જે. કૃષ્ણમૂર્તિ : એક સાન્નિધ્ય સંવાદ Mavji K Savla દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જે. કૃષ્ણમૂર્તિ : એક સાન્નિધ્ય સંવાદ

જે. કૃષ્ણમૂર્તિ : એક સાન્નિધ્ય સંવાદ

( આસિત ચાંદમલના અંગ્રેજી પુસ્તક One Thousand Moons – Krishnamurti at Eighty Fiveમાંના પ્રારંભિક આલેખનો ગુજરાતી અનુવાદ )

માવજી કે. સાવલાએપ્લાઈડ ફિલોસોફી સ્ટડી સેન્ટર એન-૪૫, ગાંધીધામ (કચ્છ) ૩૭૦ ૨૦૧ Email : mavjisavla@gmail.com (1)

J.Krishnmurti : Ek Sannidhya Samvad. Complied & edited by Mavji k.savla (1930)

“How Marely are we given the chance to save the world from a new religion.”-Rechard Bach

#© Jayesh Mavji savla.

#1st digital edition 2014

#Published by:

Mavji K.Savla,Applied Philodophy Study Centre,N-45,Gandhidham (Kachchh) 370201.Email : mavjisavla@gmail.com

(2)

પ્રાસ્તાવિક :

જે કૃષ્ણમૂર્તિના નામથી હું પરિચિત થયો એને તો છ-સાત દાયકા થવા આવ્યા. ઘણું કરી ‘મુંબઈ સમાચાર’ દૈનિકમાં એમના રેખાંકન જેવો એક ફોટો છાપાયો હતો, જેની નીચે લખ્યું હતું, ‘જિદુ કૃષ્ણમૂર્તિ’ ત્યારે તો એમનાં જાહેર વક્ત્વ્યોની શ્રેણી હજુ શરૂ પણ થઈ નહોતી. ઘણું કરી ૧૯૬૫ આસપાસથી એમની વાણી સંબંધિત પુસ્તકો વાંચવાનું મારું શરૂ થયું. અહીં એપ્રિલ-૧૯૯૩માં પ્રકાશિત થયેલ મારું પુસ્તક ‘જે કૃષ્ણમૂર્તિ : સાનિધ્ય સંવાદ’ મુખ્યત્વે છે. એ પછી જુદા જુદા સમયે મારા પ્રકાશિત થયેલ કૃષ્ણમૂર્તિના વિષેના લેખો છે. સાન્નિધ્ય સંવાદ પુસ્તક પછીના લેખોમાં પણ પ્રકાશન તારીખના ક્રમને હું અનુસર્યો નથી. ‘જે કૃષ્ણમૂર્તિ : સાન્નિધ્ય સંવાદ’ પુસ્તક ઘણાં વર્ષોથી અપ્રાપ્ય હોતાં એની નવી આવૃત્તિ કરવા માટે મિત્રો તરફથી ક્યારેક સૂચન થતાં. એટલે સ્વાભાવિક રીતે અહીં શીર્ષક પણ એ જ રાખ્યું છે અને એ પુસ્તકની નવી સંવર્ધિત આવૃત્તિ તરીકે હું આને સમજુ છું. મિત્રો સાથેના મિલનમાં ચર્ચાઓના રાઉન્ડ સને ૧૯૮૫ થી ૨૦૦૦ સુધી ઠીક ઠીક ચાલતા રહ્યા. અંજારના મિત્ર ડો.સનત દવે સાથે આજે પણ કૃષ્ણમૂર્તિની વાણીના સંદર્ભે એક ગહન સંવાદ ચાલતો જ રહ્યો છે. મારી સીમિત જાણકારી મુજબ જે. કૃષ્ણમૂર્તિની વાણીને ઊંડાણથી અને સ્પષ્ટ સમજ્યા હોય એટલું જ નહીં, પરંતુ પોતાની નિજી ભાષામાં એ વાણીમાંના અભિપ્રેત સત્યની વાત કરી શકનાર ડો. સનત દવે સિવાય અન્ય કોઈ મારી સામે નથી. અહીં પ્રસ્તુત સામગ્રીમાં અનિવાર્યપણે આવશ્યક ન હોય એવા મારા શબ્દોનાં ઉમેરણ ટાળ્યાં છે.

શુક્રવાર, તા.૨૪-૧૦.૨૦૧૪ -માવજી કે. સાવલા. એપ્લાઈડ ફિલોસોફી સ્ટડીસેન્ટર, એન-૪૫, ગાંધીધામ,કચ્છ – ૩૭૦ ૨૦૧.

(3)

અનુક્રમણિકા

(૧) કૃષ્ણમૂર્તિ : આરંભનું જીવન

(૨) કૃષ્ણમૂર્તિનું જીવન : ૮૫ વર્ષની ઉંમરે

(૩)કૃષ્ણમૂર્તિ સંસ્મરણોની સાથે

(૪)શિક્ષણ : જે કૃષ્ણમૂર્તિના પત્રો

(૫)

(૬)

(૭)

(૮)

(૯)

(૧૦)જે. કૃષ્ણમૂર્તિ : એક ઐતિહાસિક નિવેદન

(4)

# ૧ #કૃષ્ણમૂર્તિ : આરંભનું જીવન

મદ્રાસથી દોઢસો માઈલ છેટે આવેલ આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લાનું મદનપલ્લી દક્ષિણ ભારતના મધ્યમાંનું એક નાનકડું નગર છે.એક સદી પૂર્વે જિદ્દુ નારાયણ નામનો બ્રાહ્મણ પોતાની પત્ની જિદ્દુ સંજીવમ્મા સાથે મદનપલ્લી આવીને વસ્યો. કૌટુંબિક સંબંધે સંજીવમ્મા બે-ત્રણ પેઢીએ એની પિતરાઈ થતી હતી. જિદ્દુ એમના પૂર્વજોના ગામનું કૌટુંબિક નામ હતું.એમની જ્ઞાતિના બીજા લોકોની જેમ નારાયણના ઘરમાં એક પૂજાનો ઓરડો હતો. પૂજા એ પ્રાર્થના છે. સુવાવડ પ્રસંગે બ્રાહ્મણ સ્ત્રી પૂજાના ઓરડામાં કે મંદિરમાં પ્રવેશ કરે નહીં, કારણ કે એથી એ જગ્યા અપવિત્ર થાય.પોતાના આઠમા સંતાનની પ્રસૂતિ એ પૂજાના ઓરડામાં જ થાય એવો આગ્રહ સંજીવમ્માએ રાખ્યો.મધરાત પછી અડધા કલાકે ૧૧ મી મે ૧૮૯૫ ના રોજે બાળકનો જન્મ થયો; અથવા તો ૧૨ મી મે ના 12-30 A. M.. બાળકનું નામ કૃષ્ણમૂર્તિ રાખ્યું. હિન્દુ શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ પણ પોતાના માતા-પિતાનું આઠમું સંતાન હતા, એ પણ યોગનુંયોગ.કહેવાય છે કે બાળકના જન્માક્ષર જોઈને જ્યોતિષે જણાવેલ કે એ ધાર્મિક ક્ષેત્રે મહાન થશે અને વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામશે.પરંતુ આવી મહાનતાનાં કોઈ લક્ષણો પંદર વર્ષની ઉંમર સુધી તો દેખાયાં જ નહીં. ત્યાર પછીનાં વીસ વર્ષો દરમ્યાન પણ એમના વર્તનમાં એવું કશું જ ન દેખાયું. પરંતુ ૩૫ વર્ષની ઉંમરે જ્યોતિષીની એ કહેવાતી આગાહી સો ટકા સત્ય પુરવાર થઈ એનો ઇન્કાર થઈ શકે નહીં. પછી તો દુનિયાના અનેક પ્રસિદ્ધ મહાન પુરુષોએ પણ જે. કૃષ્ણમૂર્તિને અનેક આદરપૂર્ણ વિશેષણોથી નવાજયા છે. જ્યોર્જ બર્નાર્ડશો એ કહ્યું કે અધ્યાત્મ ક્ષેત્રે ‘તેઓ સૌથી મહાન છે,’ તેમજ ‘એમનાથી વધુ સુંદર માનવી મેં હજી જોયો નથી.’ હેન્રી મિલરે લખ્યું છે : “જેમને મળવા બદલ હું આથી વધુ ગૌરવ અનુભવું એવી અન્ય કોઈ વ્યક્તિ જણાતી નથી.એલ્ડસ હક્સલેએ પોતાના મિત્રને એક પત્રમાં લખેલ કે “અત્યંત પ્રભાવક વાણી મેં સાંભળી, જાણે કે સાક્ષાત બુદ્ધની વાણી સાંભળી રહ્યો હતો--વેધક અને આંતરિક સચ્ચાઈનો એવો જ અધિકાર....”ખલીલ જિબ્રાને લખ્યું છે કે “તેઓ મારા ઓરડામાં દાખલ થયા ત્યારે મેં મારી જાતને કહ્યું “ઈશ્વર(૧) સાક્ષાત પ્રેમસ્વરૂપે આવી પહોંચ્યો છે.”*૯૦ વર્ષની ઉંમરે પણ કૃષ્ણમૂર્તિ જીવંતતાની મૂર્તિ સમાન છે. દુનિયાભરમાં તેઓ પ્રવાસ કરતા રહે છે અને અમેરિકા, એશિયા અને યુરોપમાં હજારો શ્રોતાઓ સમક્ષ તેઓ પ્રવચનો કરે છે. અનેક પત્રકારો તેમના ઈન્ટરવ્યુ લે છે. એમની મુલાકાતો ટેલીકાસ્ટ થતી રહે છે. તેમને પ્રસિદ્ધિ પણ વ્યાપકપણે મળતી રહે છે: ક્યાંક સમીક્ષાત્મક ટીકા પણ થતી હોય; અને છતાં તેમનું જીવન એક અદભુત રહસ્ય સમાન છે. તેમનાં આરંભનાં વર્ષોની રજે-રજ હકીકત ભવ્ય રીતે નોંધી રાખવામાં આવી છે. આમ છતાં એ બધી વિગતોએ પણ એક દંતકથા, ચમત્કૃતિ અને રહસ્યપૂર્ણ સ્વરૂપ ધારણ કર્યું છે. જ્યારે તમે એમને મળો અને એમના તેજસ્વી વ્યક્તિત્વથી પ્રભાવિત થાવ ત્યારે એમના આરંભની દંતકથાને તમે માનતા થઈ જાવ, છતાંયે કશુંક રહસ્ય રહી જ જાય છે.કૃષ્ણમૂર્તિ કશું જ છુપાવતા નથી. જગતના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો, લેખકો, મનોચિકિત્સકો, કલાકારો, સમાજશાસ્ત્રીઓ, બૌદ્ધ વિદ્ધાનો, રાજકારણીઓ અને વડાપ્રધાનો સાથે તેમના સંવાદો, વાર્તાલાપો વગેરે ચાલતા હોય છે; અને છતાં પણ કશુંક રહસ્યપૂર્ણ છે, એવું લાગ્યા કરે. અને આથી એમનું જીવન સમજવા કે એનું અર્થઘટન કરવાના પ્રયત્નોને બદલે બીજાઓએ લખેલ કે નોંધેલ બાબતોનું પુનરાવર્તન જ માત્ર કરી શકાય. *વાતનો આરંભ તો સને ૧૮૯૫ પહેલાંથી જ થાય છે. થીઓસોફીકલ સોસાયટીની સ્થાપના માદામ હેલીના પેટ્રોવના બ્લેવેટસ્કીએ (Madame Helena Petrovna Blavatsky, nee Von Hahn) ન્યુયોર્ક શહેરમાં સને ૧૮૭૫માં કરી હતી. માદામ બ્લેવેટસ્કી મૂળ રશિયાનાં હતાં. આ સંસ્થાના સિદ્ધાંતો કબાલા, અજ્ઞેયવાદ, શ્રી એખર્ટ, પેરાક્લીસસ અને પછીથી હિન્દુ, બૌદ્ધ અને તિબેટની માન્યતાઓ ઉપર આધારિત હતા, દા. ત. કર્મ અને પુનર્જન્મ.થીઓસોફીની બે મુખ્ય માન્યતાઓનો સંબંધ કૃષ્ણમૂર્તિના સંદર્ભમાં નોંધનીય છે :(૧) પૂર્ણતાને પામેલા એવા કેટલાક મહાત્માઓ છે, કે જેઓ મનુષ્યજાતિની આધ્યાત્મિક ઉત્ક્રાંતિને દિશા અને દોરવણી આપી રહ્યા છે. આમાંના કેટલાક સિદ્ધ મહાત્માઓ હિમાલયના ગુપ્ત સ્થાનોમાં રહેતા હોય છે; અને જેઓએ કેટલીક યોગીક શક્તિઓ પ્રાપ્ત કરી હોય તેઓ સૂક્ષ્મ ભૂમિકાએ હિમાલયમાંના આવા સિદ્ધ મહાત્માઓનો સંપર્ક કરી શકે.(૨) બીજી માન્યતા એ હતી કે ભગવાન મૈત્રેય હવે મનુષ્યરૂપે અવતરશે. અગાઉ જિસસરૂપે પણ (૨) તેઓ અવતર્યા હતા.થીઓસોફીના સિદ્ધાંતો મુજબ ભગવાન મૈત્રેયનું સ્થાન બુદ્ધ કરતાં થોડુંક નીચું પરંતુ સૂક્ષ્મ શરીરે હિમાલયમાં નિવાસ કરતા સિદ્ધ મહાત્માઓથી ઉચ્ચ ભૂમિકાનું છે.એટલે જગતગુરુના અવતારરૂપે આવવાની બાબત થીઓસોફીમાં કેન્દ્રસ્થાને હતી. ભગવાન મૈત્રેય એ માટે માધ્યમ તરીકે યોગ્ય શરીર પસંદ કરીને અવતરશે અને સિદ્ધ મહાત્માઓ એ માટેની તૈયારીઓ કરીને એમનું રક્ષણ કરશે. આ બધું પોતામાં તો કંઈ વિસ્મયજનક ન પણ હોય. માદામ બ્લેવેટસ્કી અને ડૉ. એની બિસન્ટે આવા જગતગુરુના આગમન માટે એક વિશ્વવ્યાપી સંસ્થાની ગોઠવણ કરી.એમનું સૌ પ્રથમ કાર્ય એવી “વ્યક્તિની શોધ” કરવાનું હતું કે જે, ભગવાન મૈત્રેયના અવતરણ માટે માધ્યમ તરીકે યોગ્ય હોય. સોસાયટીના આગેવાનોને આવી શોધ માટે પોતાની આધ્યાત્મિક શક્તિઓમાં શ્રદ્ધા હતી.એની બિસન્ટનો જન્મ સને ૧૮૪૭માં લંડનમાં થયો હતો. ૪૦ વર્ષની ઉંમરે તેમણે માદામ બ્લેવેટસ્કીનું પુસ્તક, “ધ સિક્રેટ ડૉકટ્રીન” વાંચ્યું ; અને એનાથી તરત જ તેઓ પ્રભાવિત થઈ ગયાં સને ૧૮૮૮માં તેઓ માદામ બ્લેવેટસ્કીને મળ્યાં અને સને ૧૮૮૯માં તેઓ થીઓસોફીકલ સોસાયટીમાં જોડાયાંકોઈપણ સમાજમાં કે કોઈપણ યુગમાં એની બિસન્ટની ગણના એક અસાધારણ વ્યક્તિ તરીકે થઈ હોત. ૨૬ વર્ષની ઉંમરે તેઓ પોતાના પતિથી જુદાં થયાં અને તે વખતની અતિ આધુનિક એવી ચળવળોમાં અને આદર્શો પાછળ એમણે ઝુકાવ્યું. ચાર્લ્સ બ્રેડલો (Charles Bradlaugh) નામના નાસ્તિક અને એક મહાન પ્રસિદ્ધ કાર્યકરનાં તેઓ નિકટનાં સાથી હતાં. જાહેરમાં જોરશોરથી તેમણે સંતતિનિયમનનો પ્રચાર કર્યો. અગ્રગણ્ય સમાજવાદી તરીકે તેમના મિત્રો અને સહકાર્યકરોમાં જ્યોર્જ બર્નાર્ડ શો (George Bernard Shaw), સિડની અને બેટ્રીસ વેબની (Sidney & Beatrice Webb) ગણના થતી. થીઓસોફીકલ સોસાયટીના સને ૧૯૦૭થી તે ઠેઠ મૃત્યુપર્યંત (સને ૧૯૩૩) તેઓ પ્રમુખપદે રહ્યાં; તેઓ ગાંધીજીના નિકટના પરિચયમાં હતાં અને સને ૧૯૧૬માં ‘ઇન્ડીઅન હોમરૂલ લીગ’ની સ્થાપના કરીને ભારતની આઝાદી માટેના જંગમાં સક્રિયપણે તેમણે ઝુકાવેલું; તેમના સમયના સૌથી મહાન વકતાઓમાં તેમની ગણના થતી.કૃષ્ણમૂર્તિ હવે થીઓસોફીકલ સોસાયટીના પ્રમુખ એની બિસન્ટના દત્તક સંતાન જેવા બન્યા હતા. તેઓ એની બિસન્ટને ‘અમ્મા-મધર’ તરીકે જ સંબોધતા. એમના ઉછેર અને અભ્યાસ માટે એની બિસન્ટ અંગત ધ્યાન આપતાં હતાં. ભવિષ્યમાં એમને જગતગુરુ તરીકે જાહેર કરવા માટે ‘ઓર્ડર ઓફ ધ સ્ટાર’નામની એક અઢળક નાણાંભંડોળ અને વિશાળ અનુયાયી વર્ગ ધરાવતી સંસ્થા ઊભી કરવામાં આવી. પોતાના માટે ઊભી કરેલ આ ભવ્ય સંસ્થા કૃષ્ણમૂર્તિએ વિખેરી નાખી મુક્ત થયા, ત્યાર બાદ પણ છેવટ સુધી કૃષ્ણમૂર્તિ પ્રત્યેનો એની બિસન્ટનો આદરભાવ એવો ને એવો જ રહ્યો.(૩) પરંતુ કૃષ્ણમૂર્તિની ‘શોધ’ કરનાર એક બીજી વ્યક્તિ હતી - એ હતી ચાર્લ્સ લેડબીટર, (Charles Leadbeater) કે જે ૧૮૮૪માં બ્લેવેટસ્કી સાથે ભારત આવીને અદ્દયાર (મદ્રાસ) પહોંચ્યા હતા, જ્યાં બ્લેવેટસ્કીએ થીઓસોફીકલ સોસાયટીનું વડું મથક સ્થાપ્યું હતું. લેડબીટર કંઈક જ્યોર્જ બર્નાર્ડ શો જેવું શક્તિશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા, અને તેઓ પોતામાં ગુપ્તવિદ્યા થકી વિકસેલ આધ્યાત્મિક શક્તિઓ દ્વારા દરેક વ્યક્તિની આસપાસના અદ્રશ્ય તેજવલયને જોઈ એનો અર્થ કરી શકતા એવો એમનો દાવો હતો. અદ્રશ્ય એવા સિદ્ધ મહાત્માઓ સાથે સંપર્ક કરી શકવાનો પણ તેમનો દાવો હતો.જાન્યુઆરી ૧૯૦૯માં નારાયણ નિવૃત્ત થઈને અદ્દયાર આવી વસ્યા. કૃષ્ણમૂર્તિની માતાનું ચાર વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું અને નારાયણના પરિવારમાં હવે બાકી ચાર પુત્રો બચ્યા હતા; જેમાં ઉંમર પ્રમાણે કૃષ્ણમૂર્તિનો ક્રમ બીજો હતો.કૃષ્ણમૂર્તિનું બાળપણ સ્વપ્નિલ અવસ્થામાં અને એક અસ્પષ્ટ મનોદશામાં વીત્યું. શાળા શિક્ષણમાં એમને જરાય રસ નહોતો; પરંતુ યાંત્રિક ચીજવસ્તુઓમાં અને પ્રાકૃતિક વાતાવરણ તરફ એમને ભારે દિલચસ્પી હતી. કલાકો સુધી તેઓ કીડીઓની ગતિવિધિ જોઈ રહેતા યા તો યંત્રરચના સમજવા પિતાના ઘડિયાળના બધા ભાગો છૂટા કરીને તપાસતા. માતા પ્રત્યે તથા નાનાભાઈ નિત્યા પ્રત્યે એમને ભારે લગાવ હતો; ભૌતિક ચીજવસ્તુઓમાં કે અન્ય કશામાં જ એમનો રસ નહોતો. શાળામાં એમને રોજ શિક્ષા થતી પણ એની કશી જ અસર એમના પર થતી નહીં. જાણે કે નિર્લેપતાનો આ ગુણ એમના જીવનમાં છેવટ સુધી વણાયેલો રહ્યો. પ્રસંશા કે ટીકાની તેમના પર કોઈ જ છાપ રહેતી નહીં. એવી જ રીતે અન્ય કોઈના વિચારો કે ખ્યાલોની એમના પર કદી કોઈ અસર પડતી નહીં. થીઓસોફી સંસ્થા દ્વારા ભારતમાં કે ઇંગ્લેન્ડમાં એમના ઉછેર દરમ્યાન પણ એમનો આ ગુણ લાક્ષણિક પુરવાર થયો. કૃષ્ણમૂર્તિએ પોતાની આ લાક્ષણિકતાની સરખામણી એકવાર છિદ્રોવાળા વાસણ સાથે કરેલી – ‘એમાં જે કંઈ રેડો એ બધું જ વહી નીકળે અને કશું જ બાકી રહે નહીં.’સને ૧૯૦૯નું વરસ હતું. કૃષ્ણમૂર્તિની ઉંમર એ વખતે ૧૪ વરસની. એમના પિતા થીઓસોફીસ્ટ હોવાથી, કોઈક વખત તેઓ અદ્દયાર જઈને રહેતા. અદ્દયારના (મદ્રાસ નજીક) સમુદ્ર કાંઠે કૃષ્ણમૂર્તિ નહાતા હતા, અને રમતા હતા, ત્યારે ચાર્લ્સ લેડબીટરની નજર આ કિશોર પર પડી. લેડબીટરને કૃષ્ણમુર્તિના ચહેરાની આસપાસ એવું કંઈક દૈવી તેજવર્તુળ અને આભા દેખાયાં કે જેમાં સ્વાર્થવૃત્તિનો અંશ પણ ન હતો. લેડબીટરે કૃષ્ણમૂર્તિના પિતા નારાયણને કહ્યું કે કૃષ્ણમૂર્તિ અને તેના ભાઈ નિત્યાના ઉછેર-ભણતરની જવાબદારી થીઓસોફીકલ સોસાયટી સ્વીકારશે. અને આ રીતે એક ‘જગતગુરુ’ની શોધ કરવામાં આવી અને એમને શિક્ષણ-તાલીમ આપવાનું શરૂ થયું. આ શોધ માટે લેડબીટરની આધ્યાત્મિક શક્તિઓની વાતમાં શ્રદ્ધા(૪) રાખવી પડે.ગૌર વર્ણ, ભૂરી આંખો અને સોનેરી વાળવાળા એક તિબેટી લામા, સિદ્ધ મહાત્મા કુથુમી (Kuthumi) નામે એક કાશ્મીરી બ્રાહ્મણ તરીકે જન્મ લઈને કૃષ્ણમૂર્તિને વિદ્યા આપતા હતા એવી વાત પણ પ્રચલિત છે. ચાર્લ્સ લેડબીટરની સહાયથી આ સંપર્ક સૂક્ષ્મદેહની ભૂમિકાએ (Astral Plane) ચાલતો. આ રીતે રાત્રે મળતા પાઠો કૃષ્ણમૂર્તિ વહેલી સવારે ઊઠીને લખી લેતા. આ લખાણો પાછળથી સને ૧૯૧૦માં પ્રકાશિત પણ થયાં હતાં. જ્યારે કૃષ્ણમૂર્તિ પંદર વર્ષની ઉંમરના હતા ત્યારે ‘ગુરુને ચરણે’ એવા શીર્ષક હેઠળ આ લખાણો પુસ્તિકાકારે પણ પ્રગટ થયા. એનો અનુવાદ દુનિયાની ત્રીસેક ભાષાઓમાં થઈ ચૂક્યો છે. પાછળથી એવી વાતો પણ બહાર આવેલી કે આ લેડબીટરનું ઊભું કરેલું તરકટ જ હતું. અને છતાં હજી પણ આ પુસ્તિકાની નવી નવી આવૃત્તિઓ બહાર પડતી જાય છે. દિવસના ભાગમાં લેડબીટર અને એના સાથીઓ કૃષ્ણમૂર્તિને અંગ્રેજી ભાષાનું તેમજ અન્ય વ્યવહારુ વર્તણુંક અંગેનું શિક્ષણ આપતા.એવું કહેવાય છે કે કૃષ્ણમૂર્તિમાં એ સમયે એવી કેટલીક મનોવૈજ્ઞાનિક શક્તિઓ (Psychic powers) હતી જે વડે તેઓ કવરમાં બંધ રાખેલ પત્રોમાંનું લખાણ વાંચી શકતા, અન્ય વ્યક્તિઓના વિચારો પણ જાણી શકતા.સને ૧૯૧૧માં એની બિસન્ટ કૃષ્ણમૂર્તિ અને એમના ભાઈ નિત્યાને ઇંગ્લેંડ તેડી ગયા. થોડો સમય ત્યાં રહીને તેઓ પાછા ભારત આવ્યા. અને ફરી સને ૧૯૧૨માં પાછા ઇંગ્લેંડ ગયા અને તે પછી દસેક વરસ એકધારો તેમનો યુરોપનિવાસ રહ્યો.અંગ્રેજોના ઉચ્ચ અમીર વર્ગમાં કૃષ્ણમૂર્તિ અને નિત્યાનો ઇંગ્લેંડમાં ઉછેર થયો. આરંભમાં એમની દેખભાળ લેડી એમીલી લીટન્સ (Lady Emily Lutyens) હસ્તક હતી. લેડી એમીલી લીટન્સ એક વખતના ભારતના વાઇસરોય લોર્ડ લીટન્સનાં પુત્રી અને દિલ્હીના એક આર્કીટેક્ટ સર ચાર્લ્સ લીટન્સનાં પત્ની. બંને ભાઈઓ માટે ત્યાં ઉત્તમ ખાનગી શિક્ષકો રાખવામાં આવ્યા; એમને સુંદર કિંમતી અંગ્રેજી ઢબના પોશાકો પહેરાવવામાં આવતા. અંગ્રેજી રીતભાતની એમને સારી તાલીમ આપવામાં આવી. બંને ભાઈઓ અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા સુંદર રીતે બોલતા થયા. તેઓ ફિલ્મો અને નાટકો જોતા, ગોલ્ફ રમતા અને વેકેશનમાં દૂર દૂર રજાઓ ગાળવા જતા. ક્રમશ: કૃષ્ણમૂર્તિનું બાળપણનું હિંદુપણું ભૂંસાતું ગયું.અભ્યાસ દરમ્યાનની એક પછી એક પરીક્ષાઓમાં કૃષ્ણમૂર્તિ નાપાસ થતા ગયા આથી લાગવગ અને પ્રભાવ (મૈત્રેયના અવતાર હોવા સહિતનો પ્રભાવ) છતાં ઓક્સફોર્ડમાં એમને પ્રવેશ ન જ મળ્યો. લંડન યુનિવર્સિટીનું કે સોરબોન ખાતેનું શિક્ષણ તેઓ પૂરું ન કરી શક્યા.એમ જણાય છે કે કૃષ્ણમૂર્તિ તે વખત દરમ્યાન વિષાદગ્રસ્ત, અને એક પ્રકારના માનસિક સંઘર્ષમાં(૫) હતા. તેઓ એકલવાયાપણું અનુભવતા હતા. શ્રીમતી એની બિસન્ટ એ ગાળામાં ભારતની સ્વાતંત્ર્ય લડતમાં વ્યસ્ત હતાં. પ્રથમ વિશ્વયુધ્ધના આ સમયકાળ દરમ્યાન કૃષ્ણમૂર્તિ અને નિત્યા જાણે કે પરાયા-દેશનિકાલ જેવી સ્થિતિનો અનુભવ કરતા હતા. કૃષ્ણમૂર્તિને વારંવાર એ બાબતની યાદ અપાવવામાં આવતી કે ‘મહાન ભવિષ્ય તેમની સામે છે અને મહાન જવાબદારીઓ તેમણે સ્વીકારવાની છે; કારણ કે જગતગુરુ તરીકે તૈયાર થઈને એમણે જાહેરમાં આવવાનું છે; અનેક દેશોના હજારો અનુયાયીઓ એ માટે સંસ્થા ઊભી કરવા ધન અને જીવન અર્પણ કરી રહ્યા છે. તેમજ અન્ય હજારો લોકો એમના અવતાર તરીકેના પ્રાકટ્યની અને ઉપદેશની રાહ જોઈ રહ્યા છે.’નવાઈની વાત એ છે કે અંતરંગ રીતે આ ઠાઠમાઠ અને ભવ્ય વાતોની કશી જ અસર કૃષ્ણમૂર્તિ પર નહોતી થતી. બાહ્ય રીતે તેઓ શરમાળ, માયાળુ અને સૌમ્ય વ્યક્તિ હતા અને આજે પણ આવું જ વ્યક્તિત્વ એમનું છે. આમ છતાં એ દિવસોમાં તેઓ કંઈક અસ્પષ્ટ હતા; અને છીછરાપણું પણ એમનામાં દેખાતું. છેલ્લાં પચાસ વરસમાં એમના સંપર્કમાં આવનાર આવી કલ્પના પણ ન કરી શકે. શ્રીમતી બિસન્ટ, લેડબીટર અને થીઓસોફીસ્ટો એમની ખૂબ સંભાળ રાખતા. કોઈ એમને સ્પર્શ ન કરે, એમના ટેનીસ રેકેટને પણ કોઈ ન અડે એવી કાળજી તેઓ રાખતા. ટ્રેઈનપ્રવાસમાં પણ બને ત્યાં સુધી એમની બેઠકની આગળ પાછળના કમ્પાર્ટમેન્ટો એમની સાથે પ્રવાસ કરતા એમના સંરક્ષકો રોકી લઈને બેસતા. એમના ભાઈ નિત્યાને પણ એવો જ ઉછેર આપવામાં આવતો. પરંતુ તેને માટે જગતગુરુ થવાનું નહોતું. બંને ભાઈઓ વચ્ચે અસીમ પ્રેમ હતો. ભણવામાં નિત્યા તેજસ્વી હતો અને તે બધી પરીક્ષાઓમાં સહેલાઈથી પાસ થઈ જતો. જીવનના ધ્યેય તરીકે નિત્યાની સામે ધનસંપતિ, લગ્ન અને ગૃહસ્થજીવન હતાં. પણ આ બધું નિત્યા માટે પ્રતિબંધિત હતું. નિત્યાનું કર્તવ્ય માત્ર કૃષ્ણમૂર્તિની સારસંભાળનું હતું; પરંતુ તેની તંદુરસ્તી સદા નબળી રહેતી. પાછળથી નિત્યા ટી. બી.ના રોગનો શિકાર બન્યો.કૃષ્ણમૂર્તિને સલાહ આપવામાં આવી કે કેલિફોર્નીઆ ખીણ પ્રદેશમાં આવેલ ઓહાઈ (Ojai)નાં હવાપાણી નિત્યાની તંદુરસ્તી માટે માફક આવશે. અમેરિકન ભારતીયો આ સ્થળને ઓહાઈ ખીણ કે ‘પંખીઓનો માળો’ કહેતા. આ હરિયાળા ખીણ પ્રદેશમાં નારંગીના અસંખ્ય બગીચાઓ હતા. કૃષ્ણમૂર્તિ અને નિત્યા હવે ઓહાઈ ખાતેની પાઈન કોટેજમાં રહેવા ગયા.અહીં જ ૧૯૨૨ ઓગસ્ટ દરમ્યાન કૃષ્ણમૂર્તિના જીવનમાં કંઈક અગમ્ય અને અવર્ણનીય કહી શકાય એવું આંતરિક પરિવર્તન આવ્યું. આ નજરે જોનારા કેટલાક સાક્ષીઓ હતા જ અને નિત્યાએ આનો એક અહેવાલ પણ શ્રીમતી બિસન્ટ અને ચાર્લ્સ લેડબીટરને લખેલ. કૃષ્ણમૂર્તિએ પણ પોતાના આ અનુભવોની નોંધ લખી છે. (૬)ત્રણ દિવસ સુધી એટલે કે ૧૭ ઓગસ્ટથી ૨૦ ઓગસ્ટ દરમ્યાન (સને ૧૯૨૨) કૃષ્ણમૂર્તિને આખા શરીરે સખત દુ:ખાવો રહ્યો અને તેઓ પીડાની ચીસો પણ પાડતા; આ સમય દરમ્યાનનો સારો એવો ભાગ તેઓ બેભાન અવસ્થામાં જ રહ્યા. કોઈ એમને સહેજ સ્પર્શ કરે તો પણ અસહ્ય પીડા એમને થતી. આજુબાજુ ગંદકીપૂર્ણ વાતાવરણની અને ગરદન તથા માથામાં સખત દુ:ખાવાની તેઓ ફરિયાદ કરતા. ખોરાક બંધ હતો. ટાઢથી થરથરતા છતાં સખત ગરમીની તેઓ ફરિયાદ કરતા. મોટે ભાગે ખૂબ જ યાતનાઓ હોવા છતાં વચ્ચે વચ્ચે કોઈકવાર વિચિત્ર એવી શાંતિમાં તેઓ ડૂબી જતા.અને પછી ત્રીજે દિવસે મરી (Pepper)ના એક કુમળા વૃક્ષ નીચે બેસીને તેઓ કશુંક રટણ કરવા લાગ્યા. કહેવાય છે કે બુધ્ધ, ભગવાન મૈત્રેય અને બીજા દિવ્યાત્માઓ એમની સમક્ષ પ્રગટ થયા. અને પછી કૃષ્ણમૂર્તિ ઊંડી સમાધિની દશામાં પ્રવેશ્યા. આ પ્રસંગના વર્ણનના અંતે કૃષ્ણમૂર્તિના શબ્દો છે, ‘હું ઈશ્વરપ્રેમના નશામાં મસ્ત છું.’ત્યારબાદ પાછળનાં કેટલાંક વરસો દરમ્યાન પણ આવી જ દશામાંથી કૃષ્ણમૂર્તિ કેટલીકવાર પસાર થયા, પરંતુ આ પ્રક્રિયાની કશી સમજણ કે ખુલાસો એની બિસન્ટ કે ચાર્લ્સ લેડબીટર આપી શક્યા નહીં.એક એવો ખુલાસો કરવામાં આવતો કે કૃષ્ણમૂર્તિના શરીર અને મનની સિધ્ધિની આ ચરમદશા હતી, જેથી ભગવાન મૈત્રેય કૃષ્ણમૂર્તિના શરીરમાં પ્રગટ થઈ શકે. એમ પણ કહેવાતું કે કુંડલિની જાગૃતિની આ એક પ્રક્રિયા હતી. કરોડરજ્જુના નીચેના ભાગથી શરૂ થઈને ઉપર મસ્તક સુધી પહોંચતા કુંડલિની શક્તિપ્રવાહનું વર્ણન સદીઓથી હિન્દુ યોગીઓ-ઋષિઓ કરતા આવ્યા છે. એ વર્ણન કૃષ્ણમૂર્તિના આ અનુભવોને તદ્દન મળતું આવે છે એ પણ એક ગૂઢ સંકેત !હવે અલબત્ત કૃષ્ણમૂર્તિને એ અનુભવની કોઈ સ્મૃતિ નથી. વળી કૃષ્ણમૂર્તિની ફિલસૂફીમાં આવી બાબતોને સ્થાન પણ નથી. એટલે છેવટે એમ કહી શકાય કે ઓગસ્ટ ૧૯૨૨માં ૨૭ વર્ષની ઉમરે જેનું વર્ણન ન થઈ શકે એવું કશુંક અગમ્ય એમના જીવનમાં બન્યું ખરું.બાહ્ય રીતે જોતાં એમના જીવનમાં કશો જ ફેરફાર નહોતો થયો. તેઓના પ્રવાસો યથાવત ચાલુ હતા. થીઓસોફીકલ સોસાયટીના ઉપક્રમે યોજાતાં તેમનાં પ્રવચનો ચાલુ જ હતાં. ખાસ તેમના માટે ઊભી કરાયેલ સંસ્થા ‘ઑર્ડર ઓફ ધ સ્ટાર’ના ઉપક્રમે પણ તેમનાં પ્રવચનો યોજાતાં રહેતાં. આ પ્રવચનોમાં પણ એમણે કોઈ ચોંકાવનારી કે અદભુત લાગે એવી કશી જ વાત ન કરી. તેઓ જાણે કે એ સંસ્થાના એક અનુયાયી જેવા હતા, જેમને ભગવાન મૈત્રેયના પ્રાકટ્ય માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા.૧૯૨૩માં એની બિસન્ટે કૃષ્ણમૂર્તિ અને નિત્યા માટે ઓહાઈવાળું પાઈન કોટેજ અને એની સાથેની ૬(છ) એકર જમીન ખરીદી લીધાં. એમાં પાઈન કોટેજ કરતાં પણ એક મોટું મકાન હતું જેને ‘આર્યવિહાર’(૭) નામ આપવામાં આવ્યું. આર્યવિહાર પાઈન કોટેજ અને મરી (Pepper)ના વૃક્ષની નજીકમાં જ હતું. પાછળથી બીજી સેંકડો એકર જમીન ભવિષ્યના ઉપયોગ માટે અને શાળાઓ શરૂ કરવા માટે ખરીદી લેવામાં આવી.બેરેન વોન પેલેન્ડ (Barron von Pallandit) નામના અમીરે કૃષ્ણમૂર્તિને હોલેન્ડમાં ઓમેન (Ommen) ખાતે ૫૦૦૦ એકર જમીન સહિત ‘ઈરદે કેસલ’ (Castle Eerde) અર્પણ કર્યું. વાર્ષિક શિબિરો અને સંમેલનો યોજી શકાય એવો હેતુ આમાં હતો.અને હવે સને ૧૯૨૫નો નવેમ્બર માસ કૃષ્ણમૂર્તિના જીવનમાં પલટો આણનાર બન્યો. કૃષ્ણમૂર્તિ અને નિત્યા ઓહાઈ ખાતે હતા. નિત્યાની તબિયત સારી નહોતી જ. થીઓસોફીકલ સોસાયટીના ઉપક્રમે પ્રવચનો આપવા ભારત જવા કૃષ્ણમૂર્તિને કહેવામાં આવ્યું. નિત્યાને એકલો પાછળ મૂકી જવા કૃષ્ણમૂર્તિનું મન માનતું નહોતું. સોસાયટીના મોવડીઓએ કૃષ્ણમૂર્તિને ખાતરી આપી કે મહાત્માઓ (Masters) નિત્યાનું રક્ષણ કરશે, તેઓ નિત્યાનું મૃત્યુ થવા નહીં દે.અનિચ્છાએ કૃષ્ણમૂર્તિ ભારત માટે રવાના થયા. સ્ટીમર જ્યારે સુએઝ કેનલ પહોંચી ત્યારે એમને તાર મળ્યો : નિત્યાનું અવસાન થયું હતું.આ સમાચારથી કૃષ્ણમૂર્તિ સ્તબ્ધ થઈ ગયા. પ્રવાસમાંના એમના નિકટના સાથીઓના જણાવ્યા મુજબ કેટલાક દિવસો સુધી તેઓ દિવસ-રાત રડતા રહ્યા. સ્ટીમર ભારત પહોંચતાં તેઓ સ્વસ્થ થયા અને વાવાઝોડું જાણે કે પસાર થઈ ચૂક્યું હતું.પરંતુ હવે તેઓ કોઈના પર કશો આધાર નહીં રાખે, કોઈની સાથે પણ સંબંધોથી નહીં જોડાય. આ હવે એમના ઉપદેશનો પણ મધ્યવર્તી સૂર બની રહ્યો.સને ૧૯૨૬થી ૧૯૨૯ દરમ્યાન કૃષ્ણમૂર્તિના ભારત, યુરોપ અને અમેરિકાના પ્રવાસો ચાલુ રહ્યા. આમ છતાં એક સ્પષ્ટ પરિવર્તન એમનામાં દેખાતું હતું. જુદાં જુદાં જાહેર મિલનોમાં પણ આ બાબત તરી આવતી હતી. હવે તેઓ વધુ વિચારમગ્ન અને ગંભીર બન્યા હતા અને શું કરવું-શું ન કરવું એ અંગે બીજાઓથી દોરાવા માટે તેઓ અનિચ્છુક હતા. જાણે કે થીઓસોફીકલ સોસાયટીને આખરી સલામનો ઐતિહાસિક દિન નજીક આવી રહ્યો હતો; સને ૧૯૨૯નો એ ઓગસ્ટ મહિનો હતો. હોલેન્ડમાં ઓમેન ખાતેના શિબિરમાં ત્રણેક હજાર અનુયાયી સભ્યો અને શ્રીમતી એની બિસન્ટની હાજરીમાં કૃષ્ણમૂર્તિએ ઑર્ડર ઓફ ધી સ્ટાર સંસ્થાને બરખાસ્ત કરતી જાહેરાત કરી. એ પ્રસંગનું એમનું પ્રવચન અધ્યાત્મ ક્ષેત્રે એક યુગવર્તી બનાવ કહી શકાય. એમણે સ્પષ્ટ શબ્દોમાં ભારપૂર્વક જણાવ્યુ :“સત્યતો અસીમ છે, અને માટે જ એનો કોઈ માર્ગ કે પંથ હોઈ શકે નહીં. લોકોને દોરવા કે લોકોનું દમન કરવા કોઈ સંગઠિત સંસ્થા બનાવવી જોઈએ નહીં, અસીમ અને તમામ ધારણાઓથી પર હોવાને(૮) કારણે સત્યને ન તો કોઈ સંપ્રદાયમાં બાંધી શકાય કે ન તો સત્યને કોઈ ધર્મ, સંપ્રદાય કે સંગઠિત સંસ્થા દ્વારા પામી શકાય.”તેમણે જણાવ્યું કે તેઓ કોઈપણ આધ્યાત્મિક સંસ્થા સાથે સંકળાયેલા રહેવા નહોતા ઇચ્છતા. કારણ કે ‘આવી સંસ્થાઓ એક પ્રકારની બગલઘોડી, નબળાઈ અને બંધન બની જાય છે, જે આખરે વ્યક્તિને પાંગળો બનાવી દે છે.’તેમણે કહ્યું કે તેઓને કોઈ અનુયાયીઓ કે શિષ્યો ખપતા નથી. કારણ કે ‘કોઈનું અનુસરણ કરતાંની સાથે જ સત્યનું અનુસરણ કરવાનો અંત આવે છે. સત્યના દરવાજાની ચાવી કોઈ ધરાવતું નથી. એ ચાવી તમે પોતે જ છો. તમારી નિર્મળતા જ સત્યને તમારા પ્રતિ લાવશે. !’તેમણે કહ્યું કે આ બાબતો ઉપર તેમણે કાળજીથી, ધીરજપૂર્વક અને કશી ઉતાવળ વગર બે વરસ ચિંતન કર્યું હતું, “આ બાબતોમાં હું બીજા કોઈનાથી દોરવાતો નથી.” અને તેમનો આ નિર્ણય આખરી હતો.ત્યાં ઉપસ્થિત બધા માટે આ એક બહુ જ ભારે અકલ્પનીય આંચકો હતો. થીઓસોફીકલ સોસાયટી અને અન્ય સંબંધિત સંસ્થાઓમાંથી તેમણે રાજીનામું આપી દીધું. એમને આપવામાં આવેલ બધી સંપત્તિ એમણે એ સંસ્થાઓને પરત સુપ્રત કરી દીધી.એ વખતે તેઓની ઉંમર ૩૪ વર્ષની હતી.પૈસો, સત્તા કે સુખસગવડપૂર્ણ જીવન માટેની કૃષ્ણમૂર્તિને કદી પણ તૃષ્ણા ન હતી. લોકોએ જ્યારે કહ્યું કે એમનું આ પગલું એક ભવ્ય ત્યાગ હતો અને પૂછ્યું કે હવે તેઓ શું કરવાના હતા, ત્યારે તેમણે પ્રત્યુત્તરમાં જણાવ્યુ :“મારું એક માત્ર ધ્યેય માનવીને મુક્ત કરવાનું, એના તમામ ભય અને પિંજરાઓમાંથી એને મુક્ત કરવાનું છે. હું કોઈ નવા ધર્મ કે નવી ફિલસૂફીની સ્થાપના નહીં કરું. દુનિયામાં ફરતો રહીશ, લોકોને મળતો રહીશ અને લોકોને મારી વાત કરતો રહીશ. એવા જો માત્ર પાંચ જ માણસો મને ભેટશે કે જેઓ મને ધ્યાનથી સાંભળશે - એ રીતે જીવશે તો એ પૂરતું થશે.”આવો આઘાત પામવા છતાં એની બિસન્ટનો છેવટ સુધી કૃષ્ણમૂર્તિ પ્રત્યે સ્નેહાદર ભાવ રહ્યો. ૧૯૩૩માં ૮૬ વર્ષની ઉંમરે એની બિસન્ટનું અવસાન થયું. સને ૧૯૩૪માં ચાર્લ્સ લેડબીટર પણ ૮૭ વર્ષની વયે અવસાન પામ્યા. બીજા વિશ્વયુધ્ધનાં વરસો દરમ્યાન કૃષ્ણમૂર્તિ ઓહાઈ ખાતે રહ્યા. આ વરસો દરમ્યાન તેઓ એલ્ડસ હક્સલે (Aldous Huxley) અને જાણીતા એવા બીજા અનેક પ્રસિધ્ધ પ્રતિભાસંપન્ન મહાનુભાવોના સંપર્કમાં અને મૈત્રીમાં આવ્યા. ગ્રેટા ગાર્બો (Greta Garbo), ચાર્લી ચેપ્લીન(Charlie Chaplin) જ્હોન બેરીમોર (John Barrymore) જેવા હોલિવુડના ફિલ્મી દુનિયાના તેઓના પ્રભાવશાળી મિત્રો સાથે પણ(૯) તેઓ સહજતાપૂર્વક હળતા-ભળતા. (જ્હોન બેરીમોરે તો કૃષ્ણમૂર્તિને પોતાની ફિલ્મમાં ભગવાન બુધ્ધનો પાઠ ભજવવાની અઠવાડિક પાંચ હજાર ડોલરના પગારથી ઓફર પણ કરેલી, જેનો કૃષ્ણમૂર્તિએ અસ્વીકાર કરેલ.)સને ૧૯૪૮માં તેઓ ભારત આવ્યા. આઝાદી પછીનો ભારતનો આ સમય ભારે ઉથલપાથલોનો હતો. ગાંધીજીની હત્યા થઈ ચૂકી હતી. એવું નોધાયું છે કે જવાહરલાલ નહેરુએ પોતાના દિલનો સંતાપ એકાંતમાં કૃષ્ણમૂર્તિ સમક્ષ ઠાલવેલો.એમનું પુસ્તક ‘એજ્યુકેશન એન્ડ સીગ્નીફીકન્સ ઑફ લાઈફ’ પ્રગટ કરવા હકસ્લેએ એમને પ્રોત્સાહિત કર્યા (સને ૧૯૫૩). ‘ધ ફર્સ્ટ એન્ડ લાસ્ટ ફ્રીડમ (૧૯૫૪) તથા કોમેન્ટરીઝ ઑન લીવીંગ (સને ૧૯૫૬) એ એમનાં યુરોપ, અમેરિકા અને ભારતનાં વર્ષો દરમ્યાનનાં ત્રીસેક પુસ્તકોમાંનાં આરંભનાં આ પુસ્તકો, એમના પોતાના જ શબ્દોમાં લખાયેલાં છે અને છેલ્લા ચાર દાયકા દરમ્યાનનાં એમનાં પ્રવચનો સહિત એ બધું હવે પુસ્તકાકારે ઉપરાંત વિડીયો કેસેટરૂપે પણ ઉપલબ્ધ છે.કૃષ્ણમૂર્તિનો ઉપદેશ શું છે ? સંક્ષેપમાં આ પ્રશ્નનો ઉત્તર અશક્ય છે. કારણ કે મને ખાતરી થઈ છે કે એમના મુદ્રિત શબ્દો કરતાં પણ એમનાં જાહેર પ્રવચનો મહત્વનાં છે, જેમાં એમના શબ્દો એમના સમગ્ર વ્યક્તિત્વમાં અને રોજેરોજના જીવનમાં ચરિતાર્થ થયેલા જોઈ શકાય છે. +++

# ૨ # કૃષ્ણમૂર્તિનું જીવન : ૮૫ વર્ષની ઉંમરે

કૃષ્ણમૂર્તિ સૂર્યોદય થતાં જ ઊઠે છે અને થોડોક સમય પથારીમાં તીવ્ર જાગૃતિની દશામાં અને સંપૂર્ણ વિચારહીન દશામાં તેઓ પડ્યા રહે છે. પછી ૪૫ મિનીટ તેઓ યોગાસન કરે છે. ૩૫ મિનીટ પ્રાણાયામ-શ્વાસોશ્વાસની કસરત કરે છે. સવારે ૮ વાગ્યે તેઓ નાસ્તો કરે છે. નાસ્તામાં ફ્રુટ, સૂકોમેવો, ઈંડાં, ટોસ્ટ, માખણ લે છે – ચા કૉફી કદી પણ નહિ. ભારતમાં તેઓ હોય ત્યારે, નાસ્તામાં ઈડલી-ઢોંસાનો પણ સમાવેશ કરે. એક ચમચો કડવી દૂધીનો રસ પણ તેઓ નિયમિત લે.યુરોપમાં નાસ્તા વખતે તેઓ મોટેભાગે મૌનપણે એકલા જ હોય. ભારતમાં હોય ત્યારે આ સમયે એમની સાથે નિકટના મિત્રો પણ જોડાય. નાસ્તા દરમ્યાન શિક્ષણ, શાળાઓ, ચેતના, મનુષ્યની વિચ્છિન્નતા, કોમ્પ્યુટરો, કૃત્રિમ બુધ્ધિ, માનવમનના પરિવર્તનની સંભાવનાઓ, મૃત્યુ, ઈશ્વર વગેરે અનેક વિષયો પર ચર્ચાઓ ચાલતી રહે.(૧૦)આવા વાર્તાલાપ ઘણીવાર આંતરરાષ્ટ્રીય બાબતો, વૈજ્ઞાનિક શોધો, યુધ્ધ, અણુશસ્ત્રો પરનો અંકુશ વગેરે વિષયો પર પણ પહોંચી જાય. કૃષ્ણમૂર્તિને ઊંડી જિજ્ઞાસા હોય અને ઊંડાણથી પ્રશ્નો પૂછે. વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે થતી અવનવી શોધોની વાતોમાં એમને ભારે રસ.જગતમાં બનતા બનાવોના સમાચાર તેઓ પૂછે. દેશની સાંપ્રત સમસ્યાઓ પર તેઓ મુક્તપણે ચર્ચા કરે. હિંસા, ભ્રષ્ટાચાર, કથળતાં મૂલ્યો વગેરે બાબતો પણ ચર્ચામાં આવે અને ઊંડાણથી આ પ્રશ્નો તપાસાય. આ ચર્ચાઓમાં ઉપસ્થિત સૌ સમાન ભાવે ભાગ લે. શિક્ષક-વિદ્યાર્થી જેવું વાતાવરણ જ નહીં, સૌ સહયાત્રી.દેશમાં શું ચાલી રહ્યું છે ? આપણા દેશની સર્જકતા બધી કેમ નષ્ટ થઈ ગઈ ? આવું પતન કેમ થયું ? આવા પ્રશ્નો પણ તેઓ ઘણીવાર પૂછતા. ઉત્તરોથી એમને સંતોષ નથી. જાણે કે ગંભીર માણસે આ પ્રશ્નો પોતાના અંતરમાં ધરી રાખવાના છે – કદાચ પોતાને જાગૃત કરવા માટે જ પ્રશ્નો પૂછવા જોઈએ અને મન પ્રશ્નો સાથે રહે – પ્રશ્નમાં ઊંડું ઉતરે; કૃષ્ણમૂર્તિનું લક્ષ, આવી અનેક વિસ્તૃત બાબતોને આવરી લે. એકવાર એમણે કહેલ કે, ‘કેટલાક પ્રશ્નો સદાયને માટે જ મનમાં ધારણ કરી રાખવા પડે.’જ્યારે સવારમાં વાર્તાલાપના કાર્યક્રમનું આયોજન હોય ત્યારે નાસ્તાને સમયસર આટોપી લેવામાં આવે. પછી દસેક વાગ્યે વાર્તાલાપમાં ભાગ લેનારાઓનું એક નાનકડું ગૃપ ભેગું થાય અને લગભગ સાડા અગિયાર સુધી ચર્ચા ચાલે. પરંતુ જો આવો કોઈ કાર્યક્રમ ન હોય તો નાસ્તાના ટેબલ પરના સાથીઓ સાથે બે-ત્રણ કલાક વાતો ચાલતી રહે. કેટલાંક ઊંડાણમાંથી આવતાં સત્યો આવા અનૌપચારિક વાતચીતના દૌર દરમ્યાન જ એમના મુખેથી પ્રગટ થયાં છે. આવા વાર્તાલાપો દરમ્યાન ઘણીવાર પોતાની જાતનો ઉલ્લેખ તેઓ “કે” (K) તરીકે એક ત્રાહિત વ્યક્તિની જેમ (ત્રીજા પુરુષ એકવચનમાં) કરતા.તેઓ સાડા સાડા અગિયાર વાગ્યે પોતાના ઓરડામાં જઈ આડે પડખે થાય; ઇકોનોમિસ્ટ, ટાઈમ, ન્યૂઝવીક જેવાં સામયિકો અથવા તો વૃક્ષો, પર્વતો, પક્ષીઓ અને પ્રાણીઓનાં ચિત્રોવાળાં પુસ્તકો તેઓ ઉથલાવે. જાસૂસી કથાઓ-રહસ્ય કથાઓ પણ વાંચે !ગંભીર પ્રકારનાં પુસ્તકો તેઓ કદી ન વાંચે, પરંતુ જગતના સાંપ્રત પ્રવાહો વિષે વાકેફ રહે. નિયમિત રીતે બપોરે શરીરે તેલમાલીશ અને પછી ગરમાગરમ પાણીથી સ્નાન કરે. સવા વાગ્યે બપોરનું ભોજન કરે.તેઓ ખૂબ ધીમેથી જમે. જમવામાં એમની સાથે બેઠેલાઓએ એમનાથી ઘણો સમય અગાઉ ખાવાનું પૂરું કરી લીધું હોય. દરેક વસ્તુ તેઓ સારી રીતે કાળજીપૂર્વક ચાખીને, ચાવીચાવીને ખાય. કોઈ વાનગી વિશેષ ઉત્તમ સ્વાદિષ્ટ બની હોય તો એ વિશે વાત પણ કરે. બપોરના ભોજનમાં આમ બે-એક કલાક તો(૧૧) એમના ખરા જ.ભારતમાં તેઓ ભારતીય પદ્ધતિનો ખોરાક જ લે, જો કે જમવાનો આરંભ તેઓ ફળો અને કચુંબરથી કરે. તળેલું કે મિષ્ટાન્ન તેઓ ભાગ્યે જ ખાય. ગરમ અથાણાં પણ એમને પ્રિય અને એમાંથી તેઓ થોડાંક લે. બપોરના ભોજન વખતે ચર્ચાઓ ફરી ચાલે. પશ્ચિમમાં તેઓ ભોજનના આરંભમાં ફળો-કચુંબર લીધા બાદ સૂપ પીએ અને ત્યારબાદ રાંધેલી વાનગીઓ; આ વાનગીઓ ઇટાલિયન, ફ્રેંચ, મેક્સીકન કે અંગ્રેજ પ્રણાલીની હોય. એમના મિત્રો અને સાથીઓ સાથેની ચર્ચાઓ ભોજન દરમ્યાન જ જામે તેઓ કેટલીકવાર આવી ચર્ચામાં વાર્તાઓ કરે, વન્ય પશુઓ સાથેની પોતાની અથડામણોની વાત કરે. સેંટ પીટર વિશેના સ્વર્ગ અને નરક વિશે રમૂજી ટૂચકાઓ પણ સંભળાવે, રશિયન અધિકારીઓની વાતો કરે અને આ બધી વાતો સાથે તેઓ ગંભીર વિષયોને પણ ચર્ચામાં ગૂંથી લે. પશ્ચિમમાં હોય ત્યારે જમ્યા બાદ ટેબલ સાફ કરવામાં, વાસણો ધોવામાં અને રસોડું સાફ કરવાના કામમાં મદદ કરે. ભારતમાં આ બધું નોકર-ચાકરો સંભાળી લે. બપોરના ભોજન બાદ પોતાના ઓરડામાં જઈ થોડું ઊંઘે. ચારેક વાગ્યે તેઓ થોડાક લોકોને મળે - એમાં પોતાના બાળકના મૃત્યુથી વ્યથિત કોઈ માતા હોય, અંધાપો આવતો-જતો હોય એવી કોઈ સ્ત્રી પણ હોય. સૂર્યાસ્ત થવામાં હોય ત્યારે ફરવા નીકળી પડે. શરીર ટટ્ટાર, ડગ લાંબા લાંબા ભરે. એમના મિત્રો પણ સાથોસાથ ચાલતા હોય. આ રીતે ઝડપથી પાંચેક કિલોમીટર તેઓ ચાલે. સાથોસાથ આજુબાજુનું અવલોકન, શ્રવણ અને પૃથ્વીમાંથી આવતી સુગંધને તીવ્રતાથી અનુભવવાનું ચાલતું હોય. રસ્તા વચ્ચે આવતા નાના મોટા પથ્થરોને તેઓ ઉપાડી લઈ પડખે ફેંકે. આ દરમ્યાન વાતચીત નહિવત જ હોય. તેઓએ કહ્યું છે કે આ સમય દરમ્યાન એક પણ વિચાર એમના મનને સ્પર્શતો નથી.હવામાન કે ઋતુની પરવા કર્યા વગર સાંજે ફરવા જવાનો આ તેમનો ક્રમ અતૂટ. અતિ લાંબા હવાઈ પ્રવાસમાં વિમાનમાં પણ વચ્ચેના પેસેજમાં આમ ચાલતાં તેઓને મેં જોયા છે. ફરીને આવ્યા બાદ હાથ મોં ધોઈને થોડીક શ્વાસોશ્વાસની કસરત તેઓ કરે. સાંજનું તેમનું ભોજન પ્રમાણમાં હળવું. વાનગીઓ બપોરની જેમ જ મોટે ભાગે હોય. કોઈકવાર થોડાક મિત્રો હોય ત્યારે ભોજનના ટેબલ પર મનથી પરની અનંતતાનો નિર્દેશ કરે. યુરોપમાં પશ્ચિમમાં હોય ત્યારે મોટે ભાગે સાંજનું ભોજન પથારીમાં બેઠાં બેઠાં જ એક ટ્રે પર રાખીને લે. આ વખતે ભોજન સાથોસાથ તેઓ ટીવી પણ જોતા હોય કે કોઈક પુસ્તક પણ વાંચતા હોય. કોઈકવાર તબિયત સ્હેજ અઠીક જણાતી હોય ત્યારે બધી જાતના વનસ્પતિ ઔષધો-આયુર્વેદિક દવાઓનો ઉપયોગ તેઓ કરે. સવારના નાસ્તા સાથે નિયમિત તેઓ વિટામિન્સ અને મિનરલ્સની ટેબ્લેટ્સ(૧૨) લે. ખોરાકના નવા નવા પ્રયોગો પણ તેઓ કરતા રહે. આ પ્રયોગમાં કોઈકવાર પ્રોટીન ખોરાક હોય, દૂધ કે નારંગીનો રસ પણ હોય. કોઈકવાર દૂધનો સદંતર ત્યાગ કરીને માત્ર કાચા અનાજ પર રહે. છેલ્લાં વીસેક વર્ષથી તેમના આહારના ક્રમમાં પ્રથમ ફળો, પછી કાચાં શાકભાજીનું કચુંબર અને પછી રાંધેલો ખોરાક અને છેલ્લે એક મિષ્ટ વાનગી ( Dessert ) પણ હોય. શરાબ કે કેફી પીણાં તેઓ કદી પણ નથી લેતા. ધૂમ્રપાન તેમણે જીવનમાં કદી નથી કર્યું. તેઓ હમેશાં શાકાહારી રહ્યા છે. પોતાનાં કપડાં-પહેરવેશ અંગે તેઓ ખૂબ ચોક્કસાઈ અને કાળજી રાખે. તેમનો પોશાક ગરિમાપૂર્ણ અને ઔચિત્યપૂર્ણ જ હોય; પછી ભલેને તેઓ કેલિફોર્નીઆમાં જીન્સ અને શર્ટ પહેરતા હોય, લંડનમાં કોટ –પાટલૂનમાં સજ્જ હોય કે ભારતમાં ભારતીય લેબાશમાં હોય. પોતાના બૂટને જાતે પૉલિશ કરવાનું તેઓને ગમે; ઘણીવાર સાથોસાથ બીજાઓનાં પગરખાંને પણ તેઓ પૉલિશ કરી નાખે !અવારનવાર ફિલ્મ જોવા પણ તેઓ જાય, પાશ્ચાત્ય ફિલ્મો એમને ગમે. કેટલીકવાર સંગ્રહસ્થાનોની મુલાકાતે જાય. ટી. વી. જોવામાં સારો એવો સમય આપે. ભારતીય તેમજ પશ્ચિમી શાસ્ત્રીય સંગીત સાંભળવામાં પણ તેમને સારો રસ. દર વરસે તેઓ દુનિયાભરમાં ઘૂમી વળે અને એમાં વ્યક્તિગત વાર્તાલાપો, નાનાં-નાનાં ગ્રુપમાં ચર્ચાઓ થાય તેમજ હજારો શ્રોતાઓ સમક્ષ તેમનાં વ્યાખ્યાનો એ દરમ્યાન ગોઠવાય. છેલ્લાં સાઠ વરસથી તેમના આવા વિશ્વપ્રવાસો ચાલતા રહ્યા છે; પરંતુ ક્યાંય પણ થોડાંક અઠવાડિયાંથી વધુ તેઓ રોકાય નહીં. કદાચ એમનાથી વધુ લોકો સમક્ષ વાર્તાલાપો કરનાર ઈતિહાસમાં ભાગ્યે જ અન્ય કોઈ વ્યક્તિ જડે. આમંત્રણ હોય ત્યાં જ તેઓ જાય. ફેબ્રુઆરીથી મે માસ દરમ્યાન તેઓ કેલિફોર્નીઆમાં ઓહાઈ ખાતે જ હોય. આ સ્થળ લૉસ એન્જલસથી ૮૦ માઈલ ઉત્તરે આવેલ છે. ત્યાં ‘આર્યવિહાર’ની પાસે આવેલ ‘પાઈનકોટેજ’માં તેઓ રહે. ઠેઠ ૧૯૨૨થી આ તેમનું નિવાસસ્થાન રહ્યું છે. ન્યુયોર્ક, સાનફ્રાન્સીસ્કો, ન્યુ મેક્સીકો વગેરે સ્થળોએ પ્રવચનો કે સેમિનાર માટે તેઓ આમંત્રણથી જાય છે. ઓહાઈ ખાતે ‘કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ઑફ અમેરિકા’ ( K. F. A. ) સ્કૂલ ચાલે. ત્યાં શિક્ષણ અને જીવન વિશે તેઓ અવારનવાર શિક્ષકો તેમજ વાલીઓને સંબોધે.જૂન મહિનામાં તેઓ ઇંગ્લેન્ડમાં બ્રોકવુડપાર્ક ખાતેની ( K. F. E. ) સ્કૂલ ખાતે હોય. એમના એક ચાહકે એક ભારે મોટી રકમ કૃષ્ણમૂર્તિને ભેટ ધરવાની ઇચ્છા દર્શાવેલ. કૃષ્ણમૂર્તિએ તે ન સ્વીકારતાં આ શાળા સ્થાપવાનું સૂચવ્યું. ૧૯૬૯માં આ રીતે આ શાળા સ્થપાઈ. આ શાળામાં આવે ત્યારે તેઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય કર્મચારીઓ જોડે ચર્ચાઓ કરે.જુલાઈમાં તેઓ સ્વીટઝરલેંડમાં Gstaad જાય. અહીં તેઓ માટે એક કુટિર ( Chalet–સ્વીસ ખેડૂતોમાં(૧૩) પ્રચલિત લાકડાંથી બાંધેલ કુટિર ) ભાડે રખાયેલ હોય, ભોજન કુટીરમાં જ લે, પણ કોઈકવાર બપોરના ભોજન માટે તેઓ નજીકના રેસ્ટોરાં તરફ હંકારી જાય. અહીં તેમના પ્રશ્નોત્તરોના કેટલાક કાર્યક્રમો થાય, તેમજ ૬-૭ જાહેર પ્રવચનો યોજાય. આ પ્રવચનોમાં એમને સાંભળવા ત્રણેક હજાર માણસો દર વરસે પહોંચી આવે. ઓગષ્ટના બીજા અઠવાડિયામાં તેઓ ફરી બ્રોકવુડપાર્ક (ઈંગ્લેંડ) પહોંચી આવે અને ઓક્ટોબરની આખર સુધી તેઓ બ્રોકવુડપાર્ક રોકાય. અહીં પણ તેમનાં ચર્ચા-સત્રો, અંગત મુલાકાતો અને જાહેર પ્રવચનો ચાલતાં હોય.નવેમ્બરથી તેઓ લગભગ સાડા ત્રણ મહિના ભારતમાં રહે. પ્રથમ દિલ્હી અને પછી બનારસ જાય, જ્યાં રાજઘાટ ખાતે પચાસ વર્ષ પૂર્વે તેમણે સ્થાપેલ શૈક્ષણિક સંસ્થાઓમાં રહે. આ દરેક સ્થળે તેઓ બે કે ત્રણ અઠવાડિયાં ગાળે. ત્યારબાદ મદ્રાસ ‘વસંતવિહાર’ રહેવા આવે. મદ્રાસનું ‘વસંતવિહાર’ ‘કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા’નું વડું મથક છે. અહીં તેઓ ૩-૪ અઠવાડિયાં રોકાય. પછી અહીંથી ૧૫૦ માઈલ દૂર આવેલી ઋષિવેલી ( Rishy Vally ) સ્કૂલ જઈ ત્યાં ૩-૪ અઠવાડિયાં રહે. આ શાળાની સ્થાપના સને ૧૯૨૬માં થઈ હતી.ભારતથી યુરોપ પાછા વળતાં તેઓ ત્રણ અઠવાડિયાં મુંબઈમાં ગાળે. મુંબઈમાં તેઓ સ્ટરલીંગ એપાર્ટમેન્ટ્સ ખાતે રહે.ભારત ખાતેનાં એમનાં જાહેર પ્રવચનોમાં શ્રોતાઓની સંખ્યા કેટલીકવાર સાતહજારની પણ હોય. અહીં તેઓ પહોળી લાલ કિનારીવાળું ધોતિયું અને સ્હેજ બદામી રંગનો લાંબો ઝભ્ભો પહેરે. (પશ્ચિમમાં પેન્ટ, શર્ટ અને જેકેટ પહેરે) મંચ પર પહોંચે ત્યારે તેઓ કેટલાક લોકોથી ઘેરાયેલા હોય, પણ એ બધા એમને સ્પર્શ્યા વગર સ્હેજ અંતર રાખીને ચાલતા હોય. મંચ પર થોડોક સમય તેઓ મૌન-શાંતપણે બેસે છે, જે દરમ્યાન શ્રોતાઓનું એક પ્રકારનું નૈકટ્ય સર્જાય છે; પછી તેઓનું પ્રવચન શરૂ થાય છે.તેઓ ટટ્ટાર બેસે છે, હાથ ખોળામાં રાખેલા હોય છે. ચહેરા પર હજી ૮-૧૦ દાયકાના કાળપ્રવાહોની રેખાઓ અંકિત નથી થઈ. એમનો અવાજ સ્પષ્ટ અને મક્કમ છે. સમસ્યાને ઊંડાણથી જોઈ લઈને એને એવી રીતે સ્પષ્ટ કરતા જાય છે કે, સમસ્યા પોતે જ પોતાને ક્રમશ: ઉઘાડતી જતી હોય અને સ્મસ્યાનું એક એક પાસું ચર્ચાની તપાસના વ્યાપમાં સમાતું જાય. કોઈકવાર કોઈક મુદ્દો ભારપૂર્વક સમજાવવા માટે મુખભાવ અને હાથના ઈશારાનો તેઓ આશ્રય લે. દોઢેક કલાકના આ વક્તવ્ય દરમ્યાન શ્રોતાઓ અદભુત શાંતિ વચ્ચે જાણે મંત્રમુગ્ધ થઈ કશા જ હલનચલન વગર બેઠા હોય, કે ઊભા હોય. પ્રવચનને અંતે તેઓ સ્થિરપણે થોડીકવાર બેસી રહે.સ્વીટઝરલેંડમાં પ્રવચન પછી તેઓ શમિયાણામાંથી બહાર આવીને ૨૦૦-૫૦૦ વાર છેટે રાહ જોતી(૧૪) કાર સુધી ઝડપથી ચાલીને પહોંચે. પુરુષો, સ્ત્રીઓ અને બાળકો શમિયાણા બહાર ઊભા રહીને મંત્રમુગ્ધપણે એમની સામે જોઈ રહે.ઈંગ્લેન્ડમાં કૃષ્ણમૂર્તિ કપડાં બદલીને પાછા શમિયાણામાં આવે, જ્યાં બપોરના ભોજનનું આયોજન હોય. તેઓ શ્રોતાઓ સાથે હળે-ભળે, બધાં નમ્રતાપૂર્વક વર્તે. કોઈ એમની નજીક આવીને સામાન્ય ઔપચારિક વાતચીત પણ છેડે. અહીં એક સ્થળે ઊભા રહીને કે કોઈકવાર આસપાસ હરતાં-ફરતાં ભોજન પતાવે.ભારતમાં પ્રવચન પછી તેઓ નમસ્તેની મુદ્રામાં હાથ જોડીને ઊભા રહે અને શ્રોતાઓ એમની નજીક ધસી આવે. તેઓ બંને હાથ લાંબા કરીને શ્રોતાઓ સુધી જાણે કે પહોંચતા હોય, અને શ્રોતાઓને એમના હાથનો સ્પર્શ કરવા દે. પછી ધીમેથી પોતાની જાતને મોકળી કરીને મંચ નીચે ઉતરે. હજારો શ્રોતાઓ વચ્ચેથી બહાર નીકળવાનો પેસેજ તદ્દન સાંકડો હોય. તેમના હાથને લોકો નમીને ચહેરાથી સ્પર્શ કરે. ઘડીભર તો લાગે કે ધક્કામૂક્કી મચી જશે. પણ કૃષ્ણમૂર્તિ હાથ સંકોર્યા વગર આગળ વધે અને એમના અસ્તિત્વની પ્રગાઢ શાંતિ જ કશી ધક્કામૂકકી થવા ન દે અને આપોઆપ આ બધું શિસ્તપૂર્વક પાર પડે. લોકો સ્હેજ પાછળ ખસીને એમને આગળ વધવાનો માર્ગ કરી આપતા જાય. મુંબઈમાં કારમાં બેઠા પછી બારીના કાચ બંધ કરતાં એમના સાથીઓને તેઓ રોકે અને પોતાના હાથ બારી બહાર લંબાવે. ગેઈટ સુધી પહોંચતાં કારની લગોલગ ધસી આવતાં સ્ત્રી-પુરુષો એમના હાથને સ્પર્શ કરીને ભાવપૂર્વક પોતાની આંખે પોતાના હાથ અડાડે. સ્ટરર્લીંગ એપાર્ટમેન્ટ આગળ બાળકો જાસ્મીન અને ગુલાબની ફુલમાળાઓ લઈને એમની રાહ જોતાં હોય. તેઓ એ પ્રેમપૂર્વક સ્વીકારીને થોડીક ક્ષણો માટે પહેરી લે અને પછી નજીકના કોઈ બાળકને એ હાર આપે. કોઈ ચરણસ્પર્શ કરે એ એમને ન ગમે. જો એવો પ્રયત્ન કોઈ કરવા જાય તો પોતે નમીને સામેવાળાના ચરણસ્પર્શ કરવા પ્રયત્ન કરે. દસમા દાયકામાં પ્રવેશ સાથે જાણે કે, તેઓ ભારે ઉતાવળમાં છે. ઉત્સાહમાં પણ પ્રચંડ વેગ છે. કશાનો એમને થાક જ નથી. એમના ચાલવાની ઝડપ ઊલટાની વધી છે, અને એમનાથી અડધી ઉંમરના લોકો એમની સાથે ચાલવામાં પાછળ રહી જાય છે. રાત્રે સાડાદસે તેઓ સૂઈ જાય છે. સૂતાં પહેલાંની થોડી ક્ષણોમાં દિવસ આખાની ઘટનાઓ એક ઝબકારમાં જાણે એમના મનમાંથી પસાર થઈને શમી જાય છે. સ્વપ્નો એમને ભાગ્યે જ આવે છે. એમને માટે ‘ગઇકાલ’ જેવુ કશું છે જ નહીં. સને ૧૯૮૦માં કૃષ્ણમૂર્તિએ પુપુલ જયકરને કહેલ કે તેઓ જ્યારે બોલવાનું બંધ કરશે ત્યારે એમનું શરીર મૃત્યુ પામશે. એમના શરીરનું અસ્તિત્વ એક માત્ર હેતુ માટે હતું : ‘સત્યને પ્રગટ કરવા.’ +++ (૧૫)

# ૩ #કૃષ્ણમૂર્તિ સંસ્મરણોની સાથે

જ્યારે હું નવ વરસનો હતો ત્યારે પૂનામાં કેટલાંક અઠવાડિયાં માટે કૃષ્ણાજી સાથે રહેવાનું થયું. સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સોસાયટીમાં મારાં દાદીમાએ ઘર રાખ્યું હતું. એક બેઠકરૂમ અને બે ઓરડાવાળું એ ઘર હતું. રસોડું અને જમવાનો ઓરડો જુદાં - બસો વાર છેટે હતાં.રસોડા સુધી અમે બંને બપોરે જમવા ચાલતાં જતા. સ્હેજસાજ તડકા માટે પણ કૃષ્ણમૂર્તિ હમેશાં છત્રી રાખતા.કેટલીકવાર તેઓ ચાલવાને બદલે દોડવાનું કહેતા અને તેઓ મારી સાથોસાથ દોડતા–અમે સાથે જ પહોંચતા. હું નવ વરસનો, તેઓ ૫૪ના.જ્યારે તેમણે મને પતંગો ઉડાડતો જોયો, ત્યારે તેમણે મને કેલિફોર્નીઆમાંના અનેક આકારના પતંગોની વાત કરી–‘આનાથી પણ મોટા’ એમ પોતાના હાથ પસારીને એમણે કહ્યું. દિવાળી આવતાં અમે પૂનાની બજારોમાં ફરીને ફટાકડાઓ ખરીદ્યા અને રાત્રે આતશબાજીનો આનંદ માણ્યો. એકવાર ફટાકડાબોંબના ધડાકાથી હું ગભરાઈને દૂર ભાગતો હતો તો મને કહે, “અન્ય દિશામાં જોવાને બદલે બરાબર એ ફટાકડાબોંબની સામે જ જોવાનું રાખ.”* જ્યારે હું ૧૪ વરસનો હતો ત્યારે મુંબઈમાં કાર્માઈકલ રોડ પર આવેલ રતનશી મોરારજીને ઘેર હું એમને મળવા ગયો હતો.મેં પુછ્યું, “મારે ધ્યાન ધરવું જોઈએ કે ?” તેમણે કહ્યું, “ના, તું હજી ઘણો નાનો છે. રમો – બધી વસ્તુઓ સાથે રમો. પુષ્પો સામે, છોકરીઓ સામે જુઓ. કશું ગંભીરતાથી ન લો. ચાલીસની ઉંમર સુધી મન પરિપકવ નથી થતું.”બીજે દિવસે ફરી હું એમને મળવા ગયો. અમે નિ:શબ્દ બેઠા હતા. ધીમે ધીમે મારામાં કશુંક પ્રસ્ફુટિત થતું હોય એવી લાગણી થઈ. નિર્મળ શાંતિનો એક પ્રવાહ જાણે કે મને ઘેરી વળ્યો. (હવે વધુ વિગતો વિસ્મૃત થઈ છે.) થોડીક મિનીટો બાદ હું ઊઠીને જતો રહ્યો. અમે એકપણ શબ્દ બોલ્યા ન હતા. અમારો એકબીજાને સ્પર્શ સુધ્ધાં નહોતો થયો.ત્યારબાદ વરસો સુધી હું જ્યારે મળું અથવા વિદાય લઉં ત્યારે તેઓ મારી છાતી પર અથવા પીઠ પર હળવો સ્પર્શ કરતા અને મારું બધું ટેન્શન સૂર્યપ્રકાશમાંના ઝાકળની જેમ ઓગળી જતું.*(૧૬)એ જ દિવસે સાંજે વોર્ડન રોડ પરના મારાં માસીના ઘેર એક મોટા ભોજન સમારંભમાં હું એમને મળ્યો. ઓરડો પસાર કરીને તેઓ મારી પાસે આવીને બેઠા અને પુછ્યું, “તું હમણાં કયાં પુસ્તકો વાંચે છે ?’ “કોમીક્સ અને મેગેઝીનો.” મેં જવાબ આપ્યો. તેમણે મને કાગળ-પેન્સિલ લઈ કેટલાક લેખકોનાં નામ નોંધી લેવા કહ્યું : Aldous Huxley, D. H. Lawerence, P. G. Wodehouse, Lewis Mumford, Sinclair Lewis, Emil Ludwig, “Napoleon તો ખાસ,” Bertrand Russell સહિત બીજા પણ કેટલાક.એમણે કહ્યું, આ લેખકોનાં પુસ્તકો મારે જરૂર વાંચવાં. “તમે એ બધાં વાંચ્યાં છે ?” મેં પુછ્યું. “ના” તેમણે જવાબ આપ્યો, “પણ મારો ભાઈ વાંચતો.”*હું સોળ વરસનો થયો ત્યાં સુધી સેક્સ વિશે અબુધ હતો. ત્યારબાદ પણ મને એની સમજ અધકચરી જેવી હતી. હું કૃષ્ણાજીને મળવા એ શિયાળામાં બનારસ ગયો. ૨૪ કલાકનો પ્રવાસ હતો અને ટ્રેઈનના ત્રીજા વર્ગમાં મારી સાથે રાઓ સાહેબ પટવર્ધન હતા. અમારા ડબ્બામાં બીજા પ્રવાસીઓમાં દૂધવાળાઓ અને શાકભાજીવાળાઓ વગેરે ગ્રામજનો હતા. ગંગાકિનારે રાજઘાટ ખાતે હું રહ્યો જ્યાં દાયકાઓ અગાઉ કૃષ્ણાજીએ સ્થાપેલ સ્કૂલ અને કોલેજ હતાં, અને જ્યાં કૃષ્ણાજી સહિત બધા રહેતા; આમ છતાં બે દિવસ સુધી હું એમને મળ્યો નહીં.અને પછી એક સાંજે રોજિંદા ફરવાના કાર્યક્રમ દરમ્યાન કૃષ્ણાજીએ મને દૂરથી જોયો. તેઓ મારી પાસે આવ્યા, મારા ખબરઅંતર પૂછ્યા અને ચાલવાનું પુન: શરૂ કર્યું. ફરી બે દિવસ સુધી હું એમને મળ્યો નહીં. હું ખૂબ હતાશ થયેલ હતો. એકલતા અનુભવતો હતો અને રડી પણ પડતો. સેક્સને સમજવાની મારી જિજ્ઞાસા તીવ્ર થઈ અને એ માટે બીજે દિવસે વાત કરવા કૃષ્ણાજી પાસે ગયો.“વિચાર એ જ સેક્સની સમસ્યા છે,” એમણે કહ્યું, “જે રીતે તમે એક ગીતને સાંભળો છો, વૃક્ષો વચ્ચેથી આવતી હવાઓની લહેરખીઓને સાંભળો છો એ જ રીતે તમારી ઇચ્છાને સાંભળો.” તેમણે કહ્યું, “સેક્સથી દોરવાઈને લગ્નમાં ન પડો. જો સુંદર ન હોય એવી કન્યાને પરણશો તો સુખી નહીં થાઓ, બીજી છોકરીઓની પાછળ તમે ભમતા રહેશો.”“અને જો હું કોઈ સૌંદર્યવાન કન્યાને પરણું તો ?” “ના, તો પણ તમે સુખી નહીં થાઓ. એ સુંદરી વળી બીજા યુવાનો આસપાસ ભમશે.”ત્યારબાદ રાજઘાટ ખાતે અમે રોજ ફરવા જતા. ગંગા નદીને કિનારે-કિનારે અમે ચાલતા અને આમ્રવાડીઓ પણ વચ્ચે આવતી. સારનાથ તરફના જૂના માર્ગે અમે વળતા અને તેઓ મને કહેતા, “બુધ્ધ આ જ ધરતી પર ચાલેલા.”(૧૭)પછી એમણે કહ્યું, “તમને ખૂબ જ ગમતું હોય એવું કશુંક કામ કરવું એ બહુ અગત્યનું છે. ચિત્રકળાના એક પ્રેમીને હું ઓળખું છું. એ ચિત્રો કરતો રહે છે. એના કુટુંબીઓ એનું બધું સંભાળી લે છે. એકવાર તમે નોકરી કે એવું કશુંક હાથ ધરો એટલે સંઘર્ષ શરૂ થઈ જાય છે. સારો હોદ્દો, મહત્વાકાંક્ષાઓ, સાથીઓ કરતાં આગળ વધવાની સ્પર્ધા એ બધું તમને થકવી નાખશે - ખલાસ કરી નાખશે.”એમણે વધુમાં કહ્યું, “તમે જે કામને ચાહતા હો એ જ કરો. તમે જોશો કે ટેનીસ રમતી વખતે રમત જીતવાના વિચારને બદલે રમતના આનંદ ખાતર જ તમે રમતા હશો તો તમે ઘણી વધુ સારી રીતે રમશો. હું ગોલ્ફનો સારો ખેલાડી હતો પરંતુ જો ટુર્નામેન્ટ હોય કે સીધી સ્પર્ધા હોય તો હું રમી શકતો નહીં.”થોડેક સુધી અમે ચૂપચાપ ચાલતા રહ્યા અને પછી એમણે કહ્યું, “તમારી ઉંમરે તમે ત્રણ મહિનામાં જે કંઈ ઈચ્છો તે કરી શકો – જો તમે લગનપૂર્વક સંકલ્પ કરો તો.”*નદી તરફ જોતો હું કૃષ્ણાજીના ઓરડામાં બેઠો હતો, અમે નિ:શબ્દ બેઠા હતા અને પછી એમણે કહ્યું, “હું ઈચ્છું છું કે તું મારી સાથે પ્રવાસમાં રહે, જેથી હું જેમને મળતો રહું છું એવા વિવિધ પ્રકારના લોકોને તું મળે; ડોક્ટરો, લેખકો, વૈજ્ઞાનિકો, કલાકારો, કહેવાતા ધાર્મિક પુરુષો, ફિલસૂફો, ગૃહસ્થીઓ, પતિઓ, માતાઓ, કારકૂનો, અમલદારો અને એમના ઉપરીઓ............”“ભલે, તમારી સાથે પ્રવાસ કરવાનું મને ગમશે.” મેં પ્રત્યુત્તરમાં જણાવ્યું. “તમે જોશો કે એક દિવસ એમ તમે કરશો.” એમણે કહ્યું.પછી તેમણે મને પૂછ્યું, “કેટલાક લેખકોને વાંચતી વખતે તમને લખવાની વૃત્તિ થાય છે ખરી ?” “હા” મે જવાબમાં કહ્યું.તેમણે સૂચવ્યું કે મારે લખવું. લખવાથી એક પ્રકારની વ્યવસ્થા અને સ્પષ્ટતા આવે છે. તેમણે કહ્યું કે પોતે માંદા અને થાકેલા હોય તો પણ અડધો કલાક અવશ્ય લેખન કરતા. કેટલીકવાર એ પરાણે જ કરતા જે અલબત્ત ન કરવું જોઈએ એમ એમણે સ્વીકાર્યું.“લેખનથી તમારા રોજિંદા જીવનમાં સહાય થશે - ગણિતશાસ્ત્રમાં અને વાતચીતમાં પણ સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે તમે પરિપક્વ હો છો ત્યારે દરેક બાબતને હાર્દ સુધી જોઈ શકવા તમે શક્તિમાન બનો છો. લખવાથી અને ચર્ચાથી બુદ્ધિ તીક્ષ્ણ અને સ્પષ્ટ બને છે.” પછી તેમણે ઉમેર્યું, “રોજ લખો, થોડાંક પાનાં રોજ લખો; છૂટાં પાનાં બાંધી શકાય એવી નોટબુક લઈ લ્યો, ( loose-leaf notebook ) પણ અચૂકપણે રોજ લખો જ.”તેમણે જણાવ્યું, “હું રોજ લખું છું મુલાકાતોની વચ્ચે-વચ્ચે લખું, પ્લેનમાં લખું, થોડાંક પાનાં રોજ(૧૮) લખું. લેખન એ તમારા જીવનનો એક ભાગ જ છે. તમારાથી અભિન્ન છે.” આમ મેં રોજનીશી શરૂ કરી. સને ૧૯૫૭ની તા. ૨૦મી માર્ચમાં મેં નોધ્યું છે, “.....ગમે તે હોય, બનારસ ખાતે કૃષ્ણાજી સાથેના વાર્તાલાપ પછી સેક્સના વિચારો મને સતાવતા નથી.” હું અઢાર વર્ષનો થવા આવ્યો હતો.૧૯ વર્ષની ઉંમરે હું અભ્યાસ માટે લંડન ગયો. બીજે વરસે કૃષ્ણાજી ત્યાં આવ્યા અને તેમણે મને Kensington ખાતેના શ્રીમતી બિન્ડલે (Mrs. Bindley)ના નિવાસસ્થાને આવવા આમંત્રણ આપ્યું. લંડન ખાતેના મારા જીવન વિશે તેમણે અનેક પ્રશ્નો પૂછ્યા, અને પછી મને ઉપરના મજલે લઈ જઈ તેમણે એક કબાટ ખોલ્યો. તેમાં ‘સેવીલ રો’ના સીવેલા સૂટ્સ હારબંધ ગોઠવેલા હતા. તેમણે કહ્યું, “તને મનગમતું આમાંથી લઈ લે.”મારું જેકેટ ઉતારીને કબાટમાંનું એક પહેરી જોવામાં તેમણે મને મદદ કરી. મને પોતાને જ મારા સ્નાન નહીં કરેલ શરીરના પસીનાની ગંધ આવતી હતી. મને એ કપડાં માપમાં બેઠાં નહીં. પછી એમણે મને કેટલીક ટાઈ આપી અને એક ઈલેક્ટ્રીક શેવર આપ્યું અને કહ્યું, “મને થાય છે કે તને હું ‘હન્ટસમેન’માં લઈ જઈ આકર્ષક સૂટ સીવડાવી આપું અને પછી સુંદર બુટ માટે ‘લેબોસ’ લઈ જાઉં,” તેમણે ઉમેર્યું, “સ્વચ્છતા માટે હંમેશાં જાગૃત, સાવધાન રહો, અને હંમેશાં સારાં વસ્ત્રોમાં સજ્જ રહેવું, ઘરમાં એકલા જ હો ત્યારે પણ.”* જ્યારે હું બાવીસ વર્ષનો થયો ત્યારે ગાંડપણની આશંકાથી ભારે ભયભીત રહેતો, મારા પિતાને ફીટ આવતી, હું જ્યારે ૬-૭ વર્ષનો હતો ત્યારે તેમણે મારી માતાને ત્યજી દીધેલ. પછી મેં ઠેઠ ૧૯ વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડ જતાં પહેલાં એમને જોયેલા. તેઓએ ઓક્સફર્ડમાં Balliol College માં શિક્ષણ લીધું હતું અને I.C.S. માં દાખલ થયા હતા; પછી એક યુનિવર્સિટીમાં એન્જીનિયરીંગનું અધ્યાપનકાર્ય કરવા વેપારી પેઢીની એક સારી નોકરી મારા પિતાએ ત્યજી દીધી હતી.મારા પિતાએ બે વાત મને ખાસ ઠસાવતાં કહેલ, "મારી માનસિક અસ્થિરતા વારસાગત નથી, માટે તારે ભય પામવાની જરાપણ જરૂર નથી. બીજું આ મારો માનસિક રોગ કોઈ નબળાઈ કે દબાણને કારણે નથી પણ શરીરમાંનાં કેટલાંક રાસાયણિક અસંતુલનોને કારણે છે." આ પછી ત્રણ વર્ષે મારા પર ગાંડપણનો ભય ફરીથી સવાર થયો. ઓગષ્ટ ૧૯૬૧માં હું મુંબઈ થોડીક રજાઓ ગાળવા આવ્યો હતો. જેને હું છ-એક વર્ષથી ઓળખતો હતો એ કન્યા સાથે મારી સગાઈ થઈ હતી. એ સમયે હું સામાન્ય રીતે સુખી હતો.કૃષ્ણાજી એ વખતે પેરિસ હતા. સપ્ટેમ્બરમાં હું લંડન પાછો ફરવાનો હતો. મેં એમને પત્ર લખ્યો. સેન નદીના કાંઠે એમણે પોતાના ઓરડામાં મને આવકાર્યો. એમના યજમાન કાર્લો સ્વેર્સ ( Carlo Suares ) અને એક મિત્ર લિયોન દ’વિદાસ ( Leon De Vidas ) ત્યાં હતા. કૃષ્ણાજી મને પડખે લઈ ગયા, કાળજીપૂર્વક(૧૯) તેમણે મારી દાસ્તાન સાંભળી, તેમણે મને પૂછ્યું, “તું વ્યાયામ કરે છે ?”બીજે દિવસે તેમણે મને કહ્યું, “ચિંતા ન કરતો તને ગાંડપણ નથી આવવાનું. ત્યારબાદ ફરી કદી પણ ગાંડપણનો ભય મારી પાસે ફરક્યો નથી. થોડા દિવસો માટે હું ડોરડોગ્નની ( Dordogne ) ખીણમાં આવેલ મોંશ્યોર દ’વિદાસના ( Monsieur De Vidas ) ઘેર રહું એવી ગોઠવણ એમણે કરી. અહીંના વાતાવરણમાં શરાબની બોલબાલા હતી પણ મેં કદી શરાબનો સ્પર્શ ન કર્યો.ગાંડપણનો ભય ત્યારપછી મને કદી આવ્યો નથી. *ત્યારબાદ એકાદ દાયકા સુધી કૃષ્ણાજીને મળવાનું થયું જ નહીં. હું પરણી ગયો. થોડાંક વર્ષો મેં યુરોપમાં વિતાવ્યાં અને ભારત પાછો ફર્યો; મારી બાળસહજ નિર્દોષતા એ ભૂતકાળની વાત થઈ ગઈ હતી.અનિચ્છાએ આવી પડેલ મારા પ્રથમ બાળકો જન્મ કંઈક આઘાતરૂપ હતો, હું નોકરીમાં જોડાઈ ગયો.ફરી હું કૃષ્ણાજીને મળ્યો ત્યારે હું મારી ત્રીસીમાં હતો. તેમનો ઉતારો સ્ટરલીંગ એપાર્ટમેન્ટમાં હતો. ત્યાં હું મુંબઈમાં રહેતો હતો. હું એમની સાથે રોજ રેસકોર્સ પર ફરવા જતો. એક સાંજે એમને એપાર્ટમેન્ટ પર કારમાં લઈ જતો હતો ત્યારે મેં એમને સૌંદર્ય વિશે અને સ્ત્રી-પુરુષ સંબંધો વિશે પૂછવાનું શરૂ કર્યું, કારમાં અમે બે જ જણ હતા.તેમણે કહ્યું, “હું જ્યારે યુવાનીમાં હતો ત્યારે પેરિસમાં કેટલાક મહિના માટે રહેવાનું થયું. મારો ભાઈ પણ સાથે હતો. હું રૂવાબદાર કપડાં પહેરતો અને રસ્તાઓ ઉપર ટહેલવાનું અને સારા રેસ્ટોરાંમાં જવાનું મને ગમતું. અને જાણો છો - એક પણ સ્ત્રી મારી નજીક આવી નહીં કે મારી સામે ઈંગિતપૂર્વક નજર ન કરી.”“મને ખબર નહીં કે તમે રેસ્ટોરાંમાં જતા હશો,” મેં કહ્યું. “ક્યારેક-ક્યારેક” એમણે કહ્યું. “મારો ભાઈ અને હું હેડવેઈટર સાથે લંબાણથી વાતો કરતા અને ઊંચા પ્રકારનો શરાબનો ઓર્ડર આપતા, પછી અમે તબિયત બરાબર ન હોવાનું બહાનું કાઢીને શાકાહારની વાનગીઓનો ઓર્ડર આપી, શરાબ વેઈટરને આપી દેતા.પછી તેમણે મને હોલીવુડની એક પ્રખ્યાત સિનેતારિકાની વાત કરી. તેઓ દક્ષિણ કેલિફોર્નીઆના એક મકાનમાં રહેતા હતા. તે એક વિશ્વપ્રસિદ્ધ સંગીતકાર સાથે રહેતી હતી.સિનેતારિકા સંગીતકાર સાથે વાતચીત કરી રહી હતી; મને જોતાં જ તે મને આલિંગનમાં વળગી પડી. પછીથી હું તેની કાર સુધી એને વળાવવા ગયો ત્યારે ફરી તેણીએ પોતાના હાથોમાં મને જાણે કે વીંટી લીધો. તેણીએ જોયું કે હું દિગ્મૂઢ બનીને પાછળ હટી ગયો હતો.”“તે શું બહુ જ સુંદર હતી ?” મેં પૂછ્યું.(૨૦)“ગમે તેટલી સુંદર હોય તેથી શું ?” કૃષ્ણમૂર્તિએ જવાબ આપ્યો.ઘણાં વર્ષો બાદ એકવાર એમણે મને કહ્યું, “હું સેક્સનો ( જાતિયતાનો ) વિરોધી નથી. જ્યારે યુવાની હોય ત્યારે સેક્સ સાહજિક છે. પરંતુ હવે, આસિત, જુઓ, તમે જો સેક્સને જુદા અભિગમથી જોઈ શકો.”“તમે જે કહેવા માંગો છો તે સ્પષ્ટ કરો ને,” મેં કહ્યું.તેમણે સેક્સ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું, “સેક્સનું દમન ન કરો, એનાથી દૂર પણ ન ભાગો, પરંતુ સાથોસાથ સેક્સની તાબેદારીમાં ન પડો. પ્રયત્ન કરી જુઓ. પછી તમે એ જોઈ શકશો.”મેં એ પ્રમાણે કર્યું. પછી તો શક્તિના આશ્ચર્યજનક પ્રવાહનો, પૂર્ણ જીવંતતાનો અનુભવ મેં કર્યો. મારામાંનું આ પરિવર્તન દેખાતું હોવાનું તેમણે કહ્યું. ત્યારબાદ તરતમાં તેઓ લંડન જવા રવાના થયા. આ અનુભૂતિ મારામાં એકાદ અઠવાડિયું રહી - ફરીવાર કદી આવી અનુભૂતિ મને થઈ નથી. *ફેબ્રુઆરીમાં અમે ઈંગ્લેન્ડ હતા. કૃષ્ણમૂર્તિ અને હું હેમ્પશાયર (Hampshire) ખાતેની K.F.E. સ્કૂલમાં હેમ્પશાયર ખાતે રહીએ છીએ. કૃષ્ણાજીએ ગોળાકારની ચપટી વુલન ટોપી (beret) પહેરેલ છે. બહાર સખત ઠંડી છે, છતાં ચાલવાની કસરત તેઓ કદી ચૂકતા નથી. અમે સ્કૂલ પાછા આવીને પ્રિન્સિપાલની ઓફિસ આગળ ઊભા રહીએ છીએ. અહીં કૃષ્ણમૂર્તિનો ૧૯૨૯માં લેવાયેલ એક મોટો ફોટોગ્રાફ છે. ફોટોગ્રાફની નજીકમાં જ ઊભા રહીને વુલન ટોપી પહેરેલ કૃષ્ણમૂર્તિ ટેલિફોન પર કોઈકની સાથે વાત કરી રહ્યા છે. એ દ્રશ્ય હું કેમેરામાં ઝડપી લઉં છું. તેઓ ટેલિફોન પર વાતચીત કરવામાં બહુ કુશળ નથી અને વાતચીત તેઓ ટૂંકમાં જ પતાવે.બીજે દિવસે અમે લોસ એન્જલ્સ ડાયરેક્ટ ફ્લાઈટથી જઈએ છીએ. ધ્રુવ પ્રદેશ થઈને હવાઈ માર્ગ છે અને બધે શ્વેત દ્રશ્ય છે. કૃષ્ણમૂર્તિ લખી રહ્યા છે, હું બોલી ઊઠ્યો, “જમીનનું જાણે ક્યાંય નામોનિશાન નથી દેખાતું.”“થોભો, થોડી મિનીટોમાં જ તમારી જમણી તરફ બરફે ચર્ચના પડછાયાનો આકાર ધારણ કરેલ દેખાશે.”આ સાંભળી એરહોસ્ટેસે કહ્યું, “અહીં કોઈ લેન્ડમાર્કસ કે આઈસબર્ગ્સ નથી હોતા,”“થોભો, તમે એ જોશો,” કૃષ્ણમૂર્તિ પોતાની વાત પર જ રહ્યા. બરાબર થોડીક મિનીટોમાં જ અમારી નીચે એક બરફનો પહાડ અને એનો પડછાયો દેવળ આકારનો જ છે. એ દ્રશ્યના થોડાક ફોટા ઝડપથી મેં લઈ લીધા અને કૃષ્ણાજી તરફ આશ્ચર્યથી હું જોવા લાગ્યો. તેઓ ફરી લેખનમાં લાગી ગયા. *(૨૧)“જો તમને Psychological સ્મૃતિ ન હોય તો ભૌતિક વસ્તુઓની તમારી સ્મૃતિ તીવ્ર હશે. તમને ખબર છે ? એકવાર મેં આંખે પાટા બાંધીને રહેવાનો એક અઠવાડિયાનો પ્રયોગ કર્યો. મેં જોયું કે મારી અન્ય જ્ઞાનેન્દ્રિયો ખૂબ જ સતેજ બની ગઈ. શું થાય એ જોવા મારે આ પ્રયોગ કરવાનો હતો.”*ઋષિવેલી સ્કૂલની બહાર જતા માર્ગ પર કૃષ્ણાજી અને હું ચાલી રહ્યા હતા, કૃષ્ણાજીએ ઋષિકોંડા નામની ટેકરી તરફ વળી નજર કરી,સૂર્ય થકી આકાશમાં લાલીમા છવાઈ ગઈ હતી, અત્યંત ચમત્કૃતિપૂર્ણ દ્રશ્ય બની ગયું હતું.“આજ તો છે તારે નમન કરવા યોગ્ય.” તેમણે કહ્યું. મસ્તક સુધી ઊંચે લઈને પોતના હાથ જોડીને એમણે ફરીથી દોહરાવ્યુ, “આ જ તો......નમન કરવા યોગ્ય છે.”“તને ખબર છે,” – એમણે કહ્યું, “જ્યારે મેં પાર્થેનોન (એથેન્સનું ‘કુમારિકા મંદિર’ જે ઈ.સ. ૪૪૭-૪૪૮માં બંધાયેલ) નાં પ્રથમવાર દર્શન કર્યાં ત્યારે ઘૂંટણીયે પડીને મેં હાથ જોડ્યા હતા. સારું થયું, એ વખતે કોઈ ત્યાં હાજર ન હતું.”અમે નિ:શબ્દ આગળ ચાલ્યા અને પાછા વળતાં સભાગૃહના બારણા આગળ ઊભા રહી ગયા. અંદર એક મહાન ભારતીય સંગીતકારનું ગાયન ચાલતું હતું.કૃષ્ણમૂર્તિ થોડો સમય અંધકારમાં ચૂપચાપ સંગીત શ્રવણ કરતા ઊભા રહ્યા; અને પછી થોડેક આગળ જઈને ઝડપથી ભોંય પર (જ્યાં શ્રોતાઓનાં બૂટચંપલ પડ્યાં હતાં) બેસી ગયા. શ્રોતાગણ અંદર સંગીતમાં ડોલી રહ્યો હતો અને કૃષ્ણમૂર્તિ તરફ કોઈનું ધ્યાન પણ ન ગયું. બે કલાક આ રીતે ભક્તિસંગીતના શ્રવણ બાદ જ્યારે અંધકારમાં જ પોતાના રૂમ પર પાછા ફર્યા, ત્યારે એમણે મને કહ્યું, “તને ખબર છે, આ બધાં ગીતો ધાર્મિક ભક્તિ-ગીતો હતાં, આજકાલનાં પશ્ચિમનાં વાહિયાત પ્રેમલા-પ્રેમલીનાં નહીં.” સભાખંડમાં એ સંગીત વહેલી પરોઢ સુધી ચાલેલું.*કૃષ્ણાજી અવારનવાર મને કમ્પ્યુટર્સ અને કૃત્રિમ બુદ્ધિ વિશે પૂછતા. તેમના મતે માનવમન માટે આ પડકારરૂપ હતું. જો મગજના સ્નાયુઓનો પૂરતો ઉપયોગ ન થાય તો કાળક્રમે માનવ મગજ નબળું પડતું જાય. તેમણે પૂછ્યું, “તને લાગે છે કે એ લોકો માણસના મગજ જેવું જ સૂક્ષ્મ કોમ્પ્યુટર બનાવી શકશે ?”મેં જવાબમાં કહ્યું, “જાપાનીઝો આવાં કહેવાતાં પાંચમી પેઢીનાં –Fifth Generation કોમ્પ્યુટરો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બુદ્ધિ શું છે એ તેઓ હજી સમજી શક્યા નથી, એટલે તેઓ હજી તેઓ સફળ નથી થયા. જો બુદ્ધિનું રહસ્ય એમને સમજાઈ જાય તો એમને વિશ્વાસ છે કે તેઓ માનવમન-માનવબુદ્ધિનું(૨૨) સ્થાન લઈ શકે એવું યંત્ર બનાવી શકે.”‘તો તેઓ વિચાર દ્વારા બુદ્ધિને પામવા મથી રહ્યા છે એમ ને ?’ કૃષ્ણાજીએ પૂછ્યું, ‘હા’ મેં કહ્યું.“તો તો એ સાવ જ ભૂલભરેલું છે. બુદ્ધિ સાથે વિચારની કશી જ નિસ્બત નથી. વિચાર દ્વારા બુદ્ધિને પામી શકાય જ નહીં.” આમ છતાં તેમણે ઉમેર્યું , “કોમ્પ્યુટર, જેનેટિક એન્જીનિયરીંગ વિદ્યા, નવી ટેક્નોલીજી વગેરેના મન અને માનવચેતના સામેના પડકારો લોકો જોઈ શકતા નથી. આપણે ચર્ચા ગોઠવશું કે ?”અને અમારે ઘણે સ્થળે ઘણા લોકો સાથે ઘણી ચર્ચાઓ થઈ. પણ એ તો જુદો વિષય છે; અને વળી એવી ચર્ચાઓનો હજી ક્યાં અંત આવ્યો છે ?

ઓહાઈ ખાતે આર્યવિહારમાં બપોરના ખાણા સમયે એકવાર કૃષ્ણાજીએ કહ્યું, “જો મને જાણવા મળે કે આવતીકાલે અહીં બુદ્ધનું પ્રવચન છે, તો એમને સાંભળવા જતાં દુનિયામાં મને કશું પણ અટકાવી શકે નહીં; અને છેવટ સુધી હું એમને અનુસરું.”લંડનના એક પ્રસિદ્ધ ભૌતિકવિજ્ઞાનશાસ્ત્રી અને ન્યુયોર્કના એક મનોવૈજ્ઞાનિક ઉપસ્થિત હતા. મનોવિશ્લેષણની યથાર્થતા (validity) અંગે કેટલાક દિવસોથી તેમની સાથે ચર્ચાઓ ચાલી રહ્યાનું દેખાતું હતું. કૃષ્ણમૂર્તિએ કહ્યું, “વિશ્લેષણ સમજ પ્રત્યે કે પ્રજ્ઞા (insight) તરફ દોરી જઈ શકે નહીં; વિશ્લેષણ નહીં પણ અવલોકન.”ભોજન પહેલાં મનોવૈજ્ઞાનિકે કૃષ્ણમૂર્તિને કહ્યું કે તે હજી હાર્યો ન હતો, હજી તો માત્ર પાંચમો રાઉન્ડ આ ચર્ચાનો હતો. કૃષ્ણમૂર્તિએ શાંત સ્વરે કહ્યું, “મારા માટે તો માત્ર એક જ રાઉન્ડ છે.”કૃષ્ણમૂર્તિ વહેલી સવારે ઊઠ્યા, એક કલાક યોગાસનો કર્યાં, ઘેરા બ્લ્યુ રંગનું ઊનનું ગૂંથેલું જેકેટ પહેરી Oak Grove પહોંચ્યા, જ્યાં ૧૧-૩૦ થી ૧૨-૩૦ સુધી એક કલાક સતત જુસ્સાપૂર્વક તેમણે પ્રવચન આપ્યું. સુંદર શીતળ એ દિવસ હતો. આર્યવિહાર આવીને બપોરે ભોજન લીધું. ભોજનના ટેબલ પર સાંજના ચાર વાગ્યા સુધી તીવ્રતાપૂર્વક વાર્તાલાપ એમનો ચાલુ રહ્યો. પાંચેક વાગ્યે ૪૫ મિનીટ ઝડપથી ચાલવાની કસરત પતાવી પાઈન કોટેજ પર તેઓ પાછા ફર્યા. આ એમની ૮૫મી વરસગાંઠનો દિવસ હતો. *ઇંગ્લેન્ડમાં બ્રોકવુડ પાર્ક (Brockwood Park) ના મેદાન પર ફરતાં ફરતાં અમે પાછા આવ્યા હતા; મે મહિનાની આખર હતી અને વન-ઉપવનમાં બહાર હતી. ઊંચાં વૃક્ષોની આસપાસ ફૂલો વેરાયેલાં પડ્યાં હતાં.“તમે જોયું કે,” એમણે કહ્યું, “જંગલમાં પ્રથમ દિવસે પ્રથમવાર આપણે દાખલ થઈએ ત્યારે કંઈક(૨૩) અપરિચિત વાતાવરણ હોય અને જાણે કે પ્રકૃતિ-વૃક્ષો આપણું આગમન ઇચ્છતાં ન હોય; સંકોચસહ ‘ઠીક છે’ કહીને ચૂપચાપ આપણે ભમતા રહીએ, બીજે દિવસે આવો અવરોધ (પ્રતિકાર) ઓછો થાય છે; અને ત્રીજે દિવસે તો જાણે કશી રુકાવટ નથી.”પ્રકૃતિ સાથે વાતો કરવાનું મારું કામ નહીં; આથી આ એવો વિષય હતો જેના પર કૃષ્ણમૂર્તિ સાથે મેં કદી ચર્ચા કરી નહીં.તેઓ ભારતમાં એકવાર એક કુટીરમાં આસનો કરી રહ્યા હતા ત્યારનો એક પ્રસંગ એમણે સંભળાવ્યો. “બારીમાં સળિયા હતા, અને એક વાંદરાએ આવીને સળિયામાંથી મારી તરફ હાથ લંબાવ્યો. મે તેનો હાથ મારા હાથમાં લીધો. એની હથેળી ખરબચડી હતી, પણ હથેળીનો ઉપરનો ભાગ રેશમ જેવો અત્યંત મુલાયમ હતો. વાંદરો ઓરડામાં આવવા ઈચ્છતો હતો. પણ મેં એને કહ્યું, “અંદર તારા માટે જગ્યા નથી, હું આસનો કરી રહ્યો છું;” અને વાંદરો ચાલ્યો ગયો.પછી તો એમણે વાઘ, રીંછ, સર્પ, રાની બિલાડા જેવાં અનેક ભયાનક પ્રાણીઓ સાથેના ભેટાની પોતાની વાતો કરી. તેમણે કહ્યું, “તમે જો પોતે લાગણીશીલ હો તો બીજી બધી વસ્તુઓ સાથે પણ તમારો વ્યવહાર લાગણીભર્યો હશે. ગુલાબ કે કોઈપણ પુષ્પ છોડ પર હોય ત્યારે હું એને ચૂંટી શકતો નથી. તમે કદી વૃક્ષો-પુષ્પોને જુઓ છો - ખરેખર વાસ્તવમાં ‘જુઓ’ છો ?”‘ ના.’ મેં પ્રત્યુત્તરમાં કહ્યું.“તમે ઘણું બધું ગુમાવો છો.” તેમણે વાત ચાલુ રાખતાં કહ્યું. “એક દિવસ બનારસમાં હું એક આંબાવાડીયા પાસેથી જઈ રહ્યો હતો. મારા સાથીએ વાત કરી કે ઘણાં વર્ષોથી હવે આ વૃક્ષો ફળતાં નથી એટલે હવે આ વૃક્ષોને તેઓ કાપી નાખવાના છે.”મેં વૃક્ષોને સંબોધીને કહ્યું, “જોયું ને ! ફળ નહીં આપો તો તમને કાપી નાખશે.”“પછી શું થયું હતું ?” મેં પૂછ્યું.“એ વર્ષે એ વૃક્ષો ફળ્યાં.” તેમણે પ્રત્યુત્તર આપ્યો, “આનો અર્થ એવો નથી કે મારા થકી જ આમ બન્યું.”* કૃષ્ણાજી અને હું Brockwood Park થી લંડન જવા રવાના થયા. કૃષ્ણમૂર્તિને ડેન્ટીસ્ટ પાસે જવું હતું, અને મારે પાછું મુંબઈ જવું હતું. સવારના ૯-૪૫ કલાકે કૃષ્ણમૂર્તિ તૈયાર થઈને દાદરા પર આવી ઊભા. તેઓ ખૂબ સુંદર લાગતા હતા.હવામાન સરસ હતું, સૂર્ય પ્રકાશી રહ્યો હતો, વાદળાં કે વરસાદનું કોઈ ચિહ્ન ન હતું, Petersfield(૨૪) સ્ટેશને કૃષ્ણમૂર્તિ Brockwood પાર્કના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા, એ દ્રશ્ય મેં કેમેરામાં મઢી લીધું; પછી મને તેમણે પોતાની સામે બેસવા કહ્યું. મારા તરફ સ્હેજ નમીને તેમણે મને પૂછ્યું, ‘તારું મન સંઘર્ષમુક્ત છે કે ?’‘ના’ મેં કહ્યું.તેમણે કહ્યું, “તને ખબર છે –કોઈપણ તીવ્ર સંવેદનો મગજને આઘાત-આંચકારૂપ હોય છે. ગુસ્સો, ક્ષણિક ક્રોધ, ભય, ચિંતા વગેરે મગજને વિક્ષિપ્ત કરે છે અને મગજને આથી અસર પહોંચે છે.”“વિધેયાત્મક ( positive) સંવેદનો વિશે શું કહો છો ?” મેં કહ્યું. “દાખલા તરીકે ?” એમણે પૂછ્યું. “આનંદ, શુધ્ધાનંદની નશા જેવી દશા,” મેં કહ્યું.“એવું તો બહુ ઓછું જ બને ને !” સ્મિતપૂર્વક એમણે કહ્યું. તેમણે ચર્ચાને લંબાવતાં કહ્યું, “મુલાકાતો કે સભાઓની વચ્ચે વચ્ચે તમારે મગજને આરામ આપવો જોઈએ. ઓફિસે જતી વખતે માર્ગમાં આસપાસ દ્રષ્ટિ કરો. ઓફિસ પહોંચીને કરવાનાં કામો અંગે કે મીટીંગો અંગેના વિચારો બંધ કરો. એમ નહીં કરશો તો તમે કંઈક અપેક્ષાઓ નક્કી કરશો; એક ચોક્કસ સ્વરૂપ ભૂતકાળના અન્ય વ્યક્તિઓ કે ઘટનાઓના આધારે તમે ઊભું કરશો. મગજ માટે આમ સતત સંતાકૂકડીની જેમ વિચારોના ચક્કરમાં અટવાયા કરવું ભારે હાનિકારક છે. હું જ્યારે વાર્તાલાપ આપવા રવાના થાઉં છું ત્યારે મારા મનમાં એ માટેનો કશો વિચાર હોતો નથી; આથી જ્યારે હું બોલું છું ત્યારે બધી જ શક્તિ અને જાગરુકતા એમાં સહજ હોય છે.”“તમારે વ્યાયામ કરવો જોઈએ અને યોગ્ય આહાર લેવો જોઈએ તથા મગજને તંદુરસ્ત અને કાર્યશીલ રાખવું જોઈએ. તમને કેટલાં વર્ષ થયાં ? ૪૧ લગભગ થયાં જ હશે ! આ કંઈ હવે યુવાની ન ગણાય.”*મારી ઉંમર વધતી ગઈ તેમ એમના શબ્દોની અસર મારા પર હવે ઝાઝો સમય ટકતી નહીં. મારી ખવાપીવાની આદતો સાથે મારું વધતું વજન તેઓ જોતા. તેમણે મને કહ્યું, “કંઈક સંભાળ રાખો સાહેબ, તમારા મગજ અને હૃદયને હળવાં અને સ્ફૂર્તિવાળાં રાખો. દર ૩-૪ દિવસે એક ટંક જમવાનું બંધ રાખો. ટબમાં બરફ જેવું ઠંડુ પાણી ભરીને એમાં કટિસ્નાન કરો. તેમણે મને પેટની કસરતો બતાવી અને રોજ-રોજ કરવા કહ્યું. એમના પેટનો સ્પર્શ કરી જોતાં તે સખત અને પોલું જણાયું. તેમનું ૫૧ કિલો વજન ઠેઠ યુવાકાળથી જ વધઘટ વિના જળવાઈ રહ્યું હતું; આથી જ પોતાના ૫૦ વર્ષ પહેલાંનાં કોટ-પાટલુન તેઓ પહેરી શકતા હતા. તેમણે મને શ્વાસો-શ્વાસની કસરતો શીખવી.(૨૫) પોતાનાં શર્ટસ અને કેટલીક ટાઈ મને આપતાં કહ્યું, “slim અને elegant બનો.”મેં તેમને મારી હતાશા, વિફળતાની વાત કરી. કંટાળા અને એકલતા વચ્ચેના મારા ખાવા-પીવા અંગેની વાત કરી. તેમણે કહ્યું, ‘મને પત્ની, બાળકો અને નોકરી હોત તો પણ મારી પાસે ફુરસદના બે કલાક રહેત. એ બે કલાક દરમ્યાન હું ભય, વિષાદ, તૃષ્ણા, વિચારોની પ્રક્રિયાઓ વગેરેમાં ડોકિયું કરીને મારી પાસેનું બધું એ સાટે અર્પણ કરું. એ બે કલાકનો સમય મારું જીવન બનશે.’આગળ વાત કરતાં તેમણે કહ્યું, “અમુક પૈસો તમારી પાસે હોવો જોઈએ. તમને કેટલો પૈસો જોઈએ ? તમારી પાસે કેટલું ધન છે ? ન હોય તો એ માટે કામ કરો. તમારો વેપારધંધો સારી રીતે ચલાવો અને જોઈતા પૈસા પેદા કરો.” હું શાંત બેઠો હતો. “તમે ક્યાં રહેવાનુ-ઠરીઠામ થવાનું પસંદ કરો ?” તેમણે પૂછ્યું, “કેલિફોર્નીઆ કેમ થાય ? કે ભારત ? હમણાંની જેવું બધુ મારું ન હોય તો હું ઋષિવેલી જેવા ભારતના કોઈક ગામડામાં શાંતિથી રહેવાનું પસંદ કરું.”“દુનિયા ભયાનક બનતી જાય છે,” તેમણે ઉમેર્યું, “તમે હવે શું કરવાના છો ? અને તમારે તો બાળકો છે...”“તમને બાળકો હોત તો તમે શું કરત ?” મેં પૂછ્યું.“પ્રથમ તો હું એમનો જ વિચાર કરું - મારો નહીં,” તેમણે કહ્યું; “બાળકોના જીવનનો, નહીં કે તમારો વિચાર કરવો જોઈએ. જ્યારે તમારાં બાળકો સંબંધી વાત કરો ત્યારે ‘મારો’ એવો શબ્દ ન વાપરો.” એમણે કહ્યું કે કોઈ વસ્તુ આપણી સાવ નજીક હોય તો આપણે એને પૂરી સ્પષ્ટતાથી જોઈ શકીએ નહીં. દા.ત., પુસ્તકને આંખની લગોલગ રાખીએ તો વાંચી જ ન શકાય. “જો તમારામાં વાત્સલ્ય હોય તો તમે એવું વાતાવરણ ઊભું કરી શકો જેમાં બાળકો પોતે સુરક્ષિત હોવાનું અનુભવે અને નિરાંત મહેસુસ કરે. હું એ વિશે એમને વાતો કરું અને પછી એમની સાથે નિ:શબ્દ થઈ જાઉં - શાંત થવું એટલે શું એ એમને દર્શાવી શકું. એ શાંતિમાં એમની જ્ઞાનેન્દ્રિયો જાગૃત બને. જેથી તેઓ એક વૃક્ષ, એક પક્ષીને નિહાળી શકે, પુષ્પોની સુગંધ શ્વાસમાં ભરી શકે. હું તેમને મારી કેળવણી આપું.” વાત ચાલુ રાખતાં તેમણે કહ્યું, “સાહેબ, સલામતી છે જ નહીં, રક્ષણ નથી, તમે શું કરી શકો ?”પછી તેમણે રક્ષણ અંગે વાતો કરી. તેમણે કહ્યું કે જુદી જુદી ગૂઢવિદ્યાની સંસ્થાઓ છે. એમાંની કેટલીકમાં અમુક તબક્કે તેમને ગુરુ આગળ શિષ્ય તરીકે દીક્ષિત કરવામાં આવે. ગુરુ તમારા આકારની એક પ્રતિમા બનાવે, જેથી તે તમારા પર દેખરેખ રાખી શકે. વળી અમુક તબક્કે બે દેવદૂતો તમારી રક્ષા કરતા(૨૬) રહે એવું મનાવવામાં આવે;“આવી શક્તિ ઉપયોગથી અલબત્ત નબળી પડતી જાય.” પછી ઉમેરતાં એમણે કહ્યું, “આવી બાબતોમાં બહુ સાવધ રહેવું જોઈએ. હાનિકારક એવું કશું જ તમારે ન કરવું જોઈએ.”“શા માટે ?” મેં પૂછ્યું.જ્યારે આવી રક્ષા હેઠળ કોઈ હોય ત્યારે બહુ સાવધાની રાખવી જોઈએ. કારણ કે સારું કે નરસું બનેમાં અતિશયોક્તિ થશે,” એમણે જવાબમાં કહ્યું. આવું કહેતી વખતે તેઓ ખૂબ ગંભીર હતા અને એક અજબ વાતાવરણથી ઓરડો ભરાઈ ગયો. તેમણે પૂછ્યું, “તમે આ વાત અનુભવી શકો છો ? તમે આ વિશે વાત કરો એટલામાત્રથી જ એ ખેંચાઈ આવે.”પછી તેઓ ઊભા થયા અને એક સીધી પીઠવાળી ખુરશી પર બેસવા મને કહ્યું. થોડુંક તેઓ ચાલીને બારી આગળ ઊભા રહી બારી બહાર જોતાં રહીને પોતાના બંને હાથોને કશુંક ખંખેરી નાખતા હોય એવો એક ઝાટકો આપ્યો. પછી મારી આગળ આવી, ઊભા રહીને અવર્ણનીય સૌમ્યતાપૂર્વક પોતાના હાથ મારી આંખો પર મૂક્યા, પછી ધીમેથી પોતાની આંગળીઓ મારા માથા પર પોતાના તરફ તેમણે ફેલાવી. વચ્ચે વચ્ચે મારી ભૃકુટી ઉપર અને મારા માથાના પાછલા ભાગ પર અને હૃદય પર સ્હેજ સ્પર્શ કર્યો. આવું કેટલીકવાર તેમણે કર્યું ; છેવટે નિ:શબ્દપણે તેમણે પોતાના હાથ મારા ખભા પર મૂક્યા. પછી તેઓએ થોડુંક છેટે ચાલીને કહ્યું, “થોડીક મિનીટો માટે શાંત બેસી રહો.”*“તમારા ઉપર કોઈને સત્તા (power) ચલાવવા દેવી નહીં. અને તમારે પણ કોઈના ઉપર સત્તા ચલાવવી કોઈએ નહીં,” એકવાર તેમણે મને કહેલું. “જ્યારે મેં થીઓસોફિકલ સોસાયટી અને એની સાથોસાથ પ્રાપ્ત બધી સંપત્તિ અને સાહેબીનો ત્યાગ કર્યો ત્યારે શ્રીમતી બિસન્ટે કહ્યું હતું, “પછી તમારું શું થશે ? તમે કેવી રીતે જીવશો ? કેવી રીતે ટકશો ?”“તમે જાણો છો કે કોઈપણ વ્યવસાય અંગેનું શિક્ષણ કે તાલીમ મને નહોતાં મળ્યાં, આમ છતાં પચાસ વર્ષથી તમે જોઈ રહ્યાં છો એમ હું જીવી રહ્યો છું. કેટલીકવાર મને પોતાને જ આશ્ચર્ય થાય છે કે આ બધાને યોગ્ય થવા મેં શું કર્યું છે ?”“સારું કરતા રહેશો તો તમારે માટે બધું જ સારું બનતું રહેશે,” તેમણે આખરે કહ્યું. *(૨૭)અમે મુંબઈમાં સ્ટરલીંગ એપાર્ટમેન્ટમાં હતા. મારા સુસ્ત નિરુત્સાહપણા તરફ ધ્યાન જતાં મારી સાથે વાત કરવા તેઓ મને થોડુંક પડખે લઈ ગયા. “તમારાં બાળકો પ્રત્યે તમને સ્નેહ છે ? એવી કોઈ બાબત છે કે જે માટે તમને પ્રેમ હોય ? તમે મને ચાહો છો ?”“શું તમને એમ લાગે છે કે તમારી તરફ હું નિર્લેપ છું ?” મેં પૂછ્યું. “એમ પણ હોય; તમે રોજ લખતા શા માટે નથી ? પછી તમે તફાવત જોઈ શકશો,” તેમણે કહ્યું. થોડીવાર રહીને તેમણે કહ્યું, “થોડોક સમય તમે મારી સાથે વિતાવી શકો તો હું તમારા જીવનમાં પરિવર્તન લાવી શકું.”અમે મૌન હતા. તેઓ સ્નાન માટે ગયા. લંચ પહેલાં તેઓ બહાર આવ્યા અને મને કહ્યું, “એવું કહેવા માટે હું ક્ષમા ચાહું છું.” “શું કહેવા માટે ?” મેં પૂછ્યું.“કે હું તમારા જીવનમાં પરિવર્તન લાવી શકું.”*મુંબઈમાં છ હજાર શ્રોતાઓ સમક્ષનું પ્રવચન પૂરું થયું હતું. પ્રવચન દરમ્યાન સર્જાતી એમનામાંની એક પ્રકારની શક્તિ જાણે કે હજી પણ વાતાવરણ ભરી રહી હતી. લોકોનું ટોળું એમની આસપાસ વિંટળાઈ વળે છે. એક પોલીસ ટોળાને હટાવવા આવી પહોંચે છે. કૃષ્ણમૂર્તિ પોલીસને ઈશારાથી રોકે છે અને પોતાના હાથ લંબાવી રાખે છે. પોતાની લાઠી ફેંકીને પોલીસ કૃષ્ણમૂર્તિના ચરણોમાં સાષ્ટાંગ નમી પડે છે, કૃષ્ણમૂર્તિ પોલીસને સ્નેહપૂર્વક ઊભો કરે છે. હજી પણ હાથને લંબાવેલો રાખી તેઓ કારમાં પ્રવેશ કરે છે. કાર સ્ટાર્ટ થાય છે, પોલીસ એમના હાથનો ફરી સ્પર્શ પામવા કાર પાછળ દોડવા માંડે છે.અમે પાછા સ્ટરલીંગ એપાર્ટમેન્ટ પહોંચીને ભોજનના ટેબલ પર બેઠા છીએ. “તમે જીવનને શા માટે વેડફી રહ્યા છો ?” તેમણે પૂછ્યું.પૂર્ણ શાંતિ છવાયેલી છે. મારા તરફ જોઈને તેઓ કહે છે, “પ્રશ્ન પૂછાયો એ જ ક્ષણે તમે જો એનો ઉત્તર નથી આપતા તો એનો અર્થ છે તમે તમારા જીવનને વેડફી રહ્યા છો.”“અને જો મેં તત્ક્ષણ જવાબ આપ્યો હોય તો ?”“ઓહ ! તો તો તમે અમીર (ariastocrat) છો .” *તેમણે મને પૂછ્યું, “મૃત્યુનો ભય તમને છે કે ?”“હા એમ લાગે છે; જો કે આ ક્ષણે એવો ભય નથી,” મેં પ્રત્યુતરમાં કહ્યું, અમે એક પુસ્તક ‘Yukio Mishima’s Commentary On Hagakure’ (Samurais માટે લખાયેલ(૨૮) સદીઓ જૂની કાર્યપોથી) વિશે વાત કરી રહ્યા હતા. મેં કૃષ્ણાજીને કહ્યું કે મૃત્યુ માટે હંમેશાં તૈયાર રહેવાની વાત એ ગ્રંથમાં હતી, પ્રત્યેક સવારે તૈયાર થઈ જવું; અને સારાં વસ્ત્રોમાં સજ્જ થઈ જરૂર હોય તો મેકઅપ પણ કરીને તૈયાર થવું, જેથી કરીને મૃત્યુને આપણે ગુલાબી મિજાજમાં જ ભેટીએ; ક્ષણે ક્ષણે મૃત્યુની સાથો-સાથ જીવવું. ઈટાલીયન ભાષામાં કહેવત છે, “પૂર્ણ જીવંત સ્થિતિમાં મૃત્યુ તમને પ્રાપ્ત કરો.”મેં કહ્યું, “સાહેબ તમે વીસ વર્ષ પહેલાં એકવાર કહેલું કે બધી જ જ્ઞાનેન્દ્રિઓ સતેજ હોય ત્યારે - નહીં કે વૃદ્ધ જર્જરિત દેહે મૃત્યુના ઘરમાં પ્રવેશ કરવો.” “હા,” એમણે પ્રત્યુત્તર આપતાં કહ્યું, “મારા માટે જીવન અને મૃત્યુની ભેદરેખા અત્યંત પાતળી છે. ૧૫૦ વર્ષ જીવવાનું સાવ સહેલું પણ હોઈ શકે. પરંતુ સતત પ્રવાસો, ગિરદીથી ઊભરાતાં એરપોર્ટ્સ, ધૂમાડિયાં મકાનો, વગેરેથી શરીરને ઘસારો લાગે છે, એટલે કદાચ બહુ બહુ તો હજી ૧૦-૧૫ વર્ષ વધારે જીવું.”“જો તમને કહેવામાં આવે કે આવતીકાલે પ્રભાતે તમારું મૃત્યુ થવાનું છે, તો શું બને ?” મેં પૂછ્યું.તેમણે કહ્યું, “કશું જ નહીં; બરાબર હંમેશ મુજબ જ હું જીવું. મૃત્યુ નજીકમાં જ છે એવો વિચાર મારા મનમાં ફરીવાર પ્રવેશે જ નહીં; અને કશામાં પણ ફેરફાર નહીં થાય.”ગયા ઉનાળામાં હું કૃષ્ણમૂર્તિને મળવા સ્વીટઝર્લેન્ડ ગયો. અમે Sannen ખાતે શાંતિથી બેઠા હતા. કૃષ્ણમૂર્તિ ન્હાવા માટેના પોશાકમાં પોતાની પથારી પર ટટ્ટાર બેઠા હતા. જ્યારે હું એમના પલંગના પગ તરફને છેડે એક ખુરશી પર બેઠો હતો. બારીમાંથી દૂર દૂર એક ઊંચા પર્વતનું બરફાચ્છાદિત શિખર દેખાતું હતું; જ્યારે એથી થોડેક નજીક નાના પર્વતોના શિખરોનો અર્ધભાગ ખીણનું રૂપ ધારણ કરતો હતો. બાળઉછેર, શિક્ષણ, ધ્યાન, મૃત્યુ વગેરે વિષયો પર અમે કલાકેક વાતો કરી. ગંભીર વિષયોને હળવાશથી સ્પર્શતો આ વાર્તાલાપ હતો. ઓચિંતાનું એમણે કહ્યું, “જો મને પૂછવામાં આવે કે મારું જીવન વ્યર્થ ગયું છે, કે હું હમણાં મારું જીવન વેડફી રહ્યો છું - તો મારો પ્રત્યુત્તર હશે “હું નથી જાણતો.”થોડીવાર શાંત રહીને એમણે કહ્યું, “મને એમ નથી લાગતું.” અને વળી ઉમેર્યું, “ના હું ખોટો પણ હોઉં.” તેમણે સંકોચ વ્યક્ત કર્યો અને કહ્યું, “મને જગત પાસેથી કશું જ નથી જોઈતું એ જ જવાબ છે; માણસો પાસેથી કે દેવતાઓ પાસેથી મારે કશું જ નથી જોઈતું – કોઈની પણ પાસેથી કશું જ નહીં. જો મૃત્યુ હમણાં જ આવીને કહે - “આજે સાંજે ચાલવાનું છે,’ - તો પણ ભલે.”સ્મિત કરતાં તેમણે કહ્યું, “એ જ તો વાત છે; જગત પાસેથી કે કોઈની પણ પાસેથી મારે કશું જ નથી(૨૯) ખપતું એટલે મૃત્યુ સાથે તો તરત જ ચાલી નીકળું.”એ સાંજે Gstaad ના ઝરણાની ઉપરવાસના વનમાં ફરવા જતાં પહેલાં કારમાં એમની સાથે બેસતાં આ વાતોનો મેં ફરી ઉલ્લેખ કરતાં કહ્યું, “આવા શબ્દો સાંભળતાં મારી આંખોમાં અશ્રુપ્રવાહ ધસી આવે છે.”અને મને બુદ્ધ યાદ આવ્યા. બુદ્ધે કહ્યું છે, “પૂર્ણ સાક્ષાત્કારને પરિણામે મને જરાપણ કશું પ્રાપ્ત થયું નથી અને માટે જ તો એ પૂર્ણ અનન્ય એવો સાક્ષાત્કાર છે.” *છેલ્લે......કૃષ્ણાજીને દર વર્ષે હું મળું છું. કોઈકવાર ઓહાઈ કે ન્યુયોર્ક, સાનેન અને બ્રોક્વુડ અને વળી કોઈકવાર દિલ્હી, ઋષિવેલી, મદ્રાસ અને મુંબઈ ખાતે. અમે દૂર સુધી સાથે ફરવા જઈએ, નાનાં નાનાં ગ્રુપમાં લંબાણથી ચર્ચાઓ ચાલતી રહે, કોઈકવાર એકબીજા સાથે. તેઓ મુંબઈમાં આવે ત્યારે અમારા એપાર્ટમેન્ટમાં રહે.આ લખી રહ્યો છું ત્યારે મારી ઉંમર ૪૫ વર્ષની છે, કૃષ્ણાજીની ૯૦ - મારા કરતાં બમણી. લખવાનું પૂરું કરીને Walt Whitman નું કાવ્ય Leaves of Grass હું વાંચી રહ્યો છું : “કોણ આવે મારી સંગાથે ?“કહેશો મને મારી વિદાય પહેલાં જ ? કે પછી ત્યારે તો વેળા વીતી ગઈ હશે ?અને થોડુંક પછીથી --હું કોણ છું -- શું કહેવા ઈચ્છું છું, એ કદાચ તમને ન પણ સમજાય; આમ છતાં લોહીને શુદ્ધ કરતો - પોષતો રહીને, તમારા માટે હું સ્વાસ્થ્યરૂપ બનું ; શરૂમાં તમે મને આંબી ન શકો, તો પણ ઉત્સાહ રાખો, એક સ્થળે ના જડું - તો બીજે ગોતો ; ક્યાંક તમારી રાહ જોતો હું ઊભો છું.”+++(૩૦)

# ૪ # શિક્ષણ : જે કૃષ્ણમૂર્તિના પત્રો જેમના નામથી રચાયેલ વિશ્વપ્રસિધ્ધ ગ્રંથ ભગવદગીતા વિધ-વિધ ધર્મજાતિના દુનિયાભરના જિજ્ઞાસુઓને પ્રેરણા આપી રહેલ છે એ ભગવાન શ્રીકૃષ્ણ ક્યાં ભણવા ગયા હતા ? બાળગોઠિયા સુદામા સાથે સાંદીપનિ ઋષિને ઘેર શ્રીકૃષ્ણને ઇતિહાસ-ભૂગોળ-વિજ્ઞાન-સમાજશાસ્ત્ર-ટેકનોલોજી-ગણિત તર્કશાસ્ત્ર જેવા વિષયો શું ભણાવાયા હતા ?અલબત્ત આખેઆખા સમયના–સંસ્કૃતિના–ટેક્નોલોજીના બદલાવ સાથે આવશ્યક શિક્ષણની તરાહો પણ બદલાતી રહે. શિક્ષણ-શિક્ષક-વિદ્યાર્થીઓ-શિક્ષણ આપનાર સંસ્થાઓ વગેરે અંગે વીસમી સદીના મહાન જીવનતત્વચિંતક જે.કૃષ્ણમૂર્તિનાં થોડાંક તારણો અને ધારણાઓ સંદર્ભે સ્હેજે આપણી જિજ્ઞાસા હોય જ.કૃષ્ણમૂર્તિની શિક્ષણ વિશેની મૌલિક અને મૂળભૂત વિચારણાનું જ્યાં એક વાતાવરણ મળે એવી પાયાની ભૂમિકા ઉપર શ્રી કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન તરફથી ભારતમાં તેમજ વિદેશમાં કેટલીક શાળાઓ પણ સ્થાપવામાં આવી છે. આ શાળાઓમાં શિક્ષણનાં અનેક પાસાંઓ પર માર્ગદર્શન આપતા પત્રો કૃષ્ણમૂર્તિ શાળાઓને લખતા. જામનગરના (સ્વ.) શ્રી બાલકૃષ્ણ વૈદ્યના આવા પત્રોના ગુજરાતી અનુવાદના આધારે કૃષ્ણમૂર્તિના શિક્ષણદર્શનની એમના જ શબ્દોમાં અહીં થોડીક ઝલક:“સમાજની આજે જે રચના છે તેમાં કારકિર્દી અને વ્યવસાય અનિવાર્ય છે એ સાચું, પરંતુ જો આપણો બધો ઝોક એના ઉપર જ મૂકાઈ જાય તો ફૂલને ખીલવા માટેની સ્વતંત્રતા ધીમે ધીમે ચીમળાઈ જશે. પરીક્ષાઓ અને મોટી પદવીઓ મેળવવા ઉપર આપણે વધારે પડતો ભાર મૂકતા હોઈએ છીએ. એકલા પૈસાથી માણસ સુખી થઈ શકતો નથી. જીવનમાં જ્યારે પૈસો પ્રધાન બની જાય છે ત્યારે આપણા દૈનિક જીવનની સમતુલા તૂટી જાય છે. શાળાઓમાં પરિપૂર્ણ માનવી વિકસી શકે એવી જીવનપદ્ધતિ કાયમ માટે જળવાઈ રહે એવા આગ્રહને પણ વળગી રહું છું. ચિત્તરૂપી પુષ્પ ખીલવું એટલે શું એનો જે ભાવ માણસને સમજાય છે – એને ભલે શબ્દમાં મૂકી ન શકાય, પણ આપણે એ સમજણની વાત કરીએ છીએ. ફૂલની જેમ ખીલવું એટલે આપણા ચિત્તનો પરિપૂર્ણ ઉઘાડ – વિકાસ. આપણા હૃદયની, આપણા સ્થૂળ અસ્તિત્વની સમ્યક અવસ્થા. જેમ એક છોડ વિકસે, ફૂલ ખીલે એમ વિકસવા, ખીલવા માટે સ્વતંત્રતાનું વાતાવરણ જોઈએ.“સૌજન્યનું ફૂલ કેવી રીતે ખીલી શકે ? સંબંધો એ જ જીવન છે. કોઈક પ્રકારના સંબંધો વિના માણસ જીવી નહીં શકે. સાધુ અને સંન્યાસી સંસારથી ગમે તેટલો દૂર ભાગે છતાં સંસારને એ સાથે જ ફેરવતો હોય છે.“શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પણ એક સંબંધ છે. શિક્ષક જાણ્યે કે અજાણ્યે એ સંબંધમાં પોતાનું(૩૧) વડીલપણું જાળવવા મથે છે. પરિણામે વિદ્યાર્થી આ ઉંમરેથી જ મુરબ્બીપણું કરતાં શીખી જાય છે. એટલે એ કાં તો જીવનભર આક્રમક બની રહેશે, અથવા આજ્ઞાધીન અનુયાયી બની રહેશે. શાળા એ તો નિરાંતનું સ્થાન છે, જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી બંને શીખવા ભેગા થાય છે. નિરાંત એટલે શાંત મન. કોઈ આકાંક્ષા નહીં, કોઈ આજ્ઞા નહીં, આ નિરાંત છે અને આ અવસ્થામાં જ મન શીખી શકે છે. ફક્ત વિજ્ઞાન, ઈતિહાસ કે ગણિત જ નહીં, પણ પોતાના વિશે અને સંબંધોમાં રહેલા પોતાને વિશે પણ આ નિરાંતની અવસ્થામાં જ શીખી શકે છે. સંબંધો ઘણી વધારે પ્રજ્ઞા માગી લે છે. શાળાનું ખરું કાર્ય જ એ છે કે વિદ્યાર્થીની પ્રજ્ઞા જગાડવા મદદ કરવી અને સાચા સંબંધોનું મહત્વ સમજવું. “આપણી શાળાઓમાં થતું શિક્ષણકાર્ય ફક્ત જ્ઞાનને એકઠું કરવા માટે નથી પણ પ્રજ્ઞાને જગાડવા માટે એ શિક્ષણ છે. “માણસ જો જવાબદારી શબ્દનો સાચો અર્થ સમજે અને દુનિયામાં શું ચાલી રહ્યું છે એ પણ સમજે તો એને જણાશે કે જવાબદારી પોતે જ બિનજવાબદાર બની ગઈ છે. માણસે જવાબદારીની આ કલા શીખવી પડશે. માનસશાસ્ત્રની દ્રષ્ટિએ માણસ પોતે જ વિશ્વ છે. એનો પૂરો સંકેત જો સમજાય તો જવાબદારી પોતે પ્રેમરૂપ બની જાય છે.“તમે શું શીખવો છો ? અને વિદ્યાર્થીઓ શું શીખે છે ? તમે એવું અજીબ વાતાવરણ ઊભું કરો છો જેમાં સાચું શિક્ષણ થતું હોય ? તમે જો જવાબદારીની વિશાળતા અને તેની ખૂબી સમજ્યા હો તો વિદ્યાર્થી શું પહેરે છે, શું ખાય છે, એ કેવી રીતે વાત કરે છે વગેરે સહિત વિદ્યાર્થી માટે તમે સંપૂર્ણપણે જવાબદાર છો. આપણી માનસશાસ્ત્રીય સમસ્યાઓ રોજેરોજ ભેગી લઈને જ ફરવું એ આપણી શક્તિ અને સમય બંનેનો દુર્વ્યય છે. સમસ્યા ઊઠી કે તરત એનો ઉકેલ કરવાથી તમે જોશો કે કોઈ સમસ્યા રહેતી નથી. “આખરે શાળા પણ એ છે જ્યાં વિદ્યાર્થી હૃદયથી સુખી હોય, પ્રસન્ન હોય. એના પર કોઈનું દબાણ ન હોય. પરીક્ષાથી એ ફફડતો ન હોય. અમુક પ્રણાલી કે ઢાંચા અનુસાર જ વર્તવાની ફરજ પડતી ન હોય. એ એવું સ્થળ છે જ્યાં શીખવાની કલા શીખવાતી હોય. વિદ્યાર્થી જો સુખી-પ્રસન્ન નહીં હોય તો તે આ કલા શીખવાને શક્તિમાન નહીં બને. મોટેભાગે તો આપણે વ્યવધાનો (વિઘ્નો) સાથેના સંઘર્ષમાં રહેતા હોઈએ છીએ. વ્યવધાનો – વિક્ષેપો છે જ નહીં. ધારો કે તમે દિવાસ્વપ્ન જુઓ છો અથવા તમારું મન આમતેમ આથડે છે. હકીકતમાં પણ એમ જ બનતું હોય છે, એને જુઓ, એકાગ્રતાપૂર્વક જોવું એ જ અવધાન છે. વ્યવધાન - વિક્ષેપ નહિ હોય. વિદ્યાર્થીઓને આ શીખવી શકાશે ? શીખવા માટે તમારે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું જ જોઈએ, જ્યાં સુખ અને સ્વતંત્રતા અનુભવી શકાય. “વિચારો અને આદર્શો એક વાત છે અને તથ્ય - વાસ્તવિક ઘટના એ બીજી વાત છે. એ બંને સાથે(૩૨) રહી જ ન શકે. જે ખરેખર છે એનાથી દૂર ભાગવું એ જ મનના વિનિપાતનો આરંભ છે. આ વિનિપાત બધા ધર્મો, રાજકારણ, શિક્ષણ અને બધા માનવસંબંધોમાં વ્યાપેલો છે. આ દૂર ભાગવાની જે પ્રક્રિયા છે એને આપણે સમજવી છે અને એ પ્રક્રિયામાંથી આપણે મુક્ત થવાનું છે. અનુકરણ-અનુસરણ એ મનના વિનિપાતનાં કારણોમાંનું મુખ્ય કારણ છે, કોઈ દ્રષ્ટાંતરૂપ વ્યક્તિ, કોઈ શૂરવીર, કોઈ ઉધ્ધારક આ વિનિપાતનું સૌથી વધુ વિનાશકારી કારણ છે. પહેલાં અનુમતિ આપો, અનુકરણ કરો, સ્વીકાર કરો પછી સ્વતંત્રતા એની મેળે આવશે, એમ ન હોય, એ સરમુખત્યારી માનસ છે. “શારીરિક આઘાતની વેદના સહેવી સહેલી છે, પરંતુ માનસિક વેદના ગુપ્ત રહેતી હોય છે. માનસિક આઘાત, ફરીથી નવા આઘાતની વેદના વેઠવી ન પડે એ માટે પોતાના ફરતી રક્ષણાત્મક દીવાલ ઊભી કરી લે છે. અને પરિણામે સતત ભયભીત રહે છે અથવા પોતાની જાતને એકલતામાં ધકેલી દે છે.“આપણે વધુ પડતા ચતુર થઈ ગયા છીએ. આપણા મગજની, વાણીની અને બુદ્ધિની તેજસ્વિતા દેખાડવામાં સારા ઘડાઈ ગયા છીએ. મગજમાં કેટલીય માહિતીઓ ઠાંસવામાં આવી હોય છે, એનો ઉપયોગ આપણે લાભદાયક કારકિર્દી વિકસાવવા માટે કરતા હોઈએ છીએ. ચતુર, બુદ્ધિશાળી માણસની પ્રશંસા કરવામાં આવે છે. આવા માણસો જગતમાં બધાં મહત્વનાં સ્થાનો કબજે કરી લેતા જણાય છે. તેઓની પાસે સત્તા હોય છે, પદ હોય છે, પ્રતિષ્ઠા હોય છે, પણ તેઓની બુદ્ધિ તેઓને છેવટે દગો દેતી હોય છે. પ્રેમ અથવા ઊંડી કરુણા અને ઉદારતા એ શું છે એનો એણે હૃદયમાં ક્યારેય અનુભવ કર્યો હોતો નથી. કારણ કે એનું હૃદય ઘમંડથી ઘેરાયેલું હોય છે. બધી જ અતિ સમૃદ્ધ શાળાઓનો આ જ ઢાંચો હોય છે. આવાં વિદ્યાલયોમાં પ્રવેશ પામેલ છોકરો કે છોકરી આધુનિક સભ્યતામાં સપડાયાં હોય છે અને સમગ્ર સૌંદર્યને ગુમાવી બેઠાં હોય છે.“શિક્ષક પોતાની શાંતિ અનુભવી શકે, જે શક્તિ વપરાઈ ગઈ છે તે પાછી મેળવી શકે, પોતાની જે અંગત સમસ્યાઓ હોય તેનાથી સભાન રહીને તેનો નિકાલ કરી શકે એ માટે તેને ફુરસદનો સમય પણ મળવો જોઈએ. વિદ્યાર્થી ફક્ત માહિતી સંઘરવાનું પાત્ર બની જાય છે ત્યારે તમારું અને વિદ્યાર્થીનું બંનેનું મન યંત્રવત બની જાય છે.“શિક્ષણ એટલે શું ? મૂળ તો શિક્ષણ પોતે જ કલા છે, ફક્ત ચોપડીઓમાંથી જ નહીં,, પણ જીવનની સમગ્ર ક્રિયાઓમાંથી શીખવાની કલા છે. આજે તો છપાયેલો શબ્દ જ સર્વેસર્વા બની ગયો છે. માણસ પોતે જ પુસ્તકાલય બની ગયો છે. એ એમ માને છે કે સતત પુસ્તકો વાંચી વાંચીને જ શિક્ષણ મેળવાય છે. “કેળવણી એ શિક્ષણનું સત્વ છે. કોઈ માન્યતા-પૂર્વગ્રહો કે બાંધેલાં મૂલ્યો વિના પણ જે ખરેખર બને છે એમાંથી શીખવું એ કેળવણી છે. પુસ્તકો મહત્વનાં છે પણ જીવનરૂપી પુસ્તક વાંચવું એ શિક્ષણની કલા છે.(૩૩) “મૂલ્યો માણસને માણસથી જુદો પાડે છે. એક માણસને બીજા માણસની વિરુધ્ધમાં મૂકી દે છે. અને આગળ વિસ્તરે તો એ દુ:ખ, હિંસા અને અંતે યુધ્ધ સુધી પણ લઈ જાય છે.“શાળાઓ ફક્ત શિક્ષણનાં કેન્દ્રો જ નહીં, પણ સારપ-સારાપણાના માનસને બહાર લાવતાં કેન્દ્રો પણ બનવાં જોઈએ. સમગ્ર વિશ્વમાં માનવજાતિ ઓછેવત્તે અંશે અધોગતિના પંથે જઈ રહી છે. ઉપભોગની તૃપ્તિની જ સતત માંગ રહ્યા કરે એ અધોગતિ છે. જ્યારે માનવસંબંધો તત્કાલ ઉપભોગના હેતુ પૂરતા જ રહે તે અધોગતિ છે. જ્યારે પ્રેમ પણ ઉપભોગમાં ગણવામાં આવે છે ત્યારે માણસ જીવનનાં સૌંદર્ય અને પવિત્રતા સાથેનો પોતાનો સંબંધ કાપી નાખે છે.“કુદરત માણસને ગમે તેટલી ભયાનક લાગતી હોય છતાં એમાં હમેશાં વ્યવસ્થા જ હોય છે. વિશ્વની કાલની ગતિ એની પોતાની સ્વતંત્ર છે. માણસ જ્યારે પોતાના જીવનને એ ગતિના લયમાં મૂકશે ત્યારે જ એને સનાતન વ્યવસ્થાનો સાક્ષાત્કાર થશે.“જે સંબંધમાં સ્નેહનો કે લાગણીનો એકપણ શબ્દ મોઢેથી બોલવાનો ન હોય, એવા સ્નેહનું આપણે ભાન ખોઈ બેઠા છીએ. આપણે બધાં જ મનુષ્યો છીએ અને આપણી આ અસાધારણ સુંદર એવી પૃથ્વી પર સાથે જ વસીએ છીએ. તમે એકપણ ચીજને ધક્કો પહોંચાડવા માગતા નથી એવી લાગણી આપો. પ્રકૃતિ સાથેની આવી એકતા જ્યારે અનુભવશો ત્યારે બીજાઓ સાથેના તમારા સંબંધો સાદા, સરળ, નિર્મળ અને સંઘર્ષરહિત બનશે.+++

# ૫ #મનુષ્ય આખરે છે શું ? – એની રોજેરોજની સમસ્યાઓને આરપાર તપાસવી અને એ દ્વારા ઊંડા વ્યાપક અને મૌલિક કહી શકાય એવા ચિંતનની પ્રથમવાર જગતને ભેટ જે. કૃષ્ણમૂર્તિએ ધરેલ છે. જિજ્ઞાસુ વર્ગમાં એમનું નામ ઠીકઠીક પરિચિત છે જ. સતત ૫–૬ દાયકાઓ સુધી તેઓ દુનિયાભરમાં પ્રવચનો આપતા રહ્યા. પોતાનાં પ્રવચનોમાં એમણે કદી કોઈ પ્રસિધ્ધ પુરાતન મહાન ગ્રંથોનો આધાર ન લીધો. આ છ દાયકા દરમ્યાન અખબારોએ એમનાં પ્રવચનોની ઝાઝી નોંધ ન જ લીધી, પણ જ્યારે તેમનું અવસાન (તા. ૧૭-૨-૧૯૮૬) થયું ત્યારે દુનિયાનાં અનેક અગ્રણી અખબારોએ એમના વિશે તંત્રીલેખો લખ્યા અને એવા કેટલાક તંત્રીલેખોને મથાળું અપાયું હતું : ‘વૈશ્વિક ગુરુ (World Teacher) ની વિદાય !’(૩૪)શાળામાં શિક્ષકો કૃષ્ણમૂર્તિને શારીરિક શિક્ષા કરતા. એક વખતે તેઓને વર્ગ બહાર વરંડામાં ઊભા રહેવાની શિક્ષા કરેલી. શાળા પૂરી થઈ, સૌ બાળકો ઘરે ચાલ્યાં ગયાં છતાં તેઓ ત્યાં જ ઊભા રહ્યા. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે ‘હવે ઘરે જા.’ ત્યારે જ તેઓ ગયા.જે કૃષ્ણમૂર્તિના પોતાના જ શબ્દોમાં એમની વાણીના થોડાક અંશો ક્યાંક એવા જ થોડાક સંદર્ભો સાથે :“જે વિશ્વમાં શિષ્યો છે પણ ગુરુદેવો નથી તે સુખી વિશ્વ હશે. સત્યને સમજવા સંપૂર્ણ રીતે એકલા ઊભા રહેવું પડશે. કોઈ માસ્ટર, શિક્ષક, ગુરુ, શિસ્ત - ડહાપણને છૂપાવતો પડદો તમારા માટે ઊંચકી શકશે નહીં. શાશ્વત મૂલ્યો સમજવાં અને તે મુજબ જીવવું એ જ ડહાપણ છે. તમે જાતે જે વેદના અનુભવો તે જ તમને સંગ્રહવૃત્તિની વ્યર્થતા સમજાવી શકે અને સંગ્રહવૃત્તિમાંથી જ સંઘર્ષો જન્મે છે. તમે તો વેદનામાંથી સુખસગવડ, ગુરુદેવો, તત્વજ્ઞાન, માન્યતાઓ, ધર્મ વગેરે દ્વારા પલાયન થવાનું શોધો છો. “કોઈ વ્યક્તિને નહિ પણ સત્યને અનુસરો. સત્યને શોધવા મન – હૃદયની મર્યાદાઓને પાર કરવી પડશે. જીવનને જ જીવનનો ઉદ્દેશ બનાવો. જીવન પોતે જ માર્ગદર્શક છે, ગુરુદેવ છે, ઈશ્વર છે. મેં કદી એમ નથી કહ્યું કે ઈશ્વર નથી. મેં એમ કહ્યું છે કે તમારા દ્વારા જે વ્યક્ત થાય છે તે ઈશ્વર છે, પણ હું ઈશ્વર શબ્દ વાપરવાનો નથી.... હું તો તેને જીવન કહીશ. જ્યારે તમે જીવનના પ્રેમમાં હો છો અને પ્રેમને સર્વ ચીજોની આગળ મૂકો છો ત્યારે તમે જેને સ્થગિતતાવાળી નૈતિકતા કહો છો તે અદ્રશ્ય થઈ જાય છે. તમને તો જે યાત્રામાં સત્ય છે તે યાત્રામાં રસ છે, નહિ કે સત્યમાં. સત્ય માર્ગ વિનાની ભૂમિ છે અને તમે એને કોઈપણ માર્ગે, કોઈપણ ધર્મ કે સંપ્રદાય દ્વારા પ્રાપ્ત કરી શકો નહીં..... સત્યને કોઈપણ સીમા કે મર્યાદા ન હોવાથી, એને માટે કોઈ માર્ગ ન હોવાથી, એને કોઈ અક્ષરમાં પૂરી શકાય નહીં. “તમારા પૂર્વગ્રહો, તમારી ભીતિઓ, તમારાં પ્રમાણો, જૂનાં તેમ જ નવાં તમારાં મંદિરો – આ બધાંય સમજ પ્રાપ્ત કરવામાં વિધ્નકર્તા છે એમ હું માનું છું......તમે મારી સાથે સંમત થાઓ એમ હું ઈચ્છતો નથી. તમે મારું અનુસરણ કરો એમ હું કહેતો નથી. હું જે કહી રહ્યો છું તે તમે સમજો એટલું જ ઈચ્છું છું.”એની બિસન્ટના મૃત્યુ પ્રસંગે અંજલિ આપતાં કૃષ્ણમૂર્તિએ ઉચ્ચારેલા શબ્દો નોંધનીય છે - “ડો. બિસન્ટ અમારી માતા હતાં – તેઓએ અમારું ધ્યાન રાખ્યું હતું, દેખભાળ કરી હતી. અમ્માએ મારો હાથ ન પકડ્યો હોત તો હું ક્યારનોય મરી ગયો હોત, પણ તેમણે એક બાબત કદી નહોતી કરી; તેમણે મને એમ નહોતું કહ્યું કે “આ કર” કે “આ ન કર”’ તેઓએ મને મુક્ત રાખ્યો હતો.” કૃષ્ણમૂર્તિ જ્યારે ગુજરાત આવ્યા ત્યારે તેઓ અંબાલાલ સારાભાઈને ત્યાં રહેલા. ત્યાંથી વિદાય લેતી વખતે કૃષ્ણમૂર્તિએ અંબાલાલભાઈનાં બધાં કુટુંબીજનોને તો નમસ્કાર કર્યા જ, પણ જેટલા નોકરો હતા તે બધાંને પણ વંદન કર્યાં. કૃષ્ણમૂર્તિના(૩૫) મદદનીશ વેલુને કોઈ નોકર કહે તો તેઓને ન ગમતું. બાળકની જેમ કરગરીને તેઓ કહેતા કે ‘એ મારો નોકર નથી પણ મિત્ર છે, સાથી છે.’ વેલુ હોવા છતાં કૃષ્ણમૂર્તિ પોતાની બેગ જાતે જ ઉપાડતા તથા મોટા ભાગનાં પોતાનાં કામો જાતે જ કરતા.“તમે ગંભીરતાથી શું એમ માનો છો કે પુસ્તકોમાંથી શીખી શકાય છે ?....તમે જ્ઞાન એકઠું કરી શકો, હકીકતો અને ટેકનોકાલિટીઝ શીખી શકો, પણ તમે સત્ય કે સુખ તેમાંથી પામી ન શકો. તમે તમારા પોતાના જીવનને ઓળખીને જીવો તો માત્ર તેમાંથી જ શીખી શકો.”યુરોપમાં જ્યારે યુદ્ધનાં પડઘમ વાગી રહ્યાં હતાં ત્યારે કૃષ્ણમૂર્તિ કહેતા કે “ ‘હત્યા અને વધુ હત્યા’ પણ શાના માટે ? હું તો સંપૂર્ણ શાંતિવાદી છું, તેથીય વિશેષ, આ બધો રક્તપાત કેટલો બધો આઘાતજનક છે અને જંગલી છે ! હિંસા શાંતિ લાવી ન શકે, તે તો માત્ર વધુ હિંસા અને તિરસ્કાર જ લાવે.”“કોઈનું શોષણ કે લડાઈ કર્યા વિના સારી રીતે નિર્વાહ સાધનો કઈ રીતે મેળવી શકાય ?’ એવા પ્રશ્નના જવાબમાં કૃષ્ણમૂર્તિએ કહ્યું કે “આપણા જીવનનિર્વાહનાં સાધનોની પ્રાપ્તિ ટેવ, લોભ, મહેચ્છા વગેરેથી પ્રભાવિત થયેલી હોય છે.... આપણે સમજપૂર્વક વ્યવસાય પસંદ કરતા નથી. પણ સમાજની આર્થિક પદ્ધતિનું આંધળું અનુકરણ કરીએ છીએ. જો શોષણ અને લડાઈથી પર જઈને કમાણી કરવી હોય તો પ્રણાલિકાગત વ્યવસાયથી અસર ન પામવું જોઈએ અને તેને અનુસરવું ન જોઈએ તથા વ્યક્તિ ઈર્ષાળુ અને મહેચ્છાવાદી પણ ન હોવી જોઈએ. યોગ્ય વ્યવસાય અગત્યનો લાભકારી હોવા છતાં તે ધ્યેય ન બનવો જોઈએ. જો તમે આંતરિક રીતે કંગાળ તથા અપૂરતા હશો તો તમે યોગ્ય વ્યવસાયમાં હોવા છતાં દુ:ખી હશો અને અન્ય માટે પણ દુ:ખરૂપ હશો, કેમ કે તમે વિચારહિન, હિંસક અને આક્રમક હશો.”જે. કૃષ્ણમૂર્તિની વાણીની વિશેષતા એ છે કે ધર્મ–અધ્યાત્મક્ષેત્રે વિશ્વભરમાં પ્રચલિત અને પરિચિત એવી શબ્દાવલિથી તેઓ મુક્ત રહ્યા છે :“વિશ્વમાં જે અરાજકતા છે તે વ્યક્તિની અંદરની અરાજકતાનોપ્રકોપ છે. માનવીનું મન ભૂતકાળથી બધ્ધ હોવાથી મરી ગયેલું જ છે. આવું મન અરાજકતા દૂર ન કરી શકે. ઉલટાનાં તે તો તેમાં ઉમેરો જ કરે.”નહેરુને મળીને ઘેર જતાં કૃષ્ણમૂર્તિ બહુ વિક્ષિપ્ત અને દુ:ખી હતા. તેઓએ ટિપ્પણી કરેલી કે, ‘આવું સુંદર સંવેદનશીલ મન રાજકારણમાં વેડફાઈ રહ્યું છે. રાજકારણ મનને વૃધ્ધ બનાવે છે. મનના પ્રફુલ્લનની રીતે તે વિઘાતક છે.’એક વખત સુસુનાગા અને તેમના મિત્રો જમ્યા બાદ કૃષ્ણમૂર્તિ સાથે બેઠા હતા, વાતો કરતા હતા. થોડીવારે કૃષ્ણમૂર્તિ રસોડમાં ગયા અને બધા માટે ટ્રેમાં પીણું લઈ આવ્યા, જે એમણે તૈયાર કર્યું હતું. તેઓએ વેઈટરની જેમ નીચા નમીને બધાને તે આપ્યું અને પછીથી નમન કર્યું. તેઓ કોઈ જ કામને હલકું ન(૩૬) ગણાતા. પોતાની કોઈ જ ઈમેજ તેઓ ન રાખવાની નમ્રતા ધરાવતા હતા. તેમનામાં કોઈ જ મનોવૈજ્ઞાનિક માનવી નહોતો. તેઓની જાણે કશું જ ન હોય એવી સ્થિતિ (State of Nothingness) સ્પષ્ટ રીતે પ્રતીત થતી.“શાંતિ, સુખ, ઈશ્વર વગેરે તમોને અન્ય કોઈ જ ન આપી શકે. તમે તમારી જાતને સમજીને તે પામી શકો. જે નવું છે, એટલે કે સત્ય છે, તેને સમજવામાં જ્ઞાન અવરોધરૂપ છે..... પુસ્તકોમાંથી કે અનુભવોમાંથી તે પ્રાપ્ત ન થાય. સમજણની પૂર્વ શરત છે – વિચારની સમાપ્તિ. વિચાર ભૂતકાળ છે, સ્મૃતિ છે, સમય છે.”કોઈ આપણને પ્રેમ કરે અને આપણે કોઈને પ્રેમ કરીએ એવી તીવ્ર ઈચ્છા ક્યારે તૃપ્ત કરી શકાય ?” તેવા પ્રશ્નના ઉત્તરમાં કૃષ્ણમૂર્તિએ કહેલું કે “શું પ્રેમનો વિચાર થઈ શકે ? જેને ચાહતા હોઈએ તે વ્યક્તિનો વિચાર થઈ શકે, તેને વળગી શકાય. તેને પોતાના અધિકારમાં લાવવા પ્રયત્ન થાય. આથી જ વ્યક્તિ, પિયાનો, મિલકત, વિચાર, માન્યતા વગેરેનું રક્ષણ કરવા કાયદાઓ કરવામાં આવે છે. તેઓની માલિકી ઈર્ષા, ભય, શંકા, ચિંતા લાવે છે, જો કે તેમાં આપણને સલામતી લાગે છે. આથી આપણે પ્રેમનું મનની વસ્તુઓમાં રૂપાંતર કર્યું છે અને મનની વસ્તુઓ વડે હ્રદયને ભરીએ છીએ. હ્રદય ખાલી હોવાથી મન કહે છે – મને પ્રેમ મળવો જોઈએ. અને એથી હ્રદયને પત્ની, પતિ દ્વારા ભરવા કોશિશ કરીએ છીએ. પ્રેમ વડે આપણે કંઈક કરવા કોશિશ કરીએ છીએ. આમ પ્રેમ ઉપયોગી ચીજ બને છે. સાધ્ય સિધ્ધ કરવા પ્રેમ સાધન બને છે.”કૃષ્ણમૂર્તિએ વિમલાજીને પોતાના વિચારો જાહેરમાં રજૂ કરવા માટે સમજાવતાં કહ્યું, “આ વૃદ્ધ લોકો જેઓ ખોટે રસ્તે જાય છે તેમની નીચે બોમ્બ કેમ નથી મૂકતાં ? તમે ભારતનો પ્રવાસ કેમ કરતાં નથી ? આ બધા આપખુદો, પરંપરાશીલો, સુધારકો અને માફ કરજો, પેલા બધા પોલા ગાંધીભક્તો ! એ લોકો આ દેશને કયાં લઈ જાય છે ? હિન્દુસ્તાન રાજકીય, નૈતિક અને આધ્યાત્મિક રીતે તૂટતું જાય છે. યુરોપના કેટલાક સામ્યવાદીઓને હું જાણું છું. તેઓ અમુક હદ સુધી જ મારી સાથે ખૂબ જ રસ ધરાવે છે. તેવું જ કેથલિકોનું તથા હિંદુઓનું છે. જેથી હું જ્યાં પણ હોઉં છું – યુરોપમાં, યુ.એસ.એ.માં કે ભારતમાં - ત્યાં બહારનો હોઉં છું. આ દેશમાં રાજકારણ સિવાય બીજું કંઈ છે ખરું ? શાથી ઊંડાણવાળું કશુંય સર્જનાત્મક નથી ?”કૃષ્ણમૂર્તિને સાંભળવા આલ્ડસ હકસલે ગસ્ટાડ આવ્યા ત્યારે તેમને થયેલો અનુભવ આ પ્રમાણે વ્યક્ત કર્યો : ‘મેં કદી ન સાંભળ્યુ હોય તેવું ખૂબ જ ધ્યાનાકર્ષક સાંભળ્યુ. જાણે બુધ્ધને સાંભળતા હોઈએ એવો તે અનુભવ હતો. તેવી જ શક્તિ, તેવી જ આંતરિક સત્તા; કોઈપણ પ્રકારના પલાયનનો કે અવેજીપણાનો, ગુરુનો, ઉધ્ધારકનો, ચર્ચનો કોઈ જ બાંધછોડ વગરનો સંપૂર્ણ નકાર.’કૃષ્ણમૂર્તિ આપણી ભારતીય માનસિકતા વિશે કહે છે કે “ટેકનોલોજીની રીતે આપણે આગળ વધ્યા(૩૭) પણ મનોવૈજ્ઞાનિક રીતે ખૂબ પછાત છીએ. આજે પણ માન્યતાઓ ઈશ્વરો, રાષ્ટ્રોના નામે લડ્યા કરીએ છીએ. માન્યતાઓ છોડીને જેનો ભય લાગે છે તેની મોઢામોઢ થવું જોઈએ. જે અર્થહીન છે તે બધું ફેંકી દેવાનો ભય લાગતો હોય છે તે શું છે તે સમજવું જોઈએ. નકામું બધું ફેંકી દેવું એટલે જાગૃત થવું, સંવેદનશીલ થવું, પ્રજ્ઞાયુક્ત થવું. પ્રજ્ઞા જ સમાજમાં પરિવર્તન લાવી શકે.” એક પ્રવચનમાં એમણે એક સન્યાસી વિશે વાત કરી, જે નદી તટે બેઠો હતો. પાણી, ચંદ્ર વગેરે તરફ તેનું ધ્યાન જ ન હતું. લોકો ગાતા હતા, કાગડાઓ પાછા આવી રહ્યા હતા, પણ કશાયથી તેઓ સભાન નહોતા. અગાઉ તેઓ ખૂબ ઉગ્ર અને અસંતુષ્ટ હતા. તેમણે જનનેન્દ્રિય કપાવી નંખાવી હતી અને ઈશ્વરની શોધમાં નીકળી પડ્યા હતા. લાગણી, સૌંદર્ય વગેરેની સંવેદના ગુમાવી દીધી હતી. કૃષ્ણમૂર્તિએ કહ્યું કે “આપણે પણ લગભગ એ સન્યાસી જેવા છીએ.”તમે ક્યાંક ખીલે બંધાઈ ગયા હો તો સત્ય શોધી ન શકો. મનોવૈજ્ઞાનિક પરિવર્તન અત્યારે જ થઈ શકે, હજાર વર્ષો પછી નહીં. આપણે હજારો વર્ષોથી જીવતા આવ્યા છીએ, છતાંય જંગલી છીએ. તેથી જો આજે ન બદલાઈએ તો હજાર આવતી કાલો પછી પણ ન જ બદલાઈએ. ભવિષ્ય અત્યારે છે. (The future is now).મૃત્યુના બાર દિવસ અગાઉ એમણે સ્કોટને રેકોર્ડ કરાવેલ સૂચનાઓમાંના થોડાક શબ્દો આમ હતા: ‘કોઈ વિધિઓ નહીં, મરણ પછી લોકો આવે નહીં, શરીરને વંદન કરે નહીં, શરીર પર સુખડનું લાકડું કે એવું કંઈ જ નહીં, શરીર પર સારી શાલ પણ ન વીંટજો......’ તા. ૧૯-૨-૧૯૮૬ ના રાત્રે ૧૨-૧૦ મિનીટે (એટલે કે તા.૧૭-૨-૧૯૮૬) કૃષ્ણમૂર્તિના ધબકારા થંભી ગયા.( આધાર સંદર્ભ : ‘જે. કૃષ્ણમૂર્તિની જીવનકથા.’ લે. બબાભાઈ પટેલ. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ-૧. પૃષ્ઠ સંખ્યા-૮+૨૮૦ ડેમી. પાકું પૂંઠું. મૂલ્ય – રૂ. ૧૮૦.)

+++

# ૬ #

‘ ધી ક્વાયટ માઈન્ડ ’ ના લેખક જ્હોન કોલમન વીસમી સદીના છઠ્ઠા દાયકા દરમ્યાન એશિયા(૩૮) ખાતેના C.I.A. એજન્ટ હતા, C.I.A.માંથી છૂટા થયા બાદ તેઓ આધ્યાત્મિક અધ્યયન તરફ વળ્યા. ભારતના એમના પ્રવાસો દરમ્યાન બનારસથી દિલ્હીની એમની હવાઈયાત્રા વખતે વિમાન ઉપડવાની તૈયારી હતી ત્યારે એક ભારતીય પ્રવાસી તરફ એમનું ધ્યાન ગયું. સાઈઠેકની ઉંમર, શ્વેત કેશ, સાવ સાદો પહેરવેશ. એમણે વિદાય આપવા આવેલ મિત્રોના ચહેરા પર વિષાદ હતો અને ફરી જલદી પરત આવવા એમણે કહી રહ્યા હતા. બન્ને પ્લેનની સીડી સાથે જ ચડ્યા. પછી કંઈ કોલમને એ પ્રવાસી તરફ લક્ષ આપ્યું નહીં, પણ એક વાત એમણે ખાસ નોંધી કે એ પ્રવાસી પાસે-સાથે કશો જ સમાન નહોતો. પ્લેનનું લખનૌ ખાતે રોકાણ હતુ અને ત્યાં સૌ પ્રવાસીઓએ બપોરનું ભોજન લેવાનું હતું. યોગાનુયોગે કોલમન એ ભારતીય પ્રવાસીના ટેબલ પર જ સાથે થઈ ગયા. ઔપચારિકતાના નાતે કોલમને પોતાનો પરિચય આપતાં એ પ્રવાસીએ પોતાનું નામ કૃષ્ણમૂર્તિ હોવાનું કહીને ઉમેર્યું, ‘એક પ્રકારે હું ફિલસૂફ છું. ( I am a sort of philosopher ) અલબત્ત દુનિયાભરમાં પોતાનાં પ્રવચનોથી જિજ્ઞાસું વર્ગમાં અત્યંત આદરપત્ર એવા જે. કૃષ્ણમૂર્તિના નામથી અને વાણીથી કોલમન અજ્ઞાત જ હતા. ભોજનના ટેબલ પર અને ત્યારપછી પણ આ બે યાત્રીઓ વચ્ચે વાતો ચાલતી રહી એનું સાન્નિધ્ય આપણે અહીં સક્ષેપમાં જ કરીએ : કોલમન : તમે ફિલસૂફ હોવાનું કહ્યું. વળી તમારા નામ કૃષ્ણમૂર્તિનો શાબ્દિક અર્થ પણ તેમ કહ્યો, એટલે એમ લાગે છે કે તમે ધાર્મિક પુરુષ હશો.કૃષ્ણમૂર્તિ : હું કોઈ એક ધર્મને અનુસરતો હોઉં એમ તમે કહેવા માગતા હો તો મારો જવાબ નકારમાં છે. કોઈ એક વિશેષ ફિલસૂફીને પણ હું અનુસરતો નથી. મને લાગે છે કે બધા જ ધર્મ કે જુદીજુદી ફિલસૂફીઓનો કશો જ અર્થ નથી. લખેલો કે બોલાયેલો શબ્દ એ ‘સત્ય’ નથી. સત્યનો જે તે ક્ષણે માત્ર અનુભવ જ થઈ શકે. સત્યની વિચારણા કે એની બૌધ્ધિક અભિવ્યક્તિ આપણને સત્યથી ચાર ડગલાં દૂર જ તાણી જાય.કોલમન : તમે કોઈ પ્રચલિત ધર્મને ભલે અનુસરતા ન હો પણ પરમ સત્યની પ્રાપ્તિની સૌથી નિકટ પહોંચેલા કયા ધર્મસ્થાપકનું નામ તમે આપ શકો ?કૃષ્ણમૂર્તિ : ઓહ ! બુધ્ધ, પણ હું કંઈ બૌધ્ધ નથી !કોલમન : બુધ્ધને બીજાઓ કરતાં સત્યની સૌથી વધુ નિકટ પહોંચેલ તમે ગણતા હો તો શા માટે તમે બૌધ્ધ ન હોવાનું કહો છો ?કૃષ્ણમૂર્તિ : કોઈપણ ધર્મ, સંપ્રદાય કે સંસ્થા ગમે તેટલી પ્રાચીન હોય કે અર્વાચીન હોય પણ એ માનવીને સત્ય પ્રતિ લઈ જઈ શકે નહીં. ઊલટાનું એ તો સત્ય પ્રતિ પહોંચવામાં અવરોધરૂપ બને. ધર્મ કે સંપ્રદાયો થકી ખુલ્લા મનથી અધ્યયન કરવાનો માર્ગ પણ બંધ થઈ જાય છે. સત્ય તો અંદરથી જ પ્રગટ(૩૯) થાય છે. ભૌતિક વસ્તુઓ કે યંત્રો વિશે સમજી શકાય કે અન્યને સમજાવી શકાય, પરંતુ સત્ય વિશે, પ્રેમ વિશે કે પરમાત્મા વિશે બીજાને શીખવી શકાય નહીં. વ્યક્તિગત અનુભવની જ આ બાબતો છે. હા, એ બધા વિષયો પર પુસ્તકો લખી શકાય અને વાંચનાર એ વિષયોની બૌધ્ધિક સમજણ કદાચ મેળવી શકે.કોલમન : તમારી સાથે કશો સરસામાન હોય એમ નથી લાગતું !કૃષ્ણમૂર્તિ : મને એવી કશી આવશ્યકતા જ નથી હોતી. મારી પાસે પૈસા પણ નથી જ. પૈસા સંબંધી વ્યવહારોમાં હું પડતો જ નથી.કોલમન : નાણાં વગર દિલ્હી પહોંચીને તમારા નિવાસની, ખાનપાનની બધી વ્યવસ્થા કેમ થશે ?કૃષ્ણમૂર્તિ : હું ત્યાં મિત્રો વચ્ચે હોઈશ. મને પ્રવચન માટે એમણે બોલાવ્યો છે. મારા નિવાસની, ખાનપાનની અને પ્રવાસની બધી જ વ્યવસ્થા એ લોકો જ કરતા હોય છે. ખરું કહો તો મારું પોતાનું કોઈ કાયમી ઘર નથી કે નથી મારો પોતાનો કહી શકાય એવો સરસામાન. હું પ્રવાસો કરતો રહું છું અને મારી બધી સગવડો મિત્રો સાચવી લેતા હોય છે. દુનિયામાં બધે જ મારા આવા મિત્રો છે.કોલમન : (સ્વગત) મારા માટે તો આ બધું અકલ્પનીય હતું. એટલું હું ચોક્કસ સમજી ગયો કે એક અસામાન્ય વ્યક્તિત્વની ઉપસ્થિતિમાં હું હતો. મહાન વિભૂતિ એવા જે. કૃષ્ણમૂર્તિના નામથી તો હું અજ્ઞાત જ હતો એટલે એમનો પ્રશંસક ન હોવાને કારણે જ કદાચ તેઓ મારી સાથે આમ મોકળાશથી વાતો કરતા હતા. એમની વાણીમાં એક જીવંત પ્રવાહ જાણે કે વહેતો હતો. વાણીની સાથોસાથ એમના હાવભાવમાં એક શક્તિશાળી ચૈતન્ય છલકતું હતું. ફરી પાછો મારો મૂળ પ્રશ્ન જ મેં દોહરાવ્યો ; ઘરબાર વગર તમારું જીવન કેવી રીતે ચાલી શકે છે ?કૃષ્ણમૂર્તિ : ઘટનાઓ સ્વયં સહજ રીતે ઘટતી રહે છે. મારું પોતાનું કહેવાય એવું મારી પાસે કશું જ ન હોવાથી ઊલટાનો હું વધુ સુખી છું. ચીજવસ્તુઓની માલિકી કે ઢગલાની શી જરૂર ? જ્યારે તમને કશું જ નથી ખપતું હોતું ત્યારે એ બધું જ સ્વયં તમારી પાસે પહોંચે છે. જ્યારે તમે તમારી આસપાસ માલિકીની ચીજવસ્તુઓથી ઘેરાયેલા હો છો ત્યારે તમે સદા સંઘર્ષમાં રહો છો ; એ ન મળતાં તમે દુ:ખી થઈ જાઓ છો અને મળ્યા પછી વળી બીજી અનેક વસ્તુઓની ઈચ્છાઓ કરતા રહો છો અને વધુ ને વધુ દુ:ખ અનુભવો છો. મારી અંગત આવશ્યકતાઓ અતિ અલ્પ અને સીધીસાદી છે, મને જોઈએ જ કેટલું ? જરૂર પૂરતું ખાવાનું અને થોડાંક કપડાં. અને એ બધાનું મિત્રો ધ્યાન રાખે છે. આ જે કપડાં મેં પહેરેલાં છે એટલું જ મારું પોતાનું ! ચીજવસ્તુઓ અને સુખસગવડનાં સાધનો કબજે કરવા પાછળ આખું જીવન સંઘર્ષમાં વેડફાઈ જાય છે. સાદી સરળ જીવનશૈલીને બદલે ગૂંચવાડાઓ વચ્ચે જીવવું સર્વનાશને નોતરનાર છે. કોલમન : આધ્યાત્મિક ઉન્નતિ માટે તમારી પાસે કોઈ સલાહ લેવા આવે તો એને તમે શું સલાહ(૪૦) આપો ?કૃષ્ણમૂર્તિ : સતત તમારી જાતને જોતા - જાણતા રહો. તમારાં કાર્યો, વિચારો, આસપાસના વાતાવરણનું નિરીક્ષણ કરતા રહો. કશું જ અર્થઘટન કર્યા વગર ઘટનાઓ જેમ આવે તેમ આવવા દો. પણ વાસ્તવમાં તો હું કોઈ સલાહ આપી શકું જ નહીં. પ્રશ્નોના ઉત્તરો તમારી અંદર જ હોય છે અને ઉત્તરો તમારે જાતે જ શોધવા જોઈએ. તમારા મુક્તિદાતા તમે પોતે જ બનો. સલામતી જેવું કશું છે જ નહીં અને છતાં તમે સલામતી માટે જ બધું કરતા રહો છો. ધર્મો, સિધ્ધાંતો કે વિચારોમાંથી તમને ઉત્તરો નહીં મળી શકે. કોઈના અનુયાયી બનવાથી પણ એ નહીં મળી શકે.કોલમન : કોઈક ધર્મને અનુસરવાનું શું કશું જ મહત્વ નથી ?કૃષ્ણમૂર્તિ : સ્થાપિત-સંગઠિત ધર્મો-સંપ્રદાય એક છટકબારી છે, પલાયનવૃત્તિ છે. તમને એ આશ્વાસનો, આલંબનો, શું કરવું – શું ન કરવું એનાં ક્રિયાકાંડો આપશે. +++

# ૭ #

જગત આખું આધિ, વ્યાધિ, ઉપાધિથી ત્રસ્ત અને ગ્રસ્ત છે. ચારે તરફ અસંતોષનો મહાસાગર ઉછળી રહ્યો છે. મનુષ્યમાત્ર સમસ્યાઓને પાત્ર છે. આ ભાત-ભાતકે લોકના સંસારમાં શું એવો કોઈ મનુષ્ય હશે જેને કોઈ જ સમસ્યા ન હોય ? ભગવદગીતાના ચોથા અધ્યાયના શ્લોક યદા યદા હિ ધર્મસ્ય......... નું પઠન-શ્રવણ–રટણ સદીઓથી ચાલતું રહ્યું છે. શું કોઈ તારણહાર, ઉધ્ધારક આ પૃથ્વી પર પછી અવતર્યો જ નથી ?કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનના પૂણે નજીક સહ્યાદ્રિ કેન્દ્ર ખાતે અવારનવાર મિલન–અભ્યાસસત્રો ચાલતાં રહે છે. એમના તરફથી ‘સંવાદ’ નામે મરાઠી ભાષાનું એક સુંદર સામયિક પણ પ્રકાશિત થાય છે. ‘સંવાદ’ના મે-૨૦૦૫ ના અંકમાં એક મજેદાર બોધકથા છપાઈ છે, સને – ૧૯૩૧માં થીઓસોફી સંસ્થા સાથે નાટકીય ઢબે છેડો ફાડી નાખ્યા પછી ૧૯૩૩માં કૃષ્ણમૂર્તિએ આ બોધકથા લખેલ અને એમાં જાણે કે એ મહાન દ્રષ્ટાનો પોતાનો જ અનુભવ વંચાય છે–પડઘાય છે. કૃષ્ણમૂર્તિના તત્વદર્શનની પણ એક ધૂંધળી છબી એમાં દેખાય છે.આ બોધકથા યથાવત પણ આપણી ‘ફૂટપાથ’ ની ભાષામાં : પ્રાચીન કાળમાં પણ આપણા જેવું જ એક જગત હતું, એક સંસાર હતો. બધા જ લોકો આધિ-વ્યાધિ-(૪૧) ઉપાધિથી ગ્રસ્ત અને ત્રસ્ત હતા. દરેકને પોતાનાં આ દુ:ખોમાંથી છુટકારો ખપતો હતો અને સુખ જોઈતું હતું. સુખની શોધ માટે એમણે પ્રાર્થનાઓ કરી, પૂજાપાઠ કર્યાં, પ્રેમ કર્યો અને દ્વેષ પણ કર્યો ; એમણે લગ્નો કર્યાં અને યુધ્ધો પણ કર્યાં. તેમને તેમના જેવાં જ દુ:ખી સંતાનો થયાં. પોતાનાં સંતાનોને પણ તેઓ એવું જ શીખવતાં રહ્યાં કે સુખ પ્રાપ્ત કરવું એ તેમનો અધિકાર છે અને એ જ ધ્યેય એમણે રાખવું જોઈએ.આવાં દુ:ખોની જંજાળમાં સપડાયેલા એ જગતમાં એક દિવસે એક એવી વાત વહેતી થઈ અને એ વાત પછી તો ચારે તરફ ગાજવા લાગી. ચારે તરફ એવી વાત ચર્ચાતી હતી કે એક મહાન ગુરુ આવી રહ્યા છે, તેઓ માનવસમાજ પ્રત્યેના પ્રેમને કારણે પોતાના જ્ઞાન વડે લોકોને દુ:ખમુક્ત કરશે અને તમામ લોકોની શાશ્વત સુખ માટેની જે શોધ અને તલપ છે તે મેળવવાનો માર્ગ એ ગુરુ બધાંને બતાવશે.આવા મહાન ગુરુના આગમનથી સુખકારક વાતો દૂરદૂર સુધી ફેલાવવા માટે અનેક સંસ્થાઓ અને મંડળોની રચનાઓ થઈ. કેટલાંક સ્ત્રી-પુરુષો તો જગતભરમાં ફરતાં રહીને આવનારા આ ગુરુની વાતો લોકોને પહોંચાડવામાં લાગી ગયાં. તો વળી કેટલાક લોકો આવનાર એ મહાન ગુરુના સ્વાગતનું વાતાવરણ તૈયાર કરવા ધાર્મિક અનુષ્ઠાનો અને ક્રિયાકાંડોના આયોજનમાં લાગી ગયા. એમનો હેતુ એવો હતો કે ભૂતકાળમાં થઈ ગયેલ આવા મહાન ગુરુનું માર્ગદર્શન અને ઉપદેશ વિસ્મૃત થઈ ગયેલ હોતાં હવે આવનારા ગુરુની વાતો સમજી શકવાની ભૂમિકા અને વાતાવરણ તૈયાર થાય. આવા જગતઉધ્ધારક આવે ત્યારે તેમની વાતો સમજી શકનારા થોડાક લોકો એ ઉધ્ધારકની નિકટમાં હોય એ આવશ્યક માનીને કેટલાક સેવકોએ તો આવનાર એ મહાન જગદગુરુના શિષ્યો તરીકે પોતાને આગોતરા જ જાહેર કરી દીધા.અને એ દિવસ આવી પહોંચ્યો. મહાન ઉધ્ધારક આવી પહોંચ્યા, લોકોને એમણે જણાવ્યું કે એમનાં દુ:ખોમાંથી મુક્તિ અપાવીને સુખના માર્ગે સૌને લઈ જવા માટે તેઓ આવ્યા છે. વળી તેમણે કહ્યું કે તેઓને પોતાને પણએમના જેવાં બધાં જ દુ:ખોમાંથી પસાર થઈને સુખ અને શાંતિ તરફ પહોંચવાનો માર્ગ મળ્યો છે. શાશ્વત આનંદનું સામ્રાજ્ય હવે મળ્યું છે અને સૌ લોકોને એ માર્ગે દોરીને લઈ જવા માટે જ તેઓ આવી પહોંચ્યા છે. પરંતુ એમણે જણાવ્યું કે શાશ્વત આનંદ સુધી પહોંચવા માટેનો રસ્તો અત્યંત સાંકડો અને ભારે ચઢાણવાળો છે. આથી જેઓ પોતાના ભૂતકાળનો સંઘરી રાખેલ માલસામાન-ધનસંપત્તિ પાછળ છોડી જવા માટે તૈયાર હોય તેઓ જ એ માર્ગે પોતાની પાછળ પાછળ ચાલી શકશે ; એટલું જ નહીં પણ એ માર્ગે એમની પાછળ પાછળ આવવા ઈચ્છનારાઓએ તેમનાં દેવ-દેવીઓ, એમનો કહેવાતો ધર્મ, ક્રિયાકાંડો, તહેવારો-ઉત્સવો, પુસ્તકો અને એ ગ્રંથોમાંનું જ્ઞાન એ બધું જ છોડીને આવવું પડશે ; એટલું જ નહીં પોતાના પરિવારો અને મિત્રમંડળીઓને પણ મૂકીને આવવાની તૈયારી જોઈશે. કારણ કે રસ્તો અત્યંત સાંકડો અને આકરા ચઢાણવાળો છે. જો આવી તૈયારી હોય તો પ્રવાસ દરમ્યાનની એમની આવશ્યકતાઓની તે બરાબર(૪૨) કાળજી લેશે. આમ પોતે જે ચિરંતર સુખના સામ્રાજ્યમાં રહી આવ્યો છે ત્યાં સાથે આવનાર સૌને તે પહોંચાડશે. હવે જે લોકોએ આ સદગુરુના આગમન અને સ્વાગત માટે ભારે તૈયારીઓ કરી હતી તેઓ આ બધી શરતો સાંભળીને ભારે અસ્વસ્થ–વિચલિત થઈ ગયા. હવે તેઓ બધાને કહેવા લાગ્યા, “અમને જે અપેક્ષાઓ હતી અને જે માટે અમે તૈયારીઓ કરી હતી એવો આ ઉપદેશ છે જ નહીં. જે જ્ઞાન અને ગ્રંથોનો વારસો અમે આટલા પરિશ્રમપૂર્વક પ્રાપ્ત કર્યો છે એનો ત્યાગ કેમ થઈ શકે ? વળી આ ક્રિયાકાંડો અને ધાર્મિક ઉત્સવો-સમારંભોથી અમને જે સુખ અને શક્તિ પ્રાપ્ત થાય છે એના વગર તો આગળની આવી કઠિન યાત્રા થઈ જ કેમ શકે ? આ તે કંઈ ઉપદેશ છે ? ખૂબ મનોમંથન પછી તેઓ કહેવા લાગ્યા કે ‘ઠીક છે, જગતને મદદ કરવા માટે આ મહાન ઉધ્ધારક ગુરુ આવ્યા છે પરંતુ આ જગતનો તો એમને કંઈ અનુભવ જ નથી. આ જગત વિશે તો એમના કરતાં અમે જ વધુ જાણીએ. એટલે હવે એમની વાણીના ભાષ્યકાર તરીકે કામ કરવાનું અમારું કર્તવ્ય થઈ પડે છે.’ વળી જેઓ પંડિતો હતા તેઓ કહેવા લાગ્યા, ‘પુરાતન જ્ઞાનનો, ગ્રંથોનો ત્યાગ કરવાનું અમને લાગુ પડતું નથી કારણ કે જગતને એ પુરાતન જ્ઞાનના વારસાની આવશ્યકતા છે, એના વગર લોકોને ચાલે જ નહીં. લોકોના કલ્યાણ માટે અમારે જ્ઞાનાર્જન ચાલુ જ રાખવું જોઈએ.’ પૂજાપાઠ અને ક્રિયાકાંડો-ઉત્સવો કરનારાઓ કહેવા લાગ્યા, ‘અમે એ બધાથી પર છીએ અને અંગત લાભ માટે કંઈ અમે એ નથી કરતા પણ લોકોના હિત અને કલ્યાણ માટે એ અમારે ચાલુ રાખવું જ જોઈએ.’ અને એટલે એમણે ધર્મસ્થાનો બાંધવાનું અને પૂજાપાઠનું કાર્ય ચાલુ જ રાખ્યું અને એ બધું તેઓ જગતના કલ્યાણ માટે કરી રહ્યા હતા અને તેઓ એમાં એટલા ગળાડૂબ હતા કે તેમને હવે આવેલા એ ઉધ્ધારકની વાતો સાંભળવાની ફુરસદ જ નહોતી.હા, થોડાક લોકો એવા હતા કે ઘરબાર-પરિવાર ત્યાગીને તેઓ આ મહાન ગુરુ પાસે આવી પહોંચ્યા. મૂળ તો ઘરની અને નોકરીની ત્રાસદાયક જવાબદારીમાંથી છુટકારો તેઓને ખપતો હતો. તેઓ આવીને એ મહાન જગદગુરુને કહેવા લાગ્યા કે, ‘તમને અનુસરવા અમે સર્વસ્વ છોડીને આવ્યા છીએ. હવે તમે અમને એકાદ સહેલી નોકરી અપાવો. અમે તમારું મહાન કાર્ય કરતા રહીએ અને અમને રોજીરોટી પણ મળતી રહે !’માત્ર ગણ્યા-ગાંઠયા થોડાક લોકો એ ગુરુની વાતો સમજી શક્યા. એ ગુરુની વાણીમાં સહજતા હતી, કોઈ આંટીઘૂંટીઓ કે બોજ નહોતો. ઘર-પરિવાર-મિત્રોનો ત્યાગ તો માત્ર એવી આસક્તિઓના ત્યાગની વાત તેઓ સમજી શક્યા. ભાગેડુ થવાની વાત એમાં નહોતી. પરંતુ એવા થોડાક લોકોને બધા જ આળસુ-સ્વાર્થી-ભાગેડુ કહીને બદનામ કરવા લાગ્યા. પંડિતો કહેવા લાગ્યા કે સંસારની અત્યંત જટિલ સમસ્યાઓ માટે અમારી પાસે એવા જ જટિલ ઉપાયો છે. હવે એ બધા લોકો કહેવા લાગ્યા, ‘અમને જેવા ગુરુની અપેક્ષાઓ-(૪૩) આવશ્યકતા હતી એ આ નથી. માટે સાચા સદગુરુના અવતરણ-આગમનની તૈયારીઓ આપણે ચાલુ જ રાખીએ !’ત્યારબાદ કેટલાંક વર્ષો પછી એ મહાન અવતારપુરુષનું અવસાન થયું. પછી શું થયું ?પછી એ બધા જ લોકોએ એમને દૈવી અવતાર જાહેર કરીને તેમનો જયજયકાર કર્યો. એ વિલક્ષણ ગુરુના નામે ઠેકઠેકાણે નવાં દેવળો, નવાં ધર્મસ્થાનો એમણે ઊભાં કર્યાં. એમના નિત્ય સ્મરણ અને ગૌરવ કાજે નવા પ્રકારના ક્રિયાકાંડો, ઉજવણીઓ અને સમારંભોની આકર્ષક રચનાઓ કરવામાં આવી. એમના ઉપદેશનો આધાર દર્શાવીને એક નવા ધર્મની સ્થાપના થઈ. આધિ-વ્યાધિ-ઉપાધિઓના દુ:ખથી ત્રસ્ત સંસાર એવો ને એવો જ રહ્યો. દુ:ખ મુક્તિ માટે ફરી કોઈક નવા ઉધ્ધારકના આગમન માટે શાસ્ત્રાધારો સહિત રાહ જોવાનું એમ જ ચાલવા લાગ્યું.+++

# ૮ #

અધ્યાત્મક્ષેત્રે મહાન તત્વચિંતક શ્રી જે. કૃષ્ણમૂર્તિ એવા કિમિયાગર હતા કે જેઓ જીવનરસાયણોમાં કાંઈક મૂળભૂત પરિવર્તનો લાવી શકે. વીસમી સદીના આ મહાન ચિંતકનું જ્યારે એકાણું વર્ષની ઉંમરે અવસાન થયું ત્યારે દુનિયાભરનાં અખબારોએ એમના વિશે તંત્રીલેખો લખ્યા અને એવા કેટલાક તંત્રીલેખોનાં શીર્ષક હતાં : ‘જગદગુરુની વિદાય’ આવા જ સંદર્ભે એક રસોયાએ લખેલી સંસ્મરણાત્મક નોંધપોથીની વાત :યુવાન માઈકલ કોહેન આજના ‘સર્વસામાન્ય અને સર્વવ્યાપી’ એવા માનસિક સંઘર્ષોમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એમના એક મિત્રે જે. કૃષ્ણમૂર્તિનાં પ્રવચનો સાંભળવાની એમને સલાહ આપી. એ ટાંકણે જે. કૃષ્ણમૂર્તિનાં પ્રવચનો ભારતમાં ચાલી રહ્યાં હતાં એટલે માઈકલ કોહેન ભારત આવી પહોંચ્યા; અને કૃષ્ણમૂર્તિને સાંભળવા આવા એક પ્રવચનમાં બેસી ગયા. પ્રવચન પૂરું થયું ત્યારે સ્વાભાવિક રીતે જ શ્રોતાઓ ઊભા થઈને ચાલવા લાગ્યા; પરંતુ કોહેન બેસી જ રહ્યા. આ કારણે જ કૃષ્ણમૂર્તિની કોહેન પર નજર પડી, તેઓ કોહેન પાસે આવી પહોંચ્યા અને ઔપચારિક જેવી પૃચ્છા કરી. કોહેને ખિસ્સામાંથી એક પત્ર કાઢીને કૃષ્ણમૂર્તિના હાથમાં આપ્યો અને કહ્યું, ‘મેં સાંભળ્યુ છે કે તમે કવિતાઓ લખી છે, હું પણ કવિ છું અને આ પત્રમાં મારી એક કવિતા છે.’(૪૪)પ્રવચનોના આ સત્ર દરમ્યાન જ કૃષ્ણમૂર્તિ સાથે એમનો અંગત પરિચય બંધાયો. ક્યારેક ઈવનિંગ વોકમાં પણ તેઓ કૃષ્ણમૂર્તિ સાથે જોડતા. પછી તો દુનિયાભરમાં કૃષ્ણમૂર્તિનાં પ્રવચનો સાંભળવા તેઓ દોડતા રહ્યા. પ્રસંગોપાત કૃષ્ણમૂર્તિને નજીકથી મળવાની તક પણ તેમણે મળતી રહી. ક્વચિત ભોજનના ટેબલ પર કૃષ્ણમૂર્તિ સાથે જોડાવાનું પણ બનતું. કૃષ્ણમૂર્તિનું સાન્નિધ્ય વધુ ણે વધુ પ્રાપ્ત થાય એવી કોહેનની ઝંખના તીવ્ર બનતી ગઈ. આ દરમ્યાન કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ અને ફાઉન્ડેશન સાથે સંકળાયેલા અગ્રગણ્ય કાર્યકરો સાથે પણ તેમનો નાતો બંધાતો ગયો.ઈ.સ. ૧૯૭૫ દરમ્યાન જાપાનમાં એક ખાનગી શાળામાં એમણે શિક્ષક તરીકેનું કાર્ય પણ કર્યું. કૃષ્ણમૂર્તિને કારણે જીવન પ્રત્યેનો એમનો દ્રષ્ટિકોણ સાવ બદલાઈ ગયો. સમાન રુચિ અને સમાન ધ્યેયવાળા લોકો વચ્ચે કંઈક કાર્ય કરવાની એમની ઝંખના તીવ્ર બનતી જતી હતી. બૌધ્ધ પરંપરાના વાતાવરણમાં જાપાન ઉપરાંત નેપાળ, લાઓસ, થાઈલેન્ડ વગેરે સ્થળોના પ્રવાસોથી એમને એક વાત સ્પષ્ટ સમજાઈ ગઈ કે કોઈપણ ધાર્મિક પરંપરામાં એકવાર સંસ્થાકીય માળખાં ઊભાં થતાં જ એમાં ક્રિયાકાંડો, અંધશ્રધ્ધા, ચમત્કારો સંબંધી માન્યતાઓ વગેરે દાખલ થઈ જાય છે; અને પછી માત્ર અંદર ખાલીપો હોય એવું માળખું રહી જાય છે. આવા અનુભવો અને નિરીક્ષણોને કારણે એમને લાગ્યું કે સમાન રુચિ અને લક્ષ્યવાળા લોકો વચ્ચે સાથે મળીને કાર્ય કરવાનું કદાચ એટલા માટે શક્ય નહીં બને, કારણ કે ત્યાં પણ સ્પર્ધા, દબાણ અને સત્તા માટેના ટકરાવ ઊભા થવાના. મોટાભાગની સંસ્થાઓ આવી બાબતોમાં અટવાઈ જાય છે.બરાબર આવી મથામણના સમય દરમ્યાન જ ઓહાઈ (કેલિફોર્નિયા) ખાતેથી એમના એક મિત્રનો પત્ર આવ્યો. એમાં જણાવ્યું હતુ કે, ‘કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનની એક શાળા સપ્ટેમ્બરમાં ત્યાં શરૂ થનાર હતી અને એમાં સ્ટાફમાં એક માળી, મેન્ટેનન્સ માટેના એક કુશળ કર્મચારી તેમ જ એક રસોયાની જગ્યા ખાલી હતી, ને જો મારો (કોહેનનો) રસ હોય તો અરજી કરવી.’કોહેન તો આવી કોઈ તક માટે આતુર હતા. એમણે તરત એ મિત્રને ટેલિફોન જોડ્યો. કૃષ્ણમૂર્તિનું સાન્નિધ્ય પ્રાપ્ત કરવા માટે આવી કોઈપણ નોકરીમાં જોડાવાની તત્પરતા દર્શાવી.એમને ટેલિફોન કરનાર એ મિત્ર હતા ALAN HOOKER અને એમનાં પત્ની HELEN. ભારતમાં ૧૯૭૨ માં RUSHI VALLEY ખાતેનાં કૃષ્ણમૂર્તિનાં પ્રવચનો દરમ્યાન કોહેનને આ દંપતીનો પરિચય થયો હતો. ત્યાર પછી એમની સાથે પત્રવ્યવહારનો નાતો પણ બંધાયો હતો. કોહેન ઓહાઈ ખાતે આર્યવિહાર પહોંચી આવ્યા. ઠેઠ ૧૯૨૨ થી કૃષ્ણમૂર્તિનું આ નિવાસસ્થાન હતું. નવી શરૂ થનાર શાળાના કેટલાક સ્ટાફની રહેવાની સગવડ પણ આર્યવિહાર ખાતે થઈ હતી. કોહેનને જાણવા મળ્યું કે ત્યાંના રસોડા માટે રસોયા તરીકે એમની નિમણૂક થાય એમ હતું. ત્યાંના સુંદર પ્રાકૃતિક વાતાવરણથી કોહેન મોહિત થઈ ચૂક્યા હતા. જો કે(૪૫) એમની અપેક્ષા તો માળી તરીકે અથવા તો મેઈન્ટેનન્સ કર્મચારી તરીકે કામ કરવાની હતી. રસોઈકામ તો એમને આવડતું નહોતું. HOOKER દંપતીને એમણે આ વાત કરી પરંતુ HOOKER દંપતીએ રસોઈકળાની એમને તાલીમ આપવાનું પોતાના માથે લીધું, જેથી કરીને કોહેનના હાથમાંથી આવી તક સરકી ન જાય. HOOKER દંપતી વ્યવસાયે એક રેસ્ટોરન્ટની માલિકી ધરાવતાં હતાં અને એમણે કોહેનને શાકાહારી વાનગીઓ રાંધવાની કળાનું એક પુસ્તક પણ લાવી આપ્યું.ફાઉન્ડેશનના ડાયરેક્ટરે કોહેનની જવાબદારીઓ-ફરજ વગેરે સમજાવતાં કહ્યું કે ફાઉન્ડેશનના રસોયા તરીકે કૃષ્ણમૂર્તિના ઓહાઈ ખાતેના નિવાસ દરમ્યાન કૃષ્ણમૂર્તિ તેમજ એમના મહેમાનોની રસોઈની જવાબદારી સંભાળવાની હતી. કૃષ્ણમૂર્તિ જેવી વિશ્વપ્રસિધ્ધ વિભૂતિ માટે રસોઈ કરવાની તક મળે તે આનંદની ઘટના પણ હતી અને સાથોસાથ આવી જવાબદારી સારી રીતે પાર પાડવા અંગે ચિંતા, ભય અને ટેન્શનની પણ બાબત હતી. પરંતુ HOOKER દંપતીનો પૂરો ટેકો હતો ને વળી કેટલાક પ્રસંગોએ આ HOOKER દંપતીએ જ કૃષ્ણમૂર્તિનું રસોડું સંભાળ્યું હતું. કૃષ્ણમૂર્તિને આહાર કે ખાનપાનની બાબતમાં ખાસ કોઈ વિશેષ આગ્રહ કે પસંદગી જેવું ન હતું. આમ આર્યવિહાર ખાતેના અદ્યતન અને સુસજ્જ એવા રસોડાનો કારભાર કોહેને સાંભળી લીધો.એક રસોયા પાસેથી કૃષ્ણમૂર્તિ વિશેનાં નિરીક્ષણો, અનેક ઘટનાઓ અને પ્રસંગોનાં સંસ્મરણોની સુંદર રીતે લખાયેલી નોંધપોથી જિજ્ઞાસુ વાચકોને મળે એ પણ એક અસામાન્ય ઘટના છે-નિયતિનો કંઈક સંકેત છે.આવી રોજનીશીઓ જ્યારે લખાતી હોય છે ત્યારે ભવિષ્યમાં કોઈ કાળે તે છપાય, એક દળદાર પુસ્તકાકારે પ્રસિધ્ધ થાય એવી કશી જ વિચારણા હોતી નથી. લખનારના મનમાં પણ આવી કોઈ સંભાવનાઓ હોતી નથી. પરિણામે જ્યારે જિજ્ઞાસુ વાચકો સમક્ષ એ પહોંચે છે ત્યારે એમાંથી કૃષ્ણમૂર્તિ જેવી એક પ્રતિભાની સાચુકલી – સુભગ એવી છબી આપણને જોવા મળે છે ; માત્ર એટલું જ નહીં પરંતુ કૃષ્ણમૂર્તિના નિકટવર્તુળની વ્યક્તિઓનું પણ એક એવું દર્શન પ્રાપ્ત થાય છે જેમાં એક માનવીય વ્યક્તિત્વની અનેક વિલક્ષણતાઓ અને વિશેષતાઓ આપણને જીવનના અનેક પાઠ આપનાર બની રહે છે.સામાન્ય રીતે રોજનીશીમાં લેખક પોતે ડગલે ને પગલે લખાણોમાં કેન્દ્રસ્થાને હોય છે, જ્યારે અહીં કેન્દ્રમાં – પુસ્તકના ચરિત્રનાયક સમાન જે. કૃષ્ણમૂર્તિ છે અને સાથોસાથ એમની આસપાસની કેટલીક પ્રતિભાશાળી વ્યક્તિઓ પણ છે.+++(૪૬)

# ૯ #

વીસમી સદીમાં તત્વચિંતનક્ષેત્રે એક પ્રતિભાશાળી અને આદરપાત્ર એવું નામ આપવું હોય તો તે છે જે. કૃષ્ણમૂર્તિ (૧૮૯૫ – ૧૯૮૬). એમની હયાતી દરમ્યાન મીડિયાએ એમનાં વક્તવ્યોની કે ચિંતનની ઝાઝી નોંધ ન લીધી; પરંતુ એમનું અવસાન થયું ત્યારે વિશ્વભરનાં કેટલાંક અગ્રગણ્ય અખબારોએતંત્રીલેખો લખ્યા; એક તંત્રીલેખનું શીર્ષક હતું ‘The World Teacher Passes Away!’અહીં પ્રસ્તુત આયરિસ મુરડોશ (Iris Murdoch) સાથેની એમની મુલાકાત સને ૧૯૮૪ માં બ્રોકવુડ (ઈંગ્લેન્ડ) ખાતે રેકર્ડ કરવામાં આવી હતી. વિદુષી સન્નારી મુરડોશ ફિલસૂફીના વિષયમાં ઓક્સફર્ડ ખાતે અધ્યાપક રહ્યાં છે. ફિલસૂફીના વિષયમાં તો એમણે મહત્વનું લેખન-પ્રદાન કર્યું જ છે, વધુમાં એમણે ૨૭ નવલકથાઓ પણ લખી છે.અહીં પ્રસ્તુત એ મુલાકાતની પ્રશ્નોત્તરીરૂપે નોંધ કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનના ચતુર્માસિક બુલેટિન (સંપા.રાધિકા હર્ઝબર્ગર) ક્રમાંક ૧/૯૩ માંથી લેવામાં આવી છે – અલબત્ત ટૂંકાવીને. આ અનુવાદ આદરણીય સુરેશ દલાલ સંપાદિત ‘મુલાકાત – વિશ્વ’માં સંગ્રહિત છે.

કેટલાક મૂળભૂત પ્રશ્નો અંગે હજી હું સ્પષ્ટ નથી; છતાં એક-બે મુદ્દાઓથી આપણે શરૂઆત કરીએ. ફરજ-કર્તવ્ય વગેરે બધા જ સમાજોની નૈતિક વિચારણામાં એક મૂળભૂત મુદ્દો છે. પરિવારમાં ઉછેર દરમ્યાન જ વારંવાર આ બાબતો પર ભાર મૂકવામાં આવે છે. દા. ત. સત્ય બોલવું, મને એવું લાગે છે કે તમે આ મુદ્દાને ટાળતા રહો છો.હા, ફરજ-કર્તવ્ય કરતાં ‘જવાબદારી’ વધુ યોગ્ય શબ્દ રહે છે. ઠીક છે, પણ એ બંને શું એક જ નથી ?ના, કારણ કે જવાબદારીમાં કાળજી, સ્નેહ, વાતચીતમાં સંવાદ વગેરે સમાવિષ્ટ હોય છે. જ્યારે ફરજ-કર્તવ્યમાં એક શિસ્ત અને પ્રતિબધ્ધતાનો આગ્રહ હોય છે – આદેશ હોય છે. મારાં સંતાનો પ્રત્યે હું જવાબદાર હોઉં ત્યારે પૂર્ણપણે જવાબદાર હોઉં છું. સંતાનો અલગ થયા પછી પણ મારા હૈયે એમના માટે કાળજી હોય છે કે તેઓ સુંદર રીતે જીવે – હિંસાથી દૂર રહે. સત્ય બોલવું એ મારી જવાબદારીનો એક હિસ્સોમાત્ર છે. મારી જાતવફાદારીનું એ એક અંગ બની જાય છે. હા, બરાબર છે. માનવજીવનનું આ એવું પાસું છે કે જેનો સંબંધ જીવનના સાર્થક્ય સાથે છે. એક સમાજમાં નૈતિક મૂલ્યોનું સાર્થક્ય એ જુદી બાબત છે. જ્યારે તમે મૂળભૂત રીતે એક જુદા પરિણામમાં એને જુઓ છો(૪૭) એમ હું સમજી છું.હા, હું જુદી જ રીતે એ જોઉં છુ. જેને આપણે સજ્જનતા કે નૈતિક વર્તન ગણીને ચાલીએ છીએ એ તમારી મૂળભૂત ધારણાથી ક્યાં જુદાં પડે છે, એ મને સમજાયું નથી.આપણે જીવનને બધી જ બાબતોમાં ટુકડાઓમાં માપતા અને મૂલવતાં હોઈએ છીએ ! વેપારધંધો હોય, ધર્મ, પ્રેમ, નફરત બધું જ વેરવિખેર ટુકડાઓમાં ! ઠીક છે, રોજેરોજના જીવન સામે આપણે ઊભા રહેવાનુ હોય છે.હા. હા, પરંતુ રોજેરોજના જીવનમાં હું આવી રીતે ટુકડાઓમાં શા માટે વહેંચાઉ ? મને એ માન્ય નથી. તમે એમ કહો છો કે કશુંક એવું ઐક્યપણું, અખંડ, સ્વાર્થમુક્ત હોવું જોઈએ કે જેના ભાગલા પડી જ ન શકાય.હા, બરાબર એમ જ. તો પછી આપણે એમ કહીએ ‘પ્રેમ’, ‘સત્ય’ જેવા શબ્દ....હા, એ બંને એક જ છે; જો પ્રેમ હોય તો ત્યાં સત્ય છે – સૌંદર્ય છે. ફિલસૂફીની દ્રષ્ટિએ જો જોવામાં આવે તો તમે કહો છો તેમ જ છે.ફિલસૂફી નહીં, વાસ્તવિકતા જ એમ છે. પ્રેમ હોય ત્યાં સત્ય અને સૌંદર્ય છે જ – બેઈમાની માટે ત્યાં જગ્યા જ નથી. ‘સાચું જ બોલો’ જેવી સામાન્ય લૌકિક ધારણાઓ અને તમે આ બાબતમાં મૂળભૂત રીતે ક્યાં જુદાં પડો છો ? એ મને બરાબર સમજાયું નથી.હા, હું આ સમજું છું. મારી જાતને તેમ જ હે મારા મિત્ર, તમને ફરીથી પૂછીશ કે આમ આપણે ટુકડાઓમાં શા માટે બધું વિચારીએ છીએ ? ફરી ફરીને આ પ્રશ્નથી જ શરૂઆત કરવી પડશે. તમે એમ કહેવા માગો છો કે સજ્જનતા, સદગુણ, સત્ય એ આરંભમાં કે પ્રસંગોપાત ન બની રહેતાં વ્યક્તિત્વના અભિન્ન અંશ તરીકે બની રહેવાં જોઈએ ?હા, બરાબર છે. અનેકવાર ચર્ચાઓમાં વિદ્યાર્થીઓને પણ હું આ જ પ્રશ્ન કરતો હોઉં છું કે ટુકડાઓમાં – ખંડિત એવું આપણું જીવન શા માટે ? ક્યાંક કશીક ભારે ભૂલ થઈ રહી છે. લાખો વર્ષ પછી પણ આપણાં યુધ્ધો-માનવસંહાર-દુશ્મની ચાલી જ રહ્યાં છે. આપણામાંની આ શું ગરબડ છે ? હું જે કહેવા માગું છું તે તમને સમજાય છે ? મારી વિવેક-દ્રષ્ટિએ હું જાઉં છું કે ધર્મના નામે, દેશ-રાષ્ટ્રીયતાના નામે અનેક ટુકડાઓમાં આ જગત વેરણ-છેરણ છે. આ જાતનું જીવન આપણે શા માટે સ્વીકારી લીધું છે ? (૪૮) મને લાગે છે કે આ પ્રશ્નનો વ્યવહારુ, સીધોસાદો ઉત્તર મળી શકે. આપણે આવું ઘણું બધું સ્વીકારી લીધું છે એ અંગે પણ કંઈક કરી શકીએ.આપણે કશું જ નથી કરતા, મેડમ ! હકીકત એ છે કે આપણે કદી જ આ દિશામાં કશું કર્યું નથી. ટુકડાઓમાં વહેંચાયેલી ખંડિત માનવજાતની બાબતમાં આપણે કશું જ ગંભીરતાથી કર્યું નથી. હા, એ ખરું છે, પરંતુ જે કંઈ તમે આ વિશે કહેવા ઈચ્છો છો એનો નક્કર પ્રભાવ પણ પડી શકે – ખાસ કરીને રાજકીય ચિંતનક્ષેત્રે.ધર્મક્ષેત્રે-રાજકીયક્ષેત્રે અને રોજિંદા જીવનમાં કદાચ એનો થોડોક પ્રભાવ ભલે હોય; જુઓ સૈધ્ધાંતિક ચર્ચામાં આપણે પડીએ એનો કશો અર્થ નથી. પ્રશ્ન માત્ર એટલો જ છે કે આપણે સૌ માનવીઓ આખા જગતમાં આપણી જાતને અગણિત ટુકડાઓમાં શા માટે ખંડિત કરી બેઠા છીએ ? આ કંઈક એવા પ્રકારના પ્રશ્નો છે.... એવો પણ પ્રશ્ન આપણે કરી શકીએ કે ભૂતકાળમાં કોઈ એક ચોક્કસ સમયે અમુક ધર્મની અમુક માન્યતાઓ શા માટે હતી ? આવી ચર્ચામાં આગળ વધતાં તાત્વિક પ્રશ્નોના ચોકસાઈપૂર્વકના સર્વસ્વીકૃત ઉત્તરો મળી શકે નહીં. આ જગતમાં મનુષ્યોનું અસ્તિત્વ શા માટે છે એવા પ્રશ્ન જેવું આ બધું છે !ના, ના, (હસીને). ‘આપણે કશું જાણતા નથી’ એટલું માત્ર કહી શકાય ! દા. ત. જેઓ ઈશ્વરમાં શ્રધ્ધા ધરાવે છે તેઓ એમ કહેશે કે – ‘ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરી છે.’અલબત્ત, વૈજ્ઞાનિકો પાસે આવા પ્રશ્નોના જુદા પ્રકારના આધારો હોય છે. હા, પણ જો વ્યવહારુ વાસ્તવિકતાઓની બાદબાકી કરીએ તો આપણો પ્રશ્ન Metaphysical બની રહે – અર્થાત એવો કે જેનો જવાબ આપી શકાય નહીં.મારો પ્રશ્ન એ છે કે શું વિચાર પોતે જ ટુકડાઓમાં વેરણછેરણ છે ? મને લાગે છે કે વિચાર પોતે ખંડિત સ્વરૂપે જ હોય છે અને એક રીતે અનિવાર્યપણે એમ જ હોય. બુધ્ધિ સતત બહારની તરફ વિસ્તરતી રહે છે અને એને ભાષા એક માધ્યમ તરીકે મળે છે; કદાચ એટલે જ અત્યંત સઘન-સંક્ષેપમાં આવું કશું સમાઈ શકે નહીં.ના, ના, એવું નથી જ. તમે મને એમ કહેવા દો કે જગતનો ઉધ્ધાર થાય એ માટે એના કેન્દ્રમાં બધું સારું સારું (દા. ત. સત્ય અને પ્રેમ) હોવું જોઈએ.હા, એમ જ હોવું જોઈએ.(૪૯)તો પછી આ ખંડિત ટુકડાઓમાંથી બહાર કેમ નીકળવું – ખંડમાંથી અખંડ તરફ – ઐક્ય તરફ ?માનવી આવો કેમ છે ? માત્ર બૌધ્ધિક સમજણથી એનો જવાબ નહીં મળે. આ હિંસા – આ ટકરાવની સ્થિતિ એક રોજિંદી વાસ્તવિકતા છે. આમ તો આ માટેનાં ઘણાં ઐતિહાસિક કારણો પણ હોઈ શકે. દા. ત. આયર્લેન્ડમાં આવા ટકરાવ અને સંઘર્ષની સ્થિતિ છે. અલબત્ત તમે આ બાબતમાં ઘણું ઊંડેથી વિચારી શકો છો.હા, એ તો સ્વાભાવિક છે. મને કોઈ આવું પૂછે તો હું એમ કહું કે ‘આવા તાત્વિક (મેટાફિઝિકલ) પ્રશ્નોના ઉત્તર હું આપી શકું નહીં, પરંતુ આવું ઘણું બધું ન જ હોવું જોઈએ એમ તો હું કહું.’ ‘આમ હોવું જોઈએ કે તેમ ન હોવું જોઈએ.’ એવા શબ્દો કદાચ તમને ન ખપતા હોય !(હસીને) બરાબર એમ જ છે ! સારું-નરસુંની આપણી એક ધારણા હોય છે જેમાંથી જાણે કે આપણે વિચાર અને વર્તન કે આચરણની ચર્ચાઓને વિસ્તારતા રહીએ છીએ. આ આખી વાતને હું કંઈક અસ્પષ્ટ રીતે કે ગૂંચવાયેલી એ રીતે મૂકું કે ધીમે ધીમે આપણે આ જગતમાંથી થોડાક ટકરાવો ઓછા કરીને કંઈક સારા જગત-જીવન તરફ જઈ શકીએ; કદાચ ઉપરછલ્લી રીતે અથવા તો ઊંડી સમજણથી પણ કદાચ એમ જ થાય ?મેડમ, વૈજ્ઞાનિકોના અંદાજ પ્રમાણે આપણે આ પૃથ્વી પર ત્રીસેક લાખ વર્ષથી રહેતા આવ્યા છીએ અને કંઈક વિકાસ પણ કરતા રહ્યા છીએ. હા, બરાબર છે, પરંતુ ભવિષ્યમાં શું છે એ કોણ કહી શકે ?આપણે અત્યારે જે કંઈ – જેવા છીએ એ જ આપણું ભવિષ્ય છે. આપણે જો મૂળભૂત પરિવર્તન માટે કશું જ ન કરી શકીએ તો જેવા આજે છીએ તેવા જ કાલે હશું. પરંતુ અત્યારે આપણે જે કરી શકીએ તે તદ્દન મર્યાદિત બાબત છે. થોડુંક આપણે જાત માટે અને થોડુંક એક નાનકડા લોકસમૂહ માટે કરી શકીએ.પરંતુ તમે સમજી લ્યો કે આપણે પોતે જ આ જગત છીએ. આપણે રાજકારણમાં ભાગ લઈ શકીએ, જગતમાં જે કંઈ બની રહ્યું છે, એમાં કશું કરવા માટે આ પણ એક માર્ગ છે.હા, પરંતુ બાકીનું આખું જગત હું પોતે જ છું, કારણ કે બાકીની માનવજાતિ જેવી જ મારી પણ ચેતના છે. હા, તમારા કહેવાનો એ અર્થ છે કે તમે પોતે કશું કરી શકો તો બીજા લોકો પણ કંઈક કરી શકે ?(૫૦) હું એનો અર્થ લઉં છું કે મારામાંના પરિવર્તનનો પ્રભાવ કદાચ....આપણા હાથ ઉપર અત્યંત મર્યાદિત સમય છે, પણ એક હકીકત ધ્યાનમાં રાખવા જેવી છે. (હસીને) માટે જ મર્યાદિત સમયની વાતને વચ્ચે લાવીને આપણા મૂળ પ્રશ્નને પડખે રાખવાનો નથી. હું એક મનુષ્ય છું. અને એ રીતે મારું જીવન, મારી વિચારણા, મારું વર્તન મહદંશે બાકીની માનવજાત જેવું છે. કદાચ થોડીક બાહ્ય દેખાતી બાબતોમાં ભિન્નતા હોય, પરંતુ ઊંડે ઊંડે બાકીની માનવજાત જેવો જ છું-હું પોતે જ માનવજાત છું. જો કે તમે એક અસામાન્ય વ્યક્તિત્વ છો; પરંતુ એ બાબતને હમણાં આપણે ભલે પડખે રાખીએ !ના, ના; હું પોતે જ માનવજાત છું. કારણ, આપણે બધા જ યાતનાઓ વેઠીએ છીએ અને એક જ સમયખંડમાંની અનેક બાબતોમાં સાથે હોઈએ છીએ. માનવજાત અને માનવતા હું પોતે જ છું. પ્રેમનો સાચો અર્થ આ જ છે. હા, પરંતુ એ બધું કેવી રીતે.....માટે જ આવો, અને મારી સાથે જોડાઓ. ફલાણો મારો દેશ એવી ક્ષુદ્ર બાબતોને ખંખેરી નાખો. આવો મારી સાથે; મુક્ત થઈને, સાથે મળીને આપણે આ જગતને જુદી રીતે જોવાનો પ્રયત્ન કરીએ અને અન્યોન્ય સાથેના ટકરાવોમાંથી બહાર આવીએ. મેડમ, આવી ઘણી બધી ક્ષુદ્ર બાબતો આપણા અસ્તિત્વના રોજેરોજના દિવસોને વેડફી રહી છે. હા, પરંતુ આ સમસ્યાને એવી રીતે મૂકું છું કે એક વ્યક્તિ તરીકે આપણે બીજાઓ પર કેટલો પ્રભાવ પાડી શકીએ. આખરે તો સંઘર્ષ અને આથડમણોના વાતાવરણમાંથી માનવજાતને બહાર કાઢવા માટે આપણી સક્રિય જાત-સંડોવણી થવી જોઈએ. ઝાઝું મનોમંથન કર્યા વગર જ લોકો વચ્ચે પહોંચીને લોકોની યાતનાઓ અને સમસ્યાઓની બાબતમાં કામ કરવું જોઈએ.હા, પરંતુ જરાક થોભો;બરાબર જુઓ કે લોકોને સહાય કરનારા અને સહાય લેનારાનું વાસ્તવમાં શું થયું ? તદ્દન નગણ્ય જ ! બુધ્ધે પણ એમ જ કહ્યું હતું કે જગતમાં દુ:ખ છે અને આ દુ:ખનો અંત આવવો જોઈએ, બરાબર ? અને જુઓ, તેઓ શું કરી શક્યા ? દુ:ખ તો આજે પણ ચારેતરફ છે જ. હા, હું દિલગીર છું. કંઈક વધું પ્રકાશ આ સમસ્યા પર મળે એ હેતુથી તમારી વાતને જુદાજુદા દ્રષ્ટિકોણોથી સમજવાનો મારો આ પ્રયત્ન છે.સમસ્યાઓનો માત્ર ઉકેલ નહીં – એનો અંત. બરાબર છે. બૌધ્ધો જેને નિર્વાણ કહે છે એવું કાંઈક ?નિર્વાણનો દેખીતો અર્થ એમ જણાય છે કે જ્યાં ‘હું’ નથી. આ જગતની બધી જ ઊથલપાથલો અને(૫૧) વિટંબણાઓ આખરે તો ‘હું’ સાથે જોડાયેલ છે. નિર્વાણ શું છે એની ચર્ચા કરવાનો કશો અર્થ નથી. સંસારની વ્યર્થતા અને જીવનના નકારની જ વાત પર આપણે પહોંચશુ !એ લોકોએ એમ જ કર્યું – સંસારને – જગતને નકારવાનું. પરંતુ હું જગતને નકારતો નથી. ઊલટાનું આપણે બધાયની સાથે-બધાયની વચ્ચે જીવવાનું છે-રહેવાનું છે. સોક્રેટિસના શિષ્ય પ્લેટોએ આપેલ ગુફાનું દ્રષ્ટાંત....હું જાણું છું. એ બધામાં આપણે નહીં જઈએ. તમારા પોતામાંનું જ મૂળભૂત પરિવર્તન અને માનવજાત પર એનો પ્રભાવ, એટલું જ મહત્વનું છે. પ્રભાવ માણસજાત પર નહીં, પરંતુ એક નાનકડા લોકસમૂહ પર.ના, તમારો પ્રભાવ માનવજાત પર પડી શકે. ઈસુ ખ્રિસ્તે લાખો લોકો પર પ્રભાવ પાડ્યો જ છે. બુધ્ધનો પ્રભાવ આખા એશિયા પર છવાયેલો છે. આપણા જેવા થોડાક મળીને કશુંક કરે તો આખા જગતમાં પણ પરિવર્તન થઈ શકે. મને લાગે છે કે આપણે મૂળ પ્રશ્નથી થોડાક ફંટાયા છીએ. પરિવર્તનની બાબતમાં બીજાઓને પ્રભાવિત કરવાની વાત જેવુ. કંઈક હતું.મારાથી કોઈક પ્રભાવિત થાય એમ હું ન જ ઈચ્છું. કોઈને પ્રભાવિત કરવું એ સૌથી અનિચ્છનીય બાબત છે. જો હું પ્રભાવિત કરું તો શક્ય છે કે બીજો કોઈ આવીને તમને મારાથી વિરુધ્ધ દિશામાં ખેંચીને પ્રભાવિત કરી શકશે. પોતાની જાતને જ સ્પષ્ટ રીતે જોવાની અને સમજી લેવાની વાત છે. બરાબર છે. કોઈના કહેવાથી નહીં, પરંતુ પોતાની જ સમજણથી પોતાના પરિવર્તનની વાત છે.હા, અને માટે જ ઘોંઘાટિયા પ્રચારતંત્ર પર ચોકડી. આધ્યાત્મિક જીવન એ એવી બાબત છે કે જે પોતા માટે જાતે જ શોધવાનું હોય.આધ્યાત્મિક જગતમાં કોઈ શાસક કે સત્તાનું – અધિકારનું પદ નથી. હા, હા, મને આ બધું હવે સમજાય છે.લોકો આધ્યાત્મિક જીવન માટે પણ શાસક ઈચ્છે છે. એ દ્વારા તેઓ એક પ્રકારની સલામતી ઈચ્છે છે. આધ્યાત્મિક સત્યથી આ જગતમાં કેવું અને શું પરિવર્તન આવશે એવા પ્રશ્નનો જવાબ હું જોઈ શકી નથી; મારા કરતાં તમને આ જગત માટે ઘણી બધી આશાઓ છે.(હસીને) હું આશાવાદી નથી તેમ નિરાશાવાદી પણ નથી. પરંતુ આપણા જેવા થોડાક જો આખેઆખા મનોજગતને બદલવા કશું કરે નહીં તો આપણા માટે હજુ વધુ પતનની દિશા છે એટલું જ હું કહી શકું. તમારી વાત મને બરાબર સમજાય છે. જે બાબતોથી તમે ચિંતિત છો એવા ચિંતિત લોકો જો જગતમાં રહે(૫૨) નહીં તો માનવજાતનું આખું કેન્દ્ર જ બદલાઈ જાય.બરાબર છે, પરંતુ એવા લોકો બહું જ થોડા હોય છે. પરંતુ જાણે કે તમે પોતે જ કેટલીક પારંપરિક બાબતોને નકરો છો. દા. ત. કર્તવ્યો અંગેની પારંપરિક ધારણાઓ, વૈરાગ્ય વગેરે.આવાં પારંપરિક મૂલ્યોની તાલીમના અર્થમાં જો તમે લેતાં હો તો તમારી વાત બરાબર નથી. મારે શ માટે કોઈ નિર્ધારિત ચોકઠાની તાલીમમાં પડવું જોઈએ ? મને જ્યાં જે કંઈ સત્ય જણાય એને શીઘ્ર અનુસરવું જોઈએ, એટલું જ. જો ખ્રિસ્તીઓની ભાષામાં કહું તો તમને પરમાત્માની કૃપા મળેલી છે. જન્મજાત એ બક્ષિશ લઈને તમે આવ્યા છો. એવા બીજાઓ થોડાક જ હોય.કદાચ એમ હોય. એવી કોઈ કૃપા પામ્યાનો હું એટલો જ અર્થ કરું કે સ્વાર્થી ન બનો. ટકરાવોની પરિસ્થિતિઓ ઊભી ન કરો, એક પ્રકારના આંતરિક મૌનને શરણે જાઓ. હવે તમારી વાત મને સમજાય છે-બરાબર એમ જ છે. હું પૂર્ણપણે સહમત છું અને એમાં કશી જ દલીલો આવશ્યક નથી. મને એમ પણ અભિપ્રેત છે કે પોતાની આસપાસના વાતાવરણને પ્રભાવિત કરવાના પ્રયત્નો થતા રહેવા જોઈએ, પરંતુ એમાં ઘણી મુશ્કેલીઓ છે તે પણ હું સમજુ છું. સમય પોતે જ બધું ટુકડાઓમાં આપણી સામે ધારે છે. એ સમસ્યાને પણ હલ કરવી પડશે. હવે વાત બરાબર છે. સમયથી જ મુક્ત થવાનું લક્ષ્ય રાખવું જોઈએ; એનો અર્થ એમ પણ છે કે વધુ આગળની દિશામાં હલચલ કે ગતિ નહીં. હા સમયથી મુક્તિ તથા સત્ય અને પ્રેમમાં જ સ્થિત – કશું મેળવવાનું નથી અને આયોજનબધ્ધ કશું જ નહીં.તમે આપણી ચર્ચાના મર્મને બરાબર સમજ્યાં છો. આવું દર્શન કે લક્ષ્ય કોઈને પ્રાપ્ત થાય તો એ કેવી રીતે જાની શકે ?બીજાઓ વિશે જાણવાનું અનાવશ્યક છે; અલબત્ત વ્યક્તિના રોજિંદા જીવનમાં –કાર્યોમાં-પ્રવૃત્તિઓમાં એ પ્રતિબિંબિત થતું રહે. બે તદ્દન ભિન્ન એવી ભૂમિકા પરની તમે વાત કરી રહ્યા છો; હું એ બંને બાબતને જોડવાની યા સમન્વયાત્મક ભૂમિકા પર જોવા ઈચ્છું, પરંતુ તમે આવા વલણને સાવ નકારો છો !ના, એક તદ્દન સ્થૂળ ભૌતિક ભૂમિકા છે. બરાબર ? હા, ઠીક છે; પરંતુ બીજી મનોવૈજ્ઞાનિક ભૂમિકા પણ છે, જેના વિશે આપણે વાતો કરી રહ્યાં છીએ.હા, પરંતુ ઉચ્ચ સ્તરની અને સામાન્ય સ્તરની મનોવૈજ્ઞાનિક ભૂમિકા એવા ભેદ છે જ નહીં. એક(૫૩) અખંડ એવા મનોજગતને ધ્યાનમાં રાખવાનું છે. એક ગુણવાન, સજ્જન અને નિ:સ્વાર્થ એવો મનુષ્ય (જે સદા અન્ય લોકોનું ભલુ કરતો હોય) અને બીજો, તમે કહો છો એવા અર્થમાં માત્ર સત્યને અનુસરતો હોય એ બંને વચ્ચેનો ભેદ મૂંઝવનારો છે.આ તદ્દન જુદી બાબત છે. આમ કેમ હોઈ શકે ?એમ જ છે, (ભારપૂર્વક) જુદી જ બાબત છે. તમે તત્વજ્ઞાનની ભાષામાં જાણે કે આમ કહી રહ્યા છો.હા, હું જાણું છું. આખરે તો મનુષ્ય (self) ભારે જટિલ, ચાલાક અને ચતુર છે. પ્રાર્થનાઓની પાછળ પણ એ પોતાને છુપાવતો રહે છે. તદ્દન ખરું.નાની નાની બાબતોમાં પણ એ પોતાને છુપાવી શકે છે. પોતાની જાતને એમ કહેતો મનાવતો રહે છે કે પોતે જાણે મહાન કાર્યો કરી રહ્યો છે – માનવજાતને મદદરૂપ થઈ રહ્યો છે. માનવજાતના કલ્યાણ માટે બીજાને પ્રેરિત કરી રહ્યો છે. હા, હા.માટે જ એક મનુષ્ય (self) વાસ્તવમાં શું છે એ સમજવા માટે સતત નિરીક્ષણ અને આત્મનિરીક્ષણની જરૂર છે. ક્યારેક-ક્યારેક થોડીક પળો માટે કે ટૂંક સમય માટે એવા નિરીક્ષણથી કામ ચાલશે નહીં. એવી પળોમાં – સમયના કોઈક ટુકડામાં મનુષ્ય જાણે કે ઈમાનદારીપૂર્વક કહેતો હોય-‘હું મુક્ત છું...’ એટલે સતત માનવસેવાના નામે કે એવા કોઈ શુભ હેતુથી બાહ્ય પ્રવૃત્તિઓમાં ગળાડૂબ રહેનારને તમે સત્યથી દૂર ફેંકાયેલો ગણશો !(હસીને) આ સૌથી ભયાનક બાબત છે. તમે જે વર્તમાનમાં જીવવાની અને સમયના પ્રવાહથી મુક્ત રહેવાની વાત કરો છો એ હવે મને સમજાય છે.ધ્યાન એ અદભુત બાબત છે. તિબેટન – હિન્દુ – ઝેન વગેરે પરંપરાઓને અનુસરીને ધ્યાન કરનારા ઘણા માણસોને હું મળ્યો છુ એ બધું સ-આયાસ-સભાન પ્રયત્નરૂપે હોય છે એટલે હું એને જરાપણ મહત્વનું નથી ગણાતો. સિત્તેર વર્ષની ઉંમરનો, મારાથી પણ મોટો એવો સાધક મારી પાસે આવ્યો અને કહ્યું, ‘પચીસ વર્ષથી જંગલમાં રહી હું ભટકતો રહ્યો, ભિક્ષા માગીને ખાધું અને મારી જાતને આમ સતત છેતરતો રહ્યો છુ.’ ખરેખર એને ધન્યવાદ આપવા જોઈએ, નિખાલસપણે આવું કહેવા માટે.સાચી શાંતિ પ્રયત્નો વડે કે વારંવાર – સતત પોતાની જાતને કેળવીને મેળવી શકાય નહીં. તમારા(૫૪) રોજેરોજના જીવનમાં – કાર્યોમાં એ સહજ પ્રાપ્ત હોવી જોઈએ. શું તમે એમ કહો છો કે એ દિવ્ય બક્ષિશરૂપે પ્રાપ્ત હોવી જોઈએ.ના, મેડમ ! જો તમારા રોજિંદા જીવનમાં સંઘર્ષો, દ્વિધાઓ, ટકરાવો વગેરે હોય તો તમે રોજિંદા ધ્યાનની કે શાંતિની વાત કરી જ કેમ શકો ? બરાબર છે. હું હવે સમજી છું કે રોજિંદા જીવન સાથે સંકળાયેલી બાબત જ મૂળભૂત છે.હા, બરાબર છે. આપણે બધા મૂર્તિપૂજકો છીએ ! માત્ર સ્થૂળ પથ્થર કે ધાતુઓથી બનેલ મૂર્તિઓ નહીં પરંતુ ચિત્ર-વિચિત્ર માનસિક પ્રતિમાઓ આપણે ઊભી કરતા રહીએ છીએ અને પછી એમાં અટવાતા રહીએ છીએ. આ બધા અવરોધો અને ગૂંચવાડાઓથી બહાર નીકળીને જ માનવીની અનંતતાની ખોજનો આરંભ થઈ શકે. વળી એ અનંતતાની શોધની વાત પણ અનેક પ્રકારની ધારણાઓ, સિધ્ધાંતોના જમેલામાં ગૂંચવાતી રહે છે. ફરી પાછી સમયની એ જ સાંકળ ! (હસીને) સમયનો અંત ! (નોંધ : જે. કૃષ્ણમૂર્તિના એક પુસ્તકનું શીર્ષક છે – Ending of Time.)+++

# ૧૦ # જે. કૃષ્ણમૂર્તિ : એક ઐતિહાસિક નિવેદન

કરોડોની સંપત્તિ અને જાગીરો, દુનિયાભરમાં પથરાયેલ હજારો-લાખો અનુયાયીઓ વચ્ચે મસીહા-અવતારપુરુષ, જગદગુરુ તરીકેનું લોભામણું સ્થાન, એ બધાયને સાપની કાંચળીની જેમ ઉતારી નાખીને Order of the Star સંસ્થાને વિખેરી નાખતી વખતે જે. કૃષ્ણમૂર્તિએ સંસ્થાના ૩૦૦૦ સભ્યો સમક્ષ સને ૧૯૨૯માં આપેલ ઐતિહાસિક પ્રવચનનો સારભાગ : શેતાન અને તેનો મિત્ર ફરવા નીકળ્યા હતા.તેમણે જોયું કે તેમનાથી થોડે આગળ એક માણસ વાંકો વળીને જમીન પરથી કશુંક ઊંચકીને પોતાના ખિસ્સામાં મૂકી રહ્યો હતો. “શું ઊંચકી લીધું ?” શેતાને કહ્યું : “સત્ય”. મિત્રે કહ્યું કે તો પછી હવે તારો વ્યવસાય બંધ પડી જશે. શેતાને સ્મિત કરતાં કહ્યું કે એમ નહીં બને(૫૫) કારણ કે હું એ મનુષ્યને સત્યના પ્રચાર માટે સંસ્થા ઊભી કરવાની પ્રેરણા કરીશ. હું સ્પષ્ટપણે કહું છું કે કોઈ માર્ગ, કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય દ્વારા સત્ય પ્રતિ પહોંચી શકાય નહીં. આ સિધ્ધાંન્તને પૂર્ણપણે અને બિનશરતી હું સમર્પિત થયો છુ. સત્ય અસીમ હોઈ તેને આયોજિત કે સંગઠિત કરી શકાતું નથી. માટે જ કોઈપણ જાતની સંસ્થા ઊભી કરીને દોરવણીના બહાના હેઠળ લોકોનું શોષણ કે દમન કરવું જોઈએ નહીં. જેઓ દુર્બળ છે ક્ષણિક અસંતોષવાળા છે તેવાઓ માટે સત્યને સીમિત કરી દઈને એક રૂપકડા રૂપે મૂકવામાં આવે છે. સંસ્થા એક ચોકઠું બની જાય છે, જેમાં એના સભ્યોને સગવડભરી રીતે ફિટ કરવામાં આવે છે.મારું કહેવું તમે સમજી શક્યા હશો કે શા માટે Order of the Star સંસ્થાને વિખેરી નાખવી જોઈએ. આમ છતાં તમે કદાચ નવી સંસ્થાઓ-નવી વ્યવસ્થાઓ સત્યની શોધને નામે ઊભી કરશો. આધ્યાત્મિક પ્રકારની કોઈપણ સંસ્થા સાથે હું સંકળાવા માગતો નથી. હું ભારપૂર્વક કહું છું કે કોઈપણ સંસ્થા મનુષ્યને અધ્યાત્મ તરફ દોરી શકે નહીં. Order ના સર્વોચ્ચ તરીકે હું એને વિખેરી નાખું છુ, આ નિર્ણય માટે મને કોઈએ ફરજ પડી નથી.આ મારું કોઈ ભવ્ય કાર્ય નથી, કારણ મને અનુયાયીઓ નથી જોઈતા. કોઈકનું અનુસરણ કરતાં જ સત્ય પ્રતિ જવાનું તમારું બંધ થાય છે. મારા કહેવા તરફ તમે લક્ષ આપો ય નહીં, એકમાત્ર મહત્વનું કાર્ય કરવા માટે મારી નિસ્બત છે અને તે એ કે માનવીને મુક્ત કરવો. હું માનવીને તમામ પિંજરોથી, ભયથી મુક્ત કરવ ઈચ્છું છું. નવો ધર્મ, નવા સંપ્રદાય, નવા સિધ્ધાંન્તો કે નવી ફિલસૂફીઓ સ્થાપવા ઈચ્છતો નથી. વરસોવરસ થતી બાલિશ ચર્ચાઓ મને નથી ખપતી અને આ બાબતનો પ્રથમ અને છેલ્લી વાર હું નિકાલ કરું છું.કારણ કે હું મુક્ત છું, માટે હું ઈચ્છું છું કે જેઓ મને સમજવા ઈચ્છે છે તેઓ પણ મને અનુસરવાને બદલે મુક્ત રહે અને મારા નામે કોઈ ચોકઠું કે પિંજરું કે જે ભવિષ્યમાં ધર્મ અને સંપ્રદાય ઊભાં ન કરે. તમે લોકો અધીનતાથી ટેવાયેલા છો. તમે વિચારો છો કે કોઈક તમને અધ્યાત્મના માર્ગે દોરી જશે. તમે આશા રાખતા હો છો કે અન્ય કોઈ, પોતાની અસામાન્ય શક્તિઓ વડે, ચમત્કાર વડે મુક્તિ અને આનંદ પ્રતિ પહોંચાડશે. અઢાર વર્ષોથી આ અવસર માટેની જગતગુરુના આવવાની તૈયારી કરી રહ્યા હતા અને હવે જુઓ શું બની રહ્યું છે ! હું જગતગુરુ છું એવું તમે માનો એની મને પરવા નથી. આ સંસ્થાના સભ્યો તરીકે તમે તમારી સહાનુભૂતિ, શક્તિ અને સ્વીકૃતિ આપી છે કે “કૃષ્ણમૂર્તિ જગતગુરુ છે.” અઢાર વર્ષોમાં તમે તમારી સમજના માર્ગમાં એટલા બધા અવરોધો ઊભા કર્યા છે.(૫૬) સમજની આવશ્યકતા છે. કારણ કે તમારી માન્યતાઓએ તમારું પરિવર્તન કરવાને બદલે તમને વધુ ગૂંચવ્યા છે. જૂના ભગવાનોને બદલે નવા ભગવાનો, રૂઢિગતને બદલે નવો ધર્મ, નવાં સ્વરૂપો, નવી વિધિઓ બધું એટલું જ અર્થહીન છે. અવરોધરૂપ છે.માટે હું માનવીને મુક્ત કરવા માગું છું, શુભ્ર આકાશમાં ઉડ્યન કરી રહેલા પંખીની જેમ. વળી તમારી ભ્રમણા છે કે સુખના સામ્રાજ્યની ચાવી થોડાક લોકોના હાથમાં છે; ના, કોઈના પણ હાથમાં નથી. આવી ચાવી ધરાવવાની કોઈને સત્તા પણ નથી. તમારી જાત પાસે, તમારા હાથમાં જ એ ચાવી છે. તમે આવી બાબતોમાં ગંભીર નથી. પરંતુ જેઓ ખરેખર સમજ મેળવવા ઈચ્છે છે, આરંભ અને અંતહીન એવા સનાતન સત્ય માટે આતુર છે તેઓ વધુ તીવ્રતાથી સાથે ચાલશે અને મહત્વની ક્ષુલ્લક બાબતો માટે તેઓ ભયજનક પુરવાર થશે.મારું એકમાત્ર ધ્યેય છે, માનવીને સંપૂર્ણપણે બિનશરતી મુક્ત કરવાનું. (‘બુલેટિન’ ૮૬/૧માંના અંગ્રેજી પરથી સંકલિત)+++(૫૭) = ૧ = વુડ હાઉસે એ સમયે (૧૯૧૦) કૃષ્ણમૂર્તિ વિશે લખ્યું છે : “એની સાહજિકતા મને ખાસ સ્પર્શી ગઈ. આ સાહજિકતા એવી હતી કે જાણે એ કિશોર (K) કોઈપણ અસરોથી મુક્ત હતો. સ્વભાવથી જ વિનમ્ર અને અંતર્મુખી. સૌની સાથે વડીલો સાથે પણ વિનમ્રતાપૂર્ણ વ્યવહાર. જેઓ એને ગમતા એમના પ્રત્યે ઉત્સુકતાપૂર્ણભાવ, જે આપણું ધ્યાન આકર્ષે. ગૂઢવાદી એવો એનો જે આધ્યાત્મિક દરજ્જો હતો એ વિશે એ તદ્દન અભાન હતો. પોતાનાં વાણી કે વ્યવહારમાં પણ એ બાબત કદીપણ વચ્ચે આવતી નહીં. ગરિમાપૂર્ણ નિસ્વાર્થપણું એની ખાસ પ્રકૃતિ હતી. પોતાની જ બાબતોમાં એ અટવાયેલો હોય એવું કદી પણ દેખાતું નહીં. અમે કંઈ એના અંધ ભક્ત નહોતા કે જેથી એમાં માત્ર પૂર્ણતા જ શોધીએ. અમે પાકટ અને યુવાન એવા શિક્ષણશાસ્ત્રીઓ હતા. જો અમે એનામાં સહેજ પણ બનાવટ કે બીજાઓનો પ્રભાવ અથવા તો પવિત્રાત્મા તરીકે દેખાવાનો પ્રયત્ન કે નીતિવાદી સભાનતા સહેજ પણ જોઈ હોત તો ચોક્કસપણે અમે આથી વિરુદ્ધનો અભિપ્રાય આપ્યો હોત. ( P-12 : Note-91 Quested in The Man and his message, Lily Heber. P-49 ………… .... Unwin 1931)

= ૨ =“વહાલી મમ્મી, જો આપણે સુખી રહેવું હોય તો જીવનમાં એક-બીજાથી જુદા પડવાના ઘણા પ્રસંગો આવતા રહેશે, એ બધાથી ટેવાવું જોઈએ. જો આપણે કોઈકને નિર્મળપણે ખૂબખૂબ ચાહીએ તો આ જીવન વાસ્તવમાં એક જબ્બર જુદાઈ છે. આ જીવનમાં આપણે નિસ્વાર્થપણે બીજાઓ માટે જીવવાનું છે, નહિ કે પોતાને માટે. મમ્મી, હમણાં હમણાં તેં મને કેટલી મદદ કરી છે એનો તને અંદાજ નથી. તેં જ મારામાં ગુરુદેવના આદેશ પ્રમાણે કાર્ય કરવાની ઝંખના જન્માવી છે. તેં જ મને નિર્મળ જીવન અને ઉમદા વિચારો સાથે જીવવાનું શિખવ્યું છે અને એવા વિચારો કે જેનાથી સામાન્ય લોકો ગ્રસ્ત છે એનાથી મુક્ત રહેવા તેં મને પ્રેર્યો છે. હે મારી પવિત્ર મા, તું કેટલીકવાર પોતાને મારા માટે અવરોધરૂપ માને છે છતાં પણ સદા તું મને સહાયરૂપ જ બની છો.” (P : 22-23 લંડનથી SANGER આવ્યા પછી Lady Emily LUTYENS ને લખેલ પત્રમાંથી. ૧૯૧૬)

= ૩ = કૃષ્ણમૂર્તિ હજી થિયોસોફી સાથે જ જોડાયેલા હતા ત્યારે થિયોસોફીએ જ કૃષ્ણમૂર્તિ માટે આપેલ એક સંસ્થા ‘Order of the Star’ હેઠળ સને ૧૯૨૭માં એમણે આપેલ વક્તવ્યના કેટલાંક અંશોની નોંધ લેડી એમિલીએ આ મુજબ કરી છે :“હું કહું છું માટે નહીં – હું ન કહેતો હોઉં તો પણ તમારે મુક્ત થવાનું છે. સતત અને ખાસ કરીને છેલ્લે કેટલાક મહિનાઓથી મુક્ત થવા માટે સંઘર્ષ કરી રહ્યો છું – મિત્રોથી મારાં પુસ્તકોથી અને મારા સંપર્કોથી મુક્ત થવા માટે તમારે પણ એમ જ કરવાનું છે. તમારી અંદર સતત ઉથલપાથલ થવી જોઈએ. હંમેશાં તમારી સામે એક અરીસો ધરી રાખો અને જુઓ કે તમારા લક્ષ્યની આડે આવે એવું શું શું દેખાય છે અને એ અવરોધોને પાર કરો.... મારા ઉપર તમારે કશું જ આલંબન રાખવાનું નથી. હું જો તમારા માટે અનિવાર્ય બની બેસું તો મારી વિદાય પછી તમે શું કરશો ? તમારામાંના કેટલાક એવી કલ્પનામાં રાચતા હોય છે કે જાણે હું એમને એક પ્યાલામાં કશુંક પીવડાવું અને એમને મુક્તિ મળી જાય ! કે હું મુક્તિ માટેનો એમને કોઈ નુસ્ખો આપું. આમ હોઈ શકે નહિ. હું કદાચ એક દ્વાર બની શકું પરંતુ એમાંથી પસાર થઈને મુક્તિ સુધી પહોંચવાનું તો તમારે જ કરવું પડે. સત્ય એક લૂંટારુની જેમ ક્યારેક અણધાર્યું જ આવી પહોંચે છે. હું એક નવી ભાષા શોધી રહ્યો છું પરંતુ એ શક્ય નથી લાગતું. તમે પકડી રાખેલ શબ્દાવલીઓ અને ધારણાઓને નષ્ટ કરવાનું હું ઇચ્છું છું. બીજો કોઈ તમને મુક્તિ આપી શકે નહીં, તમારા પોતામાંથી એ તમારે શોધવાની છે. મને એ પ્રાપ્ત થઈ છે તેથી હું તમને રસ્તો બતાવી શકું. અગ્નિજ્વાળામાં પ્રવેશ કરીને તમારે પોતે જ એ જ્વાળા બનવાની તમારી શક્તિ હોવી જોઈએ. હું તમારી સન્મુખ જ છું એટલે જો તમે મને તમારા હ્રદયમાં ધારણ કરો તો મુક્તિ પ્રાપ્ત કરવા માટેની શક્તિ હું તમને આપું. મુક્તિ એ કોઈક પસંદ કરેલા થોડાક લોકો માટેનો વિશેષાધિકાર નથી.” ( P-68 )

= ૪ = “જ્યારે હું એક કિશોર હતો ત્યારે મને શ્રીકૃષ્ણ દેખાતા-બંસીધારી શ્રીકૃષ્ણ; કારણ કે હિન્દુઓએ એને એવા આકારમાં રેખાંકિત કર્યા હતા અને એ પણ એક કારણ કે મારી માતા કૃષ્ણભક્ત હતી. એ પછી જ્યારે હું BISHOP LEAD BEATER અને થિઓસોફીના સંપર્કમાં આવ્યો ત્યારે સૂક્ષ્મ દેહે અસ્તિત્વ ધરાવતા MASTER K H મને દેખાતા હતા. કારણ એમના વર્ણનની ધારણા મને આપવામાં આવી હતી. ત્યાર પછી કાંઈક મોટો થયો ત્યારે ભગવાન મૈત્રેયનું મને દર્શન થવા લાગ્યું. સને ૧૯૨૫ દરમ્યાન તો વારંવાર મને એમના વિશે જે કાંઈ કહેવામાં આવતું રહેતું એવા સ્વરૂપે મને એમનાં દર્શન થતાં રહેતાં. હમણાં હમણાં (૧૯૨૭) મને બુદ્ધ દેખાતા રહે છે અને બુદ્ધ સાથે હોવાનો મને આનંદ થાય છે, એ માટે ગૌરવ અનુભવું છું......મારા માટે એ બધું જ છે – કૃષ્ણ, MASTER K H, ભગવાન મૈત્રેય અને બુદ્ધ – આમ છતાં આ બધા આકારોથી પર એવું કશું અંતિમ સત્ય મારા હૈયે છે, જેને હું મારા માટે પ્રિયતમ કહું. નામ ગમે તે અપાય તેથી શું ? અમારી સમસ્યા એ છે કે ભગવાન મૈત્રેય એક અવતારરૂપે આ કૃષ્ણમૂર્તિ નામની વ્યક્તિમાં પ્રગટ થયા છે કે ? આવા પ્રશ્નના ઉત્તર માટે વાસ્તવમાં કોઈને દરકાર હોતી નથી. આવા ઉત્તર મારે આપવા પડે એ એક કમનસીબી છે. તદ્દન અસ્પષ્ટ એવી ભાષામાં મેં ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો છે. મેં કદી પણ એમ કહ્યું નથી કે, ‘હું જગદગુરુ છું.’ સત્યને પામવાની તીવ્ર ઈચ્છા તમારા હ્રદયમાં જાગ્રત થાય એ માટેની મારી બધી વાતો છે. પ્રભાતનું એક પુષ્પ પોતાની સુગંધને પ્રસરાવે છે પરંતુ એને દરકાર નથી હોતી કે એ સુગંધ પસાર થનારા કોને કોને પહોંચે છે ! જ્યાં સુધી એ અંતિમ સત્યને તમે દરેક પ્રાણીમાં, ઘાસના તણખલામાં અને દુ:ખિયારા પ્રત્યેક માનવીમાં જોઈ ન શકો ત્યાં સુધી તમને એ સમજાશે નહીં.” ( P-70. ………. ખાતેના સંમેલનમાં પ્રથમવાર કૃષ્ણમૂર્તિએ આવા પ્રશ્નોનો આપેલ ઉત્તર. FN= Who brings the truth. Sept-1928 )

= ૫ = “હમણાં હમણાં હું તમને ખૂબ ખૂબ યાદ કરું છું અને ફરી એકવાર તમારું મોં જોવા હું ગમે તે કરવા તૈયાર છું. આ જગત કેવું વિચિત્ર છે ! તમે હમણાં શારીરિક રીતે કંઈક નબળા પડી ગયા છો તે જાણીને અફસોસ થાય છે. મને લાગે છે કે તમે હંમેશ મુજબ ઘણું વધારે પડતું કાર્ય કરી રહ્યા છો. હું ઈચ્છું છું કે હું ત્યાં હોઉં અને તમારી પૂરી કાળજી લઉં જેથી તમે ફરી તદ્દન સ્વસ્થ થાઓ. લોકોના રોગો મટાડવાની શક્તિ મારામાં વિકસતી જાય છે. મારી એ શક્તિ થકી નિત્યાની આંખોમાં પણ હવે ઘણો સુધારો છે.” ( P-૨૩. 1917-18 માં K. એ લખેલ શ્રીમતી BESANTને પત્ર.)

= ૬ = ૧૧ ફેબ્રુઆરી ૧૯૨૦માં K. એ પેરિસથી LADY AMILY ને લખેલ પત્રમાં : FABRIZIO RUSPOLT અને હું એક નાનકડા રેસ્ટોરન્ટમાં જમ્યા. અમે બંને ઘણી બધી વાતો કરતા રહ્યા. મારી જેમ જ એ બિચારો પણ મૂંઝાયેલો ( Upset ) છે. બિચારો... બેતાલીસની ઉંમરે એ ઘર વગરનો હોવાનું અનુભવે છે. C. W. I. ( Lead Beater ) ની કોઈપણ વાતોમાં એ માનતો નથી, શ્રીમતી બિસન્ટની વાતોમાં પણ નથી માનતો. એને કશી મહત્વાકાંક્ષા નથી. શું કરવું એ એને સૂઝતું નથી. ખરેખર તો અમે બંને એવી જ કમનસીબ સ્થિતિમાં છીએ. મારા જેવા જ વિચારો અને લાગણીઓમાંથી તે પસાર થઈ રહ્યો છે અને કહેતો રહે છે – ‘શું કરવું જોઈએ ?’ અમે બંને Miserable છીએ. ( P-27. 1920 )

= ૭ = સને ૧૯૨૨ માં પોતાના આધ્યાત્મિક અનુભવ વિશે કૃષ્ણમૂર્તિએ શ્રીમતી બિસન્ટ અને શ્રી લીડ બીટરને લખેલ પત્રમાંના છેલ્લા થોડાક અંશો : “જે કાંઈ મને દેખાયું એ થકી હું પરમ આનંદની સ્થિતિમાં હતો. જીવનના મૂળ ઉદગમના દિવ્ય જળનું મેં ધરાઈને પાન કર્યું. એવી ઊંડી પ્યાસનો અનુભવ જીવનમાં ક્વચિત જ થાય. ગાઢ અંધકાર વચ્ચે મને પ્રકાશનું દર્શન થયું જે થકી તમામ વિષાદ અને યાતનાઓનો અંત આવે એવી કરૂણાનો મને સ્પર્શ થયો. એ કરૂણા માત્ર મારા માટે જ નથી પરંતુ સમગ્ર જગત માટે છે. જાણે કે પર્વતના શિખર ઉપર ઊભો રહીને હું સર્વશક્તિમાન દિવ્યાત્માઓને જોઈ રહ્યો છું અને શાતાદાયક પ્રકાશનો અનુભવ કરી રહ્યો છું. પરમ સત્યના દર્શનનું ઝરણું મારી સમક્ષ ખુલ્લું થયું છે અને અંધકારનો અંત આવ્યો છે. પ્રેમ પોતાના પૂર્ણ તેજ સાથે મને ઉન્મત બનાવીને મારા હ્રદયમાં છલકાઈ રહ્યો છે. સનાતન સૌંદર્ય અને આનંદનું મેં પાન કર્યું છે. I am God Inpoxicated.” ( P-42 )

= ૮ = સને ૧૯૨૩ ની ૨૦ મી સપ્ટેમ્બરે સૂક્ષ્મ દેહમાં રહેલ ગુરુ ( Master Kuthrrni ) એ કૃષ્ણમૂર્તિને એમના ભાઈ નિત્યા માટે આપેલ સંદેશો નિત્યાએ આ પ્રમાણે નોંધ્યો છે : “નિત્યા, ધ્યાનથી સાંભળ; અહીં બધું પૂરું થયું છે, આ છેલ્લી રાત્રિ છે, ઓહાઈ ખાતે હજી એ આગળ ચાલશે પરંતુ એનો આધાર તારા ઉપર છે. તમારા બંનેની પાસે વધુ શક્તિ હોવી આવશ્યક છે. આવતા મહિને તમે જે કાંઈ કરશો એના પર જ સફળતાનો આધાર રહેશે. વચ્ચે કોઈપણ અવરોધ આવવા દેશો નહીં. અહીં એ બધું સફળ થયું છે પરંતુ ઓહાઈ ખાતે બધો આધાર તમારા પર છે. જો તમારી તૈયારી હોય તો વધુ શક્તિશાળી રીતે ત્યાં એ આગળ ચાલશે. અહીંથી છોડીને તમે જાઓ ત્યારે તમારે ખૂબ જ સાવધાન રહેવાનું છે. કાચો ઘડો જેમ સહેજ ટકોરો લાગતાં જ તૂટી જાય તેમ તમારે વાતાવરણમાંના દૂષિત તરંગો (Bed Vibretions) થી બચવાનું છે. નહિતર થયેલ હાનિને ઠીકઠાક કરીને પુન:સંધાન માટે લાંબો સમય લાગશે; તમારી નિષ્ફળતા એટલે ફરી એકડેએકથી બધું નવેસરથી શરૂ કરવાનું થાય.” ( P-48 )

= ૯ = સામાજિક સંબંધોના વિચ્છેદના આ કાળમાં માનવી ટોળાં વચ્ચે એકલતા અનુભવે. સૌ પોતપોતાનું સંભાળે. ફક્ત પોતાના માટે જીવવું. સંપૂર્ણ સ્વકેન્દ્રીયતાના આ વાતાવરણના પરિણામસ્વરૂપે લોકોના આત્મીય અને ઘનિષ્ઠ સંબંધો છૂટવા લાગ્યા છે. સંબંધોનું વર્તુળ સંકોચાતું ગયું છે. સુખદુ:ખની વાતો કહી શકાય, હૈયું વહેંચી શકાય એવાં ઠેકાણાં દુર્લભ થતાં જાય છે. આ વર્તુળ સંકોચાતાં સાવ ટચૂકડું થઈને માત્ર કુટુંબ જ રહ્યું અને હવે તો પરિસ્થિતી એવી છે કે સંતાનો પણ દૂર વસતાં હોય. એકમાત્ર પતિ અને પત્ની ! એમાં પણ બેમાંથી એક સાથી જતો રહે તો જીવનમાં વ્યાપી જાય છે એકલતાનો ભયંકર ઓથાર.... નેટ-હાઈટેકના યુગમાં વિશ્વ સાવ નાનું થઈ ગયું. ઘરઆંગણે આખી દુનિયા છે. આ વિશે સ્વાતંત્ર્ય યોદ્ધા અને મહાન નેતા ડો. નેલ્સન મંડેલાએ યથાર્થ કહ્યું છે, ‘વિશ્વ એક ગામડું બની ગયું છે, નજીક આવી ગયું છે પણ ફક્ત માલસામાન-માહિતીની હેરાફેરી પૂરતું જ. પરસ્પર સંવેદના ઝીલે તેવાં હ્રદયો વચ્ચેનું અંતર વધી ગયું છે.’ પોતીકી વિશ્વસનીય પ્રેમાળ વ્યક્તિની જરૂરત છે જે આપણા સુખદુ:ખનો સહસાથી છે. જેને આપણા માટે સમય છે, લાગણીસભર સ્પર્શ છે, સંવેદનો સમજી શકે, હિંમત, હૂંફ, સાંત્વના આપે એવા લોકો ઓછા થતા જાય છે. અન્ય વ્યક્તિની વાત જવા દો, આપણા પોતાના મનને સમજીએ, એના પર થતા દબાણોના સમયે આપણે આપણી જાત સાથે રહીએ એટલો પણ સમય ક્યાં છે ! પરસ્પરના ગાઢ આત્મીય સંબંધોની ખોટ પડી છે. જાગવાનો સમય આવી ગયો છે. Wake up call છે, એલાર્મ છે. [ડ્યુક યુનિ.ના સમાજશાસ્ત્રી-સંશોધનકાર ડો. લીન સ્મિથ.] ચારે તરફ ઊછળતા સાગર વચ્ચે માનવી ટીપા માટે તરસે છે. આ સ્નિગ્ધતાનો અભાવ, શારીરિક-માનસિક રોગો, કૌટુંબિક વિખવાદ અને ખોરવાતું સામાજિક સંતુલન અને કારમી એકલતાની ભીંસ વૃદ્ધાવસ્થામાં વધુ પીડે છે. (નવનીત સમર્પણ, ડિસેમ્બર- P-99)