સંવેદનાનો તાર - ૪ Jyoti Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંવેદનાનો તાર - ૪

નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :

મોબાઈલ નંબર - 9898504843

શીર્ષક : સંવેદના નો તાર - 4

શબ્દો : 2018

સજેસ્ટેડ શ્રેણી : પત્રમાળા

પ્રિય સંવેદના


આનંદમાં હોઇશ. અહીં હું પણ મજામાં છું અને નિરંતર તને યાદ કરું છું . સંવેદના જ્યારે જ્યારે મને કોઈ અકળ પીડાએ ઘેર્યો છે ત્યારે ત્યારે તેં સમજણની એક નવી દિશા આપી ને મને મારી હતાશામાંથી બહાર કાઢ્યો છે .કોઇપણ પરિસ્થિતિ કાયમી નથી અને દરેક વિકટ પરિસ્થિતિ નાઇલાજ નથી હોતી એ તેં જ તો મને સમજાવ્યું છે. જ્યારે જ્યારે મને સહારા ની જરુર પડી ત્યારે ત્યારે તું મારા માટે એક વિસામો બનીને મારી પડખે ઉભી રહી છે એની ના કેમ કહી શકું ?


આજની ભાગદોડ ભરી જિંદગીમાં માણસ એટલો ભાગે છે કે એ ખુદથી જ જાણે વિખૂટો પડવા લાગ્યો છે. તેને શું જોઈએ છે તેની કદાચ તેને ખુદને ખબર નથી. ખબર છે તો માત્ર એટલી કે બહુ બધું મેળવી લેવું છે. આ મેળવી લેવાની ભાવના તેને સતત દોડાવે છે પરિણામે તે પોતે ખુદ પોતાને જ મળી શકતો નથી ત્યાં બીજાને મળવાની તો વાત જ ક્યાં થઈ શકે.


એટલે જ જ્યારે જ્યારે માણસ પોતાની ભાગદોડથી થાકે છે ત્યારે તે એકલો અટૂલો હોય છે તેને વિસામાની એક એવા વિસામાની જરૂર હોય છે જ્યાં કોઇના ખભે માથું મુકી હળવો થઈ શકે

આપણે સૌ એટલી તાણમાં જીવીએ છીએ કે ઘડીભર હળવા ન થઇએ તો જીવી જ ન શકીએ. નથી આપણે આપણી દોડ અટકાવી શકતા કે નથી વિસામો લઈ શકતા.

જેવી આપણને જરૂર છે તેવી જ જરૂર બીજાને પણ છે. જેમ આપણે કોઇનો સહારો લઈ હળવા બન્યા તેમ આપણે પણ કોઇનો વિસામો બનીએ. કોઇને સહારો આપીએ. એ ત્યારે જ શક્ય બને જ્યારે ભાગદોડ ભૂલી ખરા અર્થમાં જીવીએ.


આ જીવવું આપણે ભૂલી ગયા છીએ. આપણે જીવતા નથી શ્વસીએ છીએ માત્ર. તો આજથી આ પળથી નક્કી કરીએ કે આપણી આ કંઈક મેળવી લેવાની ભાગમભાગ છોડી ઇશ્વરે જે અમૂલ્ય એવું જીવન આપ્યું છે તેને ખરા અર્થમાં જીવીએ.


પરસ્પર જે દૂરતા વધી ગઈ છે એ અંતર મિટાવી માંહોમાંહે પ્રેમ વધારીએ. એકબીજાના હરીફ બનવાના બદલે એકબીજાના પૂરક બનીએ. જરુર પડે વિસામો લઈએ ને વિસામો આપીએ. બને ત્યાં સુધી ખભો બનવાનું પસંદ કરીએ. એક એવો ખભો કે તેના પર માથું મૂકી માણસ નિરાંતનો શ્વાસ લઇ શકે.


સંવેદના ! કદાચ તું ના મળી હોય તો મારામાં જે થોડી પણ સમજણ છે તે ન હોત. બીજાને બને તેટલા ઉપયોગી થવાનું તેં જ તો મને શીખવ્યું છે. સંવેદના ઘણીવાર મને એમ થયા કરે કે આપણાં વિચારો કેટલાં મળતાં આવે છે, અને કદાચ એટલે જ આપણી વચ્ચેનો શબ્દપ્રવાસ ખરેખર મારાં જીવનનું એક ભાથું છેએમ કહું તો ચાલે, વધુ નહીં કહેતાં આમ જ હંમેશા મારી સાથે રહેજે ને મને સમજણ આપતી રહેજે. ચાલ રજા લઉં ? ફરી મળીશ આમ જ અચાનક.


લિ તારો ભક્ત સંવેદન

પ્રિય સખી !


મારો પત્ર મળી ગયો હશે. આ રીતે અવારનવાર આપણું અક્ષરદેહે મળવું આપણને જીવંત રાખે છે એવું મારું માનવું છે. જોજનો દૂર હોવા છતાંય તને મારી આસપાસ અનુભવવી અને તારી સાથે આમ વાતો કરવી મને ખૂબ ગમે છે. તારી સાથે આમ વાતો કરવાથી હું ભીતર થી ખૂબ ખુશ રહી શકું છું એ સ્વીકારવું મને ગમે છે.


આમ જોવા જઈએ તો આપણી વચ્ચે એવો કોઇ નાતો નથી કે આપણે જોડાયેલા રહી શકીએ પણ છતાંય અદ્રશ્ય એવો કોઇ અતૂટ નાતો જરુર છે કે આપણે પરસ્પર થી સંકળાયેલા રહી શકીએ છીએ. સમજણ ના એક એવા ઉંબર પર આપણે ઊભા છીએ કે મનમાં ચાલતી કોઇ પણ વાત એકબીજા સાથે વહેંચવી આપણને ગમે છે.


સખી ! હું ઘણાં સમયથી જોઉં છું કે આજની યુવા પેઢી એટલી સ્વકેન્દ્રી બની ગઈ છે કે તેઓ પોતાની જાત થી આગળ કશું વિચારી શકતી જ નથી. વસુધૈવ કુટુંબ ની ભાવના હવે વિસરાતી જાય છે. પહેલાં જ્યારે સંયુક્ત કુટુંબ ની ભાવના હતી ત્યારે વહેંચવાની ભાવના બળવત્તર હતી. પછી ભલે એ ભાવતા ભોજન હોય કે કોઇપણ પ્રકારની ચિંતા હોય કુટુંબના દરેક સભ્યોને પરસ્પર વહેંચવાની આદત હતી. એક નાનકડા ઘરમાં કુટુંબના દરેક સભ્યો પ્રેમથી સમાઇ જતા હતા. ધીમે ધીમે કુટુંબો નાના થવા લાગ્યા તેમ તેમ સૌના મન પણ જાણે નાના થવા લાગ્યા. મન મોટું રાખી સૌની સાથે પ્રેમભાવ રાખીને વર્તવું હવેની યુવા પેઢીને રાસ નથી આવતું તેના મૂળમાં કદાચ વિભક્ત કુટુંબ પ્રથા જવાબદાર છે તેવું હું માનું છું. એટલું જ નહીં મને આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે સંતાન પોતાના જ માતા-પિતા ને બોજ માને છે. જે મા-બાપ ખૂબ મહેનત કરી પોતાના શોખ જતા કરી બાળકોને ઉછેર્યા, તેમના તમામ શોખ પૂરા કર્યા એ જ મા-બાપ આજે તેમને ભારે પડવા લાગ્યા છે. જે માતા-પિતા એ એક ટંક ન જમીને કે પોતાનો કોઈક શોખ જતો કરીને બાળકની જીદ પૂરી કરવા તેને મન ગમતું રમકડું અપાવી બાળકને ખુશ કર્યુ હતું એ જ બાળક આજે યુવાન થતાં પોતાના જ માતા-પિતા માટે બે ટંક ના રોટલા પૂરા પાડી શકતા નથી. ના કરે નારાયણ ને આકસ્મિક કોઈ મોટી બીમારી આવી તો આજના વડીલોને એક જ ચિંતા છે કે ખર્ચ ક્યાંથી કાઢશું ? આજનો યુવાન એ નથી સમજતો કે જે માતા-પિતા એ આપણને કરકસર કરી મોટા કર્યા, કમાવાને કાબેલ બનાવ્યા એ માતા-પિતા હવે અશક્ત છે , બહાર જઇ કોઇ નાની મોટી નોકરી શોધી પોતાનું પુરું કરી શકે તેમ નથી. જે માતા-પિતા એ પોતાના યુવાન થતાં સુધીમાં કેટકેટલા સમાધાન પોતાની જાત સાથે કરીને આજે આપણને આટલા હોશિયાર ને કમાઉ બન્યાવ્યા છે .


આજનો યુવાન કમાવા લાગે છે ત્યારે તેને તેના નિજી શોખ ને નિજી પરિવાર દેખાય છે. એ પોતાના શોખ જરુર પૂરા કરે છે પોતાના પરિવાર માટે પણ તેઓ પાસે પૈસા ને સમય છે પણ પોતાના માતા-પિતા માટે તેઓ પાસે સમય કે પૈસા બેમાંથી કંઇ નથી એ તો ઠીક પણ પાઇ પાઇ કરી મા-બાપ જે પોતાની નાની એવી મૂડી ભેગી કરી હોય છે કે કદાચ કંઇક થાય તો છોકરાંઓ પાસે હાથ લાંબો ન કરવો -એ મૂડી પણ મા-બાપ હસતાં હસતાં પોતાના બાળકોને આપે છે કે લે બેટા મૂંઝાશો નહીં અમારું જે કંઈ છે તે આખર તો તમારું જ છે ને. પણ જ્યારે એ જ માતા-પિતા પૈસે ટકે મૂંઝાય છે ત્યારે સંતાનને નથી ગમતું. મા-બાપ સારા છે કે અપમાન સહીને ય સંતાનને કહેતા નથી કે જુદા જાઓ.પણ જો ખરેખર એવું કહે તો આજની મોંઘવારીના સમયમાં આપણે આપણું કંઇક ઊભું કરી શકીએ એટલી તાકાત આપણામાં છે ખરી ? એવું જો દરેક જણ વિચારે તો જરુર સમજી શકે કે આપણા માબાપને કેટલો ભોગ આપવો પડ્યો હશે ત્યારે એક હર્યુ ભર્યુ ઘર બન્યુ હશે.અને એ જ ઘરમાં જ્યારે માબાપને એવું લાગે કે મારી જગ્યા નથી ત્યારે સંતાનને માટે કેટલું શરમજનક ગણાય. અરે જે સંતાનને પોતાના માબાપ માટે સમય નથી એવું જ જો એનું સંતાન તેની સાથે કરશે તો ?


સખી ! મારા મત મુજબ તો હું જે દરેક જગ્યાએ જોઉં છું તે જોતાં મને તો એમ લાગે છે કે આજના સંતાનને માતા-પિતા ની નહીં કોઇ એવા માણસોની જરુર છે જે પોતે વ્યવસાય પરથી પરત આવે ત્યારે તેમના માટે જમવાનું તૈયાર રાખે. પોતાના બાળકો ને સ્કૂલે લેવા મૂકવા જાય , ઘરનું ધ્યાન રાખે અને નાના મોટા કામ કરી પોતાનો ભાર હળવો કરે. તેઓને આજે મા-બાપ ની નહીં એક એવા મશીનની જરુર છે જેની ચાવી પોતાની પાસે હોય.


જે સંતાન પોતાના માવતર ની લાગણી સમજી શકતા નથી કે જે સંતાન પાસે પોતાના માવતર માટે સમય નથી કે જે સંતાન પોતાના માતા-પિતા ની જરુરિયાત પુરી કરી શકતા નથી એ સંતાન ખરેખર તો સંતાન કહેવડાવવાને લાયક જ નથી તેવું મારું માનવું છે.


આશા છે હું જે કહેવા માગું છું તે તું સમજી શકીશ. આ બાબતે કંઇક વધુ પ્રકાશ પાડીશ તો ચોક્કસ આવકાર્ય જ છે. ચાલ રજા લઉં ?


લિ. તારો મિત્ર



પ્રિય સખી !


આનંદમાં હોઇશ જ કારણકે તારો સ્વભાવ જ હસમુખો છે ,તું ગમે તેટલા સંઘર્ષ વચ્ચે ય હસી શકે છે એટલે જ આનંદ માં રહી શકે છે એ હું સારી રીતે જાણું છું.


સખી ! થોડા દિવસ પહેલા મારે કોઇના ઘરે જવાનું બન્યું . કુટુંબ માં પતિ -પત્ની બે જ. તેમનો એકનો એક દીકરો વિદેશ અભ્યાસ અર્થે ગયો અને ત્યાં જ સેટ થઈ ગયો.
મારે જેમને મળવાનું બન્યું એ પતિ-પત્ની બંને સ્વભાવના ખૂબ સારા..ખૂબ રમુજી સ્વભાવના. જ્યારે જુઓ ત્યારે હસતા ને હસતા જ.


સખી ! મને આ બંને જણને મળીને આનંદ થયો. .જીવનની હકારાત્મકતા કદાચ તેમની પાસેથી શીખવા જેવી ખરી .એકનો એક દીકરો પરદેશ પણ જાણે દીકરો તેમની ટેકણલાકડી નથી બની શકવાનો એ વાત તેમણે સ્વીકારી લીધી છે. વાતવાતમાં એમના દીકરા અંગે કંઇ વાત નીકળી અને તેમણે તેમના દીકરાને લખેલ પત્ર મને વાંચવા આપ્યો.


એક મા પોતાના દીકરાને જે લખે છે એ વાત આજે તારી સાથે વહેંચવી મને ગમશે.એ પત્ર

જેવો છે તેવો જ તને મોકલું છું.


પ્રિય દીકરા ,


તને નવાઈ લાગશે કે રોજ ફોન પર આપણે મળતા હોવા છતાં પત્ર કેમ લખ્યો હશે ? તો બેટા ! આ અંગે એટલું જ કહીશ કે કેટલીક વાતો રુબરુ કે પત્ર રુપે વધુ ઉચિત છે તેવું મારું માનવું છે. ગઈકાલે વહુનો ફોન હતો -તે કહેતી હતી કે તું વીક એન્ડ માં દોસ્તો સાથે ફરવા જાય ત્યારે ખૂબ ખર્ચ કરે છે. તે એમ પણ કહેતી હતી કે બાળકોને સ્કૂલે લેવા મૂકવા પણ તેણે જ જવું પડે છે.


જાણું છું કે તું તારા કામમાં ખૂબ વ્યસ્ત છે એમાં પાછો અમારાથી જોજનો દૂર એટલે આજે તારી સાથે નિરાંતે વાત કરવાનું મન થયું એટલે પત્ર લખવા બેસી જ ગઇ.
સૌ પ્રથમ તો એક વાત એ કહીશ કે બેટા ! હાલ તારી દોડવાની ઉમર છે , કમાવાની ઉમર છે -દોડ અને એટલું કમાઇ લે કે જીવનના અંતિમ તબક્કે જ્યારે હાથ-પગ સાથ ન આપે, આંખે ઝાંખપ આવે ત્યારે આ કમાયેલું જે બચાવ્યુ હશે એ જ કામ લાગશે .પાસે પૈસો હશે તો ઢળતી ઉમરે જ્યારે દવાની જરુર પડશે ત્યારે આ બચત જ કામ આવશે. યુવાની કાયમ રહેવાની નથી એ વાત તું અત્યારથી જ ગાંઠે બાંધી લેજે જેથી જ્યારે ઉમર ઢળે ત્યારે તેને સ્વીકારી શકાય.


બીજી એક વાત તને એ કહેવાની કે બેટા ! તારી તબિયત ની સાથોસાથ તારા પરિવારનો પણ તું ખ્યાલ રાખજે .તું જેટલો એ લોકોને ન્યાય આપીશ એટલો બલ્કે એનાથી અનેકગણો ન્યાય એ સૌ તને આપશે. જરુર હોય છે તો માત્ર પરિવારના તમામ સભ્યો ને સમજવાની. તારી પત્ની ને પણ પત્ની ન માનતાં એક મિત્ર માનજે .એક પત્ની પોતાના પતિને સમજી શકે છે એટલું બીજું કોઈ સમજી શકતું નથી . આ વાત સમજી શકીશ તો પત્ની ના રુપ માં તને એક સારી મિત્ર મળશે. જેમ તારા ગમા-અણગમા હોય , પસંદ -નાપસંદ હોય તેમ તેને પણ પોતાની પસંદ-નાપસંદ હોય તો તેની પસંદ -નાપસંદ ને સમજવાનો પ્રયત્ન કરજે.


જીવનમાં બધું જ મળે છે પણ પરિવાર નથી મળતો એટલે જે પરિવાર મળ્યો છે તેની કદર કરતાં શીખજે . મિત્રો ત્યાં સુધી સાથ આપશે જ્યાં સુધી યુવાની છે અને પૈસો છે --ઉમર વધશે અને પૈસો માપી -માપીને વાપરવાનો હશે ત્યારે તારી સાથે તારા પરિવાર સિવાય કોઈ નહીં બચ્યું હોય. આજે મિત્રોની લ્હાયમાં તું જે પરિવાર થી , પરિવારના સભ્યોથી દૂર રહે છે એ જ મિત્રો કાલે તારાથી દૂર થતા જશે , પછી એવું બને કે આપણે જ ઊભી કરેલી ખાઇ આપણે પુરી ન શકીએ અને ત્યારે આપણે ભીતર થી એકલતા અનુભવતા હોવા છતાં જે અંતર પડી ગયું છે તેને મિટાવી ન શકીએ એવું બને.


જીવન એવું જીવવું કે આપણે આપણને મળેલા તમામ રોલ (પાત્ર) સારી રીતે નિભાવી શકીએ. એક ઉત્તમ સંતાન માફક આપણે આપણા માતા-પિતા નો ખ્યાલ રાખીએ, એક સારો પતિ સાબિત થઇએ તો એક સારા પિતા બની બાળકોને પણ એટલો સમય આપીએ કે બાળક હર્ષભેર આપણી પાસે દોડતું આવે.


દીકરા ! વધુ તો શું કહું તને ? પણ એટલું જરુર સમજજે કે જીવન બે પૈડાના વાહન જેવું છે .એક પૈડાં ખોટકાય તો વાહન તેનું બેલેન્સ જાળવી ન શકે તે જ રીતે પતિ -પત્ની એ જિંદગી ના વાહનના બે પૈડાં જ છે એટલે જો બેલેન્સ જાળવવું હોય તો બંનેએ એકબીજા સાથે અનુકૂલન સાધવું પડે.બંનેએ પરસ્પર ને ભીતર થી સમજવા ને સ્વીકારવા પડે.પરસ્પરના દોષ જોવાના બદલે પરસ્પર ની ખૂબીઓ ને વખાણવી પડે.


તને થશે કે આજે આટલી લાંબી વાત કરી હું તને કંટાળો ઉપજાવી છું , પણ બેટા ! જેટલો વહેલો તું જાગ્રત થઇશ એટલો વહેલો તું ભીતર થી મહોરી ઉઠીશ.તો હવેથી વીક એન્ડ માં દોસ્તો પાછળ સમય અને પૈસા બગાડવા કરતા એ સમય પરિવાર ને આપજે .અને થોડીક જવાબદારી તારા શિરે પણ રાખજે જેથી વહુના શિરે વધુ બોજ ન રહે.


આજ વાત હું તારી પત્નીને પણ કહેવાની જ છું. તેને પણ આજ રીતે સમજણ આપી તેને મારે જિંદગી ની આંટીઘૂંટી સમજાવવી છે જેથી ભવિષ્યમાં ક્યારેય કોઈ વિકટ પળ આવે તો બંને એક બની પરિસ્થિતિ ને સુલઝાવી શકો.


ચાલ , બહુ લખ્યુ. હવે ફરી ક્યારેક. અને હા..અમે તારા માવતર છીએ સદાય તારી સાથે હોવાના જ.પણ દીકરા ! હવે તું પણ મોટો થયો છે થોડી જવાબદારી લેતા શીખીશ તો વહુને પણ થોડો આરામ મળશે ને તેનો ભાર હળવો થશે અમે પણ પછી નચિંતવા જીવી શકીશું. ખરું ને ?


સખી ! આ પત્ર મને ખૂબ ગમ્યો. ખરેખર જો દરેક મા-બાપ પોતાના સંતાનને આ રીતે સમજ આપે તો ચોક્કસ દરેકનું દામ્પત્ય જીવન મઘમઘી ઉઠે. સૌ પોતપોતાની જવાબદારી સમજીને જીવતાં શીખે તો કોઈ એકને બહુ ખેંચાવું ન પડે .ખરું ને ? ચાલ રજા લઉં?


લિ. તારો મિત્ર.

નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :

મોબાઈલ નંબર - 9898504843