I envy you ,
Letter to an ordinary girl
ખાસમાં તો તારી પાસે એ છે કે, તું રડી શકે છે! , પેટછુટુ રડી શકે છે. રડવા માટે તારે દરિયા પાસે જવાની જરૂર નથી, દુઃખી થવાની સાબિતીઓ છે તારી પાસે , તારું રુદન- હમદર્દી અને સમજણનો ઈજારો ભોગવે છે. તને કોઈની પણ છાતી મળી શકે છે સમાવા માટે, સમર્પિત થવા માટે, આંસુઓથી ભીની કરવા માટે, ઓગળવા માટે અને ઓગાળવા માટે પણ, હું મારાજ શર્ટનાં ખિસ્સામાં આંસુઓ ઓજલ થતા જોઈ રહું છું, કપડાનાં રેસાઓમાં ધોવાતા જોઈ શકું છું.
મારે દરિયા પાસે જવું પડે છે , દરિયો પણ મારી જેમ ખારોજ છે! હાથે કરીને દુઃખનો પ્રાદુર્ભાવ કરવો પડે છે કે રડી શકાય, હાથનાં ખોબામાં ખારા આંસુઓને ભરી શકાય, મારી ખારાશને દરિયાની ખારાશ જોડે મેળવવા મારી જાતને નદીની જેમ વહાવી પડે છે, ડૂમો બાળી શકું તે માટે. એમતો હું સિગરેટ ફૂંકીને ડૂમો ફૂંકવાનો ડોળ કરી શકું છું. હુક્કો ચૂસીને નિસાસાને ધુમાડા વાટે કાઢું છું! ડુમાને ગગડાવા દારૂ ગટકું છું. ક્ષણભંગુર પરપોટામાં જિંદગી જીવું છું!
એમતો મેં ધમનીના ગંદા લોહીનો અને આંસુઓની ખારાશનો સંગમ પણ કરાવ્યો છે અને કાગળ પર ચાંદલા ચીતર્યા છે, કોઈએ એ કાગળ જોયો નથી , એવા કાગળો જોવાનો તને ડર લાગે છે, તું ડરપોક છે અને હું સખત એ વાતની મને ઈર્ષ્યા છે.
તારી પર કોઈને વાંધો નથી એનો મને વાંધો છે, મને ઈર્ષ્યા છે. તને બીજાના માટે સારું લાગવું ગમે છે મને મારા પોતાના માટે. તિજોરી પરનાં અરીસાની ઉપર તું ચાંદલા ચોંટાડે છે, કેટલીક વાર એવું લાગે કે તિજોરી પર લટકતી ચાવી એમનમજ રણઝણી ઉઠે તો કેટલું સારું લાગે, એ રણઝણવામાં ‘સ્વ’ને ભૂલી શકાય. હું અરીસામાં 'સ્વ'ને જોઉં છું, જ્યાં મારી જાતને જેવી જોવી હોય એવી જોઈ શકું છું, એ સ્વને પામવાની જ લડાઈમાં છું હું, મારામાં તાકાત છે કિંમત ચુકવવાની, એટલેજ લડે રાખું છું અને ડોળ કરે રાખું છું.
સમર્પણ અને સમાધાન એ તારા જીવનના પર્યાય બની ગયા છે. તને વાંધો નથી ખાલી કબાટની કોઈ ટ્રોફીની જેમ દેખાડો લાગવામાં. તને વાંધો નથી અપેક્ષાઓ સંતોષવામાં, પથારીમાં નીચે ઘસાવામાં, સાડીના પાલવથી પરસેવો લૂછવામાં, સમર્પણ અને સમાધાન કરવામાં, આ શબ્દોને પર્યાય બનાવામાં,હુંફની માંગણી કરવામાં,આંખો જુકાવામાં, માફી માંગવામાં,કોઈના માટે હસવામાં. કોઈને ચાહવાની અને સમર્પિત થવાની ક્ષમતા છે તારામાં. અસ્તિત્વ, માન ,ઈજ્જત લોકોની આંખમાં ટકી રહે એ માટે જુઠું નથી બોલવું પડતું. એમપણ ટકવામાં અને રહેવામાં ફર્ક હોય છે. મને પ્લાસ્ટિકીયું સ્મિત આપવામાં વાંધો નથી! હુંફ માટે હું આંખો નથી જુકાવતી. મને વાંધો નથી આંખો પર સોજા ચઢવા દેવામાં.
કબાટની ટ્રોફી અને એજ કબાટના એક ઉધઈ લાગેલા લાકડાની જેમ તું સળગી જઈશ કા’તો દટાઈ જઈશ એ સમર્પણની ભાવનાથી ઈર્ષ્યા છે મને.
અને હું પરિસ્થિતિની મોહતાજ છું, એ પરિસ્થિતિ જ્યાં આંસુ ના આવે ત્યારે દુઃખની પરાકાષ્ઠા કહેવાય. જોયા કરું છું બધુંજ, પડદાની ઉપર ચોંટેલી સિયાટો - સેપટ આંસુરૂપી બહિર્ગોળ બિલોરી કાચમાં દેખવાની મજા કૈંક અલગ જ હોય છે. અલગારી એવી સ્થિતિ કે જ્યાં પોતાનેજ સાચા માની શકાય, સાબિત કરી શકાય, બીજા પર આક્ષેપ લગાવી શકાય..ડુમાને અને શબ્દોને લકવો મારી જાય. શ્વાસ સુસવાટા બની જાય. અરીસા સામે પૂછવું પડે કે, "કઈ રીતે આ બધામાંથી બહાર નીકળી શકું ? આમજ કઈ રીતે આ બધામાંજ રહી શકું સતત - અને સતત મને આ લકવો મારી શકે , શબ્દોનો જ્યાં ડૂસકાંઓ જોડે સમાધાન કરી શકાય, અપેક્ષા રાખી શકાય, બીજા પર આક્ષેપ લગાવી શકાય.
અધમુઆ અને અલગારીમાં શું ફર્ક હોય! કશુંજ ભોગવી ના શકાય- ન'તો સુખ કે ન'તો દુઃખ. જે દુઃખી છે અને રડી શકે છે એની ઈર્ષ્યા આવે છે.
રડવા માટે આ બારણાં બંદ કરવા પડે છે. યાદોરૂપી-પ્રેમરૂપી અપેક્ષા અને આકાંક્ષાઓના - સપનાઓનાં કોરડા પીઠ પર મારવા પડે છે. નાસિક પાસ થયેલી કરોડરજ્જુ સટાક્ક દઈને સીધી થાય, ત્યારે વળી ગયેલી લીસ્સી છાતી પર so called પ્રેમરૂપી સાપ એની લીસ્સી છાતી ઘસતો ઘસતો બહાર નીકળી જાય ત્યારે સમજાય છે અને રડવું આવે છે. લીસ્સા વાળના ગૂંચળાઓ પણ હોય છે!
કોરડા પંડે માર્યા પછી માંસના લોચડા નીકળતા સાથે લકવો મરાય છે , સમાધાન થાય છે. એ લોચડા સાથે આંસુ, ખારાશ , શ્લેષમ અને લાળ નીકળે છે.
તારે આંખો નીચેનાં કાળા કુંડાળા ઉંમર અને થાકના લીધે દેખાતા હશે મારે ઓઘરાળા અને ઉજાગરાને લીધે દેખાય છે; સારું છે ! કદાચ એના લીધે મેચ્યોર -અનુભવી સાબિત થવાતું હશે, ત્યારે મને કોઈ ગભીરતા થી લઇ લે.
આંખોથી આમતો પારખી શકાતા હોય છે લોકોને, કેટલી સ્વાર્થી છે મારી આંખો! મારી આંખોમાં ઘટનાનો હિસાબ છે , તારી આંખોમાં પ્રસંગની યાદ છે!, મારી આંખોમાં ભૂતકાળ ઘસાય છે, મારી આંખોમાં ક્ષણણો હિસાબ છે! , મારી કોરી આંખોમાં પ્રકાશનાં લિસોટા પડે છે, તારી સાદાઈની ભીનાશ ભરેલી અને આંજણ નાખેલી આંખોની ઈર્ષ્યા છે મને!
પથારીમાં ઘસાવાનું સર્ટીફીકેટ છે તારી પાસે , જયારે ચુંબન કર્યાંનો પણ મને અપરાધ-ભાવ છે! તારી ચીમળાયેલી પથારી જોઇને તું ખીખી હસી શકે છે, અરીસામાં મારા ચીમળાયેલા હોઠ સારા નથી લાગતા , એ શંકાના સ્થાને હોય છે. તારું ખીખી મને સહન નથી થતું. તારા શરીર પર એકજ છાપ છે અને મારા હોઠ પર શંકાની છાપ છે, શંકાની આદિ થયી ગયી છું!
આપણે બે કિનારા જેવા છીએ, હું તને સમજી શકું છું, તું પણ કદાચ. તને પણ મારી ઈર્ષ્યા છે મારા જુસ્સા અને ઉદ્ધતાઈની અને હું ઈર્ષ્યા કરી શકું છું તારી સાદાઈની ,સમર્પણની. મને ખબર છે કે સમર્પણ અને સમાધાન કરવામાં મારું આભિમાન ઘવાય છે જે ખુબ અઘરું છે , અને તું સહેલાઇથી કરી નાખે છે એ વાતની મને ઈર્ષ્યા છે.
કેટલું લાક્ષણિક છે ફક્ત મારા વિશેજ કહેવું, એમતો મને તારા આંસુ મારી છાતીમાં સમાવાનો પણ વાંધો નથી, વાત તો છેલ્લે આંસુ પાડવાનીજ છે ને!
ઘોંઘાટ મને પજવતો નથી ,
ભીડ મને સતાવતી નથી .
છેતરપિંડીથી હું ટેવાઈ ગયો છું
અને ઘટમાળિયું જીવન સદી ગયું છે .
છતાંય..મને કોઈ પ્રેમ કરે, તે મને ગમે છે .
આ દુનિયામાં
એકાદ જણ પણ
મને ખરેખર ચાહતું હોય
તો
હું જીવવા માંગું છું, ધરાઈને જીવવા માંગું છું :
જેથી
ઘોંઘાટ ,ભીડ , છેતરપિંડી , ઘટમાળ ...
બધું ય પાછળ મેલીને
નિરાંતે મરી શકું :
મરીને જીવી શકું
મને ભૂખ નથી
માત્ર તરસ છે
કોઈક ને માટે
સતત તલસતા રેહવાની
અને વરસતા રહેવાની ....
-ગુણવંત શાહ.
( વિસ્મયનું પરોઢ માંથી ..)
From
An unforgivable Girl
-જ્યોતિ