karan ghelo bhag 3 books and stories free download online pdf in Gujarati

કરણઘેલો - ભાગ ૩

કરણ ઘેલો

ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા

નંદશંકર તુળજાશંકર મહેતા

ભાગ - ૩

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•પ્રકરણ ૧૩

•પ્રકરણ ૧૪

•પ્રકરણ ૧૫

•પ્રકરણ ૧૬

પ્રકરણ ૧૩ મું

જુવાન પુરુષ અથવા સ્ત્રી જે પહેલી જ વાર પ્રીતિ બાંધે છે તેમાં અટકાવ થવાથી તેને જે દુઃખ ઊપજે છે તે સૌથી આકરું છે. એમ થવાથી તેનું હૈયું જેવું ફાટી જાય છે; તેના શરીરમાં અવ્યવસ્થા થઈ જાય છે અને દુનિયા સ્મશાન જેવી ઉદાસ લાગે છે. તેને કાંઈ કામધંધો સૂઝતો નથી; અને જો તે જગાનો ફેરફાર કરી અથવા બીજી કોઈપણ રીતે તે બાબતના સઘળા વિચારો ખસેડી નાખે નહીં તો તેની ખરાબી થઈ જાય છે. જ્યાં પ્રીતિમાં થોડી મુદત સુધી પહોંચે એવો જ અટકાવ થયો હોય, જ્યાં નિરાશાના અંધકારમાં આશાનું કાંઈ પણ ઝાંખું કિરણ આવતું હોય ત્યાં તો ધીરજ રાખી શકાય છે, તથા વખતે તેથી વધારે કાંઈ અસાધારણ પ્રયત્ન પણ થઈ શકે છે; પણ જ્યાં આશાનું ઢાંકણું દેવાયું ત્યાં સુખનું ઢાંકણું દેવાયું એમ સમજવું. ઘણા પુરુષો જ્યારે એવી અવસ્થામાં આવી પડે છે ત્યારે દેશાટન કરે છે, અને ત્યાંના નવા નવા પદાર્થો જોવાથી, નવાં નવાં કામોમાં પડવાથી, તથા વખતે કોઈ નવી સુંદરીના સમાગમમાં થતા સુખથી આગલું દુઃખ નિવારણ કરી શકે છે. પણ સ્ત્રીઓને એ પ્રમાણે થવું કઠણ પડે છે. તેઓનું અંતઃકરણ વધારે નરમ હોય છે, તથા તેઓનાં હૈયાં ઉપર મીણની પેઠે પ્યારની છાપ વધારે મજબૂત બેસી જાય છે તે જલદીથી ભૂંસાઈ જતી નથી; તેઓને બીજા દેશમાં અથવા બીજાં શહેરોમાં ફરવા જવાનું ઘણી વખતે બની આવતું નથી; તથા નવી વાત ગ્રહણ કરી જૂની વાત વિસારી નાખવાને ક્વચિત જ પ્રસંગ આવે છે; તેઓ મૂંઝાયા કરે છે, તેઓ બળ્યા કરે છે, તેઓ જો નાજુક પ્રકૃતિનાં હોય ત્યારે તો તેમનાં શરીરમાં રોગ પ્રવેશ કરે છે અને ક્ષયરોગથી તેઓનો અંત આવે છે. એ પ્રમાણે કાંઈ હમેશાં જ બનતું નથી. તોપણ પ્રીતિમાં આશાભંગ થવાથી પુરુષો કરતાં તમને વધારે દુઃખ થાય છે.

કરણે શંકળદેવનું માગું પાછું વાળ્યું ત્યારથી દેવળદેવીના સુખનો સૂર્ય અસ્ત પામ્યો. આશાને લીધે જે ઉમંગ તેને થયેલો તે જતો રહ્યો. તેના મોં ઉપર ઉદાસીનું વાદળું ફરી વળ્યું; તેનું શીર ગળવા લાગ્યું; તથા ધીમે નાશકારક તાવ તેના શરીરમાં દાખલ થયો. તેનું ખુશકારક હસવું બંધ પડી ગયું; તેના રાગમાંથી મીઠાશ ઊડી ગઈ; તેની વાણીની મધુરતા જતી રહી; અને જે ખુલ્લા દિલથી તથા ઉલલાસથી તે ચાલતી તે ચાલ હવે બિલકુલ બદલાઈ ગઈ. આ સઘળા ફેરફાર જોઈને કરણને પણ ઘણી દિલગીરી થઈ. પૈસા, વહાલા અને બીજા ઘણા ઉપાયોથી તેની અસલ સ્થિતિ પાછી લાવવાને તેણે ઘણાં ફાંફાં માર્યાં; પણ જેનું માથું દુખે તેને પેટ ઉપર ઓસડ ચોપડવાથી શો ફાયદો ? જેના કલેજામાં ઘા લાગેલો તેને બહારના ઉપાય શી રીતે કામ લાગે ? જ્યાં સુધી તેના અંતઃકરણમાંનો કીડો જીવતો રહે ત્યાં સુધી જે જે ઉપાય કરે તે સર્વે વ્યર્થ જાય જ.

એવી ઉદાસ વૃત્તિમાં આવી પડેલી પુત્રીની સાથે કરણ રાજા એક દહાડે બેઠો હતો તથા તેની દિલગીરી કાઢી નાખવાને તેને શિખામણ દેતો હતો. એવામાં એક મુસલમાન અમીર કેટલાંક માણસ લઈને બાગલાણના કિલ્લામાં આવ્યો. અકસ્માત્‌ આવો માણસ આવી રીતે તેના એકાંત રહેવાના ઠેકાણામાં આવ્યો તે જોઈને કરણ રાજાને મોટું આશ્ચર્ય લાગ્યું, તથા તેના જીવને મોટી ફાળ પડી. આ નવતરા આવનારથી કાંઈ માઠાં જ પરિણામ નીવડશે એવી તેને સ્વાભાવિક પ્રેરણા થઈ આવી, અને હવે શી વધારે ખરાબી થશે એ વિચારથી તેણે એક મોટો નિસાસો મુક્યો. તેને સઘળી ફિકર પોતાની પુત્રીને વાસ્તે હતી. એ અમૂલ્ય રત્નને કોઈ લૂંટારો લઈ જશે એ તેને મોટી દહેશત હતી. પોતાને વાસ્તે તેને જરા પણ ધાસ્તી ન હતી. તેના ઉપર તો દુઃખના એવા અને એટલા ઢગલા આવી પડ્યા હતા કે એ કરતાં વધારે દુઃખ તેની કલ્પનામાં પણ આવતું ન હતું. લૂંટાયેલાને ભય શેનો ? તેણે સર્વસ્વ ખોયું હતું; હવે જવાનું કોઈ બાકી રહ્યું ન હતું. કાંઈ પણ પૂછપરછ કર્યા વિના તે અમીર કરણની રહેવાની જગા ઉપર આવ્યો. ઘોડા ઉપરથી તે ઊતરી પડ્યો; પોતાનાં માણસોને કિલ્લાના જુદા જુદા ભાગમાં રહેવાને મોકલી દીધાં; ઘોડા સઘળા ઘોડાશાળમાં બંધાવી દીધા અને પોતે એકલો રજપૂતની આબરૂ તથા મોટા મન ઉપર વિશ્વાસ રાખી ઘરમાં પેઠો. કરણે તેને અંદરના ઓરડામાં આવવાની રજા આપી; પોતાની છોકરીને એક બીજા ઓરડામાં મોકલી દીધી; અને તે અમીરનું સન્માન કરી ઊભા થઈને તેને બેસવાની જગા આપી. મુસલમાન લોકો ઘણું કરીને બોલવામાં ઘણા હોશિયાર તથા વાચાળ હોય છે. તેઓની બોલીમાં એક જાતની નરમાશ તથા મીઠાશ હોય છે, તેઓ ઘણી નમ્રતાથી તથા લાયકીથી બોલે છે, તેથી તે અમીરને પોતાની ધારેલી વાત એકદમ કાઢવામાં કાંઈ મુશ્કેલી પડી નહીં, અને તે વાત તેણે એવી ચતુરાઈથી ચલાવી કે કરણ તેના દુઃખથી ઘણો ચીઢિયો થઈ ગયો હતો તોપણ તેણે તેની વાત અથથી ઈતિ સુધી ધીરજથી સાંભળી લીધી. તે બોલ્યો ‘‘હું સઘળી જહાનનો પાદશાહ અલાઉદ્દીન જેનું તખ્ત દિલ્હી શહેરમાં છે તેના દરબારનો અમીર છું. દેવગઢનો રામદેવ રાજા ત્રણ વર્ષ થયાં ખંડણી આપતો નથી, તથા દક્ષિણના બીજા રાજાઓ પાદશાહને નામના જ માત્ર ાબે હોય એમ વર્તે છે. તેઓના ઉપર સત્તા કાયમ બેસાડવાને પાદશાહે એક મોટું લશ્કર મોકલ્યું છે. તેની મતલબ આખો દક્ષિણ દેશ જીતવાની છે. અમારું લશ્કર કેવું બળવાન હોય છે તથા તે કેવાં કેવાં કામો કરી શકે છે તે તો હવે તમારી આગળ કહેવાની જરૂર નથી, તેનાં પરાક્રમનો વિસ્તાર કરવાને હું ચાહતો નથી, કેમ કે તેમ કરવાથી તમારું દુઃખ તાજું થઈ આવે, એ લશ્કરની સંખ્યા અગણિત છે. તેમાં માત્ર એક લાખ સવાર છે; તેનો સરદાર નાયબ મલેક કાફુર છે. તે ઘણો આગ્રહી, શૂરો તથા લડાઈના કામમાં પ્રવીણ છે. તેની સાથે બીજા ઘણા બુઝર્ગ, દાના, તથા લડાઈના કામમાં ઘણા માહિતગાર એવા અમીર લોકો મસલતદાર છે. તેઓની છાવણી હાલમાં ખાનદેશમાં સુલતાનપુરમાં છે. ત્યાંથી કાંઈ સંદેશો કહેવાને નાયબ મલેક કાફુરે પાદશાહ અલાઉદ્દીનના હુકમથી મને મોકલ્યો છે. તે સંદેશો શો છે તે હું તમને જણાવું છું; તમને ખબર તો હશે કે તમારી રાણી કૌળાદેવી હાલમાં પાદશાહના ઝનાનખાનામાં મુખ્ય દરજ્જો ભોગે છે. તે પટરાણી થઈ પડી છે; તેની સત્તા પાદશાહ ઉપર ઘણી છે; અને પાદશાહ તેને કાંઈ વાતની ના કહી શકતો નથી. એ કૌળારાણીને બે દીકરીઓ હતી તેમાંથી એક મરી ગઈ છે, બીજી તેર વર્ષની જેનું નામ દેવળદેવી છે તે તમારી સાથે રહે છે. તેની માને તેના વિના જરા પણ ગમતું નથી. તે બેનો ઘણાં વર્ષ થયાં વિયોગ થયો છે, તેથી તેને મળવાને સુલતાના ઘણાં આતુર છે. અલબત્ત તમારા કરતાં તેનો છોકરી ઉપર વધારે હક્ક છે, તેને પોતાની છોકરી ઉપર એટલો તો હજી પ્યર છે કે તેના વિના તેની તબિયતમાં બગાડ થશે; વળી તે છોકરી અહીં છે તે કરતાં પાદશાહની પાસે મોટા દરબારમાં સુલતાના સાહેબની સાથે રહેશે તો વધારે સુખી થશે. બેગમ સાહેબે પાદશાહ આગળ દેવળદેવીને તેડાવવાની ઘણી જ ખાહેસ દેખાડી છે. પાદશાહે તેની અરજ મંજૂર કરી છે અને તે પ્રમાણે મલેક કાફુરને એવો હુકમ કર્યો છે કે જો દેવળદેવીને જીવતી દિલ્હી નહીં લાવે તો તેનું માથું કાપી નાખવામાં આવશે. એ પ્રમાણે પાદશાહે સખત હુકમ કર્યો છે, માટે તમારો તે છોકરી આપ્યા વિના છૂટકો નથી; માટે જો તમે તમારી દીકરીનું સુખ ચાહતા હો તો આનાકાની કર્યા વગર મને આપી દો. હમણાં તેની ઉંમર એટલી છે કે તેને માની સંભાળની ઘણી જ જરૂર છે. તેને પણ હમણાં માની ખોટ લાગતી હશે તે ત્યાં જવાથી પૂરી પડશે. હમણાં તે અંધારામાં એક ખૂણામાં સંતાઈ રહી છે તેને અજવાળામાં લાવી તેનું સુંદર ચિત્તાકર્ષક રૂપ જગતમાં પ્રસિદ્ધ કરવું જ જોઈએ. હમણાં તે અમૂલ્ય પાણીદાર રત્ન અગાધ અંધાર મહાસાગરના ઊંડા કોતરમાં પડી રહ્યું છે તેને કોઈ ચોક્સીને આપી કોઈ વીંટીમાં જડવું જ જોઈએ. હમણાં તે એક ખૂબસૂરત ખુશબોદાર ફૂલ જંગલમાં ઊગેલું છે, અને તેની સુગંધ નકામી વેરાઈ જાય છે તેને બદલે કોઈ માળીને ત્યાં લાવી કોઈ ગોટાની વચ્ચોવચ મૂકવું જ જોઈએ. તમે તેને અહીં રાખીને શું કરશો ? તેની આ વયે નિરંતર તમને જ જોયાં કર્યાથી તેને સંતોષ કેમ થાય ? તમારા જેટલી વૃદ્ધ ઉંમરનો માણસ તે તેનો યોગ્ય સોબતી શી રીતે થઈ શકે ? જ્યાં સુધી દેવળદેવી તમારી પાસે છે ત્યાં સુધી તે ટોળામાંથી જુદી પડેલી હરણી જેવી છે; પાણીમાંથી બહાર કાઢેલી માછલીના જેવી છે, જો તમે તેને પાણીમાં પાછી નહીં મૂકી દો તો તે ટળવળીને મરી જશે. તમે એક પતંગને દીવા પાસેથી આઘું કર્યું છે. તે ત્યાં રહેશે ત્યાં સુધી તેને સુખશાતા કેમ વળશે ? તમે વાડીમાંથી એક ફૂલનો રોપો મારવાડના રેતીના રણમાં રોપ્યો છે, તે તયાં પાણી વિના કેમ ઊછરશે ? વાડીનાં ફૂલોમાં રમનારી પોપટીને તમે ત્યાંથી ખસેડીને ઘરમાં મૂકી છે, ત્યાં તેને ખુલ્લા તડકામાં ઊડવાને બદલે ભોંય ઉપર ચાલવાનું મળે તેથી તે કેમ રાજી થશે ? માટે મારા કહ્યા પ્રમાણે કરો. જો તમે એમ કરશો તો તમને પણ ઘણો ફાયદો થશે; તમને કદાપિ એ શરતથી તમારું રાજ્ય પાછું મળશે; તમારે ખંડણી તો બીજા રાજાઓની પેઠે આપવી પડશે તોપણ તમે રાજા કહેવાશો; તમારું ગયેલું સુખ સઘળું પાછું મળશે; પાદશાહ તમારા ઉપર ઘણી મહેરબાની રાખશે; અને આવી દુર્બળ કંગાળ અવસ્થામાં રહેવાને બદલે તમે સઘળી વાતે પહેલાંના જેવા સુખી થશો. આવો વખત ફરીથી આવવાનો નથી; એક તેર વર્ષની બાળકીના બદલામાં લાખો રૂપિયા તમને મળે છે; થોડુંક નુકસાન વેઠ્યાથી બેસુમાર લાભ થાય છે, માટે એ વાત ઉપર પાકો વિચાર કરીને જવાબ દેજો. ઉતાવળ કરવાનું કાંઈ કામ નથી. લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે, ત્યારે મોં ધોવા જશો મા. તમે રાજવંશી છો. તમે કેટલાંક વર્ષ સુધી એક મોટા દેશ ઉપર રાજ્ય ચલાવ્યું છે, માટે તમને વધોર કહેવની જરૂર નથી. હું તમારી તરફથી નકારની તો આશા રાખતો નથી; પણ જો કદાચ તમારા દુર્ભાગ્યને લીધે. તથા પડતા દહાડામાં માણસની અક્કલ ઊંધી થઈ જાય છે. તેને લીધે જો તમે ના કહેશો તો થોડે અંતરે એક મોટું સૈન્ય તૈયાર છે તે અહીં આવી બળાત્કારે તે છોકરીને પકડી જશે. પછી તમારું કાંઈ ચાલવાનું નથી અને તેમાં તમારી શોભા પણ રહેશે નહીં.’’

આટલી વાત સાંભળતાં સાંભળતાં જ કરણને વારે વારે ક્રોધનો આવેશ તો આવતો હતો, પણ તેણે અત્યાર સુધી તેના મન ઉપર અંકુશ રાખ્યો હતો. હવે જ્યારે તેનો બોલવાનો વારો આવ્યો ત્યારે તેનું મન વશ રહ્યું નહીં. તેણે જુસ્સાથી જવાબ દીધો - ‘‘અગર જો આસમાન તૂટી પડે, અગર ધરતી રસાતાળ જાય, અગર પાદશાહ પોતે તથા તેથી પણ વધારે ખુદ પરમેશ્વર મારી પાસેથી એ છોકરી માગવા આવે તોપણ હું તેને ખુશીથી તો કદી આપું નહીં. હું હમણાં એવી અવસ્થામાં છું કે મને કોઈ માણસનો ડર રહ્યો નથી. મેં મારું સર્વસ્વ ખોયું છે. હવે મારી પાસે જવાનું બાકી રહ્યું નથી. મારા ઉપર સઘળી જાતની આફત પડી ચુકી છે. હવે વધારે અથવા એથી મોટી આફત બીજી છે જ નહીં. તેથી હું તમારા પાદશાહથી; તમારા મલેક કાફુરથી તથા તેના અગણિત લશ્કરથી જરા પણ બીતો નથી. હજુ રજપૂતો એટલા અધમ થઈ ગયા નથી; હજુ તેઓમાં આબરૂનો છેક નાશ થઈ ગયો નથી; હજુ તેઓમાંથી જાતનો તથા કુળનો અહંકાર એટલો ગયો નથી કે તેઓ પોતાનું રક્ષણ, પોતાનો લાભ, પોતાનું સુખ, પોતાની દીકરી પારકાને આપીને માગે. ના, ના, એવો દહાડો હજુ આવ્યો નથી, અને આવતાં ઘણી વાર છે. છોકરીને મ્લેચ્છ પાદશાહને આપું ? તેને દુષ્ટ ચંડાળ લોકોને સોંપું ? તેને તેના બાપના ક્ટ્ટા શત્રુને, તેના બાપનું વગર કારણે રાજ્ય હરણ કરનારને, તેને આવી દુર્દશામાં લાવનારને ત્યાં મોકલું ? એમ કદી થનાર નથી. જ્યાં લગી આ ઘટમાં પ્રાણ છે, જ્યાં સુધી આ શરીરમાં રુધિર વહે છે, જ્યાં સુધી તલવાર પકડવાને આ હાથ સલામત છે, ત્યાં સુધી હું એ છોકરીને મારા હાથમાંથી જવા દેવાનો નથી. તેને લેતાં પહેલાં તેના રક્ષણને અર્થે મારા પ્રાણ અર્પણ કરવાને તૈયાર છું. મારા મોત પછી તેનું જે થાય તે ખરું પણ શું કરણને વાસ્તે જગતમાં એમ કહેવાશે કે તેણે જીવતાં પોતાના સ્વાર્થને સારુ પોતાની છોકરી વેચી ? કદી નહીં. હું તેને મારે હાથે કાપી નાશી; એ કુમળું ફૂલ અપવિત્ર તથા અધમ હાથમાં જાય તે કરતાં હું તેને તોડી નાખીશ; એ પાણીદાર અમૂલ્ય મોતી કોઈ નીચના શરીરને શણગારે તે કરતાં હું તેને ભાંગી ચૂરેચૂરા કરી નાખીશ. એ વાતની અમને રજપૂતને કાંઈ શરમ નથી. તેથી અમારી કાંઈ અપ્રતિષ્ઠા થવાની નથી. તે તો અમારો અસલથી ચાલ્યો આવેલો સંપ્રદાય જ છે. અમે તો અમારા કુળની લાજ રાખવાને તથા હલકા માણસને અમારી કન્યા આપવી ન પડે માટે છોકરીઓને જન્મતાં જ દૂધપીતી કરીએ છીએ. મેં તેને જીવતી રાખી, મોટી થવા દીધી, એ જ મેં ભૂલ કરી. પણ હજી શું થયું છે ? એક તલવારના ઘાથી ધારેલું કામ બની આવશે. એક ઘાથી મારી, મારા કુળની, મારી જાતની, મારા દેશની આબરૂ રહેશે. એક ઘાથી તમારા પાદશાહની ઉમેદ અફળ થશે. અને એક ઘાથી મારી છોકરી અપવિત્ર થતી બચશે. અરે ચંડાળ, દુષ્ટ, પાપણી કૌળાદેવી ! હવે તને રાણી શા માટે કહું ? અરે ! મેં તને કેટલું સુખ દીધું છે ? મેં તને કેટલાં લાડ લડાવ્યાં છે ? મેં તારો મોંમાંથી પડતો બોલ ઝીલ્યો છે; મેં તને પટરાણી બનાવી હતી તે સઘળાનો બદલો તું આજ બહુ સારો લેવા નીકળી છે ! તને એ જ યોગ્ય છે ! અરે ! તું તારા ધણી, તારી છોકરી, માબાપ, સગાંવહાલાં, ન્યાતજાત, દેશ, એ સઘળું છોડીને ધર્મથી ભ્રષ્ટ થઈ, એક મ્લેચ્છ પાદશાહનના ઝનાનખાનામાં મહાલે છે, તું જીવતા વરે બીજાને વરી, તેં એક ભવમાં બે ભવ કર્યા, તું હમણાં એક દુષ્ટ અધર્મી પુરુષની બાથમાં પૈસાને લોભે ભરાઈ છે, સઘળી જાતનાં સુખ ભોગવે છે, તેની હું અદેખાઈ કરતો નથી; પણ તું મારી જરા પણ દયા રાખતી નથી, તું મારી અવસ્થા જોતી નથી, તું મારા અથાગ દુઃખ ઉપર કાંઈ પણ નજર કરતી નથી; તું કેવી સ્વાર્થી કે તને આટલાં બધાં છતાં છોકરીનું પણ સુખ જોઈએ છીએ, અને હું સઘળી રીતે પાયમાલ થઈ ગયેલો, હું આ મઠમાં સાધુની પેઠે દુનિયાનો તથા સુખનો ત્યાગ કરી બેઠેલો, હું એક છોકરી ઉપર મારા થોડા સુખને વાસ્તે આધાર રાખી રહેલો, તેટલું પણ સુખ તું મારી પાસેથી લઈ લેવા માગે છે ? અરે ભૂંડી ! તારી છોકરી આવવાથી તારા સુખમાં તો તેથી ઘણો જ થોડો વધારો થવાનો છે, પણ હું તો તેના વિના ટળવળીને રઝળીરખડીને મરણ પામીશ. તે સઘળું પાપ તારે માથે. અરે દુષ્ટ ! તું દુખિયાને વધારે દુખિયો કરવા ચાહે છે, તે તને કોઈ દહાડો સુખ થવાનું નથી. તું પણ મારી પેઠે દુખી જ થશે. હમણાં તો તારા સુખના મધ્યાહ્‌નનો સૂર્ય છે, પણ કોઈ વખત પણ સાંજ પડશે, કોઈ વખત પણ એ અસ્ત થશે, અને પછી ઘોર અંધારું થઈ જશે. પણ હું મિથ્યા શોક શા માટે કરું છું ? અને આ સંદેશો લાવનારને શા માટે ખોટી કરું છું ? તમે અમીર સાહેબ ! જઈને તમારા સરદારને કહો કે જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી દેવળદેવીને કદી આપનાર નથી. તમારાથી જે થાય તે સુખેથી કરી લેવું.’’

પેલા અમીરે જોયું કે તેની સાથે વધારે વાત કરવામાં કાંઈ ફળ નથી, અને તે એવો ગુસ્સા ઉપર ચઢી ગયો છે, તથા એવો હઠીલા સ્વભાવનો દેખાય છે કે નરમ ઉપાયથી માનવાનો નથી તેથી તે વધારે બોલ્યા સિવાય ઊઠી ગયો, અને તેણે જતી વખતે કરણને એટલું જ કહ્યું, ‘‘હજી વખત છે, કબૂલ કરવું હોય તો હજી કરો. હું જઈને આ પ્રમાણે સઘળી હકીકત નાયબ મલેક કાફુરને જાહેર કરીશ. તે બધું લશ્કર લઈને તમારા ઉપર ચઢી આવશે, અને બળાત્કારે દેવળદેવીને લઈ જશે, અને હમણાં તેને રાજીખુશીથી આપવાથી જે લાભ થશે તે તે વખતે થવાનો નથી, માટે પછી પસ્તાશો, તેથી વિચાર કરો.’’ કરણ રાજાએ કાંઈ જ જવાબ દીધો નહીં તે ઉપરથી જણાયું કે હજુ તે કબૂલ કરતો નથી. તથા પોતાની હઠીલાઈ મૂકતો નથી તેથી તે અમીર ત્યાંથી ચાલયો ગયો અને કરણનો જવાબ સુલતાનપુર જઈ મલેક કાફુરને કહ્યો.

આ જવાબ સાંભળીને કાફુર ઘણો ગુસ્સે થયો, અને બે-ત્રણ દહાડા પછી બીજો માણસ પાછો કરણની પાસે તેણે મોકલ્યો; તે પણ તે જ જવાબ લઈને પાછો આવ્યો. પાદશાહનો હુકમ થયેલો એટલે દેવળદેવીને લાવવી તો જોઈએ. અલાઉદ્દીને તેને બે ત્રણ વાર ટોકી ટોકીને કહ્યું હતું. તેણે તેને લાવવાનું વચન આપ્યું હતું, તથા તે જો હાથમાં નહીં આવે તો કૌળારાણી કોપાયમાન થશે, અને તેની સત્તા પાદશાહ ઉપર એટલી તો છે કે તેના કહેવાથી તે પણ ક્રોધાયમાન થશે, અને તે જ્યારે રોષે ભરાયો ત્યારે આપણું માથું સલામત રહેશે નહીં એવી કાફુરને પક્કી ખાતરી હતી. પણ એ કામ કાફુરને એટલું તો હલકું લાગ્યું કે પોતે બાગલાણ ઉપર સઘળા લશ્કર સાથે જઈ ત્યાં વખત ખોવો એ તેને જરૂરનું લાગ્યું નહીં. દક્ષિણ દેશ જીતી ત્યાંથી અગણિત દોલત લૂંટી લાવવી, તેમાંથી કેટલોક ભાગ સિપાઈઓને, સરદારોને, તથા તેની સાથે આવેલા અમીરોને વહેંચી આપવો અને બાકી રહેલો ઘણો ભાગ કોઈ દહાડો તખ્ત મેળવવાને કામ આવે માટે પોતાને સારુ રાખવો એ તેની મુખ્ય મતલબ હતી તે ઉપર જ તેની નજર હતી, ત્યારે આવા હલકા કામમાં ગૂંથાવાથી શું ફળ ? તે કામ બીજાઓ પણ કરી શકે માટે તેણે જાતે શા માટે તસ્દી લેવી જોઈએ ? એવો વિચાર કરી તેણે ગુજરાતના સુબા અલફખાંને લખી મોકલ્યું કે, તમારે એક મોટું લશ્કર લઈ અમારી છાવણીમાં જેમ બને તેમ જલદીથી આવી મળવું. વળી તમારે બાગલાણને રસ્તે આવવું, અને ત્યાં કરણ રહે છે તેની પાસેથી ગમે તે ઉપાયથી અને જરૂર પડે તો લડાઈ કરીને પણ તેની છોકરી દેવળદેવીને જીવતી પકડી ઘણી આબરૂની સાથે અમારી પાસે લાવવી. જો એ છોકરી તમારે હાથ આવશે નહીં; જો તે તમારા હાથમાંથી છટકી જશે, અથવા તમે તેને જવા દેશો, તો પાદશાહની તમારા ઉપર ઘણી જ ઈતરાજી થશે. અને તમારે પછી તમારો જીવ ખોવાની જ તૈયારી રાખવી. એ પ્રમાણે અલફખાં ઉપર પાટણ ખત મોકલીને મલેક કાફુરે સુલતાનપુરથી પોતાની છાવણી ઉઠાવી.

આણીગમ કરણ રાજા પણ ઊંડા વિચારમાં પડ્યો. હવે શું કરવું તે તેને સૂઝયું નહીં. છોકરી આપવાની ના કહી તેથી મ્લેચ્છ લશ્કરનો સરદાર ગુસ્સે થશે, એમાં કાંઈ શક ન હતો. સાંભળ્યા પ્રમાણે અલાઉદ્દીન ઘણા ક્રૂર સ્વભાવનો હતો. તે કદી પોતાનો હુકમ ફેરવતો નહીં. તેના કહેવા પ્રમાણે જો કામ ન થાય તો તે એટલો કોપાયમાન થતો કે જે શખ્સની તે ગફલત થઈ હોય તે પછી અમીર હોય કે ફકીર હોય તોપણ તેને પોતાના જાન ઉપરથી ફારગતી અપાવતો. માટે તેનો હુકમ અમલમાં લાવ્યા વગર કોઈથી પણ ચાલતું નહીં. થોડી મુદતમાં સઘળું લશ્કર આ કિલ્લા ઉપર તૂટી પડશે ત્યારે શું કરવું ? લડાઈ તો શી રીતે કરાશે ? માણસો નથી, પૈસા નથી, તથા બીજી સામગ્રી પણ નથી. અરે પરમેશ્વર ! તું મારા રંક ઉપર દયા લાવીને જો શું માટે અંતે દેવળદેવીને આપી દેવી પડશે ? અરે એ વિચારથી જ મારી કાયા થરથર ધ્રુજે છે, તથા મારા મનમાં ઉકળાટ થઈ આવે છે. પણ હવે આળસુ બેસીને રહેવાને વખત નથી. હવે કાન ફફડાવીને જાગ્રત થવું જોઈએ. હવે પ્રારબ્ધ ઉપર બેસી રહેવામાં મૂર્ખાઈ છે. જો હું મહેનત કરીશ તો પરમેશ્વર મને મદદ કરશે; જો હું આળસુની પેઠે નસીબ ઉપર બેસી નહીં રહેતાં કાંઈ પ્રયત્ન કરીશ તો દેવતાઓ એક કુમળી અબળાની વહારે ધાશે. જો હું યથાસામર્થ્ય કાંઈ ઉપાય કરીશ તો કોઈ પણ આ બિચારી નિર્દોષ પશુને વાઘના પંજામાંથી છોડવાશે. માટે આળસ ! તું જા; નસીબ ! તું દુર બેસ; અને મારી વહાલી ઢાલ-તલવાર તથા ધનુષ્ય બાણ ! તમે મારી પાસે આવો તમારું કામ હવે પડ્યું છે, માટે તમે મારા સંકટમાંથી મને ઉગારો, અને મારી પરમ પ્રિય દીકરીનું સુખ મને કાયમ રખાવો. હજી ગુજરાતમાં ઘણા શુરા સામંતો અંગીઠીમાંના અંગારાની પેઠે રાખમાં દબાઈ રહેલા હશે; હજી ઘણા બહાદુર રજપૂતો દુશ્મનોનું લોહી પીવાને તરસ્યા હશે. હજી ગુજરાતમાં કેટલાક લોકોના મનમાં મુસલમાનો ઉપર વેર લેવાનું હશે. હવે વખત આવ્યો છે. શું તેઓ એવા નિમકહરામ થઈ ગયા હશે કે આ વખતે તેઓના જૂના, દુઃખમાં પડેલા રાજાની મદદે નહીં આવે ? શું તેઓના મનમાંથી શરમ તથા આબરૂ એટલી જતી રહી હશે કે પોતાના દેશનો બચાવ નહીં કરે ? શું તેઓને પોતાના દેશ ઉપરથી એટલી બધી પ્રીતિ ઊઠી ગઈ હશે કે તેઓ નામર્દ હીચકારાની પેઠે પારકા દુષ્ટ મ્લેચ્છ લોકોનો જુલમ મૂગા મૂગા ખમ્યાં કરશે ? શું આવી વખતે તે ચંડાળ લોકો ઉપર વેર લેવાને મારી સાથે સામેલ થશે નહીં ? હું ધારું છું કે હજી એવો વખત આવ્યો નથી; હજી છેક લોકોમાંથી પાણી ગયું નથી; માટે મારા ઉપર જે આફત આવી પડી છે તેની તેઓને ખબર કરવી, તથા આવી વખતે મારી મદદ કરવાને સઘળા રજપૂતોને વિનંતી કરવી.

એ પ્રમાણે વિચાર કરી કરણ રાજાએ કેટલાક લોકોને પત્ર લખયા અને ગુજરાતમાં સઘળે ઠેકાણે જાસૂસો મોકલ્યા. થોડા દહાડા ગયા એટલે હથિયારબંધ રજપૂતો બાગલાણમાં આવવા લાગયા, કેટલાક સામંતો પોતાના વગના માણસોને સાથે લઈને આવ્યા, અને એ પ્રમાણે એક મહિનામાં પાંચ હજાર માણસ એકઠાં થયાં. ધન્ય છે એ રજપૂતોને ! શાબાશ છે બીજા લડવા આવેલા લોકોને ! આ લડાઈમાં જીતવાની ઘણી જ થોડી આશા હતી; હારવાનો સંભવ ઘણો જ હતો; મોત તેઓના મોં સામું તાક્યાં કરતું હતું; એવું છતાં પણ આ બહાદુર લોકો પોતાના જીવની આશા મૂકીને મોતને મળવા સારુ પોતાનાં ઘરબાર, બૈરીછોકરાં વગેરેને મૂકીને પોતાના જૂના રાજાને મદદ કરવા આવ્યા ! કરણ હમણાં કાંઈ રાજા ન હતો, તેની તરફથી તેઓને કોઈ રીતનો ભય કિંવા લાભ ન હતો, તે કાંઈ તેઓને પગાર આપવાનો ન હતો, તેની તરફથી તેઓને કાંઈ પણ પ્રકારની આશા ન હતી, તેની પાસે તેઓને કશી વાતે નુકસાન પહોંચાડવાની શક્તિ ન હતી, તે છતાં તેઓ શા માટે આવ્યા ? ફક્ત રાજા ઉપર પ્રીતિ, ફક્ત પોતાના દેશનું અભિમાન, અને ફક્ત પોતાના દેશીને સહાય થવાની ઉત્તમ વૃત્તિ. અરે ! એ સઘળું હમણાં આપણા દેશમાંથી જતું રહ્યું છે ! અને તે જવાથી જ આપણા લોકો આજ પરતંત્ર થયા છે.

પાંચ હજારનું લશ્કર આટલી ટૂંકી મુદતમાં એકઠું થશે, એવું કરણના સ્વપ્નમાં પણ ન હતું. પણ જ્યારે તેણે એ સઘળા લડવાની હોંશથી ભરપૂર તથા તેની ઉપર આવી પ્રીતિ રાખનારા માણસોને આવેલા જોયા ત્યારે તેના હૈયામાં હર્ષ માયો નહીં, તેનામાં લડાઈનો જુસ્સો પાછો આવ્યો અને તે પાછો રાતદહાડો લડાઈની તૈયારી કરવા મંડી ગયો. કિલ્લામાં જે કાંઈ ભાંગેલુંતૂટેલું હતું તે તુરત સમરાવી દીધું, જંગલમાંથી ભાથાના ભારેભારા મંગાવ્યા, તીરોની અણી કાઢવાને સઘળા લુહારોની દુકાનમાં ભઠ્ઠી તથા હથોડા ધમધોકાર ચાલવા માંડ્યા, ખાનદેશથી વણજારાઓને બોલાવી બાગલાણના રહેવાસી તથા સઘળા સિપાઈઓ તથા તેઓની સાથે આવેલાં સઘળાં માણસોને લાંબા વખત સુધી ચાલે એટલું અનાજ ભરાવવા માંડ્યું, અને બાકીનું વખતે વખતે પૂરું પાડવાને તેઓની સાથે બંદોબસ્ત કર્યો. આ વખતે કરણે પોતાનો હઠીલો સ્વભાવ જરા મૂકી દીધો તથા એકલા પોતાના મત પ્રમાણે જ ચાલવું એ જે તેની નુકસાનકારક ટેવ હતી તે હાલ છોડી દીધી. સઘળાં કામમાં તે પોતાના સામંતોની સલાહ લેવા લાગ્યો, અને ગમે તેવો હલકો સિપાઈ હોય તોપણ તેને બોલવાની તેણે રજા આપી, અને તેનો અભિપ્રાય ખોટો હોય તો કરણ તેને તકરારથી ખાતરી કરી આપતો અને જો ખરો હોય તો તેનો સ્વીકાર કરી તે પ્રમાણે ચાલતો. જો આવી વર્તણુંક તેણે પહેલાં રાખી હોત તો તેનું રાજ્ય કદાપિ જાત નહીં, અથવા જાત તો ઘણી મુદતે તથા શ્રમ કરાવીને તથા દુશ્મનોની ઘણી ખરાબી થયા પછી જાત. પણ માણસ ઘણું કરીને અનુભવથી ડાહ્યું થાય છે. તે ઠોકરો ખાઈને જ શીખે છે. પહેલવહેલાં જ વિચાર કરી સાચે રસ્તે ચાલનારા તથા ખરી રીતે કામ કરનારા થોડા જ હોય છે. તોપણ હમણાં કરણે જે ડહાપણ વાપર્યું, તથા જે યોગ્ય રીતે સઘળું કર્મ કર્યું, તેનાં ફળ કેટલીક વાર સુધી સારાં નીપજ્યાં, અને તેની અસર બીજાં જુદાં જ કારણો જે તેના હાથમાં બિલકુલ ન હતાં તેઓથી જ તૂટી.

જ્યારે કરણ આવી રીતે લડાઈ કરવાની તૈયારીમાં પડેલો હતો તે વખતે આપણે જરા પાટણ તરફ નજર કરીએ. નવ વર્ષ થયાં તે શહેર મુસલમાનોના હાથમાં આવેલું હતું. તેટલી ટૂંકી મુદતમાં પણ તેમાં ઘણો ફેરફાર થઈ ગયો હતો. દિલ્હીથી જે જુદા જુદા સુબાઓ ત્યાં મોકલવામાં આવ્યા હતા તેઓ પાદશાહની નજરથી દુર પડેલા તેથી ઘણો જ જુલમ લોકો ઉપર કરતા હતા. તેઓને તેમની નોકરી કેટલી મુદત પહોંચશે, એ વાતનો જ નિશ્ચય ન હતો. નોકરીમાંથી કાઢી મુક્યા પછી ઘણું કરીને તેઓની પાસેથી એવો તો દંડ પાદશાહ લેતો કે જો એકલા પોતાના પગાર ઉપર જ રહે તો ચાકરી પછી પ્રમાણિકપણે મેળવેલી સઘળી દોલત તેઓની ઘસડાઈ જાય. તેઓ જુલમ કરી રૈયત પાસેથી લાખો રૂપિયા ખાઈ જાય છે એવો પાદશાહના મનનો સિદ્ધાંત હતો. તેમાં જો કોઈ વાજબી રીતે ચાલે તોપણ તે લુચ્ચો ગણાય, અને તેની અવસ્થા પણ લુચ્ચા જેવી જ થાય તયારે પ્રમાણિકપણે કોણ ચાલે ? પાદશાહના આ દૃઢ વિચારનું પરિણામ એટલું જ થયું કે દેશની આમદાની સરકારને ઓછી થઈ, રૈયત પાસેથી ઘણા જ વધારે પૈસા લેવામાં આવ્યા, અને તે પૈસા સુબાના ખાનગી ખજાનામાં ભરાયા. જમીન ઉપર મહેસૂલ વધારી દીધું અને ખેડૂતો ભુખે મરવા લાગ્યા, તથા તેઓના ઉપર ઘણો જ જુલમ ગુજરવા લાગ્યો. વેપારની વસ્તુઓ ઉપર જકાત પહેલાં કરતાં ચોગણી થઈ તેથી વ્યાપાર પણ તૂટવા લાગ્યો, વેપારીઓને ઘણું નુકસાન પહોંચ્યું, અને શહેરમાંથી દોલતનો પણ ઘટાડો થયો. સહેજ અન્યાયને માટે સારા સારા આબરૂદાર લોકોને પકડી મંગાવી તેઓને એટલી તો દહેશત આપવામાં આવતી, તથા વખતે તેઓના શરીરને ભયંકર યંત્રો વડે એટલું તો દુઃખ દેવામાં આવતું કે તેઓ આવી અવસ્થામાંથી છૂટવાને માગે તેટલું અથવા ઘણામાં ઘણું આપી શકાય તેટલું દ્રવ્ય આપીને મૂગે મોંએ ઘેર જતા. જે લોકોએ પૈસો મેળવી સંગ્રહ કર્યો છે એવો તેઓના ઉપર શક આવે, અથવા જેઓ પોતાની આબરૂને ઘણી પ્યારી ગણે છે એવી બે લોકમાં વાત ચાલે કે તેઓના ઉપર જૂઠાં તહોમત મુકીને તેઓની ઘણી ગેરઆબરૂ કરવામાં આવતી, અને જ્યારે તેઓ સુબાનું ગજવું ભરી આપતા ત્યારે જે તેઓનો છૂટકો થતો. બીજી ઘણી જાતના પહેલાં સાંભળવામાં ન આવેલા કરો લોકો ઉપર બેસાડ્યા; તેઓમાં જઝીઆથી, તેને ઉઘરાવવાની ક્રૂર તથા સખત રીતથી, અને ઉઘરાતદારની લુચ્ચાઈ તથા જુલમથી લોકો ત્રાહ્ય કરવા લાગ્યા. પ્રજાની મિલકત તથા જિંદગી જરા પણ સલામત ન હતાં. તેઓનો વીમો લાખો રૂપિયાના ‘પ્રિમિયમે’ પણ કોઈ ઉતારે નહીં. જે દહાડો જાય તે ગનીમત, જે પૈસા સલામત રહ્યા, જે જીવતા સુધી તેની પાસે રહ્યા તે જ તેના, અને રાત્રે સૂઈને બીજે દહાડે સહીસલામત ઊઠે ત્યારે જ એક દહાડો જીવ્યા એમ કહેવાય. એ પ્રમાણેનો જુલ્મ ચાલી રહેલો હતો. રજપૂતોના રાજ્યમાં બૈરાંઓને ફરવાહરવાની છૂટ હતી તે સઘળી જતી રહી. જે બૈરી ખુલ્લી રીતે રસ્તામાં ફરે તેને મુસલમાન લોકો તે ગમે તેવી આબરૂદાર હોય તોપણ કસબણ સમજતા હતા, અને તેનું ઘણું અપમાન કરતા હતા, તેથી બિચારાં બૈરાંનું તે સુખ પૂરું થયું; તેઓ સઘળે ઠકાણે કેદીની પેઠે ગોંધાયાં; આબરૂદાર લોકોના ઘરમાં ઝનાનખાનાનો ઓઝલ પડદો પળવા લાગ્યો; અને એ પ્રમાણે થવાથી બૈરાંની રીતભાતમાં તથા ચાલચલણમાં પણ માઠો ફેરફાર થવા લાગ્યો ગરીબ લોકોનાં બૈરાં જેને જાતે રળવાની ફિકર હતી, જેને બહાર ફર્યાહર્યા વિના ચાલે નહીં એવું હતું, તેઓ જ માત્ર ઘણી લાચારીથી બહાર ખુલલાં નીકળતાં. તે બિચારાંને પણ ઘણી દહેશત રહેતી, અને તેઓમાંથી કદાપિ કોઈ દેખાવડું હોય તો તેની ખરેખરી કમબખ્તી જ જાણવી. તે બાપડીની તો ડગલે ડગલે ફજેતી, ધર્મને પણ એ જ પ્રમાણે ધક્કો લાગ્યો. તેનું પણ એ જ પ્રમાણે અપમાન થવા લાગ્યું. સવારના પહોરમાં જ્યારે મસ્જિદોમાંથી મુલ્લાં બાંગ પોકારે ત્યારે કોઈપણ દેવસ્થાનમાં ઘંટ, શંખ વગેરે બીજાં વાજિંત્રો વગાડવાની ઘણી સખ્ત મનાઈ કરવામાં આવી હતી. મસ્જિદ આગળ કોઈ પણ હિંદુઓ વાજિંત્ર વગાડે તો તેને ભરે શિક્ષા થતી હતી. મુસલમાન લોકોને ધર્મ સંબંધી કોઈપણ કામમાં ભોગેજોગે કોઈ હિંદુ હરકત કરે તો તેણે તો પોતાના જીવની આશા છોડી જ દેવી. એથી ઊલટું, હિંદુઓના ધર્મ સંબંધી સઘળાં કામોમાં હરકત કરવાની હરેક મુસલમાનને રજા હતી. રજા સ્પષ્ટ તો આપેલી નહીં, પણ તેવી હરકત કરનારને કાંઈ પણ સજા થતી નહીં. એટલે તેમ કરવાની રજા મળેલી હોય તેના જેવું જ હતું. હિંદુઓથી ખુલ્લી રીતે કોઈ પણ ક્રિયા થઈ શકતી નહીં, કેમ કે છેક સૂબાથી તે એક હલકા મુસલમાન ઝાડુ કાઢનાર સુધી સઘળાને ખાતરી હતી કે હિંદુઓનો ધર્મ પાખંડી, શેતાનનો બનાવેલો, તથા જેમ બને તેમ જલદીથી જડમૂળથી ઊખેડી નાંખવા જેવો છે, એવા ધર્મને હરકત કરવામાં, તથા જોરજુલમથી હિંદુના મોંમાં થૂંકીને તથા બિસ્મિલ્લા બોલાવીને તેને મુસલમાન કરવામાં મોટો સવાબ છે, એમ તેઓ માનતા. રોજ રોજ કેટલાક હિંદુઓ પૈસાની તથા આબરૂની લાલચથી મુસલમાન થતા, કેટલાક તો લોકો ઉપર જુલમ કરી શકાશે એવા વિચારથી તથા રાજ્ય કરનારના વર્ગમાં ભળી જવાથી મોટો અધિકાર મળશે, તથા હિંદુ તરીકે તેમના ઉપર જે જુલમ ગુજરતા હતા તે બધામાંથી છૂટા થવાશે, એ મતલબથી જ પોતાનો ધર્મ છોડીને દીન મહમ્મદનું નામ ધારણ કરતા હતા. કેટલાક બિચારાને તો મુસલમાનો પકડીને બળાત્કારે વટાળતા, અને કેટલાકને તો લાલચ આપી બિસ્મિલ્લા બોલાવતા; પછી તેઓ ભીખ માગીને ખાતા; અને મસ્જિદોમાં સૂઈ રહેતા.

હિંદુઓના દેવની તથા દેવસ્થાનોની અને તેઓની સાથે તેઓના પૂજારીઓ તથા બ્રાહ્મણોની પણ તેવી જ દુર્દશા થઈ. દેવસ્થાનોના અંગના ઘણા હક્કો સુબાએ છીનવી લીધા, પૂજારીઓને પૂજા બદલ જે મળતું તે બંધ કર્યું, બ્રાહ્મણોને જે હક્ક તથા વર્ષાસન આગલા હિંદુ રાજાઓએ કરી આપ્યાં હતાં તેઓમાંનાં ઘણાંખરાં અટકાવ્યાં, દેવોનું સઘળે ઠેકાણે અપમાન થવા લાગ્યું, કેટલેક ઠેકાણેથી તેઓનાં દહેરાંમાંથી તેઓને કાઢી ફેંકી દીધા, તેઓનાં દેવાલય ઉપરનો હજારો વર્ષનો ભોગવટો રદ કર્યો. ઘણાં દહેરાંઓ ભાંગી નાંખી તથા કેટલાંકમાં થોડોઘણો ફેરફાર કરી તેઓની મસ્જિદો બનાવી; અને જ્યાં ઘંટનો અવાજ તથા શંખનાદ સંભળાતો હતો ત્યાં મુલ્લાં બાંગ પોકારવા લાગ્યા. બીજે કેટલેક ઠેકાણે ખાનગી લોકોનાં ઘરો તોડી પાડીને ત્યાં મસ્જિદો બાંધી. શહેરની વચ્ચોવચ એક ઘણું જ શોભાયમાન તથા મોટું પંકાયેલું મહાદેવનું દેવસ્થાન હતું તે અલફખાંએ તોડાવી પાડીને ત્યાં જુમા મસ્જિદ બંધાવી. તે ઘણી જ મોટી તથા રોનકદાર હતી. તે ધોળા સંગેમરમરની બાંધેલી હતી, તથા તેમાં સ્તંભો એટલા બધા હતા કે તેઓને ગણવામાં ભૂલ પડ્યા વિના રહે જ નહીં. એ મસ્જિદ તૂટેલી ભાંગેલી હજી પણ છે. એ યઠેકાણે અલફખાં તથા મોટા મોટા અધિકારીઓ નમાઝ પઢવાને આવતા હતા.

એ પ્રમાણે આરંભમાં જ મુસલમાન લોકોએ હિંદુઓ ઉપર જુલમ કર્યો. જૈનમાર્ગી તથા શૈવમાર્ગી એ બંને પોતાનું આદ્ય વેર ભૂલી જઈને એકઠા થઈ બંનેના ધર્મની આવી ખરાબી જોઈને અફસોસ કરવા લાગ્યા. જુલમની ફરીયાદ તો કોને કરે ? દિલ્હી તો ઘણું વેગળું પડ્યું. તયાં જઈ શી રીતે કરાય ? માટે જ્યારે તેઓને ફરિયાદ કરવાની જગા રહી નહીં ત્યારે હરેક જુલમને પ્રસંગે પહેલાં તો તેઓ હુલ્લડ ઉઠાવવા લાગ્યા. પણ મુસલમાનોનું લશ્કર પાસે જ હતું તે તેઓના ઉપર તૂટી પડતું, અને જરા પણ દયા રાખ્યા વિના તેઓને ઘાસની પેઠે વાઢી નાખતું. આખરે તેઓનું કંઈ વળતું નહીં. મફતના હજારો માર્યા જતા. અને એ પ્રમાણે સામે થવાથી જુલમ તો વધતો જતો, તેથી તેઓ ધીમે ધીમે બકરાં જેવા થઈને બેઠા. તેઓના જુસ્સો નરમ પડી ગયો, તેઓનું શુરાતન નબળું પડવા લાગ્યું; એ તેઓની તલવાર તથા બીજાં લડાઈનાં શસ્ત્રો કટાવા લાગ્યાં. બિચારા હિંદુઓ ભાજીખાઉ જેવા થઈ ગયા. લડવાને બદલે બડબડવાનું કામ વધારે ચાલ્યું. જેમ જેમ તલવાર કટાતી ગઈ તેમ તેમ જીભ વધારે તેજ થતી ગઈ; અને ગુલામગીરી તથા જુલમ ઘણા દહાડા મૂગા મૂગા સહન કરવાથી જૂઠું બોલવાની ટેવ, ઢોંગ, લુચ્ચાઈ, હલકાઈ, નબળાઈ, આળસ વગેરે ઘણા દુર્ગુણો એ લોકમાં આવ્યા. પરદેશી જુલમી રાજ્યમાં રહેવાથી એ સઘળા દુર્ગુણો આવ્યા વિના રહેતા જ નથી તે પ્રમાણે હિંદુઓને થયું, અને તેઓનાં મન પર એટલા તો જોરથી ચોટ્યાં કે તેઓની અસર આજ પાંચસો વર્ષ થવા આવ્યાં તોપણ છેક ગઈ નથી.

મલેક કાફુરનો હુકમ અલફખાંને પહોંચતાં તેણે લડાઈની તૈયારી કરવા માંડી, અને થોડી મુદતમાં તેણે દશ હજાર માણસ એકઠાં કર્યા. એટલું લશ્કર લઈને તે પાટણ શહેરથી નીકળ્યો. કરણ રાજા જ્યારે નવ વર્ષ ઉપર એવા જ કામને સારુ પાટણ શહેરમાંથી છેલ્લી વારે ગયો ત્યારે લોકોને જેવો ઉમંગ હતો તથા તેના વિજયને વાસ્તે જેવી આતુરતા લોકોએ બતાવી હતી તેવું આ વખતે કાંઈ જ જોવામાં આવ્યું નહીં. રસ્તામાં લશ્કરના માણસો સિવાય બીજું કોઈ ન હતું. કોઈએ તેઓને આશીર્વાદ દીધો નહીં, તથા કોઈએ પરમેશ્વર પાસે તેઓનો જય પણ માગ્યો નહીં. લોકો ઘણા દિલગીરીમાં હતા, અને અંતઃકરણમાં એવું ચાહતા હતા કે એ સઘળું લશ્કર ધૂળધાણી મળી જાય તો સારું. તેઓ માજી રાજાને રોજ રોજ સંભાર્યા કરતા હા. અને તેને લીધે તેઓની કરણ ઉપર એટલી તે પ્રીતિ વધી ગઈ હતી કે તેની પ્યારી કુંવરી મુસલમાનોને હાથ ન ાય, તથા કરણની અને તેની મદદે ગયેલા રજપૂતોની અને તમામ હિંદુ લોકોની આબરૂ રહે એમ ઈચ્છતા હતા. પણ તેઓને આશા ઘણી થોડી હતી; તેઓ અલાઉદ્દીન પાદશાહનો સ્વભાવ સારી પેઠે જાણતા હતા, તેઓને ખબર હતી કે જે વાત પાદશાહ મન ઉપર લેતો તે વાત તે પાર પાડ્યા વિના રહેતો જ નહીં; તેઓને માલુમ હતું કે મુસલમાનોનું સામર્થ્ય ઘણું હોવાથી જો આ લશ્કરથી ધારેલું કામ બનશે નહીં તો બીજું લશ્કર મોકલશે અને કરણની પાસે તો થોડાં માણસો હતાં, તેથી તેઓ જો કપાઈ ગયાં તો તેઓની જગાએ બીજાં આવવાનાં નથી, તથા તેની આવી પડતી હાલતમાં તથા તેના શત્રુઓની આવી ચઢતી અવસ્થામાં કોઈ રાજારાણા પણ તેને મદદ કરવાના નથી, તેથી નિરાશ થઈને તેઓ પરમેશ્વર ઉપર ભરોસો રાખીને શું થાય છે, તે જાણવાની રાહ જોઈ બેસી રહ્યા. એક મહિનામાં અલફખાં પોતાના લશ્કર સહિત બાગલાણ જવાના બે પહાડો વચ્ચેના એક સાંકડા રસ્તા આગળ આવ્યો. આગળ આપણે કહેલું છે કે બાગલાણની ચોતરફ મોટા ઊંચા પહાડો હતા, અને તે શહેરમાં જવાના ચાર દિશાએ ચાર રસ્તા હતા. એ રસ્તાઓ બે ઊંચા પહાડની વચ્ચે થઈને હતા, અને તેઓ એવા તો સાંકડા હતા કે તેમાંથી ચારપાંચ માણસો અને કેટલેક ઠેકાણે ઘણામાં ઘણા દશ માણસો સાથે એક હારમાં ચાલી શકે. એ પ્રમાણે હોવાથી તેઓને બચાવ કરવો, એ સહેલું કામ હતું. એવે ઠેકાણે થોડા બહાદુર માણસો ઊભાં રહે તો તેમનાથી દસગણાં માણસોને આવતાં તેઓ રોકી શકે. વળી પહાડોની ટોચ ઉપરથી બીજાં માણસો નીચેના લશ્કર ઉપર પુષ્કળ માર ચલાવી શકે અને નીચેના લોકો ઉપલાઓને ઘણું નુકસાન કરી શકે નહીં. એ જ પ્રમાણે થરમોપિલી આગળ થોડા જ યૂનાની લોકોએ અસંખ્ય ઈરાનીઓને રોક્યા હતા, અને એ જ પ્રમાણે હમણાં ત્રણસો રજપૂત સિપાઈઓએ પણ અલફખાંનું તમામ લશ્કર અટકાવ્યું.

કરણે પહાડોમાં થઈને બાગલાણમાં આવવાના સઘળા રસ્તા સાચવવા માણસો રાખ્યા, અને એ પ્રમાણે નાકાબંધી કરી પોતે થોડાક માણસો સાથે રાખી પહાડોનાં મથાળાં ઉપર ફર્યાા કર્યું. જ્યારે તેને ખબર પડી કે ફલાણે નાકે દુશ્મન આવ્યા ત્યારે તે રસ્તાની બે બાજુ ઉપરના બે પહાડોની ટોચ ઉપર પોતાના માણસોને રાખી ઊભો રહ્યો. લડાઈને વાસ્તે સઘળી ગોઠવણ કરી, તથા જુદા જુદા સામંતોએ શાં શાં કામ કરવાં, લડાઈનો શી રીતે પ્રારંભ કરવો, શી રીતે તેને ચલાવવી, કોણે કોને મદદ આપવી, વગેરે ઘણો બંદોબસ્તે કર્યો. અલફખાંએ થોડેક દૂર છાવણી નાખી એક જાસૂસ કરણની પાસે મોકલ્યો. અને તેને કહેવડાવ્યું કે ‘‘તમારે તમારી છોકરી જલથી અમારે સ્વાધીન કરી દેવી, એટલે અમે તમને કાંઈ પણ ઉપદ્રવ કર્યા સિવાય પાછા ફરીશું, અને તેમ કરવાથી અમારા માણસનો, પૈસાનો, તથા વખતનો જે બચાવ થશે તેનો બદલો અપાવવાનો અમે અમારા મુખ્ય સરદાર નાયબ મલેક કાફુરને તમારે વાસ્તે ભલામણ કરીશું. તે આ વાત પાદશાહને જણાવશે એટલે તમને મોટો ફાયદો થયા વિના રહેશે નહીં. માટે જો તમને તમારો તથા તમારા માણસોનો જીવ વહાલો હોય, જો તમારે આ નિષ્ફળ પ્રયત્ન કરવામાં પૈસા નકામા નાખી ન દેવા હોય, અને તમારે જો સુખેથી રહેવું હોય તો અમારા કહેવા પ્રમાણે તરત અમલ કરો. તમે અમથાં મોતનાં ફાંફાં મારો છો. તમે શું એમ ધારો છો કે તમારાં મૂઠીમાં સમાય એટલાં માણસથી અમારું લશ્કર જિતાવાનું છે ? શું એક મોટી જોરાવર નદીનું પૂર હાથ વતી અટકાવી શકાશે ? આસમાન તૂટી પડશે તેને પગ વતી ઝીલી લઈ પોતાનાં બચ્ચાંનું રક્ષણ કરવાની મતલબથી ટિટોડી ઊંચા પગ રાખી સૂવે છે તેના જેવી બેવકૂફી તમારા છે. એમ હોવું જોઈએ તો નહીં, ડાહ્યા થાઓ; વિચાર કરો; અને કોઈ બેઅક્કલ, વિચાર વગરના માણસની શિખામણ ઉપરથી તમે આ મુડદાંઓ એકઠાં કરી મોત માગી લ્યો છો, બળતી આગમાં ઝંપલાવવાનું કરો છો, તથા કાળને વગર બોલાવે મળવા જાઓ છો, એ કામ એક કોરે મુકો. જો તમે લડવા લાયક શત્રુ હોત તો તમારી સાથે હાથ મેળવવા અમે જરા પણ આંચકો ખાત નહીં. પણ તમારી આવી હાલતમાં તમારી સાથે લડતાં અમને શરમ લાગે છે, અમને ધિક્કાર આવે છે, અમને તમારી ઉપર દયા આવે છે. વળી તમને જીતવામાં આબરૂ શી ? સિંહે એક ઉંદર માર્યો એમાં કાંઈ સિંહની પ્રતિષ્ઠા વધતી નથી, માત્ર ઉંદરનો જીવ જાય છે. એક પહેલવાને એક નાના બાળકને માર્યું તેમાં પહેલવાનની શોભા શી ? માટે આ લડાઈનો ઢોંગ મૂકી દો, એવી છોકરાંની રમતથી અમે ડરવાના નથી. અમારા કહ્યા પ્રમાણે દેવળદેવીને આપી દો. મોડાં કે વહેલાં એમ કર્યા વિના તો છૂટકો નથી, ત્યારે ભૂંજીને વાવતા મા. જે કર્યા વિના ચાલે જ નહીં તે તરત કરવામાં ઘણો લાભ છે, માટે તમારો શો જવાબ છે તે જલદી કહો.’’

કરણ બોલ્યો : ‘‘અમે રજપૂત મોતથી બીતા નથી. અમે મરવાને જ આવેલા છીએ, તે જીવતા પાછા ઘેર જવાના નથી. અમે તમને, તમારા પાદશાહને, તમારા લશ્કરને ધિક્કારએ છીએ, અમને સહાય કરનાર પરમેશ્વર છે. અમે એક તેને ભરોસે તથા સત્યને આધારે લડીએ છીએ. પછી જો હારીશું તો અમારાથી જેટલું બન્યું તેટલું કર્યું એટલો જ અમને સંતોષ થશે, માટે જ્યાં સુધી અમે જીવતા છીએ ત્યાં સુધી દેવળદેવીને અમે કદી તમારે સ્વાધીન કરનાર નથી. કદી નહીં, કદી નહીં, કદી નહીં. જો લેવી હોય તો આવીને લઈ જાઓ, એટલો જ મારો જવાબ છે, તે જેણે તમને મોકલ્યા હોય તેમને પહોંચાડજો.’’

જાસૂસે જઈને અલફખાંને કરણનો જવાબ સંભળાવ્યો, તે ઉપરથી અલફખાંને ઘણો જ ક્રોધ ચઢ્યો, અને તેણે એકદમ કૂચ કરી આ જૂઠી હિમ્મતવાળા ઘેલા રજપૂતડાઓને મારીને હાંકી મૂકવાનો લશ્કરને હુકમ કર્યો. મુસલમાન સિપાઈઓ સહેજે જીત મળશે, એવો પૂરો ભરોસો રાખી તથા કોઈ ક્ષુદ્ર પ્રાણીને પગ તળે છૂંદી નાખવું હોય એટલી બેપરવાઈ રાખીને આગળ ચાલ્યા, પણ જ્યારે તેઓએ રજપૂતો પાસે નાકું છોડાવવાને પ્રયત્ન કર્યો ત્યારે તેઓને તેઓની ભૂલ માલૂમ પડી દુશ્મન કાંઈ ધિક્કારવા લાયક ન હતા. પાસે આવતાં જ રજપૂતોએ એવો તો તાકીને તેઓના ઉપર બાણનો માર ચલાવ્યો કે મુસલમાન સિપાઈઓની હાર તૂટી, તેઓ આશ્ચર્ય પામી ઊભા રહ્યા, અને આગળ જવાની તેઓમાં હિમ્મત રહી નહીં. અલફખાંએ તેઓની હિમ્મત જાગ્રત કરવાને ઘણી મહેનત કરી, તથા તેઓને ઘણા સમજાવ્યા, પણ આ પહેલા જ સપાટાથી તેઓમાં એવી તો દહેશત ભરાઈ ગઈ, તથા આટલાં થોડાં માણસોની હિમ્મત જોઈને તેઓ એવા તો વિસ્મિત થયા કે તેઓ થોડી વાર સુધી જડભરતની પેઠે ઊભા જ રહ્યા, અને પછી એકાએક તેઓએ પીઠ ફેરવી નાસવા માંડ્યું. અલફખાં ઘણો ગુસ્સે થયો, પણ લાચાર, તે શું કરે ? તોપણ તેઓ થોડેક સુધી નાઠા પછી તેણે તેઓને અટકાવ્યા. તે દહાડો તો જવા દીધો, પણ બીજે દહાડે પાછી ચઢાઈ કરી. આ વખતે પહાડ નીચેના માણસોએ આગલા દહાડાની પેઠે બાણની વૃષ્ટિ કરી, પણ તેથી મુસલમાનો ઉપર ઘણી અસર થઈ નહીં. તેઓ આગળ વધ્યા જ ગયા. રજપૂતોને પાછા હઠવું પડ્યું, અને જેમ જેમ તેઓ પાછા હઠતા ગયા તેમ તેમ મુસલમાનો આગળ વધતા ગયા. જ્યારે તેઓ સાંકડી નાળમાં ફસાઈ ગયા ત્યારે રજપૂતોએ અટકી પડવા માંડ્યું અને ઉપરથી કરણના માણસોએ તીરનો માર નીચે ચલાવ્યો. મુસલમાનોએ આવું ધાર્યું ન હતું. તેઓના ઉપર બે તરફથી હુમલો એક્કી વખતે થયો. જો ઉપરના શત્રુ સામે પોતાનો બચાવ કરવા જાય તો નીચેના માણસો તેઓને ભાલા વતી વીંધી નાખે, અને એથી ઊલટું કરવા જાયો તો ઉપરથી તીરનો વરસાદ વરસે. એ પ્રમાણે થવાથી મુસલમાન સિપાઈઓ ઘણા અકળાઈ ગયા. તેઓની એકેક હારમાં પાંચ કરતાં વધારે માણસો રહી શકે એટલી જગા નહીં હોવાને લીધે તેઓનું કાંઈ જોર ચાલ્યું નહીં. તેઓમાંથી ઉપરાઉપરી માણસો મરવા લાગ્યા, અને આગળ કાંઈ થાગ લાગશે નહીં, એવું વિચારીને તેઓ વેરાઈ ગયા; તેઓમાં ભંગાળ પડ્યું; છૂટકછૂટક સઘળા નાસવા લાગ્યા. આવી અવસ્થામાં રજપૂતોએ એક ધસારો કરી દુશ્મનના ઘણાને કાપી નાખ્યા, અને પાછા પોતાને નાકે જઈ ઊભા રહ્યા. જો કરણ રાજાએ દોડ કરી હોત તો તેની મોટી મૂર્ખાઈ થાત કેમ કે તે મેદાનમાં પડત અને તેના દુશ્મન પાછા ફરીને તેને સપડાવત તો તેની ખરાબી થયા વિના રહેત નહીં. પણ આ વખતે પહેલાંના જેટલી તેણે બહાદુરી તો બતાવી પણ તેની સાથે ડહાપણ વધારે વાપર્યું. જો એટલું ડહાપણ તે વખતે વાપર્યું હોત. જો હમણાંની પેઠે તે બીજા અનુભવી તથા પ્રવીણ શૂરા સામંતોની સલાહ પ્રમાણે ત્યારે ચાલ્યો હોત તો તેને આ દહાડો આવત નહીં. આ વખતે તેના ડહાપણનું ફળ એ થયું કે મુસલમાન લશ્કરનું કાંઈ ચાલ્યું નહીં. તેઓ રોજ રોજ તેના ઉપર હુમલો કરતા, પણ હરેક વખતે હાર ખાધા વિના તેઓ પાછા જતા નહીં. મુસલમાન સિપાઈઓ ઘણા ગભરાયા તથા ચીઢવાયા. તેઓનો સરદાર પણ ઘણો ગુસ્સે થયો, અને જય પામ્યા સિવાય ત્યાંથી જવું નહીં, એવો તેણે પાક્કો ઠરાવ કર્યો. પણ તેના માણસો ઘણા મરાયા, બાકી રહેલા નિરાશ તથા નાહિમ્મત થઈ ગયા અને બીજા સિપાઈઓ એકઠા કરવાને તેણે જે મહેનત કરી તે હજી સુધી પાર પડી નહીં. તેને ઘણી જ શરમ લાગી, તથા આટલા થોડા માણસને તેનાથી હાંકી કઢાતા નથી; એ વાત જો મલેક કાફુર અથવા પાદશાહ જાણશે તો તેની કેવી ફજેતી થશે, તથા આગળ જે જે પરાક્રમો કરી તેણે કીર્તિ મેળવી હતી. તે સઘળી આ સહેજ વાતમાં ડૂબી જશે, એવી ચિંતા થવા લાગી. તેણે ઘણાં ફાંફાં માર્યાં, તેણે લશ્કર ઉપાડી છાનામાના બીજા રસ્તાઓમાંથી જવાનું કર્યું, પણ જ્યાં જ્યાં તે ગયો ત્યાં તયાં તેની સામે તૈયાર થયેલા રજપૂતો લડવાને નીકળ્યા, અને કરણ પણ પોતાના માણસોની સાથે બહુરૂપી અથવા ભૂત હોય તે પ્રમાણે રસ્તાને મથાળે માલૂમ પડ્યો. એ પ્રમાણે બે મહિના સુધી કરણ રાજાએ ઘણા ડહાપણથી તથા બહાદુરીથી લડાઈ ચલાવી, અને અલફખાંએ ગમે તેટલા પ્રયત્ન કર્યા તોપણ તેને કોઈ પણ રસ્તે બાગલાણ આવવા દીધો નહીં. મુસલમાન સિપાઈઓ થાકી ગયા, અને તેઓના ઘણા માણસો માર્યા હતા તેથી અલફખાંએ ઠરાવ કર્યો કે જ્યાં સુધી નવા બોલાવેલા સિપાઈઓ આવી પહોંચે ત્યાં સુધી લડાઈનું કામ બંધ રાખી એક ઠેકાણે છાવણી નાખીને રહેવું. એ ઠરાવથી કરણને પણ મોટો ફાયદો થયો. તે પણ લડી લડીને કાયર થઈ ગયો હતો, તેને ઘણા જખમ વાગ્યા હતા, તથા લડાઈના થાક તથા ફિકરચિંતાથી તેનું મન બેબાકળું થઈ ગયું હતું. તેને આરામ લેવાની ઘણી જ જરૂર હતી, તેના માણસો અસલ પાંચ હજાર હતા તે મરતાં તથા ઘાયલ થતાં માત્ર બે હજાર રહી ગયા હતા. તેઓ પણ ઘણા અશક્ત થઈ ગયા હતા, માટે જે થોડો વિરામ મળ્યો તેથી બંને તરફના માણસોને ફાયદો થયો. હવે કરણ રાજાએ પોતાની અવસ્થા ઉપર વિચાર કરવા માંડ્યો અને આગળપાછળથી તમામ હકીકત જોતાં તેના મનમાં ઘણી ઉદાસી ઉત્પન્ન થઈ. જે બે હજાર માણસ રહી ગયા તેમાં ઘટાડો થયા કરવાનો, વધારાની તો તેને કદી આશા ન હતી; એથી ઊલટું તેને ખબર હતી કે મુસલમાનોના લશ્કરમાં જલદીથી વધારો થવાનો હતો, અને જ્યારે તેઓની મદદે નવા સિપાઈઓ આવશે ત્યારે પોતાના થોડા રહી ગયેલા માણસો તેની સાથે લડી શકશે નહીં, એવી તેને ખાતરી હતી. અંતે તેઓ બાગલાણનો કિલ્લો સર કરવાનો, અને અંતે તેઓ બળાત્કારે દેવળદેવીને લઈ જવાના એ પણ નિશ્ચય હતું. લડવાથી માત્ર દહાડા નીકળે છે; બીજો કાંઈ ફાયદો નથી. તેના હાથ નીચેના સામંતો પણ એ વાત સારી પેઠે જાણતા હતા, અને હલકા સિપાઈઓને પણ મરવા સિવાય બીજી કાંઈ આશા ન હતી, અને મરવાની સાથે પણ જે કામને વાસ્તે મુસલમાન લોકો આવેલા છે તે સિદ્ધ કર્યા વિના તેઓ પાછા જવાના નથી, એવી તેમના મનની ખાત્રી હતી.

હવે કરણે શું કરવું ? લડી લડીને પોતાના માણસોના નકામા જીવ ખોવડાવવા; પોતે પોતાને હાથે મરવું કે લડાઈનો અંત આવે; અથવા પોતાની પુત્રી દેવળદેવી જે આ લડાઈનું સઘળું કારણ હતી તેને મારી નાખવી કે પછી લડાઈ આગળ ચલાવવાની મતલબ રહે નહીં. એ ત્રણે રસ્તા ભયંકર હતા. લડવાથી કાંઈ ફળ નહોતું. તેમાં માત્ર માણસો તરફનું નુકશાન થયા કરતું. પોતાના હાથે તો કેમ મરાય ? એ વાત પણ કરણને ગમે નહીં. આપઘાત કરવામાં ઘણું પાપ છે, એમ તે જાણતો હતો; આપઘાત કરવાથી નરકકુંડમાં પડાય એમ તેણે સાંભળ્યું હતું; તથા આપઘાતથી લોકોમાં અપકીર્તિ થાય એ નક્કી હતું. વળી જે નર જીવે તેને સઘળું મળે; મૂઆ પછી સઘળી આશા છોડવાની છે; માટે આપઘાત તો કરવો નહીં. હવે દેવળદેવીને મારી નાખ્યા સિવાય બીજો કોઈ ઉપાય રહ્યો નહીં. એ કામ ઘણું દુષ્ટ, ભયંકર, અસ્વાભાવિક તથા ચંડાળને લાયક, તોપણ તેવું કામ કરવાને રજપૂતોને થોડી ફિકર હોય છે. તેઓના તો આબરૂ વિષે ઘણા જ વિલક્ષણ વિચાર હોય છે. જે વાતમાં તેઓએ આબરૂ માની લીધી તે વાતમાં ગમે તેવું ક્રૂર કામ કરવું પડે તોપણ તેઓ જરા પણ આંચકો ખાતા નથી. વળી તેના વિચાર પ્રમાણે સ્ત્રીજાતિને આબરૂ સૌથી વધારે પ્યારી હોવી જોઈએ, અને તેઓના ભાટચારણના રાસા તથા દંતકથા ઉપરથી જણાય છે, કે ઘણાં બૈરાંએ આબરૂનું પ્રતિપાલન કરવાને જ પોતાના વહાલો પ્રાણ અર્પણ કરેલો છે. માટે આવી વખતે દેવળદેવીએ પણ મુસલમાનોના હાથમાં પડવા કરતાં પોતાને હાથે પોતાનો પ્રાણ કાઢવો જોઈએ, અને જ્યારે તે પોતાની મેળે તેમ કરતી નથી, ત્યારે કોઈએ તેને વાસ્તે તે કામ કરવું જોઈએ.

એ પ્રમાણે એક રાત્રે કરણ પોતાના મનમાં વિચાર કરતો હતો. ઘરમાં સઘળાં ચૂપાચૂપ સૂઈ ગયેલાં હતાં. એક દીવો માત્ર ઝાંખો બળ્યા કરતો હતો, અને મધ્યરાત્રિને સમયે તેનો સૂવાનો ઓરડો જાણે ખાવા ધાતો હોય એવો દેખાતો હતો. એવે વખતે વિચાર કરતાં કરતાં એટલો તો તે જુસ્સા ઉપર ચઢી ગયો, તથા તેને એટલું તો શૂર ચઢી આવ્યું કે પથારી ઉપરથી એક લલંગ મારી તે કૂદી પડ્યો, અને પોતાની તલવાર ખેંચી જે ખાટલા ઉપર દેવળદેવી સૂતેલી હતી ત્યાં જઈને ઊભો રહ્યો. દેવળદેવી ભર નિંદ્રામાં સૂતેલી હતી. તેના સુંદર કેશ છૂટા વિખેરાઈ ગયેલા ગમે તેમ પડેલા હતા. તેની ચળકતી આંખો ઉપર પોપચાં અડધાં બિડાયેલાં હતાં, તે રાત્રે જેમ કમળના ફૂલની પાંખડીઓ બંધ થાય છે તેના જેવી દેખાતી હતી. તેના હોઠ જરા આઘા રહેલા હતા, તેમાંથી તેનો ખુશબોદાર શ્વાસ નીકળતો હતો, અને એ ખીલેલા ગુલાબની પેઠે તેઓ મંદમંદ હસતા હોય એમ દેખાતા હતા. તેનું આખું શરીર નિંદ્રાને વશ થઈ બેભાન પડ્યું હતું, અને તેનું સુંદર વદન નિર્દોષપણાને લીધે આનંદમાં દેખાતું હતું. તે સ્વર્ગથી ઊતરી આવેલી અપ્સરાના જેવી લાતી હતી, તેને માત્ર જોવાથી જ ગમે તેવા ખૂની માણસનું પણ ખૂન ઊતરી જાય, આવા પરલોકના પ્રાણીને ઉપદ્રવ સરખો પણથાય નહીં, તો પછી તેને મરવાને ક્યા દુષ્ટ ચંડાળનો હાથ ઊપડે ? વળી આ ઠેકાણે તો તેનો બાપ જ ખૂની હતો. તે બંનેની વચે સહવાસથી ઘણો જ ગાઢો પ્યાર બંધાયેલો હતો. એથી જ્યારે કરણે તેની ઊંઘતી દીકરીનું મોં જોયું એટલે તરત તેના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ, અને તે ત્યાં સ્તબ્ધ થઈને ઊભો રહ્યો. અરે, હું કેવો રાક્ષસ ! હું કેવો રાની પશુ કે આવું નિર્દય કામ કરવા તૈયાર થયો હતો, અરે પરમેશ્વર ! તેં ઠીક વખતે મને રોક્યો, નહીં તો આજ હું મારી આ તલવાર મારી છોકરીના અંતઃકરણમાં ખોસત. શિવ ! શિવ ! શિવ ! રે ભગવાન ! હું આ શું કરતો હતો ? શું મારે હાથે મારી જિંદગીનો આધાર તોડી નાખતો હતો ? તે કરતાં તેને શંકળદેવને પરણાવવામાં શી હરકત છે ? તેને તેની સાથે પરણવું બહુ ગમે છે; ને શંકળદેવને વાસ્તે હરઘડી હિજરાયા કરે છે; તેણે શંકળદેવના વિયોગથી પોતાની સઘળી કાયા ગાળી નાખી છે. તયારે જો હું તેને દેવગઢ પરણાવું તો લડાઈ પતી જાય. દેવગઢનો રાજા તેનું રક્ષણ કરવાને સમર્થ છે. અને તેને તો જુદા કારણને સારું અલાઉદ્દીનના લશ્કર સાથે યુદ્ધ કરવું જ છે. માટે તેની સાથે એ છોકરીનું લગ્ન કરવું. તેની જાત હલકી તો છે ખરી, તે મરેઠો છે માટે તેની પદવી રજપૂતોના જેટલી તો નથી તોપણ તેઓ યાદવ છે; અને આવી લાચારીને વખતે કુળ જોવામાં કાંઈ ફાયદો નથી. ઊલટું નુકસાન છે. માટે શંકળદેવ તથા દેવળદેવીએ જે ખાનગી લગ્નની પ્રતિજ્ઞા કરી છે તે મારે મંજૂર છે. એ ઠરાવથી તેને શાંતિ થઈ, અને તેના મનનું તોફાન નરમ પડી તેને ઊંઘ આવી.

આ વાત બન્યા પછી થોડેક દહાડે કરણની છાવણીમાં એવી બૂમ ચાલી કે દેવગઢ તરફથી એક લશ્કર આવે છે. તે કોનું હશે એ ન જાણવાથી કરણના સિપાઈઓમાં ઘણો ગભરાટ થયો, અને તેઓના મનમાં એવો સંદેહ ઊપજ્યો કે જે લશ્કરની મુસલમાન લોકો રાહ જુએ છે તે એ જ હશે. જેથી તેઓ સઘળા તેને અટકાવવાને તૈયાર થઈ ગયા. અલફખાંએ એવું ધાર્યું કે મને જતાં વાર લાગી તેથી મલેક કાફુરે મને આ દદ મોકલી હશે તેથી તેનાં માણસો ઘણાં ખુશી થયાં, અને આ નવા આવનારાઓને આદરમાન આપવાને તેઓ સઘળા તત્પર થઈ રહ્યા. જ્યારે તે લશ્કર થોડું પાસે આવ્યું ત્યારે એવું માલૂમ પડ્યું કે, એ તો ભીમદેવ થોડાંક માણસો લઈને આવે છે, પણ તેની આવવાની શી મતલબ હશે તે કોઈના જાણ્યામાં આવ્યું નહીં. અલફખાંને હવે નક્કી થયું કે જેઓ આવે છે તેઓ તેના મદદગાર ની પણ ઊલટા શત્રુ છે માટે તેઓને અટકાવી પાછા વાળવા જોઈએ. અને તે કારણસર તેણે પોતાનાં થોડાં માણસો આગળ મોકલ્યાં. કરણ પણ ઘણા સંદેહમાં પડ્યો. ભીમદેવની લશ્કર લીઈને આવવાની શી મતલબ હશે ? શું તેનો વિચાર દેવળદેવીને બળાત્કારે લઈ જવાનો હશે ? જો એમ હશે તો પહેલાંથી જ હું તેને મારી ખુશી બતાવીશ, પછી તે શા માટે જોર કરશે ? શું તેનો વિચાર ફરીથી દેવળદેવીનું માગું કરવાનો હશે ? એમ હોય (હોય તો કેવું સારું) તો હું તેના ઉપર જાતે મોટો ઉપકાર કરતો હોઉં એવું દેખાડી કેટલીક શરતે તેની વાત કબૂલ કરીશ. તે અલફખાંને મદદ કરવાને તો આવ્યો નહીં જ હશે. તેને અને અલાઉદ્દીન પાદશાહને તો કટ્ટું વેર છે. પણ હવે તે આવશે ત્યારે સઘળી વાત જલદીથી જણાઈ આવશે.

ભીમદેવે પોતાની સામે લડવાને મુસલમાનોનું એક લશ્કર આવે છે એમ જાણીને, તથા લડાઈ કરી વખત ખોવાની તેની ખુશી ન હતી તેથી પોાનો રસ્તો બદલ્યો, અને એક અજાણે માર્ગેથી પોતાનું લશ્કર લઈ જઈ જલદીથી કરણની છાવણીમાં જઈ પહોંચ્યો. મુસલમાન લોકોની ટુકડી ઘણે આગળ ગઈ, પણ ભીમદેવનાં માણસોને કાંઈ દીઠાં નહીં. આસપાસનાં ગામના લોકોએ ખોટી ખબર આપી તેઓને આણીગમ-તેણેગમ ઘણા રઝળાવ્યા, અને પછી તેઓ જ્યારે કટ્ટી ઝાડીમાં સપડાઈ ગયા ત્યારે તેઓના ઉપર ગામડિયા તથા પહાડી લોક તૂટી પડ્યા. આવે વખતે થોડાક મુસલમાન લોકો શું કરે ? તેઓને નાસવાનો કાંઈ રસ્તો જડે નહીં, ચોતરફથી ઘેરાઈજ્ઞ ગયા તેથી તેઓ નિરાશ થઈ મારીને મરવું, એવો નિશ્ચય કરી લડવાને ઊભા રહ્યા. પણ શેરને માથે સવાશેર, અજાણે ઠેકાણે ઝાડી અને પહાડીની વચ્ચોવચ આવી ગયેલા અને દુશ્મન એક પણ જણાય નહીં, પણ તેઓનાં તીરનો વરસાદ માથા ઉપર વરસ્યા જ કરે, તેથી એક બે દહાડામાં તેઓ સઘળા માર્યા ગયા, અને તેઓમાંથી એક પણ પોતાના સોબતીઓની ખબર કરવાને અલફખાંની પાસે જઈ શક્યો નહીં.

ભીમદેવનું કરણે ઘણું સન્માન કર્યું તથા તેને પરોણો જાણી પોતાની પાસે રાખ્યો. રસ્તાની મુસાફરીથી જે થાક લાગ્યો હોય તે ઊતર્યા પછી ભીમદેવે દેવળદેવીની વાત કાઢી, અને કરણને સમજાવીને કહ્યું કે ‘‘શંકળદેવ તથા દેવળદેવીની વચ્ચે અસાધારણ પ્યાર બંધાયેલો છે. શંકળદેવ દેવળદેવી વિના ક્ષય રોગમાં પડ્યો છે, અને તેને જો તે નહીં મળશે તો તેનું નક્કી મૃતયુ થશે. દેવળદેવીને પણ તે જ પ્રમાણે તેને વાસ્તે લાગતું હશે. હવે તેઓને પરણાવવામાં તમારી તરફથી શી હરકત છે ? કુળની બીજી કાંઈ નથી. પણ તમે મારા અભિપ્રાય પ્રમાણે એવા મૂર્ખ નહીં હો કે એવી જૂજ વાતને વાસ્તે તમારી છોકરીના સુખનો નાશ કરશો, તથા તમને થતા લાભ મૂકી દેશો. કુળની વાત ઘણી જ નજીવી છે. જેવા તમે રજપૂત તેવા અમે યાદવ છીએ. માટે એ લગ્ન કરવામાં તમને કાંઈ કલંક લાગવાનું નથી; પણ ફાયદા કેટલા થશે એનો તો વિચાર કરો. આ સઘળી લડાઈ દેવળદેવીને વાસ્તે છે. જો અલફખાંને ખબર થશે કે જે રાજકન્યા લેવા આવ્યા છીએ તે તો બીજાના હાથમાં જઈ ચૂકી તો તે તરત છાવણી ઉપાડી અમારી સાથે લડવાને આવશે, પછી અમે છીએ અને તેઓ છે. વળી અમે તમને માણસની તથા પૈસાની મદદ કરીશું, એટલે જ્યાં સુધી મારાથી દેવળદેવીને લઈને દેવગઢ પહોંચાશે નહીં ત્યાં સુધી આપણો બચાવ કરી શકીશું. માટે મારી વાત કબૂલ કરો.’’

કરણને એ સઘળું સાંભળવાની આશા જ હતીભ, તથા તેને શો જવાબ દેવો, એ પણ તેણે આગળથી નક્કી કરી રાખેલો જ હતો. તે પણ તે બહારથી ઘણો દિલગીર જણાયો, અને થોડી વાર સુધી જવાબ દેવામાં આનાકાની કરી. પણ જ્યારે તેના ભીમદેવે ઘણા કાલાવાલા કર્યા, ત્યારે તે બોલ્યો : ‘‘તમે કહો છો તે સઘળું ખરું છે. તમારા ભાઈ સાથે મારી દીકરીનું લગ્ન કરવાથી તમે ફાયદા બતાવો છો તે મને થાય તો ખરા, પણ કુળની વાત ઉપરથી જ મારું મન આંચકો ખાઈ જાય છે. હલકા કુળમાં છોકરીનાં લગન કરવાં એમાં અમે ઘણામાં અમે ઘતામાં ઘણી ગેરઆબરૂ માનીએ છીએ. પણ જો શંકળદેવને નહીં પરણાવું તો તે મ્લેચ્છ તુરકડાઓના હાથમાં પડશે, એ પણ વિચારવું જોઈએ. તમને અમે હલકા ગણીએ છીએ તોપણ તમે મુસલમાનો કરતાં લાખ, કરોડ દરજ્જે સારા છો; માટે એમાંથી તમારી સાથે સંબંધ કરવો વધારે સારો છે, એમ સમજી તમારી વાત કબૂલ કરું છું પણ તમારાથી એ દેવળદેવીને અહીંથી શી રીતે લઈ જવાશે ? અલફખાંની મદદે એક મોટું લશ્કર એકબે દહાડામાં આવનાર છે, તે આવે તેની અગાઉ તમારે અહીંથી જવું જોઈએ. હું પણ તમારી સાથે આવીશ, અને તમારી લડાઈમાં સામેલ થઈ મારાથી બનશે એટલી મદદ કરીશ. માટે હવે ઉતાવળથી દેવળદેવીને લઈને આપણે સઘળાએ કોઈ આડેઅવળે રસ્તે બહાર નીકળી જવું જોઈએ. દેવગઢ પહોંચ્યા એટલે પાર પડ્યાં.’’

પ્રકરણ ૧૪ મું

કરણ રાજાની છાવણીમાં ભીમદેવ આવ્યો, અને તેને અટકાવવાને મોકલેલાં માણસોનું શું થયું એ વાતની કાંઈ ખબર પડી નહીં, ત્યારે અલફખાંને ઘણી ચિંતા થઈ. તેણે પોતાના સિપાઈઓના શા હવાલ થયા, એ વાતનો નિશ્ચય કરાને ઘણાં માણસોને મોકલ્યાં, પણ તેઓની ખબર હાથ લાગી નહીં. ચાર-પાંચ દહાડા વહી ગયા, પણ કોઈ રીતના સમાચાર મળ્યા નહીં. તેની પાસેનું લશ્કર બે મહિના લગી લડવાથી તથા આ માણસોના ગુમ થવાથી ઘણું જ ઓછું થઈ ગયું. તેઓને પોતાનું કામ સહેલાઈથી કરી લેવાની જે આશા હતી તે નિષ્ફળ ગઈ તેથી તેઓ ઘણા નાહિમ્મત થઈ ગયા, અને અલફખાં ઉપર સઘળા બડબડવા લાગ્યા. એથી ઊલટું, કરણના લશ્કરમાં ભીમદેવના આવવાથી વધારો થયો. તેઓને આવે વખતે મદદ આવી મળી એ જાણે ઈશ્વરની તરફથી મોટી કૃપાનું ચિહ્ન મળી આવ્યું હોય એમ જાણીને તેઓ ઘણા ખુશી યા, અને તેઓની લડવાની હોંશ વધારે જાગ્રત થઈ. હવે ભીમદેવ દેવળદેવીને જલદીથી લઈ જશે એટલે લડાઈનું કારણ બંધ થશે, એમ જાણી તેઓ ઘણા ઉમંગમાં આવ્યા.

આ વખતે અલફખાંની અવસ્થા કોઈ હલકામાં હલકો સિપાઈ પણ અદેખાઈ ન કરે એવી થઈ હતી, તથા તેના મનમાં જે ફિકર તથા ઉદાસી ઉત્પન્ન થઈ તે એવી હાલતમાં જે માણસ પડેલો હોય તે જ જાણે, તેણે આટલી ઉંમરમાં મોટી મોટી લડાઈઓ કરીને જે કીર્તિ મેળવી હતી તે આવી હલકી લડાઈમાં સઘળી એકદમ ધોવાઈ જવા બેઠી. એક સપાટામાં આખું ગુજરાત જીતી લેવાથી તેણે જે નામ મેળવ્યું હતું તે ઉપર પાણી ફરી વળવાનો વખત આવ્યો. પાદશાહનો સંબંધી હોવાને લીધે તથા પોતાનાં મોટાં પરાક્રમને લીધે જે તેણે મોટામાં મોટી પદવી સંપાદન કરી હતી તે પદવી ઉપરથી આવી ધૂળગજાની વાતને વાસ્તે ગબડી પડવાનો પ્રસંગ આવ્યો; અને જો દેવળદેવીને ભીમદેવ દેવગઢ લઈ જશે, જો તે શંકળદેવની સો પરણશે, જો તેમ થવાથી તે કદી હાથ આવશે નહીં, અથવા તેને પકડવામાં ઘણી ઢીલ થશે, જો તેથી કૌળારાણી કોપાયમાન થશે. અને તે પોતાની સત્તા પાદશાહ ઉપર ચલાવશે, તો પાદશાહનો સ્વભાવ એવો હતો કે તેનો આવો નિકટનો સંબંધ છતાં, તેની મોટી પદવી છતાં, તથા તેની આગલી ચાકરી ઉપર નજર રાખતાં છતાં તેની જિંદગી તથા માલમિલકત તથા કુટુંબકબીલો સલામત રહેશે નહીં એ વાતની તેને પક્કી ખાતરી હતી. એ સઘળા વિચારથી અલફખાં શોકાતુર થઈને બેઠો હતો, એમાં કાંઈ આશ્ચર્ય ન હતું. હવે એક વાત પર સઘળી આશા રહી હતી. તેની આબરૂ તથા જિંદગી એક દોરા ઉપર ટંગાયેલી હતી. જો છેલ્લી વારે પાસો સવળો પડે તો સઘળી રમત મનમાની રીતે પાછી ઠેકાણે આવે. જો પરમેશ્વર તેના ઉપર આ વખતે રહેમ કરે તો જ તે જીવતો રહે. તેણે બીજા સિપાઈઓ એકઠા કરવાને જે માણસો મોકલ્યાં હાં તેઓ હજી પાછાં આવ્યાં ન હતાં. નવા સિપાઈઓ જલદીથી આવી પહોંચશે એવી તે ઘડીએ ઘડીએ આશા રાખતો હતો, અને એ મદદ જેમ બને તેમ તાકીદથી આવે તેને માટે તે ખુદાતાલાની રોજ બંદગી કરતો હતો. કેટલાંક કાર્યનાં કારણો ઈશ્વરે માણસોથી ગુહ્ય રાખ્યં છે. ઈશ્વરે અલફખાંની પ્રાર્થના સાંભળી તથા મંજૂર કરવી, મુસલમાનોનું જોર વધારવું, તથા હિંદુઓને છૂંદવા એ તેમાંનું એક કાર્ય હતું. તેનો આ હેતુ કોઈ ડાહ્યા જ કારણથી નિર્માણ થવો જોઈએ. અલફખાંની જિંદગી તથા કીર્તિ સલામત રહેવાની, શંકળદેવને વાસ્તે દેવળદેવી સર્જિત નહીં હોવાની, દેવળદેવીના ઉપર પણ કેટલીક આફ આવી પડવાની, તે પણ તેની માની પેઠે મ્લેચ્છ લોકોના હાથમાં જવાની, અને તેનું અંતે અકાળ તથા દુઃખદાયક મૃત્યુ થવાનું. કરણ તેના મનમાં જે વિચાર કરતો હતો કે મારા ઉપર હવે વધારે દુઃખ પડી શકવાનું નથી તે વિચાર ખોટો પડવાનો, તેની આફતનો ઘડો હજી ભરાયો ન હતો તે છલાછલ ભરાવાનો, તેની વહાલી છોકરી તેના હાથમાંથી જવાની, તે મ્લેચ્છ વરને વરવાની, તથા તેન. રઝળીરખડીને મરવાનું, એ સઘળું નિર્માણ થયેલું તેથી જ એક સાંજરે ક્ષિતિજમાં ધૂળના ગોટેગોટા જણાયા, અને થોડા કલાકમાં અલફખાંની છાવણીમાં હિમ્મત તથા હોંશથી ભરેલા પાંચ હજાર તાજા લડવૈયા આવીને મળ્યા. તે વખતે અલફખાંને જે બેહદ આનંદ થયો તેનું વર્ણન કરી શકાતું નથી. આખા લશ્કરમાં જય જયકારની બૂમ ચાલી, અને તેઓએ એક મોટી ફતેહ મેળવી હોય તેટલી ખુશી તથા આવેશ સઘળા મુસલમાન સિપાઈઓમાં પેદા થયો.

આ નવાં માણસો આવ્યાં એટલે તાકીદથી તથા ધમધોકાર કામ ચલાવવું, એવો અલફખાંએ નિશ્ચય કર્યો. તેણે લડવાની સઘળી તદબીર મનમાં ગોઠવી, તથા બીજે દહાડે તેને અમલમાં લાવવાનો સઘળા લશ્કરી અમલદારોને હુકમ આપ્યો. તેણે પહેલું કામ એ કર્યું કે બાગલાણમાંથી નીકળવાના પહાડના જે રસ્તા હતા તે સઘળા બંધ કરવાને થોડાં થોડાં માણસો મોકલ્યાં, અને લશ્કરનો મોટો ભાગ પોતાની સાથે લઈને તે કરણના લશ્કર સામે ચાલ્યો.

કરણ રાજા આનંદમાં પોતાની છાવણીમાં ફરતો હતો. મુસલમાનોનું લશ્કર એક ઠેકાણે પડી રહેલું હતું તેનું કારણ તેઓનું કમજોર હતું, એમ તે સારી પેઠે જાણતો હતો. પોતાનાં તથા ભીમદેવનાં માણસો એકઠાં મળવાથી દેવળદેવી સહીસલામત દેવગઢ પહોંચશે એવી તેની ખાતરી થઈ હતી. લડાઈ પૂરી થશે, અને દુશ્મનોની ઉમેદ નિષ્ફળ જશે એ વિચારથી તે ઘણો ખુશ થતો હતો, અને અગર જો એક હલકા કુળના મરેઠા સાથે પોતાની છોકરીને પરણાવવી પડે છે, એ વાત યાદ આવ્યાથી તેને ઘણો સંતાપ થતો હતો તોપણ પરદેશી મ્લેચ્છ કરતાં તે ઘણો સારો એટલાથી જ તેના મનનું સમાધાન થતું હતું. તેના માણસો પણ તેટલા જ ઉમંગમાં હતાં. તેઓ લડાઈથી છેક કંટાળી ગયાં હતાં. અને અગર જો તેઓ રજપૂત હોવાને લીધે તથા આબરૂ વિષે તેઓના ઘણા ઊંચા વિચાર હોવાને લીધે કરણને મુકીને તેઓથી જતાં ન રહેવાયું, તોપણ આબરૂની સાથે પાછા ઘેર જવાનો હવે વખત આવ્યો તેથી તેઓ ઘણા આનંદમાં હતા. કુચ કરવાની તૈયારી થઈ; છાવણી ઉપાડવાનો હુકમ મળ્યો, સઘળા સિપાઈઓએ પોતપોતાનો સામાન તૈયાર કર્યો. દેવળદેવી પોતાનાં કીમતી વસ્ત્ર તથા શણગાર સજી ઘોડા ઉપર સવાર થઈ. કરણ અને ભીમદેવ પણ તે જ પ્રમાણે લડવાનો સામાન સાથે લઈને લશ્કર જોડે ચાલ્યા; પણ તેઓ થોડેક દૂર ગયા એટલે એક જાસૂસ દોડતો દોડતો તેઓની પાસે આવ્યો, અને શ્વાસ ખાધા વિના કરણ તથા ભીમદેવને સમાચાર કહ્યા કે ‘‘અલફખાંના લશ્કરમાં બીજાં નવાં પાંચ હજાર માણસો હમણાં જ ઉમેરાયાં છે, તેણે સઘળા નાકાં ઘેરી લીધાં છે, તથા આપની સાથે લડવાને તે પોતે આવે છે.’’

‘‘અરે પાપી ! આવી ખબર ક્યાંથી લાવ્યો ?’’ અક્ષર જાસૂસની ખબર સાંભળતાં જ કરણના મોંમાંથી નીકળી ગયા. આખું લશ્કર ત્યાં સ્થિર થઈ ઊભું રહ્યું. સઘળાનાં શરીર ઉપરથી લોહી ઊડી ગયું. કરણ અને ભીમદેવ તો મૂઢની પેઠે ઊભા થઈ રહી એકબીજાની તરફ એકીનજરે જોવા લાગ્યા. દેવળદેવી ઘોડો ઉપર બેહોશ થઈને પડી જાત, પણ એક સિપાઈએ તેને પકડી લીધી. તે તો ઘેલી જેવી જ થઈ ગઈ. સઘળાઓને એક વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ તેઓ સ્થિર થઈ ગયા. કોઈએ તેમના ઉપર સ્તંભનમંત્ર અજમાવ્યો હોય તે પ્રમાણે તેઓ સઘળા પથ્થરનાં પૂતળાંની પેઠે જડ જેવા ઊભા રહ્યા. લશ્કર સઘળું ચૂપાચૂપ થઈ ગયું. કોઈ બોલે પણ નહીં. અને ચાલે પણ નહીં. આવી અવસ્થામાં આવી પડવાનું કારણ કાંઈ તેઓની નામરદાઈ હતું, એવું કદી કોઈએ એક ક્ષણ વાર પણ મનમાં આણવું નહીં. રજપૂત સિપાઈઓ લડાઈથી કદી બીતા નથી; લડવામાં તેઓ ઘણી ખુશી માને છે; લડવું એ તેમનો ધર્મ સમજે છે; લડાઈમાં મરવાથી દેવલોક પ્રાપ્ત થાય છે; તથા અપ્સરાઓ તેમને વરે છે એવો તેમનો મન છે; લડાઈએ એક જાતની રમત છે, એમ માનવાની તેઓને નાનપણથી ટેવ હોય છે; એથી ઊલટું લડાઈથી બીવામાં તેઓ ઘણી નામોશી ગણે છે; લડતાં પાછાં ફરવામાં તેઓ મોટી ગેરઆબરૂ માને છે. આ વખતે તેઓ સ્થિર થઈને ઊભા રહ્યા તેનું કારણ લડવાની બીક સિવાય કાંઈ જુદું જ હતું. તેઓ તો આ બનાવથી મૂઢ જેવા થઈ ગયા હતા. જે ઉમેદ તેઓએ બાંધી હતી તે સઘળી બિલોરી કાચની પેઠે ફૂટી ગઈ; જે વસ્તુ તેઓના હાથમાં આવી ચુકેલી માનતા હતા તે છટકી ગઈ; તથા જે કામ પાર પાડવાની તૈયારી ઉપર આવેલું હતું તે સઘળું ઊંધું થઈ ગયું. એ બધું એકી વારે વગર ધાર્યે બન્યું તેથી તેઓનાં મનમાં આંચકો લાગ્યો હતો.

કરણે ત્યાં જ પોતાના લશ્કરને અટકાવવાનો હુકમ કર્યો અને હવે શું કરવું તે વિષે વિચાર કરવાને પોતે, ભીમદેવ તથા બીજા વૃદ્ધ તથા અનુભવી સામંતો એક ઠેકાણે મળ્યા. નવા આવેલા સિપાઈઓ તથા તેઓના આવવાને લીધે નવી હિમ્મત પકડેલા મુસલમાનોની સાથે, લડાઈથી થાકેલા તથા નાહિમ્મત થઈ ગયેલા, હોંશ વિનાના રજપૂતો વડે લડવું એ કામ તેઓને જોખમભરેલું લાગ્યું. વળી જો હાર થાય તો ઘણાં માણસ કપાઈ જાય, તેની સાથે દેવળદેવી કદાચ દુશ્મનોના હાથમાં પડે એ વિષે ભીમદેવને ઘણી દહેશત હતી, માટે હમણાં લડાઈ કરાની વિરુદ્ધ તેણે પોતાનો અભિપ્રાય આપ્યો. બીજા સામંતોએ પણ એવી જ સલાહ આપી કે ‘‘લડવામાં કંઈ ફાયદો નથી.’’ હવે શું કરવું ? બાગલાણાના કિલ્લામાં જઈને ભરાઈ બેસવા સિવાય બીજો કાંઈ ઉપાય ન હતો. તેમ કરવામાં ફાયદો એટલો જ કે, જો લડવાનું યોગ્ય લાગે તો કિલ્લામાંથી બહાર નીકળી પડી શકાય અને જો હાર થાય તો પાછા કિલ્લામાં જઈ શકાય, અને ફરીથી યુદ્ધ કરવાનું બની આવે. એ પ્રમાણે કરવામાં અગર જો થોડી નામર્દાઈ હતી, અગર જો પાછળ ભરાઈને માર મારવો એ તેઓની નજરમાં કાયર પુરુષનું કામ હતું, તોપણ આવે વખતે તેઓની અવસ્થામાં એ જ સારાં સારો રસ્તો તેઓને જણાયો. મરીને શું કરવું ? ‘જે આજે લડીને નાસી જાય તે કાલે લડવાને જીવતા રહે’ એ કહેવત પ્રમાણે ચાલવાનો તેઓએ નિશ્ચય કર્યો. પણ કિલ્લામાં ભરાઈ રહેવામાં એક મોટો ગેરફાયદો હતો. બાગલાણ ગામ કાંઈ મોટું ન હતું; ત્યાંના વેપારીઓ મોટા તથા દ્રવ્યમાન ન હતા; તેથી આસપાસ કાંઈ ઘણાં ગામો ન હતાં; પાસેનાં ખેતરોમાં અનાજ પુષ્કળ પાકતું ન હતું; લોકો જે અનાજ વાપરતા હતા તે આઘેથી આવતું હતું; શહેરમાં ખાનગી લોકો પાસે કાંઈ અન્નનો ઘણો સંગ્રહ ન હતો; તથા દુકાનોમાં માલ જોઈએ તેટલો ન હતો. જો શહેરના લોકોમાં ઉમેરો ન થાય તો આશરે બે-ત્રણ મહિના સુધી ચાલે એટલું અનાજ હતું, પણ જ્યારે લશ્કરનો પડાવ શહેરમાં થાય ત્યારે એક મહિનો પણ પહોંચે એટલો માલ નીકળવો મુશ્કેલ પડે. માટે જે કરવું તે એક મહિનાની મંદતમાં કરી લેવું અને મુસલમાનોને મારી હઠાવવા અથવા તેઓને કાયર કરી થકવીને પાછા કાઢવા; પણ જો એ બેમાંથી એક પણ કામ તેટલી ટૂંકી મુદતમાં બની ન શકે તો પછી શી અવસ્થા ? જો મુસલમાનો જય મેળવીને કિલ્લો સર કરે, અથવા કિલ્લા આગળ ધીરજથી પડી રહે અને શહેરમાં અનાજ આવતું બંધ કરે, અને તેથી ભૂખમરાને લીધે આપણને શરણ થવાની જરૂર પડે, ત્યારે તેમ કરવું ? નાસવાનો રસ્તો કદાચ રહે નહીં; પણ સઘળી હકીકત ઉપર વિચાર કરતાં તેઓ સઘળાએ જલદીથી પાછા ફરી કિલ્લામાં જોવાનો એકમતે ઠરાવ કર્યો.

ઉપર પ્રમાણે હુકમ થતાં જ સઘળું લશ્કર ભારે દિલગીરીની સાથે પાછું ફર્યું અને યમુના રાજ્ય તરફ જતા હોય તેવી મનોવૃત્તિ રાખીને તથા જીવવાની સઘળી આશા છોડી દઈને અને બૈરીછોકરાં તથા બીજા સંબંધીઓને વિસારી દઈને તેઓ આગળ ચાલ્યા. સઘળા વિચારમાં તથા ફિકરમાં ગરક થઈ ચૂપાચૂપ ચાલતા હતા. પાછળ અલફખાંનું લશ્કર ઘણા ઉમંગમાં તથા જય મેળવવાનો પક્કો ભરોસો રાખી કૂચ કરતું હતું. તેઓને પણ અનાજની તાપ હતી, પણ તેઓએ અનાજ પુરું પાડવાને વેપારીઓ જોડે બંદોબસ્ત કર્યો હતો, સઘળાં નાકાં તેઓના હાથમાં આવ્યાં એટલે તેઓની છાવણીમાં વણજારને આવવાની કાંઈ હરકત રહી ન હતી. તેની સાથે વળી તેના રસ્તામાં તથા તેની આસપાસ જે જે ગામો આવતાં ત્યાં જઈ સઘળું અનાજ લૂંટી લાવતા તે તેઓને મુસાફરીમાં કામ લાગતું હતું. વળી તેણે સઘળાં ગામોના લોકોને સમજાવીને શહેર તરફ હાંકી મૂક્યા, અને તે લોકોને પણ અનાજ ગયા પછી જીવવાનો કશો આધાર રહ્યો નહીં, તેથી તેઓ પણ પોતાનાં બૈરાંછોકરાં તથા સાથે લઈ જવાય એવી માલમતા જોડે રાખી બાગલાણ તરફ જવાને નીકળ્યા, અને કરણ કિલ્લામાં પહોંચ્યો નહીં એટલામાં તો તેઓ શહેરમાં દાખલ થઈ ગયા. એ પ્રમાણે તે શહેર લશ્કર સિવાયના માણસોથી ખીચોખીચ ભરાઈ ગયું. પછી એકબે દહાડામાં કરણના લશ્કરે શહેરમાં પડાવ નાખ્યો, અને કિલ્લાનો તથા શહેરનો બચાવ કરવાને સઘળી તૈયારી કરવા માંડી. લુહારની દુકાનો જાગ્રત થઈ ગઈ; ભાલાઓ, તીરનાં ભાલુડાં, બખતર વગેરે હુમલો તથા બચાવ કરવાનાં શસ્ત્રો તૈયાર થવા માંડ્યાં; તથા શહેરમાંના જુવાન પુરુષોએ પણ જરૂર પડે તો લડવાને વાસ્તે સામગ્રી કરવા માંડી.

એ પ્રમાણે ચારપાંચ દહાડા વીત્યા એટલે અલફખાંનું લશ્કર પણ શહેરના કોટ આગળ થોડે દૂર છાવણી નાખીને પડ્યું, અને દુશ્મનોના મથી પોતાનો બચાવ કરવાને પાકાં કામ બાંધવાનો તેમણે આરંભ કર્યો. તેઓ ધીરજ રાખી લાંબી મુદત સુધી છાવણી નાખીને ત્યાં જ રહેવાના હોય એવી રીતે તેઓએ પાકાં કામ બાંધવા માંડ્યાં; તથા બીજી રીતનો બંદોબસ્ત કરી દીધો, તે ઉપરથી એવું જણાયું કે તેઓને કંઈ ઉતાવળ ન હતી; જે કામને સારુ તેઓ ત્યાં આવ્યા હતા તે કામ પાર પાડ્યા વિના ત્યાંથી એક તસુ પણ પાછા ન ખસવાનો તેઓનો દૃઢ નિશ્ચય માલૂમ પડતો હતો. તેઓ હુમલો કરવાને આગળ ધસતા ન હતા; માત્ર શત્રુઓથી પોતાનો બચાવ કરતા હતા. અલફખાંનો ઈરાદો લડાઈ કરી માણસો તરફનું નુકસાન વેઠવાનો ન હતો. તે સારી પેઠે જાણતો હતો કે શહેરમાંથી થોડા દહાડામાં અનાજ ખૂટી જશે, એટલે માંહેમાંહે લૂંટ ચાલશે, અને છેલ્લી વારે વગર શરતે તાબે થવાની તેઓને જરૂર પડશે, માટે તેની મુખ્ય મતલબ શહેરમાંનું અનાજ ખુટાડવાની હતી, અને તેથી તેણે સઘળાં નાકાં બંધ કર્યાં, અને શહેરમાં એક દાણો પણ અનાજ જઈ ન શકે, એવો બંદોબસ્ત કર્યો. એ કર્યા પછી ધારેલું કામ વગર મહેનતે અને વગર લડાઈએ અને કોઈ રીતે નુકસાન ખમ્યા સિવાય કરી લેવાના અવસરને વાસ્તે શાંત મન રાખી રાહ જોતો બેઠો.

શહેરમાં ગયા પછી કરણને માલુમ પડ્યું કે અનાજને વાસ્તે જે ધાસ્તી રાખવામાં આવી હતી તે ખરી હતી. અતયારથી જ અનાજ મોંઘું થઈ ગયું, અને થોડા દહાડામાં દુકાનોનો માલ ખપી જશે એમ દેખાયું. આખા શહેરમાં એ બાબત શોરબકોર થઈ રહ્યો. કરણે પણ જોયું કે જેમ બને તેમ જલદીથી મુસલમાનો પર હુમલો કરવો જોઈએ, અને જો લાગ ફાવે તો તેઓમાંથી નીકળી જવું જોઈએ. એક ઘોર અંધારી રાત્રે કલાક બેને સુમારે કરણ પોતાના લશ્કર સુદ્ધાં કિલ્લાની બહાર નીકળ્યો. તે વખતે કંસારીના અવાજ સિવાય સઘળું ચૂપાચૂપ હતું. વખતે વખતે ઝાડીમાંથી કોઈ રાની પશુનો અવાજ સંભળાતો હતો, અથવા આસપાસનાં નદીનાળાં આગળ શિયાળવાં ભૂંકતાં હતાં, તે શબ્દ કાને પડતો હતો. આકાશમાં ચંદ્રમા નહીં હતો, અને તારાઓથી જે થોડું અજવાળું પડતું હતું તેમાં ઝાડો તથા ટેકરીઓના ઓળા પડવાથી તેટલો થોડો પ્રકાશ પણ ઝાંખો થઈ ગયો હતો. ડગલે ડગલે સિપાઈઓ ઠોકર ખાતા હતા, પણ રસ્તાના જાણનાર ભોમિયા સાથે હતા તેથી આવી અંધારી રાત્રે તેઓ ચાલી શક્યા. થોડેક આગળ ચાલ્યા એટલે તેઓએ દુશ્મનની છાવણી દીઠી. તેને ઓળખવાની નિશાની એટલી જ હતી કે તેની આસપાસ ચોકીદાર લોકોએ મોટાં મોટાં તાપણાં સળગાવ્યાં હતાં. તેના અજવાળાને સુમારે તેઓ આગળ ચાલ્યા, અને શત્રુની છાવણી આગળ લગભગ આવી પહોંચ્યા. તે વખતે સઘળા મુસલમાનો ભરનિદ્રામાં પડેલા હતા. જે કોઈ જાગતું હતું તે પણ સૂઈ રહેલું હતું. કરણે પોતાના લશ્કરની ગોઠવણ કરી, તથા અંધારામાં કેમ લડવું એ બાબતે સઘળા હુકમ જુદાજુદા સરદારોને આપી દીધા. પછી પહેલો જે પહેરેગીર તેઓને મળ્યો તેને તુરત ઠાર માર્યો; પણ તેમ કરવામાં એવું બન્યું કે તેણે મસ્તી વખતે મોટી ચીસ પાડી, તેથી પાસેના પહેરેગીર જાગી ઊઠ્યા, અને બળતાંના અજવાળા ઉપરથી સાફ માલૂમ પડ્યું કે રજપૂતોનું તમામ લશ્કર તેઓના ઉપર આવી પડ્યું છે. આ વાત માલુમ પડતાં જ છાવણીમાં તેઓએ દોડાદોડ કરી મુકી, અને સઘળે ઠેકાણે શત્રુના આવવાની ખબર પહોંચાડી દીધી. મુસલમાનોમાં ગડબડાટ થઈ ગયો; સિપાઈઓ ઝપાજપ ઊઠીને હથિયારબંધ થઈ ગયા; અલફખાં તરત બહાર આવ્યો, અને પોતાના માણસોની વ્યવસ્થા કરવાને તેણે ઘણી મહેનત લીધી. એટલા વખતમાં રજપૂતોએ જે જે મુસલમાન તેઓના હાથમાં આવ્યા તેઓને કાંઈ પણ દયા લાવ્યા વગર કાપી નાખ્યા. એ પ્રમાણે આખું લશ્કર ચીરીને કરણના માણસો બહાર જઈ શકત, પણ અલફખાંએ ઘણા થોડા વખતમાં લશ્કરની ગોઠવણ કરી દીધી, અને દુશ્મનને અટકાવાને ધીરજથી ઊભો રહ્યો. જો આ વખતે રાત અજવાળી હોત તો કરણ તથા દેવળદેવી સહેજે શત્રુના સપાટામાંથી બચી જઈ શકત; પણ આ વખતે અંધકારાને લીધે તેઓની ઝડપ થઈ શકી નહીં, અને તેથી દુશ્મનોને સામા થવાનો વખત મળ્યો. મુસલમાનોના સેંકડો માણસ આ રાત્રે કપાઈ ગયા તેથી અલફખાંના તમામ માણસોને ઘણું શૂર ચઢ્યું, તેઓમાં ક્રોધનો આવેશ આવ્યો, અને તેથી તેઓએ એવો ઠરાવ કર્યો કે મરતાં સુધી રજપૂતોને કદી રસ્તો આપવો નહીં. જ્યારે કરણનું લશ્કર તેઓની પાસે આવ્યું, ત્યારે તેઓને આદરમાન આપવાને તૈયાર છે, એમ જણાવવાને તેઓએ એકી વખતે અને એકેસ્વરે ‘‘અલ્લાહો અકબર’’ની જોરથી બૂમ પાડી. તેની સામા રજપૂતોએ ‘‘હરહર મહાદેવ’’નો પોકાર કર્યો. તે વખતે ઘણો જ ભયંકર હતો. બંને લશ્કરના અવાજથી તે સઘળી જગા ગાજી રહી, અને પાસેના ડુંગરોમાંથી તેનો પડઘો પડ્યો. પાછળથી મરતાં અને ઘાયલ થયેલાં માણસો રડતાં હતાં, તથા દરદને લીધે ચીસાચીસ પાડતાં હતાં તે આ મોટા અવાજમાં ધીમું ધીમું સંભળાતું હતું. અંધારામાં તલવારનો ચળકાટ વીજળીની પેઠે દેખાતો હતો. વળી તે વખતે વાતાવરણમાં પણ જાણે એક યુદ્ધ થઈ રહ્યું હતું. ચારે દિશાએથી પવનના સપાટા સામસામા અથડાતા, તેને લીધે ઝાડોના હાલવાથી પણ તેના કડાકા સંભળાતા હતા. વનમાં ઝાડની ડાળીઓ ભાંગી પડતી તેના કડાકા સંભાળાતા હતા. સૂકાં પાતરાં ચોતરફ ઊડતાં તેનો પણ ખડખડાટ થઈ રહ્યો હતો; અને ધૂળ, પાતરાં તથા બીજી હલકી વસ્તુઓ વંટોળિયામાં ઘસડાઈને ઉપર જતી હતી તેથી હવા સઘળી કચરાથી ભરાઈ ગયેલી હતી. આવી વખતે રાની પશુઓનો શબ્દ તો ડૂબી જ ગયો; નગારખામાં તતૂડીનો અવાજ ક્યાંથી સંભળાય ? એવી રીતે ત્યાંનો દેખાવ થઈ રહ્યો હતો. તયાં વિવેકેબુદ્ધિવાળા માણસો, જેઓને ખરું ખોટું સમજવાની શક્તિ આપેલી છે, જેઓની વચ્ચે કેટલીક તરેહનો સંબંધ રહેલો છે, તથા જેઓએ એકબીજાને પોતાના ભાઈઓ જેવા ગણવા જોઈએ એવો જગતકર્તાનો નિયમ છે, એવા માણસો એકએકનો જીવ લેવાને તૈયાર થયેલા હતા, તેઓ સઘળામાં એક જાતનો શેતાન ભરાયેલ હતો, તેઓના મનમાં એક મોટું તોફાન થઈ રહ્યું હતું, અને સઘળા સારા ગુણો તથા વૃત્તિઓ દબાઈ જઈને તેઓને ઠેકાણે માણસના ઘણામાં ઘણા દુષ્ટ તથા નાશકારક વિકારો પ્રબળ થઈ ગયા હતા; તેઓમાંથી હમણાં માણસપણું ગયું હતું; તેઓમાં પ્રેરણાનું જોર વધી ગયું હતું; માણસ અને કનિષ્ઠ પ્રાણીઓમાં જે અંતર છે તે જતું રહ્યું હતું; વિવેકબુદ્ધિ સમાઈ ગઈ હતી; અને તેઓ તે પ્રસંગે રાની હિંસક પશુઓના જેવા થઈ ગયા હતા. જગતનું હિત ચાહનારા લોકો લડવાને ઘણી જ ધિક્કારે છે એમાં કાંઈ આશ્ચર્ય નથી. એકએકનું કલ્યાણ કરવું એ હેતુથી માણસને પરમેશ્વરે નિર્માણ કર્યા છે; તથા તેઓને સમુદાય બાંધી રહેવાની પ્રેણા આપી છે તે હેતુથી લડાઈથી નિરર્થક થઈ જાય છે. સ્વરક્ષણને માટે જે લડાઈની ખરેખરી અગત્ય છે, તોપણ પોતાના બચાવને માટે લડવું પડે એ કાંઈ થોડું ખેદકારક નથી. સષ્ટિમાં ઘણી વાર યુદ્ધ થતાં જોઈએ છીએ તે ઉપરથી સિદ્ધ થાય છે કે માણસનો સ્વભાવ જેવો થવો જોઈએ તેવો થયો નથી. આ લડાઈ પણ ઘણી ગેરવાજબી હતી. એક માણસની છોકરીને બળાત્કારે તેની પાસેથી લઈ લેવી એ ન્યાયથી ઊલટું હતું, પણ જ્યાં ‘‘જની તેગ તેની દેઘ’’ ત્યાં ન્યાયાન્યાય કોણ સમજે ? હવે લડાઈ વાજબી અથવા ગેરવાજબી ગમે તેવા કારણથી ઊઠી તે વાતમાં કાંઈ સાર નથી, તેનાં પરિણામો શાં થયાં તે તપાસવા લાયક છે.

દરિયામાં ભારે તોફાનને વખતે મોટાં પહાડ જેવાં મોજાં અથડાય છે, અથવા આકાશમાં જોસવાળા પવનથી ઘસડાતાં બે વાદળાં સામસામાં આવી મળી છે, તેમ કરણનું તથા અલફખાંનું લશ્કર એકેકને ભેટ્યું. પણ એ ભેટવું કાંઈ લાડનું ન હતું, એ તો ‘ભીમભાઈના લાડ’ જેવું ભેટવું હતું. છેક પાસે આવી ગયેલા તેથી તીરકામઠાં બિલકુલ નકામાં થઈ પડ્યાં હતાં. તેઓ ભાલા, તલવાર અને વખતે ખંજર, કટાર, વગેરે ટૂંકાં હથિયારો વડે લડતા હતા, એકએકના ઉપર દયા લાવી પ્રાણ ઉગારવાના તેઓએ સમ ખાધા હતા. મારવું અને મરવું, એ જ વાત મનમાં રાખીને તેઓ લડતા હતા. ‘‘અલ્લાહો અકબર’’ એક તરફથી ને ‘‘હરહર મહાદેવ’’ બીજી તરફથી વારેવારે સંભળાતાં હતાં. તલવાર, ભાલા, વગેરેનો ખડખડાટ થઈ રહ્યો હતો. સેંકડો માણસ ઘાસની પેઠે કપાઈ જતાં હતાં. તે કરતાં પણ વધારે માણસ ઘાયલ થઈને પડતાં તેઓ તેમના સોબતીના પગ નીચે છૂંદાઈ જતાં હતાં, અથવા તેઓને તેમના સાથીઓ બાજુ તરફ ફેંકી દેતા હતા ત્યાં તેઓ પડ્યાં પડ્યાં બરાડાબરાડ પડતાં હતાં. એ પ્રમાણે મારામારી તથા કાપાકાપી ત્રણ કલાક સુધી ચાલી; પણ તેટલા વખતમાં બેમાંથી કઈ પાછું હઠ્યું નહીં. સવાર પડવા લાગી, રાતનો અમલ ઊતરી ગયો, પૂર્વ દિશાએ અરુણનો પ્રકાશ દેખાવા લાગ્યો, વાદળાંનો રંગ તે તરફ ઘણો જ સુંદર રતાશ પડતો થઈ ગયો, તારાઓ એક પછી એક પોતાનું મોં છુપાવવા લાગ્યા, અને આસપાસની સઘળી વસ્તુઓ ધીમે ધીમે અંધકારમાંથી નીકળવા લાગી. થોડી વાર પછી જ્યારે સૂર્ય ઘણા દબદબાથી પૂર્ણ બિંબ સાથે બહાર આવયો, ત્યારે એક ભયાનક તથા હૃદયભેદક દેખાવ નજરે પડ્યો; રણભૂમિમાંથી લોહીની નીક વહેતી હતી; કેટલેક ઠેકાણે લોહીનાં ખાબોચિયાં ભરાઈ રહ્યાં હતાં; સામસામાં લશ્કર વાઘ અથવા વરુનાં બે ટોળાંની પેઠે ગુસ્સાથી તથા ક્રૂરપણાથી લડતાં હતાં; બંને તરફનાં મરી ગયેલાં માણસો જુદેજુદે ઠેકાણે તથા જુદીજુદી રીતે જમીન પર પડેલાં હતાં; કેટલાકનાં મોં વકાસેલાં હતાં; કેટલાકની આંખ ઊઘાડી રહી ગઈ હતી; કેટલાકની શિકલ તેઓના મરતી વખતના કષ્ટને લીધે વિકરાળ થઈ ગયેલી હતી; કેટલાકનાં અવયવો કપાઈ ગયેલાં આઘાં પડેલાં હતાં; અને કેટલાંકનાં માથાં વગરનાં ધડ રઝળતા હતાં. તે જ પ્રમાણે ઘાયલ થયેલા લોકો ભોંય પર ટળવળતા હતા; તેઓની ચાકરી કરનાર કોઈ નહીં, તથા તેઓને ત્યાં જે જોઈએ તે આપનાર કોઈ મળે નહીં; કોઈના તેના ઘા ઉપર હાથ ફેરવનાર નહીં; કોઈ તેને મીઠાં વચન કહી જીવને આરામ આપનાર અથવા દરદમાં દિલાસો આપનાર નહીં; તેના ઘા ઉપર ઓસડ ચોપડનાર અથવા કોઈ પણ રીતે તેની વેદના કમી કરનાર મળે નહીં, એટલે બિચારા પોકેપોક મૂકી રોતા હતા. આવી દુઃખદાયક અવસ્થામાંથી પરમેશ્વર તેઓને જલદીથી આ પાર કે પેલે પાર આણે માટે તે દીનદયાળ પ્રભુખી સ્તુતિ કરતા હતા, તથા કેટલાક આવા દુઃખમાં પોતાની મા તથા બાપને સંભારતા હતા. યુદ્ધ કરવામાં શૌર્ય આણવાને બંને તરફવાળાઓ વાજિંત્રો વગાડતા હતા. જ્યારે સકળ સંસારમાં આનંદકારક પ્રભાત પડી હતી તે વખતે આ ઠેકાણે શોકના શબ્દ આ પ્રમાણે સંભળાતા હતા. જ્યારે આસપાસની નીર્જીવ વસ્તુઓ રળિયામણી દેખાતી હતી તે વખતે આવો ભયંકર તમાશો તે ઠેકાણે બની રહ્યો હતો; અને જ્યારે પશુ, પક્ષી આદિ બીજાં કનિષ્ઠ પ્રાણીઓ ઉમંગભેર ઊઠી પોતાનો ખોરાક શોધવાને, અથવા બીજા કાંઈ કામસર, અથવા ફક્ત ગમતને માટે ખુશીમાં કલ્લોલ કરતાં આણીમેર-તેણીમેર ફરતાં તથા ઊડતાં હતાં, તે વખતે માણસ વિવેકબુદ્ધિવાળાં, ખરુંખોટું તથા પાપપુણ્ય સમજનાર, અમર આત્માવાળાં, સૃષ્ટિમાં સર્વોત્કૃષ્ટ પ્રાણી તથા જગતનું ધણીપણું ચલાવનાર એવાં માણસો એકમેકનો પ્રાણ લેતાં હતાં, તથા પશુતુલ્ય થઈ માણસનું મહતવ ખોઈ તેના પેદા કરનારનું અપમાન કરતાં હતાં, તેનો એક મોટો અગત્યનો તથા પવિત્ર હુકમ તોડતાં હતાં.

અજવાળું પડતાં જ બંને લશ્કરવાળાને પોતપોતાને થયેલું નુકસાન માલૂમ પડ્યું અને રાજપૂતો મુસલમાનો કરતાં થોડા માર્યા ગયા તોપણ તેઓની અસલ સંખયા ઓછી હતી તેથી તેઓને ખોટ વધારે જણાઈ, તથા તેઓ ઘણા ઘટી ગયેલા દેખાવા લાગ્યા. દેવળદેવી પણ લશ્કરની સાથે હતી, અને તેને પાછળ રાખેલી હતી. પણ ભીમદેવને તેને વાસ્તે ઘણી ફિકર લાગ્યા કરતી હતી. એટલામાં અલફખાંએ એક તદબીર કરી રાખી હતી તે અમલમાં આવી. તેણે રાત્રે કેટલાંક માણસોને આઘાં રાખ્યાં હતાં, તેઓ હમણાં લડવાને આવ્યાં. તેઓને જોઈને રજપૂત સિપાઈઓના પેટમાં ભારે ફાળ પડી. તેઓને લાગ્યું કે જે પ્રમાણે આ માણસો આવ્યાં તે પ્રમાણે થોડી વાર પછી બીજાં તાજાં માણસ આવશે, અને એવી રીતે તેઓ કદી થાકવાના નથી. એથી ઊલટું તેઓમાં કાંઈ વધારો થશે એવો સંભવ ન હતો; પણ ઊલટો તેઓમાંથી ઘટાડો ગયા કરતો હતો; એવું છતાં જ્યારે અલફખાંના લશ્કરને મદદ મળી ત્યારે તેઓ ઘણા ગભરાયા, તેઓએ જીવવાની સઘળી આશા છોડી દીધી, અને તેમને હાર્યા જેવું જણાયું ભીમદેવને આ વખતે દેવળદેવીને વાસ્તે ચિંતા વધી, અને તેના રક્ષણને માટે તે એટલો અધીરો થઈ ગયો કે તેણે પોતાનો ક્ષત્રિયધર્મ ભૂલી જઈને પાછા કિલ્લા તરફ ફરવાને પોતાના માણસોને ફરમાવ્યું. તેઓને પણ એટલું જ જોઈતું હતું માટે જ્યારે આવી રીતે તેઓને પોતાના સરદાર તરફથી પાછા ફરવાની આજ્ઞા થઈ એટલે તરત તેઓ બંદોબસ્તની સાથે પાછા હઠ્યા, અને શહેરનો રસ્તો પકડ્યો. તેઓને જોઈને તમામ રજપુત લશ્કરે પોતાની પીઠ ફેરવી અને ભીમદેવનાં માણસોની સાથે તેઓ પણ ચાલ્યા. જ્યારે એવો જ જુવાળ બેઠો ત્યારે તેને કોણ અટકાવી શકે ? ઘેટાંનાં ટોળામાંથી એક ઘેટું જે રસ્તે જાય તે રસ્તે બીજાંઓ પણ ચાલ્યા વિના રહે જ નહીં એવો નિયમ છે, તે જ પ્રમાણે લશ્કરમાં થોડા નામરદ તથા બીકણ લોકો નાસવા માંડે એટલે બીજાઓને ચેપ ઊડે છે, અને તેઓને પણ તેઓના સોબતીની પેઠે કરવાનું વલણ થઈ આવે છે. કરણનું લશ્કર જલદીથી બાગલાણ તરફ વળ્યું, અને તેઓની પાછળ મુસલમાનોએ દોટ મૂકી, રજપૂતો નાસતા ગયા, તથા પાછા ફરી ફરીને દુશ્મનોની સામા લડતા ગયા. એમ કરવામાં તેઓનાં ઘણાં માણસો કપાઈ ગયાં, અને કિલ્લામાં પેસતાં પહેલાં એક સાંકડી નાળ હતી તેઓ આવ્યા ત્યાંથી મુસલમાનો અટક્યા; તેઓ રજપૂતોની પાછળ વધારે આવ્યા નહીં. તેઓ પોતાની છાવણીમાં પાછા ગયા, અને રજપૂતો થાકેલા, અથડાયેલા, તથા હાર અને માર ખાધેલા બાગલાણ શહેરમાં પેઠા. મુસલમાનોએ તેઓને વધારે ઉપદ્રવ કર્યો નહીં, પણ તેઓએ શહેર તમામ ઘેરી લીધું હતું તેથી કોઈ પણ માણસ તેમાંથી બહાર જઈ શકતું નહીં, તથા કોઈ તેમાં આવી શકતું નહીં. શહેરમાં અનાજ ન જવા દેવાને ઘણો જ પાકો બંદોબસ્ત રાખ્યો હતો. રજપૂતો શહેરમાં જઈને ઘણા જ ઉદાસ તથા શોકાતુર થઈને પડી રહ્યા. હવે તેઓને વધારે વાર લડવાની હિમ્મત રહી નહીં. તેઓનો ઉમંગ જતો રહ્યો, તથા તેઓ નિરાશ થઈ ગયા. આ વખતે જો શહેર ઉપર મુસલમાનો હુમલો કરે તો શું કરવું ? લશ્કર તો વધારવું જોઈએ અને જો બની શકે તો દુશ્મનોના ઉપર આવો બીજો હુમલો પણ કરવો. શહેરમાં પડી રહેવાથી અનાજ ખપાવી દેવું, દુકાળને વહેલો આણવો તથા શત્રુને શરણે જવાનો પ્રસંગ ઉતાવળથી લાવવો, એવી તરેહના બીજા ઘણા ગેરફાયદા હતા. જો લડવાને બહાર જવાય, અને રાતની વખતે છાપો મરાય, તો કદાચ નાસી જવાનો પ્રસંગ મળે, અને એ પ્રમાણે સઘળાં માઠાં પરિણામોનું એકદમ નિવારણ થાય. વળી એ પ્રમાણે કરવાથી દુશ્મનોનાં ઘણાંએ માણસો માર્યા જાય, તથા તેઓ થાકી જઈ લડાઈથી કંટાળીને તથા લડવાના સામર્થ્યવાળા હતા તેઓને લશ્કરમાં સામેલ કરવાને કરણે ઘણી મહેનત કરી. પણ તેઓમાંના ઘણા જ થોડા લડવાને તૈયાર થયા. તેઓને લડાઈમાં જવાની ટેવ ન હતી; તેઓનું શૂરાતન પ્રકટ થયેલું ન હતું; માટે ઘણાએ જૂઠાં બહાનાં કાઢ્યાં. કેટલાક સંતાઈ બેઠા, અને કેટલાકે તો શરમ મૂકી સાફ ના જ કહી, તેઓ સઘળા કરણના ઉપર ગુસ્સે થયેલા હતા; તેઓના શહેર ઉપર આ આફત આવી પડી તેનું કારણ કરણ છે, એમ જાણીને તેઓ રાતદહાડો તેને અંતઃકરણથી ગાળ દેતા હતા. શહેરમાં અનાજની ઘણી જ મોંઘવારી થઈ ગઈ હતી, તથા બિચારા સેંકડો ગરીબ લોકો મરી જતા હતા, તેઓ કરણ તથા દેવળદેવી ઉપર નિસાસો મુકતા હતા. શહેરમાંના જે જુવાન લોકો લડવાને તૈયાર થયા હતા તેઓનાં માબાપ તથા બૈરાંછોકરાં પણ કરણને શાપ દેતાં હતાં. જે નવાં માણસો કરણના લશ્કરમાં ઉમેરાયાં હતાં તેથી કાંઈ તેમાં ઝાઝો વધારો થયો નહીં, માટે ભીમદેવે શહેરનાં મુખ્ય મુખ્ય માણસોને પોતાની પાસે બોલાવ્યાં, ને તેઓને સમજાવ્યું કે ‘‘હાલ જે લડાઈ ચાલે છે તે કરણ રાજા ઉપરથી નથી, પણ તે તો દેવગઢના રાજા રામદેવજી, જ તમારા સઘળાના રાજા છે, તેના ઉપર ચાલે છે; કેમ કે તમે સઘળા જાણો છો કે લડાઈનું કારણ દેવળદેવી છે; તેને મ્લેચ્છ લોકોને પોતાને વાસ્તે લઈ જવી છે; પણ તે તો આપણા શંકળદેવની સાથે પરણી ચુકી છે, માટે તે તમારી રાણી છે. તમારે તમારી રાણીના બચાવને વાસ્તે લડવાનું છે. તમારે તમારા રાજાની પ્રતિષ્ઠા રાખવાની છે, અને આજે જો તેઓ તમારા રાજાના ઘરની રાણી લઈ જશે તો કાલે તમારાં ઘરનાં બૈરાંને ઘસડી લઈ જવામાં તેમને શી હરકત પડશે ? માટે તમે તમારા લોકોનું, તમારા દેશનું તથા તમારા રાજાનું જરા અભિમાન રાખો, અને જે હવે પછી તમારી રાણી થવાની છે તેને શત્રુઓના હાથમાં પડતી બચાવો. શું દુનિયામાં એમ કહેવાશે કે દેવગઢના રાજ્યના લોકો એવા હીચકારા હતા કે તેઓએ પોતાના પોતાની રાણીને દેશમાંથી પારકા દેશમાં લઈ જવા દીધી ? એમ થાય તો તે મોટામાં મોટી ગેરઆબરૂ સમજવી. પણ મને આશા છે કે તમે સઘળા એવા અધમ નથી કે એમ થવા દઈ તમારું નામ જગતમાં ડુબાવશો, માટે જાગ્રત થઈ જાઓ. આબરૂને વાસ્તે વિચાર રાખો. મરવાની દહેશત છોડી દઈ બૈરાં જેવી ચાલ ચાલતાં શરમાઓ, અને દુનિયાની સઘળી વાત આબરૂ આગળ હલકી ગણીને ઢાલ-તલવાર બાંધીને તૈયાર થઈ જાઓ. કોઈ શા માટે જવાબ દેતું નથી ? તમારામાંથી કોઈને જુસ્સો કેમ આવતો નથી ? શું એવો વખત આવ્યો છે કે માણસો જિંદગી ઉપર એટલી બધી પ્રીતિ રાખે કે પોતાના રાજાની તરફથી પણ લડવાની ના કહે ? શરમ છે તમને સઘળાને ! ધિક્કાર છે તમને ! ધૂળ પડી તમારી જિંદગી ઉપર !’’ એટલું કહી તે ચૂપ રહ્યો. તેને એટલો બધો ક્રોધ ચઢી ગયો કે તેનાથી વધારે બોલાયું નહીં.

પણ ભીમદેવનું આ સઘળું બોલવું પવનમાં ઊડી ગયું. એ તો પથ્થર ઉપર પાણી, તેઓ સઘળા જડ થઈને બેસી રહ્યા. કોઈના ઉપર કંઈ અસર થઈ નહીં. તેઓના મનમાં નક્કી હતું કે આ કામમાં જય મળવાનો નથી, માટે જિંદગી શા માટે નકામી ફેંકી દેવી જોઈએે ? પણ જે જિંદગીના ઉપર તેઓને આટલી બધી પ્રીતિ હતી, જે જિંદગીને વાસ્તે તેઓ પોતાની પ્રતિષ્ઠા ખોવા બેઠા હતા, અને જે જિંદગીને વાસ્તે તેઓ પોતાના રાજા આગળ હલકા પડ્યા, તે જિંદગી ઘણી વાર ટકે એવો સંભવ ન હતો. મુસલમાનો સિવાય એક બીજો શત્રુ શહેર ઉપર ચઢી આવ્યો હતો. તે શત્રુ અદૃશ્ય હતો, તેના સપાટામાંથી બચવું મુશ્કેલ હતું, અને તેના હાથથી મરવામાં કાંઈ પણ આબરૂ ન હતી. એ શત્રુ દુકાળ હતો. જો તેઓએ ભીમદેવના કહ્યા પ્રમાણે કર્યું હોત, જો તેઓ સઘળાએ મળીને મુસલમાનો ઉપર હુમલો કર્યો હતો, તો કદાચ આ નવા શત્રુના હાથમાંથી તેઓ જીવતા રહેત; તેઓની પ્રતિષ્ઠા કાયમ રહેત; તેઓના રાજાનું કામ થાત; લડાઈનો અંત આવત; અને બીજાં નઠારાં પરિણામોનો અટકાવ થાત. પણ કહેવત છે કે ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ.’ તેઓની મતિ બદલાઈ ગઈ, અને તેથી તેઓમાંનાં ઘણાં ખરાં ઢોરને પશુની પેઠે મરણ પામ્યાં; તેઓનાં બૈરાંછોકરાંની પણ તેવી જ અવસ્થા થઈ, અને તેઓની માલમિલકત સઘળી ફનાફાતિયા થઈ ગઈ.

શહેરમાં અનાજની ખોટ હતી, એ ઉપર કહેલું જ છે. જ્યરથી શહેરમાં લશ્કરનો તથા આસપાસના ગામના લોકોનો જમાવ થયો ત્યારથી જ અનાજ ઘણું મોઘું વેચાવા લાગ્યું, અને પહેલવહેલાં તો ગરીબ લોકોનો મરો થયો. લડાઈ જલદીથી પૂરી થશે, અને અનાજ બહારથી આવી પહોંચશે એ આશાથી લોકો ધીરજ રાખી દુઃખ વેઠી બેસી રહ્યા. પણ લડાઈનો પાર આવ્યો જ નહીં. અને દુકાનોનો સઘળો માલ ખપી ગયો. સિપાઈઓ તથા બીજા લોકો બૂમાબૂમ પાડવા લાગ્યા; રસ્તામાં રોજ ઘણા લોકોનાં મુડદાં દેખાતાં હતાં; લોકો છેક નિરાશ થઈ ગયા; અને ભૂખના માર્યા ઘેલા જેવા થઈને લૂંટવા નીકળ્યા. એક સવારે શહેરનો તમામ કચરો એટલે હલકા લોકો હથિયાર લઈ નીકળ્યા, અને બધે ઠેકાણે પથરાઈ જઈ લોકોનાં ઘર ફાડી માંહે પેઠા. તેઓની જોડે લશ્કરના સિપાઈઓ પણ સામેલ થયા, અને દરેક ઘરમાં અનાજનો જે સંગ્રહ હતો તે લઈ ગયા, રસ્તામાં કાપાકાપી ચાલી, લોહી વહ્યું. મુડદાંઓ રસ્તામાં પડ્યાં, અને શોરબકોર સઘળે થઈ રહ્યો. દ્રવ્યમાન લોકોએ બન્યો તેટલો અટકાવ કર્યો પણ તેમ કરવામાં ઘણાના જીવ ગયા, તોપણ તેઓનું ફાવ્યું નહીં. તેઓના ઘરનું સઘળું અનાજ લૂંટાઈ ગયું અને હવે તેઓને ભુખે મરવાનો દહાડો આવ્યો. પણ થોડા દહાડા વહી ગયા એટલે પેલું લૂંટેલું અનાજ થઈ રહ્યું, એટલે પાછા સઘળા સરખા થઈ ગયા. હવે દુકાળ રાક્ષસે પોતાનું ખરેખરું રૂપ પ્રકાશ્યું, અને હે ભુખનું દરદ સઘળાંને સરખું લાગવા માંડ્યું. આવે વખતે તો બિચારા લોકોની દુર્દશાનું યથાસ્થિત વર્ણન કરવું ઘણું મુશ્કેલ છે. જો બરાબર થઈ શકે તો તેથી દયાવૃત્તિને ઘણો આંચકો લાગે, ને શરીરમાંનું સઘળું લોહી ઠરી જાય. રસ્તામાં લોકોના ચહેરા જોવાથી ચીતરી ચઢ્યા વગર રહે જ નહીં. તે બિચારાં ભૂખે મરી ગયેલાં માણસોનાં શરીર લોહી ઊડી જવાથી ધોળાં ફક જેવા થઈ ગયાં હતાં; તેઓમાંથી માંસ તથા ચરબી પીગળી જવાથી હાડકાં સઘળાં બહાર નીકળી આવ્યાં હતાં; તેઓના ચહેરા ફિક્કા સુકાઈ ગયેલા, તથા ખરબચડા થઈ ગયેલા હતા; અને તેઓ એવા તો બિહામણા થઈ ગયા હતા કે તેઓમાં અને મલિન ભૂતમાં કાંઈ અંતર રહેલું ન હતું. વળી ભયંકર ચહેરા ઉપર તેઓના મનના સઘળા દુષ્ટ વિચારો બહાર નીકળી આવેલા હતા. દ્વેષ, અદેખાઈ, ક્રોધ, મરવા તથા મારવા વિષે બેપરવાઈ, તથા ભૂખમરાથી જ યમના દરવાજા આગળ આવી પહોંચેલા લોકોમાં જે જે નઠારા ગુણો પ્રકટ થઈ આવે તે સઘળા તેઓનાં મોં ઉપર સાફ માલૂમ પડતા હતા. સારાંશ કે તેઓના ઉપર ખુદ મોત આવીને બેઠું હતું, અને જો તે માણસનું રૂપ ધારણ કરે તો તેનું સ્વરૂપ આ લોકના જેવું બરાબર થાય. એ તો આપણે તેના બહારના દેખાવનું વર્ણન કર્યું; પણ તેઓના મનમાં જે અવ્યવસ્થા થઈ રહી હતી, ભૂખને લીધે તેઓને જે મહા વેદના થતી હતી, તેનું વર્ણન તો વૈદશાસ્ત્રમાં જેઓ પ્રવીણ હોય તેઓ જ કરી શકે તથા જેઓને તે વાતનો અનુભવ થાય તેને જ તેની ખબર પડે. રસ્તે ચાલતાં ચાલતાં કેટલાંક તમર ખાઈને પડી જતાં, અને તત્કાળ મરણ પામતાં; અથવા તેઓ એકબે દિવસ સુધી તેવી હાલતમાં રિબાયા કરતાં. જ્યાં સઘળા ઉપર સરખી જ આપદા આવી પડેલી, ત્યાં એકેક ઉપર દયા પણ કોણ લાવે ? તથા તેનું દુઃખ મટાડવાને કોણ ઉપાય કરે ? માટે તેઓ રસ્તામાં બીજાં મૂએલાં માણસોની સાથે જીવતાં પડી રહેતાં હતાં, કેટલાકથી તો બહાર નીકળાતું જ ન હતું. તેઓ ભૂખથી એવાં અશક્ત થઈ ગયાં હતાં કે તેમનાથી ઉઠાતું પણ ન હતું. તેઓ ઘરમાં સૂતાં સૂતાં બરાડાબરાડ પાડતાં હતાં. નાનાં નાનાં છોકરાં રસ્તામાં ટળવળતાં હતાં અને પછાડા મારીમારીને મરી જતાં અથવા મરણતોલ થઈને ભોંય ઉપર પડતાં હતાં. છોકરાંની મા ઘેલી જેવી આણીગમ-તેણીગમ દોડતી, અને કટકો રોટલો જે તેણે છુપાવી રાખ્યો હોય તે પોતાનાં હાડપિંજર જેવાં સુકાઈ ગયેલાં છોકરાંને ખવડાવતી, અને તેટલો સૂકો રોટલો પણ કોઈ હારમખોર આવે તો તેના હાથમાંથી લઈ જાય માટે તે ચોતરફ જોયા કરતી, કેટલીક બૈરીઓની નજર આગળ તેઓનાં નાનાંનાનાં કુમળાં બાળક તરફડીને મરી જતાં તેને જોઈને બેબાકળા ડોળા કરી મોં ઉઘાડું રાખી ઊભી રહેતી. પોતાને ખાવાનું મળે નહીં, એટલે દૂધ તો ક્યાંથી જ આવે ? આથી ધાવણાં છોકરાં પીલાઈ પીલાઈને મરી જતાં હતા. તેઓના દરદથી તથા ભૂખથી તેઓની માની પણ એવી જ અવસ્થા થતી હતી. ઘરડાં અશક્ત ડોસાઓ તથા ડોસીઓ પડીપડીને મરતાં હતાં. અને ભરજુવાનીમાં આવેલાં સ્ત્રીપુરુષો પણ કાળચક્રના સપાટામાં આવી ગયાં હતાં. દુકાળની આગળ બધી જ જાતનાં, ઉંમરનાં, તથા પદવીનાં માણસો સરખાં જ હતાં. મોત ચોતરફ ફરતું હતું. તેના હાથમાં ઘણું કામ આવી પડ્યું હતું. ગરીબ લોકોનાં મડદાં રસ્તામાં, ગલીમાં, અને ઘરોમાં કોહી જતાં હતાં. તેઓને બાળવા જવાની કોઈનામાં શક્તિ રહી ન હતી, તથા જ્યાં સઘળાંને મરવાની ધાસ્તી સરખી જ ત્યાં એકએકને શરમ તથા સંબંધ તો ક્યાંથી જ રહે ?

હવે અનાજ તો થઈ રહ્યું, અને જીવતાં રહેલાં માણસોને કોઈ જાતનો ખોરાક તો જોઈએ, માટે કેટલાંક ઝાડનાં ફળ ખાઈને જીવતાં, કેટલાંકને ત્યાં ગાય-ભેંસ હતી તેઓ દૂધ પીને પોતાનાં શરીરને આધાર આપતાં, કેટલાંક ઢોરની પેઠે ઘાસ ખાતાં, કેટલાંક પાતરાં ખાતાં, વળી બીજાંઓ એમાંથી કાંઈ ન મળે ત્યારે ચામડાં કરડતાં, અને વખતે ધૂળ ને મટોડું ખાતાં, જે કાંઈ નરમ વસ્તુ ચાવી શકાય તેવી હોય તે સઘળી ભક્ષ કરવામાં આવતી. એ બધાની સાથે પેટનું ભરતિયું થવાને માટે પુષ્કળ પાણી પીતાં હતાં. આવો નઠારી જાતનો, જેથી પોષણ થઈ ન શકે એવો, વખતે શરીરને નુકસાન પહોંચાડે એવો ખોરાક ખાવાને લીધે, તથા મરી ગયેલાં માણસોની સડી ગયેલી લાશોમાંથી જે દુર્ગંધ તથા પ્રાણઘાતક હવા નીકળતી હતી તેને લીધે શહેરમાં મરકી ચાલી. લોકોને તાવ, જીવમાં ચૂંથારો, અને અંતે સનેપાત થવા લાગ્યો. એ પ્રમાણે તે લોકોના ઉપર દુકાળ અને મરકી એ બે આફતો આવી પડી, અને તેથી મૃત્યુનું કામ ઘણું જ ધમધોકાર ચાલવા માંડ્યું. જેઓ કદાચ દુકાળના સપાટામાંથી બચે તેઓ મરકીના ઝપાટામાં ઘસડાઈ જાય. જ્યારે શહેરમાં મરકીએ દેખાવ આપ્યો, ત્યારે તો લોકો છેક નિરાશ થઈ ગયા. તેઓએ જીવનની સઘળી આશા છોડી દીધી અને મોતને વાસ્તે ઘણી જ બેપરવાઈ દેખાડવા માંડી. પછી રસ્તામાં જે મડદાં પડે તેને કોઈ ઉઠાવે પણ નહીં; ત્યાં ને ત્યાં તેઓ સડ્યા કરે. ઘરમાં પણ મડદાં પડી રહેતાં. શહેરમાં કાગડા, ગીધ અને સમડી ધોળે દિવસે મડદાંને પીંખી નાખતાં; વખતે કૂતરાં, બિલાડાં તેઓને ઘસડતાં તથા ફાડી ખાતાં; રાત્રે જંગલમાંથી શિયાળવાં તથા બીજાં હિંસક પશુઓ શહેરમાં ઉજાણી કરવા આવતાં. ગાય, ઢોર તથા બીજાં પાળેલાં જાનવરો ધણી વિના, ખાધા વિના મરવા લાગ્યાં, તેઓએ પણ શહેરની દુર્ગંધમાં વધારો કર્યો. માણસો તથા તેની સાથે સંબંધ રાખનારાં પ્રાણીઓનો આ પ્રમાણે નાશ થતો હતો, અને માંસભક્ષક પશુઓનાં મનને મોટો ઉત્સવ થઈ રહ્યો હતો. દુકાળ તથા મરકીને લીધે જેવો લોકોની શરીરની અવસ્થામાં ફેરફાર થયો તેવો જ તેઓની મનની સ્થિતિમાં પણ ફેરફાર થયો હતો. માણસમાં જે દુષ્ટ તથા નઠારા ગુણો હોય છે તેઓ સઘળા આ વખતે પ્રકટ થયા તથા સઘળા સારા તથા ઊંચા ગુણો દબાઈ ગયા. માણસોમાંથી માંહોમાંહેની શરમ ઊઠી ગઈ; સગાપણાનો નાસ થયો; દોસ્તી હોલવાઈ ગઈ; સ્વાર્થ સ્વાર્થ સઘળે ઠેકાણે સઘળાનાં મનમાં વ્યાપી રહ્યો. માબાપ અને છોકરાંની વચ્ચેનું તથા ધણીધણિયાણી વચ્ચેનું સઘળું હેત નાસી ગયું. આ વખતે કોઈ કોઈનું નહીં.સૌને સૌનું લાગ્યું હતું. લોકોના મનમાંથી ધર્મનો અંશ જતો રહ્યો; પરમેશ્વરને તેઓ ભૂલી ગયા; મોતનો ડર તથા મૂએલાં માણસને વાસ્તે માન એ બંને જતાં રહ્યાં. આ સઘળી આફત જોવાથી તથા મોત તેઓની પાછળ પાછળ ડગલાં ભરતું હતું તે વિચારથી ઈશ્વર તરફ મન લઈ જવાને તથા શોકાતુર થઈને શાણપણ તથા ગંભીરતા પકડવાને બદલે તેઓ ઊલટા ખુશી થતા તથા આણીગમ-તેણીગમ અતિ આનંદમાં ફરતા. તેઓનાં મગજ ભુખથી ફરી ગયેલાં હતાં. આવી અસ્વાભાવિક વર્તણૂંક કોઈ બીજા જ કારણને લીધે તેઓએ પકડી હતી. એ ગમે તેમ હોય તોપણ દિવસે અને રાત્રે કેટલાંક ભૂત જેવાં બિહામણાં માણસોનાં ટોળાં રસ્તામાં મોટે અવાજે તથા ખુશીથી ગાતાં, વાજિંત્રો વગાડતાં, તથા ઘણો શોર કરતાં જતાં હતાં. એ પ્રમાણે કરવામાં તેઓની મતલબ કાંઈ પણ જણાતી ન હતી. તેઓ માત્ર વખત કાઢવાને તથા મોતનો વિચાર દૂર કરવાને ફરતાં હતાં. કેટલાંક માણસો સનેપાતના જોરમાં બહાર નીકળીને ફરતાં અથવા દોડતાં હતાં. તેઓ ગાતાં, બૂમ પાડતાં અથવા વગર અર્થનું અને વગર મતલબનું બોલતાં, અને છેલ્લી વારે એવા જોરથી ખડખડાટ હસી પડતાં કે આખો મહોલ્લો ગાજી રહેતો. એ પ્રમાણે શહેરની અવસ્થા થઈ રહી હતી.

હવે કિલ્લામાં જ્યાં કરણ રાજા, ભીમદેવ, દેવળદેવી તથા મુખ્ય સામંતો અને બીજા સરદારો રહેતા તેઓને વાસ્તે તે કિલ્લાના કોઠારમાં કેટલુંક અનાજ ભરી રાખેલું હતું તેમાંથી થોડું થોડું તેઓ વાપરતા, અને એ પ્રમાણે કસર કરી તેઓએ અનાજ અતયાર સુધી પહોંચાડ્યું હતું; અને હજી થોડા દહાડા વધારે ચાલે એટલું બાકી રહેલું હતું. લોકોને એ જોઈને ઘણી અદેખાઈ આવતી હતી, અને તેઓને વાસ્તે પોતે મરણ પામે, અને જેઓ લડાઈનાં મુખ્ય કારણ તેઓ જીવતાં રહે એ જોઈને તેઓને ક્રોધ આવતો હતો. પણ તેઓને ગુજરાતના દુર્દશામાં આવી પડેલા દુર્ભાગી કરણ રાજા ઉપર દયા આવતી હતી, તથા પોતાના રાજાના કુંવર ભીમદેવની તેઓ આબરૂ રાખતા હતા, તેથી તેઓએ કિલ્લા માંહેના લોકોને કશી રીતનો ઉપદ્રવ કર્યો નહીં. એ છતાં પણ કેટલાક ફિતૂરી, હલકા, તથા લુચ્ચા લોકોએ કિલ્લા ઉપર હુમલો કરી તેમાંનું અનાજ લૂંટી લેવાને એક કરતાં વધારે વર નિશ્ચય કર્યો; પણ તેઓમાંના વિચારવંત, દયાળુ, તથા રાજનૈષ્ઠિક લોકોએ તેમને સમજાવયા કે એટલું અનાજ લૂંટી લાવ્યાથી શહેરમાંનાં આટલાં બધાં માણસોને કાંઈ વધારે વાર ફાયદો થવાનો નથી, અને કિલ્લામાં મોટા માણસો જેઓ દુનિયામાં અગત્યના છે તેઓ મરણ પામશે, તે વાત તેઓના મનમાં ઊતરી, તેથી પોતાના ધારેલા કામથી બંધ પડ્યા. પણ તેઓનો ક્રોધ હજુ સુધી શમ્યો ન હતો. તેઓની પાસે એક ઉપાય તૈયાર જ હતો. જો તેઓ સઘળા મળી શહેરના દરવાજા ઉઘાડી નાખી મુસલમાનોને અંદર આવવા દે તો તેઓના દુઃખનું તુરત નિવારણ થાય. પણ તેમ તેઓએ કર્યું નહીં. એ પ્રમાણે દગલબાજી કરવામાં ઘણી ગેરઆબરૂ છે, એમ તેઓ સારી પેઠે જાણતા હતા. તેમ કરવાથી જે પરિણામો નીપજે તેને વાસ્તે તેઓ ઘણા દિલગીર હતા. તેટલા માટે જ આટલું બધું કષ્ટ તેઓએ સહ્યું; દુકાળ અને મરકી પોતાના શહેરમાં આવવા દીધાં; પોતાનાં વહાલામાં વહાલાં માણસોને પોતાની નજર આગળ પીલાઈપીલાઈને આવા ભયંકર મોતે મરતાં જોયાં; તથા પોતાના મોતને વાસ્તે પણ કાંઈ દરકાર રાખી નહીં, તેઓનો આ વિચાર જોઈને આપણને ખરેખરું આશ્ચર્ય લાગવું જોઈએ, અને તેમના પ્રતિષ્ઠા જાળવવા વિષેના એવા ઉમદા વિચાર જોઈને આપણે વિસ્મિત થવા વિના રહેતા નથી. આટલી બધી વાર તેઓએ આવા વિચાર રાખ્યા, પણ હવે તેઓનું મન બદલાયું. અને કેટલાક હલકા લોકોએ ઠરાવ કર્યો કે હવે શહેરના દરવાજા ઉઘાડા મૂકી દેવા, અને આ દૈવકોપનો એકદમ અંત આણવો. વળી આપણે અહીં રહીને પણ શું કરીએ છીએ ? આપણામાં હવે લડવાની કાંઈ શક્તિ રહી નથી. કરણ અને ભીમદેવનું લશ્કર ઘણુંખરું મરી પરવાર્યુ છે, અને જે કોઈ જીવતા રહ્યા હશે તેઓની અવસ્થા લડવા લાયક રહી નહીં હોય, માટે હવે દરવાજો બંધ રાખ્યાી ને પડી રહેવાથી વધારે માણસોનો નાશ થાય છે પણ તેથી કાંઈ કામ સિદ્ધ થાય એવો સંભવ નથી. માત્ર વખત વધારે મળે છે. પણ એટલા વખતના જૂજ ફાયદાને માટે માણસોના અમૂલ્ય જાનની ખરાબી થાય, એ કાંઈ વાજબી નથી, એ ઉપરથી તેઓએ ઠરાવ કર્યો કે એ સઘળી વાત કરણને જઈને કહેવી, ને તેને કાને નાખીને એ કામ કરવું.

એ વિચાર પ્રમાણે ઘણા માણસોએ કિલ્લામાં જઈ કરણની આગળ સઘળી હકીકત કહી, અને હવે શહેરમાં શત્રુઓને આવવા દેવાની રજા માગી. કરણે તેઓનો ઉપકાર માન્યો, અને પોતાની પુત્રીને વાસ્તે તેઓ આટલી લાંબી મંદત સુધી મહાભારત દુઃખ તથા નુકસાન વેઠીને રહ્યા, તેને માટે તેઓને ઘણી જ શાબાશી આપી. કરણને તેઓના ઉપર ઘણી જ દયા આવતી હતી, અને તેઓ કહે છે તે સઘળી વાત ખરી છે એવી તેના મનમાં ખાતરી થઈ હતી. હવે જીતવાની આશા તો મુદ્દલ રહી જ ન હતી. સિપાઈઓ સઘળા આ જગત્‌ છોડીને જતા રહ્યા હતા, અને જીવતા રહેલા આ લોક અને પરલોકની વચ્ચે લટકતા હતા. તેઓ કાંઈ લડવા લાયક રહ્યા ન હતા, તેથી હવે કિલ્લામાં ભરાઈ રહેવું નિરર્થક છે, એમ તેને સાફ જણાયું, અને વધારે માણસોને મરતાં અટકાવવાને માટે તેણે લોકો પાસે એક રાતની મહેતલ માગી, અને બીજે દહાડે દરવાજા ઉઘાડા મૂકવાની તેમને રજા આપી. લોકો તે સાંભળીને સંતોષ પામી ઘેર ગયા, અને બીજા દહાડાની રાહ જોવા લાગ્યા. તેઓ ગયા પછી કરણ ઊંડા વિચારમાં પડ્યો. હવે શું કરવું ? અત્યાર સુધી તેને એવી આશા હતી કે થોડા દહાડામાં કિલ્લામાંનું અનાજ ખપી જશે, એટલે પોતે તથા પોતાની છોકરી બંને એક પછી એક અથવા સાથે ભૂખથી મરી જશે, એટલે લડાઈ એની મેળે સંપૂર્ણ થશે. પણ તેમ થવાને વખત આવ્યો નહીં. લોકોએ તેટલી ધીરજ રાખી નહીં. હવે એક રાત વચમાં રહી તેમાં કાંઈ તેના ધાર્યા પ્રમાણે થવાનું ન હતું. માટે શસ્ત્ર વડે બેમાંથી એકનો જીવ લીધા સિવાય બીજો કાંઈ ઉપાય રહ્યો નહીં. બેમાંથી કોણે મરવું એ વાતનો વિચાર રહ્યો. દેવળદેવીને મારવાનો આગળ કરણે વિચાર કર્યો હતો, તેને કાપી નાખવાને તેણે તલવાર ઉગામી હતી, પણ એ અસ્વાભાવિક કામ કરવા જતાં તેનું મન હઠી ગયું હતું. આવી બાળક છોકરીને શી રીતે મારી નખાય ? માટે પોતે જ મરવું એ સારું છે; પોતાના જીવવાથી કાંઈ ફળ ન હતું; પોતે ઉંમરે પણ પહોંચ્યો હતો; પોતાના સુખના દિવસ પાછા આવશે એવો સંભવ ન હતો; તેથી દુઃખમાં બાકીનાં વર્ષ કાઢવા કરતાં એકદમ આયુષ્યની દોરી તોડી નાખવી એ સારું એમ તેણે નક્કી કર્યું. રાત્રે બાર વાગતે જ્યારે કિલ્લામાં સઘળા ભરઊંઘમાં હતા ત્યારે લૂગડાં પહેરી એક તેજ તલવાર સાથે રાખીને કિલ્લામાંથી બહાર નીકળ્યો. તેનો દેખાવ જોવાથી જ તરત જણાઈ આવે કે તે વખતે તે કાંઈ ભયંકર કામ કરવાને જાય છે. તે પોતાની દીકરીને જગાડીને છેલ્લી વાર મળ્યો પણ નહીં તોપણ તેને અંતઃકરણથી આશીર્વાદ દઈને તથા તેની જિંદગી અને પ્રતિષ્ઠાના સંરક્ષણ વાસ્તે પરમેશ્વરની પ્રાર્થના કરી ત્યાંથી ચાલી નીકળ્યો. બહાર મેદાનમાં પૂર ચાંદરણું ખીલી રહ્યું હતું તેમાં વચ્ચે ઝાડો તથા ડુંગરોના ઓળા પડ્યા હતા. હવા બિલકુલ સ્થિર હતી, ઝાડોનાં પાંદડા લગાર પણ હાલતાં ન હતાં. સઘળું ચૂપાચૂપ હતું, તેમાં કરણનાં પગલા સાફ સંભળાતાં હતાં. તે વખતે વખતે ઈશ્વરનું સ્મરણ કરતો હતો. અને આખી દુનિયાની આ છેલ્લી ભેટ લેતો હતો. થોડી વાર સુધી ઊંચી-નીચી ભોંય પર ચાલ્યો પછી તે એક મોટા મહાદેવના દહેરા આગળ આવી પહોંચ્યો. તે દેવસ્થાન તે જગાએ ઘણું નામાંકિત હતું, અને તે ઘણું વિસ્તીર્ણ હતું. તે રાત દહાડો ઉઘાડું હતું, અને આ વખતે તેમાં કે તેની આસપાસ કોઈ માણસ ન હતું. કરણ તે દહેરામાં જ્યાં શિવલિંગ હતું ત્યાં ઊભો રહ્યો. તેણે ત્યાં એકચિત્તે મહાદેવની સ્તુતિ કરી, પછી મહાદેવની પૂજા કરી, અને થોડાંક ફૂલ પોતાની સાથે લઈ આવ્યો હતો તે તેના ઉપર ચઢાવ્યાં. પછી તે ઘણા જુસ્સાથી ઊભો થયો, અને તલવાર મ્યાનમાંથી કાઢીને પોતાની ડોકે અડકાડી મોટેથી અને જુસ્સાથી બોલ્યો : ‘‘હે મહાદેવ ! હે ભોળાનાથ ! હે શંકર ! હું કેવી આફતમાં આવી પડ્યો છું તે તું સારી પેઠે જાણે છે. તેમાંથી ઊગરવાનો કાંઈ રસ્તો સૂઝતો નથી. માટે રે જગત્‌ના પ્રલયકર્તા ! આ તારી સમક્ષ મારો દેહત્યાગ કરું છું, નહીં તો બચવાનો માર્ગ બતાવ.’’ એટલું કહી તેણે તલવાર આઘી ખસેડી જોરથી ઉગામીને ડોક ઉપર મારવા તૈયાર કરી; પણ તેટલામાં કોઈએ તેનો હાથ પકડ્યો હોય એમ લાગ્યું. તેની તલવાર ભોંય ઉપર પડી ગઈ, અને આકાશવાણી થતી હોય એમ ઘૂમટમાંથી નીચે પ્રમાણે શબ્દ સંભળાયો : - ‘‘અરે કરણ રાજા ! તારા દુઃખનો પાર જ નથી. પણ તું આપઘાત કરીશ મા. જે થાય તેને થવા દે. તને કાલે બચવાનો રસ્તો જડશે, માટે ધીરજ રાખ.’’ કરણે એ શબ્દ સ્પષ્ટ સાંભળ્યા. અને તેનો અર્થ પણ તે સમજ્યો. મહાદેવની વાણી થઈ એવી ખાતરી તેને થઈ તેથી સંતોષ પામ્યો, અને આકાશવાણી ખરી પડશે એવો પૂરો ભરોસો રાખીને તેણે તલવાર મ્યાનમાં ઘાલી, મહાદેવને સાષ્ટાંગ દંડવત્‌ કર્યા પછી પાછો કિલ્લા તરફ ગયો.

બીજે દિવસે શહેરના કેટલાક લોકોએ કોટ ઉપર ચઢીને સલાહનું નિશાન દેખાડ્યું. તે ઉપરથી અલફખાંએ પોતાની તરફથી કેટલાંક માણસોને મોકલ્યાં. તેમની આગળ શહેરના લોકોએ પોતાની સઘળી હકીકત કહી. તેઓની કેવી દુર્દશા થઈ હતી તે સઘળું તેઓને દયા ઊપજે એવી રીતે કહી સંભળાવ્યું. તે આખું શહેર તેઓને સ્વાધીન કરવાને કબૂલ કર્યું, પણ એટલી શરત કે અમારી માલ મિલકતને તમારે છેડવી નહીં. તેઓએ કહ્યું કે અમે મરી રહેલા છીએ; હવે મરતાંને મરવામાં કાંઈ આબરૂ તથા મોટાઈ નથી. વળી કરણ રાજા તથા દેવળદેવી તમારા હાથમાં આવશે એટલું તમારું ધારેલું કામ પાર પડશે; પછી શહેરના બિચારા નિરપરાધી લોકોને મારી નાખવામાં તથા તેની મિલકત લૂંટી લેવામાં તમને શો ફાયદો છે ? માટે એ વાત તમારા સરદારને કહો, અને જો એ પ્રમાણે કરવાને તમે અભયવચન આપો તો અમે શહેર તમને આજે સ્વાધીન કરીએ. મુસલમાનોએ એ સઘળી વાત જઈને અલફખાંને કહી, તેથી તે સરદારને ઘણી દયા આવી અને તેઓની અરજ વાજબી, તથા કબૂલ કરવામાં કાંઈ નુકસાન થાય એવી નથી એમ જાણીને શહેરના લોકોને તે કબૂલત કહી સંભળાવી, અને તે દહાડે રાત્રે શહેરના દરવાજા ઉઘાડા મુકવાનું ઠરાવ્યું. પહેલી રાત્રે શહેરના લોકોએ એક દરવાજો ઉઘાડ્યો, અને મુસલમાન લોકો પાસે જ હતા તેઓ ધસારો કરી માંહે પેઠા. શહેરમાં પેસતાં જ તેઓ કરણ તથા દેવળદેવીને શોધવા લાગ્યા. રસ્તામાં કેટલાક મરદો તથા બૈરીઓ તેઓને જોવાને ઊભેલાં હતાં તેઓમાંથી જ કોઈ દેવળદેવી હશે એમ તેઓને વહેમ જવાથી તેઓ તેમને પકડીને ઘસડવા લાગ્યા અને તેમનું ઘણી રીતે અપમાન કરવા લાગ્યા અને તેમનું ઘણી રીતે અપમાન કરવા લાગ્યા, એ પ્રમાણે તેઓએ ઘણાં બૈરાંને કર્યું. તે તેઓના ધણીથી તથા બીજા માણસોથી ખમાયું નહીં, માટે તેઓએ મુસલમાન સિપાઈઓ સાથે પહેલાં તકરાર કરી; પણ તે તકરારથી કાંઈ જ ફાયદો થયો નહીં, ત્યારે તેઓએ વળગાઝૂમી કરી, અને તેમ કરવામાં આખરે મારામારી ઉપર આવી ગયા. મુસલમાનોને આટલી મુદત સુધી શહેર આગળ પડી રહેવું પડ્યું, તથા તેઓમાંના ઘણાખરા માર્યા ગયા, તેથી તેઓ શહેરના લોકો ઉપર ઘણા ગુસ્સે હતા. તેમાં વળી જ્યારે આ લડાઈ કરવાને પ્રસંગ આવ્યો, ત્યારે તેઓએ આટલા દિવસનું એકઠું થયેલું વેર એકદમ તેઓના ઉપર કાઢવાને નિશ્ચય કર્યો. ત્યાં તલવારો નીકળી; અને કેટલાક જેઓ દુકાળ તથા મરકીના સપાટામાંથી બચ્યા હતા તેઓ આ લડાઈમાં માર્યા ગયા. જ્યારે આ ગરબડાટ શહેરના મુખ્ય બજારમાં થઈ, તે વખતે કેટલાક અટકચાળા તથા લૂંટવાની ઉમેદ રાખનારા મુસલમાનોએ એક દુકાન સળગાવી મૂકી. એ આગ લાગવાથી સઘળા મુસલમાન સિપાઈઓ ઘણા ખુશ થયા. તેઓને એટલું જ જોઈતું હતું. જ્યારે અલફખાંએ શહેરના લોકોની જિંદગી તથા માલ મિલકત બચાવવાને અભયવચન આપ્યું, ત્યારથી તે સિપાઈઓ નાઉમેદ થઈ ગયા હતા. તેઓને લૂંટ મેળવવાની આશા હતી, અને તે પૂરી પડશે એવી આખરી સુધી તેઓને ખાતરી હતી, પણ છેલ્લી વારે તે આશા ભંગ થઈ ગઈ એ જોઈને તેઓ ઘણા ખીજવાયા હતા, પણ જ્યારે આગ લાગી અને તે ભંગ થઈ ગઈ એ જોઈને ઘણા ખીજવાયા હતા, પણ જ્યારે આગ લાગી અને તે હવે પથરાઈને આખા શહેરમાં ફેલાશે ત્યારે લોકોનાં ઘરમાં ભરાવાને તથા તેમાંથી દોલત લઈ લેવાને કાંઈ હરકત નહીં, એ ધારણાથી તેઓએ આગ હોલવવાની કાંઈ મહેનત કરી નહીં. બલકે શહેરના બેત્રણ ભાગમાં થોડાકે જઈને નાનાં નાનાં ઘરો સળગાવી મુક્યાં. રાતનો વખત, પવન નીકળેલો, કોઈ હોલવનાર મળે નહીં, શહેરમાં થોડાં જ માણસો રહી ગયેલાં અને તેઓ એવાં અશક્ત કે તેઓથી કાંઈ કામ બની શકે નહીં, તેથી આગ ઘણા જોરથી ફેલાઈ અને થોડા વખતમાં આખું શહેર અગ્નિની ઝાળમાં લપેટાઈ ગયું. આ વખતે શહેરનો દેખાવ ઘણો ભયંકર થઈ રહ્યો. ઘરો સઘળાં ઘાસની પેઠે ભડભડ બળવા લાગ્યાં. મુસલમાન સિપાઈઓમાં કાંઈ બંદોબસ્ત રહ્યો નહીં, તેઓ સઘળા અલફખાંના હુકમથી ઊલટા ચાલીને બધા શહેરમાં ફળી વળ્યા, અને જે મોટાં મોટાં ઘરો તેઓની નજરે ચડ્યાં તેમાં પેસીને લૂંટફાટના કામમાં પડ્યા.

આગ એ એક મોટી આફત છે, તેમાં વળી બાગલાણ જેવી અવસ્થામાં આવી પડેલા શહેરમાં આગ, એથી તો આડો આંક જાણવો. કેટલાક મરકીના રોગથી પીડાતા તથા ભૂખે અધમરતા થઈ ગયેલા લોકો જેઓ ઊઠી શકતા ન હતા તેઓ ઘરમાં જ બળી મુઆ. તેઓને કાઢનાર કોઈ મળે નહીં. કેટલાક પોતાના જીવ બચાવી શકે તેવા હતા તેઓ પોતાનાં બૈરાં છોકરાંને તથા ધનદોલતને છોડીને નાઠા. બૈરીઓ તથા છોકરાં જેટલા નાસી શક્યાં તેટલાં બચ્યાં; બાકીનાં આગમાં ફૂંકાઈ ગયાં. કેટલાક કીમતી દાગીનાની એક નાની પેટી લઈ બહાર નીકળતા તેઓને રસ્તામાં મુસલમાનો પકડતા, તથા તેઓની પાસે જે હોય તે છીનવી લેતા. જે બિચારા પૈસા વગર ખાલી હાથે મળતા તેઓને પકડીને ખૂબ માર મારતા. અને તેને ઘર તેઓને લઈ જવાનું તથા દોલત બતાવવાનું તેની પાસેથી કબૂલ કરાવતા. જેઓ ઘરમાં પડી રહેતા હતા તેઓને પણ મારફાડ કરી દ્રવ્ય ક્યાં સંતાડ્યું છે તે દેખાડવાની ફરજ પાડતા. જેઓ પૈસા બતાવે નહીં, અથવા જેઓની પાસે પૈસા હોય નહીં. તેઓને વહેમ ઉપરથી એટલો માર મારતા કે તેથી તેઓ જલદીથી મરણ પામતા. એ પ્રમાણે શહેરમાં ગડબડાટ થઈ રહી. જે હિંદુ જાય તેને અટકાવી મુસલમાન સિપાઈ કહેતા કે ‘‘કાફર ! પૈસા દેખાડ.’’ તે વખતે જો તેઓનું મન ન મનાવે તો તલવાર વડે તેના બે કટકા કરી નાખતા. અલફખાંનો હુકમ કોઈ માનતું ન હતું તેથી તે ઘણો ચીઢવાઈ ગયો. તેનાથી લશ્કરમાં બંદોબસ્ત રાખી શકાયો નહીં, એ જ તેના મનને મોટી નામોશી લાગતી હતી. પણ આ વખતે તો તેના મનમાં એક બીજી મોટી ફિકર હતી, દેવળદેવીને હાથમાં લેવાની ઘણી જ આતુરતા હતી. આ સઘળી લડાઈનું કારણ જો છેલ્લી વખતે છટકી જશે તો તે ફરીથી હાથ લાગશે નહીં; લડાઈ સઘળી વ્યર્થ જશે; પાદશાહ ઘણો કોપાયમાન થશે; અને જિંદગી રદ જેવી થઈ જશે. તેના મનમાં મોટી ધાસ્તી હતી કે જો આ વખતે તે જતી રહેશે તો તેને અટકાવનાર કોઈ નથી, માટે લશ્કરને પાછું એકઠું કરી તેને જલદીથી શોધી કાઢવી જોઈએ. એક વાર તે હાથ લાગી એટલે પછી શહેર જેટલું લૂંટવું હોય તેટલું લૂંટે તેમાં કાંઈ આપદા ન હતી. તેણે સિપાઈઓને સમજાવ્યા, ધમકાવ્યા તથા બીજા ઘણા ઉપાયો કર્યા, પણ કોઈ લૂંટમાંથી પાછું આવ્યું નહીં.

હવે જ્યારે કરણ રાજાને આ સઘળી વાતની ખબર પડી ત્યારે તેને ઘણી જ ખુશી થઈ. તેણે જોયું કે જ્યારે અલફખાંના સિપાઈઓ લૂંટવાના કામમાં પડેલા છે ત્યારે નાસી જવાનો સારો લાગ છે. કમળાપૂજા કરી રહ્યા પછી જે આકાશવાણી તેણે સાંભળી હતી તે હમણાં ખરી પડશે એમ તેને લાગ્યું, કેમ કે તેને પકડનાર તથા હરકત કરનાર કોઈ જ ન હતું. તેણે ત્યાંથી નાસવાની તૈયારી કરી. અને પોતે, ભીમદેવ, દેવળદેવી તથા થોડાંક ખાનગી માણસો એટલાં કિલ્લાને પાછળ રસ્તે નીકળ્યાં, અને ઘણા જલદ ઘોડા તૈયાર રાખેલા હતા તે ઉપર સવાર થઈને તેઓ પૂરવેગે દેવગઢ જવાને નીકળી પડ્યાં. રસ્તામાં દુશ્મનોનું એક પણ માણસ તેઓને મળ્યું નહીં તેથી તેઓ નિરાંતે ઝડપથી કૂચ કરી આગળ ચાલ્યાં.

જ્યારે બાગલાણમાં સઘળી દોલત લૂંટાઈ રહી ત્યારે મુસલમાન સિપાઈઓ અલફખાંની રૂબરૂ હાજર થઈ ગયા, અને જે તક્સીર કરી હતી તેને માટે તેઓએ માફી માગી. તે વખતે મધ્યરાત્રિ થઈ હતી, પણ અલફખાં તેઓને લઈને તરત કિલ્લા તરફ ગયો. પણ અંદર જવાનો રસ્તો કાંઈ જડ્યો નહીં. કેટલીક વાર આણીગમ-તેણીગમ ફર્યા પછી તેઓને એક માણસ હાથ લાગ્યો, તે તેને કિલ્લાની પાછળની બાજુએ લઈ ગયો. ત્યાંના દરવાજા ખુલ્લા હતા તેટલા ઉપરથી અલફખાં નિરાશ થઈ ગયો, અને તેણે તરત અનુમાન કર્યું કે પક્ષીઓ પાંજરામાંથી ઊડી ગયાં. તોપણ કદાચ દરવાજો જાણી જોઈને ઉઘાડો મુક્યો હોય કે ખુલ્લો જોઈ બીજાના મનમાં આવે કે તેમાં કોઈ નહીં હોય, અને તેમ જાણી વધારે ખોળ ન કરે, અને તેઓ તેમાં સંતાઈ ગયાં હોય, માટે જ્યારે આટલે સુધી આવ્યા ત્યારે કિલ્લાની માંહે સઘળે ફરીને જોવું, અને તેઓ ત્યાં નથી એ વાતની પક્કી ખાતરી કરવી, એ મતલબથી તેઓ કિલ્લામાં પેઠા, અને મોટી મોટી મશાલો સળગાવી કિલ્લામાં ખૂણેખોતરે સઘળે જોઈ વળ્યા. સવાર થવા આવી પણ કરણ, દેવળદેવી કે કોઈ ત્યાં માલૂમ પડ્યું નહીં તેથી અલફખાંને ઘણી દિલગીરી તથા ગભરાટ થયો. લગભગ હાથમાં આવેલી દેવળદેવી તેણે ખોઈ. તેની સઘળી મહેનત છૂટી પડી. તેણે સિપાઈઓને હજારો ગાળો દીધી. તેઓ લૂંટવામાં પડવાથી તેનું કામ સઘળું બગડી ગયું. હવે કેમ થશે ? તેને ખાતરી થઈ કે દૈવ તેની સામા છે અને કરણની સામા લડવું અને દૈવની સામા લડવું બરોબર છે. તેને હમણાં વહેમ પડવા લાગ્યો કે મારા દહાડા હવે પડતા આવ્યા છે; મારો સૂર્ય અસ્ત પામવા ઉપર આવ્યો છે; માટે મારા કામમાં ધાર્યાથી ઊલટું જ થાય છે. તેના મનમાં હવે નક્કી થયું કે તેઓ ઘણે આઘે નીકળી ગયાં હશે; અને દેવળદેવી એક વાર દેવગઢમાં પહોંચી, અને શંકળદેવને પરણી એટલે તો સઘળું થઈ ચુક્યું; પછી તેમાં કાંઈ ઉપાય ચાલવાનો નથી. તોપણ જ્યાં લગી આશા છે ત્યાં લગી શ્રમ તો કરવો જોઈએ, એમ ધારી તેણે દેવગઢ તરફ જવાનો સિપાઈઓને હુકમ કર્યો. તેઓ ઘણા જલદીથી આગળ ચાલ્યા. જરા પણ આરામ લેવાને ઊભા રહ્યા નહીં. જ્યારે સાંજ પડી, અને થોડું થોડું અંધારું સઘળે પથરાયું, ત્યારે તેઓએ ક્ષિતિજમાં ધૂળ ઊડતી જોઈ તે ઉપરથી તેઓએ અનુમાન કર્યું કે એ જ કરણનાં માણસો હશે. એમ ધારીને તેઓ વધારે ઝડપથી દોડ્યા; અને જેમ જેમ પાસે જતા ગયા તેમ તેમ કરણનાં માણસો સ્પષ્ટ દીસવા લાગ્યાં.

આણીગમ કરણે પણ જોયું કે દુશ્મન તો લગભગ પાસે આવી ચૂક્યા. તેઓ ઘણા થાકી ગયેલા હતા તેથી વધારે ઝડપથી જવાને અશક્તિમાન હતા, પણ તેઓને સંતોષ એટલો જ હતો કે હવે રાત પડવા આવી હતી; આગળ ઝાડી ઘણી ખીચોખીચ હતી, તથા રસ્તા ઘણા વિકટ હતા. વળી ગામડાના લોકો જેઓ આ રસ્તાના ભોમિયા હતા તેઓ મુસલમાન લોકોને ભમાવ્યા વિના રહેશે નહીં, એટલે આપણે દેવગઢ જવાને વખત મળશે. અલફખાંએ મશાલ તૈયાર કરાવી એટલા જોરથી કૂચ કરી કે છેક કરણની પાસે તે આવી પહોંચ્યો. આ જ વખત સમાલવાનો હતો. આ વખતે જો કાંઈ તદબીર કરવામાં નહીં આવે તો દેવળદેવી નિશ્ચય મુસલમાનોના હાથમાં પડશે, માટે ભીમદેવ પોતાના માણસો સાથે દેવળદેવીને લઈને એક બાજુ તરફના રસ્તા નીકળી ગયો, અને અલફખાંને એકલા કરણની પાછળ જવા દીધો. એ પ્રમાણે કરણ તથા દેવળદેવી જુદાં પડ્યાં, એ વાત અલફખાંને માલૂમ ન હતી, માટે તેણે દેવળદેવીની ઉમેદે કરણની પાછળ દોટ મૂકી. રાત અંધારી હતી, ઝાડી ઘણી જ ગાઢી આવી પડી; બંને લશ્કરવાળાઓએ રાત્રે ઘણું જ દુઃખ ભોગવ્યું, પણ કોઈ હઠ્યું નહીં. આખી રાત મુસલમાનોએ ચાલ ચાલ કર્યાં કર્યું, અને જ્યારે સવાર પડી, ત્યારે તેઓ એક મોટા મેદાનમાં આવ્યા એમ તેમને માલૂમ પડ્યું; ત્યાં તજવીજ કરતાં જણાયું કે દેવગઢ ત્યાંથી હવે એક મજલ દૂર રહ્યું હતું. પણ અફસોસની વાત એટલફી જ કે કરણનું કાંઈ ઠામઠેકાણું જડ્યું નહીં; તેની કાંઈ નિશાની નજરે પડી નહીં. હવે તો નક્કી થયું કે કરણ દેવગઢ પહોંચ્યો હશે, અથવા જલદીથી પહોંચશે, માટે પાછળ દોડવાભમાં કાંઈ ફળ નથી, માટે છેક નિરાશ થઈ અલફખાંએ ત્યાં મુકામ કર્યો અને તપાસ કરવાને ચોતરફ માણસો મોકલ્યાં. આખો દહાડો વહી ગયો તોપણ કાંઈ ખબર મળી નહીં. કરણ તો દેવગઢ સહીસલામત આવી પહોંચ્યો. અને ભીમદેવ આડે રસ્તે પડ્યો હતો તે કેટલેક દૂર જઈ એક ગામમાં મુકામ કરી ત્યાં રહ્યો અને તે ઠેકાણે દુશ્મનોનો આવવાનો સંભવો નથી, જાણીને તયાં દહાડો થાક ખાઈ બીજે દિવસે ત્યાંથી નીકળવું એવો ઠરાવ કર્યો.

પ્રકરણ ૧પ મું

બીજે દહાડે સાંજ પડવાની વખતે એક નાના ગામમાં ગડબડ થઈ રહી હતી. ઠેકાણે ઠેકાણેથી ઘોડાનો હણહણાટ સંભળાતો હતો, તથા ચોરા ઉપર ઘણા સવારો તથા સિપાઈઓ એકઠા થઈ બેઠા હતા. કેટલાક નકામા ગામમાં આણીમેર-તેણીમેર થઈ ફર્યા કરતા હતા. કેટલાક ગામની બહાર સીમમાં પોતાના ઘોડાઓને વાસ્તે ચારો શોધતા હતા. ગાયો તથા ગોધા ચરીને મસ્તી કરતાં તથા રસ્તામાં ધૂળ ઉડાડતાં પાછાં ગામ તરફ આવતાં હતાં. ખેડૂતો પોતાનાં ખેતરોથી થાકેલા-પાકેલા ધીમે ધીમે ઘર તરફ આવતા હતા, તથા તેઓના બળદો રાતનો વિસામો ખાવાને ઘણા આનંદથી શિંગડાં ડોલાવતા તથા તેઓને ગળે બાંધેલા ઘૂઘરાનો અવાજ કરતા ચાલતાચ હતા. વખત ઘણો રળિયામણો લાગતો હતો. સૂર્યનારાયણ પશ્ચિમને દરવાજેથી જતા રહેવાની તૈયારીમાં હતા, અને આકાશનો તે ભાગ નાના પ્રકારના રંગથી શોભાયમાન દીસતો હતો, આસપાસનાં ઝાડો તથા ફૂલોની મંદમંદ સુવાસ સઘળે પથરાઈ રહી હતી, તેમાં માત્ર માણસની બેફીકરાઈથી તથા ફુવડાઈથી જ ઉત્પન્ન થતી દુર્ગંધ કોઈ વેળા ભળતી હતી. ગામમાં હરેક ઘરની સામાં એકેક ઉકરડો હતો, તેમાં વર્ષોનાં વર્ષ થયાં છાણ વગેરે ઘણી ગલીચી એકઠી થયા કરતી હતી. એ ઝેરના ઢગલામાં સડેલી વનસ્પતિ તથા બીજા પદાર્થ કોહ્યા કરતા, અને તેમાંથી જે નાશકારક રજકણો હવામાં ઊડતા હતા તેથી લોકોમાં અનેક તરેહના રોગો પથરાતા હતા, તથા તેઓની આવરદામાં ઘણો ઘટાડો થતો હતો. પણ તે બિચારાં પશુતુલ્ય પ્રાણીઓને એ વાતનું કાંઈ પણ ભાન ન હતું. પોતાના દૈવ ઉપર પાકો ભરોસો રાખીને જે જાય છે તે ઈશ્વરની તરફથી બને છે એમ સમજીને તથા તેઓનાં મા બાપ, છોકરાં, ધણીધણિયાણી, સગાંવહાલાં, વગેરે જેઓ મોતના સપાટામાં તેઓના યોગ્ય વખત પહેલાં આવી પડેલાં તેનું કારણ કેટલેક દરજ્જે એ ઉકરડા જ હતા, તથા એ મૃત્યુને કાંઈક હદમાં રાખવું એ તેઓના હાથમાં હતું એ વાત જાણ્યા સિવાય, તેઓ સુખી અજ્ઞાન અવસ્થામાં પોતાના દહાડા કાઢતા હતા. તે ગામના એક નીચ ઘરમાં એક ઓરડામાં તે સાંજરે બે માણસ બેસી ધીમે ધીમે વાતચીત કરતાં હતાં. તેઓમાંથી એક પુરુષ તથા બીજી સ્ત્રી હતી. પુરુષની વય આશરે ૪૦ વર્ષની દેખાતી હતી; પણ કેટલાક કારણોને લીધે તે વૃદ્ધાવસ્થામાં આવી પડ્યો હોય એમ લાગતું હતું. તેનું શરીર સુકાઈ ગયેલું તથા ચામડીનો રંગ છેક કાળો પડી ગયેલો હતો, આખા શરીરે તે ખંજવાળ્યા કરતો હતો. તેની આંખ લાલચોળ તથા ઊંડી પેસી ગયેલી હતી. તથા ઉપર ટાલ પડ્યાથી તે કાચના જેવું ચળકતું હતું; અને તે ઉપર આફ્રિકાના મહા રણમાં લીલોતરીની કોઈ નાની જગા માલુમ પડે છે તેમ સફેદ થોડાક નિમાળા ઊડતા હતા. તેના આખા દેખાવ પરથી જણાતું હતું કે કોઈ નઠારા વ્યસનમાં ગર થવાથી અશક્ત થઈ ગયેલો હતો; અને ખરી વાત પણ તેમ જ હતી. તે ભાંગનો પૂરો ગરાડી હતો. આખા દહાડામાં જો તેને આશરે ચાર અથવા પાંચ શેર ભાંગ ન મળે તો તે મરણતોલ થઈ જાય. પણ એકલી ભાંગથી તે ધરાતો ન હતો. અફીણ, ગાંજો તથા બીજી કેફી વસ્તુઓ પણ રોજ તેના ખપમાં આવતી હતી. તેથી આખો દહાડો અમલ કરવા સિવાય તેનાથી બીજું કોઈ કામ થઈ શકતું ન હતું. આ સઘળાનું પરિણામ એ થયું કે તેનાથી કાંઈ ધંધોરોજગાર થઈ શકતો નહીં. ગામમાં ગામોટપણું કરવામાં જે કાંઈ થોડી ઊપજ આવે તેમાંથી તેની તરફથી કામ કરનાર બ્રાહ્મણને અર્ધોઅર્ધ આપવું પડતું હતું, અને બાકીના અર્ધામાંથી પોતાની સ્ત્રી અને પાંચ છોકરાંનું ગુજરાન કરવું પડતું હતું. તે બિચારો ઘણી કંગાલ અવસ્થામાં હતો; પણ જો તે એકલો હોત તો ગમે તેવી દુર્દશાથી તે સંતોષ પામી પોતાના કાળનો નિર્વાહ કરત. પણ તેની સ્ત્રી ઘણા જ જુદા સ્વભાવની હતી, અને તેના ઠોક તથા ધાકથી નિરંતર તેને ઉપદ્રવ થયા કરતો, અને જો કેફના અમલથી તે નિશ્ચિંત તથા સદા આનંદી રહેતો ન હોત તો તેની સ્ત્રીના પૈસાના લોભથી તેનો જલદી અંત આવત. પણ હવે તો તેની બાયડીના ઠોક પણ પવનમાં ઊડી જતા હતા. તેની ગાળ ઘરની ભીંત માને તો તે માને, અને તેના વજ્ર જેવા બોલ તેની હાથી જેવી ચામડી ઉપર અથડાઈને પાછા પડતા હતા. તે સઘળાં કારણોને લીધે તેની બૈરીનો જીવ ઘણો ઊકળી જતો. વખતે તેને ક્રોધ એટલો બધો ચઢતો કે તે પોતાના શરીરને ભારે દુઃખ પહોંચાડતી; ઘણી વાર તે પોતે ભુખી રહેતી; તથા પોતાના ધણીને ભૂખ્યો રાખતી. એ વગેરે ઘણેક રસ્તે તેની રીસ ઊભરાઈ જતી. પણ શાંતિ એ અમુલ્ય ગુણ તેના સ્વામીમાં જોઈએ તે કરતાં વધારે હતો તેથી આખરે તેનો જ પરાજય થતો. એ ક્રોધાંધ સ્ત્રી શરીરે ઘણી કદાવર હતી. તેના દેખાવ ઉપરથી જ કોઈને ભય ઉત્પન્ન થાય. તેની ઉંમર આશરે ૩પ વર્ષની હતી. આવી સ્ત્રી જેને હોય તેની ખરેખરી કમબખ્તી જાણવી. જેટલા ગુણો નઠારા ગણાય છે તેઓમાંના ઘણાખરા તેનામાં હતા. ક્રોધ, અદેખાઈ, નિર્દયતા, આદિ બીજા દુર્ગુણોનું તેના મન ઉપર ઘણું પ્રબળ હતું. પણ સૌથી વધારે તેનામાં પૈસાનો લોભ હતો. પૈસાને વાસ્તે તે શું નહીં કરે, એ કહી શકાય નહીં. પૈસાને વાસ્તે રાતદહાડો તેનો જીવ બળ્યા કરતો હતો. પણ ઈશ્વરનો બનાવ એવો બન્યો કે જેટલો તેને લોભ વધારે તેટલી તેની દરિદ્રતા વધારે હતી. પોતાની અગણિત તૃષ્ણાઓને શાંત કરવાને જોઈએ તેટલા પૈસા તેને મળતા ન હતા એટલું જ નહીં, પણ તેને ખાવાપીવાના તથા બીજી જિંદગીને અવશ્ય વસ્તુઓના વાંધા પડતા. એ જ તેને ઘણું ભારે દુઃખ હતું, અને તેથી જે રીસ તેનામાં ઉત્પન્ન થતી તે સઘળી તેના ધણી ઉપર તે કાઢતી. તે દહાડે તેને ઘેર મોટા શ્રીમંત પરોણા આવેલા હતા. ભીમદેવ તથા દેવળદેવી તેઓને ઘેર ઊતરેલાં હતાં. તેઓના દરજ્જા પ્રમાણે તેઓનું સન્માન કરવું, તેઓને કોઈપણ પ્રકારે રાજી રાખવાં, એ વિષે તેને ઘણી ચિંતા થતી હતી. તેને એવી આશા હતી કે જો તેઓ પોતાના રાજકુંવરને ખુશ કરશે તો તેઓ તેને ન્યાલ કરી નાખશે, તથા તેઓનો દહાડો ફેરવી નાખશે. એ મતલબસર તેણે ઘણી ગોઠવણ કરી; પણ એટલા ઉપરથી પોતાની ધારેલી મતલબ પાર પડશે, એ બાબત તેને ઘણો શક હતો માટે આ વખતે કાંઈ તદબીર કરવી જોઈએ. તે શું કરવી એ વિષે ઊંડા વિચારમાં પડી હતી. દેવળદેવીના અંગ ઉપર ઘણું કીમતી ઘરેણું હતું તેટલું જ જો હાથ આવે તો જન્મ સુધી પાર પડી જવાય. પણ તે શી રીતે મળે ? મધ્યરાત્રે તે જ્યારે ભરઊંઘમાં હોય તે વખતે તેને ગૂંગળાવી મારી નાખીને તમામ ઘરેણું ઉતારી લઈ રાતે ને રાતે નાસી જવું; અને મુસલમાનોનું લશ્કર પાસે હતું તેથી તેને આશા હતી કે ભીમદેવ તેની શોધ કરવા આવશે નહીં. એ વાત ઉપર જેમ જેમ તે દુષ્ટ ચંડાળે વધારે વાર વિચાર કર્યો તેમ તેમ તેનું અંતઃકરણ વધારે વજ્ર તથા નિર્દય થતું ગયું, અને પૈસાના લોભથી તેના મનમાં સઘળા કોમળ વિચાર દબાઈ ગયા.

પણ તે કામ હવે કોણે કરવું ? તેણે પોતાના ધણીને પાસે બોલાવ્યો, અને તેની આગળ સઘળી હકીકત ઘણી અસરકારક રીતે કહી, અને છેલ્લે પોતાનું ધારેલું દુષ્ટ કામ તેની પાસે કરાવવાને તેણે હુકમ કર્યો. પોતાની ધણિયાણીમાં પૈસાનો આટલો બધો લોભ હશે, તથા તેને લીધે આવું પાપી કર્મ કરવાને તે કહેશે, એવું હજી લગી તેના મનમાં ન હતું. તથા આ ધારણા સાંભળીને તેને ઘણું જ આશ્ચર્ય લાગ્યું એટલું જ નહીં, પણ તેને ઘણો ક્રોધ ચડ્યો. તે બોલ્યો : ‘‘અરે ! દુષ્ટ ચંડાળણી ! અરે ! શંખણી ! યુગના માહાત્મ્યને લીધે તારામાં કેટલું પાપ ભરાયું છે ? અરે ! કસાઈ ! તને આ વિચાર કેમ સૂઝયો હશે ? અરે ! મારી પાસે સ્ત્રીહત્યા કરાવવી ! અને તે સ્ત્રી પણ રાજકન્યા, અને આપણા રાજાના પુત્રની સ્ત્રી ? અરરર ! હવે કલિયુગની ભરજુવાની બેઠી. આ કાળમાં પુરુષો તો દુષ્ટ થઈ ગયા છે; તેઓએ તો સત્ય મૂક્યું; તેઓ પ્રપંચના કૂવામાં પડ્યા; તેઓ માયાની મોહજાળમાં ફસાઈ પડ્યા; તેઓ પરમેશ્વરનો ભય જરા પણ રાખતા નથી; એ સઘળું જોયું છે. પણ સ્ત્રીઓ ! કોમળહૃદય સ્ત્રીઓ, જેઓ અંધારામાં જતાં બીએ, જેઓ માખી મરતી જોઈને કમકમાટ પામે, જેઓના મનમાં દયા વધારે હોવી જોઈએ, તે સ્ત્રીઓ જ્યારે નિરપરાધી પ્રાણીની હિંસા કરવાનો વિચાર કરે, એથી તો સીમા વળી. અરે ભગવાન ! આગળ કેવો કાળ આવવાનો છે ! તે હું ન જોઉં તો સારું. તેની અગાઉ, અરે ભગવાન ! તું મને ઉઠાવી લેજે. રાજદ્રોહ ! સ્ત્રી હત્યા શાસ્ત્રમાં મોટામાં મોટી કહેલી છે. અરે લક્ષ્મીબાઈ ! તેં જગતમાં સઘળાને વશ કીધાં છે, બીજા બધા દેવો તથા દેવીને મુકીને તારા સેવકો સઘળા થઈ પડ્યા છે. તારે વાસ્તે લોકો ઘણા અધર્ળ્મ કરે છે. અરે ! એક સ્ત્રી, તે વળી રાજકન્યા, અને તે પણ પરોણાગતના આશ્રયમાં રહેલી, તેની હત્યા કરવાનો વિચાર મારી દુષ્ટ સ્ત્રીને સૂઝ્‌યો, અને તે ઘોર પાપ મારી પાસે કરાવવાને ધારે છે એથી તો આડો આંક વળ્યો. હવે જગતમાં રહેવામાં કાંઈ સાર નથી, હવે તો મારે સંન્યસ્ત ગ્રહણ કરવું જોઈએ, અને આ પાપી પ્રપંચી દુનિયાનો ત્યાગ કરવો જોઈએ. હું એક ગરીબ બ્રાહ્મણ છું; મને મારી ધણિયાણી તરફથી મહાસંતાપ છે; મારું ભરણપોષણ પણ મુશ્કેલીથી થાય છે; તોપણ આટલાં બધાં દુઃખની સાથે હું મારા કાળનો નિર્વાહ કરું છું; જગત્‌ની જંજાળ તથા કલિયુગના દુષ્ટ વિચારોથી વિરક્ત રહેવાને હું રંગપાણી લઉં છું. હમેશાં નશાની લહેરમાં રહીને સંસારનો મહાસાગર ચેનથી તરી જાઉં છું. ભલે આકાશ તૂટી પડે તોપણ આ દુષ્ટ કર્મ, આ ઘોર પાપ હું કદી કરવાનો નથી. મારે કાંઈ પૈસાનું કામ નથી, અને મારાથી એ કામ બને એવું નથી.’’

રંગમાં ચકચૂર થયેલા ભટ આ પ્રમાણે પહેલી જ વાર પોતાની ધણિયાણીની સામું બોલ્યા. ભટે પહેલી જ વાર પોતાની ભટાણીની મર્યાદા તોડવાને હિંમત ચલાવી. તે એ પ્રમાણે પોતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે એવી ભટાણીને આશા ન હતી, અને તેની સાથે તે આવી રીતે ચાલશે એવો તેને વિચાર જ આવ્યો ન હતો. તેને એ વાતની તો પકક્કી ખાતરી હતી કે એ કામ તેનાથી થવાનું નથી. તેને તો માત્ર તેની મદદ જોઈતી હતી, પણ ઉપર પ્રમાણેનું બોલવું સાંભળીને તેનામાં સુતેલો સેતાન જાગ્યો; તેનામાં નખથી શિખા સુધી ક્રોધની જ્વાળા ઊઠી; તેનું મોં રીસથી લોહીવર્ણ થઈ ગયું; તેના ડોળા લાલચોળ થયા; તથા આખા શરીર ઉપર તેનાં રૂઆં ઊભાં થયાં. આટલી બધી વાત સાંભળવાની તેનામાં ધીરજ રહી એ જ મોટું આશ્ચર્ય હતું; પણ ક્રોધને લીધે તેની છાતી બંધ થઈ ગઈ અને તેનાથી બોલી શકાયું નહીં. પણ જ્યારે ભટ ઉપર પ્રમાણેનું ભાષણ કરી ચૂપ બેઠા, તયારે ભટાણીનો સઘળો અગ્નિ પ્રદીપ્ત થયો, અને પહેલો જુસ્સો તો તેણે ગાળ દેવામાં ખાલી કર્યો. તે બોલી : ‘‘અરે ભંગી ! અફીણી ! ગાંજાખોર ! અરે દુષ્ટ વ્યસની ! અરે બાયલા ! તું પુરુષને રૂપે સ્ત્રી છે. તને પુરુષ બનાવવામાં બ્રહ્માની ભૂલ થઈ છે. મારાં ક્યા જન્મનાં પાપ નડ્યાં કે હું તારે પાલવે પડી ! મારાં માબાપ આંધળાં હશે કે મારે વાસ્તે આવો ધણી શોધી કાઢ્યો. તને તો મશાલ લઈને શોધી કાઢ્યો હશે. અરે, બીજા મરી ગયા હશે, કે તારી કર્મે હું પડી ! બળતી મશાલે ખરે બપોરે મને કૂવામાં નાખી. તને પરણીને હું શું સુખ પામી છું ? તું તો નશામાં આંધળો થઈને પડી રહે છે તે તેં કાંઈ જોયું છે ? બીજાં આપણી ન્યાતમાં બૈરાં કેવાં ફરે છે ? લૂગડાં ઘરેણાંથી તેઓ ભરપૂર રહે છે, તેઓના સઘળા કોડ તેઓના ધણી પૂરા પાડે છે. તેઓનાં મન રાજી રાખવાને તેઓ સવારથી સાંજ સુધી ગદ્ધાવૈતરું કરે છે. તેઓની મરજી સંભાળે છે. તેઓની સાથે હેતથી રહે છે. પણ હું અભાગણી કેવી ? એવું સુખ મારા જન્મારામાં ભોગવ્યું નથી. મારો અવતાર છેક એળે ગયો. મારાં સુખ તો સ્વપ્નામાં જ વહી ગયાં. મારી ઉમેદ તો ઊગતી જ દબાઈ ગઈ. અરે દૈવ ! મારા ઉપર આટલી આફત, આટલું દુઃખ શા માટે નાખ્યું ? ધણીધિયાણીના સુખનો સ્વાદ તો મેં કોઈ દિવસ ચાખ્યો જ નથી; અરે, લૂંગડાં ઘરેણાં તો ક્યાંથી જ ? મુઆમાં રળવાની શક્તિ નથી; પીટ્યાથી પોતાના પેટનું તો ભરણપોષણ થતું નથી; એ તો મારે લીધે તને, મને, તથા આ મૂઆં નાનાં નાનાં છોકરાંના ભુડક્સને કકડો રોટલો મળે છે, તો પછી બીજું શું તું આપવાનો છે ? જો હું બેસી રહું, હું રાતદહાડો ફિકરમાં રહેતી ન હોઉં, જો હું પેટને સારુ ફાંફાં મારતી ન હોઉ, તો આપણે સઘળાં ભૂખે મરી જઈએ. એ એ સઘળું મુઓ ભૂલી ગયો ? અને આજે મને શિખામણ દેવા બેઠો છે ! કળજુગને સતજુગ, બ્રહ્મા ને વિષ્ણુ ! બોલતાં જ આવડે છે ! એ કરતાં તું પથ્થર થયો હોત તો હજારો લોકોને કામ લાગત. તેં મનખાદેહ ધરીને શું સાર્થક કર્યું ? પહેલાં પોતાના કુટુંબનું પોષણ તો થતું નથી. ધિક્‌ પડી તારા દેહને ! ધૂળ પડી તારા અવતાર ઉપર ! અરે, બળ્યું તારું જીવતર કે બૈરીને લીધે તારું પેટ ભરે છે. તારા જેવા માણસ જીવતા અને મુએલા બંને સરખા. તું જીવને શું ઉકાળે છે ? આખો દહાડો નશો કરીને ગધેડાની પેઠે પડી રહે છે. એવા વર કરતાં રંડાપો પણ હજારગણો સારો કે દેખવુંયે નહીં અને દાઝવુંયે નહીં. તું ખરેખરો મૂએલા જેવો છે. તારા ગયા પછી આ ચૂડો ફોડી નાખવો; અને આ ચોટલો બોડાવવો તેમાં દુઃખ શું છે ? હું તો જીવતા ધણીએ રંડાપો ભોગવું છું. જે કામ તારે કરવાનું છે તે હું કરું છું, જો તું ઉદ્યમ કરી કમાતો હોત તો આ દુષ્ટ કામ કદી કરવું પડત નહીં. એ કલિયુગનું પણ માહાત્મ્ય નથી અને કોઈનું પણ માહાત્મ્ય નથી, એ તો તારું માહાત્મ્ય છે. હું જાણું છું કે એ મહાપાપ કરવાથી આપણો કોઈ દહાડો છૂટકો થવાનો નથી. એ સ્ત્રીહત્યા કરવાથી જમના માર ખાવા છે, અને નરકના કીડા થઈ અવતરવું છે. પણ શું કરવું ? પેટને અર્થે કરવું પડે છે. શું આપણે જીવતાં સુધી દુઃખમાં અને દરિદ્રતામાં દહાડા કાઢવા ? શું આપણે જીવતાં આપણાં છોકરાંને ભૂખે મરવા દેવાં ? અરે ગધેડા ! એ બાળહત્યા શું નહીં ? આપણાં પેટનાં છોકરાં ભૂખે મરે તે આપણે જોયાં કરી અને સ્ત્રીહત્યા કર્યાં કરીએ ! શું પૈસાને સારુ પાપ કોણ નથી કરતું ? રાજાથી રંક સુધી સઘળા પૈસાને વાસ્તે પ્રપંચ કરે છે; વ્યાપારીઓ જૂઠું બોલે છે તથા ઘરાકોને છેતરે છે, સરકારી કારભારીઓ રુશવત ખાય છે; કારીગર લોકો વખત ચોરે છે તથા વખતે ખરેખરી જણસની ચોરી કરે છે. બિચારા બ્રાહ્મણોને કાંઈ ચોરવાનું નથી, ત્યારે શું કરવું ? પૈસા તો જોઈએ; ત્યારે આ મહા પાપ કરવાની જરૂર પડે છે. મેં તો તારું મન જોવાને તને કહ્યું. હું જાણું છું કે તારામાં એવું કામ કરવાની શક્તિ નથી. પણ તું જૂઠો ઢોંગ કરે છે તે જોઈને મને ઘણો ક્રોધ ચઢે છે. કહેવત છે કે ‘અશક્તિમાન ભવેત્‌ સાધુ.’ તારામાં શક્તિ નથી ત્યારે ધર્માત્માપણું જણાવે છે. અત્યાર સુધી પુરુષનું કામ હું જ કરતી આવી છું; તું તારી પાઘડીને એબ લગાડે છે. તારી પાઘડી ઉતારીને મને આપ, અને આ મારી કાંચળી તું પહેર. જો એ કામ કરવાની તારી ખુશી ન હોય, તો મૂગોમૂગો બેસી રહે, કોઈને કહેતો ના.’ ભટ આ પોતાની સ્ત્રીનું ભાષણ સાંભળીને છક થઈ ગયો; અને શિવ ! શિવ ! કરી ઈશ્વરનું ધ્યાન ધરી પોતાની જગાએ બેસી રહ્યો.ં

હવે ભટાણીએ રાતને વાસ્તે સઘળી તદબીર ગોઠવવા માંડી; પણ એ સઘળું કરવાની અગાઉ દેવળદેવીના શરીર ઉપર કેટલું ઘરેણું છે તથા તે ક્યાં ક્યાં છે તે પહેલાં જોઈ લેવાની જરૂર હતી; માટે ભટાણી ખુશ ચહેરો રાખીને દેવળદેવીની પાસે જઈને બેઠી, અને બૈરાંની રીત પ્રમાણે વાત કરવા લાગી. કેટલાક જુદા જુદા વિષય ઉપર વાત કરીને ઘરેણાં વિષે બોલવા માંડ્યું, અને એમ કરતાં તેનું સઘળું ઝવેર તેણે જોઈ લીધું. તે વખતે રાત પડેલી હતી, અને જમવાની તૈયારી કરવી હતી, માટે ભટાણીએ તરત રસોઈ કરી; પણ તેનું મન રાંધવામાં ન હતું. દાળ દાઝી, ભાત બળી ગયો, અને રોટલી કાચી રહી. ભટાણીને રાત્રે એક દુષ્ટ અને ભયંકર કર્મ કરવાનું હતું, તેથી તેનું મન આવું અસ્થિર થઈ ગયું હતું, એમાં કાંઈ આશ્ચર્ય ન હતું. તેના અંતઃકરણમાં જુદા જુદા વિકારોનું તોફાન થઈ રહ્યું હતું. કોઈ વાર દયા જય પામે, એટલે દ્રવ્યનો લોભ જોર પકડીને દયાને દાબી નાખે. કોઈવાર ધર્મની વૃત્તિ જોર પકડે ત્યારે પોતાની દુર્બળ અવસ્થા તથા પોતાનાં છોકરાંનું દુઃખ યાદ આવી તે વૃત્તિને કચડી નાખે. એ પ્રમાણે તેના મનમાં ઊથલપાથલ થઈ રહી હતી, પીરસવામાં પણ ભટાણીનું ચિત્ત ઠેકાણે ન હતું. તેના દુષ્ટ વિચારથી તેને દૂર કરવાને અંતઃકરણ તેને ધીમે ધીમે સમજાવતું હતું, પણ તે એકલાની સામા બોલનારા શત્રુ ઘણા હતા. જમનારાઓએ તેને બેબાકળી થયેલી જોઈ; તેનું કારણ શું હશે તે ન જાણ્યાથી તેઓ મૂગા બેસી રહ્યા. તેઓ સમજ્યા કે એ સ્ત્રીજાત છે માટે પુરુષને દેખી શરમાય છે; પણ તેના મનનું માપ તેઓથી થઈ શક્યું નહીં. જ્યારે જ્યારે ભટાણીનું મન સ્થિર થતું, ત્યારે ત્યારે તે બોલતી કે આવા રાજકુંવર જેવા મોટા પરોણા અમારા ગરીબ ઘરમાં આવ્યા એ અમારું મોટું ભાગ્યા, તથા તેથી અમારું ઝૂંપડું પાવન થયું; પણ તેઓની જોઈએ તેવી પરોણાગત કરવાને અમારી પાસે કાંઈ નથી તેથી અમને ઘણી લાજ લાગે છે, અને તેથી મારું મન આકુળ-વ્યાકુળ થઈ ગયું છે. ભીમદેવ તથા દેવળદેવીએ તેને મીઠાં મીઠાં વચન કહી ધીરજ આપી. આવે વખતે ને આવી જગાએ તેઓએ તેમને રાખ્યાં એ જ તેઓનો મોટો ઉપકાર થયો, અને એ ગુણનો બદલો કોઈ વાર પણ વાળવામાં આવશે. એ રીતે તેને ઘણો દિલાસો દીધો. પણ જેને પેટમાં દુખે તેને માથે ઓસડ ચોપડવાથી શો ગુણ થાય ? એ પ્રમાણે તેઓ બંનેના વચન ભટાણીએ સાંભળી લીધાં. પણ તેણે નાનપણથી કોઈએ ઉપદેશ કર્યો હતો કે રાજાના બોલવા ઉપર ભરોસો કદી રાખવો નહીં; તેઓ તો ‘ગરજ સરી એટલે વૈદ વેરી’ એવી જાતના લોકો હોય છે; માટે ભટાણીને તેઓના બોલવા ઉપર કાંઈ વિશ્વાસ આવ્યો નહીં. વળી તેનો વિચાર એવો હતો કે નિશ્ચિત વસ્તુ છોડીને જે અનિશ્ચિત વસ્તુ મળવા ઉપર ભરોસો રાખે છે તેને કેવળ મૂર્ખ જાણવો. તેના મનમાં તેના ધારેલા કામમાં કાંઈ મુશ્કેલી લાગતી ન હતી, અને નાસી જઈ બચવા વિષે પણ પૂરી ખાતરી હતી. અરેરે ! માણસની કેવી મૂર્ખાઈ છે ! દુનિયામાં ઘણાખરા ગુના આ જૂઠા વિચારને લીધે જ થાય છે, તે પ્રમાણે ભટાણીના મનભમાં આવતું હતું એમાં કાંઈ નવાઈ જેવું ન હતું.

જમી રહ્યા પછી સૌ સૂવાને ગયાં, અને તેઓને બીજે દહાડે સવારે જલદી કૂચ કરવાની હતી તેથી તેઓ સઘળાં વહેલાં સૂઈ ગયાં, અને તરત ઊંઘવાને માટે પછાડા મારવા મંડી ગયાં. ભીમદેવનાં માણસો એકદમ નિદ્રાવશ થઈ ગયાં. ભટ પોતે પણ લાંબા થઈને સૂતા, અને નશામાં ચકચૂર થયેલા તેથી પોતાની વહુની સાથે થયેલી સઘળી વાત તેના મગજમાંથી ભૂંસાઈ ગઈ, અને લહેરમાં ઊંઘી ગયા. છોકરાં સઘળાં સૂઈ ગયાં. માત્ર ઘરમાં ત્રણ જણ જાગતાં હતાં. એક તો ભટાણી પોતાના ઓરડામાં એક તલવાર તૈયાર રાખીને બિછાના ઉપર પછાડા મારતી હતી, અને ઘણી જ આતુરતાથી મધ્યરાત્રિના સમયની રાહ જોતી હતી, એક મિનિટ તેને કાળ જેવી લાંબી લાગતી હતી અને તેના મનની અવસ્થા એવી હતી કે તેનું યોગ્ય વર્ણન પણ થઈ શકે નહીં. બીજો ભીમદેવ દુશ્મનના હાથમાંથી બચ્યો, તથા પોતાની રાજધાનીમાં બીજે દહાડે સાંજરે પહોંચાશે, એ વિચારથી તથા પોતાનું ધારેલું કામ સિદ્ધ થયું અને દેવળદેવીને પોતાના ભાઈ શંકળદેવને વાસ્તે લઈ જઈશ, એ વાતથી તેને ઘણો આનંદ થતો હતો. તે છતાં પણ એક દહાડો હજી કાઢવો છે, તથા તેટલા વખતમાં કદાપિ શી શી વિપત્તિ આવી પડે તેની ખબર ન હતી તેથી તેને ઊંઘ આવતાં મુશ્કેલી પડતી હતી. તોપણ થોડી વારમાં તે ભરઊંઘમાં પડ્યો. ત્રીજી દેવળદેવીની સ્થિતિ સુખદાયક તથા દુઃખદાયક એ બંને હતી. અગર જો સાચા તથા પવિત્ર પ્યારનો રસ્તો નિર્વિધ્ન હોતો નથી, અગર જો તે રસ્તો ઘણો વિકટ તથા ખડબચડો હોય છે, અગર જો ધારેલી ઉમેદ પાર પાડતાં ઘણો વિલંબ લાગે છે. તથા વચમાં ઘણી અડચણો નડે છે, તોપણ અંતે સાચા સ્નેહનો જય થાય છે; અંતે વહાલાનો સંયોગ થાય છે; અને અંતે આગલાં સઘળાં દુઃખના બદલામાં ઘણું સુખ મળે છે. એ વાત ઉપર વિચાર કરવાથી દેવળદેવીના મનને ઘણો દિલાસો મળતો હતો, તથા તેનો જીવ ઘણો ઉલ્લાસમાં હતો. તે બિચારી હજી બાળક હતી. તેને હજી કોઈ અનુભવ ન હતો. તેણે માત્ર તડકો જ જોયો હતો, છાંયડાનો તો તેને અનુભવ જ ન હતો. દુનિયામાં કેટલી હરકતો નડે છે તે તે જાણતી ન હતી; માટે જેની છબી તેના અંતકરણમાં રહી હતી, જેનું તે નિરંતર મનન કર્યા કરતી હતી, જેની સાથે તેણે પહેલો જ પ્યાર બાંધ્યો હતો, તથા જેને તેણે પોતાનું તન, મન, અને ધન અર્પણ કરેલું હતું તેનો કાલે મેળાપ થશે, એ આતુરતાથી જ તેના જીવને અત્યારે જરા પણ ચેન પડતું ન હતું. તે બિચારી દેવળદેવીને કાલે શું થવાનું છે તેની ખબર ન હતી. તે આસપાસની હકીકત પ્રમાણે પોતાના હતાં, તેને લીધે તેના મનમાં ધીરજ રહેતી હતી, તથા તેઓની ખુશીની સાથે તેને ખુશી થતી હતી. પોતાના પરમ પ્રિયનું દર્શન, તેની સાથે પહેલી મુલાકાત, પરસ્પરનો હેતનો ઊભરો, પ્રેમસહિત વાતચીત, તથા આગળ કેવાં સુખ ભોગવવાં છે, તે સઘળું તેની આંખ આગળ રમી રહ્યું હતું. કલ્પનાશક્તિ જોરાવર હોવાને લીધે તેને અતિ સુખ પ્રાપ્ત થતું. પણ અફસોસ ! ભવિષ્ય ઉપર એક ભયંકર કાળો પડદો પડેલો હતો અને પરમ દયાળુ પરમેશ્વરની કૃપાથી તે પડદાની આરપાર તેનાથી જોઈ શકાતું ન હતું, તેથી તેની પેલી ગમ સઘળું સુખરૂપ છે, એવી કલ્પનાથી તે બિચારી પોતાનો કાળિનર્વાહ કરતી, અને આ પ્રમાણે કલ્પેલું સુખ ભોગવવામાં જ તે નિદ્રાને વશ થઈ.

રાતના બે વાગ્યા. રાતનો ભરપૂર અમલ બેઠેલો હતો. ચંદ્રમાં અસ્ત પામ્યો હતો, અને સઘળે ઠેકાણે અંધકાર વ્યાપી ગયો હતો. આખી સૃષ્ટિમાં ચૂપાચૂપ હતું. માત્ર વખતે વખતે ઘુવડ અથવા ચીબરીનો કઠોર શબ્દ કાને પડતો હતો. આ વખત ચોરોને ઘણો અનુકૂળ પડે એવો હતો. એ વખતે ભૂતપીશાચ વગેરે મલિન પ્રાણીઓને બહાર ફરવા નીકળવાનો ગણાતો હતો. આ વખતે સદ્દગુણ આરામ પામતો હતો, અને દુર્ગુણ જ માત્રો જાગી ઘડી ગણતો હતો. એવે વખતે ભટાણી જાગ્રત થઈને ઊઠી અને ખૂણામાં જે તલવાર સંતાડેલી હતી તે પકડી. તે ધીમે ધીમે જે ઠેકાણે દેવળદેવી સૂતી હતી ત્યાં ગઈ, અને પોતાના ધારેલા કામને પાર પાડવાની તૈયારી તેણે કરી. ઓરડામાં સઘળાં ભરઊંઘમાં હતાં, તેઓની ઘોરથી ઘણો મોટો તથા ભયંકર શબ્દ થઈ રહ્યો હતો, દીવો ઝાંખો ઝાંખો બળતો હતો તોપણ જેટલાં પ્રકાશનાં કિરણ તેમાંથી નીકળતાં હતાં, તેઓમાંથી ઘણાં દેવળદેવીના રૂપવંતા વદન ઉપર પડતાં હતાં. આ અંધકાર અને અજવાળાની મર્યાદા ઉપર દેવળદેવી સૂતી હતી, અને તેની પાસે ભટાણી હાથમાં નાગી તલવાર લઈને ઊભી હતી. આ કેવો દેખાવ ! આ વખતે કોઈ ચતુર ચિતારો હોય તો તેને પોતાના ચિત્રને માટે એક વિચિત્ર પણ ભયાનક વિષય મળી આવે. એક તરફ એક ભરજુવાનીમાં ફૂટતી, રૂપાળી, નિર્દોષ સ્ત્રી ભરનિદ્રામાં ગર્ક થયેલી હતી; અને બીજી તરફ એક મધ્યમ અવસ્થાની ક્રૂર, ચંડાળ સ્ત્રી મહાપાપ કરવાને તત્પર થઈ હાથમાં પ્રાણઘાતક શસ્ત્ર લઈ ઊભી હતી. એક તરફ ઈંદ્રની રંભા, અને બીજી તરફ એક શંખણી, એક તરફ કમળલોચની પોતાનાં નેત્રકમળની પાંદડી બીડીને વિશ્રાંતિ લેવી હતી; અને બીજી તરફ લોહીવર્ણ, ફાટેલા ખૂની ડોળાવાળી રાક્ષસી દુષ્ટ વાઘની પેઠે પોતાના શિકાર તરફ તાકતી હતી. એક તરફ સદ્‌ગુણી, શાંત મનની અબળા નિદ્રાદેવીની બાથમાં ભરાયેલી હતી; અને બીજી તરફ સ્ત્રીના નામને એબ લગાડનાર બાયડી અતિ દુષ્ટ કર્મ કરવાને તત્પર થયેલી હતી; તેના મનમાં જેમ વાવાઝરડાંથી સાગરનું પાણી ઊછળે છે તેમ ઊથલપાથલ થઈ રહી હતી. આ ભયંકર વખતે તેણે તલવાર ઉગામી તો ખરી, પણ તે નીચે પડતાં વચમાં અટકી ગઈ. ખરે કોઈ સદ્‌ગુણની, કોઈ નિર્દોષપણાની રક્ષણ કરનાર દેવીએ તે શસ્ત્ર પકડી રાખ્યું, ભટાણીનો હાથ નિર્બળ થઈ ગયો, તલવાર હાથમાંથી પડી ગઈ; તેની કાયા શિથિલ થઈ થરથર કાંપવા લાગી; તેને સર્વાંગે પરસેવો છૂટ્યો; અને કપાળ ઉપર પાણીનાં ટીપાં બંધાયાં; તેના મોં ઉપરથી લોહી ઊડી ગયું; અને જેવો શીરના બહારના ભાગમાં મોટો ફેરફાર થયો તેવો માંહે પણ થયો. પ્રિય વાંચનાર ! આ ઠેકાણે સવાલ ઊઠશે કે આ શાથી થયું ? અંતઃકરણના પશ્ચાત્તાપથી જ. ભટાણીએ જો જતાં વાર ઘા માર્યો હોત, તો તે દુષ્ટ કામ થઈ ગયું હોત; પણ તેણે આવીને દેવળદેવીનું મોં કેટલીક વાર જોયાં કર્યું, તેથી ઊંચી વૃત્તિઓને જોર પકડવાનો વખત મળ્યો; અંતઃકરણે પાછો પોકાર કર્યો. દેવળદેવીના સુંદર તથા નિર્દોષ મુખમાંથી જે શીતળ કિરણો નીકળ્યાં તેથી ભટાણીના મનની આગ હોલવાઈ ગઈ, અને તે વખત દયા તથા બીજા કોમળ વિકારો મદદે આવ્યા, તેથી ભટાણી બદલાઈ ગયાં. લાગલો જ પશ્ચાત્તાપ ઉત્પન્ન થયો. આ સુંદર કોમળ કાયા ઉપર કઠણ લોઢાનો ઘા કોણ કરી શકે ? આ રૂપાળા ફૂલની કળી કોનાથી તોડાય ? આ શોભાયમાન વૃક્ષ ઉપર કુહાડો કેમ મરાય ? તેથી ભટાણી તલવાર પાછી લઈ પોતાની તળાઈ ઉપર સૂઈ ગયાં, એમાં કાંઈ આશ્ચર્ય નથી. સદ્‌ગુણનું આટલું જોર છે; પશ્ચાત્તાપની એટલી અસર છે; પણ તે સઘળું થવાને માટે વખત અવશ્યનો છે. કોઈ પણ દુષ્ટ કર્મ કરવા અગાઉ જો થોડોઘણો વખત મળે તો તે કર્મ થતું બંધ પડવાનો ઘણો સંભવ રહે છે.

પ્રભાતનો પહોર થવાની લગભગ વેળા થઈ. સૃષ્ટિનું રૂપ બદલાવા માંડ્યું. પક્ષીઓ તથા બીજાં પ્રાણીઓ જાગ્રત થઈ પોતપોતાને કામે નીકળ્યાં. ગામનાં કૂતરાંઓ ભસવા લાગ્યાં. સવારોના ઘોડાઓએ ખંખારવા માંડ્યું અને ભીમદેવનાં સઘળાં માણસો તૈયાર થઈ કૂચ કરવાને નીકળ્યાં. ભીમદેવ પણ પોતાના ઘોડા ઉપર સવાર થયો. દેવળદેવી ઘરમાંથી બહાર નીકળી, અને તેને વાસ્તે જે ઘોડો તૈયાર કર્યો હતો તે ઉપર તેણે બેસવા માંડ્યું. તે વખતે ભટજી હાથ જોડીને ભીમદેવની આગળ ઊભા રહ્યા; આશીર્વાદના મંત્ર ભણ્યા; અને દક્ષિણાને માટે આતુરતા દેખાડી. ભટાણી નીચું માથું રાખીને દેવળદેવીની સામી ઊભી રહી. રાતની વાત યાદ આવવાથી ભટાણીથી દેવળદેવીની સામું જોઈ શકાયું નહીં. તેને એટલી તો શરમ લાગી કે જો તે વખતે ધરતી માર્ગ આપે તો તે માંહે પેસી જાય. દેવળદેવી તો તે સવારે ઘણી હસમુખી દેખાઈ, અને ઘણા ઉમંગથી ભટાણીને પાસે બોલાવી તેણે જે ચાકરી કરી તથા આવે વખતે જે પરોણાગત કરી તેને માટે તેનો ઉપકાર માન્યો, અને રાત્રે જેટલું ઝવેર તેના અંગ ઉપર હતું તે સઘળું એક દાબડામાં ભરી તેને આપી દીધું, અને તેને એવું વચન આપ્યું કે દેવગઢ પહોંચ્યા અને ત્યાં ઠરીઠામ થયા પછી તને પણ ત્યાં બોલાવી લઈશ, અને પોતાની પાસે હમેશાં રાખીશ. ભટને પણ સો સોનાની દક્ષિણા મળી, અને વળી રાજધાનીમાં ગયા પછી દરબારમાં બોલાવી તેને જન્મ સુધી ન્યાલ કરી નાખવાની કબૂલાત આપી. આવી રીતે તે દુર્ભાગી દરિદ્રી કુટુંબના સુખના સૂર્યનો ઉદય થયો, તેથી ધણીધણિયાણીને જે અતિ આનંદ થયો તેની વાંચનારાઓએ કલ્પના કરી લેવી. જો ભટજી નશાના અમલથી સદા આનંદી ન હોત તો આ સુખની અકસ્માત્‌ રેલ આવવાથી તેનું મગજ ઘસડાઈ જાત, અને છેક ગાંડો થઈ જાત, તેમ જ જો ભટાણીનું મન મજબૂત ન હોત તો તે જ વખતે તે હર્ષ સનેપાતથી પડીને મરણ પામત. તેઓનાં મનમાં ઉપકાર ઊભરાઈ જવા લાગ્યો, અને આ ગુણનો કાંઈ બદલો વાળવાને તથા પશ્ચાત્તાપના કીડાને કાંઈ નરમ પાડવાને ભટાણીએ દેવળદેવીની સાથે જવાનો નિશ્ચય કર્યો, અને તે બીજી દાસીઓના ટોળામાં પોતાનાં છોકરાંને સાથે લઈ સામેલ થઈ. ભટજી પણ તેની સાથે ચાલ્યા. એ પ્રમાણે સવારી ગામ બહાર નીકળી. ગામના લોકો તેઓને વળાવવા આવ્યા, તથા પોતાના રાજકુંવરને વાસ્તે તથા જે તેઓની હવે પછી રાણી થનાર હતી તેના ઉપર તેઓએ ઘણો પ્યાર દેખાડ્યો; તેઓના ઉપર ફૂલોની વૃષ્ટિ કરી; અને ઘરડાથી તે બાળક સુધી સઘળાં માણસોએ પોતાના અંતફકરણથી તેઓને આશીર્વાદ દઈને પરમ કૃપાળુ ઈશ્વર પાસે એટલું માગી લીધું કે તેઓને રસ્તે દુષ્ટ મ્લેચ્છનો અથવા બીજા કોઈનો ઉપદ્રવ થાય નહીં, અને તેઓ સુખરૂપ તથા સહીસલામત રાજનગરીમાં જઈ પહોંચે. તેઓમાંથી આશરે સો જુવાનો હથિયારબંધ ભીમદેવની સાથે ચાલ્યા અને બાકીના પોતપોતાને ઘરે ગયા.

જ્યારે ભીમદેવની સવારી દેવનગરી તરફ જતી હતી તે વખતે અલફખાં શું કરતો હતો તે ઉપર જરા આપણે નજર કરીએ. જે મેદાનમાં આવી અલફખાં અટક્યો ત્યાં જ તેણે તેના લશ્કરને માટે છાવણી કરી. થોડી વારમાં તે ઠેકાણે એક ગામ બની રહ્યું. નાના પ્રકારના તંબુઓથી તે જગા શોભી રહી હતી. વચ્ચે એક મોટો બજાર મંડાયેલો હતો. લશ્કરને માટે જે જે અવશ્યનું હતું તે સઘળું ત્યાં આવી પહોંચ્યું હતું. અને અગર જો દુકાનદાર તથા બીજા કેટલાક લોકોને ફાયદો હતો, અને તેથી તેઓ ઘણા આનંદમાં દેખાતા હતા તોપણ મુખ્ય સરદાર, નાના અમલદારો, તથા ઊંચા વર્ગના સિપાઈઓમાં ભારે દિલગીરી પથરાયેલી હતી. અલફખાંના દુઃખનો તો કાંઈ પાર જ ન હતો. તેનાં કારણો એવાં એવાં તો ખુલ્લાં છે કે તે કહેવાની કાંઈ જરૂર નથી. હવે તો તે બિલકુલ નિરાશ થઈને બેઠો. હવે કાંઈ જ ઈલાજ રહ્યો નહીં. અને હવે પછી શું થશે તેની તેને કાંઈ ખબર ન હતી. હવે આગળ જવામાં કાંઈ ફાયદો ન હતો. દેવગઢ એક મજલ દૂર રહ્યું હતું; પણ તે શહેર ઉપર તેની પાસે જેટલાં માણસો હતાં તેટલાં લઈ જવામાં કાંઈ નફો ન હતો. એટલું જ નહીં પણ ઘણું નુકસાન હતું. કેમ કે એટલાં મુઠ્ઠીભર માપણો દેવગઢનો રાજા સહેજ કાપી નાખશે, એમ તે સમજતો હતો. પાછું જવું એ વિના બીજો રસ્તો ન હતો, પણ એ કેવો દુઃખદાયક વિચાર !

તેના સિપાઈઓ પણ તેવી જ દિલગીરીમાં ગિરફતાર થયા હતા. તેઓની સઘળી મહેનત છૂટી પડી, અને આટલું દુઃખ તથા સંકટ વેઠ્યા પછી અપયશનો ગાંસડો બાંધ્યો. કાફર હિંદુઓ તેઓ ઉપર હાથ મારી ગયા એથી તેઓ ઘણા ગુસ્સે થયા. જો પોતાના દીનવાળાઓ સાથે લડતાં હાર્યા હોત તો આટલી ફજેતી ન હતી. તેઓ વારે વારે મૂછ ઉપર તાવ દેતા હતા, અને તેઓની ચાલ ઉપરથી ‘મિયાં પડે ટંગડી ખડી’ એ કહેવત ખરી પડતી હતી, જ્યારે રાત પડી ત્યારે તેઓનાં જુદાં જુદાં ટોળાં બંધાયાં, અને મોટાં મોટાં તાપણાં સળગાવી જુદે જુદે ઠેકાણે તેઓ કૂંડાળાં વળીને બેઠા. તેઓમાંથી એક કૂંડાળામાં બે સિપાઈઓ નીચે પ્રમાણે વાત કરતા હતા :

સોભાનખાં - મિયાં ઈબ્રાહીમખાં ! અલ્લા તમને સલામત રાખે, પણ અલફખાંનું પાણી હવે ગયું. પાદશાહની હજુરમાં તેણે વક્કર ખોયો. એ રંડી ખરેખર હાથમાંથી છટકી ગઈ. પણ અલ્લાના કસમ, એમાં અલફખાંનો કાંઈ વાંક નથી. તેનાથી જેટલી મહેનત થઈ તેટલી તેણે કરી. સઘળી વાત ખુદાના હાથમાં છે. તેની એ પ્રમાણે જ ખુશી હશે.

ઈબ્રાહીમખાં - વાત સાચી કહી રંડી હાથમાંથી છટકી તો ગઈ, અને તેમાં અલફખાંનો ઘણો કસૂર નથી. પણ તેણે થોડી આપણી પણ મસલત લીધી હોત તો સારું. તે પોતાની જ અક્કલ પ્રમાણે ચાલ્યો તેમાં એવાં ફળ નીપજ્યાં. હવે તે પાદશાહને શી રીતે મોં બતાવશે ? પણ એ સઘળું કારસ્તાન પેલા ખોજાનું છે. વધારે કહેવાની શી જરૂર છે ? થોડામાં સમજી લેવું, તેણે પોતાને આબરૂ મળવા માટે આ જંગલમાં એક ભુખડી રાજા ઉપર ચઢાઈ કરી, અને આ જંગલમાં અને પહોડોમાં મુસલમાન લોકોને ફસાવ્યા. ખુદાને માલૂમ કે એનું પરિણામ શું થશે. પણ હાલ તો બિચારો અલફખાં ગરદન મરાયો. ખુદા ખેર કરે. શું થશે ?

સોભાન અ જ્યારે તમે આગળ વાત ચલાવી ત્યારે તો મારે કહેવું જોઈએ કે એ ખોજાને તો એ રાંડ સાથે કાંઈ જ નિસબત નથી. એને તો દેવગઢના રાજાને પાધરો દોર કરવો છે. પણ પાદશાહના ઝનાનખાનામાં એક રજપૂતાણી રાંડ છે તેને પાદશાહ વશ થઈ ગયો છે. તે ખરેખરી પરીજાત છે. જેવી બેહેશ્તની હુરી. પાદશાહ તેનામાં ગુલતાન થઈ ગયો છે, એમાં કાંઈ નવાઈ જેવું પણ નથી. ઓરતની વાત જ એવી છે. તે રંડીના કહેવાથી ઉપરથી અલફખાંને અહીં આવવું પડ્યું. નાસી ગયેલી ઓરત તેની દીકરી થાય છે. તેને દિલ્હીમાં પોતાની પાસે બોલાવવી છે. પાદશાહની વાત જ ન પૂછવી. અલ્લા જાણે, એ જુવાન છોકરીને પાદશાહ શું કરશે ? માને પરણીને હવે છોકરી સાથે શાદી કરશે ? અગર નહીં તો શાહજાદા સાથે પરણાવશે ? કાફર લોકોમાં પણ ઘણી ખૂબસૂરત ઓરતો છે તે ખુદાએ આપણે જ માટે પેદા કરેલી છે. પણ જ્યારે પાદશાહ તે સઘળીને પોતાની પાસે ખેંચી લેશે, ત્યારે આપણા જેવા સિપાઈ બચ્ચાને ઓરતો ક્યાંથી મળશે ? પાદશાહનો પણ જુલમ છે.

મલેક જાફર - (વચ્ચે બોલી ઊઠ્યો) કેમ છે મિયાં સાહેબો ? કાંઈ અક્કલ ગીરો મૂકી છે ? હજરતો ! કાંઈ જિંદગીથી કાયર થયા છો ? નકામા મોત શા માટે માગી લો છો ? જો તમારી વાત પાદશાહના જાણ્યામાં આવશે તો તમારા કટકે કટકા કરી નાખશે. તમે હજી અલાઉદ્દીન ખીલજીને ઓળખતા નથી. તે સઘળે ખાનગી જાસૂસો રાખે છે અને ગમે તેવી છાની વાત થાય તો પણ તેને કાને પડ્યા વિના રહેતી નથી. માટે હમેશાં સમાલીને વાત કરવી જોઈએ. એમાં નફો નથી, ઊલટી હાનિ છે; માટે એ વાત બદલી નાખવી જોઈએ, બીજી ઘણીએ વાત છે.

સોભાન - ઈસ્‌તગ્‌ફરૂલ્લાહ ! વાત સાચી છે. બીજી વાત કરવી જોઈએ. વારુ, આટલામાં કાંઈ જોવા લાયક જગા છે ? હવે અહીં નવરા પડી રહ્યા છીએ, ત્યારે કાંઈ ગમત કરવી જોઈએ.

મ. જા. અ સુબાનઅલ્લાહ ! જગા તો એવી બતાવું કે તમે જોઈને ખુશ થઈ જાઓ. અહીંથી થોડેક દૂર કાફર લોકોનાં દેવળ છે. એવાં સઘળી જહાંનમાં નહીં હશે. અલબત્ત, મક્કા, મદીનામાં જે આપણી મસ્જિદો છે તેની વાત તો કહેવી જ નહીં. વેરુલ કરીને એક પાસે ગામ છે તેમાં ગુફાઓ છે તેની શી તારીફ કરું ! તે ઉપરની નકશી તથા કોતરેલું કામ તો જોયાં જ કરીએ. હિંદુ લોકોમાં પણ મોટા કારીગરો થઈ ગયેલા છે. એ લોકો ઘણી વાતમાં હોશિયાર છે. એક તેઓનો દીન શેતાનનો બનાવેલો છે, અલહમદુલિલ્લાહ ! ખુદા તેઓને વધારે રોશની આપે.

સોભાન - મિયાં સાહેબ - એ કોતરોનું થોડું બ્યાન કરો.

મ. જા. - તેઓનું બ્યાન થઈ શકે એવું નથી; જોયાથી જ તેની ખુબી જણાય. પણ જ્યારે તમારા સઘળાની ખાહિશ છે ત્યારે તેનો એક ટૂંકો અહેવાલ મારી મગદુર પ્રમાણે હું આપું છું. વેરુલ ગામથી આશરે અર્ધા કોશ ઉપર એક અર્ધચંદ્રાકાર પહાડ છે. તેના આગલા ભાગમાં એ ગુફાઓ છે. તેઓ બ્રાહ્મણ, જૈન તથા બૌદ્ધ લોકોની છે. જમીનની અંદર દેવળો એટલાં બધાં છે તથા તેઓ એવાં શોભાયમાન છે, તેઓમાંનાં કેટલાંક એટલાં તો મોટાં તથા ઊંચા છે, બીજાં કેટલાંકમાં એવી તો ભાતભાતની નકશી છે, અજાયબ સરખાં પાતરાં તથા વેલ એવી તો કોતરેલી છે; થાંભલા ઉપર એવી તો બારીક તથા ખૂબસૂરત નકશી છે, તેઓના ઉપર દેવીની મૂર્તિ એવી તો રમણીય ખોદી કાઢી છે, તથા પૂતળાં એવાં એવાં તો મોટા કદનાં છે કે આપણે એ સઘળું જોઈને ખરેખરા તાજુબ થયા વિના રહીએ નહીં. કેલીક ગુફાઓને બ્રાહ્મણ લોકો ધિક્કારીને ઢેડવાડો કહે છે. તેઓ ચોમાસાના દહાડામાં ઘણી જ રળિયામણી દેખાય છે. જે કોતર છે તે ઘણું જ મોટું તથા ખૂબસુરત છે, અને તેના આગલા ભાગ આગળથી ચોમાસામાં એક નાની નદી વહે છે. એ નદી જ્યાં નીચેના મેદાનમાં પડે છે ત્યાં એક સુંદર પાણીનો ધોધ થાય છે, અને તેથી દહેરાં આગળ એક કાચના જેવો નિર્મળ પારદર્શક પડદો થઈ રહે છે. ગુફાના મોં આગળથી તે છેક છેડા સુધી જમીન ઉપર બે પથ્થરની પાટલી સામસામી સીધી ને સીધી જડેલી છે તે ઉપર વિદ્યાર્થીઓ, લહિયા, તથા દુકાનદારો બેસે છે, અને વચ્ચે થઈને છેક છેડાની મૂર્તિ આગળ જવાય છે. ઘણું લંબાણ થઈ જાય માટે વધારે બોલતો નથી; પણ એટલાથી જ તે ગુફાઓ કેવી જોવા લાયક છે તેનો તમારે ખ્યાલ કરી લેવો. પણ તે ગમે તેવી સારી હોય તોપણ જો વા શી રીતે જણાય ! અલફખાંની રજા લેવી જોઈએ. હમણાં રજા માગવા કોનાથી જવાય ? અને આવે વખતે આપણે સેર કરવાનો વિચાર કરીએ એ સાંભળીને તે ઘણો ગુસ્સે થશે, અને રજા આપશે નહીં એટલું જ નહીં, પણ તે આપણને ઘણો સખ્ત ઠપકો દઈ કાઢી મુકશે. માટે શો વિચાર છે ?

સોભાનખાં, ઈબ્રાહીમખાં તથા બીજા ઘણા સિપાઈઓ બોલી ઊઠ્યા કે આપણે પણ મુસલમાન બચ્ચા છીએ. આપણે લશ્કરમાં આપણા પાદશાહની ખાતર લડવા આવ્યા માટે તેને કાંઈ આપણે વેચાયા નથી. રજા માગવાની કાંઈ જરૂર નથી. જો આપણે ઘણા જણ સાથે જઈશું તો અલફખાં કે તેનો બાપ શું કરનાર છે ? આપણે સઘળાને કાંઈ ફાંસી દેવાનો નથી, અને કાઢી મુકશે તો શી ફિકર છે ? હવે કામ સઘળું થઈ ચૂક્યું છે. આપણે અહીં આટલા દહાડા મોટું દુઃખ ભોગવ્યું, તથા ઘણી મુસીબતો વેઠી ત્યારે હવે એક દહાડો સેર કરવાનો નહીં મળે ? હવે જે થવાનું તે થઈ રહ્યું. અલ્લાનું નામ લઈને મોજ કરીએ. અહીં ફરીફરીને ક્યાં આવવાના છીએ ? જીવ્યા કરતાં જોયું ભલું. માટે બસો-ત્રણસો માણસો એકઠા થઈએ; પછી જે થનાર હોય તે થાય. રજા લેવાની કંઈ જરૂર નથી. માટે, અતયારે કોણ કોણ આવવાને રાજી છે તેઓને ચુપકીથી એકઠા કરવા, અને રાત્રે સઘળી તૈયારી કરી રાખી સવાર ન પડે એટલામાં બીજા કોઈ ન જાણે તેમ કૂચ કરી ચાલ્યા જવું. એ સિવાય બીજો કાંઈ રસ્તો નથી.

વેરુલની ગુફા જોવા જવાને તે જ રાત્રે આશરે ત્રણસો માણસ તૈયાર થયા અને પાછલી રાત્રે ઊઠીને તથા સાથે હથિયાર રાખીને તેઓ સઘળા ચાલતા થયા. એ કામ તેઓએ એવું છાનામાના કર્યું કે છાવણીમાંથી કોઈને કાંઈ ખબર પડી નહીં, અને જે થોડાએ જાણ્યું તેઓ કાંઈ બોલ્યા નહીં. આ સેર કરવા નીકળેલી ટુકડી ઘણી રમણીય જગાઓમાં થઈને ચાલી. જમીન ઘણી જ ઊંચીનીચી હતી. નાના પહાડો વનસ્પતિથી છવાઈ ગયેલા હતા અને ઘણા શોભાયમાન દીસતા હતા. નીચે ખીણોમાં કાચ જેવી નીતરી નાની નદીઓ વહેતી હતી. તે ઉપર જ્યારે સૂર્ય પ્રકાશ્યો ત્યારે તો શોભાની કાંઈ મણા રહી નહીં. સવાર કેવી રળિયામણી લાગતી હતી ! તેમાં આવા જખ્ખડ સિપાઈઓ જેઓનો સઘળો અવતાર માણસોને ચીમડાંની પેઠે કાપી નાંખવામાં ગયેલો, તથા જેઓ દારૂગોળાની પડોશમાં જ રહેલા, અને સૃષ્ટિની લીલા જેઓએ જોયેલી જ નહીં, તેઓમાંથી જો કોઈને ઈશ્વરનાં સુંદર કામ તપાસવાનો શોખ હોય તો તેને તે સવારે અતિ આનંદ થયા વિના રહે જ નહીં. સૂર્યોદય થતાં જ પહેલાં તો પહાડોની ટોચો ઉપર સઘળે તડકો પડ્યો; હજી બીજી નીચી જગાઓ ઉપર અંધારું હતું, પણ ધીમે ધીમે નદીઓનાં પાણી પણ ચળકવા લાગ્યાં. ઝાડોનો લીલો રંગ ભભકાદાર જણાવા માંડ્યો. ઝાડીઓમાંનાં પક્ષીઓએ નાના પ્રકારના મધુર સ્વર કાઢીને આખી જગા ગજાવી મૂકી. વચ્ચે વચ્ચે રાની પશુઓનો કઠોર શબ્દ સંભળાતો હતો. એવી જગામાંથી જોતા જોતા તે લોકો આગળ ચાલ્યા.

હવે ભીમદેવ, દેવળદેવી, સવારો, સિપાઈઓ, દાસ, દાસીઓ, ભટ, ભટાણી વગેરેનું શું થાય છે તે ઉપર નજર કરીએ. ગામની બહાર નીકળ્યા પછી કેટલેક દૂર સુધી રસ્તામાં કાંઈ પણ બનાવ બન્યો નહીં. આશાથી ભરપૂર, ભયરહિત તથા ખુશ દિલથી તેઓ ચાલ્યાં જતાં હતાં. દેવળદેવી એક સુંદર તથા જલદ ઘોડા ઉપર બેસીને ઊંડા વિચારમાં ઘોડાની મરજી પ્રમાણે આગળ જતી હતી. તે દહાડો તેની જિંદગીમાં સૌથી મોટો હતો; તે દહાડે તેની સઘળી ઈચ્છા સફળ થવાની તે આશા રાખતી હતી; તે દહાડે તેના પ્રિયતમનું મોં તેને જોવું હતું; તે દહાડાથી તેના સંસારનો આરંભ થવાનો હતો; અને તે દહાડો તેના કલ્પેલા સુખી વખતનો પહેલો જ હતો. માટે તે દહાડે તેને અતિ સુખની સાથે ઘણી જ ચિંતા મનમાં રહે તેમાં કાંઈ આશ્ચર્ય નથી.

દહાડો ધીમે ધીમે ચઢવા લાગ્યો; અને ખરા બપોર થયા એટલે કેટલેક દુરથી કોઈ રડતું હોય એવો અવાજ સઘળાઓએ સાંભળ્યો. બપોરને વખતે આવો ભયંકર શબ્દ કાને પડ્યો તેથી સઘળા ચમક્યા. દેવળદેવીએ જાણ્યું કે કોઈ માણસ મોટી વિપત્તિમાં આવી પડેલું છે, અને તેને મદદ કરવાની જરૂર છે, માટે સવારી અટકાવી અવાજ જ્યાંથી આવે છે ત્યાં જવું એવી મરજી થઈ; અને તેણે પોતાની સાથેનાં માણસોને અટકાવ્યાં, ભીમદેવને ત્યાં જરા પણ થોભવાની ખુશી ન હતી. રસ્તામાં આગળ શું થશે તેની કાંઈ ખબર ન હતી; માટે જેમ બને તેમ જલદીથી કૂચ કરી શહેરમાં પહોંચી જવું એવો તેનો વિચાર હતો. પણ જ્યારે દેવળદેવી અટકી ત્યારે તેને પણ અટકવાની જરૂર પડી અને તેઓ સઘળા તે બાજુ તરફ વળ્યા. અવાજ વધારે વધારે સાફ સંભળાવા લાગ્યો, અને કેટલેક દુર ગયા પછી તેઓએ એક ઝાડની નીચે એક બૈરીને બેઠેલી જોઈ, તે બૂમ પાડીને રડતી હતી. આ બૈરી દુઃખ થતા દરિદ્રતાનું ખરેખરું સ્વરૂપ હતી, તેના શરીર ઉપર જે ફાટાં ચીંથરાં ઢાંકેલાં હતાં તેમાંથી તેનું આખું શરીર જણાતું હતું, અને તે ચીંથરાં એટલાં તો મેલાં હતાં કે અસલ તેઓ કેવા રંગનાં હશે તે હાલ કહેવું અશક્ય હતું, તથા તેમાં જૂ વગેરે બીજાં જીવડાંઓએ વાસો કર્યો હતો. તેના મોં ઉપરથી દેખાતું હતું કે તે કાંઈ મહાભારત દુઃખમાં આવી પડેલી છે. તે એવી તો બદસિકલ તથા બિહામણી હતી કે તેને જોઈને ધોળે દિવસે પણ બીક લાગ્યા વિના રહે નહીં. દેવળદેવીનો ઘોડો પાસે આવતાં જ તે એકદમ ઊઠી, અને લગામ પકડી તેને પાછો ઘસડવા લાગી. ઘોડો તો ઘણા વેગે દોડ્યો, અને તેની સાથે પેલી બૈરી પણ દોડતી ચાલી. સઘળા સિપાઈઓ તો જડભરત થઈ ઊભા રહ્યા. આ કોઈ પ્રેત, ડાકણ, કે શાકણી હશે, અને તે દેવળદેવીને ઢસડી જઈ કોઈ નદીમાં ડુબાડી દેશે, અથવા બીજી રીતે તેનો પ્રાણ લેશે એ વિષે તેઓને કાંઈ શક રહ્યો નહીં, અને તેની આગળ આપણું કાંઈ ચાલવાનું નથી. એવી ખાતરી થવાથી તેઓએ તેની પાછળ કાંઈ દોડ કરી નહીં, પણ મૂંગા મૂંગા જોયા કર્યું દેવળદેવીનો ઘોડો જ્યારે ઘણો દૂર નીકળી ગયો. ત્યારે ભીમદેવે હિમ્મત પકડી પોતાનો ઘોડો પાછળ ફેંક્યો, અને તે એવો તો વીજળીના વેગે ચાલ્યો કે તે દેવળદેવીને પકડી પાડશે એમાં કાંઈ શક રહ્યો નહીં. ભીમદેવની પાછળ કેટલાક સવાર પણ ગયા, ભીમદેવે દેવળદેવીનો ઘોડો આઘે જોયો તેની પાછળ તે ઘણા જોરથી ધસ્યો. આશરે એક કલાક સુધી દોડ કર્યા પછી તેઓ પાસે પાસે આવી ગયા. તે વખતે તે રાંડને જોઈને ભીમદેવને એટલો બધો ક્રોધ ચઢ્યો કે પોતાની તલવાર કાઢીને તેને મારી, પણ હવામાં તલવાર મારવી અને તેને મારવી બરોબર. ઘા પડ્યો તો ખરો, પણ હવામાં. બૈરી તો એક બળતું થઈને ઊડી ગઈ, અને ત્યાંથી બે કદમને છેટે આવી પાછી ઊભી રહી. ભીમદેવ રજપૂત બચ્ચો હતો, તોપણ આ તમાશો જોઈને તેનાં ગાત્ર શીથિલ થયાં; તેના મનમાં ઘણી દહેશત ભરાઈ; પણ હિમ્મત કદી હારવી નહીં એ રજપૂતનો પહેલો તથા મુખ્ય ધર્મ; માટે પાછો સાવધ થઈ તેણે મોટે અવાજે પૂછ્યું : ‘‘તું કોણ છે ? તારે દેવળરાણીની સાથે શું કામ છે ? તું તેને ક્યાં લઈ જતી હતી ? અને તેને શું કરવાનો તારો વિચાર હતો ?’’ બૈરી છેક બદલાઈ ગયેલી હતી, ભડકું થઈને તે ઊડી ગઈ અને પાછી આવી ત્યારે તેમાં બિલકુલ ફેરફાર થઈ ગયેલો હતો. હમણાં તો તે દેવાંગના જેવી રૂપાળી દેખાતી હતી. તેના મોંની કાન્તિ ઘણી જ સુંદર હતી. તેણે જરીનાં વસ્ત્ર પહેરેલા હતાં, તથા તેના અંગ ઉપર ઘણાં અમૂલ્ય તથા શોભાયમાન આભુષણ હતાં. તેના ચહેરા ઉપર ઉદાસી જણાતી હતી, તથા તેની આંખ દયાથી ભરેલી હતી. ભીમદેવના સવાલનો જવાબ દેવા અગાઉ તેણે ઘણા પ્રેમથી દેવળદેવીના સામું જોયું, અને જોતાં જ તેની કમળ જેવી આંખમાંથી આંસુઓની બે ધાર ચાલી. તેનું હૈયું એવું તો ભરાઈ આવ્યું કે તેનાથી તરત બોલાયું નહીં. પણ થોડીવાર પછી તેણે આંસુ પોતાનાં કીમતી લૂગડાં વડે લૂછી નાખ્યાં, અને આકાશમાંથી ઓસ જેમ ધીમે પડે છે તેમ ધીમેથી તથા મૃદુ સ્વરે બોલી : ‘‘હું દેવળદેવીની વિધાતા છું. હું અત્યાર સુધી તેનું રક્ષણ કરતી આવી છું. હવે પાછા ફરો. કોઈ ઠેકાણે આજની રાત મુકામ કરી કાલે સવારે જાઓ. મારું કહ્યું માનવામાં જ ફાયદો છે. જો તમારા દુર્ભાગ્યને લીધે હઠ કરી તમે આગળ જશો તો શું પરિણામ નીપજશે તેનો હું જવાબ દેવાની નથી. આ મારી છેલ્લી શિખામણ છે. માનવી હોય તો માનવો, નહીં તો હું તો જાઉં છું.’’ એટલું કહી તે સ્ત્રી અદૃશ્ય થઈ.

ભીમદેવ તથા દેવળદેવી તે સ્ત્રી અલોપ થયા પછી કેટલીક વાર સુધી ત્યાં જ ઊભાં થઈ રહ્યાં, અને એકએકની સામું ટગરમગર જોયા કર્યું. શું કરવું તે સૂઝે નહીં. એટલામાં પાછળના સવારો ત્યાં આવી પહોંચ્યા તેને જોઈને બંનેને હિમ્મત આવી, અને હવે કાંઈ પણ ઠરાવ કરવો જોઈએ એમ તેઓને લાગ્યું. એટલે સુધી આવ્યા પછી જો તેઓ પાછાં જાય તો સિપાઈ લોકોમાં તેની બહાદુરી વિષે ઘણો હલકો વિચાર આવે માટે આગળ ચાલવું જોઈએ. વળી ક્ષત્રિયનો ધર્મ છે કે કશાથી બીવું નહીં, ત્યારે આ પ્રસંગે ભય શા માટે રાખવો જોઈએ ? તેમાં એક વળી બૈરીથી ડરવું ? એ તો છેક નામર્દાઈ, માટે દહેશત છોડી દઈ આગળ કૂચ કરવી. દેવળદેવીને પણ શંકળદેવને મળવાની એટલી તો આતુરતા હતી કે લેશમાત્ર વિલંબ પણ તેનાથી ખમાય એવું ન હતું. વળી તેની ખીલતી જુવાની હતી. તેવે વખતે ભય મન ઉપર થોડી અસર કરે છે. તેને તે જ દહાડે પોતાના પ્રાણપ્રિયને જોવાની એટલી તો હોંશ હતી કે તે બૈરી પોતાની વિધાતા છે એમ તેણે માન્યું નહીં, પણ તે કોઈ વંતરી અથવા મલિન પ્રાણી હશે અને તેને અમથી ભડકાવી હશે, એમ માનીને તેણે મનમાં સંતોષ માન્યો. એ પ્રમાણે ભીમદેવ તથા દેવળદેવીની વૃત્તિ જવા તરફ થઈ. તેઓ તરત પોતાના લશ્કરને જઈ મળ્યાં, અને આ બનાવ બન્યો જ નથી, એમ જાણી આગળ ચાલ્યાં.

કેટલીક વાર સુધી મેદાનમાં ચાલ્યા પછી તેઓ એક સાંકડી ગલીમાં આવ્યાં. આસપાસ ઊંચા પહાડ આવી રહ્યા હતા. એ નાળ ઘણી જ લાંબી હતી. આગળ જતાં તેઓએ થોડેક દૂર ધુમાડો નીકળતો જોયો. પહેલવહેલાં તો તેઓએ જાણ્યું કે તે કોઈ ગામડું અથવા ભઠ્ઠી કે પજાવો હશે; પણ જરા આગળ ચાલતાં માણસોનું એક ટોળું રસોઈ કરતું હોય એમ તેઓને લાગ્યું. તેઓની પાસે ગયા ત્યારે તેઓ મુસલમાન છે એમ માલૂમ પડ્યું. એ મુસલમાનો વેરુલની ગુફા જોવા જનાર અલફખાંના સિપાઈઓ જ હતા. તેઓએ પણ જ્યારે કોઈ લશ્કર આવતું જોયું, ત્યારે સઘળા રસોઈનું કામ પડતું મૂકીને જાગ્રત થઈ ગયા. સૌએ લૂગડાં પહેરીને હથિયાર બાંધી દીધાં. અને શું કરવું તેનો મનસૂબો કરવા લાગ્યા. થોડી વાર તો ત્યાં ગરબડ સરબડ થઈ ગઈ. રસૂલખાં, પીરમહમદ, જાફર, બેહેલીમ, વગેરે તરેહવાર નામોની બૂમો સંભળાવા માંડી, ‘‘અલ્લાહો અકબર’’ ની ચીસ કેટલાકે પાડી. કેટલાક સ્થિર ઊભા જ રહ્યા, અને કેટલાક ફક્કડ લબાડ સિપાઈઓએ પોતાની મોટાઈની તથા બહાદુરીની મોટી મોટી વાતો કરવા માંડી. તોપણ તે તડકા મારવાનો વખત ન હતો. કાંઈ પણ દૃઢ સંકલ્પ કરવો જોઈએ. તેઓ તો ફક્ત ૩૦૦ માણસ હતા, અને સામાવાળા તો તેઓને તેથી બમણાં-ત્રમણા દેખાયા ત્યારે તેઓની સાથે લડવું કે નહીં એ વાતનો નિશ્ચય કરવો જોઈએ. કેટલાકનો વિચાર લડવું નહીં એમ હતો; પણ કેટલાક જુવાન તુરક મિરજાંઓનાં મનને હિંદુનો કશો હિસાબ ન હતો, અને તેઓની હરેક લડાઈમાં ખુદા તેમની તરફથી લડવા આવે છે એવો તેઓનો દૃઢ વિશ્વાસ હતો, તેથી તેઓના મનમાં હિમ્મત હતી; વળી લડાઈમાં નાસવું એ મોટી શરમની વાત, અને તેમાં કાફર નામર્દ હિંદુઓથી ડરવું, એ તો કાયરનું કામ; માટે ગમે તે થાય તો પણ એક તસુભર હઠવું નહીં. ‘‘અલ્લા બેલી ને પીર મદદ’’ એવું કહી તેઓ હારબંધ દુશ્મનની મુલાકાત લેવાને ઊભા રહ્યા.

આણીગમ ભીમદેવ પણ મોટી ફિકરમાં પડ્યો, તેને તે રસ્તે કોઈ દુશ્મન મળશે એવું તેણે ધારેલું ન હતું તેથી લડવાની કાંઈ તૈયારી રાખી ન હતી. વળી તેની સાથે દેવળદેવી હતી, તેને સહીસહીસલામત દેવગઢ લઈ જવાની તેને ઘણી ફિકર હતી. લડાઈમાં કોણ જાણે શું થાય ? જો હાર થઈ તો આટલું કષ્ટ સહીને તથા શ્રમ કરીને લાવેલી રાણી હાથમાંથી જતી રહે એ વિષે તેણે ઘણી ચિંતા હતી. તે વખતે તેને પેલી ચીંથરિયા બૈરી યાદ આવી, તથા તેનું કહેલું વચન સાંભરી આવ્યું. તેના કહ્યા પ્રમાણે તેને મુકામ ન કર્યો તેનો હમણાં ઘણો પશ્ચાત્તાપ થયો, અને હવે તે વિધાતાનું ભવિષ્ય ખરું પડશે એવી તેની ખાતરી થઈ, ને તેથી જ તેની સઘળી હિમ્મત જતી રહી. તેનાં મોં ઉપરથી લોહી ઊડી ગયું અને છેક ઉદાસ થઈ ગયો. હવે શું કરવું ? પાછું તો જવાતું નથી, તેમ દેવગઢ જવાનો બીજો રસ્તો પણ ન હતો, માટે લડાઈ વગર તેનો છૂટકો ન હતો. પોતાની તરફ માણસો દુશ્મન કરતાં ઘણા વધારે છે, તથા રજપૂતોને ફાટાતૂટા તુરકડાઓને મારી હઠાવતાં કાંઈ વાર લાગવાની નથી એવું કહીને તેણે પોતાના માણસોને હિમ્મત આપવાનું કર્યું; પણ તેનું મોં જ તેના ઉત્તજક શબ્દોને જૂઠા પાડતું હતું. તેઓએ ભીમદેવને કોઈ વાર કાયર થયેલો જોયો ન હતો, અને જ્યારે તે વખતે તેઓએ તેને નિરાશ તથા હિમ્મત હારેલો દીઠો, ત્યારે તેઓ સઘળાને એકદમ લાગ્યું કે આજે કાંઈ નવતરું કારણ છે, અને બધાના હાંજા ગગડી ગયા. તેઓએ બહારથી શૂરાતન દેખાડ્યું, પણ તેઓની છાતી ધડકતી હતી, તથા પગ બરાબર ઊપડતા ન હતા. એવી સ્થિતિમાં તેઓ મુસલમાનોની સામે યુદ્ધ કરવાને આગળ ચાલ્યા.

શત્રુઓ તેઓને વાસ્તે તૈયાર જ હતા. તેઓને પાસે આવતા જોઈ મુસલમાનોએ ‘‘અલ્લાહો-અકબર’’ની જોરથી બુમ પાડી. એ બૂમ રજપૂતોએ આજ પહેલાં સેંકડો વાર સાંભળી હતી તોપણ આ વખત તેથી તેઓના મન ઉપર ઘણી જ જુદી જાતની અસર ઉત્પન્ન થઈ. બંને લશ્કર સામસામાં મળ્યાં, અને મુસલમાન લોકો થોડા હતા તોપણ કાંઈ દહેશત ખાધા વિના તેઓએ ભીમદેવના માણસો ઉપર ધસારો કર્યો. તીરથી વાદળ છવાઈ ગયું, ચીસાચીસ તથા બૂમાબુમથી કાન બહેર મારી ગયા. એક તરફ શિરોહીની તથા બીજી તરફ અરબસ્તાનની તલવાર ઊછળી રહી. જુવારની કાપણી થતી હોય તેમ સામસામેનાં માણસો કપાયાં. તે વખત ‘‘અલ્લાહો અકબર’’ની બીજી ચીસ સંભળાઈ, અને મુસલમાનોએ વધારે જુસ્સાથી હુમલો કર્યો. તેની સામે હિંદુઓથી ટકાયું નહીં. તેઓમાં ભંગાણ પડ્યું ઘણાખરા જુદી જુદી દિશાઓ તરફ નાસવા લાગ્યા. દેવળદેવીના ઘોડાને એક તીર એવું તો જોરથી વાગ્યું કે તે તરત મરણ પામ્યો, તથા તે પોતે બેહોશ થઈ જમીન ઉપર પડી. તેને લઈ જવાને વાસ્તે તેની દાસીઓ ચોતરફ વીંટળાઈ વળી, એટલામાં મુસલમાન સિપાઈઓએ આવીને તેને ઘેરી લીધી. કેટલાક તેની ખૂબસૂરતી જોઈને છક થઈ ગયા, અને આ કોઈ બેહેસ્તની હૂરી છે એમ તેને માની તેની સામું કેટલીક વાર સુધી તેમણે જોયાં કર્યું, કેટલાકને તો તેને જોઈને એટલો કામાવેશ આવી ગયો કે તેને લઈ જઈ પોતાના ઝનાનખાનામાં રાખવાનું મન થયું. કોઈ બુઢ્ઢા સિપાઈઓ કહેવા લાગ્યા કે ખુદાએ અમારા ઉપર મહેર કરી આ રંડી અહીં મોકલી દીધી; અમને રોટલી પકાવવાની ઘણી આપદા પડે છે તે આ છોકરી આવે તો મટી જાય. કેટલાક પૈસાના લોભી એવું વિચારવા લાગ્યા કે જો આ ખૂબસૂરત છોકરી અમારા હાથમાં આવે તો દિલ્હીમાં એની ઘણી કિમ્મત ઊપજે, અને જન્મ સુધી ન્યાલ થઈ જવાય. એ પ્રમાણે જુદા જુદા માણસોએ જુદા જુદા અભિપ્રાય બાંધ્યા. ‘‘એક રાંડ સો સાંઢ’’ તેના જેવી વાત થઈ. બધાને જ તેને લઈ જવાની મરજી, એટલે પરિણામ એવું થયું કે તેને સઘળા ઘસડવા લાગ્યા, અને એમ કરતાં કરતાં માંહેમાંહે કાપાકાપી ઉપર આવી ગયા. જે તલવાર દુશ્મન ઉપર ઊછળી હતી તે હમણાં પોતાના જાતભાઈ ઉપર વપરાઈ. એ ગડબડમાં એકાદ ઝટકો વાગ્યાથી દેવળદેવી તો ત્યાં જ નક્કી થઈ જાત, અને એવો વખત પણ ઘણી વાર આવ્યો હતો. તેની દાસીઓ રજપૂતોમાં રહેલી તેથી તેનું નામ કહી દેવા કરતાં તેને મરવા દેવી એવું વિચારીને મૂગી મૂગી ઊભી રહી, પણ પેલી ભટાણીએ જે જોડે હતી તેનાથી ઘણી વાર સુધી ચૂપ રહેવાયું નહીં. એક વાર જ્યારે દેવળદેવી સહેજ બચી ગઈ તે વખતે તે બોલી ઊઠી, ‘‘અરે મૂઆ તુરકડાઓ ! તમે કોને વાસ્તે લડી મરો છો ? એ તો દેવળદેવી, શંકરદેવને સાથે પરણવાની છે. પીટ્યાઓ ! તમારી લડાઈ બંધ રાખો, અને રાણીને તમારા સરદાર પાસે લઈ જાઓ.’’

દેવળદેવી નામ સાંભળતા જ સઘળાઓએ હથિયાર નાખી દીધાં, અને આટલી મુદત થયાં જેને માટે લડતા હતા તે હાથમાં આવી એવું જાણી ઘણા રાજી થઈને આ ખુશ ખબર અલફખાંને કહેવાને એક કાસદ મોકલ્યો. તેઓ પણ દેવળદેવીને એક ઘોડા પર બેસાડી મોટી છાવણી તરફ તાકીદથી લઈ ચાલ્યાં. અલફખાંને આ સમાચાર સાંભળીને તથા થોડી વાર પછી દેવળદેવીને નજરે જોઈને જે હર્ષ થયો તેનું વર્ણન થઈ શકાતું નથી. તે વખતે તેણે પરમેશ્વરના શુકર કર્યા; પોતાની પાસે જેટલા પૈસા હતા તેટલા તે માણસોમાં વહેંચી દીધા; અને ત્યાંથી છાવણી ઉઠાવીને દેવળદેવીને સાથે લઈ ગુજરાત જવાને નીકળ્યો.

પ્રકરણ ૧૬ મું

ઝીઝુવાડાના પાટડી ગામમાં એક મોટો મહેલ બાંધેલો હતો. તેની એક બારીએ કોઈ સ્ત્રીપુરુષ બેઠેલાં હતાં. તેઓ બંને પુખ્ત ઉંમરે પહોંચેલાં હતાં. તેમાંથી પુરુષનું મોં ઘણું ચિંતાતુર દેખાતું હતું. જ્યારથી અણહિલપુર મુસલમાન લોકોના હાથમાં આવ્યું ત્યારથી ગુજરાતનો પાદશાહી સૂબો આસપાસના રજપૂત તથા બીજા હિંદુ રાજા, ઠાકોર તથા ગરાસિયાને તાબે કરી તેઓનાં રાજ્ય જપ્ત કરતો હતો, તથા તેઓ ઉપર ભારે ખંડણી બેસાડવાને ચડાઈઓ કરતો હતો. એ લડાઈઓમાં કેટલાંક નાનાં રાજ્યો ડૂબી ગયાં; કેટલાક રાજાઓએ ખંડણી આપવી કબૂલ કરી; પણ હજી કેટલાક પોતાના શૂરાતનથી, કિલ્લાની મજબૂતી વડે તથા લશ્કરના જોરે કરીને એ સુબાની સામે ટકી રહ્યા હતા. પાટડીનો ઠાકોર, જે તે મહેલની બારીએ બેઠો હતો તેણે પણ અત્યાર સુધી પોતાનો બચાવ ઘણી બહાદુરીથી કર્યો હતો, પણ હમેશાં સુધી તે પ્રમાણે તેનાથી લડાઈ થઈ શકશે નહીં એ બાબત તેને ઘણી ચિંતા થતી; અને તેથી જ તે મહાભારત ફિકરમાં પડ્યો હતો. તેની સ્ત્રી પણ તેવી જ બહાદુર હતી, અને પોતાના સ્વામીની હિંમત લેશમાત્ર પણ નરમ પડવા દેતી ન હતી. જે ચમત્કારિક રીતે પાટડી તથા બીજાં ગામો કરણ વાઘેલા પાસેથી તેને મળ્યાં હતાં તેમાં કાંઈ દેવતાઈ અંશ હતો. એક રાતમાં બે હજાર ગામને તોરણ કોઈ પણ માણસથી એકલી પોતાની જ શક્તિ વડે બંધાઈ શકે નહીં. માટે જે અદ્‌ભુત શક્તિથી એટલાં બધાં ગામો તેને મળ્યાં તે જ શક્તિ તેની તથા તેના વંશની પાસે કાયમ રહેશે, એ પ્રમાણે તેની સ્ત્રી તેને ધીરજ આપતી હતી.

એ પ્રમાણે જ્યારે જ્યારે તે બે વાતચીત કરતાં હતાં તે વખતે બહાર ચોગાનમાં કાંઈ ગડબડ થઈ, અને તેઓ બહાર જુએ છે તો એક હાથી છૂટો પડી મદોન્મત્ત થઈ દોડતો તેમણે જોયો. આ વખતે મારી બારી આગળના ચોગાનમાં તેઓના શેડો, માંગુ, શેકડો, એ નામના ત્રણ છોકરા તથા ઉમાદેવી નામની છોકરી રમતાં હતાં. મસ્ત થયેલો હાથી રસ્તામાં જે વસ્તુઓ આવતી તે સઘળીને છૂંદતો છૂંદતો તે છોકરાં પાસે આવ્યો, અને એકને સૂંઢમાં પકડી ઉછાળવાની તથા બીજાને પગ તળે ચગદી નાખવાની તૈયારીમાં હતો, એટલામાં તરત તે સ્ત્રીએ, એટલે તેઓની માએ, બારીએથી જ પોતાનો એક હાથ એટલો તો લાંબો કર્યો કે તેઓ સઘળાંને ઝાલી લીધાં અને મોતના સપાટામાંથી તેઓને તરત ઉગારી લીધાં. હરપાળ (તે પુરુષ હરપાળ મકવાણો, કરણ રાજાનો માસીનો છોકરો તથા બાબરા ભૂતનો જીતનાર હતો, એ વાંચનારાઓએ જાણી લીધું હશે) આ તેની સ્ત્રીનું દેવતાઈ પરાક્રમ જોઈને ઘણો જ આશ્ચર્ય થતા આનંદ પામ્યો, અને આ વાતનું હમેશાં સ્મરણ રહેવાને તે ત્રણ છોકરાઓનું નામ ઝાલા (પકડ્યા) પાડ્યું. એ નામ હજી સુધી તેના વંશના ઝાલા રજપૂતોએ રાખ્યું છે.

જ્યારે તે ગાંડા હાથીને ચોગાનમાં નુકસાન કરવાનું કાંઈ મળ્યું નહીં ત્યારે તે બહાર દોડ્યો, અને તે રસ્તે એક ગાડું જતું હતું તેને પોતાની સુંઢના એક સપાટાથી ઉડાવી દીધું. ગાડું પડતાં જ ભાંગી ગયું. હાંકનાર એક તરફ પડ્યો, અને માંહે બેઠેલો એક પુરુષ તથા એક સ્ત્રી એક બાજુએ પડ્યાં. તે વખતે બળદો ચોંક્યા તેથી તેઓએ એ ગાડાને આગળ ઘસડ્યું, અને તેમ કરતાં તેનું એક પૈડું તે સ્ત્રીપુરુષનાં શરીર ઉપરથી ફરી ગયું. પુરુષનો પગ આ ઘાથી ભાંગી ગયો, તથા સ્ત્રીને સખત વાગ્યું. ઘાના દરદથી તેઓ બંનુ બેભાન થઈ પડી રહ્યાં. તેઓ મરી ગયાં એમ જાણી ગાડાના હાંકનારે મોટીથી ચીસ પાડી, તે ઠેઠ મહેલનાં માણસોએ સાંભળી, હરપાળે એ દુઃખભરેલી બૂમ સાંભળી શું બન્યું તે જોવાને પોતાનાં માણસો મોકલ્યાં, થોડી વારમાં તેઓ બે માણસોને એક ખાટલા ઉપર સુવાડીને મહેલમાં લાવ્યાં. આ ભાગ્યહીન અજાણ્યાં વટેમાર્ગુઓને તેઓની આવી અવસ્થામાં આશ્રય આપવો, તથા તેઓને સારાં કરવાની તજવીજ કરવી, તથા જ્યાં સુધી તેઓ આવી અવસ્થામાં રહે ત્યાં સુધી તેઓની ઘટતી બરદાસ્ત લેવી, એ પોતાનો ખરો ધર્મ છે, એમ જાણી હરપાળે તેઓને પોતાના મહેલમાંના એક ઓરડામાં સુવડાવયાં. તથા ગામના વૈદ તથા મલમપટા કરનાર હજામને બોલાવી મંગાવ્યાં. તેઓના ઉપચારથી તેઓને કેટલીક વારે ભાન આવ્યું, અને જ્યારે તેઓને માલૂમ પડ્યું કે તેઓ કોઈ અજાણ્યા માણસના ઘરમાં હતાં, તથા તેમને વાસ્તે તે માણસે ઘણી મહેનત લીધી હતી, તયારે તેઓના અંતઃકરણમાં ઉપકારવૃત્તિ પ્રકટ થઈ, અને ઘરધણીનો જોઈએ તેટલો પાડ માનવાને તેઓ ઘણાં અધીરાં થયાં. જ્યારે રાત પડી ત્યારે હરપાળ તેઓના ઓરડામાં આવ્યો, અને તે ઘાયલ માણસ જોડે તેણે વાતચીત કરવા માંડી. ઘાનું દરદ હમણાં ઓછું થયું હતું તેથી તેનામાં બોલવાની શક્તિ આવી હતી. પોતે કોણ હતો, શાં શાં પરાક્રમ કર્યાં હતાં, તથા હાલ તેની સ્થિતિ કેવી થઈ ગઈ હતી તે સઘળી વાતથી વાકેફ કરવાને તેણે પોતાની સઘળી જિંદગીનું વૃત્તાંત હરપાળ આગળ ઘણે વિસ્તારે કહી સંભળાવ્યું. પોતાના પરોણાને હવે તેણે સારી પેઠે ઓળખ્યો તેથી તેને ઘણી જ નવાઈ લાગી. અને ગુજરાતનો કટ્ટો શત્રુ, પોતાના રાજાને પાયમાલ કરનાર, લોકોને મ્લેચ્છ લોકોના હાથમાં આપનાર, તથા પોતાની સઘળી ફિકર તથા દુઃખનું કારણ, પોતાના ઘરમાં આમ દૈવયોગે આવી મળ્યો તે જોઈને તેને પગથી માથા સુધી ક્રોધની જ્વાળા ચઢી. તે ઘણો ચીડાઈને પગ ઠોકી ઘણા આવેશથી બોલ્યો : ‘‘અરે દુષ્ટ ! અરે ચંડાળ ! અરે રાજદ્રોહી ! અરે મહા પાણી ! તેં જે કામ કર્યું તેનાં ફળ તેં હવે ચાખ્યાં ? અરે નાગરા ! છેક નફ્ફટ નિર્લજ્જ થઈને તારાં અધમ તથા કપટનાં કર્મો તું મારી આગળ કહેવામાં પ્રતિષ્ઠા માને છે ? ધિક પડી તારા દેહને ! ધૂળ પડી તારા નામ ઉપર ! તું હિંદુ જન્મી તારી જન્મભૂમિ પરદેશી પરધર્મના મ્લેચ્છ દુષ્ટ લોકોને તેં વેચી ! અરે શરમ છે તને ! તું તારી માના ગર્ભમાં જ કાં ન મૂઓ ? તારો ગર્ભપાત કાં ન થયો ! અથવા તું તારી કુમળી વયમાં શા માટે મરણ ન પામ્યો ! તેં તારી સાત પેઢીનું નામ ડુબાવ્યું ! તેં તારી જાતને એબ લગાડી. તે હિંદુના નામને શરમ પહોંચાડી. તું પથ્થર કાં ન પડ્યો !’’ એ પ્રમાણે ઘણા આવેશમાં હરપાળે તેના ઉપર ગાળોનો વરસાદ વરસાવ્યો, અને એથી પણ વધારે અપશબ્દનો તે વાપરત, અથવા કદાપિ તે તેના ઉપર હાથ પણ ચલાવત, પણ એટલામાં તે ઘાયલ માણસ વચમાં બોલી ઊઠ્યો :

‘‘ખમા બાપજી ! ખમા, જેટલી મને ગાળ દીધી, તથા એથી પણ વધારે દેશો, એ સર્વને હું પાત્ર થયો છું. જેટલા આરોપ તમે મારા ઉપર મુક્યા છે તેટલા મેં કર્યા છે, તથા જે જે બદકામોનો કરનાર તમે મને કહ્યો તેટલાં મારાથી થયાં છે. હું ખરેખર દુષ્ટ, પાપી, ચંડાળ છું. હું વધારે વાર આ લોકમાં જીવવાને લાયક નથી, અને પરલોકમાં પણ ઘણી માઠી સ્થિતિને હું નક્કી પામીશ; પણ હવે હું શું કરું ? ભાવિ વાત બની છે. જે થનાર તે થયું. હવે તે ન થયું એમ થનાર નથી. પણ તે વખતની મારી સ્થિતિ ઉપર પણ તમારે વિચાર કરવો જોઈએ. મારા ઉપર કેવો ને કેટલો ગજબ પડ્યો હતો તે ધ્યાનમાં લેવું જોઈએ. તે વખતે વેરે મને ઉશ્કેર્યો, વેરે મને ગોદા માર્યા; અને આ સઘળાં કામ તે દુષ્ટ વિકારે મારી પાસે કરાવ્યાં. પણ મેં જેવું કર્યું છે તેવું જ મારી અવસ્થામાં આવી પડવા છતાં ન કરે એવો કોણ છે ? જવલ્લે જ કોઈ નીકળે. પણ મેં મોટી ભૂલ કરી એ હું કબુલ કરું છું. મેં જો જાતે કરણ ઉપર વેર લીધું હોત તો હું મારી જાતને ગુનેગાર ન ઠેરવત. પણ મેં કરણ રાજા ઉપર વેર પારકા પાસે લેવડાવ્યું, એ ઘણું ખોટું કર્યું અને તેથી આ સઘળી ખરાબી થઈ; અને મને પણ શો ફાયદો થયો છે ? જ્યાં સુધી અલફખાં ગુજરાતનો સુબો રહ્યો ત્યાં સુધી તો મેં કારભાર ભોગવ્યો, પણ તે વખતે મારી ખરેખરી સત્તા પહેલાંના જેટલી ન હતી. હું હમેશાં ફિકરચિંતામાં રહેતો હતો. અદેખાઈને દુશ્મનીનો તો પાર જ ન હતો, મારે તલવારની ધાર ઉપર ચાલવું પડતું. મારી આવરદા કાચા સુતરે લટકાવેલી હતી; અને તે મારી સઘળી દહેશત અંતે ખરી ઠરી. અલફખાં ગયા પછી નવા સૂબાએ મારો કારભાર છીનવી લીધો; મારાં ઘરબાર, માલમિલકત સરકારમાં જપ્ત કર્યાં; મારી સ્ત્રી થોડુંઘણું દ્રવ્ય લઈને નાસી ગઈ, અને મને એક સાધારણ ગુનેગારની પેઠે બંદીખાનામાં નાખ્યો. મેં છૂટવાને ઘણાએ પ્રયત્ન કર્યા, તથા મારી હાલતની ખબર પાદશાહને કાને પહોંચાડવાને ઘણીએ તદબરી કરી, પણ નગારખાનામાં તતૂડીનો અવાજ કોણ સાંભળે ? મારી ફરીયાદ કોઈએ સાંભળી નહીં; અને છેલ્લે જ્યારે અમલ બદલાયો ત્યારે ખુશામત તથા કાલાવાલા કર્યાથી મારો છૂટકો થયો. મેં ઘરે જઈ પાટણ શહેર છોડી દીધું અને સિદ્ધપુરમાં મારી સ્ત્રી સંતાઈ રહી હતી તેને સાથે લઈ સોમનાથનાં દર્શન કરી હાલ પાછો આવું છું. એ અઘોર પાપ કર્યાં તેનો મને હમણાં ઘણો જ પસ્તાવો થાય છે. રાતદહાડો જરા ચેન પડતું નથી; માટે હવે કાશીક્ષેત્રમાં જઈ વિશ્વેશ્વરનું રોજ પૂજન કરી ભાગીરથીમાં સ્નાન કરી ત્યાં બાકી રહેલી આવરદા પૂરી કરવી, એવો મારો મનસૂબો છે. એ કામ પરમેશ્વર પાર પાડે અને હવે પછીના મારા પશ્ચાત્તાપથી તથા તપશ્ચર્યાથી મારું સઘળું પાપ ધોવાઈ જાય. મને ઈશ્વર તરફથી ઘટતી શિક્ષા થઈ છે, તેથી હું જરા પણ તેની સામે ફરિયાદ કરતો નથી. પરમ દયાળુ ઈશ્વર મને ક્ષમા કરો. રામરામ દાદા ! કાલે સવારે હું અહીંથી જઈશ; માટે તમને જે મારે વાસ્તે શ્રમ થયો છે તે માફ કરજો.’’

માધવ અને રૂપસુંદરી ત્યાંથી નીકળી મોઢેરા ગયાં અને ત્યાં સાંજરે ધર્મશાળામાં તેઓએ મુકામ કર્યો. વાળુ કર્યા પછી તેઓ ઘાટ ઉપર જઈ ઊભા રહ્યાં. તે વખતે આશ્વિન મહિનાની ચાંદની રાત ખીલી રહી હતી, અને ત્યાં એક માણસ ધીમે ધીમે અને નીચું માથું રાખીને ફરતો હતો. તે વખતે ચાંદરણું રૂપાનાં પતરાં સરખું પડ્યું હતું; કુંડના સ્થિર પાણી ઉપર અતિશય ચળકાટ પડતો, અને તેમાં બાજુએ પગથિયાં ઉપરનાં નાનાં મોટાં દહેરાંની છાયા પડતી હતી તેથી તે કુંડ ઘણો રળિયામણો દેખાતો હતો. કુંડ ઉપર એક મહાદેવનું મોટું દેવાલય હતું. તેને બે રંગમંડપ હતા; એક દહેરા સાથે વળગેલો, તથા બીજો છૂટો હતો. આજુબાજુએ કીર્તિસ્તંભ હતા. આખા દહેરાની લંબાઈ પોણોસો ગજ તથા પહોળાઈ પચીસ ગજ હતી, અને તેથી ચારગણી લંબાઈ પહોળાઈનો કુંડ હતો.

અગર જો તે વખતે પહેલી રાત હતી તોપણ સઘળું ચૂપાચૂપ હતું. પવન પણ પડી ગયેલો હતો, અને ઝાડનાં પાતરાંનો જરા પણ ખડખડાટ સંભળાતો ન હતો. ધર્મશાળામાં એક વેરાગી મોટી ધૂણી સળગાવીને બેઠો હતો, અને તેની પાસે એક બ્રાહ્મણ હતો, તે બંને ગાંજો ફૂંકવાની તૈયારીમાં પડેલા હતા. આ એકાંત સ્થળે જે માણસને તેઓએ ફરતો જોયો તેનો દેખાવ જોઈ લેવા સરખો હતો. તેના માથાના નિમાળા સફેદ બરફના જેવા થઈ ગયા હતા. તેની આંખ ખાડામાં પેસી ગયેલી હતી, તથા મુએલા માણસ જેવી થઈ ગયેલી હતી. તેમાં કાંઈપણ તેજ જણાતું ન હતું, તથા તેમાં બંદ્ધિની કાંઈ પણ નિશાની માલૂમ પડતી ન હતી. તેના ગાલ પણ બેસી ગયેલા હતા. આખા ચહેરાનું લોહી પણ ઊડી ગયેલું હતું, તેથી તે ફિક્કા રંગનો દેખાતો હતો. આખું શરીર ગળાઈ ગયેલું હતું, તેથી તેને વખતે કોઈ નરમ હૈયાનો માણસ જુએ તો તેને બીક લાગ્યા વગર રહે નહીં. તે આ લોકનો માણસ હોય એમ લાગતું ન હતું. તે કોઈ કબરમાંથી બહાર નીકળેલો હોય એમ જણાતું હતું. જેવું તેનું શરીર તેવું જ તેનું મન હતું. તેનું માથું ફરી ગયેલું હતું. તેની અક્કલ પોતાનું કામ બરોબર કરી શકતી હોય એમ જણાતું ન હતું. તેની શિકલ તથા ચાલવાની રીત ઉપરથી એવું સહેજ અનુમાન થઈ શકતું હતું કે તે માણસ અસલથી આવો ન હતો, તેણે ઘણો સારો વખત કોઈ વાર જોયો હોય પણ તેના ઉપર કોઈ મોટી આફત આવી પડ્યાથી અથવા દેવકોપ થવાથી તેની અવસ્થા આવી બદલાઈ ગઈ હશે, એમ ધરાતું હતું. તે આ વખતે ઊંડા વિચારમાં પડ્યો હતો, અને તે વિચારનો વિષય તેના નિકટના સંબંધનું જ માણસ હતું. તેના કલેજામાં કારી ઘા લાગ્યો હતો, અને તે કાંઈ મહા દુઃખથી તે વખતે પીડાતો હતો.

આ માણસ કોણ છે તે વાંચનારાઓએ ઓળખ્યો હશે, અથવા તેઓએ અટકળ કરી હશે. જો એ બેમાંથી કાંઈ પણ થતું ન હોય તો અમે તેઓને જણાવીએ છીએ કે તે માણસ કરણ ઘેલો હતો. જ્યારે તેણે દેવગઢમાં સાંભળ્યું કે ભીમદેવનું સઘળું લશ્કર કપાઈ ગયું, તથા દેવળદેવી મુસલમાનોના હાથમાં પકડાઈ, ત્યારે જે દુઃખ તેને થયું તેનું વર્ણન થઈ શકતું નથી. તેણે કેટલાક દહાડા સુધી તો અન્ન ચાખ્યું નહીં, તથા પાણીનું ટીપું પણ હોઠે અડકાડ્યું નહીં. જે બનાવ અટકાવવાને માટે, તેણે આટલું કષ્ટ સહ્યું, જેને વાસતે તે આટલી મુદત સુધી લડાઈ લડ્યો, તથા બેહદ સંકટ વેઠ્યું, જેને વાસ્તે તેણે પોતાનો પ્રાણ જોખમમાં નાખ્યો તથા પોતાનાં ઘણાં વહાલાં માણસોને પોતાની નજર આગળ મરતાં જોયાં, તે જ બનાવ આખરે બન્યો એ કાંઈ થોડી સંતાપ ઉપજાવનારી વાત ન હતી. જે અમૂલ્ય રત્ન તેણે મહા જતનથી ઘરમાં રાખી મુક્યું, જેને જોવાથી તેને અતિ આનંદ થતો, તથા જે વડે તેને આટલાં મહાભારત દુઃખમાં પણ જીવવું ગમતું હતું, તે રત્ન તેના હાથમાંથી જતું રહ્યું; અને તે કોના હાથમાં પડ્યું ? પોતાના ઊંચા કુળનું અભિમાન રાખી તેણે દેવગઢના રાજા સાથે સંબંધ કરવાની ના કહેલી તથા મ્લેચ્છ લોકોના હાથમાં જાય એ ભયથી જ શંકળદેવને પોતાનો જમાઈ કરવાને છેલ્લે તેણે ઘણી જ આનાકાની સાથે કબૂલ કરેલું, તે સઘળું વ્યર્થ ગયું, તેને જે મોટામાં મોટી દહેશત હતી તે જ આડે આવી. હવે જીવવું શા સારું ? જીવવું કોને વાસ્તે ? અને શું કરવા ? અને શું કરવા ? તેણે આપઘાત કરવાને ઘણી વાર પ્રયત્ન કર્યા, પણ તેને સઘળી વખત કોઈએ રોક્યો. તેને દેવગઢના રાજા રામદેવે ઘણો દિલાસો તથા ધીરજ આપી; તેને અન્ન ખવડાવ્યું; તથા કેટલીક તદબીરથી તેનું મન પોતાની છોકરી ઉપરથી કઢાવ્યું, પણ તે વખતથી તેની અક્કલને નુકસાન લાગ્યું, તે ઉદાસની પેઠે આખો દહાડો બેસી રહેતો, અને તે વખતથી તે કોઈ દહાડો જરા પણ હસ્યો નહીં. આવી અવસ્થામાં તે કેટલીક મુદત સુધી દેવગઢમાં રહ્યો, પણ એટલામાં મલેક કાફુરનું લશ્કર શહેર આગળ આવ્યું અને તેને ઘેરો ઘાલ્યો. રામદેવ શંકળદેવને કિલ્લામાં રાખી પોતે ઘણાં નજરાણાં લઈ મલેક કાફુર પાસે ગયો, અને તેને શરણ થયો. પછી રામદેવ કાફુરની સાથે દિલ્હી ગયો, ત્યાં તેને રાયારાયનો ઈલ્કાબ મળ્યો. દિલ્હીના પાદશાહે તેને તેનું રાજ્ય પાછું સોપ્યું એટલું જ નહીં, પણ તેમાં વધારો કરી આપ્યો. તેને નવસારી પરગણું ઈનામ દાખલ આપ્યું, અને તેને ઘેર જવાને લાખ તનખા ખરચને માટે આપ્યા.

એ સઘળો બનાવ જ્યારે બન્યો ત્યારે કરણ ગુસ્સે થઈને તથા રામદેવ ઉપર કંટાળી જઈને દેવગઢથી ચુપકીથી નાસી ગયો, અને પાંચ વર્ષ સુધી આખા ગુજરાતમાં જુદો જુદો વેશ લઈને ભટક્યો. છેલ્લે તે મોઢેરા ગામમાં આવી પહોંચ્યો, અને ત્યાંના દહેરાની એક ધર્મશાળામાં તેણે ઉતારો કર્યો.

માધવ તથા તેની સ્ત્રી ઊભાં ઊભાં પોતાના ગયેલા વખતની વાત કરતાં હતાં, તથા માણસની જિંદગીમાં કેટલા બધા ફેરફાર થાય છે તે ઉપર વિચાર કરતાં હતાં. વાતમાં ને વાતમાં કરણનો વિષય નીકળ્યો ત્યારે એ દુર્ભાગી રાજાને વાસ્તે તેઓને ઘણી દયા આવી. ‘‘અરે અરે ! જો કરણ રાજા આ વખતે જીવતો હોય અને તેના સાંભળવામાં આવે કે તેની દેવળદેવી તેને વીસરી જઈ પોતાની મા સાથે ઘણા આનંદમાં રહે છે, તથા તેણે પાદશાહના શાહજાદા ખિઝરખાં સાથે લગ્ન કર્યું છે તો તેને કેટલું બધુ દુઃખ ઊપજે ? પણ તે બિચારો આ પૃથ્વી ઉપર જ કદાપી નહીં હોય. જ્યાં હોય ત્યાં તેનો સ્વર્ગવાસ થશો.’’ એ પ્રમાણે માધવ મોટેથી બોલ્યો, તે સઘળા શબ્દ કરણે સ્પષ્ટ સાંભળી લીધા. આ દુઃખદાયક વાત કરણને કાને પડતાં જ તે બેશુદ્ધ થઈ ભોંય ઉપર પડ્યો. પડવાનો અવાજ સાંભળી માધવ તેની તરફ દોડ્યો, અને જ્યારે તેણે પડેલા માણસનું મોં કેટલીક વાર જોયું ત્યારે તે એવો તો ભય પામ્યો કે એક લંગ મારી પોતાની સ્ત્રીને ઘસડીને ધર્મશાળામાં જતો રહ્યો, અને સઘળો સામાન બાંધી રાતની રાત ત્યાંથી બીજે ગામ જવાને નીકળી પડ્યો.

થોડી વાર પછી જ્યારે કરણને ભાન આવ્યું ત્યારે તેની આંખ લાલચોળ તથા ચહેરો ગાંડા જેવો થઈ ગયો; અને તેના અંતઃકરણમાં સખ્ત ઘા લાગ્યો. તે દુષ્ટ ચંડાળ છોકરી તેના બાપના કરેલા ઉપકાર ભૂલી જાય અને તેને કોઈ વાર પણ સંભારે નહીં એ કાંઈ જેવું તેવું દુઃખ ન હતું. તેને વાસ્તે તેના આવા હાલ થયા હતા, અને તે વન વન ભટકતો હતો, અને દેવળદેવી સુખમાં પાદશાહનાં મહેલમાં રહે, અને જરા પણ ઉદ્વેગ ધરે નહીં. વળી તેની માની સાથે વટલી જાય; અને છેલ્લે તેને ભૂલી જઈને, શંકળદેવનો પ્યાર અંતઃકરણમાંથી ભૂંસી નાખીને મ્લેચછ પાદશાહ, તેના બાપનું રાજ્ય લેનાર, તેના ઘરનું સુખ હરનાર, તેને આટલી બધી વિપત્તિમાં નાખનારના જ છોકરા સાથે પરણે એ કાંઈ નાનીસૂની વાત ન હતી. કૃતધ્ની છોકરી ! આ દુનિયામાં કોઈ કોઈનું નથી; સઘળાં સ્વાર્થી છે. પ્યાર ફોકટ છે; સંસાર દગલબાજ છે; તથા માયા સઘળી ખોટી છે; એ વાતનો તેને હમણાં નિશ્ચય થયો. જેને વાસ્તે આટલી વાર જીવવું પ્રમાણ હતું તે સઘળાં દગો કરી ચાલ્યાં ગયાં, ત્યારે હવે દુનિયામાં દુઃખે દહાડા કાઢવામાં શું ફળ ? માટે હવે નક્કી મરવું જોઈએ. એવો વિચાર કરતો કરતો તે કુંડની પાળ ઉપર ફરતો હતો. મરવું એ કાંઈ સહેલું નથી. જિંદગીથી ગમે તેટલા કંટાળી ગયા હોઈએ અને મોત વારે વારે માગતા હોઈએ તોપણ જ્યારે યમરાજાના દૂત ખરેખરા આવે ત્યારે આ દેહ કોઈને છોડવો ગમતો નથી. ત્યારે આપઘાત શી રીતે થાય ? પોતાનો જીવ પોતાને હાથે શી રીતે કઢાય ? એ જ સંદેહને લીધે તે કુંડમાં એકદમ પડવાને બદલે આણીગમ-તેણીગમ ફર્યા કરતો હતો. તેના મનમાં તોફાન અને શાંતિ વારાફરતી થતી હતી. જીવ જ્યારે ઊકળી આવતો ત્યારે તે પડવાની તૈયારી કરતો, પણ એટલામાં મન પાછું શાંત થતું, એટલે પાછો ફરવા માંડતો. એ પ્રમાણે કેટલીક વાર સુધી ચાલ્યા પછી તેને એકદમ આવેશ પઢી આવ્યો; અને તે નરમ પડે તેની અગાઉ તે કુંડમાં ભૂસકો મારી ઝંપલાવી પડ્યો. પાણીમાં એક મોટો ધબાકો થયો તે રાતની વખતે અને આસપાસ બંધિયાર જગા એટલે તેનો પડઘો પડવાથી અવાજ ઘણો મોટો સંભળાયો.

પાસેની ધર્મશાળામાં જે વેરાગી તથા બ્રાહ્મણ ગાંજો ફૂંકતા હતા તેઓ બંનેએ આ ધબાકો સાંભળ્યો, અને તે સાંભળીને તેઓ ચમક્યા. વેરાગી ચલમ પીતાં પીતાં અટક્યો, તે તેને કડવું ઝેર જેવું લાગ્યું. તે ગુસ્સામાં આવી બોલી ઊઠ્યો : ‘‘આવી રાતની વખતે કોણ અભાગિયો પાણીમાં પડ્યો ? કોઈ કૂતરો અથવા બીજું કાંઈ જનાવર હશે. આ વખતે માણસ તો કોઈ નહીં હોય. ગમે તે હો ! તો પણ તેણે મારી ચલમનો તાલ ખોવડાવ્યો, હવે નશો ચઢવાનો નથી. આ ઢોરે બધો દહાડો ખરાબ કર્યો. આજે સવારે કોઈ ચંડાળનું મોં જોયું હશે કે અમલ કરવામાં આવો એક અટકાવ થયો. એને મરવા દો. હું એને બચાવવા જવાનો નથી.’’ એવું કહી તેણે પાછી ચલમ ભરવા માંડી પણ જે બ્રાહ્મણ તેની સાથે હતો તે તો વધોર કોમળ અંતફકરણવાળો હતો. તેણે દુઃખનો સ્વાદ ચાખ્યો હતો. જે દહાડાથી તેની સ્ત્રી દેવળદેવીની સાથે તુરકડાઓના હાથમાં ગઈ તે દહાડેથી તેને ચેન પડતું ન હતું. તેણે ઘણો પ્રવાસ કર્યો હતો, અને છેલ્લે થાકી આ ઠેકાણે આવી રહ્યો હતો. તેને પક્કી ખાતરી થઈ કે કોઈ માણસ પડ્યો હશે અને પોતે બેસી રહે અને એક મનુષ્યદેહનો નાશ થાય એ ઘોર પાપ પોતાને માથે ન આવે માટે તે ચલમને પડતી મૂકીને ઊઠ્યો, અને કુંડ આગળ ગયો. પાણીમાં જુએ છે તો કોઈ માણસને તરફડિયાં મારતો તેણે જોયો. તેનું માથું માત્ર ઉઘાડું દેખાતું હતું. કરણ પડતાં વાર નીચે ગયો, પણ તે તરત તરી આવ્યો. તે વખતે સ્વરક્ષણની સ્વાભાવિક પ્રેરણાએ જોર પકડ્યું. તે વખતે તે પોતાનો જીવ બચાવવાની આતુરતામાં પોતાનું સઘળું દુઃખ ભૂલી ગયો. તેણે પછાડા મારવા માંડ્યા, અને એ પ્રમાણે જોર કરી તે કેટલીક વાર સુધી પાણી ઉપર રહ્યો, પણ તેનું જોર ધીમે ધીમે કમ થતું ગયું; તેના પગમાં ગોટલા ભરાઈ ગયા; તથા તેના હાથ રહી ગયા. તે નીચે પડવા લાગ્યો અને જે વખતે તે બ્રાહ્મણ કુંડની પાળ ઉપર ગયો ત્યારે તેની ચોટલી માત્ર બહાર દેખાતી હતી. આવે વખતે બ્રાહ્મણને પાણીમાં ભૂસકો મારતાં કાંઈ વાર લાગી નહીં. તેની પાસે વધારે લૂગડાંની કાંઈ ખટપટ ન હતી. માથે એક ટોપી હતી તે પાળ ઉપર મૂકી દીધી, અને જે ધોતિયું પહેેરેલું હતું તે સાથે તે પાણીમાં પડ્યો. સારા ભાગ્યે કરણ અજવાળામાં હતો તેથી તરત તે બ્રાહ્મણે તેની ચોટલી પકડી અને તેને પોતાની પાછળ ઘસડ્યો. પણ બૂડતા માણસને કાઢવાનું કામ કાંઈ થોડું જોખમ ભરેલું નથી. તેના મનને તો આખું જગત્‌ ડુબી જાય છે, અને તે પોતાનો જીવ બચાવવાની મહેનતમાં તેના બચાવનારના જીવને જોખમમાં નાખે છે. કરણે પાણીમાંથી બહાર નીકળતાં બ્રાહ્મણને ચૂડ ભેરવી; ને તે ભટજી જો સારો તરનાર ન હોત તો તેઓ બંનેનું સમચરી એક જ દહાડે આવત. પણ ભટજી આટલા બોજા સાથે પણ થોડું તર્યા અને જ્યારે વધારે વાર ઉપર ટકાયું નહીં ત્યારે કરણના હાથને તેણે એવા જોરથી બચકું ભર્યું કે તેણે તરત પોતાના હાથ છોડી દીધા. પછી એક આંચકાની સાથે કરણને ઓવારા ઉપર નાખ્યો. બ્રાહ્મણે બહાર નીકળી કરણને ઊંચકી લીધો, અને વેરાગીની પાસે લાવીને નાખ્યો. વેરાગી તે વખતે બીજી ચલમ ફૂંકતો હતો, તેણે ઘણી બેપરવાઈથી કરણના બેભાન મડદા જેવા શરીર તરફ જોયું, અને તે પૂરો મરી ગયેલો છે એમ જાણીને તે બ્રાહ્મણ ઉપર ક્રોધે ભરાઈને બોલ્યો : ‘‘અલ્યા બમન ! આ પ્રેતને અહીં ક્યાં લાવ્યો ? આ કુંડ તથા ધર્મશાળા ગોઝારાં થયાં. એવી પીડાનું અહીં શું કામ છે ? તેને કોઈ ખૂણામાં નાખી આવ. કાલે સવારે ગામમાં ખબર આપીશું એટલે તેનાં કોઈ વહાલાં અથવા ઓળખીતાં લઈ જશે; નહીં તો તેને અવલ મંજલ પહોંચાડવાનો મહાજન લોકો કાંઈ પણ બંદોબસ્ત કરશે. આ મહાદેવના દેવાલયમાં મડદાને રાખવું ન જોઈએ. આખું દહેરું અપવિત્ર થાય. અને તેને શુદ્ધ કરવાને ઘણા પૈસા ખરચ લાગશે. અને બીજા લોકો આપણને ઠપકો દેશે. વળી આપણને રાજા પાસે જવું પડશે. ત્યાં કોણ જાણે શું થાય ? તે કુંડમાં શા સારુ પડ્યો તે આપણને પૂછશે ત્યારે આપણે શો જવાબ દઈશું ? અને જવાબ બરોબર દેવાશે નહીં તો રાજાને આપણા ઉપર વહેમ આવશે. રાજા ગંડું છે; તેનો શો ભરોસો ? વખતે આપણે કૂતરાને મોતે માર્યા જઈએ, અથવા ગામમાંથી બહાર જવું પડે, એટલે આપણી પેદાશ જતી રહે ને આપણે ભૂખે મરીએ. માટે એ બલાને તું અહીંથી ખસેડ, અને બહાર કોઈ ખુણામાં નાખી આવ. તું તારું ભીનું ધોતિયું બદલી નાંખ, અને તને શરદી ચઢી ગઈ હશે માટે આ ચલમ તૈયાર છે તે લઈ ગરમ અને તાજો થઈ જા, ચાલ બચ્ચા, વહેલો થા.’’

વેરાગીનું આ બોલવું સાંભળીને બ્રાહ્મણના દિલ ઉપર ઘણી અસર થઈ. જેટલી જેટલી વાત બાવાજીએ બતલાવી તે સઘળી તેને ખરી લાગી, અને તેણે જે કામ કર્યું તેનો તેને ઘણો પસ્તાવો થવા લાગ્યો. પણ હવે લાચાર; જે થયું. તેના શરીરમાં ટાઢ ઘણી ચઢી ગઈ હતી. ટાઢા પાણીમાં તેનો સઘળો નશી ઊતરી ગયો હતો તેથી તેને જરા પણ ચેન પડતું ન હતું. ભટજી એક પડી પણ અમલના સુમાર વિના કોઈ દહાડો રહ્યા ન હતા, તેથી આવે વખતે બાવાજીને ચલમ ફૂંકતા તથા તેમાંથી તથા પોતાના મોઢામાંથી ધુમાડા કાઢતા તેણે જોયા ત્યારે તેનો જીવ આકુળવ્યાકુળ થઈ ગયો. તેની આંખે અંધારાં આવ્યાં; અને તેને કાંઈ પણ કામ સૂઝયું નહીં. જ્યારે ભટજીએ એવું થયું ત્યારે કરણની શી અવસ્થા થઈ હતી તે ઉપર જરા પણ નજર કર્યા વિના તેણે કોરું ધોતિયું પહેર્યું, અને લાગલો જ ચલમનો એક જોરથી સપાટો માર્યો, અને તે સપાટાની સાથે જાગ્રત થયો. પછી તેણે દીવો લાવીને કરણને તપાસ્યો તો તેનું શરીર તમામ મરી ગયેલા જેવું લાગ્યું. પણ હજુ જીવની નિશાની એટલી હતી કે તેની છાતી ધડકતી હતી, અને તેના નાકમાંથી ઊનો શ્વાસ નીકળતો હાથને લાગતો હતો. એટલા ઉપરથી તેને આશા આવી, અને કાંઈ ઉપાયથી તે હોશિયાર થાય એવી તદબીર તેણે કરવા માંડી. તેણે પહેલાં તો તેના પેટ ઉપર ભાર મૂક્યો, એટલે સુધી કે તે તેના ઉપર બેઠો, એટલે તેના ભારથી આશરે ચારપાંચ શેર પાણી તેના મોંમાંથી નીકળી પડ્યું. જ્યારે વધારે પાણી નીકળ્યું નહીં ત્યારે તેને પગે દોરી બાંધી અને તેને ઊંધે માથે લટકાવ્યો. એમ કરવાથી પણ કેટલુંક પાણી તેના શરીરમાંથી નીકળી ગયું. કલાકેક સુધી તેને એ પ્રમાણે ટાંગી રાખ્યા પછી તેને નીચે ઉતાર્યો, અને એક ધાબળીમાં લપેટી ધૂણી આગળ રાખમાં સુવાડ્યો.

થોડી વારમાં ગરમીની અસર તેના શરીરમાં લાગી. તેણે ધીમે ધીમે શરીર હલાવવા માંડ્યું, અને એમ કરતાં કરતાં આંખ ઉઘાડી, અને છેલ્લી વારે તેને બોલવાનું ભાન આવ્યું. આ પ્રમાણે કરણ જીવતો થયો તે જોઈને વેરાગી તથા બ્રાહ્મણને ઘણી જ ખુશી થઈ. તેઓની સઘળી દહેશત મટી ગઈ માટે બાવાજી આનંદભેર બોલ્યા, ‘‘કેમ બચ્ચા ! તું કોણ છે ? શી જાતનો છે ? શો ધંધો કરે છે ? શા સારુ આ ગામમાં આવ્યો છે ? અને કુંડમાં એકાએક પડી ગયો કે જાણી જોઈને ? અને જાણી જોઈને પડ્યો તો તારા ઉપર શું દુઃખ આવી પડ્યું છે ? શું શરીરથી કંટાળી ગયો છે ? શું છોકરાં તરફથી દુઃખ છે ? શું બૈરી કોઈ જોડે નીકળી ગઈ છે ? કે શું વ્યભિચારણી નીકળી ? કે તારી સાથે હમેશાં લડી છે તેથી કાયર થયો ? શું કાંઈ ધંધામાં ખોટ આવી ? શું પૈસા ચોરાઈ ગયા ?’’ એ પ્રમાણે વેરાગીએ તો ઉપરાઉપરી કરણને પ્રશ્ન પૂછવા માંડ્યા, અને તેનો સપાર ઘણો મોડો આવત, પણ કરણ ગભરાયો. આ બધી વાત એકદમ શી રીતે યાદ રહેશે, તથા તેના જવાબ શી રીતે અપાશે એ વિષે તેને ફિકર થઈ, તેથી તે વચમાં બોલી ઊઠ્યો, અને બાવાજીને બોલતા અટકાવ્યા. આ સઘળા સવાલોના પૃથક પૃથક જવાબ તો તેણે દીધા નહીં પણ તેણે પોતાની સઘળી વાત અથથી તે ઈતિ સુધી કહી સંભળાવી. પોતાનું ખરું નામ તથા અવસ્થા તેણે આટલી વાર સુધી તો છુપાવી રાખી હતી, પણ હમણાં તે તેનાથી છાનું રખાયું નહીં. તેના મોંમાંથી સઘળી સાચી વાત નીકળી ગઈ. જ્યારે કરણ સઘળું કહી રહ્યો. ત્યારે વેરાગીને તેના ઉપર ઘણી દયા આવી, અને તેનો ઉદ્ધાર કરવા અર્થે તેણે તેને કાંઈ શિખામણ દેવાનો નિશ્ચય કર્યો.

આ પ્રમાણે મનસૂબો કરીને બાવાજી બોલ્યા : ‘‘બચ્ચા ! હું કહું છું તે કાન દઈ સાંભળ. તે તારા કલ્યાણની વાત છે. જો તું મારા ઉપદેશ પ્રમાણે ચાલીશ તો તું દુઃખનું નામ પણ જાણીશ નહીં, માટે સાંભળ બચ્ચા ! આ જગત ક્ષણભંગુર છે. તે એક પાણીનો પરપોટો છે. તે એક બાજીગરની રમત છે. જગતમાં સઘળી વસ્તુ નાશવંત છે. જેનું નામ તેનો નાશ છે. અજરામર ને સાચો તો એક પરમાત્મા છે, બીજું સઘળું જૂઠું છે. દુનિયા કાંઈ આપણી નથજી, અને કોઈ દહાડો આપણી થવાની પણ નથી. એક નાવમાં બેસીને જનારા મુસાફરોની વચ્ચે જેટલો સંબંધ છે તેટલો જ આ જગતમાં વસનારાઓ વચ્ચે છે. તે થોડી મુદત સુધી એકઠાં રહે છે; પછી સૌ પોતપોતાને રસ્તે વળગે છે. માટે દુનિયાની મોહજાળમાં કદી ફસાવું નહીં. એથી માણસોની ખરાબી થાય છે. એથી આપણાથી પરમેશ્વરને ભજાતો નથી; અને એથી આપણે લખચોરાસીના ફેરામાં ફર્યા કરીએ છીએ; માટે જ્ઞાનીપુરુષો તો તે જ કે જેઓએ સંસારનો ત્યાગ કર્યો છે, તથા બ્રહ્મ ઉપર ધ્યાન ધરી વૈરાગય લઈ બેઠા છે. શરીર પણ તે જ પ્રમાણે કારમું છે. તે આજે ફૂલની પેઠે ખીલે છે, અને ઘડી પછી કાષ્ઠની પેઠે જડ થઈને પડે છે. વળી તેને નાના પ્રકારની પીડા વળગેલી છે, તેઓમાંની ઘણીખરી સંસારમાં રહેવાથી માણસને ઉપદ્રવ કરે છે. જેણે વૈરાગ લીધો તેને તેવી પીડા ક્વચિત જ થાય છે, અને થાય તો તેના ઉપર તે લક્ષ આપતો નથી. સુખદુઃખ એ શરીરના ધર્મ છે, પણ વેરાગીએ શરીર સાથે સંબંધ છોડી દીધો છે તેથી તેના મનને સુખદુઃખ બંને સમાન છે. તે સુખથી રાજી થતો નથી, અને દુઃખી ખેદ પામતો નથી. જે ઈશ્વરની તરફથી આવી પડે છે તે શાંત મનથી સહે છે. વળી બચ્ચા ! બૈરાંછોકરાં સઘળાં જૂઠાં છે. એ ખરેખરી માયાની જાળ છે. તેઓ સંસારમાં આપણું મન પરોવે છે. તેઓ પરમાત્મા ઉપરથી આપણું ચિત્ત દૂર કરે છે. તેઓ જગતમાં આપણને મહાપાપ કરાવે છે, તથા લખચોરાસીના ફેરામાં તેઓ નાખે છે; અને તેથી ફાયદો શો છે ? કાંઈ જ નથી. તેઓથી કાંઈ સુખ થતું નથી. જો કાંઈ થાય તો તે ક્ષણ ભંગુર છે. એથી ઊલટું, તેથી ઘણું દુઃખ પેદા થાય છે, અને તે દુઃખ ઘણી મુદત સુધી પહોંચે છે. તેઓનો ને આપણો સંબંધ ખોટો છે. ઋણાનુબંધથી આપણે સઘળા એકઠા મળીએ છીએ, અને જ્યારે તે ઋણાનુબંધ પૂરો થાય છે, ત્યારે એકમેકને મૂકીને ચાલ્યા જઈએ છીએ. તેઓ આપને મોતના સપાટામાંથી બચાવી શકતાં નથી, અને આપણે પણ તેઓને તેના પંજામાંથી ઉગારી શકતા નથી. આપણા સ્નેહીઓને બાળી અથવા દાટી આવ્યા પછી આપણે તેઓને વાસ્તે થોડી મુદત સુધી રડીએ છીએ, અથવા શોક કરીએ છીએ, અને તેને પછી વિસારી મુકીએ છીએ, એવી તરેહનો જગતનો જૂઠો સંબંધ છે, માટે ડાહ્યા લોકો આ દુનિયાના અનિત્ય સંબંધમાં પડતા નથી; પણ એકલા રહી પરમેશ્વરનું ભજન કરી મુક્તિનું સાધન કરે છે. વળી ધન પણ તેવું જ દગલબાજ છે. તે સઘળાં પાપનું મૂળ છે. તેમાં કળિયુગ આવી રહેલો છે. તે દુષ્ટના ઘરમાં વાસો કરે છે, અને ધર્મીનો ત્યાગ કરે છે. લક્ષ્મી એ માણસને મોટી ફસાવનારી માયા છે, તેથી કાંઈ પણ સુખ માણસને મળતું નથફી; પણ અગણિત દુઃખો એથી પેદા થાય છે. માટે તેને વાસ્તે કોઈપણ શાણા અને વિચારવંત માણસે કદી પણ શોક કરવો નહીં. માટે બચ્ચા ! તારો સઘળો શોક મૂકી દે, તારું સઘળું રાજ્ય ગયું; તું રાજ્યભ્રષ્ટ થયો; એ તારું મોટું ભાગ્ય જાણવું. શાસ્ત્રમાં કહેલું છે કે રાજ્યને અંતે નરક છે. તેં રાજ્ય કર્યું છે. તેં રાજ્ય ચલાવવામાં જે જે કામો કર્યાં હશે તે સઘળાં તું જાણતો હશે, અને તારાથી જે દુષ્ટ કર્મો થયાં હોય તે યાદ લાવ. પછી તું મનમાં વિચાર કર કે તારું રાજ્ય ગયું તેમાં તારો ફાયદો કે ગેરફાયદો થયો ? એમ જાણજે કે રાજ્ય જવાથી તારું કલ્યાણ થયું, અને હવેથી તું મારી શિખામણ પ્રમાણે ચાલશે તો તારો ઉદ્ધાર થશે. હજી જેટલો વખત બાકી રહેલો છે તેનો સારી રીતે ઉપયોગ કર.ે દુનિયાથી વિરક્ત થા. તું મારી સાથે આવીને રહે. તું જેને વહાલામાં વહાલાં ગણતો હતો તેઓ તારી સાથે કેવી રીતે ચાલ્યાં તે તેં જોયું છે. તારી પ્રાણ સમાન સ્ત્રી તને મૂકીને જતી રહી. તારી છોકરી, જેને તેં ઉછેરીને મોટી કરી, જેનું રક્ષણ કરવાને તે આટલું સંકટ ભોગવ્યું, તથા જેને વાસ્તે તું હજી આટલો શોક કરે છે, તે હમણાં તારા કટ્ટા શત્રુના ઘરમાં મહાલે છે, તથા તેણે મ્લેચ્છના પુત્ર સાથે લગન કર્યું છે. એવી રીતનો આ દુનિયાનો સંબંધ છે. વળી કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર એ માણસના કટ્ટા દશ્મન તેના અંતઃકરણમાં વસેલા છે. તેઓ તેને હમેશાં આડાં કામ કરાવે છે, તથા પ્રપંચના કૂપમાં નાખે છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો તથા પાંચ કર્મેન્દ્રિયો પણ તેની પાછળ મંડી છે, તેથી માણસ પરમેશ્વરથી દૂર ને દૂર જતો જાય છે. આ સઘળા શત્રુઓને જીતવા મુશ્કેલ છે. જે માણસ સંસારમાં રહે છે તે આ સઘળાના સપાટામાં આવ્યા વિના રહેતો જ નથી. માટે જ્ઞાની માણસોએ દૃઢ નિશ્ચય કર્યો છે કે દુનિયા જૂઠી છે દુનિયાનો સંબંધ કારમો છે; તથા પરમેશ્વર સિવાય સઘળું અનિત્ય અને નકામું છે. માટે એ સઘળાંને મુકીને ઈશ્વરનું ભજન કરવું. જેમ જેમ માણસની ઈચ્છા ઓછી થતી જાય છે, તેમ તેમ તે પરમેશ્વરની પાસે આવતો જાય છે અને જ્યારે તે અંતે નિષ્કામ અવસ્થાને પહોંચે છે, ત્યારે તેનો પરમાત્માં લય થાય છે. નિષ્કામ અવસ્થા સૌથી ઊંચામાં ઊંચી છે. એ અવસ્થા જેને પ્રાપ્ત થઈ તે પરમ સુખી જાણવો. તે દેવરૂપે પૃથ્વી ઉપર એક માણસ છે. માટે તારે પણ મારી સાથે રહેવું, અને તે નિષ્કામ અવસ્થાને પહોંચવાને પ્રયત્ન કરવો.’’

પેલા બ્રાહ્મણે વૈરાગીની આ સઘળી વાતો સાંભળી લીધી પણ તે તેના મનમાં કાંઈ ઊતરી નહીં, તથા તેથી કરણના મન ઉપર પણ કાંઈ અસર થઈ નહીં. ભટજીએ ઘણા દેશોમાં મુસાફરી કરી હતી, તથા ઘણા સાધુ, સંન્યાસી, ભક્ત, બાવાઓ સાથે ધર્મ સંબંધી વાતચીત કરી હતી, તેથી તે એવી બાબતમાં પ્રવીણ થયો હતો. સુખને વાસ્તે તેનો વિચાર જુદી જ તરેહનો હતો. અને તે વિચાર આ ઠેકાણે જણાવી પોતાની હોશિયારી બતાવવાની તેની ઘણી મરજી હતી માટે તે બોલી ઊઠ્યો : ‘‘બાવાજી ! તમે જે સઘળું કહ્યું તે ઠીક છે, પણ મારા ગુરુએ મને એ વિષે જે બોધ કરેલો છે તે હું તમને કહી સંભળાવું છું. મારા અભિપ્રાય પ્રમાણે દુનિયા જૂઠી નથી; દુનિયાનો સંબંધ પણ દગલબાજ નથી; દુનિયા છોડી વૈરાગ લેવો, એ ઘણું પાપનું કામ છે. માણસથી નિષ્કામ થઈ શકાતું નથી. એ તો માત્ર ગપાટા છે, અને તેમ થાય તોપણ તેથી કાંઈ સુખ નથી. જે જગતમાં જગકર્તાએ આપણને સરજાવેલા છે તે જગત સાચું છે, અનિત્ય છે તેથી તે જૂટું છે, એમ સાબિત થતું ની. આપણો દુનિયાનો સંબંધ પણ સાચો છે; એમાં કાંઈ શક નથી. અને માત્ર કોઈક દુષ્ટ અને દગલબાજ માણસો નીકળી આવે તે ઉપરથી માણસ જાતને દોષ દેવો તે પણ વાજબી નથી. માણસના મનનું બંધારણ જ્યારે તપાસીએ છીએ ત્યારે સ્પષ્ટ માલુમ પડે છે કે ઈશ્વરે માણસને પોતાની જાતના સમુદાયમાં રહેવાને લાયક બનાવેલાં છે. જો તે એકલો રહે તો તેનામાં ઈશ્વરની તરફથી મળેલા કેટલાક ગુણો બિલકુલ નિરુપયોગી થઈ પડે. જો માણસ જંગલમાં વાસો કરે તો નરમાશ, સભ્યતા, દયા, ક્ષમા, ક્રોધ વગેરે ગુણો શા કામમાં આવે ? અને જ્યારે તે ગુણો તેનામાં છે ત્યારે તેને વાપરવા જોઈએ, અને તેથી તેણે માણસોમાં એકઠાં રહેવું જોઈએ. વળી જગત્‌બંધારણ એવી રીતનું થયેલું છે કે માણસ અરસપરસ ઉપયોગી થઈ પડે છે, તથા તેને બીજા ઉપર ઉપકાર કરવામાં સ્વાભાવિક વૃત્તિ ઉત્પન્ન થાય છે. તેથી પણ સાફ જણાય છે કે એકાંતવાસ કરવો એમાં ઈશ્વર રાજી નથી. વળી જો સઘળા લોકો તમારી શિખામણ પ્રમાણે દુનિયાનો ત્યાગ કરે તો તેનો થોડી વારમાં જ અંત આવે અને તે પ્રમાણે ઈશ્વરનો ઈરાદો નથી. વળી તમે કદાચ કહેશો કે દુનિયાનો ત્યાગ ઘણા થોડાથી જ થઈ શકે છે, માટે દુનિયાનો અંત આવશે, એવી દહેશત રાખવાનું કાંઈ કારણ નથી. પણ જે વાત વાસ્તવિક રીતે સારી છે તે જો સઘળા કરે તો તેથી ફાયદો જ થવો જોઈએ. ઉદાહરણ, અગર જો સઘળા માણસ સાચું બોલે એવો સંભવ નથી, પણ જો સઘળા સાચું બોલે તો તેથી જગતનું બેશક કલ્યાણ થાય, પણ જો તમામ લોકો વૈરાગ લે તો તેથી સારું ફળ નીપજવાને બદલે ગતનો લય થાય : માટે વૈરાગ રાખવો, એ સારું કામ નથી. વળી કોઈ પણ માણસ નિષ્કામ થઈ શકતો નથી, ગમે તેવો વૈરાગી હોય તોપણ તેને કાંઈ પણ ઈચ્છા હોય છે. બીજી કાંઈ ન હોય તોપણ ઈશ્વર પ્રસન્ન કરવાની અથવા મોક્ષ મેળવવાની તો હોય જ. મહારાજ ! તમને અને મને વખત થાય છે એટલે નશાની તલપ થઈ આવે છે. જો ઘડી ચલમ ન મળે તો ઊથલપાથલ થઈ જઈએ છીએ. માણસ નિષ્કામ હોઈ શકતો નથી, અને હોય તો તે જીવતો નથી પણ મૂઆ બરોબર છે. ઈંદ્રિયો તથા વિકારોનો નાશ કરવો, એ યોગ્ય નથી. તે આપને વાપરવાને માટે આપેલાં છે, અને તેને યોગ્ય જગતમાં ઘણી વસ્તુઓ ઉત્પન્ન કરેલી છે, તેઓને અખત્યારમાં રાખવાં જોઈએ, અને તેઓનો ઘટતી રીતે તથા ઘટતી જગાએ ઉપયોગ કરવો જોઈએ. જો એ પ્રમાણે માણસ ચાલે તો તે નિશ્ચય સુખ પામે. એકલા પૈસાથી સુખ મળી શકતું નથી, કેમ કે પૈસાથી મનના ઉપર કાંઈ અસર થઈ શકતી નથી, અને સુખનું ઠેકાણું મન છે, મોટો અધિકાર મળ્યા પછી પણ સુખ મળતું નથી, કેમ કે તેથી અસંતોષ તથા નવી ફિકરચિંતા ઉત્પન્ન થાય છે. ઈંદ્રિયોનું સુખ ખરું નથી, કેમ કે તે ક્ષણભંગુર તથા થોડી મુદતમાં કંટોળો ઉજાવનાર છે. ખરું સુખ અંતઃકરણમાંથી નીકળે છે, અને તેનું મૂળ સદ્‌ગુણ છે. જે માણસ સદ્‌ગુણ આચરે છે, તે ખરેખરો સુખી છે, તેણે દુનિયામાં સંસાર ચલાવવો, અને તેની જેટલી શક્તિ હોય તે પ્રમાણે સઘળાનું સારું કરવું. તેણે પરમેશ્વર ઉપર દૃઢ વિશ્વાસ રાખવો; અને જે જે દુઃખ આવી પડે તે પરમેશ્વરની મરજીથી આવી પડે છે, તથા તે આપણા સારાને સારું મોકલેલાં છે, એમ માની મનને શાંત રાખવું એટલે આપણા સુખમાં કાંઈ ઘટાડો થશે નહીં; દુનિયામાં રહીને તથા સારી રીતે વર્તીને ઈચ્છા તથા આશા છોડવી નહીં; કેમ કે ઈચ્છા માણસને જાગ્રત કરનાર, તથા દુનિયાનું ભલું કરનાર છે અને તે જ્યારે તૃપ્ત થાય છે, ત્યારે તેથી સુખમાં વધારો થાય છે. આશા સંસારસાગરમાં આપણા વહાણનું લંગર છે. માટે ઈશ્વર તથા માણસ ઉપર પ્રીતિ રાખીને કામ કર્યા જવું એટલે આ લોકમાં લોાભ અને કીર્તિ મળે છે એટલું જ નહીં, પણ પરલોકમાં અખંડ સુખની પ્રાપ્તિ થાય છે. માટે રાજાને મારી તો સલાહ એટલી જ છે કે તેણે દુનિયાનો ત્યાગ ન કરવો. પણ સદ્‌ગુણે ચાલવું.’’

કરણે વેરાગી તથા બ્રાહ્મણ એ બંનેનું સુખ વિષેનું ભાષણ કાન દઈને સાંભળ્યું, પણ તેથી તેના મનનું સમાધાન થયું નહીં. તેનો એ બાબત ઉપર જુદો જ અભિપ્રાય હતો. તે માનતો હતો કે માણસ કાંઈપણ કામ પોતાની મેળે કરવાને અશક્ત છે. તે જે કરે છે તે કોઈ જુદી જ પ્રેરણાના જોરથી કરે છે. તેના મત પ્રમાણે તો માણસમાત્ર એક યંત્ર જેવું છે, તેનામાં જે ચલાવનારી શક્તિ છે તે પ્રમાણે તે ચાલે છે. માટે તેનાં સઘળાં કામમાં તે નિરૂપાય છે. જેમ પુતળાંના નાચમાં પાછળથી માણસ જેમ દોરી ખેંચે છે તેમ તે પૂતળાં નાચે છે, કૂદે છે, અને તે દોરીનો ખેંચનાર પરમેશ્વર છે. તે સર્વવ્યાપક છે. એ મત પ્રમાણે તેના પોતાના કામને વાસ્તે પરમેશ્વર આગળ મૂઆ પછી જવાબ દેવો પડતો નથી. સારું અથવા નઠારું જે કામ થાય તે પરમેશ્વરની આપેલી બુદ્ધિને લીધે થાય છે. માટે દુનિયાનો ત્યાગ કરી વૈરાગ લેવાની તેની નજરમાં જરૂર ન હતી, કેમ કે જે થવાનું છે તે થયા વિના રહેવાનું જ નથી તેમ જ સદ્‌ગુણથી ચાલવાને પ્રયત્ન કરવાની પણ અગત્ય ની, કેમ કે જે સઘળું અત્યાર સુધી બન્યું છે તે સઘળું પરમેશ્વરે તેને વાસ્તે નિર્માણ કરેલું છે. હવે પછી જે થશે તે પણ આગળથી નક્કી થયેલું છે; એ જે મુકરર થયેલું છે તેમાં કદી ફેરફાર થઈ શકતો નથી. હરેક માણસને કાંઈ પણ સારાં અથવા નઠારાં કામ કરવાનાં મુકરર થયેલાં હોય છે તે તેણે કેટલીક મુદત સુધી બજાવવાં જ જોઈએ. આ દુનિયા એક નાટકશાળા છે. તેમાં તરેહતરેહના વેશ આવે છે. એક જાતનો વેશ ભજવાઈ રહ્યો. એટલે તે જઈને બીજો આવે છે; એ પ્રમાણે નિરંતર ચાલ્યા કરે છે. એ સઘળાં જુદાં જુદાં ને વિરુદ્ધ કામો એક જણ પાસે કરાવવામાં આવે છે. તેનાં કારણો સમજતાં નથી; પણ સૃષ્ટિની રચનામાં આ સઘળી વિરુદ્ધતાઓ એકઠી મળીને સંપૂર્ણ આખી વસ્તુ થાય છે. માણસ જન્મે છે ત્યારથી તે આખી જિંદગીમાં શું શું કરવાનો છે તે લખાઈ ચૂક્યું છે. તેની વિરુદ્ધ ચાલવાને મહેનત કરવી, એ નિષ્ફળ છે. નદીને સામે વોહોએ તરાય, પણ વિધાતાના લેખથી ઊલટું કાંઈ કામ ન થાય. દેવ, દાનવ અને માનવ, સઘળા એ વિધાતાને આધીન છે. માણસ કહે છે કે ‘મેં કર્યું’, પણ મૂર્ખ તું શું કરી શકે ! એક ઘાસનું તણખલું પણ તું હલાવી શકતો નથી. અભિમાન એ જ તારી ખરાબી છે, તથા એ જ તારા અજ્ઞાનપણાનું પરિણામ છે. માટે શાંતિ, શાંતિ, શાંતિ. જ્ઞાની પુરુષો જેઓ થઈ ગયા છે તેઓએ અહંકાર છોડી દીધો છે. ભગવદ્‌ગીતાના આરંભે અર્જુનને શ્રીકૃષ્ણે જે શિખામણ દીધી છે તે જ એ જ મતલબની છે, અને તે જે મતલબની નીચેની કવિતા છે.

ભુજંગી છંદ

લહે માનવી તું અભિમાન રાખી, નહી કામ એકે બને મુજ પાખી;

અલ્યા મૂઢ ! એ બોલ તો વ્યર્થ જાય, વિધાતા તણા લેખ મિથ્યા ન થાય. ૧.

રહી શ્વાન ગાડા તળે એમ જાણે, વહું ભાર હું તો, બીજો કોણ તાણે,

નહિ શ્વાનથી ભાર એ તો ખમાયે, વિધાતા તણા લેખ મિથ્યા ન થાયે. ર.

રચી બાજી જે સોકઠાંને જ માંચો, રચ્યો ખેલ એવો જ છે તાર સાંચો,

નદીના ઘણા વોહમાં સૌ તણાયે, વિધાતા તણા લેખ મિથ્યા ન થાયે. ૩.

નહિ માહરું છે કંઈ જો, ખરી વાત તો કોઈ જાણે નહી જો;ં

ઘણી ઠોકરો લોક હમેશ ખાયે, વિધાતા તણા લેખ મિથ્યા ન થાયે. ૪.

બહુ લોક બોલે અમે ન્યાય કીધો, ઘણા દુષ્ટને દંડીને ત્રાસ દીધો;

નહિ કામ એ તો તમારું ગણાયે, વિધાતા તણા લેખ મિથ્યા ન થાયે. પ.

ઘણા માનવી પાપનાં કામ સાધે, ઘણો બોજ પાપો તણો શિર લાધે;

લગારે નહિ દોષ તેનો મનાયે, વિધાતા તણા લેખ મિથ્યા ન થાયે. ૬.

સહુ પાપપુણ્યો, વળી સાચું ખોટું, સહુ નામનું કોઈ નાનું ન મોટું;

બહુ લોક પોતા તણા ગુણ ગાયે, વિધાતા તણા લેખ મિથ્યા ન થાયે. ૭.

બની દેહને જો થયાં કામ સારાં, ભૂંડા ભાવથી કામ કીધાં નઠારાં;

નહિ પાપ કે પુણ્ય તેમાં જરાયે, વિધાતા તણા લેખ મિથ્યા ન થાયે. ૮.

ભવો પાછલામાં તમે કામ કીધાં, ફળો તે તણાં ચાખવા આજ લીધાં;ં

હવે ઊલટું તે થકી ના કરાયે, વિધાતા તણા લેખ મિથ્યા ન થાયે. ૯.

અહંકાર માટે તમે છોડજો રે, પ્રભુ સાથ પ્રીતિ તમે જોડજો રે;

લલાટે લખ્યું તે થવાનું સદાયે, વિધાતા તણા લેખ મિથ્યા ન થાયે. ૧૦.

કરણનો ઉપર પ્રમાણે મત હતો. તોપણ દૈવાધીન થઈ તે પેલા વેરાગીના આશ્રમમાં રહ્યો, અને તેની વાતો હમેશાં તેણે સાંભળ્યા કરી, પણ તેથી તેના મન પર કાંઈ અસર થઈ નહીં. વાઘને પાંજરામાં ગોંધ્યો હોય ને તે જેમ કંઈક મુદત સુધી નરમ પડેલો દેખાય છે. પણ તેને તક મળતાં અને પાંજરામાંથી છૂટો થતાં જ તેનો જાતિસ્વભાવ જણાઈ આવે છે, તેમ કરણ પણ ધર્મશાળામાં નિરાંતે રહેલો હતો એમ બહારથી દેખાતું હતું, પણ તેના મનમાં કાંઈ સ્થિરતા ન હતી. તે તક જોતો હતો. તેને એક ઘડી પણ ચેન પડતું નહોતું, તેનું ક્ષત્રિય લોહી શરીરમાં ઊકળ્યા જ કરતું હતું. તેનો હાથ તલવાર પકડવાને ઘણો આતુર હતો. તેના શત્રુ મુસલમાન લોકોના ઉપર વેર લેવાને તે ટાંપી રહ્યો હતો. તેને રાત્રે જરા પણ નિદ્રા આવતી ન હતી. તે ઊંઘમાંથી વખતે વખતે ચમકી ઊઠતો હતો, અને ‘લાવ મારી તલવાર’ અથવા ‘આ દુષ્ટ લોકોને કાપી કટકા કરી નાંખો’ એવી તરેહની ચીસ પાડી ઊઠતો. તેને સ્વપ્નાં પણ એ જ બાબતમાં આવતાં, અને તેમાં તે મુસલમાન સાથે યુદ્ધ કરતો હતો. જ્યારે તેના મનની સ્થિતિ એવી હતી ત્યારે તે ધર્મશાળામાં આટલી મુદત સુધી પડી રહ્યો, એ જ આશ્ચર્યકારક હતું. પણ એક સવારે જ્યારે વેરાગી ઊઠ્યો અને રોજના ધારા પ્રમાણે કરણની સાથે વાત કરવાને તેને શોધવા લાગ્યો, ત્યારે તેને માલૂમ પડ્યું કે કરણ ત્યાંથી જતો રહ્યો હતો.

આ વખતે આખા હિન્દુસ્તાનના રાજાઓ અલાઉદ્દીનનું નામ સાંભળીને થરથર કાંપતા હતા. તેણે તથજા તેના સરદારોએ સઘળે એવો તો ત્રાસ બેસાડ્યો હતો કે પાદશાહની સામા કોઈની માથું ઉપાડવાની હિંમત ચાલતી ન હતી. મલેક કાફુરે દક્ષિણમાંના કેટલાક રાજાઓ ઉપર ખંડણી બેસાડી હતી તે તેઓ ચુપકીથી તથા વગર હરકત આપ્યાં જતા હતા. દેવગઢના રાજા રામદેવની જે અવસ્થા થઈ તે પાછળ બતાવ્યું છે. તેણે મરતાં સુધી ખંડણી આપ્યાં કરી, પણ તેના મુઆ પછી તેની ગાદી ઉપર શંકળદેવ બેઠો, તે અને તેનો ભાઈ ભીમદેવ બંને ઘણા શૂરા ને પરાક્રમી હતા, તથા આ ખંડણી આપવી, એ તેઓને કડવું ઝેર જેવું લાગતું હતું. ગાદી ઉપર બેઠા પછી કેટલીક વાર સુધી તો તેણે ખંડણી મોકલ્યા કરી; પણ ક્ષત્રિય થઈને તાબેદારીમાં રહેવું તે કરતાં મરવું સારું એવો તેનો અભિપ્રાય હતો; માટે લડવાની સઘળી તૈયારી કરી તેણે ખંડણી આપવી બંધ કરી. પાદશાહનાં માણસો વર્ષોવર્ષ તે ઉઘરાવવા આવતાં હતાં તેઓને તે વાયદા અથવા અપમાન કરીને કાઢી મુકતો. વળી પાદશાહનો વડો શાહજાદો, ખિઝરખાં, દક્ષિણનો સૂબેદાર હતો અને ખંડણી વસૂલ કરવાનું કામ તેનું હતું. અગર જો શંકળદેવ હમણાં બીજી સ્ત્રી પરણ્યો હતો, તોપણ તે દેવળદેવીને હજી સુધી વીસર્યો ન હતો. તેની સાથે તેની પહેલી જ પ્રીતિ હતી, અને પહેલી પ્રીતિથી મન ઉપર વધારે મજબૂત અસર થાય છે. તે નિયમ પ્રમાણે તેના અંતઃકરણમાં દેવળદેવીની મૂર્તિ નિરંતર બિરાજેલી રહેતી, તેને મુસલમાન લઈ ગયા તેથી તે લોકોના ઉપર તેને ઘણો ક્રોધ ચડેલો હતો; પણ લાચાર, તેનાથી કંઈ થઈ શકે એમ ન હતું. પણ જ્યારે તેણે સાંભળ્યું કે દેવળદેવી સઘળું વીસરી જઈ ખિઝરખાંને પરણી ત્યારે તેને ઘણો જ સંતાપ થયો, અને ત્યારથી તેના ઉપર તથા તેના સ્વામી ઉપર કોઈ પણ પ્રકારે વેર લેવાની તક તેણે શોધવા માંડી. આ વખતે જ્યારે તેણે ખંડણી આપવાની બંધ કરી, ત્યારે તેને નક્કી હતું કે પાદશાહ ખિઝરખાંને દેવગઢ ઉપર ચઢાઈ કરવાને મોકલશે. તે વખતે તેની સાથે ઘણા જુસ્સાથી લડવું, ખિઝરખાંને હરાવવો, અને દેવળદેવીને પાછી પકડીને પોતાની પાસે રાખી લેવી, એ તેના મનની મોટી હોંશ હતી. પણ તેને પાર પાડવી, એ કાંઈ તેના હાથમાં ન હતું. માણસ તો બિચારો એક પછી એક વિચાર કરી છૂટે છે પણ તેનું ફળ હમેશા જગનિયંતા પરમેશ્વરના હાથમાં છે.

અલાઉદ્દીન પાદશાના દરબારમાં મલેક કાફુરની કેટલી સત્તા હતી તે વાંચનારાઓના ધ્યાનમાં આવ્યું હશે. તેણે પોતાની હોશિયારી, દગાફટકા તથા બહાદુરીથી સઘળાને તાબે કરી લીધા હતા, તથા પાદશાહના મન ઉપર એટલી તો સત્તા મેળવી લીધી હતી કે તેને પૂછ્યા સિવાય તે કાંઈ પણ કામ કરતો નહીં, અને કાફુર જે ધારતો તે કામ પાદશાહ પાસે કરાવતો. જેમ જેમ પાદશાહ ઘરડો થતો ગયો, તથા તેના શરીરની તથા મનની શક્તિ ક્ષીણ થતી ગઈ, તેમ તેમ કાફુરનું ચલણ વધતું ગયું, અને આ વખતે તો પાદશાહ કાફુરના હમાથમાં પૂતળા જેવો થઈ ગયો હતો. તે જેમ નચાવતો તેમ તે નાચતો. ખરેખરો પાદશાહ તો મલેક કાફુર જ હતો. મલેક કાફુર પણ આટલી બધી સત્તા મળ્યા છતાં સંતોષ પામ્યો ન હતો. એ તો સ્વાભાવિક છે કે માણસને જેમ વધારે મળે તેમ તેને વધારે મેળવવાની ઈચ્છા થાય છે. માણસ કોઈ દહાડો ધરાતો નથી, અને તેની ઈચ્છાનો અંત આવતો નથી. એ જ મલેક કાફુર કેટલાંક વર્ષ ઉપર ખંભાતમાં ગુલામ હતો, અને તે જ હમણાં એક મોટા, દ્રવ્યમાન અને શોભાયમાન રાજ્યના પાદશાહ જેવો થઈ પડ્યો હતો, એ કાંઈ થોડું હતું ? એટલું તેના સ્વપ્નામાં પણ કોઈ દહાડો નહીં આવ્યું હોય તે છતાં પણ હજુ તેની ઉમેદ આગળ વધવાની હતી, અને તેને અલાઉદ્દીન પાદશાહના મરણ પછી તખ્તનશીન થવાની હોંશ હતી. આ ઉમેદ પાર પાડવી કાંઈ અશક્ય ન હતી. તેમાં વિશેષે કરીને પૂર્વ તરફના દેશોમાં એ વાત ઘણી સાધારણ હતી તેથી તેની ઉમેદને ઉત્તેજન મળતું. પણ એક કાંટો તેને ઘણો સાલ્યા કરતો હતો; અલાઉદ્દીનને પુત્ર હતા તે જ્યાં સુધી જીવતા રહે ત્યાં સુધી તેને તખ્ત મળવાની આશા હતી, માટે તે રાતદિવસ તેમના મોતની રાહ જોતો હતો, અને જ્યારે તેમ અત્યાર સુધી પોતાની મેળે ન બન્યું ત્યારે બળાત્કારે તેમ કરવાનો તેણે નિશ્ચય કર્યો. તેના પુત્રની અભક્તિ તથા કપટની વાતોથી તે રોજ અલાઉદ્દીનના કાન ભંભેર્યા કરતો; અને તેથી થોડીઘણી અસર પાદશાહના મન ઉપર થઈ હતી. રાજાનો શાહજાદાઓ ઉપરથી કંઈક અંશે પ્યાર ઊઠી ગયો હતો, અને જેટલો બાકી રહ્યો હતો તેનો પણ સમૂળો નાશ કરાવવાને તે હમેશાં પ્રયત્ન કરતો હતો. મલેક કાફુરને સારી પેઠે માલુમ હતું કે પાદશાહને શૌર્ય ઘણું પ્રિય છે, અને જે કોઈ લડાઈમાં ફતેહ મેળવે છે તેના ઉપર તેને ઘણી મમતા રહે છે, માટે ખિઝરખાંને કોઈ પણ લડાઈ જવા દેવો નહીં અને તેના શૂરાતનની વાત પાદશાહને કાને પડવા દેવી નહીં, એ જ તેની મતલબ હતી. તેને ખાતરી હતી કે જો પાદશાહને કાને તેનાં વખાણ જશે તો તેની ગયેલી પ્રીતિ તેના ઉપર પાછી આવયા વિના રહેશે જ નહીં. એ કારણસર ખિઝરખાંને તેણે કોઈ લડાઈમાં અત્યાર સુધી જવા દીધો ન હતો, અને કોઈવાર પણ જવા ન દેવો, એવો નિશ્ચય કર્યો હતો. તેથી ઊલટું તેણે ઘણાં કામોમાં પોતાનું શૂરાતન દેખાડ્યું હતું, અને તેઓથી પાદશાહનો પ્યાર તેના ઉપર મજબૂત થયો હતો એટલું જ નહીં, પણ લોકોમાં પણ તે શૂરવીરમાં ગણાવા લાગ્યો હતો, અને તેથી કરીને બધાનો માનીતો થઈ પડ્યો હતો, તથા તેની સાથે પોતે વ્યંઢળ હતો તે બાબતનું કલંક તેણે ધોઈ નાખ્યું હતું. લોકો તેના સઘળા ગુણથી રાજી હતા. સિપાઈ લોકો પણ તેને ઘણું ચાહતા હતા, તેથી તેમની મદદથી કોઈ દહાડો પણ તેની ઉમેદ બર આવે એવો સંભવ હતો. કાફુરે કર્નાટક તથા દ્વારસમુદ્ર ઉપર છેલ્લી ચઢાઈ કરી હતી, ત્યઉંથી તે ફતેહ પામીને આવ્યો હતો. અને લૂંટમાં તે ૩૧ર હાથી, ર૦,૦૦૦ ઘોડા તથા ૯૬,૦૦૦ મણ સોનું તથા જ્વાહિર, અને મોતીની કેટલીક પેટીઓ લાવ્યો હતો. પણ તે લડાઈ થયાને કેટલીક મુદત વીતી ગઈ હતી તેથી તેની કીર્તિ ઝાંખી થવા આવી હતી, એટલામાં બીજી લડાઈ થવાનો પ્રસંગ આવ્યો.

તૈલંગણના રાજાએ પાદશાહને કેટલુંક નજરાણું તથા બસો હાથી મોકલ્યા, અને તેની સાથે જે કાગળ મોકલ્યો તેમાં તેણે પાદશાહને જણાવ્યું કે મલેક કાફુર સાથે જે તહનામું થયું છે તેમાં ઠરાવેલી ખંડણી આપવાને હું તૈયાર છું. આ કાગળ વંચાયો એટલે મલેક કાફુરે પાદશાહની આગળ ત્યાં જવાનું બીડું ઝડપ્યું. તેણે એ તૈલંગણના રાજની ખંડણી વસૂલ કરવાનું તથા દેવગઢના અને બીજા રાજાઓએ ખંડણી આપવી બંધ કરી હતી તે પાછી લેવી શરૂ કરવાનું વચન આપ્યું; અને પાદશાહને અરજ કરી કે મને એક મોટું લશ્કર આપી પાછો દક્ષિણમાં મોકલવો જોઈએ. તેને માલૂમ હતું કે દક્ષિણમાં ફરીથી લડાઈ તો થવાની, ખિઝરખાંના તાબાનો મહાલ દક્ષિણની પાસે હતો તેથી કદાપિ પાદશાહ તેને લડાઈમાં મોકલે એવી તેને દહેશત હતી; અને તેમ થવા ન દેવાને તેણે આ અરજ કરી હતી. પાદશાહને લડાઈની વાત ગમતી જ હતી, અને લડાઈ વગર તેને ચેન પડતું ન હતું તેથી કાફુરની વાત સાંભળીને તે ઘણો ખુશ થયો, અને તરત ત્યાં મોકલવાનું તેણે કબૂલ કર્યું. એક મોટું લશ્કર એકદમ તૈયાર થયું, અને તે લઈને મલેક કાફુર ઈ.સ.૧૩૧ર માં દિલ્હી છોડી નીકળ્યો.

હવે જ્યારે આ ચઢાઈ કરવાને લશ્કર નીકળ્યું, ત્યારે દેવગઢના દરબારમાં શી હ હકીકત બની તે ઉપર થોડી વાર નજર કરીએ. રામદેવ મરી ગયા પછી શંકળદેવ ગાદી ઉપર બેઠો. તે જ્યારથી રાજા થયો ત્યારથી તે મુસલમાન લોકો ઉપર ઘણો દ્વેષ રાખતો તથા તેને ખંડણી આપવી તે મોટી નામોશી છે, એમ તે સમજતો હતો. તેણે પહેલા જ વર્ષથી ખંડણી આપવી બંધ કરી. ભીમદેવનો વિચાર પણ તેવો જ હતો, અને તેઓની આસપાસ જે સામંતો રહેતા તેઓ પણ તેવા જ અભિપ્રાયના હતા. ક્ષત્રિય થઈ મ્લેચ્છ લોકને તાબે રહેવું તે કરતાં મરવું હજાર દરજ્જે સારું, એવો વિચાર કરીને ગમે તેવાં પરિણામ થાય તોપણ સામા લડવાનો તેઓએ નિશ્ચય કર્યો. એક દહાડો શંકળદેવ, ભીમદેવ તથા તેના શૂરા સરદારો દરબારમાં બેઠા હતા. તે વખતે એક જાસૂસ ઘણી ઝડપથી હાંફતો હાંફતો ત્યાં આવ્યો, અને રાજાને પગે પડી બોલ્યો; ‘‘મહારાજ ! દિલ્હીપતિ સુલતાને એક મોટું લશ્કર તૈયાર કર્યું છે અને તે લઈને ખોજો કાફુર આપણી તરફ આવે છે. તેની મતલબ તૈલંગણના રાજા પાસે ખંડણી વસૂલ કરવાની તથા આપે અને બીજા રાજાઓએ ખંડણી બંધ કરી છે તે જારી કરવાની છે. મેં તે લશ્કર આવતું જોયું, તે મહારાજને ખબર કરવાને હું દોડતો આવ્યો છું; માટે સાવચેત રહેવું અને તૈયારી કરવી હોય તે કરી મુકવી.’’ આ વાત સાંભળીને રાજાના ચહેરા ઉપર કાંઈ પણ ફેરફાર થયો નહીં. તેને એ પ્રમાણે થશે એવી આશા જ હતી, અને એમ થવાથી તે ઊલટો ખુશ દેખાયો. તે જાણતો હતો કે અત્યાર સુધી જે તેની હાર થઈ છે તેનું મુખ્ય કારણ તેના બાપ રામદેવની નામર્દાઈ હતું. પણ હમણાં જ્યારે સઘળો અધિકાર તેના હાથમાં આવ્યો છે, અને નામર્દાઈની સલાહ આપનાર કોઈ રહ્યું નથી, ત્યારે જય થશે જ એવો તેને પક્કો ભરોસો હતો. વળી તેને લડાઈમાં કીર્તિ મેળવવાની ઘણી હોંશ હતી, તેથી આવો વખત આવેલો જોઈને તેને ઘણો હર્ષ થયો. તેણે તે જાસૂસને કેટલુંક ઈનામ આપવા માંડ્યું, પણ તે હાથ જોડીને બોલ્યો : ‘‘મહારાજ ! મેં એ કામ ઈનામને વાસ્તે કર્યું નથી. હું તમારું શુભ ઈચ્છનાર છું. હું તમારું તેજ વધારે જોવાને ચાહું છું, અને એ મ્લેચ્છ લોકોનો નાશ થાય તે જોવાને હું ઘણો આતુર છું. માટે મહારાજે ! એક મારી વિનંતી કબૂલ રાખવી જોઈએ. મને શસ્ત્ર વાપરવાનો મહાવરો છે. હું ઘણી વાર એ દુષ્ટ લોકો સાથે લડ્યો છું. અને હજી વધારે તેઓની સાથે લડવાની મને ઘણી હોંશ છે. એ ચંડાળ લોકોએ મારું ઘર પાયમાલ કર્યું છે. તેનું તેઓના ઉપર મારે સખ્ત વેર લેવું છે, માટે જો કૃપા કરીને મને થોડાં માણસોની સરદારી સોંપશો, તો હું કેવી રીતનો માણસ છું, તથા કેવી રીતે લડી શકું છું, તે હું બતાવી આપીશ.ે મહારાજ ! કાંઈ આંચકો ખાતા ના. હું ઘરડો દેખાઉં છું; મારું શરીર ગળી ગયેલું છે; તથા મારામાં ઘણો દમ જણાતો નથી. પણ એ સઘળું મારા ઉપર પડેલી વિપત્તિને લીધે થયું છે. મારો બહારનો દેખાવ ગમે તેવો હોય તોપણ મારું મન હજી અશક્ત થયું નથજી. મારામાંથી હજી શૂરાતન ગયું નથી. મારા અંતઃકરણનો જુસ્સો હજી હોલવાયો નથી. મેં ઘરી લડાઈઓ જોઈ છે, માટે મારી જો અરજ કબૂલ કરશો તો મારા ઉપર કૃપા થશે.’’

શંકળદેવને તેનો ચહેરો જોઈને અને તેને આવું બોલતાં સાંભળીને ઘણું આશ્ચર્ય લાગ્યું અને તે ખરેખરો બહાદુર માણસ હશે એમ જાણીને તેને એક હજાર સવારની સરદારી આપી. પછી તેણે લડાઈ કરવાની તૈયારી કરવા માંડી. પોતાના રાજ્યમાંથી લડનારાં માણસો એકઠાં કર્યાં. લડવાનાં શસ્ત્રો તૈયાર કર્યાં. શહેરનો કોટ સમરાવ્યો. શહેરમાં ઘણું અનાજ એકઠું કર્યું; અને રોજરોજ સિપાઈઓને હિંમત આપવાને તથા તેઓમાં શૂર ચઢાવવાને પ્રયત્ન કરવા લાગ્યો. પણ એ સિપાઈઓએ મુસલમાનોના હાથથી ઘણી વાર માર ખાધેલો હતો, તેઓએ એ મ્લેચ્છ લોકો ઉપર કોઈ દહાડો પણ જય મેળવ્યો ન હતો, માટે તેઓ ઘણા ત્રાસ પામી ગયા હતા. મુસલમાનો ઉપર પરમેશ્વરની મહેરબાની છે એમ તેઓ જાણતા હતા, અને તેઓની સામા લડવું અને જીવ ખોવો, એ બે બરોબર છે એમ તેઓ સમજતા હતા, માટે આવતી લડાઈના વિચારથી તેઓ છેક કાયર થઈ ગયા હતા. પોતાનું મોત નક્કી આવ્યું એમ તેઓની ખાતરી હતી, માટે કેટલાક સિપાઈઓની લડવાની બિલકુલ ખુશી ન હતી. પણ જ્યારે રાજાએ તેઓને લડવાને બોલાવ્યા, ત્યારે તેઓને આવ્યા વિના ચાલ્યું નહીં. તેઓ આવ્યા તો ખરા, પણ લડાઈનો જલદીથી જ અંત આણવો એવો તેઓનો નિશ્ચય હતો. પણ એ વિચાર શી રીતે અમલમાં લાવવો એ મોટી મુશ્કેલી હતી. જો તેઓ લડવાની ના કહે તો તેઓ બાયલામાં ગણાય, તેઓના નામને મોટી એબ લાગે, તથા રાજાની ઈતરાજી તેઓના ઉપર થાય. માટે બીજું શું કરવું એ વાતના વિચારમાં તેઓ હતા. પણ તેઓને કાંઈ સૂઝયું નહીં. તેઓમાંથી એક સિપાઈ આગળ આવી બોલ્યો, કે રાજાને ઠાર મારવો, એટલે લડાઈનું બી બળી જશે, અને જ્યારે મલેક કાફુર આવે ત્યારે નવા રાજા પાસે ધારા પ્રમાણે ખંડણી અપાવવી, એટલે લડાઈનું કારણ રહેશે નહીં, સિપાઈની આ વાત સાંભળી પહેલાં તો કેટલાક ચમક્યા; કેટલાક તો સ્થિર ઊભા રહ્યા; કેટલાકે તે વાત તેઓને પસંદ પડી હોય તેમ ખુશી બતાવી; અને કેટલાક તે દુષ્ટ વાત સાંભળીને એવા તો ગુસ્સે થયા કે તેઓ તે સિપાઈનું માથું એકદમ કાપી નાખવા જતા હતા, પણ બીજા બધાએ તેમ કરતાં તેમને રોક્યા. સઘળાઓ વિચાર કરવા લાગ્યા, અને કાંઈપણ ઠરાવ કર્યા વિના પોતપોતાને ઘેર જતા રહ્યા, અને તે છેલ્લા ઉપાય સિવાય બીજો કોઈ સારો રસ્તો નથી; એવી સઘળાઓની ખાતરી થઈ.

બીજે દહાડે સઘળું લશ્કર ધારા પ્રમાણે દરબાર આગળ ચોગાનમાં એકઠું થયું, તેઓ માંહોમાંહે જુદી જુદી જાતની યુદ્ધની તૈયારી કરવા લાગ્યા, કેટલાક પોતાના ઘોડાને કાવો ફેરવતા હતા; કેટલાક તેઓને આગળપાછળ દોડતાં શીખવતા હતા; કેટલાક બુઠ્ઠા ભાલા વડે જૂઠું યુદ્ધ કરતા હતા; કેટલાક તલવારના પટા ફેરવતા હતા, અને કેટલાક નિશાન માંડીને ત. ઉપર તીર મારવાનો મહાવરો કરતા હતા. એ પ્રમાણે ત્યાં કામ ચાલી રહ્યું હતું. તે વખતે શંકળદેવ રાજા પોતે એકલો, પગે ચાલતો ત્યાં આવ્યો. તેની પાછળ પાછળ તેનો નવો રાખેલો સરદાર ચાલ્યા કરતો હતો. રાજાને જોઈને આગલી રાત્રે કરેલો વિચાર તેઓને યાદ આવ્યો. પણ જ્યારે તેઓની નિમકહલાલી ઉપર પક્કો ભરોસો રાખી તેને આવતો જોયો, ત્યારે તેઓના મનમાંથી સઘળો ગુસ્સો નરમ પડી ગયો, અને તેની સાથે મરવું અથવા જીતવું એવી સૌને પ્રેરણા ઉત્પન્ન થઈ. પણ એ પ્રમાણેની અસર સઘળાને સરખી થઈ નહીં. કેટલાકનાં અંતઃકરણ વધારે ક્રૂર હતાં તેઓને જરા પણ લાગ્યું નહીં; કેટલાક નામર્દ હતા, તેઓને રાજાને આવતો જોઈને વધારે બળતું લાગ્યું અને ધારેલો વિચાર અમલમાં લાવવાનો વખત પાસે આવ્યો, એમ જાણી ઘણી ખુશી થઈ. સિપાઈઓમાં ધારા પ્રમાણે કામ ચાલ્યું. એટલો જ તફાવત દેખાયો કે તેઓ સઘળાનાં મન આકુળવ્યાકુળ દેખાયાં. તેઓ નિશાન વારેવારે ચુકી જતા હતા. સિપાઈઓથી રાજાની સામું નજર ઠેરવીને જોઈ શકાતું ન હતું, અને રાજાએ છેવટ જતી વખતે થોડુંક ભાષણ કર્યું ત્યારે હમેશની પેઠે તેઓ સઘળા જયનાદ પાડી ઊઠ્યા નહીં. જેઓના મનમાં શૂર ચઢ્યુ તેઓ તો બોલી ઊઠ્યા, પણ કેટલાક મૂંગા રહ્યા, અને નીચું જોઈ ગયા. રાજાને એ સઘળું જોઈને નવાઈ જેવું તો લાગ્યું, પણ કાંઈ બોલ્યા વગર તથા તે ઉપર કાંઈ ટીકા કર્યા સિવાય તેણે પાછા ફરવાની તૈયારી કરી. પણ એટલામાં એક સિપાઈ કાંઈ જાહેર કરવા આવતો હોય એમ ધીમેથી રાજાની પાસે આવ્યો. તેણે કેટલાંક કારણો બતાવી પાછા ઘેર જવાની રજા માગી, અને રાજા જવાબ દેવા જાય છે એટલામાં એક કટાર તે ચંડાલ સિપાઈએ રાજાના પેટમાં મારી. સારા ભાગ્યે તે વખતે શિયાળાના દહાડા હતા, તેથી રાજાએ અંદરથી રૂદાર ડગલો પહેરેલો હતો, તેથી ઘા બરોબર લાગ્યો નહીં, પણ તેના આંચકાથી તે ભોંય ઉપર પડ્યો. લશ્કરમાં હાહાકાર થઈ ગયો, પણ તેઓમાંના કેટલાક આશ્ચર્યથી તથા કેટલાક દુષ્ટ ભાવથી જડભરત જેવા ઊભા રહ્યા, અને તેથી તે ખૂનીને બીજો ઘા મારવાનો વખત મળ્યો. ભોંય ઉપર પડેલા રાજા ઉપર બીજો કારી ઘા પડે છે, અને તેની અવરદાનો અંત આવે છે, એટલામાં પાછળથી તલવારનો ઝળકાટ થયો, અને તે જ ક્ષણે તે ખૂનીનું માથું ભોંય ઉપર ગબડ્યું. ‘વાહ ! વાહ !’ ‘શાબાશ’ ‘શાબાશ’ એ અવાજ એક છેડેથી બીજા છેડા સુધી ઊઠ્યો. રાજા પણ ચમકીને બેઠો થયો, અને જુએ તો પેલો નવો સરદાર હાથમાં તલવાર લઈને ઊભો છે, અને તેનો શત્રુ જમીન ઉપર તરફડતો પડ્યો છે. આ સઘળું એટલી તો ત્વરાથી બન્યું કે શંકળદેવના મનને એક સ્વપ્ન જેવું લાગ્યું. તેથી જીવથી બચ્યો, અને તેનો બચાવનાર કોણ ? જે તેને ઘરડો ચીમળાઈ ગયેલો દેખાતો હતો તે હમણાં જુદી જ તરેહનો લાગ્યો. તેનું રૂપ એટલું તો બદલાઈ ગયું હતું કે આ પૃથ્વી ઉપરનો કોઈ માણસ નહીં પણ પરલોકમાંથી તેનો જીવ બચાવવાને જ અર્થે આવ્યો હોય, એમ તેને લાગ્યું.

તે દહાડાથી રાજા નિરાશ થઈ ગયો. તેની બધી હિંમત જતી રહી, અને મલેક કાફુર આવે તેને ખંડણી આપવાનું તેને મન થયું. પણ હવે તેનો સલાહકાર જુદો હતો. જેણે તેનો જીવ બચાવ્યો તે તે દહાડાથી તેનો ઘણો માનીતો થઈ પડ્યો હતો. તેને પોતાથી ઊતરતો જ હોદ્દો આપ્યો હતો. તેની પાસે નિરંતર રહેતો હતો અને તેના ઉપર રાજાનો એટલો બધો પ્યાર બંધાઈ ગયો હતો, તથા તેના વિચાર તથા મસલતને તે એટલું બધું માન આપતો હતો કે રાજાને લડાઈ કરવાને નિરંતર બોધ કર્યા કરતો હતો. ક્ષત્રિય થઈ મ્લેચ્છને ખંડણી આપવી એ કરતાં મરવું સારું, એમ તેના મનમાં રાત દહાડો ઉતાર્યા કરતો હતો, અને તેથી રાજાની હિંમત ટકી રહી. તેથી રાજાનો અસલનો ઠરાવ કાયમ રહ્યો, અને તેથી તેણે ખંડણી આપવાનો વિચાર બંધ પાડ્યો, અને યુદ્ધ કરવાની તૈયારી કરી. એક અઠવાડિયું ગયા પછી એક સવારે શહેરમાં હાહાકાર થઈ રહ્યો. ગામડાંના લોકો રાત્રે શહેરમાં દોડતાં આવ્યાં, અને તેઓ ખબર લાગ્યાં કે મુસલમાનોનું એક ભારે લશ્કર આવે છે. દુશ્મન જેમ જેમ આગળ આવતા ગયા તેમ તેમ રાજાના મનમાં વધારે ત્રાસ બેસાડવાને રસ્તામાં જે જે ગામો આવ્યાં તે તે તેઓએ બાળી નાખ્યાં. ખેતરમાંનું અનાજ બાળ્યું, કાપ્યું છૂંદી નાખ્યું, અથવા બીજી રીતે તેમાં બગાડ કર્યો. લોકોને મારી તો ન નાખ્યાં, પણ તેઓને શહેરમાં મોકલી દીધાં, અને એમ કરવાથી તેઓએ ધાર્યું કે જો શંકળદેવ રાજા દેવગઢમાં ભરાઈ બેસશે, તો શહેરમાં ઘણાં માણસો હોવાને લીધે અનાજ ખૂટી પડશે, અને સિપાઈઓને ભૂખે મરવું પડશે. એટલે લડાઈનો જલદીથી અંત આવશે. એવી રીતે નુકસાન કરતા તેઓ દેવગઢની નજદીક આવી પહોંચ્યા. શંકળદેવ સવારમાં ઊઠ્યા, ત્યારે આ સમાચાર તેણે જાણ્યા. તેણે તરત જ પોતાના સઘળાં માણસોને એકઠાં કર્યાં, અને પોતે બખતર તથા શસ્ત્ર સજી પોતાનાં કુટુંબની રજા લઈને ઘરની બહાર નીકળ્યો. ભીમદેવ પણ તેની સાથે જ હતો, અને પેલો નવો રાખેલો સરદાર અને હમણાં તો રાજાની માનીતો નનામો પુરુષ પણ રાજાની પાસે હતો. લશ્કર એકઠું થયા પછી લડાઈનાં વાજિંત્ર સાથે તેઓ આગળ ચાલ્યા. પણ શહેરના લોકો રાજાને આશીર્વાદ દેવાને જ બહાર આવ્યા હતા. તેઓ બારીબારબણાં બંધ કરી ઘરમાં ભરાઈ રહ્યા. એક જાતની ઈશ્વરી પ્રેરણાથી અથવા વધારે સાચું કહીએ તો અનુભવથી તેઓને ખાતરી હતી કે શંકળદેવની હાર થશે અને તેથી લડાઈ કરવાના રાજાના આ દુરાગ્રહથી તેઓ નાખુશ હતા. શહેરની ખરાબી થયા વિના રહેવાની નથી, એ દહેશતથી તેઓ ભયભીત તથા ઉદાસ થઈ ગયા હતા. થોડાક માણસોએ રાજા ઉપર ફૂલ વધાવ્યાં, તથા પરમ કૃપાળુ ઈશ્વર પાસેથી માગી લીધું કે ક્ષત્રિય રાજાનો જય થાઓ, અને મ્લેચ્છ, ચંડાળ લોકોનો સંહાર થાઓ. પણ એવું ઈચ્છનારા તથા તેઓની પ્રાર્થના ઈશ્વર માન્ય કરશે, એમ માનનારા થોડા હતા. તે જોઈને રાજાને ઘણી દિલગીરી થઈ, તથા એ વાતથી તેનું અર્ધું શૌર્ય ઓછું થયું. તોપણ તેને આશા હતી કે જો વખતે જય મેળવીશ તો કીર્તિ વધારે થશે, અને હમણાં જેટલી નાઉમેદી છે તેના જ પ્રમાણમાં મારી પ્રતિષ્ઠા વધશે. એટલા જ ઉપરથી તેના મનને દિલાસો મળતો હતો. તેના સિપાઈઓમાં પણ જોઈએ તેટલી હોંશ ન હતી. તેઓ મરવા જતા હોય તેમ તેઓનાં મોં ઉપરથી સ્પષ્ટ દેખાતું હતું. તેઓને જીતવાની કાંઈ આશા ન હતી. તેઓએ પોતાનાં બૈરાંછોકરાંને છેલ્લા રામરામ કર્યા હતા; અને પાછા ઘેર જઈશું એવો કોઈ રીતે ભરોસો ન હતો. નીકળતાં શકુન પણ સારા થયા નહીં. જોશીઓએ સારું મુહૂર્ત પણ આપ્યું ન હતું, અને અગર જો તેઓ રાજાને મોંએ સારી સારી વાતો બોલતા, તોપણ બીજાઓની આગળ રાજ્યની ખરાબી વિષે તેઓએ કહી રાખ્યું હતું. રાજાનો ચંદ્ર સારો નથી, એ પ્રમાણે વહેમ સઘળે પથરાઈ રહ્યો હતો. પણ શંકળદેવને કાળે ઘેરેલો તેથી તેને કાંઈ સૂઝયું નહીં, અને તેથી આ સઘળી વાતની કાંઈપણ ફિકર રાખ્યા વિના પોતાના લશ્કર સહિત આગળ ચાલ્યો, અને શહેરથી કેટલેક દુર જઈ એક સારી જગાએ ઊભો રહ્યો.

મુસલમાનોના લશ્કરને પણ આવતાં કાઈ વાર લાગી નહીં. તેઓએ જ્યારે રાજાનું લશ્કર લડાઈ કરવાને ગોઠવાયેલું જોયું ત્યારે તેઓને ઘણો જ આનંદ થયો, અને હવે થોડી વારમાં તે લશ્કરના કટકેકટકા કરી નાખીશું. એ ખુશીથી તેઓએ એક મોટી ચીસ પાડી. તેના જવાબમાં રજપૂતોએ પણ કિકીયારી કરી, પણ તેમાં શત્રુના જેટલો જુસ્સો જણાયો નહીં. જ્યારે મલેક કાફુર દુશ્મનના લશ્કરની પાસે આવ્યો, ત્યારે તેણે પોતાનાં માણસોને ઊભાં રાખ્યાં, અને એક માણસને બોલાવી તેને કાંઈ સંદેશો કહી રાજા પાસેો મોકલ્યો. તેણે આવીને શંકળદેવને કહ્યું : ‘હે રાજા ! સઘળી જહાનના પાદશાહ અલાઉદ્દીન ખિલજીનો મુખ્ય સરદાર નાયબ મલકે કાફુર તમને ખબર કરે છે કે, ઘણાં વર્ષ ઉપર તમારું રાજ્ય પાદશાહે જીત્યું, અને તમારા ઉપર ઘણી દયા કરી ખંડણી બેસાડી ઉપરાંત કેટલુંક નજરાણું પણ આપ્યું. તમારો બાપ રામદેવ પાદશાહની હજૂરપનાહમાં ગયો, અને તેને રાયરાયનો ઈલકાબ આપ્યો, તથા તેને જાગીર પણ આપી. તમારો બાપ પાછો દેવગઢમાં આવ્યો, અને જ્યાં લગી જીવ્યો ત્યાં સુધી તેણે ધારા પ્રમાણે ખંડણી આપ્યા કરી. તેના મૂઆ પછી તમે ખંડણી બંધ કરી છે. તમે જાણો છો કે તૈલંગણના રાજાએ ખંડણી આપવાનું કબૂલ કર્યું છે, અને તે વસૂલ કરવાને અમે જઈએ છીએ; પણ રસ્તામાં તમારી ખબર લેવી, અને તમને સારી શિખામણ આપવી, એ વિચારથજી અમે અહીં આવ્યા છીએ. ખંડણી આપ્યા વિના તમારો છૂટકો થવાનો નથી. અમે જ્યાં જઈએ છીએ તયાંથી અમારી મતલબ પાર પાડ્યા વિના કદી પાછા ફરતા નથી. અમારું લશ્કર કદી હારીને પાછું ફર્યું નથી. માટે હમણાં ડાહ્યા થઈને રાજીખુશીથી ચઢેલી ખંડણી, અમારો અહીં આવવાનો ખરચ, તથા તમારા ઉપર જે દંડ ઠેરવવામાં આવે તે સઘળું એકદમ આપો, નહીં તો આ તમારું લશ્કર એક પલકમાં પાયમાલ કરી નાખીશું; તમારી રાજધાની બાળી મૂકીશું; તમારા લોકોને કતલ કરી નાખીશું; તથા બીજી જેટલી ખરાબી અમારાથી થઈ શકશે તેટલી કરીશું. માટે એ સઘળા ઉપર વિચાર કરીને મનમાં વિવેક લાવીને જવાબ આપજો. ઉન્મત્તાઈ કરવાનું કામ નથી. પાછળથી પસ્તાવો કરવો પડે એવું કદી કરશો નહીં.’’ જાસૂસની આ વાત સાંભળી તેને જવાબ રાજા શો આપે છે તે જાણાને સઘળા સિપાઈઓ તથા સરદારો ઘણા આતુર હતા. રાજાએ તરત જવાબ દીધો નહીં, તેણે વિચાર કરવા માંડ્યો. એટલામાં પેલો નવો રાખેલો સરદાર તેની પાસે ગયો અને તેની સાથે કેટલીક વાત કરી તેના મનમાં જે કાંઈ શંકા હતી તે તેણે કાઢી નાખી. પછી રાજાએ તે જાસૂસને જવાબ આપ્યો : ‘‘અત્યાર સુધી મારા બાપે જે ખંડણી આપી તે તેણે ઘણું ખોટું તથા નામર્દાઈનું કામ કર્યું. આટલી વાર સુધી અમારી હાર થઈ તે અમારા પાપને લીધે, તોપણ જ્યાં સુધી અમે ક્ષત્રિય કહેવાઈએ છીએ ત્યાં સુધી અમે કોઈને તાબે રહેવાના નથી. અમારા શરીરમાં અમારું શૂરું લોહી ઊકળી આવે છે; માટે લડાઈ કર્યા વિના ખંડણી આપનાર નથી. જો લડાઈમાં જય થશે તો ઠીક છે, અને જો પરાજય થશે તો જે ઈશ્વરે ધારેલું હશે તે થશે એટલો જવાબ તમારા સરદારને કહેજો.’’

થોડી વારમાં મુસલમાન લશ્કરે હુમલો કર્યો. ‘‘અલ્લાહો અકબર’’ એમ બૂમ સઘળે પથરાઈ ગઈ. તેઓએ પહેલવહેલાં જ તેઓનો જુસ્સો બતાવ્યો. પણ રજપૂત તથા મરાઠા હજી એવા બાયલા થઈ ગયા ન હતા કે પહેલા જ સપાટામાં હારે. તેઓએ ઘણી જ ધીરજથી લડાઈ કરીને મુસલમાનોને પાછા હઠાવ્યા. રજપૂત સૈન્યમાં પણ રણસંગ્રામના વાજિંત્ર વાગી રહ્યા હતાં. તેઓના ઘોડા ખૂંખારતા હતા. માણસોમાં ખૂન ભરાઈ ગયું હતું. અને ઘણો શોરબકોર થઈ રહ્યો હતો. બીજી વાર મુસલમાન લોકોએ હુમલો કર્યો, અને આ વેળા તેઓએ ધસારો ઘણા જોરથી કર્યો. પણ રજપૂતો એક પથ્થરના કોટની પેઠે ઊભા રહ્યા હતા તેને ભેદીને તેઓથી પાર જવાયું નહીં. તીરથી વાદળ છવાઈ ગયું, તલવારનો ઝળકાટ થઈ રહ્યો, અને તેઓ જ્યારે એકએકથી સાથે અથડાતી ત્યારે વીજળીની પેઠે ચમકારા થતા હતા. ભાલા લશ્કરમાં ઊછળતા હતા. અને ક્ષણેક્ષણે ઘણા અભાગિયા માણસો ભોંય ઉપર પડતા હતા. લડાઈનો ગડબડાટ, મરતાં માણસોની ચીસ તથા ઘાયલ માણસો રગદોળાઈ જતાં હતાં તેઓનાં દુઃખની બૂમોથી તે જગા ખરેખરી ભયંકર થઈ રહી હતી. યુદ્ધ ખૂબ જોશમાં મચી રહ્યું હતું. આકાશમાં ગીધ, સમડી અને કાગડાઓ ઘણા આનંદમાં ઊડતા હતા, અને થોડી વાર પછી એક મોટી ઉજાણી તેઓને મળશે એવી ખાતરી હતી. લોહીની નીક ત્યાં વહેવા લાગી. એક તરફથી મુસલમાનોની ‘‘અલ્લાહો અકબર’’ અને બીજી તરફથી હિંદુઓની ‘‘હર હર મહાદેવ’’ની ચીસથી આકાશ ગાજી રહ્યું હતું; સઘળા રજપૂત સિપાઈઓ પહેલાં નિરાશ થયા જણાતા હતા તોપણ આ યુદ્ધપ્રસંગે તેઓ સિંહની પેઠે લડ્યા. તેઓએ પોતાનું નામ સાર્થક કર્યું. તે સઘળાઓમાં ત્રણ માણસનું શૂરાતન વધારે દેખાઈ આવતું હતું. એક તો શંકળદેવ રાજા, જેણે બહાદુરીનાં અનેક ચમત્કારિક કામો કર્યાં. તેને મારવાને ઘણાં માણસોએ પ્રયત્ન કર્યો, પણ તે સઘળા નિષ્ફળ ગયા. અને તેઓએ પોતાનો જીવ ખોયો. બીજો ભીમદેવ, તેણે પણ આ લડાઈમાં મહેનત કરવામાં કાંઈ કસર રાખી નહીં. પોતાનું શરીર અમર હોય એમ તે અગાડી ઊભો રહ્યો હતો. તેના ઉપર તીરનો વરસતો હતો, અને તે શી રીતે જીવતો રહ્યો એ જ આશ્ચર્યકારક હતું. પણ સઘળાથી પેલા આ રાજાના નવા સરદારની બહાદુરી જોવા લાયક હતી. તેનો આ વખતને વાસ્તે જ નવો અવતાર થયો હોય એમ જણાતું હતું. તેનું શરીર જે પહેલાં અશક્ત દેખાતું હતું તેમાં હમણાં જાણે રાક્ષસે પ્રવેશ કર્યો હોય એટલું તેનામાં બળ આવ્યું હતું. તે દુશ્મનના લશ્કરમાં ઘણો જ સંહાર કરતો જતો હતો, અને રાજાની હમેશાં પાસે રહીને તેણે તેનો કેટલીક વાર જીવો ઉગાર્યો હતો. તેના શરીરમાં ઘણા ઘા વાગ્યા હતા; પણ તેના જુસ્સાના આવેશમાં તેને કાંઈ જણાતું ન હતું. મરવું એ જ ઠરાવ કરીને તે લડતો હતો. પોતાના સરદારોને તથા રાજાને યુદ્ધ કરતા જોઈને સિપાઈઓને પણ ઘણું શૂર ચઢ્યું હતું, અને તેઓ મરણિયા થઈને કતલ કર્યે જતા હતા.

મુસલમાન સિપાઈઓએ આગળથી એવું ધાર્યું ન હતું કે હિંદુઓ આટલી બહાદુરીથી લડશે. તેઓ સહેલથી ફતેહ મેળવવાનું ધારતા હતા, માટે તેઓનો આગ્રહ જોઈને તેઓ ઘણા નાઉમેદ અને જરા નાહિંમત થયા. જેમ જેમ તેઓની હિંમત ઓછી થતી ગઈ તેમ તેમ હિંદુઓનો જુસ્સો વધતો ગયો, અને તેઓએ એવો જોરથી એક ધસારો કર્યો કે મુસલમાનો ગભરાયા, અને તેઓમાં એકએક ત્રાસ પેઠાથી સઘળા નાસવા લાગ્યા. મલેક કાફુરે તેઓને અટકાવવાને ઘણી મહેનત કરી. પણ તે સઘળી વ્યર્થ ગઈ. જ્યારે તેઓ એક કોશ સુધી ગયા. ત્યારે તેઓને કાફુરે ઘણી મુશ્કેલીથી અટકાવ્યા, અને તેઓની નામર્દાઈ ઉપર ઘણા ઠોક પાડ્યા. પણ સિપાઈઓની હવે લડવાની હિંમત રહી નહીં. તે વખતે મલેક કાફુરે એક નવી તદબીર કરી. તેણે તેઓના ધર્મના વિચાર જાગ્રત કર્યા, અને એક કુરાન ફાડી નાખીને તેની જુદી જુદી આયતો નિશાન ઉપર ચોઢી. અને એ પ્રમાણે ખુદાતાલાના રક્ષણ નીચે છીએ, અને હવે કોઈ પણ શત્રુ આપણી આગળ ટકી શકશે નહીં એવું પોતાના માણસોને સમજાવીને તેણે તેઓને નવી હિંમત આપી. આ ઉપાય સફળ થયો, તેની ધારેલી અસર થઈ. સિપાઈઓને પાછું શુર ચઢ્યું, અને તેઓ પાછા ચાલ્યા. જ્યારે તેઓ હિંદુઓની પાસે આવ્યા, ત્યારે મલેક કાફુરે નીચા વળીને રસ્તા ઉપરથી થોડીક ધકૂળ લીધી, અને એક આયત ભણીને હિંદુઓની તરફ ફેંકી તે બોલ્યો : ‘‘દુશ્મન પાયમાલ હોજો’’ એટલું બસ થયું. મુસલમાનોએ ત્યાર પછી એવો તો ધસારો કર્યો, તથા એવા જોરથી લડ્યા કે હિંદુઓથી ટકાયું નહીં. તેઓની હાર તૂટવા માંડી, અને થોડી વારમાં તેઓમાંનાં એટલાં તો માણસ કપાઈ ગયાં, કે તેઓના મનમાં ત્રાસ પેસી ગયો, અને તેઓએ પાછાં પગલાં ભરવા માંડ્યાં. તે વખતે શંકળદેવે નીકળીને બુમ પાડી કે ‘‘નાસશે તે બાયલો, હિચકારો તથા તેની સાત પેઢીને એબ લગાડનાર સમજવ, માટે આ ઠેકાણે મરવું કે જીતવું.’’ પણ હવે તો માર ઘણો સખ્ત પડવા લાગ્યો. ઘણા ઘણા સરદારો પડ્યા. સિપાઈઓનો તો મરવાનો સુમાર ન રહ્યો. મલેક કાફુરનો વિચાર રાજાને મારવો અથવા જીવતો પકડવો એવો હતો, અને તે કારણથી રાજાના ઉપર ઘણા હુમલા થતા હતા પણ તેણે પોતાની તથા તેના માનીતા સરદારની બહાદુરીથી એ સઘળાને હઠાવ્યા. તેની તરફના કેટલાક સિપાઈઓએ નાસવા માંડ્યું. અને તેનો ચેપ બીજાઓને લાગ્યો. લશ્કરમાં ભંગાણ પડી ગયું. શંકળદેવ તેઓની ફરીથી વ્યવસ્થા કરવા લાગ્યો પણ કાંઈ ફાવ્યું નહીં. સઘળી તરફથી સિપાઈઓ નાસવા લાગ્યા. તે વખતે બેત્રણ પઠાણો આગળ ધસ્યા, અને તેઓએ રાજાને પકડ્યો; પણ એટલામાં પાછળી એક તલવારનો ઘા પડ્યો, અને એક પઠાણનું માથું હેઠે ભોંય ઉપર ગબડ્યું. પણ તે અરસામાં બીજા પઠાણે પાછળ ફરી એક ભાલાના ઘાથી તેના સોબતીના મારનારને ભોંકી દીધો અને તેનો અંત આણ્યો. એ પ્રમાણે રાજા જીવતો પકડાયો; ભીમદેવ ઘાયલ થઈ ભોંય ઉપર પડ્યો. બધું લશ્કર નાસવા લાગ્યું; અને રાજાનો માનીતો શુરો સરદાર પઠાણના ભાલાના ઘાથી જમીન ઉપર તરફડતો પડ્યો.

પણ તેનાં તરફડિયાં થોડી જ વાર રહ્યાં. થોડી વારમાં આ ઘાયલ થયેલા તથા કોચાઈ ગયેલા શરીરમાંથી તેનો અમર વસનાર ઊડી ગયો, અને તેના સર્વશક્તિમાન પેદા કરનારની હજૂરમાં જઈ ઊભો રહ્યો. એ પ્રમાણે ગુર્જર દેશના છેલ્લા રજપૂત રાજા કરણ વાઘેલાનો અંત આવ્યો. વનરાજ, સિદ્ધરાજ, કુમારપાળ અને એવા શૂર અને નામાંકિત રજપૂત રાજાઓની ગાદીએ બેસનાર કરણ રાજાએ પ્રમાણે માર્યો ગયો; અને તેની સાથે ગુજરાતનું રજપૂત રાજ્ય ડૂબી ગયું તે ફરીથી પાછું ઠેકાણે આવ્યું નહીં. વાંચનારાઓ ! આ કરણના શબ ઉપર થોડાં થોડાં આંસુ પાડો. તેના મોત પછી ગુજરાત રંડાયું; તે પારકા દેશના મ્લેચ્છ લોકના હાથમાં ગયું; તેના ઉપર પરદેશી જંગલી લોકોનો જુલમ પડવા લાગ્યો. મહમ્મદ બેગડા અને એવા બીજા અમદાવાદના પાદશાહોએ તેની ઘણી ખરાબી કરી. મરેઠા લોકોએ તેની ઉપર અતિશય લૂંટફાટ કરી. દેશમાં નાના ખંડિયા રાજાઓ થઈ ગયા, અને એ પ્રમાણે ગુજરાતની છેક દુર્દશા થઈ. ગુજરાતનું સ્વતંત્ર રજપૂત રાજ્ય આ પ્રમાણે લય પામ્યું; ગુજરાતનો મહિમાનો વખત પુરો થયો, તેની ઠેકાણે ઠેકાણે ભાંગીતૂટી નિશાની માત્ર રહી ગઈ છે. હજી સિદ્ધપુરની રુદ્રમાળા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, અને બીજી ઈમારતો એ ગયેલા દહાડાની સાક્ષી પુરે છે, તથા રજપૂતોની એક વાર થયેલી ચઢતી કળા દેખાડી આપે છે, પણ એ વાત બન્યાને આજ લાંબી મુદત થઈ છે. કરણ વાઘેલાના મોત પછી સાડી પાંચસો વર્ષ વહી ગયાં છે. તે વખતના અને હમણાંના ગુજરાતમાં ઘણો ફેર પડી ગયો છે. તે રજપૂતો, તે મુસલમાનો અને મરેઠાઓ ક્યાં ગયા ? તેઓની હમણાં અવસ્થા જુઓ. હમણાં એદી, અફીણી, નિર્બળ, અક્કલહીન રજપૂતો તે વખતના શુરા, જોરાવર ને બુદ્ધિમાન રજપૂતોના વંશના છે, એમ કોણ માનશે ? હમણાંના ભુખે મરતા, અશક્ત, અજ્ઞાન મુસલમાનો તે વખતના મુસલમાનોની ઓલાદના છે એ પામવું પણ કઠણ પડશે નહીં ? અને મરેઠાઓનું પણ નામ જ રહી ગયું છે. તેઓ સઘળા પશ્ચિમ તરફના ગૌર વર્ણના માણસોના હાથ નીચે દબાઈ ગયા છે. ભાટ, ચારણ, અને બીજા રાજ્ય દરબારને લગતા લોકો પણ પહાડ અને જંગલમાં ભટકતા માલૂમ પડે છે. અંગ્રેજના એક છત્ર નીચે સઘળું ગુજરાત આવી રહ્યું છે, અને પરમ કૃપાળુ ઈશ્વરની ઈચ્છાથી એ પરદેશી લોકોના હાથ નીચે આ પ્રાંત પાછો મોટો થશે; પાછું કોઈ જુદી જ રીતનું નામ કાઢશે; અને વિદ્યા, કળા અને સુધારો સઘળે પથરાઈને આ રળિયામણો પ્રાંત ઈશ્વરની વાડી, લક્ષ્મીનું ધામ, તથા સદ્‌ગુણનું સ્થાન થઈ પડશે.

અસ્તુ ! અસ્તુ !

બીજા રસપ્રદ વિકલ્પો