કેન્સરનું વાગ્યું સેન્સર Lata Soni Kanuga દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેન્સરનું વાગ્યું સેન્સર

કેન્સરનું વાગ્યું સેન્સર :

2008 સપ્ટેમ્બર ના અંત માં મને વહેમ પડ્યો કે મારા શરીરમાં કઈક ગોટાળો થયો છે. પ્રથમ ટેસ્ટ માં બ્રેસ્ટ કેન્સર નો રિપોર્ટ આવ્યો. ડોકટરે કહ્યુ ત્યારે સંજોગવશ હુ એકલી જ હતી. સાંજે બધાં કામથી ઘરે આવ્યા એટલે વાત કરી. ઘરમાં થોડુ ચિંતા નુ વાતાવરણ ઉભું થયું પણ હજી બીજા ટેસ્ટ થાય પછી ખબર પડે, એમ મેં આશ્વાસન આપ્યું સહુને. મને તો પહેલા જ શંકા હતી એટલે જ ટેસ્ટ કરાવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં બધા ટેસ્ટ પછી બાયોપ્સી કરાવવા સ્ટેચર પર સુવાવડવામા આવી. ભારે ઉતાવળીયા હો...! પેસન્ટને એનેસ્થેસીયાની અસર થઈ કે નહિ તે જોયા વગર ચીરો…. ભલેને પેસન્ટ બુમો પાડે. મને લાગે છે પેસન્ટ ની બુમો ના સંગીતમય અવાજથી એમને કામ કરવાની મજા આવતી હશે..!

રિપોર્ટ આવી ગયા એટલે ડોકટરે બોલાવી. હુ ડોકટર ની કેબિનમાં જેવી ઘુસી…. મારા મીસ્ટર પણ આયુર્વેદિક ડોકટર છે તેઓ પાછળ હતા… હજુ ડોકટર સામે બરાબર આવી પણ નથી ને કહેવા લાગ્યા,
‘તમને ખબર છે કે તમને સેકંડ સ્ટેજનુ કેન્સર છે ‘. લે આ તો કેન્સર ના દર્દી ને હાર્ટ એટેક પણ આવે એવુ બોલી ગયા.. બોલો… એક સાથે બીજી બીમારી ફ્રી….. સિવિલ હોસ્પિટલ ની વાત ન થાય હોં...
મારા મીસ્ટર ની એન્ટ્રી ત્યારે જ થઈ. એ તો ભગવાનનો પાડ માનુ કે મારા મીસ્ટર ડોકટર છે. બાકી કાચાપોચા અચાનક આવું સાંભળે તો શું થાય? મારે તો મને ભૂલીને એમને જ સંભાળવા પડે ને…..!
એમણે તો ખખડાવી નાખી ડોકટર મેડમ ને… પોતાની ઓળખ આપી ને કોના દ્વારા આવ્યા છીએ એ કહ્યું.
પછી તો સોરી સોરી નું રટણ ચાલ્યુ એ મેડમનુ. આ તો ઠીક છે એક પર એક મને ફ્રી ન મળી. એવું નથી લાગતું કે કોઈપણ વ્યક્તિ ડોકટર બને ત્યારે એમને પણ મનોવૈજ્ઞાનિક ટ્રેનિંગ આપવી જોઇએ???

આવું ઘણીવાર બનતું હોય છે.
ઠીક છે મારા ભાઈ….

કુટુંબ માં ખબર પડી એટલે સ્વાભાવિક રીતે ચિંતા નો માહોલ ઉભો થાય. એમાં એ હુ નાની એટલે વડિલો ને દુઃખ થાય એ સ્વાભાવિક છે. પણ મારા ભત્રીજા ભત્રીજીઓ મારો સ્વભાવ જાણે એટલે એમની મમ્મીઓ ને આશ્વાસન આપે. કે કાકી ને જોઈશ એટલે તારી ચિંતા ઓછી થઈ જશે. ને બધા ખબર કાઢવા ને આશ્વાસન દેવા આવવા લાગ્યા.
કોઈ આવ્યા હોય ત્યારે જ કઈ ને કઈ મસ્તી નું વાતાવરણ હોય એટલે બધા હળવે હૈયે પાછા જાય.

હું ને મારી દિકરી મસ્તી ના સ્વભાવ વાળા. માથા પર ભાર લઈને ફરીએ નહિ. એનો અર્થ એવો નહિ કે સંજોગો ન સમજીએ. પણ કોઈ ને દેખાવા ન દઇએ.

એમાં અમારા 35 વષઁથી ફેમિલી મિત્ર છે ને મારા માનેલા ભાઈ ડોકટર કે.બી.પંચાલ ને પૂણિઁમાભાભી પણ આવ્યા હતા. કહો કે મારા દિકરા એ બોલાવ્યા હતા. મેડિકલ રીતે પણ માગઁદશઁન મળે. અમે બધા ભેગા થઇએ એટલે મસ્તી તો સ્વાભાવિક રીતે હોય જ. અમારી મસ્તી ચાલે ને બધા ખબર કાઢવા આવે...કઇક સલાહ દેવી હોય ને ઘરનું હળવું વાતાવરણ જોઈ હાશ કરી ને જાય.

આપણે બીજુ શુ જોઇએ? એ મસ્ત મજાનુ સ્મિત સહુના મુખ પર.
સોગીયા મોઢાથી તો બિમારી ને બહુ વહાલ એટલે જવાનુ નામ ન લે જટ પાછી...એ થોડુ પોષાય આ મોંઘવારી માં..! એટલે હસતા રહીએ તો બાપડી કંટાળીને જટ બિસ્તરાપોટલા બાંધી ને જતી તો રહે.

હોસ્પિટલ માં મારે મારી દિકરી ને એક વાર તો ઠપકો સાંભળવાનો હોય જ...પછી તે દાખલ થઈ હોય કે હું....એમાંએ અમારે વારો ચાલતો હોય હો....
અમે બે ભેગા થઇએ ને મિત્રો કે કુટુંબીઓ ખબર કાઢવા આવ્યા હોય તો હસાવી ને એવા મસ્તી કરીએ કે મારા જેઠ કે કોઈ તો ખીજાય જ...ને બંને ને છુટા પાડે.
હસવામાં ને હસવામાં ક્યાક ટાંકા ટુટી જાય કે કોઈ ની મીઠી નજર લાગી જાય તો...!
લે આને તો કંઈ દુખતુ નથી લાગતુ....જો ને...
અરે મારા વહાલા...! એમ કોઈ આપણી પીડા લઈ શકવાનું છે. બહુ તો ગંભીર મોઢુ રાખી કહેશે..
સાચવજે હો...ચિંતા ન કરતી..કઈ
કામકાજ હોય તો કે જે...કઈ જરુર હોય તો કે જે...

પીડા થાય છે એ બતાવવા પણ ભાવ લાવવા પડે ને...! ને એ બતાવવા માટે ના ભાવ લાવતા ફસસસસ કરતુ હસી પડાય ને પાછો ઠપકો મળે જ સમજો...!

હાળુ એ કેવુ....સમજયા કે આનંદ વહેચીએ તો વધે..પણ દુઃખ વહેચવાથી તો દુઃખ...પીડા વધવાની જ છે...સીધી વાત છે મારુ શોગીયુ કે દુઃખી મોઢુ જોઈ સામેવાળાનુ પણ એવુ જ થશે..
જો એ એવા વખતે હસે તો લોકો કહેશે છે આને કઈ શરમ જેવુ? દુઃખ જેવુ?

આમા સામસામા બેય સરખા શોગીયા મોઢાવાળા ભેગા થાય તો દુઃખ નો વધારો જ થાય ને..
એના કરતા હુ જ હસતી રહુ તો મારા કે સામેવાળાના સુખમાં...હાશકારામાં જ વધારો થાય ને...છે ને સો આની સાચી વાત?

અરે મારા વહાલા...! એમ કોઈ આપણી પીડા લઈ શકવાનું છે. બહુ તો ગંભીર મોઢુ રાખી કહેશે..
સાચવજે હો...ચિંતા ન કરતી..કઈ
કામકાજ હોય તો કે જે...કઈ જરુર હોય તો કે જે...

આમાંથી માંડ એકાદ જણ એવુ હોય જે આપણને ખરેખર એ વખતે શેની જરુર છે એ સમજી શકે.

મારા મીસ્ટર પાછા રમુજ માં કહેશે,
'લો આ બીલ છે એ ભરી દેજો...
તમે કામ પુછ્યુ એટલે કહુ છુ હો'

બીજી વાર એ વ્યક્તિ વિચારતી રહે કે આ માણસ મને ખરેખર એનુ બીલ પકડાવી નહી દે ને...!


એક બીજી મજા ઘરના ને આવે....પેશન્ટ ને નહિ હો...હોસ્પિટલમાં હોય એટલા દિવસ મસ્ત મસ્ત નાસ્તો જાપટવા મળે...પેશન્ટ ના સગા કઈ ને કઈ લઈ ને આવ્યા હોય...એવું ન સમજતા કે હવે હોસ્પિટલમાં બહારનુ ક્યા આવવા દે છે?...એમા એ ગોલમાલ ચાલતા હોય...
પેશન્ટ ને તો બાપડા ને ખાવાનુ ન હોય કે ખાવાનુ હોય તો મોળુ
ખાવાનુ હોય..બસ મસ્ત મસ્ત સુગંધ લેવાની ફક્ત. સીધી વાત છે ને એમણે શું ગુનો કર્યો છે કે સારુ સારુ ન ખાઈ શકે...!

સજઁરી કરી ને બધી ગાંઠો કાઢી નાખવામાં આવી. ગાંઠો મસ્ત મજાની લખોટીઓ જેવી લાગતી હતી હો...!

સર્જરી પછી કેમોની પ્રક્રિયા ચાલી. મારુ હાળુ કેમોનુ એ મોટુ મશ ઈન્જેક્શન મારા શરિરમાં જવાનું નામ જ ન લે ને..! આમ તો ડોકટરે અગમચેતી વાપરી પહેલેથી જ ગળાના નીચેના ભાગમાં પોટ ઓપરેશન કરી ને મુક્યો હતો..એમને ખબર ને કે મારી નાજુક (પાતળી) ચામડી સોઈનું કહ્યુ નહિ માને. તો એ પોટ દ્વારા પણ દવા અંદર જવાનું નામ જ ન લે. જે એક કેમો લેતા 4 5 કલાક જાય એના બદલે આખો
દિવસ જાય. એમાં એ હર તો ત્યારે થઈ એકવાર 24 કલાકે કેમોની દવા શરિરમાં ગઈ. એ પણ નોમઁલ ફોસઁથી નહિ. કઇક ડબલ ફોસઁ ના દબાણનુ મશિન લાવી એનાથી બેડો પાર થયો હો.
હાશ! છુટ્યા કેમોથી...જો કે મારા શરિરમાં એની દવાઓ ઘુશી ને જ રહી.

હું શરુથી જ કેમોની વિરોધી હતી. પણ બાળકોના ધમપછાડા આગળ મારે જુકવુ પડ્યુ. ને કેમો
લેવા પડયા.

ને પહેલા કેમો એ જ એનો પરચો બતાવી દિધો. હું કાંઈ ગાંજી જાઉ એવી ન હતી. પહેલેથી જ મસ્ત મજાની વિગ કરાવી રાખી હતી.

કોઇ કોઇ વાર બાળકો મને ખુશ રાખવા મને ગમે ત્યાં લઈ જતા.

‘એ મમ્મી તું શું કરે છે?’
‘કેમ મારી વિગ સરખી કરું છું’.
અરે યાર જગા તો જો’.
ને હું ને મારી દિકરી નિયોતી હસી પડ્યા. થયુ હતું એવું કે મારા કેન્સર ની સારવાર ના ભાગ રૂપે કેમો થેરેપીમાં વાળ ગયા ને એ બહાને ટકા માથા ને ઓળવા ની ઝંઝટમાથી છુટકારો મળ્યો.
ને ઉપરથી નવી હેરસ્ટાઇલ મળી. ડબલ ફાયદો..
અમે બંને મજા કરવા સી. સી. ડી. માં... અરે કાફે કોફી ડે યાર... ગયેલા ને ત્યાં આ ફારસ થતા થતા રહ્યુ. નિયોતી એ મને ધીરે અવાજે કહ્યું ‘મમ્મી તારી વિગ સેજ ખસી ગઈ છે ‘. હુ સરખી કરવા ગઈ ને એણે મને રોકી.
એક તો પહેલા કહે વિગ ખસી ગઈ છે ને પાછી ઠીક કરવા પણ ન દે. બોલો એવું ચાલતુ હશે?

મને તો એક વાર વિચાર આવ્યો વિગ જ કાઢી નાખુ... પણ દિકરી ભેગી હતી. એની પ્રેસ્ટિજ નો તો વિચાર કરવો પડે ને યાર...કોઈ ને થશે આ આધેડ સ્ત્રી નુ ચસકી ગયુ લાગે છે...

પછી તો બંને ગાડીમાં બેસી જે હસ્યા છીએ કે આજે પણ યાદ કરીએ ત્યારે ખુલ્લા મને હસી પડાય છે.

લતા કાનુગા