Anyamanaskta - 18 Bhavya Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

Anyamanaskta - 18

અન્યમનસ્કતા

પ્રકરણ - ૧૮

લેખક : ભવ્ય રાવલ

ravalbhavya7@gmail.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


લેખકનો પરિચય

ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકાથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ... જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.

ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ / મંતવ્યો પણ લખી ચૂક્યા છે.

લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.

પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.

અન્યમનસ્કતા : પ્રકરણ ૧૮

ગાડી એક ટેકરી જેવા ઊંચા વેરાન સ્થળ પર આવી ઊભી રહી. જ્યાંથી શહેર આખાને આંખોમાં ભરી શકાતું. વિવેક અને યુવતી ગાડીની બહાર આવી. થોડીવાર અશબ્દ રહ્યાં પછી જૂની વાતો, યાદો ખૂલતી ગઈ. બંને વચ્ચે સામાન્ય સંવાદો ચર્ચાતા ગયા.

મુકદ્દરને મુનાસિબ સમજીને ઉપરવાળો ક્યારેક વર્ષોના હિસાબ ક્ષણોમાં કરી નાંખતો હોય છે. સમય થતાં કલ્પના કરતાં વધુ વિચિત્ર અને અકથિત અકસ્માતો અને ઘટના જણાવતાં-જણાવતાં વિવેકનું ગળું ભરાઈ આવ્યું. ઘણુંબધું કહી નાંખવાનું, રડી લેવાનું મન થયું પરંતુ વધુ પડતું બોલી શકાયું નહીં. ભીનાશનું આવરણ રચાઈ ગયું. તેની વાતોમાં પહેલાં જેવો આત્માવિશ્વાસ કે ફિલસૂફી ન હતાં. શબ્દે-શબ્દે તેના ચહેરા પર અલગ ભાવ પ્રગટ થતા હતા. વિવેકને સિગારેટની જગ્યાએ બીડી પીતા જોઈને તેની આર્થિક પરિસ્થિતિનો અંદાજ પેલી યુવતીને આવી ગયો.

વાતચીતમાં અંગતપણું વધતું ગયું. સહાનુભૂતિનો સેતુ રચાયો. સાંજ પડી અજવાળું સૂરજની સાથે સંતાતું ઓછું થતું ગયું. વિવેકે થતી વાતો સાથે સાફપણે કહી આપ્યું.

‘મારે ખુદ માટે એક ફ્રેન્ડ, લાઈફ પાર્ટનર કરતાં મારા બાળક માટે એક માની વધુ જરૂર છે. મારૂં બાળક...’ વિવેકની આંખમાંથી આંસુની એક ધાર વહી યુવતીના હાથ પર પડી.

‘તું... તું... મારા સુખ-દુઃખની સંગિની બનીશ?’

યુવતીને અચાનક જ વિવેકના પ્રસ્તાવ પર શું ઉત્તર આપવો એ જડતો નહોતો. ખામોશ રહ્યા બાદ તેણે વિવેક પાસે થોડો સમય માંગ્યો. પછી બંને અલગ પડયાં ફરી મળવા માટે...

મળવા-ફરવા-ભળવાનું અવારનવાર થતું ગયું...

‘જીવનમાં લગ્નનું એક મહત્ત્વ હોય છે. એટલે જ એ સંસ્કાર કહેવાય છે. સમય રહેતાં પરણી જવું જોઈએ. વિવેક સારો છોકરો છે.’ યુવતીને પોતાને જ પોતાના વિચાર પર શંકાભર્યો સવાલ થયો. ‘છોકરો? ના. પુરૂષ. બે બાળકનો પિતા, એક ડિવોર્સી મેન. જેની જોડે પ્રેમ કરીને એક સ્ત્રીએ જાન ગુમાવી. એક સ્ત્રીએ તેને છૂટાછેડા આપ્યા. એ વ્યક્તિ જોડે મેરેજ કરવા છે? જ્યારે વિવેક સાથે છેલ્લે મુલાકાત થઈ ત્યારે તેનાથી આકર્ષી જવાય તેવું તેનામાં ઘણું હતું અને આજે એને અપનાવી શકાય એવું તેનામાં કશું નથી. છતાં પણ? હા. છતાં પણ. વિવેક દિલદાર છે. બસ એટલું કાફિ છે. ચીટર પણ ચાહક હોય તો લુંટાઈ જવાની મજા છે.’

વિવેક સાથે યુવતીની મુલાકાતો વધતી જતી હતી. ઓળખાણ અંતર ઘટાડીને બંનેને પાસે લઈ આવી. અને આખરે યુવતીએ વિવેકનો પ્રસ્તાવ અપનાવી એક વરસાદી સાંજે કહ્યું, ‘વિધિના આટાપાટા સમજવાનું છોડી દીધાને ઘણો સમય થયો. જે જિંદગીના સામા પ્રવાહે આવ્યું તેને બાહો ફેલાવીને અપનાવી લીધું છે. હું સોનાલી જેટલી સમજદાર, ખંજન જેટલી ઈમાનદાર, તારા જેટલી જવાબદાર કદાચ ન પણ બની શકું. તેમ છતાં તું મારો સારો દોસ્ત છે હું તારી વાત સ્વીકારૂં છું. અને એકબીજાની જરૂરિયાત વિના જીવન શક્ય જ ક્યાં છે? તેથી મારે તારો પૂરતો સાથ જોઈશે.’

વિવેકે કહેવા માંડયુ.

‘ક્યારેક ચડતી જવાનીનું તો ક્યારેક ઊતરતા સૌંદર્યનું નશીલું દૃવ્ય જિંદગીઓને ઉલઝાવી દેવામાં એક નિમિત્ત બની જાય છે. સંબંધોને સહજતાપૂર્વક સમજવાની આવડત દરેકમાં ન હોય. હું કરેલી ભૂલોનું પુનરાવર્તન નહીં થાય તેવું વચન આપું છું. ’

‘નસીબને કોસ્યા કરવાની, લાચારીની વાતો હવે બંધ વિવેક. જ્યાં પ્યાર ત્યાં પરમેશ્વર. મહોબ્બત હોય ત્યાં મુસીબતો ના હોય.’ વિવેક ખરતા તારાની જેમ જીવનમાં આવેલી યુવતીને ભેટી પડયો. તેનાથી નાછૂટકે રડી પડાયું.

જૂનાં સંબંધોની સર્પકાંચળી ઊતારી નવા સંબંધોના પરિવેશને અપનાવ્યા બાદ...

‘હું એક સારી પત્ની ભલે ન બની શકું પરંતુ હા વિવેક.. એક સારી મમ્મી બનવાની બધી જ કોશિશ કરી છૂટીશ. મને મારા ભવિષ્ય કરતાં તારા અને ખાસ તો સોનાલીના સંતાનના કરિયરની ચિંતા છે જે હું બહેતરથી બહેતર બનાવવાના પ્રયત્નો કરીશ. પ્રોમિસ.’

...અને બંને પરણી ગયા.

‘જ્યારે આપણે મળ્યા ત્યારે એકબીજાના દોસ્તના દોસ્ત હતા અને આજે એકમેકના દોસ્તથી પણ વિશેષ પતિ-પત્ની બની ગયા.! દોસ્તી અને દાંપત્યના સંબંધ વચ્ચે પ્રેમનું પગથિયું ચૂકી જવાયું છે જ્યાં હવે પગ માંડીને આપણે એક નવી શરૂઆત કરવાની છે.’

‘પ્રેમ વિશેના મારા ખ્યાલ બદલાયા છે. પ્રેમ કરવાના ઈરાદા કે મનોબળ નહીં.’

વિવેક તે યુવતી, પોતાની પત્નીને પોતાના ઘરે લઈ આવ્યો. મમ્મીની સેવા અને બાળકની દેખભાળ રાખવા. તે સ્ત્રીએ પણ ઘરની બધી જ જવાબદારી ટૂંકાગાળામાં બખૂબી અપનાવી લીધી. વિવેકની પત્ની, દિવ્યની મમ્મી, વિવેકના મમ્મીની વહુ બનીને તેણે અગવડોનું રૂપાંતર સગવડોમાં કર્યું. પોતાના જીવનનાં ધ્યેય જેવી મલ્ટીનેશનલ બિઝનેસ કંપનીમાં પોતાના સ્થાને બેકાર બનેલા વિવેકને નોકરી અપાવી. દર્દની પરાકાષ્ઠાના દિન પસાર થઈ ગયા.

‘કેટલો સ્વીટ, લવલી... ઓહ દિવ્ય, મારો દીકું..’

‘હા.’

‘તોફાની નથી લાગતો તારા જેવો. શાંત છે. જો કેવું ટગરટગર જુએ છે મારી સામે.’

‘હા. શાંત છે.’

‘બેટા હું તારી મમ્મા છું. બોલ તું કોનો દીકરો? મમ્મીનો કે પપ્પાનો? ચોકેટ ખાવી છે? ચકરડીમાં બેસવું છે? ચાલો પપ્પાને કહો જોઈ આપણને બધાને ફરવા લઈ જાય. બાબા જવું છે ને...’

‘હા. લઈ જઈશ.’

પોતાની નવપત્નીને સંતાન દિવ્ય સાથે જોતાં વિવેક અને તેના મમ્મીની આંખ છલકાઈ ઊઠી.

સ્ત્રી વિના જીવી શકાય છે ખરૂં? વિવેકના વિચારોમાં અને જીવનમાં સ્ત્રીનું એક અનોખી અહેમિયત હતી. સ્ત્રી અનિવાર્ય તત્ત્વ બની રહી હતી. નવા શ્વાસની જેમ નિત્ય પેદા થતી રહેતી ઈચ્છાને સંતોષનાર સ્ત્રી છે. શિયાળ જેવા પુરૂષની ફિતરત સિધ્ધિ અને સસલાં જેવી સ્ત્રીની પ્રકૃતિ સત્તા મેળવવા ઈચ્છતી હોય છે. એ સમયે સમર્પણ વિના કશું જ શક્ય નથી.

ભૂતકાળ દફનાવીને વિવેકે આગળ વધતાં રહેવાનું ચાલુ તો રાખ્યું જ હતું અને એ કાર્યમાં હવે તેને તેની જીવનસાથીનો સ્નેહભર્યો સાથ મળ્યો. તેથી જીવનમાં ફરી વિશ્વાસનો મેઘધનુષી રંગ ઉમેરાયો. લાગણીની રંગોળીએ રંગીનીયત પાથરી આપી. રહેણીકરણીમાં હકારાત્મક બદલાવ આવ્યો.

શરૂના દિવસો સુખના દિવસો હોય છે. રવિવારે સવારે તડકો ચડી ગયા પછીની ઊડતી ઊંધ શરીરમાં ફેલાયેલી આળસ બાદ પથારીમાં ચા પીતાં-પીતાં નજરની સામે પત્ની અને પુત્ર રમતા હોય છે. મમ્મી મંદિરે ગયા હોય, ઓફિસનું કોઈ પ્રકારનું કામ નહીં. વિવેકને હજુ પણ મનમાં કઈક કમકમી કે મગજમાં કંઈક ભમભમી રહ્યું હતું.

‘શનિવારની સાંજ અને રવિવારની સવાર વર્તમાન જેટલી જીવંત અને સુખદ લાગી રહી છે તેટલી આજ સુધીની બીજી કોઈ સાંજ કે સવાર લાગી નથી. સોનાલી જોડે પણ નહીં અને ખંજન જોડે પણ નહીં.’ વિવેકના જીવનમાં આવેલી આ યુવતીએ તેની તમામ ઊભરાતી અને શમતી અન્યમનસ્કતા ખંખેરી નાંખી. નવસર્જનના બીજ રોપ્યા. પીંજાયેલા રૂ જેવા વાદળાં હટી ફરી એક ચોમાસું પ્રસરી ગયું.

મિત્રતાના દાવે વિવેકના જીવનમાં આવેલી નવી પત્ની એક એવી અંગત દોસ્ત બની ગઈ હતી જેની સામે વિવેક પોતાનું દિલ ઠાલવીને હળવાશ અનુભવી શકતો હતો. તેના હૂંફાળા આશ્રયમાં અર્થહીન કંઈ પણ બોલી શકતો હતો. તેનું અને તેનાં પરિવારનું સુખી અસ્તિત્વ તે યુવતી પર નિર્ભર હતું.

‘બધું કેટલું ત્વરાથી બદલાઈ જતું હોય છે.

સા.રે.ગ.મ.પ.ધ.ની.સા. મુજબ સૂર-લયમાં, સુખ-દુઃખનાં આરોહ-અવરોહનાં અનુક્રમમાં જિંદગી પ્રાસબદ્ઘ વહેવા લાગી. ન જાણે નિયતિ શું પ્રયોજતી રહે છે. જીવનનાં યોગ-વિયોગ-પ્રયોગનો સમય હવે બદલાયો છે અને સાથે સુધર્યો પણ છે. દિવ્ય હવે બે હાથના ટેકા પર ચાલવાનું શીખી રહ્યો છે. તૂટી-ફૂટી ભાષામાં કાલી-ઘેલી વાતો કરે છે. મમ્મીને જાત્રા કરવા મોકલ્યા છે. સોનાલીની અસ્થિઓ સાબરમતીના પાણીમાં વહેડાવી આપી. હવે સિગારેટ પીવાનું છોડી નાખ્યું છે. જીવનમાં પૈસાની બચતને મંત્ર બનાવ્યો છે. ક્યારેક રાજકોટના ઘરની, પપ્પાની બહુ યાદ આવે છે. એ બધુ જીવંત હોતું તો દુઃખની પણ કેટલી મજા આવતી હોત.’

સવાર હજી ઊઘડી ન હતી, મોડે સુધી જાગીને વિવેકે આથમતી રાતની વહેલી પરોઢે ડાયરી લખવાનું બંધ કર્યું.

‘હજુ સુધી જાગે છે? મારા વિના ઊંઘ આવતી લાગતી નથી.’ વિવેકે બગાસું ખાધું. ‘હું સૂઈ જાઉં. ઊંઘ આવે છે.’

‘દિવ્ય એકાએક રડવા લાગ્યો તો જાગી ગઈ. મને ખબર ન હતી તું લખતો હશે. શું લખે છે?’

‘ઘણાં સમય બાદ ફરીથી નવી ડાયરી લખવાની શરૂઆત કરી.’ વિવેકે ફરી લાંબું બગાસું ખાધું.

‘તમારે સૂઈ જવું છે?’

‘હા, આંખો ઘેરાવા લાગી છે. તારે નથી ઊંઘવું?’

‘મારી તો ગઈકાલની એક વાત જાણ્‌યા બાદ નીંદ જ ભાગી ગઈ છે.’

વિવેક પૂછ્‌યું, ‘કઈ વાત?’

‘એક ઊંધ ઊડી જાય તેવા ખબર આપું?’

‘હા, બોલ.’

‘વિવેક મારા પેટમાં એક જિંદગી પનપી રહી છે. તું પપ્પા અને દિવ્ય ભાઈ બનશે વિવેક... મમ્મીજી બા અને મારા મમ્મી-પપ્પા નાના-નાની બનશે.’

સૂર્યની પહેલી કિરણ આકાશમાં રાતના અંધારાનો પડછાયો હટાવતી જતી હતી. વિવેક એ યુવતીની નજીક ગયો. જીવનમાં ક્યારેય ન અનુભવેલી નિરાંત અને ખુશી એક સાથે વિવેકની આંખોમાં છલકાતી હતી. વિવેકે યુવતીનું કપાળ ચુમ્યું.

‘હા, વિવેક... હું આપણા સંતાનની મમ્મી બનવાની...’ આટલું કહીને સયુરી વિવેકને લપેટાઈ ગઈ.

* સમાપ્ત *