Prasannmay Jivananau Pravesh Dvar books and stories free download online pdf in Gujarati

Prasannmay Jivananau Pravesh Dvar

પ્રસન્નમય જીવનનું પ્રવેશદ્વાર

ઃ લેખક :

રામેન ચુનારા

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.પ્રસ્તાવના

૨.આપ જ કૃતિના વિવેચક

૩.વૈચારિક મનુષ્ય

૪.સંવાદસરિતા : અન્વેષક અને માનસપાત્ર વચ્ચેના સંવાદો

૫.સંવાદસરિતા : મન, બુદ્ધિ અને હૃદયની સ્વતંત્ર મનોભૂમિમાં

૬.સંવાદસરિતા : મન, બુદ્ધિ, મન-હૃદય અને બુદ્ધિ-હૃદયની મનોભૂમિમાં

૭.મન, બુદ્ધિ અને હૃદયની સંવાદિતા : જુદી જુદી અવસ્થામાં

૮.અંતઃકરણ

૯.અંતઃકરણના આશિષ

૧૦.વૈચારિક જીવનની વાસ્તવિકતા

૧. પ્રસ્તાવના

વૈશ્વિક માનવસમાજ જીવનની સાર્થકતા સિદ્ધ કરવા માટે અનેક રીતે પ્રયત્નશીલ હોય છે. આવા પ્રયત્નોના માર્ગ ભલે અલગ-અલગ હોય, પરંતુ તેનું પરિણામ એકસમાન હોય છે; જેમાં મુખ્યત્વે પ્રસન્નતા, સિદ્ધિ અને મોક્ષ છે. પ્રસન્નતા કોઈ પણ કાર્યની સફળતામાંથી પ્રાપ્ત થાય છે, જ્યારે સફળતાના સાતત્યમાંથી સિદ્ધિ મળે છે. જો આવી સિદ્ધિ સર્જનહારના સર્જનના સહેતુક સર્જનને સહાયક અને પૂરક સ્વરૂપની હોય તો મુક્તતાની અનુભૂતિ થાય છે. આવી અનુભૂતિના સાતત્યમાંથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવી જ રીતે પ્રયત્ન જો ભૌતિક પ્રાપ્તિનો હોય અને તેનું સાતત્ય જળવાય તો ભૌતિક વૈભવ પ્રાપ્ત થાય છે.

એટલે પ્રથમ તો આપણે આપણું ધ્યેય નક્કી કરવું રહ્યું. જો ધ્યેય મોક્ષપ્રાપ્તિનું હોય તો આધ્યાત્મિક જીવનનો માર્ગ અપનાવવો રહ્યો અને જો ભૌતિક વૈભવ પ્રાપ્ત કરવાનો હોય તો ભૌતિક આચારસંહિતાને સમજવી રહી. ખરેખર તો આ બંને વિચારસરણી વર્તમાન સમયના અનુસંધાનમાં એકબીજાના પૂરક બની રહેવા સિવાય અધૂરી અને માનવીય જીવનને વિડંબનામાં ધકેલનારી છે. જેમ કે સત્ત્વહીન જીવનમાં વૈભવના ભંડાર પણ નિરર્થક હોય છે, તેમ મોક્ષમય જીવનમાં ભાવમય ભોગહીન મોક્ષનો કશો અર્થ નથી રહેતો.

આપણે માનીએ છીએ કે મોક્ષ એટલે જીવનનું આત્મામાં વિલીનીકરણ, જીવ જ્યારે આત્મામાં વિલીન થાય ત્યારે તે આત્માનું સ્વરૂપ ધારણ કરે છે. આપણે એટલું તો સમજતા હોઈએ છીએ કે આત્માની (ઈશ્વર) પાલન, પોષણની જવાબદારી કેટલી હોય છે ? મોક્ષપ્રાપ્ત યોનિ તો ભાવ દ્વારા અનુભૂતિથી સંતુષ્ટ થાય છે, પણ તે સિવાયના સર્જનનું શું ? એટલે ભૌતિક યોનિ માટે ભૌતિક સ્વરૂપના પદાર્થોની પણ એટલી જ જરૂરિયાત રહે છે.

આ એક સૂક્ષ્મ અને ગહન પ્રક્રિયા છે. તે આપણી સમજની બહાર હોય તેમ માની શકાય, પરંતુ તેની અસર આપણા જીવન ઉપર પડતી હોય છે, ત્યારે તેનું ચિંતન કરવું રહ્યું.

આજનો માનવી સાંસારિક જીવનથી અજંપો અનુભવે છે, એટલે આધ્યાત્મિક જીવનમાં ફાંફાં મારે અને કહેવાતા આધ્યાત્મિક જીવનથી અજંપો અનુભવે, ત્યારે સાંસારિક જીવનમાં ગુલાંટ મારે છે. આવી ગુલાંટબાજીમાં જીવન વ્યર્થ જાય છે અથવા તો ક્યારેક હાંસીપાત્ર બને છે.

સામાન્ય જીવનવ્યવહારમાં દરેક શ્રેષ્ઠતાને જોતા, સાંભળતા અને સમજતા હોઈએ છીએ અને તેથી તેનું અનુકરણ કરવા પ્રયત્નશીલ હોઈએ છીએ. આવા પ્રયત્નો પૂર્ણ સમજણ વિનાના હોય ત્યારે વર્તમાન જીવનમાં પણ અજંપો અનુભવાય છે. તેના નિરાકરણનો આ એક નમ્ર પ્રયાસ છે.

(૨)

સર્જનહારે તેના દરેક સર્જનની પૂર્ણ સ્વરૂપે રચના કરી છે અને આ રચના અનુસાર દરેક સર્જન પૂર્ણ જીવન અનુભવતું હોય છે. આવી પૂર્ણતામાં જ્યારે ખોટ સર્જાય છે, ત્યારે તેને આપણે ખોડ અથવા વિકલાંગ તરીકે સમજતા હોઈએ છીએ.

પૂર્ણ સૃષ્ટિના વૈભવને માણવા પૂર્ણસ્વરૂપ હોવું આવશ્યક છે. આપણે તેને સહજ રીતે સમજતા હોઈએ છીએ. પરંતુ આવી સમજ પ્રત્યક્ષ દૃષ્ટિએ દેખાતી વિકલાંગતા પૂરતી મર્યાદિત હોય છે. જેમ કે મૂક, બધિર, અંધત્વ, હાથ-પગની વિકલાંગતા. આવી વિકલાંગતા કુદરતી હોય કે અકસ્માતે થયેલ હોય પણ સૃષ્ટિને મહાલવા કે અનુભવવા માટે ખોટ વર્તાતી હોય છે, જેમ કે વ્યક્તિ પોતાના મધુર સૂર દ્વારા પ્રેમી કે પરમાત્માને ખુશ કરવા માગતો હોય છે અને મધુર સૂર દ્વારા તેઓ જ્યારે ખુશ થાય છે, ત્યારે અનેરો આનંદ અનુભવાતો હોય છે. વ્યક્તિમાં જ્યારે અભિવ્યક્તિની ઊણપ વર્તાય ત્યારે વેદના અનુભવતી હોય છે. આવી જ અભિવ્યક્તિ પ્રકૃતિના સૂર-સંવાદ, આપ્તજનોના મધુર કંઠોમાં અને વ્હાલસોયાં સંતાનોની વાણી દ્વારા વ્યક્ત થતાં હોય અને તે માણી કે અનુભવી ન શકાય ત્યારે તેના જેવી બીજી કોઈ કરુણ સ્થિતિ હોતી નથી. સપ્તરંગી સૃષ્ટિ જ્યારે કાળમીંઢ પથ્થર જેવી દેખાય ત્યારે કાલ્પનિક કરુણતા કરતાં વાસ્તવિક કરુણતા અસહ્ય થઈ જાય છે.

અને એટલે જ સહૃદયી સમાજ આવા વિકલાંગોને આદરપૂર્વકનુ સાંનિધ્ય પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નશીલ હોય છે. આવી શારીરિક વિકલાંગતા દૃશ્યમાન અને સમજી શકાય તેવી હોવાથી તેવા વિકલાંગો સમાજની સહાનુભૂતિ અને જીવનની પૂર્ણતા અનુભવે તેનો પ્રયાસ થતો હોય છે અને થાય છે.

પરંતુ જે વિકલાંગતા દૃશ્યમાન નથી અને શારીરિક વિકલાંગતાથી પણ કરુણ હોય તેને આપણએ સમજી શકતા નથી. આવી વિકલાંગતાને આપણે અવશ્ય જાણતા હોઈએ છીએ, પરંતુ સમજી ન શકતા હોઈએ તેવું વર્તમાન પરથી પ્રતીત થાય છે. અને આપણું ધ્યાન પણ એવી વ્યક્તિઓ પૂરતું મર્યાદિત હોય છે કે જેઓ વિકલાંગતાની પરાકાષ્ઠા ભોગવતા હોય, સામાન્યતઃ આવી વિકલાંગતા મન, બુદ્ધિ અને હૃદયની સ્પંદનહીનતામાં અનુભવાતી હોય છે. જેમ કે મનની ખોડમાંથી મનોરોગી, બુદ્ધિની ખોડમાંથી ગાંડપણ અને હૃદયની ખોડમાંથી પિશાચી વર્તન. આવી ખોડ પ્રાકૃતિક હોય તો તે સહ્ય છે, પરંતુ જ્યારે વૈચારિક શક્તિના અભાવમાં વર્તાય તો તે અસહ્ય બની જાય છે કે જેને આપણે માનસિક વિકલાંગતા સમજવા પ્રયત્ન કરીએ છીએ.

સૂક્ષ્મ કે સામાન્ય સમજણ મુજબ જોઈશું તો વિશ્વ માનવસમાજ અપવાદરૂપ સંજોગો સિવાય આવી વિકલાંગતાનો ભોગ બનેલો હોય છે, અને તેના પરિણામસ્વરૂપે વૈશ્વિક તેમ જ વ્યક્તિગત આપત્તિો સર્જાતી હોય છે. માનવીય જીવનમાં વૈચારિક વિકલાંગતાનાં કારણે સર્જાતી આપત્તિઓનું પ્રમાણ લગભગ ૯૯% છે. જો આવી વિકલાંગતાનું સમાપન કરવામાં આવે તો આપત્તિઓનું અંધકારમય વાદળ આપોઆપ દૂર થશે અને કાલ્પનિક સ્વર્ગ વાસ્તવિક અને સાકાર સ્વરૂપે અનુભવાશે. આપણને કદાચ પ્રસ્તુત હકીકત અવાસ્તવિક લાગતી હશે, પરંતુ જ્યાં પરિપક્વ વૈચારિક શક્તિ ધરાવતો સમાજ હશે, ત્યાં તેની વાસ્તવિકતા અવશ્ય અનુભવાશે.

વાસ્તવિકતા જે પણ હોય તે, પરંતુ અંતઃકરણમાં એવો ભય અનુભવાય છે કે વિજ્ઞાન અને ભૌતિક વિકાસે વૈશ્વિક માનવને એક કર્યો છે. અને આવી એકતામાં વૈચારિક પરિપક્વતા નહીં હોય તો સ્વર્ગના બદલે નર્ક સર્જાશે અને તે પણ માનવીસ્વરૂપે નહીં, પરંતુ પ્રેતસ્વરૂપે ભોગવવું પડશે. જેઓ જીવનયાત્રાનાં અંતિમ ચરણોમાં હશે તેઓ સહી શકશે, પરંતુ જેઓ પ્રથમ ચરણે છે, તેમના ભાવિથી વ્યથિત થઈને ઊગરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.

(૩)

જીવન વૈચારિક પ્રક્રિયાનું પરિણામ છે અને તેના દ્વારા જ સુખ-દુઃખ, પ્રસન્નતા અને વિષાદ અનુભવાતાં હોય છે. જીવનનો વિકાસ પણ તેને આભારી છે. વૈચારિક શક્તિ, જીવંતતા અને ચૈતન્યનો સ્રોત છે. તેની અનુપસ્થિતિમાં કૃત્રિમતા અથવા તો યંત્રવત્‌તા હોય છે.

આપણે જીવનને અનુભવવું હોય તો સ્પંદનાત્મક જીવન અનિવાર્ય છે. અન્યથા ભૌતિક રોબોટ સિવાય કંઈ નથી. દિનપ્રતિદિન માનવીય જીવન રોબોટ પ્રણાલિ મુજબનું થતું હોય તેમ જણાય છે અને જ્યારે રોબોટ અને મનુષ્ય સામાન્ય પ્રકારે વર્તે છે, ત્યારે માનવીય જીવન જેવું કંઈ નહીં હોય. આપણે વિજ્ઞાન અને ભૌતિક વિકાસની ભલે ડંફાસ મારતા હોઈએ, પરંતુ જ્યારે આપણું બાળક અને રોબોટ લડશે ત્યારે કેવી સ્થિતિ સર્જાશે તેની કલ્પના નથી કરી. આપણે ક્યારેય એવી કલ્પના કરી છે ખરી કે આપણી ભાવિ પેઢીમાં વૈચારિક શક્તિ નહીં હોય તો કેવી પરિસ્થિતિ સર્જાશે ? સમગ્ર સૃષ્ટિ સ્પંદનહીન હશે. વર્તમાન સમયમાં અનુભવાતું હશે કે પ્રૌઢો જે ગતિએ હિસાબ કરી શકે છે, તેવા હિસાબ આજનાં બાળકો કેલ્ક્યૂલેટર વગર નથી કરી શખતાં. આપણે ભૌતિક પ્રમાણ તો કમ્પ્યૂટર દ્વારા સિદ્ધ કરી શકીશું, પણ જીવનનાં પ્રમાણ ક્યારેય કમ્પ્યૂટર કે આધુનિકમાં આધુનિક શોધ દ્વારા સિદ્ધ નહીં કરી શકીએ તે નક્કી જ છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, બનેલ ઘટનાઓને અનુમાન આધારિત તથ્યો દ્વારા સાબિત કરી શકે છે. પરંતુ ભૂતકાળમાં સાબિત થયેલ ઘટના બીજી વાર નહીં બને તેનો કોઈ ઉપાય નહીં હોય.

દરઅસર આજની ભાવિ પેઢી માનવીય સ્પંદનોથી જાગૃત રહીને જીવનને સમજે અને પ્રસન્ન જીવન પ્રાપ્ત કરે તે માટેનો પ્રયોગાત્મક પ્રયાસ છે.

વૈશ્વિક માનવસમાજમાં અનેક ધર્મો, સંપ્રદાયો, વિચારધારા અને આદર્શો પ્રવર્તમાન હોવા છતાં આપણએ વિનાશોના શિર ઉપર બેઠા છીએ. કદાચ આવું અનુમાન ખોટું હોય તો વૈશ્વિક રાષ્ટ્રો અને માનવસમૂહ સલામતી માટે ચિંતિત કેમ હોય છે ? ધર્મના વડા હોય કે ગામનો સરપંચ, બધા જ અસલામતી અનુભવતા હોય છે. શું તેનાં મૂળભૂત કારણો આપણે જાણીએ છીએ ? અને કદાચ જાણતા હોઈએ તો પણ તેના ઉપાય તરીકે સ્વયંના રક્ષણ સિવાય વિશેષ કોઈ આયોજન કરતા નથી હોતા કે જે શાહમૃગનીતિ સિવાય કંઈ નથી.

દરેક ધર્મો એને આદર્શો અધોગતિના નિરાકરણના ભાવમાંતી સ્થપાયેલ છે, અને આવો ભાવ કોઈ મનસ્વી વિચારધારાઓમાંથી નહીં, પરંતુ સર્જનહારના સહેતુક સર્જનને કાયમ રાખવા માટે પરબ્રહ્મ પરમાત્માના સાંનિધ્યમાંથી પ્રગટેલ છે, જે વર્તમાન સમયમાં સમજવું મુશ્કેલ છે. જો આવી સમજણ કેળવવી હોય તો તેનું પ્રથમ ચરણ માનવ બનવામાં છે. કદાચ આપણને આશ્ચર્ય થશે કે શું હું મનુષ્ય કે માનવ નથી ? તેની ખાતરી કરવી હોય તો આપણા સિવાયના સર્જન પ્રત્યે દૃષ્ટિ કરીને સરખામણી કરવી રહી. કદાચ આપણામાં સરખામણી કરવાની સમજ છે કે કેમ તે પણ પ્રશ્નાર્થ છે. ફક્ત ને ફક્ત બન્નેનાં જીવનના સ્વભાવને નજર સમક્ષ રાખીશું તો અવશ્ય વાસ્તવિક હકીકત સમજાઈ જશે.

વર્તમાનમાં તો જીવન પ્રણાલિકા પ્રાકૃતિક જીવનથી દૂર થઈ છે, તો ભવિષ્યમાં શું સ્થિતિ હશે તે કલ્પવી મુશ્કેલ છે. આવી અનેક અઘટિત કલ્પનાઓનું આપોઆપ સર્જન થતું હોય છે, તેમાં કદાચ નકારાત્મક માનસિકતા હોઈ શકે, પરંતુ જ્યારે તેના નિરાકરણની દૃષ્ટિ મળે છે, ત્યારે સાંત્વના અનુભવાય છે. આ સાંત્વનામાં મનુષ્યનું સર્જનહારે જે ભાવથી સર્જન કરેલ છે તે ભાવથી વ્યવહાર કરે તો દરેક આપત્તિઓનું નિરાકરણ થાય અને ત્યારે જ તેને ધર્મ, આદર્શ, માનવીય આચાર-સંહિતા સમજાય. સમજણ વગરનું કોઈ પણ આચરણ ઢોંગ, ધતિંગ, અનુકરણ કે દંભ છે, જેનું પ્રમાણ વર્તમાનમાં અનુભવાય છે.

આવી દુઃખદ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવી શકાય અને સાચી સમજણ કેળવી અને માનવીય જીવનની પ્રસન્નતા અનુભવાય તો સર્જનહારે આપણું સર્જન કેમ કર્યું છે તે સમજાય.

૨. આપ જ કૃતિના વિવેચક

સામાન્યતઃ કોઈ પણ સર્જકની કૃતિ વાચક સમક્ષ રજૂ કરાય તે પહેલાં જે તે વિષયના પ્રબુદ્ધો આપ્તજનોનાં માર્ગદર્શન, ટીકા-ટિપ્પણી અને સુધારા-વધારા થયા બાદ પ્રસિદ્ધ થાય તેવી પરંપરા પ્રવર્તમાન હોય તેમ અનુભવાય છે. આવી સ્તુત્ય પરંપરાને અનમોદન આપવું રહ્યું કે જેથી જાહેર હિત સચવાય. જો આવી પરંપરા પ્રવર્તમાન હોય અને પ્રબુદ્ધોનાં મંતવ્ય કે અભિપ્રાય વગર કૃતિ પ્રસિદ્ધ થાય તો ક્ષમાયાચના સાથે ખુલાસો કરવો રહ્યો.

પ્રાથમિક રીતે જણાવીએ તો લબ્ધપ્રતિષ્ઠિત પ્રબુદ્ધોના પરિચયની મર્યાદા અનુભવાય છે અને પરિચય વગર કોઈ પણ પ્રબુદ્ધ સમક્ષ જવામાં સંકોચ અનુભવાય તે સમજી શકાય તેમ છે. આવા સંકોચનાં અનેક કારણો હોય છે, જેમાંનું મુખ્ય કારણ તેમની વ્યવસ્થાને ખલેલ નહીં પહોંચાડવાનું, તેમ જ તેમનો રુચિભંગ ન થાય તેવું પણ વિચારવું રહ્યું. સાથે હાજર શો ઉપાય શોધવો રહ્યો અને નવીનતમ ચીલો પાડવો રહ્યો.

સામાન્યતઃ જ્યારે કોઈ નવજાત શિશુ કાલીઘેલી ભાષામાં તેનાં મા-બાપ સાથે ‘આઉ આઉ’ કરતું હોય છે, ત્યારે તેનાં મા-બાપ અદ્વિતીય આનંદ અનુભવતાં હોય છે. આવા વાર્તાલાપમાં શબ્દોની કોઈ બાંધણી, ઉચ્ચારણ કે સ્પષ્ટતા નથી હોતાં, તેમ છતાં અનંત સમય સુધી વાર્તાલાપ કર્યા કરવાની ઇચ્છા થતી હોય છે. વાર્તાલાપનું હાર્દ આપણે સમજતા હોઈએ કે ન સમજતા હોઈએ, પરંતુ જીવનની આ એવી અમૂલ્ય ક્ષણો હોય છે જેમાંથી નવચેતના જાગૃત થતી હોય છે. એનાં સહભાગી શિશુ અને તેનાં મા-બાપ જ હોય છે. આપણે આવી નવચેતના સમાજમાં વહેંચાય તેવી ભાવનાથી પ્રેરિત છીએ.

જે ભાવ શિશુ અને તેનાં મા-બાપ વચ્ચે છે, તેવો જ ભાવ સર્જક અને વાચક વચ્ચે કેળવાય તો બન્ને પક્ષને પરમ આનંદની અનુભૂતિ થાય, જેમાં સર્જકની થયેલ ક્ષતિઓને નજરઅંદાજ કરીને કૃતિના મૂળ ભાવને જીવંત સ્વરૂપે પ્રગટ કરવામાં આવે. આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં સર્જકને તેની ક્ષતિઓનું દિશાસૂચન મળે અને ક્ષતિરહિત સર્જન કરીને આપ્તજનોની ચાહના મેળવી શકાય.

પરંપરાગત વિવેચનપ્રક્રિયામાં વિવેચકનું વિવેચન પૂર્ણ સ્વરૂપનું ન પણ હોય અને આવું અનુમાન ખોટું હોય તેવું અંતઃકરણપૂર્વક માનું પણ છું, તેમ છતાં કોઈ પણ મૌલિક વિચારધારાની સર્વગ્રાહી ટિપ્પણી થાય અને નક્કર સત્ય બહાર આવે તો સમાજ તેને સહજ રીતે સ્વીકારવામાં ખચકાટ અનુભવે નહીં, તેથી પ્રયોગાત્મક રીતે સમાજને વિવેચકની જવાબદારી નિભાવવાની હૃદયપૂર્વક વિનંતી કરી છે.

વાચકોને વિનમ્ર ભાવે નિવેદન કરું છું કે, કૃતિમાં જે પણ ક્ષતિઓ, અર્થઘટન, ભાષા, શુદ્ધીકરણ અને શબ્દોનો ભાવ બદલાતો હોય તો તેમના મંતવ્ય દ્વારા અવશ્ય જણાવે, જે પણ મંતવ્ય કૃતિના મૂળ ભાવને પ્રકાશિત કરવામાં સહાયક હશે તેવા દરેક મંતવ્યનો પુરસ્કાર સહિત અન્ય આવૃત્તિમાં સમાવેશ કરવામાં આવશે, તેવી હૃદયપૂર્વક ખાતરી આપું છું.

૩. વૈચારિક મનુષ્ય

વૈચારિક મનુષ્ય એટલે વિચાર દ્વારા સમજી અને સમજાવી શકાય. માનવીય જીન એટલે સૃષ્ટિકર્તાના સર્જનના મૂળભૂત હાર્દને પરિપૂર્ણ કરવા, તેમ જ તે દ્વારા આનંદની સર્વોત્તમ પરાકાષ્ઠા પ્રાપ્ત કરવાની જીવનપ્રક્રિયા. આપણા જીવન વ્યવહારના અનેક પહેલુઓમાં મુખ્ય ધ્યેય સુખ, સમૃદ્ધિ, આનંદ અને શાંતિપ્રાપ્તિનું હોય છે. તે પ્રાપ્તિમાં જીવનની સફળતા છે. સફળતામાંથી પ્રતિષ્ઠા પ્રસ્થાપિત થાય છે. સકારાત્મક સ્રોત દ્વારા પ્રાપ્ત થયેલ પ્રતિષ્ઠામાં મુક્તતા હોય છે. જ્યારે નકારાત્મક સ્રોત જન્મોજન્મનાં બંધનોની જનની હોય છે. મુક્તિમાં જીવનની પરિપૂર્ણતા અને બંધનોમાં જન્માન્તર હોય છે. જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયાન્તરમાં જીવન પ્રવાહિત થાય છે. પ્રવાહિત થતા જીવનમાં જ્યારે નકારાત્મક ઘર્ષણનો અનુભવ થાય છે, ત્યારે દુઃખનું કારણ બને છે, તેવી જ રીતે સકારાત્મક ઘર્ષણમાંથી જીવનશક્તિનું સર્જન થાય છે. આ શક્તિનો ઇચ્છિત ઉપભોગ કરવામાં આવતાં સુખનો અનુભવ તાય છે.

આ સુખ અને દુઃખ કોણ અનુભવે છે, શરીર ? જીવ ? કે આત્મા ? તેમને વિભિન્ન રીતે સમજવાં રહ્યાં. અથવા તો સુખ અને દુઃખનો જે અનુભવ થાય છે તે કેવી રીતે પ્રવાહિત થાય છે, અને કોને કેવી રીતે ભીંજવે છે, (પ્રભાવિત કરે છે) તે અંગેની જીવનપ્રક્રિયાનું સૂક્ષ્મ સ્વરૂપે અવલોકન કરવું રહ્યું. સામાન્ય જીવનવ્યવહારમાં અવલોકનપ્રક્રિયા કેળવવી સહજ છે, પરંતુ તે માટેની સભાનતા જરૂરી છે. આપણે હંમેશાં એવો અનુભવ કરતા હોઈએ છીએ કે, દરેક પળે સભાન છીએ. જો આ સત્ય હોય તો આપણે ક્યારેય દુઃખ કે આપત્તિનો સામનો નહીં કરવો પડ્યો હોય. હા, એવું બની શકે કે આપણે જેને સભાનતા સમજતા હોઈએ તે પૂર્ણ કક્ષાની ન પણ હોય અથવા તો અજાગૃત પણ હોય. સભાનતાપૂર્વકના પ્રયત્નો દ્વારા એક પ્રકારની સમજણ કેળવાતી હોય છે. સમજણમાંથી નિર્ણાયકતા અને નિર્ણાયકતામાંથી પ્રવૃત્ત થતી ક્રિયાનું પરિણામ સકારાત્મકતામાં પરિણમે છે, જેનો અનુભવ આનંદ છે. આમ, સંપૂર્ણ અને જાગૃત સભાનતા એટલે શું ? તેવો પ્રશ્ન અવશ્ય થાય. જો આ પ્રશ્નનો જવાબ પ્રાપ્ત કરીને આપણે પ્રવૃત્તિમય થઈએ તો જીવનના દરેક કાર્યનું પરિણામ આનંદિત બને, અને જો તેમ ન બને તો પણ તેમાંથી મળતું દુઃખ ક્રાન્તિવર્ધક હોય છે.

આપણી દરેક પ્રક્રિયા જરૂરિયાત અધીન છે. તેમાં પ્રથમ જરૂરિયાત શરીર, બીજા ક્રમે જીવ, અને ત્રીજા ક્રમે આત્મા આવે છે. આપણું મહત્તમ લક્ષ શરીરની જરૂરિયાતો પૂર્ણ કરવામાં કેન્દ્રિત કરીએ છીએ, તેનું કારણ શરીર પ્રત્યક્ષ, ભૌતિક સ્વરૂપે છે, જ્યારે જીવ અને આત્મા સૂક્ષ્મ સ્વરૂપે હોવાથી તેની જરૂરિયાત પ્રત્યે ઉદાસીન રહીએ છીએ અથવા તો નજરઅંદાજ કરતા હોઈએ છીએ. જીવનની પૂર્ણતા શરીર, જીવ અને આત્માની ભૌતિક હયાતીમાં છે. તેથી તેમની જરૂરિયાત પમ સમાન પ્રમાણમાં સંતોષાય તો સાચા સુખની પ્રાપ્તિ થાય. આથી શરીર પૂર્ણ તૃપ્ત હોવા છતાં ક્યારેક પૂર્ણ આનંદનો અનુભવ મેળવી શકાતો નથી. અત્રે એ યાદ રહે કે આહાર-નિદ્રા અને મૈથુન સમગ્ર પ્રાણીજગત માટે સામાન્ય (કોમન) છે. અને આ સામાન્ય સુખને સંપૂર્ણ સુખ સમજીએ તો મનુષ્યજીવનના ઉપહાસ સમાન છે.

જીવ અને આત્માની તૃપ્તિથી મોક્ષની ગતિ સુધીનો માર્ગ અલગ છે. આપણે ફક્ત મનુષ્યજીવન દરમિયાન ઐશ્વરીય વૈભવને મહાલવા માટે કેવી રીતે યોગ્યતા પ્રાપ્ત કરી શકાય તેની વૈચારિક પ્રક્રિયાનો માર્ગ શોધવો રહ્યો. જો આ માર્ગ મળી જાય તો પણ મોક્ષના પ્રવેશદ્વાર સુધી દોરી જાય છે.

આધુનિક યુગમાં આપણએ ભૌતિકવાદના ઉપભોગવાદથી, (યાદ રહે, ભૌતિક ઉપભોગવાદમાં આંતરિક સંસ્કરણથી વંચિત થતા જઈએ છીએ.) સેટેલાઈટ તરંગોથી વિશ્વ સાથે સંપર્કમાં રહી શકીએ છીએ. પરંતુ માનસિક તરંગો દ્વારા આંતરિક સંપર્ક સાધી શકતા નથી. શક્ય છે કે સેટેલાઈટ તરંગોની ઊર્જા અને પ્રક્રિયાથી વાકેફ હોઈશું, પરંતુ આંતરિક સંપર્કની પ્રક્રિયા સહજ અને સરળ હોવા છતાં તેનાથી વિમુખ થતાં આંતરિક શક્તિ ક્ષીણ થતી જાય છે. પરિણામે વર્તમાન સમયમાં આપણે અંદરથી ખોખલા બનતા જઈએ છીએ. ચિંતા ખોખલા હોવાની નહીં, પરંતુ ભૌતિક વિકાસની એકધારી દોડમાં વિશ્વમાનવ ભયગ્રસ્ત સ્થિતિમાં અને પ્રકૃતિ તેના પર્યાવરણથી અસમતુલિત પરિસ્થિતિમાં હોય ત્યારે ગમે તેટલું સુખ, સમૃદ્ધિ અને આનંદ પ્રાપ્ય હોવા છતાં જે રીતે માણવું જોઈએ, તે રીતે ભોગવી શકાતું નથી.

આપણી અપરિપક્વ માનસિકતાના કારણે એવું વિચારતા હોઈએ કે આપણે એવાં ક્યાં ભૌતિક સુખોથી લદાઈ ગયા છીએ કે આવો બધો વિચાર કરીએ ? તો અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે ભૌતિકવાદના પરિણામે પર્યાવરણની સમતુલા જોખમાય છે, ત્યારે તેની સૌથી પ્રથમ અસર આવી માનસિકતા ધરાવતા વર્ગને થાય છે. માનો કે ભૌતિક સાધનસંપત્તિ દ્વારા તેમાંથી ઉગારી લેવામાં આવે તો પણ આવી વિચારધારા માનવજીવન માટે ઘાતક છે.

સામાન્યતઃ પ્રવૃત્ત પ્રક્રિયાના મુખ્ય ધ્યેયમાં શારીરિક જરૂરિયાતને પ્રાધાન્ય આપીએ છીએ, તો જે શરીરમાં જીવ ન હોય તેની જરૂરિયાત શી હોઈ શકે ? શરીર અને જીવ હોય, પરંતુ આત્મા ના હોય તો શરીર અને જીવનું શું ? દરેકની વાસ્તવિકતા વ્યાવહારિક જીવનના સંદર્ભમાં વિચારવી રહી. શરીર, જીવ અને આત્મા પરસ્પરના અસ્તિત્વ સાથે સંકળાયેલા છે. જ્યાં જીવ છે ત્યાં શરીર છે. જ્યાં શરીર અને જીવ છે, ત્યાં આત્મા છે. શરીર જીવ અને આત્માનો આવાસ છે, તો જીવ અને આત્મા શરીરની ચૈતન્યશક્તિ છે. જેને વ્યક્તિગત રીતે સમજવાં રહ્યાં.

શરીર (દેહ)

આપણા શરીરનું વિજ્ઞાનની દૃષ્ટિએ નહીં, પરંતુ માનસિક વિચારના સંદર્ભમાં ભાવનાત્મક રીતે અવલોકન કરીએ તો તેની જરૂરિયાત માટે માનસિક સ્પંદનોનું સર્જન કરે છે. આ સ્પંદનો દ્વારા તેને શું જોઈએ છે તેનો ભાવ પ્રદર્શિત કરે છે. ભાવમાંથી સ્વાદ અને સ્વાદમાંથી પદાર્થ અને પદાર્થમાંથી ભોગ અને ભોગમાંથી તૃપ્તિ અનુભવાય છે.

સંતૃપ્તિમાં પદાર્થથી દૃષ્ટિ (આંખ), સ્વાદ સુગંધથી જીભ અને નાક, ભાવથી હૃદય, બુદ્ધિ અને મન શાંત થાય છે.

શારીરિક જરૂરિયાતની ઊણપ માનસિક રીતે અનુભવાય છે. માનસિક અનુભવમાંથી ઇચ્છા જાગૃત થાય છે. આ જાગૃતિ ક્ષુધામાં પરિણમે છે. ક્ષુધામાંથી જરૂરિયાત અને જરૂરિયાતમાંથી પ્રાપ્તિની પ્રવૃત્ત પ્રક્રિયા શરૂ થાય છે.

ઇચ્છિતની પ્રાપ્તિથી ક્ષુધા તૃપ્ત થાય છે. તૃપ્તિના અનુભવમાંથી શરીરની પોષક કે શોષક શક્તિ ઉત્પન્ન થાય છે. પોષક શક્તિ શરીરને ચેતનમય અને શોષક ચેતનહીન બનાવે છે. ચેતનમય શરીરની સતત પ્રક્રિયા જીવન છે. શરીરની હયાતી પોષક શક્તિ અને જીવને આધારિત છે.

શરીરનું પોષકતત્ત્વ સુખ છે, જ્યારે શોષકતત્ત્વ દુઃખ છે. જે સ્થૂળ રૂપે અનુભવી શકાય છે. અભોગ્ય આહાર, કેફી દ્રવ્યો, ઝેર અને દૂષિત વાતાવરણ શરીરની શક્તિને ક્ષીણ કરે છે.

જીવ

શરીરનું ભૌતિક સ્વરૂપ હોવાથી પ્રત્યક્ષ સ્વરૂપ સમજી, સમજાવી શકાય. પરંતુ જીવ સૂક્ષ્મસ્વરૂપે હોવાથી ભૌતિક સ્વરૂપે સમજાવવું અઘરું છે. એટલે વિજ્ઞાન, આધ્યાત્મિક અને વૈચારિક શક્તિના ત્રિવેણીસંગમ દ્વારા સમજવા પ્રયત્ન કરવો રહ્યો. શરીરનાં જૈવિક તત્ત્વોમાંથી જે શક્તિ ઉત્પન્ન થાય છે, તે શક્તિમાંથી આકાશરૂપી કવચમાં પવન, પ્રવાહી અને પૃથ્વીનો પિંડ બને છે. આ પિંડમાંથી જ્યોતિ સ્વરૂપે પુંજ પ્રવેશે ત્યારે ચૈતન્યમય જીવનું સર્જન થાય છે. આ જીવના ચેતનમય સ્વરૂપમાં શરીરનો વિકાસ થાય છે. જીવની હયાતીમાં ભૌતિક શરીરનો વિકાસ થાય છે. જ્યારે તેનાથી વિપરીત પ્રક્રિયા શરૂ થાય છે, ત્યારે વાયુસ્વરૂપે ચૈતન્ય વિસર્જિત થતાં શરીર ચેતનહીન બને છે. આમ, શરીરના સર્જન અને વિસર્જન વચ્ચેના સમયગાળા દરમિયાન જે તત્ત્વો દ્વારા તેનું બંધારણ થયેલ હોય છે, તે તત્ત્વોના આધારે સુખ અને દુઃખ અનુભળાય છે. જે તત્ત્વો દ્વારા શરીર ચેતનમય સ્વરૂપ ધારણ કરે છે એ જ ચેતનાનું બીજ જીવ છે, જે શરીરના દરેક અંશમાં જીવંત હોય છે.

આત્મા

શરીરની જૈવિક પ્રક્રિયામાંથી જીવ ઉત્પન્ન થાય છે. શરીર જ્યારે જીવરૂપી ચૈતન્ય શક્તિથી પ્રવૃત્ત થાય અને આ પ્રવૃત્ત પ્રક્રિયા સાત્ત્વિક સ્વરૂપની હોય અને તે મુજબ સાત્ત્વિક આચરણ કરે ત્યારે પ્રાકૃતિક પ્રેરણાનો સ્રોત ઉત્પન્ન થાય છે. આ સ્રોત મુજબના આચરણમાંથી સત્યનું સર્જન થાય છે. સત્યના સર્જનમાંથી પ્રકાશપુંજ, પ્રકાશપુંજમાંથી આભાનું સર્જન થાય છે. આ આભા જ્યારે બ્રહ્મમાં વિલીન થાય ત્યારે આત્માની અનુભૂતિ થાય છે.

આમ, જ્યારે શરીર, જીવ અને આત્માની એકરૂપતામાં સ્પંદનાત્મક ભૂમિકાનું સર્જન થાય એ ભૂમિકા દરમિયાન કાર્યના કર્મનું પરિણામ અનુભવવાની પાત્રતા કેળવાય ત્યારે પૂર્ણ મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે. આ મનુષ્યત્વ દ્વારા દરેક મનોકામના પૂર્ણ કરી શકાય છે. માનવીય વૈભવ એટલે ઐશ્વરીય તેમ જ માનવ દ્વારા સર્જન પામેલ દરેક સુખનું પરિણામ. આવા વૈભવના સદ્‌ઉપયોગથી જે અનુભવ થાય છે, તેના સાતત્યમાંથી જીવનનો વિકાસ થાય છે, જ્યારે દુરુપયોગમાંથી આંશિક વૈભવ ભોગવ્યા બાદ અધોગતિની શરૂઆત થાય છે. આ વૈચારિક મનુષ્યનું પ્રથમ ચરણ છે.

પ્રથમ ચરણના મનુષ્યત્વમાં માનવીય તેમ જ ઐશ્વરીય વૈભવને ગ્રહણ કરતાં પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. આ જ વૈભવી સુખનો સહેતુક, સ્વૈચ્છિક અને પરમાર્થ માટે ઉપયોગ થતાં ત્યાગની ભૂમિકાનું સર્જન થાય છે. ત્યાગની ભૂમિકા દરમિયાન ઇચ્છિત કે અનિશ્ચિત સુખથી વિપરીત અનુભવનો સ્વૈચ્છિક સ્વીકાર કરતાં તપની ભૂમિકાનું સર્જન થાય છે. આ ભૂમિકા ઉપરનું જીવન એટલે મુક્ત (આધ્યાત્મિક) જીવન.

ઉપરોક્ત હકીકત આપણે જ્યારે વિચાર દ્વારા સમજી કે સમજાવી શકવાની ક્ષમતા ધારણ કરીએ ત્યારે “વૈચારિક મનુષ્ય” તરીકેનું સ્વરૂપ ધારણ કરી શકીએ છીએ. વૈચારિક મનુષ્ય જ્યારે આચરણ દ્વારા પ્રવૃત્ત થાય, ત્યારે કાર્યના પરિણામને સમજવાની સમજ પ્રાપ્ત કરે છે. આપણએ આવી સમજ પ્રાપ્ત કરી છે કે કેમ તે વિચારવું રહ્યું. જો આપણે વૈચારિક સ્વરૂપના મનુષ્ય તરીકે વર્તન કરતા હોઈએ તો ક્યારેય માનવીય સુખ-આનંદથી વંચિત ન હોઈએ તે મનુષ્યત્વનું પ્રમાણ છે, પરંતુ જો તેમ ન હોય અને દુઃખ અને વિષાદનો અનુભવ કરતા હોઈએ તો અવશ્ય મનુષ્ય જીવનમાં કોઈ ઊણપ છે, તેમ સમજવું રહ્યું.

શરીર, જીવ અને આત્માનાં સ્વરૂપો અલગ અલગ છે તેવું મારું માનવું છે. તેને નમ્ર સમજણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ તો શરીરમાં જીવ ન હોય તો તેને એક નશ્વર દેહ તરીકે ઓળખીએ છીએ. જો તેમાં જીવ ન હોય તો આત્મા ક્યાંથી હોય તે સમજાવવું ન પડે. આમ, જીવ અને આત્માથી સ્વતંત્ર દેહનું અસ્તિત્વ ફક્ત ભૌતિક પદાર્થ જ છે, જે સામાન્ય સમજણ દ્વારા સમજી શકાય તેમ છે.

જ્યારે શરીર વગરનો જીવ સૂક્ષ્મસ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય ત્યારે તેને આપણે પ્રેતાત્મા તરીકે ઓળખીએ છીએ. તેના અસ્તિત્વ માટે વિજ્ઞાન ભલે શંકાશીલ હોય, પરંતુ જ્યારે વિશ્વમાનવ સમાજનો બહુમતી વર્ગ તેને માન્યતા આપતો હોય તો વૈચારિક રીતે શંકા ન કરી શકાય. આમ, જીવનો જ્યારે મોક્ષ ન થયો હોય ત્યારે તેમાં આત્મા હોય તેવી સમજણ અસ્થાને છે. એટલે જ્યાં સુધી જીવનો પુનઃજન્મ અથવા તો મોક્ષ ન થાય ત્યાં સુધી સ્વતંત્ર હોય છે. જીવની મોક્ષપ્રાપ્તિ એટલે આત્મામાં વિલીનીકરણ.

આત્મા એવા ગહન અને ગૂઢ રહસ્યોના પડદા પાછળ પ્રકાશિત છે કે, આરસની શીલા પાછળની જ્યોત તેના આગળના ભાગે જોવા બરાબર છે. તેને સાક્ષાત કરવા કાં તો વચ્ચેથી શીલા હટાવવી પડે અથવા તો શીલા પાર કરીને તેની પાસે જવું પડે. મનુષ્ય ક્યારેક આત્માના સંદર્ભમાં અતિરેકભરેલી સમજણ ધરાવતો હોય છે, એટલે કે જેમ જીવ શરીરની અંદર વસેલો છે તેમ આત્મા પણ શરીરની અંદર વસેલો હોય તેમ માનતા હોઈએ છીએ. આપણે જ્યારે આત્માના સ્વરૂપને સમજી શકતા ન હોઈએષ ત્યારે તેમના સ્થાન અંગે કેવી રીતે નક્કી કરી શકીએ ?

મનુષ્ય જ્યારે પ્રકૃતિ તેમ જ માનવીય નિયમન પૂર્ણ આચરણ કરે ત્યારે સતકર્મમાં પરિણમે છે. સતકર્મના સંચિત સંગ્રહમાંથી જ્ઞાન-જ્યોતિ પ્રકાશિત થાય તેના પ્રકાશમાં આત્માનો આભાસ થાય. વારંવારના આભાસમાંથી અનુભૂતિ થાય, આવી અનુભૂતિના સાતત્યથી આત્માની હાજરી અનુભવાય છે. વૈચારિક મનુષ્યની અનુભૂતિ કરવા સુધીની મર્યાદા હોય છે. જ્યાં અનુભૂતિ કરવાની મર્યાદા પૂર્ણ થાય, ત્યાંથી જો મનુષ્ય ચિંતનાત્મક સ્થિતિ પ્રાપ્ત કરીને આ મર્યાદા પાર કરી જાય તો તેની બાહ્ય અને આંતરિક શક્તિઓ જાગૃત થાય છે. અને આવી સતત જાગૃતિમાંથી અકળ બ્રહ્મની કળ સમજાય છે, જ્યાંથી આત્મા અથવા તો ઈશ્વરના સામ્રાજ્યનો અનુભવ થાય છે, જે જ્ઞાન અને વિજ્ઞાનથી પર છે. એટલે અનુભૂતિમાં પરિણમે છે. આવી અનુભૂતિમાં જ્યારે જીવનનો વિલય થાય છે, ત્યારે મોક્ષમાં પરિણમે છે.

સામાન્ય માન્યતા અને સમજણ પ્રમાણે આત્માનું સ્વરૂપ શરીર અને જીવની હયાતીની જેમ અંશતઃ ભાગ તરીકે માનવામાં આવે છે. વાસ્તવમાં તે અખંડ અને બ્રહ્મસ્વરૂપે પ્રવર્તમાન છે. તેની અનેક માન્યતાઓમાં એક વાસ્તવિકતા એ છે કે તે બ્રહ્માંડીય વાતાવરણનો સર્જક છે. આ વાતાવરણ મુજબ સૃષ્ટિનું સર્જન અને વિસર્જન થાય છે.

શરીર, જીવ અને આત્માના સંદર્ભમાં મેળવાતી સમજણ અને જ્ઞાન અનેક વિષયો, માર્ગ અને હેતુઓ માટે હોય છે કે જેમાંથી વિજ્ઞાન, અધ્યાત્મ અને ચિકિત્સાને વિકસાવી શકાય. આ દરેક બાબતો ગહન અને સામાન્ય જીવનવ્યવહારમાં સમજણથી પર હોઈ આપણે તેમાં પડવા માગતા નથી હોતા, પરિણામે તેનાથી વિમુખ થતા હોઈએ છીએ. પરંતુ જ્યારે જીવનમાં કોઈ એવી વિપરીત ક્ષણો આવે છે, ત્યારે સફાળા જાગીને કોઈ પણ જાગૃતિ વિના કોઈ પણની શરણાગતિ સ્વીકારી લઈએ છીએ. આવી તંદ્રાયુક્ત પરિસ્થિતિમાં શું મેળવીએ છીએ કે શું ખોઈએ છીએ તે ત્યારે જ ખબર પડે કે જ્યારે સભાનતા પ્રાપ્ત થાય. સભાનતા કેળવ્યા બાદ જો કંઈ મેળવ્યું હોય તો તેનો પ્રમાણભાન વગરનો ઉપયોગ દુઃખનું કારણ બને છે, જ્યારે ખોયું હોય તો પણ દુઃખદાયક બને છે. આથી સામાન્ય જીવનવ્યવહારમાં મોક્ષ કે મુક્તિ માટે પ્રવૃત્ત ન બનીએ તો કંઈ નહીં, પરંતુ જીવનમાં પ્રસન્નતા પ્રાપ્ત થાય તેવી સભાનતા અવશ્ય કેળવવી રહી.

આપણી સમગ્ર વૈચારિક પ્રક્રિયાનું મૂળભૂત હાર્દ મનુષ્યને મહાત્મા બનાવવાનું નહીં, પરંતુ સર્જનહારે જે હેતુથી મનુષ્યનું સર્જન કરેલ છે તેને પરિપૂર્ણ કરીને ઇચ્છિત જીવન પ્રાપ્ત કરી શકાય તેવું છે. ઇચ્છિત જરૂરિયાતો સહજ રીતે પ્રાપ્ત કરી શકાય તો સહજ જીવન પ્રાપ્ત થાય. સહજ જીવનને સરળ અર્થમાં સમજવું હોય તો મનુષ્યના દરેક કર્મ અને આચરણ દ્વારા જે શક્તિ પ્રાપ્ત થાય તેનાથી શરીર, જીવ અને આત્માની ક્ષુધા તૃપ્ત કરીને શાંત થાય. શાંત સ્થિતિમાંથી નીરવતા અનુભવાય છે. આ નીરવતા જ્યારે ચૈતન્યમય બને છે ત્યારે તેમાંથી સર્વ સુખની ધારાઓ પ્રવાહિત થાય છે. આ ધારાઓથી જ્યારે ભીંજાઈએ ત્યારે પરમાનંદનો અનુભવ થાય છે.

સૃષ્ટિના સર્જનની જીવંત પ્રક્રિયાનાં કારણો પ્રકૃતિના ગર્ભમાં છે. તેને જાણવા અને અનુભવવાનું સૂક્ષ્મ જ્ઞાન ઈશ્વરદત્ત છે. એટલે ઐશઅવરીય જ્ઞાન પ્રાપ્ત કરવાની પાત્રતા ન કેળવાય ત્યાં સુધીના દરેક પ્રયત્ન વ્યર્થ છે, પરંતુ જ્યારે શરીર, જીવ અને આત્માનું ઐક્ય સધાય છે, ત્યારે જીવનનું તાત્પર્ય સમજાય છે.

જીવનની પ્રવૃત્ત પ્રક્રિયા ઇચ્છિત ધ્યેયપ્રાપ્તિના સંદર્ભે હોય છે. ઇચ્છિત ધ્યેય પ્રાપ્તિની પ્રવૃત્તિ સામાન્ય જીવનવ્યવહારમાં પરિણમે છે. સામાન્ય વ્યવહારમાંથી સામાજિક રચના થાય છે.

સામાજિક રચનાનું પ્રતિબિંબ મનુષ્યના મન, બુદ્ધિ અને હૃદયના તરંગો દ્વારા બનતું હોય છે, જે તે તરંગોની સક્રિયતાને આભારી હોય છે.

વર્તમાનમાં સમયમાં આપણે જેટલી તીવ્રતાથી સમૃદ્ધિ, આનંદ અને શાંતિની કામના કરીએ છીએ, એટલી જ ત્વરાથી આપત્તિ અને દુઃખ અનુભવીએ છીએ. તેમાં પૂર્વજન્મ કે આ જન્મનાં કર્મો કે અન્ય કારણ આશ્વાસન સ્વરૂપે સ્વીકારીએ, તેમાં સમાધાનકારક મનોભૂમિ જવાબદાર હોય છે. આવી મનોભૂમિના ક્ષેત્રમાંથી બહાર આવીને માનસિક રીતે સક્ષમ વિચારધારા દ્વારા મનોમંથન કરવું રહ્યું. આપણે જ્યાં સુધી આ પ્રક્રિયામાંથી પસાર નહીં થઈએ ત્યાં સુધી તેનાં દરેક પરિણામ અનિશ્ચિત રહેવાનાં. અગડમ્‌ બગડમ્‌નાં સરવાળો - બાદબાકી અનિશ્ચિત હોય તેમ માની લેવાય. પરંતુ ૨ + ૨નો સરવાળો અનિશ્ચિત કરીએ, ત્યારે આત્મખોજ કરવી રહી.

પરંપરાગત માન્યતાઓ મુજબ સુખ અને દુઃખ, પુણ્ય અને પાપ કર્મને અધીન હોય છે તો પુણ્ય અને પાપ કોને અધીન હોય છે ? ઉપલક રીતે વિચારીએ તો સાત્ત્વિક કર્મથી પુણ્ય પ્રાપ્ત થાય છે, જ્યારે નકારાત્મક કર્મથી પાપની પ્રાપ્તિ થાય છે. આને વૈચારિક દૃષ્ટિએ માનવીય અને અમાનવીય કાર્યનું પરિણામ કહી શકાય. જે કાર્યો માનવ દ્વારા થતાં હોય તેને માનવીય કાર્ય કહી શકાય, તો પ્રશ્ન એ થાય છે કે અમાનવીય કાર્ય એટલે શું ? માનવથી કોઈ વિપરીત અમાનવ હશે ? અને તેના દ્વારા થતાં કાર્યોને અમાનવીય કાર્યો કહેવાતાં હશે ? આવા સહજ રીતે ઉત્પન્ન થતા પ્રશ્નો પશુપંખીને મનુષ્યના સ્થાને ગોઠવી દે છે, તેમાં પણ આપણે મહાન ભૂલ કરીને સ્વયંના અસ્તિત્વનો છેદ ઉડાડી દઈએ છીએ. અને પશુ, પક્ષીઓના યથાર્થ જીવનને અપમાનિત કરીએ છીએ. પશુ, પક્ષીઓએ આદ્યથી વરત્માન સુધી ક્યારેય મનુષ્ય જેટલો સંતાપ ભોગવ્યો નથી, ભોગવતાં નથી. અને ભોગવશે પણ નહીં, સિવાય કે માનવીનાં અપકૃત્યોનાં ભોગ બને.

મનુષ્યે આદ્યથી વર્તમાન સમય દરમિયાન અનેક ભૌતિક ઉપકરણોની શોધ કરેલ છે. આ દરેક ભૌતિક ઉપકરણના ઉપયોગ દ્વારા સુવિધા અને સુખનો અનુભવ કરે છે, પરંતુ આ સુવિધા અને સુખ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે તેને ઑપરેટ કરતાં આવડે. અને ઑપરેટ કરતાં (ચલાવતાં) ત્યારે જ આવડે કે જ્યારે તેની પૂર્જા અને કાર્ય કરવાની પદ્ધતિનું જ્ઞાન હોય અને સામાન્ય જીવન વ્યવહારમાં આપણે તે શીખેલા હોવા જોઈએ.

સામાન્યતઃ ભૌતિક ઉપકરણો પૂર્જા શરીરના પૂર્જા કરતા અનેકગણા વધારે હોય છે, તેમ છતાં જેટલું જ્ઞાન ભૌતિક પૂર્જાનું રાખીએ છીએ એટલું જ જ્ઞાન માનવીય પૂર્જાનું નથી રાખતા, તેવી જ રીતે ભૌતિક પૂર્જાને ચલાવવામાં જેટલી સભાનતા રાખી છે, તેટલું જીવન ચલાવવામાં નથી રાખતા. પરિણામે શારીરિક સમતુલામાં ક્યારે અકસ્માત થાય તે નક્કી હોતું નથી. શારીરિક પૂર્જા અને તેની કાર્યપદ્ધતિથી વાકેફ હોવું તે અતિ આવશ્યક હોય છે. જો આપણે શારીરિક વિજ્ઞાન કે વૈદિક શાસ્ત્ર મુજબ નિપુણતા પ્રાપ્ત ન કરી શકીએ તો કંઈ નહીં, પરંતુ વૈચારિક શક્તિ દ્વારા તો અવશ્ય નિપુણ નહીં તો માહિતગાર તો થઈ શકાય. સામાન્ય જીવન વ્યવહારમાં સ્વયમ્‌ ભૌતિક સાધનો સહજ રીતે ચલાવી શકીએ છીએ, તેટલી જ સહજતાથી જીવન ચલાવી શકતા નથી.

આપણે સાઇકલથી સ્કાયલેબ સુધીનાં યંત્રો હાંસલ કર્યાં, તે મુજબ દરેક વ્યક્તિના ઘરમાં દિવાસળી કે લાઇટર, સાઇકલ કે સ્કૂટર હોય છે અથવા તો તેનાથી પરિચિત હોય છે અને તે કેવી રીતે કાર્યરત કરી શકાય તે પણ સમજતા હોય છે. આવાં દરેક સાધનોને કાર્યરત કરવા માનવીય અથવા યાંત્રિક શક્તિ આવશ્યક હોય છે. આ શક્તિને પ્રવાહિત કરવામાં આવે ત્યારે તે ચલાયમાન થાય છે. ઇચ્છિત કાર્ય કે ધ્યેયને તે પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી ચલાયમાન રાખવું પડે છે. જો આપણી પાસે સાઇકલ હોય તો તેની દરેક પૂર્જાથી પરિચિત હોઈએ છીએ. જેમ કે, ટાયર, ટ્યૂબ, હવા સાથેનાં બે સળિયાંવાળાં પૈડાં, નાનું ચક્કર, મોટું ચક્કર, ચેઇન, સ્ટીયરિંગ અને બે પંખા, બ્રેક, પેડલ, શીટ, ઘંટડી, કેરિયર તથા આંતરિક ભાગે છરા, હવા અને રબરની કેચી. આ દરેકે દરેકનું નિશ્ચિત સ્થાન અને કાર્યપ્રણાલિ હોય છે. જે સ્થાને પહોંચવાનું ધ્યેય હોય તે સ્થાને પહોંચવા માટે સાઇકલ ઉપર બેસવું પડે, નિશ્ચિત દિશામાં પેડલ મારતાં મોટા ચક્કરની દિશામાં નાનું ચક્કર, નાના ચક્કર સાથેની ચેઈનથી પાછળનું પૈડું ચલાયમાન થાય ત્યારે સાઇકલ ગતિમાં આવે છે અને ઇચ્છિત જગ્યાએ પહોંચે છે. આપણે સાઇકલની પૂર્જા અને તેની કાર્યપ્રણાલિને સહજ રીતે સમજી શકીએ છીએ.

સમગ્ર પ્રક્રિયા દરમિયાન એક મહત્ત્વની હકીકત એ છે કે સાઇકલ ચલાવતાં આવડતી હોય તો નિશ્ચિત જગ્યાએ પહોંચી શકાય, અન્યથા ક્યાંક ખાડામાં પડાય અને હાથ-પગ કે માથું ભાંગે, એ ન થાય તો છેવટે શરીરે ક્યાંક ઉઝરડા અવશ્ય પડે, સાથે સાઇકલ પણ મજબૂત હોવી જોઈએ. મજબૂતી માટે ફ્રેમ, બે હવા ભરેલાં પૈડાં, બે ચક્ર અને ચેઈન, સીટ, સ્ટીયરિંગ અને પેડલ ઉપરાંત ક્રમાનુસારની પ્રક્રિયા. સીટ ઉપર બેસવું, સ્ટીયરિંગ પકડવું, પેડલ મારવાં અને આગળના રસ્તાનું ધ્યાન રાખવું, આ સહજ લાગતી પ્રક્રિયામાં કોઈ પણ એક પ્રક્રિયા વગર લક્ષ્ય ઉપર પહોંચવાનો પ્રયત્ન કરીએ તો તેના પરિણામ વિશે વિચારવું રહ્યું, જેમ કે, સીટ ઉપર બેઠા વગર ફ્રેમની વચ્ચે પગ નાખીને સાઇકલ ચલાવીએ તો અવશ્ય વહેલા થાકી જવાય અને બીજાઓ માટે તમાશો બનીએ તે નફામાં, સ્ટીયરિંગ પકડ્યા વગર સવારી કરવાનો અખતરો ધૂળ ચાટતા કરે અને પેડલ માર્યા વગર પગથી ધક્કાવાળી કરીએ તો સમય અને શક્તિનો અવશ્ય વ્યય થાય.

તેવી જ રીતે ફ્રેમ વગરની પૈડાવાળી સાઇકલ ફક્ત સરકસમાં જ ચાલે, પૈડાં વગરની ફ્રેમવાળી સાઇકલ ઉત્તર-દક્ષિણ ધ્રુવના બરફમાં જ ચલાવી શકાય તથા સીટ અને સ્ટીયરિંગ વગર સાઇકલ જાદુગરના શોમાં જ કલ્પી શકાય. તો ચક્રો, ચેઇન, અને પેડલ વગરની સાઇકલ માટે ઊંટ, ઘોડું કે ગધેડું રાખવું પડે. આ હાસ્યાસ્પદ લાગતી વાતમાં ક્યાંય અનાવશ્યક હકીકત જણાતી હોય તો તેમાં અવશ્ય મારી સમજણ ભૂલ હશે, પરંતુ હવે પછીની જે ભૂલ કરું છું તે સંપૂર્ણ સમજણપૂર્વકની છે અને તે એ કે ભૌતિક પ્રક્રિયાની જૈવિક પ્રક્રિયા સાથેની તુલના મનુષ્ય વૈજ્ઞાનિક આધાર સાથેનાં સત્યો સ્વીકારવામાં ઉચ્ચતમ મનુષ્યત્વનો અનુભવ કરે છે. જ્યારે વૈચારિક અથવા તો માનસિક પ્રક્રિયા દ્વારા સત્ય સમજવા ઉદાસીન હોય છે. એટલે તેનું સમાધાન કરવું રહ્યું.

સામાન્યતઃ ભૌતિક સ્વરૂપની પ્રક્રિયા દૃશ્યમાન હોય છે, જ્યારે વૈચારિક પ્રક્રિયા અદૃશ્ય હોય છે, પરંતુ તેનાં પરિણામ એકસમાન હોય છે. સમાન પરિણામોમાં જ્યારે ભૌતિક પ્રક્રિયા દરમિયાન ઇચ્છિત લક્ષ્ય પ્રાપ્તિમાં કોઈ અંતરાય ઊભો થાય ત્યારે તેનું પરિણામ નુકસાનમાં પરિણમે છે, અને તેનાથી દુઃખ અને અશાંતિ અનુભવાય છે. એટલે તરત જ અંતરાયનું કારણ સમજી તેના ઉપાય કરવા પ્રકરિયાનું અવલોકન કરવામાં આવે છે. અવલોકન દરમિયાન જ્યાં ત્રુટિ જણાય તેની મરામત કરીને ઇચ્છિત લક્ષ્યપ્રાપ્તિ માટે કાર્યરત થઈએ છીએ. અને જ્યારે લક્ષ્યપ્રાપ્તિ થાય છે ત્યારે સુખ અને શાંતિ અનુભવીએ છીએ અર્થાત્‌ ભૌતિક પ્રક્રિયા દરમિયાન ક્રિયાને સહજ રીતે સમજી શકાય છે. એટલે તેનું નિરાકારણ સામાન્ય બની જાય છે. જેમ કે સાઇકલ ઉપર બેઠાં પછી તેને ગતિ આપવામાં સામાન્ય શક્તિ આપવાના બદલે વધુ શક્તિની જરૂરિયાત ઊભી થાય તો અવશ્ય સમજી શકાય કે પૈડાંમાં હવા નથી, અથવા તો ઓછી છે, એટલે જ જરૂરિયાત કરતાં વધારે શક્તિ આપવી પડે છે. અનુમાન આધારિત પૈડાંની હવા તપાસતાં જે ઓછી કે ન હોય તો તરત જ હવાની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ જો હવા બરોબર હોય અને સાઇકલ ભારે ફરતી હોય તો ધ્યાન અન્ય પૂર્જા ઉપર પડે છે. તેમાં કાં તો વ્હીલ જામ ફરે છે અથવા તો બ્રેક જામ છે, વ્હીલ જામ હોય તો ઓઇલિંગ વ્યવસ્થા અને બ્રેક જામ હોય તો તેને ઢીલી કરવામાં આવતાં સરળતાથી ઇચ્છિત લક્ષ્ય ઉપર પહોંચી શકાય છે.

સાઇકલવાળા તરીકે સહજ અને સરળ પ્રક્રિયાની સભાનતાથી સમય, શક્તિનો દુર્વ્યય નિવારી શકાતાં માનસિક રીતે રાહત રહેતાં લક્ષ્યપ્રાપ્તિનો સાચા રૂપે સુખ અને આનંદ અનુભવી શકાય છે.

આપણાં જીવનમાં સુખ, સમૃદ્ધિ, આનંદ અને શાંતિ માટેની મનોકામનાઓ પરિપૂર્ણ કરવી હોય તો ભૌતિક પ્રક્રિયાના ક્રમની જેમ વૈચારિક પ્રક્રિયા કેળવવી પડે, પરંતુ આ પ્રક્રિયા અદૃશ્ય સ્વરૂપની હોઈ વૈચારિક દૃષ્ટિ દ્વારા અવલોકન કરવું રહ્યું, અને તે ત્યારે જ શક્ય બને કે જ્યારે ભૌતિક પૂર્જાઓની જેમ શારીરિક પૂર્જાને સમજી શકીએ. શારીરિક પૂર્જાને સમજી શકીએ તો તેના કાર્યને પણ સમજી શકાય, કાર્યપ્રણાલિ સમજાય તો તેમાં કયા અવરોધો ઉત્પન્ન થાય છે તે નક્કી કરી શકાય. નક્કી કરેલા અવરોધોનું નિરાકરણ કરવામાં આવે તો જીવન સરળ બને, સરળ જીવનની મનોભૂમિ ઉપર માનસિક અને શારીરિક પ્રક્રિયાનું પરિણામ ઇચ્છિત ધ્યેયપ્રાપ્તિમાં પરિણમે છે.

ભૌતિક અને જૈવિક પૂર્જાના સર્જક અનુક્રમે માનવ અને પરમાત્મા છે. પરમાત્માના સર્જનને ભૌતિક સ્વરૂપ આપવું એટલે ઐશ્વરીય શક્તિને કલંકિત કરવા સમાન છે, તેમ છતાંય ઐશ્વરીય સર્જન અને માનવ-કલ્યણ અર્થે માનવસમાજ જ્યારે ભૌતિક તથ્યોને આધાર માનતો હોય ત્યારે તેને આધારિત સત્યો સમજાવવાં રહ્યાં, દરઅસલ જૈવિક પ્રક્રિયાના સિદ્ધાંતો અનુસાર ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતો સ્થાપિત થાય છે, તેવું સમજવાના પ્રયત્ન કરવામાં આવે તો મનુષ્ય મૂળ તાત્પર્યથી વિમુખ થાય છે. એટલે તેને તેની સમજણ મુજબ સમજાવવો રહ્યો. આપણેજ્યારે ભૌતિક વિજ્ઞાન અને ઐશ્વરીય વિજ્ઞાનના વમળમાં ફસાયેલા હોઈએ ત્યારે તેનાથી ઊગરવા માટે જે સહજ પ્રક્રિયા હોય તે અપનાવવી રહી. જ્યાં સુધી સર્જાયેલ વમળ શાંત નહીં થાય, ત્યાં સુધી અજંપો રહેવાનો. એટલે કોઈ પણ પ્રયત્ન દ્વારા અનિશ્ચિત વમળોને શાંત કરવાં રહ્યાં. વમળો શાંત થતાં અજંપામાંથી મુક્તિ મળશે, મુક્ત અવસ્થામાંથી માનવતા પ્રગટશે, માનવતા પ્રગટશે તો મનુષ્યના મનમાં શાંતિ સ્થફાશે, મનુષ્યના ચિત્તમાં શાંતિ હશે તો વિશ્વમાં શાંતિ સ્થાપી શકાશે, વિશ્વશાંતિ અનુભવાશે તો માનવ સર્જનનું મૂળ હાર્દ સમજાશે, મૂળ હાર્દ સમજાશે તો ક્યારેય વિનાશક વમળોનું સર્જન નહીં થાય.

આપણે સાઇકલની યાંત્રિક રચનાને સમજીને અવલોકન અને પ્રક્રિયા દ્વારા ઇચ્છિત લક્ષ્ય સુધી પહોંચ્યા અને પહોંચવાનો આનંદ અનુભવ્યો. ત્યાર પછીની જે પ્રક્રિયા છે તે માનસિક સ્વરૂપની એટલે કે વૈચારિક છે. જ્યાંથી ભૌતિક પ્રક્રિયાના પરિણામમાંથી ઉત્પન્ન થતા સુખની તૃપ્તતા પૂર્ણ થાય છે, ત્યાંથી માનસિક સુખની શરૂઆત થાય છે. જો માનસિક સુખની તૃષ્ણા ન સંતોષાય તો ભૌતિક સુખનો આનંદ પણ અધ્યાહાર થઈ જાય છે. જેમ કે રહેઠાણથી ઑફિસ કે ધંધાના સ્થળે પહોંચ્યા, ગાદી ઉપર બેઠા, પહોંચ્યાન આનંદ થયો. ધંધા કે ઑફિસના સ્થાનેથી ઘરે આવ્યા, રાહત થઈ. આ બંને પ્રક્રિયા દરમિયાન જેટલી સભાનતા રાખી એટલી સભાનતા ઑફિસ કે ઘરમાં રાખીએ છીએ કે કેમ તેનું અવલોકન કરવું રહ્યું. જો અવલોકન દ્વારા સમાન સભાનતા અનુભવાય અને તેનું પરિણામ માનવીય સુખ-આનંદથી વિપરીત હોય તો સમજવું કે ક્યાંક આપણી માનસિક સમજણની પ્રક્રિયામાં અવરોધ છે. આ અવરોધ દૂર કરવા વૈચારિક દૃષ્ટિને તેજ બનાવીને અવરોધક સ્થાન શોધવું અને તેનું નિરાકરણ કરવું રહ્યું. અવરોધક પરિબળ કે પરિબળોને શોધવાં હોય તો વૈચારિક શક્તિને અન્વેષક (ઇન્સ્પેક્ટર)ની ભૂમિકામાં રૂપાંતરિત કરીને માનસપાત્ર દ્વારા અન્વેષણ (અવલોકન) કરવા સંપૂર્ણ સ્વતંત્રતા સાથે છૂટો દોર આપવો રહ્યો.

વૈચારિક શક્તિનું માનસ વ્યક્તિમાં રૂપાંતર કરીને અન્વેષક (ઇન્સ્પેક્ટર) તરીકે નિયુક્ત કરીને દરેક જૈવિક પ્રક્રિયાનું ભાવનાત્મક અન્વેષણ (તપાસ) કરવાનું સોંપીએ તો તે સત્યશોધકની ભૂમિકામાં આવશે, જ્યાં સુધી કાર્ય કારણનું પરિણામ શુદ્ધ સ્વરૂપનું હોય ત્યાં સુધી ઇન્સ્પેક્ટર ભલે લહેર કરે, પરંતુ પરિણામ જ્યારે અનિષ્ટ અનુભવાય ત્યારે તેનાં કારણો ઉચ્ચ શક્તિ સમક્ષ વિના વિલંબે રજૂ કરવા રહ્યા.

અવલોકન દ્વારા અન્વેષણ કરીને સમગ્ર પ્રક્રિયા દરમિયાન ક્યાં અંતરાય છે તેનું સ્થાન અને કારણ શોધવું રહ્યું, સ્થાન અને કારણ જાણવા મળે એટલે તેનો ઉદ્‌ભવ કેમ થયો ? ઉદ્‌ભવનાં કારણ સમજાય એટલે નિરાકરણ માટે પ્રયત્નશીલ બનવું રહ્યું.

પ્રયત્નશીલ પ્રક્રિયા મન, બુદ્ધિ અને હૃદયની સક્રિયતામાં છે. સક્રિય સ્વરૂપમાં અવરોધક તથ્યોની તારવણી કાઢીને તેના ઉપાયનું માર્ગદર્શન કરશે. માર્ગદર્શન મુજબ અમલીકરણ કરતાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે.

આમ માનવીય જીવન એક મનોભૂમિ છે. આ મનોભૂમિની દરેક પ્રવૃત્તિને વૈચારિક શક્તિ દ્વારા સમજી શકાય છે. તે માટે તથ્યોને મન, બુદ્ધિ અને હૃદયની ચિંતનાત્મક પ્રક્રિયામાંથી પસાર કરતાં સત્ય અને અસત્ય, વાસ્તવિક અને અવાસ્તવિક, સકારાત્મક અને નકારાત્મક, લાભકારક કે હાનિકારક તત્ત્વો વચ્ચેનો તફાવત નિર્દેશ કરીને શું સ્વીકારવું અને શેનો ત્યાગ કરવો તે નક્કી કરશે. નક્કી થયેલ તથ્યોનું અમલીકરણ કરતાં ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકાય છે.

કાર્યની વૈચારિક ઉત્પત્તિથી પરિણામ સુધીની પ્રક્રિયામાં ભૌતિક તથ્યોની સાથે વૈચારિક સ્પંદન સાથે તાલમેલ કરીને પ્રવૃત્ત થવાય તો ઇષ્ટ પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. મહત્તમ અંશે આપણે ભૌતિક તથ્યો આધારિત પ્રક્રિયાને પ્રાધાન્ય આપીને માનસિક પ્રક્રિયાને ગૌણ બનાવી દેતા હોઈએ છીએ. તેથી કાર્યોની નૈતિક/અનૈતિકતાનો છેદ ઊડી જતો હોય છે. ભૌતિક પ્રક્રિયા શારીરિક પ્રવૃત્તિ દ્વારા થતી, દૃશ્ય અને શ્રાવ્ય હોય છે. તેથી તે પ્રત્યે સભાનતા કેળવાય છે. જ્યારે વૈચારિક પ્રક્રિયા સૂક્ષ્મ સ્વરૂપની હોવાથી અદૃશ્ય સ્વરૂપે પ્રવૃત્તિમય હોવાથી નજરઅંદાજ કરતાં હોઈએ છીએ. પરિણામે સતત પ્રવૃત્તિમય જીવનમાં આવી શક્તિ ક્ષીણ થઈ જતી હોય છે. જો આવી શક્તિને જીવંત રાખવી હોય તો સભાનતા કેળવીને માનસ અન્વેષકનું સર્જન કરવું રહ્યું, જે સંપૂર્ણપણે મુક્ત અને આજ્ઞાંકિત હોય, માનસ અન્વેષકને સર્વ સામાન્ય ભાષામાં સમજવા “ઇન્સ્પેક્ટર” તરીકે સંબોધીશું, જ્યારે જીવનને “મનુષ્ય” તરીકે ઓળખીશું અને મનોભૂમિનું કાર્યક્ષેત્ર બનાવીએ, તેમ જ તેમની કાર્યવાહી સંવાદ સ્વરૂપે રજૂ કરીએ તો સમગ્ર કાર્યપ્રણાલિ સમજાય.

મનુષ્ય સ્વયં એક સ્વતંત્ર સર્જન છે. આ સર્જનનો વ્યાપ શૂન્યથી સર્વત્ર સુધીનો છે. તેની અનુભૂતિ ચૈતસિક શક્તિ દ્વારા કરી શકાય છે. ચૈતસિક શક્તિનું સર્જન મન, બુદ્ધિ અને હૃદયના સમન્વયમાંથી ઉત્પન્ન થતી “સર્વોચ્ચ શક્તિ”ની નિર્ણાયકતામાંથી થાય છે.

ચૈતસિક શક્તિની પ્રાપ્તિ અને વિકાસ માટેનું સૂક્ષ્મ સંચાલન સમજવામાં કદાચ કઠિનતા અનુભવાય, પરંતુ જો તેને ભૌતિક સ્વરૂપ આપીએ તો સહજતા અનુભવાય જેમ કે વૈચારિક શક્તિ બાહ્ય અને આંતરિક વ્યવહારની સૂઝમાંથી કેળવાય છે. તેમ સર્વોચ્ચ નિર્ણાયક શક્તિ, બુદ્ધિ મન હૃદયના સમન્વયમાંથી ઉત્પન્ન થતી તટસ્થ શક્તિ આધારિત હોય છે.

વૈચારિક શક્તિ અને સર્વોચ્ચ નિર્ણાયક શક્તિના સમન્વયમાંથી વ્યક્તિના માનસનું પ્રતિબિંબ પડતું હોય છે. માનસનું પ્રતિબિંબ જ્યાંથી પરિવર્તિત થાય છે, તે મનોભૂમિ છે.

આપણે વૈચારિક શક્તિને ઇન્સ્પેક્ટર તરીકે, જિજ્ઞાસુ તરીકે મનુષ્ય અને મનોભૂમિને કાર્યક્ષેત્ર તરીકે સ્વીકારીએ તો સમજવામાં સહજતા અનુભવાય. આપણઆ જીવનમાં માનસ-સ્વરૂપનાં બે પાત્રો અને તટભૂમિ તરીકે મનોભૂમિનું સર્જન કરી શકીએ તો દુનિયામાં ક્યાંય તારણહાર શોધવા નહીં જવું પડે. વૈચારિક સભાનતા સાથે જો અનુભવ કરવામાં આવે તો સૃષ્ટિના સંપૂર્ણ શણગાર સાથેની ઑફિસ અને ત્રિભુવન આપણું કાર્યક્ષેત્ર બની જાય છે, જે જ્યારે ઇચ્છીએ ત્યારે આજ્ઞાંકિત તરીકે હાજર થાય છે. જરૂર છે, માત્ર પ્રસન્ન જીવન જીવવા માટેનો સંકેત આપવાની. આપણે માત્ર સંકેત આપીએ, સંપૂર્ણ આદર સાથે હાજર થશે.

૪. સંવાદસરિતા : અન્વેષક અને માનસપાત્ર વચ્ચેના સંવાદો

(પ્રસન્નતાપૂર્વકના જીવન માટેના અવરોધને સમજવા તેમ જ તેના નિરાકરણ માટે મનષ્ય, ઇન્સ્પેક્ટરની કચેરીમાં હાજર થાય છે.)

ઇન્સ્પેક્ટર : આપણી કચેરીમાં આપનું હાર્દિક સ્વાગત, આપ ત્રસ્ત છો, હળવાશ અનુભવો. આપ ભૂખ્યા લાગો છો, અલ્પાહાર કરો. પછી આપણે શાંતિથી વાત કરીએ.

(મનુષ્ય સાંત્વન ક્ષુધાતૃપ્તિ અને પ્રેમભર્યા આદરથી ખુશ થાય છે અને મનોમન ભયવિહીન બનીને ગાવા માંડે છે.)

મનુષ્ય : સાહેબ,.... તમારા સાંનિધ્યની છાયા આટલી મધુર, તો હે સાહેબ, તમારા કાર્યનાં ફળ કેવાં હશે ?

મનુષ્યની મુક્ત મનોસ્થિતિ અને ઇન્સ્પેક્ટરના સૌજન્યપૂર્વક વ્યવહાર સાથે, ચર્ચા શરૂ થાય છે.

ઇન્સ્પેક્ટર : કંઈ કહેવાની જરૂર નથી, મારા ધ્યાન બહાર કંઈ નથી.

મનુષ્ય : હા, સાહેબ !

ઇન્સ્પેક્ટર : કાર્યવાહી તમે જ્યારથી આ બાજુ પ્રયાણ કર્યું, ત્યારથી શરૂ કરી દેવામાં આવી છે.

મનુષ્ય : તો અમે ?

ઇન્સ્પેક્ટર : તમે તમારા મને અમારા આશ્રિત અને મારા મન મહેમાન છો.

મનુષ્ય : પણ...?

ઇન્સ્પેક્ટર : પણ-બણ કંઈ નહીં, ઇન્વેસ્ટીગેશન (સર્વેક્ષણ) માટે જરૂરી પ્રશ્નોના જવાબની જરૂરિયાત હોઈ આપની હાજરી આવશ્યક છે.

મનુષ્ય : ત્યાં સુધી ?

ઇન્સ્પેક્ટર : આપને કોઈ કસ્ટડી કે જેલમાં રાખવાના નથી. તમો અહીં મુક્ત છો અને અમારી શિસ્ત મુજબ સ્વતંત્ર પણ, જે ઇચ્છો તે મુજબ રહી શકશો.

મનુષ્ય : તેના માટેના ચાર્જ ચૂકવવાની અમારી હેસિયત...

ઇન્સ્પેક્ટર : આગંતુકશ્રી, આપ અમારા મહેમાન છો, તેનું વારંવાર પુનરાવર્તન ન કરવું પડે, તમે અમોને ક્રિયાશીલ રાખો એ જ અમારું મહેનતાણું અને ચાર્જ છે.

મનુષ્ય : હવે ?

ઇન્સ્પેક્ટર : ફરી શકો છો.

(મનુષ્યને એટલું મનભાવન વાાતવરણ મળી જાય છે કે તેમના સાંનિધ્યની બહાર નીકળવાની ઇચ્છા સુદ્ધાં કરી શકતો નથી. સાંનિધ્યનો વિસ્તાર પણ એટલો વિશાળ છે કે કોઈ પણ જાતના સ્થળ-સંકોચની મર્યાદા નડતી નથી. આનંદ કિલ્લોલ કરે છે. સમયાન્તરે ઇન્સ્પેક્ટરનો ઇશારો થાય છે. મનુષ્ય ધડકતા હૃદયે હાજર થાય છે.)

મનુષ્ય : આપની આજ્ઞાથી હાજર, સાહેબ.

ઇન્સ્પેક્ટર : આજ્ઞાથી નહીં, પ્રેમાકર્ષણથી.

મનુષ્ય : પ્રેમાકર્ષણમાં કોઈ ભાવ હોય છે. સાહેબ, તમારામાં એ ભાવથી પણ કંઈક વિશેષ આકર્ષણ અનુભવાય છે.

ઇન્સ્પેક્ટર : હં. તો આવો, આપણે મુક્ત મને તમારા સુખનાં અવરોધક કારણો અને તેમાંથી મુક્ત થવાની ચર્ચા કરીએ.

મનુષ્ય : આપનો આભાર, સાહેબ.

ઇન્સ્પેક્ટર : કોઈ ચર્ચા પરિણામ વગર ?

મનુષ્ય : હા, સાહેબ.

ઇન્સ્પેક્ટર : આ તમારો પ્રથમ અવગુણ, આભારને મૂલ્યવિહીન બનાવવા અને મને બહેકાવવાનો, લાગે ચે કે તમે હજી નિર્ભય થયા નથી. નિર્ભય સ્થિતિનાં શિખરેથી બે ઢોળાવ હોય છે, એક સમજણપૂર્વકનો ઢોળાવ અને બીજો સમજ્યા વગરનો, જેના તળિયે સુખ અને દુઃખનો સાગર હોય છે. શેમાં ડૂબવું એ શિખરેથી નક્કી કરવું રહ્યું. એટલે પહેલાં નિર્ભય ભૂમિકામાં આવો પછી આપણે વિચારણા કરીએ.

મનુષ્ય : આપની સલાહ સ્વીકારી સાહેબ.

ઇન્સ્પેક્ટર : સલાહ નહીં, વાસ્તવિકતા.

મનુષ્ય : હા, સાહેબ.

ઇન્સ્પેક્ટર : હવે પછી આપણે જ્યારે મળીએ, ત્યારે મનુષ્યસ્વરૂપે અન સ્વઅભ્યાસની સાથે મળીશું. આપ સમજ્યા, હું શું કહેવા માગું છું ?

મનુષ્ય : જો હું સમજ્યો હોઉં તો મનુષ્ય સ્વરૂપ એટલે વૈચારિક રીતે વિભાજિત અવયવોના એક પિંડમાં વિલીનીકરણથી સર્જાતો આકા, જેને આપણે શરીર, દેહ તરીકે સમજીએ છીએ. જ્યાહરે આ જ અંગોની પ્રવૃત્ત સ્થિતિ એટલે ક્રિયાશીલ સ્વરૂપ.

ઇન્સ્પેક્ટર : આપ બરોબર સમજ્યા, હવે સ્થૂળ અને ક્રિયાશીલ એમ બંને શરીરના સ્વ-અભ્યાસ કરી ચિત્તપટ ઉપર અલગ કરીને પ્રશ્નોના જવાબમાં તેનો ઉપયોગ કરજો.

મનુષ્ય : માન્યું સાહેબ.

ઇન્સ્પેક્ટર : મળીએ. (આરામ ફરીથી મળે છે.)

મનુષ્ય : નમસ્કાર સાહેબ.

ઇન્સ્પેક્ટર : નમસ્કાર, અને હા તમો મને વારંવાર સાહેબથી સંબોધિત કરો તે યોગ્ય નથી. મારું અસ્તિત્વ આપને આભારી છે. જે જનક, પાલક અને જીવંત કાર્યના દાતા હોય તેઓના સાહેબ ન બની શકાય.

મનુષ્ય : મારી મૃત કે અમૃત પ્રવૃત્તિઓ પ્રત્યે જાગૃત કરીને સુખદ પરિણામ માટેના માર્ગદર્શકને “સાહેબ” સંબોધન ઓછું લાગતું હોય તો અવશ્ય વિશેષ સંબોધન માટે પ્રયોજન કરીશ.

ઇન્સ્પેક્ટર : જુઓ, જેમાં કંઈ નથી તે મૃત, અને જેનામાં સર્વસ્વ છે તે અમૃત, તમો તેની મધ્યમાં ચો અને તમારામાં હું છું અને મારામાં તમે છો, અમૃત સાહેબ છે, એટલે હું સાહેબ નથી.

મનુષ્ય : ઓહ મારા ઈશ્વર, તમારી આંશિક વાતમાત્રથી મારી સુખ સમૃદ્ધિ અને આનંદની કામના મંદ થતી જાય છે અને તેનાથી વિશેષ અનુભવ થતો હોય તેમ લાગે છે. મને તેનું માર્ગદર્શન કરો.

ઇન્સ્પેક્ટર : તમારી અભિવ્યક્તિ વધુ પડતી હોઈ મારા માટે આપત્તિજનક છે. આપણે જ્યારે સ્વયંને ઓળખી શકતા ન હોઈએ ત્યારે ઈશ્વર કે ઈશ્વર સાથેની તુલના કેવી રીતે કરી શકાય ? પ્રથમ સ્વયંને ઓળખીએ.

મનુષ્ય : આપ મહાન છો.

ઇન્સ્પેક્ટર : થોભો...થોભો. આપ કોઈ પણ સમજણ વગરનો પ્રલાપ કગરો છો, કોઈ પણ પ્રક્રિયાના હાર્દમાંથી ઉત્પન્ન થયેલ સત્ય સ્વરૂપના અર્કને, કોઈની સાથે સહજ રીતે જોડવાનો પ્રયત્ન કરો છો, મને એવું સમજાય છે કે તમો પ્રશંસા દ્વારા પ્રસન્ન કરવાના પ્રયત્નમાં છો. ખરેખર તો શુદ્ધ સ્વરૂપના કાર્યના પરિણામમાંથી પ્રશંસાન આવિષ્કાર થાય છે અને પ્રશંસાના આવેગમાંથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. શુદ્ધ સ્વરૂપના આનંદદાયક પરિણામ વગરની પ્રશંસા અને પ્રસન્નતા અધોગતિના માર્ગે લઈ જાય છે. શું તમો અધોગતિના માર્ગે તો નથી ધકેલવાના ને ?

ક્ષમાયાચના અને તેની સ્વીકૃતિ તથા મુક્તિના દાતા સ્વયં તમે છો, મારે ફક્ત તેનાથી સભાન કરવાના છે. આ સભાનતામાંથી તમો તમારાં ખોવાયેલ સુખ, આનંદ અને શાંતિ પ્રાપ્ત કરશો તો મારા કાર્યથી મને સંતોષ થશે, અન્યથા અજંપો, અશાંતિ અને દુઃખના ભોક્તા જેટલા તમો છો તેનાથી વિશેષ મારે ભોગવવાનું છે અને બદનામ પણ થવાનું છે. આપની મુક્તિ આપણા કર્મને અધીન છે. આપણે પરસ્પરના મુક્તિદાતા બનવાના પ્રયત્ન કરવા જોઈએ.

મનુષ્ય : હું ઇચ્છુક અને આપ ઇચ્છાપૂરક છો, આ વિભાવનાને સાર્થક કરવા આજ્ઞાંકિત બનું છું.

ઇન્સ્પેક્ટર : આપે શરીર (દેહ) માટે શું અભ્યાસ કર્યો ?

મનુષ્ય : મારી સમજણ મુજબ જે અભ્યાસ કર્યો તે પ્રમાણે હાડ, માંસ અને રુધિરનું શરીર બનેલ છે.

ઇન્સ્પેક્ટર : આ તો પિંડની સમજણ છે. પિંડમાંથી બનેલ શરીરની નહીં.

મનુષ્ય : હા, પિંડમાંથી જુદા જુદા અવયવો અને ઇન્દ્રિઓનું સર્જન થઈને જે આકાર ધારણ કરે છે તે શરીર (દેહ) છે.

ઇન્સ્પેક્ટર : બરોબર. તો કયા કયા અવયવો અને ઇન્દ્રિયો છે તે પણ જાણતા હશો ?

મનુષ્ય : હા, બાહ્ય અંગોમાં હાથ, પગ, શીશ, ચામડી, આંખ, કાન, નાક, મોં અને જનન અને વિષ્ટા ત્યાગ અંગો જ્યારે આંતરિક ભાગે હૃદય, જઠર, આંતરડાં, ફેફસાં, રક્તવાહિની, મગજ અને હાડ (અસ્થિ).

ઇન્સ્પેક્ટર : ઓ હો, તમે તો ડૉક્ટર લાગો છો ?

મનુષ્ય : ના, ના, આ તો અમારા દસમા ધોરણ સુધીના અભ્યાસ દરમિયાન ભણાવવામાં આવેલ.

ઇન્સ્પેક્ટર : તો તો દરેકના સ્થાન અને કાર્યો વિશે પણ ભણ્યા હશો ?

મનુષ્ય : હા, ઉપરથી જોઈએ તો શિરમાં મગજ આવેલું છે, તેનું કામ શરીરમાં હુકમોની આપ-લે કરવાનું છે. ફેફસાંનું સ્થાન બે પાંસળીઓની વચ્ચે અને કાર્ય હવાનું શુદ્ધીકરણ છે. હૃદય લોહીને શુદ્ધ કરીને પરિભ્રમણ કરે છે, જ્યારે જઠર શરીરના મધ્ય ભાગમાં અને ખોરાકનું પાચન કરવાનું અને...

ઇન્સ્પેક્ટર : બસ બસ, તે, પછીના અભઅયાસમાં પણ નિપૂણ હશો તેમ માની લઉં છું. આ બધા અવયવો અને ઇન્દ્રિયોનાં સ્થાન અને કાર્ય તો સમજી અને સમજાવી શકાય તેમ છે અને તેનો દસમા ધોરણ સુધી અભ્યાસ પણ કરી લીધો, એટલે સાઇકલના સ્પેરપાર્ટસની જેમ જણાવી શકાય.

મનુષ્ય : હા.

ઇન્સ્પેક્ટર : આપણું અન્વેષણ જૈવિક પ્રક્રિયાના સત્યશોધન માટે નહીં, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન અનુભવાતા પરિણામોના સંદર્ભમાં છે. ઇચ્છિત ધ્યેયપ્રાપ્તિ માટે તેની જાણકારી આવશ્યક છે. બોલો, એ રસ્તે દોરી જશો ?

મનુષ્ય : હું ફક્ત સુખ અને દુઃખ અનુભવી શકું છું. જ્યારે સુખની કામનાથી પ્રવૃત્ત થાઉં છું ત્યારે તે મળશે કે નહીં તેની ચિંતાથી પણ દુઃખી થાઉં છું. ક્યારેક દુઃખ અંધકાર જેવું હોય છે. તેમાં સુખરૂપી પ્રકાશ થાય, ત્યારે જ પ્રકાશિત થાય છે. આ પ્રકાશમાં સુખને માણવાના માર્ગનું ભાન રહેતું નથી. એટલે મારા માર્ગદર્શનથી ક્યાંય ભૂલી પડી જઈશું તેનું કંઈ નક્કી નહીં.

ઇન્સ્પેક્ટર : આપની સ્પષ્ટતા માટે આભાર.

મનુષ્ય : આભાર ?

ઇન્સ્પેક્ટર : હા, આભાર. કદાચ માનવ સ્વભાવ મુજબ મને ઇમ્પ્રેસ (સંમોહન) કરવા ભ્રમિત માહિતીની મોહજાળની માયામાં કંટક નિવારણની શોધમાં નીકળી પડાયું હોત તો અવશ્ય ક્યાંય ખોવાઈ જાત.

મનુષ્ય : સમર્પણભાવથી આજ્ઞાંકિત થવામાં ગ્રહણશક્તિ પરાકાષ્ઠાએ હોય છે અને એમાંય જ્યારે ઉભય પક્ષની સ્વાર્થવિહીન પ્રવૃત્તિ, સત્યની સ્થાપના માટેની હોય તો જીવ સત્યમાં ભળી જાય છે.

ઇન્સ્પેક્ટર : ઓ હો, ઓ હો. હું ધન્ય થયો !

મનુષ્ય : ધન્ય તો હું થયો મારા પથદર્શક, હવે તો મારા ઇષ્ટ ધ્યેયની પ્રાપ્તિના અવરોધક કંટકને સમજાવો અને મુક્ત રીતે વિહાર કરી શકાય તેના ઉપાય જણાવો.

ઇન્સ્પેક્ટર : અવશ્ય, આપણે સહયાત્રી બનીએ, અને પ્રયાણ કરીએ. ચાલો અલગ-અલગ અવસ્થાની માનસભૂમિમાં પ્રવેશ કરીએ.

મનુષ્ય : અવશ્ય.

ઇન્સ્પેક્ટર : ચાલો, આપણે અન્વેષણ યાત્રા શરૂ કરીએ. આપણી યાત્રાના ત્રણ આયામ છે : મન, બુદ્ધિ અને હૃદય. પ્રથમ આયામ મનની મનોભૂમિમાં પ્રવેશ, બીજો બુદ્ધિ અને ત્રીજો હૃદયની મનોભૂમિમાં પ્રવેશ, તેમાં પ્રવેશતાં પહેલાં ત્રણેયનાં સ્વભાવ, સ્થાન, અનુભવ, પ્રક્રિયા અને પરિણામથી પરિચિત થવું રહ્યું. જો પરિચિત થયા વગર પ્રવેશ કરીશું તો વાસ્તવિક સત્યો પ્રાપ્ત નહીં કરી શકીએ.

મનુષ્ય : મારે શીખવાનું છે, સમજવાનું છે અને તે મુજબનું આચરણ કરીને જીવનને વાસ્તવિક સ્વરૂપમાં જાણવું છે. જો તેમ કરવામાં અજ્ઞાનતાવશ બેદરકાર થાઉં તો આપે જાગૃત કરવાનો છે, જેથી સાથ પણ ન છૂટે અને જીવનની વાસ્તવિકતા પણ સમજાય.

ઇન્સ્પેક્ટર : તમારે મારી દૃષ્ટિએ જોવાનું અને સમજવાનું છે. જો તે અંગે સભાન રહેશો તો કોઈ મુશ્કેલી નહીં આવે.

મનુષ્ય : આપનું અનુસરણ કરવા જાગૃત રહીશ.

ઇન્સ્પેક્ટર : જુઓ આપણઆ જીવનમાં દરેક કાર્ય અને કારણનો સર્જક મન છે. મનની ઇચ્છાઓને બુદ્ધિ અનુમોદન આપે અને હૃદયની સ્વીકૃતિ પ્રાપ્ત કર્યે, કાર્ય માટે પ્રવૃત્ત થવાય તો તેના સકારાત્મક પરિણામ માટે જીવ જાગૃત થાય છે. જીવના પ્રતિનિધિત્વમાં થયેલ કાર્યનું પરિણામ કર્મમાં પરિણમે છે. આ કર્મના સાતત્યમાંથી જીવનની દરેક સાત્ત્વિક કામના પૂર્ણ થાય છે. પૂર્ણ થતી કામનાઓ સચ્ચિદાનંદનો સર્જક છે. તેને માણવામાં જીવનના સર્વે સુખોનું સુખ અનુભવાય છે, જ્યારે તેના ત્યાગમાં મુક્તતા પ્રાપ્ત થાય છે. બંનેમાંથી આપણે શું પસંદ કરવું તે આપણી ઇચ્છાને અધીન છે.

મનુષ્ય : હું આપની ઇચ્છાને અધીન છું.

ઇન્સ્પેક્ટર : મારી ઇચ્છાને નહીં, પરંતુ પ્રથમથી જ જીવનનાં લક્ષ્યો નિર્ધારિત કરવાં પડે, આવાં લક્ષ્યો આ લોક કે પરલોકના વૈભવ સ્વરૂપનાં હોય છે.

મનુષ્ય : આપનો જે પણ પ્રયત્ન હશે તે મારા માટે શિરોમાન્ય છે.

ઇન્સ્પેક્ટર : જુઓ, જૈવિક રીતે બુદ્ધિ અને હૃદયના સ્થાન અને કાર્યને સમજીએ છીએ, પરંતુ મનના સ્થાન અને કાર્ય વિશે જાણીએ છીએ ?

મનુષ્ય : ના, મિત્ર.

ઇન્સ્પેક્ટર : મિત્ર ? વાહ વાહ, મેં તો તમને ક્યારનાય મિત્ર તરીકે સ્વીકાર્યા છે, પરંતુ જ્યાં સુધી તમે ન સ્વીકારો, ત્યાં સુધી સમય ઉચિત ચર્ચા કરીને તમારી ભાવનાની રાહ જોતો હતો.

મનુષ્ય : મારા ભાવમાં તો તમે તેથી પણ ઉચ્ચ સ્થાને છો, એટલે સંકોચ સાથે મિત્ર તરીકે સંબોધન કર્યું છે.

ઇન્સ્પેક્ટર : માનવીય માન્યતા અનુસાર મિત્રનો અર્થ જે પણ સમજાતો હોય, પરંતુ જીવનવ્યવહારમાં દરેક સંબંધોથી શ્રેષ્ઠતમ બિંદુએ સ્થાન ધઘરાવે છે. ભાવોની અભિવ્યક્તિમાં ધરોહર સમાન છે અને વિશ્વાસનો પ્રેરણાસ્રોત છે.

મનુષ્ય : મને તેની અનુભૂતિ થાય છે, મિત્ર.

ઇન્સ્પેક્ટર : હા તો મિત્ર, મનને જૈવિક રીતે સમજવાની મર્યાદા બહાર છું, એટલે તેના માટેનો વ્યર્થ પ્રયત્ન નહીં કરીએ.

મનુષ્ય : જી. મિત્ર, આપનું કાર્ય જૈવિક પ્રક્રિયા બહારનું હોઈ, મર્યાદા સ્વીકારવી રહી.

ઇન્સ્પેક્ટર : બરોબર મિત્ર, આપણે આપણી રીતે વિચારવું રહ્યું.

મનુષ્ય : મિત્ર, કર્મનો સર્જક મન હોઈ મનથી જ શરૂઆત કરીએ.

ઇન્સ્પેક્ટર : જુઓ મિત્ર, દરેક કર્મના પરિણામમાંથી ઉત્પન્ન થતા સુખ અને દુઃખનો પ્રથમ ભોક્તા પણ મન હોય છે. એટલે જે પણ સમજણ હોય તે દ્વારા સમજવા પ્રયત્ન કરીએ.

મનુષ્ય : હું ન્યુટ્રલ (તટસ્થ) સ્થિતિમાં છું. મારી સમગ્ર એકાગ્રતા આપને સમજવામાં છે અને સંવાદનો દરેક શબ્દ અમૃતબિંદુની જેમ પાન કરવા હું ઉત્સુક છું, મારી ધીરજમાં ઊણપ આવતી જાય છે, એટલે શ્રી ગણેશાય કરો.

ઇન્સ્પેક્ટર : તમારી ઉત્સુકતા જોઈ આનંદ થયો. મિત્ર, મને પણ સમજવા અને સમજાવવામાં આનંદ થશે. જુઓ, પ્રત્યક્ષ જૈવિક રૂપે જેમ બુદ્ધિનું સ્થાન મગજમાં અને ઊર્જાનું સ્થાન હૃદયમાં માનવામાં આવે છે, તેમ મન કોઈ ઇન્દ્રિયાતીત (આધારિત) નહીં, પરંતુ સ્પર્શ (ત્વચા), દૃશ્ય (આંખ), શ્રાવ્ય (કાન), સુગંધ (નાક), સ્વાદ (જીભ)ના સમન્વયમાંથી ઉત્પન્ન થતું સ્પંદનબિંદુ છે. અને આ જ પંચમ અશ્વના રથમાં બિરાજમાન હોય છે. આ રથની જેટલી ગતિ હોય છે, તેનાથી અનેકગણી ગતિમાં વર્તુળાકારે તેની દૃષ્ટિ ફરતી હોય છે. અને આ દૃષ્ટિની મર્યાદામાં આવતા દરેક સર્જનને પ્રાપ્ત કરીને ભોગવવા તત્પર હોય છે. અને વ્યક્તિગત રીતે માણી પણ લે છે, પરંતુ જ્યારે આનંદપ્રાપ્તિના બદલે શિક્ષાત્મક અનુભવ થાય છે ત્યારે તેની શિક્ષા, બુદ્ધિ અને હૃદયને પણ ભોગવવી પડે છે. જ્યારે આનંદ જીવનનું સત્ય હોવાથી આનંદ માણીને શાંત રહે છે.

સ્પંદનશીલ પ્રકૃતિ હોવાથી ભોગવાયેલ સજા પુનઃ ભોગવવી ન પડે તે માટે મનની પ્રવૃત્તિ પ્રત્યે જાગૃત રહેવું અનિવાર્ય બની જાય છે. જો અનિવાર્યતા કેળવાય તો મન, બુદ્ધિ અને હૃદયનો સમન્વય સ્થપાય, સ્થાપિત સમન્વયમાંથી સર્જન અને નવસર્જનમાંથી આનંદ પ્રાપ્ત કરી શકે છે.

પ્રાકૃતિક સર્જન પ્રકૃતિકૃત હોય છે અને તેના પરિક્ષેપમાં થતું પરિવર્તન સર્જન, વિસર્જન તેના આધારે હોય છે. તેથી તેનો સંયમિત ઉપભોગ હંમેશાં આનંદદાયક જ હોય છે. જ્યાં સંયમની મર્યાદાનું ઉલ્લંઘન થાય, ત્યાંથી વિપત્તિની શરૂઆત થાય છે. પ્રાકૃતિક સર્જન સિવાયનું જે નવસર્જન છે, તેની સર્જનપ્રક્રિયા મન, બુદ્ધિ અને હૃદયના સમન્વયમાંથી ઉત્પન્ન થયેલ જરૂરિયાતના નિર્માણ માટે પ્રવૃત્ત કરી શકાય તો તેનાં દરેક પરિણામ આનંદદાયક બને છે. આ સમગ્ર પ્રક્રિયા કારણ, કાર્ય અને કર્મની સર્જક છે.

કારણ, કાર્યના ઉદ્‌ગમથી મન, બુદ્ધિ અને હૃદય પ્રવૃત્ત થાય છે. પ્રવૃત્ત પ્રક્રિયા દરમિયાન કર્મનો સંચય થાય છે. સંચિત કર્મના પરિણામમાંથી જીવનો વિકાસ થાય છે. નકારાત્મક કર્મથી જીવનની અધોગતિ થાય છે. સદ્‌કર્મનું પરિણામ સુખ, સમૃદ્ધિ, આનંદ અને શાંતિ હોય છે, જ્યારે દૂષિત કર્મમાંથી દુઃખ, અજંપો અને અશાંતિ પ્રાપ્ત થાય છે.

સામાન્ય જીવનવ્યવહારમાં કોઈ પણ કાર્યનો અમલ કરતાં પહેલાં મન, બુદ્ધિ અને હૃદયની સભાનતા સાથે સંયુક્તપણે એક જ નિર્ણય સ્થાપિત થાય ત્યાર પછી જ તેને ક્રિયા માટે સ્વીકારવો રહ્યો. જો આમાં લોકશાહીની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવે તો અવશ્ય ખંડિત પરિણામ ભોગવવું પડે, આ પ્રક્રિયા સહજ અને બિલકુલ સરળ છે. ફક્ત ને ફક્ત મન બુદ્ધિ અને હૃદયની સર્જનાત્મક પ્રક્રિયા પ્રત્યે સભાનતા કેળવવાની જરૂરત છે. આ જરૂરત એ જ જીવન છે. જેઓએ આ સભાનતા કેળવી છે, તેના પ્રમાણ માટે વર્તમાન અને ભૂતકાળમાં દૃષ્ટિપાત કરીશું તો સામાજિક, ધાર્મિક, વૈજ્ઞાનિક અને રાજકીય ક્ષેત્રે મનુષ્યમાંથી મહાત્માનાં દર્શન થશે, તેથી તેમના જીવનને સમજવા પ્રયત્નો કરવા રહ્યા. આપણા જીવનમાં દૃષ્ટિ કરીએ તો મન, હૃદય અને બુદ્ધિના વ્યક્તિગત કે દ્વિ-પદ્ધતિનાં આધિપત્યમાંથી નિર્ણય કરીન ેકાર્યને અમલમાં મૂક્યા હશે. તેનાથી જે કર્મનું પરિણામ આવ્યું છે, તેમાંથી આજદિન સુધી મુક્તિ મેળવી શક્યા નથી. અને મેળવી શકીશું કે કેમ તે પ્રશ્ન છે. આવાં પરિણામો કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિસમૂહ માટે મર્યાદિત નથી હોતાં, પરંતુ સમગ્ર માનવજાતે વર્તમાન અને ભવિષ્યમાં ભોગવવાં પડે છે અને ભોગવશે. તેમાંથી મુક્તિનો એક જ ઉપાય છે, કે જેમ મન, બુદ્ધિ અને હૃદયમાંથી સાત્ત્વિક અને સકારાત્મક ઐક્ય સ્થપાય, તેમ માનવ સમુદાયમાં પણ સ્થાપિત થાય. તો જે મહાત્માઓએ માનવ કલ્યાણ અર્થે જીવન સમર્પિત કરેલ છે, તેવા મહાત્માઓનાં ત્યાગ અને તપશ્ચર્યા સાર્થક થશે અને તેમનો આત્મા પ્રસન્ન થશે. તેમ જ માનવસમાજ અગડમ્‌-બગડમ્‌ ક્રિયાકાંડમાંથી મુક્ત થશે.

મનુષ્ય : હે મિત્ર, આપના સંવાદથી હું અલ્પ શાંતિ અનુભવી રહ્યો છું. સંપૂર્ણ શાંતિ માટે મન, બુદ્ધિ અને હૃદયનો સમન્વય તથા એકમત કેવી રીતે થઈ શકે ? અને તેમાંથી કોઈ એકનું કે બેનું આધિપત્ય એટલે શું ? તે સમજાવવા વિનંતી કરું છું.

ઇન્સ્પેક્ટર : મારા પરમ મિત્ર, મિત્રતામાં વિનંતી ન હોય, તેમાં નિષ્ઠા હોય અને કદાચ હું ન ભૂલ્યો હોય તો તે નિષ્ઠા હું અનુભવી રહ્યો છું.

મનુષ્ય : તેમાં મને કોઈ શંકા નથી, પરંતુ મારી જિજ્ઞાસા સત્ય જાણવા અધીરાણ અનુભવે છે. તેને શાંત કરો.

ઇન્સ્પેક્ટર : અવશ્ય, આપની જિજ્ઞાસાથી પ્રોત્સાહિત થઈને આનંદ અનુભવાય છે અને આવી સ્થિતિમાં સંવાદ કરવાથી ત્યને સહજતાથી સમજી શકાય છે.

જુઓ, સંવાદિતા અને વિસંવાદિતાની કશ્મકશમાંથી વૈચારિક પ્રક્રિયાનાં સ્પંદનો તીવ્ર થતાં સંવાદનું સર્જન થાય છે. સંવાદના સર્જનમાં પ્રશ્નાવલિ હોય છે. પ્રશ્નાવલિમાં કારણો હોય છે. કારણોનો ખુલાસો તથ્યના હાર્દમાં થતાં વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ થાય છે. સ્પષ્ટીકરણ, સત્ય અને અસત્યને અલગ કરે છે.

સક્ષમ શક્તિઓના સમૂહમાં જ્યારે કોઈ એક તથ્ય પર સામૂહિક ઐક્ય સધાય ત્યારે સંવાદિતા સધાય છે, સર્જાય છે. પરંતુ જ્યારે સમૂહમાંથી કોઈ પણ એક કે એકથી વધારે મત મૂળભૂત હાર્દથી ફંટાય છે, ત્યારે તથ્ય વિસંવાદિત બને છે.

સામાન્યતઃ સમાજના વ્યવહારિક માન્યતાઓમાં ખંડિત વિચારધારાઓને કારણે સત્ય અને અસત્યના સંદર્ભ બદલાતા હોય છે. પરંતુ જો મન, બુદ્ધિ અને હૃદયનો સમન્વય દ્વારા નિર્ણાયક સંમતિ કેળવાય તો સત્ય અને અસત્ય તેના મૂળ ભાવે પ્રગટ થાય. સત્ય અને અસત્યની પરિભાષા સમજવી હોય તો સર્વે સુખોનું પરિણામ એટલે સત્ય અને સર્વે દુઃખોનું કારણ એટલે અસત્ય.

૫. સંવાદસરિતા : મન, બુદ્ધિ અને હૃદયની સ્વતંત્ર મનોભૂમિમાં

સત્ય, મન બુદ્ધિ અને હૃદયની અખંડિત નિર્ણયશક્તિ ઉપર આધારિત હોય છે. જ્યારે ખંડિત નિર્ણાયકતા કોઈ પણ એક કે બેના આધિપત્યમાં લેવાયેલ હોય છે.

જેમ કે -

૧. મનનું આધિપત્ય

૨. બુદ્ધિનું આધિપત્ય

૩. હૃદયનું આધિપત્ય

૪. મન અને બુદ્ધિનું આધિપત્ય

૫. બુદ્ધિ અને હૃદયનું આધિપત્ય

૬. હૃદય અને મનનું આધિપત્ય

આપણા જીવનવ્યવહારનું સૂક્ષ્મ રીતે નિરીક્ષણ, અવલોકન કે અન્વેષણ કરીશું તો સમગ્ર જીવનવ્યવહારમાં કોઈ પણ એક, બે કે ત્રણ ઇન્દ્રિયો એટલે કે મન, બુદ્ધિ અને હૃદય, મન અને બુદ્ધિ, હૃદય અને મનના નિર્ણાયક પરિબળ ઉપર આધારિત હોવાનું જણાશે. સામાન્યતઃ આપણે આવી નિર્ણાયક પ્રક્રિયાથી સભાન છીએ કે કેમ ? તે નક્કી કરવું રહ્યું.

જો આ નિર્ણાયક પ્રક્રિયાથી સભાન હોઈએ તો જીવનમાં ક્યારેય વિપત્તિનો સામનો કરવો પડતો નથી અને ક્યારેક સામનો કરવો પડે તો પણ તેનું પરિણામ સકારાત્મક હોય છે. આપણા જીવનની મહત્તમ આપત્તિઓ સભાનતા વગરના નિર્ણયમાં હોય છે. જો તેમ ન હોય તો આદ્યથી અંત સુધી માનવીય જીવન ક્યારેય વ્યથિત ન હોય, જેનું પ્રમાણ આપણા જીવનના વર્તમાનમાંથી અનુભવી શકાશે.

સામાન્યતઃ મન, બુદ્ધિ અને હૃદય ત્રણેનો સમન્વય પ્રક્રિયામાંથી પસાર થયા વગરના દરેક નિર્ણય અપૂર્ણ હોય છે અને અપૂર્ણ નિર્ણયનું પરિણામ આપત્તિનું સર્જક હોય છે.

આદ્યથી વર્તમાન અને ભવિષ્યમાં પણ માનવીય જીવનમાં આપણી સામાન્ય સમજણ મુજબ સમજી શકીએ તો જેઓ પૂર્ણ પ્રક્રિયા અનુસાર નિર્ણય લઈને જીવન જીવ્યા છે, તેઓએ જીવનની પૂર્ણતા પ્રાપ્ત કરી છે. જેઓને આપણે દિવ્ય વિભૂતિ તરીકે સમજીએ અને સ્વીકારીએ છીએ તેમના નિર્ણય પૂર્ણ સ્વરૂપના હોવાથી જ્યારથી અસ્તિત્વમાં આવે છે, ત્યારથી દીર્ઘકાળ સુધી પ્રવર્તમાન રહે છે. જેમ કે દરેક ધર્મમાં પ્રસ્થાપિત થયેલ નિયમ, સિદ્ધાંત કે નિર્ણય, વિજ્ઞાન તેમ જ ગણિત શાસ્ત્રના નિયમો. ધર્મોમાં માનવીય જીવન, ભૌગોલિક સ્થિતિ અનુસાર, તેમ જ પરિવર્તનશીલ હોવાથી સ્થળ, સ્થિતિ અને હવામાન મુજબ ક્યારેક અપવાદરૂપ સંજોગોમાં ભિન્ન હોય, પરંતુ તે માનવીય જીવનમાં અપનાવાય તો વિશેષ ફેર પડતો નથી. આવા ફેરફાર ફક્ત બાહ્ય સ્વરૂપના હોય છે. એટલે આંતરિક પ્રક્રિયાને વિઘ્નરૂપ નથી હોતા. જેમ કે આહાર-વિહાર, વસ્ત્ર-પરિધાન અને મૌલિક જીવન વ્યવહાર, જે ધર્મોમાં માંસાહારને નિષેધ નથી અને જેમાં છે, તેઓની આંતરિક વૈચારિક પ્રક્રિયામાં કોઈ ભેદ ન હોઈ શકે. એટલે કે માંસાહારી પણ મન, બુદ્ધિ અને હૃદયના સમન્વયથી નિર્ણાયક શક્તિ કેળવી શકે છે, તેમ શાકાહારી પણ કેળવી શકે છે. ધોતી, લંગોટી કે સૂટથી વૈચારિક પ્રક્રિયામાં કોઈ ફેર પડતો નથી. તેવી જ રીતે વિરોધી મૌલિક જીવન એટલે કે હિંદુઓ પૂર્વમાં અને મુસ્લિમો પશ્ચિમમાં પ્રાર્થના કરતા હોય, લેખનવાચનમાં કોઈ જમણેથી તો કોઈ ડાબેથી શરૂઆત કરતા હોય, પરંતુ તેમાં વૈચારિક પ્રક્રિયા સમાન હોય છે અને છેવટનું સત્ય પણ એક હોય છે તે સમજવું રહ્યું અને જેઓએ આ તથઅયને સમજીને આચરણ કર્યું છે, કરે છે, તેઓ સમગ્ર માનવસમાજ માટે પૂજનીય હોય છે. તેનું દૃષ્ટાંત કોઈ પણ ધર્મના સ્થાપકનું આપીએ તો બહુ દૂરની વાત થઈ જાય છે, પરંતુ જેઓ આપણી સમજણના વ્યાપમાં હોય તેમનો ઉલ્લેખ કરીએ તો અબ્રાહમ લિંકન, ગાંધીજી અને મધર ટેરેસાના જીવનવ્યવહાર પરથી સમજી શકાય તેમ છે.

પૂર્ણ પ્રક્રિયા વગરના નિર્ણયવાળું જીવન સમજવા માટે આપણે ક્યારેય બીજાનો સહારે લેવો નહીં પડે, તેવું વર્તમાન સમયના જીવનવ્યવહારના આધારે કહેવું વધુ પડતું નથી, એટલે કોઈ પણ એક ન્યાયાધીશની અન્‌-ઉપસ્થિતિમાં માનવીય જીવન કેવું હોય છે તે સમજવું રહ્યું.

મન, બુદ્ધિ અને હૃદયને સ્વતંત્ર, ખંડપીઠમાં અને અખંડિત રીતે પાત્રોનું માનસ સર્જન કરેલ છે. આ પાત્રો દ્વારા તેમને સમજવા પ્રયત્ન કર્યો છે.

પાત્રો દ્વારા જીવનમાં પ્રસન્નતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય અને હંમેશાં પ્રસન્નમય જીવન રહે તે માટેનો નમ્ર પ્રયાસ કર્યો છે. આ પ્રયાસ અનુભવસિદ્ધ હકીકતો ઉપર આધારિત હોઈ, લક્ષ્ય જો હિમાલયની ચોટી ઉપર હશે તો નાનામોટા પર્વતો સર કરવા સહજ બનશે અને જીવનની મહત્તમ મુશ્કેલીઓ આપોઆપ દૂર થતાં જીવન સાહજિક બનશે. સહજતા જીવનનાં સમીકરણો ઉકેલવાનું ક્રીડાંગણ છે. જેમાં નિત નવા પ્રકૃતિના કૂટપ્રશ્નોનું નિરાકરણ થાય, પરિણામે પ્રસન્નતા અનુભવાય.

હિમાલય પર્વતની ચોટી સર કરવામાં જીવનની મુક્તિ કે મોક્ષ છે, તો નાના મોટા પર્વત સર કરવામાં જીવનની પ્રસન્નતા છે.

મનુષ્ય : શું મનની ભૂમિ સર્વત્ર એકસમાન જોવા મળશે ?

ઇન્સ્પેક્ટર : ના. જેઓએ યત્નપૂર્વક પોતાની મનોભૂમિને ફળદ્રુપ બનાવી છે, તેવી કલ્પભૂમિ ઇચ્છિત કામનાોનાં ફળોથી ભરપૂર હશે. પ્રેમ, દયા, આનંદ અને પ્રસન્નતાની સરિતા વહેતી હશે. સમૃદ્ધિના પર્વતો અને ઉમંગની લહેરો લહેરાતી હશે.

મનુષ્ય : તો તો પહેલાં તે ભૂમિમાં પ્રવેશ કરીએ.

ઇન્સ્પેક્ટર : મિત્ર, તે એટલું સહેલું નથી, આપણા સાત્ત્વિક વિચારો મુજબના વર્તન બાદ આપણને તેવી ભૂમિનાં દર્શન થાય તો આપણાં સદ્‌ભાગ્ય.

મનુષ્ય : પણ મારે તો એવી મનોભૂમિનું સર્જન કરવું છે કે જેમાં સદાય હર્ષોલ્લાસથી વિહાર કરી શકાય.

ઇન્સ્પેક્ટર : એ તો સમજ્યા પછીના આચાર ઉપર નિર્ભર છે. અત્યારે તો તમારી આતુરતામાં મનનું આધિપત્ય સવાર હોય તેવું લાગે છે.

મનુષ્ય : જો એમ હોય તો સ્વીકારવા તૈયાર છું.

ઇન્સ્પેક્ટર : મિત્ર મારા, ફળપ્રાપ્તિ પહેલાં જે કાર્ય અને કર્મ કરવાનું છે, તે કર્યા વગર ફળપ્રાપ્તિની ઇચ્છા મનની ચંચળતા છે. ચંચળતા હંમેશાં કઠીન માર્ગથી વિચલિત કરાવે છે. તમારું એવું ન થાય તેનું ધ્યાનિ રાખશો.

મનુષ્ય : એમ ?

ઇન્સ્પેક્ટર : હા, એમ ! એટલે પસંદગી વગર વાસ્તવિક અનુભવ કરવો હોય તો જ્યાંથી પ્રવેશ મળે ત્યાંથી પ્રવેશ કરવો રહ્યો.

મનુષ્ય : મિત્ર...મિત્ર આપણી સામે દેખાય છે તે શું છે ?

ઇન્સ્પેક્ટર : એ જ આપણી પ્રવાસન ભૂમિ છે.

મનુષ્ય : પણ આ તો આંધી, વંટોળ, સુનામીથી ભયંકર સ્વરૂપ દેખાય છે. શું આપણે તેમાં પ્રવેશ કરવાનો છે ?

ઇન્સ્પેક્ટર : સત્ય સમજવું હોય તો પ્રવેશ કરવો રહ્યો. અન્યથા અહીંથી પાછા વળી જઈએ, બોલો છે મંજૂર ?

મનુષ્ય : હા...હા... ના...ના....

ઇન્સ્પેક્ટર : હા...હા... ના...ના.... નહીં, જો મક્કમ નિર્ધાર નહીં હોય તો તેના પહેલા ઝોકામાં જ ક્યાંય ખોવાઈ જઈશું અને શોધ્યા પણ નહીં જડીએ.

મનુષ્ય : ચાલો, આપ મારી સાથે છો, એટલે મારે એની ચિંતા કરવાની ન હોય, હું મક્કમ થયો.

ઇન્સ્પેક્ટર : જુઓ મિત્ર, મન ભલે બધા ઉપર સવાર થાય, પણ આપણે મન ઉપર જ સવાર થવાનું છે.

મનુષ્ય : પણ એ તો તોફાની ઘોડો છે.

ઇન્સ્પેક્ટર : શાંત ઘોડા ઉપર તો સૌ સવારી કરે, ખરી મઝા તો તોફાની ઘોડા ઉપર જ આવે.

મનુષ્ય : પણ આપે મનને કાબૂમાં રાખતાં શીખવવું પડશે.

ઇન્સ્પેક્ટર : ભઈલા, તમારે ક્યાં સ્વતંત્ર સાવરી કરવાની છે. આપણે સાથે તો છીએ, પછી ક્યાં ચિંતા કરવાની.

મનુષ્ય : મનનું વિકરાળ રૂપ જોઈને મારી મતિ મરી ગઈ હતી, મિત્ર !

ઇન્સ્પેક્ટર : તમારે સમજફેર થાય છે. આપણા માટે તે તેના સ્વભાવ અને સ્વરૂપ મુજબ સુંદર જ છે. આપણને તેને નિરખતાં આવડવું જોઈએ.

મનુષ્ય : જુઓ...જુઓ।.. સરહદના કિનારા ઉપર આવી ગયા મિત્ર.

ઇન્સ્પેક્ટર : બરોબર, તમો જ્યારે ભયભીત થાઓ ત્યારે મારામાં સમાઈ જજો.

મનુષ્ય : હા...હા...

ઇન્સ્પેક્ટર : પણ એ ખ્યાલ રહે કે આ આપત્તિજનક પરિસ્થિતિની મદદ હશે, મારા માનવા મુજબ આવી સ્થિતિમાં કોઈની મદદ વગર તેનો સામનો કરવામાં આવે તો જ વાસ્તવિક શક્તિનો વિકાસ થાય. આ શક્તિના વિકાસ વગર પરાવલંબી બની જવાય, પરાવલંબી પરિસ્થિતિમાં જ્યારે મદદની જરૂર હોય અને મદદ ન મળે તો હતા ત્યાંના ત્યાં જ આવી જવાય અને તેનાથી પણ વિશેષ મુશ્કેલીનો સામનો કરવો પડે.

મનુષ્ય : એમ છે ?

ઇન્સ્પેક્ટર : હા, એમ છે, મારે તમને પરવશ ન બનાવવા જોઈએ તેવું અંગત રીતે માનું છું. તમારી પરવશતામાં મારો સમાવેશ થઈ જતો હોવાથી હું પણ પરવશ સ્થિતિમાં આવી શકું છું.

મનુષ્ય : મારા કારણે આપ કોઈ વિપત્તિમાં ન આવો તેનું ધ્યાન રાખીશ.

ઇન્સ્પેક્ટર : જો તેમ થાય તો મને બહુ ગમશે અને તેથી આપણું ધ્યેય સિદ્ધ કરવામાં શક્તિ મળશે.

મનુષ્ય : અવશ્ય, ચાલો આપણે પ્રવેશ કરીશું ?

ઇન્સ્પેક્ટર : પ્રવેશ કરતાં પહેલાં મનનો સ્વભાવ, કાર્ય અને પરિણામ વિશે જાણીએ તો માનસિક રીતે તૈયાર થવાય અને મુશ્કેલી ઓછી પડશે.

મનુષ્ય : જે મનને હું સમજું છું, તેના માટેની કોઈ શેષ જાણકારી નથી. પરંપરાગત અર્થમાં પ્રસન્નતા અને ઉદ્વેગ વ્યક્ત કરવાના માધ્યમ તરીકે ઓળખું છું, તેથી વિશેષ જે હોય તે આપ સમજાવો મિત્ર.

ઇન્સ્પેક્ટર : પ્રસન્નતા અને ઉદ્વેગ તો મનનો સ્વભાવ છે. સ્વભાવના પરિણામથી ઉત્પન્ન થતા આવેગ આપણા સુખ અને દુઃખ છે.

મનુષ્ય : મારા સ્વભાવ મુજબ સમજવા કરતાં સમજાવવામાં વધા ચાતુર્ય અનુભવતો હોઉં છું, તેથી તમારો સમય અને મારું જીવન વ્યર્થ ન જાય તે માટે વિસ્તૃત સમજણ આપવા વિનંતી કરું છું.

ઇન્સ્પેક્ટર : મારા કાર્ય અને કર્મના આચરણ માટે વિનંતી ન કરવાની હોય. જુઓ, કોઈ પણ નિશઅચિત ધ્યેય વગર જીવ ચહલ-પહલ કરે તેને આપણે ચંચળ સમજીએ છીએ. જ્યારે અનેક ચંચળ પ્રવૃત્તિઓનું અમર્યાદિતતામાં પરિવર્તન થાય ત્યારે ચંચળતાનું સ્વરૂપ ધારણ કરે છે. આવું એક લક્ષણ મનનું પણ હોય છે. જેમાં મનની જેના ઉપર દૃષ્ટિ પડે તેના પરિણામની સભાનતા વગર ભોગવવા તૈયાર થઈ જાય છે. અને આવી પ્રવૃત્તિ બાલ્ય, કુમાર, યુવા, પ્રૌઢ અને વૃદ્ધાસ્થા દરમિયાન ગુણોત્તર પ્રમાણમાં વધતી અને બદલાતી જાય છે. એમાંય જ્યારે મન પંચમ અશ્વના રથ ઉપર બિરાજમાન હોય ત્યારે તેનો કેટલો વ્યાપ હોય તે સમજી શકાય તેમ છે. એટલે જો મનની ગતિને ચંચળતાના માપદંડથી મૂલવીએ તો તેમાં આપણી સમજણભૂલ છે. ખરેખર તો અણુ, પરમાણુ અને નેનોથી સર્જાયેલ મહાન શક્તિ છે. આ શક્તિ સમક્ષ ચંચળતાની સરખામણી બાલિશતા સમાન છે. અણુ પરમાણુનો કલ્યાણી ઉપયોગ જેટલો હિતકારી હોય છે, તેનાથી અનેક ગણું મનની શક્તિ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. તેનાથી વિરુદ્ધની સ્થિતિ માટે વર્તમાન સમયનું માનવજીવન અને હિરોશિમાની પરિસ્થિતિ ઉપર દૃષ્ટિ કરવી રહી.

મન દરેક પરિણામનું કારણ અને કર્તા છે. તેના (વિહારી) પ્રવાસ દરમિયાન તેની દૃષ્ટિ વર્તુળાકાર ક્ષેત્રમાં પડતી હોય છે. આ ક્ષેત્રમાં જે પણ સર્જન આવે તેનો ઉપભોગ કરવા માટે પ્રયત્નશીલ હોય છે. જો તે ભોગવવા મળે તો આનંદ અનુભવે અને નિષ્ફળ જાય તો દુઃખ અનુભવે છે. એટલે કે ઇચ્છાપૂર્તિથી જે પરિણામ આવશે, તે સકારાત્મક કે નકારાત્મક હશે તેની સભાનતા નથી હોતી.

મન પરિણામ માટે ભલે નફ્ફટ હોય, પરંતુ તેનું આવું કાર્ય હૃદયને સતર્ક અને સક્રિય બનાવે છે. મન દ્વારા એકર્તિત થતું પથ્ય-અપથ્ય સર્જન બુદ્ધિના ચારણા દ્વારા ઉપયોગી તત્ત્વોને સ્વીકારે છે અને બાકીનાને ચાળી નાખે છે, બુદ્ધિનો મૂળભૂત સ્વભાવ સ્વાર્થી છે. જેમાં સ્વાર્થ હોય તેને નૈતિક અનૈતિકની સભાનતા વગર સ્વીકારી લે છે. એટલે હૃદય તેની મર્યાદાઓનું ભાન કરાવે છે. અને શું સ્વીકારવું અને શું ન સ્વીકારવું તેની સલાહ આપે છે. બુદ્ધિ આ સલાહને માને તો સકારાત્મક અને સાત્ત્વિક પરિણામ આવે પરંતુ નજરઅંદાજ કરે તો નકારાત્મકતા અને અધોગતિની શરૂઆત થાય છે. તેમાં ક્યારેક અપથ્ય કે અનૈતિક કાર્યોમાં પણ સુખ, આનંદનો અનુભવનો આભાસ થતો હોય છે. તેથી આવા આભાસી વમળોમાં ના ફસાઈએ તે માટે જાગૃત રહેવું જરૂરી છે.

મનુષ્ય : હે મિત્ર, તમો મિત્રતાના ભાવે સમજાવશો તો સમજણ કેમ ન પડે ?

ઇન્સ્પેક્ટર : તો ચાલો આપણે પ્રવેશ કરીએ.

મનુષ્ય : અવશ્ય મિત્ર.

ઇન્સ્પેક્ટર : જુઓષ અંધાધૂંધ વાતાવરણ છે, વાતાવરણ ઉપરથી અનુભવના આધારે એવા તારણ ઉપર આવીશું કે તે કોની મનોભૂમિ છે ?

મનુષ્ય : એટલે ?

ઇન્સ્પેક્ટર : બાળક, કુમાર, યુવા એમ દરેકની મનોભૂમિ હોય છે.

મનુષ્ય : ઓહો...

ઇન્સ્પેક્ટર : જુઓ, આ બાળ મનોભૂમિ છે. તેની સમક્ષ અનેક પ્રકારનાં રમકડાં છે. તેમ છતાં મન બીજાં રમકડાંની શોધમાં છે, મુખમાં મધુબની હોવા છતાં ઘૂઘરો મોંમાં લેવા પ્રયત્ન કરે છે. ઢીંગલીમાંથી કર્ણમધુર નૃત્ય અને સંગીત સંભળાતાં હોવા છતાં રમકડું જમીન સાથે અફળાવીને તોડી નાખ્યું અને હવે આ બધું છોડીને બીજું કંઈ લેવા ભાંખોડિયે પડ્યો. અરે, આ તો ભાંખોડિયા ભરવા લાગ્યો, મમ્મી તો બહાર છે ને એ તો રસોડા તરફ આવ્યો, મમ્મી કંઈ ઉતાવળમાં હોઈ તેના તરફ ધ્યાન નથી. અવશ્ય કંઈ અઘટિત થશે. હાશ ! મમ્મી આવી ગયાં અને પ્રેમભરી ટપલી મારી કહ્યું... હમણાં ગરમ દૂધની તપેલી લઈને પડત. મમ્મીનો આક્રોશ શાંત થયો અને બબલીબેનનું આક્રંદ શરૂ થયું... જોયું ? મન અને બબલીનું કામ ?

બબલીબેનનું મન જ્યાં સુધી સંતોષાય છે... ત્યાં સુધી કોઈ વાંધો નહીં, પરંતુ જ્યારે નહીં સંતોષાય ત્યારે હઠ પકડશે, હઠ પૂરી કરવામાં આવશે તો કોઈ વાંધો નહીં પડે, હઠ નહીં સંતોષી શકાય તો રડવાનું શરૂ કરશે. આમ રડવામાંથી આક્રંદ અને આક્રંદમાંથી બીમારી, બીમારીથી બચાવવા શાંત કરવી પડે અને શાંત કરવા માટે મનને સંતોષવું પડે. અને આ સંતોષ આદતમાં પરિણમશે.

મનુષ્ય : તેનો કોઈ ઉપાય ખરો ?

ઇન્સ્પેક્ટર : કોઈ પણ પ્રશ્નનું સર્જન તેના ઉત્તરમાંથી થાય છે.

મનુષ્ય : એટલે ?

ઇન્સ્પેક્ટર : મન ફક્ત ભૌતિક જરૂરિયાતો સંતોષવાથી શાંત નથી થતું.

મનુષ્ય : તો ?

ઇન્સ્પેક્ટર : બાળકનું મન જ્યારે ભૌતિક સાધનોથી તૃપ્ત ન થાય ત્યારે માતાએ વાત્સલ્યપૂર્વક ગોદમાં લઈને સ્તનની ડીંટડી જ મોંમાં મૂકી દેવાય. એક બાજુ દૂધપાન કરશે જ્યારે બીજી બાજુ રમત રમતાં જ નિદ્રાધીન થઈ જશે અને મનની ઉછળકૂદ બંધ થઈ જશે.

મનુષ્ય : આ તો બહુ જ સારું કહેવાય.

ઇન્સ્પેક્ટર : મિત્ર, એમાં જ જીવન છે.

મનુષ્ય : મિત્ર, આ તો બહુ જ મુગ્ધ અને ન સમજાય તેવું વાતાવરણ છે.

ઇન્સ્પેક્ટર : આપણે કુમાર અને યુવા અવસ્થાની મનોભૂમિના વાતાવરણમાં પ્રવેશ કરી રહ્યા છીએ.

મનુષ્ય : આ તો માદક અને રંગીલું વાતાવરણ છે.

ઇન્સ્પેક્ટર : જો જીવનમાં કાયમી માદક અને રંગીતું વાતાવરણ જોઈતું હોય તો મન તેમાં રંગાઈ ન જાય તેની સાવચેતી રાખતા રહેજો.

મનુષ્ય : જીવનને તેની અવસ્થા દરમિયાન માણવું એમાં સાવચેતી શાની ?

ઇન્સ્પેક્ટર : આ અવસ્થા દરમિયાન મન ગાંડુંતૂર હોય છે.

મનુષ્ય : ગાંડુંતૂર.

ઇન્સ્પેક્ટર : હા, ગાંડુંતૂર.

મનુષ્ય : કેવી રીતે ?

ઇન્સ્પેક્ટર : આ સમય વર્તમાન અને ભવિષ્યનાં સુખ અને સમૃદ્ધિનું પ્રવેશદ્વાર છે. દરેક કાલ્પનિક સુખ અને સમૃદ્ધિ વાસ્તવિક રીતે અનુભવાય છે. કાલ્પનિક વાસ્તવિકતા, જોબનના જોશમાં સહજ અને સરળ લાગતાં મુક્તતાના કેફ ચડે છે. આ નશાયુક્ત સ્તિતિ એટલે ગાંડીતૂર સ્થિતિ.

મનુષ્ય : પણ એમાં મનને શું લાગે વળગે ?

ઇન્સ્પેક્ટર : મન સ્વયં સ્વચ્છંદી તો છે જ, તેમાં જોબનની સ્વચ્છંદતા ભળે તો મેઘ અને વાયુનું તાંડવ સર્જાય છે, જેમાં જીવનની વાસ્તવિકતા ધરાશાયી થઈને ક્યાંય તણાઈ જાય છે. પ્રાકૃતિક તાંડવ તો શાંત થતાં સમયાંતરે નવસર્જન થઈ જાય છે, પરંતુ માનસિક તાંડવમાં વાસ્તવિક જીવન નિર્જન બની જાય છે.

મનુષ્ય : તો મુક્તતાનો અર્થ શું ?

ઇન્સ્પેક્ટર : માનવીય મુક્તતા અને પશુવત્‌ મુક્તતામાં હોય તેટલો.

મનુષ્ય : સમજ્યો નહીં.

ઇન્સ્પેક્ટર : પ્રામીજગત પ્રાકૃતિક આચારસંહિતા મુજબનાં નિયમો અનુસાર આચરણ કરતું હોવાથી તેમના વ્યવહારમાં ક્યાંય મલિનતા નથી હોતી, મલિનતાવિહીન કાર્ય અને કર્મ બંધનમુક્ત હોય છે, જ્યારે મનુષ્ય પોતાએ સ્થાપિત કરેલ નિયમન અનુસાર પણ વર્તન કરી શકતો ન હોવાથી તેનાં પરિણામ બંધન કર્તા હોય છે. બંધનયુક્ત પરિણામ હોય ત્યારે મુક્તતા અસંભવ હોય છે. આમ, પ્રાણીજગતની મુક્તતા અને માનવજગતની મુક્તતામાં માનવીય વ્યવહારમાં પ્રાકૃતિક નિયમનનો અભાવ હોવાથી ઘૃણિત મુક્તતા હોય છે.

મનુષ્ય : મુક્તતા, માનવીય મુક્તતા, પ્રાણીજગતની મુક્તતા, મારી સમજની બહાર છે.

ઇન્સ્પેક્ટર : મન સ્વયં મુક્ત હોય છે, પરંતુ તેના કાર્યમાંથી ઉત્પન્ન થતાં પરિણામ બંધનકર્તા હોય છે. પરિણામથી ઉત્પન્ન થતાં કર્મ જ્યાં સુધી મન સુખી મર્યાદિત હોય ત્યાં સુધી પ્રાકૃતિક પર્યાવરણ વિક્ષેપિત નહીં થવાના કારણો ક્ષમાને પાત્ર થતાં સુખ, દુઃખ સ્વયંમાં સમાઈ જાય છે, પરંતુ તેના કાર્યમાં બુદ્ધિ, હૃદય સહભાગી થાય ત્યારે તેમાંથી પરિણમતા કર્મો બંધનકર્તા થાય છે. જ્યાં બંધન હોય છે, ત્યાં મુક્તતા નથી હોતી.

સામાન્યતઃ મન, બુદ્ધિ અને હૃદયનાં સ્વતંત્ર કે સંયુક્ત કાર્યમાંથી ઉત્પન્ન થતાં કર્મ હંમેશાં બંધનકર્તા હોય છે, પરંતુ ત્રણેયના સમન્વય દ્વારા સંપૂર્ણ સહમતિ દ્વારા લેવાયેલ નિર્ણયમાંથી થતા કાર્યનું પરિણામરૂપ કર્મ બંધનકર્તા નથી હોતું. આમ, જ્યારે કોઈ પણ કાર્યના પરિણામમાંથી ઉત્પન્ન થતું કર્મ બંધનકર્તા ન હોય ત્યારે “મુક્તતાની” સ્થિતિ પ્રાપ્ત થાય છે. જેમ કે,

મહાભારતમાં જ્યારે અર્જુન મન અને બુદ્ધિ, મન અને હૃદય, બુદ્ધિ અને હૃદયના સ્વતંત્ર આધિપત્યમાં હોય છે, ત્યારે તેનાં કાર્યના પરિણામમાંથી ઉત્પન્ન થતા કર્મનો ભોક્તા સ્વયંને માને છે અને વિહ્‌વળ બનીને બેસી જાય છે. શ્રીકૃષ્ણના સમજાવવાના અથાક પ્રયત્ન છતાં અર્જુન વિહ્‌વળતામાંથી બહાર આવતો નથી, છેવટે દિવ્યચક્ષુનું પ્રદાન કરીને સ્વયંનાં મન, બુદ્ધિ અને હૃદયના સમન્વયથી જે દિવ્ય સ્વરૂપ છે, તેનું દર્શન કરાવતાં વાસ્તવિક સત્ય સમજાઈ જાય છે. ત્યારે મુક્તતા ધારણ કરે છે અને ગાંડીવનો ટંકારવ કરે છે. ત્યાર પછી તેમના કાર્યમાંથી પરિણમતા કર્મથી ક્યારેય વિશાદમય સ્થિતિનું પુનરાવર્તન થતું નથી.

જ્યારે મને અને બુદ્ધિના આધિપત્યમાં ધૃતરાષ્ટ્ર, મન અને હૃદયના આધિપત્યમાં ગાંધારી, બુદ્ધિ અને હૃદયના આધિપત્યમાં કર્ણ, મનના આધિપત્યમાં શકુનિ, બુદ્ધિના આધિપત્યમાં દ્રોણ, હૃદયનાં આધિપત્યમાં ભીષ્મ પિતામહ હોવાથી સ્વયંની મુક્તતાનું હનન થથાં, નિર્ણાયક શક્તિ ખંડિત બનતાં ધર્મ અને અધર્મવાળાં કૃત્યોની સભાનતા ગુમાવતાં સ્વયં અને મહાન શક્તિશાળી રાજા-મહારાજા, સેનાપતિ અને સૈન્યોનો વિનાશ થાય છે.

મનુષ્ય : હે મારા પરમ મિત્ર, આપે મુક્તતા અંગે તો સમજાવ્યું, પરંતુ આ તો મહાત્માઓની મુક્તતા અંગે સમજાવ્યું હોય તેમ સમજાય છે. આપ મને માનવ મુક્તતા અંગે સમજાવો તો મારો ઉદ્ધાર થાય.

ઇન્સ્પેક્ટર : હે મિત્ર, ઉદ્ધારની વાત તો પછીની છે. પ્રાથમિકતા આપણા જીવનની છે.

મનુષ્ય : તો મને આપણાં જીવનની મુક્તતા સમજાવશો તો સદાય તમારો આભારી રહીશ.

ઇન્સ્પેક્ટર : મારા કાર્યના કર્મને આભાર તરીકે વ્યક્ત કરશો તો તમને કે મને કોઈ ફેર નહીં પડે, કર્મનું સર્જન આભારને આધારિત નથી, પરંતુ આપણા પરિવર્તનને આભારી છે.

મનુષ્ય : આ મારો વર્તમાન સમયનો સ્વભાવ છે, તેને પરિવર્તન દ્વારા અવશ્ય સાર્થક કરીશ.

ઇન્સ્પેક્ટર : તેનો આનંદ થશે.

મનુષ્ય : તો આપણી માનવ-મુક્તતા અંગે સમજાવો, મિત્ર !

ઇન્સ્પેક્ટર : તમો “સમજાવવા” ઉપર ભાર મૂકો છો તે મારી મર્યાદા બહારની વાત છે. ખરેખર તો વૈચારિક પ્રક્રિયા દ્વારા જે જાણ્યું અને સમજ્યો તે કહેવા માટેનો નમ્ર પ્રયત્ન છે.

મનુષ્ય : આપનું અલ્પ, મારા માટે અમૂલ્ય હોઈ શકે છે.

ઇન્સ્પેક્ટર : જો આપણે મુક્તતા પ્રાપ્ત કરીએ તો ?

મનુષ્ય : શુભ આશય હંમેશાં પરિણામલક્ષી હોય છે.

ઇન્સ્પેક્ટર : હું પણ એવું જ માનું છું, એટલે આપણે મુક્તતા અંગેનો સંવાદ કરીએ.

મનુષ્ય : અવશ્ય.

ઇન્સ્પેક્ટર : આપણા જીવનનો પ્રથણ પ્રહર (બાલ્ય) પૂજા અર્ચન સમાન હોય છે, જેમાં દેવત્વનો વાસ હોવાથી કાર્યના પરિણામથી ઉત્પન્ન થતાં કર્મ બંધનકર્તા નહીં હોવાથી મુક્તતા હોય છે અર્થાત્‌ બાલ્ય જીવનનાં બધાં કાર્ય, કર્મના દોષોથી મુક્ત હોય છે, કારણ કે આ સમય દરમિયાન મન બુદ્ધિ અને હૃદય ઉપર ખુદ સર્જનહારનું પ્રભુત્વ હોય છે. સર્જનહારના પ્રભુત્વમાં સદંતર નિખાલસતા હોય છે.

મનુષ્ય : એટલે ?

ઇન્સ્પેક્ટર : પ્રથમ પ્રહાર એટલે બાલ્ય-અવસ્થા, તેમાં મન, બુદ્ધિ અને હૃદય નિર્મળ હોય છે. નિર્મળભાવે કરેલ આચરણને કારણે તેવાં કર્મ પણ નિર્મળ હોય છે અને નિર્મળ કર્મ હંમેશાં બંધનમુક્ત હોય છે. પરંતુ જ્યારે નિર્મળતામાં કોઈ પણ પ્રકારના ભાવરૂપી રંગ ઉમેરાય છે, ત્યારે જે તે પ્રકારના ભાવરંગી સ્વરૂપ ધારણ કરે છે, જ્યાંથી ભાવરંગી સ્વરૂપની શરૂઆત થાય છે, ત્યારથી જીવનમાં સાચી સમજણની શરૂઆત થાય છે.

મનુષ્ય : પ્રથમ દૃષ્ટિએ તો તમારો સંવાદ મનભાવન લાગે છે, મિત્ર.

ઇન્સ્પેક્ટર : જ્યાં મનનું આધિપત્ય હોય, ત્યાં બધું જ મનભાવન જ હોય, તે તમો અનુભવો છો ?

મનુષ્ય : ના મિત્ર.

ઇન્સ્પેક્ટર : તો તમે મનના આધિપત્યમાં નથી તે સમજવું રહ્યું.

મનુષ્ય : એમ કેમ ?

ઇન્સ્પેક્ટર : કેમ કે જ્યાં મન જ ભોક્તા હોય ત્યાં સર્વે મનભાવન જ હોય.

મનુષ્ય : એટલે ?

ઇન્સ્પેક્ટર : બાલ્ય અવસ્થા દરમિયાનનાં કાર્યો નિર્મળ હોવાથી બંધનમુક્ત રહેતાં તેનાં પરિણામ ભોગવવાં પડતાં નથી. પરંતુ જ્યારે સમજણ જાગૃત થાય. અને આ સમજણ ઉપર સંપૂર્ણ મનનું પ્રભુત્વ હોય અને તેનું પરિણામ અનિશ્ચિત અનુભવાય તો માની લેવું કે યુવાનીની શરૂઆત થઈ.

મનુષ્ય : શું દરેક યુવાનીની શરૂઆત આવી જ હોય છે ?

ઇન્સ્પેક્ટર : ના, જ્યાં મન ઉપર સંસ્કરણ દ્વારા સંસ્કારરૂપી સંયમની લગામ જેના હાથમાં આપવામાં આવી હોય તેઓ અપવાદરૂપ હોય છે.

મનુષ્ય : સંસ્કારરૂપી સંયમની લગામ એટલે શું ?

ઇન્સ્પેક્ટર : જ્યાં પોતાના કાર્યના કર્મમાંથી ઉત્પન્ન થનાર પરિણામ અન્યને સન્માર્ગના અનુભવ કરાવે તે સંસ્કાર છે. દીક્ષિત સંસ્કારની સભાનતામાં સંયમ છે. સંયમ પ્રવૃત્ત જીવનમાં નિર્ણાયક પરિસ્થિતિનું ભાન કરાવે તે લગામ છે

મનુષ્ય : તો આ લગામ કોના હાથમાં હોય છે ?

ઇન્સ્પેક્ટર : આ લગામ ખરેખર મન, બુદ્ધિ અને હૃદયની એકમત સંમતિ દ્વારા નિર્ણાયક શક્તિ કેળવાયેલ હોય તેમના હસ્તક હોય છે.

મનુષ્ય : તો શું આ નિર્ણાયક શક્તિ યુવાનો પાસે નથી હોતી ?

ઇન્સ્પેક્ટર : આપણે જે મનોભૂમિ ઉપર છીએ તે યુવા મનોભૂમિ છે, તેમાં તમને શું અનુભવ થાય છે ?

મનુષ્ય : અનિયંત્રિત જળ, પવન અને અગ્નિમાં જે શક્તિ હોય છે, તેવી શક્તિનો અનુભવ થાય છે.

ઇન્સ્પેક્ટર : પરંતુ જો તેને નિયંત્રિત કરીને ઉપયોગમાં લેવામાં આવે તો ઊર્જા અને હરિયાળીનું સર્જન કરી શકાય છે. તેમ મન અને યુવાનીની શક્તિને એકબીજામાં વિલીન કરીને જે શક્તિ ઉત્પન્ન થાય, તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો નવસર્જન કરી શકાય છે.

મનુષ્ય : આપણે એક જ તથ્યનો વારંવાર ઉપયોગ કરતા હોય તેવું લાગે છે.

ઇન્સ્પેક્ટર : શક્ય છે, એક તથ્યના અનેક પહેલુ હોય છે. અલગ અલગ પહેલુ જ્યારે સંપૂર્ણ સમજીએ ત્યારે તેનું તથ્ય એક જ માલૂમ પડતું હોય છે.

મનુષ્ય : દાખલા તરીકે ?

ઇન્સ્પેક્ટર : મન અને જોબનની અનિયંત્રિત પ્રવૃત્તિમાં ઉન્માદ હોય છે. જ્યારે નિયંત્રિત અથવા સંયમિત પ્રવૃત્તિમાં ઉત્સાહ હોય છે. ઉન્માદ જીવનને પીંખી નાંખ ેછે, જ્યારે ઉત્સાહ નવસર્જનની શક્તિ આપે છે.

સામાન્ય જીવનમાં પુખ્તતાના બે માર્ગ હોય છે - એક શારીરિક અને બીજો માનસિક, અપવાદરૂપ સંજોગો સિવાય શારીરિક પુખ્તતા અગ્રક્રમે હોય છે. જેમાં વિજાતીય આકર્ષણ અને યોગ્ય-અયોગ્યની નિર્ણાયક શક્તિનો અભાવ હોય છે. જીવનનો આ સ્પંદનશીલ સમય હોય છે. આવા સમયમાં મનના ઉન્માદને સમજવામાં ભૂલ કરીએ તો આજીવન તેનાં વિપરીત પરિણામ ભોગવવાં પડે છે, પરંતુ આ જ ઉન્માદને સંયમપૂર્વક ઉત્સાહમાં પરિવર્તિત કરવામાં આવે તો કલ્પવૃક્ષની પ્રાપ્તિ થાય છે. આમ, ઉન્માદથી ઉત્સાહની મનોભૂમિમાં આવવા માટે મનની ભૂમિકા સમજવી રહી.

મનુષ્ય : આપે શારીરિક પુખ્તતા અંગે સંવાદ કર્યો, પરંતુ માનસિક પુખ્તતા અંગે નથી કર્યો.

ઇન્સ્પેક્ટર : હા.

મનુષ્ય : કેમ ?

ઇન્સ્પેક્ટર : માનસિક પુખ્તતા મન, બુદ્ધિ અને હૃદયને સમજ્યા પછી સમજાય, માટે.

મનુષ્ય : તો મન અંગેની સમજણ પૂરી થઈ કે કેમ ?

ઇન્સ્પેક્ટર : ના, નથી થઈ.

મનુષ્ય : તો તે અંગેની સંપૂર્ણ સમજણ આપવા વિનંતી છે.

ઇન્સ્પેક્ટર : મિત્રવર્ય, મનનો વ્યાપ એટલો વિશાળ છે કે આપણે તેનો તાગ મેળવવામાં મર્યાદા અનુભવીએ તેમ છીએ. મન સાત સમુદ્રો કરતાં પણ વિશાળ છે. એટલે કોઈ એક સમુદ્રમાં ડૂબકી મારી અને સર્વજ્ઞ થયા તે આપણો વહેમ છે. મનની સંપૂર્ણ સમજણ તો સર્જનહાર સિવાય કોઈ પણ આપી શકે તેમ નથી !

મનુષ્ય : તો જે મર્યાદિત સમજણ હોય તે મુજબની સમજણ આપો. મનમાં જીવનને પ્રવૃત્તિમય પ્રક્રિયાથી ક્રિયાશીલ રાખવાની પ્રેરક શક્તિ છે. આ શક્તિ, બુદ્ધિ અને હૃદયને જાગૃત કરીને સક્રિય કરે છે. આવી સક્રિયતામાંથી નિર્ણાયક સ્થિતિ અસ્તિત્વમાં આવે છે. નિર્ણાયક શક્તિમાંતી બે પરિણામ અસ્તિત્વમાં આવે છે. એક સકારાત્મક અને બીજું નકારાત્મક. સકારાત્મક પરિણામમાં બુદ્ધિ અને હૃદયની સ્વીકૃતિ હોય છે. જ્યારે નકારાત્મક પરિણામ સ્થિતિનો નિષેધ કરે છે. આમ જ્યારે મન, બુદ્ધિ અને હૃદયની સ્વીકૃતિમાંથી નિર્ણયાત્મકતા કેળવાય ત્યારે સકારાત્મક પરિણામની પ્રાપ્તિ થાય છે.

જેમ કે મન સોનાની ચાહતમાં ખાણમાં જઈને ઢગલાબંધ ધૂળને ઉવેખે પણ સોનાની પ્રાપ્તિ કરી શકે નહીં, પરંતુ મનની આ ચાહત બુદ્ધિને સ્તુત્ય લાગે તો હૃદય પણ સાથે જોડાય છે. આમ ત્રણેય પ્રયત્નશીલ બને તો મન દ્વારા એકત્રિત કરેલ ધૂળને, બુદ્ધિ તેના ચારણા દ્વારા સોનાનાં તત્ત્વોવાળા અંશઓનો સંગ્રહ કરીને બાકીની ધૂળને ત્યજી દે છે. બુદ્ધિએ સંગ્રહ કરેલ તત્ત્વોને હૃદયના અગ્નિકુંડમાં નાખતાં સોનામાં રહેલી અશુદ્ધિઓને ઓગાળી નાખે ત્યારે સોનું પરિણામ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આવી જ પ્રક્રિયા જીવનમાં સત્ય પામવા માટેની હોય છે.

સામાન્યતઃ વાસ્તવિક જીવન વ્યવહારમાં પુખ્તતા પ્રાપ્ત કર્યા બાદ અનેક જરૂરિયાતોમાં મૈથુન અગ્રતાક્રમે હોય છે અને પ્રાકૃતિક સર્જનના સંદર્ભમાં અનિવાર્ય પણ છે, પરંતુ વિકસિત સમાજની આચારસંહિતાના પરિક્ષેપમાં તેની ક્રિયા ગોપનીય છે.

ગોપનીયતા રહસ્યની સર્જક છે. આ રહસ્યોનું તારતમ્ય પ્રાપ્ત કરીને આનંદ ભોગવવા માટે પ્રયત્નશીલ હોય છે. જો તેમાં સફળતા મળે તો તેની પુનઃ પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ થાય છે, જે આદતમાં પરિણમે છે. જો આવી આદત સંયમિત હોય તો તેની કોઈ સામાજિક પ્રતિકૂળ અસરો નથી હોતી, પરંતુ જ્યારે અનિશ્ચિત બને ત્યારે વિકૃત બનીને સામાજિક દૂષણ બની જાય છે અર્થાત્‌ ફક્ત મનના આધિપત્યમાં મૈથુનસુખ ભોગવવામાં વિકૃતિ બની જાય છે, જે સ્વયં અને સામાજિક જીવનને કલુષિત કરનાર તેમ જ હાનિકારક હોય છે, કામને આપણે ફક્ત માનસિક પ્રક્રિયા સમજીએ છીએ, એટલે અસંતોષનો અનુભવ થતો હોય છે. પરંતુ જો હૃદય અને બુદ્ધિની પ્રેરણા ભલે તો સંપૂર્ણ આનંદની પરાકાષ્ઠા અનુભવાય છે અર્થાત્‌ મનની સ્વતંત્ર પ્રવૃત્તિ હંમેશાં નકારાત્મક હોય છે.

મન જ્યારે નિરંકુશ બને છે, ત્યારે સૃષ્ટિની સર્વે મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે. આવી મર્યાદા ભંગનાં પરિણામ જ્યાં સુધી મનપૂરતાં મર્યાદિત હોય ત્યાં સુધી મન જ ભોગવે છે, પરંતુ આવાં પરિણામ જ્યારે બુદ્ધિ, હૃદય અને શરીરે (જીવ) ભોગવવાનાં થાય ત્યારે જીવન કષ્ટમય અનુભવાય છે.

મનુષ્ય : તો તેનો ઉપાય શો ?

ઇન્સ્પેક્ટર : સંભવતઃ બુદ્ધિ અને હૃદયની સુષુપ્ત અવસ્થા કે નિષ્ક્રિયતામાંથી મનને મોકળું મેદાન મળતું હોય તો બન્નેએ જાગૃત થઈને મનને નિરંકુશ થતું રોકવું રહ્યું અને સક્રિય થવું રહ્યું.

મનુષ્ય : હા પણ... મનના ઉન્માદને શાંત કરીને ઉત્સાહમાં પરિવર્તન ન કરી શકાય ?

ઇન્સ્પેક્ટર : મન તેની પ્રાથમિક અવસ્થામાં ગભરુ હોય છે. ગભરુ અવસ્થા દરમિયાનની તેની ઇચ્છાઓ ઘેલછાપૂર્વકની હોય છે. ગભરુ અને ઘેલછાની અવસ્થામાં મનની નિર્ણયશક્તિ મક્કમ નથી હોતી, જો આ સ્થિતિમાં યોગ્ય માર્ગદર્શન કરવામાં આવે તો નિર્ણય બદલી નાખે છે. આવું માર્ગદર્શન આપવાનું કાર્ય બુદ્ધિ અને હૃદયનું છે. જ્યાં માર્ગદર્શનથી નિર્ણય બદલી ન શકાય ત્યાં સમજાવટ અને સમજાવટથી પણ ન માને તો પરિણામનાં ભય દર્શાવીને નિર્ણય બદલવા પ્રયત્ન કરવો રહ્યો તેમ છતાં મન અનાડી બને તો અસહકાર અને અસહકારથી પણ ન માને તો “વિટો” પાવરનો ઉપયોગ કરવો રહ્યો. અસહકાર અને “વિટો” પાવરના ઉપયોગ દરમિયાન અસહકારની ભૂમિકા ખતરનાક સાબિત થઈ શકે છે. જો મનની પ્રવૃત્તિઓને નજરઅંદાજ કરવામાં આવે તો તે સરમુખત્યાર બની જાય છે. તેની સરમુખત્યાર સ્થિતિમાં કોઈની પણ પરવાહ ન કરે ત્યારે તેનાં પરિણામ અનિષ્ટમાં જ પરિણમે છે, તેના નિરાકરણ અર્થે અસહકારની ભૂમિકા દરમિયાન મનની નકારાત્મક ઇચ્છાઓનાં ભોગવવાં પડતાં પરિણામથી તેને સ્થિતિનું ભાન એવી રીતે કરાવવું જોઈએ કે તેમાંથી તેના સ્વમાનની જાગૃતિ થાય. કોઈ એક કામથી ખેદની ભાવના સ્વીકારે તો આશ્વાસન સાથે શાંત્વના આપવી રહી. આવા સમય દરમિયાન શક્ય હોય તે મુજબ નકારાત્મક અને અનિષ્ટ ઇચ્છાઓનાં પરિણામમાંથી ભોગવવાં પડતાં કષ્ટોનું નિરૂપણ કરવું, તે દ્વારા તેની નિર્ણાયક શક્તિ પર પ્રભુત્વ કેળવવું, મન ઉપરનું પ્રભુત્વ એટલે તેના પ્રવાસન દરમિયાન અનૈતિક ઇચ્છાઓનાં વળગણમાંથી મહત્તમ મુક્તિ, તેમ જ નૈતિક અનૈતિક ઇચ્છાઓમાંથી પસંદગીપૂર્વકના નિર્ણય નૈતિક નિર્ણયમાં બુદ્ધિ અને હૃદયના સહકારથી ઉત્સાહનું સર્જન કરી શકાય.

મનુષ્ય : તો મને તેવી મનોભૂમિનાં દર્શન કરાવોને મિત્ર.

ઇન્સ્પેક્ટર : મિત્ર મારો આટલો સંવાદ કર્યા બાદ પણ મારે દર્શન માટે અંગુલિનિર્દેશ કરવો પડે તે મારા...

મનુષ્ય : અરે, અરે, ઓ મિત્ર, શરીર વૃદ્ધાવસ્થા ધારણ કરવા છતાં ચૈતન્યનાં મહાસાગરમાં સર્વ ચેતનાઓની નાવના સુકાની બનીને અહર્નિશ આનંદમાં હોય તેના સાંનિધ્યથી આનંદ અનુભવાય છે.

ઇન્સ્પેક્ટર : તેમના સાંનિધ્યથી આનંદ અનુભવાતા હોય તો તમારે તેમનાં દર્શન પણ કરવાં રહ્યાં, કેમ કે આ એવા તપસ્વીઓની મનોભૂમિ છે, તે જેઓ વાયુને પણ આદરપૂર્વક ગ્રહણ કરે છે. સામાન્યતઃ તપને આપણે કષ્ટના રૂપે સમજતા હોઈએ છીએ, પરંતુ વાસ્તવમાં તે પ્રાકૃતિક અને માનવ આધારિત તથ્યોનું, સૃષ્ટિના સર્જનનું આનંદમય જીવન પ્રસ્થાપિત કરવા માટેના સમાન અને સમતુલિત સત્ય માટેની નિર્ણાયક શક્તિ કેળવવાની પ્રવૃત્ત પ્રક્રિયા છે. આવી પ્રવૃત્ત પ્રક્રિયા જડ ચેતનના કલ્યાણની ભાવનાના સંદર્ભમાં હોવાથી ઐશ્વરીય શક્તિનો પ્રભાવ હોય છે, તેનો તમને અનુભવ થાય છે.

મનુષ્ય : હા, હા, એવું જ અનુભવાય છે, મિત્ર.

ઇન્સ્પેક્ટર : જેમ તેમના સાંનિધ્યથી આનંદ અનુભવાય છે, તેમ તે તેમનાં દર્શનથી વાસ્તવિકતાની અનુભતિ થતાં કલ્પવૃક્ષની કલ્પના, વાસ્તવિક સ્વરૂપે, ફળીભૂત થતી હોવાનો અનુભવ કરી શકશો.

મનુષ્ય : હા મિત્ર, મારી દૃષ્ટિમાં રહેલ દરેક વિકાર શાંત થતા જાય છે અને ઇચ્છિત કામનાઓ પણ શાંત થતી જાય છે.

ઇન્સ્પેક્ટર : જેમના પ્રભાવથી જે કામનાઓ પૂર્ણ થાય છે, તેવો જ પ્રભાવ આપણે કેળવવો રહ્યો.

મનુષ્ય : તેવો પ્રભાવ હું કેળવી શકું છું ?

ઇન્સ્પેક્ટર : તેના માટેનો તો આપણો પ્રવાસ છે.

મનુષ્ય : તો શું આપણો પ્રવાસ પૂર્ણ થાય છે ?

ઇન્સ્પેક્ટર : ના, આપણે જેનો પ્રભાવ છે તેનાથી પ્રભાવિત થયા છીએ. જો ખુદમાં પ્રભાવ સ્થાપિત કરવો હોય તો યાત્રા સંપૂર્ણ કરવી રહી.

મનુષ્ય : અવશ્ય મિત્ર, પરંતુ આ શું ? અનુભવાયું તેનાથી વિરુદ્ધની સ્થિતિ અનુભવાય છે.

ઇન્સ્પેક્ટર : આ અનુભવ પ્રત્યક્ષ સ્વરૂપનો છે કે પરોક્ષ સ્વરૂપનો ?

મનુષ્ય : એટલે ?

ઇન્સ્પેક્ટર : જો, કોઈનો અનુભવ સ્વંયમાં અવતરણ કરીને અનુભવાય ત્યારે પરોક્ષ અનુભવ બને છે, પરંતુ જ્યારે વૈચારિક રીતે સાર-અસારના નિષ્કર્ષ કરીને અનુભવીએ ત્યારે પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપનો અનુભવ કહેવાય છે.

મનુષ્ય : હું બીજા સ્વરૂપના નિષ્કર્ષ ઉપર હોઉં તેવો અહેસાસ થાય છે.

ઇન્સ્પેક્ટર : આપણે જે મનોભૂમિ પર વિહાર કરીએ છીએ, તે આદ્યથી વર્તમાન સુધીના દરેક કાળનો છે.

મનુષ્ય : એટલે ?

ઇન્સ્પેક્ટર : માનવ ઉત્પત્તિથી વર્તમાન સમયના દરેક માનવીની મનોભૂમિનો આ પ્રદેશ છે.

મનુષ્ય : ઓહો, તો શું માનવમાત્રની મનોભૂમિનું સાંનિધ્ય અને દર્શન થઈ શકશે ?

ઇન્સ્પેક્ટર : હા, પણ આપણી યાત્રા “મનુષ્ય બનવા” પૂરતી મર્યાદિત છે.

મનુષ્ય : હા, પણ આદ્યથી આધુનિક મનોભૂમિના સારાંશ સ્વરૂપે તો કંઈ જણાવો.

ઇન્સ્પેક્ટર : આદ્યથી આધુનિક સમય દરમિયાન જ્યારે મનના આધિપત્યમાંથી મનોવિકૃતિનું સર્જન થાય છે, ત્યારે કેવાં પરિણામ હોય છે, તે તરફ પ્રયાણ કરીએ.

મનુષ્ય : અવશ્ય.

ઇન્સ્પેક્ટર : પ્રાચીન સમયમાં લંકા દેશમાં રાવણ નામે રાજા હતો. તે મન, બુદ્ધિ અને હૃદયની એકત્રિત શક્તિ દ્વારા દરેક શક્તિઓ ઉપર વિજય પ્રાપ્ત કરીને સર્વ પ્રકારનો વૈભવ ભોગવતો હતો. તેના મનની દૃષ્ટિ અમર્યાદિત હતી. આ દૃષ્ટિ અયોધ્યાના રાજા રામની રામી પર મન મોહિત થયું, અને તેને પામવા અધીરું બન્યું. જ્યારે બુદ્ધિ અને હૃદયની સંમતિ વિના મનના આધિપત્યમાંથી જે દૃષ્ટિ પ્રાપ્ત થાય છે તેને કુદૃષ્ટિ સમજવામાં આવે છે. તેમાં નૈતિક અને અનૈતિકનાં પરિણામની સભાનતા હોતી નથી.

આવી પરિસ્થિતિમાં તર્ક અને વિતર્કની પ્રબળ શક્તિ ઉત્પન્ન થાય છે. આ શક્તિ અવનવી તરકીબનું આયોજન કરે છે અને તેવી તરકીબ પ્રમાણે શ્રીરામભાર્યા સીતાનું અપહરણ કરે છે. સમગ્ર પ્રસંગ મનના આધિપત્યનું પ્રતિબિંબ છે. સીતામાતાને સામાન્ય મૃગમાં પણ સોનાના મૃગનો આભાસ થવો, લક્ષ્મણરેખાની અવહેલના કરતાં પરિણામ તેમનું અપહરણ થાય છે અને બાકીનું રામાયણ શરૂ થાય છે. અંતમાં લંકાનો વિનાશ અને રાવણનું હનન થાય છે.

માનવજીવનની સર્વોચ્ચ શક્તિઓ પણ જ્યારે મનના આધિપત્યમાં વિવેકભાન ગુમાવતાં હણાતી હોય, તો સામાન્ય મનુષ્યની શું સ્થિતિ થાય તે કલ્પવી રહી. વર્તમાનની વાસ્તવિકતા કલ્પના કરતાં પણ વધુ કરુણાજનક છે તે પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે અનુભવતા હોઈએ છીએ, પરંતુ તેના નિવારણ અંગે ચિંતા કરતા નથી.

મનુષ્ય : હે મિત્ર, મહાભારત, રામાયણ, ગીતા, બાઇબલ, કુરાન અને દરેક ધર્મના ગ્રંથોમાં ધર્મ અને અધર્મના સંઘર્ષમાંથી ઉત્પન્ન થતાં પરિણામમાંથી સત્ય અને અસત્ય પ્રસ્થાપિત કરીને સત્ય સ્વરૂપના આચરણમાં મુક્તતા સમજાવેલ છે. તેનું શું ?

ઇન્સ્પેક્ટર : દરેક ધર્મનું આ સ્તુત્ય પ્રયોજન છે અને પ્રયોજન મુજબ ઐશ્વરીય શક્તિના અસ્તિત્વને સ્વીકારવું અને સ્વીકૃત શક્તિમાંથી માનવીય જીવનની યથાર્થતા પ્રસ્થાપિત કરવાની હોય છે.

સામાન્યતઃ આપણા દરેક ધર્મની અભિવ્યક્તિ સત્ય અને અસત્યને પ્રગટ કરે છે, જેમાં સત્યનું આચરણ કરવા માટેનું આહ્‌વાન કરવામાં આવે છે, પરંતુ આપણી પ્રવૃત્ત પ્રક્રિયા કોઈ રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ ભોજન માણીને આનંદ અનુભવવાનો સંતોષ માનીએ છીએ તેવી હોય છે, એટલે કે આપણે જાણેલ સત્યમાંથી ક્ષણિક આનંદ અનુભવીએ છીએ. આવો અનુભવ જેણે સત્યનું સ્થાપન કરેલ હોય તેમના બાહ્ય જીવન પરથી મેળવતાં હોઈએ છીએ, આંતરિક જીવન ઉપરથી નહીં.

ખરેખર સત્ય આધારિત આચરણ કરીને કાયમી પ્રસન્નતાનું સ્થાપન કરવું હોય તો આંતરિક રીતે પ્રવૃત્ત થવુ.ં આપણા જીવનનું સત્ય એક હોય છે, પરંતુ તેનું આચરણ અલગ અલગ હોય છે. જેમ કે ઈશ્વર એક છે તે સનાતન સત્ય છે, પરંતુ તેનાથી અનુભૂત થવાની બાહ્ય પ્રક્રિયા અલગ અલગ હોય છે. જ્યારે તેની આંતરિક પ્રક્રિયા એક જ હોય છે. બાહ્ય પ્રક્રિયા વાસ્તવિક સત્યને ભ્રમિત કરનાર હોઈ તેમાંથી અનુભવાતી પ્રસન્નતા પણ ભ્રમિત સ્વરૂપની હોય છે. આવી ભ્રમણા અનેક અનિષ્ટોની સર્જક હોય છે. જ્યારે આંતરિક પ્રક્રિયા દ્વારા સ્થાપેલ સત્‌, મન, બુદ્ધિ અને હૃદયના સમન્વયમાંથી ઉત્પન્ન થયેલ પાવિત્ર્યના આચરણ આધારિત હોઈ શુદ્ધ સ્વરૂપનું હોય છે, તેથી તેનાં દરેક પરિણામ પ્રસન્નતામાં પરિણમતાં હોય છે.

જો ઉપરોક્ત સંવાદને સહજ રીતે સમજવો હોય તો ગાંધીજીની પ્રવૃત્ત પ્રક્રિયાને સમજવી રહી. તેમના માટે સ્વતંત્રતા સત્ય છે. આ સત્યને પ્રાપ્ત કરવાની બાહ્ય પ્રવૃત્ત પ્રક્રિયા હિંસા અને વિનાશ છે. આવી પ્રવૃત્તિ હિંસક અને વિનાશક હોઈ અપવિત્ર બની જાય છે, તેથી આંતરિક પ્રવૃત્ત પ્રક્રિયા દ્વારા અહિંસા અને સત્યાગ્રહની શક્તને પ્રાપ્ત કરીને આચરણમાં મૂકતાં જે સત્ય પામવું હતું તે પામ્યા. આમ, બાહ્ય પ્રવૃત્ત પ્રક્રિયામાં સાધ્ય ધ્યેય કોઈ પણ એક નિર્ણાયક શક્તિનો અભાવ વર્તાતો હોય છે. જ્યારે આંતરિક પ્રક્રિયામાં સમભાવ થતાં સાધ્ય ધ્યેય પવિત્ર બની જાય છે.

મનુષ્ય : હે પરમ મિત્ર, આપનો સંવાદ સમજવામાં અઘરો લાગે છે, જો હું સમજી શકીશ તો તે મુજબનું આચરણ કરી શકીશ અને આચરણ કરીશ તો વાસ્તવિક માનવજીવનનો વૈભવ ભોગવી શકીશ.

ઇન્સ્પેક્ટર : હે મિત્ર, આ મુક્તિ તમારા એકલાની નથી, આપણા સર્વની છે, ઐશ્વરીય શક્તિની કામના કરતાં પહેલાં માનવીય શક્તિને પવિત્ર કરવી રહી.

મનુષ્ય : તે કેવી રીતે કરી શકાય ?

ઇન્સ્પેક્ટર : આપણાં મન, બુદ્ધિ અને હૃદયની સક્રિયતામાંથી વર્તન અસ્તિત્વમાં આવે છે. આ વર્તન કોઈ પણ એકના આધિપત્યના આધારે નહીં, પરંતુ ત્રણેની મુક્ત સંમતિ દ્વારા થતું હોવું જોઈએ. મુક્ત સંમતિ દ્વારા કરેલ આચરણનું પરિણામ શુદ્ધ સ્વરૂપનું હોય છે. શુદ્ધ સ્વરૂપના પરિણામનું કર્મફળ પણ શુદ્ધ સ્વરૂપનું હોય છે. આ ફળના ઉપભોગમાંથી જે શક્તિનું સર્જન થાય છે, તેના ગર્ભમાં પવિત્રતાનું બીજ હોય છે. આ બીજના વિકાસથી જીવનનો સાત્ત્વિક વિકાસ થાય છે. સાત્ત્વિક વિકાસ આનંદ અને શાંતિનું પરિણામ કર્તા છે. હે મિત્ર, આનંદ અને શાંતિ પ્રસન્નતાનો સ્રોત છે. તેને જીવંત રાખવો હોય તો આપણે બુદ્ધિની મનોભૂમિની યાત્રા કરવી રહી.

મનુષ્ય : અવશ્ય મિત્ર, બુદ્ધિ પ્રદેશની યાત્રા શરૂ કરીએ ?

ઇન્સ્પેક્ટર : બુદ્ધિ પ્રદેશમાં પ્રવેશ કરતાં પહેલાં આપણે આપણા સર્વ પ્રકારના પૂર્વગ્રહને બાજુએ રાખીએ.

મનુષ્ય : અવશ્ય મિત્ર, હું સર્વે પ્રકારના પૂર્વગ્રહથી મુક્ત થાઉં છું.

ઇન્સ્પેક્ટર : આટલી સરળતાથી ?

મનુષ્ય : હા મિત્ર, જો હું સરળતાપૂર્વક મુક્ત ન થાઉં તો અધવચ્ચે જ ક્યાંય પીટાઈ જાઉં.

ઇન્સ્પેક્ટર : ઓહો... કોઈ અનુભવ થયો હોય તેમ લાગે છે !

મનુષ્ય : હા મિત્ર, એક નહીં અનેક, દિનચર્યાની શરૂઆતથી અંત સુધી પૂર્વગ્રહપૂર્વક વર્તન કરું તો રાતની નિદ્રા પણ હરામ થઈ જાય.

ઇન્સ્પેક્ટર : એ કેવી રીતે ?

મનુષ્ય : સામાન્ય જીવન વ્યવહાર દરમિયાન દરેક વ્યક્તિ પોતાની બુદ્ધિક્ષમતા પુરવાર કરવાની હરીફાઈમાં હોય છે.

ઇન્સ્પેક્ટર : હરીફાઈ ?

મનુષ્ય : હા, હરીફાઈ.

ઇન્સ્પેક્ટર : શા માટે ?

મનુષ્ય : પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે.

ઇન્સ્પેક્ટર : પણ એ તો સાત્ત્વિક વિકાસ માટે જરૂરી છે.

મનુષ્ય : સાત્ત્વિક વિકાસ માટેનો સ્વાર્થ હોય તો સ્વીકાર્ય છે, પરંતુ જ્યાં તે સિવાયનો સ્વાર્થ કેન્દ્રબિંદુ હોય તેવા સંઘર્ષમાં ઊતરતો નથી.

ઇન્સ્પેક્ટર : તો પછી એક નહીં, અનેક અનુભવ કેવી રીતે થાય ?

મનુષ્ય : નાસ્તિકતાના બિરુદમાંથી.

ઇન્સ્પેક્ટર : નાસ્તિકતા ?

મનુષ્ય : હા, નાસ્તિકતા, કોઈનો અગડમ્‌-બગડમ્‌ દલીલમાં સહમત થાઓ તો કંઈ નહીં, અને ન થાઓ તો નાસ્તિક.

ઇન્સ્પેક્ટર : હં, હવે આપણે બુદ્ધિપ્રદેશના ક્ષેત્રમાં પ્રવેશ કર્યાનું પ્રતીત થાય છે.

મનુષ્ય : તે કેવી રીતે ?

ઇન્સ્પેક્ટર : તમારા સંવાદ પરિચયથી.

મનુષ્ય : તો શું તમો મારી કસોટી કરો છો ?

ઇન્સ્પેક્ટર : ના એવું નથી, પણ આ બુદ્ધિ પ્રદેશમાં પ્રવેશની ખાતરી છે.

મનુષ્ય : હા...હા... (હાસ્ય)

ઇન્સ્પેક્ટર : કદાચ તમે પ્રથમ વાર હસ્યા હોય તેવું લાગે છે.

મનુષ્ય : આપનું અનુમાન સાચું છે.

ઇન્સ્પેક્ટર : અનુમાન નહિ, અનુભવ, ઉચ્છૃંખલ હાસ્ય, વાસ્તવિકતાનો છેદ ઉડાવવા માટેનું હોય છે.

મનુષ્ય : શું મારું હાસ્ય ઉચ્છૃંખલ હતું ?

ઇન્સ્પેક્ટર : જો “હા” કહું તો તમો હાસ્યનું સત્ય કારણ જણાવીને મારા અનુભવને ખોટો ઠેરવી શકશો ?

મનુષ્ય : તે શક્ય નથી.

ઇન્સ્પેક્ટર : તો હું સાચો છું અને તે બુદ્ધિપ્રદેશના વિહાર દરમિયાન નિરીક્ષણ દ્વારા ખાતરી કરીશું.

મનુષ્ય : આપ અવશ્ય સાચા હશો ?

ઇન્સ્પેક્ટર : હશો નહીં છું.

મનુષ્ય : હા બાબા - “છો” પણ આપને કેવી રીતે ખબર પડી ?

ઇન્સ્પેક્ટર : તે માટે આપણે...

મનુષ્ય : હું તૈયાર છું. ચાલો પ્રયાણ કરીએ ?

ઇન્સ્પેક્ટર : હા, ચાલો. જુઓ આ બુદ્ધિનો પ્રદેશ છે.

મનુષ્ય : પણ આ તો ઉકરડા જેવો પ્રદેશ છે.

ઇન્સ્પેક્ટર : તમે તેનાથી કંઈ વિશેષ અનુભવો તે પહેલાં કેટલીક સ્પષ્ટતા કરી લઈએ.

મનુષ્ય : સ્પષ્ટતા ?

ઇન્સ્પેક્ટર : હા, સ્પષ્ટતા. જે પ્રદેશમાં પ્રવાસ કરવાના હોય તેની પ્રાથમિક જાણકારી હોવી જોઈએ.

મનુષ્ય : કેવી જાણકારી ?

ઇન્સ્પેક્ટર : એવી જાણકારી કે જે પહેલાથી જાણતા હોય તો તેનો અચંબો ન થાય અને ભૂલા પણ ન પડાય.

મનુષ્ય : એવું તે શું હોય કે તેનાથી અચંબો થાય ?

ઇન્સ્પેક્ટર : “ઉકરડો” જેવું લાગવું અચંબાજનક નથી ?

મનુષ્ય : ઓહો....

ઇન્સ્પેક્ટર : ઓહો નહીં, અન્વેષણમાં સત્યાર્થ સમજવા હોય તો વાસ્તવિકતાથી આશ્ચર્ય ન અનુભવાય.

મનુષ્ય : તો હું તટસ્થતા ધારણ કરું છું.

ઇન્સ્પેક્ટર : તો જ સત્ય સમજાશે.

મનુષ્ય : હવે પછી આપનું અનુસરણ કરીશ.

ઇન્સ્પેક્ટર : સંપૂર્ણ સભાનતા સાથેનું અનુસરણ કરવું આવશ્યક છે.

મનુષ્ય : આવશ્યકતા પૂર્ણ કરીશ.

ઇન્સ્પેક્ટર : જુઓ, જેમ મનની પ્રકૃતિ હોય છે, તેમ બુદ્ધિની પણ પ્રકૃતિ હોય છે.

મનુષ્ય : હા, કેવા પ્રકારની ?

ઇન્સ્પેક્ટર : જેમ કે અલ્પવિકસિત, અર્ધવિકસિત, પવિત્ર, અપવિત્ર વગેરે...

મનુષ્ય : મૂળભૂત રીતે તે તેવી હોય છે ?

ઇન્સ્પેક્ટર : તે જાગૃતિની અવસ્થા ઉપર આધારિત છે.

મનુષ્ય : એટલે ?

ઇન્સ્પેક્ટર : સામાન્યતઃ મનનું કોઈ શારીરિક અંગ હોતું નથી, પરંતુ બુદ્ધિનું અંગ મગજ માનવામાં આવે છે. જો મગજને બુદ્ધિનું અંગ માનવામાં આવે તો તેની વિશાળતા મર્યાદિત થઈ જાય છે.

મનુષ્ય : તો શું મગજ એ બુદ્ધિ નથી ?

ઇન્સ્પેક્ટર : ના, મગજ શરીરના તેમ જ જીવનવ્યવહારમાંથી જે માહિતી પ્રાપ્ત કરે છે તે માહિતીઓનું પૃથક્કરણ કરીને માર્ગદર્શન દ્વારા પરિણામ જણાવે છે, જ્યાં સુધી માર્ગદર્શન મુજબ પ્રવૃત્ત ન થવાય ત્યાં સુધી પરિણામ પ્રાપ્ત ન કરી શકાય.

મનુષ્ય : તો શું આ બુદ્ધિનું કાર્ય નથી ?

ઇન્સ્પેક્ટર : ના, આ મગજનું કાર્ય છે.

મનુષ્ય : તો બુદ્ધિનું કાર્ય શું ?

ઇન્સ્પેક્ટર : બુદ્ધિનું કાર્ય સમજતાં પહેલાં પરિચય જરૂરી છે.

મનુષ્ય : તો તેનો પરિચય આપો.

ઇન્સ્પેક્ટર : પરિચય તો આપું પણ તમે બુદ્ધિથી કેટલા પરિચિત છો તે જણાવો.

મનુષ્ય : હું પરંપરાગત રીતે લોકસમજમાં જે પરિચય હોય છે, તે સમજ મુજબ ઓળખું છું.

ઇન્સ્પેક્ટર : લોકસમજ દ્વારા જે પરિચય કેળવ્યો હોય તે મુજબ સમજવો.

મનુષ્ય : મારી સમજણ મુજબ જે લોકો બહુ હોશિયાર હોય છે, તે બુદ્ધિશાળી હોય છે.

ઇન્સ્પેક્ટર : હં...

મનુષ્ય : બસ જે બુદ્ધિશાળી હોય તે હોશિયાર હોય છે.

ઇન્સ્પેક્ટર : તેથી વિશેષ ?

મનુષ્ય : કંઈ નહીં.

ઇન્સ્પેક્ટર : હોશિયારીમાં બુદ્ધિની ઓળખ પૂરી થાય છે, એમ ને ?

મનુષ્ય : હા.

ઇન્સ્પેક્ટર : તો કોઈ હોશિયાર માણસ ખાડાામં પડે તો તેમને શું સમજશો ?

મનુષ્ય : આ તો આપનો અઘરો પ્રશ્ન છે, તે હું નહીં સમજાવી શકું. ખેર, આપ જે સમજાવશો તે બુદ્ધિનો વાસ્તવિક પરિચય હશે.

ઇન્સ્પેક્ટર : માનવમિત્ર, બુદ્ધિનો શાબ્દિક અર્થ તો ભેજું કે મગજની સમાનઅર્થી હોય છે. એટલે સહજ રીતે સમજી શકાય તેમ છે અને સમજતા પણ હોઈએ છીએ.

મનુષ્ય : કદાચ હું ન સમજતો હોઉં તો ?

ઇન્સ્પેક્ટર : આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જાણવા સમજવા માટેની માનસિક શક્તિ કે ચિંતન શક્તિનું કેન્દ્ર થાય.

મનુષ્ય : આ તો અધૂરી સમજણ હોય તેમ લાગે છે.

ઇન્સ્પેક્ટર : આપણે વૈચારિક શક્તિના સંદર્ભમાં વિચારીશું તો અવશ્ય અધૂરી લાગે છે.

મનુષ્ય : વૈચારિક શક્તિના સંદર્ભમાં સમજાવો ને, મિત્ર !

ઇન્સ્પેક્ટર : ચાલો, તે મુજબ સમજવા પ્રયત્ન કરીએ. સામાન્યતઃ બુદ્ધિ, મન અને હૃદયના આવેગો સ્વીકારવાના, સમજવાના અને તેમાંથી સકાર અને નકાર સ્વરૂપના તથ્યોને અલગ કરીને શું સ્વીકારવું અને શું ત્યજવું તેનું માર્ગદર્શન કરે છે. મન અને હૃદય માર્ગદર્શન સ્વીકારે કે કેમ ? તે તેમનો અંગત નિર્ણય છે.

મનુષ્ય : તો શું બુદ્ધિનું કોઈ કાર્ય સ્વતંત્ર નથી હોતું ?

ઇન્સ્પેક્ટર : હા, જૈવિક પ્રક્રિયાના કાર્ય સિવાય કોઈ સ્વતંત્ર કાર્ય નથી હોતું.

મનુષ્ય : એમ કેમ ?

ઇન્સ્પેક્ટર : જેમ ઘંટીમાં દાણા નાખ્યા સિવાય લોટ ન મળે તેમ બુદ્ધિમાં મન અને હૃદય દ્વારા ઉત્પન્ન થયેલા આવેગો ન નાખવામાં આવે, ત્યાં સુધી કોઈ પરિણામ કલ્પી ન શકાય.

મનુષ્ય : તો શું બુદ્ધિ વગર ચાલે ખરું ?

ઇન્સ્પેક્ટર : જૈવિક રીતે મૃતઃપ્રાય સ્થિતિમાં આવી જવાય, જ્યારે વૈચારિક રીતે ગાંડપણ કે મૂર્ખતામાં ગણતરી થાય.

મનુષ્ય : મિત્ર મારા, ન મારે મૃતઃપ્રાય સ્થિતિ અનુભવવી કે નથી ગાંડપણ, એટલે જે સાચી સમજણ હોય તે આપો.

ઇન્સ્પેક્ટર : સાચી સમજણ માટે કોઈ પૂર્ણ માનવીના જીવનને સૂક્ષ્મ રીતે સમજવું રહ્યું.

મનુષ્ય : તો આપની દૃષ્ટિમાં જે પૂર્ણ માનવ હોય તેમનો આધાર લઈને સમજાવો.

ઇન્સ્પેક્ટર : તમારી દૃષ્ટિમાં કોઈ પૂર્ણ માનવ ખરો ?

મનુષ્ય : મારી દૃષ્ટિ તો ધાર્મિક-આચરણના પરિપ્રેક્ષ્યમાં ટૂંકી દૃષ્ટિ હોઈ શકે, એટલે અન્ય ધર્મ કે સમાજની વ્યક્તિમાં કોઈ તો અપૂર્ણતા દેખાશે જ.

ઇન્સ્પેક્ટર : એટલે ?

મનુષ્ય : દા.ત. હું હિન્દુ છું એટલે ગાય મારા માટે પૂજનીય છે, જ્યારે મુસ્લિમ કે અન્ય ધર્મની વ્યક્તિને ગાય માટે તેવો ભાવ ન પણ હોય એટલે અન્ય ધર્મની વ્યક્તિ પૂર્ણ હોવા છતાં મારા માટે અપૂર્ણ હોઈ શકે છે.

ઇન્સ્પેક્ટર : ખરેખર તો આપણે જે બુદ્ધિને સમજવા પ્રયત્ન કરીએ છીએ, તેવી બુદ્ધિને ધારણ કરનાર આવાં કારણોથી મુક્ત હોય છે.

મનુષ્ય : એટલે ?

ઇન્સ્પેક્ટર : જેઓને બુદ્ધિ પ્રાપ્ત થાય છે, તેઓ સત્યને પ્રાપ્ત કરે છે. સત્યમાં પરમ શક્તિની ઓળખ હોય છે. આ ઓળખ સમભાવ સ્વરૂપની હોય છે. સમભાવમાં “સ્વ”નું અસ્તિત્વ હોય છે. જ્યાં “સ્વ”નું અસ્તિત્વ હોય ત્યાં કોઈ ભેદ નથી હોતો અને જ્યાં ભેદ નથી હોતો ત્યાં પાવિત્ર્ય ખંડિત નથી હોતું. જેઓનું પાવિત્ર્ય અખંડિત હોય તેો દરેક કારણોથી મુક્ત હોય છે.

મનુષ્ય : હે મિત્ર, જ્યાં સુધી બુદ્ધિના સ્વરૂપને નહીં સમજાવો ત્યાં સુધી તમારો સંવાદ મોઘમ સ્વરૂપનો લાગે છે, એટલે પહેલાં બુદ્ધિથી પરિચિત કરાવો.

ઇન્સ્પેક્ટર : ઓ મારા જિજ્ઞાસુ મિત્ર, આપણે મગજ, ભેજું કે બુદ્ધિની સામાન્ય સમજણ મુજબ સમજીએ છીએ. તે મુજબ જાણવા, સમજવાની જે શક્તિ છે તેને બુદ્ધિ કે ચિંતનાત્મક સ્વરૂપે સમજ્યા, પરંતુ જાણવા સમજવા કે ચિંતનાત્મક શક્તિ આવી ક્યાંથી ?

મનુષ્ય : હું પણ એ જ જાણવા માગું છું કે તે આવી ક્યાંથી ?

ઇન્સ્પેક્ટર : હું તમને પ્રશ્ન કરું છું તો સામે તમો પણ એ જ પ્રશ્ન કરો છો ?

મનુષ્ય : તો હું કરી પણ શું શકું ?

ઇન્સ્પેક્ટર : તમારે જે કરવાનું હતું તે કર્યું.

મનુષ્ય : મેં શું કર્યું ?

ઇન્સ્પેક્ટર : પ્રશ્ન...

મનુષ્ય : તો... હવે ના કરું ?

ઇન્સ્પેક્ટર : ના...ના... પ્રશ્ન કરો.

મનુષ્ય : એમ કેમ ?

ઇન્સ્પેક્ટર : એમ કેમ એટલા માટે કે, પ્રશ્ન અને તેના નિરાકરણ વચ્ચે જ બુદ્ધિની ઓળખ સમાયેલી છે.

મનુષ્ય : તે કેવી રીતે ?

ઇન્સ્પેક્ટર : સામાન્ય રીતે વૈજ્ઞાનિક પ્રક્રિયા અને વૈચારિક પ્રક્રિયા વચ્ચેની સમાનતા સંપૂર્ણ સમજણ વગર આભાસ સ્વરૂપની લાગતી હોય છે. આભાસ થવો તે પણ બુદ્ધિના વિકાસનું પ્રથમ ચરણ છે.

મનુષ્ય : કદાચ હું સમજ્યો નથી મિત્ર.

ઇન્સ્પેક્ટર : તે સમજાવાવનો મારો પ્રયત્ન ચાલુ છે, મિત્ર. જુઓ વિજ્ઞાન જેમ સિદ્ધાંતો દ્વારા તેનું સત્ય સાબિત કરીને સમજાવે છે, તેમ જીવન અંગે પણ વૈચારિક સિદ્ધાંતથી વાસ્તવિક સત્ય સમજાવી શકાય છે. અત્રે યાદ રહે કે વૈજ્ઞાનિક સત્યો પણ વૈચારિક શક્તિોમાંથી પ્રાપ્ત થયેલ સત્યોનો એક ભાગ છે.

મનુષ્ય : એટલે કે વૈજ્ઞાનિક સત્યો પણ વૈચારિક સત્યોનો એક ભાગ છે.

ઇન્સ્પેક્ટર : હા, પણ તેની સમજણ સંવાદના અંતે સમજાશે.

મનુષ્ય : તો હે મિત્ર મારા, મારી જિજ્ઞાસા જ્યાં સુધી તીવ્ર છે ત્યાં સુધી સંવાદના અંત સુધી લઈ જાઓ.

ઇન્સ્પેક્ટર : અવશ્ય અને એટલે જ મગજ અને બુદ્ધિ વચ્ચેની સમાનતા અને તફાવત સમજવા પ્રયત્ન કરીએ છીએ.

મનુષ્ય : સમજાવો મિત્ર.

ઇન્સ્પેક્ટર : મગજ અને બુદ્ધિ વચ્ચે સમાનતા એ છે કે, બંનેની પ્રવૃત્ત પ્રક્રિયામાંથી ઉત્પન્ન થતાં પરિણામ સમાનપણે અનુભવાય છે. એટલે કે, મગજ અને બુદ્ધિની પ્રવૃત્ત પ્રક્રિયા એકસમાન હોય છે, પરંતુ બંનેના સ્વરૂપમાં તફાવત હોય છે.

મનુષ્ય : એટલે ?

ઇન્સ્પેક્ટર : મગજની પ્રવૃત્ત પ્રક્રિયા કોઈ પણ એક તથ્ય ઉપર આધારિત હોય છે, જ્યારે બુદ્ધિની પ્રવૃત્ત પ્રક્રિયા અનેક તથ્યો ઉપર આધારિત હોય છે.

મનુષ્ય : તે કેવી રીતે ?

ઇન્સ્પેક્ટર : મગજ કોઈ પણ એક તથ્ય ઉપર પ્રવૃત્ત થઈને જે તથ્યનું સર્જન કરે છે, આવાં અનેક સર્જનોમાંથી પ્રકાશપુંજનું (જ્ઞાન) સર્જન થાય છે. આ પ્રકાશપુંજની પરિપક્વતામાંથી બુદ્ધિનું સર્જન થાય છે. એટલે મગજની પરિપક્વતા માટે ક્યારેક શંકા સેવી શકાય, પરંતુ બુદ્ધિ માટે શંકાને કોઈ સ્થાન નથી હોતું.

જો ઉપરોક્ત હકીકતને સહજ રીતે સમજવા પ્રયત્ન કરીએ તો જ્યોત અને તેના પ્રકાશ દ્વારા સમજી શકાય. મગજ એ જ્યોતિનું સ્વરૂપ છે, જ્યારે બુદ્ધિ તેના પ્રકાશનું સ્વરૂપ છે. જ્યોતિનું એક જ તથ્ય છે, પ્રગટવું. જ્યારે પ્રકાશનું તેની મર્યાદામાં આવતા ક્ષેત્રને પ્રકાશિત કરવાનું. જ્યોત એક સત્યને પ્રકાશિત કરે છે, જ્યારે પ્રકાશ અનેક સત્યોને સામાન્યતઃ ભૂતકાળથી વર્તમાન સુધીના પ્રાકૃતિક તેમ જ તેના સર્જનની પ્રવૃત્ત પ્રક્રિયા દરમિયાન જે રહસ્યો પ્રગટ થયાં હોય, તેની જાણકારી અને સમજદારી કેળવી હોય અને તેને પૂરક જે વિશેષ રહસ્યો હોય, તે ભવિષ્ય માટે આવિષ્કૃત કરી શકવાની શક્તિને “બુદ્ધિ” તરીકે સમજી શકાય.

જ્યારે આવી બુદ્ધિ કેળવાય ત્યારે કોઈ પણ તથ્યના સત્ય અને અસત્ય સકાર અને નકારનાં પરિણામોને જાણી શકે છે અને તેનો નિર્દેષ પણ કરી શકે છે.

મનુષ્ય : તો આ નિર્દેશ સ્વીકારવો કોણે ?

ઇન્સ્પેક્ટર : મન અને હૃદયે.

મનુષ્ય : તો શું મન અને હૃદયને સ્વતંત્ર બુદ્ધિ નથી હોતી. તો શું તેમને પરતંત્ર બુદ્ધિ હોય છે ?

ઇન્સ્પેક્ટર : ના, પણ અહીંયાં પ્રાકૃતિક નિયમ લાગુ પડે છે.

મનુષ્ય : તે કેવી રીતે ?

ઇન્સ્પેક્ટર : પ્રાકૃતિક નિયમ સહ-અસ્તિત્વ અને પૂરકની ભૂમિકાઓ હોય છે.

મનુષ્ય : એટલે ?

ઇન્સ્પેક્ટર : મન, બુદ્ધિ અને હૃદયના સહ-અસ્તિત્વ અને પૂરકમાં પૂર્ણતા છે.

મનુષ્ય : જો આ પૂર્ણતા પ્રાપ્ત ન કરી શકાય તો ?

ઇન્સ્પેક્ટર : અનેક અનર્થનું સર્જન થાય છે.

મનુષ્ય : કેવી રીતે ?

ઇન્સ્પેક્ટર : પ્રવૃત્તિમય પ્રક્રિયા દરમિયાન બુદ્ધિનું જ આધિપત્ય સ્થપાય અને આ આધિપત્ય સાત્ત્વિક કે સકારાત્મક સ્વરૂપના ના હોય તો અનર્થોની પરંપરાનું સર્જન થાય છે. પૂર્ણ સ્વરૂપના નિર્ણય વિરુદ્ધના દરેક નિર્ણય માનવસમાજ માટે વિનાશક હોય છે. જેના પ્રાચીનથી વર્તમાન સમય દરમિયાન અનેક પ્રસંગો છે. જેમ કે મહાભારતમાં શકુનિનું પાત્ર, શકુનિ ઉપર બુદ્ધિનું આધિપત્ય હતું, પરંતુ આ આધિપત્ય નકારાત્મક અને અસત્ય સ્વરૂપનું હતું, તેની દરેક વ્યૂહરચના ષડ્‌યંત્રથી ભરેલી હોવાના કારણે તેમનો તો વિનાશ થયો, પરંતુ સમગ્ર કૌરવકુળ, ધર્મધુરંધરો અને રાજામહારાજાઓનો પણ વિનાશ થયો.

વર્તમાન સમયના ભૌતિક વિકાસ દ્વારા માનવ સુખાકારી માટે અનેક સાધનોની શોધ થયેલ છે. આ સાધનો અને સામગ્રીનું જ્ઞાન જેમ જેમ નકારાત્મક બુદ્ધિ ધરાવતાં કરતાં જાય છે, તેમ તેમ માનવ-સમાજ ભયગ્રસ્ત સ્થિતિમાં મુકાતો જાય છે અને આ ભય ક્યારે વાસ્તવિકતા ધારણ કરશે તેનો કોઈ સમય નક્કી કરી શકાય તેમ નથી. જો કોઈ સમાધાનકારી વાતાવરણ સર્જવું હોય તો મનુષ્ય જે કોઈ પણ પ્રકારના કાર્યને અમલમાં મૂકે તે પહેલાં વૈચારિક ભૂમિકામાંથી પસાર થાય તેવું વાતાવરણ સર્જવું આવશ્યક છે.

મનુષ્ય : હે મિત્ર, મગજ અને બુદ્ધિની પ્રવૃત્ત પ્રક્રિયા દરમિયાન તેના આધિપત્યમાં સકારાત્મક અને નકારાત્મક પરિણામની ભૂમિકા અંગે મારી સમજણની મર્યાદા મુજબ તો સમજ્યો, પરંતુ પ્રવૃત્ત પ્રક્રિયા દરમિયાન તે કોની છે, તે સમજવા માટે અવઢવમાં પડી જાઉં છું.

ઇન્સ્પેક્ટર : મગજ અને બુદ્ધિના આદેશાત્મક વર્તનનો ભેદ સમજવામાં તો મને પણ તકલીફ પડે છે, તેથી જ્યારે સકારાત્મક તથ્યો મુજબનું વર્તન હોય તો બુદ્ધિનું હોવાનું માની લઉં, પરંતુ જ્યારે નકારાત્મકતાના અનુમાન તરફ ઢળતું હોય તો તે મગજનું વર્તન માનીને સચેત થઈ જાઉં છું.

મનુષ્ય : બરોબર.

ઇન્સ્પેક્ટર : તદ્‌ઉપરાંત જે તથ્યો મગજના અંત સાથે અસ્ત થાય છે, એટલે કે વ્યક્તિના અંત સાથે જ સમાપ્ત થાય છે તે મગજની પ્રવૃત્તિ દ્વારા અસ્તિત્વમાં આવેલાં તથ્યો હોય છે. પરંતુ જ્યારે વ્યક્તિ કે વ્યક્તિના મગજના અંત પછી પણ જે સત્ય પ્રવર્તમાન રહે છે, તે બુદ્ધત્વ તથ્યોમાંથી પ્રકાશિત થયેલ હોય છે અને આ પ્રકાશન મુજબનાં વર્તન હંમેશાં સકારાત્મક હોય છે. સકારાત્મક વર્તનમાંથી વિકાસનું સર્જન થાય છે. જો આ પ્રકાશન નકારાત્મક તથ્યો આધારિત હોય તો તેમાંથી અધોગતિ અને વિનાશ તરફ દોરી જાય છે.

મનુષ્ય : પરંતુ હે મિત્ર, આ સકારાત્મક અને નકારાત્મત તથ્યોનું પ્રકાશન કેવી રીતે થાય છે ?

ઇન્સ્પેક્ટર : તે માટે આપણે હૃદય અને હૃદયની મનોભૂમિમાંથી પસાર થવું પડે.

મનુષ્ય : તો હૃદય અને હૃદયભૂમિનો પણ મને અનુભવ કરાવો.

ઇન્સ્પેક્ટર : અવશ્ય મિત્ર, ચાલો આપણે હૃદયભૂમિ તરફ પ્રયાણ કરીએ.

(હૃદયભૂમિમાં પ્રવેશ કરે છે.)

મનુષ્ય : હે મિત્ર, આ શું ? શીતળતા અને દાહકતા, પ્રેમ અને ધિક્કાર, આશીર્વાદ અને શ્રાપ, દોસ્તી અને દુશ્મની, દયા અને ક્રૂરતા, સુખ અને દુઃખ, ઉત્સાહ અને નિરાશા, હર્ષ અને શોકથી વિભાજિત પ્રદેશ જણાય છે.

ઇન્સ્પેક્ટર : હા મિત્ર, તે આ મનુષ્યન અમૃત અને વિષથી ભરેલ હૃદય-પ્રદેશ છે.

મનુષ્ય : પરંતુ આ તો સ્થિતિસ્થાપક છે.

ઇન્સ્પેક્ટર : આપણા જીવનની અશુદ્ધિઓ શુદ્ધ કરવાની પ્રક્રિયા માટે સ્થિતિસ્થાપક હોવું આવશ્યક છે.

મનુષ્ય : તો શું માનવીય નકારાત્મક અશુદ્ધિઓના સકારાત્મક શુદ્ધીકરણની પ્રક્રિયા પણ આ જ રીતે થાય છે ?

ઇન્સ્પેક્ટર : હા, પણ તેમાં એક તફાવત છે.

મનુષ્ય : એટલે ?

ઇન્સ્પેક્ટર : શરીરની અશુદ્ધિઓની શુદ્ધ કરવાની પ્રક્રિયા કુદરતના હાથમાં છે. જ્યારે તે સિવાયની અશુદ્ધિઓને શુદ્ધ કરવાની પ્રક્રિયા મનુષ્ય હસ્તક છે.

મનુષ્ય : સમજ્યો, પરંતુ તે સિવાયની અશુદ્ધિઓ શુદ્ધ કરવાની પ્રક્રિયા કુદરત હસ્તક કેમ નહીં ?

ઇન્સ્પેક્ટર : જો તેમ હોય તો આપણા બંનેનું અસ્તિત્વ જ ન હોય.

મનુષ્ય : તો શું આપણે કુદરતની બરાબરીનું કાર્ય કરીએ છીએ ?

ઇન્સ્પેક્ટર : “હા” પણ ખરું અને “ના” પણ ખરું, જે અત્રે સમજવાનો કે સમજાવવાનો આગ્રહ ન કરો તો સારું.

મનુષ્ય : અરે મિત્ર, આપને યોગ્ય લાગે ત્યારે સમજાવજો.

ઇન્સ્પેક્ટર : અવશ્ય.

મનુષ્ય : તો હવે આપણે શું કરીશું ?

ઇન્સ્પેક્ટર : જે બે ક્ષેત્રવાળી ભૂમિ જોઈ ? તેનું અન્વેષણ (તપાસ) કરો.

મનુષ્ય : આપણે કહેતા હતા કે...

ઇન્સ્પેક્ટર : અન્વેષણ નહીં કરવાનું તો મેં ક્યાં ના પાડી છે ?

મનુષ્ય : એમ ?

ઇન્સ્પેક્ટર : હા.

મનુષ્ય : તો અન્વેષણ માટેનો પ્રવાસ શરૂ કરીએ મિત્ર ?

ઇન્સ્પેક્ટર : હું તો તૈયાર છું.

મનુષ્ય : મને આનંદ થયો.

ઇન્સ્પેક્ટર : તમારા આનંદને સંભાળીને રાખજો.

મનુષ્ય : એવું કેમ મિત્ર ?

ઇન્સ્પેક્ટર : આનંદની શોધમાં જ નીકળ્યા હોઈએ ત્યારે આપણો આનંદ ક્યાંય ખોવાઈ ન જાય તેનું ધ્યાન રાખવું પડે.

મનુષ્ય : એવું કેમ મિત્ર ?

ઇન્સ્પેક્ટર : જુઓ, શરીરની અશુદ્ધિઓ સ્વીકારવી અને શુદ્ધિઓને પરત કરવા માટેના બે વિભાગ પરમાત્માએ બનાવ્યા છે. જ્યારે તે સિવાયના આપણે અગાઉ જણાવ્યા તે મુજબ જે ભાગ કરવામાં આવ્યા છે, તે મનુષ્યના બનાવેલ છે.

મનુષ્ય : તે કેવી રીતે ?

ઇન્સ્પેક્ટર : શરીરની અશુદ્ધિઓની શરીર દ્વારા વપરાયેલ શુદ્ધતાને આધારે થાય છે, એટલે વિભાજન જરૂરી બને છે. જ્યારે દાહકતા, ધિક્કાર, શ્રાપ, દુશ્મની, ક્રૂરતા, દુઃખ, ગ્લાનિ અને શોકની ક્યારેય જરૂરિયાત નથી હોતી, તેમ છતાં મનુષ્ય ઊભી કરે છે અને તેનો ભોગ બને છે. આવા ભોગમાં મનુષ્ય પરાધીન બને છે અને પરાધીન સ્થિતિમાં વિજયી આવેશો કબજો જમાવતા હોય છે અને છેવટે તેમનું સ્થાન નક્કી કરી લેતા હોય છે.

મનુષ્ય : એટલે ?

ઇન્સ્પેક્ટર : ઈશ્વરે મનુષ્ય માટે ખરેખર તો શીતળતા, પ્રેમ, દયા, દોસ્તી, આશીર્વાદ, સુખ, ઉત્સાહ અને હર્ષનું સર્જન કરેલ છે. અને તેના માટે વિશાળ હૃદયનું સર્જન કરેલ છે, પરંતુ મનુષ્ય સ્વયં તેના દુશ્મનો ઉત્પન્ન કરીને સામે ધરતા હૃદયને સંગ્રામ-સ્થળ બનાવી દીધું છે. સાત્ત્વિક શક્તિઓ હંમેશાં સત્યનું અનુસરણ કરતી હોય છે, જ્યારે નાસ્તિક શક્તિઓ અસત્યનું આચરણ કરવામાં દરેક પ્રકારની નૈતિકતાને નેવે મૂકીને, આસુરી શક્તિ પ્રાપ્ત કરીને સંગ્રામમાં ઊતરતી હોય છે. સંગ્રામનું પરિણામ જીવનની અસમતુલામાં જ પરિણમે છે. અસમતુલિત પરિસ્થિતિમાં સાત્ત્વિક શક્તિઓ ખૂણામાં ધકેલાઈ જાય છે, જ્યારે નાસ્તિક શક્તિઓ વિશાળ ભુવનને ક્યારેક કબજે કરી લેતી હોય છે. આમ હૃદયરૂપી ભુવનમાં નાસ્તિક શક્તિઓ ઘૂસણખોરી કરીને તેમની જગ્યા બનાવી લેતી હોય છે.

મનુષ્ય : શું આવી સ્થિતિ મનુષ્યના જન્મથી હોય છે ?

ઇન્સ્પેક્ટર : અંશતઃ હા અને મહત્તમ ના.

મનુષ્ય : એટલે ?

ઇન્સ્પેક્ટર : અંશતઃ હા, એટલા માટે કે મનુષ્યના દેહનું બંધારણ માતા અને પિતાનાં જૈવિક બિંદુઓમાંથી માતાના ગર્ભમાં થતું હોય છે. આ દેહ બંધારણ સમય દરમિયાન માતાપિતાનાં મન, બુદ્ધિ અને હૃદયના સંકેતો નકારાત્મક સ્વરૂપના સર્જાય તો તેની અસર બાળક ઉપર પડતી હોય છે. નકારાત્મક સ્વરૂપના સંકેત (તરંગો) હંમેશાં દૂષિત હોય છે.

પરંતુ જો મન, બુદ્ધિ અને હૃદયના ઐક્યમાંથી સર્જાતા તરંગો બંધારણ દરમિયાન પ્રવર્તમાન હોય તો સકારાત્મક સ્વરૂપના તરંગોથી સાત્ત્વિક દેહનું બંધારણ થાય છે. આ જ વાતાવરણ કાયમી સ્વરૂપનું હોય તો જન્મથી મૃત્યુ પર્યંત સાત્ત્વિક (મનુષ્ય) તરીકે રહે છે.

મનુષ્ય : તો મહત્તમ “ના” એટલે શું ?

ઇન્સ્પેક્ટર : મનુષ્યના જન્મથી મૃત્યુ સુધીની જુદી જુદી અવસ્થાઓ હોય છે, જેમ કે બાલ્ય, યુવા, પ્રૌઢ અને વૃદ્ધ. આ અવસ્થા દરમિયાન બાલ્ય અવસ્થામાં મન, યુવા અવસ્થામાં હૃદય અને પ્રૌઢ અવસ્થામાં બુદ્ધિ, તેમ જ વૃદ્ધાવસ્થામાં મનનું વર્ચસ્વ કે આધિપત્ય હોય છે. જે તે અવસ્થા દરમિયાન મન, બુદ્ધિ અને હૃદયના આધિપત્યમાં જે સંસ્કરણ થાય છે તેની છાપ અને છાયા કાયમી રહેતી હોય છે. જો આ છાપ અને છાયામાંથી મુક્ત થઈને તટસ્થતા ધારણ કરવામાં ન આવે તો જીવન હંમેશાં અસમતુલિત રહે છે.

મનુષ્ય : તો તટસ્થતા ધારણ કરીને સમતુલિત જીવન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ?

ઇન્સ્પેક્ટર : જેમ મન અને બુદ્ધિને સમજ્યા તેમ હૃદયને સમજીએ.

મનુષ્ય : હે મિત્ર, તો આપ હૃદયને પણ સમજાવોને ?

ઇન્સ્પેક્ટર : તો સાંભળો.

મનુષ્ય : સંભળાવો મિત્ર.

ઇન્સ્પેક્ટર : મન પોતાના આવેગો દ્વારા બ્રહ્માંડીય વાતાવરણમાંથી જે પણ દૃશ્ય કે અદૃશ્ય તથ્ય કે તત્ત્વો હોય તેને પ્રાપ્ત કરવા પ્રવૃત્ત થતાં બુદ્ધિ તેનાં પરિણામોથી ઉત્પન્ન થનાર આનંદ, ભયથી પરિચિત હોય છે. જો આનંદ પ્રાપ્ત થાય તેમ હોય તો તે સક્રિય થઈ જાય છે, પરંતુ જો ભય દેખાતો હોય તો મનને સમજાવવા પ્રયત્ન કરે છે અથવા તો શાહમૃગનીતિ અપનાવીને સર્વેની સાથે સજા ભોગવશે, પરંતુ જ્યારે આવી જ પરિસ્થિતિ દરમિયાન જો વૈભવ પ્રાપ્ત થઈ શકે તેમ હોય તો તે મેળવવા પોતાના વિવેકપૂર્વકના વર્તન, તેમ જ નૈતિક કે અનતિકના ભેદને નજરઅંદાજ કરીને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થાય છે, ત્યારે હૃદય જાગૃત થાય છે.

હૃદય, મન અને બુદ્ધિને વિવેક, નૈતિકતા, પ્રામાણિકતા અને સત્યના માપદંડ દ્વારા સમજાવીને સત્ય સ્વીકારવા માટે આગ્રહ કરે છે. જો મને અને બુદ્ધિ આ આગ્રહને સ્વીકારે તો તેમાંથી કલ્યાણકારી પરિણામ પ્રાપ્ત થાય છે, પરંતુ જ્યારે હૃદયની સલાહને અવગણે છે, ત્યારે કલુષિત પરિણામ પ્રાપ્ત થાય છે.

મનુષ્ય : આ કલ્યાણકારી અને કલુષિત પરિણામ એટલે શું ?

ઇન્સ્પેક્ટર : મનને પોતાની કોઈ નિર્ણયશક્તિ નથી, જ્યારે બુદ્ધિ સ્વયં નિર્ણાયક શક્તિ છે, પરંતુ તેની તટસ્થતા તેમ જ ન્યાયોચિત વર્તન શંકાસ્પદ હોય છે. તે હંમેશાં લાભ-ગેરલાભની તુલામાં જ દરેક તથ્યોને આંકીને લાભની તુલાનો ભાગ સ્વીકારવા તૈયાર હોય છે. ભલે પછી આ લાભ અનૈતિક સ્વરૂપનો હોય, અનૈતિક સ્વરૂપનો લાભ હંમેશાં કલુષિત હોય છે. કલુષિત લાભથી હૃદય ખિન્ન થાય છે. ખિન્નતામાંથી અશાંતિ અને અશાંતિમાંથી અધોગતિ, આ અધોગતિને ભૌતિક માપદંડથી માપી શકાય નહીં, પરંતુ વૈશ્વિક માનવસમાજના આંતરિક વૈભવના માપદંડથી માપી શકાય છે.

જો મન, બુદ્ધિ અને હૃદયની પૂર્ણ સંમતિ દ્વારા નિર્ણાયક શક્તિ કેળવાય તો તેમાંથી સત્ય અને ન્યાયપૂર્ણ આદેશનું પરિણામ પ્રાપ્ત થાય છે, જે કલ્યાણમય જીવનમાં પરિણમે છે.

મનુષ્ય : તો શું હૃદયની નિર્ણાયકતા હંમેશાં કલ્યાણમય હોય છે ?

ઇન્સ્પેક્ટર : ના. સ્વતંત્ર નિર્ણાયકતા, મન અને બુદ્ધિના આધિપત્યમાં લેવાયેલ નિર્ણયની જેમ અમંગળકારી પણ હોય છે.

મનુષ્ય : કેમ ?

ઇન્સ્પેક્ટર : હૃદયનો મૂળભૂત સ્વભાવ સકારાત્મક (પોઝિટિવ) સત્યોને આધારિત હોય છે, જેમાં દયા, પ્રેમ, શીતળતા અને ઉત્સાહનું પ્રભુત્વ હોય છે. જે ભાવવશ કરનાર હોય છે. ભાવવશ સ્થિતિમાં લેવાયેલ નિર્ણયમાં ઔચિત્યના અભાવ હોય છે. આ અભાવ પરિણામને ક્યારે ઘાતક બનાવે તે કહી શકાય નહીં.

મનુષ્ય : કેવી રીતે ?

ઇન્સ્પેક્ટર : ભાવવશ સ્થિતિ હૃદયની નિર્મળતાની પરાકાષ્ઠા સ્વરૂપની હોય છે. આવી સ્થિતિમાં બ્રહ્માંડીય વાતાવરણનુનં દરેક સર્જન વ્હાલું લાગે છે, એટલે પોતાનું માને છે. આવી ભાવવશ સ્થિતિમાં જ્યારે કોઈ કપટપૂર્વક તેમાં પ્રવેશશે અને ભાવવશ સ્થિતિનો દુરુપયોગ કરીને લાભ લઈ જાય તો અનર્થ સર્જાય છે. આવો અનર્થ હૃદયની સામાન્ય સ્થિતિમાં દુષ્કર બનતો હોય છે.

મનુષ્ય : આપનો સંવાદ કોઈ ઘટના આધારિત હોય તો તે પ્રમાણે સમજાવશો ? આવી ઘટના પ્રમાણ આધારિત સમજાવશો તો સમજી શકાશે અન્યથા સમજવી અઘરી લાગે છે.

ઇન્સ્પેક્ટર : આપણે જો મન, બુદ્ધિ અને હૃદયના ઐક્યમાંથી ઉત્પન્ન થતી દૃષ્ટિ દ્વારા જોઈશું, તો આદ્યથી વર્તમાન સુધી ઘટનાઓની ભરમાર દેખાશે.

મનુષ્ય : પરંતુ એ દૃષ્ટિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઈ એકાદ ઘટના સમજાવો તો મને સમજવાનો આનંદ થશે.

ઇન્સ્પેક્ટર : જુઓ, ઇતિહાસ, ધર્મો, સાહિત્ય અને કાવ્યોમાં અનેક ઘટનાોનો સંગ્રહ હોય છે. તે જાણવા અંગેની જાગૃતિ હોવી જોઈએ. વૈશ્વિક માનવસંસ્કૃતિના સંદર્ભમાં આદ્યથી વર્તમાન સમય સુધી સૌથી પુરાતન ભારતીય સંસ્કૃતિ હોય તે તેનાં પુરાણો ઉપરથી સમજાય છે. અનેક સંસ્કૃતિક કે ધર્મો કરતાં સૌથી વધારે પુરાણકથાઓ હિન્દુ ધર્મમાં છે અને આ દરેક કથાઓ ઘટના આધારિત હોય છે, એટલે પુરાતન સમયમાં જે ઘટના બની હોય તે પુરાણ સ્વરૂપે પ્રકાશિત છે અને તેમાંય વિશેષતઃ દેવ અને દેવી પુરાણોમાં સ્ત્રી અને પુરુષ સમાન શક્તિશાળી હોવાનાં પ્રમાણ મળે છે, જેથી જે તે ઘટનાઓ કપોળ કલ્પિત ન હોય તે માનવું રહ્યું. આપણે માનીએ છીએ કે માનવસમાજ મહદ્‌અં પુરુષ પ્રધાન આધિપત્યવાળો હોય છે. આથી સ્ત્રીશક્તિની અવગણના થતી હોય છે. પરિણામ સ્વરૂપે જે તે સમયના ઘટનાક્રમમાં સ્ત્રીને પ્રાધાન્ય આપવામાં આવ્યું ન હોય તેવી ઘટનામાં અસમતુલિત ઘટનાક્રમ હોય ત્યાં કલ્પનાનો અવકાશ વધુ છે, પરંતુ જ્યાં સમાનતા હોય તે સત્ય સ્વરૂપે સ્વીકારવી રહી.

હિન્દુ ધર્મના શિવ પુરાણમાં શંકર અને પાર્વતીની અનેક કથાઓ છે. તે દરેક ઘટના આધારિત છે. આ ઘટનાઓમાંથી એક ઘટના આપણે હૃદયના આધિપત્યનાં સંદર્ભમાં તેના સારાંશ સ્વરૂપે જાણીએ.

શિવજી અને પાર્વતીજીને તેમની યાત્રાગમન દરમિયાન પાર્વતીજીની દૃષ્ટિ એક પાડા (ભેંસનું નરબચ્ચું) પર પડી, તે રીરે અતિ દુર્બળ અને માંખ-માંખીઓથી અતિ કષ્ટદાયક પરિસ્થિતિમાં કણસતું હતું. શિવજી તેમની ત્રિકાળ દૃષ્ટિ દ્વારા તેના વાસ્તવિક સ્વરૂપને જાણીવને નજરઅંદાજ કરીને ગતિભંગ કર્યા વગર ચાલતા રહ્યા, પરંતુ પાર્વતીજીનું હૃદય ભરાઈ આવ્યું. એટલે શિવજીને ટપાર્યા કે આપણી ભૂમિમાં આવો દુઃખી જીવ હોય તે આપણા માટે યોગ્ય નથી, પાર્વતીની ટકોરમાં જ શિવજીએ પાર્વતીજીને સમજાવ્યા કે આપણી ભૂમિમાં આવું દુઃખ શક્ય નથી. એટલે અવશ્ય કંઈક ગરબડ છે, એટલે ચાલો યાત્રા આગળ ધપાવીએ.

પાર્વતીજી મન અને બુદ્ધિ દ્વારા કંઈ સમજવા તૈયાર નહોતા, તેઓ હૃદયની કરુણામય ભાવનામાં એટલાં જકડાયેલાં હતાં કે શિવજીએ સમજાવવાના લાખ પ્રયત્નો કરવા છતાં પણ તેઓ ન સમજ્યાં અને પાડાના જીવના રક્ષણ માટે સર્વ શક્તિઓ આપવાની હઠ પકડી. હઠ જ્યારે દુઃખમાં પરિણમી એટલે શિવજી નમ્ર બન્યા અને પાર્વતીજીના આગ્રહને વશ થઈને પાડરાને જીવન અને સર્વ શક્તિઓનું સિંચન કર્યું, તેવું જ પાડરું તેના રાક્ષસના અસર સ્વરૂપમાં આવી અટ્ટહાસ્ય કરવા લાગ્યું અને પૃથ્વી આકાશ અને પાતાળ ધ્રૂજી ઊઠ્યાં ! પાર્વતીજી ઝંખવાણાં પડતાં શિવજી સામે દૃષ્ટિ પણ ન કરી શક્યાં.

રાક્ષસને પ્રાપ્ત થયેલ શક્તિ દ્વારા તેણે ત્રિભુવનમાં હાહાકાર મચાવ્યો અને ત્રણે ભુવન જીતી લઈને દેવોને કેદ કર્યા, ત્રિભુવનમાં સામ્રાજ્ય સ્થાપ્યા બાદ નવરો પડતાં શિવજી સામે બાથ ભીડાવીને આહ્‌વાન કર્યું કે પાર્વતીજીને આપો અથવા તો યુદ્ધ કરો. રોજેરોજના આહ્‌વાનથી શિવજી કંટાળી ગયા અને છેવટે દેવો-અસુરનો સંગ્રામ થયો. દેવોની સંપૂર્ણ શક્તિો લગાડવા છતાંય રાક્ષસનું રુંવાડું ફરકતું નહોતું. ક્યાંથી ફરકે ? શિવજી દ્વારા આપેલ વરદાનમાં અજય અને અમરરૂપી મણિ તેના મસ્તકમાં હતો. જ્યાં સુધી આ મણિ પરત લેવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની શક્તિ કારગત નીવડે તેમ નહોતી. છેવટે મહાશક્તિએ (પાર્વતીજીએ) દેવચકલીનું સ્વરૂપ ધારણ કરીને રાક્ષસના મસ્તકમાંથી મણિ લઈને માનસરોવરના સાતમા પાતાળે ડૂબકી મારી દીધી. પરંતુ આ સમય દરમિયાન રાક્ષસે અગ્નિની ફૂંક મારતાં સાતમા પાતાળનું પાણી ભસ્મ કરી નાખતાં તેની ઝાળની લપેટમાં મહાશક્તિ આવી જાય છે અને દિવ્ય સ્વરૂપ ઉપર કાળાશ લાગી જાય છે, અને છેવટે મહાકાલી કહેવાયા. આ સમગ્ર ઘટનાને દિવ્યશક્તિની ભક્તિભાવપૂર્વક સ્વીકારાય છે. હૃદયના આધિપત્યમાં દેવોને આવાં પરિણામ ભોગવવાં પડતાં હોય તો મનુષ્ય વૈચારિક શક્તિના સમન્વયના સંદર્ભમાં વિચારીએ, વિનાશના મોંમાંથી બહાર આવીને પ્રસન્નમય જીવન પ્રાપ્ત કરી શકે છે.

મનુષ્ય : હે મિત્ર, આપની પ્રસંગકથા દ્વારા મારાં મન, બુદ્ધિ અને હૃદયને તેની સ્વતંત્ર નિર્ણાયક શક્તિની મર્યાદાઓ સમજવા લાગી છે. આ મર્યાદાઓને નિર્મૂળ કરવા વર્તમાન સમયના સંદર્ભમાં સમજાય તો અવશ્ય તટસ્થતા ધારણ કરી શકાય.

ઇન્સ્પેક્ટર : હે મિત્ર, આપણે જે પ્રસંગને જાણ્યો તે દ્વાપર અને સત્‌યુગ સમયનો હતો. વર્તમાનમાં કળિયુગ પ્રવર્તમાન છે. દ્વાપર અને સત્‌યુગમાં અનેક વર્ષોની તપશ્ચર્યા બાદ મંત્રો સિદ્ધિ દ્વારા શક્તિ પ્રાપ્ત થતી હતી. જ્યારે વર્તમાન સમયમાં કોઈ પણ એક કળની જાણકારી દ્વારા શક્તિ પ્રાપ્ત કરી શકાય છે અને તે શક્તિનો વિસ્ફોટ કરી શકાય છે. એટલે ભૂતકાલીન યુગમાં જ્યારે કોઈનો સર્વનાશ કરવો હોય તો વર્ષોનાં વર્ષો સુધી તપ કરીને યુદ્ધ કરવું પડતું હતું, જ્યારે વર્તમાન સમયમાં કળનું જ્ઞાન મેળવીને તેનો ઉપયોગ કરતાં વિનાશનો કેર શરૂ થઈ જાય છે. એટલે જો માનવતા પ્રાપ્ત ન કરીએ તો મિનિટોમાં જ વિશ્વનો વિનાશ થઈ શકે છે. તેની અંશતઃ ઝલક અમેરિકાના જાપાન ઉપરના અણુ હુમલાનું પ્રમાણ કાફી છે, તેથી વિસ્તૃત ચર્ચા અત્રે અસ્થાને છે, તેનાં મૂળભૂત કારણો વૈચારિક પ્રક્રિયા પૂર્ણ માનવાના અભાવમાં છે. પૂર્ણ મનુષ્યત્વ પ્રસન્નતાના સર્જક, પાલક રક્ષણકર્તામાં છે, જ્યારે તેની અપૂર્ણતામાં વિધ્વંસકર્તા હોય છે.

મનુષ્ય : વ્યક્તિગત જીવનમાં તે કેવી રીતે અસરકર્તા હોય છે ?

ઇન્સ્પેક્ટર : વ્યક્તિગત જીવનમાં મન, બુદ્ધિ અને હૃદયની સમન્વય શક્તિના અભાવે હૃદયની ભાવવશ સ્થિતિનું અંતિમ પરિણામ આત્મવિલોપનમાં પરિણમે છે. હૃદય જ્યારે પ્રેમ, સહાનુભૂતિ, સહકાર અને સફળતાનો અભાવ અનુભવે છે, ત્યારે તે ભાવવશ થઈ જાય. છે. નકારાત્મક ભાવવશ સ્થિતિમાં જીવનના દરેક માર્ગનાં દ્વાર બંધ દેખાતાં અંધકારમય જીવનનો ભાસ થાય છે અને જીવન પણ આભાસી હોય તેવું અનુભવે છે. વાસ્તવિક જીવન અને ઇચ્છિત જીવન વચ્ચેનું સમાંતર અંતર અનંત સમય સુધી નહીં મળી શકે, તેવી ધારણાઓ કરતાં અઘટિત નિર્ણય કરીને જીવનથી વિપરીત દિશામાં પ્રયાણ કરે છે.

આવી સ્થિતિમાંથી મુક્ત થવા માટે સમય, સ્થાન અને સંજોગો બદલીને મન, બુદ્ધિ અને હૃદયને એકત્રિત કરીને નિર્ણયને ફેરવિચારણા માટે વૈચારિક ભૂમિમાં પ્રવેશ કરવો રહ્યો. જો નિર્ણય હૃદય આધારિત હોય તો વિચારણા માટે બુદ્ધિ તરફ રવાના કરી દેવો અને જો બુદ્ધિનો હોય તો હૃદય તરફ. આમ, વારાફરતી વારંવાર કરવાથી નિર્ણયનો અમલ વિલંબિત થતાં તેનું સ્વરૂપ બદલાઈ જશે.

મહદ્‌અંશે સંકટ સમયે વૈચારિક શક્તિ ક્ષીણ થઈ જતી હોય છે, તેથી આ શક્તિને જીવંત રાખવી હોય તો સ્વાધ્યાય દ્વારા જીવનનું ઘડતર સંકટરૂપી હથોડા દ્વારા થતું હોય છે. આથી જ્યારથી સભાનતા કેળવાય ત્યારથી તેની શરૂઆત કરવી જોઈએ.

મનુષ્ય : આવી સભાનતા ફક્ત હૃદય પૂરતી મર્યાદિત છે ?

ઇન્સ્પેક્ટર : મહદ્‌અંશે હૃદયનો લાગણીશીલ સ્વભાવ હોય છે તેથી હૃદયના આવેગોને સમજવાની પ્રાથમિકતા આપવી રહી. જ્યારે મન ચંચળ પ્રકૃતિનુ ંહોવાથી અગનજ્વાળાની ગરમી અનુભવતાં જ “યુ” ટર્ન લઈ લેશે. જ્યારે બુદ્ધિ સ્વાર્થી પ્રકૃતિની હોવાથી જેમાં ખોટનો ધંધો હોય તેવો ધંધો જ સંકોચી લેશે.

મનુષ્ય : તો મન, બુદ્ધિ અને હૃદયના પ્રભુત્વમાંથી ઉત્પન્ન થતી અસરોના સંકેતોથી કેવી રીતે પરિચિત થવાય ?

ઇન્સ્પેક્ટર : મનના આધિપત્યમાંથી માનસિક વિકૃતિ પેદા થાય છે. જે બુદ્ધિ અને હૃદયની સલાહ, સમજણ, ભય, આદેશને સ્વીકારી શકતું નથી. આથી ગાંડપણમાં પરિણમે છે.

મનુષ્ય : બુદ્ધિ...

ઇન્સ્પેક્ટર : હા, હા, સમજીએ છીએ। બુદ્ધિના આધિપત્યમાં હુંપદું, અહંકાર, ક્રોધ અને ગુરુતાગ્રંથિ પેદા થતાં હોય છે. પરિણામે એકાકી, અતડાપણું અને સ્વાર્થી પ્રકૃતિ બને છે. તેથી સામાન્ય જન-પ્રવાહથી વિમુખ થતાં પોતાની બુદ્ધિ સર્વોપરિ સમજતા હોય છે, એટલે ક્યારેક માનસિક સમતુલા ગુમાવી બેસે છે. જેને સામાન્ય શબ્દોમાં આપણે “ધૂની” સમજીએ છીએ.

મનુષ્ય : હા..હા... મિત્ર, એવું જ હોય છે. પણ હૃદય ?

ઇન્સ્પેક્ટર : હૃદય હંમેશાં સ્પંદનશીલ અવસ્થામાં રહેતું હોવાથી તેના ઉપર ભાવનાઓનું પ્રતિક્રમણ થતું હોય છે. જો ભાવનાઓ વાસ્તવિક અને સાત્ત્વિક હોય. તો તુરંત જ આનંદ અનુભવે છે, પરંતુ જો નકારાત્મક બનાવટી અને છલપૂર્વકની હોય તો તેનું પરિણામ અનુભવવામાં આક્રંદ કરી મૂકે છે. જો આ આક્રંદ મુક્ત રીતે કરી લે તો હળવું થઈ જાય છે, પરંતુ જો દબાવેલું રાખે તો ઉદાસીન સ્થિતિમાં રહે છે. ઉદાસીન સ્થિતિમાં અશાંતિ અનુભવાય છે. તેને શાંત કરવા અસામાન્ય વર્તન કરે છે, જેને સામાન્ય શબ્દોમાં પાગલ કહીએ છીએ.

મનુષ્ય : હે મિત્ર, વૈચારિક પ્રક્રિયા વગરનાં પરિણામો અત્યાર સુધી ઘણા સાંભળ્યાં અને જોયાં છે, પરંતુ તેની પાછળનાં વાસ્તવિક કારણો આજે સમજું છું.

ઇન્સ્પેક્ટર : મિત્ર મારા, સામાન્ય જીવનવ્યવહારમાં મન, હૃદય અને બુદ્ધિની વિસંવાદિતામાંથી ઉત્પન્ન થતી કરૂણા અને મજાક જીવનને રડાવવા અને હસાવવા માટે નહીં, પરંતુ વાસ્તવિકતા સમજાવવા માટેની છે. ક્ષણિક રુદન અને હાસ્યથી જીવનને બદલી શકાતું નથી. પરંતુ વાસ્તવિકતા સમજાય તો જીવન બદલી શકાય છે. તે સમજવા પ્રયત્ન કરવો રહ્યો.

૬. સંવાદસરિતા : મન-બુદ્ધિ, મન-હૃદય અને બુદ્ધિ-હૃદયની મનોભૂમિમાં

મનબુદ્ધિ, મનહૃદય અને હૃદયબુદ્ધિની મનોભૂમિનાં શિખરોનો પ્રવાસ

પ્રથમ ભાગમાં માનવીય જીવનને પ્રસન્નતા માટે મન, બુદ્ધિ અને હૃદયને સ્વતંત્ર રીતે વૈચારિક દૃષ્ટિબિંદુથી સમજવાનો પ્રયત્ન કર્યો. આ પ્રયત્ન તેમના વ્યક્તિગત સ્વરૂપની હોઈ જીવનને પૂર્ણ સ્વરૂપે સમજી ન શકાય. આથી જીવનને જો ખરેખર જ તપાસવું હોય તો (અન્વેષણ કરવું હોય તો) તે સિવાયના અન્ય પહેલુઓને પણ સમજવા રહ્યા. જીવન ફક્ત મન, બુદ્ધિ, હૃદયની સ્વતંત્ર પ્રવૃત્ત પ્રક્રિયાથી નહીં, પરંતુ તે સિવાયના મનબુદ્ધિ, મનહૃદય અને બુદ્ધિહૃદયથી પણ પ્રવૃત્ત હોય છે. જેમ મન, બુદ્ધિ અને હૃદયની પ્રવૃત્ત પ્રક્રિયા ખંડિત હોય છે, તેમ જોડની પ્રવૃત્ત પ્રક્રિયા પણ ખંડિત હોય છે.

જીવનને પૂર્ણ રીતે સમજવું હોય તો તેની પૂર્ણ પ્રક્રિયાને સમજવી રહી અને તે જ જીવનની ત્રુટિઓ સમજાય. આપણી વૈચારિક પ્રક્રિયા ત્રુટિઓને સમજવી અને તેનું નિરાકરણ કરીને પ્રસન્નમય જીવન અનુભવાય તે માટેનો પ્રયાસ છે. આ પ્રયાસમાં મનબુદ્ધિ, મનહૃદય અને હૃદયબુદ્ધિની પ્રવૃત્ત પ્રક્રિયામાં કેવી માનસિક ભૂમિકા સર્જાય છે, તેને સમજવી રહી. આ વૈચારિક પ્રયાસને ભૌતિક સ્વરૂપ આપીને પ્રવાસમાં પરિવર્તન કરેલ છે અને તે મુજબ દરેકની મનોભૂમિને શિખર તરીકે ઓળખવાનું પ્રયોજન કરેલ છે. આપણે મનબુદ્ધિ, મનહૃદય અને બુદ્ધિહૃદયની મનોભૂમિને પ્રાકૃતિક પર્વતનાં શિખર તરીકે અહેસાસ કરવાનો પ્રયાસ કરીશું તો વાસ્તવિક સ્થિતિનો અનુભવ કરી શકીશું. (આ અનુભવ કરવો હોય તો આપણે પ્રવાસ શરૂ કરવો રહ્યો.)

મનુષ્ય : અવશ્ય મિત્ર.

ઇન્સ્પેક્ટર : આપણે મન બુદ્ધઇના તટશિખર ઉપર પ્રથમ પ્રવાસ કરીએ તો કેમ રહે ?

મનુષ્ય : આપની ઇચ્છા અનુસાર પ્રવાસમાં સાથે જ છું.

ઇન્સ્પેક્ટર : ઓ.કે.

મનુષ્ય : ચાલો.

ઇન્સ્પેક્ટર : ચાલ્યા.

મનુષ્ય : અરે મિત્ર, પૃથ્વી ઉપરનાં દરેક તટશિખરોમાંથી કેટલાક જોયાં છે, તો કેટલાક જાણ્યાં છે. આ તો તેનાથી પણ વિશાળ તટશિખરો છે.

ઇન્સ્પેક્ટર : હા મિત્ર, આપણી મનબુદ્ધિની વૈચારિક શક્તિ જેટલી વિશાલ એટલા વિશાળ શિખરો હોય છે.

મનુષ્ય : વાસ્તવિક તટશિખરો તો દૂરથી સુંદર લાગતાં હોય તેવું અનુમાન કરવામાં આવે છે, તો તેવું અનુમાન આ તટશિખરો માટે પણ હશે ?

ઇન્સ્પેક્ટર : મિત્રો, તમો અનુમાન માટે પણ અનુમાન કરો છો, આપણે વાસ્તવિકતા અને અનુભવના આધારે સત્યતા પ્રગટ કરવાની છે, એટલે અનુભવ આધારિત વાત કરો.

મનુષ્ય : પૃથ્વી ઉપરના શિખરો માટેના અનુભવમાં સત્ય અને અસત્ય અનુભવાયેલ છે. તે સદંતર સત્ય પણ નથી અને અસત્ય પણ નથી.

ઇન્સ્પેક્ટર : તમે અનુભવેલ સત્ય અને અસત્ય એટલે શું ?

મનુષ્ય : સત્ય એટલે દુર્ગમ રસ્તા અને અનંત જંગલો તથા તેમાં રહેતાં હિંસક પ્રાણી, પક્ષી અને નિર્જનતા. અસત્ય એટલા માટે કે શિખર સર કર્યા પછીની જે આનંદની અનુભૂતિ થઈ તે અવર્ણનીય છે.

ઇન્સ્પેક્ટર : પણ આનંદની અનુભૂતિ થઈ કેવી રીતે ?

મનુષ્ય : ત્યાંના પ્રાકૃતિક સૌંદર્ય, પશુ-પક્ષીઓની મુક્તતા અને નિર્જનતામાં આપ્તજનનો અહેસાસ થતાં મન, બુદ્ધિ અને હૃદયની પ્રસન્નતાની પરાકાષ્ઠામાંથી પરમ આનંદની અનુભૂતિ અનુભવાયેલ.

ઇન્સ્પેક્ટર : બરોબર, જો તમે અનુમાનના આધારે પ્રવાસ જ ન કર્યો હોત તો જે અનુભૂતિ થઈ તે થાત ?

મનુષ્ય : તે કેવી રીતે શક્ય બને ?

ઇન્સ્પેક્ટર : અને એટલે જ. જેમ સત્ય અસત્યના પડછાયામાં છુપાયેલ હોય છે, તેમ જીવનની સાચી અનુભૂતિ વૈચારિક પ્રક્રિયાની છાયામાં છુપાયેલી હોય છે. એટલે પ્રક્રિયાવિહીન જીવન અનુમાન આધારિત ડુંગરા દૂરથી રળિયામણા જેવી લાગે છે. પ્રક્રિયાવિહીનનું અનુમાન રાઈને પર્વત બનાવે છે, જ્યારે અનુભવસિદ્ધ સત્ય પર્વતને રાઈ બનાવે છે, એટલે ઊંચાં અને નીચાં શિખરોના અનુમાનમાંથી બહાર આવીએ અને જીવનના વાસ્તવિક સત્યને પ્રાપ્ત કરીએ.

મનુષ્ય : અવશ્ય, મિત્ર !

ઇન્સ્પેક્ટર : આપણે મન અને બુદ્ધિના સ્વતંત્ર વ્યક્તિત્વથી પરિચિત થયા, પરંતુ બંનેના ઐક્યમાંથી ઉત્પન્ન થતા આધિપત્યમાંથી કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, તે જોવું અને સમજવું રહ્યું.

મનુષ્ય : તો મન-બુદ્ધિના આધિપત્યના વર્ચસ્વવાળા શિખર ઉપર પ્રવાસ કરીને સમજીએ મિત્ર.

ઇન્સ્પેક્ટર : જુઓ, મનની વૃત્તિ તો “સબ ભૂમિ ગોપાલ કી” તો બુદ્ધિની “મન કા માલ પરાયા તો ક્યા હુઆ દોસ્ત અપના તો માલ ભી અપના” જેવી વૃત્તિ હોય છે. જ્યાં સમાનવૃત્તિ કલ્યાણય અને સકારાત્મક રીતે પ્રવૃત્તિમય થાય તો પૃથ્વી સ્વર્ગ બની જાય, પરંતુ સ્વાર્થ પ્રેરિત અને નકારાત્મક રીતે પ્રવૃત્તિમય થાય તો નર્કનું સામ્રાજ્ય સ્થપાય. સ્વર્ગની તો આપણે ફક્ત કલ્પના કરી જાણીએ છીએ, પરંતુ નર્કમાં તો જોઈ અનુભવી શકીએ તેમ છીએ. એટલે મન, બુદ્ધિ કેવી રીતે પ્રવૃત્ત છે તે અનુમાન આધારિત નહીં, પરંતુ વર્તમાન સમયની વૈશ્વિક સમસ્યાઓના અનુભવના આધારે જોઈ તેમ જ સમજી શકાય તેમ છે.

મનુષ્ય : મિત્ર, આપે સ્વર્ગને તો કલ્પના આધારિત ઘોષિત કર્યું, એટલે તે સમજણ દ્વારા સમજાવશો, પરંતુ નર્કને તો અનુભવ આધારિત જણાવ્યું તો શું નર્ક વાસ્તવિક છે ?

ઇન્સ્પેક્ટર : ખરેખર તો સ્વર્ગ અને નર્ક બંને કાલ્પનિક છે. આ કલ્પના અનુસાર જે વર્ણન કરવામાં આવ્યું છે, તે મુજબ સ્વર્ગ એટલે માગો તે હાજરનો વૈભવ, સુખ, આનંદ અને મુક્તતાના વાતાવરણમાં એવો વિહાર કે જે સુવર્ણથી બનાવેલો અને સૃષ્ટિનાં દરેક પ્રકારનાં રત્નોજડિત રથણાં અપ્સરાઓ નૃત્ય કરતી હોય, અને પવનવેગે ઊડતો હોય તેવા રથમાં બેઠાં બેઠાં બ્રહ્માંડનું દર્શન કરતાં હોય, તેવી સંપૂર્ણ આનંદમય સ્થિતિનો અનુભવ થતો હોય તે સ્વર્ગ. કદાચ આ કલ્પના પણ અધૂરી હોઈ શકે, કારણ કે આવી કલ્પના ફક્ત પ્રસન્નતા પ્રાપ્ત કરવામાં જ દોડાવી છે. એટલે સ્વર્ગની કલ્પના માટે હું મર્યાદિત છું.

જ્યારે નર્કની કલ્પના મુજબ વિષ્ટાના કીડા જેવું જીવન, માર્ગમાં રક્તપરુની નદીઓ, ધોમધખતાં રણ, શૂળો અને કાંટાઓથી પથરાયેલ રસ્તો, લોખંડ પીગળાવી નાખે તેવી અગ્નિમાંથી મૃતદેહનું ભક્ષણ, ભૂત અને ડાકણ જેવાં સગાંઓષ ચારે તરફ લોહીતરસ્યા દુશ્મનો, ઉપર આકાશ અને નીચે ધરતી હોય તેવાં રહેણાંક : છી...છી...છી... તેનાથી પણ કડવું કાલ્પનિક નર્ક જે પણ હોય તે. આવી કલ્પનાઓ માટે પણ હું મર્યાદિત છું.

મનુષ્ય : હે મિત્ર, આપે કલ્પના આધારિત સ્વર્ગ અને નર્ક જેવા જીવનને વર્ણવ્યું, પરંતુ નર્ક અનુભવી શકાય કે જોઈ શકાય તેવો સંવાદ કર્યો હતો, તે સંવાદ સમજાવોને ? અને હા, આપે જે કાલ્પનિક સ્વર્ગનો મર્યાદિત સંવાદ કર્યો તે વાસ્તવિક સમજી, કેટલાય માનવ સમુદાય તે પ્રાપ્ત કરવા અવનવા નુસખા અજમાવીને મનુષ્ય ત્વ ગુમાવે છે, તે પણ સમજાવો.

ઇન્સ્પેક્ટર : મિત્ર, આપને પ્રથમ પ્રશ્ન કર્યો તે મુજબ વર્તમાન સમયમાં વૈશ્વિક કક્ષાએ કેટલીક કલ્પનાઓ વાસ્તવિક રીતે જોઈ અને સમજાવી શકાય તેમ છે. આપણે જ્યારે જન્મ અને મૃત્યુ વચ્ચેનો સમય ફક્ત આહાર માટે અને તે પણ કોઈ પણ પ્રકારની સ્વચ્છતા વિનાનું (એટલે કે મન, બુદ્ધિ અને હૃદયની સ્વચ્છતા) જીવન, વિષ્ટાના કીડા સમાન હોય છે. વિષ્ટાના કીડાના જીવન માટે જો ઘૃણા ઉત્પન્ન થાય તો તેનો આધાર ગંદકીમાં રહેવાના અને ભક્ષણનાં આધારે થાય છે.

એવો જ કીડો મધમાખીનો હોય છે અને તેનો આહાર મધ હોય છે, જે આપણે ખાઈ જતાં હોઈએ છીએ અને આનંદ અનુભવતાં હોઈએ છીએ. ખરેખર આપણો આહાર, સ્વચ્છતા અને વૈચારિક પ્રક્રિયા કેવા પ્રકારની છે તે સમજી શકીએ તો આપણું જીવન કેવું છે તે સમજી શકાય.

જો આ સમજ બાહ્ય સ્વરૂપની હોય તો કંઈ કહેવાનું રહેતું નથી, કારણ કે મનુષ્ય સિવાયના જીવનમાં આંતરિક પ્રક્રિયા હોતી નથી. જેમ કે હું શુદ્ધ શાકાહારી હોઉં, પરંતુ કોઈનાં હાડ-માંસ અને લોહી ઓગાળીને રોજી કમાતા હોય તેવી વ્યક્તિની સેવા બદલ હક્ક કરતાં વધારે પૈસા લઉં તો વધારાના પૈસા જે તે વ્યક્તિનું હાડ-માંસ અને લોહી જ ખાતો હોઉં તેમ સમજી શકાય. કોઈ હરામખોર, ધનવાનોના પૈસા ધનવાન સમજીને હડપ કરે તો, હરામ બરોબરનો જ આહાર છે. જો કોઈના મન, બુદ્ધિ અને હૃદય પંચતત્ત્વો, અશુદ્ધ અને અપવિત્ર હોય અને તેનું અન્ન ખાઉં તો તે અશુદ્ધ અને અપવિત્ર જ અન્ન છે. આમ શુદ્ધ અને અશુદ્ધ, પવિત્ર અને અપવિત્ર ત્યારે જ સમજી શકાય કે, જ્યારે મનુષ્ય ત્વ પ્રાપ્ત કરી શકાય. મનુષ્ય ત્વમાં માનવતાનો પ્રત્યક્ષ ભાવ છે.

આપનો બીજો પ્રશ્ન કાલ્પનિક સ્વર્ગને વાસ્તવિક સ્વર્ગમાં અનુભવના નુસખા અંગેનો છે. માનવતા વગરનો વૈભવ ભોગવવામાંથી અતિતૃપ્તિ થાય છે. અતિતૃપ્તિમાં જ્યારે ઇચ્છિત આનંદનો અભાવ વર્તાય છે, ત્યારે સુખોનાં અન્ય સ્રોત તરફ વળાય છે. એટલે કે, જે પણ સ્ત્રોતમાંથી સુખ કે આનંદ પ્રાપ્ત થાય તે સ્ત્રોતને અપનાવીએ છીએ. પછી ભલે તે ઝેર હોય કે અમૃત. અમૃત તો દેવો પી ગયા એટલે બાકી રહ્યું ઝેર. વર્તમાન સમયનો કોઈ પણ અધૂરો મનુષ્ય ઝેરના સહારે આનંદ માણતો હોય છે. તેમાંથી મુક્તિ મેળવવી હોય તો એક જ માર્ગ છે - મનુષ્ય ત્વ પ્રાપ્ત કરવું.

મનુષ્ય : હે મિત્ર, કાલ્પનિક નર્કના અનુભવની સમજણ અધૂરી હોય તેમ લાગે છે.

ઇન્સ્પેક્ટર : હા, સામન્યતઃ મૂત્ર, વિષ્ટા, પ્રસૂતિ બાદનો ત્યાગેલ કચરો, ડ્રેસિંગ બાદનો કચરો, આવા અનેક પ્રકારનાં કચરા રક્ત, પરુ કરતાં પણ બદતર હોય છે. આવી દરેક ગંદકી ગટર દ્વારા નદીમાં પ્રવાહિત કરવામાં આવે છે. ગટર કે નદી શહેરની મધ્યમાં કે બાજુએથી વહેતી હોય છે, તેના ઉપર કે અંદરથી જ્યારે પસાર થઈએ ત્યારે શું સમજવું રહ્યું ? ભૌતિક વિકાસના પરિણામે પર્યાવરણ અસમતુલિત થતાં પૃથ્વીના આવરણમાં બ્લેક હૉલ સર્જાતાં હોય છે, પરિણામે સૂર્યનો પ્રકાશ સીધો જ પૃથ્વી પર પડતાં અસહ્ય ગરમી પડે છે. તેને શું સમજવું ? ભય અને યુદ્ધો દરમિયાન જમીન ઉપર સુરંગો પાથરવામાં આવે છે તેને શું સમજવું ? શૂળો-કાંટા માટે તો વર્તમાને જૂતાં પણ બનાવ્યાં છે, જ્યારે સુરંગો તો મનુષ્ય ના કુચ્ચેકુચ્ચા ઉડાવી દે તેને શું સમજવું ? અણુ અને પરમાણુ શસ્ત્રો શરીર જ ઓગાળી દે તેને શું સમજીશું ? અઘોરીઓ કે છપ્પનિયા દુકાળમાં કે માંસાહારી દ્વારા આરોગાતા આહારને શું સમજીશું ? શક્તિશાળી નિર્બળ મનુષ્ય પાસે જ્યારે હક્ક માંગવા આવે ત્યારે શું સમજીશું ? આતંકવાદીઓ ક્ષુલ્લક કારણોસર લોહીની નદીઓ વહેવડાવે ત્યારે નર્કની વાસ્તવિકતા માટે કેયલાય “શું” ઉત્પન્ન કરે છે, તેને શું સમજીશું ? કાશ, મારી દૃષ્ટિભેદના કારણે ઉપરોક્ત શું હોઈ શકે અને તે માટે જવાબદાર હોઉં તો, વાસ્તવિકતા શું ?

મનુષ્ય : હે મિત્ર, તમારા ‘શું ?’ માટે તમારી માનસિકતાને જવાબદાર મનો, તેથી વાસ્તવિકતા બદલાવાની નથી. વાસ્તવિકતા બદલવી હોય તો માનવી જ્યારે માનવ બને ત્યારે બદલાય અને તે માટે આગળ સંવાદ કરવો રહ્યો.

ઇન્સ્પેક્ટર : અવશ્ય. જુઓ મિત્ર, પરિસ્થિતિ નહીં બદલાય તેવું હું માનતો નથી. આપણી વ્યથા વર્તમાન સમયની વાસ્તવિકતામાંથી સર્જાયેલ માનસિકતાનું પરિણામ છે અને આવી માનસિકતાનું કારણ મન, બુદ્ધિ અને હૃદયના સૌજન્યપૂર્વકના સમન્વયથી ઉત્પન્ન થતા નિર્ણયના અભાવમાં છે.

મનુષ્ય : તેની મર્યાદા સમજું શું ?

ઇન્સ્પેક્ટર : તો મર્યાદાઓમાંથી મુક્ત થાઓ.

મનુષ્ય : અવશ્ય મિત્ર, જો આવી મર્યાદાઓમાંથી મુક્ત થવાય તો સ્વર્ગ પ્રાપ્ત થાય.

ઇન્સ્પેક્ટર : આપણી પ્રસન્નતાની પરાકાષ્ઠા એટલે સ્વર્ગ અને દુઃખોની પરાકાષ્ઠા એટલે નર્ક. આવા સ્વર્ગ અને નર્કની સમજણ આપણામાં સમાનપણે પ્રવર્તમાન હોય અને તેના માટેના સત્યશોધક તરીકે અન્વેષણ કરીશું, તો સરળતાથી આપણું જીવન સમજાશે.

મનુષ્ય : તો હવે તે સમજવા પ્રયત્ન કરીએ.

ઇન્સ્પેક્ટર : હા, જે સમજવા અને જાણવા માટે સાહજિક લાગે તે મુજબ સંવાદ કરીએ.

મનુષ્ય : આમેય અમને સરળ રીતે ઇચ્છિત કામના પૂર્ણ થાય તે બધું ગમતું હોય છે.

ઇન્સ્પેક્ટર : ચાલો, તમને ગમતો રસ્તો અપનાવીએ.

મનુષ્ય : હા મિત્ર.

ઇન્સ્પેક્ટર : આપણે મનબુદ્ધિના આધિપત્યમાં તેની પ્રતિકૂળ અને સાનુકૂળ પરિસ્થિતિમાં જીવનની શું સ્થિતિ હોય છે, તે અંગેનો સંવાદ કરીએ.

મનુષ્ય : અને પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી સાનુકૂળ પરિસ્થિતિમાં કેવી રીતે આવી શકાય તે નહીં ?

ઇન્સ્પેક્ટર : તે પણ ખરું.

મનુષ્ય : તો આપણો સંવાદ સાંભળવા અને સમજવા તત્પર છું.

ઇન્સ્પેક્ટર : ભલે, આપણે મન અને બુદ્ધિનું સર્જન, સ્વભાવ અને આચરણ કેવું હોય છે, તે અગાઉ સમજવા પ્રયત્ન કર્યો. તે સમજણ મુજબ મન અને બુદ્ધિની પ્રવાસન દૃષ્ટિ અનંત છે. પ્રવાસન દૃષ્ટિ દરમિયાન જે પણ આનંદદાયક તથ્યો હોય તે સ્વીકારવામાં બંનેની મતિ સમાન પ્રકારની હોય છે. મનની નૈતિક મર્યાદાઓ નક્કી કરવાનો અભાવ અને બુદ્ધિની હંમેશાં લાભકર્તા તથ્યોને હડપ કરવાની સ્વાર્થી પ્રકૃતિ એક થાય તો માનવીય તેમ જ પ્રાકૃતિક વૈભવ ગુણ-દોષની મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને પ્રાપ્ત કરવા સક્રિય થાય છે. આ સક્રિયતા સકારાત્મક મનોભૂમિમાંથી ઉત્પન્ન થાય તો સૃષ્ટિને સ્વર્ગ બનાવે છે, પરંતુ જો નકારાત્મક મનોભૂમિમાંથી ઉત્પન્ન થાય તો માનવ તેમ જ પ્રકૃતિ માટે હાનિકારક સાબિત થાય છે.

આદ્યથી વર્તમાન સમય દરમિયાન ભૌતિક સંરચના, મન અને બુદ્ધિના આધિપત્યનું પરિણામ છે. આવા આધિપત્યની ભૂમિકામાં જે પણ ભૌતિક સંરચનાનું સર્જન કરવામાં આવ્યું છે, તેના દરેક સર્જકનો હેતુ સકારાત્મક અભિગમવાળો હતો, છે અને હશે, પરંતુ જ્યારે વિવેકહીન મન અને સ્વાર્થપ્રેરિત બુદ્ધિ આવી સંરચના પ્રાપ્ત કરે છે, ત્યારે નકારાત્મક પરિણામમાં પરિણામ છે. જે આપણને પ્રાચીનથી અર્વાચીન સુધી તારવેલ સત્યો આધારિત પ્રતિપાદિત કરી શકીએ.

પ્રાચીન સમયમાં મહાભારતનું સર્જન થયેલ છે. આ સમય દરમિયાન મન-બુદ્ધિના આધિપત્યમાંથી જો કોઈ ઘટના ઉપર દૃષ્ટિપાત કરીએ તો અનેક ઘટનાઓ મન-બુદ્ધિના વર્ચસ્વમાં ઘટી હોય તેમ જોવા મળશે. મહાભારતમાં કર્ણનું મહાન પાત્ર છે. આ મહાનતા મન-બુદ્ધિના પ્રભુત્વમાં લેવાયેલ નિર્ણયના કારણે કલંકિત થયેલ છે. જો નિર્ણય હૃદયની નિર્ણાયકતા સાથે લેવાયો હોત તો મહાભારતની વિનાશક ભયંકરતા અવશ્ય નિવારી શકાઈ હોત.

આ પ્રસંગનું સમગ્ર વિવરણ કરીએ તો એક અલગ ગ્રંથ રચાય, એટલે તેના મર્મને સમજવા પ્રયત્ન કરીએ. દુર્યોધન સંપૂર્ણ કૌરવ પક્ષમાં કર્ણને મહાન યોદ્ધો અને મિત્ર સમજતો હતો અને સ્વીકારતો હતો, તેના નિર્ણયને પણ પ્રાધાન્ય આપતો હતો, તે શકુનિ બરાબર સમજતો હતો. આથી કર્ણ જ્યારે પણ હૃદયથી ભાવનાત્મક સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે દુર્યોધનને છંછેડીને કર્ણના વ્યવહાર પ્રત્યે શંકાશીલ બનાવતો, શંકાશીલ સ્થિતિ વિશ્વાસભંજક હોય છે. આવી સ્થિતિમાં દુર્યોધન વિહ્‌વળ બની જતો, કર્ણને જ્યારે વિહ્‌વળતાનું કારણ સ્વયં હોવાનું અનુભવતાં હૃદયની સ્પંદનશીલતા ગુમાવીને મન, બુદ્ધિની સર્વોત્તમ શક્તિ દુર્યોધનની ઇચ્છાનો સમર્પણ કરી દેતો. જો આ શક્તિ દ્વારા યુદ્ધની વિનાશક સ્થિતિ સમજાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હોત તો સ્વયં તેમ જ કૌરવ પક્ષનો વિનાશ અટકાવી શકાયો હોત.

અર્વાચીન સમયમાં અનેક ભૌતિક સાધનોની શોધ થયેલ છે, જેમાં અણુ પરમાણુ શક્તિથી પરગ્રહ પ્રવાસ સુધીનો સમાવેશ થાય છે. આ સમગ્ર શોધના સર્જકની સકારાત્મક મનોભૂમિના પ્રણેતા સ્વયં ઐશ્વરી શક્તિ છે. ઐશ્વરીય શક્તિએ તેના સર્જનના વિકાસ સાથે તેની જરૂરિયાતોને પણ પરિપૂર્ણ કરવાનું આયોજન કરેલ છે. અણુ પરમાણુની શક્તિ સમગ્ર પૃથ્વીની ઊર્જાનું પોષણ કરવાની શક્તિ ધરાવે છે. તેના સકારાત્મક ઉપયોગ દ્વારા કલ્યાણ સાધી શકાય છે, જ્યારે નકારાત્મક ઉપયોગ વિશ્વનો વિનાશ પણ કરી શકે છે. વર્તમાન સમયની અમુ-ટૅકનોલૉજીમાંથી ઇચ્છીએ તો ઉત્તર-દક્ષિણ ધ્રુવના પ્રદેશમાં કાલ્પનિક સ્વર્ગને વાસ્તવિક રૂપ આપી શકીએ, પરંતુ સ્પંદનશીલ હૃદયની અવહેલના કરીને નંદનવનને ઉજ્જડ પણ બનાવી શકાય છે. જેની અંશતઃ ઝલક જાપાનના હીરોશિમા અને અમેરિકા વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપરના હુમલાના પ્રમાણથી પરિચિત ન હોઈએ તે માની શકાય તેમ નથી.

આપણે ઐશ્વરીય સાક્ષાત્કારને આપણી જરૂરિયાત સમજીએ તો સર્વત્ર તેનાં દર્શન કરી શકીએ છીએ. સામાન્યતઃ વૈશ્વિક જનસમુદાયની વૃદ્ધિ અને વિકાસના સંદર્ભમાં જોઈએ તો જેમ માનવ-વૃદ્ધિ થઈ છે, તેમ ભૌતિક સંરચનાની પણ વૃદ્ધિ સમાનપણે થઈ છે. જો આ સમાનતા અનુભવવી હોય તો ફક્ત કલ્પના કરો કે જનસંખ્યાની વૃદ્ધિ સાથે ભૌતિક સાધનનો વિકાસ ન થયો હોય તો કેવી પરિસ્થિતિ સર્જાત ? જો આવાસના સંદર્ભમાં વિચારીએ તો પ્રથમ ભૂમિગત કુબા અસ્તિત્વમાં આવ્યા, આજની સ્થિતિમાં ભૌતિક વિકાસના આધારે મલ્ટીપલ સ્ટ્રક્ચરનું સર્જન થયેલ છે. જો તે ન થયું હોત તો કુબા આધારિત રહેણાંક વ્યવસ્થા હોત અને કુબા અસ્તિત્વમાં હોત તો દુનિયાની મોટા ભાગની જમીન કુબા માટે રોકાત. પરિણામ ખેતી માટેની જમીન ઓછી થાત, તેના પરિણામે કુદરતી અન્નનો અભાવ અને કૃત્રિમ અન્નની ઉત્પત્તિ છે. જો સાનમાં સમજીએ તો કૃત્રિમ આહારની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે અને તેના ઉપભોગમાંથી યંત્રવ્ત જીવનનું પણ અસ્તિત્વ વર્તાય છે.

તેવી જ રીતે મહાનગરો, નગરો, ઉપનગરો અને ગ્રામ વિકાસની સાથે પરંપરાગત બળદ, ઊંટ, ઘોડા, ગધેડા, ગાડી અસ્તિત્વમાં હોત અને ભૌતિક વાહનોની શોધ ન થયેલી હોત તો કલ્પના કરી જુઓ, કેવી પરિસ્થિતિ હોય ? ન્યૂયૉર્ક, ટોકિયો, પેરિસ, મુંબઈ કે અમદાવાદના સી.જી., તિલક કે ગાંધી રોડ પર કેવું દૃશ્ય જોવા મળે ? અને કેવા અનુભવો કલ્પી શકાય તે સ્વયંની કલ્પના આધારિત અનુભવી શકાય તેમ છે. જેમ કે,

ગાંધી રોડ સાંકડો હોવાથી ગધેડા, ગોડા કે બળદગાડાંઓથી જામ હોય, વર્તમાન સમયમાં યાંત્રિક હાવનો હોવા છતાં ટ્રાફિક જામ રહેતો હોય તો ઘોડા, ગધેડાના ગાડાની શું સ્થિતિ હોય તે ફક્ત કલ્પનાનો વિષય બની જાય છે.

સામાન્ય જનસમુદાયની સાત્ત્વિક, સકારાત્મક અને ઐશ્વરીય વૈભવની સદ્‌ઉપયોગિતા સમગ્ર પર્યાવરણને સમતુલિત રાખી શકે છે. જ્યારે તેનાથી વિરુદ્ધનું વર્તન નકારાત્મક વાતાવરણનું સર્જન કરે છે. આવા નકારાત્મક વાતાવરણની ઉત્પત્તિ અને વૃદ્ધિ માનવ અને પ્રાકૃતિક જીવન માટે ઘાતક છે. અત્રે એવો કોઈ નિર્દેશ કરવાની જરૂરિયાત રહેતી નથી કે આવી પરિસ્થિતિની શરૂઆત થઈ ગઈ છે.

મનુષ્ય : તો શું વર્તમાન સમય મન-બુદ્ધિના પ્રભુત્વવાળો સમજવો રહ્યો ?

ઇન્સ્પેક્ટર : એ તમારે તમારા અનુભવના આધારે નિર્ણય કરવો રહ્યો, જો આ અનુભવ પ્રસન્નતાનો અહેસાસ કરાવે તો માનવું કે તમો મન-બુદ્ધઇના પ્રભુત્વમાંથી મુક્ત છો. આવી મુક્તતાનું પ્રમાણ નિરંતર પ્રસન્નતાના અનુભવમાં છે.

મનુષ્ય : શું આવો અનુભવ સ્વયં સિવાય અન્ય દ્વારા પ્રાપ્ત કરી શકાય ?

ઇન્સ્પેક્ટર : મિત્ર, તમારા પ્રશ્નાર્થમાં મૃત્યુ હું પામું અને સ્વર્ગ તમે પ્રાપ્ત કરો તેના જેવો છે. ખરેખર સ્વર્ગની કામના કરવી હોય તો સ્વયંની મુક્તિ ઇચ્છિત છે.

મનુષ્ય : તો શું ધર્મો અને ધર્મપુરુષોની નીતિ અને ધર્મશાસ્ત્રોના જણાવ્યા પ્રમાણે તેમનો અંગીકાર અને અનુસરણમાં મુક્તિ પ્રાપ્ત થાય છે કે તેમાં કોઈ સત્યભેદ છે.

ઇન્સ્પેક્ટર : હા, માનવતા પ્રાપ્ત કર્યા સિવાયની કોઈ પણ શક્તિ મુક્તિદાતા ન બની શકે, કારણ કે સાચો ધર્મ અને ધર્મશાસ્ત્રનું અસ્તિત્વ મનુષ્ય ત્વના વર્તનમાંથી સ્થાપિત થાય છે. આવા વર્તન વગરનો આનંદ અને મુક્તિ પ્રલોભનકારી છે. વાસ્તવિકતા અને પ્રલોભન વચ્ચેનો ભેદ ત્યારે જ સમજાય કે જ્યારે તટસ્થ નિર્ણાયક શક્તિ કેળવાય, તટસ્થ નિર્ણાયક શક્તિ ત્યારે જ શક્ય બને જ્યારે વૈચારિક શક્તિ પૂર્ણ હોય, પૂર્ણ વૈચારિક શક્તિ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે મન, બુદ્ધિ અને હૃદય મુક્ત સ્થિતિમાં નૈસર્ગિક નિર્ણય લે. મનુષ્ય જ્યારે આવી નિર્ણાયક સ્થિતિ ધારણ કરે છે, ત્યારે મનુષ્ય ત્વ પ્રાપ્ત કરે, ત્યાર પછીનાં જે પણ તથ્યો સ્વીકાર કે અસ્વીકાર કરે તે સાત્ત્વિક અને સત્ય સ્વરૂપનાં હોય છે.

મનુષ્ય : તો, ધર્મો અને ધર્મપુરુષ, નીતિ અને નીતિશાસ્ત્રનાં તથ્યો (કથનો) અંગે શું અભિપ્રાય બાંધવો ?

ઇન્સ્પેક્ટર : ઓ મિત્ર મરા, ધર્મ અને નીતિ અભિપ્રાય બાંધવા માટે નહીં, પરંતુ આચરણમાં મૂકવા માટે છે. અને તે ત્યારે જ શક્ય બને કે જ્યારે તેની સમજણ કેળવાય. ધર્મ અને ધર્મપુરુષમાં બ્રહ્માંડીય વાતાવરણનું પવિત્રીકરણ કરવા માટેનું ઓજસ હોય છે અને આ ઓજસના વ્યાપમાં જે આવે તેની દરેક મલિનતા દૂર થાય ત્યારે ધર્મ કે ધર્મપુરુષના જીવનનું વાસ્તવિક દર્શન થાય. આ દર્શન મુજબનું આચરણ અને વ્યવહાર કરવામાં આવે ત્યારે તેનાં દરેક કાર્યોનું પરિણામ નિર્મળ સ્વરૂપનું બને. સત્ય, સાત્ત્વિકતા, સચ્ચિદાનંદ, પ્રસન્નતા, પ્રેમ, ભાવ જેવા અનેક શુભત્વનો (પર્યાય) નિષ્કર્ષ નિર્મળતાનું સ્વરૂપ છે. આવી નિર્મળતા જ્યારે પર્યાવરણમાં વિલીન થાય છે, ત્યારે ઐશ્વરીય સર્જનનું પોષક બને છે. વ્યક્તિ થકી ઉત્પન્ન થયેલ પોષક શક્તિ, જ્યારે અન્યના જીવનને ઉપયોગી થાય છે, ત્યારે અનેરી અનુભૂતિનો અહેસાસ થાય છે, આ અહેસાસમાં જીવનનો આનંદ તેમ જ પ્રસન્નતા હોય છે. આવી અનુભૂતિ સ્થિતિમાં ઇચ્છિત મનોકામનાઓ પૂર્ણ થાય છે. પછી ભલે આવી મનોકામના ઐશ્વરીય પ્રાપ્તિની હોય, માનવીય વૈભવની હોય કે પછી જીવનમુક્તિની, તે અવશ્ય પરિપૂર્ણ થાય છે.

મનુષ્ય : આદિથી વર્તમાન સુધીના સમયમાં વાચસ્વ (બોલાયેલ) સંવાદને પ્રતિપાદન કરી શકાય તેવા પ્રસંગ જણાવશો.

ઇન્સ્પેક્ટર : હિન્દુ ધર્મમાં વિષ્ણુના દસ અવતારનું વર્ણન કરવામાં આવ્યું છે, વેટીકનના ક્રિશ્ચિયન ધર્મગુરુને ક્રમાંક નંબર આપવામાં આવ્યો છે. બૌદ્ધ ધર્મમાં લામાઓના ધર્મગુરુઓના પુનઃજન્મ સ્વીકારવામાં આવે છે. જ્યારે અર્વાચીન સમયમાં અબ્રાહમ લિંકન, મોહનદાસ કરમચંદ ગાંધી ગણાવી શકાય. હા, આ ચિંતનાત્મક વિષય છે, આથી જે તે ધર્મના પૂર્ણ પુરુષના અનુભૂતિત અનુભવના આધારે સમજાવી શકાય, જેમ કે નરસિંહ મહેતા, મીરાંબાઈ, જલારામ બાપુ, એમણે અનુભૂતિત કરીને સમજાવ્યું છે.

મારા અનુમાન મુજબ અબ્રાહમ લિંકન, ગાંધીજી જેવા મહાન પુરુષોએ મોક્ષનો માર્ગ અપનાવ્યો હોવો જોઈએ કે જેથી વૈશ્વિક કક્ષાએ માનવધર્મના પ્રણેતાનો અભાવ વર્તાય છે.

મનુષ્ય : અબ્રાહમ લિંકન, મોહનદાસ ગાંધીના મોક્ષનું અનુમાન સાચું માનીએ તો, શું દરેક ધર્મના રચયિતા તથા જે દેવોએ જન્મ ધારણ કરીને પૃથ્વીલોક ઉપર આવીને માનવજીવન માટે સુખ અને શાંતિની સ્થાપના કરી હતી તેમનો પણ મોક્ષ થયેલ છે ?

ઇન્સ્પેક્ટર : મિત્ર, આપણું ધ્યેય મનુષ્યત્વની પ્રાપ્તિ સુધી મર્યાદિત છે. તમારો પ્રશ્ન દરેક ધર્મની આસ્થા સાથે વણાયેલ હોઈ વર્તમાન સમયના માનવીની આસ્થાને અસર કરે તેવા સંવાદ ન કરીએ તો સારું.

મનુષ્ય : તમારું સૂચન આદર સાથે સ્વીકારું છું. પરંતુ મનુષ્યત્વ પ્રાપ્ત કર્યા બાદ પણ એ માર્ગ જાણવો જરૂરી હોઈ સંવાદ કરવા જણાવું છું.

ઇન્સ્પેક્ટર : મિત્ર, તમારા તાત્પર્યને હું સમજું છું અને એ તાત્પર્ય જ્યારે મનુષ્યત્વ ધારણ કરશો એટલે આપોઆપ સમજાઈ જશે.

મનુષ્ય : તો એ તાત્પર્યને સમજાવવા માટે સંકોચ નહીં હોવો જોઈએ, અગાઉ આપે જ સંવાદ કર્યો હતો કે જ્યાં સંકોચ છે, ત્યાં મનુષ્યત્વ નથી.

ઇન્સ્પેક્ટર : તમે સાચા છો મિત્ર, પણ વર્તમાન સમયની વાસ્તવિકતા જોતાં માનવી અનેક માન્યતાઓમાં વિભાજિત થયેલ હોઈ તેને વધુ વિભાજિત કરવો અનાવશ્યક છે.

મનુષ્ય : હે મિત્ર, આપણું સત્ય ક્યારેય મર્યાદા અને અમર્યાદાનાં બંધન સ્વીકારતું નથી. તે સર્વથી મુક્ત છે.

ઇન્સ્પેક્ટર : મિત્ર, આપણું સત્ય ક્યારેય મર્યાદા અને અમર્યાદાના બંધન સ્વીકારતું નથી. તે સર્વથી મુક્ત છે.

મનુષ્ય : તો સંવાદ કરવાનો સંકોચ શાનો ?

ઇન્સ્પેક્ટર : તમે જેને સંકોચ માનો છો, તે વૈશ્વિક માનસને અભડાવનારું અને ભડકાવનારું છે.

મનુષ્ય : જો તમે નહીં અભડાવશો તો વાસ્તવિકતાનો અનુભવ કેવી રીતે થશે ?

ઇન્સ્પેક્ટર : “અભડાવવામાં” નકારાત્મક ભાવ પ્રગટ થાય છે. મિત્ર, એટલે આવા શબ્દપ્રયોગથી દૂર રહેવું સારું.

મનુષ્ય : માન્યું મિત્ર, તો વાસ્તવિકતાને સમજવા શું કરવું ?

ઇન્સ્પેક્ટર : કંઈ નહીં, પણ અંગત રીતે એવું માનું છું કે, વૈશ્વિક માનવસમાજ પોતાની અલગ અલગ માન્યતાઓને કારણે વિચ્છેદિત અવસ્થામાં છે. આવી વિચ્છેદિત પરિસ્થિતિમાં એકબીજા પ્રત્યે વિશ્વાસનો અભાવ હોય છે. અવિશ્વાસના વાતાવરણમાં વાસ્તવિક સત્યને જીરવી ન શકતાં સત્યને ભ્રમિત કરીને અશાંતિનું સર્જન કરતાં હોય છે.

મનુષ્ય : તો શું, આવાં નકારાત્મક પરિબળોનાં ભયના કારણે વાસ્તવિક સત્યથી દૂર રહેવું ?

ઇન્સ્પેક્ટર : મારો મત એવો નથી, પરંતુ જે થોડીઘણી શાંતિ છે, તેને ડહોળવા પ્રયત્ન નહીં કરવો જોઈએ.

મનુષ્ય : તો એવા પ્રયત્ન કોણ કરશે ?

ઇન્સ્પેક્ટર : મિત્ર, પ્રયત્ન દ્વારા કંઈ બદલી ન શકાય, મનુષ્ય સ્વયં મનુષ્યત્વ પ્રાપ્ત કરશે એટલે આપોઆપ સત્નયે સમજીને પરિવર્તિત થશે.

મનુષ્ય : પણ મારો પ્રયત્ન મનુષ્યત્વ પ્રાપ્ત કરવાનો છે અને એના માટે તમારા આગળના સંવાદ જરૂરી છે. આપણું મૂળભૂત હાર્દ વિચ્છેદિત માનસિકતાને એક કરવાનો પ્રયત્ન છે. અને તેનું કાર્ય અને કારણ બંને વિશ્વકલ્યાણ છે, એટલે માનવતાથી વિરુદ્ધની કોઈ પણ વિચારધારાઓનાં ભયથી મુક્ત રહેવું પડે.

ઇન્સ્પેક્ટર : મિત્ર, તમારી ભાવનાઓને માન આપું છું.

મનુષ્ય : મને આનંદ થશે.

ઇન્સ્પેક્ટર : તમે અવશ્ય આનંદ માણો, આપણે આગળનો સંવાદ કરીએ.

મનુષ્ય : અવશ્ય મિત્ર.

ઇન્સ્પેક્ટર : જુઓ મિત્ર, માનવીએ જ્યારથી સભાનતા કેળવી છે, ત્યારથી સ્વયં અને સૃષ્ટિમાં કોઈ વિશેષ શક્તિશાળી હોવાનું અનુભવ્યું છે. આદ્યથી વર્તમાનકાળ દરમિયાન એવાં કેટલાંય સત્ય છે કે જે મનુષ્ય સાધ્ય કરી શકતો નથી, પરંતુ સમજી શકે છે. આ સમજ દ્વારા તેને હસ્તગત કરવાના પ્રયત્નમાં નિષ્ફળ જાય છે અને પછી પણ છેની ભૂમિકાઓ આવે છે, ત્યારે સકારાત્મકતા ધારણ કરે તો પરમશક્તિની વાસ્તવિકતાનો અનુભવ થાય છે. જ્યારે નકારાત્મકતા ધરાણ કરે ત્યારે શૂન્યતા અનુભવાય છે. આવી અધૂરપમાંથી જે માનસિકતા કેળવાય છે, તે નાસ્તિક સ્વરૂપની હોય છે. આ નાસ્તિકતા માનવીય કાર્યક્ષેત્ર પૂરતી મર્યાદિત બની જાય છે. આવા સમૂહની માન્યતા મનુષ્યનો જન્મ - નર અને નારીના સંભોગ દ્વારા થાય છે, તેમ હોય છે, પરંતુ જેને નર-નારીના વંશજોનો જન્મ કેવી રીતે થયો તેની માથાકૂટમાં પડવાનું નિવારે છે.

માનવ-સમાજની પ્રાચીનતમ સભ્યતા, માનવીય સમજનો વિકાસ થતાં, જેવી સમજ તેવી માનસિકતાનું સર્જન થયું. મહત્તમ અંશે આવી માનસિકતા અસ્તિત્વને ટકાવી રાખવાના સંદર્ભમાં હોવાથી હંમેશાં સંઘર્ષમય જીવન રહેતું. આવા સંઘર્ષમાં ક્યાંય સુખ અને શાંતિ અનુભવી ન શકાય તે માનવું રહ્યું અને તેથી સ્થળાંતરની પ્રક્રિયા સતત ચાલુ રહેતી. સ્થળાંતર દરમિયાન જ્યાં માનવીય જરૂરિયાતોની પ્રાપ્તિ અને શાંતિ અનુભવાય ત્યાં સ્થિર થતા ગયા. સ્થિરતામાંથી શાંતિ મળતાં વર્ચસ્વ સ્થાપન માટે સંઘર્ષની શરૂઆત થઈ, જે લોહિયાળ સાબિત થતી. આવી પરિસ્થિતિમાં જ્યારે સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરવા છતાં પરાજય અથવા તો વિજયથી વંચિત થતાં છુપાવું પડતું, જ્યા ંછુપાય ત્યાં એકાંત હોય, એકાંતની પ્રાથમિક સ્થિતિ ભયજનક લાગતી. પરંતુ ધીમે ધીમે ત્યાં શાંતિનો અનુભવ થવા લાગ્યો. શાંતિની સ્થિતિમાં વીતી ગયેલ ક્ષણોના અવલોકનમાંથી થયેલ ભૂલો અને તેનાં પરિણામ તારવીને એવી ભૂલ ન કરવા, તથા જે કાર્યોનાં પરિણામ સુખદ અનુભવ્યાં તેના આધારે કોઈ એક પ્રણાલિ અસ્તિત્વમાં આવી. આવી પ્રણાલિના આચરણમાંથી સભ્યતાનો વિકાસ થયો. પ્રણાલિગત સભ્યતાના પ્રાથમિક વિકાસની સાથે, પોતાના સર્જન અને વિશેષ શક્તિને સમજવાના પ્રયત્નોમાંથી ઐશ્વરીય શક્તિનો અહેસાસ થયો, જે પ્રયત્ન દ્વારા ઐશ્વરીય શક્તિનો અહેસાસ થયો (તેન ધર્મ કહીએ છીએ) તે પ્રયત્ન વર્ણવવામાં આવ્યો. તે વર્ણનને ચિત્રો, શબ્દો, સંકેતો કે ચિહ્નોને પાન, ભીંત, પત્થર, શિલ્પ, ધાતુ, વસ્ત્ર કે કાગળ ઉપર કંડારેલા સમૂહમાંથી સંગ્રહિત ગ્રંથનું નિર્માણ થયું. આ ગ્રંથ આધારિત તથ્યોનું આચરણ કરતા જે સત્ય સમજાયું તેને ધર્મનું સ્વરૂપ ધારણ કર્યું. સભઅયતાના વિકાસમાં ધર્મ આધારસ્થંભ બનતાં આદિ, અલ્પ, અર્ધવિકસિત માનવસમાજને આવા ધર્મના અનુસરણ માટે, જ્યાં સુધી સકારાત્મક, સ્તુત્ય પ્રયત્નો હતા ત્યાં સુધી આવકાર્યા હતા, પરંતુ જ્યારથી સામ્રાજ્યવાદની ભાવના જાગૃત થઈ ત્યારથી કલંકિત થવા લાગ્યો. આ કલંક જે તે ધર્મનાં મૂળભૂત હાર્દને કલંકિત કરતું નથી, પરંતુ તેના મનસ્વી અર્થઘટન દ્વારા આચરણમાં મુકાયેલ વર્તન દ્વારા કલંકિત થાય છે અને તેના પાવિત્ર્યને ખંડિત કરે છે.

અહેસાસ કે અનુભવ દ્વારા ઈશ્વરનું સ્વરૂપ કે ઐશ્વરીય શક્તિની અનુભૂતિ થતી હોય છે. દિશાવિહીન સ્થિતિમાં જ્યાંથી પણ જુઓ ત્યાંથી એકસમાન પૂર્ણપણે પ્રવર્તમાન છે. જ્યાં આ માન્યતાોનું ખંડન થાય છે, ત્યાં ધર્મ નહીં પરંતુ ઉપજાવી કાઢેલ દંભ છે. ધર્મ નૈતિકતાનો સર્જક છે, જ્યારે દંભ અનૈતિકતાનો સર્જક છે, નૈતિકતા ઐશ્વરીય ગુણોથી સંપન્ન હોય છે, જ્યારે અનૈતિકતા માનવીય અવગુણોથી વર્તાતી હોય છે, જેની પ્રતીતિ અંધકારમય એકાંતમાં થાય છે. જો આવા અંધકારમય એકાંતમાં ભય લાગે તો માનવું કે, કોઈ પણ કાર્યના કર્મથી ભય અનુભવાય છે. પરંતુ આવા જ એકાંતમાં બ્રહ્માંડીય સ્વરૂપનું દર્શન થાય તો કાર્યના કર્મનું ફળ નિર્ભય બનાવીને મુક્ત વિહાર કરાવશે. આવી નિર્ભયતા ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે મનુષ્યત્વ પ્રાપ્ત થાય.

મનુષ્ય : હે મિત્ર, આ સંવાદ મનબુદ્ધિથી ન સમજી શકાય ?

ઇન્સ્પેક્ટર : ના.

મનુષ્ય : કારણ ?

ઇન્સ્પેક્ટર : ઉપરના સંવાદમાં તો સમજાવ્યું, પણ તમારું માનવું એવું છે કે, બુદ્ધિનું કાર્ય જ તથ્યોને સમજાવવાનું છે, તો કેમ બુદ્ધિ દ્વારા જ ન સમજીએ ? જો તેનો અખતરો કરવો હોય તો કરો, પિતા-પુત્ર વચ્ચે એક જ લાડુ મૂકો અને સવારે વહેલા ઊઠે તે ખાય, તેવી શરત મૂકો. જો બુદ્ધિનું માનશે તો બંને ઊંઘતાં પહેલાં જ ખાઈ જવાનો પ્રયત્ન કરશે. અને જો મન, બુદ્ધિ અને હૃદયથી નિર્ણય કરશે તો જેને પણ ખાવો હશે તે અડધો લાડુ ખાશે અને અડધો બીજાને માટે મૂકી દેશે.

મનુષ્ય : ઓ...હો... તેના માટે ક્યાં અખતરો કરવાનો હોય, આવું તો સર્વસામાન્ય અનુભવ આધારિત છે. ઈશ્વરના સંતાન સ્વરૂપે જે શક્તિશાળી છે તે પિતા છે અને નિર્બળ છે તે પુત્ર છે. વાસ્તવિકતા શું છે, તેનો વર્તમાન સાક્ષી છે.

ઇન્સ્પેક્ટર : હે મિત્ર, મનબુદ્ધિ તટશિખર ઉપરથી હવે પ્રયાણ કરવું રહ્યું. અન્યથા આપણે તેના આધિપત્યમાં આવી જઈશું તો ક્યાંક છૂટા પડી જઈશું.

મનુષ્ય : હા, મિત્ર, હા, આપણે જલદીથી આ પ્રદેશણાંથી રવાના થઈ જઈએ.

ઇન્સ્પેક્ટર : અવશ્ય મિત્ર, આપણે તેમ કરવું રહ્યું.

મનુષ્ય : તો હવે આપણે કયા પ્રદેશનો પ્રવાસ કરીશું ?

ઇન્સ્પેક્ટર : મન અને હૃદય, મનહૃદય તટશિખર તરફ પ્રયાણ કરીશું.

મનુષ્ય : અવશ્ય, આપણે તે તરફ પ્રયાણ કરીએ.

ઇન્સ્પેક્ટર : તો ચાલો, તે તરફ જઈએ.

* * *

મન-હૃદયની મનોભૂમિનું તટશિખર

મનુષ્ય : હે મિત્ર, આ ભૂમિમાં પ્રવેશતાં જ પ્રેમ, દયા, કરુણા અને અહિંસાથી આનંદિત અને મૂર્છિત સ્પંદનોથી મિશ્રિત ભાવનાં આભામંડળમાં ઉત્સાહક અને હતોત્સાહનો અનુભવ થાય છે.

ઇન્સ્પેક્ટર : હે મિત્ર, જો તેમને સમજવા અને જાણવાની ઉત્કંઠા હોય તો તેમના કોઈ પણ ભાવમાં ઓતપ્રોત નહીં થવા માટે સજાગ રહેવાની સલાહ આપું છું.

મનુષ્ય : આવી સલાહ આપવાનું તાત્પર્ય સમજ્યો નહીં ? કારણ કે, મનુષ્યત્વનું પ્રથમ ચરણ કોઈ પણ મનુષ્યના સુખ-દુઃખમાં સહભાગી થવાનું હોય છે.

ઇન્સ્પેક્ટર : તેમાં તમે સાચા છો મિત્ર, પરંતુ આ ભૂમિ એવી છે કે જ્યાં મનહૃદયના સ્વતંત્ર નિર્ણય દ્વારા પ્રાપ્ત કરેલ ભાવનાયુક્ત પ્રદેશ છે, જ્યાં પ્રાથમિક અવસ્થામાં પામેલ ભાવોથી આનંદિત હોય છે, પરંતુ જ્યારે આ આનંદ ક્ષણિક આયુષ્ય ભોગવીને સમાપ્ત થાય છે, ત્યારે હતાશા અને દિશાહીન સ્થિતિનું સર્જન થાય છે. અહીં શાશ્વત આનંદની કમી હોય છે.

મનુષ્ય : તેનાં શું કારણ ?

ઇન્સ્પેક્ટર : વાતાવરણનું સર્જન પ્રકૃતિ અને મનુષ્ય દ્વારા થાય છે. પ્રાકૃતિક વાતાવરણને સમતુલિત રાખવાનું કાર્ય પ્રકૃતિના નિયમન દ્વારા પ્રાપ્ત થતું હોય છે. જ્યારે માનવીય વાતાવરણ મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતા તરંગો દ્વારા થાય છે. આ તરંગો જ્યારે દૂષિત હોય છે, ત્યારે વાતાવરણ દૂષિત થતું હોય છે. આ બૂમિ મનહૃદયના આધિપત્યમાં થયેલ કાર્યના કર્મનો આનંદ ક્ષણિક હોય છે એટલે આક્રંદ વધુ હોય છે. આવા આક્રંદિત મનુષ્યના તરંગોના વાયબ્રેશન (આંદોલન)થી વાતાવરણ ગમગીન અને શોકગ્રસ્ત બનતું હોય છે.

મનુષ્ય : હે મિત્ર, મનહૃદય તો સુખ-દુઃખનાં પ્રથમ ભોક્તા હોય છે. તો નકારાત્મક પરિણામથી સજાગ કેમ નહીં રહેતાં હોય ?

ઇન્સ્પેક્ટર : જુઓ, મન અને હૃદય બંને સ્વભાવે ચંચળ અને સ્પંદનશીલ પ્રકૃતિ ધરાવે છે. એટલે તેમના નિર્ણય કોઈ પણ તથ્યનાં પરિણામની ભાવનાથી મુક્ત હોય છે. આથી આવા નિર્ણય ક્ષતિયુક્ત હોય છે. ક્ષતિયુક્ત નિર્ણય હમેશાં દુઃખદ હોય છે. સમગ્ર નિર્ણાયક પરિસ્થિતિમાં તેઓ સજાગ હોય કે ન પણ હોય તો કોઈ ફેર પડતો નથી.

મનુષ્ય : કેવા પ્રસંગોમાં આવી સ્થિતિ સર્જાતી હોય છે ?

ઇન્સ્પેક્ટર : મન હૃદય દ્વારા નિર્ણિત દરેક પ્રસંગોમાં મનહૃદયના સ્પંદનની સ્થિતિ પરાકાષ્ઠાએ હોય છે, પરાકાષ્ઠામાંથી પ્રેમ, દયા, કરુણા ઉદ્‌ભવે છે. અને જે તે અવસ્થા ઉપર તેનું વિશેષ પ્રભુત્વ હોય છે. જેમ કે યુવા અવસ્થામાં પ્રેમનું આધિપત્ય હોય છે. આ અવસ્થા દરમિયાન જે તે પાત્ર ઉપર મનહૃદયનાં સ્પંદનો કેન્દ્રિત થતાં આકર્ષણ ઉત્પન્ન થાય છે. આકર્ષણથી મનહૃદય પ્રભાવિત થતાં જે ભાવ જાગૃત થાય છે, તે પ્રેમમાં પરિણમે છે. આ સમગ્ર પ્રસંગ દરમિયાન અનોખા આનંદનો અનુભવ થતો હોવાથી સજાગતા, જાગૃતિ અને સમજણ અધ્યાહાર થઈ જતાં હોય છએ. પરંતુ જ્યારે વિપરીત પરિણામ અનુભવાય છે ત્યારે સજાગતા, જાગૃતિ અને સમજણ પણ ક્ષીણ થઈ જતી હોય છે. પરિણામે મન-હૃદય દુઃખ અનુભવે છે. દુઃખથી જ્યારે ત્રાહિમામ્‌ બને છે ત્યારે અઘટિત માર્ગે પ્રયાણ કરે છે.

મનુષ્ય : તો શું માનવે જીવનમાં ક્યારેય પ્રેમ નહીં કરવો જોઈએ ?

ઇન્સ્પેક્ટર : પ્રેમ કરવાથી થતો નથી, પરંતુ જોગાનુજોગ હોય છે.

મનુષ્ય : તે કેવી રીતે ?

ઇન્સ્પેક્ટર : જે આકર્ષણ મન, બુદ્ધિ અને હૃદયને આકર્ષિત કરે ત્યારે તેમાં સાત્ત્વિક ભાવ ઉત્પન્ન થતો હોય છે. પરસ્પરની સાત્ત્વિક ભાવનાઓની પરાકાષ્ઠાઓનું જ્યાં મિલન થાય ત્યાં સ્પંદનાત્મક નિર્ણાયક શક્તિનો આવિર્ભાવ ઉત્પન્ન થાય છે. આવો આવિર્ભાવ જ્યાં સમાનતા પ્રાપ્ત કરીને મિલન થાય છે ત્યાં પ્રેમનું કિરણ પ્રકાશિત થાય છે, જે સમગ્ર જીવનને પ્રકાશિત કરે છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન જ્યાં પણ અસમાનતાના ભાવ ઘટે ત્યાંથી આગળ ચાલવામાં આવે તો ત્યાંથી અશાંતિની તૈયારી રાખવી પડે.

મનુષ્ય : શું આવો પ્રેમ સંભવ છે ?

ઇન્સ્પેક્ટર : અસંભવ પણ નથી.

મનુષ્ય : તો શું પ્રેમમાં સમર્પણ, ત્યાગ, બલિદાનનું કોઈ મહત્ત્વ નથી ?

ઇન્સ્પેક્ટર : એકપક્ષીય નહીં.

મનુષ્ય : આવા પ્રેમને પ્રતિપાદિત કરી શકાય તેવી કોઈ સત્ય ઘટના ખરી ?

ઇન્સ્પેક્ટર : ખરી, કથાકથિલ લૈલા-મજનુ, હીર-રાંઝાનો પ્રેમ.

મનુષ્ય : આ તો જૂજ પ્રસંગો આધારિત ઘટના છે.

ઇન્સ્પેક્ટર : પ્રેમ પણ જૂજ સાત્ત્વિક ભાવનાઓનું પરિણામ હોય છે.

મનુષ્ય : શું સામાન્ય જીવન વ્યવહારમાં આવો પ્રેમ શક્ય નથી ?

ઇન્સ્પેક્ટર : તે માટે પ્રણયસંબંધ, વ્યક્તિ આધારિત પ્રેમના સંદર્ભમાં સમજવા રહ્યા.

મનુષ્ય : તો શું દરેકની અભિવ્યક્તિ અલગ અલગ હોય છે ?

ઇન્સ્પેક્ટર : ચોક્કસ, પરંતુ દરેકમાં સાત્ત્વિક ભાવના સર્વસામાન્ય હોય છે.

મનુષ્ય : એટલે ?

ઇન્સ્પેક્ટર : અગાઉ આપણે પ્રણય પ્રેમના સંદર્ભમાં સંવાદ કર્યો. પ્રેમના સંદર્ભમાં સમજીએ તો કુટુંબ અને સમાજની રચના સંબંધ આધારિત સ્થાપિત થયેલ છે. આ સંબંધો એક યા બીજા પ્રકારે પ્રેમ આધારિત હોય છે. જે કુટુંબ અને સમાજ સકારાત્મક અને સાત્ત્વિક ભાવનાઓથી સભર હોય છે, ત્યાં પ્રેમનું વાતાવરણ હોય છે. આવું વાતાવરણ આનંદ અને ઉત્સાહનું પ્રેરક બળ હોય છે. તેથી ઐક્યનો અનુભવ કરે છે. આવું ઐક્ય કોઈ પણ પ્રકારની નકારાત્મક પરિસ્થિતિમાંથી ટૂંક સમયમાં બહાર લાવી દેશે.

મનુષ્ય : આવા ઐક્ય માટેનો પ્રેરણાનો સ્રોત શું ?

ઇન્સ્પેક્ટર : સામાન્યતઃ માતા-પિતા, માતા-પુત્ર, પુત્રી-પિતા, ભાઈ-ભાઈ, ભાઈ-બહેન, દાદા-દાદી, દાદા-પૌત્ર-પૌત્રી, નાના-નાની-દોહિત્ર-દોહિત્રી જેવા અનેક તાણવાણાથી કુટુંબની રચના થયેલ હોય છે. માતા-પિતાનું પ્રથમ લક્ષ્ય સંતાનપ્રાપ્તિનું હોય છે. જો સંતાનપ્રાપ્તિનું લક્ષ્ય કોઈ ધ્યેય આધારિત હોય તો પ્રેમનું ખંડન થાય છે. આવો ખંડિત પ્રેમ ક્યારેક દુઃખનું કારણ બને છે.

મનુષ્ય : મને સમજાયું નહીં મિત્ર.

ઇન્સ્પેક્ટર : માતા-પિતાનું પ્રથમ લક્ષ્ય સંતાનપ્રાપ્તિ હોય છે. જો આ લક્ષ્ય સર્જનહારનાં સર્જનને પ્રવર્તમાન રાખવા માટેનું હોય તો સર્જનહારના સકારાત્મક સદ્‌ગુણોથી સંપન્ન સંતાન પ્રાપ્ત થશે, પરંતુ જો નિઃસંતાનનાં અભિશાપમાંથી મુક્તિ, વ્યાવહારિક જીવનમાં સહાયકની ભૂમિકા, માતૃ-પિતૃતર્પણ, વંશજને વધારવાનું, કન્યાદાન જેવી ભાવનાઓથી પ્રેરાઈને સંતાનપ્રાપ્તિનું લક્ષ્ય હોય તો સંતાનના જન્મ પહેલાં અને પછી પણ જ્યાં ઇચ્છિત ઇચ્છા પૂર્ણ નહીં થાય, ત્યાં દુઃખ અનુભવવું પડશે.

ભાઈ-ભાઈ અને ભાઈ-બહેન કે કૌટુંબિક સંબંધ જ્યાં સુધી સાત્ત્વિક ભાવનાઓ આધારિત હશે તો ઉષ્માનું પ્રગટીકરણ થશે. ત્યાં ત્યાગ અને બલિદાન સહજ હશે. જ્યાં આવી સહજ મનોભૂમિ હશે, ત્યાં પ્રેમનું બીજ વટવૃક્ષ તરીકે વિકસી શકે છે, પરંતુ જ્યારે કલુષિત અને નકારાત્મક ભાવ પ્રેરિત મનોભૂમિ હશે તો ત્યાં ઘેઘૂર વટવૃક્ષ પણ સૂકાઈ જશે અને વેરાનભૂમિમાં પરિવર્તિત થશે.

મનુષ્ય : હે મિત્ર, હવે મને સમજાયું કે, સૃષ્ટિનો સંપૂર્ણ વૈભવ પ્રાપ્ત કરવો હોય તો સૌથી પ્રથમ મનુષ્યત્વ ધારણ કરવું રહ્યું અને મનુષ્યત્વ ધારણ કરવા માટે હવે પછીના તમારા જે સંવાદ હોય તે સાંભળવા અને સમજવા રહ્યા.

ઇન્સ્પેક્ટર : અવશ્ય મિત્ર, ચાલો આપણે પ્રયત્ન કરીએ.

* * *

હૃદય-બુદ્ધિની મનોભૂમિનું તટશિખર

મનુષ્ય : અરે મિત્ર, આ કેવી ભૂમિ કે જ્યાં એકબીજાને સંમત કરવા ક્યાંક નમ્રતા તો ક્યાંક ઉગ્રતાપૂર્વક રજૂઆત કરવામાં આવે છે. ક્યાંક આનંદ તો ક્યાંક ગ્લાનિ, આ તો ન સમજાય તેવી મનોભૂમિ છે.

ઇન્સ્પેક્ટર : હા મિત્ર, જ્યાં બે બુદ્ધિમંતો ભેગા થાય ત્યાંનો વાર્તાલાપ કે માહોલ સામાન્ય સમજની બહાર હોય તેવું બની શકે.

મનુષ્ય : બે બુદ્ધિમંતો ?

ઇન્સ્પેક્ટર : હા. બે બુદ્ધિમંતો, જ્યાં એક સંપૂર્ણ નૈતિકતા અને ઐશ્વરીય સત્યોને આધારે પોતાનો મત વ્યક્ત કરતો હોય અને બીજો લાભાલાભની તરફેણમાં મત વ્યક્ત કરતો હોય ત્યાં તમે અનુભવેલ પરિસ્થિતિ વાસ્તવિક હોય છે.

મનુષ્ય : એટલે ?

ઇન્સ્પેક્ટર : આપણે હૃદય-બુદ્ધિના તટશિખરની ભૂમિમાં પ્રવેશ કર્યો છે.

મનુષ્ય : પણ હૃદય અને બુદ્ધિ તો વ્યવહારિક જીવનની શ્રેષ્ઠ શક્તિઓ છે.

ઇન્સ્પેક્ટર : હા, પણ નૈતિક અને અનૈતિકતાભર્યા નિર્ણયો પણ અહીંથી લેવાય છે.

મનુષ્ય : નૈતિક નિર્ણયો આવકાર્ય છે, પરંતુ અનૈતિક નિર્ણય પણ ?

ઇન્સ્પેક્ટર : હા, હૃદય સ્વભાવે નમ્ર હોવાથી ક્યારેક શરણાગતિ સ્વીકારી લે છે. પરિણામે નિર્ણાયક સ્થિતિ ઉપર બુદ્ધિનું પ્રભુત્વ હોય છે, જે મહત્તમ અંશે દૂષિત હોય છે.

મનુષ્ય : તો તેમની સંમતિ દ્વારા લેવાયેલ નિર્ણય પવિત્ર હોય છે ?

ઇન્સ્પેક્ટર : ના, આવો નિર્ણય પણ ખંડિત હોવાથી સત્યતા માટે આધારરૂપ ન બની શકે.

મનુષ્ય : તે કેવી રીતે ?

ઇન્સ્પેક્ટર : હૃદય અને બુદ્ધિનું મહત્તમ કાર્ય ન્યાયિક પ્રક્રિયાનું અવલોકન કરવાનું તથા ન્યાય આપવાનું હોય છે. આવું કાર્ય ન હોય ત્યારે નિષ્ક્રિયતા ધરાણ કરે છે. નિષ્ક્રિયતાને કારણે અનુભવસિદ્ધિનો અભાવ હોય છે, તેથી ક્યારેક ભળતો નિર્ણય કરવાની શક્યતાઓ રહેતી હોય છે.

મનુષ્ય : તો તેમને અનુભવ સિદ્ધિ ક્યારે પ્રાપ્ત થાય ?

ઇન્સ્પેક્ટર : ખરેખર તો મન સર્વે કારણોનું કારણ છે. જો મન ન હોય તો કોઈ કારણ જ ઉત્પન્ન ન થાય, કારણ ઉત્પન્ન થાય તો તેના નિરાકરણ (ઉકેલ) માટે પ્રવૃત્ત થવું પડે, પ્રવૃત્ત થવાય તો સુખ-દુઃખ, નૈતિક અનૈતિકતા, ઉચિત અનુચિત શું છે તે અનુભવાય. જો અનુભવ આનંદદાયક હોય તો તેનું સાતત્ય જાળવી રાખવા, પ્રવૃત્તિમય રહેવું પડે અને કષ્ટદાયક હોય તો પણ આનંદ માટે પ્રયત્નશીલ રહેવું પડે. એટલે જો મન ન હોય તો બુદ્ધિ અને હૃદય ફક્ત જૈવિક પ્રક્રિયા સંભાળીને બેસી રહે અને જો આમ બને તેનો અર્થ તમે જાણો છો, શું થાય ?

મનુષ્ય : શું અર્થ થાય મિત્ર ?

ઇન્સ્પેક્ટર : આપણે ફક્ત યંત્ર બની જઈએ.

મનુષ્ય : ઓ...હા... પણ બુદ્ધિ અને હૃદયને પણ પોતાની જરૂરિયાત હોય છે. તે કેવી રીતે પૂર્ણ કરે ?

ઇન્સ્પેક્ટર : બુદ્ધિની જરૂરિયાત ચિંતન કરવાની અને હૃદયની જરૂરિયાત ભાવને અનુભવવાની. આવી જરૂરિયાત બાહ્ય એટલે કે બ્રહ્મમાં હોય છે. બ્રહ્મ સાથેનો નાતો મન દ્વારા સ્થાપિત થાય છે. એટલે જ્યારે મનની ગેરહાજરી હોય ત્યારે આંતરિક શક્તિ તરફનો ઝોક હોય છે. આવો ઝોક ભ્રમિત હોય છે. એટલે અવાસ્તવિક તથ્યોને વાસ્તવિક સમજીને પ્રાપ્ત કરવાના આવેગ ઉત્પન્ન થાય છે અને તે દ્વારા મેળવ્યાનો આનંદ અથવા તો દુઃખ અનુભવે છે.

મનુષ્ય : આ તો ન સમજાય તેવો સંવાદ છે, મિત્ર.

ઇન્સ્પેક્ટર : તો પાગલખાનામાં જઈને અનુભવ કરી જુઓ મિત્ર.

મનુષ્ય : તો શું તેમનામાં બુદ્ધિ અને હૃદય સામાન્ય હોય છે ?

ઇન્સ્પેક્ટર : ના, અસામાન્ય.

મનુષ્ય : કારણ ?

ઇન્સ્પેક્ટર : જોઈતા આહારની અપૂરતી.

મનુષ્ય : તેમનો આહાર કેવો હોય છે ?

ઇન્સ્પેક્ટર : તે અંગે અગાઉ સંવાદ થઈ ગયો છે, મિત્ર.

મનુષ્ય : હા, હા, પણ બુદ્ધિ હૃદયના ઐક્યમાંથી લેવાયેલ નિર્ણયોનું શું ?

ઇન્સ્પેક્ટર : જ્યાં હકીકત કે વિષય જ ન હોય ત્યાં કેવો નિર્ણય ?

મનુષ્ય : તો મન સિવાય બુદ્ધિ હૃદયને પ્રવૃત્તિમય રાખી શકે તેવો બીજો કોઈ માર્ગ નથી ?

ઇન્સ્પેક્ટર : મારી તો મર્યાદિત જાણકારી છે. આપ જણાવશો તો આનંદ થશે.

મનુષ્ય : તો શું અન્યના મન દ્વારા એકત્રિત થતાં તથ્યોને તેમની તરફ પ્રવાહિત ન કરી શકાય ?

ઇન્સ્પેક્ટર : હે મિત્ર, આ સ્વયંની સ્વયંસંચાલિત પ્રક્રિયા છે. તેનું હસ્તાંતર શક્ય નથી.

મનુષ્ય : એટલે ?

ઇન્સ્પેક્ટર : આપણે સ્વયં બ્રહ્માંડનું માનસબ્રહ્મ છીએ. તેનું સંચાલન પણ સ્વયં દ્વારા જ શક્ય છે. એટલે આવી ધારણાઓ કરવી તે સમજણની બહાર છે, કારણ કે બ્રહ્મ અનેક નહીં પણ એક છે.

મનુષ્ય : તો શું આપણી યાત્રા પૂર્ણ થઈ ?

ઇન્સ્પેક્ટર : યાત્રા પૂર્ણ થઈ, પરંતુ યાત્રા દરમિયાન મળેલ તથ્યોનું પૃથક્કરણ કરીને સત્ય શોધવાનું બાકી રહ્યું મિત્ર.

મનુષ્ય : હા મિત્ર.

ઇન્સ્પેક્ટર : તો ચાલો આપણા કાર્યાલયમાં.

મનુષ્ય : અવશ્ય મિત્ર.

ઇન્સ્પેક્ટર : આપણે કયા વિષય સંદર્ભે અન્વેષણ પ્રવાસ કર્યો તેની સભાનતા છે મિત્ર ?

મનુષ્ય : હા મિત્ર, સુખ, શાંતિ અને પ્રસન્નતા માટે.

ઇન્સ્પેક્ટર : કોની ?

મનુષ્ય : આપણી.

ઇન્સ્પેક્ટર : સમગ્ર મનોભૂમિ ફરીને આવ્યા પછી પણ આપણી ?

મનુષ્ય : એટલે ?

ઇન્સ્પેક્ટર : એટલે એ તો મોટો પ્રશ્ન છે ?

મનુષ્ય : કંઈ સમજ્યો નહીં મિત્ર.

ઇન્સ્પેક્ટર : તો અન્વેષણ યાત્રાનો અભ્યાસ કરીને આવો.

મનુષ્ય : હે મિત્ર, હું મારા ભૂતકાળમાંથી બહાર નહીં આવ્યો હોઉં અથવા તેની અસરમાં હોઈશ એટલે નહીં સમજી શક્યો હોઉં, એટલે કંઈક પ્રકાશ પાડો તો અવશ્ય ધન્ય થઈશ.

ઇન્સ્પેક્ટર : મિત્ર મારા, આપણે જે પ્રવાસ કર્યા તે ખંડિત પ્રદેશોનો કર્યો અને ખંડિત પ્રદેશમાં શું સ્થિતિ હોય છે, તે જોયું, સાંભળ્યું અને સમજ્યા.

મનુષ્ય : હા હા મિત્ર, હું ખરેખર મારી જાગૃતિ માટે દિલગીરી વ્યક્ત કરું છું અને સાથે કદાચ જે યાદ આવ્યું તે બરાબર છે કે નહીં તે માટે આપણી સમક્ષ પુનરાવર્તન કરું છું.

આપણે મન, બુદ્ધિ અને હૃદયના સ્વતંત્ર પ્રદેશ અને મનબુદ્ધિ, મનહૃદય અને હૃદયબુદ્ધિના પ્રદેશમાં પ્રવાસ કર્યો. આ પ્રવાસ દરમિયાન તેમના સ્વતંત્ર આધિપત્યમાં દુઃખ અને સંતાપ સિવાય કંઈ જ જોવા ન મળ્યું, બરોબર મિત્ર.

ઇન્સ્પેક્ટર : હા મિત્ર, બરોબર. પણ હવે પછી બેદરકારીનું પુનરાવર્તન ન થાય તે માટે જાગૃત રહેશો.

મનુષ્ય : અવશ્ય મિત્ર, તો હવે પ્રસન્નતા માટેનાં સંવાદ કરીને સમજાવશો ?

ઇન્સ્પેક્ટર : કથિત સુખ આનંદ અને સાચા સુખ આનંદ વચ્ચેનો ભેદ સમજાવશો ?

મનુષ્ય : એમાં પણ ભેદ હોય ?

ઇન્સ્પેક્ટર : હા મિત્ર, કથિત સુખ આનંદ એટલે વર્તમાન સમયમાં આપણે જે ભોગવીએ છીએ તે એટલે કે માનવસમૂહમાં લઘુત્તમ સુખ અને મહત્તમ દુઃખ. જ્યાં સહાનુભૂતિ, દયા, કરુણા, પ્રેમવિહીન માણવામાં આવતું હોય તે, જ્યારે સાચું સુખ એટલે પ્રેમ, દયા, માનવતા, સહાનુભૂતિ અને કરુણામાંથી ઉત્પન્ન થાય છે તે.

મનુષ્ય : શું આવું સુખ વાસ્તવિક હોય છે ખરું ?

ઇન્સ્પેક્ટર : વાસ્તવિક હોય છે, એટલે તો સૃષ્ટિ ટકી રહી છે.

મનુષ્ય : મારે એવા સુખી સજ્જનોનું સાંનિધ્ય પ્રાપ્ત કરવું હોય તો ?

ઇન્સ્પેક્ટર : વિચારીને નિર્દેશ કરીશ.

મનુષ્ય : અત્યારે કેમ નહીં ?

ઇન્સ્પેક્ટર : તમારા સાચા સુખ આનંદની ઉત્કંઠા અભેરાઈએ ચડી જશે.

મનુષ્ય : એમ ?

ઇન્સ્પેક્ટર : હા, એમ.

મનુષ્ય : તો મારી ઇચ્છાઓને અભેરાઈએ નથી ચડાવવી.

ઇન્સ્પેક્ટર : તો આગળ સંવાદ કરીએ ?

મનુષ્ય : હા મિત્ર.

ઇન્સ્પેક્ટર : તો સાંભળો. આદિ-અનાદિથી માનવજગતમાં બે પ્રકારના જીવન-વ્યવહાર અમલમાં હોય છે. એક ઇષ્ટ અને બીજો અનિષ્ટ. જેમાં ઇષ્ટ જીવનવ્યવહાર મુજબનો માનવસમાજ દેવ તરીકે ઓળખાતો હતો જ્યારે અનિષ્ટ જીવનવ્યવહાર મુજબનો માનવસમાજ રાક્ષસ તરીકે ઓળખાતો. પ્રાચીન સમયની પરંપરાગત જીવન પ્રણાલિગત બંને સમૂહો અલગ-અલગ રહેતા હોવાથી હંમેશાં સતર્ક રહેતા હતા એવું આપણા પ્રાચીન સાહિત્ય અને ધર્મો પ્રમાણે માનીએ છીએ. એટલે આવી માન્યતાઓનું ખંડન પણ નથી કરતા અને તેમની મનોભૂમિ અંગે વિચારતા પણ નથી.

પરંતુ આધુનિક સમયમાં માનવી વિકસિત થતાં એક સમૂહમાં રહેતો થયો, પરંતુ તેની ઇષ્ટ અને અનિષ્ટ માનસિકતા પ્રવર્તમાન રહી, એટલે કોણ દેવ અને કોણ દાનવ તે તારવવું મુશ્કેલ છે. જ્યાં સુધી માનવી પ્રાથણિક અને અલ્પવિકસિત માનસિક અવસ્થામા ંહતો ત્યાં સુધી આવી પરિસ્થિતિ હતી, તેવું માની લઈએ કે તેઓ સમજણના અભાવે પરસ્પર લડીને મરતા હતા.

પરંતુ જ્યારે આધુનિક સમયનો માનવી સૃષ્ટિના તમામ સકારાત્મક, સાત્ત્વિક, વિકસિતના સંદર્ભમાં જેટલાં ઉપનામો પ્રવર્તમાન હતાં, છે અને હશે, તે તમામ ધારણ કરવા છતાં, તેમ જ વિશ્વમાં પ્રવર્તમાન ધર્મો, સંપ્રદાયો, નીતિશાસ્ત્રો, કાયદાશાસ્ત્રો, અસ્તિત્વમાં હોવા છતાં ઇષ્ટ અને અનિષ્ટ તત્ત્વોમાંથી અનિષ્ટ તત્ત્વોનું સમાધાન કરી શક્યા નથી, તે આજની વાસ્તવિકતા છે. આપણે અત્યાર સુધી જે થયું તે નજરઅંદાજ કરીએ તો પણ વર્તમાન વૈશ્વિક સમાજ વિનાશની પરાકાષ્ઠાએ સ્થિર છે તે અનુભવી શકતા નથી અને અપવાદરૂપ સંજોગોમાં જે અનુભવે છે, તેોની પાસે કોઈ ઉપાય નથી.

મનુષ્ય : હે મિત્ર, તમો આવો ગંભીર સંવાદ કેવી રીતે કરી શકો ?

ઇન્સ્પેક્ટર : મિત્ર મારા, જ્યાં સુધી સુખ અને ભૌતિક વૈભવની લાલચોમાં હશો, ત્યાં સુધી નહીં સમજાય.

મનુષ્ય : તો શું સુખ અને સુખની લાલસાનો ત્યાગ કરવાથી સમજાશે ?

ઇન્સ્પેક્ટર : હે મિત્ર, તમોએ સંવાદને બહુ જ સંકુચિત કરી નાખ્યો છે.

મનુષ્ય : હે મિત્ર, હું પણ વર્તમાન સમયનો જ માનવી છું ને ? એટલે મારા ઉપર પણ અનિષ્ટતાનાં પડછાયા હશે તેમ માનીને જ્ઞાન કરો.

ઇન્સ્પેક્ટર : તે કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ?

મનુષ્ય : તમારા સાંનિધ્યથી.

ઇન્સ્પેક્ટર : તે માટે તો સ્વયં જ જ્ઞાત થવું પડે.

મનુષ્ય : સ્વયં જ્ઞાત કેવી રીતે થવાય ?

ઇન્સ્પેક્ટર : જ્ઞાનજ્યોતિના સાંનિધ્યમાંથી.

મનુષ્ય : તો તેવી જ્યોતિનું સાંનિધ્ય પ્રાપ્ત કરાવો ને !

ઇન્સ્પેક્ટર : આપણે જો એકવીસમી સદીનાં વિકસિત માનવી હોઈએ તો પ્રાથમિક રીતે સ્વયં ઇષ્ટ છીએ કે અનિષ્ટ તે વાણી-વ્યવહાર અને વર્તન દ્વારા સમજવું રહ્યું. જો ઇષ્ટને સમજીશું તો અનિષ્ટ આપણી આસપાસમાં જ પલતું હશે. વર્તમાન સમયનું કોઈ પણ અનિષ્ટ, ઇષ્ટ શક્તિઓની મર્યાદાઓમાંથી ઉત્પન્ન થતું હોય છે અથવા તો ખંડિત માનસિકતા જવાબદારી હોય છે.

વર્તમાન સમયનો સમાજ માનવીને માનવી તરીકે નહીં, પરંતુ અનેક ઉપનામોથી ઓળખે છે. આવી ઓળખોમાં મૂળભૂત માનવી ક્યાંય. અલિપ્ત થઈ જાય છે. માનવીની મૂળભૂત ઓળખ “માનવ” છે, પરંતુ વર્તમાન સમયમાં “માનવ”ની વિરુદ્ધની ઓળખ પ્રસ્થાપિત કરવા પ્રયત્નો કરતા હોય છે. આવા પ્રયત્નોમાં કલુષિત માનસિકતા ભળે છે, ત્યારે અનિષ્ઠાનું પ્રભુત્વ વધે છે. જ્યારે નિષ્ઠાનું હનન થાય છે. આવા ઇષ્ટ અને અનિષ્ટના ઘર્ષણમાં છેવટે તો “માનવ” જ ભોગ બને છે.

ઉપરોક્ત સંવાદને સહજ રીતે સમજવો હોય તો હું હિન્દુ હોઉં કે મુસ્લિમ તે પહેલાં માનવ છું. કોઈ પણ એક પ્રાકૃતિક સત્ય માટે હિન્દુ કે મુસ્લિમના અપરિપક્વ તત્ત્વોમાં ગજગ્રાહ થાય ત્યારે ભોગવવાનું બંને ધર્મના ઇષ્ટ સમુદાયને હોય છે. જો આ ઇષ્ટ સમુદાય પોતાની ઇષ્ટ શક્તિઓથી અનિષ્ટ તત્ત્વોનું, ઇષ્ટ શક્તિઓમાં પરિવર્તન નહીં કરી શકે તો સમગ્ર સમાજ સમૂહે ભોગવવાનો વારો આવશે. જ્યાં સુધી આપણી ઓળખ માનવ તરીકે પ્રસ્થાપિત નહીં કરી શકીએ ત્યાં સુધી ઇષ્ટ અને અનિષ્ટનો ભેદ નહીં સમજી શકીએ. ઇષ્ટ અને અનિષ્ટ તો માનવતા ધારણ કર્યા બાદ જ તારવી શકાય. આવા અનિષ્ટ તત્ત્વ કોઈ એક સમૂહ માટે નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે ભયજનક હોય તેમ કહેવામાં કાંઈ ખોટું નથી.

મને મૂળ અન્વેષણ સમજાવવા પ્રયત્ન કરશો એમાં જ મારું ભલું છે.

ઇન્સ્પેક્ટર : જો આ સંવાદ અગડમ્‌-બગડમ્‌ લાગતો હોય તો આપનામાં કોઈ સમભાવ ભેદ હોય તેમ માનવું રહ્યું.

મનુષ્ય : હે પરમ મિત્ર, મારું સંસ્કરણ જે વાતાવરણમાં થયું હોય તેવા વાતાવરણની છાપ હોય, એટલે તેની છાપ ભૂંસવામાં થોડો સમય લાગશે.

ઇન્સ્પેક્ટર : હા મિત્ર, સત્યશોધનના અંતિમ ચરણ સુધીની સમજણ નહીં કેળવાય ત્યાં સુધી આવી ના-સમજ રહેવાની તેવું માની લઈએ.

મનુષ્ય : એમ કરશો તો મને સમજવામાં સરળતા રહેશે અને માનસિક ભેદ દૂર થશે.

ઇન્સ્પેક્ટર : હે મિત્ર, સમગ્ર સૃષ્ટિના સર્જનમાં વર્ચસ્વની દૃષ્ટિએ મનુષ્યનું આધિપત્ય છે અને મનુષ્ય ઉપર મન, બુદ્ધિ અને હૃદયનું. જ્યારે મન, બુદ્ધિ અને હૃદય સ્વતંત્ર હોય છે ત્યારે તેના ઉપર કોઈ પણ શક્તિનું આધિપત્ય હોતું નથી. તેથી તેમના સ્વાતંત્ર્યપણામાંથી જે વાતાવરણનું સર્જન થાય છે, તેનાથી પ્રાકૃતિક સર્જનની સમતુલા વિક્ષેપિત થાય છે. પ્રાકૃતિક સર્જનની સમતુલા વિક્ષેપિત થતાં જીવન વિકૃતિ ધારણ કરે છે. આવી વિકૃતિ સમગ્ર સૃષ્ટિના વિનાશની પ્રક્રિયા માટેનું કેન્દ્ર બની જાય છે. જો વૈશ્વિક આભામંડળના ઉચ્ચ શિખરેથી દૃષ્ટિ કરીશું તો આ ફોકસ મનુષ્ય ઉપર સ્થિર થાય છે. કેમ કે,

માનવી સિવાયના અન્ય સર્જનો પ્રકૃતિના મૂળભૂત નિયમ પ્રમાણે આદ્યથી વર્તમાન સુધી ચોક્કસપણે આચારસંહિતાનું પાલન કરતા રહ્યાં છે. પરિણામે તેમનું જીવન સમય અને સંજોગ પ્રમાણે પ્રસન્નમય રહે છે. જેમાં અપવાદરૂપ સંજોગો, પ્રાકૃતિક સમતુલાને અસર કરે તેવી કોઈ ઘટના ઘટે તો તેવાં કારણોસર તેને હાનિ થાય છે. તે સિવાય વિનાશના અંતિમ તબક્કે હોય તો તે માટે એક યા બીજા પ્રકારે મનુષ્ય જવાબદાર હશે.

મનુષ્ય : હે મિત્ર, આ ન સમજાય તેવો સંવાદ મારી અકળામણ વધારી દે છે.

ઇન્સ્પેક્ટર : મિત્ર, તમારી અકળામણ કદાચ (જાયજ) યોગ્ય હોઈ શકે ?

મનુષ્ય : તો આપ તેને પ્રયત્નપૂર્વક દૂર કરશો એવી આશા રાખું છું.

ઇન્સ્પેક્ટર : તે માટે અવશ્ય પ્રયત્ન કરીએ.

હે મિત્ર, સંપૂર્ણ સ્પષ્ટીકરણ કરવા માટેનો સમય અને બૌદ્ધિક જ્ઞાનની મર્યાદાઓને કારણે અત્રે શક્ય નથી, પરંતુ ચિંતન સ્વરૂપે જે સમજાયું છે તે દ્વારા સમજાવવા પ્રયત્ન કરીશું.

પ્રકૃતિનાં અનેક સર્જનોમાં મનુષ્ય સિવાયનું સર્જન તેના પ્રાકૃતિક નિયમ અનુસાર આચરણ કર્તા હોવાના કારણે સુંદર, સ્વસ્થ અને આનંદમય જીવન જીવે છે. વનસ્પતિએ તેનું મૂળભૂત વર્તન આદ્યથી વર્તમાન સુધી કાયમ રાખ્યું છે, પ્રાકૃતિક નિયમન અનુસાર પર્યાવરણને સમતુલન રાખવા માટે અંગારવાયુનું ભક્ષણ કરીને પ્રાણવાયુનું અન્ય સર્જનને પ્રદાન કરે છે. ઋતુચક્ર પ્રમાણે પ્રાણીજગતને આહાર પૂરો પાડશે, વિષણ ગરમી સહીને શીતળતાનું પ્રદાન કરે છે, તેનાં અસ્તિત્વ અને ત્યાર બાદ પણ અન્ય સર્જન માટે જીવન ઉપયોગી બને છે.

તેવી જ રીતે પશુ અને પક્ષી જગતનું પ્રાકૃતિક પર્યાવરણની સમતુલામાં મહત્ત્વનું પ્રદાન છે. તે દરેક પોતે પોતપોતાની ભૂમિકા પ્રાકૃતિક નિયમન અનુસાર ભજવીને સ્વસ્થ અને આનંદમય જીવન માણે છે.

વનસ્પતિ અને પ્રાણી પક્ષી જગતનાં ગુણગાન ગાવા બેસીએ તો મનુષ્ય વામણો સાબિત થાય તેમ છે. આદ્યથી પ્રવર્તમાન સમય દરમિયાન પ્રાણીજગત સંપૂર્ણ નગ્ન હોવા છતાંય, મનુષ્ય હંમેશાં તેની સુંદરતા, શૌર્ય, ચંચળતા, સહનશીલતા, પ્રેમ, વફાદારીની તેની સાથે સરખામણી કરતો હોય છે અને મહત્તમ અંશે સત્ય પણ છે. કોઈ સુનયનાની આંખ તો કે હિરણી જેવી, કોઈ મર્દ તો કે સિંહ જેવા, વફાદારી તો શ્વાન જેવી, તો મનુષ્ય કોના જેવો ?

તેથી પણ વિશેષ નગ્ન સત્ય તો એ છે કે માનવી જેટલો આધિ, ઉપાધિ, વ્યાધિ, રોગગ્રસ્ત, ભયગ્રસ્ત છે એટલું પ્રાણીજગત નથી. સિવાય કે મનુષ્ય તેનો દુશ્મન બને, મનુષ્ય જેની શોધમાં સર્વસ્વ જીવન સમર્પિત કરે છે, તેવાં સ્વાસ્થ્ય, સુખ અને આનંદ તેમને જન્મજાત મળેલાં હોય છે. આપણે ક્યારેય વૃદ્ધ વાંદરો જોયો છે ? અને જોયો હોય તો અડપલું કરી જોજો, તે તેની વૃદ્ધ અવસ્થામાં પણ એક ડાળથી બીજી ડાળ ઉપર જવા માટે લાકડીના ટેકાથી નહીં, પરંતુ કુદકો મારીને જ જાય છે. આપણા આહારમાં છત્રીસ જાતનાં ભોજન હોય છે. તો બકરા અને ઊંટના આહારમાં કાંકરા અને આકડા (છોડ) સિવાય સર્વસ્વ હાજર હોય છે. આપણે જો રતિસુખમાં ઘેલા હોઈએ તો ચકલા અને ચકલીનાં દામ્પત્યજીવન તરફ દૃષ્ટિ કરવી રહી. આપણે ક્યારેય ગધેડાને તાવ આવતો જોયો છે ? કાબરોને માથું દુઃખતું જોયું છે ? અને ટી.બી., કૅન્સર અને એઈડ્‌સ કયા પ્રાણી-પંખીઓમાં અડ્ડે જમાવીને બેઠાં છે ? હૃદય, કિડની, લીવર કયા જાનવરનાં ફેઈલ થતાં જોયાં છે ? કદાચ પ્રાણીના ડૉક્ટરોએ જોયાં હોય તો બરાબર છે, પરંતુ આમ મનુષ્ય માટે શોધવું મુશ્કેલ છે.

જ્યારે માનવજગતમાં કેટલી જાતના રોગ છે તેને જાણવા માટે ડૉક્ટર ઑફ મેડિસિન એમ.ડી. નહીં પણ ફિલોસોફર ઑફ ડિસિઝનો અભ્યાસ કરવો રહ્યો. આવો અભ્યાસ કરીને ડિગ્રી મેળવો તે પહેલાં નવા રોગો ફૂટી નીકળે છે.

મનુષ્ય : હે મિત્ર, આપણે કરેલ સંવાદનાં તથ્યનું કારણ શું ?

ઇન્સ્પેક્ટર : બ્રહ્માંડીય વાતારણમાંથી માનવી ઐશ્વરીય ચૈતન્યની ચેતનશક્તિની પ્રક્રિયાને સમજી શક્યો નથી. આવી ચેતનશક્તિઓનું કેન્દ્રસ્થાન મન, બુદ્ધિ અને હૃદયના સમન્વયમાંથી ઉત્પન્ન થતી મનોભૂમિમાં છે. જ્યાં આવી મનોભૂમિ ન હોય ત્યાં કેવી રીતે બીજ ઉત્પન્ન થાય ?

મનુષ્ય : હે મિત્ર, આવી મનોભૂમિ પ્રકૃતિદત્ત હોય છે કે માનવસર્જિત ?

ઇન્સ્પેક્ટર : હે મિત્ર, બ્રહ્માંડનો એક અંશ પ્રાકૃતિક મનોભૂમિ છે. પ્રાકૃતિક મનોભૂમિ આધારિત પ્રમાણો પ્રમાણે સ્વયં મનુષ્યે પોતાની મનોભૂમિનું સર્જન કરવું પડે છે. જ્યાં સમાન મનોભૂમિનું સર્જન થાય ત્યાં સમતુલા સધાય છે. સમતુલિત મનોભૂમિ હોય તો ઇચ્છિત કામનાઓ માટે પરિભ્રમણ કરી શકાય.

મનુષ્ય : તેનું પ્રમાણભાન થઈ શકે તેવા કોઈ પ્રમાણ ખરાં ?

ઇન્સ્પેક્ટર : તે માટે વર્તમાનના પાયા ઉપર ભૂતકાળમાં દૃષ્ટિ કરવી રહી, જેમાં ધર્મ, વિજ્ઞાન અને સમાજના સંસ્કરણકર્તાઓના જીવનવ્યવહાર જોઈશું તો દરેક મહાત્માઓને વૃક્ષો, પર્વતો, નદીઓ, પ્રયોગશાળાઓમાં વર્ષો સુધી એકાંતમાં તપશ્ચર્યા કર્યા બાદ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોવાનું સ્વીકારવામાં આવે છે, જેને આપણે તપ સમજીએ છીએ. આ તપ એટલે મન, બુદ્ધિ અને હૃદયનું સમન્વય કરીને ચૈતન્યશક્તિનાસાકાર અને સકારાત્મક સ્વરૂપને ચેતનમય બનાવવાનું જ્ઞાન. આ એવું જ્ઞાન હોય છે કે જેમાં ઐશ્વરીય વૈભવનું સાત્ત્વિક ભાવે માણતાં સચ્ચિદાનંદનો અનુભવ થાય છે. આવા જ્ઞાન પ્રાપ્તિનો હાર્દ મુખ્યત્વે મોક્ષ અને વિશ્વકલ્યાણની કામનાઓનું હોય છે અને તે પરિપૂર્ણ પણ થાય છે.

આવી કામનાઓની પરિપૂર્ણતા માટે કોઈ વિશેષ યોગ્યતા ઉપર ભાર મૂકતા હોઈએ તો તે આપણી સમજણભૂલ છે. મનુષ્યમાત્ર તેના માટેની યોગ્યતા ધરાવે છે. આપણે તેને પ્રયત્ન દ્વારા સિદ્ધ કરવાની હોય છે. તેની વાસ્તવિકતા સમજવી હોય તો આપણાં ભૂતકાળમાં દૃષ્ટિપાત કરવો રહ્યો. હિન્દુ ધર્મમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સર્વશક્તિમાન અને ભગવાન તરીકે પ્રસ્થાપિત થયેલ હોવા છતાં હંમેશાં ધ્યાનમગ્ન હોય છે. શું તેમની કોઈ મનોકામનાઓ અધૂરી હશે ? જો તેમ હોય તો તેો ક્યારેય કોઈના સંકટમાં સહાયરૂપ ન થઈ શકે. તેમની ધ્યાનસ્થ સ્થિતિ મન, બુદ્ધિ અને હૃદયના ઐક્યમાંથી ઉત્પન્ન થતી શક્તિ અને ચૈતન્યશક્તિમાંથી ઉત્પન્ન થતી ચેતનશક્તિ, એકરૂપ કરીને જગતનું પાલન કરવા માટેની ચેતનમય શક્તિનો સંચય કરતા હોય છે, તેવી જ રીતે અન્ય ધર્મોમાં પ્રાપ્ત થયેલ ચેતનમય શક્તિ પ્રવાહિત કરીને પ્રસન્નમય જીવન મળે તેવા પ્રયત્નમાં હોય છે.

ભૌતિકયુગમાં દરેક વૈજ્ઞાનિક ઉપકરણોનો આવિષ્કાર રાતોરાત થતો હોય તેવું માની શકાશે ? જો તેવું માની લઈએ તો અવશ્ય તે અવૈજ્ઞાનિક હશે. વૈજ્ઞાનિક સત્ય તો એ છે કે, આવા સત્યને સિદ્ધ કરવા અનેક વર્ષો સુધી સંશોધન સ્વરૂપનું તપ કરવું પડે છે, ત્યારે તે સિદ્ધ થાય છે. વૈશ્વિક કક્ષાએ માનવીય જીવનના મનોરથો પણ અનેક માનવકલ્યાણીઓની ચેતનમય શક્તિ દ્વારા સિંચિત થયેલ શક્તિઓ દ્વારા પૂર્ણ થાય છે. માનવી જ્યારે બીજા માનવીને ગુલામ બનાવતો હોય તેની વ્યથામાંથી અબ્રાહમ લિંકન, મહાત્મા ગાંધીજીએ અનુભવેલી હીનતામાંથી મુક્ત થવાના મનોમંથનમાંથી “સત્યાગ્રહ”નો આવિર્ભાવ થયો. સત્યાગ્રહનો માર્મિક અર્થ મન, બુદ્ધિ અને હૃદયના સમન્વયમાંથી ઉદ્‌ભવેલ સત્યના પાલન માટેનો આગ્રહ છે. આ આગ્રહનું એવું શક્તિસ્વરૂપ હોય છે, જેમાં સ્વયંનું સુખ અને દુઃખ ગૌણ બની જાય છે, સત્ય અને તેના પરિણામ વચ્ચેની પ્રવૃત્ત પ્રક્રિયા જીવનનાં સત્યોને પ્રકાશિત કરે છે. જો પ્રકાશિત જ્યોતિનો પ્રકાશ અનુભવવો હોય તો સત્ય અને પરિણામ વચ્ચેની પ્રક્રિયા પ્રમાણે પ્રવૃત્ત થવાય તો જ ગાંધીજી જેવી શક્તિ પ્રાપ્ત થાય.

ધર્માત્માઓ અને મહાનુભાવોના સંકલ્પ તો મહાન અને કલ્યાણી હતા, એટલે તે મુજબની શક્તિ પ્રાપ્ત કરવા તપશ્ચર્યા કરેલ અને તેનાં ફળ આપણે માણીએ છીએ. પરંતુ હવે આ ફળ કલુષિત માનસિકતા દ્વારા દૂષિત થયાં છે. તે સંપૂર્ણ દૂષિત થઈને ઝેરી બની જાય તે પહેલાં દૂષિત ફળોને પવિત્ર કરવાં રહ્યાં અને એ ત્યારે જ શક્ય બને કે જ્યારે સ્વયંની મન, બુદ્ધિ અને હૃદયના સમન્વયમાંથી ઉત્પન્ન થતી અંતઃસ્ફુરણા પ્રાપ્ત થાય.

મનુષ્ય : હે મિત્ર, આપના સંવાદમાં મન, બુદ્ધિ અને હૃદયના સમન્વયમાંથી સર્જાતી શક્તિનું વારંવાર પુનરાવર્તન થાય છે. તે શું છે તે સમજી શક્યો નથી. તો તે સમજાવશો ?

ઇન્સ્પેક્ટર : અવશ્ય મિત્ર, આપણું અન્વેષણ જે મનોભૂમિ ઉપર કર્યું તેનો સારાંશ આપ સમજ્યા હોય તો આગળના સંવાદ સમજવામાં સરળતા રહેશે.

મનુષ્ય : તેના સારાંશ સ્વરૂપે એવા તારણ ઉપર આવ્યો છું કે, તે દરેક મનોભૂમિ સ્વતંત્ર તેમ જુગલબંધીના સ્વાતંત્ર્યમાંથી સર્જાયેલ સ્વચ્છંદ મનોભૂમિ છે. સ્વચ્છંદ મનોભૂમિ ઉપરનાં દરેક કર્મ દૂષિત થવાથી તેનાં પરિણામો એક યા બીજા પ્રકારે વ્યથાજનક હોય છે. અને જ્યાં વ્યથા હોય ત્યાં કયા સુખ, સમૃદ્ધિ, આનંદ અને શાંતિની ખેવના રાખી શકાય ?

ઇન્સ્પેક્ટર : મિત્ર, આપનો સંકલિત (તારણ) સારાંશ બિલકુલ યોગ્ય અને સમજણપૂર્વકનો હોઈ આગળ સંવાદ કરીએ.

મનુષ્ય : અવશ્ય મિત્ર.

સમગ્ર સૃષ્ટિનં નિર્માણ સકારાત્મક અને નકારાત્મક (નેગેટિવ-પૉઝિટિવ) ગુણોથી થયેલ છે. નકારાત્મક ગુણ સકારાત્મક ગુણને જીવંત રાખવાના ભાવમાંથી પ્રકટેલ છે અને તે અનિવાર્ય છે. તેના ગૂઢાર્થને સમજવાના પ્રયાસરૂપે સજીવ સૃષ્ટિ તરફ દૃષ્ટિપાત કરવો રહ્યો.

વનસ્પતિના જીવનમાં દૃષ્ટિપાત કરીએ તો આપણી દૃષ્ટિએ પ્રાણવાયુ એ સકારાત્મક (પૉઝિટિવ) અને અંગારવાયુ એ નકારાત્મક તત્ત્વ છે, જ્યારે વનસ્પતિ માટે અંગારવાયુ સકારાત્મક અને પ્રાણવાયુ નકારાત્મક તત્ત્વો છે. આપણે એટલું સત્ય તો અવશ્ય સમજતાં હોઈએ છીએ કે પ્રાણવાયુ ન હોય તો અન્ય જીવોની કેવી કલ્પના કરી શકાય ?

તેવી જ રીતે પ્રાણી, પશુ અને જંતુના જીવનમાં તેમનો આહાર તેમના માટે સકારાત્મક હોય છે, જ્યારે આપણા માટે નકારાત્મક. જો તેમ ન હોય તો વનસ્પતિનો વિકાસ અને માનવજીવનનું અસ્તિત્વ ટકાવી રાખવું અશક્ય છે.

મનુષ્ય : તે કેવી રીતે ?

ઇન્સ્પેક્ટર : જો પ્રાણી, પશુઓનો આહાર અન્ન હોય તો મનુષ્યે ઘાસનો આહાર કરવો પડે અથવા તો માંસભક્ષી પ્રાણીની જેમ ફરજિયાત માંસનો આહાર કરવો પડે. સમગ્ર સર્જન અને વિસર્જનની પ્રક્રિયામાં ભૂમિ, જળ અને આકાશી પ્રાણી-પક્ષી અને જીવો એકબીજાના પૂરક ન હોય તો આકાશ પક્ષીઓથી, ભૂમિ પશુઓથી અને જળ જળચરથી ભરચક થાય અને પ્રાકૃતિક સમતુલા અસમતુલિત થાય. આથી સકારાત્મક અને નકારાત્મક પ્રક્રિયાનું પ્રાકૃતિક નિયમનનું ચાલક બળ છે. આપણે નકારાત્મક અને સકારાત્મક ભાવોનું મનઘડંત અર્થઘટન કરીને વિકૃત બનાવી દીધો છે.

મનુષ્ય : તો મનુષ્ય માટે સકારાત્મક અને નકારાત્મક ભાવ કેવા હોય છે અને વિકૃત કેવી રીતે બનાવી દેવામાં આવ્યા છે ?

ઇન્સ્પેક્ટર : મનુષ્યના સકારાત્મક ભાવ અન્ય સર્જનનાં નકારાત્મક તત્ત્વોના સ્વીકારવામાં અને નકારાત્મક ભાવ તેમનાં સકારાત્મક તત્ત્વોના ગ્રહણમાં હોય છે. જેમ કે વનસ્પતિનું નકારાત્મક તત્ત્વ પ્રાણવાયુ, પરિપક્વ, પૂર્ણતાથી નિગ્રહ કરેલ અન્ન, ફળ, ફૂલ, કાષ્ટ, ગ્રહણ કરવા એટલે સકારાત્મક ભાવ, જ્યારે નકારાત્મક ભાવ એટલે પૂર્ણ પ્રક્રિયાવિહીન તત્ત્વોને એટલે કે તેમના સકારાત્મક ભાવની પ્રક્રિયા દરમિયાનના મધ્યમાંથી કે તે પહેલાં તત્ત્વોને ગ્રહણ કરવામાં હોય છે. જેમ કે અર્ધવિકસિત અન્ન, ફળ, ફૂલ, કાષ્ટ અને પશુ પેદાશ. આવો નકારાત્મક ભાવ પ્રાકૃતિક પર્યાવરણને અસમતુલિત કરનારો હોય છે અને આવા અસમતુલિત પર્યાવરણમાંથી નકારાત્મક પ્રકૃતિનો જન્મ થાય છે.

મનુષ્ય : નકારાત્મક પ્રકૃતિ એટલે શું ?

ઇન્સ્પેક્ટર : મનુષ્યની નકારાત્મક પ્રકૃતિ એટલે તેના સિવાયનાં સજીવોની સકારાત્મક ભાવને સ્વીકારીને આચરણ કરવું તે. જેમ કે, પ્રાણી, પક્ષીઓ અને જળચરો તેમનાથી નિર્બળોનો આહાર કરે છે, તે પ્રાણી, પક્ષીઓના આ સકારાત્મક ભાવને મનુષ્ય દ્વારા “જીવો જીવસ્ય ભોજનમ્‌” જેવા ઉદ્ધત નકારાત્મક ભાવ પ્રગટ કરીને ભોગવતા હોય છે. આવો નકારાત્મક ભાવ જ્યાં સુધી સૃષ્ટિના અન્ય સર્જન સુધી મર્યાદિત હતો ત્યાં સુધી તો સૃષ્ટિ ગડમથલ કરતી ચાલે છે, પરંતુ તેનો પ્રભાવ માનવજગતમાં તરફ પ્રસરતાં સૃષ્ટિનો ક્યારે વિનાશ થશે તેનું ભવિષ્યકથન કરવું ઐશ્વરીય શક્તિના દ્રોહ સમાન છે.

મનુષ્ય : હે મિત્ર, ભવિષ્યકથન માટે તો હું આપને આગ્રહ ન કરી શકું, પરંતુ તેના નિવારણ અંગે તો અવશ્ય આગ્રહ કરી શકું.

ઇન્સ્પેક્ટર : હે મિત્ર, ભવિષ્યકથન અને નિવારણ અંગેનો આગ્રહ તો તેમને કરી શકાય કે જેઓ સર્વશક્તિમાન છે. આપણે તો ફક્ત વાસ્તવિકતા અને તેના પરિણામ વચ્ચેનાં જે અનુમાન છે તે સમજવાનાં છે. આપણે જે સમજીએ તે સર્વમાનવ સમુદાય સમજે તો જ નિવારણ શક્ય બને, અન્યથા આપણી સમજણ આપણને જ નિઃસહાય બનાવીને આઘાત સહન કરવા મજબૂર કરશે.

મનુષ્ય : સમજણપૂર્વકના આઘાત અને મૃત્યુ બન્ને મંજૂર છે. મિત્ર, તેમાં મજબૂરી નહીં, પરંતુ મુક્તતા હશે. તેમનાથી વિશેષ કંઈ નથી.

ઇન્સ્પેક્ટર : હે મિત્ર, તમારી જે સ્થિતિ છે તે સોહમ્‌ ભાવની સ્થિતિ છે. આવી સ્થિતિમાં મારી વૈચારિક સમજણ ક્યાંક દૂષિત હોય તો અવશ્ય અનર્થ સર્જાય, તેથી વૈચારિક સમજણમાં ક્યાંય દોષ હોય તો પવિત્રભાવ અને તટસ્થ ભાવે સ્વીકારશો તો અનર્થ નહીં થાય.

મનુષ્ય : હે મિત્ર, અનુમાન અને અનુભવ વચ્ચેનો તફાવત સાત્ત્વિક ભાવથી દૂર થાય છે, એટલે અનર્થની ચિંતા કર્યા વગર સ્તુત્ય સમજણમાંથી આનંદનો અનુભવ થાય તેવા સંવાદ શરૂ કરો.

ઇન્સ્પેક્ટર : અવશ્ય મિત્ર, જુઓ.

મન, સર્જનહાર અને માનવસર્જિત દરેક સર્જનનું નૈતિક અને અનૈતિક ભાવથી પર ગ્રહણ કરીને આનંદ ભોગવવામાં પ્રવૃત્ત હોય છે. આ પ્રવૃત્ત પ્રક્રિયા દરમિયાન તથ્યોમાં રહેલ તત્ત્વોનું બુદ્ધિ સકારાત્મક અને નકારાત્મકના ભેદ પાડે છે, પરંતુ તેના સ્વીકારવામાં તેની પ્રામાણિકતા વિચલિત થતી હોય છે. ડગુમગુ સ્થિતિમાં હૃદય પ્રવૃત્તિમય થાય છે. હૃદય સકાર અને નકાર તત્ત્વમાંથી ભોગ્ય અને અભોગ્ય, સત્ય અને અસત્ય, નૈતિક અને અનૈતિક જેવાં અનેક પ્રકારનાં સાકાર તત્ત્વોને ગ્રહણ કરવાનું અને નકાર તત્ત્વોને ત્યાગ કરવાનું જણાવશે. હૃદયની સાત્ત્વિક સ્વીકૃતિ બુદ્ધિ અને મન સ્વીકારતાં પ્રવૃત્ત થાય છે. પ્રવૃત્ત પ્રક્રિયાનું સકારાત્મક પરિણામ મળતાં મન, બુદ્ધિ અને હૃદય ત્રણેય પરિણામનાં પરાકાષ્ઠા સ્વરૂપનો આનંદ અનુભવે છે. ત્રિવિધ આનંદથી જીવનું ધ્રુવીકરણ થાય છે. જીવના ધ્રુવીકરણનું સાતત્ય જળવાય તો આત્માની જાગૃતિ થાય છે.

આ પ્રવૃત્ત પ્રવૃત્તિને આપણે કાર્ય કહીએ છીએ અને તેનાં પરિણામને કર્મ તરીકે સમજીએ છીએ. સાકાર કર્મ આત્માને જાગૃત કરે છે. જો આ કર્મનું પણ સાતત્ય જળવાય તો આત્મા સૂક્ષ્મ-સ્વરૂપે તેના સાંનિધ્યની અનુભૂતિ કરાવે છે. સતત અનુભૂતિમાં જીવ અને આત્મા એક થાય છે. આ એકત્વનું જ્યાં મિલન થાય છે, ત્યાં સ્વર્ગ અને એકત્વનું કાયમી સ્વરૂપ એટલે મોક્ષ, જેને આપણે જીવ આત્મામાં વિલીન થયાનું માનીએ છીએ.

આ જ પ્રવૃત્ત પ્રક્રિયા નકાર સ્વરૂપની હોય તો તેનું અંતિમ પરિણામ નર્ક હોય છે અને નકાર સ્વરૂપના કાર્યના પરિણામમાંથી ઉત્પન્ન થતાં કર્મ સૃષ્ટિના પર્યાવરણમાં અસંદિગ્ધ સ્વરૂપે મિશ્ર થાય છે, જેની ભોક્તા સમગ્ર સૃષ્ટિ બને છે. જ્યાં સુધી સ્વયંના નકાર કર્મોનું નિવારણ સ્વયં દ્વારા ન થાય ત્યાં સુધી કોઈ પણ સ્વરૂપે સૃષ્ટિમાં અસ્તિત્વ ધરાવવું પડે છે, તેને આપણે પુનઃજન્મ કે યોનિ અવતાર તરીકે સમજીએ છીએ. આ દરેક યોનિ કે પુનઃજન્મ ફક્ત ને ફક્ત સૃષ્ટિના પર્યાવરણને સ્વચ્છ અને પવિત્ર કરવાનો હોય છે. જેની શરૂઆત મનુષ્યજીવનથી શરૂ થાય છે.

મનુષ્ય : હે મિત્ર, તમારો સંવાદ સમજાયો તો ખરો, પરંતુ તથ્ય આધારિત પ્રમાણ દ્વારા સમજાવો તો વધુ સમજાય.

ઇન્સ્પેક્ટર : હે મિત્ર, આપ ક્યારેય કોઈ જન્મ, લગ્ન, ધર્મ, મરણ, રમત, સંગીત, યુદ્ધને પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે માણ્યું છે. તેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપના અનુભવ અલગ અલગ હોય છે. પ્રત્યક્ષ અને પરોક્ષ અનુભવના સમવન્યમાંથી જે દૃષ્ટિ પ્રાપ્ત થાય છે, તે પ્રજ્ઞાદૃષ્ટિ છે. યુદ્ધને પરોક્ષ દૃષ્ટિએ અનુભવીએ તો રોમાંચ અનુભવાય છે, જ્યારે પ્રત્યક્ષ દૃષ્ટિએ અનુભવીએ તો ભય ઉત્પન્ન થાય છે. રોમાંચ અને ભયની દૃષ્ટિના મિશ્રભાવમાંથી પ્રજ્ઞાદૃષ્ટિ કેળવાય. આ દૃષ્ટિ દ્વારા જે ભાવ ઉત્પન્ન થાય છે તેનાથી પ્રસન્નતા અનુભવાય તો સકાર અને ખિન્નતા અનુભવાય તો નકાર સ્વરૂપે સમજી શકાય. પ્રજ્ઞાદૃષ્ટિ વગરનો રોમાંચ કે ભય ક્ષણિક હોય છે.

તેવી જ રીતે અગડમ્‌-બગડમ્‌ સિવાયની જ્યાં ધર્મસભાનું આયોજન થતું હોય ત્યાં પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે હાજર રહીએ તો સકાર સ્વરૂપનો અનુભવ થાય છે. સકાર સ્વરૂપના અનુભવમાંથી સાત્ત્વિક ભાવના જન્મે છે. આ ભાવના જ્યાં સુધી જાગૃત હોય તે સમય દરમિયાન કાર્ય કરવામાં આવે તો તેનું કર્મ સકાર સ્વરૂપનું હોય છે.

મનુષ્ય : હે મિત્ર, સકાર અને નકાર ભાવનું ઈજન કેવી રીતે અનુભવાય ?

ઇન્સ્પેક્ટર : મિત્ર મારા, જ્યારે કોઈ પણ પ્રકારની નવીનતમ પ્રવૃત્ત પ્રક્રિયાની શરૂઆત થાય છે ત્યારે મન, બુદ્ધિ અને હૃદયમાંથી કોઈ પણ એકનો પ્રાથમિક અવસ્થામાં નન્નો હોય અને નન્નાની પરિસ્થિતિમાં કોઈ બણ બેની સહમતી થાય અને ત્રીજાનો નન્નો હોય તો, એક કે બેની પ્રવૃત્ત પ્રક્રિયાનું પરિણામ નકારમાં હોય છે.

જીવનના ભૂતકાળથી વર્તમાન સમય તરફ દૃષ્ટિ કરીશું તો તેનાં અનેક પ્રમણ મળી રહેશે. જેમ કે બાલ્ય અવસ્થામાં અભ્યાસ સકાર સ્વરૂપ છે, જ્યારે કારણ વગરની રખડપટ્ટી નકાર સ્વરૂપ છે. સકાર સ્વરૂપનું પરિણામ જીવનને સાકાર બનાવે છે, જ્યારે નકાર સ્વરૂપનું પરિણામ વિક્ષેપિત જીવન બનાવે છે. યૌવન અવસ્થાનું સકાર સ્વરૂપ જીવનનાં કાલ્પનિક સુખોને વાસ્તવિક સ્વરૂપે સાકાર કરવાનો માર્ગ શોધવામાં છે, જ્યારે નકાર સ્વરૂપ ઐયાશ છે. પુખ્ત અવસ્થાનું શૌર્ય ભાવિ જીવનને સહજ કરવા માટે સકાર સ્વરૂપનું છે, જ્યારે તિકડમ્‌બાજીમાં નકાર સ્વરૂપ હોય છે. પ્રૌઢ અને વૃદ્ધ અવસ્થા સંતાનો અને સમાજનું સંસ્કરણ કરવામાં સાકાર સ્વરૂપ હોય છે, જ્યારે ઠઠારો અને નિંદા નકાર સ્વરૂપની હોય છે.

આમ, દરેક સફળતાની પ્રવૃત્ત પ્રક્રિયામાં સકાર સ્વરૂપમાં મન, બુદ્ધિ અને હૃદયનો સમન્વય હોય છે. જ્યારે નકાર સ્વરૂપોમાં કોઈ પણ એકનો નન્નો હોય છે. કોઈ પણ એકનો નન્નો હોવા છતાં પ્રવૃત્ત પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે તો નન્નો ભણનારની નિર્ણયશક્તિ શક્તિહીન બની જાય છે અને ત્યાર બાદની જે પ્રકારની પ્રવૃત્ત પ્રક્રિયા હોય તે કાયમનું સ્વરૂપ ધારણ કરે છે.

સામાન્યતઃ પ્રવૃત્ત પ્રક્રિયા દરમિયાન પ્રાકૃતિક અને માનવીય વાતાવરણ જીવંત હોય છે. પ્રાકૃતિક વાતાવરણ સૂક્ષ્મરૂપે જીવંત હોય છે, જ્યારે માનવીય વાતાવરણ ભાવ દ્વારા જીવંત હોય છે. ખંડિત માનસિકતાના કારણે પ્રકૃતિના ચૈતન્ય સ્વરૂપને અનુભવાતું નથી, તેથી તેની હાજરીને નજરઅંદાજ કરાય છે. જ્યારે માનવીય ભાવ પ્રત્યક્ષ સ્વરૂપે અનુભવાતો હોવાથી કુટેવધારી બની જાય છે. કુટેવધારી મનુષ્ય સાત્ત્વિકતાનો ડોળ ધારણ કરી ગુપ્તતાનું આવરણ ઓઢે છે. જેને આપણે ઢોંગ તરીકે સમજીએ છીએ. આવા ઢોંગમાં જ્યારે રીઢાપણું આવી જાય છે, ત્યારે ગમે તે સ્થિતિમાં પોતાના આંતરિક ભાવને દબાવી રાખે છે, જેને આપણે મૂઢ તરીકે સમજીએ છીએ.

જેમ કે બાલ્યજીવન દરમિયાન અભ્યાસની પૂર્ણતા માટેની કસોટીમાં અપૂર્ણતા હોય છે, ત્યારે પૂર્ણતામાં સર્વોપરી સિદ્ધ થવા કે સફળ થવા ચોરી કરવા પ્રેરાય છે. ચોરીમાં પ્રવૃત્ત થતાં મન, બુદ્ધિ અને હૃદય ત્રણેમાંથી કોઈ પણ એક અથવા તો બેને નન્નો હોય છે, આવો નન્નો હોવા છતાં ચોરીથી સફળતા પ્રાપ્ત કરે તો તે આદતમાં ફેરવાય છે. આ આદત જીવનની અન્ય પ્રવૃત્ત પ્રક્રિયાને પણ દૂષિત કરે છે.

આવી જ રીતે જૂઠના આવરણમાં પ્રાથમિક અવસ્થામાં કોઈ પણ એકનો કે બેનો નન્નો હોવા છતાં જૂઠ આચરવામાં આવે છે. આવા જૂઠનાં પરિણામથી ક્ષણિક રાહત થાય છે. આવી રાહત વારંવારના જૂઠમાં પરિણમે ત્યારે આદતમાં પરિણમે છે. આવો આદતી મનુષ્ય જ્યારે સત્ય બોલે છે, ત્યારે તે પણ વિશ્વાસજનક નથી હોતું !

આમ, દરેક નકાર પ્રવૃત્ત પ્રક્રિયા અન્યથી સર્વે પ્રકારે અને સ્વયંના ત્રિવિધમાંથી કોઈ પણ એકના આધિપત્યમાં આચરવામાં આવે, અથવા તો નજરઅંદાજ કરે ત્યારથી ખંડિત ભાવના જાગૃત થાય છે. ખંડિત ભાવનામાંથી નકાર પ્રવૃત્ત પ્રક્રિયા શરૂ થાય ે.

મનુષ્ય : હે મિત્ર, આવાં સકાર અને નકાર પ્રવૃત્તમય પ્રક્રિયાનાં પરિણામ કોણ ભોગવે છે ? મન, બુદ્ધિ, હૃદય, શરીર, જીવ કે પછી આત્મા ?

ઇન્સ્પેક્ટર : હે મિત્ર, સકાર પ્રવૃત્તમય પ્રક્રિયાનાં પરિણામ સાત્ત્વિક હોવાથી મન, બુદ્ધિ, હૃદય અને શરીર તથા જીવ આત્મા દરેક અનુભવે છે, પરંતુ નકારમાં વિભાજિત અનુભવ હોય છે.

મનુષ્ય : વિભાજિત કેવી રીતે ?

ઇન્સ્પેક્ટર : આપણા અગાઉના દરેક સંવાદના સંદર્ભમાં વિચારીએ તો જે કાર્યનું કર્મ બંધનકર્તા હોય તો આત્મા સિવાય દરેકે ભોગવવાનું હોય છે.

મનુષ્ય : આત્મા કેમ નહીં ?

ઇન્સ્પેક્ટર : આત્મા સ્વયં સ્વતંત્ર છે. સકાર કર્મોની પરાકાષ્ઠાએ તેનું સાંનિધ્ય પ્રાપ્ત થાય છે. આવા સાંનિધ્યમાં જીવને જ્યારે આત્માની અનુભતિ થાય ત્યારે મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે. મનુષ્યત્વમાં સચ્ચિદાનંદનો અનુભવ થાય છે. તેની પરાકાષ્ઠામાં દેવત્વ અથવા મોક્ષ હોય છે. જીવ ચાહે તો દેવત્વ ધારણ કરી શકે છે અથવા તો મોક્ષ, જેવી જીવની કામના. એટલે કે નકાર પ્રવૃત્તિમય પ્રક્રિયા દરમિયાન આત્માની ઉપ્થિતિ જ ન હોય તો ભોગવવાનું ક્યાંથી ?

મનુષ્ય : તો શું સકાર ને નકાર પ્રવૃત્તિમય પ્રક્રિયા આયોજનપૂર્વકની કે પૂર્વ નિર્ધારિત હોય છે ?

ઇન્સ્પેક્ટર : હે મિત્ર, તમારા સંવાદમાં બે પ્રશ્નોની રજૂઆત છે, નકારમાં ના અને સકારમાં હા, પ્રશ્ન બેમાં સકાર કર્મના અનુસંધાનમાં પણ હા.

મનુષ્ય : હે મિત્ર, તમારા “હા” અને “ના”મા ંમારી સમજણનાં દ્વાર નહીં ખૂલે.

ઇન્સ્પેક્ટર : પ્રથમ “ના”નો સંવાદ કરીએ તો મન, બુદ્ધિ અને ૃદયના સમન્વય, સમભાવ, સભાનતા અને જાગૃતિનાં અભાવમાં કોઈ પણ આયોજનનો આવિષ્કાર થતો નથી. એટલે પૂર્વે કે પછી જ્યાં સુધી સમન્વય, સભાનતા અને જાગૃતિ નહીં કેળવાય ત્યાં સુધી નકાર પ્રવૃત્ત પ્રક્રિયાનું પુનરાવર્તન થયા કરવાનું. જ્યાં સુધી નકાર કર્મનું પરિણામ ભોગવીને તટસ્થતા ધારણ ન કરીએ ત્યાં સુધી સકાર કર્મનું પરિણામ ભોગવી શકાતું નથી.

મનુષ્ય : શું તેનો મતલબ એવો થયો કે નકાર કર્મ હોય તો સકાર કર્મ ન થઈ શકે ?

ઇન્સ્પેક્ટર : ના મિત્ર, તેનો મતલબ એવો નથી થતો, મારો કહેવાનો અર્થ એ છે કે નકાર કર્મ માટે કોઈ આયોજન કરવું પડતું નથી. ઊલટાનું તે સહજ હોય છે, પરંતુ પરિણામ અસહ્ય હોય છે. દુન્યવી ભાષામાં આપણે તેને “માયા” તરીકે સમજીએ છીએ. એક વાર તેના ચક્રવ્યૂહમાં ફસાયા તો તેમાંથી જે બહાર નીકળવાની પ્રવૃત્ત પ્રક્રિયા છે, તે આયોજન છે. આવા આયોજન માટેની પ્રેરણા થવામાં સકાર પ્રવૃત્તિમય પ્રક્રિયાની શરૂઆત હોય છે.

સકાર પ્રવૃત્તિમય પ્રક્રિયામાંથી ઉત્પન્ન થતું સંચિત કર્મ, આ જન્મ કે પુનઃજન્મમાં તટસ્થ કે નકાર જીવન સ્થિતિમાં જ્યાં સુધી સંચય હશે, ત્યાં સુધી માણી શકાય છે, પરંતુ જ્યારે આ સંચય પૂર્ણ થશે ત્યાંથી તટસ્થ સ્થિતિ સ્થાપિત થાય છે. પરંતુ જો જે તે જન્મમાં સકાર સંચિત કર્મનો સંચય હોય અને તેમાં વૃદ્ધિ કરવામાં આવે તો એક એવી પરાકાષ્ઠા આવે છે, જ્યાંથી નકાર કર્મનો ઉદ્‌ભવ સંભવ નથી.

જેમ કે પ્રભુ મહાવીર સ્વામી તેમનાં જન્મોનાં સંચિત કર્મનાં પરિણામ સ્વરૂપે મનુષ્યત્વના શિખરે હતાં, ત્યારે સંપૂર્ણ વૈભવ સહજ અને અધિકારપૂરણ હતો. જો આ અધિકાર આચરણ દ્વારા ભોગવવામાં આવ્યાં હોત તો તટસ્થતાની એવી ભૂમિકા પર આવતા કે સંપૂર્મ સકાર કર્મ પૂર્ણ થાત, અને પુનઃજન્મનાં ઘટમાળ આવાગામન કરવું પડત અને અહિંસા પરમ ધર્મ છે, તેનું જે માર્ગદર્શન મળ્યું તે ન મળત.

ખરેખર તો તેઓ પૂર્વજન્મોમાં સકાર કર્મનાં મધ્યાન્તર વટાવી ચૂક્યા હતા, મધ્યાન્તર બાદ તેમના દરેક પુનઃજન્મનાં સકાર કર્મનો સંચય દિવ્યતા તરફનું પ્રયાણ હતું. તેમનો દિવ્યતાનો પૂર્ણ પ્રકાશપુંજ, ઐશ્વરીય શક્તિના પુંજમાં વિલીન થતાં પુનઃ મનુષ્ય તરીકે અવતાર થયો. આ અવતાર પૂર્ણ સકાર કર્મના પરિણામસ્વરૂપ હોવાથી પૂર્ણ વૈભવમાં પણ દિવ્યશક્તિનાં કિરણમાત્રનો અણસાર થતાં સહજ રીતે સર્વ વૈભવનો ત્યાગ કર્યો. દુન્યવી રીતે જે વૈભવ અમૂલ્ય હતો તે તેમના માટે તણખલા સમાન પણ નહોતો, જ્યાં પૂર્ણ સુખના ત્યાગમાં કોઈ દુઃખ ના હોય ત્યાં પૂર્ણ દુઃખના અનુભવવામાં પણ આક્રંદ નથી હોતો અને ત્યાં જ આત્માની ઓળખ હોય છે. આત્મા સ્વયં ચિન્મય આનંદ અને સર્જક છે, ચિન્મય આનંદ આત્માનો નહીં, પણ ભોક્તાએ આત્માને ઓળખવાનો સ્રોત છે.

મનુષ્ય : હે મિત્ર, પૂર્ણ વિવરણને સંવાદમાં પરિવર્તિત કરીને મનુષ્યત્વ ધરામ કરવાની પૂર્ણ ક્રિયાને ટૂંકાક્ષરી બનાવવા છતાં, મનુષ્યત્વ કેવી રીતે પ્રાપ્ત કરવું તે સમજી શક્યો નથી, તો તે સમજાવોને !

ઇન્સ્પેક્ટર : મિત્ર મારા, વર્ણન, વિવરણ કે સંવાદ દ્વારા જે સત્યને પ્રકાશિત કરવું હોય તે, મોતી અને માળઆ જેવું છે. જેમ એક એક મોતીને દોરીમાં પરોવતાં માળા બને છે, તેમ તારવેલ સત્યોને એક કરતાં ધર્મ બને છે.

મનુષ્ય : સમજ્યો નહીં મિત્ર.

ઇન્સ્પેક્ટર : મન, બુદ્ધિ અને હૃદયની સાત્ત્વિક નિષ્પત્તિ મોતી છે અને સમન્વય દોરી છે. નિર્મિત મોતી સમન્વયરૂપી દોરીમાં પરોવાય તો ધર્મરૂપી માળઆ બને છે. જેમ માળાને ધારણ કરવાથી તેનું મૂલ્ય સમજાય છે, તેમ ધર્મને ધારણ કરવાથી તેનું મૂલ્ય સમજાય છે.

મનુષ્ય : હે મિત્ર, અલંકારી સંવાદ સમજવામાં શબ્દ અર્થનો ભેદ સમજાતો નથી. તેથી કોઈ સરળ ભાષા હોય તો તેનો ઉપયોગ કરો ને !

ઇન્સ્પેક્ટર : આપણે આપણી મર્યાદાઓ સમજી શકીએ છીએ. મિત્ર, મારી સંવાદની ભાષા અને તમારી સમજવાની ભાષા અલગ હોય તેમાં દોષ તમારો નહીં મારો હોઈ શકે, મારે તમને સમજાય તેવી ભાષામાં વર્ણન કરવું જોઈએ.

મનુષ્ય : હે મિત્ર, મારી વિનંતી ફક્ત ભાષાની સરળતાની છે, દોષની નહીં. એટલે તમારી જેવી પણ ભાષા હશે તેને સમજવા અવશ્ય પ્રયત્ન કરીશ અને તે દ્વારા મૂળ ભાવને સમજવા કોશિશ કરીશ.

ઇન્સ્પેક્ટર : હું સમજું છું કે, તમારો ભાવ ટીકા કરવાનો નહીં, પરંતુ સરળતા માટેનો છે. મારો તમોને આગ્રહ છે કે, તમો ટીકાત્મક નિવેદન કરો કે તેમાંથી હું કાંઈ શીખી શકું તેવો તેમાં કંઈ સમાવેશ કરજો.

મનુષ્ય : અવશ્ય મિત્ર.

ઇન્સ્પેક્ટર : તો હું આપનો આભારી થઈશ.

મનુષ્ય : આપે જ સંવાદ કર્યો હતો કે આભાર હંમેશાં અંતમાં જ વ્યક્ત કરાય.

ઇન્સ્પેક્ટર : હા..હા... મિત્ર.

મનુષ્ય : તો મનુષ્યત્વ પ્રાપ્ત કરવાના સંવાદ અધૂરા લાગે છે મિત્ર.

ઇન્સ્પેક્ટર : તો પૂરા કરીશું.

મનુષ્ય : ક્યારે ?

ઇન્સ્પેક્ટર : વિરામ બાદ.

(વિરામ પૂર્ણ થયો.)

મનુષ્ય : હે મિત્ર, આપણા વિરામથી જો થાક પૂર્ણ થયો હોય અને નવચેતન પ્રાપ્ત કર્યું હોય તો આપણે સંવાદ શરૂ કરીએ ?

ઇન્સ્પેક્ટર : અવશ્ય મિત્ર.

મનુષ્ય : આપણા દ્વારા થયેલ સંવાદને સમજવા માટેની કોઈ એકસૂત્રતા હોય તો જણાવશો, કારણ કે મન, બુદ્ધિ અને હૃદયની સમન્વય પ્રક્રિયામાંથી પસાર થવાની ઝંઝટ એટલી લાંબી અનુભવાય છે કે, આવી પ્રક્રિયામાં પડવા કરતાં આપણી જે વાસ્તવિકતા છે તે બરોબર છે, તેમ કરીને જીવને મનાવવો પડશે.

ઇન્સ્પેક્ટર : મિત્ર, મારા તમો યંત્રવત્‌ સંપૂર્ણ સંવાદમાંથી પસાર થવાનું અનુભવો છો. યંત્ર એ યંત્ર છે અને માનવ એ માનવ છે.

મનુષ્ય : એટલે ?

ઇન્સ્પેક્ટર : મનુષ્ય ઈશ્વરની દેન છે, જ્યારે યંત્ર માનવસર્જિત છે. એક ચૈતસિક શક્તિથી ચલાયમાન છે, જ્યારે બીજું માનવ પ્રક્રિયાની શક્તિ અનુસાર, એટલે આપણે ચૈતસિક શક્તિ આધારિત પ્રક્રિયાને સમજવી રહી.

મનુષ્ય : તે કેવી રીતે ?

ઇન્સ્પેક્ટર : કદાચ આપણે ચૈતસિક શક્તિને સમજતાં નથી અથવા તો નજરઅંદાજ કરીએ છીએ, એટલે અનુભવી શકતા નથી.

મનુષ્ય : પણ ચૈતસિક શક્તિ છે શું ?

ઇન્સ્પેક્ટર : અરે મિત્ર, દાળમાં હિંગ નાખી હોય ત્યારે તેનો સ્વાદ મળ્યો, પરંતુ સુગંધ ન મળી હોય તેનાં જેવો સંવાદ કરો છો.

મનુષ્ય : મિત્ર, તમારી હૈયાવરાળ યોગ્ય હશે, પણ જ્યાં સુધી કોના વિશે સંવાદ કરો છો તેની સ્પષ્ટતા નહીં કરો ત્યાં સુધી કંઈ નહીં સમજાય.

ઇન્સ્પેક્ટર : હશે મિત્ર, પણ હવે સમજવા નમ્ર પ્રયાસ કરીએ. આપણે દૂરસંચાર દૃશ્ય અને શ્રાવ્ય સાધનોથી તો પરિચિત હોઈશું ?

મનુષ્ય : હે મિત્ર, તમો અનુમાન આધારિત નહીં, પરંતુ સ્પષ્ટ નામ અને અનુભવ આધારે સંવાદ કરશો તો સમજવા માટે સહજ બનશે.

ઇન્સ્પેક્ટર : અવશ્ય મિત્ર, આપણે ટેલિવિઝન અને મોબાઈલ શું છે તે તો સમજીએ છીએ ને ?

મનુષ્ય : હા મિત્ર.

ઇન્સ્પેક્ટર : અહીં આપણે મોબાઈલના સંદર્ભમાં સંવાદ કરીએ તો ભૂમિગત અને આકાશમાં યંત્રો ગોઠવાયેલ હોય છે. આકાશી યંત્રો ભૂમિગત યંત્રો દ્વારા છોડાયેલ સંદેશાને સ્વીકારીને મોબાઈલ પર પ્રસારિત કરે છે.

મનુષ્ય : બરોબર.

ઇન્સ્પેક્ટર : આ સંદેશા કેવી રીતે, ક્યારે ઝીલાય તે જાણો ?

મનુષ્ય : આપ જણાવશો તો યોગ્ય રહેશે.

ઇન્સ્પેક્ટર : આ દરેક યંત્રોમાં સંદેશા ગ્રહણ, વહન અને પ્રસારણ કરવા માટેનાં ટ્રાન્સમિટર ચીપ્સ બેસાડવામાં આવી હોય છે. આ ટ્રાન્સમિટર ચીપ્સ જ્યારે ઍક્ટિવેટ થાય ત્યારે સંદેશાની આપ-લે થાય. આ દરેક યંત્રમાં ચીપ્સ હાર્દ સમાન હોય છે. એની દરેક પ્રક્રિયા કૃત્રિમ શક્તિ આધારિત હોય છે અને તેની મર્યાદાઓ પણ હોય છે.

તેવી જ રીતે ટેલિવિઝન, ટી.વી. સ્ટેશન દ્વારા પ્રસારિત થતાં દૃશ્ય-શ્રાવ્ય સંદેશા આકાશી યંત્રો દ્વારા ગ્રહણ કરીને ભૂમિગત ક્ષેત્રમાં પ્રવાહિત કરે છે, જે ટ્રાન્સમિટર દ્વારા સ્વીકારાતાં ટી.વી.માં જોઈ-સાંભળી શકાય છે. દરેક પ્રક્રિયામાં વેવ્ઝ તરંગોનું ગ્રહણ, વહન અને પ્રસારણમાં કૃત્રિમ જીવંતતા હોય છે, જેને આપણે યાંત્રિક સંચારશક્તિ તરીકે ઓળખીએ છીએ.

યાંત્રિક સંચારણશક્તિ પ્રમાણે માનવ ઊર્જામાંથી ઉત્પન્ન થતી એક શક્તિ હોય છે, તેને ચૈતસિક શક્તિ તરીકે સમજી શકાય. યાંત્રિક સંચારણ શક્તિ જેમ ટ્રાન્સમિટર દ્વારા તરંગોને ઉત્પન્ન કરવા, ગ્રહણ કરવા અને પ્રસારણ કરે છે. તેમ મનુષ્યનાં મન, બુદ્ધિ અને હૃદયરૂપી ટ્રાન્સમિટર સ્વરૂપે તરંગોનો સ્વીકાર, ગ્રહણ અને વ્યક્ત થતા હોય છે. કૃત્રિમ સાધનને આપણે મોબાઈલ કે ટેલવિઝન તરીકે આલેખીએ છીએ, તેમ કુદરતી સાધન શરીર છે.

મનુષ્ય : અવશ્ય મિત્ર.

ઇન્સ્પેક્ટર : સર્જનહારની સર્વોત્તમ કૃતિ મનુષ્ય છે અને મનુષ્યની સર્વોત્તમ શક્તિ મન, બુદ્ધિ અને હૃદયના સમન્વયમાંથી ઉત્પન્ન થતી પ્રવૃત્તિમય પ્રક્રિયાનું પરિણામ હોય છે. જેમાં ચૈતસિક શક્તિને ગ્રહણ કરવાની ક્ષમતા હોય છે. કૃત્રિમ શક્તિ તેને વાપરવાથી ઘટે છે, જ્યારે ચૈતસિક શક્તિને વાપરવાથી વધે છે. આવા મૂળભૂત તથ્યને ધ્યાનમાં લઈને પ્રવૃત્તિમય થવાય તો પ્રાકૃતિક પર્યાવરણમાં પ્રવર્તમાન દરેક તરંગોને અનુભવી શકાય છે અને આવા તરંગોના સર્જક કોણ છે ? તેની ઓળખ સહજ બને છે.

મનુષ્ય : હે મિત્ર, મનુષ્ય આવી સમજશક્તિથી કેમ વંચિત છે ?

ઇન્સ્પેક્ટર : મિત્ર મારા, આ અમોઘ શક્તિ જેમ વાપરવાથી વધે છે, તેમ નહીં વાપરવાથી પમ ક્ષીણ થતી હોય છે. વર્તમાન સમયનો માનવી ચૈતસિક શક્તિથી વંચિત નથી, પરંતુ ચૈતસિક શક્તિથી નિર્બળ છે.

મનુષ્ય : તો શું આવી નિર્બળતા દૂર કરી શકાય ?

ઇન્સ્પેક્ટર : અવશ્ય. ઐશ્વરીય શક્તિ અને મનુષ્યશક્તિની તુલના કરવામાં મર્યાદાભંગ થતો હોય તેમ નથી અનુભવી શકતા ?

મનુષ્ય : એમ કેમ ?

ઇન્સ્પેક્ટર : જ્યાં સ્વયંની શક્તિથી અજ્ઞાત હોઈએ ત્યાં ઐશ્વરીય શક્તિને કેવી રીતે સમજી શકીએ ? અજ્ઞાન અવસ્થામાં ઐશ્વરીય શક્તિને સમજવામાં ભ્રમિત થવાય છે.

મનુષ્ય : હે મિત્ર, ચૈતસિક શક્તિ દ્વારા જીવન વ્યવહારની વિસંવાદિતા કેવી રીતે દૂર કરી શકાય ?

ઇન્સ્પેક્ટર : સૌથી પ્રથમ તથ્ય તો એ છે કે, આવી શક્તિથી આપણે સિંચિત છીએ કે કેમ ? જો સિંચિત હોઈએ તો સમજાવાનું રહેતું નથી અને ન કરી હોય તો પહેલાં સિંચિત થઈએ પછી તારણ આપી શકાય.

મનુષ્ય : મારામાં આવી શક્તિના સંચયનો અભાવ છે, એટલે પ્રશ્નાર્થ સંવાદ કરું છું, પરંતુ અત્યારે તો તમો સમજાવવાની ભૂમિકામાં છો એટલે સમજણની અપેક્ષા રાખું છું.

ઇન્સ્પેક્ટર : આપની સમજવાની અપેક્ષા બરોબર છે મિત્ર, પરંતુ તેવી શક્તિથી હું પણ સિંચિત નથી, પરંતુ પ્રયત્નશીલ અવશ્ય છું.

મનુષ્ય : હે મિત્ર, તમારા પ્રયત્ન સ્વરૂપે જે પણ પ્રાપ્ય હોય તે જણાવશો તો આનંદ થશે.

ઇન્સ્પેક્ટર : આપણા જીવનભરનાં પ્રયત્નો દ્વારા અંશમાત્રની પ્રાપ્તિથી પ્રસન્ન થતા હોય તો તેવું કર્મ અવશ્ય કરીએ, પમ તેમાં કેટલાંક ભયસ્થાનો છે, તેનાથી પણ ચેતતા રહેવું આવશ્યક છે.

મનુષ્ય : તે સમજાવવા પ્રયત્ન કરશો મિત્ર !

ઇન્સ્પેક્ટર : અવશ્ય મિત્ર, સકાર કર્મના પ્રયત્નમાં સમગ્ર સૃષ્ટિનું સર્જન ઐશ્વરીય શક્તિથી પ્રવૃત્તિમય હોવાનું અનુભવાય છે અને તેથી નિખાલસતાનો ગુણ વિકસે છે. આ નિખાલસતામાં ભોળપણનો પણ સમાવેશ થઈ જતો હોય છે. વ્યવહારમાં નિખાલસ સ્થિતિના પ્રત્યાઘાતો તુરત જ અથવા પછીથી પણ ભોગવવાં પડતાં હોય છે, જે પ્રત્યાઘાતો અન્ય માટે લાભદાયક હોય ત્યાં સુધી બરોબર હોય છે. પરંતુ જો હાનિકારક હોય તો ક્યારેક તેનાં પરિણામ ભોગવવાં પડતાં હોય છે. જેમાં ક્યારેક સામે નાની સમજણભૂલ હોય છે. જો આવા વૃંદનો સમૂહ બને તો વગર કારણે અળખામણા થવાય છે !

આવી જ સ્થિતિમાં અઠંગ (જૂઠ) અસત્યના આચરણવાળી વ્યક્તિ ભળી જાય તો અસત્યને પણ સત્યસ્વરૂપે સ્વીકારતો સમૂહ બને છે. આવો સમૂહ સ્વભાવગત અજ્ઞાનતાને લીધે સત્ય મની લઈને વ્યવહાર કરે છે, ત્યારે અવશ્ય પસ્તાવાનો સમય આવે છે. તેમાં જો સાન્તવના મેળવવી હોય તો અવશ્ય કહી શકાય કે છેવટે સત્યનો જય થાય છે. પરંતુ સત્યતા પ્રાપ્ત કરતાં પહેલાં નાહકની હેરાનગતિ થાય તે સત્યને ડફણાં મારનારી હોય છે. સત્ય પરનાં ડફણાં નકાર કર્મનું સર્જન છે.

મનુષ્ય : હે મિત્ર, આવી ભયજનક સ્થિતિમાં આપણું રક્ષણ ખરું ?

ઇન્સ્પેક્ટર : અવશ્ય મિત્ર, જ્યાં પ્રાકૃતિક વાાતવરણ સત્યોથી સભર હોય અને તેના સમર્થનમાં કોઈ સ્વ-રક્ષણાર્થે કર્મ કરવામાં આવે ત્યારે ચૈતસિક શક્તિના પ્રભાવનું રક્ષાકવચ રચાય છે. આવા રક્ષાકવચના આવરણમાં ભયમુક્તિ હોય છે અને સત્યનું સાંનિધ્ય માણી શકાય. પરંતુ જ્યાં મહત્તમ સમૂહ નકાર કર્મનો સર્જક હોય ત્યાં પ્રાકૃતિક પર્યાવરણ દૂષિત હોય છે. આવી સ્થિતિમાં સ્વયંનું રક્ષણ પોતે જ કરવાનું હોય છે. જેમ કે યુદ્ધ, માનવીય મનોભૂમિમાં જે પણ તથ્ય અનુસારનું હોય, પરંતુ પ્રાકૃતિક મનોભૂમિમાં અનિષ્ટ જ છે અને તેનું વાતાવરણ પણ અનિષ્ટ જ હોય છે. તેથી આવા વાતાવરણમાં સ્વયંનું રક્ષણ પોતે કરવું રહ્યું.

મનુષ્ય : હે મિત્ર, જે પ્રવૃત્તિમય પ્રક્રિયામાં આદિથી અંત સુધી જ્યાં ચૈતસિક શક્તિ પ્રવર્તમાન હોય અને તેનું રક્ષણ હોય તેવી ભૂમિનું દર્શન કરવું છે.

ઇન્સ્પેક્ટર : હે મિત્ર, જો તમો પ્રયત્નશીલ હશો તો ઐશ્વરીય શક્તિને વીજળીના ઝબકારાની જેમ અનુભવી શકશો.

મનુષ્ય : વીજળીના ઝબકારાની જેમ ?

ઇન્સ્પેક્ટર : હા મિત્ર, વીજળીના છબકારની જેમ, જો વીજળીના ઝબકારાની પ્રક્રિયા અતઃથી અંત સુધી વર્ણવવામાં આવે તો તેના વિવરણથી દળદાર ગ્રંથ રચાય અને અંતે તેની પ્રવૃત્ત પ્રક્રિયા સમજાય, સમજાયેલ પ્રવૃત્ત પ્રક્રિયાથી, એક ક્ષણના અમુક ભાગની અનુભૂતિત ઝલક જીવનનું રક્ષણ કરી જાય છે.

તેવી જ રીતે મન, બુદ્ધિ અને હૃદયની સમન્વય શક્તિમાંથી ઉત્પન્ન થતી નિર્ણાયક શક્તિ કેળવવામાં આવે તો, ઝબકારાને જેટલો સમય લાગે છે, તેનાથી પણ ઓછા સમયમાં એટલે કે અણસારમાત્રથી સંપૂર્ણ પ્રક્રિયા થઈને નિર્મય થઈ જાય છે. જેઓએ આવી શક્તિ કેળવી છે, તેઓ માનવવ્યવહારના નિયંતા તરીકે પ્રસ્થાપિત થાય છે, અને જે ક્ષેત્રમાં દૃષ્ટિ કરે છે ત્યાં પ્રભુત્વ સ્થાપિત કરે છે. તે પછી આધ્યાત્મિક વિજ્ઞાન, ઔદ્યોગિક, વાણિજ્ય, સામાજિક કે કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર હોય, જ્યાં સુધી શુદ્ધ કામનાઓ હશે ત્યાં સુધી સુખ, સમૃદ્ધિ અને પ્રસન્ન જીવનનો અનુભવ થશે. જ્યારે તેનાથી વિપરીત આચરણમાં પૂર્ણ વૈભવમાં પણ અરાજકતા સિવાય કંઈ પ્રાપ્ત કરી શકાશે નહીં.

મનુષ્ય : હે મિત્ર, તમારા સંવાદનાં પ્રમાણ આપી શકાય તેવાં કંઈ તથ્યો ખરાં ?

ઇન્સ્પેક્ટર : મિત્ર મારા, તે માટે તમારે ઇતિહાસ, ધર્મશાસ્ત્રો, દાક્તરીશાસ્ત્ર અને સમાજશાસ્ત્રમાં દૃષ્ટિપાત કરવો રહ્યો, તેમાં ઘણાં પ્રમાણો મળી રહેશે.

મનુષ્ય : આપના માર્ગદર્શનને હું સ્વીકારું છું, પણ તમો કોઈ પ્રમાણ આપશો તો સહજ સ્વીકાર્ય બનશે.

ઇન્સ્પેક્ટર : મિત્ર મારા, તમારી અપેક્ષાને હું માન આપું છું, પણ વાસ્તવમાં વાંચનમાં કંગાલ અને વિચારમાં ગગનવિહારી છું, એટલે મારી પાસે કોઈ પ્રમાણની અપેક્ષા રાખશો તો નિરાશ થશો. તેનાથી વિશેષ અક તથ્ય આપને જણાવું તો જેને આપણે પ્રમાણભૂત માનતા હોઈએ તેમાં સત્યદોષ પ્રતીત થાય અને પ્રકાશિત થાય તો જેમનામાં સત્ય સ્વીકારવાની શક્તિ નથી, તેમની આસ્થાને ઠેસ પહોંચે છે. એટલે જ્યાં સુધી સત્યોને વાસ્તવિક સ્વરૂપે સ્વીકારવાની શક્તિ સમગ્ર માનવસમાજમાં નહીં આવે, ત્યાં સુધી પ્રવર્તમાન આસ્થાને છંછેડવાની જરૂરિયાત લાગતી નથી.

મનુષ્ય : તો તમારું પ્રયોજન શું છે ?

ઇન્સ્પેક્ટર : અન્વેષણ, વાસ્તવિકતાને સમજવાનું.

મનુષ્ય : પણ કેવી રીતે ?

ઇન્સ્પેક્ટર : મિત્ર, આપને ખબર છે ? આપણે અને આપણા પૂર્વજો તેત્રીસ કરોડ દેવતાઓના પૂજક હતા અને છે. જે દેવતાઓની આયુષ્યની એક મિનિટ માટે પણ પૂજા ન કરી શકતા હોઈએ, તો તેના પૂજારી કેવી રીતે કહેવાઈએ ? અને જો પૂજારી ન હોઈએ તો તેના આશીર્વાદ કેવી રીતે પ્રાપ્ત થાય ? આવી અનેક પ્રકારની ગડમથલમાંથી જે સત્ય સમજાય અને તે પ્રમાણે આચરણ કરીએ, તો તેની મુક્તતામાંથી પ્રસન્ન જીવન અનુભવાય.

મનુષ્ય : હે મિત્ર, પ્રસન્નતા આપનાર કોઈ એક તથ્યને જણાવવા કૃપા કરશો ?

ઇન્સ્પેક્ટર : મિત્ર મારા, કૃપા ઈશ્વરની દેન હોય છે. આપણે તેના અધીન, શક્તિહીનની કૃપા ફક્ત દિલાસો જ હોય છે, એટલે કૃપાની કામના હોય તો ઐશ્વરીય શક્તિને સમજીએ અને કૃપાને પાત્ર બનીએ. આપણને જે કૃપા સમજાય છે, તે માનવામાં ન આવે તેવી હોય છે. કૃપા, દયા, સ્વયંની શક્તિના વિકાસને અટકાવીને ક્ષીણ કરે છે.

મનુષ્ય : તે કેવી રીતે મિત્ર ?

ઇન્સ્પેક્ટર : તેને સમજાવવા માટે અલગ અધ્યાયની રચના કરવી પડે તેમ છે, મિત્ર. એટલે આપણે આપણઆ મૂળ તાત્પર્ય ઉપર આવીએ.

મનુષ્ય : આપણી ઇચ્છાને માન આપું છું.

ઇન્સ્પેક્ટર : આપના માનનો સ્વીકાર કરું છું.

મનુષ્ય : આપણાં મૂળ તાત્પર્ય ઉપર આવીએ.

ઇન્સ્પેક્ટર : અવશ્ય મિત્ર.

મનુષ્ય : તો આપણે સંવાદ કરીએ મિત્ર ? અગાઉના સંવાદમાં આપે કોઈ પણ પ્રવૃત્ત પ્રક્રિયા સકાર અને નકારના સંદર્ભમાં નિર્ણયશક્તિ, વીજળીના ઝબકારાની જેમ પ્રવાહિત થઈ જાય છે તેના સ્વીકાર અને અસ્વીકારમાં જીવનમાં પ્રકાશ અને અંધકાર હોય છે તેનું સ્પષ્ટીકરણ કરતા હતા.

ઇન્સ્પેક્ટર : હે મિત્ર, જે સંતો અને મહાત્માઓએ સ્વયંની શક્તિ દ્વારા ઐશ્વરીય શક્તિને અનુભવેલ છે, તેઓએ ચમત્કાર નહીં, પરંતુ સહજ રીતે સ્વીકાર્યો છે અને અનેક રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે. જેમાં પરમ પૂજનીય ગંગાસતીની અભિવ્યક્તિમાં નિર્ણાયક શક્તિને વ્યક્ત કરવામાં આવી છે તે સમજવી રહી.

મનુષ્ય : હે મિત્ર, વ્યક્તિગત રીતે સન્નારીનું પદ પ્રાપ્ત કરીને પરમત્વ પામેલ છે, એવાં માતુશ્રીનાં જીવનપ્રસંગનો સંવાદ કરશો એવી આશા રાખું છું.

ઇન્સ્પેક્ટર : મિત્ર મારા, તેમના જીવનથી હું અજ્ઞાત છું, પરંતુ તેમની આભામાંથી પ્રકાશિત પુંજ પ્રકાશિત છે, તેમને જે અનુભૂતિ થયેલ છે તેને દોષરહિત વ્યક્ત કરવા પ્રયત્ન કરું છું. અને તેમ છતાં અજ્ઞાનતાવશ ત્રુટિ જણાય તો ક્ષણાને પાત્ર સમજવો.

મનુષ્ય : હે મિત્ર, સત્યને પ્રકાશિત કરવા માટેના કોઈ પણ પ્રયત્નમાં પવિત્રતા હોય છે. પવિત્રતા હંમેશાં શુદ્ધ ભાવનાઓમાં હોય છે. આપની ભાવના શુદ્ધ સ્વરૂપની હોઈ આપ નિરર્થક ચિંતા વ્યક્ત કરો છો. મારે મન જે સત્યોથી અજ્ઞાત છું, તેમાંથી જે પણ સત્ય પ્રાપ્ત હોય તેનાથી પરિચિત થવાનું છે, વિસંવાદમાં પડવાનું નહીં.

ઇન્સ્પેક્ટર : હે મિત્ર, તમારા સાંત્વનથી મારી ચિંતા દૂર થાય છે એટલે મારી સમજણ પ્રમાણે જે સમજ્યો છું તે જણાવું છું.

પરમ પૂજ્ય માતુશ્રી ગંગાસતી મનુષ્યત્વથી પર સતીત્વ પ્રાપ્ત કરતાં સતી કહેવાયાં. તેમના સાંસારિક જીવનમાં તેમનાં પુત્રવધૂ ભરયુવાનીમાં વિધવા થતાં વિહ્‌વળતાની પરાકાષ્ઠાએ અંધકારમય જીવનનો અનુભવ કરતાં હતાં અને ઘેરા દુઃખમાં ગરકાવ થતા જતાં હતાં. કહો કે દિગ્મૂઢ અને દિશાશૂન્ય સ્થિતિમાં હતાં. આ એવી સ્થિતિ હતી કે જ્યાં માનવીય જીવન અને પ્રકૃતિના સહેતુક સર્જનનાં તાત્પર્યનો લોપ થતો હતો. પોતાની પુત્રવધૂ પાનબાઈને આવી અધોગતિની પીડામાંથી મુક્ત કરવાં તેમ જ ઇષ્ટતમ જીવનમૂલ્ય અને ઐશ્વરીય સર્જનનો રાહ ચીંધવા પાનબાઈની નિર્ણાયક શક્તિને જાગૃત કરવાનું ઈજન આપે છે,

હે પાનબાઈ, વીજળીના ચમકારે મોતીડાં પરોવી લ્યો,

નહીં તો અચાનક અંધારાં થાશે...રે...

માનવ જીવન અને પ્રાકૃતિક સર્જન નવપલ્લવિત થતાં પહેલાંની ક્ષણોમાં અગમ્ય ઉથલપાથલ થતી હોય છે. આકાશમાં વાદળોનું છાઈ જવું, વીજળીનો ચમકાર અને મેઘગર્જનાના તાંડવમાં, મન, બુદ્ધિ અને હૃદયના ધબકારા એટલા તીવ્ર હોય છે કે, જો પ્રકૃતિના વર્તનમાં વર્ષા અને માનવીય આપત્તિમાં કલ્યાણની કલ્પના કરવામાં ન આવે તો ભયંકરતાનાં પરિણામ પહેલાં જીવનની દરેક કામનાઓનો અંત આવે છે. વર્ષા પહેલાંના મેઘતાંડવની ભયંકરતા અને માનવજીવનની પીડા બાદનું કલ્યાણ મન, બુદ્ધિ અને હૃદયની સમન્વય શક્તિમાંથી ઉત્પન્ન થયેલ નિર્ણયશક્તિ, વીજળીના ચમકારાની જેમ પ્રવાહિત થાય છે.

માતુશ્રી ગંગાસતી પાનબાઈને તેમના જીવનમાં વિપત્તિની પરાકાષ્ઠામાંથી સભાનતામાં લાવે છે અને નિર્ણય કરવા જણાવે છે. જો આ ક્ષણે નિર્ણય નહીં લેવાય તો જીવનમાં અંધકાર છવાઈ જશે તેની સમજણ આપે છે.

વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો - એટલે કે આ એવી ક્ષણો છે કે જેમાં નિર્ણય કરવો જરૂરી છે. માતુશ્રી ગંગાસતી કલ્યાણમય જીવન અને મોક્ષના માર્ગનુ ંજ્ઞાન કરાવે છે અને આ જ્ઞાનને મન, બુદ્ધિ અને હૃદયના સમન્વય દ્વારા સમજીને નિર્ણય કરવાનું જણાવે છે. અને તે પણ વીજળીના ચમકાર દ્વારા પ્રકાશિત થતા પ્રકાશમાં. તેમાં સમયમર્યાદાનું દિશાસૂચન છે.

ઉપરોક્ત તથ્યોને સહજ રીતે સમજવાં હોય તો જીવનમાં જ્યારે અંધકારમય સ્થિતિ હોય ત્યારે મોતી પરોવવું હોય તો વીજળીના ચમકારમાં જે પ્રકાશ હોય તે પ્રકાશમાં પરોવી લેવું, કારણ કે ત્યાર પછી પણ અંધકાર છે. આપણે જો આ તથ્યને સામાન્ય સમજણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું તો અવશ્ય મર્યાદા અનુભવીશું, પરંતુ જો વૈચારિક શક્તિ દ્વારા સમજવા પ્રયત્ન કરીશું તો સહજ અને સરળ લાગશે.

વિચાર એ મન, બુદ્ધિ અને હૃદયમાંથી કોઈ એકનું સર્જન છે. જ્યારે ચૈતસિક શક્તિ ત્રણેના સમન્વયમાંથી ઉત્પન્ન થતી વૈચારિક પ્રક્રિયામાંથી જે નિર્ણાયકતા પ્રાપ્ત થાય તે મુજબનું આચરણ કરવામાં આવે તેના પરિણામ સ્વરૂપમાંથી પાવિત્ર્ય ચૈતશક્તિનો આવિર્ભાવ થાય છે. આવો આવિર્ભાવ જ્યારે ચૈતન્મય બ્રહ્મમાં લીન થાય છે ત્યારે પલકારામાં પણ જે નિર્ણય લેવાય તે સત્ય અને સિદ્ધિ હોય છે.

મહાસતી ગંગાબાઈ આવી પ્રબુદ્ધતાથી સિદ્ધ હોઈ, પાનબાઈની વ્યથાને સમજી શક્યાં હતાં અને એટલે પાનબાઈને શિખામણ આપતાં હતાં કે અંધકારમય ભવમાં અંતઃકરણમાં વીજળીનો ચમકારો પ્રસરાવો અને તેના પ્રકાશમાં નિર્ણય કરી લ્યો, અન્યથા જીવનમાં અંધકાર છવાઈ જશે.

મનુષ્ય : હે મિત્ર, નિર્ણાયક પળ અને વીજળીના ચમકાર વચ્ચેનું સામ્ય મારી સમજશક્તિ દ્વારા સમજી શકાતું નથી, તે સમજાવશો તો તે મુજબનું આચરણ કરવામાં સહજ બનશે.

ઇન્સ્પેક્ટર : વીજળીનો ચમકારો જેટલી સેકન્ડનો હોય છે, તેનાથી અનેકગણા ઓછા સમયમાં તથ્યોનો પ્રવાહ મન, બુદ્ધિ અને હૃદયમાંથી પસાર થઈને નિર્ણાયક શક્તિ દ્વારા નિર્ણય થઈને સકાર અને નકાર નિર્ણયની મહોર મારે છે. આવો નિર્ણય સ્વીકૃતિ અને અસ્વીકૃતિ, સત્ય અને અસત્યને પ્રકાશિત કરે છે. આ સત્ય સર્વે સુખોનું અને અસત્ય સર્વે વ્યાધિઓનું કારણ બને છે.

મનુષ્ય : હે મિત્ર, હવે કંઈક સમજાયું.

ઇન્સ્પેક્ટર : મેં પણ “કંઈક જ” સમજાવ્યું છે, મિત્ર મારા.

મનુષ્ય : હે મિત્ર, માતુશ્રી ગંગાસતીએ પાનબાઈની વ્યથા અનુભવેલ તેનો સંવાદ મારી સમજણશક્તિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરવા છતાં સમાધાન થતું નથી, તો તેનું સમાધાન કરવા વિનંતી કરું છું.

ઇન્સ્પેક્ટર : મિત્ર મારા, આપણું સમાધાન સમજણ દ્વારા સમાપન થતું હોય તો અવશ્ય પ્રયત્ન કરીએ.

આપણે ચૈતસિક શક્તિ વિશે અગાઉ કંઈક સમજણ મેળવવા પ્રયત્ન કર્યો હોય તેવું મારું માનવું છે, તેમ છતાં ટૂંકમાં યાદ કરીએ તો અહર્નિશ બ્રહ્માંડમાં ઐશ્વરીય શક્તિ પ્રવર્તમાન હોય છે. ઐશ્વરીય શક્તિ તેના સર્જનને ચૈતન્યમય રાખવા તેમ જ સર્જન અને વિસર્જનની પ્રક્રિયાને પ્રવૃત્તિમય રાખવા, ચૈતસિક શક્તિને ભાવસ્વરૂપે પ્રગટ કરે છે. તે અકળ અને અક્કલથી પર છે. મનુષ્ય જ્યારે ઐશ્વરીય શક્તિનાં મૂળભૂત હાર્દને સમાન પ્રવાહમાં પ્રવાહિત થાય છે, ત્યારે ચૈતસિક શક્તિથી પરિચિત થાય છે.

સમગ્ર બ્રહ્માંડ આત્માનું અને આત્મા સમગ્ર બ્રહ્માંડનું સ્વરૂપ છે. જે ચૈતસિક શક્તિ તરીકે પ્રવર્તમાન હોય છે. આપણામાં ચૈતસિક શક્તિનો સંચાર થાય ત્યારે બ્રહ્માંડીય ચૈતસિક શક્તિમાં લીન થવાય છે. આ ેકલીનતામાં સમભાવ કેળવાય છે અને જ્યારે સમભાવ કેળવાય છે ત્યારે અન્ય સર્જનના ભાવને અનુભવી તેમજ નિરાકરણ પણ કરી શકાય છે. જેના પ્રમાણ મહાસતી ગંગાબાઈ, સત્ય પુરુષો, સંતો, મહંતો અને મહાત્માોએ સમભાવ, સમત્વ પ્રાપ્ત કરીને અન્યનાં કષ્ટોનું શમન કર્યું છે.

જેમ કે ગુલામી, રંગભેગ, વર્ણભેદ, અસ્પૃશ્યતાના કારણે ભોગવવી પડતી હીનતા, રક્તપિત્તની દર્દભરી સ્થિતિ અબ્રાહમ લિંકન, ગાંધીજી અને સંત મધર ટેરેસાએ સમભાવથી પીડિત વ્યક્તિઓની વ્યથા અનુભવતાં તેમ જ મુક્ત કરવા જીવન સમર્પણ કર્યું. પૂ. મોટા અન્યોનાં રોગને સ્વયંમાં પ્રત્યારોપણ કરીને અન્યોને રોગમુક્ત કરતા. આવી જ રીતે જીવદયા, પર્યાવરણના સમતુલન માટે જે પ્રવૃત્તિમય છે, તેઓનાં જીવનને સમજવાં રહ્યાં.

આવું સમત્વ ધારણ કરનાર મહાત્માઓનું જીવન સમગ્ર પ્રકારનાં સુખ, દુઃખ અને વ્યાધિ ઉપાધિ અને ગમા-અણગમાથી પર હોય છે એટલે સમગ્ર સૃષ્ટિ આનંદમય સ્વરૂપની અને અપનાપન હોવાનો અનુભવ કરાવે છે. પરિણામસ્વરૂપે તેમની દરેક પ્રવૃત્તપ્રક્રિયા દરમિયાન પ્રસન્નતા સ્થિર હોય છે. જ્યારે તેઓ વ્યાકુળ હોય છે, તો તે પણ ઐશ્વરીય સર્જન પ્રત્યે નહીં, પરંતુ સ્વયંના પૂર્વગ્રહના પરિણામ હોય છે.

મનુષ્ય : શું મનુષ્ય સિવાયનું સર્જન ચૈતસિક શક્તિથી પ્રવાહિત હોય છે ?

ઇન્સ્પેક્ટર : આ પ્રશ્નને અગાઉ સમજવા પ્રયત્ન કરેલ હોય તેવું મારું માનવું છે, તેમ છતાં ટૂંકમાં સમજવા પ્રયત્ન કરીએ. મનુષ્ય સિવાયનું સર્જન પ્રકૃતિના મૂળભૂત હાર્દમાં જે આચારસંહિતાનું નિયમન કરેલ છે, તે મુજબનું આચરણ અને વર્તન કરતા પ્રાકૃતિક વૈભવને પૂર્ણ રીતે ભોગવે છે અને પરિણામ સ્વરૂપે જીવન જીવે છે. જો મનુષ્ય પણ પ્રાકૃતિક આચારસંહિતા મુજબનું વર્તન કરે તો પ્રસન્નમય જીવન માણી શકે છે.

મનુષ્ય : તો શું મનુષ્યની જેમ પશુ-પક્ષી પણ મન, બુદ્ધિ અન હૃદયનાં સમન્વયમાંથી જીવનશક્તિ પ્રાપ્ત કરતાં હોય છે ?

ઇન્સ્પેક્ટર : હે મિત્ર, ઐશ્વરીય સર્જન જ્યારે પ્રાકૃતિક નિયમનોની મર્યાદાઓનું ઉલ્લંઘન કરે ત્યાં શિસ્ત અને સંયમની આવશ્યકતા રહે છે. મહત્તમ અંશે મનુષ્ય સિવાયનું સર્જન સૃષ્ટિની મર્યાદાઓનું ઉલ્લંઘન કરતાં નથી, પરંતુ તેનો મતલબ એવો પણ નથી કે તેમનામાં મન, બુદ્ધિ અને હૃદયની ભાવનાત્મકતા નથી. તેઓ તેમની શક્તિઓનો ઉપયોગ તેમનાં અસ્તિત્વને ટકાવી રાખવા માટે કરતા હોય છે, તેમ છતાં અન્ય સર્જન દ્વારા જ્યારે તેમની મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે પોતાની શક્તિનો પરચો બચાવતાં હોય છે કે, જે તેમની મન, બુદ્ધિ અને હૃદયની પ્રવૃત્તિમય પ્રક્રિયા છે. જો મન પ્રવૃત્તિમય ન હોય, તો સૂચક દિશામાં પ્રયાણ કરે છે, તે ન હોય. જો બુદ્ધિ ન હોય તો પક્ષીઓ આકાશમાં પાંખો ફરકાવવાની પ્રક્રિયા ન કરે અને વાનર જેવાં પ્રાણીઓમાં તરાપ મારવાની ચોક્કસતા ન હોય, તો હૃદય ન હોય તો નવા જન્મેલ બચ્ચાનું રક્ષણ ન કરે. આપણા જીવનમાં પ્રેમ, નીડરતા, ચાતુર્ય અને છઠ્ઠી ઇન્દ્રિયના જ્ઞાનનું પ્રાણ તેમના જીવનમાંથી લેતા હોઈએ છીએ.

મનુષ્ય : હે મિત્ર, આપે મન, બુદ્ધિ અને હૃદયના સ્વતંત્ર, જોડીમાં અને ત્રણેના સમન્વયમાંથી એકમત નિર્ણાયક શક્તિના અન્વેષક તરીકે સમજાવ્યાં. સમજાવેલ તથ્યોને આધારે જે પણ સ્થિતિએ છું ત્યાંથી મન, બુદ્ધિ અને હૃદયના સમન્વયરૂપી સર્વોચ્ચ અદાલતના ચુકાદા મુજબનું આચરણ કરવા જાગૃત થયો છું. જેને સામાન્ય સમજણ મુજબ ‘ચિત્ત’ તરીકે સમજતા હોઈએ છીએ.

ઇન્સ્પેક્ટર : હે મિત્ર, આ ચુકાદાને આધીન રહીને વર્તન કરશો તો અવશ્ય આપણું કલ્યાણ થશે. જો આપ કલ્યાણી હશો તો સમગ્ર સૃષ્ટિ કલ્યાણમય અનુભવાશે. ખરેખર તો ઈશ્વર સ્વયં કલયાણી અને આનંદમય છે, એટલે આપણે જ્યારે કલ્યાણમય અને આનંદની અનુભતિ અનુભવીએ ત્યારે ઈશ્વરમાં લીન થતા હોઈએ છીએ.

મનુષ્ય : હે મિત્ર, આપણા કલ્યાણમય જીવનની કામના કલ્પવૃક્ષના બીજ સમાન છે. જો આ બીજનું જતનપૂર્વક વાવેતર કરીશું, તો અવશ્ય વટવૃક્ષરૂપે પાંગરશે (વિકાસ થશે), અને તેના સાંનિધ્યમાં માનવતા પ્રસન્નતા સાથે પ્રસરાવતી હશે. જ્યાં સ્વર્ગથી પણ અનેરું જીવન હશે !

ઇન્સ્પેક્ટર : હે મિત્ર, તમારા ભાવમાં જે કલ્યાણમય કલ્પવૃક્ષના બીજનો જન્મ થયો, તેનાથી મારું અંતઃકરણ શાંત થાય છે અને સૃષ્ટિ અને તેનું સર્જન પ્રસન્નતાસભર અનુભવાય છે.

૭. મન, બુદ્ધિ અને હૃદયની સંવાદિતા : જુદી જુદી અવસ્થામાં

આપણા જીવનમાં મન, બુદ્ધિ અને હૃદયની સ્પંદનશીલતામાંથી જાગૃતિનું ધ્રુવીકરણ થતું હોય છે. ધ્રુવીકરણમાંથી ચેતનમય સ્થિતિ સર્જાય છે. ચેતનમય શક્તિથી પ્રવૃત્ત પ્રક્રિયા શરૂ થાય છે. અત્યાર સુધી મન, બુદ્ધિ અને હૃદયની સ્પંદનશક્તિ આધારિત પ્રવૃત્તપ્રક્રિયાને સમજવા માટે સ્વયંનું માનસસ્વરૂપ ધારણ કરીને મનુષ્ય તરીકે અને વૈચારિક શક્તિને અન્વેષક (ઇન્સ્પેક્ટર) તરીકેની માનસ ભૂમિકામાં સાથે રહીને અન્વેષણ કરવાના સંવાદમાંથી કષ્ટોનું કારણ અને નિરાકરણ માટેની પ્રક્રિયા સમજવા પ્રયત્ન કર્યો.

આપણું સંપૂર્ણ સંશોધન મન, બુદ્ધિ અને હૃદયની પૂર્ણ કક્ષાની સ્પંદનશીલતા પર આધારિત છે. જ્યાં પૂર્ણ કક્ષાની સ્પંદનશીલતા હોય છે, ત્યાંથી મનુષ્યત્વને સમજી શકાય, જ્યારે ત્રણેમાંથી કોઈ પણ એકની અનુપસ્થિતિમાં મનુષ્ય માટેની જે સામાન્ય સમજણ છે તે ખંડિત થાય છે. ખંડિત મનુષ્ય અંગેની સમજણ, સામાન્ય અર્થમાં સમજાય છે, તેનાથી ભિન્ન છે. સામાન્યતઃ ખંડિત મનુષ્ય માટે વિકલાંગ, અપંગ કે પંગુ શબ્દનો શબ્દપ્રયોગ થાય છે તે આમ સમજણ છે કે જે શારીરિક અને જૈવિક ઊણપના સંદર્ભમાં વપરાય છે.

આપણે જે સમજીએ છીએ તે વિકલાંગતા પ્રાકૃતિક, અકસ્માત કે વ્યાધિઓમાંથી સર્જાતી શારીરિક પંગુતા હોય છે, જ્યારે આપણે જેને સમજતા નથી, તેવી માનસિક પંગુતા મન, બુદ્ધિ અને હૃદયની નિષ્ક્રિયતા અથવા તો સમાનપણે પ્રવૃત્ત પ્રક્રિયાના અભાવમાંથી સર્જાતી હોય છે. ટૂંકમાં પૂર્ણ સ્વરૂપની વૈચારિક પ્રક્રિયાના અભાવમાંથી જે ખંડિતતા સર્જાય તેવી પંગુતા માટે સ્વયં સિવાય કોઈ જવાબદાર નથી હોતું.

જેમ કે જેમને હાથ, પગ, આંખ, કાન, જીભ ક્ષતિગ્રસ્ત હોય છે, તેમને શારીરિક અપંગ, બહેરા-મૂંગા તરીકે ઓળખતા કે સમજતા હોઈએ છીએ કે જેમાં શારીરિક પૂર્ણતાનો અભાવ હોય છે. જ્યારે કોઈ પણ નિર્ણાયક સ્થિતિમાં મન, બુદ્ધિ અને હૃદયનો સમન્વય ન હોય અને કોઈ એક કે બે દ્વારા જ નિર્ણય લેવાય ત્યાં વૈચારિક વિકલાંગતા સર્જાતી હોય છે. શરીર ભૌતિક સ્વરૂપમાં દૃશ્યમાન હોઈ તેની ખંડિતતા પ્રત્યક્ષ સ્વરૂપે જોઈ શકાતી હોવાથી તેવી પંગુતા સહજ રીતે સમજાય છે.

જ્યારે માનસિક પંગુતા આંતરિક પ્રક્રિયા હોવાથી અદૃશ્ય હોય છે એટલે વૈચારિક દૃષ્ટિથી જોઈ શકાય છે. આમ, મનુષ્યત્વનું ભાવનાત્મક સ્વરૂપ છે, એટલે ભાવનાત્મક સ્વરૂપ વૈચારિક પ્રક્રિયા દ્વારા સમજાય. વૈચારિક પ્રક્રિયા મન, બુદ્ધિ અને હૃદય આધારિત છે. આ આધારમાં કોઈ પણ એકનાં અધ્યાહારમાં માનસિક વિકલાંગતા સર્જાતી હોય છે, જેના પ્રમાણ આદિથી વર્તમાન સુધી સભાનતા ન કેળવાય તો ભવિષ્યમાં પણ મહત્તમ પ્રમાણમાં જોવા, સમજવા અને અનુભવવા મળશે.

ખંડિત મનુષ્યની ઘૃણિત ઓળખ આદિથી વર્તમાન સમય દરમિયાન માનવીય તેમ જ પ્રાકૃતિક સર્જનનું સ્વયંનાં સ્વાર્થપ્રેરિત કૃત્યો દ્વારા નિર્દોષ સર્જનને કષ્ટ તથા વિનાશના સંદર્ભમાં સમજવામાં આવતી હોય છે. આવી ખંડિત પ્રકૃતિથી આપણે પરિચિત છીએ, પરંતુ તેના નિરાકરણ માટે અવઢવમાં છીએ.

ખંડિત મનુષ્યનું સૂક્ષ્મ સ્વરૂપે અવલોકન કરવામાં આવે તો ક્યારેક આપણે જ આપણા દુશ્મન, રાક્ષસ કે આતંકવાદી છીએ. એટલે કે મનુષ્ય પોતે જ પોતાના દુશ્મન કે આતંકવાદી હોય છે. તેનું મૂળભૂત કારણ આપણી વૈચારિક ખંડિતતામાં છે. જ્યાં સુધી સ્વયં ખંડિતતામાંથી પૂર્ણતા પ્રાપ્ત ન કરી શકાય ત્યાં સુધી અન્ય સંકટોના આક્રમણનો સામનો કરવાની પ્રતિકારક શક્તિથી વંચિત હોઈએ જ છીએ, સાથે સ્વયંની ખંડિતતા તથા અન્યનું આક્રમણ એમ બેવડા મારથી મનુષ્ય મનુષ્ય નથી રહેતો, પરંતુ પામર બની જાય છે. એક ખંડિત સમૂહ અન્ય ખંડિત સમૂહ પર આક્રમણ કરે ત્યારે વિનાશ સિવાય કંઈ પ્રાપ્ત કરી શકાય નહીં, જ્યારે મનુષ્યત્વના આક્રમણમાં નવસર્જન અને મુક્તિનો માર્ગ હોય છે.

સામાન્યતઃ આપણું જીવન બાલ્ય, કુમાર, યુવા, પ્રૌઢ અને વૃદ્ધ અવસ્થામાંથી પસાર થાય છે. આ પ્રવાસ દરમિયાન સ્પંદનાત્મક ભાવને અનુભવવો રહ્યો અને સ્પંદનાત્મક ભાવ સાથે વૈચારિક શક્તિ, નિર્ણાયક શક્તિ કેળવાય તો જીવનમાં સંવાદિતતા સધાય છે. સંવાદિતાની સ્થિતિમાં, નિશ્ચિત ધ્યેયનાં પરિણામ જીવનને પ્રસન્નતામય બનાવે છે, તેનાં પ્રમાણ સંવાદસ્વરૂપે અનુભવીએ, જેમાં મન, બુદ્ધિ અને હૃદયને પાત્રો બનાવ્યાં છે.

બાલ્ય અવસ્થા

પ્રથમ ચરણમાં મન, બુદ્ધિ અને હૃદયના સમન્વયમાંથી “મા”ના ભાવને અનુભવીએ છીએ. આ પ્રસ્થાપિત થયેલ ભાવ જ્યાં સુધી ખંડિત ન થાય ત્યાં સુધી જીવનનું અમૂલ્ય વાત્સલ્ય ભોગવાય છે. ત્યાર પછી પિતાની ઓળખ નિર્ણાયક બને છે. મા એ પ્રકૃતિનું અને પિતા પ્રથમ પુરુષનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રકૃતિ અને પુરુષ તેના સંતાન માટે સમાન ભાવથી પ્રવૃત્ત થાય છે, ત્યારે તેના સંતાનનું પૂર્ણ રીતે સંસ્કરણ થાય છે. આ સંસ્કરણ જેવા ભાવમાં થાય છે, તેવું તેના ભવિષ્યનું નિર્માણ થાય છે.

જ્યાં સંસ્કરણનું વાતાવરણ બદલાય છે, ત્યાં વર્ણસંકર સંસ્કરણનો જન્મ થાય છે. જ્યાં (નિમ્ન કક્ષાનું વાતાવરણ હોય ત્યાં ઉચ્ચ સંસ્કાર પામેલ હોય તો પણ મલિન સંસ્કરણનો પ્રભાવ પડ્યા વગર રહેતો નથી, જ્યારે ઉચ્ચ સંસ્કરણના માહોલમાં નિમ્ન સંસ્કરણમાંથી આવતું સંતાન ભળે છે, ત્યારે તેના ઉપર સકારાત્મક પ્રભાવ પડતો હોય છે. આ એવી પ્રવૃત્તતામય પ્રક્રિયા છે કે જેમા ંસકારાત્મક ભાવના અનિવાર્ય હોય છે. અન્યથા વિગ્રહ સ્વરૂપની નકારાત્મક માનસિકતા સંસ્કરણ થાય છે કે જેનાથી સમાજ કલુષિત થાય છે.

આપણા જીવનમાં બાલ્ય અવસ્થા દરમિયાન મન, બુદ્ધિ અને હૃદયની નિર્મલતા તેની પરાકાષ્ઠાએ હોય છે. આ પરાકાષ્ઠામાં મા-બાપના આદર્શ ભાવનું સ્થાપન થાય તો મા-બાપ અને સંતાન માટે સદાય કલ્યાણકારી હોય છે. જો આ જ સમય દરમિયાન સંતાન મા-બાપના ભાવનાત્મક સાંનિધ્યથી દૂર રહે તો તેના ભવિષ્યના આચરણ માટે અનુમાનિત વર્તનની આશા રાખી શકાય.

મન, બુદ્ધિ અને હૃદય વચ્ચેના સમન્વયમાંથી સંવાદિત સધાય છે, ત્યારે જે નિર્ણાયકતા પ્રસ્થાપિત થાય છે તેનો પ્રથમ સંવાદ “મા” છે. જ્યારે બીજો સંવાદ “પિતા” છે. ત્રીજા સંવાદની શરૂઆત તેની સભાનતામાંથી થાય છે.

મન : એય બુદ્ધિ, જો સરસ મજાનું રમકડું પ્રકાશિત થાય છે. તેની સાથે રમીશું ?

બુદ્ધિ : અરે ગાંડિયા, પ્રકાશિત રમકડું નહીં, પરંતુ અગ્નિથી પ્રજ્વલિત દીપક છે. અડીશ તો બળી જઈશ.

મન : અરે હૃદયભાઈ, જુઓ ને બુદ્ધિબહેન પેલા રમકડા સાથે રમવાની ના પાડે છે.

હૃદય : મનભૈયા, બુદ્ધિબહેન જે કહે છે તે સાચું છે. તેની સાથે રમીશ તો દુઃખી થશો એટલે તે સિવાયનાં જે રમકડાં છે તેની સાથે રમીએ.

મન : પણ મારે તો તેની સાથે રમવું છે.

બુ.હૃ. : તેની સાથે ન રમી શકાય, પરંતુ દૂરથી તેનો આનંદ માણવો હોય તો માણી લે.

મન : શું દૂરથી આનંદનો અનુભવ કરી શકાય ?

બુ.હૃ. : સાથે હા, અમે આનંદ માણીએ છીએ અને તેના પ્રકાશમાં તને ચેતવીએ પણ છીએ.

(મન બંને સાથે સંવાદ કરતાં કરતાં જ દીપકની જ્યોતિ પર હાથ નાખે છે અને બળી જતાં બૂમો પાડે છે.)

બુદ્ધિ : હૃદયભાઈ, હવે ફૂંક મારવાથી જલન ઓછું ન થાય. ઊભા રહો, મમ્મીને બોલાવું છું.

મન : ઓ ભૈયા, જલદી બોલાવો, મને બહુ બળતરા થાય છે.

બુ.હૃ. : ભાઈ, અમને પણ થાય છે, કરો તમે અને ભોગવવાનું અમારે પણ, લો મમ્મી આવ્યાં. મલમ લગાડીને જલન શાંત કરશે.

મન : હૃદયભાઈ, બુદ્ધિબહેન હવે પછી મારા લીધે તમો પણ દુઃખી ન થાવ તે માટે તમારી સલાહ પ્રમાણે વર્તીશ.

બુ.હૃ. : તો આપણે ત્રણને કોઈ પણ કષ્ટ નહીં પડે.

મન : અને આનંદ પણ સાથે ભોગવીશું.

ચોથો સંવાદ અભ્યાસથી થાય છે

બુદ્ધિ : હે મન, રડ, રડ, શા માટે કરે છે ? ભણતર એ તો દુનિયાને જોવાની ત્રીજી આંખ છે.

હૃદય : પણ બુદ્ધિબહેન આપણી માતાનું લાડ, પ્રેમ અને મનગમતા રમકડાનું શું ?

મન : (જોર જોરથી રડે છે)

બુદ્ધિ : જો હૃદયભૈયા, તમે મનને સાથ આપશો તો પછી એ જ મમ્મીનો સણકો ખાવો પડશે.

હૃદય : એવું છે ?

બુદ્ધિ : હા, એવું છે. મમ્મી આપણાં ભલા માટે જે કરે છે તે બરોબર છે. શું મમ્મીને આપણાથી છૂટા પડવાનું દુઃખ નહીં થતું હોય ?

હૃદય : શું મમ્મીને પણ દુઃખ થશે ?

બુદ્ધિ : હા, જો આપણે હસતાં હસતાં ભણવા નહીં જઈએ તો.

હૃદય : જો હસતાં બસતાં ભણવા જઈશું તો મમ્મીને આનંદ થશે ?

બુદ્ધિ : હા, અને તે પણ હસતાં હતાં આપણને શાળામાંથી લેવા આવશે.

હૃદય : તો તો મનભાઈને મનાવી લેવા જોઈએ.

બુ.હૃ. : હે મનભાઈ, મનભાઈ, આપણને જેમ મમ્મી પ્રેમ અને લાડ લડાવે છે તેવાં જ લાડ આપણી બહેન પણ લડાવશે.

મન : બહેન ? એ વળી કોણ છે ?

બુ.હૃ. : હા બહેન, આપણા પછી આપણી બહેન આવવાની હતી, પણ કેમ જાણે અવતરતાં પહેલાં જ અકાળે મૃત્યુ પામી.

મન : તમને કેવી રીતે ખબર પડી ?

બુ.હૃ. : એક દિવસ મમ્મી આપણને ગોદમાં લઈને રડતી હતી, એટલે પૂછ્યું કે મમ્મી કેમ રડે છે ? તો મમ્મી આક્રંદ સાથે રડવા લાગી અને કહેવા લાગી કે મેં તમારી પાસેથી તમારી બહેનને છીનવીને ભારે પાપ કર્યું છે.

મન : પણ મમ્મીએ એવું કેમ કર્યું ?

બુ.હૃ. : મમ્મીની અનિચ્છા હોવા છતાં પપ્પા, દાદા, દાદી, ફોઈ, કાકા અને કુટુંબની ખંડિત માનસિકતાના કારણે.

મન : તો, તો આવી ખંડિત માનસિકતાવાળું કુટુંબ આપણી પણ એવી વલે ન કરે તે માટે જલદીથી શાળાએ જતું રહેવું જોઈએ.

બુ.હૃ. : કુટુંબ તો એવી વલે નહીં કરી શકે, પરંતુ આપણી બહેન ત્યાં હશે એટલે આપણને બહુ જ લાડ-પ્રેમ કરશે.

મન : તો તો હે હૃદયભાઈ, બુદ્ધિબહેન ! આપણે જલદીથી તૈયાર થઈને જવું જોઈએ.

હૃ.બુ. : અવશ્ય ચાલો, મમ્મીએ તૈયાર કરી દીધા છે એટલે હસતાં હસતાં શાળાએ જઈએ.

પાંચમો સંવાદ : અભ્યાસની જવાબદારી

મન : આ તો દિવસે દિવસે ભણવાનો ભાર વધતો જાય છે અને રમવા ને રખડવાનું ઓછું થતું જાય છે.

બુદ્ધિ : વજનનો ભાર મારે ભોગવવાનો અને બૂમો તમારે પાડવાની ?

હૃદય : બુદ્ધિબહેન ! મારી લખોટીઓ, ગિલ્લી દંડા તો હર પળે મારી રાહ જોઈને બેઠાં હોય છે. વળી, બગીચાનાં ફૂલો, આંબાનો મહોર, પોપટની ટેં-ટેં, કોયલની કુહૂ-કુહૂ, લીમડાની શીતળ છાંય, તળાવના ધૂબાકા, બોરડીના બોર અને પરાઈ વાડીનાં ચીભડાં આપણા વિના શું કરતાં હશે ? તેમનાથી અલગ થવાનું બહુ જ દુઃખ થાય છે. મને તો ભણવાના ભાર કરતા તેમની સંગતમાં વધારે મજા આવતી હતી. એટલે હું તો મનભાઈ સાથે ભાગી જવાનું વિચારું છું.

મન : હા...હા... હૃદયભૈયા, મને તો ભણવામાં કંટાળો અને રખડવામાં મજા આવે છે, એટલે ચાલો જલદીથી ભાગી જઈએ.

બુદ્ધિ : હંમ્‌ તમે બહુ ખોટું વિચારો છો, આપણે સમય અને સંજોગો પ્રમાણે પરિવર્તનશીલ રહેવું જોઈએ.

હૃ.મ. : શું... રાખ પરિવર્તનશીલ રહેવાનું ? જ્યાં કોઈ આનંદ ન હોય ત્યાં પરિવર્તન શાનું ?

અને બુદ્ધિની ઉપરવટ થઈને રખડવા નીકળી જાય છે. રખડપટ્ટી પૂર્ણ થતાં ઘરે પરત આવીને લેશન કરવાના ઢોંગ કરીને સૂઈ જાય છે. સવારે એ જ શાળાનો સમય થઈ જાય છે, પરંતુ શું લેશન હતું તે કોઈને પૂછવા જાય તો ભાંડો ફૂટી જવાની બીકે લેશન વગર નાછૂટકે શાળામાં જવાનો વારો આવે છે.

બુદ્ધિ : ચાલો...ચાલો.... વર્ગમાં જતાં કેમ લબાકા મારો છો ?

હૃ.મ. : બુદ્ધિબહેન ! આજે ગમે તેમ કરીને બચાવો, ફરીથી આવી ભૂલ નહીં કરીએ.

બુદ્ધિ : હું કેવી રીતે બચાવું ? કાલના આનંદનું પરિણામ તો આજે ભોગવવું જ રહ્યું. તમારા માટે હું કાંઈ જૂઠું ન બોલું.

હૃ.મ. : કંઈક તો કરો, બુદ્ધિબહેન !

બુદ્ધિ : પેલી તમારી સહેલીઓ છે ને, તેની સામે અંગૂઠા પકડાવશે એટલે કંઈક થશે.

હૃદય : મનભૈયા, તમારા લીધે હમણાં બહેનની સજા ભોગવવી પડશે.

મન : તો તમારાથી મને રોકાય નહીં ? બુદ્ધિબહેને આપણને સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ આપણે માન્યું નહીં ને આ ઘડી આવી પહોંચી.

બુદ્ધિ : અરે, તમે શાંત થાઓ. તમારા લીધે મારે પમ સહન કરવાનો દિવસ આવ્યો છે. એટલે મહેરબાની કરીને ઝઘડશો નહીં અને પરિણામની રાહ જુઓ.

ગૃહશિક્ષિકા બહેન આવ્યાં, હાજરી લેતાં લેતાં જ દરેક વિદ્યાર્થી પર દૃષ્ટિ ફેરવવા લાગ્યાં. આજે પણ પ્રથમ બેંચના વિદ્યાર્થી દેખાયા નહીં એટલે ચિંતાયુક્ત દૃષ્ટિ સૂક્ષ્મ કરી ફેરવતાં ફેરવતાં જેમને શોધતાં હતાં તેઓ છેલ્લી પાટલીની છેલ્લી જગ્યાએ સંકોચાઈને બેઠેલા જણાયાં. એટલે પ્રેમાળ અવાજમાં શિક્ષાત્મક સૂરથી ઊભા થવાનો આદેશ કર્યો.

મ.બુ.હૃ. : મરી ગયાં આજે.

બહેન : કાલે કેમ નહોતાં આવ્યાં ?

મ.બુ.હૃ. : ખામોશ...

મન : કોઈ બહાનું જણાવી દો ને બુદ્ધિબહેન !

બુદ્ધિ : અરે યાર, તમે બીજી ભૂલ કરવાનું કહો છો ?

હૃદય : ના, ના... જે સત્ય હોય તે જ જણાવીએ.

મન : અરે એમને ક્યાં ખબર પડવાની છે ?

બુદ્ધિ : મનભૈયા, આપણા જેવા હજારો વિદ્યાર્થી તેમના હાથ તળે ભણીને યશસ્વી જીવન જીવે છે. જ્યારે જેઓ બહેનને ઊઠાં ભણાવતા હતા તેવા કેટલાય વિદ્યાર્થીઓ નિરાશાના સાગર કાંઠે દયનીય હાલતમાં બેઠા હોય છે. બોલો, તમને શું મંજૂર છે ?

હૃદય : બુદ્ધિબહેન ! આપણે એક અસત્યમાંથી હજાર અસત્યનું સર્જન નથી કરવું. મનભૈયા, તમે જ કહેતા હતા ને કે તમોને પહેલાં પાછા વાળઅયા હોત, તો આ ઘડી ન આવી હોત. તો જાગ્યા ત્યારથી સવાર, હવે હું તમને સમજાવું છું કે બુદ્ધિબહેનની વાત માની લઈએ.

મન : ગમે તેમ કરીને બચાવો, નહિતર ઘરે મમ્મી-પપ્પાને ખબર પડશે તો અવશ્ય આપણું આવી બનશે.

બુ.હૃ. : તો સત્ય જણાવીને શિક્ષા ભોગવવાની તૈયારી રાખીએ, બરોબર ?

બહેન : મ.બુ.હૃ. મેં તમને પૂછ્યું કે ગઈ કાલે તમે કેમ નહોતાં આવ્યાં ?

(હૃદય અને મન બુદ્ધિને વિનંતી કરે છે કે બુદ્ધિબહેન, તમે જ બહેનના પ્રશ્નનો જવાબ આપો. બુદ્ધિ હૃદય-મનની સહમતીથી ગઈ કાલે નહીં આવવાનો ખુલાસો કરતાં જણાવે છે કે,)

માનનીનીય બહેનશ્રી, ગઈ કાલે નહીં આવવાની સત્ય હકીકત એમ છે કે કેટલાય દિવસથી રમતગમત, નદી, તળાવ, આમ્રવૃક્ષો તથા તેનાં ફળો, મોર, કોયલ અને અન્ય પક્ષીઓના કેકારવ સાંભળવા, જોવા, મળવા અને અનુભવવા નહીં મળતાં અમને તેમનો વિયોગ સતાવતો હતો અને અશાંતિ અનુભવતાં હતાં, તેથી અભ્યાસમાં મન પરોવાતું નહોતું. આથી શાળાના આવવાના સમયે ઘરેથી નીકળીને તેમનાં સાંનિધઅયમાં જવા શાળાના રસ્તેથી અલગ રસ્તે ચોરીછૂપીથી જતાં હતાં, તેવામાં સામેથી ભેંસોનું ધણ આવતું હતું. આ ભેંસો ભાગોળના ખાબોચિયામાં માંદરો કરીને આવેલી હતી, એટલે આખા શરીરે કાદવથી લથપથ હતી, કાદવના સુકાવાથી ભેેંસોને ચટપટી લાગતાં તેઓ તેમનાં પૂંછડાં અને શિંગડાં આમથી તેમ હલાવતી હતી. આથી શરીર અને પૂંછડા ઉપરનો કીચડ ઊછળતો હતો. આ કીચડ અમારા ઉપર પડતાં અમે પણ કીચડવાળા થતાં બાજુના ંતળાવમાં ન્હાવા પડ્યાં.

તળાવમાં શિંગોડાં હતાં. નાહ્યા પછી ધરાઈને શિંગોડાં ખાધાં. પછી છાયાની તલાશમાં આમ્રવૃક્ષ નીચે ગયાં. આમ્રવૃક્ષ નીચે આરામ કરતાં કરતાં પક્ષીઓના કેકારવ માણ્યા પછી રમતગમત સૂઝી એટલે આંબાની ડાળમાંથી ગિલ્લી અને દંડો બનાવીને રમવા લાગ્યાં. રમતાં રમતાં ભૂખ લાગી એટલે આજુબાજુમાં ચીભડાની વાડીની તપાસમાં નીકળ્યા, શોધતાં શોધતાં ચીભડાંની વાડી મળી અને તેમાં પ્રવેશ કર્યો, જ્યાં એકાદ-બે ચીભડાં મળ્યાં. ત્યાં ખેતરનો માલિક આવ્યો.

બહેન : બસ, બસ, હવે, માલિક આવશે અને તમને પકડીને મારશે તેવું જણાવીને મને દુઃખી કરશો તેના કરતાં તારી વાર્તા જ પૂરી કર એટલે મને જાણીને દુઃખ ન થાય. હવે પછી એવું ન કરતાં, અને ગાઈ કાલનો ચલાવેલ પાઠ રિસેસમાં મારી પાસે આવીને કરી લેજો.

મ.બુ.હૃ. : અવશ્ય બહેન, હવે પછી એવું નહીં કરીએ અને પાઠ પણ કરી લેવા આપની અને મિત્રોની મદદ લઈશું.

અને ત્યાર પછી અમુક સમયનાં અંતરે બહેન ખુદ પૈસા આપીને શિંગોડાં, શાકભાજી કે કેરી-બોર ખરીદવાના બહાને જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ આપીને પાછળ મોનિટને ધ્યાન રાખવા મોકલતાં. અમારો મોનિટર એક એક ધોરણમાં બબે ત્રણત્રણ વર્ષ કરીને ડાઘિયા જેવો થઈ ગયેલો એટલે વિદ્યાર્થી કરતાં ચોકીદાર તરીકે અવ્વલ નંબર હતો. કોઈ પણ વિદ્યાર્થી પહેલા અને બીજા દિવસે ગેરહાજર રહે તો ત્રીજા દિવસે તમે તેવા ધુંગામાં લાવરી છુપાયેલી હોય, તે એને શોધી કાઢે તેમ શોધી કાઢતો.

અને તે દિવસથી બહેનમાં મા, બહેન, માસી, કાકી કે દુનિયાના જેટલા પ્રેમાળ પવિત્ર સંબંધો હતાં તેવા આનંદમયી પ્રેમની અનુભૂતિ થતાં ક્યારે શાળામાં જવાનું થાય તેની રાહ જોવાતી. રજાઓ બહેને બતાવેલ આદર્શ મુજબ વ્યતીત કરતાં કરતાં શિક્ષણથી પરિપૂર્ણ થયાં.

પાંચમા સંવાદમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ પૂર્ણ થાય છે. છઠ્ઠા સંવાદમાં યૌવનપ્રવેશ સાથે મહાશાળાના અભઅયાસનો સમય શરૂ થાય છે.

છઠ્ઠો સંવાદ

મન : હૃદયભાઈ, બુદ્ધિબહેન ! શાળામાં એક જ પ્રકારનાં વસ્ત્રો પહેરીને તંગ આવી ગયા હતા. એટલે હવે તો સુંદર કપડાં પહેરવાં મળશે.

બુદ્ધિ : મનભૈયા, એક જ પ્રકારનાં કપડાંમાં આપણી અને આપણી શાળાની ઓળખ હતી. આ ઓળખ સમાન હોવાથી તેમાં એકતા અને સમભાવનો અનુભવ થતો હતો, જે અહીં અનુભવવા નહીં મળે.

હૃદય : બુદ્ધિબહેન ! તમારી વાત સાચી છે. પણ શું અહીં વિવિધતામાં એકતા ન અનુભવી શકાય ?

બુદ્ધિ : અવશ્ય, અનુભવી શકાય, હૃદયભૈયા અને એટલે તો વસ્ત્ર પરિધાનની સ્વતંત્રતા છે.

હૃદય : બુદ્ધિબહેન ! આપણા કોઈ મિત્રો કેમ દેખાતા નથી ?

બુદ્ધિ : હૃદયભૈયા, અમને પણ મિત્રોની યાદ તો આવે છે. પણ ટકાવારીની ગળાકાપ હરીફાઈમાં આપણા મિત્રો આ કૉલેજમાં પ્રવેશ નથી મેળવી શક્યા.

હૃદય : મને તો બહુ દુઃખ થાય છે, બુદ્ધિબહેન !

બુદ્ધિ : દુઃખ તો મને પણ થાય છે, પરંતુ સંપૂર્ણ સગવડો કે અગવડોમાં ધ્યેયથી વિચલિત થવાય તો અવશ્ય સહન કરવાનો સમય આવે જ છે.

મન : એ હૃદયભાઈ, જુઓ જુઓ ! પેલી સુંદરી કેટલી મોહક લાગે છે !

હૃદય : એ મોહક સુંદરી આપણી સહઅધ્યાયી જ હશે ?

મન : તો તો અવશ્ય આપણે તેની સાથે દોસ્તી કરીશું !

બુદ્ધિ : મનભૈયા, ફક્ત તેણીની જ કેમ ? આપણે દરેક સાથે મૈત્રીપૂર્વક રહેવાનું છે.

મન : જુઓ જુઓ, તેણી આપણી તરફ જ આવે છે. જેમ નજીક આવે છે, તેમ વધુ સુંદર લાગતી જાય છે.

બુદ્ધિ : ઓ મનભૈયા, આપણી આસપાસના દરેક મિત્રો સુંદર જ છે.

મન : બુદ્ધિબહેન, તમારી દૃષ્ટિ સાચી છે. પરંતુ મધુવનમાં અનેક છોડ, વૃક્ષ અને ફૂલોમાં જેમ સુંદર ફૂલ અલગ તરી આવે છે, અને ધ્યાન આકર્ષિત કરે છે તેમ આ સુંદરી તરફ આકર્ષણ થાય છે.

સુંદરી નજીકથી પસાર થતાં છઠ્ઠી ઇન્દ્રિયથી મનભૈયાની સ્થિતિ પામીને અભિવાદન કરે છે અને દિવસે તેમ જ ભવિષ્યની શુભકામના પાઠવીને હાસ્ય સાથે વિદાય થઈને આગળ વધે છે, ત્યારે

હૃદય : હે શુભકામિની ! તમો પણ આનંદ અને કીર્તિના સર્વોત્તમ શિખરે બિરાજમાન થાઓ તેવી અભ્યર્થના, સાથે આજના શુભ દિનાં અભિનંદન.

(કામિની આભાર સાથે વિદાય થાય છે.ઃ

બુદ્ધિ : હે મનભૈયા, આટલાં ઉદાસ કેમ થઈ ગયા ?

મન : હે બુદ્ધિબહેન, હું એ સુંદરીથી મોહિત થઈ ગયો છું.

બુદ્ધિ : શાનો મોહ ?

મન : સુંદરતાનો.

હૃદય : તો તો આપણે માણી લીધું. હવે શું છે ?

મન : હે હૃદયભૈયા, તેણીની સુંદરતા સાથેની મોહકતા, કોઈ પુષ્પની સુગંધ નથી કે સૂંઘી લીધું એટલે સંતોષ અનુભવાય.

હૃદય : તો ?

મન : તેમનું સાંનિધ્ય પ્રાપ્ત કરીને આનંદ ભોગવવાની અનુભૂતિ કંઈક ઓર હોય છે.

હૃદય : મનભૈયા, જ્યાં સુધી પ્રાકૃતિક સુંદરતામાંથી આનંદની અનુભૂતિના હકદાર હોઈએ અને તે પૂર્ણ થાય તો ત્યાં આપણી મર્યાદા પૂર્ણ થાય છે. ત્યાર પછીની ઇચ્છામાં અનૈતિકતા છે. અનૈતિક ઇચ્છાઓ પૂર્ણ કરવાના પ્રયત્નમાં મહત્તમ ભાગે સજા ભોગવવાની હોય છે. આવી સજામાં ક્યારેક જૂતાંનો માર પણ હોય અને કૉલેજમાંથી અપમાનિત થઈને ઘરે જવાનો વારો પણ આવે.

બુદ્ધિ : મનભૈયા, હૃદયભૈયાએ જે સમજણ આપી તેમાં પ્રકૃતિના સર્જનના બહુમૂલ્યનો સ્વીકાર છે. જો આવા બહુમૂલ્યને સાર્થક કરીશું તો સ્વયં પણ બહુમૂલ્ય થઈશું. જેને માનવીય ભાષામાં સજ્જનતા તરીકે સમજીએ છીએ. જો આવી સજ્જનતાને અમૂલ્યમાં રૂપાંતર કરવું હોય તો આપણા ધ્યેયને ધ્યાનમાં રાખવું પડે. આપણું ધ્યેય સર્વાંગી વિકાસ માટેના ઉચ્ચતમ શિક્ષણની સર્વોપરિતા સિદ્ધ કરવામાં છે. સર્વોત્તમતાવિહીન સમાજમાં ભળવું એટલે જીવનની અધોગતિ છે. આથી સમાજ, સૃષ્ટિ માટે આપણે કલંકરૂપ ન બનીએ તે માટે સાવધાન રહેવું પડે.

અને હા, તમારી ઇચ્છાઓની પૂર્ણતા માટેના સમાધાન સ્વરૂપે જણાવું તો, પ્રકૃતિના સર્જનના સાતત્ય માટે સ્વયં પ્રકૃતિએ જ ઇચ્છિત કામનાઓની પરિપૂર્ણતા માટેનો નિશ્ચિત સમય નક્કી કરેલો જ હોય છે. આવા સમય પહેલાં અને પછી જો સમયમર્યાદાનો ભંગ થાય તો તેમાં અનૈતિકતા હોય છે. અનૈતિકતાનાં પરિણામ અનિષ્ટ અને કલંકરૂપી હોય છે, જેને સમગ્ર નદીઓ, સમુદ્રોના પાણીથી ધોવામાં આવે તો પણ તેવું કલંક દૂર થતું નથી. એટલે સમય પહેલાંની ઉતાવળ ન કરશો અને સમય આવ્યે સંપૂર્ણ આનંદને માણવાનું ચૂકશો નહીં.

મન : હે બુદ્ધિબહેન, તમોએ મારા લગામ વગરના અશ્વને સંયમરૂપી લગામ લગાવીને મારા હાથમાં આપીને સર્વ આપત્તિોના ચડાવ-ઢોળાવમાંથી પસાર થવા માટેનું માર્ગદર્શન કરીને આપણા સંબંધને દીપાવ્યો છે. આ સંબંધને કાયમ રાખવા અવશ્ય પ્રયત્નશીલ રહીશ.

હૃદય : હૈ મનભૈયા, સૃષ્ટિના સર્જનનું સાતત્ય કાયમ રહે તે માટે નર અને નારી સ્વરૂપમાં, નારી એ પ્રકૃતિના પ્રતિનિધિ રૂપે અને નર પ્રથમ પુરુષના પ્રતિનિધિરૂપે પ્રવર્તમાન હોય છે. એટલે બંનેના મિલન વગર કોઈ પણ પ્રકારનું નવસર્જન શક્ય નથી. આવું મિલન ત્યારે જ શક્ય બને કે જ્યારે એકબીજામાં આકર્ષણ હોય, એટલે કોઈ પણ અવસ્થામાં આકર્ષણ સહજ હોય છે અને આવા આકર્ષણમાંથી કોઈ મુક્ત હોતું નથી. આવા આકર્ષણને સંયમપૂર્વક સંગ્રહિત કરવામાં આવે તો સમગ્ર સૃષ્ટિ પ્રસન્ન અને સુંદરતામય અનુભવાય છે અને આનંદની પરાકાષ્ઠા સમયોચિત દાંપત્યજીવનમાં અનુભવાય છે.

મન : અરે હૃદયભાઈ, બુદ્ધિબહેન ! જુઓ, વાતાવરણ શાંત થતું જાય છે. અને અધ્યાપકો પોતપોતાના ક્લાસરૂમ તરફ જાય છે. એટલે ચાલો, આપણે પણ વર્ગામં પ્રવેશ કરી લઈએ.

હૃ.બુ. : અવશ્ય મનભૈયા.

વર્ગમાં પ્રવેશ કરે છે. કોઈ છોડ રંગબેરંગી પતંગિયાંથી શોભાયમાન હોય તેવી રીતે ક્લાસરૂમ શોભાયમાન છે. પ્રથમ બેન્ચના આગ્રહી મ.બુ.હૃ. ક્યાં બેસવું તેની અવઢવમાં છે. ત્યાં જ કામિની રૂમમાં પ્રવેશ કરે છે. દરેક એકબીજાથી અપરિચિત હોવા છતાં ભાવ પરિચયનો અનુભવ છે. સ્ત્રી દાક્ષિણ્યતાને માન આપી પ્રથમ બેન્ચો ઉપર વિદ્યાર્થિનીઓ અને ત્યાર પછીની બેન્ચો ઉપર વિદ્યાર્થીઓ સ્થાન ગ્રહણ કરે છે, અને અધ્યાપકશ્રીનો પ્રવેશ થાય છે. સર્વે વિદ્યાર્થીઓ ઊભા થઈને નમસ્કાર સ્વરૂપે આવકાર આપે છે અને સાહેબશઅરી સર્વને નમસ્કાર સાથે પ્રથમ દિવસના અભિનંદન આપીને બેસવા માટેનો ભાવ વ્યક્ત કરે છે.

અધ્યાપકશ્રી અને વિદ્યાર્થીઓના પરસ્પર પરિચય કેળવાય છે અને હાસ્ય આનંદમાં પિરિયડ, દિવસ પૂર્ણ થાય છે. તેવી જ રીતે વર્ષ પૂર્ણ થાય છે. પરીક્ષા, પરિણામ અને બીજા વર્ષની શરૂઆત થાય છે. કૉલેજમાં નોટિસ બૉર્ડ ઉપર અભિનંદનનો સંદેશ પાઠવેલ છે, જેમાં ડિસ્ટિંક્શન સાથેનાં યુનિવર્સિટીનાં નંબર વન અને ટુ મ.બુ.હૃ. અને કામિનીનાં નામ છપાયેલાં છે.

બીજા વર્ષના ક્લાસ શરૂ થાય છે, અને કામિની ઉપર અભિનંદનની વર્ષા થાય છે, રાજકારણથી તંગ મૅનેજમેન્ટ પરિણામમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓને કૉલેજના જી.એસ. અને એલ.આર. તરીકેની પસંદગી થાય છે. કૉલેજનું નામ અને વિદ્યાર્થીઓના ઇચ્છિત વિકાસ માટે જી.એસ. અને એલ.આર.ના સંપર્ક વધે છે અને સંપૂર્ણ પવિત્રતા સાથેના સંબંધ ગાઢ બનતાં કૌટુંબિક સંબંધીઓ પમ એકબીજાથી પરિચિત થાય છે.

સમયના પ્રવાહ સાથે અભ્યાસનાં અંતિમ વર્ષના વિદાયની ક્ષણો આવી પહોંચે છે. કૉલેજના ઇતિહાસમાં પ્રથમ વખત સળંગ ચાર વર્ષથી રમતગમત, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કારકિર્દીની સર્વોપરિતા પ્રસ્થાપિત થતાં અધ્યાપકગણ, ટ્રસ્ટીમંડળ અને વિદ્યાર્થીઓ વિદાય સમારંભમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે સંપૂર્ણ ઉત્સાહિત છે. તે માટે સાંસ્કૃતિક પ્રોગ્રામ અને સામૂહિક ભોજનની વ્યવસ્થાનું પ્રથમ વખત આયોજન કરવામાં આવેલ, જેના અતિથિવિશેષ તરીકે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ સામેથી મહેમાન બનવા વિનંતી કરેલ. સમગ્ર પ્રસંગના કવરેજ માટે પ્રિન્ટ તેમ જ પ્રેસ મિડિયા આનંદપૂર્વક પ્રસારણ કરવા સજ્જ છે.

પ્રસંગનો પ્રારંભ અને પુર્ણાહૂતિ દરમિયાન જે વાતાવરણ હતું તે પ્રસન્નતામય, પૂર્ણ આનંદદાયી અને નવચેતન જાગૃત કરનારું હતું. યૌવનની પૂર્ણ સ્પંદનશીલતામાં વિદાય સમયે વિરહની વેદનાનો અનુભવ થતાં ગંગા-જમુનાની ધારાની જેમ અશ્રુઓ વહેવા લાગે છે, જેની પરાકાષ્ઠા મંત્રીશ્રીનાં અશ્રુઓમાં હતી.

પત્રકાર પરિષદ

પત્રકાર : કામિનીજી, છેલ્લાં ચાર વર્ષમાં યુનિવર્સિટીનાં નંબર વન અને ટુમાં એવરેજ બે વર્ષમાં તમે અને બે વર્ષ મ.બુ.હૃ. આવ્યાં તો શું આ પૂર્વ આયોજન હતું ?

કામિની : જીવનમાં જ્યારે પ્રતિસ્પર્ધક અને પૂરકનું સાંનિધ્ય પ્રાપ્ત થાય, ત્યારે આવું બનતું હોય છે.

પત્રકાર : તમારા પ્રતિસ્પર્ધક અને પૂરક કોણ હતાં ?

કામિની : મારા પ્રતિસ્પર્ધક અને પૂરક મ.બુ.હૃ. હતાં અને છે.

પત્રકાર : “છે”નો મતલબ ?

કામિની : તેના માટે તમારે મ.-બુ.-હૃ.ને પૂછવું રહ્યું.

પત્રકાર : મ.-બુ.હૃ.જી, શું કામિનીજીના “છે”નો જવાબ આપશો ?

મ.-બુ-હૃ. : જ્યાં સમભાવ પ્રવર્તમાન હોય ત્યાં હંમેશાં સકારાત્મક ભાવ હોય છે.

પત્રકાર : તો શું સમભાવનાથી એકાદ “સામાન્ય ભાવ” તરીકે પ્રેમ હોઈ શકે ?

મ.-બુ-હૃ. : “હોઈ” પણ શકે અને “ન” પણ હોઈ શકે, કેમ કે અત્યાર સુધી જેમ કામિનીજીએ કહ્યું તેમ અમારી સફળતામાં પણ તેઓ સ્પર્ધક અને પ્રેરકની ભૂમિકામાં હતાં, જે અમારી સર્વોત્તમ સફળતામાં પૂર્ણ થાય છે.

પત્રકાર : તો હવે પછીનું ધ્યેય શું છે ?

મ.-બુ-હૃ. : લોકકલ્યાણ.

પત્રકાર : શું આવું ધ્યેય હોઈ શકે ?

મ.-બુ-હૃ. : કેમ ન હોઈ શકે ?

પત્રકાર : આવું ધ્યેય તો લોઢાના ચણા ચાવવા જેવું હોય છે.

મ.-બુ-હૃ. : લોકો કાચના ચણા ખાતા હોય તેનાથી તો લોઢાના ચણા ચાવવા (સેફ) સારા છે.

પત્રકાર : તો શું કામિનીજી લોઢાના ચણા ચાવી શકશે ?

મ.-બુ-હૃ. : તે માટે તો કામિનીજીને પૂછવું રહ્યું.

પત્રકાર : કામિનીજી, તમો શું લોઢાના ચણા ચાવવાના કાર્યમાં સાથ આપશો ?

કામિની : સક્ષમતા ધારણ કરીએ તો લોઢાના ચણા પણ ચણીબોરની જેમ ખટમીઠા લાગે છે. પરંતુ ધ્યેયવિહીન સ્થિતિમાં હોઈએ તો ચણીબોર પણ લોઢાના ચણા બની જતાં હોય છે !

પત્રકાર : મ.-બુ-હૃ.જી ! મારો મૂળ પ્રશ્ન નર-નારીના પરસ્પર આકર્ષણમાંથી પ્રેમનાં અંકુર ફૂટતાં હોય છે. આ અંકુર એકબીજાના સાંનિધ્યની હૂંફથી પલ્લવિત થતાં હોય છે. શું આવું કંઈ છે ?

મ.-બુ-હૃ. : આપને શું પ્રતીત થાય છે ?

પત્રકાર : તે અંગે હું મૂંઝવણ અનુભવું છું.

મ.-બુ-હૃ. : શું આપને એવું લાગે છે કે અમે એકબીજાથી ઉચ્છૃંખલપણે આકર્ષિત હોઈએ ?

પત્રકાર : પ્રેમ અને ઉચ્છૃંખલતા એકબીજાથી વિરોધાભાસી હોય છે. મ.બુ.હૃ.જી ! આપનો સંબંધ ઉચ્છૃંખલ છે ?

મ.-બુ-હૃ. : પત્રકાર મિત્ર, તમે કોઈ પણ સંબંધોની પવિત્રતાના હાર્દને સમજ્યા વગર લજ્જિત સ્વરૂપનો આકર્ષણથી થયેલ સંબંધને પ્રેમનું નામ આપતા હોય તેવું લાગે છે. આપની સમજણ મુજબ યુવક અને યુવતી તેના યૌવન સમયમાં એકબીજાના સાંનિધ્યમાં રહીને વિજાતીય આકર્ષણથી સંબંધ કેળવે અને તેમાંથી જે આવેગ ઉત્પન્ન થાય તેવી સ્થિતિને પ્રેમ સમજતાં હોય તો તેમાં તમારી સમજણનો દોષ નથી, પરંતુ વર્તમાન સમયની માન્યતાનો દોષ છે.

પત્રકાર : આપને કંઈ ખોટું લાગ્યું હોય તેવું અનુમાન કરવા પ્રેરાઉં છું.

મ.-બુ-હૃ. : મિત્ર મારા, તમારા પ્રશ્નો જ અનુમાન આધારિત હોઈ ખોટું લગાડવાના પ્રશ્ન નથી રહેતા.

પત્રકાર : તો આપના સંબંધની વાસ્તવિકતા શું છે તે જણાવશો ?

મ.-બુ-હૃ. : અમે એકબીજાના મિત્રોથી વિશેષ કંઈ નથી.

પત્રકાર : પણ તમારા બંનેની આંખોમાં જે ચમક છે, તે મિત્રતાથી કંઈક વિશેષ છે.

મ.-બુ-હૃ. : પત્રકાર આપ છો, તેથી તેનું રહસ્ય આપે જ શોધવું રહ્યું.

પત્રકાર : મારે રહસ્યને સમજવા માટે અનુમાનો કરવાં પડશે અને આવાં અનુમાન આપના માટે ખોટાં સાબિત થાય છે, તેવું મેં અનુભવ્યું છે. માટે વાસ્તવિકતા સમજાવવા વિનયપૂર્વકનો આગ્રહ છે.

મ.-બુ-હૃ. : પ્રથમ વાસ્તવિકતા એ છે કે, અમે (મન, બુદ્ધિ અને હૃદય) ક્યારેય વિચારહીન વ્યવહાર નથી કરતાં, ઉભયપક્ષે સમભાવ આધારિત વ્યવહાર હોય તો પ્રાકૃતિક પર્યાવરણમાં સાત્ત્વિક ભાવ ઉત્પન્ન થાય છે. સાત્ત્વિક ભાવમાં કાર્યના ઉદ્દેશ ભલે અલગ-અલગ હોય, પરંતુ તેનું પરિણામ સમાન હોય છે. પરિણામ સમાન હોય તો તેની સફળતાનો આનંદ પણ સમાન હોય છે. જ્યાં આનંદ સમાન હોય ત્યાં પ્રસન્નતા પણ સરખી હોય. અમારી પ્રસન્નતાનો ભાવ જ્યારે દૃષ્ટિ દ્વારા વ્યક્ત થતો હોય છે, તે પણ સમાન હોય છે, તેને તમે ચમક કહો છે.

પત્રકાર : મ.બુ.હૃ.જી, કામિનીજી ખરેખર પ્રકૃતિની સુંદરતમ રચના છે. ગમે તેવા બ્રહ્મચારી હોય તો પણ એક વખત તેમની તરફ દૃષ્ટિ કરવાનું ચૂકે નહીં. જ્યારે તમે તો યુવાન છો અને સતત સાથે હો છો. આપનો શું અનુભવ છે ?

મ.-બુ-હૃ. : જુઓ મિત્રવર, સ્ત્રી પોતાના ઉર યૌવન અને ઇચ્છાઓને જેટલી સંયમિત રાખે છે એટલી જ સુંદરતમ લાગતી હોય છે.

સંયમવિહીન સુંદરતાનું પ્રદર્શન મલિન ભાવનું પોષક હોય છે અને એટલે જ સંયમને સ્ત્રીનું શીલ સમજવામાં આવે છે. આવા શીલની સુરક્ષા માટે પરમાત્માએ છઠ્ઠી ઇન્દ્રિયનું જ્ઞાન આપેલ છે, જે હંમેશાં જાગૃત હોય છે.

આવી જાગૃત અવસ્થામાં વિજાતીય પાત્રની મલિન ભાવનાને સમજવા છતાં, તેના ભાવને નજરઅંદાજ કરીને મલિન ભાવને પોષે છે. ત્યારે કૃત્રિમતા ધારણ કરે છે. કૃત્રિમતા હંમેશાં ભૌતિક સ્વરૂપનું રૂપ ધારણ કરે છે. એટલે નૈતિક કે અનૈતિક કોઈ પણ રીતે વિજાતીય પાત્ર ભોગવવા તૈયાર થાય છે. આ સર્વસામાન્ય સ્ત્રીહજ મર્યાદા અને શીલની પરિભાષા સમજી શકાય. કામિનીજી માટે આવી સમજ સહજ સ્વરૂપની હોઈ, તેઓ તેનાથી પણ ઉચ્ચ કક્ષાની સમજણ ધરાવે છે અને તેની પ્રતીતિ તેમના તટસ્થ અને સૌજન્યપૂર્વકના પ્રેમાળ આચરણમાંથી પ્રકાશિત થતા સાત્ત્વિક ઓજસની અનુભૂતિથી થાય છે. સાત્ત્વિક ઓજસમાં પાવિત્ર્ય ભાવની અમીવર્ષા થતી હોય છે. આવી અમીવર્ષામાં ભીંજાતાં હોઈએ ત્યારે મલિન ભાવ ઉત્પન્ન થવો અશક્ય છે.

પત્રકાર : તો શું તમો હવે અલગ પડશો ?

મ.-બુ-હૃ. : તમારી દૃષ્ટિમાં અલગતા શું છે તેનો મને ખ્યાલ નથી, પરંતુ સમાન ધ્યેયના પ્રણેતા હોઈશું તો પ્રાકૃતિક રીતે અભિન્ન રહીશું.

પત્રકાર : મ.બુ.હૃ.જી ! છેલ્લો અને આખરી પ્રશ્ન. પ્રેમના પ્રશ્ને સમાધાન નથી થયું તે કરી આપશો તો આનંદ થશે.

મ.-બુ-હૃ. : આપણે પ્રેમના પાવિત્ર્યનું ખંડન કરી નાખ્યું છે. પ્રકૃતિ અને પુરુષ જ્યાં સમાનભાવે સર્જન માટે પ્રવૃત્ત થાય છે, ત્યારે આનંદમય સ્વરૂપનાં સ્પંદનોનું ધ્રુવીકરણ થાય છે. આવું ધ્રુવીકરણ જે પાત્રમાં થતું હોય તેવું જ ધ્રુવીકરણ બીજા પાત્રમાં હોય અને એકબીજાનું મિલન થાય ત્યારે ભાવનાત્મક ઉષ્માનું સર્જન થાય છે. આવી ઉષ્મામાં જ્યારે શીતળતા અનુભવાય ત્યારે અનુભવાયેલ અનુભવમાંથી જે અનુભૂતિ થાય છે તે પ્રેમનું સ્વરૂપ હોય છે. જેને સામાન્ય વ્યવહારમાં જે સંબંધ હોય છે તે સ્વરૂપે ઓળખાય છએ. જેમ કે માતા-પુત્ર, પતિ-પત્ની, ભાઈ-બહેન, મિત્ર, પ્રેમી-પ્રેમિકા વગેરે વગેરે. આવા પ્રેમમાં સૃષ્ટિના તમામ વૈભવની પ્રાપ્તિની પ્રસન્નતા અને ઈશ્વર સાથેના પ્રેમમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે.

સામાન્યતઃ પ્રેમ અંધ હોય છે, તેવું સમજાવવામાં આવે છે અને સમજાયેલ વાત વાસ્તવિકતામાં પરિણમે છે, ત્યારે પ્રકૃતિ પણ આક્રંદિત થઈ જાય છે. જ્યાં વિજાતીય વિકૃત આકર્ષણ અને પ્રાકૃતિક સર્જનનો સહેતુક ધ્યેય ન હોય, ત્યાં જીવનની વિપત્તિઓ પરાકાષ્ઠાએ હોય છે અને તેનું અંતિમ પરિણામ પ્રકૃતિ વિરુદ્ધનો અંત હોય છે. અને એટલે જ આવી મનોસ્થિતિવાળા વ્યક્તિના પ્રેમને અંધ તરીકે સમજવામાં આવતો હશે, તેમ માનવું રહ્યું. જે પ્રેમમાં સાત્ત્વિકતા હોય છે તેવા પ્રેમમાં દિવ્યતા હોય છે. દિવ્યતા હંમેશાં અંધકારને દૂર કરનાર હોય છે અને તેની અનુભૂતિમાં અંતઃચક્ષુનાં નૂર ચંદ્ર અને સૂર્યની જેમ ખીલી ઊઠે છે. ચંદ્રના નૂરમાં માનવીય જીવન હોય છે, જ્યારે સૂર્યના નૂરમાં મોક્ષ હોય છે !

પત્રકાર : હે મિત્ર, તમે જે સંકલ્પ કરશો તે પૂર્ણ થશે, એવી શુભેચ્છા પાઠવવાની ઔપચારિકતા પણ તમારી સમક્ષ અર્થવિહીન અનુભવાય છે. આપની દરેક સફળતાના આનંદનો સહભાગી બનાવશો તેવી આશા સાથે વિદાય લઉં છું.

મ.-બુ-હૃ. : હે મિત્ર, તમે જેટલા પ્રસન્ન છો તેના ઉપરથી એવું અનુમાન કરાય કે તમે પણ જીવનની વાસ્તવિકતા સમજ્યા છો.

પત્રકાર : “અનુમાન ?” અનુમાન નહીં મિત્ર મારા, અનુભવ.

સાતમો સંવાદ

મહાવિદ્યાલયનું શિક્ષણ પૂર્ણ થતાં કારકિર્દી માટેની નિર્ણાયક ક્ષણોમાં :

મન : સમગ્ર વિશ્વમાં કેટલાક મનુષ્યો કેવાં આનંદ, વૈભવ અને પ્રતિષ્ઠા ભોગવે છે ! આપણે પણ તેવાં સુખો પ્રાપ્ત થાય તેવો વ્યવસાય પસંદ કરવો જોઈએ.

બુદ્ધિ : હા મનભૈયા, આપણે પણ બાલ્ય અને યુવા અવસ્થાઓમાં જે સંયમથી સુખોને અવગણ્યાં છે, તેને વ્યાજ સાથે પ્રાપ્ત થાય, તેવા વ્યવસાયમાં સર્વોપરિતા સિદ્ધ કરીએ.

હૃદય : અરે, તમે બન્ને પણ આદર્શરૂપી જીવનના સંયમરૂપી મેદાનમાંથી ભાગેડુવૃત્તિ પ્રદર્શિત કરો છો ! આ તો દુન્યવી વૈભવથી અંજાવા સમાન છે.

બુદ્ધિ : જે વૈભવથી દુનિયા અંજાય એમાં તો આપણી પ્રતિષ્ઠા છે.

મન : મને તો આવી પ્રતિષ્ઠામાંથી જે માન-મરતબો ભોગવવા મળશે, તેનાથી બહુ જ આનંદ થશે.

હૃદય : હા ભૈ હા, આપણું અંતિમ લક્ષ પણ આનંદ જ હોય છે, પણ તે કેવી રીતે પ્રાપ્ત કરીશું તે જણાવશો ?

મન : મોટા વૈજ્ઞાનિક ડૉક્ટર, એન્જિનીયર, એમ.બી.એ., વેપારી કે પછી ઉદ્યોગપતિ કે બિલ્ડર બનીને.

હૃદય : તે સર્વે પાછળનું મૂળભૂત ધ્યેય શું ?

બુદ્ધિ : ધન કમાવાનો ?

હૃદય : કેવી રીતે ?

બુદ્ધિ : જેવી રીતે વર્તમાન સમયના ડૉક્ટરો, એન્જિનીયરો અને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો કમાય છે તેવી રીતે.

હૃદય : તમે ક્યારેય તેમના અંગત જીવનમાં ડોકિયું કર્યું છે ?

બુદ્ધિ : આપણે શા માટે કરવું જોઈએ ?

મન : બુદ્ધિબહેન, હૃદયભાઈ આપણને આપણા ધ્યેયથી વિચલિત કરીને નાહિંમત કરતા હોય તેવું લાગે છે. આપણે તેમની સુફિયાણી સલાહ માનવામાં કોઈ તથ્ય જણાતું નથી.

બુદ્ધિ : હા મનભૈયા, આપણે જ્યારે જે વૈભવ પ્રાપ્ત કરવાને સક્ષમ હોઈએ ત્યારે ભાવનાઓના પ્રવાહમાં તણઆવું ન જોઈએ.

હૃદય : મનભાઈ, બુદ્ધિબહેન ! તમારી ઇચ્છાઓ પૂર્ણ આનંદના પરિપ્રેક્ષ્યમાં ખંડિત હોવાનું અનુભવાય છે.

બુદ્ધિ : તે કેવી રીતે ?

હૃદય : ધનની પ્રાપ્તિ આનંદ માટે નહીં, પરંતુ આનંદ-પ્રાપ્તિથી ધનનું સર્જન કરવું જોઈએ.

બુદ્ધિ : એટલે ?

હૃદય : ધનની પ્રાપ્તિના ધ્યેયમાં કૃત્રિમતાનું સર્જન થતું હોય છે, જ્યારે આનંદ પ્રાપ્તિના ધ્યેયમાં પ્રાકૃતિક આનંદનો વિકાસ થતો હોય છે. આવા આનંદમાં દરેક ઇચ્છાઓની પૂર્તિ થાય છે.

બુદ્ધિ : તે કેવી રીતે ?

હૃદય : જો આપણું અંતિમ લક્ષ્ય નાણાં એટલે કે ભૌતિક વૈભવ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનું હશે તો પ્રાકૃતિક સ્પંદનો નિસ્તેજ થતાં જશે અને કૃત્રિમ જરૂરિયાતનો વિકાસ થતો જશે, અને તેની પ્રાપ્તિ માટે કૃત્રિમતા, કૃત્રિમતામાં જડત્વ અને ભાવશૂન્યતા હોય છે. પરિણામે પ્રાકૃતિક કે માનવીય સ્પંદનો અધ્યાહાર થઈ જશે. આવી સ્થિતિમાં ક્યારે અને કેવી પરિસ્થિતિ સર્જાય તેનું અનુમાન આઘાતજનક હોય છે. તેનાં પ્રમાણ જોઈતાં હોય તો પોતાની નિર્ણાયકતા માટે પણ રાજકારણ, ઉદ્યોગ કે વાણિજ્યક્ષેત્રે ડૉક્ટર કે એન્જિનીયરો, બિલ્ડરો કે સનંદી અધિકારીઓ કે સામાન્ય કામદારોનાં જીવનમાં ડોકિયું કરવું રહ્યું. જેઓએ કૃત્રિમતા ધારમ કરી છે, તેઓએ ભૌતિક વૈભવ અને સત્તા તો પ્રાપ્ત કરી છે, પરંતુ આંતરિક સ્પંદનો મૃતઃપ્રાય હોય છે. પરિણામે વ્યક્ત થતી પ્રસન્નતા કૃત્રિમ સ્વરૂપે પ્રગટ કરે છે, કે જેમાં બનાવટ હોય છે. જો તેનું પ્રમાણ જોઈતું હોય તો ક્યારેક ગાંધીજી અને આજના રાજકારણીઓનાં હાસ્યની તુલના કરી જોજો.

જ્યારે પ્રાકૃતિક સ્પંદન કૃત્રિમતા ધારમ કરે છે ત્યારે નૈસર્ગિક પ્રક્રિયા ખોરંભાય છે. નૈસર્ગિક પ્રક્રિયા ખોરવાતાં કુદરતી આવેગો અસમતુલિત થાય છે. આવી અસમતુલામાંથી વ્યાધિ અને અશાંતિનું સર્જન થતું હોય છે. વ્યાધિ શારીરિક અને માનસિક રોગ તરીકે અનુભવાય છે. જ્યારે પૂર્ણ ભૌતિક વૈભવ હોવા છતાં તૃપ્તિની અનુભૂતિનો અભાવ વર્તાય છે, ત્યારે જીવનમાં અજંપો અનુભવાય છે. આવી વ્યાધિ અને અજંપાનું નિરાકરણ સૃષ્ટિમાં ક્યાંય શોધાયું નથી અને શોધાશે પણ નહીં.

જેમનાં પ્રાકૃતિક સ્પંદનો જીવંત હોય છે, તેઓ ચૈતસિક શક્તિ સાથે તાદાત્મ્ય કેળવે છે. આવા તાદાત્મ્યના પ્રભાવમાં દરેક પ્રવૃત્તિનાં પરિણામ આનંદમય હોય છે. આવો આનંદ ઉભયપક્ષમાં એટલે કે સર્જનહાર અને તેના સર્જનમાં સમાનપણે પ્રવર્તમાન હોવાથી તેમની પ્રવૃત્ત પ્રક્રિયા સતત ચાલુ રહે છે, જેમાં દરેક નૈતિક જરૂરિયાતો પૂર્ણ થતી હોય છે. પછી આવી જરૂરિયાત ભૌતિક વૈભવની હોય કે પ્રાકૃતિક વૈભવની, આપણે જો સભાનતાપૂર્વક સ્વૈરવિહાર કરીશું તો તેનાં અનેક પ્રમાણ જાણવા અને જોવા મળશે.

બુદ્ધિ : હે હૃદયભૈયા, સ્વભાવગત આદત મુજબ જે પણ વ્યવસાયનું સૂચન કર્યું હોય, પરંતુ આપણે એવા વ્યવસાય સ્વીકારશું કે જેમાં આપણું કલ્યાણ હોય.

હૃદય : મનભૈયા, આપનું શું કહેવું છે ?

મન : મારો તો મૂળભૂત હેતુ જ આનંદ હોય છે, એટલે સીધા ઊભા રહીને દૂધ પીવા મળતું હોય તો વાંકા વળીને મૂત્ર શા માટે પીવું ?

હૃ.બુ. : શાબાશ મનભૈયા, હવે આપણે જે પણ વ્યવસાય પસંદ કરીશું તે ઉત્તમ જ હશે તેમાં કોઈ બેમત નથી.

(સનંદી અધિકારીઓના મૌખિક ઇન્ટરવ્યૂનું સ્થળ છે, મુખ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ક્રમાંકિત ઉમેદવારોનો સમૂહ છે. ત્યાં અચાનક મ.બુ.હૃ.જી અને કામિનીજીનું પુનઃમિલન થાય છે.)

મ.બુ.હૃ. : ઓ..હો... કામિનીજી આપ ? કામિનીજી.

કામિની : નવાઈ લાગે છે ?

મ.બુ.હૃ. : નવાઈ નહીં, આનંદ થાય છે.

કામિની : મેં તો ઇન્ટરવ્યૂમાં તમારું નામ જોયું ત્યારથી આનંદ અનુભવું છું.

મ.બુ.હૃ. : તમારા આનંદથી એટલી પ્રસન્નતા અનુભવાય છે કે આજની પસંદગીમાં અવશ્ય એકથી દસમા નંબરમાં આવીશું.

કામિની : એ તો હશે, પરંતુ તમે કઈ કેડર પસંદ કરી છે ?

મ.બુ.હૃ. : એકથી ત્રીસમા પ્રથમ નંબરે આઈ.એ.એસ. અને બીજા નંબરે આઈ.પી.એસ. છે.

કામિની : મારી પણ એજ પસંદગી છે.

મ.બુ.હૃ. : તેની પાછળનું કારણ પણ સમાન હશે, એટલે તેની ચર્ચા અસ્થાને છે.

કામિની : અસ્થાને નહીં હવે આપણે નક્કી કરવું રહ્યું કે બંનેમાંથી એકે આઈ.એ.એસ. અને બીજાએ આઈ.પી.એસ. કેડર પસંદ કરવી.

મ.બુ.હૃ. : પહેલાં આપની પસંદગી.

કામિની : લેડીઝ ફર્સ્ટની ભાવનાથી ઈજન કરતા હોય તો પ્રથમ આપની પસંદગીને આવકારું છું.

મ.બુ.હૃ. : જે દરેક શક્તિઓથી પૂર્ણ હોય તેમના માટે આવી ભાવનાઓ સંભવ નથી હોતી.

કામિની : આપ પણ સવિશએષ છો. ત્યાં જ મ.બુ.હૃ.જીનું નામ મુલાકાત માટે ઘોષિત થાય છે. સંપૂર્ણ પ્રસન્નતા સાથે કામિનીજી તરફ તેમની શુભેચ્છાની પ્રતીક્ષા સાથે દૃષ્ટિ કરે છે, ત્યાં જ કામિનીજી આનંદપૂર્વક “ઑલ ધ બેસ્ટ”ની શુભેચ્છા પાઠવે છે.

મ.બુ.હૃ. : આભાર, અને આપને પણ “બેસ્ટ ઑફ લક”, મારી મુલાકાત પત્યા બાદ આપની રાહ જોઈશ.

કામિની : અવશ્ય, આપણે મળીએ છીએ.

આઠમો સંવાદ

મ.બુ.હૃ.જી. અને કામિનીજી તેમની પસંદગીની કેડરમાં પસંદગી પામે છે. ટ્રેઇનિંગ મેળવીને નિમણૂક (પોસ્ટિંગ) અપાય છે. જીવનનો આઠમો સંવાદ શરૂ થાય છે.

પી.એ. : સર નગરના મોટા બિઝનેસમૅન આપને મળવા માગે છે.

મ.બુ.હૃ. : આદર સાથએ મોકલી આપો.

બિઝ. : અમારા શહેરમાં આપનું સ્વાગત છે.

મ.બુ.હૃ. : આભાર, અને મળવાનું પ્રયોજન જણાવશો તો વિશેષ આનંદ થશે.

બિઝ. : અમે તો દરેક સાહેબોને આનંદ જ કરાવીએ છીએ.

મ.બુ.હૃ. : બહુ જ સારું કહેવાય.

બિઝ. : આપને પણ તેવો જ આનંદ કરાવીશું.

મ.બુ.હૃ. : હું હંમેશાં આનંદિત જ હોઉં છું એટલે આપના સહકાર બદલ આભાર.

બિઝ. : આપની સગવડતા ખાતર આ બે ચાવી અને બૅગ સેવામાં લાવ્યો છું. આપ સ્વીકારો એટલે આપણો પરસ્પરનો સહકાર શરૂ થશે.

મ.બુ.હૃ. : આ બે ચાવી અને બૅગ શાની છે ?

બિઝ. : એક ફાર્મહાઉસની અને બીજી લેટેસ્ટ મોડલની કારની. બૅગમાં જરૂરી પાંચ-પચ્ચીસ લાખની કરન્સી છે. અત્યારે આટલી સેવા છે. ભવિષ્યમાં આવી સેવા ચાલુ રહેશે.

મ.બુ.હૃ. : શેઠ, હું સેવા પ્રભુની અને પ્રજાની કરું અને પુરસ્કાર તમે આપો તે તર્કસંગત નથી લાગતું.

બિઝ. : પ્રજા અને સરકારની સેવામાં મામૂલી પગાર, બદનામી અને બદલી સિવાય કંઈ નહીં મળે.

મ.બુ.હૃ. : ઓ...હો.. તો તો મારે તમારી સલાહ અને પુરસ્કાર સ્વીકારી લેવાં રહ્યાં.

બિઝ. : એમાં જ આપણું કલ્યાણ છે.

મ.બુ.હૃ. : આપ બેસો, ઠંડું આવે ત્યાં સુધી બાથરૂમ જઈ આવું.

(બાથરૂમમાં જઈને સી.બી.આઈ. અધિકારી તેમ જ પેલા પત્રકાર મિત્રને ફોન કરીને તત્કાલ આવી જવાનું જણાવે છે. આ સમય દરમિયાન)

મન : અરે બુદ્ધિબહેન, જુઓને ! જીવનમાં કલ્પના પણ ન કરી હોય તેવો વૈભવ ચાંલ્લો કરવા આવે છે, ને આ હૃદયભૈયા મોં ધોવા જાય છે.

બુદ્ધિ : અરે હૃદયભૈયા, આમ કરવાથી આપણને શું મળશે ? ઊલટાનો શેઠ આપણને હેરાન કરશે. તેના કરતાં તેનો પુરસ્કાર સ્વીકારવામાં આપણો વૈભવ વધશે.

હૃદય : અને જેમ હું સી.બી.આઈ.ને જાણ કરું છું, તેમ શેઠ જ ગોઠવીને આવ્યા હશે તો શું કરશો ?

બુદ્ધિ : પણ વિના કારણ શેઠ એવું શા માટે કરે ?

હૃદય : આજે કારણ નથી, પરંતુ ભવિષ્યમાં અનેક કારણો ઊભાં થશે, ત્યારે શું કરશો ? તમને તેના પરિણામની ખબર છે ?

બુદ્ધિ : હા, ડિસમિસ અને જેલ.

હૃદય : શું રિમૂવલ, જેલ અને ભવિષ્યનો અંધકાર મંજૂર છે ?

બુદ્ધિ : પણ એવું તો કંઈ બનતું હોય તેવું લાગતું નથી.

હૃદય : ક્યાંથી લાગે ?

બુદ્ધિ : કેમ ?

હૃદય : આ જે પુરસ્કાર છે તે પુરસ્કાર નહીં, પરંતુ નપુંસક બનાવવાની ગળથૂથી છે અને જે વહેવૈયા પ્રથા હતી તેન આત્મસ્વમાનીઓએ બંધ કરેલ છે. તેને નવા વહવાયા બનીને શરૂ કરવા જેવી છે. શું તમારે નપુંસક અને વહવૈયા બનવાની તૈયારી છે ? અને જો હોય તો પણ એટલું વિચારી લેજો કે રોજ અલગ અલગ બદમાશોના અડ્ડામાં મુજરા કરવા અને પતિલાનાં ખળામાં ધાન માટે ભૈસાબ-બાપા કરવા જવું પડશે.

બુદ્ધિ : બસ...બસ... હૃદયભૈયા, હવે આગળ કંઈ નહીં કહેતા. અમારી સહેજ ગેરસમજમાં જે મુખે હંમેશાં પ્રસન્નતાનાં પુષ્પો ખરતાં હતાં તે જ મુખે પવિત્ર અક્ષરો અને શબ્દો ગંદા થઈને બહાર આવે છે.

હૃદય : મનભૈયા, તમારો શું વિચાર છે ?

મન : હે હૃદયભૈયા, તમારી વાણીના પ્રભાવમાં હું દરેક વાસ્તવિકતાને સમજવા રૂબરૂ જઈને આવ્યો છું. મારે એવા અનુભવને વર્ણવીને વાતાવરણને અપવિત્ર નથી કરવું એટલે હું તમારી સાથે બલકે પાછળ પાછળ ચાલીશ.

હૃ.બુ. : અમને જેવી અપેક્ષા હતી તેવી અપેક્ષાને તમે વાસ્તવિક બનાવી છે, મનભૈય ! એટલે શેઠનો પુરસ્કાર શેઠના ગળે બાંધીને નગરયાત્રા કરાવીએ.

મન : અવશ્ય !

અને ત્યાં જ સી.બી.આઈ. ટીમ અને પત્રકાર મિત્ર આવ્યા, હકીકતથી વાકેફ કરીને બે ચાવીઓ અને બૅગ કબજામાં આપી. બીજા દિવસે પ્રેસમાં મોટા મથાળાથી પ્રેસનોટ સાથએ સી.બી.આઈ. ઇન્કવાયરી શરૂ થઈ. તપાસના અંતે શહેરમાં ચાલતા તમામ પ્રકારના ગોરખધંધાનો પર્દાફાશ થતાં શેઠને આજીવન કેદ અને પ્રજા અનેક દૂષણથી મુક્ત થઈ.

લોકશાસનમાં લોકો સર્વોપરી હોય છે. આવી સર્વોપરિતાનો ઝોક જેના ઉપર સ્થિર થાય છે ત્યારે તે લોકપ્રતિનિધિત્વ ધારમ કરે છે. આવી જ લોકચાહના કામિનીજી ઉપર આરૂઢ થતાં બની બેઠેલા લોકનાયકોની નિંદ હરામ થઈ ગઈ હતી. પરિસ્થિતિ એવી સંવેદનશીલ હતી કે કામિનીજી ઉપર કોઈ પણ પ્રકારની રાજનીતિ ખેલવાં જાય તો પ્રજાકીય જુવાળ ભભૂકી ઊઠે તેમ હતો. આવા જુવાળમાં પ્રજા કે રાષ્ટ્રીય સંપત્તિ ભસ્મ થઈ જાય તો તેની ચિંતા નહોતી, પરંતુ અનૈતિક રાજનેતાઓ કીડીના દરમાં સંતાઈ જાય તો પણ ભડથું થઈ જવાની ચિંતા હતી. કામિનીજીને ઠેકાણે કરવાની પેંતરાબાજી શરૂ થઈ.

આવી પેંતરાબાજીમાં એક ખેલ એવો પાડવામાં આવ્યો કે કામિનીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાં ગુણવત્તા, સુંદરતા અને ટકાઉપણા માટે ટેન્ડરરો પાસે તેમના ટેન્ડરમાં ૧૦%થી વધુ રકમનો સમાવેસ કરાવીને આ રકમને પોતાના ઘરભેગી કરે છે તેવો આક્ષેપ મૂક્યો. પ્રજા જ્યારે સત્ય હકીકતોથી વાકેફ ન હોય ત્યારે આવાં તૂતને સાચાં માની લે છે. એટલે તેમાંથી બીજું તૂત ઇન્કવાયરીનું રૂ થાય. છે. ઇન્કવાયરીનું પ્રથમ કાર્ય ફરજમોકૂફીનું હોય છે. જો તપાસપંચ પૂર્વનિર્ધારિત ષડયંત્રનો ભાગ હોય તો નવરા બેઠેલા હાજી હાવાળાને ન્યાયાધીશ કે પંચમાં બેસાડી દેવામાં આવે છે. સદ્‌ભાગ્યે આવા ન્યાયાધીશો અતિવ્યસ્ત હોવાથી નિયમો અનુસાર સમયમર્યાદાને કારણ નવરા બેઠેલા સત્યનિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી અને તેનું અન્વેષણ સી.બી.આઈ. અધિકારી મ.બુ.હૃ.ને સોંપવામાં આવ્યું.

સરકારી નિયમોમાં એવી ખાસિયત હોય છે કે, ગંગુતેલી પણ પોતાનાં નામ-સરનામા સાથે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરે તો પણ તેની તપાસ કરવી પડે. આ તો સરકારશ્રીનો આદેશ એટલે તેની ગંભીરતા ઓર વધી જાય છે. અન્વેષણ શરૂ થાય છે અને ટૂંક સમયમાં તપાસ પૂર્ણ કરીને સરકારને સુપ્રત કરવામાં આવે છે. તપાસમાં કામિનીજી આરોપમુક્ત થાય છે અને ન્યાયાધીશ સરકારશ્રીની ઝાટકણી કરે છે.

વિધિની વક્રતા નહીં, પરંતુ સાતત્યથી કામિનીજી અને મ.બુ.હૃ.જી એકબીજાના સાંનિધ્યથી વિશેષ પ્રસન્નતા અનુભવે છે અને મ.બુ.હૃ.જી કામિનીજીને આજીવન સાથે રહેવા માટે પ્રસ્તાવ મૂકે છે, કામિનીજી સહર્ષ સ્વીકારી લે છે. પ્રકૃતિનાં નવસર્જન માટે પ્રવૃત્ત થાય છે.

નવમો સંવાદ

“મોરનાં ઈંડાંને ચિતરામણ ના હોય...”

મન : હૃ.બુ. ભૈયા, આપણી માનસી પ્રબુદ્ધ અને પુખ્ત થઈ છે, આપણે કંઈ વિચારવું રહ્યું.

બુદ્ધિ : મનભૈયા, તમારી દૃષ્ટિ સર્વ પ્રકારે દરેક દિશામાં ગતિમાન હોય છે. વર્તમાન વાસ્તવિક અને કાલ્પનિક વાસ્તવિકતાથી આપ સુપેરે માહિતગાર છો, શું કરવું જોઈએ તે માનવીય વ્યવહારના સંદર્ભમાં જણાવવું જોઈએ.

હૃદય : માનસીનો વિયોગ મારાથી તો સહન નહીં થઈ શકે, એટલે તમારા પ્રયોજનથી તો ધડકન તેજ થઈ જાય છે.

બુદ્ધિ : હૃદયભૈયા, તો શું અમે સ્પંદનહીન છીએ ?

હૃદય : ના...ના.. મારા કહેવાનો મતલબ એવો નથી, પરંતુ જે પૂલનુ ંઆપણે જતન કરીએ છીએ, તેવું જ જતન અન્ય કોઈ કરી શકશે ?

બુદ્ધિ : આપણે આપણા ફૂલમાં જે મહેકનું સિંચન કર્યું છે અને તેનાથી પ્રસન્ન થઈએ છીએ, તેવી જ પ્રસન્નતા તેના ભાવિ સ્નેહીઓને જોઈતી હશે તો અવશ્ય જતન કરશે.

મન : પણ બુદ્ધિબહેન, વર્તમાન સમયે સૌ સ્નેહનાં નહીં, સંપત્તિનાં ચાહક હોય છે અને તેમનાં તળિયાં હંમેશાં ખાલી જ હોય છે. વળી સ્નેહમાં હંમેશાં સંતોષ હોય છે, જ્યારે સંપત્તિ માટે હવાતિયાંની સાધારણ ઠોઠ પણ સુગંધને દુર્ગંધમાં ફેરવી નાખતી હોય છે, એટલે આપણે સચેત રહેવું જોઈએ.

હૃદય : અરે મનભૈયા, તમારું કથન મને વિહ્‌વળ બનાવનારું છે. આપણે માનસીને આપણી પાસે જ રાખીશું.

બુદ્ધિ : હૃદયભૈયા, આપણે પ્રકૃતિના નિયમોનું પાલન કરવું જ રહ્યું. તેનાથી વિરુદ્ધનું વર્તન આપણને ન શોભે.

હૃદય : તો શું કરવું ?

બુદ્ધિ : આપણે ઈશ્વરની ઇચ્છા અને આપણી સભાનતાથી યોગ્ય સમયે યોગ્ય મૂરતિયો અવશ્ય મેળવીશું.

મન : પણ આ પસંદગી સ્વયં માનસી ઉપર જ છોડી દઈએ તો ?

હૃદય : મનભૈયા, પસંદગી તો અવશ્ય માનસીની જ હશે, પણ તેમાં આપણું દાયિત્વ શું ?

બુદ્ધિ : હૃદયભૈયા, આપણું કર્તવ્ય કિનારાવિહીન સંસારસાગરમાં કેવી રીતે તરવું તે શીખવવાનું છે અને તે શીખવ્યું છે, પછી ચિંતા કરવાની ન હોય.

હૃદય : સાગરમાં તો જળ હોય છે, એટલે તેના ઉપર તો તરી શકાય છે, પરંતુ સંસારસાગર તો જળવિહીન હોય છે, એટલે તેના ઉપર કેવી રીતે તરી શકાય ?

બુદ્ધિ : હૃદયભૈયા, તમો ભાવનાત્મક રીતે મૂર્છિત અવસ્થામાં છો, એટલે તમારા આપેલ સંસ્કાર પણ તમે ભૂલી જાવ છો. સાગર જેમ જળસંપન્ન હોય છે તેમ સંસારસાગર પણ પ્રાકૃતિક તેમ જ માનવીય ઊર્મિઓના પર્યાવરણથી સંપન્ન હોય છે. પર્યાવરણનું સમતુલન હોય છે ત્યારે અને અસમતુલિત પરિસ્થિતિમાં કેવી રીતે સમતુલા કેળવવી તે તો આપણે સિદ્ધ કરીને બતાવ્યું છે, તો પછી ચિંતા શાની ?

(ત્યાં જ માનસીનો પ્રવેશ થાય છે.)

માનસી : વ્હાલા પપ્પા, મમ્મી ક્યાં છે ?

મ.બુ.હૃ. : હા દીકરા, મમ્મી અંદર આરામ કરે છે.

માનસી : ઓહ પપ્પા, તમને તમારી દીકરીના સામર્થ્યમાં અસંતોષ છે એટલે દીકરા કહીને સંતોષ અનુભવો છો ? અને હા, તમો કોઈ અકલ્પનીય વિચારમગ્ન હોય તેવું કેમ લાગે છે ?

મ.બુ.હૃ. : કંઈ નહીં દીકરી ! એ તો અમસ્તાં.

માનસી : તમારા સંસ્કરણથી એટલું તો અવશ્ય પામી શકું છું કે તમે અન્ય કોઈના નહીં, પરંતુ મારા માટે જ વિચારમગ્ન છો. જો તમે મારા માટે ચિંતિત હો તો અવશ્ય તમારી પરવરિશમાં કમી સાબિત થશે અને તે હું હરગિજ નહીં થવા દઉં.

મ.બુ.હૃ. : ના, બેટા...ના... આ તો અમસ્તાં જ ભવિષ્યની કલ્પનામાં સરી પડાયું.

માનસી : પપ્પાશ્રી, ભવિષ્યની તેને જ ચિંતા હોય કે, જેનો વર્તમાન ચિંતિત હોય, તમો તો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના પોતે જ ઘડવૈયા છો, પછી ચિંતા શાની ?

મ.બુ.હૃ. : આ તો અમારા હૃદયભાઈ ક્યારેક વિશેષ લાગણીશીલ થઈ જાય છે, એટલે તેમના પ્રવાહમાં અમે ખેંચાઈએ છીએ.

માનસી : એમાં માનવીય સ્વભાવની સંવેદનશીલતાની કસોટી થતી હોય છે કે, તે જાગૃત છે કે કુંઠિત થવા લાગી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તે ક્યારેય જડ નહીં બને. અને હા, પપ્પાશ્રી, એક વાત અવશ્ય તમને જણાવી દઉં કે, તમારા સંસ્કરણમાં એવી કોઈ કચાશ નથી કે સંસારના અથાગ સાગરમાં ડૂબી જાઉં !

અને હા, એક સત્ય એ છે કે, નવસર્જનની પ્રક્રિયામાં નંદનવનનાં પુષ્પોને પણ કરમાવું તો પડે છે, એ મૂરઝાશે તો જ તેમાં બીજ, ફળો કે ધન-ધાન્ય બેસશે, ફળ બેસશે. તો તે વિકસિત થઈને જીવાત્માઓને પોષશે અને તેમાંથી બીજ ઉત્પન્ન થશે. બીજ ઉત્પન્ન થશે તો તેમાંથી છોડ થશે અને છોડ હશે તો એ જ નંદનવન ફરીથી મહેકી ઊઠશે.

જો સર્જનહારની આવી પ્રવૃત્ત પ્રક્રિયાના ભાગરૂપે ક્યારેક મારે પણ કરમાવાની ઘડી આવશે તો હું પણ કરમાઈશ અને તો જ જીવનનાં સત્યો પામીશ. એટલે તેના માટે વ્યર્થ ચિંતા કરવાનું કોઈ કારણ નથી.

(ત્યાં જ મમ્મીનો પ્રવેશ થાય છે.)

મમ્મી : અરે બાપ-દીકરી બંને કંઈ પ્રસન્નતા ઉપર ગંભીરતાનું આવરણ ચડાવીને ચર્ચા કરી રહ્યાં છો ? કોઈ મને કંઈ કહેશો કે જેથી તમારી ચર્ચા જાણી શકું ?

માનસી : કંઈ નવું નથી મમ્મી, આ તો પપ્પાને પૂછતી હતી કે મમ્મી ક્યાં છે ?

મમ્મી : કેમ શું કામ હતું ? અને વળી આમેય કયા દિવસે તારું કામ મને બતાવેશે ?

માનસી : હા મમ્મી, મારી સંપૂર્ણ વ્યવહારિક પંગુતા દૂર કર્યા પછી પણ તારી મદદ લઉં તો તેને ખોડ કહેવાય, આવી ખોડ મારે નથી વહોરવી.

મમ્મી : બસ...બસ... હવે, તો શું કહેવા માગતી હતી તે જણાવી દે એટલે મારી જાણવાની જિજ્ઞાસા શાંત થાય.

માનસી : જો મમ્મી, સમજણ પછી તમે મને મિત્ર બનાવી છે, અને પપ્પાએ શ્રોતા અને સલાહકાર. જો તમે સહજભાવે દરેક ચર્ચા કરતાં હોય તો મારે પણ તેનું અનુકરણ કરવું જોઈએ.

મમ્મી : હા, પણ કરો ને.

માનસી : મારો એક મિત્ર છે, જેમ તમે એકબીજાને સમજો છો, તેમ અમે પણ એકબીજાને સમજીએ છીએ. તેઓ આપણી પ્રતિષ્ઠા અને મોભાને સારી રીતે સમજે છે, એટલે તમારી સમક્ષ આવવા માટે તે સંકુચિતતા અનુભવે છે. મારાથી તમે પરિચિત છો કે જેનામાં જીવંતતા હોય તેમની સાથે હું સહજભાવે વર્તન કરું છું, એટલે સંકુચિતતાને કોઈ સ્થાન નથી હોતું. મ્મમી, તેની વર્તમાનની કેરિયર અને ભવિષ્યની દુરંદેશીનો સરવાળો કરું તો તમારા યૌવનકાળની એકત્રિત શક્તિ અનુભવું છું. તેણે કેટ અને આઈ.એ.એસ.ની પરીક્ષામાં સર્વોત્તમ સફળતા પ્રાપ્ત કર્યા બાદ પણ તેમાં ઊણપ અનુભવે છે. એટલે તેમાં જોડાવાને બદલે તેને એન.જી.ઓ. દ્વારા કંઈ પરિણામલક્ષી કાર્ય કરવું છે. અમે ગયા પ્રવાસમાં જે ગ્રામીણ ભારતનાં દૃશ્યો જોયાં છે, તેનાથી તે સમયે પણ વ્યથિત હતો અને આજે પણ એ દૃશ્યોનું વર્ણન કરીને ભાવવિભોર થઈ જાય છે. મમ્મી, જે ભાવ મારી નાભિમાં ઉત્પન્ન થાય છે તે તેના મુખ દ્વારા વ્યક્ત થતા હોય છે અને તેના નાભિના ભાવ મારા મુખ દ્વારા વ્યક્ત થતા હોય છે. અમારા મિત્રો, તેને પ્રેમ કહે છે, પરંતુ અમારા માટે તેનાથી પણ કંઈક વિશેષ અનુભવાય છે.

મ.બુ.હૃ. : (પપ્પા) દીકરી મારી, આપણી પ્રતિષ્ઠા અને મોભા ઉપર આપણો જેટલો હક્ક છે, એટલો જ તારા મિત્રો અને સમાજનો પણ છે. એટલે તેમાં સંકુચિતતા શાની અનુભવવાની ?

માનસી : થેન્ક્યુ પપ્પાશ્રી, ખરેખર તમે જે મુક્તતાનું સંસ્કરણ કરે છે, તેનો વાસ્તવિક અનુભવ હંમેશાંની જેમ કરી રહી છું.

મમ્મી : (કામિની) માનસી બેટા, તારા મિત્રને એટલી ખાતરી કરાવજે કે અમે પણ તેનાં મમ્મી-પપ્પા જ છીએ. એટલે આ ઘર તેનું પોતાનું છે, તેમ સમજીને જ્યારે પણ ઇચ્છા હોય ત્યારે આવવાનું આમંત્રણ આપજે.

માનસી : મમ્મી મારી, મેં ક્યારેય તમારી પાસે કંઈ માગ્યું નતી, અને તેમ છતાં પણ મેં ક્યારેય અધૂરપ અનુભવી નથી. અને અત્યારે પણ અધૂરપનો અહેસાસ નથી. મેં ક્યારેય પણ ઇચ્છાઓને મર્યાદા બહાર જવા દીધી નથી અને અત્યારે પણ મર્યાદાયુક્ત છું.

મમ્મી : હા દીકરી, તેનાથી અમે સંપૂર્ણ સભાન છીએ. એટલે એવો કોઈ ખુલાસો કરવાની જરૂર નથી.

માનસી : તેમ છતાં મારે તમને વાકેફ કરવા જરૂરી છે. એક તરફ મારો મિત્ર મને પ્રપોઝ કરવામાં સ્વમાનભંગ અન મારી લાગણી દુભાય તેવા ભયથી એક મર્યાદા સાચવે છે. હું તેની મનોસ્થિતિ જાણું છું પરંતુ જ્યાં સુધી તમારી સાથે ચર્ચા કરીને સંમતિ ન મળે ત્યાં સુધી મર્યાદાધીન હતી. આજે પપ્પાના મનોભાવ હું સમજી શકી છું, એટલે ચર્ચા કરી છે. આ ક્ષણે અમો બંને તટસ્થ સ્થિતિમાં છીએ. હું એટલું અવશ્ય સમજું છું કે, મારો મિત્ર, આપની સંમતિ વગર કોઈ નિર્ણય નહીં લે અને હા, જે મુક્તતા આપણી પસંદગીમાં હોય એટલી જ મુક્તતા તેમના માતા-પિતાને પણ આપવી રહી.

મ.બુ.હૃ. : અવશ્ય, મારી વ્હાલી દીકરી, અવશ્ય. જ્યારે પણ તારો મિત્ર અને તેનાં મમ્મી-પપ્પા રાજી થાય ત્યારે અવશ્ય મહેમાનગતિ માટે તેડાવજે.

માનસી : ઓ.કે.... પપ્પાશ્રી.

શુભત્વની શરૂઆત પહેલાં ભલે મંદ હોય, પરંતુ જ્યારે ગતિ પકડશે ત્યારે સર્વ સૃષ્ટિ મંગલમય અને આનંદમય બની જાય છે. માનસી અને તેનો મિત્ર સાદાઈથી પ્રભુતામાં પગલાં માંડે છે અને બન્નેનાં મા-બાપ તરફથી મળેલ ભેટથી એન.જી.ઓ.ની શરૂઆત કરે છે. પત્રકાર મિત્ર ઉમદા પ્રસંગની પ્રેસનોટ પ્રસિદ્ધ કરે છે અને દાનથી એન.જી.ઓ.ની ઝોળી છલકાઈ જાય છે !

૧૦મો સંવાદ

હૃદય : બુદ્ધિબહેન, અત્યાર સુધી તો આપણી ફરજના ભાગ સ્વરૂપે દરેક સેવા કરતા હતા અને સંતોષ અનુભવતા હતા, પરંતુ હવે તો આપણે નિવૃત્ત થયા છીએ. એટલે કોની સેવા કરીશું ?

બુદ્ધિ : હૃદયભૈયા, ફરજ હોય તો જ સેવા કરી શકાય તેવું કંઈ નથી. સેવા કરવી હોય તો હર હાલતમાં કરી શકાય છે. પહેલાં પ્રવૃત્તિમય પ્રક્રિયામાંથી સેવાનો આનંદ માણતા હતા, તો હવે સેવા થકી પ્રવૃત્તમય પ્રક્રિયાનો આનંદ માણવાનો છે.

મન : બુદ્ધિબહેન, અત્યાર સુધી કેટલીક મર્યાદાઓને કારણે મુક્ત વિહાર નહોતો કરી શકાતો, પણ હવે તો કોઈ મર્યાદામાં નથી રહી, એટલે પહેલાં મને મુક્ત રીતે પ્રકૃતિનાં સર્જનને માણી લેવા દો. પછી સેવાની વાત કરજો.

હૃદય : મનભૈયા, તમો સ્વતંત્ર ઊડવા માટે મુક્ત છો, પરંતુ હા, તમારા ઉડ્ડયન દરમિયાન અમારું પણ ધ્યાન રાખવું પડશે.

(ત્યાં જ ફોનની ઘંટડી વાગે છે.)

ફોન : હેલો, આપનું નિવૃત્ત જીવન, સ્વાસ્થ્યમય અને આનંદિત રહે તેવી અંતઃકરણપૂર્વક પરમાત્માને પ્રાર્થના કરું છું.

મ.બુ.હૃ. : આભાર...આભાર... મિસ્ટર વાય. આપ મજામાં છો ને ?

મિ.વાય. : જી...હા, બિલકુલ મજામાં, અને હા, હું આપને રૂબરૂમાં મળી શકું છું ?

મ.બુ.હૃ. : તો અવશ્ય આપનું પ્રયોજન જાણવું જરૂરી બની જશે, કારણ કે હું પરિસ્થિતિની ઇંતેજારીમાં નહીં, પણ અમલમાં મૂકવા ઉત્સુક હોઉં છું.

મિ.વાય. : ફોન ઉપર જણાવીશ તો તમને થતો આનંદ હું અનુભવી નહીં શકું, તેમ છતાં આપનો આગ્રહ છે તો જણાવી દઉં. મારી કંપનીમાં આપના માટે રૂ. ૨૫ લાખનું પેકેજ વિચારી રાખ્યું છે. આપ અમારી કંપનીની જોબ સ્વીકારશો તો આનંદ થશે.

મ.બુ.હૃ. : વાય.શેઠ, મેં ક્યારેય (જોબ) નોકરી નહીં પરંતુ હંમેશાં સેવા જ સ્વીકારી છે અને તેનું મૂલ્યાંકન ક્યારેય નાણાંમાં નથી કર્યું. આપની ઑફર માટે તમારો આભારી છું. હું આપની જોબ નહીં સ્વીકારી શકું.

મન : અરે... આવડી મોટી ઑફર કરે છે તો સ્વીકારી લ્યો ને !

બુદ્ધિ : મનભૈયા, આ જોબ પી.આર.ઓ. કક્ષાની હશે અને પંચાયતથી પાર્લમેન્ટ સુધીનાં દરેક અશક્ય કામો શક્ય કરવાનાં હશે, જેમાં મારી કક્ષાથી નીચેના અધિકારીઓને દાબથી મનાવવાના અને ઉપરનાઓને દામથી સમજાવવાના હશે. તમે જ કહો, જે કામ ક્યારેય ન કર્યું હોય તે કામ હવે કેવી રીતે કરાય ?

હૃદય : અને હા બુદ્ધિબહેન, ભૂતકાળનું ઓજસ આવાં કામોથી નિસ્તેજ થતાં ક્યારેક નીચેના કર્મચારીઓને અનૈતિક વિનંતીકારક રજૂઆત કરવી પડે. એટલે આપણું ભવિષ્ય અવશ્ય નિસ્તેજ બની જાય.

મન : હા...હા... હૃદયભૈયા, માન અને મરતબો પહેલાં જે શાનથી અનુભવ્યાં છે, એ જ સમય, સ્થળ અને વાતાવરણની સાક્ષીમાં સંકુચિતતાનાં અનુમાન થવા લાગ્યાં છે. અનુમાન અનુભવમાં બદલાય તે પહેલાં માન સાથે ઑફરનો અસ્વીકાર કર્યો તેનાથી હું બહુ જ ખુશ છું.

હૃ.બુ. : આપણે સર્વ આનંદ અનુભવીએ છીએ.

(ત્યાં જ ડોલબેલ રણકે છે.)

આગંતુક : સર, મેમસાહેબ છે કે ?

મ.બુ.હૃ. : હા, છે. બેસો, બોલાવું છું.

જાનમ... ભાઈને પાણી આપો... (સાહેબ આદેશ આપે તે પહેલાં તો જાનમ પાણી લઈને હાજર થાય છે.)

આગંતુક : આભાર.

મ.બુ.હૃ. : આપ ?

આગંતુક : હું આનંદગામનો ખેડૂત છું, પરંતુ શહેરના વિસ્તૃતીકરણના કારણે પરું બની જવાથી ખેતી વગરનો ખેડૂત બની ગયો છું.

મ.બુ.હૃ. : તો હાલમાં શું કરો છો ?

આગંતુક : “શું”નો જવાબ બહુ જ લાંબો છે, સાહેબ. તેમ છતાં આપે જાણવા માગ્યું છે તો ટૂંકમાં જણાવી દઉં.

શહેરનો વિકાસ થતાં અમારી જમીન બહુ જ કીમતી થઈ ગઈ હતી. અમારા ખેતરની બાજુમાં મૂકેલ સ્કીમના બિલ્ડરે અમારી જમીન માગી, પરંતુ તે મયે અમે ખેતી કરતા હતા એટલે વેચવાની ના પાડી હતી. એટલે બિલ્ડરે બનાવટી દસ્તાવેજ કરીને રાતોરાત તેમની બાજુની અમારી ૩૦ વીઘા જમીન પડાવી લીધી હતી. તે સમયે આર્થિક રીતે સામાન્ય અને મોટા દીકરાને સિવિલ એન્જિનિયરનું ભણવામાં ખર્ચ થતાં આર્થિક રીતે મજબૂર સ્થિતિમાં હતા, એટલે બિલ્ડર સામે હતાશ હતા, બિલ્ડરે મેમસાહેબને જમીન તેમની તરફેણમાં કરવા માટે પણ બહુ જ મોટી લાંચની ઑફર કરી હતી, પરંતુ હકીકત જાણવા માટે શાંત રહીને સમગ્ર વાસ્તવિકતા અને પુરાવા એકત્ર કરીને બિલ્ડરને ધધડાવીને કાઢી મૂક્યા હતા. સમયાંતરે મેમસાહેબ જિલ્લા કલેક્ટર તરીકે અમારા શહેરમાં પુનઃ આવ્યાં અઅને અમારો એ જ કેસ મેમસાહેબ સમક્ષ આવ્યો.

મેમસાહેબ આ કેસથી સંપૂર્ણ વાકેફ અને પુરાવાઓથી જ્ઞાત હતા, એટલે ટૂંક મયમાં આ જમીન અમને પાછી અપાવી. અને તેમની રજૂઆત મુજબ બિલ્ડર સામે ફોજગારી ગુનો દાખલ કરવામાં આવ્યો. સાથે જેમનું મેળાપીપણું હતું તેમની સામે ખાતાકીય તપાસ કરાવીને ફરજ ઉપરથી દૂર કરવામાં આવ્યા હતા. અન્ય કોઈ બિલ્ડર અમારી જમીન અમારે વેચવી હતી, તેમ છતાં પરિસ્થિતિ પામી જઈને ખરીદવા તૈયાર નહોતા. એટલે મારા દીકરાએ જ સ્કીમ મૂકીને વાસ્તવિક ભાવે મકાનો બનાવીને વેચવા મૂક્યાં. અમારા કામ અને ભાવમાં પ્રામાણિકતા જોતાં શહેરમાં અમારું નામ બિલ્ડર તરીકે ચાલવા લાગ્યું. આજની તારીખે બે-ત્રણ અબજની સ્કીમ વગર જાહેરાત નિયત સમય પહેલાં પૂર્ણ થઈ જાય છે.

(કામીની મેમ, ઓહો, રમણભાઈ ! તમે ?)

રમણભાઈ : (ચરણસ્પર્શ કરીને) હા... મેમ હું રમણ...

મેમ : બોલો...બોલો... કેમ આવવું પડ્યું ?

રમણભાઈ : અમસ્તાં જ મેમ, સાંભળ્યું હતું કે આપ નિવૃત્ત થયાં છો, એટલે શુભેચ્છા આપવા આવવાની ઇચ્છાને રોકી ન શક્યો.

મેમ : ભલે..ભલે... આપની શુભેચ્છાઓનો આદર સાથે સ્વીકાર કરું છું.

રમણભાઈ : આપે મારા ભાવને સ્વીકાર્યો તે બદલ આભાર.

મેમ : અરે રમણભાઈ, તમારા ભાવને વગર બોલે અનુભવી શકું છું. એટલે એમાં આભાર વ્યક્ત કરવાનો ન હોય.

રમણભાઈ : હા...મેમ... જો તમે ન હોત તો આજે તમારી સમક્ષ ઊજળા લુગડે ઊભો છું તે ન હોત...

મેમ : ઓ...હો... હજુ તમો ભૂતકાળ ભૂલ્યા નથી લાગતા.

રમણભાઈ : હા, મેમ. જો હું મારો ભૂતકાળ ભૂલી જાઉં તો મારો વર્તમાન પણ શરમથી ઝૂકી જાય.

મેમ : અરે વ્હાલા ભાઈ, જો એમ જ હોય તો માનવી ટકી કેવી રીતે રહી શકે ?

રમણભાઈ : હા... મેમ. હું ટકી શક્યો છું, એટલે તો આપની સમક્ષ છું.

(જાનમ ચા અને નાસ્તાની ટ્રે સાથે આવે છે અને મેડમ આગ્રહપૂર્વક ચા-નાસ્તો કરવાનું જણાવે છે.ઃ

મેમ : પહેલાં ચા-નાસ્તો કરો, પછી બધી વાત કરો.

રમણભાઈ : મેમ, ચા-નાસ્તો કરું ખરો પણ એક શરતે ?

મેમ : શરત ?

રમણભાઈ : હા મેમ, શરત અને તે પણ વિનંતીપૂર્વકની શરત.

મેમ : સારું, તમારી શરત જણાવો.

રમણભાઈ : મેમ, આપની નિવૃત્તિ બાદ આ સરકારી બંગલો ખાલી કરવો પડશે, ખરું ?

મેમ : હા, એ તો ખાલી કરવો જ પડે ને ?

રમણભાઈ : એટલે અમારી ફાર્મહાઉસની સુંદર સ્કીમ મૂકેલ છે, તેમાંથી સેમ્પલ બંગ્લોઝ આપની સંમતિ વગર આપને નામે રોકેલ છે.

મેમ : તમારી સ્કીમ બહુ જ મોંઘી હોય છે, અને એટલા નાણાંની વ્યવસ્થા ન થઈ શકે તે તમે જાણો છો, તેમ છતાં તમે કેવી રીતે બૂક કર્યો, તે મને ન સમજાયું.

રમણભાઈ : મેમ, માતા-પુત્રનો જ્યાં ભાવ હોય ત્યાં સસ્તાં અને મોંઘાંનું મૂલ્યાંકન શૂન્ય હોય છે. શું તમો મારી માતા હોત તો મારી ઇચ્છા પૂર્ણ ન કરત ? તમારા ભાવમાં પ્રશ્નાર્થને ક્યાંય સ્થાન નથી હોતું. તમે માતા તરીકેની ફરજ બજાવી છે અને પુત્ર તરીકેની ફરજ નિભાવવાનું તમારા ભાવમાંથી શીખ્યો પણ છું. એટલે જ્યાં પુત્ર હોય ત્યાં માતા-પિતા હોય તેવું તમે જ સમજાવેલ છે. એટલે આપ અમારી સાથે આવીને રહો એમાં જ અમારું કલ્યાણ છે.

મ.બુ.હૃ. : રમણભાઈ, તમારી ભાવના બહુ જ ઉમદા છે અને તેનાથી અમો આનંદ અનુભવીએ છીએ, પરંતુ તમારો ભાવ સ્વીકારવામાં અનેક અનર્થો સર્જાશે.

રમણભાઈ : આપના તરફથી શીખવા મળ્યું છે કે, સત્ય સામે ગમે તેટલી ધૂળ ઊડાડવામાં આવે તો પણ તે ઝાંખું પડતું નથી. તો આજે કેમ સૂર્યોદય પશ્ચિમમાં સ્વીકારવાની મજબૂરી જણાઈ ?

મેમ : રમણભાઈ, તમે ચા-નાસ્તો કરો અને અમને વિચારવાનો થોડો સમય આપો.

રમણભાઈ : અવશ્ય, પણ તમે તમારા દીકરાના કલ્યાણ માટે જ વિચારશો તેવી આશા સાથે ચા-નાસ્તો કરું છું.

(વિચારવાનો સમય આપીને રમણભાઈ વિદાય થાય છે.)

બુદ્ધિ : મનભાઈ, તમારી આરામ કરવાની ઇચ્છાને માન આપીને આપણે ઘણો સમય આરામ કર્યો, પરંતુ આરામમાંથી તાજગી અનુભવવાના બદલે માંદગી અનુભવાય છે.

હૃદય : બુદ્ધિબહેન ! હું પણ કંઈ ખાલીપો અનુભવું છું.

મન : અરે ભાઈ, મારી હાલત તો જુઓ ! જાણે અપાહિજ થઈને પરવશ બની ગયો હોય તેવું લાગે છે.

બુદ્ધિ : ખેર કંઈ નહીં, સવારે કંઈ નવીન કરવાનું વિચારીશું.

(સવારે)

કામિનીજી : અરે, તમે આમ નર્વસ કેમ લાગો છો ?

મ.બુ.હૃ. : કંઈ નહીં એ તો અમસ્તાં જ.

કામિનીજી : ભલે.

(નાસ્તો લઈને આવે છે.)

કામિનીજી : અરે, હજી તમે ફ્રેશ નથી થયા ?

મ.બુ.હૃ. : મને કંઈ નબળાઈ હોય તેવું લાગે છે.

(જાનમ સાંભળી જાય છે અને ડૉક્ટરને ફોન કરે છે. ડૉક્ટર આવી જાય છે.)

ડૉક્ટર : સર, હું તમારા જમાદારનો દીકરો, દસમા ધોરણ પછી અમારી સ્કૂલ ઓછા ટકાના કારણે ઍડમિશન નહોતી આપતી ત્યારે આપે ફોન કરતાં તરત જ ઍડમિશન મળેલું અને તે સમયે નાસ્તો કરાવતાં કરાવતાં જે સલાહ આપેલ તેનું પાલન કરતાં આજે શહેરના નામાંકિત ડૉક્ટરોની હરોળમાં છું.

મ.બુ.હૃ. : ઓહો... તમે ઇચ્છાસિંહ ?

ડૉક્ટર : હા, સર, હું ઇચ્છાસિંહ, તમારા માર્ગદર્શનથી જે પાંગળી ઇચ્છાઓ હતી તેને વિદાય કરીને ધ્યેય ઇચ્છાનુ ંપાલન કરીને તમારી સામે ઊભો છું.

મ.બુ.હૃ. : બહુ જ સારું, મને ગમ્યું. તમારી પ્રૅક્ટિસ કેવી ચાલે છે ?

ડૉક્ટર : હું તો હંમેશાં મારા વ્યવસાયમાં બેકાર બેસીને સારાં સારાં પુસ્તકો વાંચવાનું ઇચ્છું છું, પરંતુ વાસ્તવમાં મને છાપું વાંચવાનો પણ સમય મળતો નથી.

મ.બુ.હૃ. : એમ કેમ ?

ડૉક્ટર : સર, આપે જ કહ્યું હતું કે આપણા કાર્યમાં સત્કર્મનો ભાવ હશે તો ઐશ્વરીય શક્તિ સ્વયં પરિણામ સ્વરૂપે પ્રગટ થશે. કોઈ પણ દર્દી મારા દવાખાના તરફ પ્રયાણ કરે છે, કે તરત જ બીમારી ભાગવા માંડે છે. જેવી રીતે સાત્ત્વિક શક્તિથી પ્રેત ભાગે છે, તેમ રોગ મારાથી ભાગે છે.

મ.બુ.હૃ. : અરે જાનુ, મને ભૂખ લાગી છે, તમે જલદી નાસ્તો લાવો. હું અને ડૉક્ટર સાહેબ સાથે બેસીને નાસ્તો કરીએ.

જાનમ : લાવ્યો, સાહેબ.

મ.બુ.હૃ. : ચાલો, ડૉક્ટર સાહેબ, જલદી જલદી નાસ્તો કરીએ અને હવે પછીનો પ્રોગ્રામ ઘડીએ !

કામિની : પ્રોગ્રામ.

જાનમ : અરે ડૉક્ટર સાહેબ, તમે તો એવું તે શું જાદુ કર્યું કે નાસ્તાનું નામ લેતાં જ સાહેબ અકળાતા હતા, તે સામેથી નાસ્તો મંગાવીને ફટાફટ ખાવા લાગ્યા.

ડૉક્ટર : જાનુભાઈ, કોઈ જાદુ નથી કર્યો. સાહેબની બીમારી સહજ રીતે સમજી ગયો હતો.

જાનમ : એમને શું બીમારી હતી ?

ડૉક્ટર : જાનમબાઈ, સાહેબ જ્યારે મજબૂર વ્યક્તિની મજબૂરીનું નિરાકરણ કરીને હસતો કરે છે, ત્યારે સામેની વ્યક્તિના અદમ્ય ઉત્સાહના અનુભવમાંથી સંતોષ અનુભવે છે. તેમણે થોડા સમયથી આવો સંતોષ અનુભવ્યો હોય તેવું લાગતું નથી. આથી મારા પ્રવેશ સાથે જ્યારે મને પ્રસન્નતાપૂર્વક જોયો એટલે આપોઆપ તેમની બીમારી દૂર થઈ ગઈ !

જાનમ : પણ ડૉક્ટર સાહેબ, તેઓ તો નિવૃત્ત થાય છે. એટલે આવો સંતોષ કેવી રીતે અનુભવશે ?

ડૉક્ટર : જાનમભૈયા, એવી ચિંતા કરવાનું કોઈ કારણ નથી. જ્યાં એમનાં દર્શનથી જ લોકો પ્રસન્ન થઈ જતા હોય છે, ત્યાં આશયપૂર્વક કોઈ પ્રયત્ન કરવા જરૂરી નથી. બસ તમારે એક જ વાતનું ધ્યાન રાખવાનું કે એમને હંમેશઆં ફરવા માટે બહાર લઈ જવા.

જાનમ : જરૂર, ડૉક્ટર સાહેબ.

ડૉક્ટર : સર, આપ સો ટકા સ્વસ્થતા અનુભવતા હોય તો હું રજા માગું છું.

મ.બુ.હૃ. : અરે ભાઈ, મને થયું છે શું ? કે સ્વસ્થ થવું પડે ? હું સો ટકા નહીં એકસો દસ ટકા સ્વસ્થ છુ.ં તમે જાવ. ઘણા દર્દીઓ તમારી રાહ જોતાં હશે.

ડૉક્ટર : હા, સર. હું જાઉં છું અને તમે કાળજી લેજો.

મ.બુ.હૃ. : અવશ્ય, અને આપ અવશ્ય પુનઃ પધારશો.

ડૉક્ટર : થેન્કયુ સર, હું રજા લઉં છું.

૧૧મો સંવાદ

હૃદય : મનભાઈ, બુદ્ધિબહેન ! આપણે તો સંપૂર્ણ સ્વસ્થ છીએ, પરંતુ આપણી સ્વસ્થતાનો ભાર આ શરીર સહન કરી શકતું નથી. એટલે ક્યારેક મજબૂર સ્થિતિનો અનુભવ કરે છે. આપણે જ્યારે અન્યની મજબૂરી સહન નથી કરી શકતા તો આપણા ધારકની મજબૂરી વ્યથિત કરી નાખે છે.

બુદ્ધિ : હૃદયભૈયા, તમારું કથન સત્ય છે. અને એટલે જ ક્યારેક સર્જનકર્તાના સર્જનને સહાયક ન બનાવવાનો અફસોસ થાય છે. એટલે હું કોઈ ઉત્તમ માર્ગ હોય તેની શોધમાં છું.

મન : હૃદયભાઈ, બુદ્ધિબહેન ! મેં ક્યારનુંય મારા ઉડ્ડયનને મર્યાદિત કરી નાખ્યું છે, કે જેથી તમને વિશેષ શ્રમ ન પડે. મારી દરેક ઇચ્છાઓને કેન્દ્રિત કરીને ઈશ્વરી શક્તિમાં લીન કરી નાંખી છે. પરંતુ શું કરીએ ? આ શક્તિ જ આપણને ચેતનમય રાખે છે, એટલે ઈશ્વરીય શક્તિને અધીન થવું રહ્યું.

હૃદય : મનભાઈ, બુદ્ધિબહેન ! મારી પાસે ક્યારનોય તેનો ઉપાય છે.

મ.બુ. : તો તેનો અમલ કેમ નથી કરતા ?

હૃદય : તેમાં તમારી સહમતીની જરૂર છે.

મ.બુ. : આપ જણાવશો તો અમે અવશ્ય સહમત થઈશું.

હૃદય : આપ સહમત થાઓ તો “સંથારો” એક સહજ ઉપાય છે, જેનાથી જીવ આત્મામાં વિલય થતાં મોક્ષ પમાય.

મન : હૃદયભૈયા, મારી સ્વૈરવિહાર પ્રકૃતિના લીધે બ્રહ્મપરીક્ષણ કરી લીધું છે, કે સંથારાથી પ્રવૃત્ત પ્રક્રિયા શાંત થાય છે, પરંતુ ચૈતસિક શક્તિ વિશેષ પ્રકાશિત થાય છે. આ શક્તિનો જ્યાં સુધી આપણા ઉપર પ્રભાવ હશે ત્યાં સુધી સંથારો વર્ષો સુધી કરીશું તો પણ આપણે આપણું શરીર નહીં બદલી શકીએ.

શરીર : હે મ.બુ.હૃ.જી ! જે શરીરે અનેક કષ્ટો સહન કરીને તમોને સહકાર અને સાથ આપ્યો છે તેનાથી આટલી નફરત શાની ?

મ.બુ.હૃ. : હે અમારા ધરણીધર, તેવા કુવિચાર તો સંભવ નથી. અમે સ્વયં આપના માટે ચિંતિત છીએ, એટલે તેનો માર્ગ શોધીએ છીએ.

શરીર : હે મારા અભિન્ન દેવો, મારા અસ્તિત્વની ઓળખ મારી નહીં, પરંતુ તમારા પ્રકાશપુંજની છે અને જે પ્રકાશપુંજથી હું સુશોભિત છું તે દૂર થવાનું કેમ વિચારી શકે ? જ્યાં સુધી તમારી હયાતિ આ પિંડમાં છે, ત્યાં સુધી તેની પવિત્રતા અખંડ છે અને તેનો મને આનંદ છે. પરંતુ જે ક્ષણે મારી વિદાય લેશો એ જ ક્ષણે અપવિત્ર અને નિસ્તેજ બનીશ. એટલે પ્રકૃતિ વિરુદ્ધનાં અનુમાન કરવાનું પણ તમને શોભતું નથી.

(ત્યાં જ માનસી અને તેના પ્રિયવરનો પ્રવેશ થાય છે અને ચરણસ્પર્શ સાથે પ્રણામ કરે છે.)

માનસી : પિતાશ્રી, તમે તો હજી પણ એવા જ મનનમય રહો છો. હવે તો તમારે મનનમાંથી નિવૃત્ત થવું જોઈએ.

મ.બુ.હૃ. : મનન તો મને પ્રસન્ન રાખે છે. તેથી તેનાથી નિવૃત્તિ કેવી રીતે લઉં ?

માનસી : પપ્પાશ્રી, મનમાં શારીરિક શક્તિ ક્ષીણ થતી હોય છે, એટલે તેનાથી નિવૃત્તિ સ્વીકારવી રહી.

મ.બુ.હૃ. : મનનથી નવી શક્તિ પ્રાપ્ત થતી હોય છે, ક્ષીણ નથી થતી, દીકરી !

માનસી : તો કહો, તમે કઈ નવી શક્તિ પ્રાપ્ત કરી ?

જમાઈપુત્ર : માનસી, તમારું વક્તવ્ય પપ્પાશ્રીને કંઈ ઓછું લાગે તેવું છે. ખરેખર, મને તો અવશ્ય ઓછું લાગ્યું જ છે.

માનસી : ઈશારો કરીને જણાવે છે કે પપ્પાનું છેલ્લું મનન શું હતું તે જાણવા માટે પ્રયત્ન કરું છું.

જમાઈપુત્ર : પપ્પાનું છેલ્લું મનન શું હતું તે હું સમજી શક્યો છું, માનસી...

કામિનીજી : બોલો જમાઈરાજ, તમારા પપ્પાનું છેલ્લું મનન શું હતું ?

જમાઈપુત્ર : કંઈ નહીં મમ્મી.

કામિનીજી : કંઈક તો કહો, દીકરા.

જમાઈપુત્ર : મમ્મીજી, અમે એવું નક્કી કર્યું છે કે અમારા વિશાળ આશ્રમમાં સુંદર મંદિર બનાવ્યું છે, તેમાં પ્રભુની પ્રાણપ્રતિષ્ઠા કરવાની છે. એટલે તમોને તેડવા આવ્યાં છીએ.

કામિનીજી : અમો અવશ્ય આવીશું.

(સમયાંતરે આશ્રમમાં પહોંચે છે અને પ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ શરૂ થાય છે.)

મ.બુ.હૃ. : અરે દીકરી, તમે કેવી મૂર્તિ લાવ્યાં છો, તેનાં દર્શન તો કરાવો ?

જમાઈપુત્ર : પપ્પાજી, પ્રાણપ્રતિષ્ઠા પહેલાં મૂર્તિનાં દર્શન ન કરી શકાય. વિધિવિધાન બાદ દર્શન કરીએ તો આપણાં દર્શન સાર્થક નીવડે.

મ.બુ.હૃ. : બેટા, પ્રભુનાં દર્શન માટે સાર્થકતાની ગણતરી ન હોય, અને હા, વિધિવિધાન માટેની કોઈ પૂર્વતૈયારી કેમ જણાતી નથી ?

જમાઈપુત્ર : પપ્પા, સંપૂર્ણ તૈયાર જ છે. ચાલો, શુભ ચોઘડિયાની શરૂઆત થઈ ગઈષ એટલે મંદિરમાં જઈએ.

મ.બુ.હૃ. : અવશ્ય દીકરા.

મંદિરનો પટ ખૂલે છે અને અંદર સ્વર્ગનો દેવાધિદેવ માટે સુંદર આસન હોય તેના જેવી એક બેઠક અને તેની બાજુમાં જ એટલી જ સુંદર બીજી બેઠક વ્યવસ્થા દૃશ્યમાન થાય છે. પાછળ આશ્રમવાસીઓ અને જેઓએ મ.બુ.હૃ.જી, કામિનીજીના આદર્શને સન્મુખ રાખીને જીવનની સર્વોત્તમ પ્રસન્નતા પ્રાપ્ત કરેલ છે, તેમનો સમૂહ - એક સાથે ૫૧ બહેનો અને ૫૦ ભાઈઓ દીપક સાથે મ.બુ.હૃ.જી અને કામિનીજીની સન્મુખ થઈને ૧૦૧ વર્ષનો આકાર રચીને ૧૦૧મી વર્ષગાંઠના આનંદ સાથે જન્મમુબારકનાં ગાન સાથે કરે છે. ગાન અને પુષ્પોની વર્ષા બાદ ચાર બહેનો હાથથી સાથિયો બનાવીને ઉપર કામિનીજીને અને ભાઈઓ તે જ પ્રમાણે સાથિયો બનાવીને તેના ઉપર મ.બુ.હૃ.જીને સ્થાન ઉપર બેસાડીને પધરામણી કરાવે છે. વાતાવરણમાં સામૂહિક સ્પંદનોની પરાકાષ્ઠામાંથી ઉત્પન્ન થતા નાદથી ઉત્સાહ અને કલ્યાણમય ભાવની અભિવ્યક્તિમાંથી પ્રકૃતિ મંગલમય બની જાય છે. ત્યારે પશુ, પક્ષી અને વનરાઈ મનુષ્યત્વનું અભિવાદન કરીને પ્રથમ વખત સૃષ્ટિના સર્જનની અંગભંગીઓથી સભર નૃત્ય કરે છે. સામાન્યતઃ મનુષ્યો પશુપક્ષી અને વનરાઈઓની અલૌકિક સુંદરતા, સુગંધ અને નૃત્યથી મોહિત થઈને અનુકરણ કરતા હોય છે. જ્યારે આજે પ્રકૃતિનું અન્ય સર્જન મનુષ્યનું અનુકરણ કરે છે. અંતતઃ પ્રકૃતિનું સર્જન એકબીજાનું અનુકરણ કરવાનો આ પ્રાકૃતિક નિયમ નહીં હોવા છતાં આપણે પ્રાકૃતિક નિયમ તરીકે સ્વીકારતા હોઈએ છીએ. કામિનીજી અને મ.બુ.હૃ.જી સર્વેનાં અભિવાદન સ્વીકારીને ભાવવિભોર બની જાય છે. આયોજન તેમને ગમ્યું છે, પરંતુ મંદિરના દેવસ્થાન ઉપર સ્થાન આપીને ક્યાંક રુચિભંગ થતો હોય તેવું અનુભવે છે. ત્યારે -

મ.બુ.હૃ. : આવો આવો મારાં પ્રિય સંતાનો, તમારા સન્માન અને અભિવાદનનો સહર્ષ સ્વીકાર કરીએ છીએ, પરંતુ જ્યાં દેવસ્થાન છે ત્યાં અમારો જીવતાં પ્રતિષ્ઠાન કરવાથી દેવત્વની જે આસ્થા હોય છે તેનો ઔચિત્યભંગ થતો હોય તેમ લાગે છે.

જમાઈપુત્ર : પપ્પાજી, આપણે જ્યારથી સભાનતા કેળવી હોય ત્યારથી આજ દિન સુધી જે દેવત્વની આસ્થા પ્રવર્તમાન છે, તેમાં પાષાણ-પ્રતિમાનું વિધિપૂર્વક પ્રતિષ્ઠાન કરીને જીવંત બનાવીએ છીએ. અને તેમની સમક્ષ ભાવપૂર્વક સર્વે મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. આવી આસ્થા પહેલાં પણ પ્રવર્તમાન હતી અને આજે પણ છે, પરંતુ પહેલાંની અને આજની આસ્થામાં આપને ભેદ સમજાય છે, જ્યારે અમો ભેદમુક્ત છીએ. કેમ કે પાષાણ-મૂર્તિને વંદન કર્યા બાદ જે કામના ઇચ્છીએ તે પરિપૂર્ણ થાય છે કે કેમ તે સ્વઅનુભવથી જાણી સકાય છે. જે અનુભવે છે, તેઓમાં વિશ્વાસનું સર્જન થાય છે અને જેઓ નથી અનુભવી શકતા તેઓમાં આસ્થા પૂર્ણ વ્યવહાર હોય છે. આપ વિશ્વાસ અને આસ્થાનાં દ્વન્દ્વમાં છો, જ્યારે અમે વિશ્વાસથી પૂર્ણ છીએ.

અમે જ્યારે પણ, જે કામનાઓની આપની સમક્ષ પ્રાર્થના કરી છે, તે દરેક કામનાઓ પૂર્ણ થઈ છે. અને તે પણ ચૈતન્યમય મૂર્તિમાંથી અને જેનાથી પૂર્ણતા અનુભવતા હોઈએ તેનું પ્રતિષ્ઠાન કરવામાં પરંપરાઓની અવહેલના નથી, પરંતુ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ, કારણ કે અમારી પૂર્ણતા આપે જણાવેલ આદર્શોને આભારી છે અને આપે જે પણ આદર્શો ચીંધ્યાં છે તે સિદ્ધ કરીને ચીંધેલ છે. જેમાં અમારો વિશ્વાસ છે. એટલે આપ મંદ વિચારોમાંથી મુક્ત થાવ, અને અમોને આશિષ આપો કે જીવનભર આપનાં આદર્શો પ્રમાણે ચાલીએ અને જીવનની સાર્થકતા પૂર્ણ કરીએ.

મ.બુ.હૃ. : મારા આદર્શો, તમારાં દરેક શુભ પ્રયોજનો સિદ્ધ થાય એવી મંગલકામના સાથે મારાથી સવાયા સિદ્ધ થાઓ તેવા અંતઃકરણપૂર્વક આશિષ આપું છું. કેમ કે,

તમારામાં ઐશ્વરીય શક્તિને સમજવાનાં પ્રમાણ છે. હિન્દુ ધર્મમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને તેમના અવતારોને ઈશ્વર તરીકે માનવામાં આવે છે. તેમાં આસ્થા અને વિશ્વાસનો મિશ્ર ભાવ છે. આ મિશ્રભાવમાંથી “વિશ્વાસ”ને સમજવા અને કેળવવા માટે મનુષ્ય તરીકે પ્રમાણિત થવું પડે છે.

આ મિશ્રભાવને કાયમ રાખીને જો આગળ વિચારીએ તો જે દેવોને આપણે ઈશ્વર માનીએ છીએ, તેમની પ્રતિમાઓ, ચિત્રો કે સ્વરૂપ ધ્યાનમગ્ન હોય છે. તેમ જ જે સંતો, મહાત્માઓ, સૂફીઓએ ઐશ્વરીય શક્તિ સાથે સાક્ષાત્કાર કર્યો હોય અને તેમનું તાત્ત્વિક દર્શન કર્યું હોય તેઓ પણ ધ્યાનમગ્ન સ્થિતિમાં હોય તેવી અવસ્થામાં દર્શન થાય છે. જો તેઓ ધ્યાનમગ્ન હોય તો તેઓ કોનું ધ્યાન ધરતા હતા, તેવો પ્રશ્ન થાય. આ પ્રશ્નમાં સૂક્ષ્મ વૈચારિક દૃષ્ટિએ પ્રત્યુત્તર શોધવા જઈએ તો બે પ્રત્યુત્તર પ્રાપ્ત થાય છે, જેમાં એક કે તેઓ મન, બુદ્ધિ અને હૃદયની એકાગ્રતા કેળવીને સૃષ્ટિનું કલ્યાણ કેવી રીતે થાય તેનું ચિંતન કરતા હોય. જ્યારે બીજો પ્રત્યુત્તર ઐશ્વરીય શક્તિમાં લીન થવાનો હોય અર્થાત્‌ તેઓ સ્વયં ઈશ્વર હોય તો આ બંને પ્રત્યુત્તરનો છેદ ઊડી જાય છે કે જે ઇસ્લામ ધર્મમાં સ્વીકારાયો છે.

ખરેખર તો જેઓ ઐશ્વરીય શક્તિથી પરિપૂર્ણ છે, તેઓ સૃષ્ટિમાં કલ્યાણમય અસ્તિત્વ માટેના ચિંતનનું પરિણામ છે. આપણે પરિણામને સમજી શકીએ છીએ, પરંતુ તેની પ્રાપ્તિના ચિંતનને સમજી શકતા નથી. પરિણામની સમજથી સૃષ્ટિના સેવક બનાય છે, જ્યારે ચિંતનમાંથી પરમાત્માના સહાયક બનાય છે. દરેક ધર્મના સ્થાપકો સર્જનહારના સહાયકો છે, જ્યારે આ સહાયકોને સમજીને તેમના આદર્શોનું પાલન કરે છે, તેઓ સેવક છે. સેવક સ્વરૂપના જીવનમાં જન્મ સાર્થક થાય છે, જ્યારે સહાયકની ભૂમિકામાં જન્માંતરો સાર્થક થઈને બ્રહ્મમાં લય પામે છે.

રજૂ થયેલ મનન પરમત્વ પામવા માટેનું પારલૌકિક ચિંતન હોઈ શકે, તેમ જ પરમત્વ કે મોક્ષપ્રાપ્તિની સિદ્ધિ પારલૌકિક હકીકત હોવાથી તે જાણી કે અનુભવી શકવાની આપણી સક્ષમતા ન હોય. પરંતુ મનુષ્યના સર્જનથી અનંત સુધીના જીવનપ્રવાહમાં, વર્તમાન સુધીના અલૌકિક જીવનમાં ભોગવાયેલ ભોગવાતાં, અને ભોગવવાની અધોગતિમાંથી પ્રસન્નતામય જીવન કેવી રીતે વ્યતિત કરવું તે માટેની અનુભવાયેલ વૈચારિક પ્રક્રિયા છે, જેના સકારાત્મક પરિણામમાં સર્જનહારના સહેતુક સર્જનનો તાત્પર્યાર્થ સિદ્ધ થયાની અનુભૂતિ થાય છે.

૮. અંતઃકરણ

ઉત્પન્ન થતા વૈચારિક અનુભવો અને સમજણને મન, બુદ્ધિ અને હૃદયનાં માનસપાત્રો દ્વારા સંવાદિત (ઉદ્‌ઘોષિત) કર્યા, પરંતુ આ સંવાદને અભિવ્યક્ત કરવા માટેની રંગભૂમિનું કોઈ નિશ્ચિત સ્થાન વર્ણવવામાં કે દર્શાવવામાં આવ્યું નથી. ખરેખર તો આ એક વૈચારિક ઉડ્ડયન છે, તેમ છતાં તેના ઉડ્ડયનનું એક નિશ્ચિત સ્થાન છે.

સામાન્યતઃ જ્યારે કોઈ એક તથ્યની નિર્ણાયકતા માટે મન, બુદ્ધિ અને હૃદય સક્રિય થાય છે, ત્યારે આંતરિક પ્રક્રિયાઓ સ્પંદિત થઈને એક બિંદુએ મળે છે. બિંદુમાંથી ચેતનાના પુંજની રચના થાય છે. આ પુંજ તથ્યનાં સ્વીકાર અને અસ્વીકારનો પ્રતિભાવ આપે છે. જેમાં નૈતિક અનૈતિક, શક્ય અશક્યનો ભેદ હોય છે. નૈતિક કે સાત્ત્વિક સ્વીકૃતિમાં પ્રસન્નતા અને અનૈતિક પ્રતિભાવનો જો સ્વીકાર કરાય તો ક્ષોભ અનુભવાય છે, જે દરેક નકારાત્મક તથ્યોના પરિણામનું બીજ હોય છે.

સકારાત્મક પ્રતિભાવની સ્વીકૃતિમાં પ્રસન્નતા અને પ્રસન્નતાનાં સાતત્યમાંથી અંતઃકરણની જાગૃતિ થાય છે. આવી જાગૃતિ નિરંતર સ્વરૂપની કેળવાય. ત્યારે પૂર્ણ સ્વરૂપે અંતઃકરણ જાગૃત થયું કહેવાય. અંતઃકરણની જાગૃત અવસ્થામાં પ્રવૃત્તિમય થવાય તો જીવન નિર્મળતા ધારણ કરે છે, કે જેમાં ઐશ્વરીય શક્તિ સહજરૂપે એકરૂપ થાય છે. આવી એકરૂપતામાંથી દિવ્યતા પ્રકાશિત થાય છે, જ્યાં અંતઃકરણની અદાલત હોય છે.

સામાન્ય જીવનવ્યવહારમાં જીવનને માનવમૂલ્યોથી સુશોભિત કરવા, તેમ જ સુશોભિત મૂલ્યોથી જીવનમાં પ્રસન્નતાની અનુભૂતિ થાય તે માટે પ્રકૃતિએ તેમ જ માનવજીવનના શુભચિંતકોએ અનેક તારતમ્યો તારવીને આપણને વારસામાં આપેલાં છે. આવો વારસો ક્યારેક ગૂઢાર્થ કે ધાર્મિકતાનાં આવરણમાં છુપાયેલો હોય છે, એટલે સામાન્ય સમજણ અને વ્યવહારથી અલિપ્ત હોય છે. ખરેખર તો આવાં જીવનમૂલ્યો સમાજમાં સહજ રીતે પ્રવરત્માન હોવાં જોઈએ અને જો પ્રવર્તમાન હોય તો આપણે સાચા સુખનો અનુભવ કરી શકીએ.

મહત્તમ અંશે જે જીવનમૂલ્યો પ્રસ્થાપિત થયેલાં છે તે મૂલ્યો જીવનને સમજવા, અને સમજણ મુજબનું આચરણ કરીને વ્યવહારમાં સરળતા અને સહજતા કેળવવાની હોય છે, જેથી કારણ વગરના સંઘર્ષ દૂર થાય છે અને મુક્તતા અનુભવાય છે. પરિણામે જે જીવનશક્તિનો સંઘર્ષમાં વ્યય થાય છે, તે શક્તિ નવસર્જન માટે ઉપયોગી બને છે. નવસર્જનનાં પરિણામ હંમેશાં આનંદદાયક હોય છે, તેમાં કોઈ બેમત નથી.

માનવીય જીવનમાં અનેક માનવમૂલ્યો પ્રસ્થાપિત થયેલ છે કે જેનું જીવન મૂલ્યપ્રેમ, દયા, સત્ય, અહિંસા, સમભાવ, સુંદરતા, આનંદ, શાંતિ, પ્રસન્નતામાં પરિવર્તિત થાય છે. જેને યથાર્થ જીવન તરીકે સમજતા અને અનુભવતા હોઈએ છીએ. આવા મૂલ્યોના સદ્‌ઉપયોગમાંથી પ્રકાૃતિક તેમ જ માનવીય જીવનનો વૈભવ પ્રાપ્ત થાય છે. પ્રાકૃતિક વૈભવમાં મુક્તિ અથવા તો મોક્ષ હોય છે, જ્યારે માનવીય વૈભવમાં ઇચ્છિત ધ્યેયની પરિપૂર્ણતામાંથી “પ્રતિષ્ઠા” પ્રસ્થાપિત થતી હોય છે.

આપણને સહજ રીતે એવો પ્રશ્ન થાય કે આવા મોક્ષ અને પ્રતિષ્ઠાનું જનક કોણ ? ઈશ્વર ? ધર્માત્માઓ, મહાત્માઓ કે સમાજ ? જો તેઓ જનક હોય તો વૈશ્વિક માનવસમાજ વર્તમાનમાં જે અરાજકતા અનુભવે છે, તેવી અરાજકતા ન હોય તેમ સમજવું રહ્યું.

અર્થાત્‌ ઈશ્વર, ધર્માત્માઓ, મહાત્માઓ અને સંતો માનવમૂલ્યોના સ્થાપક, માર્ગદર્શક અને પ્રેરક છે, તેની સ્વીકૃતિ અને આચરણમાં ભૌતિક વૈભવ અને મોક્ષ છે. જ્યારે સમજણ વગરની અસ્વીકૃતિમાં આપણો વર્તમાન છે. સમજણ વગરની અસ્વીકૃતિમાં નકારાત્મક ભાવ નથી હોતો, પરંતુ જેઓ સમજે છે અને વિરુદ્ધ ભાવે વર્તન કરે છે, તેઓની અધોગતિ થાય છે કે જેની પરાકાષ્ઠા “પ્રતિષ્ઠા” માટેનાં હવાતિયાં હોય છે અને તેમાંથી અનુભવાતી ગ્લાનિ હોય છે. આવી ગ્લાનિ તેઓ જ અનુભવી શકે કે જેઓ માનવીય સમજણ ધરાવતા હોય અને તે પણ આમ સમજ છે.

આપણે જ્યારે મોક્ષ અને વૈભવના દાતા તરીકે ઈશ્વર, ધર્માત્માઓ, મહાત્માઓ નથી તેમ કહીએ તો તેની સ્પષ્ટતા કરી અને સ્પષ્ટતા મુજબ દાતા શોધવા રહ્યા. આ સમજણને ધાર્મિક સ્વરૂપે નહીં, પરંતુ મનવીય વ્યવહારના સંદર્ભમાં લઈશું તો વાસ્તવિકતા સમજી શકાશે.

આપણી સામાન્ય સમજણ મુજબ એટલું તો અવશ્ય સમજતા હોઈએ છીએ કે વૈભવ અને મુક્તિ સ્વયં દ્વારા જ અનુભવાતી હોય છે. એટલે કે અનુભવ હંમેશાં જે અનુભવનો સર્જક હોય તેને જ થાય છે. આવા અનુભવને આપણે અનેક સ્વરૂપે સમજતા હોઈએ છીએ, જેનું અંતિમ ચરણ મુક્તિ અથવા તો મોક્ષ હોય છે.

પ્રથમ અને અંતિમ ચરણ વચ્ચેનો જે માર્ગ છે તે જીવન છે. આ જીવનમાર્ગ ઉપરથી સહજ રીતે પસાર થવા માટે “અંતઃકરણ” સ્વરૂપનું નાવ છે અને મન, બુદ્ધિ અને હૃદય તેના નાવિકો છે.

સામાન્ય જીવનવ્યવહારમાં “અંતઃકરણ”ને આપણી સમજણ મુજબ સમજતા અને મૂલવતા હોઈએ છીએ. અને તેનો ઉપયોગ ક્યારેક કશ્મકશની નિર્ણાયક સ્થિતિમાં ફરતા હોઈએ છીએ અર્થાત્‌ જીવનના અનંત માર્ગ ઉપર નિરંતર ગતિમાં ચાલતાં નાવ પ્રત્યેની સભાનતા ત્યારે જ થાય છે કે જ્યારે કશ્મકશની પરિસ્થિતિનું નિર્માણ થાય. અને જેવી પરિસ્થિતિ શાંત થાય તેવા જ નિશ્ચિંત થઈ જતા હોઈએ છીએ. આ આપણો સામાન્ય જીવન વ્યવહાર છે. અપવાદરૂપે જેઓ નિરંતર આવા વ્યવહારથી જાગૃત છે, તેઓ આપણા માર્ગદર્શકો છે.

સામાન્યતઃ માનવીય જીવન પ્રાકૃતિક તેમ જ માનવીય નિયમો મુજબનાં આચરણમાંથી પૂર્ણતા પ્રાપ્ત કરે છે. પ્રાકૃતિક નિયમન ચૈતસિક શક્તિ દ્વારા થતું હોવાથી તેમાં નિયમિતતા હોય છે અને જ્યાં સુધી માનવીય આચરણ દ્વારા અસંતુલિત ન કરવામાં આવે ત્યાં સુધી તેની સમતુલા જળવાઈ રહે છે. એટલે કે આપણે વિષમ પરિસ્થિતિમાં હોઈએ અને જીવનરક્ષણ મળી જાય, તેમાં ચૈતસિક શક્તિનું રક્ષણ હોય છે, જ્યારે માનવીય આચરણમાં આયાસપૂર્વક (પ્રયત્નપૂર્વક) આચરણ કરવામાં આવે તો સમતુલન કેળવી શકાય છે. જેમ કે ઊંડા પાણીમાં પડીએ તો તરવાનો પ્રયત્ન કરવો રહ્યો. અને જો તરવાનો પ્રયત્ન ન કરીએ તો અવશ્ય ડૂબી જવાય. તરવાની આવડત પ્રયત્નપૂર્વક કેળવાય છે, તેમ અંતઃકરણને પ્રયત્નપૂર્વક જાગૃત કરવું પડે છે. તરવાની પ્રક્રિયા એક વખત કેળવાયા પચી જેમ હંમેશાં કાયમ રહે છે, તેમ અંતઃકરણને જાગૃત કર્યા પછી હંમેશાં જીવંત રહે છે.

પ્રસ્તુત પ્રસ્તુતિનું હાર્દ સમજીએ તો ઐશ્વરી શક્તિ એટલે કે ચૈતસિક શક્તિ હંમેશાં આપણી સાથે હોય છે. તેની સાથે અંતઃકરણને પ્રયત્નપૂર્વક જાગૃત કરીને પ્રવૃત્ત થઈએ તો તેનાં પરિણામ શુભત્વમાં પરિણમે છે. શુભત્વની પરાકાષ્ઠાએ ઈશ્વરનું સાંનિધ્ય પ્રાપ્ત થાય છે, ત્યારે ઇચ્છિત ધ્યેય પૂર્ણ થાય છે.

ઈશ્વર, ઐશ્વરીય કે ચૈતસિક શક્તિ ગહન, ગૂઢ અને રહસ્યમય હકીકત હોવાથી સમજવામાં મર્યાદા અનુભવાય તે સમજી શકાય તેમ છે, પરંતુ અંતઃકરણ પ્રત્યક્ષ સ્વરૂપે સમજી શકાતું હોવાથી જે સમજ્યા હોય તે જણાવી શકાય.

સર્વસામાન્ય સમજણમાં “અંતઃકરણ” વિશે સર્વસ્વીકૃત સમાન હકીકત હોય તેમ સમજાય છે, તો શું સર્વે સમજણ મુજબના અંતઃકરણને ધારણ કરીએ છીએ ખરા ? જો સર્વ સામાન્ય મુજબ સમજણ સમાન પ્રકરાની હોય તો અનુભવી શકાય, પરંતુ જો આવી સમજણ વિભિન્ન પ્રકારની હોય તો અંતઃકરણ વિશે અલગ અલગ મંતવ્યહોય તેમ માનવું રહ્યું. આવાં અનેક મત-મતાંતરોમાં વાસ્તવિક અંતઃકરણને સમજવું હોય તો જે તે વ્યક્તિના જીવનના નિષ્કર્ષ ઉપરથી સમજી શકાય અને આવા નિષ્કર્ષ મુજબ વૈશ્વિક સમાજના જીવનવ્યવહાર ઉપર દૃષ્ટિ કરવી રહી. આવા દૃષ્ટિપાતનાં પરિણામ જાણતાં પહેલાં અંતઃકરણ વિશે જાણવું જરૂરી છે.

અંતઃકરણ એ એક ન્યાયિક કાર્યક્ષેત્ર છે અને તેની રચના અને કાર્ય મનુષ્યજીવનને સર્વોત્તમ જીવનધોરણ બક્ષીને, મોક્ષપ્રાપ્તિ માટેની નીતિ નક્કી કરીને તે મુજબનં આચરણ કરવા નિર્દેશ કરે છે. સર્વોપરી ન્યાયિક સત્તા મન, બુદ્ધિ અને હૃદયની જ્યૂરીમાં છે. જ્યૂરીના સમન્વય અને સમાન નિર્ણાયકતામાંથી અંતઃકરણની અદાલતનો આદેશ થાય છે. આવો આદેશ પ્રાકૃતિક તેમ જ માનવીય આચારસંહિતાના નિયમોના સમન્વયમાંથી લેવાયેલ હોવાથી પૂર્ણ સ્વરૂપનો હોય છે. તેનું પાલન કરવામાં મોક્ષ અને અવહેલનામાં અધોગતિ અને જન્માંતર હોય છે.

આ એક કાલ્પનિક પણ વૈચારિક શક્તિ દ્વારા પ્રમાણિત પ્રક્રિયા છે. કાલ્પનિક અને વૈચારિક શક્તિનાં પરિણામ, આકાર વગરના પ્રતિબિંબ જેવાં હોય છે, જે અનુભૂતિ દ્વારા સાકાર સ્વરૂપે અનુભવી શકાય છે.

આપણે જ્યારે વૈશ્વિક કક્ષાની માનવ આયોજિત અદાલતોના પરિપ્રેક્ષ્યને ન સમજી શકતા હોઈએ કે સમજવા છતાં પરિહાસ કરતાં હોઈએ ત્યારે અંતઃકરણના ન્યાયાલયની કેટલી પરવા કરીએ છીએ તે વર્તમાન ઉપરથી સમજી શકાય તેમ છે. ખરેખર તો આપણી અંતઃકરણની અદાલત સક્રિય હોય તો વિશ્વના કોઈ પણ માનવ આયોજિત ન્યાયાલયની જરૂરિયાત ન રહે.

વૈશ્વિક રીતે દરેક વ્યક્તિની આભામાં અંતઃકરણની અદાલત હોય છે. જો તેમ ન હોય તો વર્તમાન સમયમાં જે ધર્મો, સંપ્રદાયો, સમજણ, કુટુંબ કે રાષ્ટ્રીય, વૈશ્વિક ભાવનાનું અસ્તિત્વ છે તે ન હોય. દિન-પ્રતિદિન આવી ભાવનાઓનો લોપ થતો હોય તેવું અનુભવાય તે સમજી શકાય તેમ છે અને તેના પરિણામ સ્વરૂપે અંતઃકરણની અદાલત મૂર્છિત કે મૃત અવસ્થામાં હોય તેમ જણાય છે. જો તેમ ન હોય તો વૈશ્વિક માનવ સમાજમાં જે અરાજકતા અને ભય સેવાતાં હોય છે તે ન સેવાય. આપણે તેમાંથી મુક્ત થવા ઇચ્છતા હોઈએ તો અંતઃકરણની અદાલતના મહત્ત્વને સમજીએ, સ્વીકારીએ અને તેને જીવંત કરતા સક્રિય થવું રહ્યું.

આપણા સમાજમાં માનવ આયોજિત ગ્રામથી વિશ્વકક્ષાની અદાલતોનાં માન-સન્માન, સત્તા અને વિશેષ અધિકારને આદર્શપૂર્વક સ્વીકારતા હોઈએ છીએ. શું આ સ્વીકૃતિનાં કારણો સમજીએ છીએ ? કદાચ તેનું સર્વસામાન્ય કારણ હોય તો “ન્યાય”ની સર્વોપરિતા સિદ્ધ કરવામાં હોય અનમે જો તેમ હોય તો તેની પવિત્રતાને અખંડ રાખવી રહી.

વિશ્વ કે દેશનાં ન્યાયાલયો પાવિત્ર્યપૂર્વક ન્યાયનો આદેશ કરે છે. તેના મૂલ્નયે સમજી શકીએ તેમ છીએ. જો આ મૂલ્યને અંતઃકરણના આદેશના મૂલ્ય સાથે સરખાવીએ તો દેશની સર્વોચ્ચ અને વિશ્વની સુપ્રીમ અદાલતોના આદેશ ગૌણ બની જાય છે. આપણે માનવીય અદાલતોના મહત્ત્વને સમજી શકીએ છીએ, પરંતુ અંતઃકરણની અદાલતના મહત્ત્વને સમજી શકતાં ન હોઈએ તેમ લાગે છે.

આપણે જ્યારે માનવીય અદાલતના નિર્ણયને ગૌણ સમજીએ ત્યારે તેમાં સહજ રીતે માનભંગનો ભાવ પેદા થતો હોય તેમ અનુભવાય. પરંતુ જ્યારે અંતઃકરણની અદાલત નજર સમક્ષ રાખીએ ત્યારે આવો ભાવ અદૃશ્ય થાય છે. જેમ કે દેશની સુપ્રીમ કોર્ટ, રાજ્યની હાઈકોર્ટથી ઉચ્ચ હોય છે તેમ દેશની સર્વોચ્ચ અદાલત, અંતઃકરણની અદાલત સર્વોચ્ચ અદાલતથી પણ ઊંચી છે. જો અંતઃકરણની અદાલતને સર્વોપરી સમજતા હોઈએ તો તેનું સ્પષ્ટીકરણ પણ કરવું રહ્યું. વૈશ્વિક માનવ અદાલતો થયેલ ગુનાનું પુરાવાના આધારે પૃથક્કરણ કરીને ન્યાયિક આદેશ આપે છે. એટલે કે ગુનો થયા બાદ તેની ગંભીરતાની નોંધ લેવાય છે અને સજા કરે છે, જ્યારે અંતઃકરણની અદાલત ગુનો બનતાં પહેલાં સક્રિય થઈને ગુનો ન થાય તે માટે આદેશ આપે છે. જો આદેશનું પાલન કરવામાં આવે તો માનવીય અદાલતોનો છેદ ઊડી જ જાય છે, સાથે સાથે માનવીય સંઘર્ષને પણ દૂર કરે છે.

માનવીય અદાલતોનું કાર્યક્ષેત્ર મહત્તમ અંશે તેના સત્તાક્ષેત્ર પૂરતું મર્યાદિત હોય છે, જ્યારે અંતઃકરણની અદાલતનું કાર્યક્ષેત્ર વિશાળ (યુનિવર્સલ) હોય છે, માનવીય અદાલતોમાં તેના પક્ષકારો નિશ્ચિત હોય છે. આક્ષેપ સાબિત કરવાનો હોય છે. તેમાં જેઓ ગુનેગાર હોય અને કુટિલ પ્રક્રિયા દ્વારા નિર્દોષ જાહેર થયા, તેઓ અંતઃકરણની અદાલતના કાર્યક્ષેત્રમાં આવી જાય છે અને આચરેલ ગુનાની સજા ભોગવ્યા વગર છૂટકો થતો નથી. ખરેખર તો આવા ગુનેગારો જ વૈશ્વિક શાંતિમાં રંજક હોય છે.

માનવીય અદાલતો સાબિત થયેલ ગુનેગારને દંડ-સજાનો આદેશ કે પૂર્વગત સ્થિતિનો હુકમ કરીને પોતાની ફરજને પૂર્ણ કરે છે. જ્યારે અંતઃકરણની અદાલત આદેશની સાથે સહાનુભૂતિપૂર્વક શિખામણ આપીને નિષ્કલંક જીવન કેમ જીવાય તેનો રસ્તો પણ બતાવે છે.

માનવીય અદાલતોના નિર્ણયમાં અપૂર્ણતા હોઈ શકે છે, જ્યારે અંતઃકરણની અદાલતોનો નિર્ણય પૂર્ણ સ્વરૂપનો હોય છે.

માનવીય અદાલતોમાં ક્યારેક ક્ષમાને સ્થાન હોય છે, જ્યારે અંતઃકરણની અદાલતમાં ક્ષમાને કોઈ સ્થાન નથી હોતું, કારણ કે ગુનેગારને લાખ સમજાવવા છતાં ગુનાહિત કૃત્ય કરેલું હોય છે.

માનવીય અદાલતમાં ક્યારેક પાવિત્ર્યનું ખંડન થતું હોય છે, પરંતુ અંતઃકરણની અદાલતમાં અખંડ પાવિત્ર્ય હોય છે.

ગુનાહિત કૃત્યની માનવીય અદાલતોએ કરેલ સજા ભોગવ્યે મુક્ત થવાય, એટલે અંત-કરણની અદાલતની સજામાંથી પણ મુક્ત થવાય તેમ માનવું ભૂલભરેલું છે. માનવીય અદાલતની સજા ભોગવ્યા બાદ પણ અંતઃકરણની અદાલતની સજા તો બાકી જ હોય છે.

અંતઃકરણની અદાલતની સજા થાય છે ત્યારે માનવીય અદાલતોની સજા ગૌણ બની જાય છે. તે પછી ફાંસીની સજા કેમ ન હોય ?

માનવીય અને અંત-કરણની અદાલતના આ ભેદ સામાન્ય સમજણ દ્વારા સમજી અને અનુભવી શકાય તેમ છે, પરંતુ તેના સૂક્ષ્મ ભેદ સામાન્ય સમજણની બહાર હોય છે. અંતઃકરણની અદાલતના અણસારમાત્રથી “સમભાવ”ની અનુભૂતિ થતી હોય છે અને તેમાંથી માનવીય અદાલતમાં સમન્યાય જન્મે છે.

આપણે આવા તફાવતથી અંતઃકરણની અદાલતના મહત્ત્વને સમજીએ તો તેને જાગૃત કરવી રહી. જાગૃતિ એટલા માટે કે માનવીય આભામાં તેનું સ્થાન તો હોય છે જ, તેના માટે સર્જનહારનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે, અને તે ત્યારે જ સમજાય કે જ્યારે માનવીય અદાલતોની રચના સમજીએ. રાજ્યોની હાઈકોર્ટો અને રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતોના ન્યાયમૂર્તિઓની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થતી હોય છે, ત્યારે તેનું મહત્ત્વ સમજવું રહ્યું. જ્યારે આપણી સર્વોત્તમ અદાલતની રચના અને ન્યાયાધીશની નિમણૂક આપણે સ્વયં કરવાની હોય છે અને તે પણ ફક્ત જાગૃતિ અને સભાનતા દ્વારા. આવી સભાનતા અને જાગૃતિ માટે દરેક ધર્મો અને સંપ્રદાયો પ્રયત્નશીલ હોય છે, પરંતુ આવા પ્રયત્નો પરોક્ષ સ્વરૂપના અનુભવના આધારે થતા હોવાથી ક્યારેક સમજણની બહાર જતા હોય છે. એટલે પ્રત્યક્ષ સ્વરૂપના અનુભવો કેળવાય તો સાનતા અને જાગૃતિ કેળવાય અને કેળવણી પ્રાપ્ત થાય તો પ્રવૃત્ત થવાય.

અંતઃકરણ જાગૃત થઈને પ્રવૃત્ત થાય ત્યારે માનવીય તેમ જ પ્રાકૃતિક નિયમોનો સંદર્ભ સમજાશે, જેમાં માનવીય નિયમો (કાનૂન) સમાજના સમય, સંજોગ, સ્થિતિ અને ભૌગોલિક સ્થિતિ અનુસાર રક્ષણાત્મક હેતુ અનુસાર બનાવેલ હોય છે. જ્યારે અંતઃકરણના નિયમો માનવીય તેમ જ અન્ય પ્રાકૃતિક સર્જનનું સમતુલન, વિકાસ, કલ્યાણ અને પ્રસન્ન જીવનના સ્થાપન માટેના હોય તેમ સમજાશે. આ બંને પ્રકારની સમજના સમન્વયમાંથી જે નિર્ણાયક તથ્યો વૈચારિક દૃષ્ટિએ સમજાય અને તે મુજબનું આચરણ કરાય તો જીવનમાં નિરંતર પ્રસન્નતા અનુભવાય.

૯. અંતઃકરણના આશિષ

વિશ્વ માનવસમાજ આશિષ, આશીર્વાદ કે પ્રસન્ન થવાના ભાવથી અપરિચિત હોય તેમ માનવું ભૂલભરેલું સમજું છું અને જેઓ આવા ભાવના સદ્‌ભાગી થયા હોય તેમના અનુભવોમાંથી આજના ધર્મો અને સંપ્રદાયોનું સર્જન થયેલ છે, તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. આદ્યથી વર્તમાન સુધી અને ભવિષ્યમાં પણ જ્યારે અંતઃકરણપૂર્વક આશિષ આપે છે કે મળે છે ત્યારે હિતકારી બને છે. તેવી જ રીતે જ્યારે કોઈ શ્રાપ આપે છે ત્યારે તે વિઘ્નરૂપે સાબિત થાય છે, તે સુવિદિત હકીકત છે.

ભૌતિક વિકાસ અને વૈભવના ઝાકમઝોળ પ્રકાશમાં આપણી આંતરિક સ્ફુરણા દિન-પ્રતિદિન નિસ્તેજ થતી જાય છે. આંતરિક સંપૂર્ણ અંતઃકરણનું પ્રેરક બળ છે. આવા પ્રેરક બળના અભાવમાંથી શિથિલતા અસ્તિત્વમાં આવે છે. અંતઃકરણ જ્યારે શિથિલ સ્થિતિમાં હોય અને કોઈ પણ વ્યક્તિ આશીર્વાક આપે કે શ્રાપ, તે ક્યારેય ફળીભૂત ન થાય તેનું પ્રમાણ આજનો વર્તમાન છે. અપવાદરૂપ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિએ અંતઃકરણપૂર્વક ઇષ્ટ ધ્યેયની ઇચ્છા ઈશ્વર પાસે પ્રદર્શિત કરી હોય અને આવી ઇચ્છા સ્વયંભૂના અંતઃકરણની પ્રાર્થના અનુસાર પ્રાપ્ત થઈ હોય તેનો યશ કોઈ આલિયા-માલિયાને આપે તેમાં પોતાના અંતઃકરણની કરેલ પ્રાર્થનાની ઉપેક્ષા કરતા હોય છે. આવી ઉપેક્ષાથી સ્વયંનું તો અહિત થાય છે જ, પરંતુ જેઓ અહમ્‌ભાવે આવા યશને સ્વીકારે છે, તેઓને પણ વિસ્વિશેષ હાનિ કરે છે. તેનાં પ્રમાણ ક્યારેક સૂક્ષ્મ સમજણ દ્વારા સમજાય છે, તો ક્યારેક આવી હાનિ છાપરે ચડીને પોકારે છે.

આશિષ કે શ્રાપની ફલશ્રુતિ ભાવમય અંતઃકરણની ચૈતસિક શક્તિ ઉપર નિર્ભર હોય છે. ચૈતસિક શક્તિ જીવનનાં સત્કર્મના આધારે ઉત્પન્ન થાય છે. સત્કર્મ મન, બુદ્ધ અને હૃદયના સમન્વયમાંથી પ્રતિપાદિત કરેલ સકારાત્મક નિર્ણયને આધીન હોય છે. જો મન, બુદ્ધિ અને હૃદયમાંથી કોઈ પણ એક કે બેના પ્રભાવમાં કોઈ પણ કર્મ કરવામાં આવે ત્યારે અંતઃકરણની જાગૃતિ અશક્ય હોય છે. અંતઃકરણની હયાતી વ્યક્તિની નિરંતર પ્રસન્નતામાંથી વ્યક્ત થાય છે. આથી આશિષ કે શ્રાપને ફલ સ્વરૂપે સમજવાં હોય તો કોઈ પણ વ્યક્તિ અંતઃકરણપૂર્વક પ્રસન્ન હોય અને આદેશાત્મક આશિષ સાથે અને ભાવપૂર્વક સ્વીકૃતિ હોય ત્યારે પરિણામ સ્વરૂપે અનુભવાય છે, તેવી જ રીતે જેનું અંતઃકરણ જાગૃત હોય અને ખિન્નતાપૂર્વક શ્રાપ આપે ત્યારે અવશ્ય હાનિ થાય છે, જેનાં પ્રમાણ દરેક ધર્મો, સંપ્રદાયો અને સામાન્ય જીવનવ્યવહારમાં સાંભળ્યાં, જાણ્યાં અને અનુભવ્યાં હોય છે.

સામાન્યતઃ ભૌતિક જીવન પ્રણાલિકાના પ્રભાવમાં આ એક ના સમજાય તેવી હકીકત છે અને તેની આડઅસરો અનેક સ્વરૂપે ભોગવતા હોઈએ છીએ. પરંતુ જીવનની વૈચારિક સમજણના અભાવમાં તેનું કોઈ નિરાકરણ શોધી શકતા નથી. જો આવી સમજણ કેળવવાની અપેક્ષા ઈશ્વર પાસે પણ રાખીશું તો તે વ્યર્થ સાબિત થશે, કારણ કે ઈશ્વર સ્વયં અંતઃકરણના ચિંતનમાંથી દૃશ્યમાન થાય છે.

પ્રસન્નતામય જીવન માટે સાધન અને સિદ્ધિ વચ્ચેનો ભેદ સમજાવો રહ્યો. આપણે ભૌતિક વૈભવને સાધન નહીં, પણ સિદ્ધિ સમજીએ છીએ. જો ભૌતિક વૈભવ સિદ્ધિ હોય તો આદિથી વર્તમાન સુધી વૈભવથી સંપન્ન અનેક રાજા-મહારાજાઓ, શહેનશાહો, ઉમરાવો, નગરશેઠો અને ધનવાનો થઈ ગયા, પરંતુ કોઈની સિદ્ધિપત્રકના પાને યાદી જોવા મળતી નથી, કે જેમાંથી પ્રસન્નતામય જીવન જીવવાની પ્રેરણા મળે. અપવાદ રૂપે જેઓ સિદ્ધિપત્રકના પાને છે તેઓનું જીવન રજૂ થયેલ પ્રસ્તુતિના સારાંશ સ્વરૂપનું છે. સર્વોપરી સિદ્ધિ મોક્ષ છે અને આપણી સમજણ તે મુજબની ન હોય, પરંતુ જેઓ આ સિદ્ધિને સમજ્યા છે અને તે મુજબ જીવન જીવ્યા છે, તેમના જીવનને પણ અનુભવવું રહ્યું. આપણે જીવનને જ્યારે આધ્યાત્મિક કે ધાર્મિકતાના સંદર્ભમાં મૂલવીએ છીએ, ત્યારે અસમતુલિત થઈએ છીએ. તેમાં અપરિપક્વ માનસિકતાનું કારણ હોય છે. આવી અસમતુલામાંથી સમતુલન પ્રાપ્ત કરવામાં જીવન વ્યય થઈ જાય છે. આથી આપણે એટલું સમજવું રહ્યું કે આધ્યાત્મિક કે ધાર્મિક જીવન વૈચારિક જીવનથી પર નથી, પરંતુ વૈચારિક જીવનનો એક ભાગ છે. અને તે ત્યારે જ સમજાય છે કે જ્યારે અંતિમ ધ્યેય એકસમાન અનુભવાય. આવું અંતિમ ધ્યેય સિદ્ધિ અને મોક્ષથી વિશેષ શું હોઈ શકે ?

૧૦. વૈચારિક જીવનની વાસ્તવિકતા

સામાન્યતઃ આપણું જીવન અને તેના વ્યવહાર પ્રશ્નાર્થોની જાળથી વણાયેલ હોય છે. જો તેમાં ફસાયા તો જીવન વ્યથિત અને વ્યર્થ અનુભવાય છે અને મુક્ત થવાય તો પ્રસન્નતામય જીવન બને છે. ફસાવું અને મુક્તિ પ્રશ્નાર્થના નિરાકરણ ઉપર આધાર રાખે છે. જાળમાં ફસાવા કે મુક્ત થવાની પ્રક્રિયા પશુ અને માનવ વચ્ચેની ભેદરેખા નક્કી કરે છે. પ્રશ્નોના તાણાવાણામાં પ્રશ્નોનું નિરાકરણ કરીએ તો તાણાવાણાના છેદમાંથી મુક્ત થવાય છે, પરંતુ જો નિરાકરણ ન કરીએ અને મુક્ત થવાના પ્રયત્ન કરીએ તો ચારેબાજુ જાળથી લપેટાઈ જવાય છે અને છેવટે જીવન સંકટમય બને છે. કદાચ આપણી સમજણમાં માછીમાર કે શિકારીની જાળ હોય તો જાણવું રહ્યું કે તેના ફાંદા હોય તેનાથી મોટા થતા નથી, જ્યારે જીવનના પ્રશ્નોની જાળના ફાંદા સ્થિતિસ્થાપક હોય છે, નિરાકરણ ન કરીએ તો પકડ વધતી જાય છે.

આપણે જ્યારે સંસારસાગરને ધાર્મિક કે આધ્યાત્મિક સ્વરપે લઈએ છીએ ત્યારે તેની વાસ્તવિકતાને ભાવનાત્મક સ્વરૂપે સમજીને તેના હાર્દને નજરઅંદાજ કરતા હોઈએ છીએ, જે આપણી આપત્તિઓનું કારણ બનતું હોય છે, કેમ કે જળસાગરની સફરમાં જેમ પ્રવૃત્ત રહેવું પડે છે તેમ સંસારસાગરમાં પણ પ્રવૃત્તમય રહેવું પડે છે. કેટલાક પ્રશ્નો મનુષ્ય અને તે સિવાયની જીવનસૃષ્ટિમાં સમાન પ્રકારના હોવાથી તેનું નિરાકરણ સહજ રીતે કરતા હોઈએ છીએ, એટલે તેને જીવન સમજતા હોઈએ છીએ. જેમ કે આહાર, નિદ્રા, મૈથુન. આપણને જ્યારે ભૂખ લાગે છે ત્યારે આહારપ્રાપ્તિનો પ્રશ્ન ઉપસ્થિત થાય, તો તે કેવી રીતે મેળવી શકાય તે માટેનું નિરાકરણ પણ જાણતા હોઈએ છીએ. તેવી જ રીતે નિદ્રાનો પ્રશ્ન ઉપસ્થિત થાય એટલે તેનું નિરાકરણ સામાન્ય સમજથી શક્ય હોય છે. આવા પ્રશ્નો દરેક જીવાત્મા માટે સામાન્ય (કૉમન) છે. સામાન્ય પ્રશ્નો સિવાયના જે પ્રશ્નો છે, તે માનવીય જીવન અને અન્ય જીવસૃષ્ટિના જીવનને અલગ કરે છે અને આવા જ પ્રશ્નોના નિરાકરણની સૂઝ માનવીને માનવીય જીવનથી પ્રસ્થાપિત કરે છે જેને આપણે સંબંધ તરીકે સમજીએ છીએ કે જે એકબીજાને જોડીને સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને એક કરે છે. જેમ કે માતા-પિતા, ભાઈ-બહેન, કાકા, ફોઈ, મામા, માસી, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, વિશ્વ, ધર્મ, કાયદો, માનવીય આચારસંહિતા, સત્ય, અસત્ય, નૈતિક, અનૈતિક, પ્રામાણિક, અપ્રામાણિકમાં દરેકમાં પ્રશ્નાર્થથી તેની પ્રક્રિયા શરૂ થાય છે. માનવીય સંબંધના સંદર્ભમાં વિચારીએ તો, સહોદરના સંભોગના પ્રશ્નથી શરૂઆત થાય છે. સહોદરના સંભોગ નિષિદ્ધ છે, જેનું નિરાકરણ માનસિક અને નૈતિક વિકાસના સમતુલનમાં છે. એટલે કે તેનું નિરાકરણ સમજવું અને માનવું રહ્યું. જો ન માનીએ તો પશુથી વિશેષ કંઈ નથી. આ જ હાર્દમાંથી અન્ય સંબંધ વિકસિત થતો હોય છે, કે જેનો વ્યાપ વિશ્વ સુધીનો હોય છે. આવી જ રીતે ધર્મ, કાયદો, માનવીય આચારસંહિતા, દરેક પ્રશ્નોની નિરાકરણનું હાર્દ હોય છે. ક્યારેક પ્રશ્નોનું સ્વરૂપ સમય, સંજોગ, સ્થિતિ અને વિકાસ પ્રમાણે બદલાતું હોય ત્યારે પ્રશ્નોનું સ્વરૂપ સમય, સંજોગ, સ્થિતિ અને વિકાસ પ્રમાણે પરિસ્થિતિ અનુસાર પરિવર્તિત થવું જરૂરી છે. જો આવું પરિવર્તન ન થાય ત્યારે નિવારણ જ પ્રશ્નનું સ્વરૂપ ધારણ કરે છે.

ખરેખર આ એક સર્જનાત્મક પ્રક્રિયા છે, જેને અપરિપક્વ રીતે અપનાવવા જઈએ તો પરંપરાગત જીવન પણ અસ્તવ્યસ્ત થઈ જાય, અને એટલે જ જ્યાં સુધી કોઈ પણ કાર્યની પ્રક્રિયા વૈચારિક રીતે પૃથક્કરણ કરીને નિર્ણિત ન થાય ત્યાં સુધી સમજવાનો પ્રયત્ન કરેલ છે.

સામાન્ય જીવનવ્યવહારમાં જેઓએ પૂર્ણ સ્વરૂપે સમજણ પ્રાપ્ત કરેલ છે, તેઓને મહાત્મા તરીકે સમજતા હોઈએ છીએ. આપણે આપણા જીવનમાં પણ સાચી સમજણ માટે પ્રયત્નશીલ થઈએ તો “મહાત્મા” તો નહીં, પરંતુ “માનવી” તરીકે તો અવશ્ય ઓળખાઈએ, માનવી એટલે પ્રશ્નોનો હિંમતપૂર્વક સ્વીકાર કરનાર અને તેના નિરાકરણમાંથી પ્રસન્નતા અનુભવતો જીવ. રજૂ થયેલ પ્રસ્તુતિ કોઈ ઉપજાવી કાઢેલ વ્યાખ્યા, વાર્તા, બોધ કે શિખામણ નથી, તેમ જ આપવાની ગુંજાઈશ પણ નથી, પરંતુ જીવનમાં જ્યારથી સુખ-દુઃખનાં સ્પંદનો અનુભવાવા લાગ્યાં ત્યારથી સુખનો આનંદ સહજ રીતે ભોગવતાં. પરંતુ દુઃખની પીડા અસહ્ય લાગતી અને કર્મસંજોગે તેનો પ્રતાપ વધુ રહેતો. આવો પ્રતાપ એકાંતમાં સહ્ય હતો, પરંતુ સમૂહમાં અગ્નિની જેમ બાળતો હતો, કેમ કે સમૂહમાં લઘુમતી અનુભવાતી. આવી અજંપાભરી સ્થિતિમાંથી કેવી રીતે બહાર આવવું તેના પ્રયત્નસ્વરૂપે જે હકીકત સમજાઈ અને તે મુજબનું આચરણ કરતાં જે અનુભવ થયો તેનો તથા જીવનને પ્રામાણિકપણે માણીને પ્રસન્નતામય જીવનની પરમાત્માને પ્રાર્થના કરીએ તો સમગ્ર સૃષ્ટિનો વૈભવ પ્રદાન કરીને મોક્ષનો વિકલ્પ પણ સમજાવે છે. તેની અનુભૂતિ શબ્દોમાં બાંધવા પ્રયત્ન કરેલ છે.

બાલ્ય-જીવન

ચૈત્ર-વૈશાખની ધોમ ગરમીથી તપેલ ભૂમિ પર જ્યારે જેઠ-અષાઢની પ્રથમ વર્ષા થાય ત્યારે ધરતી નયનરમ્ય લીલોતરીથી હરિયાળું રૂપ ધારણ કરે છે. આપણને એની સુંદરતા ગમે છે. પરંતુ સુંદરતાને નિખારનાર લીલોતરી વિશે અજાણ હોઈએ છીએ. આપણને એની સુંદરતા ગમે છે. પરંતુ સુંદરતાને નિખારનાર લીલોતરી વિશે અજાણ હોઈએ છીએ. આ લીલોતરી અનેક પ્રકારની વનસ્પતિનાં બાળકો હોય છે, જેને આપણે છોડ તરીકે સમજતા હોઈએ છીએ. જે છોડવાઓની સુંદરતાએ આપણને પ્રસન્ન કર્યા હોય એ જ છોડવાં ફાગણ-ચૈત્રમાં ક્યાં તો અસ્ત થયા હોય છે, ક્યાં તો મુરઝાઈને નવજીવન ઇચ્છતા હશે, જો આગામી વર્ષા સુધી જીવન મળી જાય તો નવચેતનનો સંચાર થાય છે, અન્યથા અસ્ત થાય છે.

આવું જ માનવ મહેરામણ વિશે હોય છે. આપણને સુંદર, સુશીલ અને પ્રસન્ન માનવ મહેરામણ ગમતો હોય છે અને જ્યારે એમાંનો એક ભાગ હોઈએ ત્યારે વિશેષ આનંદ અનુભવતા હોઈએ છીએ. સામાન્યતઃ આ એક તૈયાર (રેડીમેડ) પરિણામનો અનુભવ હોય છે એટલે પરિણામ પહેલાંની પ્રક્રિયાથી અજાણ હોઈએ તેમ બની શકે.

બાલ્યજીવનમાં શાળાના કોઈ તેજસ્વી વિદ્યાર્થીનું બહુમાન, શિક્ષકો પ્રત્યે પૂજનીય ભાવ, પોલીસોનો રૂઆબ, શિક્ષિતો પ્રત્યે સ્વમાન અને સરકારી કર્મચારી અધિકારીઓ પદાધિકારીઓ જેવી સંપન્ન વ્યક્તિઓનો આદર થાય ત્યારે બાલ-સહજ સ્વભાવથી તેમના સાંનિધ્યમાં અને તેમના જેવા થવાની ઇચ્છા થાય તે સહજ બાબત છે.

મે, ૨૦૦૭થી પચાસ વર્ષ પહેલાં ગ્રામ માહોલ અન અલ્પવિકસિત સમાજમાં શિક્ષણનું જે મહત્ત્વ હોવું જોઈએ તે ન હોય અને સીમ, તળાવ અને ખેતરોમાં રખડપટ્ટી કરીને જે તે ઋતુનાં ફળ, ફૂલ, ચીભડાં અને સુંદરતા મ્હાલવાની આદત પડી હોય, સાથે જાત-જાતની અને ભાતભાતની રમતો રમવાનો આનંદ લૂંટવાનો હરખ હોય, ત્યારે સન્માનિત વ્યક્તિઓનું સાંનિધ્ય અને તેમના જેવા થવાની ઇચ્છા ફક્ત કલ્પના જ કહેવાય.

માળી વગરનો બાગ અને પ્રેરણા વગરનું જીવન ક્યારેય મુરઝાય તેનું કાંઈ નિશ્ચિત નથી હોતું. આવા મુરઝાયેલ બાગ અને જીવન પાસે નંદનવન કે સુંદર સમાજની અપેક્ષા રાખવી અર્થહીન છે. સામાન્યતઃ પ્રેરણાના બે સ્રોત છે - એક સમાજ, બીજો સ્વયંભૂનો નિર્ધાર. સામાજિક પ્રેરણામાં અનુકરણીય ભાવ હોવાથી દરેક પ્રબુદ્ધ કે સર્વોત્તમ વ્યક્તિ જેવા થવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. તેમાં અપવાદરૂપ સંજોગો સિવાય નિષ્ફળતા મળતી હોય છે, જ્યારે સ્વયંભૂ પ્રેરણામાં અપવાદરૂપ સંજોગો સિવાય હંમેશાં સફળતા પ્રાપ્ત થતી હોય છે.

સ્વયંભુ પ્રેરણા કોઈ પણ વ્યક્તિના જીવનના આધારે નહીં, પરંતુ વ્યક્તિને સમજાયેલ વાસ્તવિકતાનાં સંદર્ભમાંથી ઉત્પન્ન થતી હોય છે, જેમ કે તેજસ્વી વિદ્યાર્થીનું બહુમાન વિદ્યાર્થી તરીકે નહીં પરંતુ અભ્યાસમાં સર્વોપરી સફળતા પ્રાપ્ત કરી તેના અનુસંધાનમાં બહુમાન થાય છે. એટલે જો બહુમાન પ્રાપ્ત કરવું હોય તો તેજસ્વી વિદ્યાર્થીના જેવો અભ્યાસ કરવાનો નિર્ધાર કરવો રહ્યો. તેવી જ રીતે પૂજનીય, આદરણીય, પ્રેમાળ, પ્રબુદ્ધ કે સર્વોપરી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો તેમની મનોભૂમિને સમજવી રહી.

આવી પ્રેરણા મળવાનું મૂળભૂત માધ્યમ મન, બુદ્ધિ અને હૃદય છે અને તે જ્યારથી સક્રિય થાય છે ત્યારથી જીવનની સાચી સમજણની શરૂઆત થાય છે. આવી સમજણને કોઈ ઉંમરબાધ નથી હોતો. તેનાં પ્રમાણ સામાન્ય જીવનવ્યવહારમાં સમજી શકાય તેમ છે. સામાન્યતઃ મન, બુદ્ધિ અને હૃદયની સક્રિયતામાંથી અંતઃકરણ જાગૃત થાય છે અને અંતઃકરણની જાગૃતિમાંથી પ્રેરણાનો સ્રોત વહેતો થાય છે. આપણી દરેક ઇચ્છાઓ પ્રશ્નો હોય છે, જ્યારે પ્રેરણાના સ્રોતમાં તેનું નિરાકરણ હોય છે. નિરાકરણના પરિણામમાં સફળતા હોય છે, અને સફળતામાં ઇચ્છિત ધ્યેયની પરિપૂર્ણતા હોય, જે પ્રસન્નતાસ્વરૂપે અનુભવાતી અને વ્યક્ત થતી હોય છે.

ગામડાનું હરાયું ઢોર હોય કે શહેરનાં રખડતાં જાનવર, જ્યારે તેને ડબ્બામાં પૂરવામાં આવે ત્યારે તેની સ્થિતિ સમજવા જેવી હોય છે. એવી જ સ્થિતિ કોઈ બાળકને શાળામાં પૂરવાથી થતી હોય ત્યારે તેના વિકાસની ફક્ત કલ્પના કરવી રહી, પરંતુ આ જ બાળક શાળાના રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ અનેરા આનંદ અને ઉલ્લાસમાં કિલ્લોલ કરતા બાળકોને જુએ અને તેમની સામૂહિક દૃષ્ટિ મિત્ર બનાવવા માટે આહ્‌વાન કરતી હોય, તેમ જ મમતા, વાત્સલ્ય અને ગુરુભાવથી આનંદમયી વર્ગશિક્ષિકાની આર્દ્ર ભાવપૂર્વકની દૃષ્ટિ પડે ત્યારે મન, બુદ્ધિ અને હૃદયનાં દ્વાર ખુલી જાય છે અને વાસ્તવિકતાનો અહેસાસ કરાવે છે.

અહેસાસ મુજબ એટલું અવશ્ય સમજાય કે જો કિલ્લોલ કરતા મિત્રોનું અને આનંદમયી ગુરુમાતાનું સાંનિધ્ય પ્રાપ્ત કરવું હોય તો શાળામાં આવવું રહ્યું, અને શાળામાં રહેવું હોય તો ભણવું પડે. ભણશું તો મિત્રોની મિત્રતા, આનંદમયીનો પ્રેમ અને સમાજનો આદર મળશે. આ સમજણથી અભ્યાસમાં લગન લાગે તો તેના પરિણામ સ્વરપે સપ્તરંગી સૃષ્ટિને જોવાની ત્રીજી દૃષ્ટિ મળે. સામાન્યતઃ મનુષ્ય સિવાયની જીવસૃષ્ટિમાં રંગોની પરખ કરવાની દૃષ્ટિ નથી હોતી. તેવી જ સ્થિતિ જ્ઞાનરૂપી ત્રીજી દૃષ્ટિ વગરના જીવનની હોય છે અર્થાત્‌ મનુષ્ય અને પશુ વચ્ચે ભેદ આવી દૃષ્ટિથી પડતો હોય છે અર્થાન્તના અર્થઘટનમાં જ્ઞાનવિહીન મનુષ્ય જીવનનો ઉપહાસ કરવામાં નહીં પરંતુ આવા જીવનમાં સફેદ કાળા રંગ સિવાય કંઈ દેખાતું નથી, જેને આપણે સુખ અને દુઃખ તરીકે સમજતા અને અનુભવતા હોઈએ છીએ.

બાલ્યથી વર્તમાન જીવન દરમિયાન સુધી એવા અનેક અનુભવો છે કે જેનું વર્મન કરવા બેસીએ તો તેમાં સ્વપ્નસમી અને ઉટપટાંગ હકીકતો સમજાય, અથવા તો લાગે, એટલે તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરેલ છે. પરંતુ અનુભવાયેલ હકીકતોને ફક્ત એક શબ્દમાં જણાવીએ તો સત્ય, અહિંસા, પ્રેમ, નીડરતા, નૈતિકતા, પ્રામાણિકતા, સમભાવ, ન્યાય, ઉચિત, તટસ્થતા, અગમચેતી જેવા અનેક ગુણોનો વિકાસ થાય છે અને આવા ગુણોના કારણે અનેક આપત્તિઓ ટળી છે. જેમાંની કોઈ પણ એક આપત્તિ જીવનનો વિનાશ, અધોગતિ કે અશાંતિ સર્જી શકે છે.

જેમ કે એકાદ વખત અસત્યનો સહારો લેતાં ક્ષણિક રાહત અનુભવતાં વારંવાર તેનો સહારો લેવાની આદત પડે છે. તેમાંથી વિશ્વાસનો હ્રાસ થાય છે. પરિણામે જીવન હડકાયા કૂતરા જેવું થઈ જાય છે, કે જેનો કોઈ વિશ્વાસ કરતું નથી કે તે ક્યારે કરડશે. હડકાયું કૂતરું કરડે તો તેનો ઉપાય છે, પરંતુ વિશ્વાસઘાતનો કોઈ ઉપાય નથી હોતો. નીડરતા વ્યક્તિને સર્વોપરી બનાવે છે, કે જેમાં મુક્તતા અનુભવાય છે. નૈતિકતા પ્રામાણિકતાની અવહેલનામાં હરામનું ખાવાની આદત પડતી હોય છે, જેનો રેલો ચોરી, અનૈતિક ભોગવટો, ભ્રષ્ટાચાર, લાંચ સુધી પહોંચે છે. જેમાં એક વાર સપડાવ એટલે જીવન બરબાદ થાય છે. આવી હકીકતો તો સામાન્ય સમજણથી પણ સમજાય તેમ છે.

પરંતુ જેઓ પરિપક્વ, નીડર, જ્ઞાની અને સર્વસત્તાધીશ હોય તેઓમાં સ્વયંને “અંકુશ”માં રાખવાની શક્તિ કેળવાય છે. આવી વ્યક્તિઓ કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિસમૂહથી વિશેષ હોય છે. અને જેનાથી વિશેષ હોય છે, તેઓ ક્યારેય આવી વ્યક્તિઓને અંકુશમાં લઈ શકતી નથી. તેઓ અભિમાની, સ્વકેન્દ્રિત અને અન્યથી અલિપ્ત રહેતા હોય છે. આથી સમાજ અને તેમના વચ્ચે અંતરાય ઊભઓ થાય છે. આથી સમાજ આવી વ્યક્તિઓની વિદ્વત્તા, પ્રબુદ્ધતા અને સેવાના અનુભવમાંથી વંચિત થાય છે, પરિણામે સમાજમાં જે શક્તિઓનું સિંચન થવું જોઈએ અને વિસ્તરવું જોઈએ તે વિસ્તરતું નથી, ત્યારે અરાજકતા વર્તાતી હોય છે.

જેઓ સ્વયં પૂર્ણ છે અને આ પૂર્ણતાને સભાનતાપૂર્વક અંકુશમાં રાખી શકે છે, તેઓ સમાજમાં સહજ રીતે ભળી જાય છે, ત્યારે સમાજમાં તેમનું સાંનિધ્ય આનંદદાયક બને છે. આવા આનંદદાયક સાંનિધ્યમાં સમાજનાં મન, બુદ્ધિ અને હૃદયનાં દ્વાર ખૂલીને સક્રિય થાય તો અંતઃકરણ જાગૃત થાય, કે જેમાં પ્રેરણાનો સ્રોત હોય છે. આ સ્રોત બાલ્ય, કુમાર, યુવા, પ્રૌઢ, વૃદ્ધ અવસ્થાનો પ્રાણ છે. પ્રાણ સિવાયના જીવનની શું સ્થિતિ હોય તેની કલ્પના કે વાસ્તવિકતા વ્યક્ત કરવામાં સમાજની સમજણનું અપમાન થતું હોવાથી નિવારીએ છીએ.

ૐ બ્રહ્મેશ્વરાય નમઃ ।

બીજા રસપ્રદ વિકલ્પો