Samvednano Taar-2 books and stories free download online pdf in Gujarati

સંવેદનાનો તાર-2

નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :

મોબાઈલ નંબર - 9898504843

શીર્ષક : સંવેદના નો તાર - 2

શબ્દો : 2081

સજેસ્ટેડ શ્રેણી : પત્રમાળા

1.

પ્રિય સખી

સવારના સોનેરી કિરણો સાથે જ તારી યાદ બળવત્તર બની ને તને પત્ર લખવા બેસી ગયો.

તું પણ સવારના કુમળા કિરણ જેવી છે. તારી યાદથી જ મનને હૂંફ મળે છે. આખી રાતના આરામ પછીની પ્રફુલ્લિત સવાર જેવી તું પણ સદાય પ્રફુલ્લિત જ રહે છે જે મને ખૂબ ગમે છે. સવારની તાજગી જેમ મનને શાતા આપે છે તેમ તારી યાદ પણ મનને તાજગી અર્પે છે. તાજા ખીલેલા ગુલાબ જેવું તારું મલકાવું ,

સવારના સ્નાન પછી તારા ચહેરા પરના ધીમે ધીમે સરકતા જલશિકરો ને તારી આંખોમાંથી નીતરતો નિર્વ્યાજ સ્નેહ આ બધું મારા મનને તરબતર કરી દે છે. એમ થાય છે કે તને મારાથી સ્હેજ પણ અળગી ન કરું

.

કોઈ મંદિર ના ઘંટનાદ જેવી તારા વ્યક્તિત્વ માંથી નીતરતી શાતા મને તારા તરફ ખેંચે છે તારા માટે મનમાં એક પ્રકારની ભક્તિ નો આર્વિભાવ થતો હું અનુભવી શકું છું.

તારું વિશાળ હ્રદય ને ઊંચી ને ઊંડી સમજ મને દિન પ્રતિદિન તારા તરફ ઢળતો કરે છે એમ કહેતાં મને સ્હેજ પણ સંકોચ થતો નથી. અને થાય પણ શા માટે ?

આપણી દોસ્તી માં એટલી નિખાલસતા છે કે આપણે પરસ્પરને બધું જ કહી શકાય.

તારું મારા તરફ ઢળવું કે મારું તારા તરફ ઢળવું એ સહજ અને સ્વાભાવિક છે એ હું કે તું કયાં નથી જાણતા ? તું હંમેશા હસતી ને સૌને હસાવતી રહી છે જે બાલ્યવયથી જ તારા માં વણાયેલું છે. તારું મલકાવું , તારો સ્મિતમઢ્યો ચહેરો હું નાનપણથી જોતો આવ્યો છું એટલે મારા માટે એ નવી વાત નથી.


સખી ! આપણું અનાયાસ જ પરસ્પર નું ગમવું ને પરસ્પર નું માનવું સહજ ને સ્વાભાવિક છે એ આપણાથી અજાણ નથી જ અને આ સહજતા આપણે નાનપણથી સાથે ને સાથે જ છીએ એટલે હોવાની જ.

આજે ભલે આપણે દૂર હોઇએ, મળીએ કે ના પણ મળીએ પરંતુ આપણું શબ્દ દેહે મળવું આપણને સતત જોડાયેલા રાખે છે એની ના કેમ કહી શકાય ?

તારી નિર્દોષતા ,તારી નિખાલસતા ને તારું સ્નેહાળ ને સહજ વર્તન આજે ય અકબંધ છે મારા મનમાં જેનાથી હું મારી જાતને સમૃધ્ધ ગણું છું. મારી આ સમૃધ્ધતા જ મને જીવનની હકારાત્મકતાથી જોડી રાખે છે જેથી હું હંમેશા ખુશ રહી શકું છું. ઈશ્વરને પ્રાર્થના કે આપણો આ સખ્યભાવ હંમેશા જળવાઈ રહે. ચાલ તો ફરી મળીશ.

લિ તારો ભક્ત સંવેદન

2.

પ્રિય સંવેદના

તારી કુશળતા ઇચ્છતો હું અહીં કુશળ છું .

સંવેદના ! આ જિંદગી .....આ એક જિંદગીમાં કેટકેટલા મોડ , દરેક મોડ પર એક નવો સવાલ ને એક નવો જવાબ . દરેક તબક્કે સમાધાન. મને લાગે છે કે સતત ભાગતી આ જિંદગી એ માણસનું મન મારી નાખ્યું છે. ક્યારેક તો થાય છે કે પળે પળ ને ક્ષણે ક્ષણ સતત ભાગતા માણસે જાણે પોતાની ઇચ્છાઓનું ગળું પોતાની જાતે જ દબાવી દીધું છે.

ભૌતિકતાએ માણસને એટલો આંધળો બનાવી દીધો છે કે તેની નિજી આશાઓ, ઇચ્છાઓ ને અપેક્ષાઓ ભૌતિકતા સુધી જ સીમિત બની ગઈ છે. માણસ હવે બુધ્ધિ થી જીવવા લાગ્યો છે. મનની વાત સાંભળવાનો હવે જાણે કે માણસને સમય જ નથી. અંતરની અમીરાત જેવા શબ્દ ની આજના માણસને કોઈ જ કીમત નથી.

જે સુખ લાગણી , પ્રેમ , આત્મીયતા થી મળે છે તે સુખ આજના માણસને વામણું લાગે છે. તેની સુખની પારાશીશી સમૃદ્ધિ ને સુખના અદ્યતન સાધનો માં જાણે કેદ થઈ ગઈ છે. તેને મેળવવું છે ઘણું બધું પણ એ મેળવવા માટે ના અથાક પ્રયત્નો માં તેને રસ નથી. છિનવી લેવાની તેની વૃત્તિ જોર પકડવા લાગી છે. માગ્યું મળતું નથી અને છિનવી લીધેલું ઝાઝું ટકતું નથી. છતાંય તેની દોડ અટકતી નથી.

આજની ભાગદોડ ભરી જિંદગી જાણે એક પ્રશ્ન પેપર જેવી બની ગઈ છે. એક પ્રશ્ન નો ઉત્તર આપો ત્યાં બીજો પ્રશ્ન તૈયાર જ હોય છે એનો જવાબ પૂરો થાય ન પણ થાય ત્યાં તેના પછીનો પ્રશ્ન તૈયાર હોય છે અને અંતમાં કંઇક રહી ગયું એમ લાગે ત્યાં ઇશ્વરે આપેલ અવધિ પૂરી થવા આવે છે અને ત્યારે જ ખ્યાલ આવે છે કે એવું ઘણું બધું ચૂકી જવાયું જેના જવાબો હાથવગા જ હતા પણ ખરે સમયે ભૂલી જવાયા. પણ જે ઉત્તર હાથવગા હતા તેનો ખરા સમયે ઊપયોગ ન કર્યો પછી અફસોસ કરવાથી કોઇ ફાયદો નથી.

માટે જ ત્રણ કલાકનું આ પ્રશ્ન પેપર શરુ થાય ત્યારથી જ આપણે સૌએ એ સમજવાની જરુર છે કે ક્યારેક ને ક્યારેક તો આ સમયગાળો પૂરો થવાનો જ છે તો આપણે ઉત્તરો એવા આપીએ કે સમય પૂરો થાય ત્યારે અફસોસ ન રહે કે ખોટા જવાબો આપી પરીક્ષા માં નાપાસ થયા ને સમય પૂરો પણ થઈ ગયો.

જરુર છે શાંતિથી વિચારી એવું જીવન જીવવાની કે અંત સમયે અફસોસ ન રહે કે જીવતાં જ ન આવડ્યું. સત્ય ના માર્ગે ચાલીએ ,માંહોમાંહે પ્રેમ વધારીએ ને બની શકે એટલા બીજાને મદદરૂપ થઈએ જેથી આપણે

જ્યારે મદદની જરુર વર્તાય ત્યારે સહારો શોધવાની જરુર ન પડે. બીજા માટે સમય ફાળવશું તો આપણે જરુર હશે તો કોઇક આવીને આપણી પડખે ઊભું રહેશે. આપશું તો જ ક્યારેક પણ પામીશું ,બાકી ફક્ત લેતા જ રહીશું તો એક સમય એવો આવશે કે સૌ આપણાથી દૂર ભાગશે ને આપણને સ્વાર્થી ગણી આપણી અવગણના કરશે.

સંવેદના ! હું તો માનું છું કે જે કંઈ જેટલો પણ આપણને સમય મળ્યો છે તેનો સદ્ઉપયોગ કરીએ. નિસ્વાર્થ ભાવે સૌ સાથે હળીમળીને રહીએ ને જે કંઈ આપણી પાસે છે તે બધું જ આપણે અહીં જ મૂકીને જવાનું છે એ સત્યનો સ્વીકાર કરીને જીવીએ જેથી "હું કંઈક છું " નું જે અભિમાન છે તે વહેલી તકે દૂર થાય ને સૌને સમભાવે જોવાની ને ચાહવાની દ્રષ્ટિ ખૂલે. કેમ બરાબર કહ્યું ને ? ચાલ ફરી મળીશ આમ જ.

લિ તારો ભક્ત સંવેદન

3.

પ્રિય સખી!

મારો પત્ર મળી ગયો હશે. સખી ! હું જાણું છું કે મારા મનમાં ઉદભવતા વિચારો હું તારી સમક્ષ વ્યક્ત કરું તે તને અનહદ ગમે છે. તેથી જ મારા મનમાં ચાલતી દરેક ગડમથલ, દરેક વિચાર તારી પાસે વ્યક્ત કરવામાં મને આનંદ આવે છે.

આમ પણ કોઈ આપણી વાત સાંભળે , સમજે ને સ્વીકારે તેવું દરેક વ્યક્તિ ઇચ્છતી હોય છે. જો સદભાગ્યે કોઈ એવી વ્યક્તિ મળી જાય તો આપણે બહુ હળવી રીતે , સાહજિક રીતે જીવી શકીએ છીએ. પોતાના મનનો ભાર બીજા પાસે વ્યક્ત કરવાથી મન હળવું બને છે પરિણામે જિંદગી ના પ્રશ્નો જે ભારરુપ ને ભારેખમ લાગતા હોય તેનો ભારે હળવો થઈ જાય છે.

વેદના , સંઘર્ષ તો દરેકના જીવનમાં છે જ . એ વેદના , એ સંઘર્ષ માંથી પાર ઉતરવાની જિજિવિષા જ માણસને જીવવાનું બળ પુરું પાડે છે.

જો વેદના નથી તો ઝઝુમવાની શક્તિ પણ નથી અને શક્તિ વગરનો માણસ કયાં સુધી જીવી શકે ? જેમ વેદના , દુઃખ ને સંઘર્ષ વધુ તેમ માણસની સહનશક્તિ પણ વધુ.માણસ ઘડાય છે આ વેદના થકી જ.

જેમ માટીને ઘાટ આપીએ તો જ કંઈક બને નહીંતર માટી ની માટી જ રહે તેમ માણસ ઘડાય છે તેની મુશ્કેલીઓ માં , તેની વેદનામાં.આ વેદના જ માણસને સાચા અર્થ માં માણસ બનાવે છે. તેના હ્રદયમાં દયા , અનુકંપા આપ વેદના થકી જ ઉદભવે છે.

વળી અતિશય સુખ માણસને અભિમાની ને અહંકારી બનાવે છે , તેને જે અઢળક સુખ પ્રાપ્ત થયેલું છે તેને કારણે તે છકેલો રહે છે પરિણામે દુઃખી માણસ પ્રત્યેનો તેનો તુચ્છકાર ને તિરસ્કાર એટલી હદે વધે છે કે એ તિરસ્કાર ની ભાવના માંથી તેને બહાર લાવવા માટે ઇશ્વર તેને કંઈક એવું દુઃખ, એવી પીડા આપે છે કે જેના કારણે તેનો બધો મદ , બધો અહંકાર ધીમે ધીમે પીગળવા લાગે છે ને તેનામાં એક નવી સમજણ પ્રગટે છે કે કશું સ્થાયી નથી.અને આમ તે સાચા અર્થ માં માનવી બનવા તરફ ગતિ કરે છે.

તદ્ઉપરાંત જ્યારે માણસ દુઃખી બને ત્યારે તેનાથી એ દુઃખ તેનાથી સહન થતું નથી કારણ તેને તેની આદત નથી પરિણામે પોતાનું દુઃખ વ્યક્ત કરવા તે તલપાપડ બને છે અને તે કોઇ એવી વ્યક્તિ ને શોધે છે જે તેને સાંત્વન આપી શકે. તેની આ શોધ દ્વારા તે અન્ય સુધી પહોંચવાની મથામણ કરે છે અને આમ જ તેનો અહંકાર તેનો મદ ઓગળવા લાગે છે. બસ આમ જ માણસ માણસ વચ્ચે એક અતૂટ નાતો બંધાય છે , સૌ પરસ્પર ના દુઃખ માં સહભાગી થવા તત્પર બને છે ને માનવતા મહોરી ઉઠે છે.

આમ માનવતા સ્થાપવા , માણસનો મદ ઉતારવા ને માણસને સાચા અર્થ માં માણસ બનાવવા જ ઇશ્વર દુઃખ આપે છે જેથી માણસ ની સમજણ શક્તિ વિકસે . માણસને પાકટ બને ને કોઈપણ પરિસ્થિતિ કાયમી નથી એવી સમજણ પ્રગટે.

હું તો માનું છું કે ભલે દુઃખ આવે જો માણસ ઘડાતો હોય , તેની સમજણશક્તિ વિકસતી હોય , તેના મદ અને તેનો અહંકાર ઓગળતો હોય ને સાચા અર્થ માં માણસને માણસ બની શકતો હોય તો સુખની સાથે દુઃખ પણ સ્વીકાર્ય છે.ખરી વાત ને સખી !

તું આ વિષે વધુ પ્રકાશ પાડીશ તો ચોક્કસ ગમશે

લિ તારો ભક્ત સંવેદન

4.

પ્રિય સખી !

મારો પત્ર મળી ગયો હશે. આ રીતે અવારનવાર આપણું અક્ષરદેહે મળવું આપણને જીવંત રાખે છે એવું મારું માનવું છે. જોજનો દૂર હોવા છતાંય તને મારી આસપાસ અનુભવવી અને તારી સાથે આમ વાતો કરવી મને ખૂબ ગમે છે. તારી સાથે આમ વાતો કરવાથી હું ભીતર થી ખૂબ ખુશ રહી શકું છું એ સ્વીકારવું મને ગમે છે.

આમ જોવા જઈએ તો આપણી વચ્ચે એવો કોઇ નાતો નથી કે આપણે જોડાયેલા રહી શકીએ પણ છતાંય અદ્રશ્ય એવો કોઇ અતૂટ નાતો જરુર છે કે આપણે પરસ્પર થી સંકળાયેલા રહી શકીએ છીએ. સમજણ ના એક એવા ઉંબર પર આપણે ઊભા છીએ કે મનમાં ચાલતી કોઇ પણ વાત એકબીજા સાથે વહેંચવી આપણને ગમે છે.

સખી ! હું ઘણાં સમયથી જોઉં છું કે આજની યુવા પેઢી એટલી સ્વકેન્દ્રી બની ગઈ છે કે તેઓ પોતાની જાત થી આગળ કશું વિચારી શકતી જ નથી. વસુધૈવ કુટુંબ ની ભાવના હવે વિસરાતી જાય છે. પહેલાં જ્યારે સંયુક્ત કુટુંબ ની ભાવના હતી ત્યારે વહેંચવાની ભાવના બળવત્તર હતી. પછી ભલે એ ભાવતા ભોજન હોય કે કોઇપણ પ્રકારની ચિંતા હોય કુટુંબના દરેક સભ્યોને પરસ્પર વહેંચવાની આદત હતી. એક નાનકડા ઘરમાં કુટુંબના દરેક સભ્યો પ્રેમથી સમાઇ જતા હતા. ધીમે ધીમે કુટુંબો નાના થવા લાગ્યા તેમ તેમ સૌના મન પણ જાણે નાના થવા લાગ્યા. મન મોટું રાખી સૌની સાથે પ્રેમભાવ રાખીને વર્તવું હવેની યુવા પેઢીને રાસ નથી આવતું તેના મૂળમાં કદાચ વિભક્ત કુટુંબ પ્રથા જવાબદાર છે તેવું હું માનું છું. એટલું જ નહીં મને આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે સંતાન પોતાના જ માતા-પિતા ને બોજ માને છે. જે મા-બાપ ખૂબ મહેનત કરી પોતાના શોખ જતા કરી બાળકોને ઉછેર્યા, તેમના તમામ શોખ પૂરા કર્યા એ જ મા-બાપ આજે તેમને ભારે પડવા લાગ્યા છે. જે માતા-પિતા એ એક ટંક ન જમીને કે પોતાનો કોઈક શોખ જતો કરીને બાળકની જીદ પૂરી કરવા તેને મન ગમતું રમકડું અપાવી બાળકને ખુશ કર્યુ હતું એ જ બાળક આજે યુવાન થતાં પોતાના જ માતા-પિતા માટે બે ટંક ના રોટલા પૂરા પાડી શકતા નથી. ના કરે નારાયણ ને આકસ્મિક કોઈ મોટી બીમારી આવી તો આજના વડીલોને એક જ ચિંતા છે કે ખર્ચ ક્યાંથી કાઢશું ? આજનો યુવાન એ નથી સમજતો કે જે માતા-પિતા એ આપણને કરકસર કરી મોટા કર્યા, કમાવાને કાબેલ બનાવ્યા એ માતા-પિતા હવે અશક્ત છે , બહાર જઇ કોઇ નાની મોટી નોકરી શોધી પોતાનું પુરું કરી શકે તેમ નથી. જે માતા-પિતા એ પોતાના યુવાન થતાં સુધીમાં કેટકેટલા સમાધાન પોતાની જાત સાથે કરીને આજે આપણને આટલા હોશિયાર ને કમાઉ બન્યાવ્યા છે ..
આજનો યુવાન કમાવા લાગે છે ત્યારે તેને તેના નિજી શોખ ને નિજી પરિવાર દેખાય છે. એ પોતાના શોખ જરુર પૂરા કરે છે પોતાના પરિવાર માટે પણ તેઓ પાસે પૈસા ને સમય છે પણ પોતાના માતા-પિતા માટે તેઓ પાસે સમય કે પૈસા બેમાંથી કંઇ નથી એ તો ઠીક પણ પાઇ પાઇ કરી મા-બાપ જે પોતાની નાની એવી મૂડી ભેગી કરી હોય છે કે કદાચ કંઇક થાય તો છોકરાંઓ પાસે હાથ લાંબો ન કરવો -એ મૂડી પણ મા-બાપ હસતાં હસતાં પોતાના બાળકોને આપે છે કે લે બેટા મૂંઝાશો નહીં અમારું જે કંઈ છે તે આખર તો તમારું જ છે ને. પણ જ્યારે એ જ માતા-પિતા પૈસે ટકે મૂંઝાય છે ત્યારે સંતાનને નથી ગમતું. મા-બાપ સારા છે કે અપમાન સહીને ય સંતાનને કહેતા નથી કે જુદા જાઓ.પણ જો ખરેખર એવું કહે તો આજની મોંઘવારીના સમયમાં આપણે આપણું કંઇક ઊભું કરી શકીએ એટલી તાકાત આપણામાં છે ખરી ? એવું જો દરેક જણ વિચારે તો જરુર સમજી શકે કે આપણા માબાપને કેટલો ભોગ આપવો પડ્યો હશે ત્યારે એક હર્યુ ભર્યુ ઘર બન્યુ હશે.અને એ જ ઘરમાં જ્યારે માબાપને એવું લાગે કે મારી જગ્યા નથી ત્યારે સંતાનને માટે કેટલું શરમજનક ગણાય. અરે જે સંતાનને પોતાના માબાપ માટે સમય નથી એવું જ જો એનું સંતાન તેની સાથે કરશે તો ?

સખી ! મારા મત મુજબ તો હું જે દરેક જગ્યાએ જોઉં છું તે જોતાં મને તો એમ લાગે છે કે આજના સંતાનને માતા-પિતા ની નહીં કોઇ એવા માણસોની જરુર છે જે પોતે વ્યવસાય પરથી પરત આવે ત્યારે તેમના માટે જમવાનું તૈયાર રાખે. પોતાના બાળકો ને સ્કૂલે લેવા મૂકવા જાય , ઘરનું ધ્યાન રાખે અને નાના મોટા કામ કરી પોતાનો ભાર હળવો કરે. તેઓને આજે મા-બાપ ની નહીં એક એવા મશીનની જરુર છે જેની ચાવી પોતાની પાસે હોય.

જે સંતાન પોતાના માવતર ની લાગણી સમજી શકતા નથી કે જે સંતાન પાસે પોતાના માવતર માટે સમય નથી કે જે સંતાન પોતાના માતા-પિતા ની જરુરિયાત પુરી કરી શકતા નથી એ સંતાન ખરેખર તો સંતાન કહેવડાવવાને લાયક જ નથી તેવું મારું માનવું છે.

આશા છે તું હું જે કહેવા માગું છું તે સમજી શકીશ. આ બાબતે કંઇક વધુ પ્રકાશ પાડીશ તો ચોક્કસ આવકાર્ય જે છે. ચાલ રજા લઉં ?

લિ તારો ભક્ત સંવેદન

નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED