પ્રેમપથ Farzana Sivani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

પ્રેમપથ

પ્રેમપથ

- લે. ફરઝાના સિવાણી

“હા તો, ભાઇ સમીર, હવે ફરમાવો તમારી લવ સ્‍ટોરી” અશરફ મુખવાસ હાથમાં લેતા બોલ્‍યો, અને એ સાથે જ બધા મિત્રો ગોઠવાઇ ગયાં ડ્રોઇંગ રૂમમાં:, કોઈ સોફા પર તો કોઈ ચેર પર અને કોઈ નીચે. આજે કાળી ચૌદશ હતી અને બધાં જ મિત્રો સમીરના ઘરે વર્ષો પછી ભેગા થયાં હતાં. અશરફ, સમીર, ઉદય, સારંગી અને સંકલ્‍પ. આ બધાં જ કોલેજમાં જોડે હતા. અલગ અલગ શહેરોમાંથી અમદાવાદમાં ભેગા થઇ ગયાં હતાં અને વર્ષો સુધી એકબીજાના સંપર્કમાં રહે એવી દોસ્‍તીમાં ગૂંથાઇ ચૂકયાં હતાં. ઉદય અને સંકલ્‍પ આ બંને સમીરના લગ્ન વખતે ઇન્‍ડિયાની બહાર હોવાથી આવી શકેલાં નહી અને અશરફ તો આમ પણ મસ્‍તમૌલા હતો. સમીર અને સારંગીએ ઘણાં ફોન કરેલા એ વખતે પણ એનો સંપર્ક થઇ શકયો ન હતો. એક માત્ર સારંગી હાજર હતી સમીરના દોસ્‍તોમાંથી એના લગ્ન વખતે. એટલે આ વર્ષે અચાનક જ પ્‍લાન થઇ ગયો અને બધાં આવી પહોંચ્‍યાં સમીરના ઘરે, સમીરની લવસ્‍ટોરી સાંભળવા.

“અંબરા, ઓ અંબરા ..! ચલ કિચનમાંથી અહીં આવી જા, બધું કામ પછી થઇ રહેશે. આ બધા બહુ જ આતુર છે તારી ને મારી લવસ્‍ટોરી સાંભળવા માટે !!!!” સમીરે અંબરાને બોલાવી. તરત જ કિચનમાંથી અંબરા બહાર આવી. નારંગી કલરની સોનેરી બુટૃાવાળી સાડીમાં અંબરા હતી તેનાંથી પણ રૂપાળી લાગી રહી હતી. ડ્રોઇંગરૂમમાં આવીને અંબરા સોફા પર સમીરની નજીક બેસી ગઇ અને અશરફ સામે જોઈને હસીને બોલી :

“તમારી અને સારંગીની લવસ્‍ટોરીને કયારે લગ્નમંડપ સુધી પહોંચાડો છો ? એ કહો પહેલા ...”

અને આ સાંભળીને બધાં જ હસી પડયાં. “આયુધ સૂઇ ગયો ?” સમીરે અંબરાને પૂછયું “હા, એ ઉપર બા ના રૂમમાં સૂઇ ગયો છે.” અંબરા બોલી.

“બસ ... બસ ... બસ ... ભાભી, હવે બીજી કોઈ વાત નહી ... ચલો સ્‍ટાર્ટ કરો.” અશરફે કહયું.

અને ત્‍યારે જ અંબરા સમીર સામે જોઇ બોલી, “તું શરૂ કર, હું આગળ વધારીશ.” અને સમીરે બોલવાનું શરૂ કર્યુ ...

“ર૦૦૭ માં આપણે ગ્રેજયુએશન પતાવ્‍યું પછી હું એક ફર્મમાં અકાઉન્‍ટન્‍ટ તરીકે જોઇન થઇ ગયો હતો અને ગાડુ ચાલ્‍યે રાખતું હતું. અમદાવાદમાં મારા કાકાનો મેગાસ્‍ટોર હતો ‘ગાયત્રી’

// ર //

ત્‍યાંનો હિસાબ કિતાબ પણ હું જ સંભાળતો હતો. ત્‍યાં એક લેડી એકાઉન્‍ટન્‍ટ હતી જે મને હેલ્‍પ કરતી હતી. કાકાએ લગ્ન કર્યા નહોતા એટલે આગળ જતા ‘ગાયત્રી’ મારે જ સંભાળવાનું હતું. એમા ર૦૦૯ માં અચાનક જ કાકાને હાર્ટ એટેક આવી ગયો અને એમનું મૃત્‍યુ થયું. આ બધુ તો તમને બધાને ખબર છે જ...

એકાઉન્‍ટમાં જે લેડી મને હેલ્‍પ કરતાં એમના લગ્ન થતા એ અમદાવાદ છોડીને જતા રહયાં. એટલે હિસાબ કિતાબનું બધુ કામ પણ મારા માથે આવી ગયુ. એકાદ મહિનો ખેંચી-ખેંચી થાકી ગયો પછી મે પેપરમાં એકાઉન્‍ટન્‍ટની જગ્‍યા માટે એડ. આપી અને એક દિવસ સવારે હું ‘ગાયત્રી’ ના સ્‍ટોરરૂમમાંથી બહાર નીકળ્‍યો કે એક યુવતી એકસેલેટર પાસે મૂંઝાયેલી દેખાઇ. બ્‍લ્‍યૂ ડેનિમ અને સફેદ કૂર્તીમાં એ યુવતી ખરેખર ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. (આટલુ બોલીને સમીરે અંબરા તરફ જોયું જે એને સ્‍માઇલ આપી રહી હતી.) થોડીવાર સુધી નિરિક્ષણ કર્યા બાદ હું એ યુવતી પાસે ગયો અને મે કહયું, “નીચે મારા પગ તરફ જુઓ અને જસ્‍ટ ફોલો ઇટ.”

“હમ્‍મ! હા ... ઓકે” આટલું બોલીને પેલી યુવતી મારા પગ તરફ જોવા લાગી અને જેવો મે મારો જમણો પગ એકસેલેટરના પહેલાં સ્‍ટેપ પર મૂકયો એ સાથે જ એણે પણ પોતાનો પગ ઉંચકીને મૂકયો, એ થોડી ડગમગી અને ગભરાઇને એણે આંખો મીચી દીધી અને પોતાના ડાબા હાથથી મારો જમણો ખભો જોરથી પકડી લીધો.

મેં હસીને કહયું, “નાવ વી આર લેન્‍ડીંગ” અને એણે આંખો ખોલી અને મારા ખભા પરથી પોતાનો હાથ એક જ ઝાટકે હટાવીને બોલી, “થેંકયુ વેરી મચ. એકસેલેટર પર ચઢતા મને કાયમ બીક લાગે છે.” એટલે મે કહયું, “અરે કોઈ વાંધો નહી ... અને આ લોબીની પાછળ સીડી પણ છે તમે તે યુઝ કરી શકો છો.”

“ઓહ હું પહેલી જ વાર આવી છું, એટલે મને ખ્‍યાલ નહોતો, થેંક યુ સો મચ!” એ સસ્‍મિત બોલી.

“બાય ધ વે હું સમીર, આ સ્‍ટોર ચલાવું છું” મેં કહયુ અને એ યુવતી બોલી,

“હું અંબરા, જોબ ઇન્‍ટરવ્‍યુ માટે આવી છું.” અને થોડીકવાર સુધી અમે બંને એકબીજા સામે ચૂપચાપ જોઇ રહયાં ... અને પછી મે કહયું, “આ તરફ મારી ઓફિસ છે, આવો.”

-૦૦૦-

// ૩ //

“અચ્‍છા, એટલે ભાભીએ નોકરીની જોડે-જોડે બોસને ય પટાવી લીધા !” અશરફ મસ્‍તી કરતા બોલ્‍યો અને બધા હસી પડયાં.

“અરે, ના યાર ! બહુ કસરત કરવી પડી હતી ... આગળ સાંભળ ...” અને સમીરે વાત આગળ વધારી.

“એ જ દિવસે મેં અંબરાને જોબ ઓફર કરી દિધી અને બીજે દિવસે જ અંબરા જોઇન થઇ ગઇ હતી. હવે ઓફિસનું કામકાજ તો બધું ઉપરના માળે જ રહેતું એટલે અંબરા કાયમ લોબી વાળી સીડી પરથી જ ઉપર આવતી અને હું મારી કેબિનમાંથી એને સીડી પરથી અંદર આવતાં જોઇને હસી લેતો. અંબરા પોતાના કામમાં ખૂબ જ ડેડીકેટેડ હતી એટલે હિસાબ કિતાબ બધો એણે જ સંભાળી લીધો હતો. બે મહિનાની અંદર જ એ બધું કામ જાતે કરવા લાગી હતી.” આટલુ બોલીને સમીરે અંબરા તરફ જોયું અને અંબરાએ વાત આગળ વધારી.

“હવે જાહેર શી વાત છે કે કોઈ એક ઇન્‍સાન જોડે તમે સતત ૯-૧૦ કલાક રહો તો તમે નજીક આવવાના જ છો. હું અને સમીર પણ ધીરે ધીરે નજીક આવવા લાગ્‍યાં હતા. કામ કરતા-કરતા કોઈ બુકસ કે મૂવી વિશે વાતો કરી લેતા તો કયારેક ચા-નાસ્‍તો કરતા કરતા કોઈ ગીત કે ગઝલ લલકારી લેતા... છતાં હજુ એટલી કલોઝનેસ નહોતી થઇ કે એકબીજા જોડે પર્સનલ વાતો શેર કરી શકીએ. એમાં જ અચાનક એક દિવસ સમીરના મોબાઇલ પર એના ઘરેથી ફોન આવ્‍યો અને પાંચ સાત મિનીટ શાંતિથી વાત કર્યા પછી સમીરે ગુસ્‍સામાં સામે છેડા પર રહેલાં વ્‍યકિતને ઘણું બઘું સંભળાવી દીધુ અને મોબાઇલ ત્‍યાં જ ટેબલ પર મૂકીને ઓફિસની બહાર નીકળી ગયો અને પાછળ લોબીમાં જઇને સીડી પર બેસી ગયો. હું અવઢવમાં પડી ગઇ કે એની પાસે જઉં કે નહીં ? એની જોડે આ બાબતમાં વાત કરૂ કે નહી ? એ આખરે ૧૦ મિનીટ પછી હું એની પાસે ગઇ અને સીડી પર એની પાસે જ બેસી અને મે એને કહયુ,

“સમીર, હું પૂછી શકુ કે શું પ્રોબ્‍લેમ થયો છે?”

“આટલી બધી ફોર્મલ ના થા. તું માત્ર મારી એમ્‍પલોઇ નથી રહી .. દોસ્‍ત છે, અંબરા!”

“ઓકે” અને હું ચૂપ થઇ ગઇ. બે-ત્રણ મિનિટ પછી સમીર બોલ્‍યો,

“ઘરના લોકો મેરેજ માટે કહે છે. કાયમ એક જ વાત! આજે તો એક છોકરી સુઘ્‍ધા જોઇ આવ્‍યા એટલે ગુસ્‍સે થઇ ગયો હું આજે જરાક.”

// ૪ //

“જરાક ... હમ્‍મભભ” મે હસીને કહયું અને સમીર ચીડાયો અને મોઢું ફેરવી ગયો. “હા, તો ઘરના લોકો ખોટુ શું કહે છે ? તારે મેરેજ કરવાં જ છે ને એક દિવસ!” મે કહયું “હા પણ, આવી રીતે નહીં, કોઈ અજાણી વ્‍યકિત જોડે હું આખી જિંદગી ના શેર કરી શકું ... નથી કરવા માંગતો હું એવું”

“શરૂઆતમાં બધી વ્‍યકિતઓ અજાણી જ હોય છે સમીર.”, “અને એટલે જ હું કોઈ જાણીતી વ્‍યકિત સાથે જ મેરેજ કરીશ, બસ !”

“હા, તો આ વાત ઘરમાં કહી દે ...” મેં કહયું.

“મે કહેલું જ છે પણ ઘરના લોકો પાસે કાયમ માટે એક જ વાત હોય છે.”

“આ વખતે ઘરે જા ત્‍યારે શાંતિથી, પ્રેમથી આ વાત સમજાવજે બધાને ... બધાં સમજી જશે.” મે સમીરને વ્‍હાલથી સમજાવતા કહયું અને હું ઉભી થઇ.

“હમ્‍મ ...” સમીર બોલ્‍યો, “અંબરા, તું કેવી વ્‍યકિત જોડે તારી લાઇફ શેર કરવા માંગે છે?”

બે-પાંચ ક્ષણ માટે હું ચૂપ થઇ ગઇ, પણ મેં તરત જ કહયુ, “એ બધી વાત ફરી કયારેક, અત્‍યારે જમી લઇએ.”

-૦૦૦-

બસ આ બનાવ પછી હું અનુભવવા લાગી કે સમીર મારી વધુ પડતી કેર લેવા લાગ્‍યો છે અને સતત મારી આસપાસ રહી શકે એવા પ્રયત્‍નો કરવા લાગ્‍યો છે. અંબરા સમીર સામે જોઇને બોલી.

ઉદય બોલ્‍યો, “ભાભી ચા પીવડાવો. પછી વાત આગળ વધારજો” અને અંબરા ચા બનાવવાં ઉભી થઇ. સારંગી એની પાછળ પાછળ કિચનમાં ગઇ.

“આ પુરૂષો કેવા વિચિત્ર હોય છે નહીં, ભાભી મોઢામાંથી કશું નહી બોલે પણ એમનું આપણા તરફનું વ્‍યવહાર બધું જ કહી દેશે કે એમનાં મનમાં શું છે” સારંગી એ દિલ ખોલ્‍યું.

“હા સારંગી, અને એટલે જ સ્‍ત્રીએ પુરૂષના શબ્‍દોની રાહ ના જોવાની હોય ... પુરૂષનાં વર્તનમાં જ એનો પ્રેમ, એની બેકરારી, એની જીદ, એનો ગુસ્‍સો, એની નારાઝગી, એની રીષ, એની જીદ, એની દરેક લાગણી દેખાઇ આવતી હોય છે. એને અનુભવીને જ દરેક સ્‍ત્રીએ પોતાની દિશા નકકી કરી લેવાની હોય છે અને પછી બધું નિયતિ પર મૂકી દેવાનું હોય છે.” અંબરા ચા ની ટ્રે સારંગીના હાથમાં આપતા બોલી.

બધાં એ ચા પીધી અને પછી અંબરાએ વાત આગળ વધારી.

// પ //

“હું બને એટલો પ્રયત્‍ન કરતી કે સમીર મારાથી વધુ પડતો અટેચ ન થઇ જાય પણ કહયું છે ને કે જેટલી દુર જવાની કોશીષ કરો, તમારૂ મન એમાં જ એની નજીક જાય છે.”

“પણ ભાભી, તમે દૂર રહેવાનાં પ્રયત્‍નો કરતાં શા માટે ?” સંકલ્‍પ વચ્‍ચે જ કૂદી પડયો.

“ધીરજ ધરો ...” સારંગી હસીને બોલી એટલે સંકલ્‍પ ચૂપ થઇને અશરફ પાસે બેસી ગયો.

અંબરાએ વાત આગળ વધારી ... “દિવસે દિવસે સમીરના મારી નજીક આવવાના પ્રયત્‍નો વધી રહયા હતાં. કયારેક ચોકલેટ લાવતો તો કયારેક નજીકમાં આવેલી કોફી શોપમાં જવાનું પૂછતો. અને એક વાર તો મૂવીની ટિકીટ સુઘ્‍ધા લાવ્‍યો કે મારા ફ્રેન્‍ડને કોઈ કામ આવી ગયુ તો એ નહીં આવી શકે, તો હું જાઉ એની જોડે ... અને હું કોઈને કોઈ રીતે એને ટાળતી રહી.

-૦૦૦-

સમીરે અંબરાના હાથ પર પોતાનો હાથ દબાવ્‍યો અને વાત આગળ વધારી ...

“અને મારા આવા પાગલપનને આ મેડમ બસ અવગણતા રહયાં અને એવામાં એક દિવસ અંબરાના મોબાઇલ પર ફોન આવ્‍યો અને અંબરા ખૂબ જ ગભરાઈને મારી પાસે આવી અને કહેવા લાગી,

“સમીર મારે ઘરે જવું પડશે, એક ઇમરજન્‍સી છે.” રડુંરડું થઇ રહેલી અંબરને મેં પૂછયુ, “શું થયુ અંબરા, શાંત થા, પાણી પી.”

“ના સમીર, હું નીકળું છુ” પોતાની હેન્‍ડબેગ લેતા એ બોલી.

“હું આવું જોડે ?”

“ના ... ના ... આઇ વિલ હેન્‍ડલ” અંબરાએ કહયું અને ઓફિસનો ડોર ખોલીને લોબીમાં ગઇ. હું દોડયો એની પાછળ અને સીડી પાસે એનો હાથ પકડીને મે કહયું,

“અંબરા શું થયુ છે એ કહીશ?”

મારો હાથ હટાવતા અંબરા બોલી, “સમીર આયુધ પડી ગયો છે અને એને માથામાં વાગ્‍યુ છે. ઘરેથી આયાનો ફોન હતો.” અંબરા સીડી ઉતરવાં લાગી.

“આયુધ?, કોણ આયુધ?” મેં એને જોઇને સીડી ઉતરતાં ઉતરતાં પૂછયુ.”

“આયુધ મારો દિકરો છે, ચાર વર્ષનો! અને એ રોડ પર જતી રીક્ષાને રોકી તેમાં બેસીને જતી રહી.” અને મારા પગ સીડીના છેલ્‍લે પગથયે જાણે રોકાઇ ગયા. હું કેટલીય વાર સુધી ત્‍યાં જ ઉભો

// ૬ //

રહયો અને અંબરાનું છેલ્‍લુ વાકય મારા મગજમાં ઘૂમરાતું રહયું, “આયુધ મારો દિકરો છે, પાંચવર્ષનો!”

થોડીવાર પછી હું ઉપર ગયો, ઓફિસ લોક કરી, મેનેજરને સૂચના આપી, હું મારા ફલેટ પર જતો રહયો. ફલેટ પર પહોંચીને સીધો જ હું બેડ પર આડો પડયો પણ મનને સૂકુન નહોતું અને મગજને શાંતિ નહોતી. કંઇ કેટલાંય વિચારો મને હેરાન કરી રહયા હતા.

‘અંબરાનો દિકરો’

‘અંબરાનો પતિ’

‘અંબરાએ આ વાત શા માટે છૂપાવી ?’

અને ત્‍યાં જ મને અચાનક યાદ આવ્‍યું કે આયુધ પડી ગયો છે અને એની તબિયત જાણવા મે અંબરાને ફોન કર્યો અને અંબરાએ મને ફોનમાં જણાવ્‍યું કે આયુધને બસ જરાક માથામાં વાગી ગયું હતું, આયા કહી ગઇ હતી. બાકી આયુધ ખૂબ જ મસ્‍તી કરી રહયો છે. વાત પૂરી કરીને હું બાઇક લઇને બહાર નીકળ્‍યો કે જેથી મન થોડુ હળવું થાય. બાઇકને આંબાવાડી થી લો ગાર્ડન તરફ વાળી અને બ્રિટીશ લાઇબ્રેરી પાસે પહોંચ્‍યો કે મને ત્‍યાં અંબરા દેખાઇ. હું અકળાઇ ગયો કે શા માટે અંબરા મને આમ દરેક જગ્‍યાએ દેખાઇ આવે છે ? મે આંખો મીચી અને ફરીથી ખોલીને જોયુ એટલે એ સાચે અંબરા જ હતી. હું તેની નજીક ગયો અને મેં કહયું,

“હાય, અંબરા!”

“ઓહ સમીર, તું અહીં” એ પાછળ ફરીને આશ્‍ચર્ય સાથે બોલી.

“હા, થોડું આટો મારવા નીકળ્‍યો કે તું દેખાઇ ગઇ”. હું ફીક્કું હસીને બોલ્‍યો.

“હું આયુધને લઇને કાયમ અહીં આવુ છુ. એને ઘોડા પર બેસવું બહુ ગમે છે.” અને ત્‍યાં જ એક ઘોડો અમારી નજીક આવ્‍યો અને ઘોડાવાળા ભાઇએ એક બાળકને નીચે ઉતાર્યો અને એ બાળક દોડતો આવીને અંબરાને વળગી ગયો, “મમ્‍મા, ચાલ, તુયે ઘોડા પર બેસને ...” અને અંબરાએ એને ચૂમી લીધો અને ઉંચકીને બોલી, “આયુધ, જો આ સમીર અંકલ છે. મમ્‍માના ફ્રેન્‍ડ”

“હાય આયુધ”, મેં કહયુ.

“હાય સમીર અંકલ. તમે બેસોને ચલો ઘોડા પર મારી જોડે.” આયુધ બોલ્‍યો અને એની માસુમિયત પર હું અને અંબરા હસી પડયા. અંબરાના હાથમાંથી આયુધને ઉંચકીને બોલ્‍યો,”આયુધ, ઘોડે સવારી ફરી કયારેક કરીશું અત્‍યારે આઇસ્‍ક્રિમ ખાઇશું આપણે ?”

// ૭ //

“હા, આઇસ્‍ક્રીમ ... આઇસ્‍ક્રીમ ... યેયેયે ...” આયુધ તો રાજી રાજી થઇ ગયો.

-૦૦૦-

સમીરે બધા મિત્રો સામે જોઇને કહયું, “બસ એ દિવસ પછી ઘણાં બધા દિવસો સુધી મે અંબરાને એના મેરેજ વિષે કશું પુછયું નહીં. હા, ઓફિસમાં મારૂ વર્તન એ જ રહયું. કેમ કે જે લાગણી મનમાં જન્‍મી ચૂકી હતી એને છૂપાવી શકાય પણ મીટાવી શકાય નહી.” આટલું કહીને સમીર અંબરા સામે જોયું અને અંબરાએ વાત આગળ વધારી.

“એક તરફ સમીરનું લાગણીભર્યુ વર્તન અને એણે મને આયુધ વિશે કે મારા લગ્ન વિશે ન કરેલાં કોઈ સવાલો - આ બંને બાબતો મને ખૂબ અસર કરી ગઇ. મારા તરફની એની લાગણી, એની કેરમાં હવે આયુધ પણ આવી ગયો હતો. એ દર એક-બે દિવસે આયુધ માટે કંઇક ને કંઇક લાવતો. શરૂઆતમાં મેં ના પાડી તો એણે મને કહયું, “એ તારો દિકરો છે અંબરા, એને વહાલ કરવાથી ના રોક, મને તું કમ સે કમ.” અને બસ પછી હું એને ના રોકતી.

હું, સમીર અને આયુધ લો ગાર્ડન જોડે જવાં લાગ્‍યા. કયારેક શોપીંગ તો કયારેક આયુધના સ્‍કૂલ ફંકશનમાં અને આયુધનું મન જે રીતે સમીર જોડે ભળવાં લાગ્‍યું હતું એ જોઇને હું ઘણીવાર વિચારોમાં પડી જતી અને એક દિવસ મે સમીરને મારા ઘરે બોલાવવાનું નકકી કર્યુ.

“સમીર, કાલે રવિવાર છે. લંચ મારા ઘરે કરીએ ?”

“તારા ઘરે ? હા, સારું હું એકાદ વાગ્‍યે આવી જઇશ.”

બીજે દિવસે સમીર મારા ઘરે આવ્‍યો. આયા તો પોતાનું કામ પતાવીને જતી રહી હતી. મે આયુધ અને સમીરે જમી લીધું ત્યારબાદ આયુધ તો એની રોજની આદત મુજબ સૂઇ ગયો. એ મારા ખોળામાં જ માથું રાખીને સોફા પર સૂતો હતો અને મારી આંગળીઓ એના માથાના વાળમાં ફરી રહી હતી. સમીર કોઈને કોઈ આડી અવળી વાતો કરીને ખુદને નોર્મલ દેખાડવાની કોશિષ કરી રહયો હતો. અને મેં જે કારણસર સમીરને બોલાવ્‍યો હતો હવે એ વાત ચાલુ કરી.

“સમીર, તે પૂછયું નહીં કે આયુધના ડેડ કેમ નથી દેખાતા ?”

“હમ્‍મ ...?? હેં ...હા ... એ જ ને !” સમીર મારા અણધાર્યા સવાલથી ચોંકી ગયો.

હું ધીમેથી બોલી, “સમીર, આયુધના ડેડ નથી અને હું મેરીડ પણ નથી.”

// ૮ //

આ સાંભળીને સમીર બસ મને ચૂપચાપ જોઇ રહયો. હું આયુધને બાજુના રૂમમાં સૂવડાવવા માટે ઉંચકવા લાગી તો સમીરે આવીને એને ઉંચકીને પોતાના ખભા પર લઇ લીધો અને પાસેના રૂમમાં સૂવડાવી આવ્‍યો અને મારી સામે આવીને બેસી ગયો. હું બોલી, “સમીર, આયુધ મારો દતક લીધેલો દિકરો છે. આજથી સાડા ત્રણ વર્ષ પહેલા જયારે એ છ મહિનાનો હતો ત્‍યારે મેં એને દતક લીધેલો છે.”

“હમ્‍મ ... પણ આ બધુ મને સમજાઇ નથી રહયું અંબરા” સમીર બોલ્‍યો.

“હા, એટલે જ તો આજે હું તને બધું કહીશ. સમીર, હું લગ્ન સંસ્‍થાની વિરોધી નથી કે નથી હું પ્રેમથી દૂર ભાગી રહી. પણ બહુ શરૂઆતથી જ મે નકકી કરેલું કે હું લગ્ન નહીં કરૂં. મારું જે ફેમિલી બેકગ્રાઉન્‍ડ છે કે જે સમાજમાંથી હું આવુ છુ ત્‍યાં તો હજુ છોકરીઓને પુરેપુરૂ શિક્ષણ પણ નથી મળતું, નથી આપવામાં આવતું. પણ હું એટલી નસીબદાર હતી કે મારા પપ્‍પાને મારા પર બહુ જ વહાલ અને એમણે મને ભણાવી-ગણાવી પગભર કરી, ઘરમાં-સમાજમાં આ વાત કોઈને પસંદ ન્‍હોતી છતાં હું આગળ વધતી રહી અને એક દિવસ મારા પપ્‍પા ગુજરી ગયા અને મારૂ ભાગ્યચક્ર ઉંધી દિશામાં ફરવા લાગ્‍યુ. મારી મા અને ભાઇઓ, કાકા, મામા, બધાં મને પરણાવી દેવાના પ્રયત્‍નો કરવા લાગ્‍યા. હું સમજી ગઇ હતી કે આ લોકો બળજબરી સુઘ્‍ધા કરશે અને એક દિવસ હું એકલી બેઠી હતી અને મને મારા પપ્‍પાના શબ્‍દો યાદ આવ્‍યા.

“દિકરા, એક વાત હંમેશા યાદ રાખજે, તારી જિંદગીની લડત તારે એકલીએ જ લડવાની છે. કોઈનો સાથ તો કયાં સુધી હોય ? હું પણ જતો રહીશ. એક દિવસ અને ત્‍યારે તારે નિર્ણયોમાં તને સાથ આપવાવાળું કોઈ જ નહીં હોય, છતાં ડગમગતી નહીં, કદમો પાછા વાળતી નહી. આગળ વધજે હિંમતભેર અને દિશાઓ ખૂલશે, એની મેળે ખૂલશે. તું બહાદૂર છે, હોંશિયાર છે. એટલે કયારેય મૂંઝાતી નહીં, અને જો કયારેય મૂંઝાઇ જા તો મારા આ શબ્‍દો યાદ કરજે અને આગળ વધજે .. સદા!”

બસ બીજે જ દિવસે સવારે જ થોડાક કપડાં, થોડાક પુસ્‍તકો અને મારી બચતના થોડાક રૂપિયા લઇને બધાની વચ્‍ચેથી નીકળીને હું અમદાવાદ આવી અને એક વર્કીગ વીમેન હોસ્‍ટેલમાં રહેવા લાગી.”

“તારા ઘરના લોકોએ તને રોકી નહીં ?” સમીરે પૂછયું.

“રોકી હતી, ધમકાવી હતી પણ પપ્‍પાના શબ્‍દોથી જે હિંમત મળી હતી તેની સામે એ લોકો કાચા પડી ગયા હતાં.”

// ૯ //

“શરૂઆતમાં તો હું બહુ હેરાન થઇ અમદાવાદમાં એક-બે શાળાઓમાં નોકરી કરી, આસપાસમાં એક-બે ટયુશન્‍સ કર્યા અને નોકરી શોધતી રહી અને સાત-આઠ મહિનાનો રઝળપાટ પછી એક કંપનીમાં એકાઉન્‍ટન્‍ટની જોબ મળી. એ જોબ મે બે વર્ષ કરી. ત્‍યારબાદ મેનેજમેન્‍ટ બદલી જતાં મે મારી નોકરી બદલી નાખી. નવી નોકરીમાં પગાર પણ વઘ્‍યો એટલે ફલેટ ભાડે લીધો અને હવે તો ઓળખાણો પણ બની હતી. એટલે ઘરે પણ હું અમુક લોકોના એકાઉન્‍ટસ મેનેજ કરતી અને આવી રીતે આવક વધવા લાગી. આ આખા સમય દરમિયાન હું એટલી વ્‍યસ્‍ત રહેતી કે કયારેય કોઈ પુરૂષનો વિચાર સુઘ્‍ધા ન આવતો પણ હાં ઘરે એકલી પડતી ત્‍યારે ઘરમાં કોઈ ન હોય એ ખટકતું. લગ્ન વિશે તો પહેલાંથી જ નકકી કરેલું કે નથી જ કરવાં અને કયારેય કોઈ એવો ઇન્‍સાન મળ્‍યો પણ નહીં કે આ વિચાર હું બદલી શકું. એટલે એક દિવસ મે બાળક દતક લેવાનું નકકી કર્યુ અને આવી રીતે આયુધ મારી જિંદગીમાં આવ્‍યો અને મારી જીંદગી બની ગયો.”

“કદાચ તારૂં ઘ્‍યાન જ ના ગયુ હોય કે કોઈ એવો ઇન્‍સાન આવ્‍યો હતો કે આવ્‍યો છે.” સમીર મારી આંખોમાં જોઇને બોલ્‍યો.

“હાં, સમીર, એ ય શકય છે અને એય શકય છે કે મારૂં ઘ્‍યાન હવે ગયું છે.”

આટલું બોલીને અંબરાએ સમીર સામે જોયું અને સમીરે વાત આગળ વધારી.

“બસ તો દોસ્‍તો, એ દિવસ પછી, અચાનક જ અમારી બંનેની લાઇફ એકજ ટ્રેક પર દોડવા લાગી. ના મે કશું કહયું અને ના અંબરા કશું બોલી. જયાં લાગણીઓ મહત્‍વની હોય ત્‍યાં સબંધોને નામ આપવા જરૂરી નથી હોતા.”

“અરે પણ તો લગ્ન કયારે થયા ? કેમ થયા ?” અશરફે અધીરાઇથી પૂછયું.

“હમ્‍મ .. જેમ અંબરાએ અગાઉ કહયું ને કે અમે એકબીજા જોડે સમય પસાર કરતાં રહેતા, કયારેક ગાર્ડન તો કયારેક શોપીંગ, તો કયારેક આયુધની શાળા તો કયારેક અંબરાના ઘરે... અને એક દિવસ આયુધની શાળામાં વાર્ષિક ઉત્‍સવમાં અને હવે તો આયુધ પણ સેકન્‍ડ સ્‍ટાન્‍ડર્ડમાં આવી ગયો હતો, અચાનક જ આયુધે અંબરાને કહયું,

“મમ્‍મા ! સમીર અંકલને હું પપ્‍પા કેમ નથી કહેતો ? આ જો ડોલી મારી ફ્રેન્‍ડ એને મમ્‍મા અને પપ્‍પા બંને છે અને રાજીવને પણ છે તો હું શા માટે અંકલ કહું છુ, હું એ પપ્‍પા કહીશ બસ.”

// ૧૦ //

આટલું બોલીને સમીરે અંબરા સામે જોયુ અને બોલ્‍યો “જે કામ હું સાડા ત્રણ વર્ષમાં ના કરી શકયો એ કામ આયુધે બસ એક મિનિટમાં કરી નાખ્‍યુ હતું. અને ત્‍યારબાદ અમે બંનેએ અમારી લાગણીના સબંધનું નામકરણ કર્યુ અને આયુધને સમીર ‘અંકલ’ નહીં પણ પપ્‍પા મળ્‍યા.

અંબરા સમીરના ખભે માથુ ઢાળી ચૂકી હતી અને દિવાળીની સવાર એ બંનેને પોતાના કિરણોથી પ્રકાશી રહી હતી.

-૦૦૦-