પોપટ પ્રગતિના પંથે - બસ યાત્રા 1 Mahendra Posiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પોપટ પ્રગતિના પંથે - બસ યાત્રા 1

(પોપટ પ્રગતિ ના પંથે)- mahendra posiya

અંક પ્રથમ : બસ યાત્રા

" પેલી સાડા આંઠ વાળી બસ ગઈ..?"

'કેટલા વાગ્યા છે..?"

"સવા આંઠ "

" તો શું કામ મગજમારી કરે છે સવાર સવાર માં. સાડા આંઠ ની બસ , આંઠ ને ચાલીસે આવે અને હજુ સવા આંઠ થયા છે ."

" તો ?"

" તો કપાળ તારું, અત્યાર માં બસ ક્યાંથી જાય ..?"

આ ફૂલ વાળા નો સ્વભાવ , ફૂલ જેવો કોમળ હોવા ને બદલે તપેલા લોઢા જેવો કેમ છે.. એ પોપટ ને હજી સુધી સમજાયું નહોતું .

ફૂલવાળા ના ચહેરા પર સાડા બાર વાગેલા જોઈ , એક નો ડંકો પોતાના ગાલ પર ના પડે એ માટે પોપટે આગળ પ્રશ્નાર્થ કરવાનું માંડી વાળ્યું , પરંતુ રોજ ની જેમ આજે પોપટ મોડો નથી પડ્યો એ માટે એ ભગવાન નો પાડ માનવા લાગ્યો. .. અરે પણ બસ સ્ટેન્ડ પાસે જ શંકર નું મંદિર શું કામનું..! , એમાં જઈ શાંતિ થી પ્રભુ નો આભાર ના માનીએ... અને પોપટે આ સુવિચાર ને આચરણ માં મુક્યો . મંદિર માં પ્રવેશતા પહેલા પોપટે પોતાના બંને ચંપલ મંદિર ના પગથીયા ની ડાબી અને જમણી બાજુ મુક્યા .

"ટન........."

હા, એ અવાજ મંદિર ના ઘંટ નો હતો , પણ એ પોપટે હાથ થી નહોતો વગાડ્યો. ચપ્પલ સહીસલામત છે કે નહિ તે જોવા , પાછળ નઝર અને આગળ કદમ વાળા પોપટ ના માથા નું એ પરાક્રમ હતું .

" બાપ રે..., મારી નાખ્યો...,બચાવી લીધો ,.... બસ આવે એ પહેલા ટાઈમ સર પહોચી ગયો.... જય ભોલેનાથ.... ઢીમચું થઇ ગયું.... મારું કપાળ...... આહ...."

ઘંટ ના ફટકા થી માથું ભમી ગયું હોય એમ બબડાટ કરતો પોપટ બહાર આવ્યો. દર્શન કરી ને બહાર આવેલા પોપટે પોતાના ચંપલ સહીસલામત જોઈં ,ફરી ભગવાન ને દંડવત કરી પ્રણામ અર્પણ કરવાની ઈચ્છા થઇ આવી. ફરી વખત , પ્રસાદ માં માથા નું ઢોકળું ના મળે એ માટે પોપટ ઘંટ થી સાચવીને મંદિર માં પ્રવેશ્યો અને ઉમળકા થી શિવજી ને દંડવત કરવા પડ્યો અને....

" ધડામ....."

ખોટા માપ દંડ થી પડવા ને કારણે દંડવત કરનારા પોપટ નું માથું અને નંદી નું ઠાંઠુ. પોપટ ને તો ધોળે દિવસે તારા દેખાઈ ગયા . કપાળે હાથ ઘસતો ઘસતો પોપટ બહાર આવ્યો ... પણ આ ...શું..! ઘોર અનર્થ .. કાળો કેર .. કેવી વિપદા .. આવી આપદા.... ચોરાઇ પોપટ ની ચરણ પાદુકા....

" અરે મારા ચંપલ ... હમણા તો અહી હતા , ને ઘડીક મા .....!"

પણ પોપટ ની એ વાત કોઈ સાંભળતું ના હોવાથી એને બોલવું નિરર્થક લાગ્યું . હવે નજીક ની દુકાન માંથી એક જોડી નવા ચપ્પલ ખરીદવાની ઈચ્છા , પોપટ ના મનમાં ઊછળ કુદ કરવા લાગી, અને ઈચ્છા એ ઊછળ-કુદ કરવી પડે તેવી સ્થિતિ પણ હતી . પરંતુ , ખિસ્સા એ ખેલ કર્યો, પોપટ ના ખિસ્સા માં ચાલુ કંપની ના સ્લીપર ખરીદી શકાય એ થી વધુ પૈસા ના હતા .

**************************

"બોલો શેઠ શું સેવા કરીએ? "

પોપટ ના પ્રવેશતા જ દુકાનદાર બોલ્યો. પોપટ પોતાની આસપાસ,આગળ પાછળ અન્ય કોઈ ન હોવાની ખાતરી કર્યા પછી જ માની શક્યો ,કે એ "શેઠ" સંબોધન પોતાના માટે જ હતું.

"સારી ક્વોલીટીના ફૂટ -વિઅર બતાવ.."

શેઠ સંબોધન પોપટ ને અર્ધો ફૂટ ઉપર ઉડાડી રહ્યું હતું.

"સાહેબને માટે ઠંડુ પાણી લાવ,ટીનીયા...,બોલો શુઝ બતાવું કે સારી ક્વાલીટી ના ચપ્પલ ,સેન્ડલ માં પણ સારી વેરાયટી છે,આ જુઓ શેઠ,તમને શોભે એવા, આ લખાની અને આ બાટા ના...સુપર...ચકાચક..."

પોતાની આગવી અદાથી બે ત્રણ જોડ ચપ્પલ બોક્ષ માંથી કાઢી ને બતાવી,દુકાનદાર એમની એક જોડ ચપ્પલ પોપટ ના પગ માં પહેરાવવા ઉત્સાહ થી આગળ વધતો હતો ત્યાં જ.....

"ચાલુ કંપની ના સ્લીપર નહિ હોય?" પોપટે હળવેક થી ટહુકો કરતા કહ્યું.

"તો એમ કહોને તમે ચાલુ આઇટમ છો...એ ટીનીયા.. ઠંડુ પાણી છોડ અને આને પેલા પંદર-વીસ વાળા સ્લીપર આપી કેસ પતાવ ને યાર…..!" એણે કરડાકી થી પોપટ તરફ છણકો કરતા કહ્યું.

દુકાનદાર ના કાચંડા કરતાયે ડબલ સ્પીડે બદલાતા રંગ ને જોઈ ,પોપટ તો સજ્જડ બમ. પોતે ઠંડુ પાણી પી લે એટલી પણ ધીરજ ન રાખ્યા બદલ ,પોપટ ને પોતાના પર જ રોષ થઇ આવ્યો.પણ અત્યારે દુકાનદાર ના રોષ થી બચવા પોપટ ફટાફટ સોદો પતાવી દુકાન ની બહાર નીકળી ગયો.

નવા નવા રાજ્યાભિષેક થયેલા રાજકુંવર ની અદા થી પોપટકુમાર બસ સ્ટેન્ડ તરફ ચાલવા લાગ્યા.નવા સ્લીપર નો નશો એના પગમાંથી સંચાર પામી ને મસ્તિસ્ક સુધી પહોંચતો હતો.જેવો એ સ્ટોપ પર પહોંચ્યો ને તરત જ સામે થી તેણે બસ આવતી જોઈ.પોતે સમયની નાજુક ક્ષણે સ્ટોપ પર પહોંચી શક્યો એ બદલ ભગવાન નો આભાર માનવાની તેને ઈચ્છા થઇ આવી ,પરંતુ 'ટન...' અને 'ધડામ...'જેવા અવાજો ફરી એના કાન માં ગુંજી ઉઠ્યા અને માથા માં ફરકી ઉઠ્યા.તેને મંદિર માં જવાનું માંડી વાળ્યું.

તોરણે આવતા વરરાજાને વધાવવા જેટલા હરખ થી કન્યા ની માતા માંડવે ઉભી હોય ,એટલા જ હરખ થી પોપટ બસ ને જોઈ રહ્યો હતો.બસ તથા પોપટ વચ્ચેનું અંતર ઘટતું જતું હતું ,તેમ તેના હૈયા માં આનંદના ઉલાળા વધતા જતા હતા પણ આ... શું...?

પોતાની દ્રષ્ટીએ ચન્દ્રપરી જેવી લાગતી પોતાની દીકરીને જોવા આવેલ મુરતિયો ,દીકરીને નાપસંદ કરીને જાય ,અને જેમ દીકરીની માં હૈયા માં ધુત્કાર સાથે મો બગાડીને મુરતિયાને જુએ ,એમ પોપટ બસ ના પૃષ્ઠ ભાગને જોઈ રહ્યો,બસવાળાએ બસ ઉભી જ ન રાખી. પોપટ ને છગનલાલ ના ફાસ્ટર બોલર પુત્ર મનિયા ની યાદ આવી ગઈ. શેરી ક્રિકેટ રમતી વખતે પોપટ બેટિંગ માં હોય અને મનીયો બોલિંગ ફેંકે ,ત્યારે પણ પોપટ ને એનો દડો દેખાતો નહિ.આજે ‘બસ ‘નજર સામેથી મનિયાના દડાની જેમ જ પસાર થઇ ગઈ.

પોપટ નું મૂળ નામ પરેશ, પરંતુ એનું નામ પોપટ પડ્યું એની પાછળ એક પ્રસંગ છે. ચાર-પાંચ વર્ષ પહેલા ની આ વાત છે. છોકરાઓ શેરીમાં બેટ-દડે રમતા હતા. કપડા ધોવાના ધોકા સાથે મહાન બેટ્સમેન ની અદાથી પરીયો ઉર્ફે પરેશ ઉર્ફે પોપટ પીચ પર આવી ઉભો રહ્યો. તેંદુલકર ફીલ્ડરોના સ્થાન નિહાળી ફટકો કઈ દિશામાં મારવો એનું આયોજન કરતો હોય એવી અદાથી એણે નજર કરી,.અહીતો એક જ તરફ નજર કરવાની હોય કારણ કે શેરી ક્રિકેટ માં તો રમત નું મેદાન ગોળ ના હોય. એ તો શેરી નો લાંબો પટ્ટો એ જ મેદાન.

સ્ટમ્પ ની પાછળ (સ્ટમ્પ તરીકે ક્યાંક થી ઉઠાંતરી કરેલી ત્રણ ઇંટો ઉભી ગોઠવેલી હોય) હકુડો વિકેટકીપિંગ કમ બગાસા ઇટીંગ કરતો હોય. સ્લીપ બ્લીપ કઈ નાં હોય પણ 'શાંતાબા'ના ઘરમાં દડો જાય તો પાછો ના મળે..એટલે એ માટે પપ્પુડો ત્યાં ફિલ્ડીંગ ભરતો હોય અને મેચ દરમિયાન વારંવાર સાંભળવા મળતી કોમેન્ટ્રી તો ખરી જ….

"એ આઉટ છે હવે..."

"ના હવે કેટલો ઉંચો હતો દડો....સાચુકલા સ્ટમ્પ હોય તો અડે પણ નૈ......"

"ના હવે દડો નીચો હતો..પૂછ ચકુડા ને.."

ત્યાં ચકુડો જૂની અદાવતો નું સરવૈયું કાઢી ને ન્યાય આપે..

"દડો નીચો નહોતો..ઉંચો હતો.."

"હવે ચકુડાને શું ખબર પડે....ઈ તો એને મેં પેલા ગઈ વખતે આઉટ આપ્યો'તો એટલે ઈ અત્યારે ખોટું બોલે છે...."

આમ ચકુડો ધાર્યું રીઝલ્ટ ના આપે તો તેનું નિવેદન ધ્યાનમાં ન લેવાતું.

"નૈ રમવું મારે, હું કઈ આઉટ નથી.."

"અંચાઈ નૈ કરવાની,રમવું હોય તો રમ નૈતર હાલતો થા...."

“ભલે,, લાય મારો દડો,મારે નૈ રમવું, જોય લઈશ તનેય પછી...."

"પછી શું કામ, અત્યારે જ જોઈ લે ને.."

"ચશ્માં નથી એટલે ઈ તો, નકર જોઈ લેત.....હવે રમવું હોય ત્યારે દડો લેવા આવી જોજે.."

દડો જશે તો મેચ કઈ રીતે રમશું એ યાદ આવતા પાછો અંતિમ નિર્ણય આવે.

"હાલ હવે,તારા જેવું કોણ થાય. ઈ તો અન્ચાય નું ફળ મળી જ જાહે..."

અને ફરી પાછો જે તે બેટધર મુંછ માં હસતો (મુંછ હોય નહિ તોયે) અને વિજયનો મલકાટ કરતો પીચ પર આવે.

(આમ તો પીચ કે મેદાન જે ગણો તે આખી શેરી જ હોય) એમાય એ પાછો બે-ત્રણ દડામાં જ આઉટ થઇ જાય ,તો પેલો પાછો ગર્વથી ડાકલા ની જેમ મોઢું ધુણાવતો બોલે જ....

"જોયું...અંચાઈ નું ફળ મળી જ જાય...આઉટ થઇ ગયો ને....."

આવી જ એક મેચ માં પોપટ(પરીયો),એક મહાન બેટઘરની અદાથી રમવા આવ્યો.પાછલી ચાર ગેમ ની જેમ આ વખતે પણ પ્રથમ દડે જ અને એ પણ ક્લીન બોલ્ડ આઉટ થશે એવી ભીતી પરીયાને હતી. બિલકુલ, એનું કારણ પણ હતું. અને એ કારણ એ હતું કે બોલર હતો ફાસ્ટર,બ્લાસ્ટર,ચડ્ડીધારી મનીયો.....ઢેન્ટેણેન....મનીયાની ફાસ્ટ દડાની ગતિ સાથે તાલ મિલાવવાની ક્ષમતા પરેશકુમારની આંખો માં નહોતી.' બોલ પરીયા બોલ સંગમ હોગા કે નહિ....' ગાતો ગાતો મનીયો સુપર ફાસ્ટ...જબાન-એ-ફીમેલ,,, કાલકા મેલ ની ગતિએ દડો પરીયા બાજુ ફેંકતો.. 'હોગા..,,હોગા….હોગા….' કહેવા છતાયે પરીયાનું બેટ માત્ર હવામાં વિંજાતુ અને બેટ-દડાના સંગમ ને બદલે સ્ટમ્પ-દડાનો સંગમ થઇ જતો..

તલવારથી લડતા લડતા આગળ વધતા યોદ્ધાને ,અચાનક ખબર પડે કે પોતે ટોપ સામે આવીને ઉભો છે, અને તોપચી ના અટ્ટહાસ્ય માં પોતાનું મોત મલકે છે, પછી જેમ એ ચીમળાઈને થથરતો નીચી મુંડી અને નીચી તલવારે ઉભો રહે ,એમ પરીયો બેટ સાથે (મનીયાને જોઈ ને ) ઉભો રહ્યો.

મનીયાએ શોએબ અખ્તરની અદાથી ખુબ લાંબી રનીંગ લઇ દડો ફેંક્યો અને ડફાક્ક....

સિક્સર......ના.....ફોર....ના..ના.....તો તો પરીયો નક્કી આઉટ....અરે ના ભાઈ ના....તો??

પરિયા ના નાક અને મનિયા કે દડા કા સંગમ હો ગયા....!

તમ્મર ખાતો પરીયો બેસી ગયો.આ શુભ અકસ્માત ના પરિણામ રૂપે દસ દિવસ સુધી એનું નાક સોજેલું અને લાલ-ઘુમ્મ રહ્યું.

પરિયા ને જોઈ શાંતાબા થી બોલાઇ ગયું,

"અલા પરિયા તારું નાક પોપટ ની ચાંચ જેવું કેમ થઇ ગયું..અલ્યા ‘પોપટ’ કે'તો ખરો...."

મનિયા અને શાંતાબા ના આવા અનન્ય ફાળા ને કારણે 'જ્યોતિ બની જ્વાળા' મતલબ કે 'પરેશ બના પોપટ'.

ફિલ્મમાં હીરો ની કાર આમ....ક્ષિતિજમાંથી બહાર નીકળે એવી રીતે વળાંક માંથી છપ્પન નંબરની બસ દ્રશ્યમાન થઇ. પોપટે આસપાસ જોયું તો ઘણા છપ્પનિયા ગરાગો બસની રાહ જોતા ઉભા હતા. બધાની પહેલા પોતે ચડી જઇ ડ્રાઈવર ની પાછળની સામસામી સીટોમાની ઉંધી સીટ પર બેસી જશે,સંપૂર્ણ બસ દર્શન અને સોન્દર્યપાન થઇ શકશે, આવા વિચાર સાથે જ પોપટના મન માં ચિત્ર ઝળહળી ઉઠ્યું: પોતે બસમાં યથેચ્છ સીટ પર બેઠો છે. બસમાં બેઠેલ ઘણી બધી સુંદરીઓની નજર પોપટ તરફ છે. એમાંની ઘણી પોપટ તરફ સ્મિત ને વહેતા મુકે છે. પોપટ બધી લલનાઓના સ્મિતનો સહર્ષ સ્વીકાર કરતો હોય તેમ સ્મિત થી પ્રત્યુત્તર આપે છે…અને અચાનક બસને બ્રેક વાગતા જ ,એક સુંદર રમણા પોપટ પર જટકા સાથે નમી પડે છે,અને પોપટ એક સુમધુર આંચકો અનુભવે છે.પણ.....આ આંચકો કૈક વધુ તીવ્રતાનો છે.(સમાધિમાંથી અચાનક જાગ્યો હોય એમ બબડવા માંડ્યો) આવી ગઈ.....અરે....ઉભી પણ રહી....અરે....અરે....

એક જાડી સ્ત્રી ના ધક્કાએ પોપટની સ્વર્ગીય સુખ-વિચારધારાને તોડી.

"અલ્યા,મુઆ ..આઘો ખસ,ચડવા દે મને.."

"અરે મારો પગ..."

"એય અંદર જા ઓય.."

"અરે,દરવાજેથી ઉપર ચડ...વચમાં શેનો ઉભો છે....એ....ઓય..."

આવા અનેક હાકોટા બસના દરવાજા આગળ,ચડવાની ઉતાવળમાં એકઠા થઇ ગયેલા ટોળામાંથી આવતા હતા.

પોપટે જોયું કે પોતે વિચારોમાં હતો ત્યાં સુધીમાં બસ આવીને ઉભી રહી હતી. અત્યારે એક બારણામાંથી બસમાં ચડવા પંદરથી વીસ ઉમેદવારો ટોળું વળી ધક્કા-મુક્કી કરતા હતા.પોપટે પણ ટોળામાં ઘૂસ મારી ક્યાંક વચ્ચેથી સરકી-સરકીને બસમાં ચડવાનું વિચાર્યું, પણ જેવો ઘુસવા ગયો કે પેલી જાડી બાઈનો કોણીનો ઘુસ્તો ધપાક.....કરતો પોપટને વાગ્યો. પોપટે બીજો પ્રયત્ન કર્યો. ટોળામાં માથું ઘુસાડ્યું પણ ત્યાં તો બસ ઉપડી......

"એય....એય....ઉભી રાખો યાર.....એ...."

બુમો પાડતો પાડતો પોપટ બસ ની પાછળ દોડ્યો.બધું નિરર્થક.આ બીજી બસ પણ ગઈ.હવે...ત્રીજી ની રાહ જોયા વગર છૂટકો જ નહોતો.

આવી........આવી........આવી રે આવી.......સૂર્યોદય સમયે ક્ષીતીજમાંથી સૂર્યના માદક કિરણોની જેમ આવી.....વહેલી પરોઢે કાને અથડાતા પંખીવૃન્દોના કલરવની જેમ આવી......ખીલતા ફૂલોની મોહક મહેંકની જેમ આવી......ના ભાઈ ના....બસ નથી આવી....એક નમણી રમણા....જગાવતી આંખોમાં શમણાં......લાગ્યું કે હૃદય ચુકી જશે ધબકવું હમણા......

બસ સ્ટેન્ડે આવીને ઉભી રહેલી એક સુંદર રમણા....મતલબ કે છોકરી જોઈ પોપટના મનમાં કવિતાની કુંપળો ફૂટવા લાગી,પ્રેમના પુષ્પો ખીલવા માંડ્યા,ખુશી ની ખુશ્બુ ફેલાવા લાગી.

પોપટે થોડે દૂર પડેલા સ્કૂટર પાસે જઇ હળવેકથી કાચમાં ચહેરાની અને ખાસ તો વાળની સ્થિતિ ચકાસી લીધી.બધું બરાબર હોવા છતાં મોં ને જરા રૂમાલથી લુછી નાખ્યું. ચશ્માના કાચ સાફ કરી પાછા યથાસ્થાને નાકના દાંડે અને કાનના ટેકે મૂકી દીધા,. ઝભ્ભો આગળથી તો બહાર હતો પણ પાછળથી ક્યાંક ઇન-શર્ટ થઇ ગયું નથીને એ પણ ચકાસી લીધું.

(સિક્રેટ:પોપટ કપડા પહેરતી વખતે શર્ટ/ઝભ્ભો પહેલા પહેરે છે અને પેન્ટ પછી એટલે ઘણીવાર પાછળથી જુઓ તો શર્ટ-ઇન થયેલ હોય અને આગળથી.....)

કાંડા ઘડિયાળ ઝભ્ભાની બાંયમાં ઘુસી ગયું હતું એ દેખાય એ રીતે બહાર કાઢ્યું, અને ચરણ પદુલા પર નજર પડતા જ.....આ હા હા હા.....પોપટમાં એક ક્ષણ માટે રોમાચ ની કંપારી ફેલાઈ ગઈ.વાહ....યોગ્ય સમયે નવા નક્કોર ચપ્પલ...વાહ....અને પોપટ હોઠ પર હાસ્ય લાવી હળવેકથી મૃદુ ચાલે ચાલતો પેલી છોકરીની નજીક જઇ ઉભો રહ્યો.

પોપટે વિચાર્યું કે હું પહેલા એને પૂછીશ " બસ ની રાહ જુઓ છો..?" એ હસી ને હકાર માં ડોક ધુણાવશે , પછી બસ આવતાજ હું ચડી જઈશ . મારી બાજુ માં એને માટે જગ્યા રાખીશ . એ મારી બાજુ માં બેસશે . ...હાય રે ...અને અમદાવાદી રોડ કે જે મને આજ સુધી વેરણ લાગ્યા છે , આજે એજ રોડ ના ખાડા-ખાડિયા અમારા સુખદ સ્પર્શ-સુખ માટે કારણભૂત બનશે .... જે ડ્રાઈવરો ને હું તીવ્ર વળાંકો લેવા બદલ કે અચાનક જોરદાર બ્રેક લગાવવા બદલ મનમાં ને મનમાં ગાળો દેતો આવ્યો છું ( સામો સામ ગાળો આપવી , પોપટ માટે શક્ય પણ નથી . ) એજ ડ્રાઈવર અમારી પ્રેમાંગ્નીને પવન પૂરો પાડશે . હું એને નામ પૂછીશ અને આંબાવાડિયા માંથી કોયલ ના કુંજરાવ ની જેમ એ ટહુકો કરશે ....., પલ્લવી ,કે પછી પ્રિયા, કે પછી પ્રિયમવદા... કે પછી કોઈ પણ ' પ ' .. પોપટ ની ' પ ' .. હું પોપટ પતંગિયું અને એ પારીજાત નું પુષ્પ .. અને પોપટ પ્રેમ નો પુષ્પરસ પીશે ...... પીપ પીપ....પોન્પ ....

રોડ પર થી પસાર થતા ખટારા ના , દિવાળી ના ફટાકડા જેવા હોર્ન ને કારણે ..પોપટ ની વિચાર સમાધિ તૂટી.

" તમે બસ ની રાહ જુઓ છો...?"

પોપટે મન માં સર્જેલા શમણા ને સાકારતા બક્ષવા માટે નું પહેલું ચરણ અમલ માં મુક્યું .

" ના... એરોપ્લેન ની રાહ જોઉં છું..., બસ સ્ટેન્ડ પર કોઈ ભાજી-મુળા વેચવા ના ઉભું હોય ....મૂરખા .. એ તો બસ ની રાહ જોતા જ ઉભા હોય ...."

અને પેલી છોકરી એ પ્રાણીસંગ્રહાલય ની માકડી જેવું મોઢું કર્યું.

સુર્યમુખી માંથી જ્વાળામુખી બની ગયેલ આ છોકરી એ પોપટ ના સપના ના ચીથરે ચીથરા ને લીરે લીરા ઉડાડી નાખ્યા . ભોંઠપ અનુભવતો પોપટ થોડે દુર જઈ ઉભો રહ્યો. ' બસ આવે એટલે એના માટે જગ્યા રાખીશ , જેથી મારા પ્રત્યે એને માન ઉપજે અને પોતે કરેલા વર્તન બદલ એ પછતાય , પણ ત્યાં વળી વિચાર આવ્યો કે , બે બસ ગઈ એમાંથી એકેય માં પોતાનો મેળ તો પડતો નથી ને એમાં ક્યાં બીજા કોઈ ( કે બીજી કોઈ ) નું વિચારવા જાય '

થોડી વાર પોપટ સુનમુન ઉભો રહ્યો ત્યાં તો આવી... હા.. બસ આવી ... ગોલ કીપર, ફૂટબોલ ને હીટ કરતા આવતા ફૂટબોલર ને જોઇને , એને કે ફૂટબોલ ને રોકવા જેમ હાલક-ડોલક થવા માંડે એમ પોપટે પેન્ટ ઊંચું ચડાવી દોટ મૂકી.

"એ..ઉભી રહે.....ઉભી રહી.. ઓય ...અરે... અરે વાહ,,,, આ તો... અરે હટ સાલ્લી.....અરે હું તો ચડી ગયો... અરે વાહ.. ભાઈ વાહ...."

અને એમ કરતા પોપટ બસ માં દરવાજા પર લટકી ગયો , પણ આ શું..?

પોપટ ચાલતી બસે કુદકો મારી નીચે ઉતારી ગયો . લથડીયા ખાતો કુદી ગયો . .. પોપટ તો બસ માં ચડી ગયો હતો પરંતુ એના પગમાથી નવું નક્કોર સ્લીપર નીચે પડી ગયું. એટલે ના છુટકે એને ચાલુ બસે હનુમાન કુદકો લગાવવો પડ્યો. પોપટે વિચાર્યું કે સાલું બેડલક જ ખરાબ છે . શૂન્ય રને આઉટ થઈને પેવેલિયન માં પાછા ફરતા બેટ્સમેન ની અદા થી ઢીલો ઢસ થઇ ને પોપટ પાછો સ્ટેન્ડ પર આવ્યો.

સ્ટેન્ડ પર ઉભેલી પેલી સુર્યમુખી -કાળમુખી હજુ ઉભી જ હતી . જેમ પોતે બે બસ માં ના ચડી શક્યો , અને ત્રીજી બસ માં ચડવા છતાં ઉતારી જવું પડ્યું એમ એ રમણા ને પણ આ ગઈ બસ માં ચડવા નો મોકો નહિ મળ્યો હોય, એવો વિચાર પોપટ ના મન માં હતો . ' કઈ વાંધો નહિ એ બહાને કંપની ( દુર ઉભા ઉભા જ ...) મળશે .'

હીરો હોન્ડા કંપની ..., ના...ના.. આ પોપટે વિચારેલ રમણા ની કંપની નું નામ નથી . આ એ કંપની નું નામ છે જે કંપની નું બાઈક લઈને એક સ્માર્ટ છોકરો સ્ટેન્ડ પર આવ્યો . પેલી રમણા થી થોડું દુર બાઈક ઉભું રાખી એણે સ્મિત કર્યું . સામે છેડે ફૂલ-ગુલાબી ચહેરા પર હાસ્ય ફરકાવી રમણા એ પ્રત્યુતર આપ્યો. થોડીવાર પહેલા લાવા ઓકતી આ છોકરી , આવું સારું હસતી પણ હશે એવો પ્રશ્ન પોપટ ના મન માં જબકી ગયો.

બંને જણા એકબીજા સાથે નઝર થી નઝર મેળવી ને ઉભા હતા . શોટ ઓ.કે. થતો ના હોય અને વારંવાર રી-ટેક થતું હોય એમ , ' વારા પછી વારો અને તારા પછી મારો' ને અનુસરતા , હાસ્ય ની આપ-લે કરતા હતા . એમાં વળી બાઈક વાળા છોકરા એ હવા માં ફ્લાઈંગ કીસ્સ તરતી મૂકી . એ પેલી કમલનયના એ પકડી જીન્સ ના ખિસ્સા માં મૂકી દીધી . હવે જો વળતો જવાબ પણ ફલાયિંગ કીસ્સ થી અપાય, તો દોડીને એ કીસ્સ હવા માં જ જડપી લઇ , જભ્ભા ના ખિસ્સા માં મૂકી દેવાની પોપટ ની તૈયારી હતી. પરંતુ જો ફળીભૂત થાય તો એ પોપટ ની ઈચ્છા શાની કહેવાય ...!

કીસ્સ તરતી મુકવા ને બદલે કમલનયના કમ રમણા કમ પ્રિયતમા કમ પ્રિયા .... પોપટ ના સપના ઓ ની કરતી અંતિમ ક્રિયા ... ખુદ હવા માં તરવા લાગી... ઠમ્મક ઠમ્મક કરતી બાઇક વાળા પાસે જઈ, ટ્રેક્ટર પાછળ લારી જોતરાય એમ બાઈક પાછળ બેસી ગઈ. હાથ એણે બાઈક વાળા ની કમરે વીટાળ્યૉ અને અહી પોપટ ને પોતે આગ માં વીંટળાઈ ગયો હોય તેવી અનુભૂતિ થઇ.

પોપટ મર્મરીંગ : " લે ગયે રે લે ગયે રે ..... બાઈક વાલે દુલ્હનિયા લે ગયે રે ..રહે ગયે રે ,રહે ગયે રે ... બસ વાલે દેખતે રહે ગયે રે .."

પોપટે મરતા મરતા.. સોરી .. મરમરતા મરમરતા સોંગ બદલ્યું.

" ઇન્તેહા હો ગયી ઇન્તજાર કી.. આઈ નાં કુછ ખબર , છપ્પન નંબર કી,

મને ખબર નથી થોડી...!

ટાઇમ કરતા હોય મોડી... પણ કલાક કેમ થઇ..."

ત્યાતો , નાટક વખતે કોઈ પાત્ર ને પડદા પાછળથી ધક્કો લાગે અને કસમયે સ્ટેજ પર આવી જાય ,એમ વળાંક માંથી છપ્પન નંબર ની બસ નું મોઢું દેખાયું . પોપટ ને એ મોઢું , હસતું અને પોતાની મજાક કરતુ હોય તેવું લાગ્યું. , પોપટે મો કચ્કાચાવ્યું ...' આજ ના છોડેંગે તુજે ડમ ડમાં ડમ '

જેવી બસ આવી કે પોપટ દોડ્યો....

"એય, મને પહેલા ચડવા દો, હું ક્યારનો ઉભો છું ... ટોળું ના વળો , લાઈન કરો ચાલો . .. ક્યાર નો ઉભો છું .. એ .. મને ચડવા ડો બધા.."

એકજ શ્વાશે બરાડા પાડતો પોપટ બસ ના બારણા માં ચડી ગયો.તરત એણે નીચે જોયું , ક્યાંક સ્લીપર પડી તો નથી ગયું ને....!પણ સ્લીપર સલામત જોતા એને નિરાંત થઇ. પોપટે મોં ઊંચું કર્યું. બસ માં ચઢવા વાળું એક માજી , બે ટેણીયા અને એના પોતાના સિવાય કોઈ હતું જ નહિ. બસ માં બેઠેલા પેસેન્જર અને સ્ટેન્ડ ની આસ-પાસ ઉભેલા લોકો પોપટ તરફ તાકી રહ્યા હતા. પોપટ ભોંઠપ અનુભવતો બધા સામે , હે...હે...હે.. કરી હસવા લાગ્યો.

" મને એમ કે ... હું ક્યારનો ઉભો હતો એટલે... ટોળું.. બસ માં ચડવા.."

પોપટ અટકી અટકી ને અધૂરા વાક્યો થી બસ માં બેઠેલા બધા ને સમજાવવા મથતો હતો . પણ , એણે જોયું કે હવે કોઈ ની નઝર એના તરફ નહોતી અને કોઈ એને સાંભળતું નહોતું .

કંડકટર પોપટ પાસે આવ્યો અને પૂછ્યું.:

" શેના બરાડા પાડતો હતો ?"

વિચારો માં ખોવાયેલો પોપટ જબક્યો.

" લાલ... દરવાજા ."

" અરે ડફોળ શેના બરાડા પાડતો હતો..!" કંડકટર બરાડ્યો.

" કઈ નહિ એ તો...."

" કયા જવું છે..?" કંડકટરે વાત કાપી .

" મને એમ કે ટોળું... બારણું ... હે...હે...હે.."

" અલ્યા મૂરખ ,,, ક્યાં ની ટીકીટ આપું એ ફાટ ને , હે..હે..હી..હી.. કરી ખોપડી ના હટાય .."

"ઓહ.. મને એમ કે..."

"તને જેમ હોય તેમ.... ટીકીટ.....!?"

"પાંચ વાળી.."

"શું પાંચ વાળી..." કંડકટર ના મો પર મોટું પ્રશ્નાર્થ હતું..

" લાલ દરવાજા .. પાંચ વળી ટીકીટ .'"

" લે..'" કંડકટરે ઝટકા સાથે ટીકીટ પોપટ ના હાથ માં થમાવી . પોપટ ની દશા સર્કસ ના જોકર જેવી થઇ ગઈ હતી. કંડકટરે હાથ માં ટીકીટ આપી ,એજ વખતે પોપટ ખિસ્સા માંથી પૈસા કાઢવા ગયો, ત્યાં વાગી બ્રેક ,,, પોપટ આગળ નામી પડ્યો. પોપટ નું માથું અને કંડકટર ની ફાંદ નું એક્સીડેન્ટ.

કંડકટર લાલ ઘૂમ થઇ ગયો.

" અબે સાલ્લા ...." આંખો ના ડોળા પહોળા કરી એ પોપટ સામે જોઈ રહ્યો.

પોપટ ને લાગ્યું કે ' પુરતો વિચાર કરી , મારે માટે યોગ્ય ગાળ શોધી , આ મારા તરફ વહેતી કરે , એ પહેલા અહીંથી ભાગી જવું જોઈએ.' કંડકટર તરફ મોઢું રાખી આગળ સરકતા પોપટે , બસ ના ડંડા ને બદલે એક છોકરી ના હાથ ને પકડી લીધો. ના...ના.. છોકરી કંઈજ ના બોલી. હાથ ખેંચી લીધો, જરા શરમાઈ, સ્મિત કર્યું... અને નીચું જોઈ ગઈ. છોકરી ના રિસ્પોન્સ પર ખુશ થવા જાય એ પહેલા જ કોઈએ પાછળ થી પોપટ ની બોચી પકડી.

"ક્યોં બે .. ઓરત લોગો કી છેડતી કરતા હૈ. ....!!!"

" ના બે ,,, હું તો ખાલી ડંડા પકડ ને જા રહા થા, "

" શાણા મત બન બે... ગાલ પે પીનાઉં ક્યાં તેરેકો ....."

ગુંડાગર્દી ની ભાષા સાંભળી ને પોપટ પહેલા તો ગભરાયો પણ પછી , મોઢા પર ટણી ના ભાવ રાખી , એણે જોયેલી ફિલ્મો ના ડાયલોગ યાદ કરીને એને પણ ચાલુ કર્યું.

" તેરી બેન લાગતી હે ક્યાં..!"

" મેં ઉસકા હસબંડ હું ,, તું બહોત દિનો સે ઉસકી છેડતી કરતા હૈ ..બસ મેં.. ઉસને મેરે કો બોલા ,,. ઈસલીયે મુજ્હે આજ યહા આના પડા.... સાલા આજ તું હાથ મેં આ ગયા..."

" અરે ના..ભાઈ,,, આવો આરોપ મારા પર ના લગાડો, હું તો બસ મોડી પડવાથી , મતલબ હું મોડો પડવાથી , એટલે કે ... હું આગળ ની બસ માં ના ચડી શક્યો એટલે આ બસ માં આવ્યો છું. ,,, નહીતર તો હું સવાર ની વહેલી બસ માં જ જાઉં છું..." ગેંગે ફેંફે કરતો પોપટ હિન્દી ભૂલી લાઈન પર આવી ગયો. ગળગળો થઇ ગયો . પોપટે નક્કી કર્યું કે હવે કોઈ દિવસ બસ નો ઉપર નો દંડો નહિ પકડું. નીચે સીટ પકડી ને જ આગળ જઈશ .

પોપટ એક પછી એક સીટ પકડી એના આધારે, બસ માં ભીડ કાપતો કાપતો આગળ વધતો હતો . ત્યાં પેલી છોકરી ( હા,,, એજ કે જેના હસબન્ડે પોપટ ની બોલતી બંદ કરી દીધી ) એ કરેલા સ્મિત ની યાદે , પોપટ ને પાછળ જોવા મજબુર કર્યો . ફરી વખત પાછળ મુખ-મુદ્રા રાખી , સીટ પકડવા જતા પોપટ નો હાથ પડ્યો એક ભાઈ ની ટાલ પર.... પત્યું ...

તેણે પોપટ બાજુ જોયું . હોઠ પર મહા પરાણે કૃત્રિમ સ્મિત કર્યું ....

" બાપ નો માલ છે ..? બસ માં ઉપર ડંડા નથી આપતા ..!" વાક્ય ની સાથે સાથે સ્મિત કરડાકી માં બદલાયું...

" એ તો કાકા..."

" કાકા કોને કહે છે...." પેલો ભડક્યો....

" એતો ટેકો દેવા માટે...."

" ટેકો દેવા માટે તને મારું માથું જ મળ્યું...! સાલા એ વાળ વીખી નાખ્યા .."કાકો બબડતો બબડતો પૂર્વવત મુદ્રા માં બેસી ગયો . એ કયા માથા ના કયા વાળ વિખ્યા ની વાત કરતો હતો તે પોપટ ને ના સમજાયું. ચારે બાજુ , બધા હાથ અને બધી ટાલ થી બચી ને પોપટ આગળ વધવા લાગ્યો.

હાશ ... ત્યાં એક સીટ ખાલી થઇ અને પોપટ ઉતાવળે ધડ કરતો ત્યાં બેસી ગયો, બેઠો તો ખરા પણ બેસતી વખતે પોપટ ની કોણી બાજુમાં બેઠેલા એક આધેડ મુંછાળા ભાઈ ના સાથળે વાગી

" ખોલા માં બેસી જા..." પેલો તાડૂક્યો....

પોપટ બે હાથ જોડી ને કરગરી ઉઠ્યો.....

" મારા બાપ.... હવે ખમૈયા કરો....'"

  • મહેન્દ્ર પોશીયા.