અધૂરું માતૃત્વ - ભાગ 3 Vaidehi Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરું માતૃત્વ - ભાગ 3

હું સંતાઈને સાંભળતી હતી. 'જીજાજીનો ફોન?. અત્યારે કેમ આવ્યો હશે?  ચોક્કસ કંઈક થયું હશે...! ના... ના.. એ લોકોને ખબર પડી હશે કે કાવ્યા મને મળવા આવી છે એટલે કદાચ જાણીજોઈને ફોન કર્યો હશે?' હું મારી જાત સાથે જાણે એક દ્વન્દ યુદ્ધ લડી રહી હતી! અંદર થી કાવ્યાનો ધીમો પણ એકદમ તૂટી ગયેલો અવાજ સંભળાયો..., " તાહિર મારા પપ્પા ને icu માં લઇ ગયા છે મારે.... " એનો અવાજ તૂટવા લાગ્યો જાણે હમણાં એ ભાંગી પડશે! હું સડક થઇ ગઈ. 'એને ખબર હતી કાવ્યા મને મળવા આવવાની છે.. એને ખબર હતી... તો પછી હોસ્પિટલ અને icu...?' ફરી મારું દ્વન્દ ચાલુ થઇ ગયું! પણ બીજી જ સેકન્ડે હું બારણું હડસેલી ને અંદર ગઈ. 

                "તાહિર, કાવ્યાને સંભાળ. હું પાંચ મિનિટમાં તૈયાર થઈને બહાર ઉભી છું. " 

પછી હું કાવ્યા તરફ ફરી. મારા આવા વર્તનની એને અપેક્ષા નહોતી. એ થોડા ગુસ્સા અને થોડા ખચકાટ સાથે બોલી... " મારે જરૂર નથી તારી દયાની કે નથી મારા પપ્પાને... " એનું વાક્ય પતે એ પહેલા મેં એને અટકાવી ને કહ્યું, " મેં તારી મરજી પૂછી નથી. મને તારી કે તારા પપ્પાની દયા ખાવાની જરાય જરૂર નથી. તું તારી જાતને સંભાળ મારું મારી પર છોડી દે." અને હું તૈયાર થવા નીકળી ગઈ! 

              કાવ્યા હજુ ફોન પણ સાંભળેલા સમાચાર અને મારા વર્તનના બેવડા આઘાતમાં એમ ને એમ ઉભી હતી. તાહિરે એને ધીમે રહીને ગળે વળગાડી લીધી. કાવ્યા થોડી ક્ષણો માટે એ હૂંફને પોતાની અંદર ભરી રહી. તાહિરે કાવ્યાને સ્હેજ અળગી કરી ને પૂછ્યું, " બાબા હું આવું? શું થયું કહીશ મને? " 

        કાવ્યા જાણતી હતી કે એના પપ્પા તાહિરને ક્યારેય નહીં અપનાવે. એટલે નકારમાં ડોકું હલાવી ને ભારે પગલે બહાર આવી. " તાહિર તું ઓફિસ જા. તને માંડ આ પાર્ટટાઈમ જોબ મળી છે. હું તને રાતે ફોન કરીશ. " કાવ્યા એનું બેગ લઈને નીકળવા જતી હતી ત્યાંજ મેં કહ્યું, " તાહિર કાવ્યાને હોસ્પિટલ મૂકીને જજે. હું મારી ગાડીમાં તમારી પાછળ જ આવું છું. અને હા, કાવ્યા તું મને ગમે એટલી ધિક્કારે હું તારી માં છું એ વાત તું બદલી નહીં શકે. મારો આ બોસી અવાજ તને અકળાવી રહ્યો છે એ હું તારા મોઢા પર જોઈ શકું છું. પણ આપણી જોડે હાલ સમય નથી. જો તારા ફુવાએ ફોન કર્યો છે તો વાત એકદમ સિરિયસ હશે. તાહિર જોડે રસ્તામાં તું રડી લેજે પણ પછી તારે મજબૂત રહીને ઉભા રહેવું પડશે. ચાલો, નીકળો બેય જણા. " તાહિર મારી સામે સ્હેજ નમ્યો મેં આંખો થી સંમતિ આપી અને એ કાવ્યાનો હાથ પકડીને રૂમની બહાર નીકળી ગયો.

              બંને ને મોકલીને હું મારા ડ્રાઇવરને લઈને હોસ્પિટલ જવા નીકળી. અમદાવાદના રસ્તા બદલાઈ ગયા હતા. કેટલા બધા ઓવરબ્રિજ  બની ગયા હતા! રસ્તાની જોડે જોડે મારો ભૂતકાળ પણ સરતો જતો હતો આંખો આગળ!

અચાનક એક દિવસ મને ઊંઘમાંથી ઉઠાડી ને મારો હાથ પકડીને મને ખેંચીને બેઠી કરી. "કોને ફોન કર્યો'તો તેં? "  કાવ્યા હજુ મારા પડખામાં હતી અને હું માંડ મારી દવા લઈને સૂતી હતી. અચાનક એના આવા સવાલ અને વર્તનથી હું સુન્ન થઇ ગઈ. " શું થયું? મેં શું કર્યું? તું કેમ આવું કરે છે? "

" ખોટા નાટક બંધ કર. કોની જોડે વાત કરતી'તી? હું ક્યારનો ફોન કરતો હતો સતત એન્ગેજ આવતો હતો. કોણ હતું સાચું બોલ. " 

" અની, હું... મને... મેં.... " મારો અવાજ જાણે રૂંધાઈ ગયો હતો. અનિમેષ નું આ રૂપ મેં પહેલાં પણ જોયેલું. એની પસેસીવનેસ આજ કાલની નહોતી. પણ આજે મને જાણે કોઈએ હાથોડાના ઘા માર્યા હોય એવું લાગતું હતું. હું મારા પડખામાં એનું બાળક લઈને સુતી છું અને આ માણસ મારા ચારિત્ર પર શંકા કરે છે? 

              મારું મન દુઃખ ગુસ્સા અને કડવાશથી ભરાઈ ગયું. મારા સીઝરિયન ના ટાંકા સાચવીને હું ઉભી થઇ ane એની આંખોમાં જોઈને બોલી, "તને જો ભરોસો ના હોય તો હું સાચું બોલીશ તો ય તું માનવાનો નથી. તારે શું સાંભળવું છે એ કહી દે હું બોલી જાઉં."  મારા આ જવાબની એને અપેક્ષા નહોતી. એને એમ હતું કે હું સફાઈ આપીશ અને એને મનાવીશ. પણ આ જવાબથી એ ડઘાઈને જતો રહ્યો. પણ મને ખબર ના પડી કે મેં અજાણતા એના અહમ પર ઘા કરી દીધો હતો. મારો આ જવાબ એ સમજી શક્યો હોત પણ એનાં ઘરનાએ આ વાતનુ વતેસર કર્યું. ત્યાં પછી અમે ક્યારેય શાંતિ થી ન રહી શક્યા. એ દિવસ પછી જાણે મારો નરકવાસ શરુ થયો હતો!