ભારતીય જાસૂસી સંસ્થા ના વડા અને એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના વડા પોતાના ઉચ્ચ અધિકારીઓ સાથે અને દિલ્હી પોલીસ સાથે એક મહત્વની મીટીંગ યોજે છે. આ મીટીંગમાં આવનારા ૨૪ કલાક નો એકશન પ્લાન પણ ચર્ચા કરવામાં આવે છે. શ્રી અશોક બસુએ માહિતી આપતા કહ્યું:
"મિત્રો આપણી સાથે બહુ મોટી રમત રમવામાં આવી છે. આતંકવાદીઓ ની યોજના કંઈક અલગ જ હતી. આપણે બધા કાશ્મીરમાં ધ્યાન કેન્દ્રિત કરી બેઠા હતા ત્યારે એમણે કેમીકલ હુમલો કરવા માટે યોજના તૈયાર કરી લીધી.
આપણે હસન અને બીજા આતંકવાદી ની વાતો સાંભળીને શસ્ત્રો નો એક નાનકડો જથ્થો અને તેમનો એક નિષ્ક્રિય કમાન્ડર દિલાવર ખાન ને કબજે કરી ખૂબ ખુશ થઈ ગયા કે આપણે જીતી ગયા પણ હકીકતમાં આ એક રમત હતી.
આપણી બધી જ શકિત અને ધ્યાન કાશ્મીરમાં કેન્દ્રીત કરીને દિલ્હીમાં કંઈક મોટું કરવા માટે આ યોજના હતી. હસન અને જે વિદેશી કંપની એ ડીલીવરી લીધી છે તે આઈ પી એડ્રેસ એક જ છે. એટલે આ જાણીજોઈને બનાવામાં આવેલ પ્લાન હતો. પણ હવે આપણા પાસે સમય નથી.
કાલે એટલે કે ૨૬ જાન્યુઆરીએ હુમલો થવાનો છે એ ખબર પાક્કી છે. પણ આ કેમીકલ કયા રસ્તે દિલ્હી પહોંચ્યા છે કે પહોચશે એ બધી જ માહિતી આપણે જાણવી પડશે. બીજું કે અહીં જે લોકોએ ઓર્ડર આપ્યો છે એની વિગતો મારે આજ રાત સુધી ગમે તેમ જોઈએ. કાલે જયાં પણ વડાપ્રધાન અને ઈગ્લેંડ ના પ્રમુખ જશે ત્યાં બધે જ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દો.
દરેક કલાક ની અપડેટ મને જોઈએ. ઓલ ધ બેસ્ટ. "
તારીખ: ૨૫ જાન્યુઆરી રાત્રે ૯ વાગ્યે
દિલ્હી પોલીસ સ્ટેશનમાં ઈગ્લેંડ ના પ્રતિનિધિ મંડળ ના બે સભ્યો ગુમ થયા હોવાનું જણાવામાં આવે છે. આ બન્ને સભ્યો તેમની હોટલ રૂમમાં ન મળ્યા. કાલે કાશ્મીર જવા માટે એમની સુરક્ષા તપાસ કરવાની હોવાથી જયારે બોલાવામાં આવ્યા ત્યારે તેઓ ગાયબ હતા.
ભારતીય જાસૂસી સંસ્થા રાત્રે ૯:૩૦ વાગ્યે
શ્રી અશોક બસુએ આ માહિતી સાંભળતા જ કોઈ મોટા આતંકવાદી હુમલા ની દહેશત વ્યકત કરી. આ બન્ને સભ્યો ની બધી જ માહિતી કઢાવો. એમના ફોટો દિલ્હીમાં દરેક પબ્લીક જગ્યાએ લગાડી દો. આ બન્ને નો જરૂર કોઈ પ્લાન છે.
ભારતીય જાસૂસી સંસ્થા રાત્રે ૧૦:૩૦ વાગ્યે
આ બન્ને વ્યક્તિ ની ઓળખ શકીલ રઝા અને હસન અહેમદ તરીકે થાય છે. આ બન્ને વ્યક્તિ ઈગ્લેંડ ના પ્રતિનિધિ મંડળ મા સાઉદી અરેબિયા થી જોડાઈ હતી. ઈગ્લેંડ ની જ એક ડેરી કંપની એ પોતાના આ બન્ને ઈજનેર ને ઈગ્લેંડ ના પ્રતિનિધિ મંડળ સાથે મોકલ્યા હતા. જે બન્ને વ્યક્તિ ની જગ્યાએ તેમને મોકલવામાં આવ્યા તે બન્ને વ્યક્તિ ની શંકાસ્પદ મૃત્યુ થઈ ગઈ હતી. હવે આ બન્ને વ્યક્તિ આજે સાંજથી જ ગાયબ છે.
૨૫ જાન્યુઆરી રાત્રે ૧૧:૩૦ વાગ્યે
હસન અહેમદ ની ઓળખ એક કેમીકલ ઈજનેર તરીકે થાય છે. તે એક આતંકવાદી સંગઠન સાથે જોડાયેલ છે. હવે તો કેમીકલ હુમલો થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. શકીલ રઝા એક ડેરી ઈજનેર હોય છે. તેના પણ તાર આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોય છે. આ બન્ને સાઉદી અરેબિયા થી ઈગ્લેંડ ના પ્રતિનિધિ મંડળ સાથે જોડાયેલા હતા.
આ બન્ને જણને ભારતીય વીઝા માટે અરજી ઈગ્લેંડ ના હાઈ કમીશન તરફથી મળેલી હતી. જયારે આ માહિતી ઈગ્લેંડ ના હાઈ કમીશન ને મોકલી આપવામાં આવી તો તેમણે આવો કોઈ પણ ઈમેઈલ કર્યો હોય એના માટે ના પાડી. તેમણે એમ કહીને જવાબ આપ્યો કે આ બન્ને વ્યક્તિ ને પરવાનગી ભારતીય સરકાર એ જ આપી હતી.
ભારતીય જાસૂસી સંસ્થા સમજી ગઈ કે બન્ને હાઈ કમીશન (ભારત અને ઈગ્લેંડ) ના મેઈલ આઈડી હેક કરી ખોટા ઈમેઈલ મોકલી ને પરવાનગી લેવામાં આવી છે. પણ હવે આ ઘટનાને કેમ રોકવું?!
શ્રી અશોક બસુએ આ બન્ને વ્યક્તિઓ ૨૫ તારીખે કયાં કયાં ગયા હતા એ બધાની માહિતી મંગાવી. છેલ્લે તેમને હોટલના સીસીટીવી કેમેરા સામે કયારે જોવામાં આવ્યા તેની પણ માહિતી મંગાવી. આ ઘટનાની જાણ મીડિયામાં કેવી રીતે થાય એની તકેદારી રાખવી પડશે એમ સુચના આપવામાં આવી.
પ્રધાનમંત્રી ઓફિસ અને એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ને પણ આ માહિતી આપવામાં આવે છે. પ્રધાનમંત્રી અને ઈગ્લેંડ ના પ્રમુખ નો કાર્યક્રમ જેમ હતો તેમ જ ચાલુ રાખવા માટે કહેવામાં આવે છે. ફક્ત તેમણે કોઈ પણ અજાણી વ્યક્તિ ને નજીક જવા માટે ના પાડવામાં આવે છે.
૨૬ જાન્યુઆરી સવારે ૦૩ વાગ્યે દિલ્હી એરપોર્ટ
ભારતીય પ્રધાનમંત્રી અને ઈગ્લેંડ ના પ્રમુખ ના પ્રતિનિધિ મંડળ ની સુરક્ષા તપાસ કરવામાં આવે છે. ત્યારે મીડિયામાં એવા સમાચાર વહેતા થાય છે કે ઈગ્લેંડ ના પ્રતિનિધિ મંડળ ના બે વ્યક્તિઓ કોઈ મહત્વ ની ફાઈલ ચોરીને ગાયબ થઈ ગયા છે. હસન અને શકીલ ના ફોટો આખા દેશમાં પ્રસારિત કરી દેવામાં આવે છે.
૨૬ જાન્યુઆરી સવારે ૦૪ વાગ્યે ભારતીય જાસૂસી સંસ્થા
જે ટીમ દિલ્હી ના આરોપીઓ ની શોધખોળ કરી રહી હતી તેમણે એક શંકાસ્પદ તરીકે અતીક અહમદ નામની વ્યક્તિ ની ઓળખ કરી લીધી. અતીક અહમદ દિલ્હી ની ડેરીમાં નોકરી કરતો હતો. બીજો આરોપી તેનો કોઈ મિત્ર હતો. આ અતીક અહમદ જ અલગ અલગ કોમ્પ્યુટર પરથી સાયનાઇડ નો ઓર્ડર આપ્યો હતો. અતીક અહમદ ની ધરપકડ કરવા માટે એક ટીમ ને ડેરી મોકલી દેવામાં આવે છે.
૨૬ જાન્યુઆરી સવારે ૦૬ વાગ્યે દિલ્હી એરપોર્ટ
ભારતીય પ્રધાનમંત્રી અને ઈગ્લેંડ ના પ્રમુખ પોતાના ખાસ વિમાન થી કાશ્મીર જવા માટે નીકળી જાય છે.
૨૬ જાન્યુઆરી સવારે ૦૭ વાગ્યે ભારતીય જાસૂસી સંસ્થા
હજુ સુધી ફક્ત આતંકવાદીઓ ની ઓળખાણ જ થઈ છે. તેમને પકડી શકાયા નથી. આ બન્ને આતંકવાદીઓ હસન અહમદ અને શકીલ રઝા ૨૫ તારીખે ઈગ્લેંડ ના પ્રતિનિધિ મંડળ ના સદસ્ય તરીકે દિલ્હી ની ડેરી ની મુલાકાત લેવા ગયા હતા. શકય છે કે કેમીકલ હુમલો આ ડેરીની અંદર જ કરવામાં આવે.
અતીક અહમદ પણ આ જ ડેરીમાં નોકરી કરતો હતો. કાલે એની રાત ની શિફ્ટ હતી. કોઈ પણ ભોગે અતીક અહમદ ને પકડી પાડયા પછી જ પ્લાન ની ખબર પડશે. બપોરે ૧ વાગ્યે તો ભારતીય પ્રધાનમંત્રી અને ઈગ્લેંડ ના પ્રમુખ આ જ ડેરીમાં આવીને અબજો રૂપિયા નો કરાર કરવાના છે.