કિટલી..અનેક સ્મરણોની...! Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિટલી..અનેક સ્મરણોની...!

કંદર્પ પટેલ

કિટલી! અનેક સ્મરણની...

અનુક્રમણિકા :

૧) અલ્પવિરામ

૨) લેમ્પસ્ટેન્ડ

૩) રિવરફ્રન્ટ

૪) શરીર : એક વાયોલિન


અલ્પવિરામ

....ફરી એક અલ્પવિરામ પર ઉભો છું. નાની જિંદગીનું નાનું સરવૈયું કાઢી રહ્યો છું. ગુમાવ્યું શું? તે યાદ નથી. પરંતુ, ઘણું બધું કમાયો છું. એ કમાણીમાં વ્યક્તિ, વાણી અને વર્તન છે. આ ત્રણેય મને ખુશીની સંકલ્પના આપે છે. વિત્તની ગડમથલ કરવા કરતા, જો ચિત્તનું ઓઈલીંગ કરીશ તો? જવાબ મળે છે, હા. ખરું સત્ય તે જ છે. ખુશીઓનું મુદ્દલ જ એટલું થઇ ગયું છે કે તેના વ્યાજ વડે જ દિવસો નીકળી જાય છે.

ઘરની બારી પાસે આંખો બંધ કરીને બેઠો છું. એક કલ્પનાતીત અનુભવ થાય છે. કોઈ બીજી જ દુનિયામાં પ્રવેશ થાય છે. જાણે, કોઈ લીલું ખેતર. ના, આ માત્ર જમીનનો ટુકડો નથી. આ કદાચ અનંત સીમાઓ સુધી વિસ્તરેલું આકાશનું પ્રતિબિંબ તો નથી? દૂર-સૂદુર સુધી ક્ષિતિજ મીટ માંડીને મને જુએ છે, કે હું તેને જોઉં છું? આ વિશાળતાના અલગ-અલગ ટુકડાઓ દેખાય છે. દરેકમાં અલગ અનુભવોનો યાદગાર પ્રસંગપટ રચાય છે. આ દરેક ‘હિસ્ટોરિક મેમોરી’ મનના લેન્સ વડે ‘રિ-શૂટ’ થતી દેખાય છે. પગ નીચેનું ઘાસ હજુયે લીલું અને નરમ જણાય છે. આલિંગન આપે છે. મખમલી સ્પર્શ કરે છે, હું હસું છું. અચાનક વરસાદની હેલી વરસી પડે છે. આકાશ તરફ હાથ ફેલાય છે. માંગણી માટે નહિ, ખુશીઓની લ્હાણીમાં ઈશ્વરને આમંત્રણ આપવા. ફરી એક વિચાર આવે છે, આ ધરતી સંગીતનું સૌથી મોટું વાદ્ય છે. વરસાદ તેને વગાડી રહ્યો છે અને લીલાછમ ઘાસમાંથી રેશમી સૂરો નીકળે છે. હું આગળ ચાલી રહ્યો છું. સૂરજ લગભગ ડૂબવા લાગ્યો. હરિત ઘાસ વચ્ચેનો અવકાશ ભૂંસાવા લાગ્યો. જે સ્પષ્ટ, સુરેખ અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હતા તે દરેક અસ્પષ્ટ બનીને એકમેકમાં લુપ્ત થવા લાગ્યા.

દૂરથી કોઈના હસવાનો અવાજ આવતો હતો. સતત આ ધ્વનિ કર્ણપટને મધથી રેડી રહ્યો છે. આંખના દીવા ફરી ઝબકી ઉઠ્યા. તે ચહેરો અચાનક સામે આવ્યો. ડૂબતા સૂર્યના ઝાંખા પ્રકાશમાં એ ચહેરો ઓળખાઈ શક્યો નહિ. તેના ભૂખરા વાળ પર સૂરજનું છેલ્લું કિરણ પડ્યું. તે હસીને મારા તરફ જોઈ રહી હતી. ઘેરાતા અંધારામાં વસ્ત્રનો કથ્થઈ રંગ ઝાંખો, વધુ ઝાંખો અને પછી અદીઠ થઇ ગયો. અચાનક ઝડપથી તે દોડી, અને ચાલી ગઈ. હવાની એક લહેર આવી અને તેના પગલા પર ઝીણી સુંવાળી રજ પાથરી ગઈ. સુંદરતાની તાજી અનુભૂતિ અંધકારમાં છુપાઈ ગઈ. દૂરના બરફઢાંક્યા શિખર, આકાશમાં સરતા સફેદ વાદળ, એ વાદળને વીંધીને આવતો લાલાયિત પ્રકાશ અને પીળા તડકાની શાલ ઓઢીને ઝૂલતી લીલા ઘાસની પત્તીઓ, આ દરેક લુપ્ત થયું. સુક્કા પાંદડાના ઢગલાને હવાનો થપાટો આવીને વિખેરી નાખે તેમ મનમાં ચાલતી વિષાદી રેખાઓ તૂટીને વિખેરાઈ. રહ્યો માત્ર, ખુશીઓનો ઉજાસ. અંતે, સૂરજને નમી પડતો જોઈ રહ્યો.

પવનની જોરદાર થપાટને લીધે બારી અથડાઈ. મારી આંખો ખૂલી. શાંત અને ઊંડાણભરી હતી. લેપટોપના કી-બોર્ડ પર આંગળીઓ મનના ન્યુરોન્સ સાથે જોડાઈને કંઇક ક્રિએટીવીટી જન્માવતી હોય તો ‘પ્રસન્નતા પર્વ’ મારે રોજ ઉજવાય છે. (૧૭ ડિસેમ્બર, ૨૦૧૫. રાત્રિના ૧૧:૦૦)


લેમ્પસ્ટેન્ડ

....રાત્રિના પોણા બે વાગ્યા છે. ચારે બાજુ લપેટાયેલી શાંતિ સૂતી છે. વૃક્ષો ટૂંટિયું વળીને પડખા ફેરવી રહ્યા છે. કઠોર પથ્થરોમાં જીવન ધબકી રહ્યા છે. કાળા ભૂખરા રંગના મકાનોમાં આદમ અને ઈવ સંવેદનીય ઉષ્માના રંગો ભરી રહ્યા છે. દૂર દેખાઈ રહેલા પૂર્ણચંદ્રની ચાંદનીમાં પથરાતી સાંજ, ઠંડીમાં થથરતા જંગલો અને રસ્તાના ઢોળાવ પર અવાજ કર્યા વિના લસરી રહેલ એકાંતની ક્ષણમાં ચીમળાઈને પીળા પડી ગયેલા પર્ણોનું સૂરમયી સંગીત રેલાઈ રહ્યું છે. આકાશ તેની ચાદર ફેલાવીને સમગ્ર માનવજાતને પ્રેમથી સૂવાડી રભ્યો છે. દુનિયાના સઘળા દુઃખોને પૃથ્વી પરથી પોતાનામાં સમાવી આનંદના વાદળો ચંદ્રની સાથે સંતાકૂકડી રમવા લાગ્યા. ખેતરમાં ઉગી નીકળેલ ઘાસનું ધણી કોણ થશે? ત્યાં જ ઝાકળ એ તેનું ઋણાનુબંધન સ્વીકારીને પોતાના બાહુપાશમાં સમાવી લીધું. સીમાહીન રિક્તતા. અવકાશને કોઈ વગાડી રહ્યું છે અને તેના સ્વરો પૃથ્વીને સૂરીલા હાલરડાં ગાઈને શાંત પાડી રહ્યું છે.

હું હાઈવેની વચ્ચેના ડિવાઈડર પર એક લેમ્પસ્ટેન્ડની નીચે ચાલી રહ્યો હતો. પોતાના જ પડછાયાને લાંબો-ટૂંકો થતો જોઇને જિંદગી કાર્ડિયોગ્રામની માફક ફ્લ્કચુએટિંગ છે તેની પ્રતીતિ તો થઇ જ રહી હતી. આંખમાં ઘણા સપનાઓ જીવી રહ્યા હતા. ત્યાં જ, એક ફોર-વ્હિલર નીકળી. ગાડીના પૈંડા નીચે સઘળો ભૂતકાળ ઘસડાતો ચાલ્યો. એ ભવ્ય ભૂતકાળ આંખ સામે આવતા જ અસ્તિત્વ મહોરી ઉઠ્યું. મારો ચહેરો એ બોઝિલ ઠંડીમાં ઓગળી ગયો. જોબ માટે ઘરથી બહાર પગ કાઢ્યા પછી બહારની દુનિયા સાથે સંઘર્ષમાં ટકી શકાતું હતું, પણ ભીતરનો સંઘર્ષ ઘણી વાર હારી જતો હતો. પણ જિંદગી સામે કોઈ ફરિયાદ નહોતી. એ તો ઉજાણી હતી, વિતાવેલા છેલ્લા ત્રણ મહિનાની. કોઈ ફરકતું નહોતું, કોઈ મારું ધ્યાન રાખવા માટે નહોતું. હું એકલો અને મારી દુનિયા. સ્વેટર નહોતું એટલે બ્રિઝી ઠંડી નસ-નસમાં ચડી ચૂકી હતી. પરંતુ, આળસ ખંખેરીને શરીરમાં ફરી ક્યાંકથી ગરમી ભરી લેતો હતો. આજ એકલા જીવવું હતું. ગીત ગણગણવાનું મન થયું. સંગીત હોઠે ચડાવ્યું. હસવાનું મન થયું અને પોતાની જ મજાક ઉડાવી હસતો થયો. રસ્તાની સામે છેડે એક ખાબોચિયું હતું. ત્યાં જઈને તેમાં ચહેરો જોયો. કેટલાયે સંસ્મરણો મારી આંખો સામેથી પસાર થયા. ઘરની યાદ આવી. ત્યાં જ એક આંસુ આંખની કિનારીએ આવીને ઉભું રહી ગયું. મેં બહુ રોકવાની કોશિશ ન કરી. હૃદયનો એક છેડો ખાલી થઇ ગયો.

ફરી પાછો એ લેમ્પસ્ટેન્ડનો પ્રકાશ જોઇને એપાર્ટમેન્ટ તરફ ચાલતો થયો.
છેલ્લા ત્રણ મહિનામાં ખૂબ શીખ્યો છું, સ્થિર થયો છું અને થોડો પાગલ બન્યો છું. પૂર્ણ ગાંડો ક્યારે થઈશ એ પળની રાહ જોઈ રહ્યો છું. આ દુનિયાના ચહેરાઓ અને રંગોમાં ક્યારે ઓળઘોળ થઈશ તેની બેકરારી છે. ફિક્શન જિંદગી જીવવામાં મને જરાયે રસ નથી. તેથી લખીશ, ચોક્કસ લખીશ. નવું નહિ, અવનવું લખીશ. હંમેશા સાચું લખીશ. અનુભવેલું લખીશ. મારું અને તમારું લખીશ. કારણ કે, લખવું એ મારા માટે મેડીટેશન છે. હું સંવેદનાઓમાં ખોવાઈ જાઉં છું. વ્યક્તિ છું તેનું ભાન ભૂલું છું. લાગણીઓમાં ઓગળું છું.

(૨૫ નવેમ્બર, ૨૦૧૫ - રાત્રિના ૩:૪૫ )


રિવરફ્રન્ટ

રીવરફ્રન્ટ પર સાબરમતીને અડીને બેઠો છું. શહેરનો કોલાહલ નદીના વહેતા પાણીમાં શમીને શાંત થયો છે. ધ્વનિના તરંગો પ્રકૃતિના સ્પર્શ માત્રથી વિખેરાયો છે. શહેરની વચ્ચેથી નીકળતી પાણીની ધારાને અડકીને કેટલીયે ઘટનાઓ આકાર લઇ રહી છે.'
કસમ કી કસમ હૈ કસમ સે...હમકો પ્યાર હૈ સિર્ફ તુમ સે..!'ના ધીરે-ધીરે વાગતા ગીત સાથે ઢળતી સાંજ વધુ સૂફિયાના બનતી જાય છે. હવામાં ઈશ્કિયાના સૂર રેલાઈ રહ્યો છે. માત્ર ચાર-પાંચ કપલ એકબીજાની સોડમાં છુપાઈને બેઠા છે. ધીરે-ધીરે સૂર્ય પોતાનું દમન શમી રહ્યો છે. બીજી દિશામાંથી આવતો ઠંડો પવન જોડકાને એકબીજાને વધુ નજીક લાવવામાં મદદરૂપ થઇ રહ્યો છે.
એટલામાં જ ચાર બ્યુટીફૂલ કળીઓ ખીલતી-ખીલતી આવી રીવરફ્રન્ટના દાદર ઉતરી રહી છે. ઉપરથી બે છોકરાઓ તેમને જોઈ રહ્યા છે. વળી, બંનેનું ડેસ્ટીનેશન એ ચાર પાંખડીઓ જ છે તે એકબીજાને ખબર પડતાની સાથે જ હસી પડ્યા. તે ચારેય રસ્તામાં જ બેસીને સેલ્ફીની મોજમાં ખોવાઈ ગઈ. અનેક ચહેરાઓ સાથેની સેલ્ફી લીધા પછી જયારે કોઈ પણ ફેસ-મૂડ સ્વિંગ બાકી ન રહ્યો ત્યારે ફરી પાછા ઉભા થઈને આગળ ચાલવા લાગ્યા.
બીજી તરફ (બ્યુટી+જેન્ટલ)નું કોમ્બો પેક પોતાની વાતોમાં ખોવાયેલું છે. ક્યારેક પ્રેમથી કપાળ પર મૃદુ ચુંબન થતું. ક્યારેક આંખ બંધ કરીને તે ઈવ પોતાના આદમની છાતી પર કાન રાખીને હાર્ટબીટ ગણતી હતી. લેમ્પ-સ્ટેન્ડ પર બેઠેલ ત્રણ કાગડાઓ તે બંનેના પ્રેમના સાક્ષી બન્યા છે. બગડી ગયેલ એ લેમ્પની નીચે બેઠેલ બંને જાણે પડછાયામાં પ્રેમ કરી રહ્યા છે તેમ જણાઈ રહ્યું છે. તે શાંત વાતાવરણમાં તેમનો પ્રેમ વ્યાખ્યાયિત થઇ રહ્યો હતો.
દાદા-દાદી કેસરી રંગની ઓપન કારમાં એકબીજાનો હાથ પકડીને બેઠા છે. દાદા આજે લાકડી ભૂલી ગયા છે. દાદીનું માથું દાદાના ખભા પર છે. રીવરફ્રન્ટ પરથી નદીને 'હાઈ' કહેવા માટે બંને રાઈડ પર નીકળી પડ્યા છે. ગાડીમાં વાગતી 'સાથી તેરા બન જાઉં..!'ની ટયૂન પર યંગ હાર્ટ દાદા દુનિયા ભૂલીને એ દાદીના ફોરહેડ પર સાથે વોર્મ કિસ કરે છે. તેનો દીકરો પોતાના પેરેન્ટ્સને ખુશ જોઇને પોતાની વાઈફ સામે હસીને જુએ છે. આ ક્લિક પોતાના ફોનમાં કેપ્ચર કરીને પપ્પા પોતાના દીકરાને તેના ગ્રાન્ડ-પેરેન્ટ્સનો ઇશ્ક મોબાઈલ પર બતાવે છે.
આઈસ્ક્રીમ પાર્લર પર અમેરિકન ડ્રાયફ્રુટની મજા લેવાઈ રહી છે. કાનમાં પિંક હેડફોન્સ નાખીને સ્થૂળ સાથળ ધરાવતો ખટારો શરીર ઘટાડવા ચાલી રહ્યો છે. સેલ્ફીની સાથે કોફીની મજા લેવાઈ રહી છે. એક નાનું બચ્ચું એકીટશે નદી પર વહેતા જતા શાંત પાણીને જોઈ રહ્યું છે. બોટિંગ માટે પ્રવાસીઓની રાહ જોતા છોકરાના ચહેરા પર કમાણીની ભૂખ દેખાય છે. એકબીજાનો હાથ પકડીને એક કપલ એકબીજાના ચહેરા પર નાની શી સ્માઈલ આપીને ચાલ્યા જાય છે. એક પપ્પા પોતાના દીકરાના ચહેરા પરની સ્માઈલને કેમેરામાં કેદ કરવાની કોશિશ કરી રહ્યા છે. પોતાની પત્ની સાથે આવેલ પતિ સાંજે ચાલવા નીકળ્યા છે. સૂર્ય ડૂબવાની તૈયારી કરી રહ્યો છે. ગરમીની દુકાન આવતી કાલે ખોલવા આજે તે સંકેલી રહ્યો છે.
હા, દરેક ખુશ છે. પ્રસન્ન છે. શાંત છે. ચિંતાના વમળો વિખેરીને ન્યુટ્રલ બન્યા છે. ખડખડાટ હાસ્ય વાતાવરણમાં ભળતું જાય છે. બસ, ભળતું જાય છે. (૨૩ ઓકટોબર, ૨૦૧૫. સાંજના ૬:૪૫)

શરીર : એક વાયોલિન

શરીર એ માત્ર હાડકા અને સ્નાયુનું સંયોજન નથી. એ એક વાયોલિન છે. પોતાના કુટુંબ માટે હંમેશા ધબકતું રહે છે. સાંજના સાડા આઠ વાગ્યાની આ ભીડમાં દરેક સાંસારિક પક્ષીઓ પોતાના ખિસ્સામાં થોડા દાણા ભરીને પોતાના બાળકો અને પત્ની માટે લઇ જતા હશે. છેલ્લા ઘણા સમયથી હું એક રસ્તાના ડિવાઈડર વચ્ચે ઉભો છું. દરેકની ગાડીની ઝડપ એ ઘરે પહોચીને પોતાના આપ્તજનનો ચહેરો જોવાના સ્નેહ જેટલી હોય છે. ત્યાંથી હું તરત નીકળ્યો. રસ્તામાં ચાલતા-ચાલતા મારી પરિસ્થિતિ વિષે વિચારતો હતો. હું પણ કદાચ, એ જ ભીડમાં હતો. મનમાં ઘણા વિચારો એકસાથે દોડી રહ્યા હતા.

અંદરથી ઝંકાર થયો. ક્ષિતિજની ધારે સળગી ઉઠેલા સંધ્યાના લાલ રંગની સાક્ષીએ કોઈએ એક દિવસ કહ્યું હતું, “જા, જલસા કર. મારે બે વર્ષ સુધી તારી કમાણીનો એક પણ રૂપિયો નથી જોઈતો. તને જ્યાં મજા આવે તે કર. બસ, તું નિર્ણય લેવાયોગ્ય છે જ. તારી રીતે, તને જે તારા માટે યોગ્ય લાગે તે કર. એક વાર નિર્ણય લઇ લીધા પછી ક્યારેય પસ્તાવો કરતો નહિ. દરેક ક્ષણે ક્ષેમકુશળ જોડાયેલું રહે.” બસ, તે દિવસ છે અને આજનો દિવસ છે. આ વાત હંમેશા ખોટો ખર્ચ કરતી વખતે પહેલા મન પાસે જાય છે, અને બુદ્ધિ તેની નિર્ણય આપે છે.

રોજની સ્વ:શોધને અંતે હું પાછો ફરું. એ દિવસની વાત લખું. આ મારા માટે સાધના બની ચુકી છે. આંગળીઓ અચાનક જ કી-બોર્ડ પર ફરવા લાગે છે. કોઈ દોસ્ત સાથે વાત થાય છે. કોઈને કહેવું છે, ‘તું મારી ગર્લફ્રેન્ડ છો’..! પરંતુ, ઘણી વાર એ કહેવું છૂટી ગયું છે, જાય છે અને જશે. એક અલગ જ સંવેદનાનો ટંકારવ રોજ થાય છે. આંખ સુધી ડૂમો ભરાય છે, આંસુના રૂપમાં વહે એ પહેલા રોકી લઉં છું. હંમેશા એ દબદબો આજ દિન સુધી મળેલા પ્રેમને લીધે જ છે. દુનિયાના સૌથી સારા માતા-પિતા મળવા એ જીવનની સફળતાનો એક તૃતિયાંશ ભાગ છે. એમને લીધે બાળક સારું ભણતર પ્રાપ્ત કરે તે પણ સરખો હિસ્સો ધરાવે છે. છેલ્લું રહે છે, પાછલા જન્મનું ફળ. જે કદાચ મારે ભોગવવાનું રહી ગયું હોય એવું લાગે છે, જેથી આજે ય હું મોજમાં જ છું.

જીવનની સઘળી તીવ્ર, કોમળ અનુભૂતિઓને છેલ્લી વાર પોતાના હૃદયરૂપી કોથળામાં સમેટીને માત્ર પ્રેમનો રાગ લઈને ઘરે જતો એ બાપ ખરેખર આદરને પાત્ર છે. ભલે એ તેમનું કર્મ છે, પરંતુ તેને સારી રીતે માત્ર ને માત્ર પોતાના જીવન સાથે જોડાયેલ બે-ચાર ધબકતા હૈયા માટે કરે છે. એ બાપને પોતાની ઇચ્છાઓ ઘણી છે, પરંતુ દરેક ઈચ્છાને બીજાની અપેક્ષાઓ પૂરી કરવાના હેતુસર જેમ પહાડીની ઉંચાઈએથી ધસમસતા ઝરણાને મળેલ ઉદ્દામ વેગને લીધે ઝરણું બન્યા હોવા છતાં, તે મહામરુસ્થલમાં જ વિલીન થાય છે. આ જીવનસંગીતનો સૂર અને લય માત્ર મોહ પમાડે છે. એ દરેકનો ચહેરો જાણે અનંત સ્વપ્નોના સારતત્વ જેવો જણાય છે. દુનિયામાં જોયેલા બીજા હજારો ચહેરાને તો આડે આવરણ હતા, પરંતુ આમાં કંઇક નિ:સ્વાર્થતા ટપકતી હતી.

ક્યારેક હૃદયમાં ધરતીકંપ થાય, મૂળિયાં હચમચી ઉઠે અને સમતોલન પોતાની સમતુલિતતા ગુમાવે. પરંતુ, તે સાહજિક છે. જે સાબિત કરે છે માણસ નોર્મલ છે. સૂફિયાણી અને મોટીવેશનલ વાતો નહિ, વર્તમાનને વળગવું જરૂરી છે. ભૂતકાળ ભવ્ય જ છે, જે વર્તમાનને સીધી અસર કરે છે. જે ભવિષ્યની સીધી જ પ્રસ્તુતિ આપે છે. હાસ્તો, સુખને પણ દુઃખની જેમ સહન કરવું પડે છે. બીજાને આપની રજમાત્ર પણ પડી નથી હોતી. આજે, મોજની દુનિયા છું તેનું કારણ તકલીફ મને આજ સુધી સમજી નથી. આનંદના શ્વેત-સોનેરી રંગ પર મોજની ચાંદની પથરાતી રહે છે. બસ, પીવું છે. ભવિષ્યના ભય અને ભૂતકાળની પીડાઓને. વર્તમાનની વર્તણૂંક ઓળખીને તેને વળગી રહેવું છે. ભગવાન, કદી પણ અભિમાનનો છાંટો ના ઉડે...! હંમેશા જે લાગણી વહી શકતી નથી તેને ઢળવા માટે પાત્ર રાખવું પડે છે. ક્રિએટીવ પાત્ર. સંગીત, લેખન, ચિત્ર, વિજ્ઞાનનું. જે મને માત્ર ‘કલમ’ અને ‘કેમેરા’માં જ મળે છે. (૨૩ ડિસેમ્બર, ૨૦૧૫. સાંજના ૮:૩૦)