વેલકમ ટુ ધ જંગલ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેલકમ ટુ ધ જંગલ

વેલકમ ટુ ધ જંગલ
-રાકેશ ઠક્કર

         સિનેમાઘરોના અંધારા હોલમાં જ્યારે લાઈટો ઓલવાય અને રૂપેરી પડદે મનોરંજનનો ધમાકો થાય ત્યારે પ્રેક્ષકોના ચહેરા પર જે હાસ્ય રેલાય છે તેની મજા જ કંઈક ઓર હોય છે. આવી જ એક જબરદસ્ત મનોરંજક અને ધમાકેદાર સવારી લઈને બોલીવૂડના ખેલાડી અક્ષય કુમાર અને તેની આખી પલટન થિયેટરોમાં આવી પહોંચી છે. ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ (2026) ની વાર્તા વિચિત્ર અને રમુજી છે. ફિલ્મમાં એક અમીર બિઝનેસમેન છે જેની પાસે પુષ્કળ બ્લેક મની છે. આ કાળા નાણાંને ધોળા કરવા માટે તેને જોની લીવર એટલે કે દુબેજી તરફથી એક મસ્ત આઈડિયા મળે છે. આઈડિયા એવો હોય છે કે બોલીવુડમાં એક એવી ફ્લોપ ફિલ્મ બનાવવી જેમાં મોટું નુકસાન બતાવી શકાય અને બ્લેક મની વ્હાઇટ થઈ જાય. આ પ્લાન મુજબ ફિલ્મ માટે એકદમ ફ્લોપ ડિરેક્ટર, ફ્લોપ એક્ટર્સ, ફ્લોપ હિરોઈનો અને ભંગાર સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવે છે અને તેના પર કરોડો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવે છે. પરંતુ વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે આ બિઝનેસમેન કોઈ કારણસર આખી ટીમને એમ કહે છે કે આ ફિલ્મ ગમે તેમ કરીને એક જ દિવસમાં પૂરી કરવાની છે! બસ, પછી તો આખી ટીમ શૂટિંગ કરવા માટે 'આઝાદગંજ' નામના એક ગામડામાં પહોંચી જાય છે અને ત્યાંથી શરૂ થાય છે ગેરસમજણ, કન્ફ્યુઝન અને હાસ્યનો એવો અદભુત સિલસિલો કે જે દર્શકોને પેટ પકડીને હસવા માટે મજબૂર કરી દે છે. ફિલ્મ બોલીવુડ પર કટાક્ષ કરવાની સાથે એક પેરોડી તરીકે કામ કરે છે. અને વર્તમાન પેઢીને ગમતા મીમ્સની યાદ અપાવે તેવી ક્ષણો છે.

         આ ફિલ્મ જોવી હોય તો સૌથી પહેલી અને મહત્વની શરત એ છે કે થિયેટરમાં જતા પહેલાં તમારું મગજ ઘરે જ લોક કરીને જવું. એ સહેજ પણ લોજિક, સેન્સ કે કોમન સેન્સ વાપરવા માટે બની જ નથી. માત્ર કાનથી સાંભળવા અને ગળું ફાડીને હસવા માટે બનાવવામાં આવી છે. ફિલ્મની શરૂઆતમાં જ અક્ષય કુમારની એન્ટ્રી ‘ઘીસ ઘીસ ઘીસ’ નામના ભોજપુરી સ્ટાઇલના ગીત સાથે થાય છે. જે જોઈને સમજાઈ જાય છે કે અહીં નો-નોનસેન્સ મનોરંજન પીરસવામાં આવ્યું છે. નિર્દેશકે બહુ ચાલાકીથી જૂની ‘વેલકમ’ ની યાદો અને નોસ્ટાલ્જીયાનો ઉપયોગ કર્યો છે. ઉદય અને મજનુ ભાઈના નવા સંબંધીઓ લાવવા, ઊંચા લાંબા કદનું નવું ગીત બતાવવું એ બધું જ દર્શકોને જૂના દિવસોની યાદ અપાવે છે. જોકે, ફિલ્મનું VFX ઘણું નબળું છે અને કમ્પ્યુટરથી બનાવેલા ઘોડા કે એનિમલ્સ બહુ નકલી લાગે છે. છતાં ફિલ્મની કોમેડી એટલી સ્ટુપિડ અને ફની છે કે આ બધી ખામીઓ તરફ જોવાનો સમય જ મળતો નથી.

         સામાન્ય રીતે ફિલ્મોમાં ચાર-પાંચ કલાકારો હોય તો તેને મલ્ટીસ્ટારર કહેવાય પણ આમાં તો ૩૪ જેટલા સ્ટાર્સનો આખો મેળો ભરાયો છે! ફિલ્મની સૌથી મોટી તાકાત તેની સિચ્યુએશનલ કોમેડી અને અક્ષય કુમાર છે. તે પોતાની ઓરિજિનલ કોમેડી કિંગ વાળી સ્ટાઇલમાં પાછો ફર્યો છે. તેનો ડબલ રોલ છે અને જ્યારે બંને અક્ષય સામસામે આવે છે ત્યારે થિયેટરમાં હાસ્યનું મોજું ફરી વળે છે. પોતાની જ મજાક ઉડાવીને લોકોને હસાવવાની જે અદભુત પ્રતિભા અક્ષય કુમાર પાસે છે તે આ ફિલ્મમાં સો ટકા જોવા મળે છે.

         અક્ષય કુમારની સાચી તાકાત અને તેનો ઓરિજિનલ અંદાજ કોમેડી છે. હેરા ફેરી, વેલકમ, ભૂલ ભુલૈયા કે ‘ગરમ મસાલા’ જેવી અનેક ફિલ્મોએ સાબિત કર્યું છે કે તેની ટાઈમિંગ અદભુત છે. જ્યારે તે ગંભીર કે દેશભક્તિના વિષયો પર બેક-ટુ-બેક ફિલ્મો કરીને દર્શકોને થોડો થકવી રહ્યો હતો ત્યારે ‘વેલકમ ટુ ધ જંગલ’ જેવી માઇન્ડલેસ પણ કલરફુલ કોમેડી દર્શકો માટે અને બોક્સ ઓફિસ માટે એક મોટો બૂસ્ટર સાબિત થાય એવી છે. આવી ફિલ્મો સામાન્ય જનતાને થિયેટર સુધી ખેંચી લાવે છે. 

         સુનીલ શેટ્ટી સાથેની તેની નોકઝોક અને રવીના ટંડન સાથે 20 વર્ષ પછીનો રોમાન્સ દર્શકો માટે એક વિઝ્યુઅલ ટ્રીટ સમાન છે. જોકે, આખી ફિલ્મમાં અક્ષય સિવાય જો કોઈ સૌથી વધુ લાઈમલાઈટ ચોરી ગયું હોય તો તે ફરીદા જલાલ અને જોની લીવર છે! ખાસ કરીને ફરીદાના ઉર્દૂ શાયરી વાળા સીન્સ અને સંવાદો એટલા મજેદાર છે કે આખું થિયેટર પાગલ થઈ જાય છે. તેમની હરકતો અને ડાયલોગ ડિલિવરી એટલી સરસ છે કે સહાયક કલાકારો પણ ક્યારેક મુખ્ય કલાકારો પર ભારે પડતા દેખાય છે. આ ઉપરાંત અરશદ વારસી, રાજપાલ યાદવ અને પરેશ રાવલની ત્રિપુટી પણ સારું મનોરંજન પૂરું પાડે છે.
 
         ફિલ્મના પ્લસ પોઇન્ટ ઘણા છે. આજકાલની કોમેડી ફિલ્મોની જેમ હસાવવા માટે કોઈ ડબલ મિનિંગ જોક્સ કે વલ્ગારિટીનો સહારો લેવામાં આવ્યો નથી. સેન્સર બોર્ડે ભલે ૧૮ જેટલા કટ્સ માર્યા હોય પરંતુ જે ફિલ્મ બચી છે તે સો ટકા ફેમિલી ફ્રેન્ડલી છે. ફિલ્મની એકમાત્ર મોટી નબળાઈ તેનો બીજો ભાગ અને તેનું સંપાદન છે. ઇન્ટરવલ પછી ફિલ્મ કેટલીક જગ્યાએ થોડી ખેંચાયેલી અને લાંબી લાગે છે. જો ક્લાઇમેક્સને જૂની ‘વેલકમ’ જેવો જ ચિત્રવિચિત્ર અને વધુ મજબૂત બનાવ્યો હોત તો આ ફિલ્મ ઓલ-ટાઇમ ક્લાસિક બની શકી હોત. તેમ છતાં અહેમદ ખાને આટલી મોટી સ્ટાર કાસ્ટને કોઈ પણ જાતની ખીચડી બનાવ્યા વગર જે રીતે સંભાળી છે, તેના વખાણ કરવા જ પડે. આ ફિલ્મ માત્ર મેટ્રો સિટીઝ જ નહીં નાના ગામડાઓ અને શહેરોના સામાન્ય દર્શકોને પણ ભરપૂર જલસો કરાવે એવી છે.

         રોજબરોજની ભાગદોડવાળી જિંદગીથી થાકી ગયા હોય, ઓફિસ કે ઘરના ટેન્શનથી થોડો આરામ ઈચ્છતા હોય અને અઢી કલાક સુધી કોઈ પણ જાતનું મગજ ચલાવ્યા વગર માત્ર ખડખડાટ હસવા માંગતા હોય એમના માટે જ 'વેલકમ ટુ ધ જંગલ' બની છે. આ એક પરફેક્ટ અને શુદ્ધ પૈસા વસૂલ ફેમિલી એન્ટરટેઇનર છે. જે થિયેટરમાં સામૂહિક રીતે જોવામાં વધુ મજા આપશે. આ વીકેન્ડ પર મગજને કબાટમાં મૂકીને ચાવી ખિસ્સામાં નાખો. અને રિવાર તથા મિત્રો સાથે ટિકિટ બુક કરાવીને થિયેટરમાં પહોંચી જાઓ, કારણ કે જંગલ મંગલ કરવા માટે સાવ તૈયાર બેઠું છે!