એક હતો ભિખારી. રેલના ડબ્બામાં ભીડભાડ વચ્ચે તે હાથ લંબાવીને માગતો. એક દિવસ તેની નજર પડી એક સૂટ-બૂટ પહેરેલા સેઠ પર. ચહેરા પર ગૌરવ, આંખોમાં ધીરજ અને હાથમાં સોનાની અંગૂઠી. ભિખારીના મનમાં વિચાર આવ્યો – આ તો ખરેખર અમીર છે, આને માગીશ તો ચોક્કસ સારું મળશે.
याच्ञा नाम मनुष्याणां दैन्यस्य परमं पदम्।
अयाचितं तु यल्लब्धं तदेव सुखदं भवेत्॥
વારંવાર બીજાની પાસે માંગવું એ મનુષ્યને દૈન્ય અને પરાધીનતાની સ્થિતિમાં લઈ જાય છે. જ્યારે માગ્યા વિના જે મળે છે, તે જ સાચું સુખ અને સંતોષ આપે છે.
તે પાસે ગયો અને હાથ લંબાવ્યો. સેઠે તેની તરફ જોયું અને ધીમે અવાજે કહ્યું,
“તું હંમેશાં માગે છે. ક્યારેય કોઈને કંઈ આપ્યું પણ છે?”
ભિખારી હસીને બોલ્યો, “સાહેબ, હું તો ભિખારી છું. મારી ઔકાત ક્યાં છે કે કોઈને કંઈ આપું?”
સેઠે ગંભીરતાથી કહ્યું, “જ્યારે તું આપી શકતો નથી, ત્યારે માગવાનો હક પણ તને નથી. હું વેપારી છું. લેન-દેનમાં જ મારો વિશ્વાસ છે. જો તારી પાસે મને આપવા જેવું કંઈ હોય, તો જ હું તને આપીશ.”
बोधयन्ति न याचन्ते भिक्षाद्वारा गृहे गृहे।
दीयतां दीयतां नित्यमदातुः फलमीदृशम्॥
ઘરે-ઘરે જઈને ભિક્ષા માંગનારા લોકો વાસ્તવમાં (ફક્ત) ભિક્ષા નથી માંગતા હોતા, પરંતુ તેઓ આપણને એવો બોધ (ઉપદેશ) આપે છે કે "નિત્ય દાન આપતા રહો."
જો તમે દાન નહીં આપો, તો દાન ન આપનાર (કંજૂસ કે અદાતા)ની દશા પણ ભિખારી જેવી આના જેવી જ થઈ શકે છે, તેથી સમયસર દાન કરવું જોઈએ।
તે સ્ટેશન આવ્યું. સેઠ ઊતરી ગયો. ભિખારી શેઠની વાત સાથે વિચારતો બેઠો રહ્યો. સેઠની વાણી તેના હૃદયમાં ઘર કરી ગઈ. વાત તો સાચી હતી.
दानं भोगो नाशस्तिस्रो गतयो भवन्ति वित्तस्य।
यो न ददाति न भुङ्क्ते तस्य तृतीया गतिर्भवति॥ ભર્તૃહરિ – નીતિશતક
ધનની ત્રણ ગતિઓ છે – દાન, ભોગ અને વિનાશ. જે ન આપે અને ન ભોગવે, તેનું ધન ત્રીજી ગતિ – વિનાશ – પામે છે.
ભિખારી વિચારવા લાગ્યો – “કદાચ મને વધુ ભિક્ષા એટલા માટે નથી મળતી કે હું બદલામાં કંઈ આપતો નથી. પણ હું ભિખારી છું… હું શું આપું?”
બીજે દિવસે સ્ટેશન પાસે બેઠો હતો ત્યારે તેની નજર પડી છોડ પર ખીલેલા ફૂલો પર. પીળા, લાલ, સફેદ – હવામાં સુગંધ ફેલાતી હતી. તેના મનમાં વિચાર આવ્યો – “આ ફૂલો તો કોઈને આપી શકાય!” આમેય સ્ટેસન પર ઉગેલા છે, બીજા ફૂલો હું વગડા માંથી લઇ આવીશ.
તેણે થોડા ફૂલ તોડ્યા અને ટ્રેનમાં ચઢ્યો. જે કોઈ તેને પૈસા આપતો, તેને બદલામાં એક-બે સુગંધી ફૂલ આપતો. લોકો હસતા, ફૂલ લઈને ખિસ્સામાં મૂકતા. થોડા દિવસમાં તેને અનુભવ થયો – જ્યાં સુધી ફૂલ હતા, ત્યાં સુધી ભિક્ષા વધુ મળતી. ફૂલ ખૂટી જતાં ભિક્ષા પણ ઓછી થઈ જતી.
એક દિવસ ફરી તે જ સેઠ દેખાયા. ભિખારી તરત પાસે ગયો, “સાહેબ, આજે મારી પાસે તમને આપવા ફૂલ છે. તમે મને ભિક્ષા આપો, હું તમને ફૂલ આપીશ.”
સેઠે હસીને પૈસા આપ્યા અને ફૂલ લીધા. પછી કહ્યું, “વાહ! આજે તું પણ મારી જેમ વેપારી બની ગયો! સાબાશ”
આ વાત ફરી ભિખારીના હૃદયમાં ઊતરી ગઈ.
જે આપે છે, તે જ પામે છે,
કર્મ ની ગતિ કર્મ થઇ પાછી ફરે ,
ખાલી હાથે કોઈ ન આવે;
ફૂલ આપ્યા તો ફૂલ મળ્યા,
ભિખારી હવે વેપારી કહાવે.
તે તરત ટ્રેનથી ઊતરી પડ્યો અને આકાશ તરફ જોઈને મોટે અવાજે બોલ્યો,
“હવે હું ભિખારી નથી! હું વેપારી છું! હું પણ શ્રીમંત બની શકું છું!”
લોકો તેને પાગલ સમજીને હસ્યા. બીજે દિવસથી તે સ્ટેશન પર દેખાયો જ નહીં. એક વર્ષ પછી એ જ સ્ટેશન પર અચાનક બે સૂટ-બૂટ પહેરેલા માણસો મળ્યા. એકે બીજાને હાથ જોડીને પ્રણામ કર્યા,
પ્રથમ કોટ પહેરેલા માણસે કહ્યું,“સેઠજી, તમે મને ઓળખ્યા?”
સેઠે કહ્યું, “ના… કદાચ પહેલી વાર મળી રહ્યા છીએ.”
બીજો માણસ હસ્યો, “અમે ત્રણ વાર મળ્યા છીએ. પહેલી વાર તમે મને કહ્યું કે આપ્યા વિના માગવાનો હક નથી. બીજી વાર તમે કહ્યું કે હું વેપારી બની ગયો છું. આજે હું ફૂલોનો મોટો વેપારી છું. તમે મને પ્રકૃતિનો નિયમ શીખવ્યો –
परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ। (શ્રીમદ્ ભગવદ્ ગીતા ૩.૧૧)
એકબીજાને પોષણ આપતા રહો, તો પરમ કલ્યાણ પામશો.
“તમે મને કહ્યું કે હું ભિખારી નથી, વેપારી છું. તે વાતે મારું જીવન બદલી નાખ્યું.”
સેઠે આંખોમાં આંસુ સાથે કહ્યું, “ખરેખર… લેન-દેનનો નિયમ ક્યારેય નિષ્ફળ જતો નથી.”
“જે આપે છે તે પામે છે, અને જે માત્ર માગે છે તે ખાલી હાથે રહે છે.”
वरं पर्वतमूर्धानि पत्तनं वा प्रवासनम्।
वरं तृणगुहेशानं वरं प्राणपरित्यागः न तु याचकमस्तकम्॥
“પર્વતના શિખર પર રહેવું સારું, કે પછી પરદેશમાં જઈને રહેવું સારું; ઘાસની ઝૂંપડીમાં રહીને જીવન પસાર કરવું સારું, જરૂર પડે તો પ્રાણનો ત્યાગ કરવો પણ સારું—પરંતુ કોઈની સામે હાથ ફેલાવીને માંગવું સારું નથી.”
મનુષ્યે મુશ્કેલીમાં પણ પોતાની મહેનત અને પુરુષાર્થ પર વિશ્વાસ રાખવો જોઈએ. જીવનમાં ગરીબી કે કષ્ટ સહન કરવાં પડે તો ભલે સહન કરીએ, પરંતુ વારંવાર બીજાની સામે યાચના કરીને સ્વાભિમાન ગુમાવવો નહીં.
આમ ભિખારી ફૂલોનો વેપારી બની ગયો.
ભિખારીએ પછી પોતાના વ્યવસાયને મોટો કર્યો. તેણે ગામડાંના નાના ખેડૂતો પાસેથી ફૂલો ખરીદવા શરૂ કર્યા. તેમને યોગ્ય ભાવ મળવા લાગ્યો. તેણે ફૂલની ખેતી માટે બીજ આપ્યાં. ઘણા ગરીબ પરિવારોને કામ મળ્યું.
તે કહેતો—
“મારે એક વેપારીએ એક દિવસ કંઈક આપ્યું હતું—પૈસા નહીં, વિચાર. હવે મારી જવાબદારી છે કે હું પણ વિચારો, રોજગાર અને તક વહેંચું.”
આમ તે હવે શ્રીમંત બની ગયો હતો.
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः। (શ્રીમદ્ ભગવદ્ ગીતા ૬.૫)
મનુષ્યનો મિત્ર પણ પોતે છે અને શત્રુ પણ પોતે જ છે. જે પોતાને ઊંચે ઉઠાવે છે, તે સફળ થાય છે