અન્યમનસ્કતા પ્રકરણ ૭
‘...મમ્મીજી તમે મને જણાવવું જરૂરી કેમ ના સમજયું? મને પૂરી વાત કહો. શું થયું અને કેમ કરતાં આ થયું છે? હવે ખંજનને કેમ છે?’ પ્રશ્નોત્તરીના સ્વરમાં વિવેકની ઊંડી ચિંતાના ભાવ પ્રકટ થયા.
‘જમાઈરાજા, કોઈ ગંભીર વાત નથી. ખંજનને બિલકુલ સારું છે. તમે બિઝનેસ ટુરમાં વ્યસ્ત હતા એટલે ખંજનના જ કહેવાથી તમને ફોન કરી હેરાન કર્યા નથી. નાનકડો એક્સિડેન્ટ હતો, બસ...’
ખંજનની માતા કૌશલ્યાબહેનની વાત વિવેકના ગળે ન ઊતરી.
‘વ્હોટ? એ મારી પત્ની છે. તેને ચક્કર આવે છે. તે પગથિયાં પરથી પડી જાય છે. તેના કપાળ અને હાથ પર વાગ્યું છે અને તમારે મને જણાવવું જરૂરી ના લાગ્યું? ખંજન તો ના પાડે, પણ તમારી ફરજ બનતી હતી મને જાણ કરવાની...’ વિવેકના ઊંચા-ઉતાવળા અવાજે અંદરના રૂમમાં આરામ કરી રહેલી ખંજનનું ધ્યાન ખેંચ્યું. ખંજનનો ધીમો ધ્વનિ વિવેકના કાને પડતાં તે તેની પાસે દોડી ગયો.
પીળા બલ્બના આછા પ્રકાશમાં ખંજન આલિશાન બેડ પર ચાદર ઓઢીને સીધી સૂતી હતી. તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. ટેબલ પર જ્યાં ટેબ્લેટ, દવાની બોટલ પડી હતી ત્યાં વિવેક ખુરશી ખેંચીને ખંજન પાસે બેઠો. તેણે ખંજનનો હાથ પકડીને દબાવ્યો. ખંજનને દવાનું પણ ઘેન ચડી રહ્યું હતું અને બોલવામાં થોડી તકલીફ પણ પડી રહી હતી, છતાં એને વિવેક સાથે વાતો કરવી હતી.
‘તમે ટેન્શન ન કરતા. ટૂંક સમયમાં હું ફરીથી સ્વસ્થ થઈ જઈશ. તમે હજુ ટુર પરથી આવ્યા જ છો. ફ્રેશ થઈ જાઓ, જમી લ્યો. નિરાંતે...’
‘તું ટેન્શનની વાત કરે છે? તમને લોકોને મને આ અકસ્માત વિશે જણાવવું જરા પણ જરૂરી ન લાગ્યું ને...’ ખંજને વિવેકની વાત કાપી શુષ્ક સ્વરે કહ્યું, ‘પ્લિઝ... અકસ્માત કે દુર્ઘટના જેવા વિશેષણો આ બનાવને ના આપો. વિવેક આ એક યાદગાર પ્રસંગ છે.’
વિવેકને કશું સમજાતું નહોતું. ખંજનની મમ્મી અને ખંજન પોતે પણ આ સ્થિતિમાં ખુશ હતાં!
ખંજને વિવેકે પકડેલો હાથ પોતાના પેટ પર મૂક્યો. ‘તમે પપ્પા બનવાના છો, વિવેક.’ વિવેકના કાનમાં આ શબ્દો પડ્યાં અને તેની ખુશીનો પાર ન રહ્યો. એ ઊછળી પડ્યો. આનંદથી ખંજનને ભેટી પડ્યો. તેણે ખંજનના ગાલ ચૂમી લીધાં. તેનાં પેટ પર કાન રાખીને ખંજનના પેટમાં ઉછરી રહેલા ખાનદાનના વંશ, પોતાના અંશને મહેસૂસ કરવાની તેણે કોશિશ કરી. ડ્રોઈંગરૂમમાંથી ખંજનના મમ્મી કૌશલ્યાજી બેડરૂમમાં પ્રવેશી હર્ષથી બોલ્યા,
‘હવે જેવી ખંજન દીકરી થોડી ઠીક થાય તેવી તેને પિયર લઈ જવાનો સમય આવી જશે. વિવેકકુમાર, મેં તમારા મમ્મી સાથે રાજકોટ ફોન પર વાત કરી લીધી છે. લીલાવતીબહેન કોઈપણ સમયે બસ અહીં પહોંચવા જ જોઈએ. રાજકોટ કહો તો રાજકોટ અને મુંબઈ કહો તો ત્યાં પણ આ શહેરમાં ડિલિવરી કરવી નથી.’
‘ઈશ્વરનો આભાર છે આ. પ્રભકૃપાનો પ્રસાદ છે.’ તેમણે ખંજનના માથા પર હાથ ફેરવ્યો, ‘વિવેકકુમાર મારી ઢીંગલીના પપ્પા નાનાજી બનશે એ વાત જ્યારથી તમારા સસરાએ જાણી છે ત્યારથી તેમની ખુશીની સીમાઓને કોઈ લગામ જ લગાવી શકે તેમ નથી.’ આટલું બોલીને ખંજનના મમ્મી ખંજનને ભેટી પડ્યા. આંખમાંથી આનંદના આંસુનો એક લસરકો ગાલ પર થઈ વહી ગયો.
ખંજનના પિતા પ્રવીણ દવે નામદાર બિઝનેસમેન હતા. તેમની એકની એક દીકરી ખંજનની ખુશી ખાતર તેમણે જીવનમાં ઘણી બાંધછોડ કરી હતી. વિવેકની માતા લીલાવતીબહેન જોડેના જૂના કૌટુંબિક સંબંધોના કારણે વિવેકના લગ્ન ખંજન સાથે થયાં હતાં. વિવેકને પૈસા-પ્રતિષ્ઠા દહેજમાં મળ્યાં હતાં એ વાત સૌ જાણતા હતા. વિવેક એટલે જ આ સગપણમાં ખુદને દબાયેલો, દટાયેલો બેબસ અનુભવતો હતો. ખરા વ્હાલ માટે તે વલખાં માર્યા કરતો હતો.
પ્રવાસના થાકમાં, સતત ડ્રાઇવિંગ કરવાના કારણે વિવેક પિતા બનવાની વિશેષ ખુશી વ્યક્ત ન કરી શક્યો. વાતો થતી ગઈ. પરિવારમાં, પાડોશમાં, ઓફિસમાં ખંજન મમ્મી અને વિવેક પપ્પા બનવાના છે તેવા શુભ સમાચાર ઝડપથી ફેલાયા. મીઠાઈ વહેંચાવા લાગી.
ચોતરફથી અભિનંદનવર્ષા થઈ.
રાજકોટથી લીલાવતીબહેન અને મુંબઈથી વિસ્તરેલા કારોબારની મથામણમાંથી ખંજનના પિતા પ્રવીણ દવે તેની પાસે પહોંચી ગયા.
સમય વ્યવસ્થિત રીતે વહેતો ગયો. ફેમિલી ડૉક્ટરની જોડે શહેરના ઊંચામાં ઊંચા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરને ખંજન માટે અપોઈન્ટ કરી લેવામાં આવ્યાં. ફિટનેસ ચાર્ટ તૈયાર થયો. શું જમવું? શું ન જમવું? તેની ફાઇલ બનાવાઈ ગઈ. કપડાં, રમકડાંની ખરીદી થવા લાગી. બાબો આવે તો શું નામ? અને બેબી આવે તો શું નામ રાખીશું? તેની ચર્ચા થવા લાગી. ઘર-પરિવારમાં એક નવા સદસ્યના આગમનના અવસરે ઉમંગ, ઉત્સાહનું માયાવિશ્વ રચાયું અને સૌને પ્રફુલ્લિત કરી મૂક્યા.
ખંજનની દેખરેખ પાછળ વિવેકને હવે સોનાલીના મેસેજ-કોલ્સ નજરઅંદાજ કરવા પડે તેવી સ્થિતિ ઉપજવાની શરૂ થવા લાગી હતી. એટલે જ તે જવાબદારીઓના બોજ હેઠળ સોનાલી સાથે ભૂતકાળના જીવતા થયેલા સૂક્ષ્મ નાજુક સંબંધનું પરિણામ શું આવી શકે તે પ્રત્યે પણ વિચારતો થઈ ગયો. શું કરવું અને શું ન કરવું? બેજવાબદાર ભૂલને દર્શાવી સ્વચ્છ વર્તમાન અને સ્વપ્નના વર્તમાનનો ભેદ કરાવતી ભેદરેખા અસમંજસ બનીને સામે આવવા લાગી હતી. તે મનોમન ગણતરીપૂર્વક તર્ક કરતો થઈ ગયો.
‘અકસ્માતો જ જીવનને ગતિ અને અર્થ આપે છે, પરંતુ સોનાલી સાથે રચાયેલા રિશ્તાએ આકાંક્ષાવાળા બંનેના સપનાંઓથી અજાણતા જ અગણિત અસ્તિત્વોને લોહીલુહાણ કરી મૂક્યા છે. હવે સોનાલીને મારી વધુ જરૂર છે કે ખંજનને મારી વધુ જરૂરિયાત છે? એ સમજાતું નથી. એક સ્ત્રીના પેટમાં પારકું તો એક સ્ત્રીના પેટમાં પોતાનું બાળક છે.’ વિવેકે મનોમન નક્કી કર્યું હતું કે, ‘પતિ અને પ્રેમી બનીને બે જિંદગી જીવવાની છે. એકસાથે બે જિંદગી જીવાઈ રહી હતી હવે તે બેધારી જીવાતી જિંદગીની સારાઈ-બુરાઈનો અંજામ ભોગવાનો સમય પાકી ચૂક્યો હતો. ખંજનની, પોતાના આવનારા બાળકની, પતિ તરીકેના સંબંધોની આંખોના નૂરની જેમ કાળજી કરવાની છે. પતિ, પ્રેમી ઉપરાંત હવે પિતા બનવાની ફરજ અદા કરવા તૈયાર થઈ જવાનું છે. ખંજનનું આવનારું બાળક, મારું-અમારું સંતાન જે દાંપત્ય સંબંધના પ્રેમની નિશાની છે એ ફરજના અદૃશ્ય ભાર નીચે પેદા નહીં થાય. હું પણ સમજું છું કે ભૂલને સુધારી લેવાની નિષ્ઠા પ્રેમ નથી પણ ફરજ જ છે. પ્રાયશ્ચિત કરી પુણ્ય કમાવા રાહ જોવી પડશે. શરાફતના મનમાં જામી ગયેલા સાચાં-ખોટાં વિચારોને વેગ આપીને વધુ અસ્થિરતા ઉપજવા દેવાની નથી. કોઈની વેદનાનો સહભાગી થવાનો પ્રયાસ કેટલો મોંઘો ને ભારે પડી શકે તે આજ સમજાઈ રહ્યું છે.
પોતાનું પરણિત હોવું સોનાલીથી અને પોતાની જૂની પ્રેમિકા સાથેના સંબંધ ફરી તંદુરસ્ત થયા છે એ ખંજનથી છુપાવવું એ ક્રૂર મજાક હતી. સ્વાર્થસભર ફરેબ હતો. દિલતોડ દગો અને બેવફાઈ હતી.
સ્ત્રી ભૂલોનો સ્વીકાર સહજતાથી કરે છે. પછી તેઓ ભૂલોને માફ કરે કે ન કરે તે બીજી બાબત છે. બધું સાફસાફ કહી દેવું જોઈએ. હમણાં નહીં થોડા સમય બાદ. અત્યારે સમય, સંજોગની સ્થિતિ થોડી નાજુક છે. બંને સ્ત્રીની માનસિક અને શારીરિક હાલત આવી નાજુક વાત સહન ન કરી શકે. બહેતર છે, જેમ ચાલે છે તેમ બધું અન્યમનસ્કપણે ચાલવા દેવું.’
વિવેકને ખંજનના પેટમાં ઉછરી રહેલો પોતાનો અંશ હવે દાંપત્ય જીવનની જુદાઈ ઘટાડીને જવાબદારીના ભાન સાથે કર્તવ્યના મધ્યબિંદુ આસપાસ ચકરાશે તેવું જણાતા તે સોનાલીને બંને તેટલું ઈગ્નોર કરવાના પ્રયાસો કરવા લાગ્યો. લાંબી વાતો, સંદેશાઓની જગ્યા એકશબ્દી પ્રત્યુત્તરોએ લઈ લીધી.
બંને એકબીજાને એકબીજાથી છુપાવેલા ચોંકવનારા રહસ્યો કહેવા ઈચ્છતા હતા. ઘણી વખત મોકો મળ્યો, પણ શબ્દો ગળામાંથી ઘુમરીઓ ખાઈને પાછા ધકેલાઈ જતાં હતાં. પેચીદાપણામાંથી નિખાલસતાભર્યા એકરારના માર્ગે તેઓનું ઊર્ધ્વગમન કરવાની કોઈ અદમ્ય ઝંખના વચ્ચે અભિપ્રાયો, વિચારો ગૂંચળાં થતાં હતાં.
બંને વચ્ચે દૂરી અને ખામોશીની તર જામતી ગઈ...
*
સયુરી એક રાતે પોતાના ગામડેથી શહેરના ફ્લેટ પર પરત આવી. દરવાજા પર તાળું લટકતું જોઈને બાજુના ફ્લેટમાંથી ચાવી લઈ દરવાજો ખોલ્યો. અંદર પ્રવેશીને તેણે જોયું કે ટેબલ પર એક ગિફ્ટ-પૅકિંગ અને જોડે એક પત્ર હતો. ઘણા દિવસથી બંધ, અવાવરુ કમરામાં બધે ધૂળ જામી હતી અને અવાવરુપણાંની વાસ આવી રહી હતી. ગડી વાળેલા કાગળને એણે ખંખેર્યું અને ખોલીને વાંચવાનું શરૂ કર્યું.
પ્રિય સખી,
આ શહેરમાં પ્રવેશતાંની સાથે જ તારી યાદ આવી. તારી જરૂરિયાત ઉપજી અને તને મળી ત્યારથી લઈને આજ સુધી તેં મારી હમદર્દ બનીને જે દોસ્તી નિભાવી જાણી છે તેના માટે જે દિવસે અહીં આવી તે દિવસે જ તને ભેટ આપવા તારો ગમતો પરફ્યુમ ખરીદ્યો હતો. આપવાનું ભુલાઈ જતું હતું! આ ભેટ તો કશું નથી તેં મારા માટે જેટલું કર્યું છે. કરી રહી છે અને કરતી રહેશે એ મારે મન દોસ્તીની અપ્રદર્શિત અસ્કામત છે. હું તારી ઋણી છું. એ બદલ તારા નાનકડા ફ્લેટ, આલિશાન દિલ અને જીવનમાં જગ્યા આપવા માટે કદાચ તારો આભાર માનીશ તો પણ ખરાબ લાગશે એટલું તારી સાથે રહ્યા બાદ તને સારી રીતે ઓળખી, જાણી ગઈ છું. તું એમ પણ વિચારતી હશે કે આવી વાતો મેસેજ, કોલ્સમાં કહી શકાતી હતી, પરંતુ મને એ યોગ્ય ન લાગ્યું. હું જલ્દીમાં હતી. એક મુસીબત આવી પડી છે ને મારે મુંબઈ જવું પડ્યું છે.
વિવેક જોડે દિવ ફરવા જવાની ખૂબ જ મજા પડી. ત્યાં ગુજરતી સંધ્યાની એ ઓસયુક્ત ભીનાશવાળી હવામાં સ્વતંત્રતા હતી. મોહકતા હતી. શહેરની ભાગદોડ, ચિલ્લમચીલી, વાહનોના ગેસથી છુટ્ટી મળ્યાની, રોજિંદા કામોમાંથી છુટકારો મળ્યાની, સમુદ્રની ઊછળતી લહેરો જેવી એક બંધન-મુક્તિ હતી. સંસ્કૃતિ, સમાજ, સગાથી દૂર દોષ અનુભવ્યા વિના, રંજ રાખ્યા વિના, ખુલ્લેઆમ સંતોષી સુખથી રહેવાની, રખડવાની આનંદિત કરી મૂકતી પ્રદૂષણ વિનાની, ઘોંઘાટો વિનાની, આદેશો વિનાની, જમીન વિનાની, પાણી પર પસાર થતી કુદરતી લહેર, ધ્વનિમાં ખુલ્લાપણું બક્ષતી ક્યારેય ન ભૂલનારી પળો હતી. જેને ભવિષ્યમાં યાદ કરી ફરી વારંવાર જીવવાનું મન થશે તેવી મનમોહક મનગમતી ક્ષણો હતી.
વાંસના-વ્હાલના વેગમાં, આવેશમાં, અંધારામાં ધબકતા શ્વાસોમાં, ઝપાટાબંધ પસાર થતા પ્રેમપંથ પર પાછાં ફરતાં સમયે મારા સાસુ-સસરાનો ફોન આવી ગયો. હું તેમની પાસે ખોટું બોલી અહીં આવી હતી તે તું જાણે જ છે. તેમણે મારા ડેડીને પણ આ વાતની જાણ કરી હશે. હવે શું થશે એ મુંબઈ જઈને ખબર પડશે. હું બધું સંભાળી લઈશ. વિવેકને મેં આ વાત જણાવી આપી છે. હું મુંબઈ જઈ રહી છું. હવે કદાચ નિયમિત વાતચીત ન થઈ શકે તો તું ગભરાતી કે ચિંતિત થતી નહીં, તારો ખ્યાલ રાખજે.
લી.
તારી પ્રિય સખી,
સોનાલી.
જિંદગી અને સંબંધની વસંત મહોરી હોય, ખીલી હોય ત્યારે કોઈ વ્યક્તિ પોતાના આવેગોને વહેતા કરે તો તેને ક્યા બોલથી સંબોધવા તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. સયુરીને આડકતરી રીતે વિવેક-સોનાલીના નાજાયસ જોડાણનો અંદેશો આવી ગયો. ઘટનાપૂર્ણ, ઝડપભેર, અકથ્ય, વિચિત્રતાપૂર્ણ કરવટ ભરેલી ઘટનાઓનો આરંભ એવી રીતે થયો કે જાણે વાસ્તવલક્ષી વલણ ધરાવતી બે વ્યક્તિની હરકતો કોઈને પણ જાણમાં આવે તો ખંડન અને વિરોધ સાથે તેને અપરાધી ઘોષિત કરી સજા કરવાનું મન થઈ જાય.
મુંબઈ પહોંચીને સોનાલીએ આલોકના મમ્મી-પપ્પાનું ઘર છોડીને પોતાના ડેડીના ઘરે રહેવાનું પસંદ કરી લીધું. પરંતુ તેને ત્યાં ફાવતું ન હતું.
સોનાલીની મમ્મી તો નાનપણમાં જ પ્રભુચરણ પામી હતી ત્યારથી લઈને સોનાલી માટે તેના પિતા જ સઘળું હતા. દરેક પિતાની જેમ લાડ લડાવવા અને સોનાલીની નિરર્થક આદતો, શોખ પૂરા કરવામાં તેમણે કશી કસર રાખી ન હતી. મુંબઈના ઘણા ધનિક પરિવારો એ ભૂલી ગયા છે કે પૈસાથી પ્રેમ ખરીદી શકાતો નથી. પ્રેમ આપીને પૈસા કમાઈ શકાય છે.
સોનાલી પિતા હસમુખ પટેલના ઘરેથી ફરી આલોકના મમ્મી-ડેડીના ઘરે આવી ગઈ. જ્યાં તેને થોડો આરામ અને રાહત રહેતી હતી. આલોકના મમ્મી, પોતાનાં સાસુ જ્યોતિબહેનનો વર્તાવ સોનાલી પ્રત્યે એક સગી મમ્મીથી ઓછો ન હતો. પોતાના એકના એક દીકરા આલોકના હવાઈ અકસ્માતમાં મૃત્યુ બાદ જ્યોતિબહેન અને આલોકના પિતા ભાઇલાલભાઈ આઘાતમાં સોનાલીના વર્તમાનથી અજાણ તેના આવનારા સંતાનને જ આલોકની અંતિમ નિશાની સમજી આગામી જિંદગીનો સહારો સમજી જીવતા હતા.
એક દિવસ સોનાલીને વિચાર આવ્યો કે તે અબોર્શન બાદ છેલ્લે મેન્સિસમાં ક્યારે આવી હતી? ગર્ભાશયમાં અસ્થિરતા ઉપડી હતી. સાથળ ગંદુ કરી જતું. પેટ દુ:ખાવી જતું દર્દ થમ્યું. તેણે મોબાઈલ ફોનના કેલેન્ડરમાં જોયું. મેડિકલ સ્ટોરમાંથી પ્રેગનેન્સી ટેસ્ટ કિટ ખરીદી. છાતી, કમર, હિપ્સમાં ધ્રુજારી ઉપડી ગઈ. હિંસાના આતંક સાથે ફરી ગર્ભવતી બનવાના આશંકાના આછેરાં વાદળ તેની મનોક્ષિતિજના ગગનમંડળે ઘેરાયા. પરપોટાઓ જેવા ઉટપટાંગ બેમતલબ વિચારો ખરીને તેના પેટમાં વિવેકનું સંતાન ભૂતકાળમાં કરેલા સર્વત્ર કર્મની સ્મૃતિ બની આ દુનિયામાં આગમન કરવા વિકસી રહ્યું છે એ સાબિત થઈ ગયું.
‘ગુલાબી, જાંબલી, કિરમજી, પર્પલ, લાલ સુકાયેલા લોહી જેવો ઘેરો કાળો રજસ્ત્રાવ અટકીને હવે તે રક્તનું શિશુ ઘડાશે. બાળકનું આશ્ચર્ય, માતૃત્વનું વાત્સલ્ય, મોંઘી અમાનતની જેમ સાચવી રાખેલો આલોકના મૃત્યુનો વિષાદ. વિવેકને પોતાનાં બાળક વિશે કહેવું જોઈએ? એ તેને સ્વીકારવાની, અપનાવવાની, પોતાનું નામ આપવાની ના પાડશે તો? તેના માટે તો હું પહેલાંથી જ ગર્ભવતી છું. વિવેકને હું કેમ સમજાવીશ કે મારું-આપણું આ બાળક અનવોન્ટેડ નથી. તારા-મારા સ્વત્વ, સ્ત્રીત્વ, વ્યક્તિત્વ અને અસ્તિત્વનો પ્રતિકૃતિરૂપે ધડકતો, ધબકતો અંશ છે. ભૂતકાળના સ્થગિત થયેલા પ્રેમસબંધો અને મારી મમતાને નવજીવન આપનાર આપણું સંતાન તારા ખાનદાનનું વારસ છે.
માતાનું ગર્ભ જીવંત કબ્રસ્તાન છે જ્યાંથી આત્માઓ બાળક બની સ્ત્રીનું સ્ત્રીત્વ, પુરુષનું પુરુષત્વ, ભૂત અને ભવિષ્યના સ્થાપિત સત્યો, માનુષી સહવાસમાંથી પનપતી વેદના-સંવેદના, તુમાખી, મિજાજ અને અસ્થાયી મનોવૃત્તિ લઈ જન્મે છે. તે વજૂદ છે - નર અને માદાનાં શારીરિક અને માનસિક સંબંધોનું. તે પ્રતિબિંબ છે, તેના માતા-પિતામાં રહેલી સચ્ચાઈ-સરળતા અને સ્વચ્છતાનું. તે પ્રતીક છે, ઈશ્વરના અપરંપાર શાંતિ, શમન અને સૌમ્યનું. તે ઈલાજ છે, વ્યાપી ગયેલી અકળામણ અને અસ્થિર ગૂંચવણોનો. અન્યમનસ્કતાનો.’
ક્રમશ: