સંસ્કારબીજ ની ટેવ Harshad Kanaiyalal Ashodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંસ્કારબીજ ની ટેવ

સંસ્કારબીજ ની ટેવ

 

નાનકડો છોડ બે આંગળીએ ઉખડી ગયો, પરંતુ એ જ પાઠ જ્યારે વિશાળ વડવૃક્ષ સામે આવ્યો ત્યારે શિષ્યને સમજાયું કે માણસની ટેવો પણ મૂળિયાં જેવી જ હોય છે.
જે ટેવને શરૂઆતમાં રોકી શકાય છે, તે સમય જતાં જીવનને જ પોતાની પકડમાં લઈ લે છે—આ બોધકથા તમને તમારા અંતરમાં ઊગેલા ‘નાના છોડ’ને ઓળખવા મજબૂર કરશે.
 

 

 

 

સૂર્યાસ્તની રતાશ પર્વતોની ધાર પર ઢળી રહી હતી. વનરાજી વચ્ચેથી પસાર થતી કેડી પર પાનખરના સૂકા પર્ણોના મર્મર ધ્વનિ સિવાય સમસ્ત પ્રકૃતિ ગંભીર મૌનમાં લીન હતી. આ નીરવ શાંતિમાં આશ્રમ તરફ ડગલાં માંડી રહેલા મહાતપસ્વી આચાર્ય અને તેમના પ્રખર બુદ્ધિશાળી પણ અહંકારની છાયામાં ઘેરાયેલા યુવાન શિષ્ય વચ્ચે ચાલતા સંવાદો અટકી ગયા હતા.

 

મનની ચંચળતા અને અવિચારી ટેવો માણસને કેવા અંધકારમાં ધકેલે છે, તે આચાર્ય પોતાના શિષ્યને માત્ર શાસ્ત્રાર્થથી નહીં પણ અનુભૂતિના એરણે ચડાવીને સમજાવવા માંગતા હતા. ચાણક્યની નીતિ કહે છે:


दुराचारी च दुर्दृष्टिर्दुरावासी च दुर्जनः।

 

यन्मैत्री क्रियते पुंसा नरः शीघ्रं विनश्यति॥

 

દુરાચારી, કુદ્રષ્ટિ રાખનાર, અધર્મી સ્થાનમાં રહેનાર અને કુટેવવાળા દુર્જન સાથે જે મનુષ્ય મૈત્રી કે સંબંધ બાંધે છે, તેનો વિનાશ અત્યંત શીઘ્ર થાય છે.

 

ચાલતાં ચાલતાં આચાર્ય એકાએક અટક્યા. માર્ગની બરાબર મધ્યમાં માટીની ભીનાશમાંથી હજુ ગઈકાલે જ ફૂટેલો, કૂંપળ સમાન એક નાનકડો અંકુર ઊગી નીકળ્યો હતો. આચાર્યે શિષ્ય તરફ અંગુલિનિર્દેશ કરીને આજ્ઞા આપી, "વત્સ, પેલા ક્ષુદ્ર છોડને ઉખેડી ફેંકી દે."

 

 

 

 

 

 

શિષ્યના મુખ પર અછડતું સ્મિત આવ્યું. તે મનોમન બોલ્યો: "શેરડીના સાંઠા આગળ તરણું શું?" તેણે માત્ર બે આંગળીઓની ચપટી ભરી અને સહજ ભાવે છોડને ખેંચી લીધો. જમીને પણ જાણે કોઈ વિરોધ વિના તે કોમળ મૂળિયાંને મુક્ત કરી દીધાં. શિષ્યે વિજયી ભાવથી આચાર્ય સામે જોયું.

 

તેઓ થોડા આગળ વધ્યા. માર્ગની કિનારે ગોઠણ સમાણો, થોડા સમયથી મૂળિયાં જમાવી ચૂકેલો એક કાંટાળો છોડ દ્રષ્ટિગોચર થયો. આચાર્યે ગંભીર સ્વરે કહ્યું, "હવે આને પણ જડમૂળથી ઉખાડી નાખ."

शनैः पन्थाः शनैः कन्था शनैः पर्वतमूर्धनि।
शनैर्विद्या शनैर्वित्तं पञ्चैतानि शनैः शनैः॥

રસ્તો કાપવો, ગોદડી સીવવી, પર્વત ચડવો, વિદ્યા મેળવવી અને ધન કમાવવું—આ પાંચ વસ્તુઓ ધીમે-ધીમે અને સતત અભ્યાસ (આદત) રાખવાથી જ સિદ્ધ થાય છે.

 

શિષ્ય આગળ વધ્યો. આ વખતે બે આંગળીઓ પૂરતી નહોતી. તેણે બંને હાથથી છોડની ડાળી પકડી અને પૂરું જોર લગાવીને ઝટકો માર્યો. છોડ ઉખડી તો ગયો, પણ સાથે માટીના મોટા ઢેફા ઊખડ્યા અને શિષ્યની હથેળીમાં કાંટા ભોંકાતાં લોહીના ટશિયા ફૂટ્યા. શિષ્યે મનોમન વિચાર્યું કે આચાર્ય આજે તેની બાહુબળની કસોટી કરી રહ્યા છે.

 

ત્યાં જ શાશ્વત સત્ય આચાર્યના ચિત્તમાં ઘૂંટાતું હતું:


दोषोत्पातेन महता नश्यन्ति विपुलाः श्रियः।

अल्पोऽपि हि समुत्पन्नो दोषो नाशे प्रवर्तते॥  હિતોપદેશ

 

દોષ કે દુર્ગુણ ભલે આરંભમાં અતિ અલ્પ હોય, પણ જો તેને વકરવા દેવામાં આવે તો તે ભલભલી મહાન સંપત્તિ અને સદ્ગુણોનો સર્વનાશ નોંતરે છે.

 

હજુ થોડું અંતર કાપ્યું ત્યાં જ માર્ગના વળાંક પર સદીઓ જૂનો, આકાશને આંબવા મથતો એક મહાકાય વડલો ઊભો હતો. તેની શાખાઓ દિગંત સુધી વિસ્તરેલી હતી, વડવાઈઓ જમીનમાં ખૂંપીને થડ બની ગઈ હતી અને તેનાં અગણિત મૂળિયાં પાતાળ સુધી વિસ્તરેલાં હતાં. વડલાની છાયા નીચે અંધકાર ઘેરાઈ રહ્યો હતો.

 

આચાર્ય સ્થિર ઊભા રહ્યા. તેમની આંખોમાં વેધક ગંભીરતા હતી. તેમણે તે વિરાટ વૃક્ષ તરફ હાથ લંબાવીને ધીર ગંભીર સાદે કહ્યું, "બેટા, હવે તારી સમગ્ર શક્તિ લગાવીને આ વૃક્ષને સમૂળગું ઉખેડી નાખ."

 

શિષ્ય દિગ્મૂઢ બની ગયો. તેની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ. તે આશ્ચર્ય અને લાચારીના મિશ્રણ સાથે પોકારી ઊઠ્યો, "ગુરુદેવ! આપ આ શું કહી રહ્યા છો? આ તો યુગો પુરાણું અડીખમ વૃક્ષ છે! આના મૂળિયાં ધરતીના ઉદરમાં ક્યાંય સુધી ઊંડે ઊતરેલા છે. હું તો પામર માનવી છું, દસ બળવાન પુરુષો એકઠા થાય કે હાથીઓનું ઝૂંડ જોતરાય, તોય આ વડલાનું એક પાંદડું પણ હલાવવું અશક્ય છે. 'પાણી પહેલાં પાળ ન બાંધીએ, તો પૂર સામે લાચાર થવું પડે'—આ વૃક્ષ હવે અજેય છે!"

 

ત્યારે આચાર્ય મંદ સ્મિત રેલાવી શિષ્યની સમીપ આવ્યા. તેમણે સ્નેહપૂર્વક શિષ્યના ખભા પર હાથ મૂક્યો અને માનવમનના ગહન રહસ્યને ઉઘાડતાં કહ્યું:

 

"વત્સ, મનુષ્યના ચિત્તમાં આકાર લેતી ટેવો—આદતોનું પણ આવું જ વિરાટ શાસ્ત્ર છે. જ્યારે કોઈ દુર્ગુણ કે આળસ રૂપી કુટેવ હૃદયમાં જન્મ લે છે, ત્યારે તે પેલા પ્રથમ અંકુર જેવી કોમળ હોય છે. સહેજ સંકલ્પબળથી તેને ઉખાડી ફેંકી શકાય છે. જો ઉપેક્ષા કરો, તો તે બીજા છોડની જેમ હાથ લોહીલુહાણ કરીને માંડ પીછો છોડે છે. પરંતુ જો તમે તેને મૌન સંમતિ આપી વર્ષો સુધી પોષતા રહો, તો તે આ વટવૃક્ષ જેવી અટલ બની જાય છે. પછી માનવી પોતાની જ કુટેવોનો આજીવન ગુલામ બની જાય છે."

 

 

ક્ષણિક સુખની લાલચે જે ટેવ મનમાં રોપીએ,

 

સમય જતાં એ બંધનોમાં જાત આખી હોમીએ;

 

અંકુર મહીંથી ઊખડે તો મુક્ત આ સંસાર છે,

 

વૃક્ષ થઈ બંધાય જો, તો જીવતેજીવ હાર છે.


શિષ્ય મસ્તક ઝુકાવીને ઊભો રહ્યો. તેની અંદરના અહંકાર અને પ્રમાદના પડળો ખરી પડ્યા હતા. વનની ક્ષિતિજે સંધ્યાનો તારક ચમકી ઊઠ્યો હતો અને શિષ્યના અંતરમાં બોધનો નવો સૂર્યોદય થઈ ચૂક્યો હતો.

 

જે ટેવ આજે માત્ર પગની ધૂળ જેવી મામૂલી લાગે છે, તે આવતીકાલે લોખંડની સાંકળ બનીને આત્માને જકડી લેશે—તેનાથી બચવાનો એકમાત્ર ઉપાય છે: પ્રથમ પ્રહારે જ મૂળ પર ઘા.

को हि भारः समर्थानां किं दूरं व्यवसायिनाम् ।

को विदेशः सविद्यानां कः परः प्रियवादिनाम् ॥

સમર્થ લોકો માટે કોઈ પણ ભાર મુશ્કેલ નથી હોતો, પરિશ્રમ કરવાની ટેવ ધરાવતા ઉદ્યમીઓ માટે કોઈ સ્થાન દૂર નથી હોતું, વિદ્વાનો માટે કોઈ દેશ પરાયો નથી હોતો અને મધુર બોલવાની ટેવ ધરાવતા લોકો માટે કોઈ અજાણ્યું નથી હોતું.