પેડ્ડી
-રાકેશ ઠક્કર
દક્ષિણ ભારતની ફિલ્મોનો એક જમાનો હતો જ્યારે તેમના કન્ટેન્ટ અને લાર્જર ધેન લાઈફ સિનેમાની આખી દુનિયા દીવાની હતી, પણ ક્યારેક ક્યારેક પેન-ઇન્ડિયા હિટ આપવાના અતિશય ઉત્સાહમાં એવું ભેલપુરી જેવું સિનેમા બની જાય છે જે દર્શકોને હસાવવા કે રડાવવાને બદલે વિચારતા કરી મૂકે છે. રામચરણની બહુચર્ચિત ફિલ્મ ‘પેડ્ડી’ નું પણ કંઈક આવું જ થયું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક શાનદાર સ્પોર્ટ્સ ડ્રામા તરીકે પ્રમોટ કરવામાં આવી હતી પણ થિયેટરમાં પગ મૂકતા જ ખબર પડે છે કે આ તો વાર્તાઓની એવી ખીચડી છે જેમાં તમને 'દંગલ', 'સુલતાન', 'ભાગ મિલ્ખા ભાગ', 'ચંદુ ચેમ્પિયન' અને 'પુષ્પા' જેવી અનેક ફિલ્મોના ટુકડા એકસાથે ભળેલા જોવા મળશે. કંઈક નવું જોવાની આશા સાથે ગયેલા દર્શકોને અહીં જૂની ફિલ્મોનું મિશ્રણ જ પીરસી દેવામાં આવ્યું છે.
આ ફિલ્મની સૌથી મોટી નબળાઈ તેની લંબાઈ છે. ૩ કલાકથી પણ વધુ સમય સુધી ચાલતી આ સફર થિયેટરમાં દર્શકોની ધીરજની આકરી કસોટી લે છે. વાર્તા એક ગરીબ ગામડાના યુવાન પેડ્ડીની છે, જે ક્રિકેટ, કુસ્તી અને દોડ જેવી વિવિધ રમતોમાં માહિર છે અને પોતાના ગામનું નામ રોશન કરવા માંગે છે. રામચરણે આ પાત્રને ન્યાય આપવા માટે તનતોડ મહેનત કરી છે. તેમની માસ અપીલ, એક્શન સીન્સ અને એનર્જી પડદા પર સિંહની ગર્જના જેવી લાગે છે પણ કમનસીબે તેમની આ આખી મહેનત પર પાણી ફેરવવાનું કામ નબળા વીએફએક્સ (VFX), ખરાબ ડબિંગ અને નબળા સ્ક્રીનપ્લેએ કર્યું છે. ફિલ્મમાં વીએફએક્સ એટલા કાચા અને અનનેચરલ છે કે રેલવેના દ્રશ્યોમાં પાછળ ગ્રીન સ્ક્રીન વાપરી હોવાનું ચોખ્ખું દેખાઈ આવે છે. એટલું જ નહીં મેકર્સ કન્ટીન્યુટીની નાની નાની બાબતોમાં પણ થાપ ખાઈ ગયા છે. એક સીનમાં બાળક માટે જે પાટી લઈ જવામાં આવે છે તેના પર હિન્દીમાં ક-ખ-ગ-ઘ લખેલું હોય છે, અને તે બાળકના હાથમાં પહોંચે ત્યાં સુધીમાં તો જાદુઈ રીતે તેલુગુના અક્ષરો બની જાય છે. જ્યારે આટલા મોટા બજેટની ફિલ્મ બનતી હોય ત્યારે આવી ભૂલો ખરેખર આશ્ચર્ય પમાડે છે.
આ બધાથી ઉપર ફિલ્મમાં જાનવી કપૂરના પાત્રનું પ્રસ્તુતીકરણ સૌથી વધુ વિવાદાસ્પદ અને ખૂંચે તેવું રહ્યું છે. એક તરફ ફિલ્મ દેશભક્તિ, રમતગમત અને ક્યારેય હાર ન માનવાના મજબૂત સામાજિક સંદેશ પર ચાલે છે ત્યારે બીજી તરફ હિરોઈનને જે રીતે કેમેરા એંગલ્સથી ગ્લેમરસ અને અમુક અંશે અનકમ્ફર્ટેબલ લાગે તે રીતે રજૂ કરવામાં આવી છે, તે વાર્તાના પ્રવાહને સાવ તોડી નાખે છે. આ આખી ફિલ્મમાંથી જો હિરોઈનનો ટ્રેક સંપૂર્ણપણે હટાવી દેવામાં આવે તો પણ વાર્તાને એક ટકાનો પણ ફરક પડે તેમ નથી. ફિલ્મમાં વગર કારણે ડબલ મિનિંગ ડાયલોગ્સ અને એવા દ્રશ્યો રાખવામાં આવ્યા છે જે આખા કન્સેપ્ટને સસ્તી બી-ગ્રેડ ફિલ્મ તરફ ધકેલી દે છે. જોકે, આ મુશ્કેલ પરિસ્થિતિમાં સંગીતકાર એ. આર. રહેમાન સાચા મસીહા બનીને આવ્યા છે. તેમનું શાનદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક (BGM) જ એકમાત્ર એવી વસ્તુ છે જે આ લાંબી અને કંટાળાજનક વાર્તામાં પણ રામચરણની એન્ટ્રીને લાર્જર ધેન લાઈફ બનાવે છે અને દર્શકોને સીટ પર જકડી રાખે છે.
ફિલ્મનું ડબિંગ પણ અત્યંત કાનમાં ખૂંચે તેવું છે. હિન્દી ડબિંગમાં ફર્સ્ટ હાફ દરમિયાન રામચરણના પાત્ર માટે બે અલગ-અલગ ડબિંગ આર્ટિસ્ટના અવાજ સંભળાય છે, જે દર્શકોને ખૂબ જ અજીબ અને અતડું લાગે છે. ગીતોની વાત કરીએ તો પણ એકાદ ગીતને બાદ કરતાં કોઈ ગીત યાદ રહે તેવું નથી. ફિલ્મનો ક્લાઈમેક્સ અને સ્પોર્ટ્સ એક્શન કદાચ માસ ઓડિયન્સ અને રામચરણના કટ્ટર ચાહકોને તાળીઓ પાડવા માટે મજબૂર કરી શકે છે,પણ એક સામાન્ય સિનેમા પ્રેમી માટે આ ત્રણ કલાકનો સમય પસાર કરવો મુશ્કેલ બની જાય છે.
ડિરેક્ટરનું રાઈટિંગ અને ડિરેક્શન આ વખતે પુષ્પા જેવો જાદુ ચલાવવામાં નિષ્ફળ રહ્યું છે. ટૂંકમાં કહીએ તો, આ ફિલ્મ નવો ચીલો ચાતરવાને બદલે જૂની વાર્તાઓનું કન્ફ્યુઝન વધારે છે. જો તમે રામચરણના જબરદસ્ત ફેન હોવ તો કદાચ એકવાર થિયેટરમાં જઈ શકો, બાકી આ મૂવી ઓવરઓલ એવરેજથી પણ નીચું પ્રદર્શન કરે છે અને પેન-ઇન્ડિયા સિનેમાના નામે માત્ર ભ્રમ પેદા કરે છે. આ 'આર્ટ ફિલ્મ' ટાઈપનો માહોલ ધરાવે છે. એટલે કે, જો તમને વાર્તામાં ઊંડા ઉતરવું ગમતું હોય તો જ મજા આવશે, બાકી અડધેથી બગાસાં આવી શકે છે. આ એક એવરેજ 'ફેન સર્વિસ' ફિલ્મ છે જે માત્ર રામચરણના ફેન્સ માટે છે. સાઉથ ઇન્ડસ્ટ્રીએ 'બાહુબલી' અને 'RRR' થી જે ઈજ્જત કમાઈ હતી તેના પર આ ફિલ્મે પાણી ફેરવી દીધું છે.