પ્રકરણ ૨ - દીપશિખાનું વર્ણન - ભાગ ૫
વસુંધરા ઉત્સુક હતી દીપશિખાના મનની વાત જાણવા માટે. ઘરમાં આવ્યા બાદ એ બંનેને એકાંત મળ્યો હતો. વસુંધરાએ વધારે મોડું કર્યા વિના તુરંત જ પૂછ્યું, "દીપશિખા, તું હવે મને જણાવીશ કે તારા મનમાં શું ચાલી રહ્યું છે?"
"કહું છું... એટલી બધી ઉતાવળ શું કામ કરે છે?" સખીની ઉત્સુકતા જોતા એ સૌમ્યતાથી બોલી.
"ઉતાવળ તો થાય જ ને! આજે મંદિરમાં જે દ્રશ્ય મેં જોયું, એ પછી તો મને નહીં, એ દ્રશ્ય જોનારા કોઈ પણ વ્યક્તિને ઉતાવળ થાય. એ તો સ્વાભાવિક છે. પરંતુ મને ઉત્કંઠા એ વાત જાણવાની છે કે તારા મનમાં શું છે?"
હસીને એ કહેવા લાગી, "અરે! આટલી બધી આતુરતા સારી નથી. આવેગ એ મનનો રોગ છે."
"એ બધું હું ના જાણું અને તું... મારી મશ્કરી ના કર." ભવાં ચડાવી એ બોલી. પછી પ્રેમથી પૂછવા લાગી, "સખી! જરા એમ તો કહે દીપશિખા, કોણ છે જેણે તારું મન હરી લીધું છે? એ દીપશિખા જે એટલી સુંદર છે કે તેણે કેટલાય પુરુષોના મન હરી લીધા છે. કંડેશ્વરની આવી મનોહારિણીને હરનાર એ પુરુષ, એ વીર કોણ છે? જરા એના નામનો ઉલ્લેખ તો કરો."
તે હસી. તેના હસવામાં પ્રેમ ભરેલી ઠાઠ હતી, સાથે થોડી શરમ હતી. વસુંધરાએ ફરી પૂછ્યું, "અરે શરમાય છે શાની? તારા મનોરથીનું નામ તો કહે."
"કહું?"
"હા... જલ્દીથી બોલ. મારા કાન આતુર છે તેનું નામ સાંભળવા માટે."
"એ પુરુષ છે... સુતન." દીપશિખાના મુખેથી સુતન નામ સાંભળીને વસુંધરા દિગ્મૂઢ થઈ ગઈ. તેના આશ્ચર્યનો પાર ના રહ્યો.
"સુતન!" તે ચકિત થતાં બોલી.
"હા."
"સુતન... એટલે આપણા પંચકૂળ સોમચંદ્રનો પુત્ર?" વસુંધરાને જાણે જે સાંભળ્યું એમાં શંકા હોય, એમ પૂછી રહી. દીપશિખા બોલી, "હા... હા. એ જ સુતન. મારું મન હરનારો."
"દીપશિખા. તને પાક્કો વિશ્વાસ છે કે તું સુતનના પ્રેમમાં છે? તને વહેમ તો નથીને!" તેણે તેના કપાળ પર હાથ રાખ્યો, "તને જ્વર તો નથીને કે જેનાથી તું આવું બોલી રહી છે?"
તેનો હાથ હટાવતા એ હસીને કહેવા લાગી, "ના હવે. મને કોઈ જ્વર નથી અને તે જે સાંભળ્યું છે એમાં શંકા કરવાની કોઈ જરૂર નથી. સુતન, તે સાચું જ સાંભળ્યું છે."
"પણ દીપશિખા. તું એને પ્રેમ કરે છે. એ મેં માન્યું. પરંતુ શું સુતન પણ તને પ્રેમ કરે છે? કે પછી મનમાં વ્હેમ રાખીને તું એનું નામ લઈ રહી છે."
દીપશિખા હસી અને કહેવા લાગી, "કેવી વાત કરે છે વસુંધરા! આવો વ્હેમ હું શું કામ રાખું? સુતને મને સામેથી પ્રેમ પ્રસ્તાવ આપ્યો હતો."
"અહો! એવં વાર્તા અસ્તિ!" મોટી આંખો કરતા એ બોલી.
("ઓહો!તો એમ વાત છે!" મોટી આંખો કરતા એ બોલી.)
"એમાં એટલું વિસ્મિત થવાની શી જરૂર છે?"
વસુંધરા કહે, "કેમ ના થવાય! દીપશિખા, સુતન. એ યુવાન જે કંડેશ્વરની દરેક કન્યાના મનમાં રાજ કરે છે. એ સુતન તને પ્રેમ પ્રસ્તાવ મોકલે તો વિસ્મિત ના થવાય તો બીજું શું?"
દીપશિખા જોરથી હસવા લાગી. વસુંધરાએ આગળ કહ્યું, "તો અત્યારે તું મંદિરમાં માતા પાર્વતી પાસે જેની પ્રાર્થના કરીને આવી એ સુતન માટે હતી?"
"હા."
"શું આ અંગે મણિરાજ જાણે છે?"
મણિરાજનો ઉલ્લેખ થતાં દીપશિખાના ચહેરાનો રંગ બદલાયો. તે બોલી, "હા. જેમ મેં તને જાણ કરી, એ જ રીતે એને પણ સુતનની જાણ કરી હતી."
"શું કહ્યું તેણે? તે કંઈ બોલ્યો આ વિષયમાં?"
"હા. એ તો મને કહેવા લાગ્યો કે સુતન મારે યોગ્ય નથી. હું તેને છોડી દઉં. પણ આ એની ઈર્ષ્યા હતી. મેં તેને છોડીને સુતનનો હાથ પકડ્યો એટલે આવું કહે છે. અપિતુ એ કરે શું? મને પ્રેમ કરે છે. મને ખોવાનો ડર લાગે છે એને. એટલે એ વારંવાર મને કહે છે કે હું તેને છોડીને તેનો હાથ પકડું."
વસુંધરા અનુકંપા દર્શાવતા કહેવા લાગી, "હા. બિચારાની અવદશા તો થાય જ ને. તું સુતન સાથે જશે તો એ તને કેવી રીતે જોઈ શકશે... એ વહેલી તકે તને ભૂલી જાય એમાં જ એનું ભલું છે. નહીંતર પરિસ્થિતિ વિકટ બની જશે." દીપશિખાને પણ મણિરાજ માટે અનુકંપા હતી. એટલે એ વારંવાર પ્રયત્ન કરતી હતી કે તે એને ભૂલી જાય. સાથે તે એમ પણ માનતી હતી કે મણિરાજ એક સારો વ્યક્તિ છે, એટલે તેની સાથે વધારે કોઈ વાત કરવી કે પછી એ પોતાને ભુલાવી દે, એનાં માટે સખ્તી અપનાવવી એ એને યોગ્ય નહોતું લાગતું.
જમી પરવારીને ચામવક પોતાના ખંડમાં નિદ્રા લેવાની તૈયારી કરી રહ્યો હતો. પોતાના શયન સ્થાન પાસે જઈને એ ઓશીકું વ્યવસ્થિત કરવા લાગ્યો. ઉષ્ણ ઋતુ શરૂ થઈ ગઈ હોવા છતાં શિતનો પ્રભાવ હજુ ઓસર્યો નહોતો. ચારેય બાજુ વનથી ઘેરાયેલું કંડેશ્વર નગર અર્ધરાત્રિ પછી ઠંડુગાર થવા લાગતું. આથી અગાઉ વ્યવસ્થાના ભાગ રૂપે ચામવકે ઓઢણું હાથવગું રાખ્યું અને શયન સ્થાને મૂક્યું. અંતે દીપક બુજાવવાના વિચાર સાથે એ ખંડના દીપક તરફ ફર્યો. પરંતુ એન સમયે તેને એકબાજુ બેઠેલા મણિરાજનું સ્મરણ થયું. એ પોતાની પોથી વાંચી રહ્યો હતો.
"મિત્ર, નિદ્રાનો સમય થઈ ગયો છે. કહેવાયું છે, પ્રભાતે પઠિતં સદા સહાયકં ભવતિ। (વહેલી સવારે પ્રાપ્ત કરેલું જ્ઞાન હંમેશાં સહાયક થાય છે.) માટે હવે વહેલી સવારે ઊઠીને તું આ પોથી વાંચજે. અત્યારે આરામ કર." ચામવક તેની સામે જોતાં બોલી રહ્યો.
મણિરાજે માથું ઊંચક્યું, કિન્તુ તેની વાતનો કોઈ જવાબ ના આપ્યો. ચામવક ફરી કહેવા લાગ્યો, "શું તું આવે છે? તો સૂવા માટે હું આ દીપક બુજાવું."
"તું દીપક બુજાવી દે." કહેતા મણિરાજે પોતાનું અંગ વસ્ત્ર ખભેથી સરખું કર્યું અને એ પોથીને પોતાના હાથમાં દબાવી એ બહાર જતો રહ્યો. ચામવક આશ્ચર્યથી તેને જોતો રહ્યો. પછી દીપક બુજાવી પોતે સૂવા માટે જતો રહ્યો. મણિરાજ બહાર આવી મંદિરના ઓટા પર બેસી ગયો. મંદિરના પ્રગટી રહેલા દીપક આખી રાત પ્રજ્વલિત રહેતા. એ ત્યાં આવી એ દીવાઓના પ્રકાશમાં પોથી ખોલીને બેસી ગયો. પોથી માત્ર કહેવા પૂરતી ખુલ્લી હતી. મણિરાજનું તો એમાં ધ્યાન જ નહોતું. તેનું મન, સતત દીપશિખાના વિચારોથી ભમી રહ્યું હતું.
ચિરૂપાક્ષજીના કક્ષમાં આવીને દીપશિખાએ જોયું, કે એ નિદ્રાધીન થઈ ચૂક્યા છે. તેણે તેના પગ પાસે રહેલું પોઢણીયું સરખું કર્યું અને તેના કક્ષના દીવાને બુઝાવ્યો. એ બારણું વાસી ત્યાંથી બહાર આવી. પોતાના કક્ષમાં ગઈ. સૂવા માટે પોતાના કક્ષના દીપક પણ બુઝાવ્યા. મંદિરના પ્રજ્વલિત દીપનો પ્રકાશ તેના કક્ષની ખુલ્લી બારી મારફતે દીવાલ પર પડી રહ્યો હતો. બારી બંધ કરવા એ આવી તો જોયું કે મંદિરમાં કોઈ બેઠું છે.
જાણવાના હેતુથી એ પોતાના ગવાક્ષમાં આવી. મંદિરના ઓટા પર નજર કરી, તો હાથમાં ખુલ્લી પોથી સાથે મણિરાજ બેઠો હતો. અનાયાસે બંનેની નજર એક થઈ. બંને એકબીજાને તાકી રહ્યા. મણિરાજની અણનમ આંખો જાણે તેને કહી રહી હતી કે, "આમાં માત્ર તું વસે છે દીપશિખા. આ આંખો માત્ર તારી રાહ જોઈ રહી છે." તો સામે ઊભેલી દીપશિખાની આંખો પ્રત્યુત્તર આપી રહી હતી, "જાણું છું મણિરાજ. જાણું છું કેટલો સ્નેહ ભર્યો છે તારામાં. પરંતુ એ સ્નેહનો કોઈ અર્થ નથી. મિથ્યા આશાઓનો ત્યાગ કરી દે. આમ અણનમ સ્નેહ નહીં વરસાવ. મારા માટે તું તારા મનને વ્યાકુળ ના કર."
ચામવકને સૂતા સૂતા મણિરાજની ચિંતા થઈ. આજ પહેલીવાર એ આ રીતે બહાર ગયો હતો. ચામવક તેને જોવા માટે ખંડની બહાર નીકળ્યો. બહાર નીકળતા તેણે જોયું કે મણિરાજ મંદિરના ઓટા પર બેઠો છે અને તેનું ધ્યાન ચિરૂપાક્ષજીના ઘર તરફ છે. તેણે ત્યાં નજર કરી, તો ગવાક્ષમાં ઊભેલી દીપશિખા તેને નજરે ચડી. બંને એકીટશે એકબીજા સામે જોઈ રહ્યા હતા. તે બંનેને સમજતો હતો. પણ જ્યાં સુધી મણિરાજ પાછો ના વળે, અથવા દીપશિખા પોતાનો નિર્ણય ના બદલે, ત્યાં સુધી કોઈથી કંઈ થાય એમ નહોતું, એ જાણતો હતો.
દીપશિખાએ ચામવક તરફ નજર કરી અને પછી પોતાના કક્ષમાં ગઈ અને બારી બંધ કરી દીધી. ચામવક મનમાં તે બંને માટે ચિંતિત હતો એ ખરું, છતાં જાણતો હતો કે અત્યારે તેને કંઈ કહેવું એ ન કહેવા બરાબર થશે. એથી એ પુનઃ અંદર જતો રહ્યો. પરંતુ મણિરાજ ગુમસુમ બનીને સવાર સુધી એક જ સ્થિતિમાં એ ઓટા પર બેઠો રહ્યો.