તું અને હું આ દાસ્તાન સનાતન માવજી કે. સાવલા
Tun ane Hun – Aa Dastan sanatan A narrative of writer’s emotional reflective swift psychic journey on otemise of wife (Sakarbai) ending 65 years of married life. By Mavji K. Savla (1930)
Cજયેશ માવજી સાવલા. એન-૪૫, ગાંધીધામ-કચ્છ
:: પ્રાસ્તાવિક :: ‘મંગલમંદિર’ માસિકના તંત્રીશ્રી અશોક મહેતાનો મને ટેલિફોન (૨૨ માર્ચ, ૨૦૧૪) આવ્યો. શ્રી હંસરાજભાઈ કંસારા પણ કાર્યાલયમાં એમની પાસે જ હાજર હતા. તંત્રીશ્રીએ મને કહ્યું, અમારા ‘મંગલમંદિર’ માટે કંઈક લખો. મેં સહર્ષ એમનું આમંત્રણ સ્વીકાર્યુ. આમ પણ લખવા જેવું તો ઘણું બધું મારા દિલમાં ઉભરાતું જ રહ્યું છે. પણ પછી હું કંઈક મૂંઝવણ-અવઢવમાં પડ્યો. છેવટે મારા પુત્ર જયેશ અને પુત્રી દક્ષા સંઘવીને પુછ્યું. એ બન્નેએ મને કહ્યું, ‘અમારાં બાઈ (બા) વિશે જ એક લેખમાળા લખો.’ મારાં સંતાનો જાણતાં જ હતાં કે મારાં ૬૫ વર્ષના સુખદ અને સંતુષ્ટ દાંપત્યનાં અનેક સંભારણાં મારા મનમાં હોય જ. ૧૧ ઓક્ટોબર, ૨૦૧૩ માં મારાં પત્ની (સાકરબેન)નું ૮૦ વર્ષની ઉંમરે અવસાન થયેલ. એ પ્રસંગે મુંબઈથી આવેલ સ્વજનોમાં ખાસ કરીને ડો. હસુમતી છેડાએ મને સૌ કુટુંબીજનો વચ્ચે આવાં સંસ્મરણો સંભળાવવા આગ્રહ પણ કરેલ અને સવાર-સાંજ ૧-૧ કલાક એમ ત્રણેક સત્રોમાં જેમ હૈયે ઉગ્યું અને હોઠે આવ્યું તેમ કથા-કથાકારની જેમ સંભાળવતો પણ રહ્યો. આમ મે-૨૦૧૪ ના અંકથી જાન્યુ-૨૦૧૫ અંક સુધી આ લેખમાળાના નવ હપ્તા પૂરા કર્યા. લેખ આગળ તો હજી ૫-૧૦ હપ્તા ચાલી શકત પણ મેં જ એના પર પૂર્ણવિરામ મૂક્યું.
આ લેખમાળાના માત્ર કેટલાંક સ્વજનો-મિત્રોના જ નહીં પણ અપરિચિત વાચકોના પ્રતિભાવો આશ્ચર્યજનક હતા. તંત્રીએ એમને વાચકોના મળેલ પ્રતિભાવોની નોંધ પણ મૂકી છે. આ નવે-નવ લેખ સળંગ એકસાથે વાંચવાની ઊંડી જિજ્ઞાસા દર્શાવતા પરિચિતો-અપરિચિતોના થોડાક સંદેશા પણ મળ્યા. અહીં સુધી આ પહોંચ્યું એ ઘટનાક્રમમાં આભાર કોનો કયા શબ્દોમાં માનવો એ મને સૂઝતું પણ નથી – શબ્દોથી આખરે શું – કેટલુંક કહી શકાય ? તા. ૧૮-૨-૨૦૧૫ –માવજી કે. સાવલા તું અને હું – આ દાસ્તાન સનાતન : (૧) તું અને હું ની આ કથા આજે દિવાળીના દિવસે (તા.૩-૧૧-૨૦૧૩, રવિવાર) બપોરે બાર વાગ્યે લખવાનું શરૂ કરી રહ્યો છું. ‘સાંભળે છે કે ?’ કોણ છે આ તું ? કોણ છે આ હું ? એ બધું કહેતાં તો મને આવડે પણ નહીં. માનવસંસ્કૃતિનો આરંભ આ ‘તું અને હું’ થી જ થયો હશે. કથા આગળ ચાલશે એટલે કદાચ મને ખબર પણ પડે, કે આ બધું શું ચાલી રહ્યું છે. તેં મારી નજર સામે જ અંતિમ શ્વાસ લીધા. તા.૧૧-૧૦-૨૦૧૩ શુક્રવાર બપોરનો સમય. એને હવે એક મહિનો થઈ ગયો. આપણા દાંપત્યનાં સાડા પાંસઠ વર્ષની આ દાસ્તાન લખી રહ્યો છું. આપણા દાંપત્યના એ અંતિમ દિવસે હું તારી પાસે બેસવા આવ્યો. પુત્રવધૂ ભારતીએ તને ચમચીથી જમાડવું ઠીક રહે એટલા માટે ઊંચકીને ખુરશી પર બેસાડી હતી. હું ખુરશીની જોડાજોડ પલંગ પર બેઠો હતો. મેં તારા પગની પાનીઓ નીચે મારા પંજા મૂકીને બાળકની જેમ તને ત્રણેક મિનીટ માટે ઝુલાવી. બાળપણમાં અમને વડીલો કેટલીકવાર આમ ઝુલાવતા એને ‘પાગોપાગ’ કહેતા. તને જમાડવા માટે ભારતી આવી પહોંચ્યાં. તને જમાડયા પછી અધ્ધર ઊંચકીને ફરી પલંગ પર સુવાડી. હું પણ આરામ માટે મેડી પર પહોંચ્યો. માંડ દસેક મિનીટ થઈ હશે ત્યાં ભારતીએ મને ઈલેક્ટ્રીક બેલપુશ પર એક લાંબી ઘંટી કરતાં હું દોડતો જ તારી પાસે આવી પહોંચ્યો. ઈશારાથી જ ભારતીએ મને સમજાવી દીધું. પુત્ર જયેશ પણ દુકાનેથી આવી પહોંચ્યો હતો. હું તારા ચહેરા પર હાથ ફેરવતો - ફેરવતો જ રહ્યો. આ એ જ ચહેરો જે મુખચંદ્રનાં પ્રથમ દર્શન મેં આપણા તુંબડી ગામની મેડી પરના ઓરડામાં પ્રથમ મિલન વખતે કર્યાં હતાં. ત્યારે તો તારી ઉંમર પંદરેક વર્ષની અને મારી માંડ અઢારેક વર્ષની. આ ઘડીએ તારી ૮૦ વર્ષની ઉંમરે પણ તારો ચહેરો એવો જ – એક પણ કરચલી વગરનો, ખીલેલા પુષ્પ જેવો જોઈ રહ્યો છું. તારા એ અંતિમ શ્વાસોશ્વાસમાં મારો પણ અંતિમ શ્વાસ ન ભળ્યો એ મારી કમનસીબી. સાંજે છ-એક વાગ્યે સ્મશાનભૂમિમાં તારી ચિતા ભડભડ બળી રહી છે. ચિતાની સાવ નજીકમાં જ હું ઊભો છું. જયેશ વારંવાર મને થોડે દૂર ખુલ્લી હવામાં બેસવા વિનવે છે. ધુમાડો પણ વધતો જાય છે. અગાઉ સ્ત્રીઓમાં સતી થવાનો રિવાજ હતો. મને પણ વારંવાર એ જ વિચાર આવી રહ્યો હતો કે આ એક જ ચિતામાં તારી જોડાજોડ રહીને તારી હવે પછીની યાત્રામાં મને તારો સંગાથ ખપતો જ હોય, છતાં.......આપણા સાડા પાંસઠ વર્ષના સુખદ અને સંપૂર્ણપણે સંતુષ્ટ એવા દાંપત્યની વાત આજે હું આગળ ચલાવી રહ્યો છું. બે ધૂપસળીઓની ધૂમ્રશેરો વચ્ચે તારી છબીની સામે–તારી સાખે જ આ બધું લખી રહ્યો છું. શા માટે ? મને કંઈ જ સમજાતું નથી. જાણે કે હું મૂઢ થઈ ગયો છું – મૂંઝાયેલો અને ગૂંચવાયેલો. આજે (૩૦-૧૨-૨૦૧૩) તારી અલવિદાને ૮૦ દિવસ થયા. આ બધું જે લખી રહ્યો છુ – તારી છબીની સાખે – તું સાંભળે તો છે ને ! તારી ચિરવિદાયથી બરાબર દસેક દિવસ પહેલાંની વાત પ્રથમ કરું. તું તો જાણે જ છે કે સવારમાં–બપોરે–રાત્રે મારી પસંદગીનાં ગીતો હું સાંભળતો જ રહું. ક્યારેક ટચૂકડા ટ્રાન્ઝિસ્ટર રેડિયો પર તો ક્યારેક ખિસ્સામાંના માત્ર ગીતો સાંભળવા રાખેલ મોબાઈલ પર. તે દિવસે મેં જે ગીત રેડિયો પર સાંભળ્યું એમાંની બે પંક્તિઓ આ પ્રમાણે હતી : “ફૂલોં કી તરહ દિલમેં બસાયે હુએ રખના....” જાણે કે તારી અને મારી જ વાત. આપણા દાંપત્યનાં પુરાં સાડા પાંસઠ વરસ તેં મને તારા દિલમાં ફૂલોની જેમ જ સાચવ્યો છે, એનો તને નમનપૂર્વકનો મારા એકરાર અને અહેસાસનો જ એ દિવસ. આપણી પુત્રી દક્ષાને જ્યારે આ વાત કરી રહ્યો હતો ત્યારે આ વાત કરતાં કરતાં જ હું ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. દક્ષા તને અને મને દિલથી આરપાર સમજે અને જાણે. લાંબી જુદાઈના ૮૦ મા દિવસે જ્યારે હું આ વાત લખી રહ્યો છું ત્યારે દિલમાં ઊઠેલા એક તૂફાન–એક ઝંઝાવાતમાં ઘેરાઈ ગયો છું. તને પુકારી રહ્યો છું – તું આવ, આવ – મને અંધકારમાંથી, આ ઝંઝાવાતમાંથી બહાર કાઢ. સાંભળે છે કે ?તા.૨૩-૧૧-૧૩ની પણ એક દાસ્તાન લખ્યા વગર મારાથી રહી શકાય એમ નથી. એ દિવસે આપણી પૌત્રી ધારાની દિકરી પરિતાની ‘બર્થ ડે પાર્ટી’ એમણે એક હોટેલમાં રાખી હતી, ડીનર સાથે. એટલે જયેશનો પરિવાર અને દક્ષાનો પરિવાર – બધાં ત્યાં હતાં. ઘરમાં હું એકલો જ હતો. રાત્રે દસેક વાગ્યાના સમયે ટીવી પર એક ગીત મેં સાંભળ્યું – એની ૨-૪ પંક્તિઓ મેં તરત લખી લીધી :“તેરી યાદ દિલ સે, ભૂલાને ચલા હૂં અપની હસ્તી, મિટાને ચલા હૂં” રાત્રે અગિયારેક વાગ્યે દક્ષા એ બર્થ ડે પાર્ટીમાંથી પોતાને ઘેર જવાને બદલે મારી પાસે આવી પહોંચી. જયેશ-ભારતીને તો હજી મોડું થાય એમ હતું એટલે ખાસ મારી એકલતામાં મને કંપની આપવા–સહારો આપવા મારી પાસે આવી પહોંચી. આવીને એણે મને પૂછ્યું – “સાવ એકલા આમ સમય વીતાવવા તમે શું શું કર્યું ?” મેં એને કાગળ પર નોંધી રાખેલ એ ફિલ્મગીતની પંક્તિઓ બતાવી. એ સમજી ગઈ અને મને કહ્યું –“ના-ના આવું શું કામ વિચારો છો ?” આંખો આડેનો બંધ કાચો જ હતો, આંસુઓની નદી ધસમસતી વહેતી રહી. લાખ પ્રયત્ને પણ તને તો હું ભૂલી જ ન શકું, એ તું બરાબર સમજે છે ; પણ હા, મારું અસ્તિત્વ મિટાવી દેવાના વિચારો તો રોજેરોજ આવતા જ રહે છે. પણ હું એવું ન જ કરું. ભારતી-જયેશ મારી પૂરેપૂરી સંભાળ રાખે છે એટલે લોકોને ખોટી ગેરસમજ જ થાય. એમણે તો તારી સેવા છેલ્લાં ૪-૫ વર્ષ સતત ખડે પગે કરી અને કદાચ મારો પણ એવો બોજ એમના માથે આવી પડશે તો બધું જ કરી છૂટશે. તું આ બધું બરાબર સાંભળે છે ને ? ગુરુવાર, તા.૨૭-૩-૨૦૧૪*** તું અને હું – આ દાસ્તાન સનાતન : (૨)અરે, તું સાંભળે તો છે ને ? આપણાં તો ઘોડિયાનાં સગપણ ! એકબીજાને નામથી બોલાવવાની ફેશન તો ક્યાંથી હોય ! યાદ છે તને ? દસ-બાર વર્ષ પૂર્વે અંજારના કવિમિત્ર રમણીક સોમેશ્વર આપણે ત્યાં શ્રી હર્ષદ ત્રિવેદી અને એમનાં પત્ની બિંદુબેન ભટ્ટને તેડી આવ્યા હતા. ત્યારે મેં વિધિવત તારો પરિચય કરાવતાં કહ્યું હતું – ‘મારાં પત્ની સાકરબાઈ.’ એમને મેં આપણા ઘોડિયાના સગપણની (ત્યારે મારી ઉંમર ચાર-પાંચ વર્ષની અને તારી તો દોઢેક વર્ષની) વાત કરતાં કહ્યું હતું કે-‘તુંબડી ગામના મારા ફળિયામાંના ટાબરાંઓને જ્યારે આપણા સગપણની વાતની ખબર પડી, ત્યારે તેઓ મને ચીડવતા – માવો અને સાકર, ભેગાં થાય એટલે બને પેંડા ! આ સાંભળીને તો આપણા એ અતિથિ ખડખડાટ હસી પડ્યા હતા !આજે (તા. ૧૦-૫-૧૪) તારી ચિરવિદાયને પૂરા સાત મહિના થયા. હજી પણ હું મહિનાઓ નથી ગણતો – રોજેરોજ દિવસો જ ગણું છું. આપણું સાડા પાંસઠ વર્ષનું સુખદ અને સંતુષ્ટ દાંપત્ય જાણે કે ૬૦–૬૫ મિનીટોમાં જ એક ફિલ્મની જેમ વીતી ગયું; અને હવે આ લાં...બી જુદાઈની પળેપળ એક યુગ સમાન ભાસે છે. આ કલાકો-દિવસો-મહિનાઓ અને વરસોમાં મપાતો સમય વાસ્તવમાં શું છે, એ તો જ્ઞાનીઓ જ જાણી શકે; હા, થોડુંક એ હું સમજી ગયો છું; એટલે જ ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજીએ જ્યારે સ્ટીફન હોકીન્સનું વિશ્વપ્રસિદ્ધ પુસ્તક ‘અ બ્રીફ હિસ્ટરી ઓફ ટાઈમ’ મને વાંચવા મોકલ્યું ત્યારે એનાં ૫-૧૦ પાનાં વાંચતાં જ એને છોતરાં જેવું સમજી મેં એ પુસ્તક તરત પાછું મોકલ્યું હતું. આપણા એ સુદીર્ધ દાંપત્યના અનેક યાદગાર પડાવો મારા જર્જરિત સ્મૃતિભંડારમાંથી બહાર આવવા ધસી રહ્યા છે. યાદ છે તને ? વીસેક વર્ષ પૂર્વે રોજ રાતે સૂતાં પહેલાં સૂતાં સૂતાં જ તું મને અવધૂત આનંદઘનજી રચિત સ્તવન ચોવીસીનું ક્રમશ: એક સ્તવન સંભળાવતી. ૨૪ દિવસે એ ચક્ર પૂરું થતાં ફરી પ્રથમ સ્તવનથી શરૂ થાય. સ્તવન સાંભળ્યા પછી ધીમે આર્દ્ર સ્વરે હું તને શું કહેતો એ તને યયાદ છે ને ? હું રોજેરોજ તને એ ઘડીએ કહેતો– ‘મારાથી પહેલાં ન જતી–મારાથી કદી જ દૂર ન થતી.’ મારા આ વધુ પડતા લાં...બા આયુષ્યમાં મેં કરેલ અનેક ઈચ્છાઓ અને સેવેલ સપનાંઓ જાણે કે ચમત્કારિક રીતે સાકાર થતાં ગયા છે. મારા અંતિમ સમયે તારા ખોળે મસ્તક મૂકીને તારી આંખો સામે જોતાં જોતાં અંતિમ શ્વાસ લઉં એ મારી ઝંખના સાકાર ન જ થઈ. સને ૨૦૦૯માં પ્રગટ થયેલ મારી પ્રથમ નવલકથા (અને છેલ્લી પણ) ‘એક અધૂરી સાધનાકથા’ (ગૂર્જર)માં અંતિમ દ્રશ્ય મેં આવું જ મૂક્યું છે. પ્લેયર પર ગીત ‘બિતે હુએ લમ્હો કી કસક સાથ તો હોગી.....’ શરૂ થયું છે અને કથક, પત્નીના ખોળે સ્મિતપૂર્વક માથું મૂકે છે અને પુત્ર-પુત્રવધૂ અને પુત્રી તથા આવેલ એક અતિથિ સન્નારી સામે જોતાં હાથ ઊંચો કરે છે; અને અંતિમ શ્વાસ સાથે એ નવલકથા પૂરી થાય છે. છેલ્લાં અઢી વર્ષ તો – લકવાના બીજા હુમલા પછી – તું સંપૂર્ણપણે પથારીવશ રહી; એટલું જ નહીં, પણ તારી સ્મૃતિ પણ ઝડપભેર સંપૂર્ણ નષ્ટ થવા તરફ હતી. એ સમયગાળામાં જ હું (રન્નાદે પ્રકાશનના આમંત્રણથી) ‘ટાગોર ગીતાંજલિ : દિવ્ય સંવાદનું સુરીલું સ્ત્રોત’ લખી રહ્યો હતો. હસ્તપ્રત પૂરી થતાં અર્પણપત્રિકા લખવા બેઠો અને આ શબ્દો સહેજે લખાઈ ગયા:‘અર્પણ સાકરબેનને સંતુષ્ટ-પ્રસન્ન દાંપત્યનાઆ પાંસઠમા વરસે સહેજ ધ્રુજતિ કલમે’પણ પુસ્તક પ્રકાશિત થઈને આવતાં (તા.૨૧-૨-૨૦૧૪) એ અર્પણપત્રિકા તને વાંચી સંભળાવવાની મારી તૃષ્ણા પણ અધૂરી જ રહી ગઈ. તૃષ્ણાઓનો અંત જ ક્યાં છે ? એ ધ્રૂજતી કલમની ધ્રુજારી તો મારા અસ્તિત્વના અણુએ અણુમાં હું ચોવીસે કલાક હવે અનુભવી રહ્યો છું. અને એ પણ હું કેમ ભૂલી શકું.... થોડાંક વરસો (કદાચ ૧૦-૧૫ વર્ષ) પહેલાં તેં નવલખ નવકાર મંત્રના જાપનું અનુષ્ઠાન આદર્યુ હતું. તારા કહેવાથી મેં જ એક નોટબુક ખાનાં પાડીને બનાવી હતી, જેથી રોજેરોજની સંખ્યા લખી શકાય અને ગણતરી કરવાનું સરળ અને ચોક્કસાઈપૂર્વક થઈ શકે. રોજ રાત્રે સૂતી વખતે તું એ જાપ સંખ્યા મારા હાથે જ એ બુકમાં લખાવતી. જે રાત્રે નવલાખની સંખ્યા પૂરી થવાનું મેં તને કહ્યું, ત્યારે તેં એ નોટબુક અને પેન મારી પાસેથી લઈને છેલ્લા પાને તેં સ્વહસ્તાક્ષરે એમાં લખ્યું :‘આ નવલાખ નવકારના જાપનું પુણ્ય હું મારા પ્રાણનાથ -પતિને અર્પણ કરું છું.’તું આ બધું સાંભળે તો છે ને ? આપણા એ જમાનામાં પતિ-પત્ની એકબીજાને નામથી ન જ બોલાવે એવો રિવાજ હતો. ‘તું અને હું’ ની આ સાડા પાંસઠ વર્ષની દાસ્તાનમાં આપણને કદી અરસ–પરસ નામ દઈને બોલાવવાની જરૂર જ કદી પડી નહીં. હા, એ ઘૂંઘટની પ્રથાનો પણ જમાનો હતો. આપણા મોટા પુત્ર વીરેન્દ્રના લગ્ન સુધી મારા પિતાશ્રીની હાજરીમાં તેં એ પ્રથા સુંદર રીતે નભાવી. આપણા ઘરમાં સૌ પ્રથમ ટેપરેકોર્ડર આવ્યું ત્યારે તરત જ મેં મુંબઈ મારા સાઢુભાઈ મગન સાવલા (તારાં બહેન પ્રભાના વર)ને પત્ર લખીને વિનંતી કરી કે જ્યુથિકા રોયે ગાયેલ ગીતોની એક કેસેટ તૈયાર કરાવીને તુરત મોકલે. એ કેસેટમાંની કબીરની આ રચના તો તારી સાથે મળીને હજારેક વાર મેં સાંભળી હશે :ઘૂંઘટ કા પટ ખોલ રે ! તોહે પિયા મિલેંગે.ઘટઘટ મેં વો સાંઈ રમતા, કટુવચન મત બોલ રે.....ઘન-જોબન કો ગરવ ન કીજે, જુઠા પચરંગ ચૌલ રે......સુન્ન મહલ મેં દીયરા બારિ લે, આસન સે મત ડોલ રે........જાગ જુગુત સો રંગમહલ મેં, પિય પાયો અનમોલ રે.......કહે કબીર આનંદ ભયો હૈ, બાજત અનહદ ઢોલ રે.......‘પિય પાયો અનમોલ’ શબ્દોમાં હું તને જ જોઈ રહ્યો છું-પામ્યો છું. મારા નિકટ-દૂર અનેક મિત્રો મને કહેતા જ રહ્યા છે કે મારા ઉપર અનરાધાર ઈશ્વરકૃપા વરસતી રહી છે. પણ...પણ એ સૌને આપણી આ ‘તું અને હું’ની દાસ્તાન તો કેટલીક પહોંચે...... શબ્દોમાં તો કેટલુંક સમાય ? આ લાં.....બી જુદાઈના સાત મહિના – રોજેરોજ તારી છબી સામે બે ધૂપસળી હાથમાં લઈને નતમસ્તકે ઊભો રહું છું. આપણે એકબીજાને નામથી તો કદી બોલાવ્યાં જ નથી. એક ઉત્તમ શ્રાવિકા તરીકેનું તારું જીવન અને અડગ શ્રદ્ધા મને પણ સદા પ્રેરક બની રહ્યાં છે. એટલે સર્વસામાન્ય આપણી પરંપરા અનુસાર તારું સ્થાન દેવલોકમાં જ હોય એમાં મને કશો જ સંશય ન હોય. એટલે જ એક દિવ્ય સ્વરૂપે તારી છબીને – તને નિત્ય સવારે વિધિવત નમન કરતો રહું છું. તારી છબીની સામે અને તારી સામે આ દાસ્તાન લખી રહ્યો છું. મારું ધૈર્ય હવે ખૂટવા આવ્યું છે. દીવામાંનું તેલ ખૂટતું જાય છે – તું જુએ છે ને આ બધું ? સાંભળે છે ને ? સોમવાર, તા.૧૨-૫-૨૦૧૪ ***તું અને હું – આ દાસ્તાન સનાતન : (૩) “આજની ઘડી તે રળિયામણી મારા વા’લોજી આવ્યાની વધામણી હો જી રે....” -નરસૈયો. કેવું આશ્ચર્ય ! તારી વિદાયને આજે (તા.૨૮-૫-૧૪) ૨૨૮ દિવસ થયા. નિત્યક્રમ મુજબ સવારમાં સાત વાગ્યે પ્રાર્થના પછી તારી છબી સામે બે ધૂપસળી સાથે ઊભો રહ્યો ત્યારે, મારી આંખોમાંથી હર્ષાશ્રુ વહી રહ્યાં હતાં. તું સાંભળે તો છે ને ? ગઈકાલે રાત્રે સૂતી વખતે રોજ મુજબ તારી છબી સામે આંખો માંડીને મેં તને કહ્યું હતું, “હવે રાત્રીના સવાદસ વાગ્યા છે. હવે આપણે સૂઈ જઈએ. આંખો બંધ અને મનમાં નવકાર સાથે તું પણ સૂઈજા; સવારે સાડા છ વાગ્યે ઊઠીશું.” પછી મેં આરઝું કરી હતી: ‘એકવાર ભલે સૂક્ષ્મદેહે તું મને દર્શન આપ – મને કશું જ નથી ખપતું – ફક્ત થોડુંક અંતર રાખીને દર્શન – ફક્ત દર્શન’. ભલે મનોવૈજ્ઞાનિકો ગમે તે કહેતા હોય, તર્ક કરતા હોય પણ પરોઢના ચાર વાગ્યે હું તારાં દર્શન પામ્યો. માત્ર થોડીક મિનીટો માટે નહીં, પણ જાણે કે કલાક – દોઢ કલાક. તું સૂક્ષ્મદેહે પણ એ જ રૂપરંગે મારી સન્મુખ પહોંચી. તો પછી તારી ધૂપપૂજા કરતાં મને હર્ષાશ્રુ કેમ ન વહે ? નરસિંહ મહેતાની પંદરેક રચનાઓની એક ઓડિયો કેસેટ ૩૫-૪૦ વર્ષ પૂર્વે રીલીઝ થતાં જ મેં તરત મંગાવી લીધી હતી. મેં તો આજ સુધીમાં ૧૫૦૦-૨૦૦૦ વખત એ બધી રચનાઓ સાંભળી હશે. તું તો ચુસ્ત જૈન શ્રાવિકા; છતાં અનેકવાર એ રચનાઓ સાંભળવાની ઈચ્છા થતાં તું મને કહેતી –‘કૃષ્ણની કેસેટ પ્લેયર પર મૂકો.’ ૫૦-૧૦૦ વખત તો તેં એ બધી રચનાઓ સાંભળી જ હશે. યાદ છે તને એ બધું ? અરે, તું ખરેખર હમણાં આ બધું સાંભળે તો છે ને ? તું ભલે જવાબ ન આપે તો પણ તારી સાથે તારી છબી સામે ધૂપસળીઓની ધુમ્રસેરો વચ્ચે તારી સાથે આવી વાતો કરતો જ રહીશ; એક બાલિકા ઢીંગલીને સજાવતી રહે અને ઢીંગલી સાથે વાતો કરતી રહે એમ. તારી ચિરવિદાય પછી તારી છબી સામે હું એક બાળક બનીને જ નત મસ્તકે ઊભો રહું છું – સવાર-બપોર-સાંજ-રોજેરોજ સવારમાં સાતેક વાગ્યે તો બે ધૂપસળી હાથમાં લઈને તારી છબી સામે નત મસ્તકે ત્રણવાર બોલું છું – ‘તને મારા નમન હો’ એ પછી આરતીની જેમ એ ધૂપસળીઓ તારી છબી સમક્ષ સાત વાર ફેરવું છું.તેં આ ધરતી પરથી વિદાય લીધી એ સંદર્ભે મને દિલસોજી પાઠવતા કેટલાક પત્રોમાં કંઈક એવો સૂર પણ હતો કે હું તો દુનિયાભરના ફિલસૂફીના ગ્રંથોનો અભ્યાસી એટલે આ સંસારની અસારતા અને નશ્વરતા સમજતો જ હોઉં. અર્થાત મને કંઈ ખાસ આઘાત ન જ લાગ્યો હોય; પરંતુ આ સંસારની તાત્વિક સમજણ એટલે પથ્થરદિલ બની જવું એવો અર્થ મેં કદી તારવ્યો જ નથી. માત્ર મારા આખા પરિવાર માટે જ નહીં પરંતુ મારા ઉપર તેં વરસાવેલ કૃપા (આધ્યાત્મિક અર્થમાં) ને સાવ ભૂલી જઈને હું નઠોર થઈ જ ન શકું- ‘અમારું જીવન એ જ અમારી વાણી’ એવું જેમના વિશે કહી શકાય એવા મહાત્માઓ તો આજે પણ દુર્લભ જ છે. છેલ્લા ૧૦-૧૫ વર્ષ દરમિયાન અનેક પ્રસંગોએ મેં જોયું – અનુભવ્યું છે કે ‘તારું જીવન એ જ તારી વાણી’ મારા માટે સદા પ્રકાશમાન એક માર્ગ બની રહી છે. પણ હવે મારી મૂંઝવણ એ છે કે આપણે એકબીજાને નામથી તો કદી બોલાવ્યાં જ નથી ! તું સાંભળે તો છે ને મારી આ વાત ? જૈન કર્મવિજ્ઞાન અનુસાર તારું આખું જીવન જે વહેતું રહ્યું એ જોતાં તારું નવજન્મનું સ્થાન તો કોઈક દેવલોકમાં જ હોય, એમાં મને કશી શંકા નથી જ. એટલે જ અન્ય કોઈ મંત્રજાપ કરવાને બદલે તારું નામ સ્મરણ કરવા મેં તને કોઈક દિવ્યલોકમાં વસનાર દેવી જેવું નામ આપ્યું છે. એ નામ તો માત્ર મારા માટે, મારા હૈયામાં ગુપ્ત રાખવાનું હોય, એવી સાધના પરંપરાઓમાં પણ પરિપાટી છે. નિત્ય સવારે આરતીની જેમ તારી ધૂપપૂજા કરતી વખતે સાત વખત તારું એ દિવ્યનામ મનોમન રટણ કરતો રહીને જ નમન કરતો રહું છું. કાલિદાસ રચિત ‘મેઘદૂત’ માં તો વિરહી યક્ષ ઈન્દ્રલોકમાં રહેલ પોતાની પત્નીને આકાશમાંના વાદળ મારફતે સંદેશાઓ મોકલે છે એવું કથાનક છે; પણ મને આવો કોઈ સંદેશવાહક ખપતો જ નથી; કારણ કે માત્ર તારા નામસ્મરણથી જ હું તારી નિકટતા અનુભવું છું. ‘તું અને હું’ ની આ સનાતન દાસ્તાને મારા ‘હું’ ને મીટાવી દઈને માત્ર ‘તું હી તું’ જ હું અત્ર-તત્ર-સર્વત્ર અહેસાસ કરતો રહું. આપણા સાડા પાંસઠ વર્ષના દાંપત્યજીવનમાં આપણો અરસપરસ વાણીવ્યવહાર તો ‘તું અને હું’ થી જ ચાલ્યો. અલબત્ત, મારા પક્ષે ‘તું’ હતી પણ તારો મારા માટે ‘તમે’ શબ્દ હતો. એ આપણા જમાનાનો એક શિષ્ટાચાર હતો. પણ હવે ? હવે મારા હોઠે તારા માટે ‘તમે’ જ સ્ફુરે છે; કારણ કે માનવલોક કરતાં ઉપર કોઈક દિવ્યલોકમાં ઉચ્ચ સ્તરનું તારું અસ્તિત્વ છે. છતાંય આદતવશ આ ‘તું અને હું’ ની દાસ્તાન તો આ ધરતી પરના કળિયુગની જ છે; એ સંદર્ભે તને મારું સંબોધન ‘તું’ થી પણ થતું રહેશે. આ લખી રહ્યો છું, ત્યાં નીચેથી સવારના ચાહ-નાસ્તા માટેની ઘંટડી વાગી. ચાહ-નાસ્તો કરી પાછા ઉપર આવીને જોયું તો તારી ધૂપપૂજા પછી ધૂપસળીઓની રાખની ઢગલી પડી હતી. આજે એ રાખ વડે મેં મારા કપાળે તિલક કર્યુ. રાખની વાત આવતાં જ તારી સાથે અનેકવાર મેં સાંભળેલ ગીત ‘રાખનાં રમકડાં’ હૈયે ગૂંજવા લાગ્યું. વળી રાખથી કપાળે તિલક કરવાની વાતથી રાજા ભરથરીની એક જુદી કથા સાંભળવા મળેલ એ પણ યાદ આવી. મારી કાલીઘેલી જબાનમાં એ વાતો કરવાનું એકમાત્ર થાનક છે તારી આ છબી. સોમવાર, તા.૨-૬-૨૦૧૪***તું અને હું – આ દાસ્તાન સનાતન : (૪)‘તું અને હું’ ની દાસ્તાન આજે (તા.૨૯-૬-૨૦૧૪, રવિવાર) ફરી આગળ લખી રહ્યો છું. ધૂપસળીની રાખ-ભસ્મની વાત ભલે આજે થોડીક આગળ ચાલે. એ ધૂપસળીની ભસ્મનું કપાળે તિલક કરવાનું તો હવે જાણે કે મારા રોજિંદા વ્રત સમાન થઈ ચૂક્યું છે. એ તિલક કરતાં કરતાં જાણે કે હું તારો સ્પર્શ પણ અનુભવતો હોઉં છું. એ રાખની વાતનો મર્મ મને ઘણે ઊંડે સુધી તાણી જાય એમ લાગે છે. કપાળે તિલક કર્યા પછી બાકી વધેલી ભસ્મ રોજેરોજ એક સુંદર ડબીમાં હું ભરી રાખું છું. એ ડબી ભરાઈ જશે ત્યારે મારું મન એમ કહે છે કે એક દિવસે આખા શરીરે એ ભસ્મ લગાવીને ફક્ત અડધો કલાક તારું નામ સ્મરણ કરતો રહું અને પછી જ સ્નાન કરીને તૈયાર થાઉં. આ સંસારના ખેલમાં પંચમહાભૂતો જ મુખ્ય ઘટકો છે અને હું જોતો રહ્યો છું કે એ પાંચેય મહાભૂતોનું અંતિમ રૂપાંતર ભસ્મમાં થઈ શકે છે. અરે, આ પીંજણમાં વળી હું ક્યાં ફસાયો ? મારે રાજા ભરથરીની જ વાત કરવાની છે. રાણી પિંગળાની પ્રચલિત કથા કરતાં રૂપાંતરિત કહી શકાય એવી વાર્તા મિત્ર રજનીકાંત મારૂના પિતાશ્રી નૌતમલાલભાઈએ મને સંભળાવેલ. એમના જીવનનો મોટો ભાગ નાટકોની દુનિયામાં પસાર થયેલ. એ નાટકની જ કથા એમણે મને આમ સંભળાવી : ‘રાજા ભરથરીની રાણી ભાનુમતી. એ રાણીને રાજા પર અવર્ણનીય પ્રેમ હતો. નગર બહાર તૈયાર કરાવેલ એક મહેલમાં રાજા-રાણી રહેતાં હતાં. અણધાર્યુ (એની કથા જુદી છે) રાણી ભાનુમતીનું અવસાન થતાં અગ્નિસંસ્કાર પછી રાજા ભરથરી એ સ્મશાનભૂમિમાં જ રાણી ભાનુમતીની ચિતાની ભસ્મ આખા શરીરે ધારણ કરીને સન્યાસી થઈ રહ્યો.’ તારા અગ્નિસંસ્કાર વખતે મારા હૃદયમાં એ કથા જાણે કે આહવાન કરી રહી હતી. અધ્યાત્મ ક્ષેત્રે ભસ્મ-રાખ માટેનો શબ્દ છે વિભૂતિ. તારી છબી સામે ધુમ્રસેરો વચ્ચે આ દાસ્તાન લખી રહ્યો છું. તારી વિદાયને આજે ૨૬૨ દિવસ થયા. ધુમ્રસેરો સામે જોતાં થાય છે કે એને સહારે કદાચ તારા સુધી પહોંચી શકું. આજે સાંજે પાંચ વાગ્યાથી ઘરમાં હું એકલો જ છું. બેઠકરૂમમાં તારી એક મોટી છબીની સામે જ બેઠો છું. કોણ જાણે સંગીતની કોઈક ધૂને મને ઉત્તેજિત કર્યો અને તારી છબી સામે હું પાંચેક મિનિટ નાચતો જ રહ્યો. તું મારો આ બધો લવારો ખરેખર સાંભળતી તો નથી ને ? હું એ રોકી પણ કેમ શકું ? કૃષ્ણભક્ત રેહાના તૈયબજીને મળવા આવનાર કોઈ કશી ભેટ મૂકે તો તેઓ એ ભેટ પ્રથમ ‘ઠાકોરજી’ને ધરાવે. મને થાય છે કે હવે કમ સે કમ બપોરે જમતાં પહેલાં હું પ્રથમ તને થાળ ધરાવું અને પછી જ હું જમું. યાદ છે તને ? છેલ્લે તારી અઢી વર્ષની માંદગી દરમિયાન તારી સ્મૃતિ તો લગભગ નષ્ટ જેવી હતી; છતાં જમવા ટાણે તારી પાસે આવીને હું તને કહેતો – ‘મારી થાળી પીરસાઈ છે - જમીને હમણાં જ – જલદી તારી પાસે પાછો આવું છું.’ તારી માંદગીનાં છેલ્લાં દસેક વરસ બાદ કરતાં વ્રતનિયમ અનુસાર તું સૂર્યાસ્ત પહેલાં જમી લેતી; પરંતુ બપોરે તો મારા આવ્યા પહેલાં કદી પણ જમવા બેસતી નહીં. મારે તો દુકાને કોઈ કામસર કે મિત્રો સાથેની ગોષ્ઠીઓમાં ક્યારેક વધુ મોડું થઈ જાય, એટલે હું તને ખાસ વીનવતો કે મારી રાહ જોયા વગર તારે સમયસર જમી જ લેવું; પણ તું કદી તારા આ નિયમમાંથી ચલિત ન જ થઈ. છેલ્લી માંદગી વખતે હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી થોડાક દિવસો તો તને એવી ભ્રમણા જ રહી કે જાણે તું હજી હોસ્પિટલમાં જ હોય; અને વારંવાર અમને તું કહેતી કે ‘મને આપણા ઘરે તેડી જાઓ’. પછી તો પુત્ર જયેશ અને પુત્રવધૂ ભારતીએ તને ફરીફરી સમજાવીને ખાત્રી કરાવી કે તું આપણા ઘરમાં જ, પરિવાર વચ્ચે છે. એ પછી તું મને તો રોજેરોજ કહેતી રહેતી – ‘મને તેડી ચાલશો ?’ હું તને જવાબમાં અમસ્તું જ કહેતો કે આપણે ફરાદી ચાલશું – ભદ્રેશ્વર ચાલશું વગેરે. જવાબમાં તું ‘ભલે’ એટલું જ માત્ર કહેતી.હવે રોજેરોજ તારી છબી સામે નતમસ્તકે મનમાં જ હું તને કહેતો રહું છું –‘મને તેડી ચાલશે ? (આપણા ઘેર નહીં) તારે ઘેર મને લઈ જશે ?’તારું ઘર હવે ક્યાં છે એ તો હું જાણતો નથી, ન તો હું તારું સરનામું જાણું છું કે ન તો તારા સુધી પહોંચવાનો કોઈ માર્ગ; વ્યવહારુ રીતે ઉચિત નહીં એવા માર્ગ તો હાથવગા છે; છતાં.....ના, હું તારા હુકમની બા-અદલ ધૈર્યપૂર્વક રાહ જોઈશ. તારા સહિત સૌ જાણે જ છે કે મારામાં ધૈર્યનો અભાવ છે; પણ તારી વાણીથી નહીં પણ તારા જીવનમાંથી જ શીખવા મળેલ પાઠ થકી જ ધીરજપૂર્વક તારા દિવ્ય આદેશની હું રાહ જોઈશ. તારું પરોક્ષ સાંનિધ્ય પણ મને જીવનના નિત નવાનવા પાઠ શીખવે છે. પાંચેક વર્ષ પહેલાં પુત્રી દક્ષાની હાજરીમાં તેં સંભળાવેલ એક રમૂજી પ્રસંગ આજે હું તને જ યાદ કરાવું છું. ત્યારે મારી ઉંમર તો ૧૩ વર્ષ. અમારે છએક મહિના વતનને ગામ તુંબડી રહેવાનુ થયેલ. તપગચ્છના મુનિશ્રી મોહનવિજયજીનું ગામમાં ચાતુર્માસ હતું અને હું એમના શિષ્ય રામવિજયજી પાસે રોજ સવારમાં પિતાશ્રી સાથે પૂજા કર્યા પછી એક કલાક જૈન સૂત્રો ભણતો. રોજ પચીસ ગાથાઓ કંઠસ્થ કરતો. ચાતુર્માસ પૂર્ણ થયેથી એ મુનિશ્રી વિહારમાં પ્રથમ તારા ગામે (પિયરનું ગામ) ફરાદી આવ્યા. તમારે ઘેર ગોચરી (માધુકરી) માટે આવીને તારાં બાને એમણે કહ્યું –‘તમારો જમાઈ માવજી તો અમારી પાસે દીક્ષા લેવાનો છે.’ એ મુનિશ્રીએ તો એવી વાત મજાકમાં જ કરી હશે ! પણ તારાં બા (સૌનાં પુરી મા)એ શૌર્યપૂર્વક જવાબમાં કહ્યું – ‘જમાઈ દીક્ષા લેશે તો દીક્ષા મહોત્સવમાં હું પાંચ હજાર કોરી ખર્ચીશ !’આજે એ મજાકિયા પ્રસંગને કંઈક ગંભીરતાપૂર્વક કદાચ સમજ્યો છું. લગ્ન એક અર્થમાં તો દીક્ષાવિધિ જ છે. આજે હવે એમ કહી શકું છું કે તારી દીક્ષા પામ્યો એ મારું સૌથી મોટું સદભાગ્ય છે. સોમવાર, તા. ૩૦-૬-૨૦૧૪ ***
તું અને હું – આ દાસ્તાન સનાતન : (૫)ફરી એકવાર આજે આ ‘તું અને હું’ ની દાસ્તાન એક અફસાનાની જેમ આગળ લખી રહ્યો છું. તારી છબી સામે બે ધૂપસળીઓની ધૂમ્રલહરીઓને શ્વાસોશ્વાસમાં ભરી રહ્યો છું. તું આ બધું સાંભળે તો છે ને ?સાડા પાંસઠ વર્ષનું આપણું દાંપત્યજીવન તો જાણે કે કેવી ઝડપથી ધસમસતું વીતી ગયું – ત્રણ કલાક ચાલતી એક ફિલ્મની જેમ. આજે (તા. ૪-૮-૨૦૧૪) તારી વિદાયને ૨૯૯ દિવસ થયા. સમય જાણે કે થંભી ગયો છે. દિવસો–કલાકો–વરસો આટલા બધા લાં........બા ? સને ૧૯૪૮ની ચોથી ફેબ્રુઆરીએ ‘લગ્ન’ નામના સંબંધથી હું તારી પાસે દીક્ષિત થયો. શાસ્ત્રોમાં ઉત્તમ ગુરુ એ કહેવાય છે કે જે શિષ્યથી પરાજિત થાય. પણ જ્યારે જ્યારે કોઈક પ્રસંગે કે કોઈક નિર્ણય લેવાના સમયે તું જીતી છે, મારાથી સાવ જુદો એવો તારો જ નિર્ણય મેં સ્વીકાર્યો છે, ત્યારે જ મને ગુરુ તરીકેનું તારું સ્થાન બરાબર સમજાયું. આવી રીતે તેં લીધેલ નિર્ણયો અમારા સૌ માટે કેટલા સુખકારક આજ દિવસ સુધી પુરવાર થયા છે, એ તો આપણાં સંતાનો પણ જાણે છે. એની મારે વિગતે વાત નથી જ કરવી. રાત્રે સૂતી વખતે બે જણ રમી શકે એવી પાનાં (પ્લેયીંગ કાર્ડ્સ)ની રમત તો આપણે ઘણી રમતાં રહ્યાં. ૧૯૯૯ પછી વરસમાં બે-ત્રણ વાર ફરાદી દસ–પંદર દિવસ રહેવા જઈએ, ત્યારે તો લગભગ રોજ એ રમત (છાનીમાની) આપણી મંડાતી. એમાં સરવાળે તું જ વધુ વખત જીતતી. એ યાદ છે ને તને ? આઠેક વર્ષ પહેલાં તને લકવાનો પ્રથમ હુમલો આવ્યો ત્યારે તો તું પંદરેક દિવસ પછી વોકરથી હરતી-ફરતી, સ્મિત છલકાવતી થઈ ગઈ હતી. ત્યારે રોજેરોજ હું તને આનંદઘનજી સ્તવન ચોવીસીમાંથી એક સ્તવન વાંચી સંભાળવતો. હું જમી લઉં એ પછી આપણી આ પાનાંની રમત મંડાતી. એ રમત દરમિયાન ક્યારેક આવી ચડતા આપણા નિકટના સગાસંબંધીઓ આ રમત કોઈને કેવો આનંદ અનુભવતા ! એમાં પણ તારી જીતનો જ મને આનંદ. એવું પણ નહોતું કે હું ઈરાદાપૂર્વક તારી જીત માટે ખોટી ચાલ રમતો હોઉં.ગાંધીધામ આવ્યા (૧૯૫૬) ત્યારથી છેવટ સુધી આપણે ત્યાં કોઈપણ સાધુ સાધ્વી ગોચરી માટે આવે તો તને પ્રથમ પૂછે – ‘તમારા પિયરનું ગામ ?’ તું જેવુ ‘ફરાદી’ કહે એટલે તેઓ ફરાદીના વંડીવાળા ‘પુરીમા’નું નામ યાદ કરે; તું જ્યારે કહે કે ‘હું પુરીમાની દીકરી’ ત્યાં એ મુનિજનો કહેતા ‘ભક્તિ ભાવનાનો પુરીમાનો વારસો તમે બરાબર શોભાવ્યો છે !’ગયે વખતે મેં તને વચન આપ્યું હતું કે રેહાના તૈયબજીની જેમ હવેથી દરરોજ બપોરે જમતાં પહેલાં મારી પીરસાયેલી થાળી તારી છબી સામે તમે ધરાવીશ. મારા એ સંકલ્પનું હું ચુસ્તપણે પાલન એટલે નથી કરી શક્યો કે જમવા ટાણે જો રૂમમાં અન્ય કોઈ હાજર હોય તો મને આવું પ્રદર્શન કરતાં સહેજે સંકોચ થાય. પોતાનો પ્રેમ અને પોતાની આધ્યાત્મિક સાધનાને ગુપ્ત રાખવાનું સૂત્ર હું ભણ્યો જ છું. દિવસે દિવસે ક્ષીણ થતી મારી યાદશક્તિને કારણે પણ તને થાળી ધરાવવાનું હું ભૂલી જાઉં છું. એ માટે હું તારી ક્ષમા એટલા માટે નથી માગતો તો કે જ્યાં પ્રેમ હોય ત્યાં ‘સોરી’, ‘થેંક્યું’ જેવા વિલાયતી ઠાલા પોકળ શબ્દોને અવકાશ જ ન હોય. તું તો આ બધું મારા કરતાં પણ વધુ સ્પષ્ટ સમજે છે. એક અંગ્રેજી નવલકથા (ઘણુકરી ડેથ ઓફ અ સેલ્સમેન)માં છેલ્લું વાક્ય છે –‘વ્હેર ધેર ઈઝ લવ, ધેર ઈઝ નો પ્લેસ ફોર ‘આઈ એમ સોરી !’ તું જવાબ આપે કે ન આપે – હોંકારો સુધ્ધાં ભલે ન આપે; તો પણ હું તને પૂછું છું અને પૂછતો રહીશ કે તારા સુધી પહોંચવાનો કોઈક માર્ગ મને બતાવ. ભલે એ માર્ગ ગમે તેવો દુર્ગમ હોય, કઠિન હોય કે જોખમી હોય તો પણ એ બધું વેઠવા હું તૈયાર છું. હવે આ દીવામાં તેલ ખૂટવા આવ્યું છે. મારું ધૈર્ય પણ હવે મારે વશ નથી. હવે તું મોડું ન કર. શું આ ધૂપસળીઓની ધૂમ્રલહેરીઓ પર બેસાડીને તું મને ન લઈ જઈ શકે ? ‘તું અને હું’ની આ સનાતન રમતનાં કેટલાંક રહસ્યો તો મારા ફિલસૂફીના ઊંડા અભ્યાસથી મેં ઠીકઠીક સમજી લીધાં છે. હું સમજું છું કે આ રમતનો આરંભ નથી પણ અંત જરૂર હોઈ શકે. માટે જ આપણી આ રમત થોડીક ભલે આગળ ચાલતી રહે. એમાં મારી કોઈ આસક્તિઓ લગભગ નથી જ; પણ માનવીય સંવેદનાઓની ગરિમા હું જોઈ રહ્યો છું. ભવિષ્યના થોડાક જન્મ-જન્માંતરોમાં જ્યારે પણ તું મારા મસ્તકે હાથ મૂકીને કહેશે – ‘હવે આ રમત બંધ,’ ત્યારે એ જ પળે મારું મસ્તક તારા ચરણે હશે એ પણ તું સમજે જ છે. સામાન્ય રીતે સાચી વાત કોઈ માનતું જ નથી; એટલે જ તારી અને મારી આ કથા હું જાણે કે મને પોતાને જ સંભળાવી રહ્યો છું. ‘જીવન શું છે’ એવા તાત્વિક પ્રશ્નના જવાબો વિધવિધ હોઈ શકે. આ પળે મારા હૈયે ઊગેલો ઉત્તર છે – જીવન - મનુષ્યજીવન – એ તારી અને મારી કહાણી સિવાય અન્ય કશું જ નથી. ભલે થોડુંક વિષયાંતર થાય, પણ ફારસી સૂફી કવિ જલાલુદ્દીન રૂમીનું આ કાવ્ય મારા અનુવાદરૂપે અહીં નોંધું છું. આજથી ચાલીસેક વર્ષ પૂર્વે ફારસી ભાષાના વિદ્વાન એવા મારા મિત્ર મોતીરામ મીરચંદાણીએ મને અસલ ફારસી ભાષામાં એ કાવ્ય સંભળાવ્યું હતું. સાથોસાથ પ્રત્યેક પંક્તિનો અંગ્રેજી અનુવાદ તેઓ મને કહેતા ગયા જે હું લખતો ગયો :“ ‘હું’ અને ‘તું’ ની આ રમત છે; જો ‘હું’ બની જાઉં ‘તું’ ; અને ‘તું’ બને ‘હું’ ; જો હું પ્રાણ અને તું પ્રાણાધાર; તો પછી, હવે કોણ કહી શકે ‘હું’ અને ‘તું’ જુદાં.ફરીફરીને હું એકરાર કરતો રહીશ કે તેં મને ફૂલોની જેમ સદા તારા દિલમાં સાચવ્યો છે; એટલે કે મને તારામાં સમાવી લીધેલ છે. સૂફી કવિની ઉપરોક્ત રચનાના અનુવાદ પછી એકવીસ વર્ષે એ કવિતાનો મર્મ મને ઉપલબ્ધ થયો છે. બુધવાર, તા. ૬-૮-૨૦૧૪ ***તું અને હું – આ દાસ્તાન સનાતન : (૬)આજે (તા.૩૧-૮-૨૦૧૪) ફરી એકવાર તારી અને મારી દાસ્તાન ‘તું અને હું’ આગળ ચલાવી રહ્યો છું. હું શા માટે આ લખી રહ્યો છું એવો પ્રશ્ન હું મારી જાતને કરતો નથી, કારણ કે ચોમાસામાં તળાવ છલકાય છે ત્યારે ઊભરાતું પાણી ‘ઓગન’ પરથી વહીને ચારેતરફ ફેલાય છે. તારી છબી સમક્ષ હાથમાં બે ધૂપસળી લઈને નત મસ્તકે જ્યારે રોજ સવારમાં ઊભો રહું છું ત્યારે ધૂપસળીની રાખને ખરતી નિહાળતો હોઉં છું. આ દાસ્તાનના મારા શબ્દો પણ જાણે કે એ ખરતી રાખ રૂપે જોતો રહું છું. એજ અગ્નિદેવતાની સાખે આપણે જોડાયાં અને અગ્નિની સાખે જુદાં પડ્યાં. ગઈકાલે રેડિયો પર એક ગીત શરૂ થયું :“ચૂપકે ચૂપકે, રાત દિન આંસુ બહાના યાદ હે....” શીઘ્ર ઊભો થઈને હું તારી છબી સમક્ષ મારા વહેતા અશ્રુપ્રવાહ સાથે ધીમું નૃત્ય ત્રણેક મિનિટ માટે કરતો રહ્યો. મારા નમન હો એ ગીતકાર–શાયરને કે જેણે મારા દિલમાં-માનવદિલમાં છુપાયેલ મૂક વેદનાને વાચા આપી ! અરે ! તું આ બધું ધ્યાનથી સાંભળે તો છે ને ? ગઈકાલે પર્યુષણ પર્વ પૂરાં થયાં. ઘરમાં બધાં જ (પુત્ર જયેશ, પુત્રવધૂ ભારતી અને પૌત્ર ઋષિ) સાંવત્સરિક પ્રતિક્રમણ કરવા ગયાં હતાં; એટલે ઘરમાં હું સાવ એકાકી – ના, ના, હું હવેથી મને એકાકી નહીં કહું. છબી રૂપે મને તારો સંગાથ રોજેરોજ ચોવીસે કલાકનો છે, એ હવે હું અનુભવતો રહ્યો છું. તારી છબી સામે નવકારવાળી માળા મેં હાથમાં લીધી અને એક માળા પૂરી કરી. પછી મોબાઈલમાંનું ભક્તામર સ્તોત્ર સાંભળતો રહ્યો. યાદ છે ને તને ? લકવાના પ્રથમ હુમલા પછી રોજ સવારના તડકામાં તને ગેટ આગળ બેસાડતો ત્યારે તારી બાજુમાં બેસીને તને મોબાઈલમાંનું એ ભક્તામર સ્તોત્ર સંભળાવતો. તને કંઠસ્થ એ ભક્તામર સ્તોત્રનું તું નિત્ય સ્તવન કરતી – મને પણ એ સંભળાવતી. મને એ બધું કેમ યાદ ન હોય ?તારી આ મંગળ છબીની રોજેરોજની ધૂપપૂજા પછી એ રાખનું જ હું કપાળે તિલક કરું છું; સ્ત્રીઓ પતિના નામે સૌભાગ્યના પ્રતીક રૂપે ચાંદલો કરે છે ને ? તું પણ મારી નજર સામે જ ચાંદલો કરતી. સ્ટીકરના ચાંદલાના જમાનામાં છેલ્લે છેલ્લે ક્યારેક ચાંદલો બરાબર યોગ્ય સ્થાને ન લાગ્યો હોય તો કવચિત તું મારી મદદ લેતી ને ! તારા નામે આ ભસ્મ-વિભૂતિનું મારા કપાળે કરેલ આ તિલક એટલે ? તારા જેવી – ‘લાખોમેં એક’ જેવી તું મને આ જીવનમાં મળી એનું સૌભાગ્ય તિલક હું ગણું છું. સ્ત્રીને અર્ધાંગી કહી છે. હવે તારું આંતર–બાહ્ય રૂપ સતત વધુ ને વધુ પ્રકાશિત થતું મને છબીમાં જોવા મળે છે; એટલે કંઈક ગંભીર સમજણપૂર્વક હું કહી શકું છું કે સ્ત્રી સદા પૂર્ણાંગી છે. આપણા લગ્ન પછીના બે-ત્રણ વરસ પછી જ કોઈક અંતરાય કર્મના ઉદય તરીકે તારી માંદગીઓની શરૂઆત થઈ, સૌ પ્રથમ ટી.બી.થી. ત્યારે તો એ રાજરોગની આધુનિક અસરકારક દવાઓ હજી શોધાઈ પણ નહોતી. છેવટે તળેગાંવ ખાતેના ટી.બી. સેનેટોરિયમમાં આપણી જ્ઞાતિના દરદીઓ માટે કેટલાક કોટેજીસ અનામત હતા; એટલે એકંદરે કંઈક સુખકારક સગવડ થઈ. રસોડું પણ પોતાનું જ. આરંભમાં થોડાક મહિના તારી સેવામાં આસોકાકાનાં પત્ની રતનકાકી ત્યાં રહ્યાં અને ત્યારપછી મારાં લક્ષ્મીમામી રહ્યાં. લગભગ દર અઠવાડિયે તારા બાપુજી કે તારા ભાઈઓમાંથી એકાદ ભાઈ ત્યાં આવતા. હું પણ દર અઠવાડિયે એક દિવસ પહોંચી આવતો. તું તો માંડ ત્રણ ધોરણ ભણેલી અને હું ત્યારે F.Y. Arts ભણેલો. એ સમયગાળામાં તેં મને લખેલ પ્રથમ પ્રેમપત્રને હું કેમ ભૂલી શકું ? પત્રને અંતે તેં લખ્યું હતું : ‘ઉડ પત્ર ઉતાવળો, જાજે પિયુની પાસ, વહેલો વહેલો આવજે, જવાબ લઈને પાસ.’એક વરસની તારી આ સારવાર. એક લં......બી જુદાઈ. તું સાજી થઈને આવી એટલે પિતાશ્રીએ આપણને બન્નેને મુંબઈ વસઈ નજીક આવેલ તીર્થ જેવા સ્થળ ‘અગાસી’ મોકલ્યાં. ત્યાં સુંદર સેનેટોરિયમમાં સુખકારક સ્વતંત્ર ડબલ રૂમનો નિવાસ, માયાળુ પડોશીઓ, ચારેતરફ હરિયાળી. થોડેક જ દૂર આવેલા દેરાસરમાં આપણે બન્ને રોજ સવારમાં જતાં. પૂજારી ડાહ્યાભાઈ હજી પણ મને યાદ રહી ગયા છે. ક્યારેક હાર્મોનિયમ પર પૂજાઓ ભણાવતા હોય. એ સેનેટોરિયમમાં આપણાં એક પડોશી સાણંદનાં બહેન મને યાદ રહી ગયાં છે. હવે નામ તો યાદ ન જ હોય, પણ આપણી સાથેનો એમનો સ્નેહભર નાતો કેમ ભૂલાય ? એમની ૫-૭ વરસની દિકરી તો રોજ આપણે ત્યાં હસ્તી – રમતી આવે. આવી લાંબી માંદગી વચ્ચે કદી પીડાનો હરફ પણ તારા હોઠે અમે સાંભળ્યો નહીં. એ પછી પણ એક યા બીજી માંદગી વેઠવાનું તને આવતું જ રહ્યું; તારા ચહેરા પર એ નિત્ય પ્રસન્નતા અને સંતુષ્ટ જીવનની છબી, તારી એ સદાની સહનશીલતા, સંસારની આધિ–વ્યાધિ–ઉપાધિ વચ્ચે પણ તારું સ્વસ્થ મન. કદી કોઈ ફરિયાદ નહીં, કોઈ માગણી નહીં. એ બધું યાદ કરતાં આજે હવે હું કંઈક શીખ્યો–સમજ્યો છું. એટલે જ હવે મોડે મોડે – તું અમારી વચ્ચેથી ચાલી નીકળી એ પછી આપણા લગ્નને હું એક દીક્ષાવિધિ તરીકે પ્રમાણું છું.ફરી ધૂપસળીઓની ખરેલી ભસ્મની વાત. એ ભસ્મ રોજેરોજ એક સુંદર ડબીમાં હું ભરતો જાઉં છું. હવે થોડાક જ દિવસોમાં એ ડબી ભરાઈ જશે અને પછી કોઈક ગુરુવારના દિવસે એ ભસ્મ હું આખા શરીરે અડધા કલાક માટે ધારણ કરીશ. એ અડધો કલાક મેં તને આપેલ દિવ્ય દેવી તરીકેનું નામ જપતો રહીશ. તારો હુકમ હશે તો બાથરૂમમાં જ તારા નામજપ સાથોસાથ હું હળવું નૃત્ય કરતો રહીશ. તારા નામે એ અવસરની–એ ઉત્સવની હું રાહ જોઈ રહ્યો છું. આ બધું તો માત્ર તારા સુધી પહોંચવાના માર્ગની શોધ માત્ર છે – એ માર્ગમાંનાં દ્રશ્યોની થોડીક કાલ્પનિક ઝલક જેવુ : હે અગ્નિ દેવતા, તમને નમનપૂર્વક અરજ કરું છું કે તમારી સાખે જ અમે એક પવિત્ર પ્રસન્નતાકારક બંધનથી જોડાયાં, સંગાથ પણ ઠીક ઠીક લાંબો મળ્યો. તમારી સાખે જ જુદાં પડ્યાં. પણ હે દેવતા મને સ્પષ્ટ કહો, કે હજી મારે કેટલા શ્વાસોશ્વાસ અને નિશ્વાસ બાકી છે ? મને સદાય પુકારતું–પ્રેરતું અને કવચિત કોઈક દિવ્ય પ્રકાશકિરણના રૂપે મને આહવાન કરતું આ ગીત ફરી મારા રૂમમાં અને મારા ચિદાકાશમાં ગુંજી ઉઠ્યું છે–કુંદનલાલ સાયગલના કંઠે. અહીં થોડીક ત્રૂટક પંક્તિઓ : “પંછી રે...પંછી, કાહે હોત ઉદાસ; તોડ ના મનકી આશ........દેખ ઘટાયેં આઈ હે, વો એક સંદેશા લાઈ હેપિંજરા લેકર ઉડ જા પંછી, જા સાજનકે પાસ, પંછી.....” બુધવાર, તા. -૯-૨૦૧૪***
તું અને હું – આ દાસ્તાન સનાતન : (૭)‘તું અને હું’ની આ સનાતન દાસ્તાનનો સાતમો પડાવ છે. આજે (ગુરુવાર, તા.૧૮-૯-૨૦૧૪) તને ધરેલ ધૂપસળીઓની રાખની ડબી લઈને જ બાથરૂમમાં નહાવા ગયો. આખા શરીરે એ વિભૂતિ–ભભૂતિ મેં ધારણ કરી અને સાથોસાથ મેં તને આપેલ દિવ્ય નામ એક સંસ્કૃત શ્લોકની જેમ જપતો રહ્યો. તારી હૃદયસ્થ છબી સામે ત્રણેક મિનિટ નૃત્ય કરવાનું પણ મારા મનમાં હતું જ, પણ ન કરી શક્યો. જ્યારે સ્નાન કરીને બહાર આવી પલંગ પર તારી છબી સમક્ષ બેઠો ત્યારે મને એવું લાગ્યું કે પ્રસન્નતાની લહેરો વચ્ચે હું હળવો થઈને જાણે કે પંખીની જેમ એક ઉડાન ભરીશ. આજે હું એમ પણ અનુભવી રહ્યો છું, કે તારી અને મારી વચ્ચે ન તો કોઈ સ્થળકાળનું અંતર છે, કે નથી સ્થૂળ સૂક્ષ્મના ભેદો. એટલે જ, આજે તને કોઈ વાત કહેવાનું પણ મારે રહેતું નથી. તારી પાસેથી કશું જ હવે મારે માગવાનું હોય જ નહીં; જાણે કે મને વગર માગ્યે તું જીવનભર અને હવે બધું જ આપતી રહી; સૂક્ષ્મરૂપે અલૌકિક એવું બધુ જ તું મારા પર વરસાવતી રહે છે. આજે સ્નાન પહેલાં તને ધરેલ ધૂપસળીની ભસ્મ રૂપે મેં જે વસ્ત્ર ધારણ કર્યું એ પછી બીજી જ પળે હું સમજી ગયો કે તેં મને આપેલ આ બીજી વિધિવત દીક્ષા ! આપણા લગ્નને મેં દીક્ષાવિધિ કહ્યો, પણ એ હતી આપણા ગૃહસ્થાશ્રમ પ્રવેશની તેં મને આપેલ દીક્ષા. એ પછી ૬૬ વર્ષે તેં મને પરોક્ષ આપેલ આ બીજી દીક્ષા છે જ્ઞાનમાર્ગ પ્રવેશની. પુરાતન કાળમાં ઋષિઓએ પોતાની નિકટ બેસાડીને શિષ્યોને આપેલ જ્ઞાનના પાઠ આજે વિશ્વભરમાં ઉપનિષદો તરીકે ઓળખાય છે. હવે આજથી તારી છબી સમક્ષ નત મસ્તકે ઊભા રહીને શબ્દોના અવરોધ વગર જ રોજેરોજ જાણે કે જ્ઞાનપ્રકાશની દિશામાં હું ધીમે પગલે ચાલતો રહું છું. તેં કંડારેલ દિશામાં મારું આવું પ્રત્યેક પગલું એક યાત્રા છતાં પોતામાં જ સાથોસાથ એ એક મંજિલ પણ છે. આજે (તા. ૪-૧૦-૨૦૧૪, શનિવાર) તારી–મારી આ ગૂઢ સહયાત્રાની દાસ્તાન આગળ લખી રહ્યો છું. ગઈકાલની ઘટનાઓની નોંધ કરવાનું મને મન થાય છે. ગઈકાલે ફરી મેં ભસ્મસ્નાન કર્યું અને પછી દુકાને ગયો. રોજ મુજબ બપોરે બાર-સવાબાર વાગે ઘેર આવી જમી લીધું. મને જમાડીને જયેશ-ભારતીને નજીકમાં જ ક્યાંક કામસર જવાનું હતું. નીચે બેઠકરૂમમાં જ તારી છબી સામે હું સહેજ આડો પડ્યો; ત્યાં જ મારી છાતીમાં પીડા શરૂ થઈ – વધતી જ ગઈ. હોમિયોપેથી દવાના બોક્સમાંથી દવા શોધીને ઉપરાઉપરી બે ડોઝ લીધા. તું જાણે જ છે કે મારામાં પીડા સહેવાની તારા જેવી સહનશીલતા–સ્વસ્થતા નથી જ. પંદર વર્ષ પહેલાંના બે હાર્ટએટેકને યાદ કર્યા અને મને થયું કે પીડા સહીને દવા ન લીધી હોત તો કદાચ - કદાચ તારા સુધી પહોંચવાનો જ એ અવસર હોત. પીડા છતાં હસતાં હસતાં તારી છબી સમક્ષ મેં તને કહ્યું પણ ખરું –‘મને હવે તેડી જા - આપણા ઘરે નહીં, પણ તારા ઘરે !’ જયેશ-ભારતી તો દોઢ કલાક પછી જ આવ્યાં. જયેશને મેં છાતીના દર્દની અને મેં લીધેલ દવાની વાત કરતાં કહ્યું કે ‘હવે તદ્દન સારું જ છે.’ સહનશક્તિના અભાવે જાણે કે મને ઈચ્છિત અવસર મેં જ ખોયો.નરસિંહ મહેતાની આ રચના તો તેં મારી સાથે કેટકેટલીવાર સાંભળી હશે. અહીં માત્ર પ્રથમ બે પંક્તિ :“આજની ઘડી તે રળિયામણી મારા વાલોજી આવ્યાની વધામણી હો જી રે.....” તને તો યાદ હશે જ. છેલ્લાં વીસેક વરસથી દર વર્ષે ઓક્ટોબર મહિનામાં મારાં ૨-૩ જોડી લેંઘા-ઝભ્ભા માટે ખાદી ખરીદું, ત્યારે મારા કફન માટે એમાંથી પાંચ મીટર કાપડ એક પારદર્શક થેલીમાં અલગ મારાં કપડાંની ગઠરીમાં રાખું. એમાં એક કાર્ડ ઉપર નરસિંહ મહેતાની એ આખી રચના મારા હસ્તાક્ષરોમાં જ લખેલી હોય. પુત્ર જયેશને તો મેં આવી જાણ કરેલી જ હોય; જેથી એને દોડાદોડી ન કરવી પડે, કારણ કે એને મનમાં તો એમ સહેજે હોય કે – ‘બાપુજી સાડા પાંચ દાયકાથી ખાદી પહેરે છે તો કફન માટે પણ ખાદી જ તેઓ ઈચ્છે.’ અને હા, એ શુભ અવસર–રળિયામણી ઘડીની હું વીસ વરસથી રાહ જોતો રહ્યો છું; આમ સાવ નિકટ આવેલ અવસર હું ખોઈ બેઠો. કફન માટે રાખેલ એ ખાદીમાંથી પછીના વરસે હું એક જોડી લેંઘા–ઝભ્ભાની સીવડાવી લઉં; અને નવી ખરીદેલ ખાદીમાંથી પાછી પાંચ મીટર ખાદી કફન માટેની એ થેલીમાં રાખું. તા. ૩-૧૦-૨૦૧૪, શુક્રવારના મેં ખોઈ નાખેલ એ અવસરમાંથી પાઠ શીખીને હવે હું તને અરજ કરું છું : પાછલી રાતે હું જ્યારે ઘેરી ઊંઘમાં હોઉં ત્યારે જ તું યમદૂત સંગાથે આવજે. વૈતરણી પાર કરવામાં તારી સંગાથે જ એ નૌકાવિહારની મને ઝંખના હોય જ–છે જ. આમ પણ, પ્રેમીઓને તો ચોરીછૂપીથી જ સંકેતસ્થળે પહોંચવાનું હોય !હા, તા. ૩-૧૦-૨૦૧૪નો શુક્રવારનો એ દિવસ શુકનવંત જ હતો. સવારમાં મેં ફરી ભસ્મસ્નાન કર્યું – જાણે કે તે આપેલ આ બીજી દીક્ષાનો પાઠ પાકો કરવો. રોજેરોજ એ વિભૂતિનું હું કપાળે તિલક તો કરું જ છું. આમ અવાર-નવાર તને ધરેલ ધૂપસળીની રાખને સ્નાન પહેલાં હું ધારણ કરતો જ રહું એમ થાય છે. સુંદરમના એક પ્રસિદ્ધ કાવ્ય ‘મેરે પિયા’ ની છેલ્લી પંક્તિ છે : “મેં પલપલ બ્યાહ રહી” અર્થાત પળેપળ જાણે કે લગ્નનો એ આનંદ માણી રહી છે. ગૂઢ સાધનાની ભાષામાં પોતાના પ્રેમને, પોતાની સાધનાને, પોતાને મળેલ મંત્રને, ગુપ્ત રાખવાનું કહેવામાં આવે છે, તો જ એમાં નિત્ય નૂતનતાની એક નિર્મળ હવાલહેરીનો અનુભવ થાય. મને કવિ સુંદરમનું એ કાવ્ય આખેઆખું અહીં મૂકવાનું સહેજે મન થાય. મેરે પિયા, મેં કછુ નહીં જાનું;મૈ તો ચૂપચૂપ ચાહ રહી o ----- મેરે પિયા. મેરે પિયા, તુમ કિતને સુહાવન, તુમ બરસો, જિમ મેહા સાવન, મૈ તો ચૂપચૂપ નાહ રહી. o ---- મેરે પિયા.મેરે પિયા, તુમ અમર સુહાગી; તુમ પાયે, મૈ બહુ બડભાગી; મૈ તો પલપલ બ્યાહ રહી. o ----- મેરે પિયા. -કવિ સુંદરમતું આ બધું સાંભળે તો છે ને ? યાદ છે તને ? આજથી ત્રીસેક વર્ષ પહેલાં આપણે બન્ને નાની ખાખર ગામે ઝવેરબાઈને ત્યાં આઠેક દિવસ રહ્યાં હતાં. એ બન્ને ‘માસા–માસી’ કહેતાં ખડે પગે આપણા આતિથ્યમાં અને સેવામાં. એક દિવસે બપોરે જમ્યા પછી આરામ માટે હજી પલંગ પર લંબાવતો હતો, ત્યાં એમની પુત્રી માધવી આવીને મને કહે – ‘માસા, કઈ ફિલ્મ જોવી છે – કહો મને.’ ત્યારે તો વીસીપી–વીસીઆરનો જમાનો હજી શરૂ જ થયો હતો. એણે કબાટ ખોલ્યું એમાં લાઈનસર વિડિયો કેસેટ. મેં કહ્યું ‘નવરંગ’ ફિલ્મ જોવી છે. ફિલ્મ જોયા પછી મને થયું કે વી.શાંતારામે જો સુંદરમની આ કાવ્યરચના વાંચી હોત તો નવરંગ ફિલ્મ એક ક્લાસિક ફિલ્મ બની હોત અને સુંદરમનું આ કાવ્ય એ ફિલમનું ટાઇટલ ગીત બની રહેત. શનિવાર, તા. ૪-૧૦-૨૦૧૪ ***
તું અને હું – આ દાસ્તાન સનાતન : (૮)આજે તારી આ ચિરવિદાયને સાડાબાર મહિનાથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે. તારી-મારી આ સનાતન દાસ્તાન આજે (તા.૪-૧૧-૨૦૧૪) આઠમા વળાંકે ઊભો રહીને જોઈ રહ્યો છું. મારી સામે જ તારી છબી છે. આજે સવારમાં જ બે ધૂપસળીની ધૂમ્રલહેરોથી ઘેરાઈને જાણે કે હજી પણ ઊભો જ છું એવું અનુભવી રહ્યો છું. ગઈકાલે રાત્રે સૂતાં પહેલાં તારી છબી સામે આંખ માંડીને કહેવાનું મને મન થઈ ગયેલ – ‘ભલે સ્વપ્નમાં પણ ફરી એકવાર મને દર્શન આપ- ભલે મારાથી થોડાક અંતરે ઊભા રહીને – ખાત્રી રાખજે હું કશું જ નહીં માંગુ.’અઠવાડિયાક પહેલાં જ ફરી એકવાર તારી વિભૂતિ-ડબ્બીમાં એકત્ર કરેલ ધૂપસળીની ભસ્મનું મેં સ્નાન કર્યું. અહા, ! શું શાતાદાયક એ સ્નાન ! મારે મન તો એ જ ગંગાસ્નાન. તારું નામસ્મરણ કરતાં કરતાં બસ, આ મનગંગામાં ડૂબકીઓ લગાવતો રહું. અને તેં આપેલ આ બીજી દીક્ષાથી પ્રકાશિત માર્ગ પર ઝડપથી આગળ ચાલતાં ચાલતાં તારી સન્મુખ ઊભો રહું.તારી-મારી, આ ‘એક લંબી જુદાઈ’ ની ગૂઢ દાસ્તાન શાના આધારે ચાલી રહી છે ? ખલીલ જિબ્રાનનું જીવનચરિત્ર લખનાર બાર્બરા જુંગને એકવાર જિબ્રાને પૂછ્યું–‘માત્ર સાત જ શબ્દો તારે સદાને માટે દિલમાં ધરી રાખવાના હોય તો એ ક્યા શબ્દો તારે હોઠે આ પળે જ આવે ? બાર્બરાએ કહ્યું–‘પ્રેમ-સૌંદર્ય-ધરતી-જીવન-પરમાત્મા અને.......અને......’ બાર્બરા આ પાંચમા શબ્દ આગળ જ અટકી ગઈ; એનાથી આગળ એને કશું સૂઝયું જ નહીં. બાકી રહી ગયેલ બે શબ્દોની પૂર્તિ કરતાં જિબ્રાને કહ્યું :“તું અને હું”તારી-મારી આ દાસ્તાન એટલે જ એક સનાતન દાસ્તાન છે. શાસ્ત્રકારોએ–પંડિતોએ-કવિઓએ ભલે પત્નીને અર્ધાંગી કહી છે; પરંતુ તારા સંગે, તારા સહારે આજે હવે મને અરિસા જેવું સ્પષ્ટ સમજાઈ ગયું છે કે એક સ્ત્રી–એક પત્ની કદી પણ અર્ધાંગી હોઈ શકે જ નહીં. આજે સવારમાં જ તારી છબી સામે હું ઊભો હતો ત્યારે જ તારા ફક્ત દર્શનથી જ આ પરમ નિર્મળ સત્યનું મને દર્શન થયું. આ નિર્ભેળ સત્યને કોઈ પુરાવાની જરૂર નથી; કારણ કે આ ધરતી પર એવો એક પણ પુરુષ નથી જન્મ્યો કે જે સ્ત્રીને કૂખે ન જન્મ્યો હોય. આમ છતાં આપણા ઉપનિષદોમાં મને અતિપ્રિય એવા ‘ઈશાવાસ્ય ઉપનિષદ’ના પ્રાસ્તાવિક મંત્ર (પૂર્ણમ ઈદમ....)ના થોડાક શબ્દો અહીં યાદ કરું છું. – ‘પૂર્ણ એવા પરમ ચૈતન્ય તત્વમાંથી આ વિશ્વ જનમ્યું હોવા છતાં એ પરમપૂર્ણ ચૈતન્ય તત્વતો પૂર્ણ જ રહે છે.’ જો સાદી ગણિતની ભાષામાં કહેવું હોય તો હું એમ કહું કે – ‘પૂર્ણમાંથી પૂર્ણની બાદબાકી કરો તો પણ શેષ-બાકી પૂર્ણ જ રહે છે.’એટલે જ, સ્ત્રી જ્યારે એક બાળકને જન્મ આપે છે એ પછી પણ એ પોતામાંનું કશું જ ગુમાવતી નથી-ઊલટાનું પોતે એક નૂતન પૂર્ણતા–જીવનની સાર્થકતા અને સભરતા પ્રાપ્ત કરે છે. અરે ! આ વળી કેવું આશ્ચર્ય ! આ લખતાં લખતાં એક મારા પ્રિય ગીતની સ્વરલહરીઓ ક્યાંથી આવી પડી ? મારા મનમાં અઠવાડિયાકથી જે કંઈ ઊભરાઈ રહ્યું છે એની જ જાણે કે વાત. મીરાંની એ રચનામાંની અહીં થોડીક જ પંક્તિઓ નોંધું છું : “મને ચાકર રાખો જી !ગિરધારી લાલા ! ચાકર રાખો જી.ચાકર રહસૂં બાગ લગાસૂં નિત નિત ઉઠ દરસન પાસૂં,વૃંદાવનકી કુંજ ગલિનમેં, ગોવિન્દ લીલા ગાસૂં .જોગી આયા જોગ કરનકું, તપ કરને સન્યાસી, હરિ-ભજનકૂં સાધુ આયે, વૃંદાવન કે વાસી........ “ આ ગીત તો તેં પણ મારી સાથે આખેઆખું અનેકવાર સાંભળ્યુ હશે. આ ગીતના નૂતન શ્રવણે આજે મને તારી-મારી આ દાસ્તાનમાં એક નવી જ દિશા અને દ્રષ્ટિ આપી છે. આવતા જન્મે તું મને ફરી પત્ની તરીકે મળો એવી કોઈ જ તૃષ્ણા–ઈચ્છા–વાસના કે આસક્તિથી આજે હું મુક્ત થયો છું. હવે પછીના જન્મોમાં કોઈપણ સંબંધે તારો સંગાથ ફક્ત એટલા માટે જ ઈચ્છું કે જે કંઈ અલૌકિક પાઠ કોઈ શબ્દોના બંધન વગર હવે હું તારી પાસેથી શીખું એ માત્ર તારા દર્શન–સાનિધ્ય માત્રથી : પાંસઠ વર્ષના તારા સાનિધ્યમાં તારી પાસેથી હું જે શીખ્યો-શીખતો રહ્યો એ હવે જાણે કે ઉપદેશકો માટેનું દિશાસૂચક મૂલ્યવાન સૂત્ર–‘અમારું જીવન એ જ અમારી વાણી,’ એટલે જ કદાચ આવતા જન્મે તું કોઈ સંપન્ન પરિવારની ગૃહિણી તરીકે હોય અને હું તારા ઘરનોકર તરીકે સ્થાન પામું એને હું મારું અહોભાગ્ય સમજું. ઘરનોકર તરીકે તારાં નિત-નિત દર્શન પામું એ તો ઠીક પણ તારા માત્ર સાનિધ્યથી જીવનને જ્ઞાનપ્રકાશની દિશા તારા થકી મળતી રહે એટલી જ મારી તૃષ્ણા. તેં જેમ પાંસઠ વર્ષના આપણા દાંપત્યમાં સદા મારી સુખાકારી, મારી પ્રસન્નતા માટે જીવન ઘસી નાખ્યું તેમ આવતા જન્મે મારાં શેઠાણી તરીકે તારો ચાકર બનીને સદા તારા સુખ માટે – તારી પ્રસન્નતા માટે, તારા યોગક્ષેમ માટે મારી જાતને આનંદપૂર્વક સુખડની જેમ હું ઘસતો રહું. જ્યુથિકા રોયને કંઠે (અને શુભલક્ષ્મીને કંઠે પણ) સેંકડોવાર સાંભળેલ મીરાંની એ રચનાએ આજે જાણે કે પરદા પાછળનાં અનેક ગૂઢ રહસ્યોનું દર્શન પળભરમાં જ એક ઝબકારની જેમ કરાવી દીધું છે. એટલે જ આજે હું તારી પાસેથી કશું જ માગતો નથી. બસ, તારું જ ધાર્યું થાવ, માત્ર ભલે પડછાયો બનીને તારા પગલે પગલે તને – માત્ર તને જ અનુસરતો રહું. “જિંદગી ઔર કુછ ભી નહીં,તેરી-મેરી કહાની હૈ.” મંગળવાર, તા. ૪-૧૧-૨૦૧૪
***તું અને હું – આ દાસ્તાન સનાતન : (૯)આખરી પડાવ “હમ તુમ, યુગ યુગ સે,મિલતે રહે હૈ – મિલતે હિ રહેંગે.” આમ તો આ અને આવાં ઘણાંબધાં ગીતો સાંભળતો રહું છું, એ તો તું જાણે જ છે. એવું ક્યારેક મેં જોયું છે કે કેટલીકવાર એના એ શબ્દોના મર્મ સુધી-ઊંડે સુધી પળભરમાં પહોંચી જવાય છે. તારી ચિરવિદાયને આજે (તા.૩-૧૨-૧૪) પોણા ચૌદ મહિના થવા આવ્યા, એટલે કે આશરે ૪૧૩ દિવસ. આ સમયખંડમાં જ તારી છબી સામે નજર માંડતાં જ કેટલાક શબ્દો ઊંડા અર્થ સાથે એવી રીતે મારી સન્મુખ પ્રકાશિત થયા. મારા મનમાં જે થોડી-ઝાઝી દ્વિધાઓ કે મૂંઝવણો હોય એ આવી પળોમાં જાણે કે હવામાં ઓગળી જાય છે. આજે આવી કેટલીક વાતો જાણે કે મારો નૂતન માર્ગ પ્રકાશિત કરતી રહી છે. માર્ગ એટલે ઈંટ-પથ્થરનો–ડામરનો રોડ નહીં; અને એવી ક્ષણો આવતી જાય છે કે માર્ગ પોતે જ પ્રકાશિત થઈને મને દોરતો રહે છે. હજી તો ગયે અઠવાડિયે (શનિવાર, તા.૨૨-૧૧-૨૦૧૪) પરોઢે ત્રણ વાગ્યે હું જાગ્યો - પથારી પર બેઠો અને મને ચક્કર આવવા લાગ્યા. માંડમાંડ લથડતે પગલે ચાલીને સ્વીચબોર્ડ સુધી પહોંચી ઘંટીનું બટન દબાવ્યું. પુત્ર જયેશ અને પુત્રવધૂ ભારતી તત્ક્ષણ આવી પહોંચ્યાં. પુત્રી દક્ષાને બોલાવી લેવા મેં જ સૂચવ્યું અને એ પણ આવી પહોંચી. સાવ સ્વાભાવિક છે કે આ ૮૫ની ઉંમરે જાણે કે તારા જ માર્ગે તારા સુધી પહોંચવાનો મંગળ અવસર આવી પહોંચ્યો ! કોઈ ડોક્ટરને ન જ બોલાવવાની સ્પષ્ટ સૂચના તો મેં આપી જ દીધી. જયેશે ૨-૩ ડોઝ દવાના મને એની સૂઝ મુજબ (હોમિયોપેથીના) આપ્યા. પુત્રવધૂ ભારતીને મને ‘લોગસ્સ’ સૂત્ર સંભળાવવા કહ્યું અને એકચિત્તે એ શબ્દેશબ્દ સાંભળતો રહ્યો. એ ત્રણેયને ભાવપૂર્વક ‘મિચ્છામી દુક્કડં’ પણ કર્યા. પ્રતિભાવમાં પુત્રી દક્ષાએ મને કહ્યું – “અગાઉ પણ કેટલાય જન્મોમાં કોઈ ને કોઈ સંબંધે આપણે સંકળાયા હોઈશું જ, એટલે હજી બીજા થોડાક જન્મો સુધી આવા ઋણાનુંબંધો ભલે ચાલતા રહે; ‘મિચ્છામી દુક્કડં’ કહીને મારે હિસાબ પૂરા નથી જ કરવા !’અન્ય નજીકમાં જ રહેતા નિકટના કુટુંબીજનોને ન જ બોલાવવા મેં આદેશ આપી દીધો. આ નાટક મારું બે કલાક ચાલ્યું; અને મારો ઈચ્છિત પડદો ન જ પડ્યો. આમ ફરી એકવાર તારા સુધી પહોંચવાનો આવેલ એ મંગળ અવસર હું ચૂકી જ ગયો. બે કલાક પછી તો જાણે કે કશું જ ન થયું હોય એવો સ્વસ્થ-સ્ફૂર્તિથી સભર થઈ ગયો હતો. સાતેક દાયકા પૂર્વે (મારી ૧૫-૧૭ વર્ષની ઉંમરે) મેં વાંચેલ એક દળદાર જૈનગ્રંથ સંક્ષેપમાં વાત કરવાનો સમય પણ આવા યોગાનુયોગે જ બરાબર આવી પહોંચ્યો છે એ ગ્રંથનું નામ છે ‘પૃથ્વીચંદ્ર ગુણસાગર-૨૧ ભવનો સ્નેહસંબંધ.’ એ મારી કાચી ઉંમરે એ ગ્રંથનો મર્મ તો મને ક્યાંથી સમજાયો હોય ? પણ તે વખતે પણ એના કથારસમાં હું વહેતો રહ્યો હતો. હવે આજે જન્મજન્માંતરના સંબંધો અને ઋણાનુબંધ સ્પષ્ટ સમજાય છે. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર એવા બે જીવાત્માઓના ઋણાનુબંધે સતત ૨૧ ભવ સુધી ચાલેલા સ્નેહસંબંધોની કથાનો આ અદભૂત ગ્રંથ છે. ક્યારેક કથાનાં એ બન્ને પાત્રો મિત્રો તરીકે ભેગાં થાય છે તો ક્યારેક વળી પતિ-પત્ની તરીકે, માતા-પુત્ર તરીકે, પિતા-પુત્ર તરીકે, ભાંડઓ તરીકે, શેઠ-નોકર તરીકે યા વેપારમાં ભાગીદાર તરીકે. આમ કથારસનો પ્રવાહ એકધારો વહેતો રહે છે.ભલે ગયે અઠવાડિયે પરોઢે સ્વાસ્થ્યના વિક્ષેપ રૂપે આવેલ તારા સુધી પહોંચવાનો એ મંગળ અવસર હું ચૂકી ગયો; તું જાણે જ છે કે પીડાઓ સહન કરવાની તારા જેવી સ્વસ્થતા–સહનશીલતા મારી નથી જ. પણ એટલું તો ચોક્કસ કહું છું કે બચી રહેવાનું–ટકી રહેવાનું-આયુષ્ય હજી લંબાવવાનું રતિભર પણ મારા મનમાં નથી થતું. આવી સ્પષ્ટ સમજણથી જ ગાંધીધામના જે ઉત્તમ અને નિષ્ઠાવાન ડોક્ટરની સલાહ હેઠળ હું વીસેક વર્ષથી છું એ ડોક્ટરને તા. ના મેં આપેલ વિધિવત પત્ર અહીં યથાવત મૂકવાનું હું ઉચિત સમજું છું : Mavji K.Savla Applied Philosophy Study Centar, N-45, Gandhidham, Kutch-370201 Tf. (02836) 221526, 220877. તા. 1-12-2010 બુધવાર. પ્રતિ. ડો.વી.એલ. મોરખિયા. એમ.ડી. કાર્ડિયોલોજિસ્ટ ગાંધીધામ. પ્રિય ડોકટર, તમારા માટે અમારા આખા પરિવારમાં જે આદરભર્યુ સ્થાન છે તે હું કંઈ શબ્દોમાં લખી શકું નહીં. મારા પિતાશ્રીને પણ તમે મૃત્યુના દ્વારેથી અમારી વચ્ચે પાછા પહોંચાડ્યા. એટલું જ નહીં, એ પછી પણ એમણે છેવટ સુધી સ્વસ્થતાપૂર્વક લાંબુ આયુષ્ય ભોગવ્યું. મારા પ્રથમ હાર્ટએટેક વખતે (૧૯૯૬) હોસ્પિટલના રુમ સુધી પહોંચતાં પહેલાં જ હું બેહોશ થઈને પડી ગયેલ. ત્યારે ખરેખર તો તમે મને કબરમાંથી ઊભો કર્યો છે અને ત્યાર પછી આજની તારીખ સુધી પંદર વર્ષથી તમારા પ્રિસ્ક્રિપ્શનને ચુસ્તપણે અનુસરીને આજે એકયાસી વર્ષની ઉંમરે પણ ઉત્તમ સ્વાસ્થ્ય મને મળ્યું છે. છતાં સ્વાભાવિક રીતે જ હવે તો હું અંતિમ અવસર માટે હરપળે તૈયાર છું. ટકી રહેવાની-બચી જવાની કશી જ કામના નથી. એટલે એવી કોઈ અંતિમ માંદગી પ્રસંગે મારાં પરિવારજનો કદાચ મારી બેભાન અવસ્થામાં તમારી સારવાર માટે તેડી આવે તો આ અંગે મારા હિતચિંતક અને પારિવારિક કન્સલ્ટિંગ ફિજિશ્યન તરીકે મારી સારવાર અંગે નીચે મુજબની મારી અંતિમ ઈચ્છાઓ-લાગણીઓને તમારી સમક્ષ વિનંતીરુપે મૂકું છું : ૧) મને બચાવી લેવા drip medication સિવાયની કશી જ સારવાર કે ટકાવી રાખવા કૃત્રિમ શ્વાસોશ્વાસ સહિતનાં યંત્રો હરગીઝ ન મૂકવાં. ૨) મને ટકાવી રાખવા કે બચાવી લેવા કરતાં શાંતિથી મારાં કુટુંબીજનો વચ્ચેથી વિદાય લઉં એ મારી પસંદગીની ગમતી વાત અને અંતિમ ઈચ્છા છે. હું લાંબા કે ટૂંકા કોમામાં ન સરી પડું તે માટે માત્ર drip medication જેવી સાદી સારવારના તમે બધા જ પ્રયત્નો કરો તેમ હું ઈચ્છું. ૩) હું જાણું છું-સમજુ છું કે તબીબી વ્યવસાય સાથે સંબંધિત કાનૂનો–નિયમો કે પ્રણાલિકા અનુસાર તમને આવું કંઈ કરતાં મૂંઝવણ કે સંકોચ થાય; પરંતુ મારા વિનંતીપત્રને કાનૂની ભાષામાં એક ડેકલેરેશન અને સાથોસાથ indemnity bond તરીકે સ્વીકારું છું–માન્ય કરું છું અને મારાં તમામ કુટુંબીજનો–વારસદારોને મારું આ ડેકલેરેશન અને indemnity bond સમાન આ વિનંતીપત્ર બંધનકારક રહેશે. આ પત્ર આજ તા. 1-12-2010 ના લખ્યો છે અને સંપૂર્ણ સ્વસ્થ શારીરિક અને માનસિક અવસ્થામાં મારાં પરિવારજનોની હાજરીમાં અહીં મેં સહી કરેલ છે અને એ સહીની સાક્ષીમાં અરસ–પરસ હાજરીમાં મારા પુત્ર જયેશ સાવલા અને પુત્રી દક્ષા સંઘવીએ અહીં સાક્ષી તરીકે સહી કરેલ છે. C.C. To : સંજોગવશાત આવા અવસરે ડો. મોરખીયા જો બહારગામ હોય કે ઉપસ્થિત રહી શક્યા ન હોય તો એવા સમયે જે કોઈ ડોક્ટરની સારવાર નીચે હું હોઉં એ સૌ ડોક્ટરોને. Sd જયેશ સાવલા Signed Sd માવજી કે. સાવલા દક્ષા સંઘવી રોજેરોજ સવારમાં તારી છબી સામે બે ધૂપસળીઓ લઈને નતમસ્તકે હું ઊભો રહું. અઠવાડિયે એકાદ વાર એકત્ર કરેલ એ ધૂપસળીઓની ભસ્મ સ્નાન પૂર્વે ધારણ કરું છું. ક્યારેક મારું કોઈ પ્રિય ગીત પ્લેયર પર કે રેડિયો પર સંભળાતાં તારી છબી સામે ત્રણ મિનિટ એ ગીતના તાલે હળવું નૃત્ય પણ કરું છું. મારે મન આ બધું હવે એક સાધના જ છે – તારી સાક્ષીએ. આખરે તો હું હાડમાંસનો એક સરેરાશ મનુષ્ય જ છું. ફરીફરીને હું તને કહેતો રહીશ કે હવે મને તારી પાસેથી કે આ સંસાર પાસેથી કશું જ ખપતું નથી. આમ છતાં ક્યારેક લાગણીના પ્રવાહમાં હું કંઈક માંગુ તો તું એને રદબાતલ જ સમજી લેજે. અનેકવાર આપણે સાંભળેલ ગીત ‘રાખનાં રમકડાં’ નો ગૂઢાર્થ હવે બરાબર સમજાઈ ગયો છે. આપણા પુત્ર જયેશને પણ હવે મેં સ્પષ્ટ કહ્યું છે કે - ‘મારા અંતિમ સંસ્કાર પ્રસંગે શું કરવું – શું ન કરવું એવી કેટલીક સૂચનાઓ દક્ષાની હાજરીમાં આપેલ હતી; એ બધું જ હવે રદબાતલ સમજવું.’‘તું અને હું’ ની આ દાસ્તાન ભલે સનાતન છે; આમ છતાં મને થાય છે કે ‘તારી અને મારી’ કથાના આ નવમા પડાવે સમાપન કરીએ – કરીએ જ છીએ. વીસેક વર્ષ પહેલાં એક અદભૂત સૂત્ર મને જડ્યું હતું: ‘અધૂરું સો મધુરું.’ બુધવાર, તા. ૩-૧૨-૨૦૧૪ ***(અપૂર્ણ છતાં સંપૂર્ણ)