Shanti Prapti Shrima Shardadevi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Shanti Prapti

શાંતિપ્રાપ્તિના ઉપાયો

શ્રીમા સારદાદેવી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

પ્રકાશકનું નિવેદન

આજના અશાંતિભર્યા માનસિક તનાવપૂર્ણ યુગમાં કૌટુંબિક અને સામાજિક જીવનમાં માનવ માનવ વચ્ચે એક વિચિત્ર વૈમનસ્યનું વાતાવરણ જોવા મળે છે. સહિષ્ણુતા, પરિતોષ, ધૈર્ય, નિઃસ્વાર્થતા, પ્રેમ, ક્ષમાશીલતા જવા ગુણો વિરલ બની ગયા છે. આ વિષમ યુગમાં શાંતિ અને નવજીવન અર્પતી સંજીવની સમી પુસ્તિકા ‘શાંતિપ્રાપ્તિના ઉપાયો’ ગૃહસ્થો, અને એમાંયે ખાસ નારીજગત સમક્ષ મૂકતાં અમે આનંદ અનુભવીએ છીએ.

આ પુસ્તિકામાં પાછળ આપેલી સંદર્ભસૂચિમાં દર્શાવેલ શ્રીમા સારદાદેવીના જીવન-સંદેશ પર આધારિત ઉત્કૃષ્ટ ગ્રંથોમાંથી વિચારોનું સંકલન કરવામાં આવ્યું છે. આ સંકલન કાર્ય શ્રી સુનિલ માલવણકરે કર્યું છે.

અમને આશા છે કે આ પુસ્તિકા વાંચીને વાચકોને મનની શાંતિ, પ્રેરણા અને સાર્વત્રિક કલ્યાણ સાંપડશે.

-પ્રકાશક

અનુક્રમણિકા

•માનસિક શાંતિ

•ગૃહસ્થધર્મ

•કર્મયોગ

•વ્યવહારુ આધ્યાત્મિકતા

•દુઃખનું કારણ અને નિવારણ

•પ્રાર્થના

•ધર્મ

•ધૈર્ય

•બહેનોને

•આહાર અને સ્વાસ્થ્ય

•શ્રદ્ધા

•અભયવાણી

•મા, મારી મનની મુંઝવણ દૂર કરો (પ્રશ્નોત્તરી)

•માના પ્રેરણાદાયી પ્રસંગો

•‘મા’ વિશે કેટલાક મહાનુભાવોના ઉદ્‌ગારો

-શ્રીરામકૃષ્ણ પરમહંસ

-સ્વામી વિવેકાનંદ

-ભગિની નિવેદિતા

•શ્રીમા સારદાદેવીનું સંક્ષિપ્ત જીવન

માનસિક શાંતિ

૧. જો મનુષ્ય કામ ન કરે તો તેનું માનસ કેવી રીતે નીરોગી રહી શકે? કોઈપણ મનુષ્ય ચોવીસે કલાક વિચાર અને ધ્યાનમાં ગાળી ન જ શકે. તેથી માણસે પોતાની જાતને કામમાં જોડી રાખવી જોઈએ તેનાથી મન પ્રસન્ન રહે છે.

૨. શાંતિએ મુખ્ય વસ્તુ છે મનુષ્યને શાંતિની જરૂર છે.

૩. સ્પૃહા જ બધાનું મૂળ છે. જો મનુષ્યને સ્પૃહા જ ન હોય તો મનુષ્યે શાની દરકાર કરવાની હોય ?

૪. માણસ પહેલા પોતાના મનને દોષી કરે ત્યારે જ બીજાના દોષ દેખાય. જેમના દોષ જુએ એમનું તો શું થવાનું હતું ? પોતાને જ નુકસાન.

૫. મનુષ્યે પ્રમાદ-આળસ છોડવાં જોઈએ, અને પોતાના મનને પ્રાર્થના અને ધ્યાન તરફ નિયમિત રીતે વાળવું જોઈએ.

૬. તેઓ કહેતા (શ્રીરામકૃષ્ણ પરમહંસ) ‘માણસે હંમેશા પોતાની જાતને (કામમાં) વ્યસ્ત રાખવી જોઈએ. જો કોઈ આળસુ રહે તો બધી જ વાતના નકામા અને દુષ્ટ વિચારો તેના મનમાં ઉત્પન્ન થાય છે.

જ્યારે કોઈ રોમ જાય ત્યારે તેણે રોમના લોકો કરે તેમ કરવું જોઈએ.

ભૂલ કરવી એ મનુષ્ય સ્વભાવ છે. માણસે તે મન ઉપર લેવું ન જોઈએ. તેથી માણસને દોષ જોવાની આદત પડી જાય છે.

૯. જેવું ટાણું તેવુું ગાણું હોવું જોઈએ ને ?

૧૦. મનને આળસુ બનાવી અને તેને ઢીલું બનાવવું તેના કરતાં કામ કરવું તે ઘણું ઉત્તમ ગણાય. જ્યારે મનને ઢીલું મૂકવામાં આવે છે ત્યારે તે મુશ્કેલીઓ ઊભી કરે છે.

૧૧. સંસારીજનો સંતપુરુષો રહેતા હોય તે સ્થાને જાય તો પણ ત્યાંના વાતાવરણની એમના મનનો મેલ ધોવાઈ જાય.

૧૨. રચનાત્મક કામ કરો.

૧૩. દીકરા, પ્રકૃતિનો નિયમ છે કે પૂનમ પછી અમાસ આવે છે. એ જ રીતે કોઈવાર મનમાં સૂક્ષ્મ વિચારો આવે છે અને કોઈકવાર ખરાબ વિચારો મનનો કબજો લઈ લે છે.

૧૪. તમને સંજોગોને અનુકૂળ થતાં આવડવું જોઈએ.

૧૫. આજે કળિયુગમાં માનસિક પાપ એ પાપ નથી.

૧૬. જો બેટા, ક્યાંય આવતાં જતાં આજુબાજુનું બધું ધ્યાન રાખવું જોઈએ અને તું જ્યાં રહે છે, ત્યાં જે કંઈ બનતું હોય તેનાથીયે માહિતગાર તારે રહેવું જોઈએ, પણ એ વિશે તારે ક્યાંય પંચાત કરવી જોઈએ નહીં.

૧૭. કામકાજ તો કરવાં જ જોઈએ. કામ કરવાથી મન પ્રસન્ન રહે છે.

૧૮. ઉત્સવને દિવસે બધાએ આનંદ કરવો જોઈએ.

૧૯. નજીવી વાતમાં મનને ચંચળ થવા ન દો.

૨૦. તમે શાંતિ ચાહતાં હો તો, બેટા, કોઈના દોષ ન જોવા. પોતાના જ દોષ જોવા. જગતને પોતાનું કરતાં શીખો. કોઈ પારકું નથી. બેટા, જગત તારું છે.

૨૧. તમારું વ્યથાપીડિત હૃદય પ્રભુ પાસે ખોલો, રુદન સાથે અંતઃકરણપૂર્વક પ્રાર્થો : ‘હે પ્રભુ ! મને આપની પાસે ખેંચી લો; મને ચિત્તની શાંતિ આપો; આમ રોજ કરવાથી તમને મનની શાંતિ મળશે.

૨૨. સંસારનું સુખ ક્ષણિક છે, સંસારથી જેટલા તમે અનાસક્ત તેટલા પ્રમાણમાં મનની શાંતિ વધુ માણી શકો.

૨૩. વધુ પડતા પ્રશ્નોથી તારા મનને ન મુંઝવ, એક વાતનો અમલ કરવો કઠણ લાગે છે તો પણ, માણસ ઘણી બધી પંચાતોને પોતાના મનમાં ઠાંસી દેવાનું સાહસ કરે છે અને વ્યાકુળતાને નોતરે છે.

૨૪. બધું જ મનમાં છે - શુદ્ધિ તેમજ અશુદ્ધિ મનમાં છે.

૨૫. ચંચળતા મનનો સ્વભાવ છે. એટલે આરંભમાં પ્રાણાયામની સહાય ધ્યાન માટે ભલે લેવાય. એ મનને સ્થિર કરવામાં મદદ કરે છે. પણ એનો અતિરેક ન જોઈએ. એથી મગજ તપી જાય. તમે ભલે પ્રાણાયામ કે ધ્યાનની વાત કરી પણ, યાદ રાખજો કે મન જ બધું છે. મન સ્થિર થતાં માણસને બધું સાંપડે છે.

૨૬. મનનું વલણ છે દુષ્કૃત્યો તરફ દોરાવાનું. સત્યકાર્ય કરવામાં એને આળસ છે.

૨૭. બેટા, આ તો પ્રકૃતિનો નિયમ છે. તે પૂનમનો અને બીજનો ચંદ્ર જોયો છે ને ? એ જ રીતે મન પર કોઈવાર સારી ને કોઈવાર ખરાબ વૃત્તિઓ સવાર થાય છે.

૨૮.લોકો જ્યારે ઈષ્ટ-અનિષ્ટની ચર્ચા કરે ત્યારે, એ ઈષ્ટ-અનિષ્ટોનો થોડો ભાગ ત્યાં હાજર સૌએ લેવો પડે.. કોઈ તમને પોતાનાં સારાં-ખરાબ કૃત્યોની વાત કરે અને પછી એ માણસનો જ્યારે પણ વિચાર કરો ત્યારે એનાં શુભાશુભ કૃત્યોને યાદ કરવાં પડે. આમ તમારા મન ઉપર એનાં શુભાશુભ કૃત્યોની કંઈ અસર છોડી જાય છે.

૨૯. મનને છૂટું ભટકવા દેવા કરતાં કર્મ કરવાં વધારે સારાં. કારણ, મનને ભટકવાની છૂટ મળે ત્યારે એ ઘણી ગરબડ ઊભી કરે. આ બધી બાબતોનો વિચાર કરી, લોકો અનાસક્ત રહીને કામ કરી શકે એવી સંસ્થાઓ મારા નરેને શાણપણપૂર્વક સ્થાપી છે.

૩૦. અમ્લ ખોરાકથી દૂર રહેવા ઇચ્છનાર આમલીના ઝાડ નીચે પોતાનું ઘર બાંધે છે !

૩૧. નીચાણ તરફ વહેવું એ પાણીનો સ્વભાવ છે. પણ સૂર્ય કિરણો એને આકાશ ભણી ઊંચકી લે છે. એ જ રીતે, હલકી મોજશોખની બાબતો તરફ સરકવું એ મનનો મૂળ સ્વભાવ છે, પરંતુ ઈશ્વર કૃપા મનને ઊંચેરી બાબતો તરફ ખેંચી લઈ શકે.

ગૃહસ્થ ધર્મ

૧. ભાગતાં બધાંને આવડે પણ કેટલાંને ઘડતાં આવડે ? નિંદા કરી બધાં તેની મજાક ઉડાવી શકે પણ કેટલાં તેને સુધારી શકશે ? માણસ માત્રમાં દુર્બળતા તો છે જ.

૨. માણસે શિસ્ત જાળવવી જોઈએ. એ સિવાય માણસ સારો કેવી રીતે બની શકે?

૩. વ્યક્તિએ કદી અપ્રિય એવું કડવું સત્ય બોલવું ન જોઈએ.

૪. મનુષ્યના સ્વભાવની ગણના થાય છે. બીજી વસ્તુઓની શી જરૂર છે ?

૫. સારી આદતો નભાવવાને જરા કૃતનિશ્ચયીપણું જરૂરનું છે.

૬. જેમાં જે ચીજ ખપે તે કાઢી નાખે ના ચાલે.

૭. મનુષ્યે સમાજના મતને ધ્યાનમાં લેવો જોઈએ.

૮. આ જીવન તો ઈશ્વરની કૃપારૂપે પ્રાપ્ત થયું છે, મનુષ્યે તેને પોતાનું સદ્‌ભાગ્ય માનવું જોઈએ.

૯. માન મેળવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ.

૧૦. બાલ્યાવસ્થામાં કોઈ કાંઈ સારી રીતે શીખે તે શું ભુલે ?

૧૧. કોઈનું હજારવાર ભલું કર્યા પછી એકાદ વખત પણ જો તમે જરા દોષ કરશો તો તેને તુરત જ ખોટું લાગશે. લોકો માત્ર દોષ જ જુએ છે.

૧૨. બીજાની લાગણી દુભાય એવા શબ્દો શું કદી કોઈએ ઉચ્ચારવા જોઈએ ખરા કે ? સત્ય હોવા છતાં પણ અણગમતું સત્ય બોલવું જોઈએ નહીં. કારણ કે તેની આદત પડી જાય છે અને એક વખત મનુષ્ય બીજાની લાગણીનો ખ્યાલ કરવાનું બંધ કરી દે છે, ત્યારે તે કોઈ જગ્યાએ અટકતો નથી. ઠાકુર કહેતા, જો તમારે લંગડા માણસને પૂછવું હોય કે તે કેવી રીતે લંગડો થયો, તો ત્યારે તમારે આ પ્રમાણે બોલવું જોઈએ : તમારા પગની આવી સ્થિતિ કેવી રીતે થઈ ?

૧૩. દરેક વસ્તુનું યોગ્ય મહત્ત્વ આંકી તેને માન આપવું જોઈએ. સાવરણીને, ઝાડુને પણ થોડું માન આપવું જોઈએ.

૧૪. મનુષ્યે ગમે તે પ્રકારે, દુર્જનોને દૂર રાખવા જોઈએ.

૧૫. એક સ્થાને શાંતિ પ્રાપ્ત થતી હોય તો યાત્રા સ્થાનોએ જવાની શી જરૂર છે ?

૧૬. ઠાકુર કહેતા જેની પાસે પૈસા અને અનાજ હોય તે ગરીબોને આપે. જેની પાસે ન હોય તે ઈશ્વરનું નામ રટે.

૧૭. પરણેલો માણસ શું ગુણવાળું જીવન ન જીવી શકે. માણસ બધું મન દ્વારા જ પ્રાપ્ત કરે છે. ઠાકુર મને નહોતા પરણ્યા ?

૧૮. મુશ્કેલીઓ ભોગવવાં છતાં પણ જે ભગવાનને વળગી રહે તે અવશ્ય પામે જ.

૧૯. જેની આધ્યાત્મિક શક્તિ ઉચ્ચ કોટિની હોય તેઓ જ સાધુ થઈ શકે અને જાતને બધાં બંધનોમાંથી મુક્ત કરી શકે વળી, કેટલાંકનો જન્મ સંસાર માણવા માટે થયો હોય છે. ભોગ, પીડા બધાં ભોગવી લેવાં સારાં એમ કહું છું. ઠાકુરના સાથીઓની વાત જુદી હતી.

૨૦. જો, બેટા આપણે જેને ચાહતાં હોઈએ એને કશું ખાવાનું દેતાં પહેલાં ચાખીને દેવું ઠીક છે.

૨૧. યાત્રાએ જવું એટલે આફતોનો સામનો કરવાનું આવે; બહુ ભોળવાઈ ન જવું. ભટકવા કરતાં પોતાને ઘરે રહીને તું ખૂબ પ્રાપ્ત કરી શકીશ. તારા મન ઉપર બધો આધાર છે.

૨૨. બધા પ્રત્યે ફરજ અદા કરો પણ, પ્રભુ સિવાય કોઈમાં પ્રીતિ ન રાખો, બીજાને ચાહવાથી અનેક ઉપાધિઓ આવે છે.

૨૩. ગૃહસ્થોએ બાહ્ય ત્યાગ કરવાની આવશ્યકતા નથી. એમનામાં આંતરિક ત્યાગ આપોઆપ પ્રગટ થશે.

૨૪. દરેકને એનો ભાગ આપવો જોઈએ.

૨૫. સ્થાનિક રીતે રિવાજોનું પાલન કરવું.

૨૬. ઠાકુર કહેતા ‘લોકોને જંતુ માનો.’ એટલે બધા લોકો નહીં. ઠાકુર દોષ જોનારાઓની અને હલકી વૃત્તિના માણસોની જ વાત કરતા હતા.

૨૭. માણસ જ દેવ બને છે. માણસ યોગ્ય રીતે વર્તે તો બધું જ શક્ય છે.

૨૯. દરેકે મહેનત કરવી જોઈએ. શું ચીવટથી મહેનત કર્યા વગર કાંઈ મળી શકે?

૨૯. લોકોને પ્રેમ અને જતનથી પોતાના કરી લેવા જોઈએ.

૩૦. બધાની સાથે સંપીને રહેવું જોઈએ. ઠાકુર કહેતા ‘શ-ષ-સ’ એટલે બધું સહન કર્યે જાઓ.

૩૧. વડીલોની વાત માનવી જોઈએ.

૩૨. વિશ્વાસ અને નિષ્ઠા મૂળ છે. એ હોય તો બસ છે.

૩૩. લોકો ફક્ત દોષ જ જુએ. ગુણ વળી કેટલા જુએ છે ? ગુણો જોવા જોઈએ.

૩૪. ઠાકુર કહેતા કે એક બે બાળકો થયા પછી સંયમ પાળવો જોઈએ. ઇંદ્રિય સંયમ બહુ જરૂરી છે.

૩૫. દીકરા, પૈસા ભેગા કરી રાખીશ તો તારો પોતાનો સંસાર સરળતાથી ચાલશે અને સાધુઓની પણ સેવા થઈ શકશે.

૩૬. ભૂલો આચરવી એ તો માનવનો મૂળ સ્વભાવ છે; પરંતુ ટીકા કરનારાઓમાંથી બહુ થોડા તેમને સુધારવાની કળા જાણે છે.

૩૭. બેટા, સહિષ્ણુતાનો ગુણ મોટો છે; એની સમાન બીજો ગુણ નથી.

૩૮. ભગવાં કપડાંમાં જ શું બધું સમાયેલું છે ! તમે એના વિના પણ ઈશ્વરને પામી શકશો.

૩૯. આધ્યાત્મિક સાધના બાબત પતિપત્ની એકમત હોય તો આધ્યાત્મિક પ્રગતિ સરળ બની જાય છે !

૪૦. પૈસા કમાવા અને સંઘરો કરવા વિશે મા કહેતં : ‘તારે બૈરી છોકરાં છે. એમને માટે તારે કંઈક એકઠું કરવું જોઈએ... બેટા તું જો બચાવીશ તો એ ભવિષ્યમાં અને તારા કુટુંબ માટે કામમાં આવશે. ઉપરાંત તું સાધુ સેવા પણ કરી શકીશ. બેટા, તારી પાસે કંઈ હશે જ નહિ તો, સાધુઓને તું શું આપી શકીશ ?

૪૧. બેટા, માણસ ગમે તેવો હોય પણ એ સંન્યાસી વેશે આવે તો એને કશું આપીને કે અન્ય રીતે એની સેવા કરીને તારે સાધુસેવા કરવી.

૪૨. ગૃહસ્થોને સંસારની ફરજો વિશે માએ કહ્યું : (ગુહસ્થનું) ઘર ભગવાનનું છે. માટે જે કંઈ કર્મમાં એણે તમને નાખ્યા હોય તે કર્મ, પ્રભુ પર પૂર્ણ આધાર સાથે, ઉત્તમ રીતે કરવું... ઉપાધિઓ અને આફતો આવે તો, ઠાકુરને બોલાવો અને એ તમને પાર ઉતારશે.

૪૩. બીજાઓની ટીકા કરનાર લોકો પૂરતી સંખ્યામાં છે. હું તેમ નહિ કરું તેથી દુનિયાનો કંઈ અંત આવી નહિ જાય.

૪૪. સૌએ સહનશીલ થવું જોઈએ.

૪૫. મનુષ્ય બીજાઓને આનંદ આપી શકે ત્યારે જ એના જીવનનો હેતુ સધાય છે.

૪૬. ગમે તે કામ કરો, તેમાં સૌનું સ્વમાન સચવાવું જોઈએ. દરેકની સલાહ લઈ ચાલવું જોઈએ.

૪૭. ઈશ્વર સૌનાં પિતા અને માતા છે બેટા, તે જ માનવનાં માતાપિતાનું સ્વરૂપ ધારણ કરે છે.

કર્મયોગ

૧. નાનામાં નાનું કાર્ય પણ પૂજ્ય ભાવથી થવું જોઈએ.

૨. બધાં શુભ કાર્યો વિના વિલંબે પતાવી લેવાં. તે સારું છે.

૩. મનુષ્ય માત્રે પોતાનાં કર્મનાં ફળ ભોગવવાનાં રહે જ છે. પણ જો મનુષ્ય ઈશ્વરપ્રાર્થના કરે તો શૂળીનું દુઃખ સોયથી ટળે છે. જપ, ઉગ્રસાધના વગેરેથી મનુષ્યના ખરાબ ભાવિમાં ઘણો ફેરફાર થાય છે.

૪. ગમે તેમ તોય સારી વસ્તુ કરવી તે તો સારું જ છે ને ? સારાનું પરિણામ સારું અને ખરાબનું ખરાબ.

૫. જેમને ફરજ બજાવવાની હોય છે તેઓ ખાસ નિયમો પાળી શકે નહિ.

૬. પ્રાર્થના અને ધ્યાન અથવા યાત્રા કે પૈસો કમાવવો, આ બધું મનુષ્યના જીવનના પૂર્વાર્ધમાં હોવું ઘટે.

૭. મનુષ્યે બધો સમય કામ કરવું જોઈએ. કામ તો શરીર અને મન બંનેને તંદુરસ્ત રાખે છે.

૮. કામકાજ કરવા તો જોઈએ જ કર્મ કરતાં કરતાં જ કર્મનાં બંધન કપાતા જાય, ત્યારે નિષ્કામ ભાવ આવે. એક ક્ષણ પણ કામ વગર રહેવું ઠીક નથી.

૯. માણસે સારા અને નરસા વચ્ચેનો ભેદ પારખવો જોઈએ અને ઈશ્વરના માટે સખત કામ કરવું જોઈએ.

૧૦. માણસ પાસે એ જ બધું કરાવે છે એ સાચું છે. પણ માણસ પાસે એ સમજણ છે ? અહંકારથી ભર્યો હોઈ એ માને છે કે પોતે બધાનો કર્તા છે અને ભગવાન ઉપર આધાર રાખવાની જરૂર નથી. ઈશ્વર પર આધાર રાખનારનું એ બધા ભયથી રક્ષણ કરે છે.

૧૧. કોઈપણ ભોગે, આપણું ધ્યેય આપણે પાર પાડવું જોઈએ. જો બેટા, જે કામ નિર્ધાર્યું હોય તે પહેલાં કરવું.

૧૨. બધા માણસો એક જ હેતુ માટે જન્મતાં નથી.

૧૩. માણસને કશું ઉદાત્ત પ્રાપ્ત કરવું હોય તો એને નિષ્ઠાપૂર્વક મહેનત કરવી જોઈએ અને દૃઢ નિશ્ચયી બનવું જોઈએ.

૧૪. સમય અને સંજોગો પ્રમાણે બધું કરવું જોઈએ.

૧૫. કામ કર્યા વગર કંઈ મન સારું રહે ?

૧૬. જેને કહેવું હોય તે કહે, પણ ઠાકુરને યાદ કરીને જે કામ હિતકર સમજો તે જ કરજો.

૧૭. બેટા, જગતનાં દુઃખ પીડા દૂર કરવા કાર્યરત રહો.

૧૮. ઉત્તેજનાની ઘડીએ મોટાં કામ કરનારા ઘણા હોય છે. પણ પોતાનાં કર્તવ્યની ઝીણામાં ઝીણી બાબતમાં રસ દેખાડે અને સાવધાની બતાવે તેના પરથી માણસની સાચી ઓળખ મળે છે.

૧૯. બેટા, પ્રવૃત્તિશીલ રહેવું સારું છે.

૨૦. બધા સારા કામમાં ફતેહ માટે ખંત અને દૃઢતા જરૂરી છે.

૨૧. લોકોએ સાવધાનીથી જીવવું જોઈએ, દરેક કર્મ ફળ પેદા કરે છે. બીજાઓ પ્રત્યે આકરા શબ્દો વાપરવા કે એમની પીડા માટે જવાબદાર બનવું તે યોગ્ય નથી.

૨૨. સંસારીજનોના મતાનુસાર અશુભ કાળે પવિત્ર તીર્થક્ષેત્રે ન જવાય. આ રીતે સમયની પ્રતિકૂળતાને ધ્યાનમાં લઈ માણસ એ પવિત્ર વિચારને મોકૂફ જ રાખી દે. પણ મૃત્યુ કોઈ ભેદ રાખતું નથી. મોત ક્યારે આવવાનું છે તે કોઈ જાણતું નથી એટલે શુભ ઘડીની વાટ જોયા વિના તક મળે ત્યારે મંગળકાર્ય કરી જ લેવુું.

૨૩. નદીઘાટે ન્હાવા જાઓ ત્યારે ઘાટ ઉપર મેલું કે કચરો પડેલો હોય તો પાણી રેડીને તે સાફ કરી નાખો. એથી બીજા માણસોને જે સુખ સગવડ થશે, તેનું પુણ્ય તમને મળશે.

વ્યવહારુ આધ્યાત્મિકતા

૧. સંસારનાં કામકાજની વચ્ચે પણ સાધના માટે સમય કાઢવો જોઈએ.

૨. ભગવાનમાં ભક્તિ એ જ અસલ વસ્તુ છે.

૩. જપ, તપ કરવાથી કર્મનાં બંધનો કાપી શકાય. પણ પ્રેમ અને ભક્તિ સિવાય ભગવાન ન મળે. જપ, તપ એ શું છે જાણો છો ? એનાથી ઇંદ્રિયોનો પ્રભાવ ઘટી જાય.

૪. સમયસર આળસનો ત્યાગ કરીને જપ-ધ્યાન કરવાં જોઈએ.

૫. જપ, ધ્યાન, પ્રાર્થના વગેરેની તો ખાસ જરૂર છે. ઓછામાં ઓછા સવાર-સાંજ તો તે કરવાં બેસવું જ જોઈએ. એ જાણે હોડીનું સુકાન છે. સાંજના બેસો તો આખા દિવસમાં સારાનરસાં શાં કામ કર્યાં એનો વિચાર આવે. પછી આગલે દિવસે મનની કેવી સ્થિતિ હતી, એની સાથે આજની મનની સ્થિતિની તુલના કરવી જોઈએ.

૬. જપના સમય માટે કોઈ વિધિનિષેધ નથી તો પણ સવાર-સાંજનો વખત સારો ગણાય છે. સમય ગમે તે હોય પણ જપ દરરોજ કરવા જોઈએ. કોઈપણ દિવસ ખાલી ન જવા દેવો.

૭. માણસ અજ્ઞાની જીવ છે એટલે એના બધા દોષો ભગવાન માફ પણ કરે છે.

૮. કેવળ ભગવાનની કૃપાથી જ થાય. તો પણ ધ્યાન-જપ વગેરે કરવાં જોઈએ એનાથી મનનો મેલ ધોવાઈ જાય છે. જેમ ફૂલ હલાવવાથી અને સુખડ ઘસવાથી સુગંધ નીકળે તેમ ભગવત્‌ તત્ત્વ વિષે ચર્ચા કરતાં કરતાં તત્ત્વજ્ઞાનનો ઉદય થાય છે. પણ જો વાસના દૂર કરી શકો તો તરત જ થાય.

૯. સારું કંઈ કરો તો તમારાં દુષ્કર્મોની અસરનો છેદ ઊડી જાય. કોઈ પ્રાર્થના કરે, ભગવાનનું નામ લે અને ભગવાનનું ચિંતન કરે એટલે પાપની અસર ધોવાઈ જાય.

૧૦. જરાય ચિંતા નહિ કર ! આંખનું અને કાનનું છે તેમ ચંચળતા મનનું લક્ષણ છે. નિયમિત અભ્યાસ કર. પ્રભુનામ ઇંદ્રિયો કરતાં વધારે શક્તિશાળી છે. ઠાકુરનું નિત્ય સ્મરણ કર. તે તારી સંભાળ રાખે છે. તારા દોષોથી મુંઝાઈ ન જા.

૧૧. ડર નહિ, તને કહું છું કે કળિયુગમાં માનસિક-પાપ એ પાપ નથી. આ બાબતે બધી ચિંતા છોડી દે, જરાય ડર મા.

૧૨. પોતાનાં કર્મોનાં ફળ માણસને ભોગવવાં જ પડે. પણ પ્રભુના નામનો જપ કરીને, એની તીવ્રતા ઓછી કરી શકાય. હળ જેટલો મોટો ઘા વાગવાનો હોય તેને બદલે માત્ર સોય ભોંકાય. જપતપથી કર્મની અસરનો ઠીક ઠીક સામનો કરી શકાય.

૧૩. પૂર્ણ પ્રેમથી, નિષ્ઠાથી અને સમર્પણ ભાવનાથી જપ કરવો. નિત્ય ધ્યાન કરતાં કરતાં પહેલાં તમારી તદ્દન નિઃસહાયતાનો વિચાર કરો ને પછી જ, તમારા ગુરુ ચિંધ્યા માર્ગે સાધના કરો.

૧૪. જપ તરરતી વેળા પોતાના ઈષ્ટનું ધ્યાન કરવું. ધ્યાનમાં ઈષ્ટનું મુખારવિંદ પ્રથમ આવે. પણ એનાં ચરણથી માંડી પૂર્ણ આકૃતિનું ધ્યાન કરવું.

૧૫. સમય વીતતાં મન જ ગુરુ થાય છે. ધ્યાન વિના લાંબા સમય સુધી બેસવા કરતાં પૂર્ણ ધ્યાન સાથે બે મિનિટ ધ્યાનમાં બેસવું વધારે સારું છે.

૧૬. ઈશ્વરથી મન દૂર રાખીને તેનું નામ લાખવાર લેવું અને મનને વશમાં રાખીને ઈશ્વરનું નામ એકવાર પણ લેવું તે બંને બાબત એક સરખી છે. તું ભગવાનનું નામ આખો દિવસ લીધા કર પણ, મન બીજે હોય તો ખાસ પરિણામ ન આવે. જપ સાથે એકાગ્રતા જોઈએ જ, તો જ પ્રભુકૃપા પ્રાપ્ત થશે.

૧૭. કોઈ નિર્જન સ્થળે તમે સાધના કરો તો, તમને લાગશે કે તમારું મન દૃઢ બન્યું છે અને પછી સમાજથી જરાય લેપાયા વિના તમે ગમે ત્યાં રહી શકશો. છોડ નાજુક હોય ત્યારે, એની આસપાસ વાડ કરવી જોઈએ. એ મોટો થાય ત્યારે ગાયબકરાં એને કશું કરી શકે નહિ. નિર્જન સ્થળે સાધના કરવી જરૂરી છે.

૧૮. પ્રાર્થના ને ધ્યાન, યાત્રા કે પૈસા કમાવાનું જિંદગીના શરૂઆતના દિવસોમાં કરી લેવું જોઈએ... ઘડપણમાં આપણી શારીરિક અને માનસિક શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય છે. એ શું કોઈ પ્રકારના સંઘર્ષનો સમય છે ? આ અમારા છોકરાઓ સામે જુઓ, એમણે જુવાનીમાં જ પોતાનું મન ઈશ્વર તરફ વાળ્યું છે. એ બરાબર છે. આ જ યોગ્ય સમય છે. દીકરા, તારા જપધ્યાન તારે આ વયમાં જ સાધવા જોઈએ. તારી જુવાનીના કાળમાં જ. શું પછીથી કરી શકીશ એમ તું માને છે ? તારે જે કાંઈ કરવું હોય તે માટેનો આ જ યોગ્ય સમય છે.

૧૯. બધુંયે, બેશક ઈશ્વરની ઇચ્છાથી જ થાય છે છતાં, માનવીએ પ્રવૃત્તિ કરવી જ જોઈએ, કારણ ઈશ્વર પોતાની ઇચ્છા માનવીનાં કર્મ દ્વારા પ્રગટ કરે છે. સાધનામાં ઢીલા ન પડો.

૨૦. તમારા હૃદયના અંતસ્તલમાં પ્રભુ-નામનું રટણ કરો અને સાચા હૃદયથી ઠાકુરનું શરણ લો. આજુબાજુના પદાર્થો પ્રત્યે તમારું મન જે પ્રતિભાવો આપે તેની ચિંતા નહિ કરો અને તમે આધ્યાત્મિક પંથે પ્રગતિ કરો છો કે નહિ એની ચિંતા નહિ કરો, એની પાછળ સમય ન બગાડો. પોતાની પ્રગતિ માપવી એ અહંકાર છે. તમારા ગુરુમાં અને ઈષ્ટમાં શ્રદ્ધા રાખો.

૨૧. આરંભમાં જે સચેત હોય છે, તે જ અંતે જીવે છે.

૨૨. ધ્યાન હૃદયમાંથી આરંભાય છે ને મસ્તકમાં પૂરું થાય છે. મંત્ર કે શાસ્ત્ર કશાં કામનાં નથી : ભક્તિ-પ્રેમ વડે જ બધું સિદ્ધ થાય છે.

૨૩. મન પવિત્ર હોય તો શા માટે વ્યક્તિને ધારણા અને ધ્યાન ન થાય ? તેને ઈશ્વરની ઝાંખી શા માટે ન થાય ? જ્યારે મનુષ્ય જપ કરવા બેસે ત્યારે સ્વાભાવિક રીતે જ અને અનાયાસે તેના મનમાંથી ઈશ્વરના નામનું સ્તવન થવા લાગશે.

૨૪. જપ કરવો, સંખ્યા ઉપર ધ્યાન આપવું, હાથ ઉપર ગણતરી કરતા રહેવી - આ બધું માત્ર એકાગ્રતા કેળવવા માટે જ છે. ચિત્ત તો ભટકવા ઈચ્છે છે, પણ આ બધાથી કદાચ તે એકાગ્ર બને. જો મનુષ્ય નિરંતર નામ સ્મરણથી ઈશ્વર દર્શન પામે અને ધ્યાનમગ્ન બને તો પછી તેને જાપની જરૂર પડતી નથી. જો મનુષ્ય ધ્યાન કરી શકે તો તેમાં બધું આવી ગયું.

૨૫. ચિત્ત તો ચંચળ છે જ, તેથી મનુષ્યે શરૂઆતમાં તો થોડા સમય માટે પોતાના શ્વાસને અંકુશમાં રાખવો અને ધ્યાન કરવાનો પ્રયત્ન કરવો. તે ચિત્તશાંતિ માટે મદદરૂપ બને છે. પણ મનુષ્યે આ પ્રમાણે હદ ઉપરાંત ન કરવું, તેનાથી મગજમાં ગરમી ચડે છે.

૨૬. ઈશ્વરનો સાક્ષાત્કાર થવો અથવા તો ધ્યાન, આ બધું મન ઉપર આધારિત છે. એકાગ્ર બનો એટલે બધું પસાર થઈ જશે.

૨૭. અરે, મારાં બાળકો, શરણાગતિ સ્વીકારો, માત્ર શરણાગતિ સ્વીકારો પછી જ માત્ર તે કૃપાથી રસ્તો સાફ કરશે.

૨૮. ઉપાસનામાં આવતી અનેક અડચણો બહારની નથી હોતી અંદરની હોય છે.

૨૯. ધ્યાનની વૃત્તિ જાગે તો સારું. ન જાગે તો જોરજુલમથી ધ્યાન કરવું નહીં.

૩૦. મંત્રજાપથી માનવી સમત્વ, ત્યાગ અને સંન્યાસ પ્રાપ્ત કરે છે.

૩૧. જપના અભ્યાસ દ્વારા માણસ શ્રેષ્ઠ ધ્યેય પ્રાપ્ત કરી શકે છે. જપ સફળતા આપે છે, આપે જ છે.

૩૨. ધ્યાન કરો એટલે તમને ખાતરી થાય છે કે જે મારામાં છે તે તમારામાં પણ છે અને નાનામાં નાના નજીવા માણસમાં પણ છે, ત્યારે જ તમારા મનમાં નમ્રતા જન્મ પામશે.

દુઃખનું કારણ અને નિવારણ

૧. બેટા ! જો સાંભળ, આત્મા ગમે તેટલો મહાન હોય તો પણ જ્યારે તે મનુષ્ય શરીરને પ્રાપ્ત થાય છે, ત્યારે તેણે બધાં જ શારીરિક દુઃખો સહન કરવાં પડે છે. ફેર માત્ર એટલો જ કે સામાન્ય લોકો અશ્રુઓ વહાવતા જાય છે જ્યારે મહાન આત્મા હસતાં - હસતાં જાય છે. જાણે કે મૃત્યુ એ રમત હોય.

૨. ગરીબો અને દુઃખી લોકો સદ્‌ભાગી છે.

૩. બેટા, મનુષ્યને પ્રેમ કરવો એટલે સહન કરવું માત્ર. જેઓ ઈશ્વરને ચાહે છે, તેઓ જ ભાગ્યવાન છે અને તેમને જ દુઃખ નથી.

૪. ઈશ્વર જે પીડા અને દુઃખ મોકલે તેને પ્રેમપૂર્વક માથે ચડાવવાં. એ જે ધારે છે તે જ થાય છે.

૫. અન્ન માટેની ચિંતા એટલી ભારે હોય છે કે બુદ્ધિશાળી પણ મૂરખ બનાવી દે છે.

૬. લોકો તેમનાં દુઃખ અને શોક માટે ફરિયાદ કરે છે અને કહે છે કે તેઓ પ્રભુને કેટલી પ્રાર્થનાઓ કરે છે પરંતુ દુઃખમાંથી છૂટકારો મળતો જ નથી. પરંતુ દુઃખ એ જ ઈશ્વર તરફની ભેટ છે.

૭. આ દુનિયામાં એવું કોણ છે જેને દુઃખ સહન કરવાં ન પડ્યાં હોય !

૮. સૃષ્ટિ પોતે જ દુઃખ પીડાથી સભર છે. પીડા ન હોય તો, આનંદને કેવી રીતે જાણી-સમજી શકાય ?

૯. કોઈપણ માણસ સદા દુઃખી હોઈ શકે નહિ. આ જગત પર કોઈપણ વ્યક્તિએ બધા દિવસો દુઃખમાં પસાર કરવાના હોતા નથી. પ્રત્યેક કર્મનું પોતાનું ફળ હોય છે અને તે અનુસાર સૌને તક સાંપડે છે.

૧૦. માણસ પોતાનાં કર્મોનાં ફળ ભોગવે છે. એટલે આવી પીડા માટે બીજાંનો વાંક કાઢવાને બદલે, માનવીએ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને એની કૃપા પર બધું છોડી દઈ જે કંઈ વીતે તેને ધીરજથી અને શાંતિથી સહન કરવા કોશિશ કરવી.

૧૧. તું ડર નહિ. મનુષ્ય જન્મ પીડાથી ભરેલો છે અને ઈશ્વરનું નામ લેતાં લેતાં મનુષ્યે એ સહન કરવાનું છે. દેહ-મનનાં દુઃખમાંથી કોઈપણ, ભગવાન પણ છટકી શકે નહિ !

૧૨. મનુષ્યે તિતિક્ષાથી બધું સહન કરવું જોઈએ, બધું કાર્યકારણ સંબંધથી, વ્યક્તિનાં કર્મથી થાય છે. આ ભવનાં કર્મો પૂર્વભવનાં કર્મો પર અસર કરે છે.

પ્રાર્થના

૧. તમારા બધા જ બળથી ઈશ્વરની પ્રાર્થના કરો. માણસે કામ કરવું જોઈએ. કામ કર્યા વગર શું કાંઈ મેળવી શકાય ? ઘરવ્યવહારની ફરજો અદા કરતાં કરતાં પણ માણસે પ્રાર્થના માટે સમય રાખવો જોઈએ.

૨. પૂર્વ કર્મોનું ફળ દરેકે ભોગવવું જ પડે પરંતુ, પ્રભુસ્મરણ આટલી સહાય કરે; પોતાનો પગ ભાંગવાને બદલે માણસને કાંટો વાગે.

૩. માણસની બુદ્ધિ કેટલી ? પોતાને ખરેખર જરૂર હોય તેના કરતાં એ બીજું માગે તેવો સંભવ પૂરો. અંતે એ શિવને બદલે વાંદરો સર્જે. ભગવાનનું શરણ લેવામાં શાણપણ છે. તમને જરૂરનું એ અવશ્ય આપશે. પરંતુ આપણે પ્રાર્થના તો ભક્તિ માટે અને કામનાના ત્યાગ માટે કરવી જોઈએ; કારણ, આવી પ્રાર્થના કદી નુકસાન કરતી નથી.

૪. પ્રભુ તો વિશ્વવ્યાપી છે અને એને પ્રાર્થના કરવામાં આવે તો તેઓ કૃપા કરે જ છે.

૫. તમારે પ્રકાશ જોઈતો હોય કે તમારા માર્ગમાં કશી મુશ્કેલી કે શંકા ખડી થાય ત્યારે, આંખમાં આંસુ સાથે ઈશ્વરને પ્રાર્થના કરો. ભગવાન તમારી બધી અપવિત્રતા દૂર કરશે. તમારી મનોવ્યથાનું શમન કરશે અને તમને પ્રકાશ આપશે.

૬. જેને પ્રાર્થનાની ટેવ પડી હશે તે બધી મુશ્કેલી સરળતાથી પાર કરી જશે અને જીવનમાં કસોટીની પળોમાં શાંત અને ધીર રહેશે.

૭. તારાં વર્તનમાં, બોલમાં અને કાર્યમાં પ્રામાણિક રહે. તું કૃપાવંત બનીશ ! ધરતીનાં સૌ પ્રાણીઓ ઉપર એની કૃપાવર્ષા થયા જ કરે છે. એ યાચવાની જરૂર નથી. નિષ્ઠાપૂર્વક ધ્યાન કરે અને તને એની અનંત કૃપા સમજાશે. પ્રભુ નિષ્ઠા, સત્યપ્રિયતા અને પ્રેમ માગે છે. બહારના શાબ્દિક ઊભરા એને સ્પર્શતા નથી.

ધર્મ

૧. જેવો ભાવ તેવો લાભ.

૨. ભગવાનના નામનું બીજ કેટલું સૂક્ષ્મ ! તેમાંથી આગળ જતાં ભાવ, ભક્તિ, પ્રેમ એ સર્વ કેવાં ઊપજે છે !

૩. સાંભળ બેટા ! તેઓ (ઠાકુર) જ મહેશ્વર અને વ્યક્તિના ઈષ્ટદેવ છે. તેઓ જ સર્વ દેવમય અને સર્વબીજમય છે. તેનામાં મનુષ્ય બધાં જ દેવ અને દેવીઓની પૂજા કરી શકે. તમે તેને ક્યા નામે સંબોધન કરો છો એ વાતનું બહુ મહત્ત્વ નથી.

૪. મનુષ્યને ઈશ્વર મળે છે ત્યારે શું થાય છે ! શું તેને બે શિંગડા ઊગે છે ? ના, નહીં જ. પણ તેનું મન પવિત્ર થાય છે અને પવિત્ર મન ઉપર જ જ્ઞાન પ્રકાશનો ઉદય થાય છે.

૫. અત્યંત બુદ્ધિમાન પુરુષો પણ દલીલ દ્વારા ઈશ્વરને પામી શક્યા નથી ! શું ઈશ્વર એ દલીલનો વિષય છે ?

૬. મંત્રો અને ક્રિયાકાંડની વિધિઓ કશું જ નથી, બેટા ભક્તિ જ સર્વસ્વ છે.

૭. ઘણા માણસો બીજાં ક્ષેત્રોમાં અસંતોષ પ્રાપ્ત થવાથી જ ઈશ્વરનું શરણ શોધે છે. પરંતુ જેઓ પોતાનું ફૂલ જેવું કોમળ હૃદય બાલ્યાવસ્થાથી જ ઠાકુરને ચરણે ધરે છે તેઓ ખરેખર ધન્ય છે.

૮. ઉપદેશ ગ્રહણ કરે તેવો આધાર કોઈ છે ? આધાર જોઈએ; મા, નહીં તો કશું વળે નહીં.

૯. જે ક્ષણે ઈશ્વરની દયા થાય છે તે જ ક્ષણે તે આપે છે, તેની કૃપા જ બધું છે.

૧૦. દીકરા, શું થોથાં વાંચી કોઈ શ્રદ્ધાવાન બને છે ? વધારે પડતું વાચન ગૂંચવે છે.

૧૧. પૈસાદારે પોતાના પૈસા વડે પ્રભુની અને પ્રભુભક્તોની સેવા કરવી જોઈએ અને પ્રભુનામ રટીને ગરીબોએ ઈશ્વર ભક્તિ કરવી.

૧૨. ભાન ભૂલેલી માનવજાતને પોતાનો પથ બતાવવા પયગંબરો અને અવતારો જન્મ છે. જુદી જુદી પ્રકૃતિવાળા લોકોને તેઓ જુદું જુદું માર્ગદર્શન આપે છે. સત્યને પામવાના માર્ગો અનેક છે. એટલે આ બધા ઉપદેશોનું મૂલ્ય સાપેક્ષ છે.

૧૩. આધ્યાત્મિક જ્ઞાન ગ્રહણ કરી શકે તેવો સમર્થ શિષ્ય ક્યાં છે ? સૌ પ્રથમ પાત્રતા જોઈએ નહિ તો ઉપદેશ નિષ્ફળ નીવડે.

૧૪. આ કળિયુગમાં તો ઈશ્વરને માત્ર દૃઢ સત્ય દ્વારા જ મેળવી શકાય.

૧૫. આવું છે માણસનું જીવન, હમણાં છે ને જરા વારમાં નથી. કશુંયે સાથે જાય નહીં. એક માત્ર ધર્મ અને અધર્મ સાથ જાય; પાપ-પુણ્ય જ મૃત્યુ પછી સંગાથ કરે.

ધૈર્ય

૧. રાહ જોવાનું છોડી ન દો. લાંબો સમય પ્રાર્થના કરો.

૨. માણસે આટલા બધા ઉતાવળા ન બનવું જોઈએ.

૩. આટલી ચિંતા શી ? બધું યથાસમયે પ્રાપ્ત થશે.

૪. નાળિયેરની ડાળ સમય થતાં પોતાની મેળે ખરી પડે છે, પણ સમય પાક્યાં પહેલાં એને તોડવા માટે ખૂબ શ્રમ કરવો પડે છે. એ રીતે દરેક ચીજને એનો પોતાનો સમય હોય છે.

૫. સંતોષ સમી સમૃદ્ધિ નથી અને ધૈર્ય સમોગુણ નથી.

૬. જો બેટા, તારે આફતનો સામનો કરવો જ ન પડે એવું નથી. આફતો હંમેશા આવતી રહે છે. પણ એ કાયમ રહેતી નથી. પુલ નીચેથી વહેતા પાણીની જેમ એ જતી રહે છે.

૭. બધાનો સમય હોય છે.

૮. નિરાશ થયા વિના પ્રાર્થના કરતો જ રહે. બધું એને સમયે થશે.

૯. જેને માટે તમે તલસાટ અનુભવશો તે તમને મળશે.

૧૦. પોતાનાં ભાગ્ય અને કર્મ અનુસાર સૌને તક સાંપડે છે.

બહેનોને

૧. સહનશક્તિ એ મહાન ગુણ છે. તેના જેવો બીજો એકેય ગુણ નથી.

૨. સ્ત્રીની જાતને આટલો ગુસ્સો રાખવો શું સારો છે ?

૩. આપણે તો નાની શી ચીજ પણ નકામી ન જવા દેવી જોઈએ !

૪. જે (સાસુ) પોતાની પુત્રવધુ પ્રત્યે ઘણી જ કડક છે શું તે ડહાપણ કહેવાય ? મનુષ્યે લગામ ઢીલી મુકવી જોઈએ.

૫. બેટા, ધ્યાનમાં રાખો કે લજ્જા એ સ્ત્રીનું મોટામાં મોટું આભૂષણ છે.

૬. બાળકો તો નારાયણ સ્વરૂપ છે અને તમારે એ વૃત્તિથી એમને ઉછેરવાં જોઈએ.

૭. સ્ત્રીઓએ તો ધીર અને નમ્ર રહેવું જોઈએ. લજ્જા એ સ્ત્રીનો ધર્મ છે. નહીં તો લોકો એમની નિંદા કરે.

૮. બધું જ કામ શીખી રાખવું સારું છે.

૯. કુંવારી રહેવામાં ઘણો ભય હોવાં છતાં જેને લગ્ન ન કરવાં હોય તેને પરાણે પરણાવીને સંસારમાં નાખવી એ અન્યાય છે.

૧૦. બેપરવા થઈ ચાલવું સારું ન કહેવાય.

૧૧. વસ્તુની વળી શું કિંમત છે ? કિંમત છે યાદગીરીની.

૧૨. વખત આવ્યે બધું સહન કરી લેવું જોઈએ. કોઈક વખતે બકરાના પગમાં પણ ફૂલ ધરવાં પડે છે.

૧૩. બધાં ઉપર સમાન પ્રેમ કેવી રીતે રાખવો એ તમને કહું; જેમને ચાહતાં હોઈએ એમની પાસેથી કશું જ ન માગો. તમે માગશો તો કોઈ થોડું ને કોઈ વધારે આપશે એટલે વધારે આપનારને વધારે ચાહશો અને ઓછું આપનારને તમે ઓછા ચાહશો. આમ બધા પ્રત્યે તમારો પ્રેમ સમાન રહેશે નહિ. તમે નિષ્પક્ષપાતપણે સૌને નહિ ચાહી શકો.

૧૪. પ્રેમ દ્વારા બધું સિદ્ધ કરી શકાય. દબાણ કરીને કે કોઈ ગોળગોળ રીત સમજાવીને બીજાઓને આજ્ઞા પાળતા કરી ન શકાય.

આહાર અને સ્વાસ્થ્ય

૧. તમે જે કંઈ ખાઓ તે તમારે પ્રથમ ઈશ્વરને અર્પણ કરવું જોઈએ; તમારે અપ્રસાદી અન્ન ન લેવું જોઈએ, તમે જે જાતનો ખોરાક લેશો તેવું તમારું લોહીનું બંધારણ થશે. જો તમે ઈશ્વરાર્પણ કરેલ ભોજન લેશો તો તમારું લોહી અને તમારું મન પવિત્ર બનશે. તમને શક્તિનો અનુભવ થશે. જો તમારું મન પવિત્ર રહેશે, તો તમારી શ્રદ્ધા અને પ્રેમ પણ પવિત્ર બનશે.

૨. ઠાકુરે એક વાત ઉપર ખાસ ધ્યાન આપ્યું હતું, તેનો એક જ નિયમ હતો, મરણોત્તર ક્રિયાઓ સમયનું જમણ તેઓ કદી જમતો નહિ. તેનાથી મનુષ્યની ભક્તિને નુકસાન પહોંચે છે, તેમ તેઓ કહેતા. નહિંતર તમારો ખોરાક માનસિક રીતે અર્પણ કરો અને જમો.

૩. જમવાનું આવે ત્યારે મનમાં કહો કે ઈશ્વરે જે આપ્યું છે તે જમું છું. તેમાં નુકસાન નથી.

૪. ભૂખનું દુઃખ કાંઈ કમ છે.

૫. આખા દિવસના પરિશ્રમ બાદ, જો કોઈ થોડી મીઠાઈ સાથે થોડું પાણી પીએ તો માણસને બહુ તાજગી લાગે. પછી જપ, ધ્યાન કે કોઈ પણ કાર્યમાં મન સહેલાઈથી પરોવાઈ જાય.

૬. ઠાકુર એક કહેવત ટાંકીને કહેતા ‘ખાવાનું ગરમ અને સુવાની પથારી નરમ.’

૭. બેટા, તું ખૂબ વ્રતવરતોળાં કરે છે. હવે એ ન કરીશ, એમ તને કહું છું. તારું શરીર લાકડું થઈ ગયું છે. તારી તબિયત બગડી જશે તો તું સાધના શી રીતે કરી શકીશ?

૮. તેલના વપરાશથી શરીર ઠંડુ રહે છે.

૯. ઠાકુર મને કહેતા : ‘રોજ થોડું ચાલવાનું રાખવું, નહિ તો તમારી તબિયત સારી નહિ રહે.’

૧૦. સાબુદાણા ખાજે. એને લીધે શરીરમાં ઠંડક રહેશે.

૧૧. ખાઈ કરીને શરીરને ઠંડુ રાખી પછી ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ.

૧૨. પ્રસાદ હોય તો પાંચ વાર ખાવામાં પણ દોષ નહિ. પ્રસાદની તુલના સાધારણ ખોરાક સાથે ન થઈ શકે.

૧૩. જેનું જે ખાદ્ય હોય તેને તે આપવું જોઈએ. માણસ જે ખાય તે ગાયને ન આપવું જોઈએ. જે ગાય ખાય તે કૂતરાંને ન આપવું જોઈએ. જે ગાય કે કૂતરાં ન ખાય તે તળાવમાં ફેંકી દેવું જેથી માછલીઓ ખાઈ શકે. પણ કોઈ વસ્તુઓ બગાડ ન થવો જોઈએ.

૧૪. ઘૃણાથી પીરસાય તો જમનારને જમવામાં શો આનંદ આવે ?

૧૫. બેટા ! માણસે પોતાની તંદુરસ્તીની સંભાળ રાખવી જોઈએ.

૧૬. (યોગ) આસનો વિશે માએ કહ્યું હતું : ‘આસનો કરતાં પૂરા સચેત રહેવું સારું. લાંબો સમય એ કરતાં રહો તો શરીર ઉપર ધ્યાન જાય ને એ છોડી દો તો તબિયત બગડે. એ માટે વિવેક વાપરવો.

શ્રદ્ધા

૧. મનુષ્ય ઈશ્વર ચરણે પુરી શરણાગતિ સ્વીકારે તો ઈશ્વર એનું બધું જ કાર્ય કરશે.

૨. શ્રદ્ધા શું સાવ સસ્તી છે બેટા ! શ્રદ્ધા તો અંતિમ વાત છે. વ્યક્તિમાં શ્રદ્ધા હોય તો, તેને ધ્યેયપ્રાપ્તિ થઈ ચૂકી સમજી લો.

૩. શ્રદ્ધા અને દૃઢતા પાયાની બાબતો છે : એ બે હોય તો બધું જ છે.

૪. મનુષ્યે પ્રભુમાં શ્રદ્ધા રાખવી જોઈએ. તે ભલે આપણને તારે કે ડૂબાડે ! પરંતુ મનુષ્યે તો માત્ર સારું કામ કરવાનું ચાલું રાખવું જોઈએ અને તે પણ ઈશ્વર શક્તિ આપે તે મુજબ.

અભયવાણી

૧. ઈહલોક અને પરલોકમાં ઠાકુર તમારી સંભાળ લેશે.

૨. તમે જે શોધ્યું છે તેને વળગી રહો. તમારી જાતને કહો, જો કે મારું બીજું કોઈ નથી તો પણ મારે મા છે.

૩. ઠાકુર મને કહેતા, ‘જે કોઈ ઈશ્વરનો વિચાર કરે છે, તેઓ કદી જરૂરિયાતને જાણતા નથી.’

૪. એકવાર પણ જેણે ઠાકુરનું શરણ શોધ્યું છે, તેને વધુ કાંઈ ચિંતા કરવાની જરૂર જ નથી. જો કોઈ તેને વારંવાર બોલાવે તો ઠાકુરને સહાનુભૂતિ પ્રગટે છે અને તેથી ભક્તિભાવપૂર્ણ સ્નેહ મનુષ્યમાં પ્રગટે છે. આ સ્નેહ ખાતર સ્નેહ બધી જ આંખોથી છૂપો હોવો જોઈએ.

૫. તમને શંકાઓ થશે જ, પ્રશ્નો થશે અને ફરી વિશ્વાસ પ્રાપ્ત થશે. તે પ્રમાણે જ વિશ્વાસ ઉત્પન્ન થાય છે.

૬. બેટા, આ ધ્યાનમાં રાખ. માણસે શરણાગતિ સ્વીકારવી જોઈએ અને ઈશ્વરની દયા મેળવવા માટે રાહ જોવી જોઈએ; ત્યારે જ તે દયા લાવે છે.

૭. આપણે જે કંઈ છીએ ઠાકુર તેનો મુખ્ય આધાર છે, તેઓ આદર્શરૂપ છે. ગમે તે સંજોગોમાં પણ જો તમે તેને ગ્રહણ કરી રાખશો તો તમે કદી ખોટે માર્ગે નહિ જાઓ.

૮. ઠાકુરના શબ્દો બધા છપાયા છે. તમે તો માત્ર તેમના એક પણ ઉપદેશને અનુસરો તો તમને સર્વસ્વ મળી જશે.

૯. બધાંને ઈહલોકમાં અને પરલોકમાં પણ આશીર્વાદ પ્રાપ્ત થાઓ !

૧૦. બધા સંજોગોમાં સંતોષ રાખ અને ઠાકુરનું નામ લેતી રહે.

૧૧. કોઈ કુવિચાર તને સતાવે ત્યારે તારા ચિત્તને કહે : તેઓ (માનો) બાળક હોઈ, આવી પ્રવૃત્તિમાં પડવા જેટલો અધમ હું કેમ બની શકું ! તારા ચિત્તને શાંતિ અને શક્તિ મળશે એ તું જોજે.

૧૨. શું ! તું મારું સંતાન હોવા છતાં, તારો વિનાશ થાય ! જેઓ અહીં આવ્યા છે, જેઓ મારાં સંતાન છે તેમને મુક્તિ મળી જ ચૂકી છે. ખુદ ભગવાન પણ મારાં સંતાનનું કશું બૂરું કરી શકે નહિ !

૧૩. જગતને માતૃત્વનું નિદર્શન પૂરું પાડવા એમણે મને પાછળ રાખી છે.

૧૪. માની પ્રાર્થના : ‘ઠાકુર, જુદે જુદે સ્થળે મારાં અનેક સંતાનો છે, મને ઘણાનાં નામ યાદ નથી. કૃપા કરી એમનું કલ્યાણ કરજો.’

૧૫. ઠાકુરે મને ખાતરી આપી કહ્યું છે કે જે કોઈ તમારું શરણ લેશે તેના અંતકાળે હું હાથ પકડીશ અને એને યોગ્ય માર્ગે લઈ જઈશ.

૧૬. મારાં સંતાનોના કલ્યાણ માટે હું ગમે તે કરી શકું.

૧૭. ડરો નહિ ! જ્યારે તમે દુઃખમાં હો ત્યારે તમારી જાતને કહો, ‘મારે મા છે.’

૧૮. તમે નિષ્ઠાવાન હો તો ઘેર બેઠા ગંગા થાય.

૧૯. પ્રભુ આપણી મૂર્ખામી જાણે છે, તે આપણને ક્ષમા કરે છે.

૨૦. ધારો કે મારા એક બાળકે પોતાની જાતને કાદવથી ખરડી છે તો એને મારે પોતે જ સાફસૂફ કરવું પડશે અને મારા ખોળામાં લેવું પડશે. ભુલો કરવી એ મનુષ્યનો સ્વભાવ છે. એને કેમ સુધારવી તે બહુ ઓછા નિંદકો જાણે છે.

૨૧. ‘મા’ કહેતું કોઈ મારી પાસે આવે ત્યારે મારાથી રહેવાતું નથી.

૨૨. જેમને મેં મારા તરીકે સ્વીકાર્યાં છે તેમને હું આઘા હડસેલી શકતી નથી.

૨૩. સજ્જનોની હું મા છું તેમ દુર્જનોની પણ હું મા છું. કદી ડર મા. દુઃખમાં હો ત્યારે તારી જાતને આટલું જ કહેજે ‘મારે પણ મા છે.’

૨૪. તને મુંઝવે એવો વિચાર જ્યારે પણ આવે ત્યારે તું મને સંભારજે.

મા, મારી મનની મુંઝવણ દૂર કરો (પ્રશ્નોત્તરી)

૧. શિષ્ય : કામ કે માંદગીને લઈને મારી સાધનાની નિયમિતતા જળવાતી નથી.

મા ઃ માંદગી આપણા હાથમાં નથી અને તું કામમાં જ ખરેખર બંધાયેલો રહેતો હો તો માત્ર ઈશ્વરને સ્મરી એને પગે લાગવાનું રાખ.

૨. શિષ્ય : જપ ધ્યાન માટે ક્યો સમય ફાળવવો ?

મા ઃ દિવસ - રાતના સંધિકાળે ઈશ્વરને સાદ કરવો તે સૌથી વિશેષ લાભદાયી છે. રાત જાય અને દિવસ ઊગે કે, દિવસ જાય અને રાત પડે - આ સંધિકાળ છે. એ કાળે મન વિશુદ્ધ રહે છે.

૩. પ્રશ્ન : અમે રેલગાડીમાં કે આગબોટમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે, જપ કેવી રીતે કરવા ?

મા ઃ મનમાં કરવો, ‘પછી એમણે આગળ કહ્યું, ‘દીકરા તારા હાથ અને હોઠ અટકી જશે અને, તારું મન એકલું રટ્યા કરશે. આખરે તારું મન જ તારું ગુરુ થશે.

૪. પ્રશ્ન : ‘શું ફોટામાં ઠાકુર સાક્ષાત્‌ બિરાજે છે ?’ મા : ‘છાયા ને કાયા એક. છબી તો તેમની છાયા છે.’ ૫. પ્રશ્ન : શું તેઓ દરેક ફોટામાં પ્રત્યક્ષ હોય છે.

મા ઃ ‘હા, વારંવારની પ્રાર્થના બાદ તેમની હાજરી પામી શકાય છે, જગ્યા પવિત્ર થાય છે.’

૬. પ્રશ્ન : જો સ્ત્રી પોતાના પતિ સાથે, દલીલો અને ચર્ચા કરીને તેના પતિની ઇચ્છાનો કાંઈક અંશે વિરોધ કરીને, આત્મસંયમનું જીવન જીવવાનો પ્રયત્ન કરે, તો શું તે પાપ કહેવાય ?’

મા : ‘જો તે ઈશ્વરના માટે હોય, તો તે પાપ ન કહેવાય, ‘માણસોએ ઇંદ્રિયોને તો કાબૂમાં રાખવી જ જોઈએ.’

૭. શિષ્ય : મા, અહીં હોઉં છું ત્યાં સુધી મને સારું લાગે છે. સંસારી વિચારો થોડા મૂંઝવે છે. પણ ઘેર પાછો જાઉં ત્યારે કેટલાક ખરાબ વિચારો મને સતાવે છે. અપવિત્ર સોબતીઓના સંગામાં ભળતાં કુકર્મો આચરું છું. ગમે એટલો પ્રયાસ કરું છું પણ, કુવિચારોની પકડમાંથી છૂટતો નથી.

મા : આ બધાનું કારણ તારા આગલા ભગના સંસ્કાર છે. શું ચપટી વગાડતાં કોઈ એમાંથી નીકળી શકે છે ? સત્સંગ કરતો રહે. શુદ્ધ થવા યત્ન કર અને ધીમે ધીમે બધું થઈ રહેશે. ઠાકુરને પ્રાર્થના કર. હું તારી સાથે જ છું. આ જન્મમાં જ તેં મુક્તિ પ્રાપ્ત કરી લીધી છે એ સમજી લે. તું શા માટે ડરે છે ? યોગ્ય સમયે ઠાકુર તારું બધું સંભાળી લેશે.

૮. શિષ્ય : ‘હું વિચારોને દૂર કરવા ઘણું મથું છું પણ મને સફળતા મળતી નથી.’

ઉત્તર : ‘તારા પૂર્વભવનાં કૃત્યોનું આ પરિણામ છે. શું જોરજુલમથી એને દૂર હડસેલી શકાય છે ? સારી સંગત કેળવ. સારો થવા કોશિષ કર, અને સમય જતાં તું વિજય મેળવીશ. ઠાકુરને પ્રાર્થના કર. હું પણ બેઠી છું.

૯. શિષ્ય : મને જપનો અભ્યાસ છે પણ, મારા મનને એકાગ્ર કરી શકતો નથી.’

મા : તારું મન એકાગ્ર હોય કે નહિ, નામજપ ચાલુ જ રાખ. રોજ અમુક ચોક્કસ સંખ્યામાં જપ કરવાનો નિર્ધાર લાભદાયી થશે.’

૧૦. શિષ્ય : આપણે પ્રભુનામ રટીએ છીએ ત્યારે, આપણું મન એનામાં શા માટે લાગી જતું નથી ?’

મા : યોગ્ય સમયે એ પણ થશે. મન એકાગ્ર ન થાય તો પણ નામજપ છોડી ન દેવો. તારું કાર્ય તારે કર્યે જવું. વાયુ વગરને સ્થાને બળતી મીણબત્તીની જ્યોતની જેમ નામરટણથી મન એના ધ્યેયે ચીટકશે. પવન જ જ્યોતને અસ્થિર કરે. એ જ રીતે આપણા મોજશોખ અને આપણી તૃષ્ણાઓ આપણા મનને ડોલાવે.

૧૧. મા : ઠાકુરે શ્રાદ્ધનું - મરણોત્તર ક્રિયાઓનું - અન્ન ખાવાની ચોખ્ખી ના પાડી હતી; કારણ એ માણસની ભક્તિને અસર કરે છે. આવી બધી ક્રિયાઓમાં નારાયણ ભલે હાજર હોય, ઠાકુરે આવું અન્ન ખાવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

૧૨. શિષ્ય : તો અમારા નજીકનાં સગાંઓની મરણોત્તર ક્રિયાઓ વખતે અમારે શું કરવું ?

મા : વારુ, તમારા નજીકનાં સગાંઓના પ્રસંગોને તમે કેમ ટાળી શકો ? એને ટાળી શકાય જ નહીં.

માના પ્રેરણાદાયી પ્રસંગો

૧. અમે બે, સફેદ કિનારવાળાં કપડાં પહેરીએ છીએ, તે ધ્યાનમાં લઈને, તેમણે (શ્રીમાએ) ટીકા કરી, ‘આ શું ? તમે સફેદ કિનારવાળાં કપડાં શા માટે પહેર્યાં છે ? તમે યુવાન છો, તેથી રંગીન કિનારાવાળાં કપડાં પહેરો. નહીંતર મન વૃદ્ધ બની જશે. માણસનું મન હંમેશાં તાજું હોવું જોઈએ.

૨. એક દિવસે સવારના લગભગ નવ કે દસ વાગ્યે, શ્રીમા સ્નાન કરવાની તૈયારી કરી રહ્યાં હતાં. જ્યારે આંગણામાં કોઈએ સફાઈ કરી લીધા બાદ સાવરણી એક બાજુ ખૂણામાં ફેંકી દીધી. આ જોઈને શ્રીમા બોલી ઊઠ્યાં, ‘બેટા, કેવું વિચિત્ર ! કામ પૂરું થયું અને તમે સાવરણીને બેદરકારીથી ફેંકી દીધી ! તેને ધીમેથી લઈ સંભાળપૂર્વક મૂકવામાં લગભગ તેટલો જ સમય જાય છે. તે વસ્તુ નજીવી છે માટે જ તેને શું તુચ્છ ગણવી ? ..ફરી તમને તેની જરૂર નહીં પડે ? વળી આ વસ્તુ પણ આપણા ઘરસંસારનો જ એક ભાગ બનેલી છે. તે દૃષ્ટિબિંદુથી પણ, તેનું ધ્યાન રાખવું ઘટે. દરેક વસ્તુનું યોગ્ય મહત્ત્વ આંકી તેને માન આપવું જોઈએ. નાનામાં નાનું કાર્ય પણ પૂજ્યભાવથી થવું જોઈએ.

૩. લોકોને પોતાના બનાવવાની કળા : એક દિવસે મા પાનનાં બીડાં બનાવતાં હતાં ત્યારે નોબતખાને હું (યોગિનમા) બાજુમાં બેઠી હતી. મેં જોયું કે કેટલાંક બીડાઓમાં તેઓ એલચીના દાણા નાખતાં હતાં અને બીજાં કેટલાંક માત્ર સોપારી અને ચૂનાવાળાં જ હતાં. મેં પૂછ્યું, ‘આમાં કેમ તમે એલચી નથી નાખતાં ?’ માએ જવાબ આપ્યો, ‘યોગિન, આ સુગંધી બીડાં ભક્તો માટે છે, એમને મારે પોતાના કરવા છે. આ સાદાં ઠાકુર માટે છે, તેઓ તો મારા જ છે.’

૪. જયરામવાટીની બાજુના ગામમાં રેશમનું વણાટકામ કરતા મુસલમાનોની મોટી વસ્તી હતી. પણ પરદેશથી રેશમી કાપડની આયાત થવા માંડી એટલે આ બધાનો ધંધો પડી ભાંગ્યો. પરિણામે મોટાભાગના તો ચોર અને ડાકુ બની ગયા. જયરામવાટીમાં માતાજી મકાન બંધાવતાં હતાં ત્યારે કેટલાક

મુસલમાનો પણ કામ કરવા આવતા. આ બધામાં અમજદ નામનો એક ભયંકર ડાકુ પણ કામે આવતો. માતાજીએ આ અમજદને એકવાર જમવા બોલાવ્યો. એ દિવસોમાં ચુસ્ત હિંદુઓ મુસલમાનોથી દૂર રહેતા. એટલે અમજદ જમવા આવ્યો ત્યારે માતાજીની ભત્રીજી નલિનીએ એની પાતાળમાં ઊંચેથી ખાવાનું પીરસ્યું. માતાજી આ જોઈ ગયાં એટલે નલિનીને કહ્યું : ‘જો કોઈને ઉપેક્ષાથી જમાડીએ તો જમનાર જમે કેવી રીતે ? હવે તું રહેવા દે. અમજદને હું જ પીરસીને જમાડીશ.’

અમજદે જમી લીધું એટલે માતાજીએ જાતે જ એ જગ્યા સાફ કરી. નલિનીએ આ જોયું એટલે તેની તો રાડ ફાટી ગઈ : ‘ફઈબા, તમારી જાત ગઈ !’ માતાજી એને ઠપકો આપતાં બોલ્યાં : ‘બસ, હવે રાડો પાડ મા. શરદ જેમ મારો દીકરો છે, તેમ અમજદ પણ મારો જ દીકરો છે.’ શરદ એટલે શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી સારદાનંદ અને અમજદ એટલે લૂંટારો ! પણ ‘મા’ના તો બંને દીકરાઓ જ હતા !

મહાનુભાવોના ઉદ્‌ગારો

(શ્રીમા સારદાદેવી) તેઓ જ્ઞાનદાયિની છે. મહાબુદ્ધિશાળી છે ! તેઓ કોઈ સામાન્ય સ્ત્રી નથી ! તે મારી શક્તિ છે.

-શ્રી રામકૃષ્ણ પરમહંસ

મા ! હું માત્ર એટલું જ જાણું છું કે તમારા આશીર્વાદથી મારા જેવા અનેક નરેક (સ્વામી વિવેકાનંદ) પેદા થશે, હજારોની સંખ્યામાં વિવેકાનંદ પેદા થશે, સાથે એ પણ કહું છું કે તમારાં જેવાં મા જગતમાં માત્ર એક જ છે, બીજાં નથી.

-સ્વામી વિવેકાનંદ

ભારતીય નારીના આદર્શના વિષયમાં શ્રીરામકૃષ્ણ પરમહંસની પરમવાણી છે શ્રીમા સારદા. તેઓ ફક્ત પ્રાચીન આદર્શની છેલ્લી વાત છે કે આધુનિક આદર્શની પ્રથમ અભિવ્યક્તિ ? તેઓ બંને છે.

-ભગિની નિવેદિતા

(શ્રીમા સારદા) આધુનિક હિંદુ નારી માટે આવતા ત્રણ હજાર વર્ષમાં જે ઉચ્ચ જીવન વિકસાવવાનું છે તેનો આદર્શ મૂકી ગયાં છે.

-ભગિની નિવેદિતા

શ્રીમા સારદાદેવીનું સંક્ષિપ્ત જીવન

ત્રેવીસ વર્ષની વયના શ્રીરામકૃષ્ણ ગહન આધ્યાત્મિક સાધનામાં વ્યસ્ત હતા ત્યારે એમનું મન સંસાર તરફ વાળવાના હેતુથી કામારપુકુરવાસી એમનાં કુટુંબીજનોએ નજીકના ગામ જયરામવાટીમાં રહેતી સારદા નામની કન્યા સાથે એમનું લગ્ન કરાવી આપ્યું. રામચંદ્ર મુખર્જી અને શ્યામસુંદરીદેવી નામનાં ધાર્મિક દંપતીની સૌથી મોટી પુત્રી સારદાનો જન્મ ૧૮પ૩ના ડિસેમ્બરની રરમી તારીખે થયો હતો. કુટુંબ ખૂબ ગરીબ હતું અને બાળપણથી જ ઘરના કામકાજમાં અને પોતાનાં નાનાં ભાંડુઓને ઉછેરવામાં પોતાનાં માતાપિતાને મદદ કરવામાં જ સારદાનું બાળપણ વ્યતીત થયું હતું.

અઢાર વર્ષની વયે પોતાના પિતાની સંગાથે તેઓ પોતાના પતિ પાસે દક્ષિણેશ્વર ચાલતાં ચાલતાં ગયાં હતાં. શ્રીરામકૃષ્ણે એમને ખૂબ પ્રેમથી આવકાર્યાં અને પોતાનું ઘરકામ કરતાં કરતાં પણ આધ્યાત્મિક જીવન કેવી રીતે જીવવું તે તેમને શીખવ્યું. તેઓ બંને પૂરી વિશુદ્ધ રીતે જીવ્યાં અને પત્ની તરીકે શ્રીરામકૃષ્ણની સેવા કરતાં તથા તેમની શિષ્યા તરીકે સારદાદેવી સાધ્વીની જેમ દક્ષિણેશ્વરમાં રહેતાં હતાં. દેવી સ્વરૂપે ઇશ્વરની ઉપાસના કરતા શ્રીરામકૃષ્ણે સારદાદેવીમાં દેવીરૂપનો વિશેષ આવિષ્કાર જોયો. એમણે સારદાદેવીનું દેવી તરીકે એકવાર વિધિપૂર્વક પૂજન કર્યું અને એમનામાં દિવ્ય માતૃત્વ જાગ્રત કર્યું.

શ્રીરામકૃષ્ણ ફરતા શિષ્યો વીંટળાવા લાગ્યા ત્યારે સારદાદેવી એમને પુત્રવત ગણવા લાગ્યાં. શ્રીઠાકુરની મહાસમાધિ પછી એમના શિષ્યોને એકત્રિત રાખવાનું કેન્દ્ર તેઓ બન્યાં અને એ સૌ તેમને શ્રીમા તરીકે આદર આપવા લાગ્યા. વખત વીતતાં તેઓ પોતે મહાન ગુરુ બન્યાં અને એમની આસપાસ શિષ્યો વીંટાવા લાગ્યા. જગજ્જનનીની જ્યોતિર્મયી ચેતનામાં એ સૌને સમાવી લેવા માટે એમનું માતૃહૃદય ખીલી ઊઠ્યું. એક અભણ ગ્રામકન્યા સમસ્ત વિશ્વની પ્રજાને પોતાનાં બાળકો ગણે અને ‘અખિલ-જનની’ તરીકે આદર પામે તે સમગ્ર માનવજાતના ઇતિહાસમાં અનન્ય હતું.

એમનાં નિષ્કલંક પવિત્રતા, અસાધારણ સહિષ્ણુતા, નિઃસ્વાર્થ-સેવા, નિર્વ્યાજ-પ્રેમ, બુદ્ધિ અને આધ્યાત્મિક જ્યોતને લક્ષમાં લઈને અર્વાચીન યુગમાં નારીઓ માટેના આદર્શ તરીકે શ્રીસારદાદેવીને સ્વામી વિવેકાનંદ માનતા. ભારતના પતન માટેનું એક અગત્યનું કારણ સદીઓ સુધીની સ્ત્રીઓની અવમાનના હતું. (સામાન્ય પ્રજાની ઉપેક્ષા એ બીજું હતું) તે સમજવાની ઐતિહાસિક સૂઝ સ્વામીજી પાસે હતી. શ્રીમાના આગમનથી અર્વાચીન યુગમાં નારીજાગૃતિનો આરંભ થયો હતો અને માનવજાતની ભાવિ ઉન્નતિ માટે એનાં પરિણામો દૂરગામી હશે એમ તેઓ માનતા.

શ્રીમાએ પોતાનું જીવન જયરામવાટી ગામમાં અને શ્રીરામકૃષ્ણના શિષ્યોએ કોલકાતામાં એમને માટે લીધેલા ઘરમાં ગાળ્યું હતું. બંને સ્થળોએ પોતાના જીવનના અંત સુધી ઘરકામ શ્રીમા જાતે કરતાં. ૧૯ર૦ના જુલાઈની ર૧મીએ શ્રીમાએ આ લોકમાંથી વિદાય લીધી.

રામકૃષ્ણ મઠની માફક જ, શ્રીમાને કેન્દ્રમાં રાખીને સ્ત્રીઓ માટે સંન્યાસિનીઓનો મઠ સ્થાપવાની સ્વામીજીની ઇચ્છા હતી. ૧૯પ૩માં શ્રી શારદામાના જન્મશતાબ્દિ વર્ષમાં સાત મહિલાઓને બેલુડ મઠમાં બ્રહ્મચર્યની દીક્ષા અપાઈ ત્યારે સ્વામીજીની એ ઇચ્છા સંતોષાઈ હતી. ૧૯પ૯માં ૮ બ્રહ્મચારિણીઓને સંન્યાસ દીક્ષા અપાઈ હતી અને શ્રી શારદા મઠ નામે ઓળખાતો નવો પરિવ્રાજિકા મઠ દક્ષિણેશ્વરમાં સ્થાપવામાં આવ્યો હતો. રામકૃષ્ણ શારદા મિશન નામની એની જોડકી સંસ્થા ૧૯૬૦માં સ્થપાઈ હતી. તે રામકૃષ્ણ મઠ અને મિશનથી સ્વતંત્ર રીતે કાર્યરત છે.