ખંડ:૨:
આત્મજાગૃતિ નું વિવરણ
સૂત્ર :૧
કુદરત ઉવાચ:
ઋતુ નિશ્ચિત છે.દિવસ-રાત અને સમય પણ,
શ્વાસ લેવો અને મૃત્યુ,જાગવું અને ઊંઘવું,
મેળવવું અને ગુમાવવું,ચાલવા માટે કયો
પગ ઉપાડવો એ પણ નિશ્ચિત છે.
અનિશ્ચિત છે, તો માત્ર આયુષ્યની સીમા, અને મનુષ્યની ઇચ્છાઓ.
આયુષ્યની સીમા પર આપણો વશ નથી,ઇચ્છાઓ પર કામ કરી શકીએ છીએ. અત્યારે જ પ્રસન્ન અને સંતોષી થઈ શકીએ છીએ, અથવા ચિંતામાં
ઉદ્વેગપૂર્ણ રહી શકીએ છીએ.
આ જ ક્ષણે આપણો વશ ચાલી શકે છે, નિયતિ ભલે ગમે તે હોય, (જીવન) માત્ર ક્ષણોનો નિયત
સંગ્રહ છે. પરિણામ પર વશ નથી આપણો, ક્ષણની મનઃસ્થિતિ પર છે, આનું જ ધ્યાન રાખવું એ જ જાગૃતિ છે.
ભાવાર્થ : કુદરત ની વાતો સરળ છે.. હમેશા તરત ગળે ઉતરી શકે .. કોઈ પણ સમયગાળા ના જીવીત વ્યક્તિ માટે અનુકૂળ હોય એ ૧૮૫૦ નો જન્મ હોય કે ૨૮૫૦ નો હમેશા આ જ સમજવું રહ્યું.
કુદરત મનુષ્ય ને નિશ્ચિત અને અનિશ્ચિત નો ભેદ સમજાવી કહે છે કે કુદરત એટલે કે મારી પ્રત્યેક રચના માં બધું જ સરળ અને નિશ્ચિત છે. સૂર્ય નું ઊગવું , પવન નું આવવું જાવું.
ફક્ત બે જ વસ્તુ અનિશ્ચિત છે.. એક આયુષ્ય અને બીજી ઈચ્છાઓ ..એમાં પણ આયુષ્ય પર મનુષ્ય નો વશ નથી. અને અત્યારની ક્ષણ સિવાય એનું ક્યાંય કશું ચાલવાનું નથી..
ક્ષણ પર જ કાંઈક જોર ચાલે છે.. તો મનુષ્ય એ જાતે જ નક્કી કરવાનું છે કે કુદરત ની સાથે પ્રસન્ન ,શાંત અને વિકાસ ની દિશા માં આગળ વધવું છે કે સામાજિક થઈ ને કૃત્રિમ ચિંતા અને ઉદ્વેગ માં સમય આપવો છે.
આ ક્ષણ પ્રત્યે જાગૃત થવું એ જ જાગૃતિ છે.
લાઓતસે તેના પુસ્તક માં જણાવે છે " તાઓ જેને જાણી શકાય છે એ શાશ્વત તાઓ નથી".
કૃપયા શાશ્વત ની ચિંતા માં ન પડો.. એ જે જાણી શકાય છે એ તો ક્ષણિક છે. ક્ષણ ને જ જાણી શકાય છે.
નામ જે લઈ શકાય છે ,એ શાશ્વત નામ નથી.. એટલે જે આપણે વિચારી શકીએ છીએ કે બોલી શકીએ છીએ એ ક્ષણિક છે.. જે શાશ્વત નથી એ ક્ષણિક છે. અને ક્ષણિક ને પણ પકડી શકાતું નથી કારણ કે એ પણ નિત્ય પરિવર્તનશીલ છે. તો પછી સમાજ ની કૃત્રિમતા વહોરી ચિંતા અને ઉદ્વેગ કેમ પાળવો?
આ ક્ષણ શાંત ,પ્રસન્ન અને વિકસિત થવા માટે યોગ્ય છે.. અને આ અંદર થી લાવવાનું પરિવર્તન છે.. બહાર કશું બદલી શકાશે નહી .. કોઈ ક્રોધ અપાવશે તો એક ક્ષણ જેટલો જ..
દાખલા તરીકે " એક વ્યાપારી પોતાના પૈસા લેવા એના દેવાદાર પાસે ગયો.. અને તે દુકાને હતો જ નહી આજે ૫ મી વાર એને પ્રોમિસ કરી પૈસા ન આપ્યા.. તો ક્રોધ આવવો સ્વાભાવિક છે.. પરંતુ એ ક્ષણિક છે.. શાશ્વત નથી.. હવે એના માટે એ આખી જિંદગી મન ભારે કરી રાખે તો મારા વ્યાપારી ભાઈ સદૈવ નફરત ને પાળે અને એની માન્યતાઓ બને કે "ક્યારેય કોઈના પર ભરોસો કરવો નહી".
આવી કેટલીય માન્યતાઓ અનુભવો ના બળે આપણા અંતર માં ઘર કરી ગઈ છે અને એ અશાંતિ નું કારણ છે.
ક્ષણ ક્ષણ પરિવર્તન છે.. તો પ્રતિક્રિયા નો પ્રભાવ પણ બહાર થી જ ઓછો કરો.. એને અંદર જવા જ શું કરવા દેવું. બહારનું રમકડું બહાર જ મૂકી દેવું.
સૂત્ર :૨
કારણ કે જેને જોયો નથી, જેને બહાર-ભીતર શોધવાની દોડ છે એ "તમે" પોતે જ છો.
શોધવા નીકળશો તો બહાર થાક મળશે,
અને ભીતર મનના ઊંડા ભ્રમ અને જાળ મળશે.
જેમ પાણી પોતાની અંદર પાણી સિવાય કંઈ પામતું નથી,
તેમ જ તમે તેને શોધી રહ્યા છો, જે તમે પોતે જ થઈને બેઠા છો.
કંઈ ન કરવું એ જ અહીં સૌથી મોટો તપ છે.
જેમ ધરતી કોઈ પસંદગી વગર વરસાદ અને વાવાઝોડાને પી લે છે.
મેઘધનુષ ક્ષણભરનું છે, સંસાર પરિવર્તનશીલ ઘટનાક્રમ છે, પણ તમે તેનાથી પર નથી, તમે એ જ છો.
સાક્ષી અને દ્રશ્ય, આત્મા અને શરીર—આ દ્વૈતનો જ ભ્રમ છે,
જ્યાં સુધી મન બે ટુકડામાં વહેંચાયેલું છે, શાંતિ એક છલાવો (મૃગજળ) છે.
જ્ઞાની પણ શબ્દોની જાળમાં છેતરાઈ જાય છે,
પણ સત્ય તો ત્યારે છે, જ્યારે શોધનાર અને શોધનું અસ્તિત્વ જ મટી જાય.
મટી જાય "તમે" નો એ અલગાવ અને
બધું જ માત્ર એક ક્ષણ જ રહી જાય.
ભાવાર્થ :
મનુષ્ય કુદરત ની સર્વશ્રેષ્ઠ રચના છે.. એના વિકાસ અને પોષણ થી લઈને વિનાશ સુધી બધું જ પર્યાપ્ત છે.. પણ વિશેષ થી પણ વિશેષ થવાની દોડ.. બહાર અને અંદરથી મનુષ્ય ને થકવી દે છે. એ બહાર સુખ,સફળતા અને સમૃદ્ધિ શોધે છે.. પોતાની અંદર આત્મા, પરમાત્મા, ઈશ્વર અને પુન: જન્મો ના રહસ્યો ખોજે છે.. છતાંય શાંતિ ,વિકાસ અને પ્રસન્નતા થી દૂર રહે છે.
આ કેવી ખોજ છે, જે સ્વયં ને ઘુમાવી ને પ્રાપ્ત થઈ શકે?
મૂળ ગુમાવી વૃક્ષ ઊંચાઈ પ્રાપ્ત કરી શકે?
મનુષ્ય કહે છે કે હું સાક્ષી છું.. સર્વનો દૃષ્ટા છું.. પરંતુ તમે કાંઈક છો કર્તા નહી તો દૃષ્ટા આ ભાવ પણ મન ના વિરોધાભાસો ને વેગ આપી શકે છે. દૃષ્ટા હોવા પ્રત્યે રાગ એટલે કે મોહ અને કર્તા પ્રત્યે દ્વેષ અથવા તિરસ્કાર જન્મી શકે છે..
મોટા મોટા જ્ઞાની પણ ગોથા ખાય છે.
બધું જ અહીં ગૂંથાયેલું છે, ક્ષણ માત્ર છે.