પાટી, પેન, ચોપડીઓ થી ખીચોખીચ ભરેલું દફતર ઉપાડનાર નાના પગ હવે નિશાળ ભણી દોટ મૂકશે, એ નાના પગલાંઓમાં પરાપૂર્વેથી ચાલી આવતી અધ્યયન પદ્ધતિમાં મારા તમારા જેવાં કંઇ કેટલાંયના પગલાંની છાપ છે ને રહેવાની. નિશાળએ જીવતરને તારવાની ને બાળકમાં જીવ રેડવાની બહુ મોટી ઘટના ગણાવી શકાય.
આજે અનેક આયોજન ને યોજનાઓના કારણે એનું રૂપ પરિવર્તિત થયાં કરે છે, પણ એના ઉમદા શિક્ષકો થકી શાળા આજેય બાળકની મનોભૂમિ પર અમીટ છાપ છોડી જાય છે. મોટાં થઈ ગયાં પછી પણ કોઈ નાનું દફતર આપી નિશાળ જવા દે તો કેવી મજા પડે ને!
પ્રાથમિક શિક્ષણ દરમિયાન અનેક શિક્ષકોના હાથ નીચેથી પસાર થવાનું બન્યું, કોઈના હાથનો ધરાઇને માર ખાધો, સોટી મારીને કૂણી હથેળીઓ દુનિયાનો ભાર ઝીલી શકે એટલી સક્ષમ બનાવી. કોઈએ બાથ ભરીને પ્રેમનો પર્યાય સમજાવ્યો. અનેક નવી પ્રવૃતિઓમાં જોડ્યા, ઠપકો આપી તોડ્યા તો પ્રાથમિક શિક્ષણ પૂરું કરતી વખતે વિદાય વસમી ન બની જાય એટલે હાથ પકડી શુભેચ્છાઓ આપી નવા કુંડામાં રોપાઈ શકીએ એટલે અમને છોડ્યા પણ તરછોડ્યા નહીં. કેટકેટલું જીવનનું ભાથું અનાયાસે આ શિક્ષકોએ આપ્યું છે એતો કોરી પાટીએ આજે સમજણનો શબદ ઘૂંટાયો ત્યારે સમજાય છે.
એક થી આઠ ધોરણનું શિક્ષણ ગામમાં જ. ધૂળી નિશાળમાંથી છ એક ઓરડા અને માસ્તરને બદલે અમે સાહેબ ને બેન બોલતાં થયેલાં આટલો શિક્ષણ પરંપરામાં થયેલો ક્રમિક વિકાસ. શિક્ષકોની ઘટ કાયમ છે એવી જ. ઘણાં શિક્ષકોને ભાગે બે વર્ગ સાચવવાના આવે. આમ શિક્ષક ને ઓરડાને અભાવે પહેલું બીજું ધોરણ એકસાથે હું બે વાર ભણી એનો છૂપો ગર્વ લઈ લઉં છું. નંદાબેન અમારા શિક્ષક. આ બે ધોરણ સાથે ભણવાને લીધે મને અને મારા સહપાઠીઓ ને લાભાલાભ થયાં. ગેરલાભ એ કે શિક્ષક પૂરતું ધ્યાન ના આપી શકે પરિણામે મેં ચાલતાં વર્ગોમાં ભરપૂર નિંદર માણી. ને ભલા શિક્ષિકા ક્યારેક તો અમ નાના જીવો પર કૃપા કરીને દફતરને ટેકે માથું ગોઠવી આરામથી શવાસન કરવાની છૂટ આપતાં. હું પહેલા બીજા ધોરણમાં પાયાના શિક્ષણ સિવાય શું શીખી એ યાદ નથી તેમ છતાંય બીજા ધોરણમાં મારો પહેલો નંબર આવેલો. એની આજે નવાઈ લાગે છે. પણ નંદા બેને આપેલી મોકળાશ આનું કારણ હોઈ શકે ને બીજું ત્યારે શિક્ષણ એટલું ભારરૂપ નોહતું. એકડી, કક્કો - બારાક્ષરી, ઘડિયા, બાળગીતનું વારંવાર થતું પુનરાવર્તન આનું કારણ હોઈ શકે. અત્યારના બાળકો માથે એલ.કેજી, યુ. કેજીથી ભણતરની ભારરૂપ તલવાર તોળાતી જોઉં છું ત્યારે મને પહેલું બીજું ધોરણ કેવું તો સાંભરે છે! નંદા બેન અને શાંતા બેન સાથે માત્ર શાળામાં બંધાયેલો નાતો એમના ઘર સુધી વિસ્તર્યો ને અમારા આ બહેનો ગામમાં આજુબાજુમાં રહે. નંદાબેન ને એમની નાની દીકરીઓએ સાંઈ બાબાના ગુરુવાર રાખ્યા હોય તેથી એ દિવસે જમવાનું સાંજે છ વાગે રંધાઈ ગયું હોય ને મારા જેવા એમના રાંધણિયામાંથી આવતી શાકની સોડમ ને લીધે ઊઠવાનું નામ ના લે. પણ બેન હઠાગ્રહ સાથે જમવા નોતરે. પાછા પ્રેમથી, કેમ અમે એમના સાંઈબાબા ના હોઈએ. નંદા બેને માત્ર શાળા પૂરતી ભૂમિકા નોહતી ભજવી, એતો આજે સમજાય છે. મેં બીજું ધોરણ પૂરું કર્યું ને નંદા બેન અને શાંતાબેનની બદલી એમના વતનમાં થઈ ગઈ. આજથી બે દાયકા પહેલા નાની દીકરીઓ ને એક ભત્રીજીને પડખે લઈ કચ્છ જેવા પ્રદેશના ગામડામાં નોકરી કરવાની હામ બેને ક્યાંથી એકઠી કરી હશે હે! એમના ગયા પછી નંદા બેન સાથે ઘણાં વર્ષો પહેલાં ફોનથી વાતચીત થયેલી. પણ શાંતા બેન સાથે તો એવી કોઈ તક નથી મળી. ચહેરા આછા આછા યાદ છે, પણ એમના નામ અને કામ આજેય મનને બારણે ટકોરા પાડે છે ને સ્મૃતિમાં ઉભરાઈ આવે છે "ચાલો દફતર માથા નીચે મૂકી સૂઈ જાઓ" ઓરડો શાંત થાય છે, અમારા કલબલાટથી બેનને બે ઘડી શાંતિનો શ્વાસ માણવા મળે છે. હું પાછી ફરું છું વર્તમાનમાં, ને હવામાં ઉચ્છવાસ સાથે ફંગોળાય છે એક પ્રશ્ન, અમારા ભાર વિનાના ભણતરના ઘડવૈયા બેન તમે ક્યાં છો?