છૂટા છેડા Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છૂટા છેડા

સાંજનો સમય હતો. વરસાદ હમણાં જ અટક્યો હતો અને શહેરની ભીની સડકો પર સ્ટ્રીટલાઇટના પીળા પ્રકાશના લાંબા પ્રતિબિંબો પડ્યા હતા. શહેરના પશ્ચિમ છેડે આવેલા નાના એપાર્ટમેન્ટના બીજા માળે બેઠેલ નેહા બારીમાંથી બહાર જોઈ રહી હતી. તેના હાથમાં ચાનો કપ હતો, પણ ચા ક્યારની ઠંડી પડી ગઈ હતી.

સામે સોફા પર બેઠેલો સાત વર્ષનો તેનો દીકરો આરવ પોતાની સ્કૂલની નોટબુકમાં કંઈક દોરી રહ્યો હતો. નેહાના ફોનની રીંગ વાગી. સ્ક્રીન પર બેંકનો મેસેજ હતો. દર મહિનાની જેમ એલિમનીની રકમ જમા થઈ હતી.

મેસેજ જોયા પછી નેહાના ચહેરા પર કોઈ ખાસ ભાવ આવ્યો નહીં. છેલ્લા દોઢ વર્ષથી આ એક નિયમિત ઘટના બની ગઈ હતી. મહિનાની પહેલી તારીખ આવે, પૈસા ખાતામાં જમા થાય, અને જીવન ફરી આગળ વધવા લાગે.

પણ એ પૈસા મોકલનાર માણસ એક સમયે તેનો પતિ હતો. આદિત્ય. દસ વર્ષનો સંબંધ. આઠ વર્ષનું લગ્નજીવન. અને પછી છૂટાછેડા.

લોકો બહારથી જે સમજે છે, હકીકત ઘણી વખત તેનાથી અલગ હોય છે. નેહા અને આદિત્યના લગ્ન કોઈ દગો, કોઈ ત્રીજા માણસ કે કોઈ મોટા અપરાધને કારણે તૂટ્યા નહોતા. તકલીફ એ વાતે થઈ હતી કે આદિત્ય એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતો હતો, જ્યારે નેહાના પપ્પાની એક ફેક્ટરી હતી, અને બિઝનેસમાં માસ્ટર કરતાં કરતાં જ નેહા એ કંપનીમાં જોડાઈ હતી.

કંપનીના કામે ઘણીવાર એને ઘરે આવતાં મોડું થતું. નેહાએ આદિત્યને પણ આગ્રહ કરેલો કે નોકરી છોડી દે અને પપ્પાની કંપની જોઈન કરી લે. આમેય એ પોતાના મા-બાપનું એક જ સંતાન હતી, રૂપિયાની ખોટ નહોતી. પણ આદિત્ય કહેતો કે જમાનો બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે, અને ભલે પપ્પાની પોતાની બ્રાન્ડની સાખ સારી હોય, છતાં આ મલ્ટીનેશનલ કંપનીઓની માર્કેટિંગ સામે ચાર-પાંચ વર્ષમાં બજારમાં ટકવામાં મુશ્કેલી પડશે.

"હવે આરવ થોડો મોટો થયો છે, પ્રાઈમરી સ્કૂલે જતો થયો છે. એને કામવાળીના ભરોસે રાખીને જવા કરતાં તું હવે પપ્પાની ફેક્ટરીનું કામ ઓછું કરી નાખ," આદિત્ય કહેતો. પણ નેહાને લાગતું કે એ આદિત્યનો ઈગો છે - એના પુરુષાતનને ખૂંચે છે કે એ પણ એક ફેક્ટરી હેન્ડલ કરી શકે છે.

આ ઝગડાઓ દોઢેક વર્ષ ચાલ્યા, અને ધીરે ધીરે બંનેના મગજમાં એ વાત ઘર કરી ગઈ કે આ સંબંધ નહીં નભે. બે સારા માણસો, જે એક સમયે એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, ધીમે ધીમે એટલા દૂર થઈ ગયા કે એક જ ઘરમાં રહેવું બંને માટે સજા બની ગયું.

છૂટાછેડા થયા ત્યારે કોર્ટમાં જજે પૂછ્યું હતું, "શું તમે બંને નિર્ણય પર પુનર્વિચાર કરવા માંગો છો?" બંનેએ એક સાથે "ના" કહ્યું હતું. પણ એ "ના" માં દ્વેષ નહોતો, માત્ર થાક હતો.

કોર્ટના નિર્ણય પ્રમાણે સાત વર્ષના આરવનો કબજો નેહાને સોંપવામાં આવ્યો, અને આદિત્યને દર પંદર દિવસે પોતાના દીકરાને મળવાનો અધિકાર આપવામાં આવ્યો. નેહા હજી એ જ ફ્લેટમાં રહેતી હતી જે આદિત્યે એના નામે ખરીદ્યો હતો. કોર્ટના આદેશથી નેહાને એ ફ્લેટ મળ્યો, જ્યારે આદિત્યે બીજે ક્યાંક ભાડાના નાના ફ્લેટમાં શિફ્ટ થવું પડ્યું.

શરૂઆતના મહિનાઓ આરવ માટે સૌથી કઠિન સાબિત થયા. જ્યારે પણ આદિત્ય તેને મળીને પાછો મૂકી જતો, ત્યારે એ લાંબા સમય સુધી રડતો રહેતો, વારંવાર નેહાને એક જ પ્રશ્ન પૂછતો - "મમ્મી, પપ્પા ઘરમાં કેમ નથી રહેતા?"

આ એવો પ્રશ્ન હતો જેનો સાચો જવાબ કદાચ નેહા પાસે પણ નહોતો. ક્યારેક વાત ટાળી દેતી, પણ દર વખતે એને અંદરથી લાગતું કે કોર્ટનો આદેશ ઘરની દીવાલો વહેંચી શકે, મિલકતના કાગળ વહેંચી શકે, જવાબદારી વહેંચી શકે - પણ બાળકના મનમાં રહેલા 'પરિવાર' નામની સરળ અને નિર્દોષ કલ્પનાને ક્યારેય વહેંચી શકતા નથી.

મહિના પસાર થતાં આરવના પ્રશ્નોની સંખ્યા ઘટતી ગઈ, આંસુ ઓછા થતા ગયા, અને એણે પોતાના જીવનની નવી વ્યવસ્થાને મજબૂરીપૂર્વક સ્વીકારી લીધી. જીવન ફરી એક વાર પોતાની જૂની ગતિએ દોડવા લાગ્યું, અને લાગવા માંડ્યું કે કદાચ સૌથી ખરાબ સમય હવે પાછળ રહી ગયો છે.

પણ ઘણી વખત નિયતિ માણસને ત્યારે જ અજમાવવાનું નક્કી કરે છે, જ્યારે એને લાગે કે તોફાન આખરે શાંત પડી ગયું છે.

❧

નેહાના મમ્મી-પપ્પાને પોતાની દીકરીની ચિંતા રહેતી હતી. એમને લાગતું કે આદિત્ય સારો માણસ છે, પણ હવે એ સંબંધ કાયદેસર પૂરો થઈ ગયો છે - જો કાલે એમને કંઈ થઈ જાય તો નેહા અને આરવનું શું?

એટલે જ એમની એક દૂરની ભોજાઈ વારંવાર એક છોકરાની વાત લાવતી હતી - પોતાની બહેનનો દીકરો, નામ સમીર. યુકેમાં દસ-બાર વર્ષ રહીને કમાઈને પાછો આવેલો. દેખાવે સોહામણો, વાતોમાં મીઠો, પૈસાદાર, ane આરવ સાથે પણ સહેલાઈથી ભળી જતો.

ભોજાઈને સમીરમાં લગભગ ભગવાન દેખાતો હતો - કારણ માત્ર એટલું નહોતું કે એ યુકેથી કમાઈને આવ્યો હતો કે એની પાસે પૈસા, કાર અને ઠાઠમાઠ ભરેલું જીવન હતું. સાચું કારણ એ હતું કે સમીર એની સગી બહેનનો દીકરો હતો, ane માણસ જ્યારે લોહીના સંબંધોની વાત આવે ત્યારે ઘણી વખત નિષ્પક્ષ રહેતો નથી.

સમીર કોઈ વેઈટર સાથે ખરાબ રીતે વાત કરે તો ભોજાઈને આત્મવિશ્વાસ લાગતો, કોઈ ગરીબ માણસને ઉતારી પાડે તો સફળ માણસની નિશાની ગણતી, સ્ત્રીઓ વિશે તોછડાઈથી બોલે તો પુરુષાર્થ માનતી. "મોટા માણસોનો સ્વભાવ જ થોડો કડક હોય..." "પૈસા કમાવવા હોય તો દિલ પોચું રાખીને ન ચાલે..." - આવા વાક્યો એ એટલી વાર બોલી ચૂકી હતી કે કદાચ હવે પોતે પણ એને સત્ય માનવા લાગી હતી.

હકીકતમાં એ સમીરને નહોતી જોતી, પોતાની બહેનના દીકરાને જોતી હતી. અને એમના મતે સમીરનો સૌથી મોટો ગુણ એ હતો કે છૂટાછેડા લીધેલી સ્ત્રી સાથે લગ્ન કરવામાં એને કોઈ વાંધો નહોતો.

નેહા શરૂઆતમાં આ વાત હસીને ઉડાવી દેતી, પણ એના મમ્મી-પપ્પાના મનમાં ક્યાંક આ વિચાર ઘર કરી ગયો હતો. સમીર ઘરનો જ માણસ હોવાથી આવતો-જતો રહેતો - ક્યારેક ચા પીવા, ક્યારેક ફેક્ટરીના કોઈ કામે મદદ કરવા, ક્યારેક આરવ માટે ચોકલેટ લઈને. શરૂઆતમાં નેહાને લાગ્યું કે માણસ થોડો દેખાડો કરે છે, પણ સમય જતાં સમજાવા લાગ્યું કે એ દેખાડો નહોતો કરતો - એ એવો જ હતો.

❧

અચાનક નેહાના જીવનમાં ઝંઝાવાત આવ્યો. એક એક્સિડન્ટમાં નેહાના મમ્મી-પપ્પા અચાનક દુનિયા છોડીને ચાલ્યા ગયા, અને એક જ દિવસમાં નેહાના જીવનનો છેલ્લો આધાર તૂટી ગયો.

આદિત્ય છેલ્લા મહિનાથી ડોકાયો નહોતો - આરવને મળવા પણ આવ્યો નહોતો. કોઈ પાસેથી એટલી જ ખબર મળી હતી કે એ કંપનીના કામે બહારગામ ગયો છે.

એ સમય દરમિયાન સમીરનું આવવા-જવાનું વધ્યું. બહારથી જોનારને લાગતું કે એ મદદ કરી રહ્યો છે - બેંકના કામમાં રસ લેતો, મિલકતના કાગળ વિશે પૂછતો, ઘરમાં નાની-મોટી સલાહ આપતો.

નેહાના પપ્પાના અવસાન પછી ફેક્ટરીનો કારભાર વર્ષોથી કંપનીમાં રહેલા રાઠોડ સંભાળતા હતા. પણ સમીરે ધીમે ધીમે એમની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા કર્યા, પોતાના ઓળખીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારફતે ઓડિટ કરાવ્યું, ane એવો માહોલ ઊભો કર્યો કે આખરે રાઠોડે રાજીનામું આપી દીધું. એમની જગ્યાએ સમીરનો ગોઠવેલો મેનેજર આવ્યો - પગાર નેહાની કંપનીમાંથી લેતો, પણ વફાદારી સમીર પ્રત્યે રાખતો. નેહાના પિતાએ ઊભું કરેલું આખું સામ્રાજ્ય સમીર ધીરે ધીરે પોતાની ભવિષ્યની મિલકત સમજીને ચાલવા લાગ્યો હતો. ઘરમાં પણ એ મહેમાનની જેમ નહીં, માલિકીની ભાવનાથી વર્તવા લાગ્યો હતો.

❧

નેહા એક દિવસ મામીના ઘરે પહોંચી ત્યારે બહાર વરંડામાં કોઈ દેખાયું નહીં. દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર જવા માટે એણે હાથ લંબાવ્યો, પણ રસોડાની દિશામાંથી સમીરનો અવાજ સંભળાતાં એ અનાયાસ થંભી ગઈ.

"માસી, એક વાત કહું?"

"હા, બોલ ને."

"આ નેહાને પોતાની કિંમતની જ ખબર નથી."

માસી ખડખડાટ હસી. "હવે તું ફરી શરૂ થયો..."

"સાચું કહું છું માસી. યુકેમાં વર્ષો રહ્યો છું, ત્યાં દરરોજ હજારો ચહેરા જોયા છે. પણ કેટલીક સ્ત્રીઓમાં એક અલગ જ વાત હોય છે. આધુનિક, ફેશનેબલ, છતાં સંસ્કારી. એક બાળકની મા છે, છતાં જુવાનીથી ફાટફાટ થાય છે તમારી ભાણી."

માસીએ મજાકમાં કહ્યું, "લાગે છે મારો ભાણેજ ખૂબ ઊંડે સુધી ડૂબી ગયો છે."

સમીર હસ્યો. "ડૂબી ગયો છું કે નહીં એ ખબર નથી, પણ એટલું જરૂર જાણું છું કે નેહા જેવી સ્ત્રી સાથે માણસનું સ્ટેટસ જ બદલાઈ જાય. દેખાવ, વ્યક્તિત્વ, સંસ્કાર, ઉપરથી કાકાની સંપત્તિ... આખું પેકેજ છે. કાકા બહુ હોશિયાર માણસ હતા, એ તો ફેક્ટરી જોતાં જ સમજાઈ જાય છે."

"એટલે?"

"એટલે કે પાંચ-દસ કરોડની વાત નથી."

"હવે તારી નજર ત્યાં પણ પહોંચી ગઈ?" મામીએ હસતાં હસતાં પૂછ્યું, સાંભળીને નેહા ધ્રૂજી ઉઠી.

સમીર પણ હસતાં હસતાં બોલ્યો, "માસી, હું વ્યવસાયી માણસ છું. આખરે એ બધું જવાનું ક્યાં છે?"

"નેહા પાસે."

"હમણાં. હમણાં નેહા પાસે છે," સમીરે ક્રૂર અવાજમાં કહ્યું.

માસી થોડા ધીમા અવાજે બોલી, "એના દીકરાનું શું?"

"આરવ?" સમીર હળવેથી હસ્યો. "બાળકો મોટા થવામાં કેટલો સમય લાગે છે?"

"પણ નેહા એના વગર વિચારશે નહીં."

"વિચારશે માસી. દરેક માણસ વિચારે છે. ફક્ત એને સાચી દિશામાં વિચારવા મજબૂર કરવો પડે."

નેહાના મમ્મી-પપ્પાના અકસ્માત પછી પહેલી વાર જ્યારે સમીર નેહાના ઘરે બેઠો હતો, ત્યારે બહારથી એના ચહેરા પર સહાનુભૂતિ હતી, અવાજમાં નરમાશ હતી ane શબ્દોમાં સાંત્વના હતી. આવી સ્થિતિમાં માણસ સહારો શોધે છે, ane સમીરને ખાતરી હતી કે એ સહારો બનનાર આખરે એ જ બનશે.

દરેક રોકાણ પાછળ નફાની આશા હતી.દરેક કામ પતાવ્યા પછી સમીર પોતાની જાતને રોકવાનો પ્રયાસ કરતો, કારણ કે એ જાણતો હતો કે ઉતાવળ બધું બગાડી શકે. પણ અહંકાર માણસની જીભ પરથી ઘણીવાર એવા શબ્દો બોલાવી દે છે જે એના મનનું રહસ્ય ખોલી નાખે. "નેહા, હું ન હોત તો આ કામ મહિનાઓ અટક્યું હોત," એક દિવસ બેંકનું કામ પતાવીને બહાર નીકળ્યા પછી સમીરે કહ્યું, ane ઉમેર્યું, "તને એક વાત સમજાતી નથી. દુનિયામાં કોઈ કોઈના માટે મફતમાં સમય કાઢતું નથી. હું તારા માટે દોડું છું, તારાં કામ કરું છું, તારા દીકરાની ચિંતા કરું છું... એ બધું એમ જ નથી થતું."

"એટલે?"

"એટલે કે દરેક રોકાણનું વળતર હોય છે."

"હું સમજી નહીં."

"સમજી જઈશ. તું ભણેલી છે. હું કોઈ સંત નથી, નેહા. હું તારા પિતાનો વકીલ નથી, નથી આરવનો ટ્રસ્ટી. એક પુરુષ જ્યારે એક સ્ત્રી માટે આટલો સમય મહેનત ખર્ચે છે, ત્યારે એની પાછળ કારણ હોય છે."

આ વાત નેહાએ ગુસ્સે થઈને પોતાની મામીને કહી. "મામી, સમીરની વાતો મને સારી નથી લાગતી."

મામી હસીને બોલી, "અરે, એ તો પુરુષ છે. આવું જ કહે ને નેહા, તું પણ ક્યારેક બાળક જેવી વાત કરે છે. પુરુષ કોઈ સ્ત્રી પાછળ ફૂલ ચઢાવવા નથી ફરતો. તું યુવાન છે, સુંદર છે, એકલી છે. કોઈ પુરુષ તારી તરફ આકર્ષાય એમાં નવાઈ શું?"

"પણ એ જે રીતે વાત કરે છે..."

"છોકરીની જાત, પાછી ત્યક્તા, ન મા-બાપ ન ભાઈ-બહેન. આટલા નખરા શેના કરે છે? તારાં મમ્મી-પપ્પા પણ એ જ ઈચ્છતાં હતાં. આમેય દીદી-જીજુ ને ગયે ત્રણ-ચાર મહિના થઈ ગયા છે, ane એમની અંતિમ ઈચ્છા હતી કે તું સમીર સાથે ઘરસંસાર વસાવી લે."

❧

એક દિવસ આરવને સખત તાવ આવ્યો. લોકલ ડોક્ટરની દવાથી ફેર પડ્યો નહીં, ane ઈમર્જન્સીમાં અડધી રાત્રે એક ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો. હંમેશની જેમ મામી દ્વારા સમીરને ખબર મળી, એ હાજર થઈ ગયો.

સવારના ચાર વાગ્યા હતા. આરવને દવા આપ્યા પછી ડૉક્ટર બહાર નીકળી ગયા હતા. આખી રાતની દોડધામ પછી નેહા ખુરશીમાં થાકીને બેસી ગઈ હતી - આંખો લાલ, માથું ભારે.

સમીર પાણીનો ગ્લાસ લઈને આવ્યો ane એની બાજુમાં ઊભો રહ્યો. "આજે હું ન હોત તો શું કરત?" કહેતાં પાછળથી પોતાની બાહુઓ ફેલાવીને ખુરશીમાં બેઠેલી નેહાને હગ કર્યું.

અચાનક અજાણ્યા સ્પર્શથી નેહા ચોંકી ઊઠી, ane પોતાની જાતને છોડાવવા પ્રયાસ કર્યો, પણ સમીરની પકડ મજબૂત હતી. "કેટલા દિવસ આ રીતે લડતી રહીશ?" કહેતાં સમીરે પોતાની પકડ વધુ મજબૂત કરી.

અચાનક બેડ પર પડેલા આરવના હોઠમાંથી નીકળેલી બૂમ સાંભળીને નેહાએ સમીરની પકડમાંથી છટકવા એક જોરદાર ઝટકો માર્યો, ane લગભગ દોડતી આરવ પાસે પહોંચી ગઈ. એ જ ક્ષણે બાજુના રૂમમાં બેઠેલી નર્સ પણ અવાજ સાંભળીને ઊભી થઈ ગઈ હતી. સમીરને પોતાની પકડ ઢીલી કરવી પડી.

એ બે સેકન્ડ મોડો પડ્યો હોત તો કદાચ આખું નાટક હોસ્પિટલના સ્ટાફ સામે ખુલ્લું પડી જાત. પણ નેહા એની બાહોમાંથી છટકી ગઈ, એ વાત સમીરના અહંકારને અંદર સુધી દઝાડી ગઈ.

આરવના માથા પર હાથ ફેરવતી નેહાના કાનમાં સમીરનો ધીમો પણ ઝેરી અવાજ પડ્યો. "તારા પપ્પા હતા ત્યારે હું રાહ જોતો હતો. હવે રાહ જોવાનું કોઈ કારણ નથી. દરેક સ્ત્રીને કોઈ ने કોઈ પુરુષના સહારાની જરૂર પડતી જ હોય છે. ane તારી સ્થિતિ તો બાકીની સ્ત્રીઓ કરતાં પણ જુદી છે. મા-બાપ નથી. પતિ નથી. એક નાનું બાળક છે. આખી જિંદગી પડેલી છે."

એ સાંભળતાં જ નેહાને અચાનક પોતે અસહાય હોવાનો અહેસાસ થયો, ane એનો ચહેરો ધીમે ધીમે ફિક્કો પડવા લાગ્યો.

"ane દુનિયામાં એક નિયમ ક્યારેય બદલાતો નથી," હસતાં હસતાં સમીરે ધીમેથી કહ્યું. "હું તારા માટે દોડતો રહું... ane તું મારી કદર કરતી રહે... આટલો એકતરફી વ્યવહાર બહુ લાંબો ચાલતો નથી, નેહા."

અચાનક મામીએ પ્રવેશ કર્યો. એ પરિસ્થિતિ પામી ગયાં, પણ પછી જે કહ્યું એનાથી નેહાના પગ નીચેથી જમીન સરકી ગઈ.

"અરે મૂર્ખ, આટલી ઉતાવળ શું કરે છે?" મામી ધીમેથી હસી. "સાત-આઠ મહિનાથી તું ધીરજ રાખીને બેઠો છે. નેહાનાં મમ્મી-પપ્પા જીવતાં હતાં ત્યારે પણ પોતાની જાતને રોકી રાખી, પછી એમના ગયા પછી પણ. બેંકમાં, ફેક્ટરીમાં, હોસ્પિટલમાં... મને ખબર છે કેટલી તકલીફ પડતી હશે તને. સામે જ જુવાન, રૂપાળી સ્ત્રી હોય ane એને અડવાનો પણ હક ન હોય તો પુરુષને કેવી હાલત થતી હશે એ હું સમજી શકું છું." મામીએ હસીને કહ્યું, ane પછી ઉમેર્યું, "પણ હવે બહુ નથી. એક મહિનો." કહેતાં એણે સમીરને આંખ મારી. "પછી તો નેહા તારી પત્ની હશે, પછી તો એની પર તારો જ હક હશે. આટલા મહિનાથી જે માટે તું પોતાની ઈચ્છા દબાવીને બેઠો છે ને, એ માટે પછી કોઈ રોકનારું નહીં હોય. નેહા પણ નહીં... સમજ્યો?" મામી હજી અટકી નહીં. "આખરે પુરુષ કેટલા દિવસ પોતાની જાતને રોકી રાખે? ane નેહા જેવી જુવાન સ્ત્રી જોઈને મનમાં વિચારો આવે એમાં કંઈ નવાઈ નથી. પંડિતજીએ મહિના પછીનું તમારા લગ્નનું મુહૂર્ત કાઢ્યું છે. પછી આખી જિંદગી પડી છે, મોજ કરવા એ આંખે આખી તારી જ છે. અત્યારે ધીરજ રાખ. એના પપ્પાની ફેક્ટરી આપણી નાતના આગેવાન સાઠ કરોડમાં ખરીદવા તૈયાર છે. પૈસા જમા થતાં વીસ-પચ્ચીસ દિવસ લાગશે. આમેય આ સોદો પતશે એટલે બધા ખુશ થવાના છે - નાતના આગેવાનો ખુશ, તું ખુશ..." એ અચાનક અટકી ગઈ.

સમીર હળવેથી હસ્યો. "ane તું પણ ખુશ, માસી. આગેવાને કહી જ દીધું છે કે તારી મહેનતને પણ ધ્યાનમાં રાખશે."

મામીના ચહેરા પર ક્ષણભર માટે લોભનું ઝાંખું સ્મિત ફરી વળ્યું.

"હટ ગાંડા..."

પણ પછી તરત જ એણે પોતાને સંભાળી લીધું. "મેં શું મારા માટે કર્યું છે? નાતની એક અનાથ, ત્યક્તા ane એક બાળકવાળી છોકરીનું ઘર ફરી વસે, એ આર્થિક રીતે પણ સુરક્ષિત રહે... એ માટે જ તો આટલી દોડધામ કરી છે."

સમીરના હોઠ પર વ્યંગ મિશ્રિત સ્મિત ફરી વળ્યું. "હા માસી... ane એનું ફળ પણ તમને મળવાનું છે."

"એટલે જ કહું છું અધીરો ન થા. પછી એયને તું મહિનો-બે મહિના આરામથી યુરોપ-અમેરિકામાં લાંબું હનીમૂન મનાવજે. તારા મનની બધી જ ઈચ્છાઓ મનભરીને પૂરી કરજે. ane આરવ તો રહેશે હવે હોસ્ટેલમાં. બે મહિનામાં તો એનેય આદત પડી જશે." સાંભળીને સમીરના હોઠ પર ધીમું સ્મિત ફરી વળ્યું.

નેહાને પહેલી વાર સમજાયું કે આ રૂમમાં હાજર બેમાંથી એક પણ માણસ એની બાજુ નથી. એકને એની કાયા જોઈતી હતી. બીજાને એની જિંદગીનો સોદો કરવો હતો.

❧

પછીના રવિવારે નાત તરફથી એક મોટા ફન ફેરનું આયોજન થયું. મામીના આગ્રહે બધા ત્યાં ગયા. નેહાને કંઈ સૂઝતું નહોતું - કોની મદદ લે? નાતના આગેવાનો જ જ્યારે એને ધરાર સમીર સાથે પરણાવવા ane ફેક્ટરી ખરીદવા તૈયાર હતા, ત્યારે એમની પાસે મદદ માંગવાનો સવાલ જ નહોતો. આદિત્ય સાથે તો દોઢ વર્ષમાં એકેય વાર વાત થઈ નહોતી.

ફન ફેરમાં ઉત્સવનો માહોલ હતો - ચારેય તરફ રંગીન લાઈટો, સંગીત, બાળકોની ભીડ. આરવ આનંદમાં દોડતો ફરતો હતો, પછી એક રમકડાના સ્ટોલ આગળ અટકી ગયો. કાચની અંદર નાનું રિમોટ-કંટ્રોલ એરોપ્લેન રાખેલું હતું. આરવની આંખમાં મહિનાઓ પછી બાળસુલભ ચમક ઊઠી. "મમ્મી! આવું જ વિમાન પપ્પાએ આપ્યું હતું!"

નેહાના મનમાં વર્ષો જૂની યાદો જીવંત થઈ ગઈ - અગાસી, રિમોટથી વિમાન ઉડાવવાનું શીખવતો આદિત્ય, પોતાના નાનકડા હાથે કંટ્રોલ કરીને આકાશમાં વિમાન ઉડાવતો, ane ખુશીથી નાચતો આરવ.

સમીરે સહેજ મોં બગાડતાં કહ્યું, "ચાલ, હું અપાવી દઉં," ane આરવને લઈને ગયો. મામીને પોતાના હાથમાં મહેંદી મુકાવવી હતી, એટલે એણે નેહાને પોતાની પાસે રોકી રાખી. કમને નેહાએ આરવને સમીર સાથે એકલો જવા દેવો પડ્યો.

અડધો કલાક પછી બંને પાછા આવ્યા. વિમાન તો આરવના હાથમાં હતું, પણ ચહેરા પરથી ખુશી ગાયબ હતી. નેહાએ તરત નોંધ્યું. ઘણી પૂછપરછ પછી આરવની આંખોમાં આંસુ આવી ગયાં. "સમીર અંકલે કહ્યું કે દરેક વાતમાં પપ્પા-પપ્પા ન કર."

નેહાની અંદર કંઈક તૂટી ગયું. એ સીધી સમીર પાસે પહોંચી. "તમે એને એવું શા માટે કહ્યું?"

"તો શું ખોટું કહ્યું?"

"એ બાળક છે."

"બાળક છે એટલે આખી જિંદગી રડતો રહેશે? સમજાવી દેજે એને. મારી સામે જો હવે એ એના બાપનું નામ લેશે તો લાફો ખસે મારા હાથનો?" ઉગ્ર અવાજે, હકપૂર્વક સમીરે કહ્યું. દેકારો થતાં જ આસપાસ લોકો ભેગા થવા લાગ્યા, ane પહેલી વાર જાહેરમાં સમીરનો નકાબ ઊતરી ગયો.

"સાચું કહું તો તારે આભાર માનવો જોઈએ. એક છૂટાછેડા લીધેલી સ્ત્રી, બીજા પુરુષના બાળક સાથે કોણ જીવન પસાર કરવા તૈયાર થાય છે?"

મામી ગભરાઈ ગઈ. એણે રાડ નાખી, "સમીર!" પણ હવે મોડું થઈ ગયું હતું. વર્ષોનો અહંકાર બહાર આવી રહ્યો હતો. "તને લાગે છે દુનિયા તારા પર ઉપકાર કરવા તૈયાર બેઠી છે?"

નેહાના ચહેરા પર અપમાનની આગ સળગી ઊઠી. એ જ સમયે આરવ આગળ આવ્યો, નાનકડા હાથે નેહાનો હાથ પકડી લીધો. "મમ્મી, ચાલો અહીંથી."

સમીરની નજર એની પર ગઈ. "વચ્ચે ન બોલ."

આરવ ડર્યો, પણ પાછળ હટ્યો નહીં. "મારા પપ્પા ખરાબ નથી."

સમીરના ચહેરા પર ક્રોધની રેખાઓ ઉપસી આવી. એ એક પગલું આગળ વધ્યો, પછી બીજું, ane ધીમે ધીમે એનો હાથ હવામાં ઊંચકાવા લાગ્યો. નેહાનું હૃદય ધબકવા લાગ્યું. આરવની આંખોમાં ભય ઊતરી આવ્યો. આસપાસ ઊભેલા લોકો શ્વાસ રોકીને જોઈ રહ્યા હતા.

ane એ જ ક્ષણે ભીડની પાછળથી એક ઠંડો, કડક અવાજ સંભળાયો. "હાથ નીચે રાખ, સમીર."

અવાજ મોટો નહોતો, પણ એમાં એવી સત્તા હતી કે સમીરનો હાથ હવામાં જ અટકી ગયો. નેહા પાછળ ફરી, ane ઘણા મહિના પછી પહેલી વાર એની અંદરથી રાહતનો શ્વાસ નીકળ્યો - કારણ કે ભીડની વચ્ચે આદિત્ય ઊભો હતો.

એના ચહેરા પર ગુસ્સો નહોતો. પણ એ આંખોમાં જે હતું, એ જોઈને સમીર પહેલી વાર ખરેખર ગભરાયો. કારણ કે એ ક્ષણે એને સમજાયું - નેહા કદાચ એકલી હતી, પણ નિરાધાર નહોતી.

❧

કેટલાય દિવસથી મનમાં મૂંઝાતી નેહાની ધીરજનો અંત આવી ગયો હતો. એ આદિત્યને વળગી પડી, ane હકથી એની છાતીમાં મુક્કા મારતાં પૂછવા લાગી, "ક્યાં હતો આટલા દિવસ? મમ્મી-પપ્પાનું આકસ્મિક નિધન, ane આટલા વખતથી આરવને મળવા પણ નથી આવતો?"

"કંપનીના કામથી યુએસ હતો, પાંચ મહિનાથી. સવારે જ આવ્યો, ane બધી ખબર મને રાઠોડ સાહેબે કહી. હમણાં જ રાજીનામું ઈમેલ કર્યું ane સીધો અહીં પહોંચ્યો. પણ તુંય આટલી તકલીફમાં મને એક ફોન તો કરી શકતી હતી."

નેહાએ કોઈ જવાબ આપ્યો નહીં, માત્ર પોતાની ભીની આંખોથી આદિત્ય સામે જોયા કર્યું. કારણ કે ઘણા મહિના પછી પહેલી વાર એને કોઈ સહારો મળ્યો નહોતો - એને પોતાનો અવાજ પાછો મળ્યો હતો.

❧

ફન ફેરની ઘટના પછીના દિવસો ઝડપથી બદલાયા. મામીના ઘરે નાતના આગેવાનોની બેઠક બોલાવવામાં આવી. સમીર હાજર જ ના રહ્યો - એ જ રાત્રે એની ગાડી શહેર છોડીને નીકળી ગઈ હતી, ane પાછળ એક અધૂરો સોદો, ane ઉઘાડું પડેલું સત્ય છોડતી ગઈ.

આદિત્યએ કંઈ મોટું ભાષણ ના આપ્યું. એણે ફક્ત નાતના આગેવાનોને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ફેક્ટરી વેચવાનો કોઈ સવાલ જ નથી - એ નેહાના પપ્પાની મહેનતની નિશાની છે, ane આરવનો વારસો છે.

એ જ રાત્રે, આરવ ઊંઘી ગયા પછી, આદિત્ય ane નેહા ઘરના ડ્રોઈંગ રૂમમાં બેઠાં હતાં. આદિત્યએ પોતાનો ફોન કાઢ્યોને નેહા સામે એક ઈમેલ ધર્યો - પોતાની કંપનીને મોકલેલું resignation letter, જે એણે એ સવારે જ, રાઠોડ સાહેબનો ફોન આવ્યા પછી તરત મોકલી દીધું હતું.

"મેં નોકરી છોડી દીધી," આદિત્યએ ધીમેથી કહ્યું. "પાંચ મહિના યુએસમાં એકલો બેઠો, ત્યારે સમજાયું કે મેં જે વસ્તુ માટે તને ane આ ઘરને ગુમાવ્યાં, એ નોકરી ખરેખર એટલી કિંમતી નહોતી. જો તું ane પપ્પાની ફેક્ટરી - બંને મને ફરી એક તક આપો, તો હું આખું ધ્યાન અહીં આપવા તૈયાર છું. રાઠોડ સાહેબ સાથે મળીને, ધીમે ધીમે શીખીને."

નેહાની આંખોમાં ફરી આંસુ આવ્યાં, પણ આ વખતે અલગ પ્રકારનાં. "તું ખરેખર આ કરીશ? મલ્ટીનેશનલ કંપનીની જોબ છોડી ને એક ફેક્ટરી સંભાળવા."

"મેં પહેલેથી જ કરી લીધું છે, નેહા. હવે ફક્ત તારો 'હા' બાકી છે."

નેહાએ ઊંડો શ્વાસ લીધો. મામી, સમીર, નાતના આગેવાનો - બધા સાથે ઝઝૂમ્યા પછી, પહેલી વાર એને લાગ્યું કે કોઈ એની સાથે ઊભું છે, એની જગ્યાએ નિર્ણય લેવા નહીં, પણ એની સાથે ચાલવા.

"ધીમે ધીમે," નેહાએ હળવેથી સ્મિત કરતાં કહ્યું. "પણ હા - ફરી શરૂઆત કરીએ."

❧

એક મહિના પછી, એ જ અગાસી પર, જ્યાં ક્યારેક આદિત્ય નાનકડા આરવને રિમોટ-કંટ્રોલ વિમાન ઉડાવવાનું શીખવતો, ત્રણેય ફરી સાથે ઊભાં હતાં. આ વખતે આદિત્યના હાથમાં ફેક્ટરીના કોઈ કાગળો હતા, ane નેહા હસીને એને સમજાવી રહી હતી કે રાઠોડ સાહેબ કઈ રીતે કામ કરે છે.

નેહાના ફોનમાં હવે કોઈ એલિમનીનો મેસેજ નહોતો આવતો. બેંક એકાઉન્ટ ફરી જોઈન્ટ થઈ ગયું હતું, ane સાથે જ જિંદગી પણ.