એક જ લોહી ! Ashoksinh jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક જ લોહી !

       એક નાનકડું અને લીલુંછમ ગામડું હતું. ગામના પાદરેથી કલકલ નાદ કરતી એક નિર્મળ નદી વહી જતી હતી. આ જ નદીના કિનારે, કુદરતના ખોળે એક નેળિયાવાળું કાચું ઝૂંપડું આવેલું હતું. આ ઝૂંપડામાં એક ગરીબ પરિવાર રહેતો હતો .માતા, પિતા અને તેમના બે દીકરા, જય અને નીલ. પરિવાર એટલો ગરીબ હતો કે બંને બાળકોએ નાનપણથી જ પોતાના બધા શોખ અને ઈચ્છાઓને મનમાં જ દબાવી દીધા હતા. નાની ઉંમરે જ પરિસ્થિતિને કારણે તેઓ ઉંમર કરતાં મોટા અને સમજદાર થઈ ગયા હોય તેવું લાગતું હતું.
પિતા દિવસ-રાત ખેતરમાં કાળી મજૂરી કરતા અને માતા ઘર સંભાળતી. ધીમે-ધીમે સમય બદલાયો, બંને ભાઈઓ મોટા થયા અને પિતાને ખેતીમાં હાથ બટાવવા લાગ્યા. બંને ભાઈઓની સખત મહેનત રંગ લાવી અને પરિવાર ધીમે-ધીમે આર્થિક રીતે સદ્ધર થવા લાગ્યો. પેલા કાચા ઝૂંપડાની જગ્યાએ હવે એક પાકું મકાન બની ગયું અને ઘરમાં બધી સગવડો આવી ગઈ. પિતા પણ હવે વર્ષો પછી નિરાંત અનુભવતા હતા અને મનમાં વિચારતા કે, "બસ, હવે બંને દીકરાઓના લગ્ન થઈ જાય એટલે મારી બધી ચિંતા પૂરી."
જય અને નીલ વચ્ચે અપરંપાર પ્રેમ હતો. જો કોઈ ગામવાળો એક ભાઈ સામે આંગળી પણ ચીંધે, તો બીજા ભાઈનું લોહી ઉકળી ઉઠતું. જાણે તેમના માટે જ આ કહેવત સાર્થક થતી હતી—"બે શરીર અને એક જીવ."
સમય વીતતો ગયો અને બંને ભાઈઓના લગ્ન ધામધૂમથી થયા. આખું પરિવાર ખુશીથી રહેતું હતું, પણ કહેવાય છે ને કે વાસણ ભેગાં થાય એટલે અવાજ તો આવે જ. ધીમે-ધીમે ઘરમાં નાની-નાની વાતોમાં અહમ ટકરાવા લાગ્યો અને મનમોટાવ શરૂ થયો. ઘરમાં રોજબરોજના ઝઘડા ન થાય તે માટે પિતાએ ભારે હૈયે એક વસમું પગલું ભરવાનું વિચાર્યું. તેમણે બંને ભાઈઓને જુદા કરવાનું નક્કી કર્યું. એક જ ફળિયાના એ વહાલા મકાનની વચ્ચે દીવાલ ચણી દેવામાં આવી અને જે જમીનને બંનેએ સાથે મળીને સીંચી હતી, એ ખેતરના પણ બે ભાગ પાડી દેવાયા.
પરંતુ, ખેતરના ભાગલા વખતે જય અને નીલ વચ્ચે થોડી વધારે બોલાચાલી થઈ ગઈ. એ બોલાચાલીએ જોતજોતામાં અહમનું મોટું રૂપ લઈ લીધું. હવે પરિસ્થિતિ એવી વણસી ગઈ કે વાતચીત તો દૂરની વાત, બંને એકબીજાની સામે જોવાનું પણ ટાળતા હતા. જો ક્યારેક રસ્તામાં સામસામે આવી જાય તો કડવા ટોણા મારતા અને માથાકૂટ થઈ જતી. ગામના લોકો પણ વાતો કરવા લાગ્યા કે, જે ભાઈઓ એકબીજા માટે જાન આપવા તૈયાર હતા, તે આજે એકબીજાના લોહીના તરસ્યા થઈ ગયા છે!
સમય પસાર થતો રહ્યો. મોટા ભાઈ જયના ઘરે એક સુંદર પુત્રનો જન્મ થયો, જેનું નામ 'ક્રિશ' રાખવામાં આવ્યું. આખા ગામમાં ખુશીથી પેંડા વહેંચાયા, પણ નીલ ના ઘરે નઈ અને નીલ પણ પોતાના સગા ભત્રીજાને જોવા પણ ન ગયો. બંને વચ્ચેની એ ઈંટ-સિમેન્ટની દીવાલ હવે મન સુધી પહોંચી ગઈ હતી.
જોતજોતામાં ક્રિશ પાંચ વર્ષનો થઈ ગયો. એ વર્ષે અષાઢ મહિનામાં આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા. વીજળીના કાન ફાડી નાખતા કડાકા-ભડાકા અને વાદળોના ગડગડાટ સાથે એવો મુસળધાર વરસાદ તૂટી પડ્યો જાણે મહાદેવ તાંડવ કરી રહ્યા હોય! ત્રણ દિવસ વરસાદ જામ્યો અને નદીમાં ભયાનક પૂર આવ્યું અને ધસમસતું પાણી અડધા ગામમાં ફરી વળ્યા. ગામના ચોક સુધી પૂરના પાણી આવી જતાં નીચાણવાળા વિસ્તારના લોકો પોતાના ઘર ખાલી કરીને ભાગવા લાગ્યા.
આ જ ભાગદોડ અને આફતના માહોલમાં, જયનો પાંચ વર્ષનો દીકરો ક્રિશ અચાનક નદીના ધસમસતા પ્રવાહમાં લપસી પડ્યો. "બચાવો... બચાવો..." ની કરુણ ચીસોથી આખું પાદર ગાજી ઉઠ્યું. જય હાંફળો-ફાંફળો દોડતો નદી કિનારે આવ્યો. પાણીનો વહેણ બહુ જ તેજ હતો અને અંદર મોટા-મોટા ઝાડ-ઝાંખરા તણાઈને આવી રહ્યા હતા. દીકરાને કાળના મુખમાં ડૂબતો જોઈને જય પાણીમાં ઉતરવા ગયો, પણ સામે મોતનો પ્રવાહ જોઈને તેના પગ થંભી ગયા. તે ડરના માર્યા કિનારે ઊભો-ઊભો બૂમો પાડી રહ્યો હતો.
બરાબર એ જ કટોકટીની સમયે ત્યાંથી પસાર થતા નીલને ખબર પડી કે તેનો ભત્રીજો ક્રિશ નદીના એ રાક્ષસી પ્રવાહમાં તણાઈ રહ્યો છે. એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના, નીલે નદીના એ કાળમુખા પાણીમાં છલાંગ લગાવી દીધી! પાણીમાં રહેલા પથ્થરો સાથે અથડાતો-અથડાતો નીલ પાગલની જેમ આગળ વધ્યો અને તેણે ક્રિશને પકડી લીધો. વહેણ એટલું જોરદાર હતું કે બહાર નીકળવું અશક્ય લાગતું હતું, પણ નીલે હિંમત ન હારી. ક્રિશને પોતાની છાતી સરસો ચાંપીને તે પ્રવાહની સાથે થોડે દૂર સુધી તણાયો, અને જ્યાં વહેણ ઓછું હતું ત્યાંથી તે ક્રિશને લઈને હેમખેમ બહાર નીકળ્યો .પણ તરીને થાકી ગયો અને માથામાં પણ લાગ્યું હોવાથી કિનારે ક્રિશ ને ઉતારી ત્યાં જ સૂઈ ગયો .
અહીં કિનારે જયનો જીવ અધ્ધર હતો. ત્યાં કોઈ એ કીધું ક્રિશ અને નીલ આગળ અરધોક કિલોમીટર દૂર કાઠે પડ્યા છે , જય અને ગામના લોકો દોડી  ગયા ત્યાં જોયું કે ક્રિશ ના હાથ પગ છોલાના અને નીલના માથામાંથી લોહી વહી રહ્યું હતું. પોતાના ભાઈ અને દીકરાને નવજીવન મેળવી જોઈને જયની આંખોમાં પશ્ચાતાપ અને પ્રેમની અશ્રુધારા વહી નીકળી. બંનેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને સારવાર બાદ ઘરે લાવ્યા.
ગામના લોકો જે અત્યાર સુધી બંને ભાઈઓની દુશ્મનીની વાતો કરતા હતા, તેમના મોં સદાય માટે બંધ થઈ ગયા. પિતાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમની આંખો હરખના આંસુથી ભરાઈ આવી. આજે તેમના કાળજાને પરમ સંતોષ થયો કે, "ભલે બંને જુદા રહેતા હોય, ભલે ગમે તેવા મનભેદ કે મતભેદ હોય, પણ જ્યારે મુશ્કેલી આવે ત્યારે આજે પણ બંને 'એક જ પાનની જમનારા' એ જ ભાઈઓ છે... બે શરીર અને એક જીવ!"