"૯૩ વર્ષીય વૃદ્ધે વેન્ટિલેટરનું ૫૦૦ યુરોનું બિલ જોઈને આંસુ વહાવ્યા, પરંતુ તે રકમ માટે નહીં, પણ આજીવન નિઃશુલ્ક શ્વાસ આપનાર પરમાત્મા પ્રત્યેની કૃતજ્ઞતા ભૂલી જવાના પશ્ચાત્તાપમાં."
જીવન અને મૃત્યુના મધ્યવર્તી કાળખંડમાં, જ્યારે માનવી અટવાયો હોય છે, ત્યારે તેને જીવનની સાચી કિંમત સમજાય છે. કર્ણાવતી શહેરની એક હોસ્પિટલના કોવિડ વોર્ડમાંથી બહાર નીકળી રહેલો ૯૩ વર્ષીય વૃદ્ધ, દેવદત્ત, તે માત્ર કોરોના સામે જીતીને નહોતો આવ્યો, પણ જીવનના એક પરમ સત્યનો સાક્ષાત્કાર કરીને બહાર આવી રહ્યો હતો.
દેવદત્ત જેની નવ દાયકાની લાંબી સફર કોરોનાના વાવાઝોડા સામે ટકી રહી હતી, આજે હોસ્પિટલમાંથી રજા મેળવી રહ્યો હતો. તેના ચહેરા પર જીવન જીવવાની નવી આશા અને આનંદની લકીરો સ્પષ્ટ દેખાતી હતી. ડોક્ટરો અને નર્સોએ તેને તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપી. દેવદત્તનું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ ગયું હતું. તેણે મનોમન ઈશ્વરનો આભાર માન્યો.
પરંતુ, વિજયની આ ઘડીમાં વિષાદનું એક કાળું વાદળ છવાઈ ગયું. જ્યારે હોસ્પિટલના વહીવટી વિભાગમાંથી તેને રજાનું પ્રમાણપત્ર મળ્યું, ત્યારે સાથે એક બિલ પણ પકડાવી દેવામાં આવ્યું. ૫૦૦૦ રૂપિયા નું , જે ભૂલથી એક દિવસના વેન્ટિલેટરના ઉપયોગ માટે ગણવાની રહી ગઈ હતી. આ રકમ જોઈને દેવદત્તના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા.
દેવદત્ત ને જોરજોરથી રડતો જોઈને, વોર્ડના મુખ્ય ડોક્ટર, જે પોતે પણ આ વૃદ્ધના જીવિત રહેવાથી આશ્ચર્યચકિત હતા, દોડી આવ્યા. તેમણે દેવદત્ત ના ખભા પર હાથ મૂક્યો અને સાંત્વના આપતા કહ્યું, "દેવદત્ત , ડરશો નહીં. જો તમે આ બિલ ચૂકવી શકવા સક્ષમ નથી, તો ચિંતા કરશો નહીં. આ રકમ માફ કરી દેવામાં આવશે. તમે ચિંતા છોડી દો."
પરંતુ ડોક્ટરના શબ્દોનો દેવદત્ત પર વિપરીત પ્રભાવ પડ્યો. તે વધુ જોરથી રડવા લાગ્યો.
દેવદત્ત એ પોતાની જાત પર કાબૂ મેળવ્યો. તેણે આંસુ લૂછ્યા અને તેણે કહ્યું: "હું આ ૫૦૦૦ રૂપિયાની ની રકમ પર નથી રડી રહ્યો. અને એ પણ નથી કે હું તેને ચૂકવી શકવા સક્ષમ નથી. હું ખૂબ નસીબદાર છું કે મારી પાસે આ રકમ ચૂકવવા માટે બચત છે. હું તો એટલા માટે રડી રહ્યો છું કે, છેલ્લા ૯૩ વર્ષથી ઈશ્વરે મને આ અનમોલ શ્વાસો (Breath) આપ્યા છે. અને આ ૯૩ વર્ષમાં, મેં ક્યારેય એક દિવસના શ્વાસ માટે પણ પરમાત્માને એક રૂપિયો પણ ચૂકવ્યો નથી."
તેણે આગળ કહ્યું, "જો માત્ર એક દિવસના વેન્ટિલેટરનો ઉપયોગ કરવાની કિંમત ૫૦૦૦ રૂપિયા છે, તો તમે કલ્પના કરી શકો છો કે ૯૩ વર્ષ સુધી, એટલે કે ૩૩,૯૪૫ દિવસ સુધી, નિઃશુલ્ક શ્વાસ લેવા બદલ મારે ઈશ્વરનો કેટલો મોટો આભાર માનવો જોઈએ? અને મેં ક્યારેય, એક પણ ક્ષણ માટે, ઈશ્વરનો આભાર નથી માન્યો. આ રકમ મને મારી કૃતઘ્નતા (Ingratitude) ની યાદ અપાવી રહી છે, જેના માટે હું શરમ અનુભવી રહ્યો છું."
દેવદત્ત હવે માત્ર એક દર્દી નહોતો, પરંતુ એક દાર્શનિક બની ગયો હતો. ત્યાં ઊભેલા દરેક વ્યક્તિને સમજાયું કે જીવનનું સાચું મૂલ્ય કઈ બાબતમાં છે. પૈસાથી દવા અને સારવાર ખરીદી શકાય છે, પરંતુ જીવનની દરેક ક્ષણ, દરેક શ્વાસ જે પરમાત્માની કૃપાથી મળે છે, તે અનમોલ છે.
આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ આ જ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा ।
तत्तदेवावगच्छ त्वं मम तेजोंऽशसंभवम् ॥ શ્રીમદ ભગવદ ગીતા ૧૦-૪૫
"આ સંસારમાં જે કંઈ પણ ઐશ્વર્યવાન (ઐશ્વર્યથી યુક્ત), શ્રીમાન (સંપત્તિ અને કાંતિવાન) અને શક્તિશાળી (તેજસ્વી) વસ્તુઓ છે, તે બધું જ મારા તેજના અંશમાંથી ઉત્પન્ન થયેલું છે – એમ તું જાણી લે."
આપણા શ્વાસો, આપણું શરીર, આ સુંદર સૃષ્ટિ, બધું જ ઈશ્વરની કૃપા છે. આપણે ભલે ભૌતિક સુખ-સુવિધાઓ માટે ધન ખર્ચીએ, પરંતુ જીવનની મૂળભૂત ભેટો માટે આપણે હંમેશા કૃતજ્ઞ રહેવું જોઈએ.
આપણે દરરોજ સવારે જાગીએ ત્યારે, જમીએ ત્યારે અને સુઇએ ત્યરે ઈશ્વરનો આભાર માનવો જોઈએ.
"ઉઠતા જાગતા ને સુતા જાગતા,
જમતા,રમતાં ને વિશ્વ ભમતા ,
તારા જ ગુણગાન ગાઈએ.
દરેક શ્વાસે તારું નામ બોલી,
જીવન સાર્થક બનાવીએ."
તે દિવસથી, તે હોસ્પિટલમાં માત્ર કોરોનાના દર્દીઓ સાજા નહોતા થતા, પણ દરેક વ્યક્તિ જીવનનું સાચું મૂલ્ય પણ સમજવા લાગી હતી.
ब्रह्मघ्ने च सुरापे च चौरे भग्नव्रते तथा।
निष्कृतिर्विहिता राजन् कृतघ्ने नास्ति निष्कृतिः॥
હે રાજન! બ્રહ્મહત્યા કરનાર, મદ્યપાન (દારૂ) કરનાર, ચોરી કરનાર અને વ્રતનો ભંગ કરનાર- આ પાપીઓ માટે પણ શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત (નિષ્કૃતિ) બતાવવામાં આવ્યું છે, પરંતુ ઉપકારને ભૂલી જનાર (કૃતઘ્ન) વ્યક્તિ માટે દુનિયામાં કોઈ પ્રાયશ્ચિત નથી.