Anyamanaskta - 15 Bhavya Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Anyamanaskta - 15

અન્યમનસ્કતા

પ્રકરણ - ૧૫

લેખક : ભવ્ય રાવલ

ravalbhavya7@gmail.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


લેખકનો પરિચય

ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકાથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ... જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.

ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ / મંતવ્યો પણ લખી ચૂક્યા છે.

લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.

પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.

અન્યમનસ્કતા : પ્રકરણ ૧૫

સોનાલી બાદ વિવેકના નિખાલસ કબૂલનામાંથી સોનાલી પર જાણે આભમાંથી વીજળી તૂટી પડી તેમ તેની માનસિક હાલત રફેદફે થઈ ગઈ. વાદ-વિવાદ, સંવાદ-સંહારે વેદનાના એવા ખડક ધર્યા કે સોનાલી નકરી કોરી વાસ્તવિક્તા પચાવી ન શકી.

બુઘ્ધિશાળી પુરૂષો પ્યાર કરતાં પોલિટીક્સ વધુ રમતાં હોય છે. એ જેટલી સરપ્રાઈઝ આપી શકે એટલાં જ સેડ થવાના કારણો પણ કેમ કે સ્માર્ટનેસ સાબિત કરતાં-કરતાં ક્યારેક પુરૂષો દુનિયા તો જીતી લે છે પરંતુ પોતાનાઓથી હારી જતાં હોય છે. વિવેક પણ કુનેહથી એક સાથે બે સ્ત્રીને પ્યાર આપવાના ચક્કરમાં જાણતાં-અજાણતાં એવી રમત રમી બેઠો છે જેની હાર કે જીત બંનેનો નતીજો ખતરનાક આવવાનો નક્કી હતો.

અકલ્પ્ય બનાવોએ પુણ્‌ય-ન્યાય, પાપ-અન્યાયની સમજ સ્વયં અને સમાજની મર્યાદામાં પરિઘથી બહાર લાવીને રાખી આપી. જે ખૂબ જ કષ્ઠદેહ હતી.

એક વ્યવહારનું વિષચક્ર નિયમિત ફર્યાં કરતું હતુંઃ સીધું અને ઊલટું. વિવેક હતો એ દિવસો, વિવેકના ગયા પછીના આલોક આવ્યાનાં દિવસો, આલોકના ગયા બાદ ફરી વિવેકના આવ્યાંના દિવસો અને હવે ફરી વિવેક-આલોક સાથેના દિવસો અને હવે તે બંને વિનાની જિંદગી? ચાર વ્યક્તિના, બે-બે પતિ-પત્નીના ત્રણ-ત્રણ સબંધો વચ્ચે અટવાઈ ગયેલી છ જિંદગીઓ.

વિવેક-ખંજન, વિવેક-સોનાલી, સોનાલી-આલોક. સ્વીકૃતિ-સંમતિ-અસ્વીકૃતિના કાવાદાવાભર્યા તાણાવાણા એવાં ગુંથાઈ ચૂક્યા કે કોણ કોની સાથે ખુશીની મારામારી, ગમની કાપાકાપી, અવિશ્વાસની ઝપાઝપી કરી ધમાલચકડી મચાવતું હતું તે સમજી શકાતું ન હતું. સમય મુજબ આર્થિક, સામાજિક, અને વ્યક્તિગત રીતે બદલાતા સંબંધો વચ્ચે સોનાલી પડી ભાંગી.

‘સોનાલી, તું ઠીક તો છે ને?’

‘ભાવનાઓ પર અંકુશ રાખવો સરળ કામ નથી. વિવેક મેં વિચાર્યું હતું તું મને આજે અપનાવીશ નહીં તો જીવનમાં પરવશ અને પરાવલંબનનો ભય નહીં રહે, મારા સંતાનનો સાથ છે. અસલામતી લાચારીનો ડર ન હતો. પ...ણ...’ સોનાલી માટે બોલવું તકલીફકારક બની રહ્યું હતું. તેની જીભ તેના શબ્દોને સાથ આપી રહી ન હતી. ‘તારી વાતે મને ઘેરી ચોટ આપી છે. તું પરણિત છો! પિતા બનવાનો છે? તારા પ્રામાણિક જૂઠમાં અસંખ્ય અસ્વચ્છતા હતી! શું કામ? વિ...વેક...’

સોનાલીના જીવનમાં નિષ્ઠુર સત્યની ત્સુનામીનો ઝેરીલો ઝલઝલા આવી ગયો.

‘મેં જે કંઈ કર્યું તે તને અપરણિત સમજીને કર્યું, અસત્યવાદીઓનાં જુઠઠાણાંઓથી હું કફોડી સ્થિતિમાં આવી ગઈ છું. હું ફના થઈ ગઈ. મારે હવે જીવવું નથી. સહનશક્તિનો બાંધ તૂટી ગયો છે. પરાકાષ્ઠા ગુમાવી રહી છું...’ સોનાલી તેનાં હાથ માથા પર પટકવા લાગી.

‘સોનાલી પ્લિઝ.’ વિવેક સોનાલીની નજીક આવ્યો. તેના હાથ પકડી લીધાં. ‘આપણા સંબંધો ભલે લાંબા ન ટકે. પ્રેમ ચિરકાળ રહેવાનો. હું દૂર રહી હરદમ પાસ રહેવાનો. ડગલેને પગલે તારો સાથ આપવાનો. આપણા બાળકના ઉજ્જળ ભવિષ્ય માટેના તમામ પ્રયત્નો કરીશ. આપણી દોસ્તી સદાય અકબંધ રહેવાની.’

‘વિ...વે...ક... પ્રેમના શાશ્વત હોવા વિશે મને શંકા...’ સોનાલીની વાત કરતાં ઝબાન લડખડાઈ જતી હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી આંખો ઘેરાવા માંડી હતી.

‘જે માગીએ અને તરત મળી જાય તેને નસીબ કહેવાય. નસીબ પલટાય અને જે માંગીએ એ તુરંત ન મળે તો ખ્યાલ આવે કે આપણી પામવાની વૃત્તિ જિદ્દી હિંસક બની ગઈ છે. સુખને પામવાની દોટમાં મેં દુઃખનાં ઢગલા કરી મૂક્યા. હું આંધળી બની ગઈ હતી. આજ મારી આંખો હવે ઊઘડી છે કાયમ માટે બંધ થઈ જવા.’

‘નહીં સોનાલી, મહેરબાની કરી આવું ન બોલીશ.’

સોનાલીના શ્વાસ લેતાં અને ઉચ્છ્‌વાસ ફેકતાં ફેફસાંમાં અસમતોલન પ્રવેશ્યું. ભીતર રહેલું ખાલીપણું તેને ખોખલું બનાવતું જતું હતું.

‘કેટલીક વાતો ન જાણવામાં જ કેટલો બધો આનંદ રહેલો હોય છે. જીવનમાં બંધ બાજી જ રમવી સારી.’

એકલતા અને અન્યમનસ્કતાની ઘૂટને સોનાલીને અવસાદમય બનાવી નાંખી.

‘માણસની ઈચ્છાઓ સ્વાર્થ કહેવાય એ આજ સમજાયું.’

સોનાલીનો રક્તચાપ અસામાન્ય થઈ પરસેવો છૂટી રહ્યો હતો. ગભરામણ સાથે ચક્કર આવતાં હતાં.

ચહેરા પર વેદનાની રેખા ફેલાઈ રહી હતી. હદયમાં યુદ્ધ ચાલી રહ્યું હતું.

‘મારી એક અંતિમ ઈચ્છા અને માગ છે.’ હાંફી ગયેલા અવાજે વેદનાપૂર્ણ શબ્દોથી, ‘વિવેક આપણા બાળકને સાચવજે. તેને માતા-પિતા બંનેનો પૂરતો પ્યાર આપજે.’

સોનાલીની ધડકન થંભી તેનું નિશ્ચેતન દેહ વિવેક પર ઘસી આવ્યું. વિવેકે તેને સંભાળી.

સોનાલીના પિતા હસમુખ પટેલ ત્યાં આવી ગયા.

‘સોનાલી.....’

મુંબઈની પાણી ભરાયેલી સડકો પર થઈ જામતી વરસાદી રાતના વિકટ વાતાવરણમાં સોનાલીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી.

ઈમરજન્સીમાં ડૉક્ટર માથુરે સ્ટેથોસ્કોપથી સોનાલીને તપાસી. કૃત્રિમ શ્વાસ આપ્યો. સ્થિર આંખોમાં પ્રકાશ ફેંકી જોયો. પછી પોપચાં ઢાળી સ્ટ્રેચરમાં સૂતેલી સોનાલીને અંદર રૂમમાં લઈ જવા નર્સને કહી વિવેક અને હસમુખ પટેલ સામે જોઈ નિરાશાથી કહ્યું, ‘આઇ અમ સૉરી.’

વજનદાર તીવ્ર શૂન્યતાનું મોજું વહી જાય છે. સોનાલી પટેલની જિંદગી મૃત્યુની ચાદરમાં બિડાઈ ગઈ હતી.

હસમુખ પટેલ આ સાંભળતાની સાથે જ જીવતા શબની જેમ જમીન પર પટકાઈને બેસી ગયા. શરીરમાં અદમ્ય કંપારી દોડી ગઈ. વિવેકના મગજમાં અશાંતિ છવાઈ ગઈ. તેણે ડૉક્ટરનો સફેદ કોર્ટ પકડી લીધો. ‘વ્હોટ નોનસેન્સ.’

‘હું સમજી શકું છું મિસ્ટર. આપ જેવા સમજદાર અને ઈજ્જતદાર વ્યક્તિને આ શોભા કરતું નથી. માનવબુઘ્ધિની વાસ્તવિકતાઓ સાથે વ્યવસ્થિત રીતે મેળમિલાપ થઈ જવાની, પોતાને તેના મુતાબિક ઢાળી લેવાની શક્તિમાં જ શાણપણ છે. અસત્યની એટલી પણ આદત ન પાળવી કે તમામ સત્ય જૂઠ લાગે.’ વિવેકે ડૉક્ટરનો કોર્ટ છોડી માફી માગી. ડૉક્ટર માથુરે પૂછ્‌યું, ‘તમે વિવેક?’

‘હા, તમે કઈ રીતે મને ઓળખો છો?’ વિવેક બેચેન બની ગયો.

‘કાલે સોનાલીના પતિ આલોક મારો કોલર પકડતા હતા અને આજ આપ! મારા માટે આ નવું નથી છતાં હું બધું જણાવું છું. મને થોડો સમય આપો. ત્યાં સુધીમાં આપ અને હસમુખ પટેલ સ્વસ્થ થઈ મારી કેબિનમાં આવો. ઓકે યંગમેન બી બ્રેવ. બી સ્ટ્રોન્ગ.’

સામાન્ય રીતે અર્ધ રાત્રીએ જ્યારે બધા સૂઈ જાય છે ત્યારે ઊંઘ ઊડી શોકમય બની ગયેલા હસમુખ પટેલ અને વિવેકને ડૉક્ટરે સમજાવ્યું, ‘મેડિકલ સાયન્સ પાસે દિલી-દિમાગી બીમારીની દવા છે. સંબંધિક બીમારીની દવા ન હોય. ઈશ્વરે નક્કી કરેલા મૃત્યુનાં શકંજામાંથી જીવતા બચવું એ અકસ્માત છે અને મૃત્યુ એ ઘટના છે. ક્યારેક ડેથના તાર્કીક કારણ હોતાં નથી છતાં હું સોનાલીની મૃત્યુને સમજવાની થોડી મહેનત કરૂં છું.’ આ મારા સાથી ડૉક્ટર મિત્ર છે. હ્ય્દયરોગ નિષ્ણાત છે. ડૉ. શાહ.

ડૉક્ટર શાહે વિવેક અને હસમુખ પટેલને કહ્યું, ‘સોનાલીને સડન કાર્ડિયાક એરેસ્ટ મતલબ એસસીએ આવ્યો હતો. જેને ગુજરાતીમાં હ્ય્દયસ્તંભ કહે છે. હ્ય્દય જ્યારે અસરકારક રીતે સંકોચન કરવામાં નિષ્ફળ નીવડે છે ત્યારે રક્ત પરિવહન થવામાં તકલીફ ઊભી થાય છે. શ્વસન પ્રક્રિયામાં ઓક્સિજનની ઉણપ બેશુદ્રતા લાવે છે. આ કારણે મગજને સીધી ઈજા થઈ શકે છે. ક્યારેક હેમરેજ થઈ શકે. જેને કારણે તત્ક્ષણ મૃત્યુ નીપજે છે. વિજ્ઞાનની ભાષામાં જેને સડન કાર્ડિયાક ડેથ કહે છે.’

ડૉક્ટર માથુર વચ્ચે બોલ્યા, ‘ઈમરજન્સીમાં વહેલાંમાં વહેલી તકે દર્દીને યોગ્ય સારવાર આપી બચાવી શકાય છે. પરંતુ આ કિસ્સામાં અણધાર્યા હદયસ્તંભને મોડી સારવાર મળવાને કારણે સોનાલીનું મૃત્યુ નીપજયું.’ થોડીવાર અશબ્દ રહીને ડૉક્ટર બોલ્યા, ‘મેં આલોકને ગઈકાલે જ જણાવ્યું હતું. સોનાલીની માનસિક હાલત જરા પણ સ્થિર નથી. તે હજુ ગર્ભવતી બની છે. આ સમયે તેને મન-મગજ પર કોઈ દબાણ ન પડે તેની ખાસ કાળજી રાખવાની છે.’

‘પરંતુ ડૉક્ટર સાહેબ સોનાલી નાનપણથી સ્વસ્થ છે. અમારા ઘરમાં કોઈને પણ બ્લડપ્રેશર કે ડાયાબીટિસની બીમારી નથી. તો પછી સોનાલીને આમ હાર્ટ એટેક..’ દબાયેલા અવાજે હસમુખ પટેલ વાત કરતાં રડી પડયા.

‘હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ બંને જુદા છે. કાર્ડિયાકમાં કોઈ અગમચેતી હોતી નથી. ગમે ત્યારે ઓચિંતા એકાએક ધબકારા ઓછા થઈ જાય અને ધબકારા બંધ પણ થઈ જાય. જ્યારે હાર્ટ એટેકમાં હદયમાં રક્ત પહોંચાડતી શિરા કે ધમનીનું ઉધાડબંધ બરાબર ના થાય તેમાં ખલેલ પહોંચે અથવા બીજા કારણોસર લોહીનું હ્ય્દય સુધી ન પહોંચી આવતો હુમલો હાર્ટ એટેક છે. હાર્ટ એટેક તો પુરૂષોને આવવાની ચીજ છે. એ નરમ દિલ અને ગુસ્સાળુ સ્વભાવવાળી વ્યક્તિઓનો રોગ છે. ભોજન અને કસરતમાં થોડી નિયમિતતા અને રોજ એક ટેબ્લેટ લેવાથી બ્લડપ્રેસર કંટ્રોલમાં રાખી એટેકને આવતા રોકી શકાય છે.’

ડૉક્ટર માથુર ફરી વચ્ચે બોલ્યા, ‘હાર્ટ એટેક ક્યારેક એક તો ક્યારેક બે તો ક્યારેક ત્રણ મોકા આપે છે. સ્ત્રીને હાર્ટ એટેક ઓછાં આવે છે કારણ તન-મન તોડી નાંખતાં જીવાતા જીવનમાં તેમનું હ્ય્દય પહેલેથી જ એટલું મજબૂત થઈ જાય છે કે અચરજતા કે અકસ્માતોને તે શક્તિપૂર્વક સહન કરી શકે છે.’

‘વૈજ્ઞાનિક અભિગમથી દૂર રહી મારાં પ્રયોગો અને અનુભવોને આધારે એવું અનુમાન છે કે માણસના દિલ, દિમાગ અને આંખોને ગાઢ સંગમ છે. એક એવું જોડાણ છે જે તમારા સંપૂર્ણ શારીરિક અને માનસિક સ્વાસ્થ પર અસરકર્તા છે. માણસ જે જુએ છે તે અંગે વિચારે છે. જે વિચારે છે અને નથી જોયું તે તે જોવા માગે છે. ગમતી ક્રિયા વારંવાર કરવા ઈચ્છે છે અને નથી કર્યું તે કરવાના પ્રયાસો કરતો રહે છે.’

‘જે રીતે એક ખોટા નિર્ણયની સારી-ખરાબ ઉપજ તેનાં સાથે જોડાયેલાં તમામ પરિબળોને લાગે-વળગે છે તે રીતે મગજ, મન, અને આંખમાંથી એક પણ અંગનું વિચલન બાકીના બંને મહત્ત્વપૂર્ણ અંગો હદય અને મગજની સાથે શારીરિક-માનસિક આત્મશક્તિને લાગુ પડી ખતમ કરી મૂકે છે. એ અણધાર્યો આનંદ કે એ વણમાગ્યો દર્દનો અતિરેક દિલ કે દિમાગ સહન કરી શકતું નથી અને અચાનક જ કાર્ય કરવાનું બંધ કરી દે છે. સોનાલીના કેસમાં આવું જ બન્યું.’ આટલું કહી પોતાનાં સાથી મિત્રને લઈને ડૉ. માથુર ચાલ્યા ગયા.

વિવેક પાસે કશું કહેવા શબ્દો ન હતા. હસમુખ પટેલ રડતાં રહ્યાં.

સોનાલીના શરીરનું ચેકઅપ થયું. ડેથ-સર્ટીની કામગીરી પૂરી થઈ અને કહેવાઈ ગયું, ‘શબને લઈ જઈ શકો છો.’

સોનાલીના મૃત્યુની આલોકને જાણ કરવામાં આવી.

‘કોણ સોનાલી પટેલ? હું કોઈ સોનાલી પટેલને ઓળખતો નથી.’ આલોકે સોનાલીને અને સોનાલીએ આલોકને છૂટા પડતાં સમયે જ મૃત સમજી લીધા હતાં. આલોકના જાણ્‌યા-કહેવામાં અચરજ નહોતું.

વિવેક અને તેના સંતાનની હાજરીમાં સવારના ચડતા તડકામાં સોનાલીના પાર્થિવ દેવને અગ્નિદાહ દેવાની વિધિ થઈ.

ભડભડ જલતી ચિતા પર ગાઢ લીલા વનમાં ઊગેલા લાલ ફૂલ જેવી સોનાલી વિવેક પર સંતાનની જવાબદારીનો ભાર મૂકીને અનંત યાત્રાએ ચાલી ગઈ.

ગીતામાં મૃત્યુ વિશે કહ્યું છે : ‘જાતસ્ય હિ ધ્રૂવો મૃત્યુ ધ્રૂવં જન્મ મૃતસ્ય ચ.’ જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે.

નિસ્તેજ-નિચેતન શરીરનું પંચમહાભૂતમાં વિલીન થઈ અસ્ત થવું એટલે જીવનનું આથમવું. જેમ નવેસરથી ઊગવા પહેલાં આથમવું જરૂરી છે તેમ નવજન્મ પામતાં પહેલાં મૃત્યુ અનિવાર્ય છે. મોત દરેક સજીવને નિર્જીવ બનાવીને છોડે છે.

આ જગતમાં કોઈ યજમાન નથી. બધા મહેમાન છે. જન્મ લઈ એકબીજાને મળવા આવે છે. મરવા કોણ જીવે છે? કંઈક કરવા જીવવું. કંઈક બનીને મરવું.

મોત એટલે દેહત્યાગ બાદ આત્માને નવજન્મ આપવો. વર્તમાન કર્મમાંથી છૂટી જૂના શરીર, સંબંધો, સ્થળનો ત્યાગ કરી એક જુદાં નવાં પરિવેશમાં અવતરવું.

વરસાદના પાણીથી પલળી ગયેલા મોટા ભેજદાર લાકડા પર સળગતા શરીરની, ઝળઝળતી ચિતાની લૌ સમક્ષ પોતાના સંતાનને છાતીએ લગાવીને વિવેક અશ્રુ વહાવવા ઈચ્છતો હતો. બાળકના જન્મ સાથે માતાનું મૃત્યુ થવું એ ઈશ્વરના ન્યાયના દરબારમાં કેટલું વાજબી હશે?

માણસને તેના જન્મદિવસની તારીખ ખબર હોય છે એટલે એ જન્મદિન ઉજવતો આવે છે. મરણદિનની તિથિ ખબર પડી જાય તો? બર્થડેઈટની જેમ ડેથની ડેઈટ માલૂમ પડી જવી જોઈએ એટલે દુઃખની પણ મજા લઈ શકાય અને સુખની પણ કદર થઈ શકે. શરીરની કાર્યશક્તિનો ખ્યાલ આવે. અને આત્મા?

‘નૈનં છિન્દંતિ શસ્ત્રાણિ...’ આત્માને શસ્ત્રો મારી શકતા નથી.

બ્રહ્‌માંડમાં આત્મા નામશેષ છે? આત્મા સ્મૃતિઓની જેમ અમર છે. જીવનસફરનો અંત નથી. મૃત્યુ એ પડાવ છે. મોક્ષ શરીરને મળે છે. આત્માએ તો કાળક્રમે નિત્ય પેદા અને વિલીન થતું જ રહેવું પડે છે.

કર્મની જંજાળથી છૂટીને જીવતાં આવડવું મનુષ્ય માટે સદીઓથી આકરૂં બનતું આવ્યું છે. મોહ-માયાના બંધન સાથે જાન સ્વતંત્ર થઈ જવી જોઈએ. વિવેકે સોનાલીના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી. ચિતા ઠરી ગઈ. સફેદ ધુમાડો આકાશમાં અદૃશ્ય બની ગયો. અસ્થિઓ માટીના કળશમાં ભરાઈ તેના પર લાલ કપળું બંધાઈ ગયું. સોનાલીના એકાએક અકાળ મૃત્યુથી વિવેકને પશ્ચાતાપની અગ્નિ ઘેરી વળી.

ખેર, મોતે એક જિંદગીનું પૂર્ણવિરામ છે, વાર્તાનું નહીં.

ક્રમશઃ...