"ઓ મીના ," રાધા એ બૂમ પાડી . "આજે તો ખુબ જ વરસાદ પડે છે, ચાલ, ફળિયામાં ન્હાવા જઈએ.."
મીના પોતાનું હોમવર્ક કરતી હતી પણ રાધાની બૂમ સાંભળીને ઉતાવળે- ઉતાવળે ઘરની બહાર નીકળી ગઈ.
તેની પાછળ તેની મમ્મી એ પણ બૂમ પાડીને કીધું કે ,'તારી નોટ તો મુકતી જા, હું નહીં મૂકું . તારે જ આવીને મૂકવી પડશે. તારા પપ્પા કાઈ પણ કહે તો મને કહેતી નહીં, હું કઈ ના જાણું. તું જાણે ને તારા પપ્પા..... ' પણ મીના એ તો કાંઇ સાંભળ્યું જ નહીં. તે તો ફટાફટ ઘરની બહાર દોડી ગઈ.
બહાર ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો .
વરસાદ બરાબર જામ્યો હતો. ચારેકોર એકદમ અંધારું છવાઈ ગયું હતું. વિજળી ના કડાકા-ભડાકા થતા હતા. આજે તો મેઘરાજા મહેરબાન થઈ ગયા હતા.
"ચાલને, આપણે ચીકી , ગનું , રોહન, વ્રજ, સીમા ,વીણા,હર્ષ ,માધવ અને બીજા ને પણ બોલાવી લઈએ. આજે તો વરસાદમાં રમવાની બહુ જ મજા આવશે. " મીના બોલી .
આજે તો શાળા માં પણ રજા આપી દેવામાં આવી છે. કારણ કે બહુ જ વરસાદ વરસ્યો છે. અને રસ્તામાં પાણી પણ ભરાઈ ગયા છે..
બધા છોકરાઓ વારાફરતી પોતાના ઘરમાંથી બહાર આવવા લાગ્યા. વરસાદ મા ભીંજાવાની ખુબ જ મજા આવી રહી હતી.
બધા છોકરાઓ એકબીજાને પકડી ને જમીન પર બેસાડતાં હતા. એકને બેસાડતાં- બેસાડતાં બીજાનો પગ લપસી જાય, કોઈ એક તો પડી પણ જાય. તે જોઈને બીજા છોકરાંને જોવાની મજા આવી જાય.
બધા છોકરાઓ એકબીજાના હાથ પકડીને
ગોળ-ગોળ ફૂદડી ફરતા હતા અને જાણી જોઈને પડી પણ જતા હતા. એકને પડેલો જોઇને બીજા બધા તેની ઉપર મસ્તીમા હસતાં હતાં .બધા બોલ થી પણ રમતા હતા. બધા છોકરાઓ ને બહુ જ મજા આવી. રમતાં રમતાં ત્રણ કલાક જેટલો સમય પસાર થઇ ગયો. કોઈને પણ પોતાની ઘરે જવું જ ન હતું.
હવે વરસાદ થોડો ઓછો થયો હતો. પછી બધાના ઘરમાંથી મમ્મી ની બુમ આવવાં લાગી. પણ છોકરીઓ તો ઘરે જવાનું નામ જ લેતા નથી....
વરસાદ બંધ થયા બાદ બધા છોકરા ફળિયામાં કોઈ એક ઓટલા ઉપર બેસી ગયા અને અલકમજાની વાતો કરવા લાગ્યા. કોઈને પણ ઘરે પરત જવું જ ન હતું. તેમની નિખાલસ વાતો ખૂટતી જ ન હતી. બધાં હસતાં હસતાં વાતો કરતા હતા.
વરસાદ બંધ થઈ ગયા પછી ફળિયામાં પાણીની નાની- નાની નહેર બનવા લાગી.એટલે બધા છોકરાંઓ પેપર ની હોડી બનાવવા લાગ્યા. અને પાણીમાં તરવા મૂકવા લાગ્યા. જો કોઈની હોડી પાણી માં ડૂબી જાય તો બીજાને મજા પડી જાય. બે-ત્રણ છોકરાઓ એકબીજાના હાથ પકડી ને પાણીમાં કૂદકા મારવા લાગ્યા. છબછબીયા કરવા લાગ્યા. બધાએ ખુબ જ મસ્તી કરી, ખૂબજ મજા કરી. બધા છોકરાઓ લગભગ ચાર કલાક બાદ ઘરે પરત ફર્યા.....
આવું હતું બાળપણ... એકદમ નિખાલસ બાળપણ.......ના કોઈ સમજ........ના કોઈ દુઃખ......ના કોઈ ભવિષ્યની ચિંતા.......ના કોઈ ઈર્ષા......ના કોઈ લુચ્ચાઈ.....ના કોઈ કપટ......બસ સાદગી ભર્યા નિખાલસ દિવસો.....
આજનો દિવસ ,આજની ઘડી માણી લેવાની....આજ તો બાળપણની યાદો છે...
.ક્યાં ગયા તે દિવસો? બહુ યાદ આવે છે...
ક્યાં ગયા તે મિત્રો? રમવાનું મન થાય છે..
ક્યાં ગયું તે ફળિયું? ખુલ્લા પગે દોડવાનું મન થાય છે.....
ક્યાં ગયો તે ઓટલો?.. મિત્રો સાથે બેસીને હસવાનું મન થાય છે....
ક્યાં છે તે વડ નું ઝાડ? વડવાઈ પકડી ને ઝૂલવાનું મન થાય છે...
ક્યાં છે કેરી નું ઝાડ? કાચી કેરી તોડીને ખાવાનું મન થાય છે...
ક્યાં છે તે કૂવો?.... પાણી કાઢવાનું મન થાય છે...
ક્યાં છે તે તળાવ?....મિત્રો સાથે જઈને પત્થર ફેંકવાનું મન થાય છે....
ક્યાં ગયું દફતર?...ફરી શાળાએ જવાનું મન થાય છે....
એકવાર બાળપણ જીવવાનું મન થાય છે. પણ........
કોઈ તો મને મારું બાળપણ પાછું આપો .....
બસ હવે તો યાદ જ કરવાનું બાળપણ....
ચાલને, ફરી જીવી લઈએ બાળપણ.....
ઓ જિંદગી, ચાલને, ફરી જીવી લઈએ બાળપણ......