાકને નુકશાન થયું) આ વર્ષે પાક બળી ગયો, આ વર્ષે ઢોર (પાક) ખાઈ ગયા. આપણે દુઃખીને દુઃખી જ રહીએ છીએ અને સોનું તો ખેતરમાં નીચે દટાયેલું જ રહ્યું. આપણું બધું સોનું એજ રીતે દટાયેલું પડ્યું છે અને આપણને ખબર જ નથી કે તે સોનું છે ક્યાં? કોઈએ કહ્યું તો આપણે પણ બધા વિચારવા લાગ્યા કે બસ, અમે તો વ્રજના કૃષ્ણને જ માનીએ છીએ. અરે ભાઈ! શ્રીમહાપ્રભુજી શું કહે છે ‘‘ષડ્‌ભિર્વિરાજતે યોઽસૌ પઞ્ચધા હૃદયે મમ’’ કૃષ્ણ પાંચ-પાંચ પ્રકારે મારા હૃદયમાં બિરાજે છે. પુષ્ટિમાર્ગીયોને આ તુક્કો કોણ જાણે ક્યાંથી સૂયો કે વ્રજનો જ કૃષ્ણ અમારો છે, બીજા કૃષ્ણ સાથે અમારે કોઈ સમ્બન્ધ નથી. તો વાત સમજાઈને? કેટલી મૂર્ખાઈ ભરેલી વાત છે!

હવે સેવાની વાત કરો. સેવામાં આપણે ત્યાં વ્રજનો ભાવ એટલા માટે સ્વીકારેલો છે કેમકે તેને ‘ખુદા’ બનાવવાનો છે. આપણે મંદિર-હવેલીમાં જઈને તેની સેવા કરવાની નથી. આપણા ઘરમાં તેને પધરાવીને સેવા કરવાની છે. નહીંતો તો તેને સેવાની જરૂર જ શી પડવાની? આપણે તેને આપણા ઘરમાં પધરાવીને તેની સેવા કરવાની છે, તેના ઘરમાં જઈને આપણે સેવા કરવાની નથી. ‘‘નન્દનન્દન કર ઘરકો ઠાકુર, આપ હોય રહે ચેરો, યામેં કહા ઘટેગો તેરો’’.આમ સૂરદાસજી ગાય છે ને! તો ‘‘નન્દનન્દન કર ઘરકો ઠાકુર’’ નન્દનન્દનને આપણા ઘરના ઠાકોરજી બનાવો અને પછી સેવા કરો. હવે આ વાત તો વ્રજમાં જ લાગુ પડશેને! એમ માનીને આપણે વ્રજનો ભાવ સ્વીકાર્યો છે. કૃષ્ણને કદી પણ આપણે વ્રજના ભાવમાં સીમિત રાખ્યા નથી. કૃષ્ણને તો વ્રજ શું, મથુરા શું, દ્વારકા શું એ બધી તો અત્યન્ત ક્ષુદ્ર વાતો છે, કૃષ્ણને આપણે તેમની એટલી સમગ્રતામાં સ્વીકાર્યા છે કે વૈકુણ્ઠથી માંડીને ગોકુલ સુધી જ નહીં, કારાગ્રહમાં જે કૃષ્ણ જુમ્યો છે તે પણ આપણને સ્વીકાર્ય છે.

આજે તો આપણા પુષ્ટિમાર્ગમાં મોટો ભોપાળો થઈ ગયો છે પણ એક વાત તમને કહું છું કે ઠાકોરજીને પુષ્ટ કરવાના મંત્રમાં સ્પષ્ટ રીતે આ વાત લખવામાં આવી છે કે કારાગૃહમાં જ્યારે ભગવાન્‌ જુમ્યા તે પ્રસનનું નિરૂપણ કરનારા ભાગવતના શ્લોકો બોલીને ઠાકોરજીને પુષ્ટ કરવા. ‘‘તમદ્‌ભુતં બાલકમમ્બુજેવિણં ચતુર્ભુજં શંખગદાયુદાયુધં, શ્રીષત્સલર્કમંગલશોભિકૌસ્તુભં પીતાંબરં સાંદ્રપયોદસૌભગમ્‌...’’.

હવે બતાવો કે તે કૃષ્ણ તો કારાગૃહનો થયો, ગોકુલનો કૃષ્ણ ક્યાં થયો! તે તો મથુરાનો કૃષ્ણ થયો! મારી વાત સમજાઈ ને? તો આવો ભેદ આપણે ક્યારે વિચારેલો? આપણે તો ક્યારેય તેવું વિચાર્યું નહોતું. લોકોએ ગ્રંથ જોયા નથી તેથી કોઈએ ગપગોળા હાંકી દીધા તેને બધા ડફોળ લોકો સત્ય માનવા લાગી ગયા. આનો તો શો ઉપાય? આજે પણ જ્યાં પણ પ્રાચીન સેવાનો પ્રકાર છે ત્યાં જન્માષ્ટમીના દિવસે જન્મના સમય પહેલાં પટ(ટેરો) લેવાયા પછી ‘‘અથ સર્વગુણોપંતઃ કાલઃ પરમશોભનઃ...’’ શ્લોક બોલવામાં આવે છે. અને જ્યારે જન્મનો સમય થાય ત્યારે પટ(ટેરો) ખોલવામાં આવે. બરાબર એવી જ રીતે કે જેમ કંસના કારાગૃહનો દરવાજો ખુલે અને કૃષ્ણ પ્રકટે. આપણો સેવાનો પ્રકાર આજ છે. પ્રત્યેક જન્માષ્ટમીએ આપણે કારાગૃહનો પટ ખોલીએ છીએ અને કૃષ્ણને પ્રકટ કરીએ છીએ. જો આપણે વ્રજના જ કૃષ્ણને માનતા હોઈએ તો એ શ્લોકો બોલવાની શી જરૂર? પછી તો ફક્ત નંદોત્સવ જ કરવો જોઈએ ‘‘વ્રજ ભયો મહર કે પૂત જબ યહ બાત સુની’’.પણ એક વાત ફરીથી ધ્યાનથી સમજો કે આ શ્લોકો બોલાયા પછી જ આપણે ગાઈએ છીએ ‘‘વ્રજ ભયો મહર કે પૂત જબ યહ બાત સુની, સુની આનંદે સબ લોગ...’’આની પાછળ આપણો કોઈ વિશિષ્ટ ભાવ છે, આ પદ્ધતિમાં આપણો કોઈ લાભ છે, આ પદ્ધતિ અંતર્ગત આપણને એમ સમજાવવામાં આવ્યું કે ‘‘પંચધા હૃદયે મમ’’ પાંચે (પાંચ-પાંચ) પ્રકારથી કૃષ્ણને આપણી ભીતર (હૃદયમાં) પધરાવો. આનો શુદ્ધ-શુદ્ધ અર્થ એ છે કે કૃષ્ણને તેમની સમગ્રતામાં હૃદયમાં પધરાવો. આનો શુદ્ધ અર્થ એ છે કે કૃષ્ણને નિર્ગુણ ભાવ રાખીને તમારા હૃદયમાં પધરાવો. નિર્ગુણ ભાવ છે તો કૃષ્ણ સમગ્રતાપૂર્વક સ્વીકાર્ય થશે, પરન્તુ ભાવ જો સગુણ થઈ જાય તો કાં તો આપણે તામસ ભાવ પકડીશું, કાં સાત્ત્વિક ભાવ પકડીશું અથવા રાજસ ભાવ પકડીશું. જો સાત્ત્વિક ભાવ પકડીશું તો કૃષ્ણને આપણે પલનામાં કેવી રીતે ઝુલાવીશું? કૃષ્ણની નજર કેવી રીતે ઉતારીશું કે જે આપણે રાઈ, મીઠું લઈને ઉતારીએ છીએ? સાત્ત્વિક ભાવ અનુસાર તો પ્રભુએ બધાની નજર ઉતારવી જોઈએ! આપણે શું કૃષ્ણની નજર ઉતારવાના! સાત્વિક ભાવમાં આપણે પૂજાની આરતી તો ઉતારી શકીશું કારણ કે તે ભગવાન્‌ છે. પરન્તુ રાઈ-મીઠાથી તેની નજર કેવી રીતે ઉતારીશું. મુઠિયા જે ઓવારાય છે દરેક ઉત્સવ પર તે શા માટે ઓવારાય છે? એટલા માટે કે આપણા કૃષ્ણ ઉપર કોઈ મેણા-ટોણા (મેલીવિદ્યા) ચાલે નહીં. પણ યાર! કૃષ્ણ ઉપર મેણા-ટોણા કોના ચાલે? કૃષ્ણ પર કોનું ચાલી શકે? તેમ છતાં એ ટોણા-મેણા ન ચાલે તે માટે મુઠિયા ઓવારી-ઓવારીને ઉત્સવના દિવસે ફેંકવામાં આવે છે. ગુજરાતીમાં આને ‘ડોશીશાસ્ત્ર’ કે ‘ડોશીપુરાણ’ કહેવાય છે. જો તેને ભગવાન્‌ માનતા હોઈએ તો આવા ડોશીપુરાણને આપણે ઠાકોરજીની સેવામાં શા માટે લાગુ પાડીએ છીએ? અને જો ભગવાન્‌ ન માનતા હોઈએ અને બાલક જ માનતા હોઈએ તો દણ્ડવત્‌ પ્રણામ કેમ કરીએ છીએ? બાલકને દણ્ડવત્‌ પ્રણામ કરવાની શી જરૂર? બાલકના ચરણમાં તુલસી સમર્પવાની શી જરૂર છે? બાલકની આરતી ઉતારવાની કે ઘંટા વગાડવાની શી જરૂર છે? બાલક ડરી જશે. પણ સમજો કે શ્રીમહાપ્રભુજીનો ભાવ નિર્ગુણ છે. તેથી આપણે બધી વાતોની મજા કૃષ્ણ સાથે લઈ શકીએ છીએ. તામસભાવની મજા લઈશું તે પણ કૃષ્ણ સાથે, રાજસભાવની મજા લઈશું તે પણ કૃષ્ણ સાથે, સાત્ત્વિક ભાવની મજા લઈશું તે પણ કૃષ્ણ સાથે અને નિર્ગુણ ભાવની મજા લઈશું તે પણ કૃષ્ણ સાથે. જે મજા લઈશું તે કૃષ્ણ સાથે લઈશું. તેથી કરીને શ્રીમહાપ્રભુજી ‘પઞ્ચધા હૃદયે મમ’ એમ કહે છે.

તમે બહુ સુન્દર પ્રશ્ન કર્યો. આ જ વાત છે કે જે આપણે મુખ્યત્વે સમજવી જોઈએ. આ (વાત) સમજીએ તો આપણે કૃષ્ણને સમજ્યા ગણાઈએ અને આ વાત જો ન સમજ્યા તો કૃષ્ણ આપણને નહીં સમજાય. કૃષ્ણ આપણને અડધો અધૂરો સમજાશે. કોઈવાર કૃષ્ણનો હાથ સમજાશે તો ચરણ નહીં સમજાય, ચરણ સમજાશે તો મસ્તક નહીં સમજાય. આમ કૃષ્ણ અધૂરો સમજાશે, સમગ્ર કૃષ્ણ સમજાશે નહીં. આપણે કૃષ્ણની સમગ્રતાને ક્યારે પણ ભૂલવી ન જોઈએ તેથી શ્રીમહાપ્રભુજીએ આવું મનલાચરણ કર્યું. તેથી આ મનલાચરણને પણ આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ. કારણ કે એક વાત ધ્યાનથી સમજો કે આ મનલાચરણ દશમસ્કન્ધના પ્રારમ્ભમાં કર્યું છે, પુષ્ટિમાર્ગના પ્રારમ્ભમાં નથી કર્યું. પરન્તુ શ્રીમહાપ્રભુજીના સમય પછી શ્રીગુસાંઈજીના કાળથી આખા પુષ્ટિમાર્ગમાં આ શ્લોક મનલાચરણના રૂપમાં રૂઢ થઈ ગયો છે. કેમ રૂઢ થઈ ગયો? તેનું મૂળ કારણ એ છે કે આ શ્લોકને તમે દશમસ્કન્ધના પ્રારમ્ભનો જ માત્ર ન સમજો, આ તો પુષ્ટિમાર્ગના પ્રારમ્ભની કથા છે. પુષ્ટિમાર્ગીનો જો પ્રારમ્ભ થશે તો આ જ પ્રકારે થશે.

નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ્‌।

લક્ષ્મીસહસ્રલીલાભિઃ સેવ્યમાનં કલાનિધિમ્‌।।

ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા।

ષડ્‌ભિર્વિરાજતે યોઽસૌ પઞ્ચધા હૃદયે મમ।।

આ રીતે પાંચ પ્રકારે કૃષ્ણ તમારા હૃદયમાં; શ્રીમહાપ્રભુજી, શ્રીગુસાંઈજી, શ્રીગોપીનાથજી અને જેને પણ આપણે ગુરુ માનતા હોઈએ તેમની કૃપાથી આપણા હૃદયમાં બિરાજી જાય તો પુષ્ટિમાર્ગનું મનલાચરણ થઈ ગયું. પુષ્ટિમાર્ગ હવે શરૂ થઈ શકે છે અને જો ન બિરાજ્યા તો તમે ભલે સેવા કરો, ભલે કથા કરો, ભલે શીર્ષાસન કરો, ભલે ઊર્ધ્વાસન કરો પણ પુષ્ટિમાર્ગ શરૂ નહીં થાય કારણ કે કેટલું ગંભીર છે તે આપણે બધા સમજી શકીએ છીએ.