Dal recipe MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Dal recipe

ગુજરાતી વાનગીઓ

દાળ


© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.દાળ અમૃતસરી

૨.દાળ બંજારી

૩.દરબારી દાળ

૪.ઢાબાની દાળ

૫.હરિયાળી દાળ

૬.દાળ કબિલા

૭.ખાંડેશી દાળ

૮.લીલા લસણની દાળ

૯.મોગલઈ દાળ

૧૦.શાહજહાની દાળ

૧૧.મટર કી દાલ

૧૨.મિક્સ દાળ હાંડવો

૧. દાળ અમૃતસરી

સામગ્રી :

‘‘-૩/૪ કપ અડદની દાળ

-૧ કપ ડુંગળી ઝીણી સમારેલી

-૧ ટી સ્પૂન આદુંની છીણ

-૧/૨ કપ ફ્રેશ ક્રીમ

-૧ ટેબલ સ્પૂન તેલ

-૧ ટેબલ સ્પૂન ઘી

-૧ ટી સ્પૂન આદુંની પેસ્ટ

-૧ ટી સ્પૂન લસણની પેસ્ટ

-૧ ટી સ્પૂન લીલાં મરચાં ઝીણા સમારેલા

-૧/૨ કપ ટામેટાં ઝીણા સમારેલા

-૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર

-૧/૨ ટી સ્પૂન હળદર

-૧/૨ ટી સ્પૂન આમચૂર

-૧/૨ ટી સ્પૂન ધાણા પાવડર

-૧/૨ ટી સ્પૂન જીરૂં પાવડર

-૧/૨ ટી સ્પૂન પંજાબી ગરમ મસાલો

-૧ ટેબલ સ્પૂન કોથમીર

-મીઠું સ્વાદાનુસાર’’

રીત :

સૌપ્રથમ અડદ દાળને ધોઈને સાફ કરીને આખી રાત પલાળી રાખો. ત્યાર બાદ તેમાંથી પાણી કાઢીને અડધો કપ ડુંગળી, આદું, મીઠું અને અઢી કપ જેવું પાણી નાખીને બરાબર બાફી લો. ત્યાર બાદ કૂકરને ઠંડુ પડવા દો. હવે દાળને બરાબર વલોવીને ફરીથી ગેસ પર ગરમ કરવા મૂકો. દસેક મિનિટ સુધી ઉકાળીને દાળને ઘટ્ટ કરો. ત્યાર બાદ વઘાર તૈયાર કરો. વગારિયામાં તેલ અને ઘી ગરમ કરો. હવે તેમાં બાકીની ડુંગળી, આદું-લસણની પેસ્ટ અને લીલા મરચાં નાખીને અડધી મિનિટ માટે સાંતળો. ડુંગળી આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને સાંતળો. હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર, આમચૂર પાવડર, ધાણા પાવડર, જીરું પાવડર, પંજાબી ગરમ મસાલો અને મીઠું નાખીને બેથી ત્રણેક મિનિટ માટે સાંતળો. હવે આ વગારને દાળની અંદર નાખીને ઉકળવા દો. લગભગ પાંચેક મિનિટ બાદ ગેસ બંધ કરીને કોથમીર નાખીને સર્વ કરો.

૨. દાળ બંજારી

સામગ્રી :

‘‘-૧ કપ અડદની દાળ

-૧/૨ કપ ચણા દાળ

-૧/૪ ટી સ્પૂન હળદર

-૧ નંગ ડુંગળીની સ્લાઈસ

-૨ નંગ લવિંગ

-૧ કટકો તજ

-૨ નંગ સૂકાં લાલ મરચાં

-૧ ટી સ્પૂન લીલાં મરચાં ઝીણા સમારેલા

-૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર

-૨ ટેબલ સ્પૂન ઘી

-મીઠું સ્વાદાનુસાર

-કોથમીર’’

રીત :

સૌપ્રથમ બધી જ દાળને બરાબર ધોઈ લો. ત્યાર બાદ પ્રેશર કૂકરમાં હળદર, મીઠું અને ત્રણેક કપ પાણી નાખીને ચારથી પાંચ સીટી વગાડો. હવે એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં ડુંગળી, લવિંગ, તજ અને લાલ મરચાં નાખીને બરાબર સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં આદું-લસણની પેસ્ટ, લીલાં મરચાં અને લાલ મરચું પાવડર નાખીને ફરીથી બે મિનિટ માટે સાંતળો. હવે તેમાં બાફેલી દાળ નાખીને ચારથી પાંચ મિનિટ સુધી ઉકાળો. ગરમ-ગરમ દાળને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

૩. દરબારી દાળ

સામગ્રી :

‘‘૧/૩ કપ મસૂર દાળ

-૧/૩ કપ મગની દાળ

-૨ ટેબલ સ્પૂન તુવેર દાળ

-૩ ટેબલ સ્પૂન ઘી

-૧ ટી સ્પૂન જીરૂં

-૧/૩ કપ ડુંગળી ઝીણી સમારેલી

-૧/૨ ટી સ્પૂન કસૂરી મેથી

-૧/૨ ટી સ્પૂન લીલા મરચાં સમારેલા

-૧/૨ ટેબલ સ્પૂન આદું-લસણની પેસ્ટ

-૧/૨ કપ ટામેટાં ઝીણા સમારેલા

-૧/૪ ટી સ્પૂન હળદર

-૧૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર

-૧૧/૨ ટી સ્પૂન ધાણાજીરૂં પાવડર

-૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો

-૨ ટેબલ સ્પૂન દહીં

-૨ ટેબલ સ્પૂન ક્રીમ

-મીઠું સ્વાદાનુસાર

-કોથમીર’’

રીત :

સૌપ્રથમ બધી જ દાળને ધોઈને એક કલાક માટે પલાણી રાખો. ત્યાર બાદ તેને નીતારીને એકબાજુ પર રાખો. હવે એક પ્રેશર કૂકરમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂં, ડુંગળી, કસૂરી મેથી, લીલાં મરચાં અને આદું-લસણની પેસ્ટ નાખીને બરાબર મિક્ષ કરીને ત્રણથી ચાર મિનિટ સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં ટામેટાં, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરૂં પાવડર અને ગરમ મસાલો નાખીને ધીમી આંચે પાંચેક મિનિટ સુધી સાંતળો. આ દરમિયાન સતત હલાવતા રહો. હવે તેમાં દાળ, મીઠું અને અઢી કપ જેવું પાણી નાખીને ફરીથી બરાબર મિક્ષ કરીને ત્રણેક સીટી વગાડો. ધીમી આંચે વધુ એક સીટી વગાડીને ગેસ બંધ કરો. ત્યાર બાદ કૂકર ઠંડુ પડે એટલે તેમાં દહીં અને ક્રીમ નાખીને બરાબર મિક્ષ કરીને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

૪. ઢાબાની દાળ

સામગ્રી :

‘‘-૧/૨ કપ અડદની દાળ

-૧/૪ કપ ચણાની દાળ

-૧/૪ કપ રાજમા

-૧ ટેબલ સ્પૂન લસણ સમારેલું

-૧ કપ ડુંગળી સમારેલી

-૨ નંગ લીલા મરચાં ઉભાં બે કટકા કરેલા

-૧ કપ ટામેટાં સમારેલા

-૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર

-૨ ટી સ્પૂન જીરૂં પાવડર

-૧/૪ કપ કોથમીર

-૧ ટેબલ સ્પૂન કસૂરી મેથી

-૨ ટી સ્પૂન તેલ

-મીઠું સ્વાદાનુસાર’’

રીત :

સૌપ્રથમ અડદ દાળ, ચણા દાળ અને રાજમાને બરાબર સાફ કરીને છ કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ તેમાંથી પાણી નીતારીને તેમાં છ કપ પાણી નાખીને બાફી લો. લગભગ પંદરથી વીસ મિનિટ સુધી ચઢવા દો. હવે એક નોન સ્ટિક પેન ગરમ કરો. તેમાં લસણ, ડુંગળી અને લીલા મરચાં નાખીને ચારથી પાંચ મિનિટ સુધી સાંતળો. ડુંગળીને લગભગ લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ટામેટાં, લાલ મરચું પાવડર, જીરૂં પાવડર અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરીને ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ માટે સાંતળો. હવે તેમાં બાફેલી દાળ અને કોથમીર નાખીને બરાબર મિક્ષ કરીને પાંચથી સાત મિનિટ સુધી ઉકળવા દો. ત્યાર બાદ તેમાં કસૂરી મેથી નાખીને એકાદ મિનિટ બાદ ગેસ બંધ કરીને ગરમ-ગરમ સર્વ કરો.

૫. હરિયાળી દાળ

સામગ્રી :

‘‘-૧/૨ કપ મસૂર દાળ

-૧ ટી સ્પૂન જીરૂં

-૨ ટી સ્પૂન તેલ

-૧/૪ કપ ડુંગળી સમારેલી

-૧૧/૨ કપ લીલા ભાજી(મેથી, કોથમીર, ચોળી ભાજી લઈ શકાય)

-૧ ટી સ્પૂન આમચૂર

-૧/૨ કપ ટામેટાં ઝીણા સમારેલા

-૧/૨ ટી સ્પૂન હળદર

-મીઠું સ્વાદાનુસાર પીસવા માટે-

-૩ કળી લસણ

-૨ લીલાં મરચાં

-૧ કટકો આદું’’

રીત :

સૌપ્રથમ દાળને ધોઈને સાફ કર્યા બાદ બે કપ પાણી નાખીને કૂકરમાં બાફી લો. ત્રણેક સીટી વગાડવી. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં ડુંગળી નાખીને બે મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં બાફેલી દાળ, લીલી ભાજી, આમચૂર પાવડર, ટામેટાં, હળદર અને આદું-લસણ-મરચાંની પેસ્ટ, અડધો કપ પાણી અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. દાળને સાતથી દસ મિનિટ સુધી ઉકળવા દો. ગરમા-ગરમ દાળને સર્વ કરો.

૬. દાળ કબિલા

સામગ્રી :

‘‘-૧ કપ અડદની દાળ

-૩ ટેબલ સ્પૂન ઘી

-૧ ટુકડો તજ

-૩ નંગ લવિંગ

-૨ ટી સ્પૂન આદું-લસણની પેસ્ટ

-૩ નંગ સૂકાં લાલ મરચાં

-૧ ટી સ્પૂન લીલાં મરચાં સમારેલા

-૧ કપ ટામેટાં સમારેલા

-૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો

-૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર

-૧/૪ ટી સ્પૂન હળદર

-૨ ટી સ્પૂન ધાણા પાવડર

-૧ ટેબલ સ્પૂન લીંબુનો રસ

-૨ કપ કોથમીર સમારેલી

-૨ ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ

-૨ ટેબલ સ્પૂન ઘી

-૧ ટી સ્પૂન જીરૂં

-૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો

-મીઠું સ્વાદાનુસાર

-કોથમીર’’

રીત :

સૌપ્રથમ અડદ દાળને ધોઈને એક કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ તેને નીતારીને તેમાં પાણી અને મીઠું નાખીને બેથી ત્રણ સીટી વગાડો. ત્યાર બાદ કૂકરને ઠંડુ થવા દો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં લવિંગ અને તજ નાખીને થોડી વાર સાંતળો. ત્યાર બાદ તેમાં આદું-લસણની પેસ્ટ, બે લાલ મરચાં, લીલા મરચાં નાખીને લગભગ બે મિનિટ સુધી સાંતળો. હવે તેમાં ટામેટાં, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હળદર, ધાણા પાવડર અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરીને સાંતલો. મસાલામાંથી ઘી છૂટે ત્યાં સુધી તેને સાંતળતા રહો. હવે તેમાં બાફેલી દાળ, લીંબુનો રસ, કોથમીર અને ક્રીમ નાખીને બરાબર મિક્ષ કરો. દાળને ઉકળવા દો. આ દરમિયાના વગાર તૈયાર કરો. તેના માટે એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂં, સૂકાં લાલ મરચાં અને ગરમ મસાલો નાખીને એકાદ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેને ઉકળતી દાળમાં નાખીને બરાબર મિક્ષ કરી લો. દાળ ઉકળી જાય એટલે કોથમીર નાખીને સર્વ કરો.

૭. ખાંડેશી દાળ

સામગ્રી :

‘‘દાળ માટે-

-૧/૩ કપ અડધની દાળ

-૧/૨ કપ મિક્ષ દાળ(મસૂર, ચણા, મગની દાળ)

-૧/૪ ટી સ્પૂન હળદર

-મીઠું સ્વાદાનુસાર મસાલા માટે-

-૧ ટી સ્પૂન તેલ

-૧/૪ કપ નારિયેળનું છીણ

-૧/૨ કપ ડુંગળીની સ્લાઈસ

-૪ નંગ સૂકાં લાલ મરચાં

-૨ ટેબલ સ્પૂન ધાણા પાવડર

-૪ થી ૫ નંગ લવિંગ

-૪ નંગ ઈલાયચી

-૧ ટુકડો તજ

-૨ નંગ કાળા મરી

-૩ કળી લસણ અન્ય સામગ્રી-

-૨ ટેબલ સ્પૂન તેલ

-૧ ટી સ્પૂન રાઈ

-૧ નંગ સૂકું લાલ મરચું

-૧ નંગ તમાલપત્ર

-૨ ટી સ્પૂન લીંબુનો રસ

-૨ ટેબલ સ્પૂન કોથમીર’’

રીત :

સૌપ્રથમ દાળને ધોઈને સાફ કરી બે કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ પાણી નીતારીને એક કૂકરમાં બધી જ દાળ, બે કપ પાણી, મીઠું અને હળદર નાખીને બેથી ત્રણ સીટી વગાડી લો. કૂકર ઠંડુ પડે એટલે દાળને બરાબર વલોવી લો. ત્યાર બાદ એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેમાં નારિયેળને બેથી ત્રણ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં લાલ મરચાં, ધાણા પાવડર, લવિંગ, તજ, ઈલાયચી અને કાળા મરી નાખીને ધીમી આંચે એકથી બે મિનિટ માટે શેકો. હવે તેમાં આદું નાખીને ફરીથી અડધી મિનિટ સુધી સાંતળો. ત્યાર બાદ ગેસ બંધ કરીને મસાલાને ઠંડો પડવા દો. મસાલો ઠંડો થઈ જાય એટલે તેને મિક્ષરમાં પીસી લો. તૈયાર થયેલા મસાલામાંથી અડધી ચમચી જેટલો દાળમાં નાખો. તેને બરાબર મિક્ષ કરીને સાઈડમાં રાખો. હવે વઘાર તૈયાર કરો. એક નાની કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે તેમાં લાલ મરચાં અને તમાલપત્ર નાખીને અડધી મિનિટ સુધી સાંતળો. ત્યાર બાદ એમાં દાળ નાખીને બરાબર મિક્ષ કરો. લગભગ ત્રણેક મિનિટ સુધી તેને સતત હલાવ્યા બાદ તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખીને ફરીથી ધીમી આંચે બે મિનિટ સુધી ચઢવા દો. ગરમા-ગરમ સર્વ કરો.

૮. લીલા લસણની દાળ

સામગ્રી :

‘‘-૧ કપ તુવેર દાળ

-૧/૨ ટી સ્પૂન હળદર

-૧/૨ લીલું લસણ સમારેલું

-૧/૨ ટી સ્પૂન જીરૂં

-૨ નંગ સૂકા લાલ મરચાં

-૧/૨ ટી સ્પૂન આદું-લસણની પેસ્ટ

-૧/૪ ટી સ્પૂન હિંગ

-૧/૪ કપ ટામેટાં ઝીણા સમારેલા

-૨ ટેબલ સ્પૂન તેલ

-મીઠું સ્વાદાનુસાર

-કોથમીર’’

રીત :

સૌપ્રથમ તુવેરદાળને ધોઈને બરાબર સાફ કરીને અડધા કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ તેને પ્રેશર કૂકરમાં હળદર, મીઠું અને ત્રણ કપ પાણી નાખીને બાફી લો. દાળ બફાઈ જાય એટલે તેને એકબાજુ પર મૂકો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરૂં નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં સૂકાં લાલ મરચાં, આદું-મરચાંની પેસ્ટ, લીલું લસણ અને હિંગ નાખીને બેથી ત્રણેક મિનિટ માટે સાંતળો. હવે તેમાં ટામેટાં નાખીને બરાબર મિક્ષ કરીને સાંતળો. ટામેટાં બરાબર ચઢી જાય અને તેમાંથી તેલ છૂટે એટલે તેમાં દાળ અને અડધો કપ પાણી નાખીને ફરીથી ઉકળવા દો. દાળ બરાબર ઉકળી જાય એટલે તેને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

૯. મોગલઈ દાળ

સામગ્રી :

‘‘૩/૪ કપ તુવેર દાળ

-૧/૪ કપ ચણા દાળ

-૧ કપ ટામેટાં સમારેલા

-૨ કપ દૂધી સમારેલી

-૧/૪ ટી સ્પૂન હળદર

-૨ ટેબલ સ્પૂન તેલ

-૧ ટી સ્પૂન જીરૂં

-૧/૨ ટી સ્પૂન લસણ સમારેલું

-૧ ટી સ્પૂન લીલાં મરચાં સમારેલા

-૧ ટી સ્પૂન આદું સમારેલું

-૩/૪ કપ ડુંગળીની સ્લાઈસ

-૨ ટેબલ સ્પૂન કોથમીર

-મીઠું સ્વાદાનુસાર’’

રીત :

સૌપ્રથમ બધી જ દાળને ધોઈને અડધો કલાક માટે પલાણીને મૂકો. ત્યાર બાદ તેને નીતારીને એક કૂકરમાં ટામેટાં, દૂધી, હળદર, મીઠું અને ત્રણ કપ પાણી સાથે બાફી લો. લગભગ ત્રણથી ચાર સીટી વગાડો. કૂકરને ઠંડુ પડવા દો. હવે એક પેનમાં તેલને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં લસણ, લીલા મરચાં, આદું અને ડુંગળી નાખીને બરાબર સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો. હવે તેમાં બાફેલી દાળ, થોડું મીઠું અને લગભગ અડધો કપ જેટલું પાણી નાખીને ઉકળવા દો. દાળ બરાબર ઉકળી જાય એટલે તેને કોથમીર વડે ગાર્નિશ કરીને સર્વ કરો.

૧૦. શાહજહાની દાળ

સામગ્રી :

‘‘-૨ કપ કાબૂલી ચણા પલાળેલા

-૧૧/૨ ટેબલ સ્પૂન ઘી

-૧ ટી સ્પૂન શાહજીરૂં

-૧/૨ કપ ડુંગળી જીણી સમારેલી

-૨ નંગ લવિંગ

-૨ નંગ ઈલાયચી

-૧ ટુકડો તજ

-૧/૨ ટી સ્પૂન હળદર

-૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર

-૧/૨ ટી સ્પૂન ધાણાજીરૂં પાવડર

-૨ ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ

-૨ ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ

-૨ ચપટી ગરમ મસાલો

-૧ ચમચી કોથમીર સમારેલી

-મીઠું સ્વાદાનુસાર’’

રીત :

સૌપ્રથમ કૂકરમાં કાબુલી ચણામાં પાણી અને મીઠું નાખીને પાંચેક સીટી વગાડી લો. ત્યાર બાદ કૂકર ઠંડુ પડે એટલે તેને કાઢીને મિક્ષરમાં ક્રશ કરી લો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો. ત્યાર બાદ તેમાં શાહજીરૂં નાખો. અડધી મિનિટ બાદ ડુંગળી, લવિંગ, ઈલાયચી, તજનો ટુકડો નાખીને ધીમી આંચે એકથી બે મિનિટ સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં હળદર, ધાણાજીરૂં અને લાલ મરચું પાવડર નાખીને ફરીથી બરાબર મિક્ષ કરીને એકાદ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં કાબૂલી ચણાનું મિશ્રણ, લીલાં મરચાંની પેસ્ટ અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરીને ધીમી આંચે બે મિનિટ માટે સાંતળો. હવે તેમાં ફ્રેશ ક્રીમ, ગરમ મસાલો અને કોથમીર નાખીને બરાબર મિક્ષ કરીને ધીમી આંચે ચારેક મિનિટ સુધી ઉકાળીને ગેસ બંધ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

૧૧. મટર કી દાલ

સામગ્રી :

‘‘-૧ કપ અડદની દાળ

-૧/૨ ચમચી હિંગ

-૧ કપ વટાણા

-૧ નાની ચમચી સૂંઠ

-૧ નાની ચમચી આખું જીરું

-૧ નાની ચમચી લાલ મરચાનો પાઉડર

-૨ સુકાયેલાં આખાં લાલ મરચાં

-૧ મોટી ચમચી આદું પીસેલું

-૨ ચમચી ઘી

-મીઠું સ્વાદાનુસાર’’

રીત :

સૌપ્રથમ એક કૂકરમાં ઘીને ગરમ કરો. હવે તેમાં જીરૂં, હિંગ, સૂંઠ તથા સૂકા લાલ મરચાનો વઘાર કરો અને આદુંની પેસ્ટને સાંતળી લો. હવે તેમાં અડદ અને વટાણા નાખીને થોડી વાર સુધી સાંતળો. મીઠું અને મરચું મિક્સ કરીને કૂકરમાં ચડવા મૂકો.

૧૨. મિક્સ દાળ હાંડવો

સામગ્રી :

‘‘-૨ કપ ચોખા

-૩/૪ કપ ચણાની દાળ

-૧ કપ તુવેર, મગ અને અડદની દાળ

-૨ કપ છીણેલી કોબી, ગાજર અને દૂધી

-૬ થી ૭ નંગ લીલા મરચાં

-૧ ચમચો આદું-લસણની પેસ્ટ

-૧ ચમચો તલ

-૨ ચમચી રાઈ

-૨ ચમચી જીરૂં

-૮ થી ૧૦ લીમડાના પાન

-તેલ વઘાર માટે

-મીઠું સ્વાદાનુસાર’’

રીત :

ચોખા અને દાળોને અલગ અલગ પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરીને ઘાટું ખીરું બનાવી લો. હવે તેમાં મીઠું ઉમેરીને ૬ થી ૭ કલાક ઢાંકી રાખીને આથો આવવા દો. બનાવતી વખતે તેમાં છીણેલી કોબી, ગાજર અને દૂધી ઉમેરો, લીલા મરચા ઝીણા સમારીને ઉમેરો. અને જરૂર પડે તો સ્વાદ મુજબ લીંબુનો રસ ઉમેરો. હવે વગાર માટે એક વાસણમાં તેલ ગરમ થવા દો, તેમાં રાઈ,જીરુ, હિંગ, લીમડાના પાન, તલ અને ૧ લીલું મરચું સમારેલુ, આદુ — લસણની પેસ્ટનો વઘાર કરો. હાંડવિયામાં ખીરુ પાથરીને તેની ઉપર આ વઘાર રેડી દો. (અથવા આ મિશ્રણને ખીરામાં ભેળવીને પછી ખીરુ હાંડવિયામાં ઢાળી લો) અને ગેસ પર મૂકી ચડવા દો. લગભગ ૪૦ થી ૪૫ મિનિટ સુધી ચડવા દો.