દહેજ પ્રથા સામે લડાઈ Roshani Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દહેજ પ્રથા સામે લડાઈ

ગુજરાતના એક મધ્યમવર્ગીય ગામડામાં આવેલું ‘શ્યામપુર’ નામનું ગામ. આ ગામની ચારેય બાજુ હરિયાળા ખેતરો અને સુંદર વાતાવરણ હતું, પરંતુ આ સુંદરતાની પાછળ એક કાળી છાયા છવાયેલી હતી—અને તે હતી ‘દહેજ પ્રથા’. દીકરીના જન્મથી જ માતા-પિતાના મનમાં દીકરીના શિક્ષણ કે ભવિષ્ય કરતાંય વધારે ચિંતા દીકરીના લગ્નમાં અપાતા દહેજની રહેતી.
                         આ જ ગામમાં રહેતી એક તેજસ્વી અને સ્વમાની યુવતી એટલે રૂપા. રૂપાએ એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો અને તે ગામની જ સરકારી શાળામાં બાળકોને ભણાવતી હતી. તેના વિચારો આધુનિક હતા અને તે માનતી કે, “સ્ત્રી એ કોઈ વેપારની ચીજ નથી કે જેના પર મૂલ્યની બોલી લગાડવામાં આવે.”
                        ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે રૂપાના લગ્નની વાત ગામના જ એક પ્રતિષ્ઠિત અને અતિશય ધનિક પરિવારના યુવક જયેશ સાથે નક્કી થઈ. જયેશ શહેરમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. શરૂઆતમાં બધું જ બરાબર લાગતું હતું. બંને પરિવારો વચ્ચે સંબંધો બંધાયા અને લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ. રૂપાના પિતા રતિલાલ, જે એક સાધારણ શિક્ષક હતા, તેમણે પોતાની આખી જિંદગીની બચત દીકરીના લગ્ન માટે બાજુ પર મૂકી દીધી હતી.
                        પરંતુ, લગ્નના માંડ પંદર દિવસ બાકી હતા ત્યારે જયેશના પિતા, અમૃતલાલનો અસલી ચહેરો બહાર આવ્યો. અમૃતલાલે રતિલાલને એકાંતમાં બોલાવીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "મારો દીકરો એન્જિનિયર છે અને શહેરમાં મોટી કંપનીમાં સેટલ છે. ગામમાં અમારી આબરૂ પ્રમાણે લગ્નમાં કાર (ગાંડી) અને રોકડા દસ લાખ રૂપિયા દહેજમાં મળવા જ જોઈએ. જો આ નહીં મળે, તો આ સંબંધ અહીં જ પૂરો સમજો."
                        રતિલાલના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે હાથ જોડીને વિનંતી કરી કે, "શેઠ, મારી પાસે એટલા પૈસા નથી. મેં મારી હેસિયત મુજબ બધું જ ગોઠવ્યું છે." પરંતુ અમૃતલાલના હૃદય પર લોભની એવી પથ્થરની દીવાલ હતી કે તેમને કોઈની લાચારી દેખાઈ નહીં.
                         આ વાત જ્યારે રૂપાના કાને પડી, ત્યારે તેના ગુસ્સાનો કોઈ પાર ન રહ્યો. તે રડી નહીં, પણ તેનો અંદરનો અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો. તેણે નક્કી કર્યું કે તે આ અત્યાચાર સામે ચૂપચાપ ઘૂંટણ નહીં ટેકવે.

બીજા જ દિવસે, રૂપા સીધી જ જયેશના ઘરે પહોંચી. ત્યાં જયેશ અને તેના માતા-પિતા બેઠા હતા. રૂપાએ બારણેથી જ પ્રવેશ કર્યો અને સીધી જયેશની આંખોમાં આંખ નાખીને ઊભી રહી ગઈ.

જયેશે શરમથી નમી ગયેલી નજરે પૂછ્યું, "રૂપા? તું અહીં અચાનક?"
                        રૂપાએ અવાજમાં દ્રઢતા સાથે કહ્યું, "જયેશ, તું એક શિક્ષિત યુવાન છે, દેશનું ભવિષ્ય છે. છતાં તારા પિતાની આ લોભી માનસિકતા સામે તું મૂક પ્રેક્ષક બનીને કેમ બેઠો છે? શું તારી કોઈ લાયકાત કે કિંમત દહેજની ગાડી અને નોટોની ગણતરી પર નક્કી થાય છે?"
                         અમૃતલાલે વચ્ચે પડીને ગુસ્સાથી કહ્યું, "અરે છોકરી! તારી જુબાન બહુ વધી ગઈ છે. આ અમારો પારિવારિક વહીવટ છે, તું વચમાં ન બોલ."

રૂપાએ નિર્ભય બનીને જવાબ આપ્યો, "કાકા, આ માત્ર વહીવટ નથી, આ વેપાર છે! અને આ વેપાર હવે આ ઘરમાં કે મારા જીવનમાં નહીં ચાલે. જે પુરુષ પોતાના લગ્નને સોદાબાજી બનાવી દે, તે ક્યારેય જીવનસાથી બનવા લાયક હોઈ શકે જ નહીં."
                         રૂપાએ ત્યાં જ જયેશ સામે જોઈને મોટેથી જાહેરાત કરી, "આજનો આ સંબંધ હું પોતે તોડું છું! મને કોઈ એવા ઘરની વહુ નથી બનવું જે સ્ત્રીના સન્માન કરતાં પૈસાને વધારે મહત્ત્વ આપે."
આટલું કહીને રૂપા ત્યાંથી નીકળી ગઈ, પણ તેની લડાઈ અહીં પૂરી નહોતી થઈ. તેણે વિચાર્યું કે જો તે માત્ર સંબંધ તોડીને બેસી રહેશે, તો આ રાક્ષસી પ્રથા બીજી કેટલીય રૂપાનું જીવન બગાડતી રહેશે. તેણે આ પ્રથા સામે કાનૂની અને સામાજિક જંગે ચઢવાનો નિર્ધાર કર્યો.
                         રૂપાએ ગામના યુવાનો, મહિલા મંડળ અને કેટલાક જાગૃત નાગરિકોને એકત્રિત કર્યા. તેણે ગામમાં એક મોટી સભા બોલાવી. શરૂઆતમાં ગામના રૂઢિચુસ્ત વડીલોએ તેનો વિરોધ કર્યો અને કહ્યું કે, "દીકરીએ તો સમાધાન કરીને જ ઘર ચલાવવું જોઈએ."
                        પરંતુ રૂપાએ પોતાના તેજસ્વી અને તાર્કિક વિચારોથી સૌનું દિલ જીતી લીધું. તેણે સભામાં કહ્યું, "દહેજ એ કોઈ રિવાજ નથી, પણ એક સામાજિક કલંક અને ગુનો છે. જે દીકરીના પિતા પોતાની મૂડી દીવાલમાં હોમી દે છે, તે દીકરી ક્યારેય સાસરે ખુશ નથી રહી શકતી. આપણે આપણા જ હાથથી આપણા બાળકોના ગળા કાપી રહ્યા છીએ. શું આપણે આપણી દીકરીઓને એટલા માટે ભણાવીએ છીએ કે કોઈ લાલચુ પરિવાર તેને ખરીદી શકે?"
                        રૂપાના આ શબ્દોએ ગામના લોકોની આંખો ખોલી નાખી. મહિલાઓએ પણ રૂપાનો સાથ આપવા માટે ખુલીને અવાજ ઉઠાવ્યો.
બીજી તરફ, અમૃતલાલ અને જયેશના પરિવારને જ્યારે ખબર પડી કે રૂપા ચૂપ બેસવાને બદલે આખા ગામમાં દહેજ પ્રથા વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે, ત્યારે તેઓ ડરી ગયા. ગામમાં તેમની બદનામી થવા લાગી. લોકોએ જયેશના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનું શરૂ કર્યું. ગામના યુવાનોએ નક્કી કર્યું કે હવે પછી જે પણ પરિવાર દહેજની માંગણી કરશે, ગામ તેનો સંપૂર્ણ બહિષ્કાર કરશે.
આ દબાણ એટલું મોટું હતું કે અમૃતલાલ અને જયેશને પોતાની ભૂલ સમજાઈ. જયેશને પણ પોતાની નબળાઈ પર પસ્તાવો થયો. તેને સમજાઈ ગયું કે લોભના ચક્કરમાં તેણે એક સાચી અને બહાદુર જીવનસંગિની ગુમાવી દીધી છે. અમૃતલાલ પોતે રતિલાલના ઘરે આવ્યા અને હાથ જોડીને માફી માંગી કે, "અમારાથી ભૂલ થઈ ગઈ. અમને માફ કરો. અમારે દહેજ જોતું નથી, અમને ફક્ત રૂપા જેવી વહુ જોઈએ છે."
પરંતુ રૂપાનો જવાબ ખૂબ જ સ્પષ્ટ અને અડગ હતો. તેણે અમૃતલાલ સામે જોઈને કહ્યું, "કાકા, મારે કોઈના દબાણ કે શરમથી મળેલું માન નથી જોઈતું. સંબંધો પ્રેમ અને સમાનતાના પાયા પર બંધાય છે, સોદાબાજી પર નહીં. મેં મારો રસ્તે પસંદ કરી લીધો છે—હું મારું જીવન ગામની દીકરીઓને શિક્ષિત કરવામાં અને આ સમાજમાંથી આ કુપ્રથાને જડમૂળથી ઉખાડી ફેંકવામાં સમર્પિત કરીશ."
                        સમય વીતતો ગયો. રૂપાના આ સાહસિક પગલાંથી શ્યામપુર ગામમાં એક ક્રાંતિ આવી ગઈ. ધીમે-ધીમે આસપાસના ગામોમાં પણ ‘દહેજ મુક્ત લગ્નો’ની ઝુંબેશ શરૂ થઈ. જે લોકો દહેજ લેવા કે દેવા માટે શરમાતા હતા, તેઓ હવે ગર્વથી કહેવા લાગ્યા કે અમારા ઘરે લગ્ન દહેજ વગર સાદાઈથી થશે.
                        ગુજરાત સરકાર અને મહિલા આયોગે પણ રૂપાના આ સાહસની નોંધ લીધી અને તેને ‘સામાજિક ચેતના એવોર્ડ’થી સન્માનિત કરી.
                         રૂપા આજે માત્ર પોતાના પિતાની જ નહીં, પણ સમગ્ર સમાજની દીકરી બની ગઈ હતી. તેણે સાબિત કરી દીધું કે અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે કોઈ સેનાની જરૂર નથી હોતી, બસ એક મજબૂત મનોબળ અને સત્યનો સાથ આપવાની તાકાત હોવી જોઈએ. અગ્નિની સાક્ષીએ ફેરા ફરવા કરતાંય વધુ મોટો અગ્નિ રૂપાએ પોતાના આત્મસન્માનને બચાવવા માટે પ્રગટાવ્યો હતો, જેણે આખા સમાજને અજવાળી દીધો.