એનિ‘વર્સ’રી વર્ષે સિંગલ રિ-ટેક લેતું એક ટૂંકું Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એનિ‘વર્સ’રી વર્ષે સિંગલ રિ-ટેક લેતું એક ટૂંકું

કંદર્પ પટેલ

+91 96875155577

એનિ ‘વર્સ’ રી : વર્ષે સિંગલ રિ-ટેક લેતું એક ટૂંકું કાવ્ય

બે વિરચિત હૈયાઓ વચ્ચે પ્રણયાંકુર ફૂટે અને એ પ્રણયના બીજની વેલ થઈને શ્રદ્ધા અને પરસ્પરના વિશ્વાસને આધારે લાગણીઓ પાંગરે ત્યારે આ બીજાંકુરો લગ્નની વેદીએ એકબીજાની સાથે જિંદગી પ્રેમ અને માત્ર પ્રેમથી એક આત્મા બનવાનો નિર્ણય લે છે. આ ફિક્સ થયેલી મેચને જીવનપર્યંત અનેક લોકો સાક્ષી બનીને નિહાળતા હોય છે. અનેક ઉતર-ચઢાવ પછી જાણે ‘પ્રેમ’ નામનું તત્વ દુધમાં રહેલા કેસરની જેમ ઘોળાઈને રંગીન બનાવે અને એકબીજાની ઈચ્છાઓને મેઘધનુષ્યને કોંટા ફૂટે એમ ચાહે. ત્યારે પ્રેમ‘રસ’નો આસ્વાદ જ અપ્રતિમ હોય. સમજણની કોરી પાટીમાં એકડો ઘૂંટતા-ઘૂંટતા ભવિષ્યનો માર્ગ કઈ દિશામાં જાય છે એ ખ્યાલ નથી રહેતો. સુખ અને દુઃખના પડછાયામાં સ્વાનંદનો બલી ક્યારે ચઢી જાય છે એ અસાધ્ય બની જાય છે. એકબીજામાં રસતરબોળ થઈને તૃપ્તતાથી આગળ વધતી ગાડીમાં સ્પીડબ્રેકર પણ રીસામણા-મનામણા કરીને પસાર થઇ જાય છે. આવી ખાટી-મીઠી ‘લવ સ્ટોરી’ એટલે લગ્ન જીવન.

લોકો કહે કે, “વાસણ ઘરમાં હોય તો ખખડે તો ખરા જ ને ક્યારેક..!” અને, એક મહત્વનું રીપીટેબલ-સાયક્લિક અને ફિક્સ સમયે ઉદ્ભવતું કારણ એમાં હોય તો એ છે ‘એનિવર્સરી’. દિવસભરના દોડધામ પછી પણ માનુનીઓ(પત્નીઓ) એવી આશા રાખે છે કે પોતાના બાયલાઓ..સોરી..ભાયડાઓ આખા દિવસ મગજને ઘા મારી મારીને જેમ-તેમ કરીને દિવસ કાઢે અને છતાયે તારીખો યાદ રાખીને પોતાની શેરખાન પત્ની માટે બચોળિયું બનીને ગીફ્ટ પેક કરાવે. જો આ પરીક્ષામાં ‘નાર’વીર પાસ, તો આવનારી તિથી સુધી સ્વર્ગ જેવી શાંતિનો અનુભવ + અહેસાસ. પણ જો, ભૂલ્યા એટલે ગઈ બાજી હાથમાંથી. એ વીરને ‘નાર’ નો બનીને સમગ્ર વર્ષ રહેવું પડે, ઉપરથી દરેક વાતમાં આ ભુલાઈ ગયેલી વાતનો ભૂલેલો ટોન્ટ ફ્રિ માં વિશેષણ તરીકે લગાવીને સહન કરવો પડે, પછી ભલે ને રાવણહથ્થા જેવો ઘા વાગતો હોય..!

એક પતિ તરીકે સ્થિતિ ...

ઇન્ડોર મેચમાં તો ક્લીન બોલ્ડ,

આઉટડોર મેચમાં ના કોઈ તોડ..!

ગમતો નથી પરાજય શબ્દ,

ગમાડવો પડે છે ઘરમાં નિ:શબ્દ..!

ગેમ પ્લાનનો આધાર જાણે એનો મુડ,

હું બનીને સાંભળું મૂંગો જાણે માત્ર ઘૂડ..!

એલ.બી.ડબલ્યુ થયો ઇન લવ બિફોર વેડિંગ,

લગ્ન પહેલા અને પછી સતત ભરી ફિલ્ડીંગ,

આ તો થયો મારા ઘરનો હિસ્સો,

તમારે પણ રોજ બનતો હશે કિસ્સો..!

ભાર્યા(પત્ની ઉર્ફે શેરખાન ઓફ ધ હાઉસ) નો ભાર જ એટલો રહે છે અમુકને કે જેથી માથું પણ રોજ ભારે જ રહે છે જાણે દુનિયાનો ભાર પોતાના પર જ ન આવી પડ્યો હોય..!કેટલી બધી સ્કીલ જોઈએ આમાં તો..! સામે ચાલીને શહીદી વહોરવી એ કઈ સહેલું થોડું છે ?

“સાડીઓના ટોળામાં સંતાતા, અખતરાભર્યા ભોજન પચાવતા, ભગવાન બનીને મનની વાત જાણતા, કેશ-ક્રેડીટ-કાર્ડ બચાવતા, રસોઈ પછી કચરા અને વાસણ કરતા, રિસામણા પછી મનામણા કરતા, ખુબસુરત દુનિયાને પડતી મુકીને માત્ર એના જ ખોટા વખાણ કરતા, મેક અપના થોથાઓની જેમ સમયની સાથે વહેતા, ભૂલથી પણ ટોન્ટ ન મારતા, રેગ્યુલર રોતલ ને છાના રાખતા, લોકોની વચ્ચે ૨ પગલા પાછળ ચાલતા, કલાકોની શોપિંગ પછી પણ કઈ ના લીધું હોય છતાં ગુસ્સો રોકતા, ઘરે આવતાવેંત શરુ રહેતી સાસુ-વહુના ડેઈલી સોપ ક્યારેક જોતા, ગામ કરતા તું સારી છો એવું સાબિત કરતા, ‘તમને કઈ ખબર નથી પડતી..!’ આ વાક્ય મૂંગા મોઢે સાંભળતા....વગેરે વગેરે” આવડવું પડે.

છતાં, આ પ્રેમ કેસરકઢેલી રબડી જેવો મલાઈદર હોય છે, જિંદગીના તાપમાં ઉકળીને અર્ક જેવો મીઠો અને તર્ક-વિતર્ક વિનાનો બને છે. એ વધુ ડીવોશનલ અને મેચ્યોર બને છે. કોઈ અપેક્ષા નહિ, બસ સમર્પણ અને ત્યાગ. મનને જીતવાની રમતો વધુ આસાન બનતી જાય છે. એક જ આત્મામાં બંને સાથે વિહરતા હોય આવો પ્રેમ. લગ્ન જીવન એ ભગવાન એ ગોઠવેલી એકમાત્ર ફિક્સ મેચ છે. છતાં, દરેક વળાંકો પર નવા અનુભવોની લ્હાણી કરાવે છે. દરરોજ નવું-નવું શીખવે છે. સપ્તર્ષિના તારાઓની માફક હમેશા દુનિયાના દરેક જોડકાઓ એકબીજાની સાથે મજબુત સાંકળથી જોડી બનાવીને રહે એવી શુભકામનાઓ...!

આવનારો સમય એટલે લગ્નગાળો. અને, એનિવર્સરીઓ પણ ઘણા લોકોની અત્યારે જ આવતી હશે. આ દરેકને તાજમહેલની પવિત્રતા જેટલી શુભકામનાઓ...!

ટહુકો :-

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાઓ,

પ્રારબ્ધ પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ,

અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

-‘ગની’ દહીવાલા