મહાભારતની અજાણી વાતો MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહાભારતની અજાણી વાતો

મહાભારતની અજાણી વાતો

અનુવાદ

સિદ્ધાર્થ છાયા

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુકમ

૧.મહાભારતની અજાણી વાતો

૨.કૃષ્ણએ પાંડવોને કેવીરીતે બચાવ્યા?

૩.બર્બરિકની વાર્તા

૪.શકુનીની વાર્તા

૫.યક્ષ અને યુધિષ્ઠિર ની વાર્તા

૧. મહાભારતની અજાણી વાતો

મહાભારત વેદવ્યાસે લખ્યું છે :-

ઘણા લોકો એવું માને છે કે મહાભારત વેદવ્યાસે લખ્યું છે. પરંતુ આ પૂર્ણ હકીકત નથી. આનું કારણ એ છે કે વેદવ્યાસ એ કોઈ નામ નથી પરંતુ જે વ્યક્તિને વેદોનું સંપૂર્ણ જ્ઞાન હોય એ તમામ વ્યક્તિઓને એક સમયે ‘વેદવ્યાસ’ ની પદવી આપવામાં આવતી હતી. કૃષ્ણદ્વીપાયન પહેલાં કુલ ૨૭ વેદવ્યાસો થઇ ચુક્યા હતા અને કૃષ્ણદ્વીપાયન કે જે ૨૮માં વેદવ્યાસ હતાં એમણે મહાભારત લખ્યું હતું. કૃષ્ણદ્વીપાયનનું નામ એમની ત્વચાનાં રંગ ઉપરથી કે જે ભગવાન કૃષ્ણની શ્યામરંગી ત્વચા સાથે મેળ ખાતો હતો તેનાં પરથી તેમજ તેઓ એક દ્વીપ એટલેકે ટાપુ ઉપર જન્મ્યા હતા એ બે હકીકતો પરથી પાડવામાં આવ્યું હતું.

દુનિયામાં ફક્ત એકજ ગીતા છે :-

એક જાણીતું સત્ય છે કે આ દુનિયામાં ફક્ત એકજ ભગવત ગીતા છે કે જે શ્રી કૃષ્ણ દ્વારા કહેવાઈ છે. જો કે આ બાબત સત્ય જ છે કે ‘ભગવત ગીતા’ એ એકજ પૂર્ણ અને પવિત્ર ગીતા છે, પણ એક અન્ય બાબત પણ એટલીજ સત્ય છે કે દુનિયામાં બીજી અન્ય ૧૦ ગીતાઓ પણ છે. વ્યધ ગીતા, અષ્ટાવક્ર ગીતા અને પરાશર ગીતા આ ૧૦ ગીતાઓમાં શામેલ છે.

દુર્યોધનનું દ્રૌપદીને પોતાની ડાબી જાંઘ પર બેસાડવાનું કહેવું :-

મહાભારતમાં એક દ્રશ્યનું વર્ણન આવે છે કે પાસાંની રમત હાર્યા બાદ યુધિષ્ઠિરને દુર્યોધન પોતાની ડાબી જાંઘ ઉપર બેસાડવાનું કહે છે. અને આ કારણેજ દુર્યોધનને ખલનાયક ચિતરવામાં આવ્યો છે. પણ દુર્યોધનનું આમ કહેવું એ અલબત પરિવારનાં એક સભ્યનું એટલેકે દ્રૌપદીનું અપમાનજ હતું પરંતુ એ સમયમાં માત્ર પુત્રીઓને જમણી જાંઘ ઉપર બેસાડવાનો નિયમ હતો અને એ સિવાયની કોઇપણ સ્ત્રી, પત્ની સહિતને માત્ર ડાબી જાંઘ ઉપરજ બેસાડી શકાતી.

મહાભારત ધર્મની વ્યાખ્યા નથી કરતું :-

એક સામાન્ય માન્યતા છે કે મહાભારત આપણને ધર્મ શીખવે છે. એક એવી માન્યતા પણ છે કે મહાભારત સત્ય અને અસત્યની વાત પણ કરે છે. જો કે આખાયે મહાભારતમાં એવું કોઇપણ દ્રષ્ટાંત નથી મળતું કે જેમાં સત્ય અને અસત્યની વ્યાખ્યા કરવામાં આવી હોય. મહાભારતનું દરેક પાત્ર એની આસપાસની પરિસ્થિતિ મુજબ જ વર્તન કરે છે.

મહાભારતકાળમાં જ્યોતિષીઓ રાશીઓ પર આધાર નહોતાં રાખતાં :-

મહાભારતના સમયમાં સુર્યરાશીઓથી ભાગ્ય નક્કી કરતી પ્રથાનું અસ્તિત્વ જ ન હતું. તે સમયનાં જ્યોતિષીઓ ભવિષ્યવાણી કરવા માટે નક્ષત્રો પર આધાર રાખતાં હતાં. આ ઉપરાંત એ સમયમાં અશ્વિની નહીં પરંતુ રોહિણી નક્ષત્ર સહુથી પહેલાં સ્થાને આવતું હતું. સમય વીતતા જ્યોતિષીઓ વ્યક્તિની સુર્ય અને ચંદ્રરાશીઓ જોઇને એમનું ભવિષ્ય ભાખતાં થયા.

પાસાંની રમતમાં વપરાયેલા પાસાંમાં ફક્ત ચાર બાજુઓ જ હતી :-

જે પાસાંની રમતમાં શકુનિએ પાંડવોને હરાવ્યાં હતા એ પાસાંની માત્ર ચાર બાજુઓ જ હતી. સામાન્યરીતે આપણને છ બાજુ વાળા પાસાંનો જ ખ્યાલ છે પરંતુ મહાભારતમાં એક માન્યતા મુજબ ચાર બાજુવાળાં પાસાઓનો જ ઉપયોગ થયો હતો. જો કે મહાભારતમાં આ બાબતે કોઈ પ્રસંગ આવતો નથી અને એ ઉપરાંત આ પાસાં કઈ ધાતુથી બનેલા હતા એના વિષે પણ કોઈ માહિતી મળતી નથી પણ એક ધારણા મુજબ આ પાસાં શકુનિનાં પિતા સુબલની કરોડરજ્જુનાં હાડકાથી બન્યા હતાં.

બ્રહ્માસ્ત્ર મંત્રોથી બનેલું હતું :-

એક માન્યતા મુજબ બ્રહ્માસ્ત્ર દેવોનું શસ્ત્ર છે અને એ વર્ષોની કઠોર તપસ્યા બાદજ કોઈને મળી શકે છે. આ વાત સંપૂર્ણ સત્ય નથી. કેટલાંક બ્રહ્માસ્ત્રો શસ્ત્ર હોવાને કારણે દ્રશ્યમાન હતાં જયારે કેટલાંક બ્રહ્માસ્ત્રો માત્ર મંત્રથી બનેલાં હોવાથી અદ્રશ્ય હતાં. જેમકે યુદ્ધમાં વપરાતાં ઘણા રથોના પૈડાં એ બીજું કશું નહીં પણ મંત્રો દ્વારા બનાવેલા બ્રહ્માસ્ત્રો જ હતા.

મહાભારતનાં યુદ્ધમાં વિદેશીઓ પણ શામેલ હતાં : -

મહાભારતના યુદ્ધમાં વિદેશીઓ પણ શામેલ હતા. મહાભારતનું યુદ્ધ માત્ર કૌરવો અને પાંડવો પુરતુંજ સીમીત નહોતું, એમાં રોમન અને ગ્રીક યોદ્ધાઓએ પણ ભાગ લીધો હતો.

અભિમન્યુ દુઃશાસનનાં હાથે હણાયો હતો :-

અભિમન્યુ કૌરવો દ્વારા રચાયેલા સાત મહારથીઓના ચક્રવ્યૂહમાં હણાયો હતો એ વાત પૂર્ણ સત્ય નથી. ખરેખરતો અભિમન્યુએ કૌરવોના એક પછી એક સાત મહારથીઓને હણ્યા હતા આથી ગુસ્સે થયેલા દુઃશાસને અભિમન્યુની હત્યા કરી હતી.

૨. કૃષ્ણએ પાંડવોને કેવીરીતે બચાવ્યા?

પૃષ્ઠભુમીઃ

વનવાસ દરમ્યાન પાંડવો વનનાં એક સુંદર તળાવનાં કિનારે રહેતાં હતાં. પાંડવોમાં ઈર્ષ્યાનું બીજારોપણ કરવા માટે દુર્યોધન, દુઃશાસન અને કર્ણએ એ તળાવના બરોબર સામેનાં કિનારે પોતાનાં ચાકરો અને વિપુલ પ્રમાણમાં ભોજન અને ખાનપાનની અન્ય સામગ્રી લઈને પોતાનો તંબુ તાણ્યો હતો.

જો કે પાંડવોએ દુર્યોધનના આ કૃત્યો તરફ કોઈજ ધ્યાન આપ્યું નહીં. પરંતુ, એજ સમયે કેટલાંક ગાંધર્વો ત્યાં આવ્યાં અને એ તળાવમાં એમણે ક્રીડાઓ કરવાનું શરુ કર્યું. ગાંધર્વોની આ હરકત થી વ્યગ્ર થઇને દુર્યોધન વધુ રોષે ભરાયો અને તળાવમાં ક્રીડા કરી રહેલા ગાંધર્વો સાથે એણે બિનજરૂરી દલીલો શરુ કરી દીધી જે આખરે એક નાનકડી લડાઈમાં પરિણમી.

એ સમયની માન્યતાઓ મુજબ ગાંધર્વો એ ‘સ્વર્ગના રાજાઓ’ તરીકે ઓળખાતા અને જેમના લગ્ન માત્ર સ્વર્ગની અપ્સરાઓ સાથે જ થતા. ‘‘જો તમે શક્તિશાળી રાજા હોવ અને તમારી પાસે શક્તિશાળી સેના હોય તો પણ તમારે ક્યારેય ગાંધર્વો સાથે લડાઈ કરવાની મૂર્ખતા ન કરવી જોઈએ’’ એવું પણ એ સમયે કહેવાતું.

આથી, દુર્યોધનનાં વ્યવહારથી રોષિત થયેલા ગાંધર્વોએ દુર્યોધન અને દુઃશાસન ને પકડીને બાંધી દીધા. આ ઉપરાંત એમનાં તમામ અંગરક્ષકોને પણ મોતને ઘાટ ઉતારી દીધા. આ વખતે કર્ણ સમય પારખીને ત્યાંથી નાસી છૂટ્યો હતો એવી વાત પણ ક્યાંક સાંભળવા મળે છે પણ આ બાબતે કોઈ નક્કર સમર્થન જડતું નથી.

જયારે કૌરવોના એક નાસી છુટેલા અંગરક્ષક દ્વારા પાંડવોને આ બાબતની જાણ થઇ ત્યારે યુધીષ્ઠીર કે જે ધર્મરાજ અને પોતાની સહિષ્ણુ સ્વભાવ માટે જાણીતા હતાં એમણે અર્જુનને દુર્યોધનને ગાંધર્વોની પકડમાંથી છોડાવવાનું કહ્યું. થોડીક આનાકાની પછી અર્જુને દુર્યોધનને છોડાવી પણ લીધો.

હવે, મહાભારતમાં માત્ર શકુનિ સીવાય કોઇપણ અન્ય પાત્રને માત્ર એની દૃષ્ટતા ને ધ્યાનમાં લઈને ચિત્રિત નથી કરાયું, આથી અપમાનિત થયેલા દુર્યોધને પોતાનો જીવ બચાવવાનાં બદલામાં ધન્યવાદ રૂપે અર્જુનને એક વચન માંગવાનું કહ્યું. અર્જુનને એ સમયે કોઈ વચન યાદ ન આવતાં એણે સમય આવે એ વચન માંગી લેશે એવું કહ્યું.

યુદ્ધનો સમય : -

યુદ્ધ દરમ્યાન એકસમયે દુર્યોધનને વિશ્વાસ થઇ ચુક્યો હતો કે કૌરવ સેનાના તે સમયના સેનાપતિ ભીષ્મ પોતાની સઘળી ક્ષમતા સાથે યુદ્ધ નથી કરી રહ્યાં કારણકે તેઓ પાંડવો તરફે કુણી લાગણી ધરાવતાં હતા, આથી એક રાત્રીએ દુર્યોધને ભીષ્મનું આ બાબતે અપમાન કરીને કહ્યું કે તેઓ આમ કરીને પોતાનાં રાજ્યનો દ્રોહ કરી રહ્યાં છે.

પોતાનાં પર લાગેલા આ આળથી ક્રોધિત થયેલા ભીષ્મએ મંત્રોચ્ચાર કરીને હવામાંથી પાંચ તીર પેદા કર્યા અને એમણે દુર્યોધનને કીધું કે આવતીકાલે તેઓ આ પાંચ તીરોથી જ પાંચેય પાંડવો ને હણશે. પણ કાયમની જેમ ભીષ્મની વાતનો અવિશ્વાસ કરતાં દુર્યોધને આ પાંચેય તીરો પોતાનાં કબ્જામાં લઇ લીધાં.

આ તરફ કૃષ્ણને એ બાબતનો બરોબર ખ્યાલ હતો કે ભીષ્મને ક્યારેય પણ પાંડવોને મારવા નહોતા માંગતા અને પાંડવો આજે જો જીવિત છે તો એ ભીષ્મના એમનાં પ્રત્યેના પ્રેમને લીધે જ છે. એટલે જયારે ગુપ્તચરોની બાતમીને આધારે જયારે કૃષ્ણને આ પાંચ તિલસ્મી તીરો વિષે જાણકારી મળી ત્યારે એમણે અર્જુનને પેલા દુર્યોધને આપેલાં વચનની યાદ અપાવી જે તેણે પોતાને ગાંધર્વોની પકડમાંથી છોડાવવા ઉપરાંત અર્જુનને આપ્યું હતું.

સુર્યાસ્ત પછી યુદ્ધવિરામ અમલી હોવાથી અર્જુન તરતજ દુર્યોધનની છાવણીમાં ગયો અને એને પોતાનું વચન યાદ દેવડાવીને દુર્યોધન પાસેથી પેલા ભીષ્મવાળા પાંચ તીરો માંગી લીધાં. અર્જુનના આમ અચાનક પોતાનાં વચનની પૂર્તિ કરવાની માંગણીથી આઘાત પામેલા દુર્યોધન પાસે અન્ય કોઈ રસ્તો ન હોવાથી તેણે આ પાંચેય તીરો અર્જુનને આપી દીધાં.

અર્જુનના જવા બાદ તરતજ દુર્યોધન પાછો ભીષ્મ પાસે ગયો અને અર્જુનવાળી વાત કરીને એમને બીજાં પાંચ તીરો લાવવાનું કહ્યું. આશ્ચર્યચકિત થયેલાં ભીષ્મએ દુર્યોધનને જણાવ્યું કે એમણે એમની જિંદગીની તમામ તપસ્યા વાપરીને પેલા તીરો માત્ર મંત્રોચારનાં ઉપયોગથી પેદા કર્યા હતા અને હવે એ તપસ્યા સંપૂર્ણપણે વપરાઈ ગઈ હોવાથી એ ફરીથી આવો કોઇપણ ચમત્કાર નહીં કરી શકે. અને આમ દુર્યોધનની યુદ્ધ જીતવાની રહીસહી આશા પર પાણી ફરી વળ્યું અને આમ કૃષ્ણએ પાંડવોનો જીવ પણ બચાવી લીધો.

૩. બર્બરિકની વાર્તા

બર્બરિક ભીમનો પૌત્ર અને ઘટોત્કચનો પુત્ર હતો. બર્બરિકની ઓળખાણ એક એવાં વીર યોદ્ધા તરીકે થતી હતી જેણે યુદ્ધની તાલીમ પોતાની માતા પાસેથી લીધી હતી. ભગવાન શિવ પણ બર્બરિકની વીરતાથી પ્રભાવિત હતા અને એનાથી ખુશ થઈને એમણે બર્બરિકને ત્રણ ચમત્કારિક બાણ આપ્યા હતા. અગ્નિદેવે બર્બરિકને એક ખાસ ધનુષ્ય પણ આપ્યું હતું.

એવું કહેવાય છે કે બર્બરિક એટલો શક્તિશાળી હતો કે જો એ મહાભારતનાં યુદ્ધમાં જોડાયો હોત તો એણે એકલાએ મહાભારતનું એ યુદ્ધ માત્ર એક મીનીટમાં જ પૂર્ણ કરી દીધું હોત. પણ એવું ન બની શક્યું અને આમ થવા પાછળની વાર્તા આ મુજબ છે.

મહાભારતનાં યુદ્ધની શરૂઆત પહેલાં ભગવાન શ્રીકૃષ્ણએ તમામ યોધ્ધાઓને એક સવાલ કર્યો હતો કે તેમનાં મતે આ યુદ્ધ જો તેઓ એકલા લડે તો કેટલા સમયમાં પૂરું થઈ શકે છે? ભીષ્મએ જવાબ આપ્યો કે એમને ૨૦ દિવસ લાગશે, દ્રોણાચાર્યએ કીધું કે એમને ૨૫ દિવસ લાગશે, કર્ણનો જવાબ હતો ૨૪ દિવસ અને અર્જુનનાં મતે એને ૨૮ દિવસ લાગશે આ યુદ્ધ પૂરું કરતાં.

આ બાજુ બર્બરિકને પણ મહાભારતનું યુદ્ધ જોવાની અદમ્ય ઈચ્છા હતી એટલે એણે પોતાની માતા સમક્ષ આ યુદ્ધ જોવા જવા દેવા પોતાને પરવાનગી આપવાનું કહ્યું. બર્બરિકની માતા તરતજ તૈયાર થઇ ગઈ અને યુદ્ધ જોવા માટે પરવાનગી પણ આપી દીધી, પણ સાથેસાથે એણે બર્બરિકને એક સવાલ પણ કર્યો કે જો કોઈ તાતી જરૂર પડે અને બર્બરિકને પોતાને જો આ યુદ્ધ માં શામેલ થવું પડે તો એ કોના પક્ષે લડશે? બર્બરિકે આનો જવાબ આપતાં એમ કહ્યું કે એ સમયે જે પક્ષ યુદ્ધમાં એને નબળો લાગતો હશે એ પક્ષની તરફેણમાં એ યુદ્ધ લડશે. આમ કહીને બર્બરિક મહાભારતના યુદ્ધ મેદાન તરફ ઉપડી ગયો.

કૃષ્ણને બર્બરિક અને એની શક્તિ વિષે ખ્યાલ હતો અને એમને બર્બરિકની આ ક્ષમતાનો પરિચય પણ લેવો હતો આથી યુદ્ધ જોવા નીકળેલા બર્બરિક સમક્ષ રસ્તામાં જ શ્રીકૃષ્ણ એક બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યાં અને એને પણ પેલોજ સવાલ પૂછ્યો જે એમણે મહાભારતના મહાન યોદ્ધાઓને પૂછ્યો હતો, કે ‘એનાં મતે જો એ એકલો આ યુદ્ધ લડે તો એ યુદ્ધ એ કેટલા સમયમાં પૂર્ણ કરી શકે?’ આ સવાલના જવાબમાં બર્બરિકે માત્ર એટલુંજ કહ્યું કે ‘ફક્ત એકજ મિનીટ (ક્ષણ)’. કૃષ્ણને બર્બરિકનાં આ જવાબથી જેટલું આશ્ચર્ય ન થયું એટલું એ વાતથી થયું કે બર્બરિક માત્ર ત્રણ જ બાણ અને એક ધનુષ્ય લઈને લડવા નીકળ્યો છે અને તેમ છતાંય એ આ યુદ્ધ માત્ર એક જ ક્ષણમાં પતાવી દેવાની વાત કરે છે! કૃષ્ણની શંકાનું સમાધાન કરવા બર્બરિકે આ ત્રણ બાણોની શક્તિ વિષે એમને મુદ્દાસર સમજાવ્યું.

પહેલું બાણ બર્બરિકને જેનો વિનાશ કરવાનો હોય એને ઓળખી લેવા માટે હતું.

બીજું બાણ બર્બરિકને જેને બચાવી લેવા હોય એને ઓળખી લેવા માટે હતું.

ત્રીજું બાણ બર્બરિકે પહેલાં બાણથી જેને વિનાશ માટે પસંદ કર્યા હતાં એમને મારી નાખવા માટે હતું.

કાર્ય પૂર્ણ થયાં બાદ આ ત્રણેય બાણો પોતાની જગ્યાએ પરત આવી જશે.

કૃષ્ણને હજીપણ આ શક્તિની પરીક્ષા કરવાની ઈચ્છા થઇ એટલે એમણે બર્બરિકને આ ત્રણેય બાણ એ જે વૃક્ષની નીચે ઉભો હતો એની ઉપર તાંકવાનું કહ્યું. બર્બરિક આમ કરવા માટે મંત્રોચ્ચાર કરવા લાગ્યો. આ દરમ્યાન કૃષ્ણએ પેલા વૃક્ષનું એક પાંદડું બર્બરિકની જાણ બહાર તોડી અને પોતાનાં એક પગનીચે મૂકી દીધું. મંત્રોચ્ચાર સમાપ્ત કરીને જયારે બર્બરિકે પહેલું બાણ વૃક્ષના તમામ પાંદડાઓને ઓળખવા માટે છોડ્યું ત્યારે એ બાણ વૃક્ષના તમામ પાંદડાઓને ઓળખ્યા બાદ શ્રીકૃષ્ણનાં પગની આસપાસ ફરવા લાગ્યું. કૃષ્ણએ બર્બરિકને જયારે આમ થવા પાછળનું કારણ પૂછ્યું ત્યારે બર્બરિકે જવાબ આપ્યો કે આ વૃક્ષનું એક પાંદડું જરૂર એમનાં પગ નીચે દબાયેલું હશે અને આથી બર્બરિકે કૃષ્ણને પોતાનો પગ ઉપાડવાનું કહ્યું. કૃષ્ણનાં આમ કરવા બાદ તરતજ પેલાં બાણે પેલા પાંદડાને ઓળખવાનું કાર્ય એની આસપાસ ફરીને પૂરું કર્યું.

કૃષ્ણને બર્બરિકની આ અસાધારણ તાકાતથી ડર લાગ્યો. એમને એ બાબતનો ખ્યાલ પણ આવ્યો કે આ ત્રણેય બાણ કદાપી નિષ્ફળ નહી જાય અને જો યુદ્ધમાં એકસમયે જો એમને પાંડવોને બર્બરિકની આ શક્તિથી બચાવવા માટે એમને ક્યાંક છુપાવવાનો વખત આવશે તો પણ તેઓ પાંડવોને બચાવી નહીં શકે કારણકે આ બાણોની બર્બરિકની ઈચ્છા પૂરી કરીને જ રહે છે.

આમ વિચાર્યા બાદ કૃષ્ણએ તરતજ બર્બરિકને સવાલ કર્યો કે એ યુદ્ધમાં કયા પક્ષે લડવા વિચારી રહ્યો છે? બર્બરિકે તરતજ જવાબ આપ્યો કે કૌરવોની સેના પાંડવોની સેના કરતાં વધુ મોટી અને મજબુત છે આથી એણે પોતાની માતાને આપેલાં વચન અનુસાર એ પાંડવપક્ષે જ લડશે. પણ બ્રાહ્મણનાં વેશમાં રહેલા કૃષ્ણએ બર્બરિકને એણે એની માતાને આપેલાં વચનના વિરોધાભાસને સમજાવ્યો. કૃષ્ણએ બર્બરિકને કીધું કે જો બર્બરિક કોઈ નબળા પક્ષે લડશે તો એને મળેલા ત્રણ બાણોની શક્તિને લીધે સામો પક્ષ નબળો પડી જશે અને છેવટે આ યુદ્ધમાં બર્બરિક સિવાય કોઈ બચશે જ નહીં તો પછી એ પોતાની માતાને આપેલું વચન કેવી રીતે પૂર્ણ કરી શકશે? પોતાની વાતનાં અંતમાં કૃષ્ણ બર્બરિક પાસે દાનમાં એનું માથું માંગી લે છે.

બર્બરિકનાં માથાનું દાન માંગ્યા પછી શ્રીકૃષ્ણ બર્બરિકને સમજાવ્યું કે હંમેશા યુદ્ધના સહુથી વીર ક્ષત્રીયએ પોતાનાં મસ્તકનું બલિદાન આપવું જરૂરી છે અને તોજ તે મહાન યોદ્ધા તરીકે સ્વીકારાય છે અને પોતાનાં મતે આજના કાળમાં બર્બરિક સિવાય બીજો કોઈજ વીર ક્ષત્રીય નથી.

પોતાનાં મસ્તકનું દાન કરતાં પહેલાં બર્બરિક યુદ્ધ જોવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે જેને કૃષ્ણ સ્વીકારે છે અને એનું મસ્તક એક ઉંચી ટેકરી ઉપર મૂકી દે છે. યુદ્ધ સમાપ્ત થયા પછી જયારે પાંડવો એ બાબતની ચર્ચા કરતાં હોય છે કે આ યુદ્ધમાં સહુથી મહાન યોધ્ધા એમનામાંથી કોણ હતું ત્યારે કૃષ્ણએ આ બાબતનો નિર્ણય બર્બરિકનાં મસ્તક પર છોડી દીધો અને બર્બરિકનાં મસ્તકે પોતાનાં નિર્ણયમાં એમ જણાવ્યું કે આ યુદ્ધનો જો કોઈ સહુથી મોટો યોદ્ધા હોય તો એ માત્ર કૃષ્ણ જ છે કારણકે એમની સલાહ, એમની વ્યૂહરચના અને એમની હાજરી જ યુદ્ધમાં પાંડવોની જીત માટે નિર્ણાયક બની રહી હતી.

૪. શકુનીની વાર્તા

મહાભારતના યુદ્ધનાં મુખ્ય કાવત્રાખોર તરીકે શકુનીનું નામ જનમાનસ પર કાયમ માટે સ્થપાયેલું છે.

ધ્રુતરાષ્ટ્‌ર ડાહ્યો પણ અંધ રાજા હતો અને ગાંધારી એની વફાદાર પત્ની હતી જેણે ધ્રુતરાષ્ટ્‌રની અંધતાને લીધે પોતાની આંખો પર પણ કાયમ માટે પાટો બાંધી લીધો હતો કારણકે એનું એવું માનવું હતું કે જે દુનિયાને એનો પતિ નથી જોઈ શકતો એને જોવાનો એને પણ કોઈજ અધિકાર નથી. ગાંધારીની જન્મકુંડળીમાં એમ લખેલું હતું કે એનો પહેલો પતિ એના લગ્ન પછી તરતજ મૃત્યુ પામશે એટલે ગાંધારીનાં પહેલાં લગ્ન એક બકરા સાથે કરવામાં આવ્યાં હતા. આ રહસ્ય ફક્ત ગાંધારનાં રાજપરિવારને જ ખબર હતું જ્યાં ગાંધારી જન્મી હતી. લગ્નના અમુક વર્ષો બાદ ધ્રુતરાષ્ટ્‌રને આ રહસ્ય વિષે ખબર પડતાંજ તેણે સંપૂર્ણ ગાંધાર રાજકુટુંબને રાજા સુબલ સહીત કેદ કરાવી લીધું હતું અને એમની સાથે ધ્રુતરાષ્ટ્‌રનાં તમામ ૧૦૦ પુત્રોએ ખરાબ વર્તણુક કરી હતી.

કેદમાં આ રાજપરિવારના તમામ સભ્યોને રોજ મુઠ્ઠીભર ચોખા જ ખાવા મળતાં. જેમજેમ દિવસો પસાર થતાં ગયાં એમએમ આ કુટુંબનાં સભ્યો ભૂખને કારણે એક પછી એક મૃત્યુ પામવા લાગ્યાં.મહારાજ સુલભને ખ્યાલ આવી ગયો હતો કે એના પરિવારના સભ્યોની હવે આ જ નિયતિ છે. સુલભનો ધ્રુતરાષ્ટ્‌ર પ્રત્યેનો ગુસ્સો હવે સાતમાં આસમાને પહોંચી ગયો હતો અને એ ધ્રુતરાષ્ટ્‌ર સામે બદલો લેવા માંગતા હતાં. આથી એમણે કેદમાં જીવિત બચેલા એમનાં પરિવારના તમામ સભ્યોને કહ્યું કે હવેથી તેઓ એમને મળતાં ચોખાનો ભાગ પરિવારના કોઈ એક સભ્યને આપી દે જેથી કરીને એ શક્તિશાળી બને અને ધ્રુતરાષ્ટ્‌રની પડતીનું કારણ બને. આ માટે એમણે પોતાનાં સહુથી નાના અને ચતુર પુત્ર શકુનિની પસંદગી કરી અને ગાંધારના રાજપરિવારનાં તમામ સભ્યો રોજ પોતાનાં ભાગના ચોખા શકુનિને આપવા લાગ્યા અને શકુનિની નજર સામે એના ભાઈઓ અને પિતાનું ભૂખને કારણે મૃત્યુ થયું.

પોતાનો અંત નજીક છે એવું લાગતાં સુબલે ધ્રુતરાષ્ટ્‌રને કારાગારમાં બોલાવ્યો અને એને વિનંતી કરી કે શકુનિની ઉંમરનો વિચાર કરીને એની બાકીની સજા તે માફ કરે અને બદલામાં શકુનિ કાયમ એના તમામ સંતાનોનાં પાલક અથવાતો રક્ષક બનીને રહેશે એવું વચન પણ આપ્યું. ધ્રુતરાષ્ટ્‌રને અંતે પોતાનાં શ્વસુર પ્રત્યે દયાભાવ જાગ્યો અને સુબલની આ વિનંતીનો એણે સ્વીકાર કર્યો. ધ્રુતરાષ્ટ્‌રની સંમતી મળતાંજ સુબલે પોતાનાં અંતિમ શ્વાસ લીધાં. મરતાં પહેલાં સુબલે શકુનિને પોતાની કરોડરજ્જુનાં હાડકાં માંથી ચમત્કારી પાસાં બનાવવાનું કહ્યું અને એને વરદાન આપ્યું કે આ પાસાં શકુનિની ઈચ્છા પ્રમાણેજ કાયમ કામ કરશે અને છેવટે આ જ પાસાં ધ્રુતરાષ્ટ્‌ર અને એનાં વંશના નાશનું કારણ બન્યાં. મરતાં પહેલાં સુબલે પોતાને હાથેજ શકુનિનો પગ પણ ભાંગી નાખ્યો હતો જેથી શકુનિને આજીવન પોતાનાં પરિવારને થયેલો અન્યાય યાદ રહે અને એ બદલાની ભાવનાથી અંદરને અંદર સળગતો રહે.

એક તરફ પિતાએ આપેલાં વચનનું પાલન કરતાં શકુનિ આજીવન કૌરવોનો પાલક અથવાતો રક્ષક બની રહ્યો અને આમ કરીને એણે ધ્રુતરાષ્ટ્‌રનાં તમામ સો બાળકોનો વિશ્વાસ પણ સંપાદન કર્યો અને એમને પોતાની કુટિલ બુદ્ધિથી દોરવણી આપવા લાગ્યો. કુરુક્ષેત્રનાં યુદ્ધ માટે શકુનિજ જવાબદાર હતો જેના માટે એણે દુર્યોધનને પાંડવો વિરુદ્ધ પૂરતાં પ્રમાણમાં ઉશ્કેર્યો હતો અને છેવટે પાંડવોએ ધ્રુતરાષ્ટ્‌રનાં વંશનો નાશ કર્યો હતો જે શકુનિનાં પિતાની આખરી ઈચ્છા હતી.

૫. યક્ષ અને યુધિષ્ઠિર ની વાર્તા

વનવાસ દરમ્યાન રોજિંદી કામગીરી મુજબ પાંડવો જંગલમાં આવેલા નજીકનાં સરોવરમાં થી રોજ સવારે પાણી ભરી લાવતાં. એકવાર જયારે નકુળ આ સરોવર પાસે પહોંચ્યો ત્યારે તેણે એક યક્ષનો અવાજ સાંભળ્યો જેણે નકુળને એમ કહ્યું કે તે આ સરોવરનો માલિક છે અને જ્યાં સુધી નકુળ એનાં સવાલોનાં સાચાં જવાબ નહીં આપે ત્યાંસુધી તે આ સરોવરનું પાણી નહીં પી શકે. જો નકુળ તેની આજ્ઞાનું પાલન નહીં કરે અને પાણી પીશે તો તે તરતજ મૃત્યુ પામશે.

નકુળને એમ લાગ્યું કે કોઈક એની સાથે મજાક કરી રહ્યું છે આથી તે સરોવર તરફ આગળ વધ્યો અને એમાંથી પાણી પણ પીધું અને તરતજ એ મૃત્યુ પામ્યો. આ પ્રમાણે સહદેવ સાથે પણ એમજ થયું.

જયારે અર્જુન સરોવર પાસે પહોંચ્યો અને નકુળ અને સહદેવને આ રીતે બેભાન પડેલાં જોયા ત્યારે એને લાગ્યું કે આ કાર્ય કોઈ ગાંધર્વનું લાગે છે. પરંતુ જયારે તેને પણ યક્ષનો અવાજ સંભળાયો ત્યારે તેને એમ લાગ્યું કે આ કોઈ આસુરી શક્તિ છે આથી તેણે હવામાં આમતેમ કેટલાંય બાણો છોડ્યા પણ એનું કોઈજ પરિણામ ન આવ્યું. આખરે અર્જુને પણ પેલા અવાજ પ્રત્યે ધ્યાન ન આપ્યું અને સરોવરનું પાણી પીધા બાદ એ પણ મૃત્યુ પામ્યો. ભીમે પાણી પીધા પહેલાં પેલા યક્ષને પોતાની સાથે યુદ્ધ કરવાનું કહ્યું પણ તેમ ન થતાં એણે પણ સરોવરનું પાણી પીધું અને એ પણ મરણને શરણ થયો.

લાંબા સમય પછીપણ પોતાનાં ભાઈઓ સરોવરથી પાછાં ન ફરતા ચિંતિત થયેલા યુધિષ્ઠિર સ્વયમ પરિસ્થિતિનો તાગ મેળવવા સરોવર પાસે ગયાં. સરોવરને કિનારે પોતાનાં ચારેય ભાઈઓને મૃત અવસ્થામાં જોઇને યુધિષ્ઠિરને અત્યંત આઘાત લાગ્યો અને તેઓ વિચારવા લાગ્યા કે એવી કઈ તાકાત છે જમણે એમનાં ચારેય ભાઈઓને આ અવસ્થામાં મોકલી દીધા? ત્યાંજ પેલા અવાજે ફરીથી દેખા દીધી અને પોતાનાં ચારેય ભાઈઓથી ઉલટ યુધિષ્ઠિરે યક્ષના પ્રશ્નોના જવાબ આપવાની હા પાડી.

પેલા અવાજે પોતાની ઓળખાણ યક્ષ તરીકે આપી અને પછી સવાલોનો સિલસિલો શરુ કર્યો.

‘‘હવા કરતાં ઝડપી શું છે?’’

‘‘મનુષ્યનું મન’’

‘‘મનુષ્યની કઈ હરકત આશ્ચર્ય પમાડે તેવી છે?’’

‘‘મનુષ્ય જાણે છે કે તેનું મૃત્યુ નિશ્ચિત છે તેમ છતાં તે એ બાબતે સતત ચિંતા કરે છે.’’

યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચેની પ્રશ્નો અને જવાબો ની આ આખીયે શ્રુંખલાને દક્ષીણ ભારતમાં ‘યક્ષપ્રશ્નાલુ’ તરીકે ઓળખવામાં આવે છે. દક્ષીણ ભારતમાં તો આ ‘યક્ષપ્રશ્નાલુ’ ની પરિભાષાને ‘‘એવાં સવાલો કે જેના જવાબો આપવા અઘરા હોય’ ની વ્યાખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે.

છેવટે આ પ્રશ્નાવલીને અંતે ખુશ થયેલાં યક્ષે યુધિષ્ઠિરને એના કોઇપણ એક ભાઈને જીવિત કરવાનું વચન આપ્યું. યુધિષ્ઠિરે એના જવાબમાં નકુળને જીવિત કરવા કહ્યું. આશ્ચર્ય પામેલાં યક્ષે આ બાબતનું કારણ પૂછતાં કહ્યું કે ’’ નકુળ જ કેમ? અર્જુન કે ભીમ કેમ નહી? એ બંને તો નકુળ કરતાં પણ વધુ શક્તિશાળી છે?

આ સવાલના જવાબમાં યુધિષ્ઠિર બોલ્યા....

‘‘મારાં પિતાને બે પત્નીઓ છે, કુંતી અને માદ્રી. કુંતીનો એક પુત્ર એટલેકે હું હજી જીવિત છું એટલે ધર્મ અને ન્યાય એમ કહે છે કે માદ્રીનો એક પુત્ર પણ જીવિત હોવો જોઈએ એટલે હું તમને નકુળને જીવિત કરવાની વિનંતી કરું છું.’’

આ જવાબથી અત્યંત ખુશ થયેલા યક્ષે પોતાની ઓળખાણ યમ તરીકે આપી. યમ જે માત્ર મૃત્યુનાં દેવતા જ નહોતા પરંતુ તેઓ એક રીતે યુધિષ્ઠિરનાં પિતા પણ હતાં કારણકે એમનું ધ્યાન કરવાથી જ કુંતીએ યુધિષ્ઠિરને જન્મ આપ્યો હતો. ખરેખરતો યમરાજ યુધિષ્ઠિરની પરીક્ષા લઇ રહ્યાં હતા કે તેઓ ખરેખર ધર્મનું પાલન કરે છે કે નહીં અને યુધિષ્ઠિરનું તેમની આ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાથી યમરાજે બાકીનાં ચારેય ભાઈઓને ફરીથી જીવિત કરી દીધાં.