છેલ્લું પાટિયું નિસર્ગ ઠાકર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છેલ્લું પાટિયું

રાતના લગભગ સાડા અગિયાર થયા હતા.

સૌરાષ્ટ્રના સૂકા પ્રદેશમાં ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો હતો. કાચા રસ્તાઓ કાદવમાં ફેરવાઈ ગયા હતા. વીજળી કલાકોથી બંધ હતી અને આખુંય ગામ માત્ર ક્યારેક આકાશમાં ચમકતી વીજળીના ઝબકારા પર જ દેખાતું હતું. વરસાદના ટીપાં લોખંડના છાપરાં પર પડતા ને એ જ અવાજ આખાય વિસ્તારમાં ગુંજતો, પણ એ અવાજ કરતાં પણ વધુ ભયાનક હતી ગામમાં છવાયેલી શાંતિ.

સચિને પોતાની બાઈક ગામના પાદર પાસે ઊભી રાખી. ફોનમાં નેટવર્ક નહોતું. ગૂગલ મેપ છેલ્લા વીસ મિનિટથી એકની એક જ જગ્યાએ અટકેલું હતું. તેણે આસપાસ નજર ફેરવી તો ગામના પ્રવેશદ્વાર પર જૂનો પથ્થર ઊભો કરેલો જોયો. તેના પર ગામનું નામ તો સમયાંતરે ઘસાઈ ગયેલું હતું પરંતુ માત્ર એક જ વાક્ય સ્પષ્ટ વાંચી શકાતું હતું.

"સૂર્યાસ્ત પછી અહીં કોઈ પોતાનું સાચું નામ બોલતું નથી."

સચિન હસી પડ્યો.

"લોકોને ડરાવવા માટે ગામવાળા કશું પણ નથી છોડતા..."

તે આમ ધીમેથી બોલ્યો અને અંદર તરફ ચાલ્યો ગયો. ગામમાં પ્રવેશતા જ તેને પહેલી વિચિત્ર વાત દેખાઈ. દરેક ઘરના દરવાજા પર કાળા રંગથી એક ગોળ નિશાન દોરેલું હતું. નવાઈની વાત તો એ હતી કે દરેક ગોળ નિશાનના કદ એકસરખા. એક પણ ઘર એવું નહોતું જેના દરવાજા પર એ નિશાની ન કરેલી હોય.

બીજી વાત એ કે ગામમાં એક પણ જનાવર દેખાતું નહોતું અને ના એક પણ કૂતરાનો ભસવાનો અવાજ. આના કરતાં પણ અચંભીત કરતી વાત, ગામના એક પણ ઘરમાંથી ટીવી કે રેડિયોનો અવાજ આવતો નહોતો.

જાણે આખું ગામ કોઈની રાહ જોતું હોય...

સચિન એક ચા ની લારી પાસે અટક્યો. લારી ખુલ્લી હતી. અંદર પચાસેક વર્ષનો વૃદ્ધ માણસ ધીમે ધીમે ચુલા પર ચા ગરમ કરી રહ્યો હતો.

“કાકા... એક ચા આપજો.”

માણસે માથું ઊંચું કર્યું ને સચિન તરફ જોયું પણ કંઈ બોલ્યો નહીં. ચા બનાવીને ગ્લાસ સચિન આગળ સરકાવ્યો.

સચિને પૂછ્યું, “ગામમાં રહેવા માટે કોઈ જગ્યા મળશે?”

વૃદ્ધે હળવે માથું હલાવ્યું ને કહ્યું, “મળશે.”

સચિન: “ક્યાં?”

“સવારે.”

સચિનને વાત સમજાઈ નહીં તો તેણે પૂછ્યું, “અત્યારે કેમ નહીં?”

વૃદ્ધ માણસે સળગતા ચુલામાં જ નજર ગોઠવી રાખી અને જવાબ આપ્યો “અત્યારે કોઈ કોઈને ઘરે રાખતું નથી.”

સચિન: "શા માટે?"

આ વખતે વૃદ્ધે સીધી સચિનની આંખોમાં જોયું. “કારણ કે આજે પૂર્ણિમા છે.”

પછી બંને થોડું મૌન છવાઈ ગયું.

અચાનક હસતાં હસતાં સચિન બોલ્યો "એટલે?"

વૃદ્ધે કોઈ જવાબ આપ્યો નહીં.

એટલામાં ગામના મંદિર તરફથી ધીમે ધીમે ઘંટનો અવાજ આવવા લાગ્યો.

એક… બે… ત્રણ… એમ ગણતરીના લગભગ ચોક્કસ બાર ઘંટ વાગ્યા અને અચાનક… આખા ગામના દરવાજા એકસાથે ખુલવા લાગ્યા. જાણે કોઈએ સંકેત આપ્યો હોય એમ.

સ્ત્રીઓ, વૃદ્ધો, યુવાનો ને બાળકો બધા ઘરમાંથી બહાર નીકળ્યા. કોઈ કશું બોલતું નહોતું. કોઈ એકબીજાને જોતું પણ નહોતું. બધા એક જ દિશામાં ચાલવા લાગ્યા. ગામની બહાર આવેલા જૂના દેવસ્થાન તરફ.

સચિને પોતાનો કેમેરો ચાલુ કર્યો. આ જ તો તે શોધવા અહીં આવ્યો હતો. તે પણ ભીડની પાછળ ચાલવા લાગ્યો. વરસાદ હવે વધુ જોરથી વરસી રહ્યો હતો. દેવસ્થાન સુધી પહોંચતાં તેણે જોયું કે એ સામાન્ય મંદિર નહોતું.

અંદર કોઈ મૂર્તિ નહોતી. કોઈ ધજા નહોતી કે નહોતો કોઈ ઘંટ. માત્ર ગોળાકારમાં ગોઠવાયેલા બાર મોટા પથ્થરો અને તેમની વચ્ચે એક ખાલી જગ્યા.

બધા લોકો ગોળાકાર બનાવી ત્યાં ઊભા રહી ગયા. એટલામાં સફેદ ધોતી પહેરેલો એક વૃદ્ધ ધીમે ધીમે આગળ આવ્યો અને એણે આંખો બંધ કરી. આખું દેવસ્થાન સંપૂર્ણ શાંત થઈ ગયું. પછી એણે એક જ વાક્ય કહ્યું... “આજની રાતે કોઈ પોતાનું નામ નહીં બોલે.”

થોડા સમયના મૌન બાદ બીજું વાક્ય કહ્યું, “જો કોઈ તમને તમારા જ પ્રિય માણસના અવાજમાં બોલાવે... તો પણ પાછળ ફરીને જોતા નહીં."

આ સાંભળી સચિનના ચહેરા પર ફરી સ્મિત આવ્યું. એણે મનમાં વિચાર્યું, વાહ... આખું ગામ શું નાટક કરે છે. પણ એ જ ક્ષણે… તેના પાછળથી એક ધીમો અવાજ આવ્યો. એકદમ ઓળખીતો,  

“સચિન…”

તેનું શરીર એક ક્ષણ માટે સ્થિર થઈ ગયું કારણકે તે અવા જ તેની મોટી બહેનનો હતો. એ જ બહેન… જેનું પાંચ વર્ષ પહેલાં અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

આ અવાજ સાંભળતા જ સચિનનું જાણે ગળું સુકાઈ ગયું. વરસાદના અવાજ વચ્ચે ફરી એક વાર એ જ અવાજ સંભળાયો “સચિન... મારી સામે જો તો”

તેનો શ્વાસ ભારે થઈ ગયો. પાંચ વર્ષ પહેલાં અકસ્માતમાં ગુમાવેલી પોતાની બહેનનો અવાજ તે ક્યારેય ભૂલી શક્યો નહોતો. એ જ મમતા, એ જ ધીમો સ્વર અને એ જ બોલાવવાનો ઢંગ. એક ક્ષણ માટે તેણે પાછું વાળીને જોવાની ઇચ્છા રોકી લીધી. એટલામાં વૃદ્ધનો કડક અવાજ આખા દેવસ્થાનમાં ગૂંજી ઊઠ્યો.

“કોઈ પાછળ નહીં જુએ, ભલે મૃત્યુ પણ પોતાના સ્વજનોનો અવાજ લઈને કેમ ન આવે.”

સચિને આશ્ચર્યથી વૃદ્ધ તરફ જોયું, જાણે વૃદ્ધને ખબર હતી કે તેની પાછળથી કોણ બોલાવી રહ્યું છે.

થોડી જ વારમાં બીજાં લોકોના ચહેરા પણ બદલાવા લાગ્યા. કોઈની આંખોમાં આંસુ હતા, કોઈના હોઠ ધ્રૂજી રહ્યા હતા, તો કોઈ બંને કાન પર હાથ દબાવીને બેઠું હતું છતાં એક પણ માણસ પાછળ ફરીને જોતો નહોતો. એટલામાં ભીડની વચ્ચેથી દસ-અગિયાર વર્ષનો એક છોકરો અચાનક ઊભો થયો.

“મા... મને ડર લાગે છે”

તે ધીમે ધીમે પાછળ ફરી રહ્યો હતો. તેની માતાએ તેનો હાથ મજબૂતીથી પકડી લીધો. “મિતુલ બેટા ના... પાછળ નહીં જો.”

પણ એ જ ક્ષણે પાછળથી સ્ત્રીનો મીઠો અવાજ આવ્યો. “મિતુલ... બેટા... હું તારી દાદી”

આ સાંભળતા જ છોકરાની આંખોમાં ચમક આવી ગઈ. “દાદી...?”

તેના મોઢામાંથી શબ્દ નીકળ્યો અને તેણે એક ઝટકે પાછળ ફરીને જોયું.

આગળ શું થયું, એ કોઈ સમજી પણ ન શક્યું. કોઈ ચીસ પડી નહીં કે કોઈ ધડાકો પણ થયો નહીં. માત્ર દેવસ્થાનમાં સળગતી બધી મીણબત્તીઓ એકસાથે હોલવાઈ ગઈ. વરસાદ વધુ તીવ્ર થઈ ગયો અને થોડી ક્ષણો પછી જ્યારે એક વૃદ્ધે ફરી દીવો પ્રગટાવ્યો, ત્યારે જ્યાં મિતુલ ઊભો હતો ત્યાં માત્ર વરસાદથી ભીંજાયેલો ભીનો પથ્થર દેખાતો હતો. છોકરો ત્યાંથી ગાયબ હતો. જાણે પળવાર પહેલાં ત્યાં કોઈ ઊભું જ ન હોય.

સચિન તરત આગળ દોડ્યો ને પૂછ્યું “એ ક્યાં ગયો? કોઈએ જોયું?” 

એક પણ માણસે જવાબ આપ્યો નહીં. મિતુલની માતા પણ શાંત હતી. એના ચહેરા પર કોઈ જ પ્રકારનું દુઃખ નહોતું કે ભય પણ નહોતો. માત્ર એક ઊંડી સ્વીકૃતિ હતી.

થોડી વાર પછી વૃદ્ધ ધીમે બોલ્યા, “આજની વિધિ અહીં પૂરી થાય છે.”

બધા લોકો કોઈ ચર્ચા કર્યા વગર પોતાના ઘરની દિશામાં પાછા વળી ગયા. સચિન દોડી મિતુલની માતા પાસે પહોંચ્યો, “તમારો દીકરો ક્યાં ગયો?”

સ્ત્રીએ આશ્ચર્યથી તેની સામે જોયું. “મારો દીકરો?”

“હા... હમણાં જ તો…” તેની વાત અધૂરી રહી ગઈ.

સ્ત્રીએ શાંતિથી જવાબ આપ્યો. “ શું બોલો છો તમે ભાઈ, મારા તો હજુ લગ્ન જ નથી થયા.”

સચિનના પગ નીચેની જમીન સરકી ગઈ. તે તરત ગામની શાળામાં પહોંચ્યો અને હાજરીનું રજિસ્ટર જોયું. ત્યાં મિતુલ નામનો એક પણ વિદ્યાર્થી નહોતો. પછી આંગણવાડી, ગ્રામ પંચાયત, જન્મ-મરણના દાખલાઓ એમ દરેક જગ્યાએ એક જ જવાબ આ ગામમાં 'મિતુલ' નામનો કોઈ છોકરો ક્યારેય જન્મ્યો જ નહોતો.

સચિને થરથરતા હાથે કેમેરો ચાલુ કર્યો ને વિચાર્યું કે “ઓછામાં ઓછું વીડિયો તો પુરાવો આપશે…” પણ સ્ક્રીન પર જે દેખાતું હતું, તે જોઈને તેના હાથમાંથી કેમેરો લગભગ છૂટી ગયો.

વિડિયોમાં આખું દેવસ્થાન દેખાતું હતું. ગોળાકારમાં ઊભેલા બધા ગામવાળા પણ દેખાતા હતા પણ જ્યાં મિતુલ ઊભો હતો ત્યાં શરૂઆતથી જ ખાલી જગ્યા હતી. જાણે આખી રાત દરમિયાન ત્યાં કોઈ આવ્યું જ ન હોય.

ત્યાંથી બહાર નીકળ્યો સચિન જે ગામમાં હમણાં થોડા ક્ષણ પહેલા ભીડ હતી ત્યાં હવે તે એકલો પડી ગયો હતો. વરસાદ ધીમો પડી ગયો હતો, પરંતુ આકાશ હજુ પણ વાદળોથી ઘેરાયેલું હતું. કાદવમાં પડતાં દરેક પગલાંનો અવાજ હવે તેને અસ્વાભાવિક રીતે મોટો સંભળાતો હતો.

થોડી દૂર જઈને તેણે પાછળ ફરી દેવસ્થાન તરફ જોયું તો આખુંય દેવસ્થાન અંધકારમાં ડૂબી ગયું હતું. ગણતરીના સમય પહેલાં જ્યાં સો કરતાં વધુ લોકો ઊભા હતા, ત્યાં હવે જાણે વર્ષોથી કોઈ આવ્યું જ ન હોય એવી નિર્જનતા છવાઈ ગઈ હતી.

સચિને ખિસ્સામાંથી સિગારેટ કાઢી. તેનો હાથ ધ્રૂજતો હતો બે વાર દીવાસળી સળગાવી છતાં પવનનો સૂસવાતો તેને તરત જ હોલવી દેતો હતો.

“આખું ગામ ભેગું થઈને નાટક કરે છે પણ શા માટે?” આ સવાલ વારંવાર તેના મનમાં ગૂંજતો હતો ને તે સીધો ચા ની લારી તરફ ગયો.

લારી હજુ ખુલ્લી હતી. એ જ વૃદ્ધ ચા બનાવવામાં વ્યસ્ત હતા. જાણે થોડા સમય પહેલાં દેવસ્થાનમાં જે બન્યું હતું, એની તેમને કોઈ ખબર જ ન હોય. ત્યાં પહોંચીને સચિને સીધો પ્રશ્ન કર્યો. “મિતુલ ક્યાં છે?”

વૃદ્ધનો હાથ એક પળ માટે અટકી ગયો. પછી તેમણે ધીમેથી પૂછ્યું, “કોણ મિતુલ?”

“એ જ છોકરો જે દેવસ્થાનમાં હતો અને તમારી આંખો સામે ગાયબ થઈ ગયો.”

વૃદ્ધે લાંબો શ્વાસ લીધો ને ચા નો કપ સચિન સામે મૂકી દીધો. 

“બેટા, આ ગામમાં શબ્દો વિચારીને બોલવા પડે.”

“મારે જવાબ જોઈએ છે બસ”

“જવાબ ક્યારેક માણસને બચાવે છે અને ક્યારેક આખી જિંદગી છીનવી લે છે તેની જાણ છે તને?”

સચિનની ધીરજ ખૂટી રહી હતી. “તમે સીધી વાત કરો.”

વૃદ્ધે પહેલી વાર તેની આંખોમાં ઊંડું જોયું, “આજે રાત પૂરી થાય ત્યાં સુધી એ નામ ફરી ક્યારેય ઉચ્ચારતો નહીં.”

“શા માટે?”

“કારણ કે જે નામને આ અંધકાર ભરેલી રાત સ્વીકારી લે છે એ નામ પછી માણસનું રહેતું નથી."

સચિન હસી પડ્યો, “આવી વાર્તાઓથી હું ડરતો નથી.”

વૃદ્ધે કોઈ જવાબ આપ્યો નહીં અને માત્ર એક જૂનો પિત્તળનો ગ્લાસ ધોઈને ઊંધો મૂકી દીધો.

એ ગ્લાસની અંદર સચિનને પોતાનો ચહેરો ઝાંખો દેખાયો. પરંતુ ચહેરાની પાછળ જાણે કોઈ ઊભું હોય એવો આભાસ થયો. તે તરત પાછળ ફરી ગયો પણ પાછળ કોઈ નહોતું તો ફરી ગ્લાસમાં જોયું. તો હવે તેની પાછળ કોઈની ઝાંખી ઊભી હતી. સચિને તે ગ્લાસ હાથમાં લીધો અને ગ્લાસ સીધો કરતાં પ્રતિબિંબ ત્યાંથી ગાયબ થઈ ગયું.

તે ફરી વૃદ્ધ તરફ વળ્યો. “આ ગ્લાસ ક્યાંથી લાવ્યા?”

વૃદ્ધના ચહેરા પર પહેલી વાર હળવું સ્મિત દેખાયું. “આ ગામમાં અરીસા નથી.”

સચિન: “શું?”

“વર્ષો પહેલાં અમે ગામના બધા અરીસા તોડી નાખ્યા.”

“કેમ?”

વૃદ્ધે કોઈ જ જવાબ ન આપ્યો. એટલામાં જ દૂર ક્યાંકથી ઘુવડનો અવાજ સંભળાયો. વૃદ્ધે તરત માથું ઊંચું કર્યું. તેમના ચહેરા પરથી લોહી ઊડી ગયું હોય એમ લાગતું હતું. તેઓ ધીમેથી બોલ્યા, “બેટા... હવે તું અહીંથી જતો રહે.”

“પણ, હજુ તો મારી તપાસ શરૂ થઈ છે.”

“ના” વૃદ્ધનો અવાજ પહેલી વાર ધ્રૂજ્યો. તારી તપાસ શરૂ નથી થઈ પણ કોઈ બીજાની જરૂર શરૂ થઈ ગઈ છે.

હજુ સચિન કંઈ સમજે એ પહેલાં જ ચા ની લારીની પાછળથી ભીનાં પગલાંનો અવાજ આવવા લાગ્યો

છપ… છપ… છપ… જાણે કોઈ કાદવમાં ખુલ્લા પગે ધીમે ધીમે તે તરફ આવી રહ્યું હોય.

વૃદ્ધે આંખો મીંચી લીધી ને ધીમેથી બોલ્યા “પાછળ જોતો નહીં”

સચિને આ વખતે વૃદ્ધની વાત માનવાનું નક્કી કર્યું પણ અવાજ હવે એટલો નજીક આવી ગયો હતો કે તેને સ્પષ્ટ લાગતું હતું કે કોઈ તેની પાછળ ઊભું છે.

એટલેથી અંત ના આવ્યો તેના જમણા કાનની બાજુમાં કોઈએ ખૂબ ધીમેથી ફૂસફૂસાવ્યું “સચિન…”

‘ના’ એ અવાજ તેની બહેનનો નહોતો. આ વખતે એ અવાજ… સચિનનો પોતાનો જ હતો. સચિનના હોઠ સુકાઈ ગયા. પોતાના જ અવાજમાં પોતાનું નામ સાંભળવું એ અનુભવ શબ્દોમાં વર્ણવી શકાય એવો નહોતો. એણે ધીમે ધીમે પાછળ વળવાની હિંમત કરી. પણ પાછળ... કોઈ જ નહોતું. માત્ર વરસાદ, ભીનું આંગણું અને કાદવમાં પડેલાં પોતાના જ પગલાં.

સચિન ઊંડો શ્વાસ લીધો ને પોતાને સમજાવ્યું કે આખા દિવસની મુસાફરી, અપૂરતી ઊંઘ અને ગામનો આ વિચિત્ર માહોલ તેના મન સાથે રમત રમી રહ્યું છે. “પણ, હું પાગલ તો નથી થઈ રહ્યો ને” તેણે ધીમેથી પોતાના મનમાં કહ્યું.

આ બાધા ખ્યાલોમાં ચાની લારીનો વૃદ્ધ ક્યાંક ગાયબ થઈ ગયો હતો. લારી પરના વાસણમાં હજુ પણ ધીમે ધીમે ચા ઉકાળવાનો અવાજ હતો, પણ તેને સંભાળનાર કોઈ નહોતું. આખું ગામ ફરી એક વાર જાણે નિર્જન બની ગયું.

સચિને નક્કી કર્યું કે હવે ગમે તે થાય અત્યારે ને અત્યારે સીધું ગામના સરપંચને જ મળવું છે. હકીકત જો કોઈ જાણતું હશે, તો એ આ ગામનો વડો જ જાણતો હશે.

સરપંચનું ઘર ગામના છેવાડે હતું. જૂનું કાચું મકાન જેના આંગણામાં એક લીમડાનું ઝાડ અને ઝાડની ડાળી પર બાંધેલા ડઝન જેટલા નાનકડા લાકડાના પાટિયા. દરેક પાટિયા પર એક એક નામ કોતરેલું હતું. વરસાદના પાણીથી ઘણા અક્ષરો ઝાંખા થઈ ગયા હતા પણ જેમ-તેમ સચિન એક પછી એક નામ વાંચવા લાગ્યો. રઘુ, જશોદા, મોહન, કિરણ… આમ ને આમ બધા નામ વાંચ્યા પણ એક છેલ્લું પાટિયું ખાલી હતું. જેમાં એક પણ અક્ષર લખેલો નહોતો. એટલામાં જ પાછળથી કર્કશ અવાજ આવ્યો.

“આ ખાલી પાટિયું ક્યારેય હાથમાં લેવું નહીં.”

સચિન ચમકી ઊઠ્યો. 

સરપંચ ઘરના બારણામાં ઊભા હતા. સફેદ દાઢી, ગંભીર આંખો અને ચહેરા પર એવો થાક જાણે વર્ષોથી ઊંઘ્યા જ ન હોય.

“આ નામ કોના છે?” સચિને પૂછ્યું.

સરપંચે થોડું મૌન પાળ્યું. પછી ધીમેથી બોલ્યા.

“જેમને અમે બચાવી ન શક્યા.”

“બચાવી ના શક્યા… પણ કોનાથી?”

સરપંચે સીધો જવાબ ન આપ્યો. “તું શહેરમાંથી આવ્યો છે. તને વાતોમાં નહીં તર્કમાં વિશ્વાસ છે એટલે કદાચ તને અમારી એક પણ વાત સાચી નહીં લાગે.”

“તો તમે સાચી વાત કરો.”

સરપંચ ધીમે ધીમે આંગણામાં આવ્યા ને તેમણે ખાલી પાટિયું હાથમાં લીધું. “દર બાર વર્ષે આ ગામમાંથી એક માણસ જતો રહે છે.”

“મૃત્યું પામ્યા છે?”

“ના.”

“તો?”

“મૃત્યુ તો સહેલું હોય છે, બેટા.” આ સાંભળી સચિન ચૂપ રહી ગયો.

સરપંચે આગળ કહ્યું “જે જાય છે તે એની યાદ પણ સાથે લઈ જાય છે.”

“એટલે?”

“જે માણસ અહીંથી જાય એના વિશે ધીમે ધીમે બધું ભૂલાઈ જાય છે. એનો અવાજ, એનો ચહેરો, એનું હાસ્ય, અહીં સુધી કે એક દિવસ એનું નામ પણ.”

સચિને હળવું સ્મિત કર્યું. “માફ કરજો કાકા, પણ આવી વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.”

સરપંચે પણ સ્મિત કર્યું. મુશ્કેલ છે… એટલે જ તું કદાચ આજે અહીં ઊભો છે. તેમણે ખિસ્સામાંથી એક જૂનો કાળો-સફેદ ફોટોગ્રાફ કાઢ્યો.

“આ જો.”

ફોટામાં ગામના લોકો ઊભા હતા. વચ્ચે સરપંચ પોતાની યુવાનીમાં. બાજુમાં તેમની પત્ની, બે દીકરીઓ અને બિલકુલ વચ્ચે એક માણસ ઊભો હતો. ફોટામાં એ ભાગ વિચિત્ર રીતે ઘસાઈ ગયો હતો. જાણે કોઈએ માત્ર એ માણસનો ચહેરો જ કાળજીપૂર્વક ભૂંસી નાખ્યો હોય.

“આ કોણ છે?” સચિને પૂછ્યું.

સરપંચની આંખોમાં પહેલી વાર ભીનાશ આવી. “ખબર નથી.”

“તમારા જ ફોટામાં છે.”

“હા…”

“તો તમે ઓળખતા જ હશો ને.”

સરપંચે ધીમેથી માથું ના માં હલાવ્યું. દરરોજ પ્રયત્ન કરું છું. લાગે છે કે બસ હવે યાદ આવી જશે પણ નથી આવતું. તેમણે ફોટો છાતી સાથે ચાંપી લીધો. મને એટલું જ યાદ છે કે આ માણસને હું ખૂબ પ્રેમ કરતો હતો.

આ શબ્દો સાંભળીને પહેલી વાર સચિનના મનમાં શંકાનો નાનો બીજ અંકુરવા લાગ્યો. આ વૃદ્ધ ખોટું બોલતા હોય એવું લાગતું નહોતું. એટલામાં બહારથી પવનનો જોરદાર ઝાપટો આવ્યો. લીમડાના ઝાડ પર બાંધેલું ખાલી પાટિયું હવામાં ઝૂલવા લાગ્યું. ઠક… ઠક… ઠક… દરેક અથડામણ સાથે સચિનને લાગતું હતું જાણે કોઈ બારણું ખખડાવી રહ્યું હોય.

સરપંચનો ચહેરો અચાનક ફિક્કો પડી ગયો. તેમણે એક ઝાટકે બહારથી બારણું બંધ કરી દીધું અને ખૂબ ધીમા અવાજે બોલ્યા... “એણે તને શોધવાનું શરૂ કરી દીધું છે…”

“કોણે?”

સરપંચે પહેલી વાર સચિનની આંખોમાં સીધું જોયું. “જેનું નામ હવે આ ગામમાં કોઈને યાદ નથી.”

સરપંચના શબ્દો પૂરા થયા અને બંને વચ્ચે લાંબું મૌન છવાઈ ગયું.

લીમડાના ઝાડ પરથી વરસાદનું છેલ્લું ટીપું ટપક્યું અને ખાલી લાકડાના પાટિયા પર પડીને સરકી ગયું. સરપંચે ધીમેથી એ પાટિયું ઉતાર્યું અને ઘરની અંદર મૂકવાને બદલે સચિનના હાથમાં આપી દીધું.

“આ પકડી રાખ.”

“શા માટે?”

“કારણ કે થોડા સમય પછી કદાચ મને પણ તારું નામ યાદ નહીં રહે.”

“પણ હમણાં જ તો તમે કહ્યું, આ પાટિયું ક્યારેય હાટમાં ના લેવું અને હવે તમે જ હાથમાં આપો છો”

“હવે તેને ન આપવાનો કોઈ અર્થ રહ્યો નહોતો.”

સચિનના ચહેરા પર અવિશ્વાસ છવાઈ ગયો. “તમે શું બોલી રહ્યા છો?”

સરપંચે જવાબ ન આપ્યો. ઘરની અંદર ગયા અને વર્ષો જૂની ફાનસ લઈને બહાર આવ્યા. “ચાલ મારી સાથે.”

“ક્યાં?”

“જ્યાં ગામનો કોઈ માણસ સૂર્ય આથમે પછી જતો નથી.”

બંને ગામની પાછળની નાની પગદંડી પર ચાલવા લાગ્યા. વરસાદ હવે અટકી ગયો હતો, પણ જંગલની ભીની માટીમાંથી ભેજની સુગંધ આવતી હતી. થોડે થોડે ઝાડના થડ પર એ જ કાળા ગોળાકાર ચિત્રો દોરેલા હતા, જે સચિને દરેક ઘરના દરવાજા પર જોયા હતા.

“આ ગોળાકાર આકૃતિ શું છે?” સચિને પૂછ્યું.

સરપંચે ફાનસ ઊંચી કરી. “આ આકૃતિ નથી… આ યાદ છે.”

“યાદ?”

“હા. જે દિવસે આ ગોળાકાર નિશાની દોરવાનું બંધ થઈ જશે, એ દિવસે આ ગામ પણ અંધકારમાં છવાઈ જશે.”

સચિન કંઈ સમજી શક્યો નહીં.

બંને જણ ધીમે ધીમે જંગલની ઊંડે સુધી ચાલતા ગયા. આખાય જંગલમાં જીવજંતુઓનો એક પણ અવાજ નહોતો માત્ર બંનેના પગ નીચે સૂકાં પાંદડાં કચડાતાં હતા તેનો જ અવાજ ગૂંજતો હતો.

અચાનક સરપંચ અટકી ગયા. સામે એક વિશાળ વડનું ઝાડ હતું. એટલું વિશાળ કે એની ડાળીઓએ અડધું આકાશ ઢાંકી દીધું હતું. ઝાડની નીચે બાર માણસો ઊભા હતા અને બધાએ સાદાં સફેદ વસ્ત્ર પહેર્યાં હતાં. કોઈના કપાળ પર તિલક નહોતું. કોઈના હાથમાં માળા નહોતી. કોઈ મૂર્તિ નહોતી કે કોઈ ધૂપ - દીવા પણ નહોતા. માત્ર વચ્ચે જમીન પર રાખેલો એક ગોળ નાનકડો પથ્થર અને એની ઉપર રાખેલું ચામડાનું જૂનું પુસ્તક.

સરપંચે ત્યાં પહોંચતાં જ માથું ઝુકાવી દીધું.

સચિને પહેલી વાર સમજાયું… આ ગામમાં સરપંચ સૌથી મોટો માણસ નહોતો. બારેય વૃદ્ધોમાંથી સૌથી વૃદ્ધે ધીમેથી પૂછ્યું, “એ આવી ગયો?”

સરપંચે માથું હલાવ્યું. “હા.”

વૃદ્ધની નજર સચિન પર સ્થિર થઈ. “તને ખબર છે તું અહીં શા માટે આવ્યો છે?”

“હું પત્રકાર છું. આ ગામમાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટે આવ્યો છું.”

વૃદ્ધના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. “ના, તું અહીં સત્ય શોધવા નથી આવ્યો પણ સત્ય તને અહીં ખેંચીને લાવ્યું છે.” 

એટલું કહી તેમણે ચામડાનું પુસ્તક ખોલ્યું. પહેલા પાનાં પર વર્ષ લખેલું હતું ‘1714’. એની નીચે બાર નામ. બધા નામની સામે લાલ રંગની ગોળાકાર નિશાની દોરેલી હતી.

બીજું પાનું. ફરી બાર નામ અને ફરી લાલ ગોળ.

ત્રીજું… ચોથું… એમ દર બાર વર્ષે એક જ યાદી. એક જ વિધિ. એક જ ગોળાકાર નિશાન.

સચિને તે પુસ્તક વૃદ્ધના હાથમાંથી લઈને ઝડપથી પાનાં ફેરવવા માંડ્યા. દરેક બાર વર્ષ પછી એ જ નોંધ. એ જ નિશાન. જાણે ત્રણસો વર્ષથી કોઈ એક જ ઘટના ફરીને ફરી લખાતી હોય. છેલ્લા પાનાં પર આવીને તેનો હાથ અટકી ગયો. વર્ષ… ૨૦૨૬. નીચે અગિયાર નામ લખાયેલા હતા. બારમું સ્થાન ખાલી હતું. વૃદ્ધે પુસ્તક પોતાના હાટમાં લઈ કમરેથી નાનકડું શાહીદાન કાઢ્યું ને કલમ શાહીમાં ડૂબાડી અને ધીમે ધીમે લખવા લાગ્યા... “સચિન”

સચિનના શ્વાસ અટકી ગયા. “આ... આ શું છે?”

વૃદ્ધે કલમ મૂકી દીધી. “આ કોઈ યાદી નથી.”

“તો?”

“આ રક્ષણની પ્રતિજ્ઞા છે.”

“મને કંઈ સમજાતું નથી.” 

વૃદ્ધે પ્રથમ વખત કડક અવાજમાં કહ્યું, “સમજવાનો સમય પૂરો થયો.”

“હવે સાંભળ.”

બારેય વૃદ્ધો એકસાથે ગોળ પથ્થરની આસપાસ ઊભા રહી ગયા. સરપંચ પણ તેમની સાથે ઊભા રહ્યા. બધાએ પોતાની જમણી હથેળી પથ્થર પર મૂકીને એકસાથે બોલ્યા...

“જેનું નામ અમે ભૂલી જઈએ એ અમારો નથી. પણ જેને દુનિયા ભૂલી જાય એને અમે ક્યારેય એકલો નથી છોડતા.”

સચિને ગૂંચવાઈને પૂછ્યું… “આ શું છે?”

વૃદ્ધે પહેલી વાર સ્પષ્ટ જવાબ આપ્યો. લોકો અમને અંધશ્રદ્ધાળુ કહે છે તો કેટલાક અમને પાગલ કહે છે. પણ સત્ય એ છે કે અમે કોઈ દેવી દેવતાની પૂજા નથી કરતા. તેમણે ગોળ પથ્થર પર હાથ ફેરવ્યો.

“અમે છેલ્લાં ત્રણસો વર્ષથી માત્ર એક માણસની રાહ જોઈ રહ્યા છીએ.”

સચિનના હોઠ ધીમેથી ખૂલ્યા. “કોની?” 

વૃદ્ધની આંખો સીધી સચિનની આંખોમાં સ્થિર થઈ ગઈ.

થોડા ક્ષણ સુધી કોઈ બોલ્યું નહીં. પછી તેમના હોઠ ધીમેથી હલ્યા, “જેનો અવાજ તું આખી રાત સાંભળતો રહ્યો છે”

"એ કોઈ આત્મા નથી, એ તારું આવતીકાલ છે.”

સચિન સ્તબ્ધ થઈ ગયો. આ શબ્દો સાંભળીને તેને લાગ્યું કે બારેય વૃદ્ધો કોઈ કોયડો ઉકેલી રહ્યા છે. “મને સ્પષ્ટ કહો.”

વૃદ્ધે ચામડાનું પુસ્તક બંધ કરી દીધું. “આ ગામમાં દર બાર વર્ષે કોઈ મરતું નથી.”

“તો પછી?”

“કોઈ... ગાયબ થઈ જાય છે.”

“ગાયબ… એટલે?”

“જેમ પાટિયા પરથી અક્ષર ઘસાઈ જાય તેમ દુનિયામાંથી એક માણસનું અસ્તિત્વ જ ભૂંસાઈ જાય છે.”

l

સચિને ગુસ્સાથી કહ્યું, "આ અશક્ય છે."

વૃદ્ધે માથું હલાવ્યું. “અશક્ય જ છે. એટલે જ ત્રણસો વર્ષથી અમે જીવતા છીએ.”

સરપંચે ધીમેથી ઉમેર્યું, “આ કોઈ શાપ નથી એક કાળચક્ર છે.”

“કાળચક્ર?”

વૃદ્ધે ગોળ પથ્થર એક હાથમાં લઈ બીજો હાથ તેની પર મૂક્યો.

 “ત્રણસો બાર વર્ષ પહેલાં આ ગામમાં બાર માણસોએ એક વિધિ કરી હતી.”

“કઈ વિધિ?”

“મૃત્યુને હરાવવાની.”

સચિન હસી પડ્યો. “અને એની સજા તમે આજે પણ ભોગવો છો?”

“ના.”

વૃદ્ધે પહેલી વાર કડક અવાજમાં કહ્યું. “મૃત્યુ હાર્યું જ નહોતું. એણે માત્ર સોદો કર્યો હતો.” 

તે દેવસ્થાનની આસપાસ ફરી એકવાર અસ્વાભાવિક શાંતિ છવાઈ ગઈ.

“કેવો સોદો?”

“દર બાર વર્ષે એક નામ, એક યાદ અને એક જીવન જેના બદલામાં આખું ગામ જીવતું રહે.”

સચિનની આંખો પહોળી થઈ ગઈ. “એટલે તમે દર બાર વર્ષે કોઈને બલિ ચડાવો છો?”

“ના.”

“તો?”

“બલિમાં મૃત્યુ થાય પણ અહીં તો અસ્તિત્વ જ સમાપ્ત થાય છે.” વૃદ્ધનો અવાજ તૂટી ગયો. જે જાય છે તેને કોઈ મારી શકતું નથી. કારણ કે એ પછી એ ક્યારેય હતો જ નહીં.

સચિનના મગજમાં વીજળી ઝબકી. મિતુલ, એની માતા, ખાલી વિડિયો, ફોટામાંથી ભૂંસાયેલો ચહેરો, ખાલી પાટિયું, નામ ન બોલવાનો નિયમ, અરીસા તોડી નાખવાનું કારણ આ બધું એકબીજા સાથે જોડાવા લાગ્યું.

“પણ મારું નામ શા માટે લખ્યું?”

આ વખતે જવાબ સરપંચે આપ્યો. “કારણ કે… એણે તને પસંદ કર્યો છે.”

“એ કોણ?”

કોઈ બોલ્યું નહીં.

એટલામાં જ ગોળ પથ્થર પર પાણીનું એક ટીપું પડ્યું. પછી બીજું. પછી ત્રીજું. પરંતુ વરસાદ બંધ હતો.

સચિને ધીમેથી ઉપર જોયું. વડના ઝાડની સૌથી જાડી ડાળ પર કોઈ બેઠું હતું. ચહેરો દેખાતો નહોતો પણ માત્ર બે આંખો અને તે આકૃતિનું સ્મિત.

જેવી સચિનની નજર એની સાથે મળી એવી જ બારેય વૃદ્ધો એકસાથે બૂમ પાડી. “નીચે જો...!” 

પણ મોડું થઈ ગયું હતું. ડાળ પર બેઠેલી એ આકૃતિએ ધીમેથી પોતાનું માથું નમાવ્યું અને સચિનના જ અવાજમાં બોલી. “સચિન…”

એ જ ક્ષણે ગોળ પથ્થરમાં તિરાડ પડી. બારેય વૃદ્ધોના ચહેરા પર ભય છવાઈ ગયો. સૌથી વૃદ્ધ માણસ ધ્રૂજતા અવાજે બોલ્યા, “ત્રણસો વર્ષમાં પહેલી વાર… એણે વિધિ પહેલાં જ ચહેરો બતાવ્યો છે.”

સરપંચે સચિનનો હાથ પકડીને કહ્યું, “દોડ.”

“ક્યાં?”

“જ્યાં અરીસો ન હોય, જ્યાં નામ ન હોય અને જ્યાં યાદ પણ ન હોય…” 

કારણ કે... “હવે એ તને લઈ જવા નથી આવ્યું એ એ તારી જગ્યાએ આવવા આવ્યું છે.” સચિનના પગ નીચેથી જમીન સરકી ગઈ.

જંગલમાંથી બહાર નીકળતા જ વૃદ્ધો સહિત સરપંચ અને સચિન ત્યાં ઊભા રહી ગયા અને સચિન હાંફતા હાંફતા બોલ્યો, “એટલે?”

વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે જીવનમાં પહેલી વાર પ્રતિજ્ઞા તોડી અને સચિનનું નામ ઉચ્ચાર્યું. ધીમેથી કહ્યું, “બેટા… આજે રાત પછી… દુનિયામાં એક સાથે બે સચિન નહીં રહી શકે.”

આ સાંભળી સચિન સ્તબ્ધ થઈ ગયો તેના કાનમાં હજુ પણ પોતાનો જ અવાજ ગૂંજી રહ્યો હતો. એણે ધીમે ધીમે પાછળ જોયું. પાછળ હવે માત્ર અંધકાર હતો. જાણે થોડા સમય પહેલાં જે આકૃતિ દેખાઈ હતી તે ક્યારેય હતી જ નહીં. જે અંધકારની અંદરથી હજારો ધીમા અવાજો સંભળાઈ રહ્યા હતા. કોઈ પોતાની માતાને બોલાવતું હતું, કોઈ પોતાના દીકરાને, કોઈ પત્નીને તો કોઈ માત્ર પોતાનું જ નામ વારંવાર ઉચ્ચારતું હતું.

સચિને ગભરાઈને પૂછ્યું, “આ લોકો કોણ છે?”

સૌથી વૃદ્ધ માણસની આંખોમાંથી આંસુ વહી પડ્યાં. “આ બધા જીવતા છે પણ દુનિયામાં કોઈને યાદ નથી કે તેઓ ક્યારેય હતા.”

સચિનના શરીરમાં કંપારી છૂટી ગઈ. “એટલે... મિતુલ પણ…”

વૃદ્ધે ધીમેથી માથું હલાવ્યું. “મિતુલ પહેલો નહોતો… અને તે મર્યો નથી દુનિયામાં ક્યાંક જીવે છે પણ તેની માતા, તેનું ગામ, તેનો ઈતિહાસ કોઈને યાદ નથી કે એવો કોઈ છોકરો ક્યારેય જન્મ્યો હતો.”

સચિન ધીમે ધીમે પાછળ સરકવા લાગ્યો. “તો તમારો આ ગુપ્ત સંપ્રદાય શું કરે છે?”

વૃદ્ધે ગોળ પથ્થર પર હાથ મૂક્યો. “અમે મૃત્યુ સામે નથી લડતા. અમે વિસ્મૃતિ (ભૂલી જવું) સામે લડીએ છીએ. દર બાર વર્ષે એક માણસની યાદ દુનિયામાંથી ભૂંસાઈ જવાની હોય છે અને અમે બારેય મળીને અમારી પોતાની એક-એક યાદ અર્પણ કરીએ છીએ. એટલે એ માણસ બચી જાય છે. પણ અમારી જિંદગીમાંથી એક અમૂલ્ય સ્મૃતિ હંમેશા માટે જતી રહે છે.”

સરપંચ ધીમેથી બોલ્યા, “મને મારી પત્નીનો ચહેરો યાદ નથી.”

બીજા વૃદ્ધે કહ્યું, “મને મારા પિતાનો અવાજ યાદ નથી.”

ત્રીજા વૃદ્ધે આંખો બંધ કરી. “મને મારા પોતાના દીકરાનું નામ યાદ નથી.”

સચિનની આંખો ભીની થઈ ગઈ. “અને આ વખતે?”

વૃદ્ધે લાંબો શ્વાસ લીધો. “આ વખતે વિધિ તૂટી ગઈ. કારણ કે તે દેવસ્થાન છોડતાં પહેલા પાછળ ફરીને જોઈ લીધું અને નિયમ તોડ્યો.”

એ જ ક્ષણે ગોળ પથ્થરમાંથી કર્કશ અવાજ આવ્યો ને પથ્થર વચ્ચેથી તૂટી ગયો. બારેય વૃદ્ધો એકસાથે જમીન પર ઢળી પડ્યા. પવનના એક જોરદાર ઝાપટા સાથે આખા ગામના દરવાજા પર દોરેલા કાળા ગોળાકાર નિશાન અદૃશ્ય થઈ ગયા.

વૃદ્ધે અંતિમ શ્વાસ સાથે સચિનનો હાથ પકડી લીધો. “આજથી કોઈ ભૂલશે કે ભૂલાશે... તો એ યાદ હવે તું રાખીશ.” અને સચિનની આંખો મીંચાઈ ગઈ.

સવારે સચિન પોતાના શહેરમાં જાગ્યો. બધું સામાન્ય હતું પણ કંઈક બદલાઈ ગયું હતું. રસ્તા પર ચાલતા દરેક ચહેરા સાથે તેને એક અજાણી યાદ જોડાયેલી લાગતી.

એક વૃદ્ધને જોઈને તેને ખાતરી હતી કે આ માણસે ક્યારેક વાયોલિન વગાડ્યું હતું. તો એક બાળકને જોઈને એને ખબર હતી કે તેને કેરી ખૂબ ગમતી હતી અને એક સ્ત્રીને જોઈને તેની આંખો ભીની થઈ ગઈ જ્યારે તે સ્ત્રી તેને ઓળખતી પણ નહોતી.

દિવસો પસાર થતા ગયા. યાદો વધતી ગઈ. હજારો… લાખો… એવા લોકોની યાદો જેને દુનિયામાં કોઈ ઓળખતું જ નહોતું. સચિન ધીમે ધીમે સમજવા લાગ્યો કે આ યાદો તેની પોતાની નહોતી. એ તો એ તમામ લોકોની હતી જેઓ વર્ષોથી દુનિયામાંથી ભૂંસાતા રહ્યા હતા.

છેલ્લે… એક દિવસ તેણે અરીસામાં જોયું. આ વખતે અરીસામાં તેનો ચહેરો દેખાતો હતો પણ તેની પાછળ બાર વૃદ્ધો ઊભા હતા. તેમના ચહેરા પર પહેલી વાર શાંતિ હતી અને અરીસા પર ધીમે ધીમે એક વાક્ય દેખાવા લાગ્યું, “જૂની વિધિ તૂટી ગઈ... નવી વિધિ શરૂ થઈ.”

સચિને પાછળ ફરીને જોયું તો ત્યાં કોઈ નહોતું. જ્યારે તેણે ફરી અરીસામાં નજર કરી ત્યારે તેમાં માત્ર એક જ ચહેરો બચ્યો હતો. ‘તેનો પોતાનો…’

તે અરીસા સામે લાંબા સમય સુધી ઉભો રહ્યો. તેના હોઠ હલ્યા પણ પોતાનું નામ બોલવા ગયો ત્યારે કોઈ શબ્દ બહાર આવ્યો નહીં…

સમાપ્ત.