Anyamanaskta - 12 Bhavya Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

Anyamanaskta - 12

અન્યમનસ્કતા

પ્રકરણ - ૧૨

લેખક : ભવ્ય રાવલ

ravalbhavya7@gmail.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


લેખકનો પરિચય

ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકાથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ... જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.

ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ / મંતવ્યો પણ લખી ચૂક્યા છે.

લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.

પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.


અન્યમનસ્કતા : પ્રકરણ ૧૨

તે આલોકને વળગી પડી. આંસુ આપોઆપ વહેવા લાગ્યાં. તેણે પોતાનું સમગ્ર શરીર આલોક પર ઢાળી દીધું. આલોકે તેના માથા પરથી કેડમાં હાથ પરોવ્યા. તે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયો. માથા પર, પીઠ પર, પેટ પર, ખભા પર હાથ ફેરવતાં, ‘હું આવી ગયો સોનાલી. આપણા બાળક માટે. તારા માટે. મમ્મી-પપ્પા માટે. તારી પ્રાર્થના સફળ રહી. હું આવી ગયો. ભગવાને સાંભળી લીધી તારી અરજ. આમ જો, બસ... હવે રડ નહીં...’ આલોકે હથેળીથી સોનાલીના ગાલ પર સરી આવેલાં આંસુ લૂછયાં.

બંને એકબીજાને કસીને ભાવનામય ભેટી રહ્યાં.

રસોડામાંથી ઘરના જૂના વડીલ એવા નોકર બચુ મહારાજ બહાર આવ્યા. સોફા પર બેસી રડતાં આલોક અને સોનાલીને એકસાથે જોઈને પહેલાં તો તે ચોંકી ઉઠયા. અડધી મિનિટ પસાર થઈ.

‘શેઠ?’

તે ઝડપથી આલોકના મમ્મી-પપ્પાના રૂમ તરફ દોડયા.

‘ગજબ થઈ ગયું. હું કહેતો હતોને શેઠાણીબા, આલોકબાબુ...’ અને પછી મહારાજના મોંમાંથી આગળના શબ્દો ન નીકળ્યા. આંસુડાંની ધાર થઈ.

આલોકના પિતા ભાઈલાલભાઈએ ખુરશી પરથી ઊભા થતાં પ્રશ્ન કર્યો. ‘આલોક! આલોકબાબુ શું?’

‘આલોક શેઠ...’ તેણે ડરોઈંગરૂમ તરફ રડતાં-રડતાં ઈશારો કર્યો.

‘હા પણ આલોક... બાબુ... શું?’ જ્યોતિબહેન અને ભાઈલાલભાઈ ઉતાવળા પગે બચુ મહારાજની પાછળ બહારના રૂમમાં દોડી આવ્યા.

અને બહાર દીવાનખંડમાં આવીને જોયું તો... આ શું? આલોક!

આશ્ચર્ય અને પ્રશ્નાર્થ વચ્ચે તેમની આંખો ખેંચાઈને ફાટી ગઈ!

ઘરનું વાતાવરણ ઘેરૂં બની ગયું.

*

આલોકે પોતાની પત્ની સોનાલી અને મમ્મી-પપ્પાને શાંત કર્યા. તેમને શક્તિ આપી. કુદરતના કરિશ્માનો આભાર વ્યક્ત કરતા આપવીતી બયાન કરી, ‘મને ઠીકઠાક થોડું ઘણું યાદ તો છે. હું ચાર્ટડ વિમાનમાં શિકાગો શહેરથી બેઠો હતો. અમે પચાસેક જેટલા યાત્રીઓ હતા. ફ્લાઇટ ફ્લોરિડાની હતી. આપણી પાર્ટનર કંપનીના કેટલાક કર્મચારીઓ પણ કાફલામાં મારી સાથે હતા. અમે એક સાઇટ જોવા જતાં હતા અને બસ પછી... ધડામ...’

બચુ મહારાજ કિચનમાંથી પાણીનો ગ્લાસ ભરી લાવ્યા. પોતાના માલિક આલોકશેઠને પાણી આપીને તે ખભે નાંખેલા ગમછાથી આંખો લૂછી તેમની પાસે નીચે બેસી વાતો સાંભળવા લાગ્યા. આલોકે થોડું પાણી પીધું. શબ્દો ગોઠવતા ફરી સમગ્ર ઘટના કહેવાની શરૂ કરી.

‘આછું આછું યાદ આવે છે. મારી આંખો ખૂલી ત્યારે ડૉક્ટરે કીધું હતું કે આશરે પંદર-વીસ દિવસ પહેલાં હું કોમામાં ચાલ્યો ગયો હતો. મગજમાં હેમરેજ થઈ ગયું હતું અને નાના-મોટા ઘા, ઇજા હતી. બટ ઇટ્‌સ મિરેકલ. વિમાનને ખરાબ હવામાન નડયું હતું અને અમારૂં પ્લેન એક ખેતરમાં ક્રેશ થયું હતું. સોનાલી ત્યાં આવી હતી. તેણે કરેલી મારી તપાસ અને શોધખોળના કારણે ભારતીય સરકારી દૂતાવાસે મને ઘણી મદદ કરી. ઈન્ડિયા સુધી, આપ સૌ સુધી મોકલી આપવાની વ્યવસ્થા કરી.’

‘આપણું નસીબ અને કિસ્મત આપણા કર (હાથ)માં નહીં કર્મમાં છે.’ આલોકના પપ્પાએ દીકરા આલોકને ગળે લગાવી લીધો.

આલોકના પરિવારમાં પાછા ફરવાથી ગમના તોફાન બાદ ખુશીના આંચકાની આંધી ફરી વળી.

આલોકના માતા-પિતાએ કુટુંબમાં બધાને આલોક હેમખેમ પાછો ફર્યોના સમાચાર અને મીઠાઈ ફરતી કરી. બીજી તરફ આલોક સિવાય એક બીજું નાનું મહેમાન જે સોનાલી થકી ઘર-પરિવારમાં આવવાનું છે તેની પણ ખુશી આલોકના હવાઈ અકસ્માતમાં ગુમ થવાના કારણે વ્યક્ત ન થઈ શકી હતી હવે તેને પણ સાથે ઉજવવાનો અવસર મળી રહ્યો.

પરંતુ સોનાલી આલોકના પરત ફરવાનો હર્ષ અનુભવે કે વિવેક તેને મુંબઈ મળવા માટે આવી રહ્યો છે એ વાતનો આનંદ વ્યક્ત કરે તે સમજાતું ન હતું. સોનાલી માટે બહુ મોટી મુસીબત ઊભી થઈ હતી. સવારથી રાત પડી ચૂકી હતી. સોનાલી અને આલોક વચ્ચે કોઈ પ્રકારની ખાસ વાતચીત કે નજદીકપણું કેળવાયું ન હતું. સોનાલી જાણે કોઈ બીજા વિચારવિશ્વમાં અન્યમનસ્ક ટહેલતી હોય તેવું આલોકને વર્તાઈ આવ્યું. પતિના પાછાં ફરવાની, તેની વિધવાની જિંદગીમાંથી ફરી સૌભાગ્યવતી બનવાની જે ખુશી થવી જોઈએ તે ખુશી સોનાલીમાં છલકાતી ન હતી.

આખરે શું કારણ હતું?

આલોક સોનાલીના પેટ પર હાથ ફેરવતાં તેના ગર્ભમાં રહેલાં સંતાનને અનુભવવા તેની નજીક આવ્યો અને સોનાલીએ તેને પોતાનાથી દૂર હટાવ્યો. આલોકથી આ સહન ન થયું, તે ગમ ખાઈ ગયો. તેણે સોનાલીને ચિબુકથી પકડી, ‘ખુશ નથી?’

‘ના, આલોક. તબિયત ઠીક નથી.’

‘વાત શું છે?’

‘કહેવાનું તો ઘણું છે. કેમ કહું? કોને કહું? કેટલાંને સમજાવું? મારી વાત કોણ સમજશે?’

‘મતલબ?’

સોનાલીને શબ્દો ન જ્ડયા.

મધરાતે સોનાલીને ગર્ભમાં અચાનક ધીમો દર્દ ઉપડયો. શ્વાસ લેવામાં તકલીફ પડી. તેની પીડા વધતી ગઈ. તે બાથરૂમ જઈ આવી. વેદનાને વ્યક્ત કરવા ચીસ ઊઠી ગઈ. બ્લડીંગ શરૂ થયું. તેને જલ્દીથી કારમાં બેસાડી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી.

સોનાલીનો મા બનવાનો સમય પાકી ગયો. પ્રથમ પ્રસવની વેળાએ તેના શરીરમાં અગમ્ય લહેર દોડી - આલોક અને વિવેકને પરત્વે અજાણતા અપ્રામાણિક બન્યાના દુઃખની, ગર્ભમાં રહેલા બાળકનું આ જગમાં આવવા છતાં શારીરિક સંતાપની, બે પુરૂષ પરત્વે દગાખોરીના ખેદની, છૂપા અસત્યના રંજની, સંજોગોના ન ઉકેલી શકાય તેવા પ્રમેયની, વર્તમાન અકથિત કઠણાઈની, મા બની તેના સંતાન સાથે કાયમ રહી શકશે કે નહીં, સંતાનને અસલી પિતાનો હક્ક અપાવવાની વ્યથાની, માતૃત્વની સંવેદનાની... પત્નીત્વ, પ્રેમિત્વના બેહિસાબ ચક્રવાતો વચ્ચે તે સૂધબૂધ ખોઈ હોશ ગુમાવી બેઠી.

છેલ્લાં કેટલાંક મહિનાથી સોનાલીની ટ્રીટમેન્ટ કરનાર ડૉક્ટરે સ્ટેથોસ્કોપથી સોનાલીની છાતી, પેટ પર હાથ મૂક્યાં. નર્સને કહીને બી.પી. ચેક કારાવ્યું. નાડી તપાસી. સોનાલીને સ્ટ્રેચર પર ઓપરેશન રૂમમાં ખસેડાઈ. ત્યાંથી આલોક અને તેમની મમ્મીને બહાર જવાનું કહેવાયું. દરવાજા બંધ થઈ ગયાં.

આઇ.સી.યુ.માંથી જ્યારે નર્સ બહાર આવતી અને અંદર જતી ત્યારે કાચનો દરવાજો ખૂલતો. સોનાલીની નાભિમાંથી સંતાન અલગ થવાની દર્દભરી બૂમાબૂમ સંભળાતી.

‘આહહ... ઓહહ..’

બેહોશીમાં ચિલ્લાતી સોનાલીનો શ્વાસ ભરાઈ આવ્યો. આંખો ખેંચાઈ આવી. પોતાની મુઠઠીઓ પલંગની બેડશીટને પકડવાના વ્યર્થ પ્રયત્નમાં તે હાંફવા લાગી. તેનું પૂરૂં બદન પસીનાદાર થઈ ગયું. તેનામાં હવે વધુ જોશ રહ્યો ન હતો. થોડા કલાકોની યાતના પછી સોનાલીની રાડ ખામોશ થઈ બાળકનું ઉંવા... ઉવવા... ઉવાવાવા... ઓપરેશન રૂમમાં પરોઢની નિરવ શાંતિમાં ગૂંજી ઊઠયું.

બે-ત્રણ કલાકની કપરી જહેમત બાદ ડૉક્ટર બહાર આવ્યા. ‘અભિનંદન, બાબો થયો છે. હી ઈઝ વેરી હેલ્ધી એન્ડ નેચરલ બર્થ.’

‘આભાર ડૉક્ટર સાહેબ. અમે સોનાલી અને બાળકને મળી શકીએ? હવે કોઈ ખતરો તો નથીને?’

‘પેશન્ટ હજુ થોડી અર્ધબેહોશીની હાલતમાં છે. દવાની અસર છે. તેમના હસબન્ડ તેમને મળી શકશે. એક સમયે સિઝેરિયન કરવાની જરૂર જણાતી હતી, પણ પછીથી બધું ફાઈન થયું ગયું. ઓલ ઈઝ ગુડ. થેંક્સ ટુ ગોડ.’

આલોક અને તેમની મમ્મી જ્યોતિબહેન તથા પાછળથી વહેલી સવારે આવી પહોંચેલા આલોક-સોનાલીના બંનેના પિતા ભાઈલાલભાઈ અને હસમુખ પટેલની ખુશીનો, આનંદનો, હર્ષોઉલ્લાસનો સૈલાબ ઊભરાઈ પડયો.

આલોક સોનાલી પાસે ગયો. તેની અર્ધખુલ્લી આંખ અને થાકેલા શરીર પાસે એક સફેદ કાપડમાં લપેટાઈને આંખો બંધ કરેલું મુઠઠી વાળેલું શ્વેત ગુલાબી બાળક સૂતું હતું. આલોકે તેને કાળજીપૂર્વક ઊંચકીને વહાલથી ચૂમ્યું. તેની આંખોની કિનારી પર ભીનાશ તરી આવી.

નર્સ આવી. ‘ડૉક્ટર આપને જરૂરી વિગતો તેમજ પેશન્ટ અને દવા સંબંધિત જાણકારી માટે તેમની કૅબિનમાં બોલાવ્યા છે.’

આલોકે સફેદ ચાદર ઓઢીને સૂતેલી સોનાલીના કપાળ પર ચુંબન કર્યું. અકારણ તેનાથી આભાર વ્યક્ત થઈ ગયો.

આલોક ડૉક્ટરની કેબિનમાં પ્રવેશ્યો.

ડૉક્ટર માથુરે ફાઇલમાંથી નજર હટાવીને આલોકને બેસવા કહ્યું.

‘આલોક, હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું તે જાણી તમને દુઃખ તો થશે, પરંતુ તમારે મન મક્કમ રાખીને હિંમત દાખવવી પડશે.’

આલોકે બે હાથ ભેગા કરેલા હતા તે છૂટા પાડી મુઠઠીઑ કસી લીધી. અને પિતા બન્યાની ખુશીમાં જોશથી સ્વરમા પરિવર્તન લાવ્યા વિના કહ્યું, ‘ડૉક્ટર સાહેબ તમે તો જાણો છો હું ક્યા પ્રકારે મોતના મુખમાંથી ફરી પાછો આવ્યો છું. જે વ્યક્તિએ મૃત્યુને માત આપી હોય તેનામાં શું નાની-મોટી મુશ્કેલી સાથ બાથ ભીડવાની તાકાત ન હોય?’

‘બિલકુલ, આલોક. હું જે વાત કરવા જઈ રહ્યો છું એ નોર્મલ નથી માય ડિયર. ડૉકટરી વ્યવસાયના સિદ્ધાંતને બાજુ પર રાખીને મિત્રતાના વર્ષો જૂના સંબંધને કારણે જણાવવું તો પડશે કે...’

‘ટેલ મી ડૉક્ટર.’

ડૉક્ટર માથુર પોતાની ચેર પરથી ઊભા થયા. આલોક પાસે આવ્યા. ‘સોનાલી હવે આજ પછી મા નહીં બની શકે. સૉરી.’ આલોકના હાથ પર હાથ મૂકીને તેની આંખોમાં સાંત્વનાભરી દૃષ્ટિથી જોઈને પછી આગળ કહ્યું, ‘...અને બીજી અગત્યની વાત એ છે કે, સોનાલીએ જે બાળકને જન્મ આપ્યો છે તે તમારૂં નથી મિસ્ટર પટેલ.’

આલોકના ધ્રૂજી ઊઠયો. તેના મુખ પર ડૉક્ટર પ્રત્યે તિરસ્કાર તરી આવ્યો. ‘ઇનફ ડૉક્ટર. આ તમે શું કહી રહ્યા છો. ચાલો માન્યું કે સોનાલી હવે મા નહીં બની શકે, બટ તેણે હમણાં જે બાળકને જન્મ આપ્યો તે મારૂં નથી એ વાત માનવા હું તૈયાર નથી. મારા અહીંથી ગયા સમય સોનાલી પ્રેગનેન્ટ હતી અને તમે કહો છો કે તે બાળક મારૂં નથી. એ વાત કેમ શક્ય જ બને?’

‘જુઓ આલોક પટેલ. હું તમારી વાઇફ સોનાલીની છેલ્લા છ-સાત મહિનાથી ટ્રીટમેન્ટ કરી રહ્યો છું. તેમણે મને તેમની અબોર્શનની ફાઇલ બતાવી છે. અને અબોર્શન કર્યાના એક-દોઢ મહિનામાં જ તે ફરી ગર્ભવતી બની હતી અને તે અહીં નિયમિતપણે ચેકઅપ માટે આવતાં હતાં.’

‘વ્હોટ?’ આલોક સ્તબ્ધ થઈ ગયો. તેને કંઈ પણ બોલવું સૂઝયું નહીં.

‘હું એક ડૉક્ટર તરીકેની મારી જવાબદારી પૂર્ણ કરી રહ્યો છું. આ વાત તમારી ફેમિલી સામે જાહેરમાં થઈ શકતી હતી પરંતુ હું તમારા ખાનદાનની શાખથી વાકેફ છું. અને આ સમય આવી વાતો કે સમસ્યાના સમાધાનનો નથી, શાંતિનો, ધીરજનો છે. સોનાલીને માનસિક શાંતિની ખૂબ જ જરૂર છે. તેઓ અનિંદ્રાના શિકારી છે. આલોક આ સમય આવેશમાં આવી ખોટા ઝઘડા કરવાનો નથી.’

ડૉક્ટર માથુરની કેબિન વજનદાર થઈ ગઈ હોય તેવું લાગ્યું.

આલોક ઘુંટાયેલા સ્વરે આંખો નમાવીને બોલ્યો, ‘મતલબ હું એ બાળકને અપનાવી લઉં? ડૉક્ટર સાહેબ ક્યારેક એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે કે મળેલા અનિચ્છિત પરિણામ પર હદયથી માફી આપવી કે મગજથી વેર લેવું.’

‘બાળકને અપનાવવું, ઠુકરાવવું એ તમારો વ્યક્તિગત મામલો છે. રહી વાત સોનાલીની તો મારા હિસાબે બની શકે કે તમારા વાપસ ન આવવાના યકીનની સાથે તેમણે અબોર્શન કરાવી લીધું હતું. અને આ બીજી વખત મમ્મી બનવાનો કદમ ઊઠી ગયો. આ સોનાલીએ અબોર્શન કરાવ્યું તે ફાઇલ. સર્ટિફિકેટ પર કોઈ સયુરીના સિગ્નેચર છે. ત્યાર પછી તે કોઈ પરપુરૂષના સંપર્કમાં આવીને તે ગર્ભવતી બની. તમારા ફેમિલીમાં બધા સમજ્યા આ તમારૂં જ મતલબ કે આલોકનું બાળક છે એટલે તેને પ્રેગનેન્સી દરમિયાન કોઈ શક, સવાલ, સમસ્યાનો સામનો પણ ન કરવો પડયો. અને તેણે મારી પાસે તેની ટ્રીટમેન્ટ શરૂ કરાવી આ તેની ત્યારબાદની ફાઇલ.’

આલોક લાંબી ક્ષણો સુધી ફાઈલ ચકાસતો રહ્યો અને પછી સપાટાબંધ કદમે ત્યાંથી ચાલતો થયો. હવે એક પળ પણ વધુ સમય તે ત્યાં રોકાઈ શકે તેમ ન હતો. મમ્મી પાસે તબિયત ખરાબ હોવાનું બહાનું બતાવીને તે જલ્દીથી ઘરે જવા રવાના થયો.

ગાડી મરીન ડરાઇવના રસ્તે ઘર તરફ સ્પીડમાં ભાગતી ગઈ. આલોકને બધા સોપાનો એક પછી એક સંપૂર્ણપણે યાદ આવે છે. તેના અંગેઅંગમા ગુસ્સાનું એક મોજું ફરી વળ્યું.

‘જેવા સાથે તેવું એટલે કે બદલો લેવાથી વેર ખત્મ થતું નથી. અત્યાચારની સજા કુદરત અને કાનૂન બંને આપે છે. બંને સજા સમાન આપતા નથી એ વાત અલગ છે. કાનૂનના દરબારમાંથી છટકી શકાય ઈશ્વરના નહીં. જે કરવાનું છે તે બહુ સમજી વિચારીને કરવું પડશે. ઘરની ઈજ્જત અને કુટુંબની આંખો અત્યારે નીચી થાય તેવું કશું કરવું છે? ન્યાય કરવાનો અને કર્મનું ફળ આપવાનો હક માત્રને માત્ર ઈશ્વરને પ્રાપ્ત છે.

તો શું કાયર જેમ બધું જ ચૂપચાપ જોઈ રહું? અપનાવી લઉં કોઈ ગૈરસંતાનને અને પત્નીને મનમાની કરવા દઉં? ક્ષમા વીરનું આભૂષણ હશે, પરંતુ મારી વીરતાને હું મૂર્ખાઈ બનવા દઈશ નહીં. મારા સંતાન, મારા અંશની ગર્ભહત્યા કરીને સોનાલીએ પાપ કર્યું છે. ઈશ્વરે મને કદાચ આ માટે જ પાછો મોકલ્યો હશે કે હું આ નાઈન્સાફીનો બદલો લઈ શકું. હું મારા સંતાનની ગર્ભહત્યા કરાવનારાને સજા આપવામાં ભગવાનનો નિમિત્ત બની શકું.’

ઘર આવી ગયું. તેણે ઘરનું લૉક ખોલ્યું. બેડરૂમમાં જતાં જ આલોકના કાનમાં પડઘા પડયા. ‘ના આલોક. આ સમય જોશમાં હોંશ ખોવાનો નથી. માત્રને માત્ર પોતાનપણા, સ્વાર્થીપણાની ભાવના સંબંધને તોડીફોડી મચોડી નાંખે છે. પાપનો બદલો પાપ ન હોઈ શકે. અહમની તૃપ્તિ અત્યાચાર નથી. સંબંધો ક્યારેય તૂટતાં નથી. માણસનો અહમ તેને મુરઝાવી નાંખે છે. વધુ પડતી ઈમાનદારી પાગલપણાંની તો વધુ પડતી દગાખોરી પાપીપણાની નિશાની છે.’

તેણે ટેબલનું ડરોઅર ખોલ્યું અને રિસ્ટ વૉચ કાઢીને ડરોઅરમાં મૂકી. સોનાલીનો મોબાઈલ ત્યાં હતો. તેણે ફોન ચેક કરીને તેમાંથી ફોટો જોયા. તેણે વેદનાભર્યા વજનદાર સ્વરે ખુદને સવાલ કર્યો. ‘આ દિવસ જોવા માટે હું જીવતો રહ્યો? કે પછી હજુ જીવનમાં ઘણું જોવાનું, સહેવાનું બાકી રહી ગયું છે? એકવાર સોનાલીને પણ સફાઈ પેશ કરવા દેવી પડશે. એ શું કહે છે અને શું કામ તેણે આવું કર્યું. સયુરી જેવી સમજદાર મિત્ર પણ આવી નીકળશે તે અંદાજો ન હતો. બધું માફ કરવા છતાં પણ અંતિમ પ્રશ્ન છે સોનાલીનું બાળક?

જીવનમાં જે મળે છે તે સ્વીકારી લેવામાં શાણપણ નથી, ગાંડપણ છે. હું સોનાલીને માફ કરી શકું, બાળક સ્વીકારવું નામુમકીન છે.’ આલોક બિલકુલ અસ્વસ્થ થઈ પથારી પર પડયો. થાકેલો, હારેલો તે સમજી ન શક્યો કે શું કરવું? ક્યાં જવું? તે ઊભો થયો. નિરાશપણે દીવાલમાં વેગથી હાથવાળી મુઠઠી પછાડી. તેની આંખો લાલ થઈ આવી. એક સવાલ તૂટેલા અણીદાર કાચના કરચની જેમ ચૂભી રહ્યો હતો. ‘આખરે કોણ હશે આ અવૈધ સબંધોના સમીકરણથી રચાયેલી અનૌરસ ઔલાદનો બાસ્ટર્ડ બાપ?’

ક્રમશઃ...