અંતિમ અધ્યાય
સૂત્ર:૭ કુદરત ઉવાચ:
કરોડો વર્ષો થી સ્થિત એવા મારા અસ્તિત્વે ઘણા પરિવર્તનો જોયા અને આ પરિવર્તનો ની સાથે સાથે ઘણી પેઢીઓ મેં વીતતી જોઈ. તથા ભવિષ્ય માં પણ જોતો રહીશ.
અહીંયા જે પણ શ્વાસ લે છે, એને મારી પ્રણાલી જ ચલાવે છે. મેં પૂર્વે કહ્યું તેમ આયુષ્ય અને ઈચ્છાઓ અનિશ્ચિત છે પણ કુદરત એટલે કે મારા માં શ્વાસ લેનાર પ્રત્યેક વ્યક્તિ સમજી અને જાણી લે કે મારા જતન માં એમનું જતન અને પતન માં એમનું પતન છે. કારણ કે સર્વે જીવો અંતે મારાથી જ અસ્તિત્વ પામે છે અને મારા જ અંશ છે.
મારા મહાન પરિવાર ના સૌથી વિશેષ એવા અને સૌથી સમજદાર એવા સંતાન મનુષ્ય ને પોતાની જવાબદારી સમજાય એ હેતુ થી જ આ કહી રહી છું. વિશેષ ક્ષમતા વિશેષ જવાબદારી પણ આપે જ છે. આ જવાબદારી અને વિશેષ ક્ષમતા બન્ને વિકાસ, શાંતિ,પ્રસન્નતા , સુકુન ,ચેન,સંતોષ અને પ્રેમ માં વૃદ્ધિ કરવાની જ છે. સર્વ હિતાય ના એક જ સ્વભાવ ને ધ્યાનમાં લઈને.
મારા શબ્દો કદાચ અમર થાય, કદાચ રૂપાંતરિત થાય કે કદાચ કાળ ની ભૂલ ભુલામણી માં સદા માટે ખોવાઈ જાય.. પણ જેના સુધી પણ પહોંચે, એને આ નીતિ પ્રેમ શાંતિ પ્રસન્નતા અને વિકાસ આપે અને નિત્ય એવા વિચારો,કર્મો અને સંગત માં વૃદ્ધિ કરવાની પ્રેરણા આપે.
તમે જે વિચારો,કર્મ કરો કે ભાવ કરો પ્રસન્નતા,અને શાંતિ થી પ્રસન્નતા અને શાંતિ માટે કરો. સંતોષ માટે કરો.. તમને વિકાસ અને સમૃદ્ધિ, વગર સંઘર્ષે પ્રાપ્ત થશે. બળી ને રાખ થવાય છે ,સહજ સમૃદ્ધ હમેશા સર્વ હિતાય થી જ થવાય છે. સર્વ એટલે તમે અને આ સંપૂર્ણ પરિવાર. જે વિચાર, ભાવ અને કર્મ સર્વહિત ના પક્ષ માં છે તેના પક્ષ માં હું મારી અસીમ ક્ષમતાઓ સાથે છું. જેમ શોષણ નું ફળ હાથો હાથ છે.. એમ સર્વ હિતાય અને પોષણ નું ફળ પણ હાથો હાથ મળી શકે છે.
સૂત્ર :૮
નીતિ સુત્રો બહુ જ સરળ છે... દરેક સૂત્રો દરેક માટે છે.. પણ સરળતા ખાતર , જો તમે કોઈ એક સૂત્ર પસંદ કરશો.. અથવા ફક્ત ભાવાર્થ ને પણ સમજી જીવન માં ઉતારશો તો જીવન માં સકારાત્મક પરિવર્તન આવશે. જો આપને આધ્યાત્મ, ભગવાન,આત્મા,પરમાત્મા, દેવ,લોક,પરલોક ,પાપ પુણ્ય,પુન:જન્મ આ સર્વે ખૂબ જટિલ લાગે છે.. અને કોઈ સરળ સમજણ દ્વારા પ્રગતિ ઈચ્છો છો તો આ નીતિ સુત્રો તમને સહાયતા કરશે.
પંચતત્વ ના નિયમો, ક્ષણ ક્ષણ ના પરિવર્તન નો સ્વીકાર અને કુદરત ના નિયમો ની સમજણ અને પ્રેમ,વિકાસ,શાંતિ અને પ્રસન્નતા નો માર્ગ તેમ જ મંઝિલ આ જો સરળતા થી જાણી શકો તો પણ પૂરતી વાત છે.
જેટલું ઓછું જાણો કે સમજો એ જ ઉત્તમ છે. કુદરત એટલે મારા તત્વો એક જ કામ જાણે છે.. અને બધા જ તત્વો એક જ કામ સ્વભાવ ગત કરે છે.મનુષ્ય પણ એક જ કાર્ય સહજ રીતે કરી શકે તો જીવન માં ક્રાંતિ સંભવ છે. દરેક તત્વ માં પોતાની સંભાવનાઓ છે.. એમ મનુષ્ય માં પણ પોતાની સંભાવનાઓ છે. આ સંભાવનાઓ માંથી એક સંભાવના સર્વ હિતાય ની પણ છે. તમે પણ આ સંભાવના પામો અને એના માર્ગે ચાલો..
તમે જ્યાં છો.. જે કરો છો તેમાં પણ સર્વ હિતાય નો માર્ગ સમાયેલ છે.. એટલું પણ જોઈ લો તો પ્રયત્નપૂર્વક કશું જ બદલવાની જરૂર નથી.. બસ જે કર્મ તમે ભય ,લોભ, ભાવુકતા થી કે લાચારી થી મસ્તી વગર ,મજા વગર ફક્ત કર્મ કરવા ખાતર કરતા હતા, તેને મસ્તી ,સંતોષ અને ખુશી માટે અને તે જ રીતે કરવા લાગો... તત્કાળ શાંતિ મળશે.