દરિદ્રનારાયણ Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દરિદ્રનારાયણ

કંદર્પ પટેલ

+919687515557

દરિદ્રનારાયણ

અનુક્રમણિકા :

૧) મંદિર : એક ગરીબખાનું

૨) શ્રદ્ધાળુ : અંધશ્રદ્ધાળુ

૩) વ્યક્તિવિશેષ : સમજણની પાટી

૪) સહજ : સરળ : સામાન્ય

મંદિર : એક ગરીબખાનું

મંદિરની બહાર ફાટેલા વસ્ત્રોમાં એક શ્રમજીવી મહિલા પોતાના બાળકને સ્તનપાન કરાવતી હતી. માત્ર સાડીથી પોતાના શરીરને ઢાંકેલું હતું. એક બાળક તેની ગોદમાં સોડ તાણીને સૂતું હતું અને રડે તો ફરીથી સ્તનપાન કરાવતી હતી. એ મહિલા વ્યક્તિના નામના શબ્દવાળું હાથમાં પહેરવાનું કાંડું બનાવતી હતી. પોતાના બાળકો માટે જમવાનું થઇ રહે તેનો બંદોબસ્ત કરતી હશે એવું લાગ્યું. એ લાકડાના પાટિયા પર બંને બાજુ ખીલ્લી ખોડીને સરસ બ્રેસલેટ પ્રકારનું કાંડું બનાવતી હતી.

બીજી બે મહિલાઓ પોતાના હાથમાં આરતીની થાળીમાં શ્રીફળ અને ફૂલ સાથે પ્રસાદ લઈને નીચે ચપ્પલ પહેરતી હતી. આ શ્રમજીવી મહિલા પણ ત્યાં જ બેઠી હતી. તે બોલી,

‘બહેન, તમારા દીકરા-દીકરીઓના નામ લખેલ કાંડા કરાવી લો.’
પેલી બંને હાથમાં આરતીના થાળ સાથે તેની નજીક આવી અને એકબીજા સાથે વાતો કરવા લાગી.‘
ચાલને અલી, બનાવડાવી લઈએ. એમ પણ મારી નાની દીકરી એની સ્કુલમાં બીજાના હાથમાં પહેરેલી વસ્તુઓ જોઇને જીદ કરે છે.’
હું બધું જ બરાબર જોતો હતો. મનમાં ખુશ થયો કે ચાલો આજે સાંજનું કાચું-પાકું જમવાનું આ સ્ત્રીને થઇ રહેશે. પેલી બંને તેની પાસે આવીને બોલી, ‘શું ભાવ છે?’‘
પાંચ શબ્દોના ૨૦ રૂપિયા બહેન...! શું નામ છે? બોલો.’ પેલી સ્ત્રી એકદમ હર્ષથી બોલી. તેણે તેની ગોદમાં સ્તનપાન કરતા બાળક તરફ જોયું અને પાણીના પાઉચ વહેંચતી નાની પાંચ વર્ષની દીકરી સામે જોયું. કદાચ અંતરમનથી ખુશ થઇ હશે.‘
ઉભી રે...! ઉભી રે...થોડી વાર...! મારે તો ૭ શબ્દો થાય છે. કેટલા થશે એના?’‘
અરે..વધારે કંઈ નહિ બહેન. એક શબ્દના ૨ રૂપિયા થાય. તમારા ૭ શબ્દોના ૨૪ રૂપિયા થશે.’ નિખાલસતાથી એ મહિલા બોલી.‘
ઓહો...ભાવ તો જો..! મંદિરની બહાર બેસીને લોકોને લૂંટો જ છો તમે બધા. આટલો બધો તે કંઈ ભાવ હોતો હશે? ચલ અલી...બીજે કરાવી લઈશું. ગામમાં દસ-દસ રૂપિયામાં કરી આપે છે.’ ‘
અરે...બહેન. કરાવી લો ને..! મારા બંને બચ્ચા ભૂખ્યા છે.’ કંઈ બોલી શકાયું નહિ હોય એવું લાગ્યું. એક બાઈક તેની સામે આવી અને હેડલાઈટનો પ્રકાશ તેના ચહેરા પર પડ્યો અને આંખના કિનારે ખૂણામાં આંસુનું એક બૂંદ નીચે ટપકવાની તૈયારી કરી રહ્યું હોય તેવું લાગ્યું.

અને ત્યાંથી પેલી બંને ચાલવા લાગી. એ સ્ત્રીને જે ૨ સેકંડ પહેલા હરખ હતો એ વિસરાઈ ગયો. પરંતુ એ ભૂલીને પોતાના બાળકોની ભૂખ ખાતર પોતે પેટ તોડીને બીજા લોકોને પૂછવા લાગી. ગમ્યું નહિ મને..! એ જ મહિલાઓ ૨૦૦ રૂપિયાની સાડી જયારે દુકાનદાર ૨૦૦૦માં આપતો હશે ત્યારે ઘરે પોતાના પતિ સાથે ઝઘડીને પણ એ લેતી હશે. કેટલાયે દુકાનદારો મીઠું-મીઠું બોલીને લુંટતા હશે ત્યારે દેખાદેખી અને ઈર્ષ્યાને ખાતર પોતે હસતા-હસતા લુંટાઈ જતી હશે. અહી વીસ રૂપિયામાં એને શું મોટો પત્થર પડ્યો એ સમજાયું નહિ. એ બે વાક્યથી કેવડો મોટો ઘા પેલી શ્રમજીવી મહિલાના હૃદય પર કરીને બેફિકરાઈથી બંને મહિલાઓ ચાલી ગઈ. અરે, દોસ્ત...! નહોતું લેવું તો પછી તેણે પળભરની ખુશી આપીને એક જ ઝટકા સાથે ખેંચી લેવાનો હક તને કોને આપ્યો? પાપડ, અથાણા અને કપાસિયા તેલમાં ડૂબી-ડૂબીને મોટી ઢમઢોલ બની ગઈ તેથી દુનિયાને પણ પોતાની લાંબી દાંડી જેવી જીભથી વગાડ્યા જ કરવાની?

દરેકને નારી-સશક્તિકરણની વાતો કરવી છે. મોટા-મોટા બેનરો લઈને દોડી નીકળવું છે. પણ એ નારી..! પહેલા સન્નારી બની જા..! તારી જ જાતિના સજીવને તું માન નથી આપી શકતી તો તને માન મળે એવી અપેક્ષાઓના બ્યુગલો કેમ ફૂંકે છે? કદાચ, એ મહિલાએ બ્રેસલેટ ન બનાવવાને બદલે પોતાની થાળીમાં રહેલા પ્રસાદ અથવા શ્રીફળને પણ જો એ સ્ત્રીને આપ્યો હોતે તો એ દિલથી ખુશ થતે..! એને ભૂખ પોતાના બાળકની હતી. પોતાને પૈસા કમાઈને બંગલો નહોતો કરવો.
પણ બુદ્ધિ કોના બાપની?

(૨૩ ઓક્ટોબર, ૨૦૧૫. સાંજના ૭:૩૦)


શ્રદ્ધાળુ : અંધશ્રદ્ધાળુ

હનુમાન મંદિર પાસે એક છોકરો ચીંથરેહાલ હાલતમાં બેઠો હતો. ઉંમર કદાચ ૧૦-૧૧ વર્ષની હશે. નાકમાંથી લીંટ નીકળતી હતી. મોં પર ફાટેલી પાતળી ચાદર વીટાળીને ટૂંટિયું વળીને બેઠો હતો. શ્રદ્ધાળુઓનો પાળો એકમેકના ધક્કે મંદિરમાં ચડ્યે જતો હતો. કિચેઇન, સ્વેટર, અરીસો, પેન-પેન્સિલ, પ્લાસ્ટિકના રંગબેરંગી ફરફરિયાં, ગોગલ્સ, પોસ્ટર, મૂર્તિઓ, લોકેટ, શો-કેસની વસ્તુઓ...આ દરેક વસ્તુઓ મંદિર બહાર વેંચાઈ રહી હતી. મંદિરની નજીક સાકરિયા-શીંગનો પ્રસાદ, શ્રીફળ, પવિત્ર દોર, મિઠાઈ...વગેરેની દુકાનોમાંથી સતત સ્વાર્થી અવાજો આવતા હતા.

મંદિરની દીવાલ સાથે છુપાઈને બેઠેલો છોકરો દર શનિવારે વાયોલિન જેવું નાનું એક વાદ્ય વગાડતો. પરંતુ, આજે કુદરત તેના પર વિફરી હતી અને શરીર સાથ નહોતું આપતું. એ વાદ્ય વગાડતાની સાથે જ સંગીત તેના આયખાને પ્રાણબળથી ભરી દેતું હતું. ઠંડીને લીધે તે સહજ ઉભો થઈને એ વાદ્યની દુકાનમાં આશરો લેવા માટે ગયો. તે દુકાનદારે ધક્કો મારીને પાછો કાઢ્યો. જે માણસે કદી સાગરકાંઠો ન જોયો હોય તે નાવિકની દરિયાની ઝંખના કેમ સમજી શકે? કેમ સમજે કે તેના લોહીમાં, શ્વાસમાં અને હૃદયમાં સંગીતનો ગરમાવો જન્મે છે. ફરીથી તે દોડતો દીવાલને ટેકે બેસી ગયો. કીકી આડે અશ્રુનું એક મોટું ટીપું ઉપસ્યું. એ ફાટેલ જીર્ણ ચાદર વડે તે આંસુ લૂછી નાખતો. આંખમાં આંસુની સાથે ચીપડા બાઝી પડ્યા હતા. ચહેરો ફાટી ગયો હતો. હોઠમાંથી થોડું લોહી આવતું હતું.

શિયાળુ સવારની એક ઠંડી લહેર આવી અને શરીર ધ્રુજી ઉઠ્યું. તે ચાદરની અંદર ચહેરો છુપાવીને બેસી રહ્યો. એ દ્રાવક હૃદયમાં ઘણી ઉથલ-પાથલ મચી ગઈ હશે. કોઈક મારી સાથે હોતે તો? આવા પ્રશ્નો સહજ નીકળતા હશે. ઝડપથી દોડીને એક ખૂણા તરફ ગયો. ચાદરને ફેંકી દીધી. મોં માં મોળ આવા લાગી અને તે છોકરાને ઉલટીઓ થવા લાગી. છતાં, તેના તરફ કોઈની નજર નહોતી. દરેક અંધ-શ્રદ્ધાળુને મંદિરમાં ભગવાનનું પેટ ભરવું હતું, ત્યાં કોઈની પીડા કેમ દેખાય? સ્વાર્થની વાસ મારતી માંગણીઓને પૂરી કરવા હજુયે ઈશ્વર મંદિરમાં કેમ બેઠો છે? જેને પરમ દયાળુ કહે છે, તે ઈશ્વર શું પઠાણી લેણદાર જેવો જ નથી લાગતો? એ છોકરાના મૂઢ હૃદયને ચિત્કારોથી ભરી દેતું ખોળિયું પીડાઈ રહ્યું હતું. તે ઉલટીઓ અવાજની તીણી સોય બનીને કોઈના કાનમાં પ્રવેશ કરે તે પહેલા જ સ્વાર્થી લોકોના કાન તે અવાજને અટકાવી દેતા હતા.

ત્યાં જ, એક નાની છોકરી પોતાની મમ્મીનો હાથ ખેંચીને તે છોકરા પાસે ગઈ. પોતાના સ્કૂલબેગમાંથી પાણીની બોટલ કાઢીને તેની સામે ધરી. કોણ છે, તે જોયા વિના જ તુરંત પાણીથી ચહેરો સાફ કરવા લાગ્યો. આજુબાજુની માટી ઉઠાવીને ઉલટી પર નાખી. હાથ સાફ કર્યા. અને, કોઈને ખબર ન પડે તે રીતે ફરીથી એ મંદિરની દીવાલ પાસે બેસી રહ્યો. એ ફાટેલી ચાદરને બેવડી કરીને સૂર્યના કિરણોને પોતાના ચહેરા પર પડવા દીધા. ફરીથી, હૃદયમાં હિંમત એકથી કરીને પોતાનું વાયોલિન શોધીને વગાડવા લાગ્યો. શરૂઆતમાં સૂરાવલીઓ ઉધરસના લીધે આમ-તેમ વિખેરાઈ જતી હતી. કોઈક દર્શનાર્થીએ શ્રીફળ અને સુખડીનો પ્રસાદ આપ્યા પછી ફરીથી પોતાની મોજમાં એ વાયોલિન વગાડવા લાગ્યો. આજ સુધી દબાયેલા દરેક સૂરને એકઠા કરીને ફરી પોતાના જીવન-સૂરમાં ખીલવા લાગ્યો. જાણે, દુઃખની ઝાકળ ઉડી અને સ્વતંત્રતાના કિરણો પથરાયા.

ફરી એક પ્રશ્ન થયો. શિયાળાની ઠંડી સાંજે તેનું ભીતર આગથી સળગશે ખરું? સવારના અંધારામાં જાગેલી માયા આ નિસ્પૃહતાના હાથે સાવ જ ભૂંસાઈ ગઈ.

(૧૨ ડિસેમ્બર, ૨૦૧૫. શનિવાર.)

વ્યક્તિવિશેષ : સમજણની પાટી

સોસાયટીમાં નાના છોકરાઓ વેકેશનમાં કિલ્લોલ કરી રહ્યા છે. કોઈ ફૂટી ગયેલ ફટાકડાના ખોખામાં રેતી ભરીને તેને માટીની ઢગલીમાં સીધું ઉભું રાખવાનો પ્રયત્ન કરે છે. અમુક બાળકોનું ટોળું ગયા વર્ષની જૂની ફિરકીમાં વધેલી દોરી હાથમાં વીંટાળીને લંગર-લૂડી રમે છે. દરેક મસાલાના પ્લાસ્ટીકના કાગળમાં પથ્થર મુકીને તેને દોરીના છેડા વડે બાંધીને લંગર બનાવે છે. ઇંગ્લિશ મિડીયમ સ્કુલમાં ભણતી નાની છોકરીઓ સ્કૂલરિક્ષાની રાહ જોઈ રહી છે. 'હજુ તો વાર છે, મમ્મી. રમવા દે ને!' કહીને ફૂલ-રેકેટ રમવાનું શરુ કરે છે. નાના છોકરાઓ લખોટી વડે 'ટીચવા 'દા રમે છે. ત્યાં જ એક ખમણની લારી લઈને એક ભાઈ સોસાયટીમાં પ્રવેશે છે. છોકરાઓ ખમણ સ્કુલે નાસ્તામાં લેવડાવવાની જીદ ન કરે એટલા માટે અમુક મમ્મીઓ તેને ગેટથી જ બહાર નીકળવાનું કહે છે. સવારનું કામ પૂરું કરીને માથું ઓળવા માટે કાંસકો હાથમાં લઈને ગેલેરી કે ઓટલા પર ગૃહિણીઓ બેસે છે.

ત્યાં જ એ ચાર વર્ષનો છોકરો સારી એવી લખોટી જીતીને ખમણ લેવા માટે એ કાકાની લારી પાસે જાય છે.

કાકાને જઈને કહ્યું, "આ નાસ્તાનાં ડબ્બામાં ખમણ આપો ને..!"

કાકાએ ડબ્બો ભરી આપ્યો અને સાથે બે ચોસલા એ છોકરાના હાથમાં આપ્યા. ડબ્બાના નાના ખાનામાં ચટણી ભરી આપી. હજુ કાકા પૈસા માંગે તે પહેલા પેલા બાળકે હાથ લાંબો કર્યો, લખોટીથી ભરેલો.

કાકાએ પૂછ્યું,"શું કરું હું આનું બેટા?"

પેલા બાળકે બહુ નાદાન અને નિર્દોષ ભાવે જવાબ આપ્યો, "ખમણ તમે આપ્યા ને..!"

પેલા કાકા હસ્યા. એ છોકરાની મુઠ્ઠી બંધ કરીને કહ્યું, "જા રમ. તારા મમ્મીએ પૈસા આપી દીધા છે."

એટલામાં જ એ છોકરાની મમ્મી આવી અને ખિજાઈ, "મને પૂછ્યા વિના શું લઇ આવ્યો?" અને પેલા કાકાને પૂછ્યું, "કેટલા રૂપિયા થયા?"

ખમણવાળા કાકાએ કહ્યું, "કઈ જ નહિ. જયારે તેને સમજણ આવશે ત્યારે આ પ્રસંગ યાદ કરશે. વિચારશે કે, કોઈક એ મને લખોટીના બદલે ખમણ આપ્યા હતા. જો હું અત્યારે તેની પાસે પૈસા માંગીને ખમણ આપવાની ના કહું તો આવતી કાલે તે મોટો થઈને બીજા સાથે પણ એવું જ કરશે. નિર્દોષ લોકોને દુઃખ આપીને શું મળવાનું છે બહેન?"

ફરી એ બાળકના માથા પર હાથ મુકીને એ કાકા ચાલતા થયા. હું એ પ્રસંગનો લાઈવ સાક્ષી બનીને ઉભો રહી ગયો. સંવેદના એ જગાડવાનો વિષય નથી, એ તો ઇન-બિલ્ટ સોફ્ટવેર છે. ક્યારેક પ્રોગ્રામ રન કરવો પડે..!

(૧૮ નવેમ્બર, ૨૦૧૫. સવારના ૧૧:૩૦ વાગ્યે)

સહજ : સરળ : સામાન્ય

આજે સવારે કંપનીમાં એક ઓપરેટર ઘણા બધા લેડિઝ ડ્રેસ લઈને આવ્યો. ગામડાના લોકો માટે દિવાળીની ખરીદી શરુ થઇ ગઈ. (બોનસ + સેલરી)નો કોમ્બો પેક દિવાળીના મહિનામાં દરેક વર્કરને મળ્યું જ છે. કેટલાક ઉછીના-પાછીના કામો પતાવીને જે બચ્યા હોય તેમાંથી દિવાળીની ઉજાણી કરવાની હોય. છોકરાઓને બબ્બે જોડી નવા કપડા અને વાઈફ માટે સાડી, દીકરી માટે ડ્રેસ અને પોતાના માટે જે કઈ વધે તેમાંથી અમુક ખરીદી. આ દરેક ઘરમાં ઘર ચલાવવા માટે ઘરની બહાર રહીને મહેનત કરતા પપ્પાનો ક્રમ હોય છે. સારું-નરસું હોય છતાં પોતાના કુટુંબ માટે સદાય ઋણી રહેનાર બાપ હંમેશા પોતાના સંતાનો માટે સુપરહીરો જ હોય છે. આવતા મહિનાની ડિમાન્ડનો અંદાજ બાપ ચાલુ મહીને જ તાકી દે છે.

દરેક ઓપરેટરો પોતાની દીકરી અને પત્નીઓ માટે ડ્રેસ જોઈ રહ્યા હતા. સવારમાં બે કલાક સુધી કંપનીનો કોઈ સ્ટાફ હોય નહિ એટલે આરામથી ડ્રેસ ખોલીને જોઈ રહ્યા હતા. દરેક ઓપરેટરની આંખો અને ડ્રેસની વચ્ચે પોતાની પ્રિયતમા અથવા પોતાની દીકરીનો ચહેરો તરવરતો હતો. ડ્રેસ હાથમાં લેતાની સાથે જ બાપની નજર સમક્ષ દીકરી આવીને ઉભી રહી ગઈ હોય તેવું તેમના ચહેરા પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું.

"અલ્યા, ચંઈ હરખો ડ્રેસ બતાવને મારી નાની બેબલી માટે, અલ્યા..!"

"કેવો લાગશે મારી બેબલીને? આમ તો મારા જેવું જ પાતળું શરીર છે." ફરી પાછો પોતાની દીકરીને એ ડ્રેસ મનની આંખોથી પહેરાવીને ડ્રેસ કેવો લાગશે તેનો તાગ મેળવી લે છે.

"ઓય, આખી બોંયનો બતાવ..! ગોમડામાં ટૂંકી બોંયનો ડ્રેસ બેબલીને પહેરાવતા જીવ નૈ ચાલતો. ઈ શે'રમાં કોલેજ કરવા જોહે ત્યોરે ભલે'ન પે'રતી."

એમના ચહેરા પર ખુશી હતી. પોતાની દીકરીને આજે સરપ્રાઈઝ આપીને તેના ચહેરાની માત્ર ખુશી જોવા માટે બાપનો ચહેરો અત્યારથી જ ખીલી ઉઠ્યો હતો. ચહેરા પરનું ધીમું-ધીમું સ્મિત હૃદયમાં અનેક ઉત્સવ પહેલાના ઉત્સાહની ઉજાણીના અનેક રંગો પૂરી રહ્યું હતું.

એટલામાં વળી, બીજો કોઈ બોલ્યો. "મારું બૈરું, ક્યોરનું કે'ય છે કે મારે ડ્રેસ લેવો છે. હવ, આપણી જોડે પૈસ્યા આખું વરહ ચ્યો આવવાના હોય? બોનસ આવ, એટલે ખરીદી કરી લઈએ થોડી..!"

નાઈટમાં ડ્રેસ પહેરવા ચાલે ને..! દિવસે તો સાડી પહેરવાની હોય ગોમડામાં. નાઈટ મોં ચાલે. છેલ્લે એક ઓપરેટર બોલ્યો એ વાત ખરેખર ગળે ઉતરી ગઈ.

"અમારું બૈરું ક્યોરેય એમ ના બોલે કે મારે પિયર જાવું હ..! કોઈ 'દિ ફરિયાદ ના હોય. આપણે ભૂરા, ખર્ચો જ એટલો કરીએ ને..! શું હંગાથ આવાનું છે આખી જિંદગી મોં? તમ'તમારે ખર્ચા થાય એટલા બૈરા પર કરવાના. એ ખુશ એટલે આખું કુટુંબ ખુશ. આ દિવાળીનું આખું બોનસ એને હોંપી આલ્યું, ને કહ્યું 'તારે જે લેવું હોય તે લઇ લે. ફાયદો એ થયો કે મે સામે ચાલીને બોનસ આપ્યું, તો એ મારા માટેય નવા વર્ષના દા'ડે પહેરવા મસ્ત જીન્સ-ટી શર્ટ લઇ આવી."

એમની નાની-નાની ખુશી જોઇને મારા દિલને ફરી કિક વાગી. આટલું બધું ભગવાને આપ્યું હોવા છતાં, 'હજુ કંઇક બાકી રહી ગયું' એવી ફીલિંગ કેમ આવ્યા જ કરે છે? બાપના ચહેરા પર જે ખુશી છલકાતી હતી તે માત્ર તે જ અનુભવી શકે..! પોતાની પત્નીને માટે લીધેલ ડ્રેસની ગીફ્ટ માટે જલ્દીથી પોતાની શિફ્ટ પૂરી થાય તેની રાહ જોવાતી હતી. તેથી જ કદાચ, સંતોષની લાગણીનો જન્મ હંમેશા અભાવમાં જ થાય છે.

જેની પાસે કશું જ નથી તેને માત્ર વસ્તુનો 'ભાવ' નડે છે, જેની પાસે થોડું છે તેને 'અભાવ' નડે છે અને જેની પાસે બધું જ છે તેને પોતાના જ વ્યક્તિત્વનો જ 'સ્વભાવ' નડે છે.

(૫ નવેમ્બર, ૨૦૧૫. સવારના ૮:૩૦)