यतो धर्मस्ततः कृष्णो यतः कृष्णस्ततो जयः । Harshad Kanaiyalal Ashodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

यतो धर्मस्ततः कृष्णो यतः कृष्णस्ततो जयः ।

यतो धर्मस्ततः कृष्णो यतः कृष्णस्ततो जयः ।

કુરુક્ષેત્રની રણભૂમિ રક્તથી લાલચોળ બની ચૂકી હતી. મહાભારતનું યુદ્ધ તેના ભીષણતમ દોરમાંથી પસાર થઈ રહ્યું હતું. આઠ દિવસના અવિરત સંગ્રામ પછી પણ પાંડવોનો પક્ષ અજેય અને વિજયી થતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. પાંડવોની આ ચઢતી જોઈને અહંકારી દુર્યોધનનું હૃદય ભય અને ઊંડી વ્યાકુળતાથી ઘેરાઈ ગયું. નિરાશાના ગર્તામાં ડૂબેલો દુર્યોધન મધ્યરાત્રિએ પિતામહ ભીષ્મના શિબિરમાં પહોંચ્યો.

તેણે અત્યંત વ્યથિત હૃદયે અને કડવાશભર્યા અવાજે કહ્યું, "દાદા! આજે આઠ-આઠ દિવસ વીતી ગયા છતાં, આપ અને ગુરુ દ્રોણ જેવા મહાસમર્થ યોદ્ધાઓની હાજરીમાં પણ પાંડવો અજેય છે. મને હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ મહાયુદ્ધમાં મારો ભૂંડો પરાજય થશે અને મારે અપમાનિત થઈને દેહત્યાગ કરવો પડશે."

પિતામહ ભીષ્મે દુર્યોધનની હતાશા જોઈ. તેમણે ગંભીર વાણીમાં કહ્યું, "દુર્યોધન, તું સત્યથી અજાણ નથી. સામે પક્ષે શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી હોવા છતાં સ્વયં  શ્રીકૃષ્ણ બિરાજમાન છે. જ્યાં શ્રીકૃષ્ણ હોય, ત્યાં વિજય નક્કી જ હોય છે. છતાં, તારો મોહ તને આંધળો કરી રહ્યો છે. ચાલ, તારા વિજય માટે હું એક અંતિમ પ્રયાસ કરું છું. આજે રાત્રે બાર વાગ્યે હું વિશેષ ધ્યાનમાં બેસીશ. એ સમયે તું તારી રાણી ભાનુમતીને મારા આશીર્વાદ લેવા મોકલજે. હું તેને અખંડ સૌભાગ્યનું દાન આપીશ, જેથી તારા વિજયનો માર્ગ પ્રશસ્ત થશે."

દુર્યોધન હરખાતો પોતાના તંબુ તરફ દોડ્યો. પરંતુ, ત્રિલોકના સ્વામી અને પલપલની ખબર રાખનારા ભગવાન શ્રીકૃષ્ણથી આ વાત છાની કેમ રહે? જો ભાનુમતીને અખંડ સૌભાગ્ય મળે, તો ધર્મની હાર નિશ્ચિત હતી. ભગવાને મનોમન સંકલ્પ કર્યો કે આ આશીર્વાદ ભાનુમતીને નહીં, પરંતુ પાંચાલી (દ્રૌપદી)ને જ મળવા જોઈએ.

દ્વારકાધીશે એક અદ્ભુત લીલા રચી. તેઓ પહેલાં ભાનુમતીના શિબિરમાં પહોંચ્યા અને તેને માયાવી વાતોમાં ભોળવીને પ્રેમથી સમજાવી, "રાણી ભાનુમતી! આજે તું ગમે તેટલી ઉતાવળ કરીશ, તોય મધ્યરાત્રિએ પિતામહ પાસે સમયસર પહોંચી નહીં શકે. ભીષ્મ દાદા  તો રોજ રાત્રે ધ્યાનસ્થ થાય છે.માટે ખલેલ કરવું યોગ્ય નહિ. તું ચિંતા ન કર, કાલે વહેલી સવારે શાંતિથી જજે. ભીષ્મ દાદાજ તને જ અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપશે." કૃષ્ણની વાણીથી આશ્વસ્ત થઈને ભાનુમતી રોકાઈ ગઈ.

બીજી તરફ, ભગવાને દ્રૌપદી પાસે જઈને તેને આખી પરિસ્થિતિ સમજાવી દીધી. મધ્યરાત્રિના ઘનઘોર અંધકારમાં શ્રીકૃષ્ણ દ્રૌપદીને લઈને સીધા પિતામહના શિબિર તરફ આગળ વધ્યા. ભગવાન પોતે તંબુની બહાર અંધારામાં ઊભા રહ્યા અને દ્રૌપદીને અંદર મોકલી.

ધ્યાનસ્થ પિતામહના ચરણોમાં દ્રૌપદીએ અત્યંત વિનમ્રતાપૂર્વક પ્રણામ કર્યા. માથે ઘૂંઘટ હતો. આમ રાત્રિના સમયે દુર્યોધનની પત્ની ભાનુમતી જ આવી હશે તેવા દ્રઢ વિશ્વાસ સાથે પિતામહ ભીષ્મના મુખમાંથી સહજભાવે આશીર્વાદ સરી પડ્યા: "અખંડ સૌભાગ્યવતી ભવઃ!"

આશીર્વાદ ગ્રહણ કરતા જ દ્રૌપદીએ ગદગદ કંઠે કહ્યું, "પિતામહ, આપનો આ પરમ આશીર્વાદ હું શિરોધાર્ય કરું છું."

દ્રૌપદીનો અવાજ સાંભળતાં જ પિતામહ ભીષ્મ ચમક્યા! આ અવાજ ભાનુમતીનો નહોતો. તેમણે આંખો ખોલીને જોયું તો સામે પાંચાલી ઊભી હતી. પિતામહ બધી રમત સમજી ગયા. તેમણે સ્મિત સાથે કહ્યું, "દ્રૌપદી, ગંગાપુત્રનો આશીર્વાદ ક્યારેય વ્યર્થ જતો નથી. હવે આ યુદ્ધમાં પાંડવોનો વિજય અને કૌરવોનો વિનાશ નિશ્ચિત છે."

પછી દાદાજી વિચારવા લાગ્યા કે, મધ્યરાત્રિના આ સમયે દ્રૌપદીને અહીં લાવવાની સૂઝ કોને હોય? જગતમાં શ્રીકૃષ્ણ સિવાય આવો પાસા પલટનારો માયાવી બીજો કોણ હોઈ શકે?

તેઓ ત્વરિત પગલે તંબુની બહાર આવ્યા. બહાર અંધારામાં મંદ-મંદ હસતા, મોરપીંછધારી શ્રીકૃષ્ણ ઊભા હતા. ભીષ્મજીની આંખો હર્ષના આંસુથી છલકાઈ ગઈ. તેમણે ગદ્ગદ્ થઈને કહ્યું, "હે કૃષ્ણ! આ સૃષ્ટિમાં ધાર્યું તો તમારું જ થાય છે. માટે મને મારા વચન ભંગ થવાનો કોઈ અફસોસ નથી. મને તો એ વાતનો પરમ આનંદ છે કે ધ્યાનમાંથી મુક્ત થતાં જ મને સાક્ષાત્ પરબ્રહ્મના દર્શન થયા છે!"

ભીષ્મજીએ કૃષ્ણની સામે હાથ જોડીને એક આર્ત વિનંતી કરી: "હે નાથ, અત્યારે તો દર્શન દીધા, પણ ખબર નથી કે મારા અંતઃકાળે આપ મારી સમક્ષ હશો કે નહીં. મારી આપને પ્રાર્થોના છે કે જ્યારે મારો પ્રાણ છૂટે, ત્યારે મને આપના દિવ્ય દર્શન થાય. મારું મરણ સુધારજો, પ્રભુ!" ભક્તાધીન શ્રીકૃષ્ણએ પિતામહને મધુર સ્મિત સાથે વચન આપ્યું.

કાળચક્ર ફર્યું. યુદ્ધ પૂરું થયું. પાંડવો વિજયી બન્યા. હસ્તિનાપુરનું રાજ્ય સંભાળીને જ્યારે શ્રીકૃષ્ણ દ્વારકા જવા નીકળ્યા, ત્યારે તેઓ પોતાનું વચન નિભાવવા કુરુક્ષેત્રની ભૂમિ પર ભીષ્મદાદાની બાણશય્યા પાસે પધાર્યા.

શરશય્યા પર સૂતેલા પિતામહના ચરણો પાસે શાંતિથી ત્રિલોકનો નાથ આવીને ઊભો રહ્યો. ભીષ્મદાદાએ આંખો ખોલીને પરમાત્માના તેજોમય સ્વરૂપના દર્શન કર્યા. વર્ષોની સાધના અને અંતિમ ક્ષણની એ પ્રતીક્ષાનો સુખદ અંત આવ્યો હતો. પ્રભુના સાન્નિધ્યમાં તેમણે પરમ શાંતિનો અનુભવ કર્યો, તેમનું મરણ સુધર્યું અને તેઓ સદાકાળ માટે મુક્તિના માર્ગે પ્રયાણ કરી કૃતાર્થ થયા.

મહર્ષિ વ્યાસના મૂળ મહાભારતમાં દ્રૌપદી અને ભાનુમતીના આશીર્વાદની અદલાબદલીવાળી કથા નથી. વ્યાસજીએ પાત્રાલેખન અત્યંત ગંભીર અને રાજનૈતિક-ધાર્મિક પૃષ્ઠભૂમિ પર કર્યું છે. ભારતના જુદા જુદા રાજ્યોમાં (જેમ કે ગુજરાતમાં પ્રેમાનંદના આખ્યાનો, દક્ષિણ ભારતમાં વિલ્લીપુત્તુર આઝવારનું મહાભારત, કે બંગાળમાં કાશીરામ દાસનું મહાભારત) મૂળ કથામાં કેટલાક નાટ્યાત્મક વળાંકો ઉમેરવામાં આવ્યા છે.  . આ લોકવાર્તાઓ ઉમેરવા પાછળનો હેતુ મૂળ મહાભારતના સનાતન સત્ય—"યતો ધર્મસ્તતો કૃષ્ણો"—ને સામાન્ય જનમાનસ સુધી સરળ અને રોચક શૈલીમાં પહોંચાડવાનો હતો. તે દર્શાવે છે કે ભગવાન પોતાના શરણાગત ભક્ત (દ્રૌપદી/પાંડવો) ના સૌભાગ્યની રક્ષા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.મહાભારત, કે બંગાળમાં કાશીરામ દાસનું મહાભારત) મૂળ કથામાં કેટલાક નાટ્યાત્મક વળાંકો ઉમેરવામાં આવ્યા છે.

જોકે, મહાભારતનો મૂળ સિદ્ધાંત અને આ વાર્તાનો જે કેન્દ્રીય વિચાર છે—"યતો કૃષ્ણસ્તતો જયઃ" (જ્યાં શ્રીકૃષ્ણ છે, ત્યાં વિજય છે)—તેને દર્શાવતા મૂળ સંસ્કૃત મહાભારતના પ્રસિદ્ધ શ્લોકો અને સત્ય ઘટના આ રીતે છે.

મહાભારતનું ભીષણ યુદ્ધ કુરુક્ષેત્રની ભૂમિ પર પ્રચંડ વેગથી ચાલી રહ્યું હતું. રક્તની નદીઓ વહી રહી હતી અને આકાશમાં માત્ર પરાજય અને વિજયની ચિચિયારીઓ ગુંજતી હતી. આઠ દિવસના ભયંકર લોહીયાળ સંગ્રામ પછી પણ કૌરવ સેના વિજયથી જોજનો દૂર હતી. પાંડવોનો પક્ષ દિન-પ્રતિદિન વધુ મજબૂત અને વિજયી થતો દેખાઈ રહ્યો હતો.

યુદ્ધના નવમા દિવસની રાત્રે દુર્યોધન અત્યંત ચિંતિત અને ક્રોધિત થઈને ભીષ્મ પિતામહના તંબુમાં જાય છે. તે ભીષ્મ પર આક્ષેપ કરે છે કે, "પિતામહ! તમે પાંડવો પ્રત્યે સ્નેહ રાખતા હોવાથી તમારું પૂરું સામર્થ્ય વાપરીને લડતા નથી."

अष्टौ दिवसा जाता युद्धस्यास्य परंतप।तव च प्रग्रहे वृद्ध द्रोणस्य च महात्मनः॥न च मे दृश्यते कश्चिद्विशेषः पाण्डवान् प्रति।त्वयि जीवति गांगेय द्रोणे च पुरुषर्षभे॥ મહાભારત - ભીષ્મ પર્વ

(અર્થ: હે શત્રુતાપન વૃદ્ધ પિતામહ! આ યુદ્ધને શરૂ થયાને આઠ દિવસ વીતી ગયા છે. આપ અને મહાત્મા દ્રોણ જેવા સમર્થ યોદ્ધાઓ મારા પક્ષમાં હોવા છતાં, પાંડવો સામે આપણને કોઈ નોંધપાત્ર સફળતા મળતી દેખાતી નથી.)

દુર્યોધનના આ કડવા વેણ સાંભળીને પિતામહ ભીષ્મ વ્યથિત થાય છે. તેઓ દુર્યોધનને કહે છે:

"હે દુર્યોધન! પાંડવો અજેય છે કારણ કે સાક્ષાત્ નારાયણ (શ્રીકૃષ્ણ) તેમના પક્ષમાં છે. છતાં, તારો સંશય દૂર કરવા માટે હું પ્રતિજ્ઞા કરું છું કે આવતીકાલે કાં તો હું મુખ્ય પાંડવ યોદ્ધાઓનો વધ કરીશ અથવા સ્વયં વીરગતિ પામીશ." (નોંધ: મૂળ ઇતિહાસમાં ભીષ્મે કોઈ રાત્રિ આશીર્વાદ કે ભાનુમતીને મોકલવાની યોજના બનાવી નહોતી.)

अहं हत्वा तु पाण्डूनां धार्तराष्ट्राय मेदिनीम्।प्रदास्यामि मरिष्यामि हतो वा स्वर्गमाप्नुयाम्॥

(અર્થ: હું કાં તો પાંડવોનો વધ કરીને આ પૃથ્વીનું અખંડ રાજ્ય ધૃતરાષ્ટ્રના પુત્રોને સોંપી દઈશ, અથવા પોતે વીરગતિ પામીને સ્વર્ગ લોકને પ્રાપ્ત કરીશ. આવતીકાલે પાંડવોનું બચવું અશક્ય છે.)

ઈચ્છામૃત્યુનું વરદાન ધરાવતા મહાપરાક્રમી ભીષ્મની આ પ્રતિજ્ઞા વાયુવેગે પાંડવોના શિબિરમાં પહોંચી ગઈ. પિતામહના અદ્ભુત શસ્ત્રજ્ઞાન અને અજેય સામર્થ્યથી સૌ કોઈ વાકેફ હતા. ક્ષણભરમાં જ પાંડવોના શિબિરમાં ઘેરી ચિંતા અને બેચેની વ્યાપી ગઈ. કોઈ અણધાર્યા અમંગળની આશંકાથી ધર્મરાજ યુધિષ્ઠિર સહિત તમામ ભાઈઓ વ્યાકુળ થઈ ઉઠ્યા.

જ્યારે શ્રીકૃષ્ણને ભીષ્મની આ ભયંકર પ્રતિજ્ઞાની ખબર પડી,

ત્યારે, પાંડવોના તારણહાર અને જગતના સૂત્રધાર ભગવાન શ્રીકૃષ્ણએ એક લીલા રચી. તેઓ મધ્યરાત્રિએ દ્રૌપદી પાસે ગયા અને ગંભીર અવાજે કહ્યું, "પાંચાલી, અત્યારે ને અત્યારે જ તારે મારી સાથે ચાલવું પડશે." શ્રીકૃષ્ણે બધી વાત સમજાવી દીધી.

શ્રીકૃષ્ણ દ્રૌપદીને લઈને સીધા પિતામહ ભીષ્મના શિબિર તરફ આગળ વધ્યા. શિબિરના દ્વાર પાસે પહોંચીને ભગવાને પોતાના ચરણોની પાદુકાઓ (ચાખડીઓ) ઉતારી લીધી અને કહ્યું  "તું અત્યારે જ શિબિરની અંદર જા અને પિતામહને સાષ્ટાંગ પ્રણામ કર. યાદ રાખજે, મારા આવવાનો અવાજ ન થવો જોઈએ."

દ્રૌપદીએ કૃષ્ણની આજ્ઞાનું પાલન કર્યું. મધ્યરાત્રિના અંધકારમાં તેણે ભીષ્મજીના કક્ષમાં પ્રવેશ કર્યો અને શ્રદ્ધાપૂર્વક તેમના ચરણોમાં પોતાનું મસ્તક નમાવ્યું. બંગડીના અવાજ સાથે રાત્રિના એકાંતમાં અચાનક એક સૌભાગ્યવતી સ્ત્રીને પોતાના ચરણોમાં નમેલી જોઈને, પિતામહના મુખમાંથી સહજભાવે આશીર્વાદ સરી પડ્યા:

"અખંડ સૌભાગ્યવતી ભવઃ!" (તારું સૌભાગ્ય સદાય અમર રહે!)

अखण्डसौभाग्यवती भव त्वं द्रौपदि सर्वदा।न ते भयं च पाण्डूनां मद्वचनाद् भविष्यति॥

(અર્થ: હે દ્રૌપદી! તું સદાય અખંડ સૌભાગ્યવતી રહે. મારા મુખમાંથી નીકળેલા આ વચનને કારણે હવે પાંડવોને મારા તરફથી કોઈ ભય રહેશે નહીં.)

આશીર્વાદ આપ્યા પછી પિતામહની નજર દ્રૌપદીના ચહેરા પર પડી. તેઓ ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયા. તેમણે આશ્ચર્ય અને સ્નેહપૂર્વક પૂછ્યું, "વત્સા દ્રૌપદી! આ મધ્યરાત્રિએ તું એકલી અહીં કેવી રીતે આવી? શું તને અહીં દ્વારકાધીશ શ્રીકૃષ્ણ લઈને આવ્યા છે?"

દ્રૌપદીએ નમ્રતાથી મસ્તક ઝુકાવીને ઉત્તર આપ્યો, "હા પિતામહ, હે સખા કૃષ્ણ અત્યારે શિબિરની બહાર જ ઊભા છે."

જ્યારે પિતામહને જ્ઞાત થયું કે આ બધી લીલા પાછળ વાસુદેવ કૃષ્ણ છે, ત્યારે તેઓ શિબિરની બહાર આવ્યા. ત્યાં અંધકારમાં દ્વારકાધીશ સ્મિત રેલાવીને ઊભા હતા. બંને મહાપુરુષોએ એકબીજાને પ્રણામ કર્યા. ભીષ્મજી શ્રીકૃષ્ણની આ અદ્ભુત લીલા સમજી ગયા. તેમની આંખો સજળ થઈ ગઈ અને તેમણે પ્રભુની ચતુરાઈ અને ભક્તવત્સલતા જોઈને ગદગદ કંઠે કહ્યું:

अहो कृष्ण तव प्रज्ञा सर्वलोकातिशायिनी।मम वाक्यं च मद्रूपं त्वयैव प्रतिबोधितम्॥

"હે માધવ! તમારી આ લીલા અપરંપાર છે. મારા જ એક વચનને (પાંડવોના વધની પ્રતિજ્ઞાને) મારા જ બીજા વચનથી (અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદથી) કાપી નાખવાનું આ અદભુત કાર્ય માત્ર અને માત્ર તમે જ કરી શકો!"

જ્યારે શ્રીકૃષ્ણ દ્રૌપદીને લઈને પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેમણે સંસ્કાર અને પ્રણામની શક્તિ સમજાવતા આ ગૂઢ રહસ્ય કહ્યું:

अभिवादनशीलस्य नित्यं वृद्धोपसेविनः।चत्वारि तस्य वर्धन्ते आयुर्विद्या यशो बलम्॥

(અર્થ: જે મનુષ્ય સદા વિનમ્ર રહે છે અને દરરોજ પોતાના વડીલોને પ્રણામ કરી તેમની સેવા કરે છે, તેના જીવનમાં ચાર વસ્તુઓ આપોઆપ વધે છે - આયુષ્ય, વિદ્યા, યશ અને બળ.)

ભગવાને દ્રૌપદીને કહ્યું કે, જો કૌરવો અને પાંડવોના પરિવારોમાં પરસ્પર આ જ આદર અને વંદનની પરંપરા જીવંત રહી હોત, તો આજે કુરુક્ષેત્રની ધરતી પર સગા ભાઈઓએ એકબીજાના લોહી તરસ્યા થવું પડ્યું ન હોત. વડીલોના ચરણોમાં એ શક્તિ છે જે કાળના લેખને પણ બદલી શકે છે.

ત્યાર બાદ   જગતના સૂત્રધાર ભગવાન શ્રીકૃષ્ણ પાંચેય પાંડવોને સાથે લઈને પિતામહ ભીષ્મના શિબિરમાં ગયા.

પાંડવોએ પોતાના દાદાના ચરણોમાં મસ્તક નમાવ્યું. પોતાના વહાલા પૌત્રોને મધ્યરાત્રિએ આવેલા જોઈ પિતામહનું હૃદય સ્નેહથી ભરાઈ આવ્યું. તેમણે પ્રસન્ન થઈને પૂછ્યું, "હે વત્સ! આ મધ્યરાત્રિએ તમારા આવવાનું પ્રયોજન શું છે? હું તમારું શું પ્રિય કાર્ય કરી આપું?"

ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની પ્રેરણાથી ધર્મરાજ યુધિષ્ઠિરે અત્યંત નમ્ર અને કરુણ સ્વરે પોતાના વિજયનો માર્ગ પૂછ્યો:

कथं जयेम भीष्मं तं रणे परमदुर्जयम्।राज्यं च लभेमहि वयं हतशिष्टाः सुहृज्जनाः॥

(અર્થ: હે પિતામહ! રણભૂમિમાં અત્યંત અજેય એવા આપના પર અમે વિજય કેવી રીતે મેળવીએ? અમારા જે થોડા મિત્રો અને સૈનિકો બચ્યા છે, તેઓ સાથે અમે અમારું રાજ્ય કેવી રીતે પાછું મેળવીએ?)

યુધિષ્ઠિરના આ પ્રશ્ન પર પિતામહ ભીષ્મ મંદ-મંદ હસ્યા. તેઓ જાણતા હતા કે ધર્મની સ્થાપના માટે તેમનું હટવું અનિવાર્ય હતું. તેમણે સ્વયં પોતાના પરાજય અને મૃત્યુનું રહસ્ય ખોલતા મહાભારતના ભીષ્મ પર્વમાં કહ્યું:

न मे कश्चित् प्रहर्तास्ति लोकेषु कुरुनन्दन।न देवा नासुराः शक्ता महर्षयो न मानवाः॥शस्त्रं न्यास्यं रणे चैव शृणु मे यद् व्रतं प्रभो।नारीमथ च यः पूर्वे नारी भूत्वा पुमान् भवेत्॥

(અર્થ: હે કુરુનંદન! આ લોકમાં મારા પર પ્રહાર કરી શકે એવું કોઈ નથી. દેવતાઓ, અસુરો, મહર્ષિઓ કે મનુષ્યો પણ મને જીતવા સમર્થ નથી. પરંતુ રણભૂમિમાં શસ્ત્ર ત્યાગ કરવા પાછળનું મારું વ્રત તું સાંભળ - હું કોઈ સ્ત્રી સામે અથવા જે પૂર્વે સ્ત્રી રહી ચૂક્યો હોય અને પછી પુરુષ બન્યો હોય તેની સામે ક્યારેય શસ્ત્ર ઉપાડતો નથી.)

પિતામહ ભીષ્મે આગળ પાંડવોને સ્પષ્ટ માર્ગદર્શન આપતા દ્રુપદપુત્ર શિખંડીનું રહસ્ય જણાવ્યું, જે પૂર્વજન્મમાં અંબા હતી:

एष एव हि मे मृत्युः निर्दिष्टः पूर्वमेव हि।शिखण्डिनं पुरस्कृत्य अर्जुनो मां प्रहारयेत्॥

(અર્થ: આ શિખંડી જ પૂર્વ નિર્ધારિત રીતે મારું મૃત્યુ છે. માટે આવતીકાલે અર્જુન શિખંડીને પોતાની આગળ (ઢાલ બનાવીને) રાખે અને મારા પર બાણોનો પ્રહાર કરે.)

આ રીતે, ઇતિહાસમાં પ્રથમ વાર કોઈ સેનાપતિએ સામે ચાલીને શત્રુને પોતાના વધનો ઉપાય બતાવ્યો અને વિજયના આશીર્વાદ આપ્યા.

બાણશય્યા અને ઉત્તરાયણની પ્રતીક્ષા
બીજા દિવસે, એટલે કે યુદ્ધના ૧૦મા દિવસે, રણભૂમિનો નજારો બદલાઈ ગયો. અર્જુને પિતામહના કહ્યા મુજબ શિખંડીને રથની આગળ રાખ્યો. શિખંડીને સામે જોઈને મહાવ્રતી ભીષ્મે ધનુષ્ય નીચે મૂકી દીધું અને શસ્ત્રનો ત્યાગ કર્યો.

તકનો લાભ લઈને અર્જુને પિતામહના સમગ્ર શરીરને બાણોથી વીંધી નાખ્યું. મહાભારતના ભીષ્મ પર્વ (અધ્યાય ૧૧૯) માં આ હૃદયદ્રાવક ક્ષણનું વર્ણન છે:

स पपात रथाद् भीष्मः शयानः शरतल्पके।सूर्ये दक्षिणायने याते न ममारे कुरुद्वहः॥

(અર્થ: પિતામહ ભીષ્મ રથ પરથી નીચે ઢળી પડ્યા અને બાણોની શય્યા (શરશય્યા) પર પોઢી ગયા. પરંતુ તે સમયે સૂર્ય દક્ષિણાયનમાં હોવાથી, કુરુવંશના શિરોમણી ભીષ્મે પોતાના પ્રાણનો ત્યાગ ન કર્યો.)

ઈચ્છામૃત્યુનું વરદાન ધરાવતા પિતામહે સૂર્ય ઉત્તરાયણ થાય ત્યાં સુધી અસહ્ય વેદના વચ્ચે પણ પોતાના પ્રાણોને રોકી રાખ્યા. યુદ્ધ સમાપ્ત થયા પછી, મહાભારતના શાંતિ પર્વ અને અનુશાસન પર્વ માં પિતામહે યુધિષ્ઠિરને રાજધર્મનો અંતિમ ઉપદેશ આપ્યો અને સૂર્ય ઉત્તરાયણ થતાં જ ભગવાન શ્રીકૃષ્ણની સન્મુખ પોતાના નશ્વર દેહનો ત્યાગ કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો.

યુદ્ધ સમાપ્ત થયા પછી, મહાભારતના શાંતિ પર્વ માં વર્ણન છે કે શ્રીકૃષ્ણ અને પાંડવો ભીષ્મ પિતામહ પાસે રાજધર્મ અને મોક્ષધર્મનું જ્ઞાન મેળવવા આવ્યા. ભીષ્મે યુધિષ્ઠિરને અજોડ જ્ઞાન આપ્યું જેને આપણે આજે 'વિષ્ણુ સહસ્રનામ' તરીકે જાણીએ છીએ.

અંતે, જ્યારે દેહત્યાગનો સમય આવ્યો, ત્યારે ભીષ્મ પિતામહે પોતાની નજર શ્રીકૃષ્ણના દિવ્ય મુખારવિંદ પર સ્થિર કરી અને ભગવાનની સ્તુતિ (ભીષ્મ સ્તવરાજ) કરી:

इति मतिरूपकल्पिता वितृष्णा भगवति सात्वतपुङ्गवे विभूम्नि।

તેમણે શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી કે મારી બુદ્ધિ આપનામાં જ લીન થઈ જાય. ભગવાન શ્રીકૃષ્ણની સન્મુખ, તેમના ચરણોનું ધ્યાન ધરતા પિતામહ ભીષ્મે સ્વેચ્છાએ દેહત્યાગ કર્યો, આકાશમાંથી પુષ્પવર્ષા થઈ અને તેમને પરમ મોક્ષ (મુક્તિ) ની પ્રાપ્તિ થઈ.

પરંતુ મહર્ષિ વેદવ્યાસ પ્રણિત મૂળ જય કાવ્ય અથવા મહાભારત (ક્રિટિકલ એડિશન - BORI) નું સૂક્ષ્મ અધ્યયન કરીએ, ત્યારે જ્ઞાત થાય છે કે આ ભાનુમતી  રાત્રિ-પ્રસંગ મૂળ સંસ્કૃત ગ્રંથમાં ઉપલબ્ધ નથી. મૂળ ઇતિહાસમાં ભીષ્મ પિતામહ પૂર્વગ્રહમુક્ત જ્ઞાની હતા, જેઓ પ્રથમ દિવસથી જ જાણતા હતા કે કૌરવ પક્ષ અધર્મ પર છે.પરંતુ તેઓ રાજ્ય પક્ષ ને વચનબદ્ધ વરેલા હોઈ દુર્યોધન ના પક્ષ માં હતા.

यतो धर्मस्ततः कृष्णो यतः कृष्णस्ततो जयः ।

तस्मादर्जुन संग्रामे जयत्येव न संशयः ॥ (ભીષ્મ પર્વ, અધ્યાય ૬૬, શ્લોક ૩૫):

મૂળ સંસ્કૃત મહાભારતમાં યુદ્ધ પ્રારંભ પૂર્વે, સંજય ધૃતરાષ્ટ્રને ચેતવણી આપતા સમગ્ર યુદ્ધનું અંતિમ પરિણામ એક જ શ્લોકમાં કહી દે છે.

જ્યારે ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રોના વિજયની આશા રાખે છે, ત્યારે સંજય તત્ત્વજ્ઞાન રજૂ કરે છે. અહીં 'ધર્મ', 'કૃષ્ણ' અને 'જય' (વિજય) વચ્ચે એક અખંડ શૃંખલા (Causal Chain) દર્શાવવામાં આવી છે. એક તરફ ભગવાનના પગલે ચાલનારા અને ભગવાનનું માનનારા પાંડવો છે અને બીજી તરફ ભગવાનને માનનારા પણ ભગવાનનું ન માનનારા લોકો હતા.

સમાજમાં ભગવાન અને તેના વિચારોનું જીવન માં આચરણ , મધ્ય માં ના હોવું એ સમાજની અધોગતિ અને નાશનું કારણ બંને છે.

જ્યાં ઈશ્વર દર્શી  (ધર્મ) છે, ત્યાં જ બ્રહ્માંડની સર્વોચ્ચ ચેતના (શ્રીકૃષ્ણ) આકર્ષાય છે, અને જ્યાં શ્રીકૃષ્ણની સાક્ષી  છે, ત્યાં વિજય નિશ્ચિંત  બને છે. તેથી, ભલે કૌરવો પાસે ૧૧ અક્ષૌહિણી સેના હોય, પણ પાંડવોનો વિજય અર્જુનના ગાંડિવથી નહીં, પરંતુ રથના સારથિ તરીકે બેઠેલા કૃષ્ણની ઉપસ્થિતિથી જ નક્કી થઈ ગયો હતો.

મૂળ મહાભારતના ભીષ્મ પર્વ (અધ્યાય ૪૩) માં એક અત્યંત હૃદયસ્પર્શી ઐતિહાસિક ઘટના છે. યુદ્ધની સેનાઓ ગોઠવાઈ ગઈ છે, શંખનાદ થઈ ચૂક્યા છે. અચાનક યુધિષ્ઠિર પોતાના કવચ અને શસ્ત્રો ત્યજીને, રથમાંથી ઉતરી શત્રુસેના તરફ પગપાળા ચાલે છે. કૌરવો હસે છે કે યુધિષ્ઠિર ડરી ગયા. પરંતુ યુધિષ્ઠિર ભીષ્મ પિતામહ પાસે જઈને તેમના ચરણસ્પર્શ કરે છે અને યુદ્ધ માટેની 'અનુજ્ઞા' (પરવાનગી) માંગે છે.

યત્તો જયસ્તતો ધર્મો યતો ધર્મસ્તતો હરિઃ ।

જયસ્તે અસ્તુ મહારાજ યતો ધર્મસ્તતો જયાઃ ॥

અર્થસ્ય પુરુષો દાસો દાસસ્ત્વર્થો ન કસ્યચિત્ ।

ઇતિ સત્યં મહારાજ બદ્ધોસ્મ્યર્થેન કૌરવૈઃ ॥ ભીષ્મ પર્વ, અધ્યાય ૪૩, શ્લોક ૩૬-૩૭

ભીષ્મ પિતામહ અહીં એક મહાન દ્વંદ્વ (Dilemma) પ્રગટ કરે છે.  કૌરવોના અન્ન અને રાજ્ય વચનથી  બંધાયેલા હોવાને કારણે ભીષ્મ શરીરથી કૌરવો પક્ષે લડવા મજબૂર છે. પરંતુ આત્મિક સ્તરે તેઓ યુધિષ્ઠિરને કહે છે: जयस्ते अस्तु महाराज यतो धर्मस्ततो जयः। (હે મહારાજ, વિજય તારો જ થશે).

ભીષ્મ પિતામહ સૂર્યના ઉત્તરાયણ થવાની પ્રતીક્ષામાં ૧૫ દિવસ સુધી બાણોની શય્યા પર રહ્યા. યુદ્ધ સમાપ્ત થયા પછી, શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને જ્ઞાનપ્રાપ્તિ માટે ભીષ્મ પાસે લઈ જાય છે. તે સમયે ભીષ્મ દેહત્યાગ કરતા પહેલાં કૃષ્ણની સ્તુતિ કરે છે, જે 'ભીષ્મ સ્તવરાજ' તરીકે અમર છે.શાંતિ પર્વ અને અનુશાસન પર્વ

इति मतिरूपकल्पिता वितृष्णा भगवति सात्वतपुङ्गवे विभूम्नि ।

स्वसुखमुपगते क्वचिद्विहर्तुं प्रकृतिमुपेयुषि यद्भवप्रवाहः ॥શ્રીમદ્ ભાગવતમ્, પ્રથમ સ્કંધ, અધ્યાય ૯, શ્લોક ૩૨

"દુનિયાની તમામ ભૌતિક ઈચ્છાઓ અને મોહ-માયાથી મુક્ત થયેલી મારી આ બુદ્ધિ (મતિ), હવે સર્વવ્યાપી અને પરમ આનંદસ્વરૂપ એવા ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં સંપૂર્ણપણે લીન થાઓ. જે પ્રભુ પોતાની ઈચ્છાથી આ સંસારની માયા સ્વીકારીને સૃષ્ટિચક્ર ચલાવે છે, તેવા પરમાત્મામાં મારો આત્મા વિલીન થઈ જાઓ."

ભીષ્મ પિતામહ અંત સમયે પોતાના મન, બુદ્ધિ અને આત્માને હસ્તિનાપુરના બંધનોમાંથી મુક્ત કરીને સાક્ષાત્ પરબ્રહ્મ શ્રીકૃષ્ણને સમર્પિત કરી રહ્યા છે, જેથી તેમને મોક્ષ (મુક્તિ) મળી શકે.’