"અરે સર શું વાત કરો છો?" મહેચ્છા પુછે છે.
"હા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતાની રીતે અમુક સરકારી અધિકારીઓ ની ચુંટણી આચારસંહિતા લાગુ થાય એ પહેલાં જ બદલી કરી દેવા માંગે છે. મારો ઓર્ડર પણ કાલે જ આવી જશે." રોનક શ્રીવાસ્તવ કહે છે.
" પણ સર આમ અચાનક.." મહેચ્છા કહે છે.
" આઈ.એ.એસ અધિકારીઓ માટે બધું આમ જ થાય. હું તો અંહી ઘણા લાંબા સમયથી પહેલા ડેપ્યુટી કલેકટર અને પછી કલેકટર તરીકે સેવા આપી ચુક્યો છું. બસ હવે આ જવાબદારી તમારી છે." રોનક શ્રીવાસ્તવ કહે છે.
"સર મારી વાત તો કરો.." અમિત પારેખ અચાનક જ પ્રવેશ કરે છે.
" હા મેડમ. અમિત પારેખ પણ જયપુર ખાતે સામાજિક કલ્યાણ વિભાગના સચિવ તરીકે નિમણૂંક પામ્યા છે. " રોનક શ્રીવાસ્તવ કહે છે.
"શું? પણ સર આમ અચાનક જ.." મહેચ્છા તો હતપ્રભ બની જાય છે.
"હા એમની પણ બદલી આચારસંહિતા લાગુ થાય એ પહેલાં જ કરી દેવામાં આવી છે." રોનક શ્રીવાસ્તવ કહે છે.
"મેડમ હું આપને કબાટ ખોલીને મુખ્ય ફાઈલો અને બીજી બધી ચાવીઓ બતાવી આપું છું. એક ડેપ્યુટી કલેકટર અને સચિવ અઠવાડિયા પછી જ આવી જશે." અમિત પારેખ કહે છે.
"ઠીક છે." મહેચ્છા અમિત પારેખ સાથે મળીને બધું જોવા નીકળી જાય છે. અમિત પારેખ મહેચ્છા ને જ્યારે કબાટમાં બધી ફાઇલો બતાવી રહ્યા હતા ત્યારે મહેચ્છા નું ધ્યાન એક બંધ કરેલા કબાટ તરફ જતા અમિત પારેખ ને પુછે છે:
" આ કબાટ માં શું છે?"
"કંઈ નથી એ તો બહુ સમયથી બંધ છે. જુના જમાનાની પોથીઓ હશે." અમિત પારેખ કહે છે.
" આની ચાવી ક્યાં છે?" મહેચ્છા પુછે છે.
"હું કાલે બતાવીશ. મારે હજી શોધવી પડશે." અમિત પારેખ કહે છે.
"ઠીક છે." મહેચ્છા સમજી જાય છે.
સાંજે ઘરે પહોંચી ગયા પછી નવનીત પણ આવી ગયો હતો. મહેચ્છા નવનીત ને જોઈ કહેવા લાગી:
" આજે તારી માટે ગુડ ન્યૂઝ છે. બોલ તો શું હશે?"
"શું થયું?" નવનીત પુછે છે.
"આજે રાત્રે જ મને સિરોહી ના જીલ્લા કલેકટર નો ઓર્ડર મળી જવાનો છે. કાલ થી હું કલેકટર તરીકે નિમણૂંક પામીશ." મહેચ્છા કહે છે.
" શું?" નવનીત હતપ્રભ બની જાય છે.
"પણ તું આ બધાં ની અંદર ન પડ. બહુ મગજમારી છે. " નવનીત કહે છે.
"શું છે?" મહેચ્છા પુછે છે.
" જો આપણે નક્કી કર્યું હતું ને કે ઓફીસ ની વાતો ત્યાં જ કરવી તો પછી?" નવનીત કહે છે.
"ઠીક છે.જેમ તને યોગ્ય લાગે." મહેચ્છા કહે છે.
એ દિવસે રાત્રે જ મહેચ્છા ની વરણી સિરોહી જિલ્લાના કલેક્ટર તરીકે કરી આપવામાં આવે છે.નવનીત ને હવે વધુ ટેન્શન હતું. પણ મહેચ્છા અને પોતાના પારિવારિક જીવનને એ આ બધી રાજનીતિ થી દૂર રાખવા માંગતો હતો.
બીજા દિવસે જ નવનીત પોતાની ઓફીસમાં પહોંચી પછી પ્રીતમ સિંહ સાથે વાતચીત કરવા લાગ્યો.
"શું લાગે છે કે આ વખતે કઈ પાર્ટી જીતશે?"
"સર ખબર નથી જનતા ક્યાં ઢળી જાય?" પ્રીતમ સિંહ કહે છે.
ત્યારે જ નવનીત ને હોટલાઈન પર દિલ્હીથી મુખ્ય નાણાં સચિવ નો ફોન આવે છે.
" નવનીત તને યાદ છે આજથી થોડા સમય પહેલા અમે તને એક મહત્વપૂર્ણ કામ આપ્યું હતું." નાણાં સચિવ કહે છે.
"જી સર. હું કેવી રીતે ભુલી શકું?" નવનીત કહે છે.
" મારે તારી બધી જ વિગતો જોઈએ. તે ક્યાં ક્યાં જઈને શું શું ગેરરીતિઓ પકડી અને કોણ કોણ જવાબદાર છે એ બધું જોઈએ." નાણાં સચિવ કહે છે.
" સર હું પોતે જ આ રિપોર્ટ ફાઈનલ કરી આપું." નવનીત કહે છે.
" આ સરકારી નોકરી છે. આપણા ઉપરી ઓફીસર જે કહે તે ફક્ત હા પાડી પછી આપણે તે આદેશ નું પાલન કરવું પડે. જો આ કોઈ ની પેઢી તો નથી કે હું કરીશ કે નહીં એમ કહી શકાય." નાણાં સચિવ સમજાવે છે.
"જી હા સર." નવનીત કહે છે.
"મને આજે સાંજે જ આખો રિપોર્ટ જોઈએ." નાણાં સચિવ કહે છે.
"જી સર." નવનીત કહે છે. ફોન કપાઈ જાય છે.
નવનીત પોતાના રિપોર્ટને પ્રીતમ સિંહ થી પણ છુપાવી રાખી પછી પોતાની છ મહિના ની મહેનતને જોવા માટે લાગી જાય છે. નવનીત ના રિપોર્ટમાં રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાં આચરવામાં આવેલી ગેરરીતિઓ ની આખી ચર્ચા કરવામાં આવી હતી.
ઉદયપુર
નદીના પટ પાસેની ફળદ્રુપ જમીનને બિનખેતીલાયક બતાવી સરકારી જમીન બનાવી પછી એક મોટા બિઝનેસમેન ને પાણીના ભાવે વેચી દેવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ઉદયપુર ના કલેકટર કચેરી પાસેથી જમીન ના દસ્તાવેજ અને ભાવ વિષે પણ માહિતી મળી હતી.
જેસલમેર
જેસલમેર ના રણમાં ટેન્ટ હાઉસ ની એક મોટી સીટી એક મોટા બિઝનેસ ગ્રુપ દ્વારા બનાવવામાં આવી હતી. આ ટેન્ટ હાઉસ ને ગામડા ની હદમાં બતાવી પછી મોટા ભાગે કરચોરી કરવામાં આવી હતી.
જ્યારે કે આ ટેન્ટ સિટી જેસલમેર શહેરમાં જ હતી અને બિઝનેસ ગ્રુપ ને લાભ અપાવવા માટે જ તેને ગ્રામીણ વિસ્તારોમાં બતાવવામાં આવી હતી.
એ સાથે જ આ ટેન્ટ સિટીના બધા રસ્તાઓ સરકારી ટેક્સ ની રાહતનો લાભ લઈને બનાવવામાં આવ્યા હતા.
જયપુર
ગુલાબી નગરી તરીકે પ્રખ્યાત અને રાજસ્થાનના પાટનગર એવા જયપુરમાં આમેર ફોર્ટ પાસે આવેલી વિશાળ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી પાર્કિંગ ઊભું કરવામાં આવ્યું હતું.
આ પાર્કિંગને સરકારી અધિકારીઓ છાવરી રહ્યા હતા અને થોડા જ સમયમાં સરકારી જમીન ખાનગી હાથમાં પહોંચી ગઈ હતી.
અલવર
જયપુર નજીક આવેલા આ શહેરમાં તો સાવ જ જુદા પ્રકારની ગેરરીતિઓ ચાલતી હતી. અલવર ના જુના જમાનાના કિલ્લાઓ ના જીર્ણોધ્ધાર કરવામાં કરવામાં આવી રહ્યું હોવાની ફાઈલો બનાવી અને અસંખ્ય કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા.
પણ હકીકતમાં એક જ કિલ્લો હતો અને એ પણ જીર્ણોધ્ધાર માંગી રહ્યો હતો. કોઈ મોટા બિઝનેસમેન ને ઘણો ફાયદો મળી રહ્યો હતો.
બિકાનેર
આ શહેરમાં સરકારી જમીન પર અનધિકૃત રીતે ત્રણ થી ચાર પેટ્રોલ પંપ ને મંજૂરી આપવામાં આવી હતી અને સરકારી અધિકારીઓ પણ મજાથી તેની મિઠાઈ ચાખી રહ્યા હતા.
પછી નવનીત સૌંથી છેલ્લે સિરોહી ના ફોલ્ડર ને જોવે છે અને હવે મહેચ્છા ને યાદ કરે છે. પણ મહેચ્છા ની તો વરણી આજથી જ થવાની હતી.
નવનીત આખા ફોલ્ડર માં થી સિરોહી ની ફાઈલ જુદી મુકી દે છે. પછી બાકીના બધા રિપોર્ટ મુખ્ય નાણાં સચિવ ને મોકલી આપે છે.
નવનીત હજી પણ વિચારી રહ્યો હતો કે કાલે જ સમાચારો માં તેની કામગીરી ને બિરદાવવામાં આવશે. પણ નવનીત કદાચ ભવિષ્યમાં આવનાર આફત થી અજાણ હતો.
સિરોહી ની ફાઈલ પોતાના ફોલ્ડર માં રાખી નવનીત રિતેશ ના ફોલ્ડર સાથે તેને જોડી આખી વાત સમજી જાય છે. પણ રિતેશ નું મૃત્યુ શું આપઘાત જ હતો એ નવનીત ને જાણવું હતું.
"નવનીત ક્યાં છે?" મહેચ્છા નો ફોન આવે છે.
" આજે તારી પસંદગી ની પાઉં ભાજી તૈયાર કરવામાં આવી છે અને હજી નથી આવ્યો." મહેચ્છા ઉમેરે છે.