લાઈન...! Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાઈન...!

patel.kandarp555@gmail.com

+91 9687515557

કંદર્પ પટેલ

લાઈન...!

1,264,359,250. આ લેટેસ્ટ આંકડો છે ભારતની વસ્તીનો. પ્રતિ વર્ગ ચોરસ કિમી એ ૩૮૪ લોકો વસે છે. તેથી ‘અત્ર તત્ર અને સર્વત્ર’.. માણસો તો મળે જ. એટલે પહેલાના સાધ્વીઓને શાંતિ અને ઉપાસના માટે ગુફા મળતી એ કદાચ હવે મળવી મુશ્કેલ. એ જ જગ્યા એ કપલ લોકોનો પ્રેમાલાપ (લલુડીયાવેડા) ચાલુ હોય. અને ત્યાં જ કદાચ બાજુમાં કોઈ મૂત્રવિસર્જન પણ કરતો હોય, વળી ત્યાં જ કોઈ અઠંગ શ્રદ્ધાધારી ઈન્સ્ટન્ટ મંદિર બનાવીને પૂજા કરીને ભીડ જમા કરી દે. કોઈ શેઠ મફતમાં ખાવાનું વહેચતો હોય તો એ લાઈનમાં એ જ શેઠના બંગલાની બાજુમાં રહતા શેઠની પત્ની પણ ઉભી હોય. રાશનની દુકાને પણ લોકો કેરોસીન માટે લાઈન લગાવીને ઉભા હોય. સસ્તા અનાજની દુકાનમાં પોતાને જરૂર ના હોય છતાં લાઈનો લગાવીને ખરીદે તો ખરા લોકો. સવારે ટ્રેન પકડવા માટે લોકો ગાંડાની જેમ દોડાદોડ કરી મુકે કારણ કે મોડું જ થાય છે દુનિયામાં દરેક ને.

સ્ત્રીઓનું કોઈ જગ્યાએ જલ્દી કામ ના પતે એટલે કાગારોળ થઇ જાય, અને ભીડ જામી જાય. કોઈ ૧૮ વર્ષની ‘સેન્સેશનલ દિવા’ ની એકટીવા પડી જાય તો ભીડ થઇ જાય. કોઈ આખા મરચાની(ભજીયા માટે લાવેલા) ગણેશજીની સુંઢ જેટલી લાંબી જીભ હોય તો તેને વિધિવત ભગવાન ઘોષિત કરીને ભીડ જમા કરવી અને મરચું સડી જાય પણ આરતી તો ઉતારવી જ અને આજુબાજુની સોસાયટીની ભીડ ભેગી કરવી એ તો એન.બી(નવરી બજાર)નો જન્મસિદ્ધ અધિકાર છે. પ્રસંગોપાત નવરા-નવરા લોકો મંદિરમાં આંટો મારી આવે ભગવાન પાસે, ત્યાં પણ સર્પાકારે લાઈનો બનાવેલી હોય. બે વાહનચાલકો બાજી પડે રસ્તામાં તો આજુ-બાજુવાળા ભેગા થઈને એટલી હવા પૂરે કે એ બથ્થમ-બથ્થી થાય ની ત્યાં સુધી લોકો હટે નહિ. ‘ખાન’ અને ‘કપૂર’ ખાનદાન વાળા ફિલ્મો બનાવે અને બાકીના પરિવારના લોકો ભીડમાં ઉભા હોય એ દિવસે ટીકીટ માટે. મંદિરોમાં ‘સ્પેશીયલ’ અને ‘રેગ્યુલર’ દર્શન માટેની પણ અલગ લાઈનો હોય. એ તો ઠીક, પણ દર્શન કર્યા પછી પછી પોતાના ચપ્પલ પાછા લેવા માટેની લાઈનો હોય. સ્ટેશનોમાંથી બહાર નીકળતા રીક્ષાવાળાની લાઈનો હોય. ખાણી-પીણીની લારીઓ પર એટલી લાઈનો હોય કે કોણ બનાવે છે એ જ ખબર ના પડે, અને ૨-૩ આપણી જેવા કસ્ટમરને જ ભૂલમાં ડીશ બનાવવાનું કહેવાઈ જાય તો ગાળ પડે અને ત્યારે પણ ભીડ જમા. લગ્નમાં જમવામાં પણ લાંબી કિલોમીટરની લાઈનો હોય, ક્યારેક તો એમ થાય કે ખાલી હલવો અને રબડી માટે ક્યાં અહી આવ્યા.?

પરંતુ, આ દરેક લાઈનોમાં એક આનંદ છુપાયેલો હોય છે. એકદમ શાંતિથી મંદિરના ગર્ભગૃહમાં લોકો લાઈનમાં ઉભા હોય અને કોઈ જાણીતું મળી જાય તો તરત જ વ્યવહાર શરુ કરી દેશે, “બહુ દિવસે દેખાયા..ક્યારે આવ્યા અહી.?” “આવજો, પાછા ઘરે. હમણાં કેટલાય સમયથી નથી આવ્યા, આવો છોકરાઓને લઈને.” બેંકમાં લાઈનમાં ઉભા હોઈએ અને કોઈક વ્યક્તિ મદદ કરે આપણી(પેન, ફોર્મ ભરવામાં) તો એ ભગવાન જેવો લાગે. ટ્રેનની ભીડમાં કોઈ આપણે ચડવામાં મદદ કરે ત્યારે એની સાથે નામ ખબર ના હોય છતાં આખી સફર વાતો કરતા-કરતા પૂરો થઇ જાય. ફરવા જઈએ ત્યારે દરેકને એક ફોટો એવો પડાવવો હોય જેમાં આપણી પાછળ પર્વત,ઝરણા,વૃક્ષો આવે નહિ કે માણસો. ત્યારે પણ કેટલું મગજ દોડાવીને ‘ફ્રેકશન ઓફ સેકંડ’ માં આપણે એ ક્લિકનું મેનેજમેન્ટ કરી લઈએ છીએ. રીક્ષામાં ડ્રાઈવરની બાજુમાં બેસીને એક પગ બહાર રાખીને બીજા વાહનથી બચવાની મજા જ કૈક અલગ હોય છે, ખરું ને? પાણીપુરી વાળાને ત્યાં પહેલો વારો આપણો આવી જાય (મોડા આવ્યા હોઈએ છતાં) તો એ જીતની ખુશી કેટલી જોરદાર હોય. વળી, ક્યારેક કોઈક સામે ચાલીને આપણને લગ્નમાં ડીશ લેતી વખતે પોતાની સાથે રાખે તો ૨ મિનીટ પહેલા જે રાક્ષસ લાગતો હોય એ જ દેવ જેવો લાગે. મંદિરમાં ભૂલથી કોઈક સ્પેશીયલ દર્શનમાં ઉભા રાખી દે રેગ્યુલરના પૈસામાં તો જલસો પડી જાય. કોઈ દુકાનનું ઉદઘાટન હોય અને પછી નાસ્તાની મિજબાની હોય તો ગમે એટલી ભીડ હોય પણ એ લાઈનમાં ઉભા રહેવાની મજા રોચક હોય. સરકારો દફ્તરોમાં કેટલાય દિવસો સુધી ખાવા પડતા ધક્કા પણ દર વખતે કૈક શીખવી જાય છે, બસ ખાલી નઝર અને મગજ બંને એક્ટીવ હોવા જોઈએ તો બુદ્ધી ઓટોમેટીક એક્ટીવ રહે.

આ લાઈનો-ભીડ-ક્રાઉડ-ટોળું...રોજીંદી બાબતો છે મિત્રો. કદાચ આ ના હોય તો જીંદગી જીવવી જ મુશ્કેલ બની જાય. દરેક વસ્તુ કઈ ને કઈ શીખવી જાય છે. દરેક પ્રસંગો નવો અનુભવ આપી જાય છે. ઉતાવળ તો દરેક ને હોય જ છે કારણ કે દરેક ને મોડું જ થાય છે આ દુનિયામાં. ક્યારે આ ભીડમાં જ આપણા પોતાના લોકો મળી જાય, નવા સંબંધો બંધાય એ નક્કી નથી હોતું. ટ્રેનમાં રોજીંદી મુસાફરી કરતા લોકો ને એકબીજાના નામ કદાચ ખબર ના હોય છતાં સંબંધો મધુર હોય છે. આ દોડધામમાં જ અનેરી મજા છે. બસ, આપણે શું સમજીએ છીએ એ મહત્વનું છે. દુ:ખ અને તકલીફની નજરથી જ જોઈશું તો ક્યારેય આ કુદરતની દુનિયામાં બંધબેસતા નહિ આવી શકીએ અને એ જ વસ્તુને સાહજિક અને વિધેયાત્મક દ્રષ્ટિથી નિહાળીશું તો એના સિવાય ખુશ નહિ રહી શકીએ. કોઈકને મિત્ર, કોઈકને પ્રેમી, કોઈકને અનુભવ, કોઈકને સંસ્મરણો, કોઈકને પ્રસંગો...ક્યારે મળી જાય એ ‘અનએક્સ્પેકટેડ’ હોય છે અને આવી જ ‘અનએક્સ્પેકટેડ’ વસ્તુને ‘એક્પેકટેડ’ સમજીને ‘એક્સેપ્ટ’ કરવું એમાં જ મજા છે દુનિયાની.

“હે દોસ્ત ! તારા અને મારા રંગો અનેક,

પરિસ્થિતિ અને મુશ્કેલીઓ અનેક,

તારો અને મારો સંબંધ નેક,

જીવન છે ફિલ્મ સાથેના રિ-ટેક,

દરેકને કરવું છે બીજાને ઓવરટેક,

દેખાદેખીની દુનિયામાં થયા બી.ટેક,

છેલ્લે તો દરેકને જ આવવાનો એટેક,

કારણ તારી અને મારી લાઈન છે એક,

તેથી આમાં જ ખુશ રહેવાની લેવી નિત્ય ટેક.”

આમાંથી એક લાઈન તો દરેક વ્યક્તિ અમલમાં મુકતી જ હશે.

“લાઈનમાં ભાઈ, લાઈનમાં..દેખાતું નથી ક્યારના ઉભા છીએ અમે..?”

“ઓહોહો..છે તો મસ્ત, લાઈન નથી આપતી પણ...”

“અરે ભાઈ, છોકરો આડી લાઈને ચડી ગયો છે, સમજાવો કઈ...”

“ભણવાનું પત્યું પણ કઈ કરતો નથી, લાઈન-દોરી કરી આપો આને થોડીક...”

“હમણાં તો ભાઈ ચોપડા મુકીને બીજી લાઈને જ ચડ્યા છે...”

“૨ વર્ષથી લાઈનમાં ઉભો છું, હજુ પેન્શનની ફાઈલ ઉપર નથી આવી..”

“રોજ બેંકમાં પૈસા ભરવા લાઈનમાં ઝખ મરાવીને ઉભું રહેવું પડે છે..”

“આટલા બધા લોકો જોબ માટે લાઈનમાં ઉભા છે, આમાં તમારો વારો ક્યારે આવશે..?”

“થાક્યો લાઈન મારીને હવે, નવું સરનામું શોધવું પડશે. આમાં મેળ નહિ પડે..”

ટહુકો:-

“ધક્કે-મુક્કે લાઈનમાં ચાલ્યા કરવું,

ઘૂસ મારીને પણ લાઈનમાં રહેવું,

હરવું-ફરવું પણ લાઈનમાં રહેવું,

એ જ લાઈનમાં ખુશ-ખુશાલ રહેવું.”