Anyamanaskta - 6 Bhavya Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Anyamanaskta - 6

અન્યમનસ્કતા પ્રકરણ ૬

પાણીના વહેતા પ્રવાહની ઠંડી ઘેરી લીલી સતહમાં પ્રાત:કાલીન સૂરજની ધૂપવાળી સોનેરી સુવાસ હતી. દરિયાના ટાપુઓનું સૌંદર્ય નિહાળવા, શિખાઉ ગિટારવાદકની ધૂન પર બેઢંકી રીતે ખૂલીને નાચવા, ખુલ્લા આકાશમાંથી વરસતી ચાંદનીમાં, અનાદિથી અનંત સુધી ઝગમગતા આસમાની સિતારાઓની રોશનીમાં તરબતર થવા, ખારા પાણીના તાજા સી-ફૂડનો, વિવિધ જાતની મચ્છીઓનો સ્વાદ ઉઠાવવા, અસીમ અફાટ સામુદ્રિક સપાટી પર તરતા દૈનિક ફિકરમાંથી મુક્ત બની દરિયાઈ સંપત્તિના પ્રવાસનો લુફ્ત ઉઠાવવા, વિહરવા માટે ફિશીંગ ફન શ્રેષ્ઠ સાધન હતું. અહીં પાણીનો સ્વાદ નમકીન અને હવા શુષ્ક હતી, અજનબી હતી.

સવાર પડી. પાણી પર સૂર્ય ઊગી ક્ષિતિજની રેખામાંથી બહાર આવી ઝળહળતો ને પીળા પ્રકાશની સ્વર્ણ આભામાં દરિયાના ખારા, મીઠાંવાળા પાણીને ચમકતું-ચળકતું કરી દેતો. જહાજમાં વહેલી સવારના કુમળા તડકામાં ટુવાલ ઓઢીને પુરુષો લાંબી સફેદ નેતરની સુંવાળી આરામ-ખુરશીઓ ઉપર પગ લંબાવીને સૂતાં-સૂતાં સનગ્લાસિસ ચડાવી શરીર શેકી રહ્યા હતા. અંગ્રેજી છાપા વાંચતાં, જ્યુસનો ઓર્ડર અપાતો હતો. તેમની સ્ત્રીઓ પોતાના બચ્ચાંઓને લઈને સ્વિમિંગ પુલમાં બિકીની પહેરીને મસ્તી કરતી હતી. કલાકો સુધી હવા ભરેલા બોલ લઈ સંતાનો જોડે રમતી રહી હતી. બ્રેક-ફાસ્ટ પણ તે ઈચ્છે તો ત્યાં આવી જતો હતો.

એક સમુદ્રી ટાપુ પાસેથી જહાજ પસાર થયુંને મુસાફરો તેને જોવા ઉમટી પડ્યા. રેતી પર ઊંધી રાખેલી હોડીઓ અને વાંસના ટેકે છાપરા ટેકવેલા ઘરવાળી આદિવાસી કબીલાની વસ્તી જોવા મળી. વસાહતમાંથી પથ્થરના દાગીના અને લીલાં પાંદડા પહેરેલા અર્ધનંગા બાળકો દોડતાં જહાજને જોવા નીકળ્યા. આગળ જંગલ ગાઢ બન્યું. લીલોતરી હરિયાળીમાં નારિયેળીના નારિયેળ ન ઉતરવાને લીધે પાકીને ધૂળિયા રંગના થવા માંડ્યા હતા. પક્ષીઓ-પ્રાણીઓ જહાજના અવાજમાં જંગલમાંથી બહાર નીકળતા કલરવ કરતાં તો અમુક છુપાઈને ત્રાડ પાડતાં હતા. પાણીના વહેણમાં સરકતી માછલીઓના આભાસી પડછાયા દેખાતાંને બાળકો તેમને પોપકોર્ન નાખતાં ફોટો પાડતાં આનંદ કરવા લાગ્યાં.

ડેક પર ઊભા રહીને ચોકોના ટુકડા છાંટેલી ફીણયુક્ત કોલ્ડ-કોફી પીતાં પીતાં સોનાલીએ બેંચ પર બેસીને અખબાર વાંચી રહેલા વિવેકને પૂછ્યું, ‘તેને કેવી સ્ત્રી ગમે?’

વિવેકે છાપાંની અંદરથી મોઢું બહાર કાઢી સ્ફૂર્તિથી જવાબ આપ્યો. ‘સ્વસ્થ બદન, શરબતી હોય, એકલી પ્રેમી કે પતિથી છૂટી પડેલી સિંગલ હોય, વાતવાતમાં અંગ્રેજી વર્ડ બોલતી હોય, તેનું નામ સુમધુર હોય, ધનિક ખૂબસૂરત હોય, ઓછું ભણેલી પણ વધુ જાણતી હોય તેવી યુવતી હર પુરુષની પસંદ છે, પણ મારો ટેસ્ટ જરા અલગ છે. મને માત્ર એવી યુવતીઓ ગમે છે જે જૂઠ પણ બડી સચ્ચાઈથી બોલી શકે. જેની પાસે બેફિકર થઈને રહી શકાય. સ્વપ્નમાં જે દગો ના આપે અને દગો આપે તો એ પણ પૂરી વફાદારી, ખાનદાની, નિર્ભયતા સાથે, અન્યાય વિના આપે.’

ગમતી સ્ત્રી વિશે ખુદના વિચારો જણાવતા વિવેકના ચહેરા પર સ્મિત છલકી આવ્યું. સોનાલીને તેની વાતમાં રસ પડ્યો. સનગ્લાસિસ આંખ પરથી ઊંચા કરીને કપાળ પર વાળમાં ભરાવતા ઉત્સાહથી તે બોલી, ‘સ્ત્રી કેવી હોવી જોઈએ?’

‘સ્ત્રી કવિ ન હોવી જોઈએ. પુરુષને કવિ બનાવી દે તેવી હોવી જોઈએ. જેની પાસે રહીને બધી જ ઇન્દ્રિયો અટકી જાય. સમજશક્તિ, તર્કબુધ્ધિ અને જ્ઞાન ઓગળી જવા જોઈએ. મનગમતી માશુકા આંખ સામેના હરેક દૃશ્યમાં છલકાઈ, અતીતના દુ:ખોને ધોઈ નાંખવી જોઈએ. તેની સૂકી આંખોમાં જોઈ ખોળામાં કમજોર બની બધી જ વેદના ઢાળી દેવાનું મન થઈ રડી પડવાની ઈચ્છા થાય તેવી સ્ત્રી મારી પસંદ છે. મારા આત્માને પ્રેમથી ભીંજવી નાંખે તેવી સ્ત્રી અને ખુલ્લી આંખોના હર ખ્વાબ પૂરા કરી નાંખે તેવી સ્ત્રી. જેના શરીરનો સ્પર્શ બધી જ બનાવટને ઊખેડીને સચ્ચાઈ પ્રસ્તુત કરી દે તેવી સ્ત્રી. જેના વિચારો શરીર અને મન બેફામ બની દિમાગ સાથે ટકરાઈ મર્દાનગી ભડકાવી દે તેવી સ્ત્રી. જેની જિદ પણ પ્રિય થઈ જાય એવી સ્ત્રી. નિર્મળ ખાલીસ પારદર્શક્તા, મૌલિકતા સાથે મન-મર્યાદાની સપાટી પર રહીને સુખેથી ઝઘડી એકબીજાના વિરોધને સહજતાથી સ્વીકારી શકે તેવી સ્ત્રી મારી સપનાંની, પરિકથાની રાજકુમારી છે.’

‘કોલેજકાળમાં ઘણી સ્માર્ટ, સોફિસ્ટીકેટેડ, સીધીસાદી સરળ છોકરીઓથી લઈ ઉચ્ચ દરજાવાળી સુંદર-સુંદર યુવતીઓ સાથ તેં ફ્લર્ટિંગ કર્યું હતું અને આજ સુધી એ બધી છોકરીઓમાંથી કેમ કોઈ તારી પસંદ ન બની શક્યું?’

‘નાદાન છોકરીઓ સાથે કેબિનોમાં, બગીચાના ખૂણાઓમાં કે સિનેમા હૉલની કપલસીટ પર બેસીને અંધારામાં અડપલાં કરી લેવાનું કોને ન ગમે? એ યુવકની રોમિયોગીરી નથી પણ બાજીગરી છે. હર યુવતીને પ્રિય થઈ શરીરથી પારખી લેવાની પ્રયુક્તિ. એ ફ્લર્ટિંગ ન હતું અને મને ખ્યાલ નથી જિંદગીમાં કોણ પહેલાં આવ્યું? ફીલિંગ કે ફ્લર્ટિંગ. કદાચ ફ્લર્ટિંગ જ. લાગણી તો બહુ પહેલાં આંધળા પ્રેમના અનુભવો સાથે કિશોરાવસ્થાએ આવીને યુવાવસ્થા સુધીમાં જતી રહી હતી. પછીથી જીવનના પ્રત્યેક વળાંકે આકર્ષક અને સુંદર સ્ત્રી સાથે સંગાથ કેળવવામાં, સમજી-વિચારીને હળવા-મળવામાં, તેના સોહામણા વ્યક્તિત્વ અને સંદેશમય અસ્તિત્વના નિરીક્ષણ કરવામાં રસ રહ્યો છે.’

‘જીવનમાં સિંગલ રહી એકલતા મહેસૂસ નથી થતી?’

‘એકલતા!’ વિવેક જોરથી હસ્યો. ‘હા, લાગે છેને એકલતા. પરંતુ શું થાય? સખત ભૂખ લાગે ત્યારે ખરાબ રસોઈ પણ સ્વાદિષ્ટ લાગે છે એ રીતે એકાંતની પળોમાં કોઈ ન હોય ત્યારે ઘરનો નોકર કે કૂતરો પણ પ્રેમી લાગવા માંડે છે. એકાંત સ્ત્રીઓને સતાવી શકે. પુરુષોને તો એકલતા સ્વતંત્રતાનો અહેસાસ કરાવે છે.’ વિવેક અટક્યો, ‘પ્રેમ વિષય મારા માટે બહુ પેચીદો બની ગયો છે. હવે કોઈ માટે પહેલાં જેવો પ્રેમ ઉપજતો જ નથી, કોણ જાણે કેમ?’ વિવેકે લાંબુ બગાસું ખાધું.

‘બીજાની પસંદને પસંદ કરવા લાગી જા, પ્રેમ આપોઆપ ઉત્પન્ન થઈ જશે.’

‘પ્રેમ માટે સમાધાન કરીને સ્વતંત્ર રહેવાના ભ્રમમાં રહેવા કરતાં આત્મહત્યા વધુ સારો રસ્તો છે. કમ સે કમ એક જિંદગી જ નામશેષ થાય છે.’

‘વિવેક મને આવી મરવા-મારવાની વાતોથી ડર લાગે છે. તને ડર નથી લાગતો?’ સોનાલીના મુખ પર ચિંતાની રેખાઓ ખેંચાઈ આવી.

‘મને સત્ય બોલતાં માણસથી દુનિયામાં સૌથી વધુ ડર, ભય, બીક લાગે છે. કોણ જાણે ક્યારે આપણો સામનો નગ્નતા સાથે કરાવી નાંખે. નગ્નતા જાનલેવા હોય છે.’

‘હું ગઈકાલ સાંજથી પેલા કપલનો અભ્યાસ કરી રહી છું.’ સોનાલીએ એક સ્ત્રી-પુરુષ સામે હાથ લંબાવી ઇશારાથી વિવેકનું ધ્યાન તેની તરફ દોર્યું. એક યુવા પુરુષ તેની પાર્ટનરના નખ નેલ-કટરથી હજામની જેમ તરાશી રહ્યો હતો.

‘તે કપલ નવા-નવા નુસખાથી પોતે એકબીજાને કેટલો પ્રેમ કરે છે તે જતાવે છે. તે બંનેના સંબંધોમાં ઉપર ઉપરથી ફેશનેબલ મોડર્ન ઉષ્માની કરચલી ચડેલી દેખાય છે અને અંદરથી બર્ફીલી ઠંડક. નવપરણિત લાગે છે.’

વિવેક આશ્ચર્યથી સવાલ કર્યો. ‘તું આવું બધું ક્યારથી માર્ક કરવા લાગી?’

‘જ્યારથી બીજાઓની જેમ જીવવાનું, વિચારવાનું મેં છોડી દીધું. જીવનનાં આવા જ અભ્યાસો પરથી અનુભવ્યું છે કે ખોટા દેખાડા કરી સૌપ્રથમ મનુષ્ય પોતાની જાતને ઠગતો થાય છે. પછી દેખાડો થોડી સાધના માગી લે છે ત્યારે પોતાનું જૂઠ પણ બીજાને સત્ય લાગવા લાગે છે.’

‘ઓહ કમ ઓન ડિયર, સ્ત્રી-પુરુષના સંબંધ જૂઠના પાયા પર વધુ સમય સુધી ટકી શકે છે. શું આલોકે ક્યારેય તને લાડ લડાવ્યા નથી? શું તમારી બંને વચ્ચે પણ પેલા કપલ જેવો ઉષ્મા છલકાવતો પ્યાર ન હતો? એક નાનકડું સત્ય ઇતિહાસના પાયા ડોલાવી નાંખવા પૂરતું છે. મારા દિલમાં કોઈ પ્રત્યે કેટલી લાગણી છે એની જાણ જો તેમને થઈ જાય તો એ મારી ઈર્ષા કરવાના હકદાર બની જાય. જીવનની વિચિત્ર હકીકત તો એ છે કે જેમના પ્રત્યે આપણા હદયમાં ભારોભાર તિરસ્કાર અને નફરત હોય છે એ લોકો જ આપણી તીવ્ર આવશ્યકતા અને અનિવાર્યતા હોય છે.’

‘આલોકને મારી દરકાર હતી. એ દેખાડા ન હતા. હા, અમે પણ એકબીજાને ખૂબ લાડ લડાવ્યા છે. રિસાયા છીએ, રિસાઈને એકબીજાને મનાવ્યા છે. એકબીજાની જિદને જાન લગાવી પૂરી પણ કરી છે. એક સ્ત્રી કેમ ન ઈચ્છે કે એ શ્રેષ્ઠ પ્રેમિકા બની શકે તો બેસ્ટ વાઇફ પણ બની શકે. પછી ભલે દુ:ખ વધુ અને સુખ ઓછું ભોગવવા મળે. પછી ભલેને કોઈ એકની વફાદાર બનવા માટે બીજા બધા સાથે ગદ્દારી કરવી પડે. આલોક એવો પુરુષ હતો જેની પત્ની બનીને કોઈ પણ સ્ત્રી સુખ મેળવી શકે. તે લાગણીમાં વહી જતો નહોતો, પણ તેને લાગણીનું ભાન અને કદર હતી. ન ગમવા જેવું ઘણું હતું એનામાં, પરંતુ તેની સાથે જીવવાનું મને ગમતું હતું. જોકે આપણી જુદાઈમાં, તારો સાથ છૂટ્યા બાદના વિખૂટાપણામાં હું દુ:ખી પણ હતી. મેં તને યાદ ન કર્યો એવું પણ ન હતું. આલોકની હાજરીએ બસ તારી કમી ઓછી કરી હતી. આવનારા વર્ષોમાં એ કદાચ મારા જીવનમાંથી તારી યાદો ભૂંસવામાં, ભૂલવામાં સફળ પણ થઈ જાત પણ...’

‘હું સમજી શકું છું સોનાલી...’ વિવેકે સોનાલીને આશ્લેષમાં લીધી. ‘તે ઘણાં કષ્ટો સહ્યાં છે.’

‘ગમતી ક્રિયાઓમાં આનંદ અને આરામ કરતાં શ્રમ વધુ પડે છે.’ બંને ભાવહીન મુસ્કુરાયા.

વિવેકે વિચાર્યું, ‘એકલા પડવાનો પણ આનંદ મળે છે અને ભીડ વચ્ચે ગુમ થઈ વિષાદ ભળે છે. એ જવાનીના દિવસો હતા જ્યારે ફિકરનું ફલક બહુ નાનું અને હલકું હતું. હર યુવતી સાથે પ્રેમ કરી ‘‘આઈ લવ યુ’’ કહી શકાતું હતું. આગળ જતાં પૈસા અને પોતાના પાછળ દોડતી દુનિયામાં દિલચસ્પી સાથે સમયનું ક્ષેત્રફળ નાનું બનતું ગયું. આજે જ્યારે ઘટનાનું, ભૂતકાળનું કર્મક્ષેત્ર વિસ્તરીને સામે આવે છે ત્યારે લાગી રહ્યું છે કે, વેર લેવાથી સંતોષ મળતો નથી કે ફાયદો થતો નથી. પુરુષ પોતાના અહમથી ટકરાઈ, અથડાઈને તો સ્ત્રી જિદથી ઝૂકીને વેર લે છે. જ્યારે માણસના અહમને ધક્કો લાગે છે ત્યારે તેને બીજાઓ અહંકારી લાગવા લાગે છે. પુરુષ-સ્ત્રીના ઘર્ષણમાંથી ઝરતા પરાગનું નામ હશે: શૂન્યાવકાશ. ગઈકાલની ક્ષણો અને હાથની રેખામાં ચિતરેલી ભવિષ્યની પળો કોઈ ભૂંસી શકતું નથી.

વીતેલી પળોને, જીવેલા ભૂતકાળને ઇતિહાસ સમજીને તેને યાદ કરતાં રહેવાનો આપણે ત્યાં રિવાજ છે. ખુશનુમા વ્યક્તિઓ અને ગુલાબી ઘટનાઓને આપણી આજ સાથે સરખાવીને વાસ્તવને ઢાંકી શકાય છે. પાછલી કાલને ભૂલી જવાથી ભૂતકાળ ભૂંસાઈ જતો નથી. એ ઘટનાઓની યાદો મરતી નથી. સ્મૃતિઓ બુઝાતી નથી. આંખોની ભીનાશ, ચહેરા પરનું હાસ્ય, હાથની રેખાઓ, જબાની વાયદાઓ અને બીજું કેટકેટલુંય જે બયાન કરી શકાતું નથી.

આજે પણ જૂની પ્રેમિકાઓ ફેસબુક પર કે રસ્તામાં અનાયાસે મળી જાય છે ત્યારે જિંદગી બેખબર બની ભૂતકાળ તરફ ભાગતી જાય છે. વર્તમાનને ઠુકરાવી વીતેલી કાલની મેઘધનુષી યાદો જીવંત બની જાય છે. ભૂતકાળ હંમેશા જીવતો રહે છે. ધડકનો સાથે ધબકતો રહે છે અને આજ?’ વિવેકે બ્રિસ્ટોલ સિગારેટના પાકીટ પરથી પ્લાસ્ટિકનું પાતળું રેપર કાઢ્યું. તેમાંથી એક સિગારેટ કાઢીને હોઠોમાં દબાવી. લાઈટરથી જગાવી અને લાંબો કશ લઈને મોઢું આકાશની દિશામાં ઊચું કર્યું. તેના બે હોઠ વચ્ચેથી સફેદ ધુમ્રસેરની ગોટીઓ હવામાં ભળી ગઈ.

‘આજે હું ખુશ છું. પ્રેમિકાઓના દગા સહન કરીને બેવફાઈના જામ પીને, મમ્મી-પપ્પાની ઈચ્છા મુજબ જીવીને, પરણીને... દર્દ અને સુખના અનુભવો પરથી એટલું સમજાઈ ગયું છે કે જીવનમાં જો આંખોમાં ભીનાશનો, શ્વાસોનો અવાજ સાંભળીને કે વેદનાનો અહેસાસ ન થાય કે પછી કંઈ પણ યાદ કરીએ અને દુ:ખ ન થાય, સંતોષ ન મળે તો તેને જ ખરાબ સમય કહેવાય. જિંદગી થોડી લડખડાય નહીં તો અવનવા અનુભવોની મજા કેવી રીતે લઈ શકાય? પોતાનાઓથી પરિચિત કેમ થઈ શકાય? અને ખુદની ઓળખ જમાનાને કેવી રીતે આપી શકાય? આ દુનિયામાં ઈચ્છા, અનિચ્છાએ એકાએક થતી ઘટનાઓને અકસ્માત કહે છે, અકસ્માતો મને ગમે છે. જેમણે મને ખુન્નસથી ટક્કર આપવાની ઊર્જા બક્ષી છે.

એક ભયાનક દુર્ઘટના બીજાના જીવનનો સુખદ પ્રસંગ બની જાય છે. આલોકના હવાઈ-અકસ્માતના મૃત્યુએ મને ફરીથી સોનાલી સાથે મેળાપ કરાવી આપ્યો. કોઈ મૃતકની વિધવા આજે મારી દોસ્ત બની. અનાથ ઓલાદને પોતાનાં ગર્ભમાં લઈ ફરી રહેલી પુરાણી પ્રેમિકા. આ એ જ સોનાલી છે જેણે મને ગરીબ, બેકાર અને નિષ્ફળ હોવાના કારણે પ્રેમ હોવા છતાં નાપસંદ કરી દીધો હતો. આ એ જ સ્ત્રી છે જેણે ઘર-પરિવાર, જૂઠ્ઠી ઈજ્જત અને એક અમીર યુવકના પૈસાની રેલમછેલ પાછળ પોતાની પસંદને છોડી મૂકી હતી. આ એ જ ઓરત છે જેણે મહોબ્બતના મતલબોને પલટાવી નાંખ્યા હતા અને આજે એ જ સોનાલી મને કહે છે, બીજાની પસંદને પસંદ કરવા લાગી જા, પ્રેમ તો આપોઆપ ઉત્પન્ન થઈ જશે.’

દૂર ડેક પર ફોટો ખેંચાવી રહેલી સોનાલીએ કેમેરો હાથમાં લઈ ઈશારો કરી વિવેકને પોઝ આપવા કહ્યું. તે સિકંદરની જેમ છાતી બતાવી ખુમારીથી ટટ્ટાર ખડો રહી ગયો.

બપોર પડી ગઈ હતી. ખુલ્લા ગગનમાં સૂર્ય ગરમ જ્વાળાઓ છોડવા લાગ્યો. ફિશીંગ ફન પર વાંસના ફર્નિચરથી સજાવેલી રેસ્ટોરાંમાં સોનાલી-વિવેક લંચ કરવા ચાલ્યા ગયા. સફેદ કાચના ડિશ-બાઉલમાં બારીક ચીઝ છાંટેલી, કોથમીર ભભરાવેલી વિવિધ સબ્જી, વરાળ નીકળતા રાઈઝ પર લવિંગ અને તજ સજાવેલી ખુશ્બુથી મહેકત ડિશ, ક્રિસ્પી ફરસાણ, ચાસણીમાં ડૂબેલા ડ્રાયફ્રૂટથી તરબતર મિષ્ટાન, બારીક કાપેલાં પ્યાજ, બીટ, કાકડી, કોબી અને ટમેટા જેવાં વેજીટેબલ સાથે સફરજન, કેળાં, દ્રાક્ષ અને કિસમિસ નાંખેલું રશિયન સલાડ, પાલકનાં પાનના પરાઠા અને દાડમનાં દાણાંથી ઢંકાઈ ગયેલી મલાઈદાર ઘટ્ટ લસ્સી. જમીને લાલ રંગની મખમલી કાર્પેટ ફરસ પાથરેલા બારમાં જઈ બંને થોડીવાર ગેમ રમ્યા. સિગારેટના ધૂમાડા અને આલ્કોહોલની વાસમાં આછા અજવાળામાં બંનેએ કિંગફિશર બિયર પીધું અને પછી સોનાલી તેની કેબિનમાં આવી સૂટકેસ પૅક કરવા લાગી. બેગ તૈયાર થઈ. સામાન લઈ કેબિનની ચાવી જહાજના કેશ-કાઉન્ટર પર સોંપાઈ ગઈ.

ફિશીંગ ફનનો દરિયામાંથી કિનારા પર પાછો આવવાનો જેમ-જેમ વખત નજીક આવતો ગયો તેમ-તેમ યાત્રીઓમાં ચહલ-પહલ વધતી ગઈ. દૂરથી કિનારો દેખાવા લાગ્યો. નાના મોજાંઓ નિ:શબ્દતાથી પથરાઈ જઈ સોનેરી રેતી પર ભીનાશ પાથરતા હતા. આજે સમુદ્ર શાંત, સ્થિર અને સ્વચ્છ બ્લૂ દેખાતો હતો. મોટી ઈલેક્ટ્રિકની ડિસ-પ્લે પર વિવિધ રીતે પ્રવાસીઓનો આભાર વ્યક્ત થયો અને તેમને ફરીથી ફિશીંગ ફન પર આવવાનું આમંત્રણ અપાયું.

રવિવારની સાંજે કિનારા પર જહાજ આવ્યું. યાત્રીઓ ઠંડી રેતી પર ઉતર્યા. વિવેક અને સોનાલી ગેસ્ટ હાઉસ પર આવ્યા. જમીને થોડીવાર આરામ કરીને બંને ગાડીમાં ગોઠવાયા. વિવેકે ગાડી સ્ટાર્ટ કરી.

પાછા આવવાનો સમય આવી ગયો.

જે દિશામાંથી ગાડી આવી હતી તે દિશાના રસ્તા પર ફરીથી એ વૈવિધ્યહીન જીવેલી, વીતી ચૂકેલી ગઈકાલો વચ્ચે પાછું જવાનું હતું. ઘર-પરિવાર, ઓફિસના પરિચિતો, સાથી કર્મચારીઓના જૂના ચહેરા અને તીણાં અવાજોવાળી નામહીન કામસભર સંબંધોની દુનિયામાં પાછું ફરવાનું હતું. ટ્રાફિક વચ્ચે મશીનોની અદ્યતન નગરીમાં ઘડિયાળની છટકેલી કમાન જેવી માનસિક મનોદશા હેઠળ કામ કરતાં માલિકો, એક-એક પાઇ માટે ઝઝૂમતા મજૂરો, બેશુમાર પ્યાર કરતી ખંજન, પોતાની જવાબદારીઓને ખૂબસૂરતીથી નિભાવતી સયુરીની દુનિયા તેમને બોલાવી રહી હતી. મરેલા જાનવર ઉપર જંતુઓ ભેગા થવા લાગે એમ સિધ્ધાંતો અને આદર્શોના ખદબદતા વિચારોવાળી દુનિયામાં, સવારની કોમળ આભા, બપોરનો નમકીન ઉત્તાપ, સાંજનો ઠરતો સૂર્યાસ્ત અને થાકેલી રાતોવાળી દુનિયા. જ્યાં અપાયેલી સ્થિતિઓને તોડી, મરોડીને પોતાના મન મુજબ ગોઠવીને જીવવું મનુષ્ય-કર્મ છે. જંગલી જેહાદમાં, મરણિયા મુકાબલામાં, ખુવારી અને પ્રતિશોધની લડાઈમાં જિંદગી જીવવાની છે.

આ જમાનામાં પુરુષની તાસીર જ આવી છે. દિવમાં આવેશને આવેગપૂર્વક હેત અને હૂંફ આપી સોનાલી જેવી પ્રિયતમાને પત્નીની જેમ પામીને જિંદગીની ખાલી જગ્યા થોડી પુરાઈ હતી. મધુરતાથી વીતાવેલી આ ઘડીઓ જીવનસફરની કઠોર યાદોને ભૂંસી નાંખવા સર્જાઈ હતી તેવું લાગી રહ્યું હતું. સિક્કાની બીજી તરફ ખંજન જેવી આજ્ઞાકારી, વિશ્વાસુ અને આંખ આડા કાન કરી બધું ચલાવી લેનારી પત્ની સાથેની અનીતિ આચરી બેસીએ એવા પ્રેમી અને પતિત્વ વચ્ચેના સંબંધમાં પોતાને નિર્દોષ સાબિત કરવાનો વિચાર વિવેકને અકળાવી રહ્યો. અસહ્ય સુખ પાથરતા જીવન વચ્ચે ખંજન જેવી શ્રેષ્ઠ સ્ત્રી, પત્ની અને સંજોગોના કારણે લગ્નસંબંધમાં અપ્રમાણિક બન્યા બાદ પોતાને ઈમાનદાર, ભાવુક અને નિર્બળ બનીને ખુદને બેકસૂર સમજવાની, સમજાવાની એક એક રમતનાં પાસાં વિવેકના મનમાં પડવા લાગ્યાં હતાં.

‘જિંદગી પોતાને માટે જીવવા મળી હોય તેવું બહુ ઓછીવાર મહેસૂસ થયું છે. જીવન પોતાની મેળે જીવ્યું હોય તેવું ક્યારેય લાગ્યું જ નથી. સ્વાર્થ નામના શબ્દને કોઈ સ્થાન ન હતું ને આજે સ્વાર્થ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ખુશ થવાનો, મુખ પર હોઠ ભીડીને હાસ્ય કે ખામોશીથી શૂન્ય આંખોમાં ભીનાશના રંગ ઉપસાવી ખુશીના આંસુ છલકાવવાનો મોકો ક્યાં મળે છે? કોઈના દુ:ખમાં બહેલાવેલા આંસુ પણ આજે નમકીન લાગતા હતા જ્યારે ખુશીઓની કિંમત આટલી મોંઘી ન હતી. સમયની કદર ન હતી કે ભાવિ પર ભરોસો ન હતો. મુઠ્ઠીમાં આજ સમાયેલી હતી.

લાગણીના, આકર્ષણના સંબંધોમાં માનવીએ સત્યનું, સ્વાર્થનું, સહાનુભૂતિનું અટપટું ગણિત સૌએ પોતપોતાની જરૂરિયાત અને બુધ્ધિક્ષમતાથી સમજવા-સંતોષવાનું રહે છે. અપેક્ષા, આકાંક્ષા અને ઈચ્છાઓ નિરાશાને જન્મ આપીને સંબંધોને ખતમ કરી નાંખે છે.

બધી વૃત્તિઓ ચીમળાઈ ગઈ હતી. કશામાં જ્યારે રસ ન હતો એ સમયે સોનાલીને વિવેકનો સાથ-સહકાર, સ્નેહ અને સ્પર્શ મળી ગયો હતો. જે વ્યક્તિ પ્રત્યે પારાવાર રસ જાગ્યો હતો એ વ્યક્તિ હવે હાથમાં આવી હૈયા પર રાજ કરી હતી. તે છટકી ન જાય તેનું ધ્યાન રાખવાનું હતું. સોનાલીએ અવરોધોને શાંતિથી સહન કરી લેવાનું અને સંજોગો સામે ધીરજ રાખી નમી જવાનું છોડી દેવાનો નિર્ધાર કર્યો.

માનસપટ પર છવાયેલી ધૂંધળાશ વચ્ચે ગઈકાલના દૃશ્યની છાપ સ્પષ્ટ થવા લાગતી અને ઝડપથી ફરતા ફિલ્મી દૃશ્યની જેમ વિવેક અને સોનાલીને જાતજાતના ખયાલો આવી જતાં હતાં. વિચારો પણ બે પ્રકારના હોય છે: આંતરિક અને બાહ્ય. ભડકતી જ્યોતની જેમ, શમાની લૉની જેમ, ચિરાગોમાંથી જન્મતી દિમાગમાં તનાવ ઝુકાવી આંખોમાં સરુર પેદા કરી નાંખતી હર રાત સરખી અને સવાર જુદી હતી. શબ્દો વિનાના, વિચારો વિનાના, સંવેદનો વિનાના, વાચાને આકાર આપતા અજાણ, અણગમતા લાગણીઓના રસ્તા અન્યમનસ્કતા તરફ હાથમાં નાચતા પારાની જેમ ડોલી રહ્યાં હતાં. જીવવાની પ્રક્રિયા ફરી આનંદ-પ્રમોદના ઉચ્ચ સ્તર પર પહોંચી સ્વતંત્રતાની બેફામ ખુશીની સીમાને અડી સામાન્ય જીવનની ક્ષણિક ખરાબીઓ અને કાલ્પનિક સારાઈ વચ્ચે આવીને અટકી પડી.

ક્રમશ: